કુલપતિ એ કુલગુરુ છે  કે કહ્યાગરો કંથ ??

કુલપતિ એ કુલગુરુ છે કે કહ્યાગરો કંથ ??

કુલપતિ હોવુંઅલગ વાત છે, કુલપતિ બનવુંસદંતર નોખી વાત છે…

ભદ્રાયુ વછરાજાની      bhadrayu2@gmail.com

 ‘કુલપતિ’ શબ્દ એવો છે કે તેના શબ્દાર્થ કરતાં તેના ભાવાર્થનું અદકેરું મહત્વ છે, અને એ દ્રષ્ટિએ જોઈએ તો કુલપતિ વિશ્વવિદ્યાપીઠના ભાવજગતના વડા છે ! કુલપતિ હોવું એ હકીકતમાં to be અને to have વચ્ચેની કશ્મકશ છે. કુલપતિ ‘હોવું’ અલગ વાત છે, ને કુલપતિ ‘બનવું’ સદંતર નોખી વાત છે.  કુલપતિનું પદ હાથીની અંબાડીએ બેસવા જેવું. ત્યાં બેસી તો જવાય. સ્થાન પણ માભા અને મોભાનું; પરંતુ ત્યાં બેસીને હાથીની ચાલે પ્રગતિ કરી શકાય; વળી નીચે તો ત્યારે જ ઊતરી શકાય કે જયારે હાથી નીચે બેસે !  સીધી ઉત્પાદકતા (Direct Productivity) કંઈ નહીં; ફૂટપટ્ટી લઈને માપી શકાય તેવું કોઈ કામ નહીં, છતાં સમાજના ઉદ્ધારની જવાબદારીનું પોટલું માથે ને માથે…  

વહીવટની પોથીઓમાં ‘શું કરવું’ તે લખ્યું હોય છે, પરંતુ તે ‘કેમ કરવું’ તે લખ્યું હોતું નથી. આ વણલખેલી વાતને વાંચી જનાર ‘to have’ માંથી ‘to be’ તરફ પ્રયાણ કરી શકે છે. વહીવટ શબ્દ જ વિચિત્ર છે. કુલસચિવ વહીવટ કરે એમાં વહી ઓછી ને વટ ઝાઝો હોય એમ બને, પણવહી ભરચક્ક ને વટ આપણા સૌનોકરી જાણે તે કુલપતિ. વિશ્વકવિ ઉમાશંકર જોષી ગુજરાતના એકમાત્ર એવા કેળવણીવિદ્દ હતા કે જે ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનના કુલપતિપદે બિરાજમાન હતા. તેઓ કહેતા : જયારે બધા જ મકાનો ને ભવનો પડીને પાધર થઈ જાય પછી જે બચે તે યુનિવર્સીટી‘  કુલપતિ તે જે હળેમળે અનેકને, સાંભળે સૌને, અમલમાં મૂકે શ્રેષ્ઠને, સ્વીકારે શ્રેષ્ઠત્વને, કામ સોંપે પ્રતિબધ્ધને, શાબાશી આપે સક્ષમને, ધ્રુજાવે અલિપ્તને, સાચવી લે ફેન્સ – સીટરને અને ડામી દે અકર્તાભાવકોને ! એમનાથી પદ શોભે, પદથી પોતે નહીં. જે છોડાવી તો શકે જ, પરંતુ પોતે સ્વયં છોડી દઈ શકે. હા, કોઈક વળી હિમ્મત કરીને કૂદકો મારીને હાથીની અંબાડીને ‘ બાય બાય’  કહી દે એવું બને. કુલપતિપદેથી ખસી જવાના ગૌરવપ્રદ કિસ્સાઓ ઘણા છે. પદની ચાહત છોડી શકે છે તે જ લોકોની ચાહના મેળવી શકે છે. એમનું ભણતર એમના આત્માની ઉંચાઈ છે.  સંસ્કૃતિની ઉપનિષદ કે જ્યાં વૃક્ષની ઘટાઓ હોય, એક ઊંચો ઓટલો હોય અને દિવસ રાત ત્યાં વિદ્યાવ્યાસંગ ચાલતો હોય તો વિશ્વવિદ્યાપીઠનો આત્મા એ તેનો કુલપતિ ! અહીં લક્ષ્મી ન હોય, તો ય નારાયણ તો હોય જ…!

કુલપતિનું પદ ખરેખર તો  ગૌરવશાળી પદ છે. પ્રોફેસર તરીકે excellent knowledge મેળવી લીધા બાદ એ knowledge ને અમલમાં મૂકી શ્રેષ્ટત્વ પ્રાપ્ત કરી શકે તેવા સક્ષમ અને કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની કુલપતિ તરીકે  નિમણૂંક કરવામાં  આવતી  હતી….પણ સત્તામાં ચૂંટાઈને આવતા પક્ષોએ ખુદ એમના દ્વારા નિમાયેલ regulatory authority નાં ધોરણોને નેવે મૂકીને ‘સારા’ને બદલે ‘મારા’ વ્યક્તિઓને કુલપતિ બનાવી દેવાની ભૂંડી રમત શરુ કરી ત્યારથી ગુજરાતની રાજ્યાશ્રિત યુનિવર્સિટીઓની હાલત પ્રાથમિક શાળાઓ જેવી થઇ ગઈ છે, તેના આપણે સૌ સાક્ષી છીએ.  હાઈકોર્ટ ખખડાવીને કહે કે, ‘આ ખોટું છે’ તો પણ તેને ન ગણકારવાનો અવિવેક આજકાલ બહાદુરી ગણાવા લાગેલ છે. સરકાર અંગે ફરિયાદ કરવા જેવું નથી કારણ કે ગાંધી સ્થાપિત ભવ્ય સંસ્થામાં પણ ‘મારી વ્યક્તિ કુલપતિ બને’ તે માટે દાવપેચ ખેલાયા  અને ફલત: જે થયું તે આપણી  સમક્ષ છે. ધીરે ધીરે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં ટોચનાં સ્થાનો ઉપર પોતે જ સીધા પેરેશૂટથી જ મુખિયાઓ ઉતારવાનું નક્કી કરી રહી છે. તાજેતરમાં જાહેર થયું છે કે ડીમ્ડ યુનિવર્સિટીઓ કે જે 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવે છે ત્યાં કુલાધિપતિ અને કુલપતિ બંને દિલ્હીથી જ નિમાશે. ગાંધી સંસ્થા ભલે કહેવાતા ગાંધીજનોનાં હાથમાં ના રહી પણ એ ગાંધી સંસ્થા ઉચ્ચ  શિક્ષણમાં ધરમૂળથી બદલાવ લાવવાનું નિમિત્ત  જરૂર બની, એટલો સંતોષ લઇ શકાય. જો કે હવે તો  પ્રાઈવેટ  યુનિવર્સિટીઓ વધી રહી છે. છેલ્લા આંકડાઓ પ્રમાણે ગુજરાત કુલ 58 પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સાથે ભારતમાં નંબર વન છે.!! હવે એમાં તો કુલપતિનું શું થતું હશે તે તો ભગવાન જાણે !! એક બાબત તો નક્કી કે ઉચ્ચ શિક્ષણમાં હવે વિદ્યાર્થી કોઈનું કેન્દ્રસ્થાન નથી, ક્યાંક પૈસા તો ક્યાંક સત્તા તો ક્યાંક વળી કહેવાતાં મૂલ્યોના વાઘાઓ કેન્દ્રમાં છે. જે પગાર આપે છે તેને આધિપત્ય ભોગવવું છે, પછી તે સરકાર હોય કે સંસ્થા હોય. પગાર દેનારો કુલપતિને તો પગારદાર જ ગણે છે એટલે તેને ‘કહ્યાગરા કંથ’ ની અપેક્ષા હોય છે. 

 

‘આદિત્ય નારાયણ’ આપણા સૌના પરમપિતા છે!?

‘આદિત્ય નારાયણ’ આપણા સૌના પરમપિતા છે!?

બ્રહ્માંડની ઉર્જાનો અખૂટ અને અફાટ ભંડાર એટલે સૂર્ય આપણા પિતાઓનો પણ પિતા છે. – Father’s Day Special

ભદ્રાયુ વછરાજાની          bhadrayu2@gmail.com 

Share PDF file

અવશ્ય યાદ કરીએ આજે આપણા જન્મદાતા પિતાશ્રીને..જરૂર પ્રણામ કરીએ આપણને અસ્તિત્વમાં લાવનાર એ દેવ સમાન પિતાને.. પણ આપણે સીમિત નથી થવું હવે. Chat GPT ના જમાનામાં આપણે આર્ટીફીસીયલ નહીં, પરંતુ રિયલ ઈન્ટેલિજન્સને ઢંઢોળીને સ્મરણ પાઠવવા છે બ્રહ્માંડની ઉર્જાનો એક માત્ર સ્ત્રોત સૂર્યને. જેને આપણા શાસ્ત્રો ‘આદિત્ય નારાયણ દેવ’ કહે છે તે સૂર્ય તો આપણી શ્વાસે શ્વાસની ઉર્જાનો દ્યોતક છે. અને એટલે આજે પહેલા પ્રણામ કરવા છે કદી ન ખૂટનાર સૌર ઉર્જાના જનકને. પ્રણામ કરવા છે પહેલાં રોજ આપણે ઉઠીએ ત્યારે આપણી બારીમાંથી આપણને ‘સુપ્રભાતમ’ કહેનાર આપણા પિતાઓના પણ પિતાશ્રી એવા સૂર્યદેવને.

ક્યારેય કલ્પ્યું છે કે સૂર્ય નારાયણ એક સપ્તાહની રજા ઉપર જાય તો આપણી હાલત શી થાય ? સ્વપ્નેય વિચાર્યું છે કે એ પ્રકૃતિ ઉર્જાનો કુબેર ભંડાર તળિયાઝાટક થઇ જાય તો આપણા જીવનનું શું થાય ?? આપણને જગાડવા સમયથી પહેલાં હાજર થઇ જનાર એ પિતાને ખ્યાલ છે કે આ મારું સંતાન થાકીને લોથપોથ થયું છે પણ હું જ્યાં સુધી પ્રકાશતો રહીશ ત્યાં સુધી તે આરામ નહીં કરે, એટલે તો એ સૂર્યદેવ પૃથ્વીની બીજી બાજુના જીવોને જગાડવાનું બહાનું કાઢીને આપણાથી દૂર ભાગી જાય છે અને આપણે અંધારું થયું એમ કહીને પથારીમાં પોઢી જઈએ છીએ. ઉગતા પહોરે હાજર  થનાર સૂર્ય દિવસ ચઢવા સાથે આપણાં માથા ઉપર આવીને ઉભા  રહે છે અને આપણે લંચ લઇ થોડીવાર વામકુક્ષી કરીએ તેની કાળજી લે છે અને પછી દિવસ વીતતા ધીમે ધીમે તે ઢળતા  જાય છે ને એક નાનાં બાળકની જેમ આપણાથી છુપાઈને આખી રાત ક્યાંક ચાલ્યા  જાય છે. !!! આપણું જીવન જેની હાજરી વગર શૂન્ય બની રહે તે સૂર્ય હકીકતમાં આપણને આપણા પાલક પિતાની જ યાદ અપાવ્યા કરે છે. પપ્પાની હાજરી જ કાફી છે. પપ્પાનો સ્પર્શ જ જાણે  ઉર્જાનો વાહક છે. પપ્પાની એક નજર જ આપણો  દિવસભરનો ઉત્સાહ બની રહે છે.

આપણા પરમપિતાની થોડી શાસ્ત્રીય ઓળખ મેળવી લઈએ. શાસ્ત્રો કહે છે કે,  આપણો  દેહ પંચ મહાભુતનો બનેલો છે. અગ્નિ-વાયુ-પૃથ્વી-આકાશ અને પાણી. અહીં અગ્નિ એટલે તેજ પથ.  અગ્નિ શબ્દ  મૂળ ધાતુ અજ ઉપરથી  આવ્યો છે અને અજ એ ગતિસૂચક છે. તેજ એટલે કે અગ્નિ એ ગતિસૂચક છે. ‘અગિ ગતૌ’  જે ઉપર તરફ જાય છે તે અગ્નિ છે. અગ્નિ  એક હિન્દુ  દેવતા છે. તે અગ્નિ અથવા આગના ભગવાન છે. ઋગ્વેદમાં ઇન્દ્ર  તથા વરુણ ની  સાથે અગ્નિને પણ મહાન દેવ ગણવામાં આવ્યા છે. તેઓ અગ્નિ લોકમાં સગુણ રૂપે રહે છે. અગ્નિ તત્વ વગર અન્ય ચારેય આપણાં મહાભૂત તત્ત્વો અધૂરા છે. કારણ પ્રત્યેકમાં તેની હાજરી તો છે જ. આમ કેમ ?? એવો પ્રશ્ન થયો  ને? અગ્નિનો જનક સૂર્ય છે અને તે આપણા સૂર્યમંડળના મધ્યમાં આવેલો એક તારો  છે. પૃથ્વી તથા અન્ય ગ્રહો, લઘુગ્રહો અને ધૂમકેતુઓ  સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. સૂર્ય લગભગ ૫ અબજ વર્ષ પહેલા રચાયો હોવાનુ મનાય છે. સૂર્ય આપણી આકાશગંગાના કેન્દ્રથી ૨૫,૦૦૦-૨૮,૦૦૦ પ્રકાશવર્ષના અંતરે આવેલ છે. સૂર્યની કક્ષામાં ભ્રમણ ગતિ ૨૧૭ કી.મી/સેકન્ડ છે. ઘણી પ્રાગૈતિહાસિક અને પ્રાચીન સંસ્કૃતિઓમાં, સૂર્યને દેવતા અથવા અન્ય અલૌકિક ઘટના માનવામાં આવતી હતી. પશ્ચિમી દુનિયાના સૌપ્રથમ લોકોમાં સૂર્ય માટે વૈજ્ઞાનિક સમજણ આપવાનું એક ગ્રીક ફિલસૂફ ઍનાક્સગોરસ હતું, જેમણે દલીલ કરી હતી કે તે પથ્થર અથવા ધાતુનો વિશાળ સળગતો ગોળો છે.

વિજ્ઞાને  એવું પણ સિદ્ધ કર્યું છે કે કોઈપણ પ્રકારની ઉર્જાનો જન્મ જ સૂર્યની સૌર ઉર્જા માંથી થાય છે અને પછી તે જળઊર્જા, ગતિઊર્જા, વાયુઉર્જા, ,,વગેરેમાં પરાવર્તિત થાય છે. સૂર્ય ન હોય તો આ એકપણ ઉર્જાનું હોવું જ શક્ય જ નથી. જરા વિચારો તો,, આપણાં જીવનની ઉર્જા કોણ છે ?? આપણા પિતા છે. આપણા જીવનની ગતિ કોણ છે ?? આપણા પિતા છે. જીવનમાં આપણા રોલમોડેલ કોણ છે ?? આપણા પપ્પાજી જ છે. અસલ એવું જ સૂર્યનું છે. વિટામિન ડી નો એકધારો પ્રવાહ સૂર્યના કિરણોમાંથી વહ્યા કરે છે અને તે કિરણો આપણને સતત સુરક્ષિત રાખે છે. સૂર્યનું આ વિટામિન ડી આપણને   duty, devotion, decision, determination અને dedication થી સભર કરે છે. એ ન હોય તો મારું  અને તમારું જીવન શૂન્ય જ હોય ને  ??

પરિવારનું સુખ એકલી પત્નીની જવાબદારી છે ?

આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યક્તિનાં સાંવેગિક ઘડતરની કોઈ વ્યવસ્થા વર્ષો પહેલા નહોતી, અત્યારે પણ નથી.

ભદ્રાયુ વછરાજાની           bhadrayu2@gmail.com

અનફોર્ચ્યુનેટલી આપણા દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યક્તિનાં સાંવેગિક ઘડતરની કોઈ વ્યવસ્થા વર્ષો પહેલા નહોતી, અત્યારે પણ નથી. આપણે ‘બેટી બઢાઓ બેટી બચાઓ’ એમ બોલીએ છીએ પણ બેટીનું નિર્માણ કેમ થાય, એના માટે કોણ જવાબદાર, પતિ કે પત્ની, આ માટે XX અને XYની સમજ આપણે સ્પષ્ટ નથી કરી. મારા પરણ્યા પછી દસ બાર વર્ષે મારી પત્નીને દીકરો હું ન આપી શકું અને મારી મા જો વહુને દોષિત ઠેરવવાની હોય તો મારે કહેવું પડે કે દીકરો ન આવવા માટે મારા ક્રોમોઝોન્સ જવાબદાર છે. Don’t tell anything to my wife. આ સમજ વિકસાવવી એ સાંવેગિક ઘડતર છે.

ઘણા લોકોને એ ખબર નથી પડતી કે ક્યારે મા બાપ થઇ ગયા, તો ઘણા લોકોનો પરણવાનો એજન્ડા જ મા બાપ થવાનો હોય છે. અત્યારે એક ટ્રેન્ડ છે કે, દીકરાઓને એના ભાઈબંધોએ અને વડીલોએ કહ્યું હોય છે કે પરણ્યા પછીના છ મહિના કે એક વર્ષની અંદર તારી પત્નીને તારું સંતાન હોવું જોઈએ. આ બહુ ફેલાઈ રહેલી વાત છે. કેમ એમ ? તો કહે કે છ મહિના આઠ મહિનામાં એ ગર્ભવતી થઇ જાય એટલે એ બંધાઈ જાય અને આપણે મુક્ત થઇ જઈએ. સિતાંશુ યશ્ચન્દ્ર કહે છે કે, આપણે શું કરીએ છીએ : “ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે.” જિંદગી એટલે શું ? બસ, આ છ પગથિયાં તે જિંદગી… કેટલીયે વહુઓ આજે ઘરમાં એકલી બેઠી છે ને સંતાનને એકલી ઉછેરે છે અને ભાઈ લોગ આનંદ કરે છે !!

પરિવારનું સુખ એકલી પત્નીથી નથી હોતું. પરિવારમાં સુખી થવા માટે તો ભેગા થવાનું છે, બાકી એકલા ફક્કડ ગિરધારી સારા જ છીએ, આંટા મારો ને જલસા કરો. આપણે આપણો એક સરસ મજાનો માળો બનાવવો છે અને માળામાં પંખીઓને વસવા દેવા છે અને સાંજ પડે એ પંખીઓ માળામાં આવે ત્યાં ચહલપહલ થતી હોય એનો આનંદ લેવો છે માટે આપણે પરિવાર બનવા નીકળ્યા છીએ. લગ્ન એ પરિવાર બનાવવા માટેની એક પળ છે. નાના ગામની એક દીકરી છે. MBA ફાયનાન્સમાં સૌરાષ્ટ્રમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે. બાજુના એક ગામના સુંદર મજાના યુવક સાથે લગ્ન થયા. મુંબઈમાં ૩ BHK નો ફ્લેટ છે. સારામાં સારું ઉંચી જ્ઞાતિનું આ ફેમિલી. બધાની સંમતિથી એના લગ્ન થયા. લગ્નના દોઢ વર્ષે એ બહેન પાછા આવ્યા. ત્રણ મહિના પછી સમજૂતી થઈને પછી પાછા ફર્યાં. પાછા આવ્યા એ દરમિયાન બંને વચ્ચે સમજુતીથી એક સરસ મજાની બાળકી જન્મી છે. બાળકી દોઢ વર્ષની થઇ પછી બહેન ફરી વાર પાછા આવ્યા !!. ત્રીજી વાર બાળકી માટે થઈને એ પાછા ફર્યાં. અત્યારના એ એના બાપને ઘરે છે. બાળકી સાત વર્ષની છે. બંનેમાંથી કોઈને ખબર જ નથી કે અમારે શું પ્રશ્ન છે. છતાં બંને ભેગા નથી. બંનેને ચિંતા પેલી દીકરીની છે. આ દીકરી માટે થઈને ભેગા થવું છે, પણ એકબીજા માટે ભેગા નથી થવું. This is the reality of society. આવું એટલા માટે બને કે, નાનકડી સમજ નથી ડેવલપ થઇ બંનેની વચ્ચે. એ ક્યારે ડેવલપ થાય ? જો તમે કોર્ટિન્ગ પિરિયડમાં ઘણી બધી સ્પષ્ટતાઓ કરી હોય તો….કોર્ટિન્ગ પિરિયડ એટલે તમે પરણવા જાઓ એ પહેલાનો ગાળો.

અનફોર્ચ્યુનેટલી આપણા સમાજમાં કોર્ટિન્ગ પિરિયડ દરમિયાન એકબીજા પાત્રો એકબીજાને વધુમાં વધુ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે, રિયાલિટીનો કોઈ પ્રયાસ નથી કરતા. અને આ પ્રભાવિત કરવાના પ્રયાસમાં એટલા બધા પ્રભાવિત થઇ જાય છે કે લગ્ન પછી ખબર પડે છે કે આગળ હતું એ બધું બનાવટીયું હતું. રોજ નવું જીન્સનું પેન્ટ અને ટીશર્ટ પહેરીને આવતો હતો એ તો ભાઈબંધનું હતું, પોતાનું હતું જ નહીં.. દર ત્રણ દિવસે બાઈક બદલતો હતો એ તો કોઈકના લઇ આવતો, એના તો હતા જ નહીં. ફોરેન કન્ટ્રીઝમાં લગ્નજીવન સારા નથી, પણ સ્વસ્થ છે. (1) એ લોકો નક્કી કરી શકે કે આપણે સાથે જીવીશું. (2) એ લોકો નક્કી કરી શકે કે આપણે સાથે જીવીશું પણ બાળક નહીં હોય. (3) એ લોકો નક્કી કરી શકે કે બાળક હશે પણ આપણે લગ્ન નહીં કરીએ… આ ત્રણેય પગલાં બહુ મોટી સમજ માંગે છે. આપણે તો મૈત્રી કરારની છૂટ આપ્યા પછી પણ એમાં નિષ્ફ્ળ ગયેલા લોકો છીએ.

પરિવાર તો સુખી થવા માટે જ હોય છે ને ??

જેને પરણીએ તેને તો પછી પ્રેમ કરવો એ એક આવશ્યક શરત બની રહે છે. 

ભદ્રાયુ વછરાજાની           bhadrayu2@gmail.com 

ગાયનું ચોખ્ખું દૂધ અથવા  ગાયનું શુદ્ધ ઘી એવું કહેવું પડે કે લખવું પડે એટલો તો કળિયુગ આવ્યો જ સમજવો. કારણ ગાયનું  દૂધ તો ચોખ્ખુ જ હોય ને ?. ગાયનું  ઘી તો શુદ્ધ  જ હોય ને !!  ચોખ્ખું કે શુદ્ધ એવા વિશેષણ લગાડવાની જરૂર જ નહીં. 

બસ, એમ જ આપણે “એનો પરિવાર સુખી છે”,  એવું પણ કહેવા ટેવાયેલા છીએ.  પરિવાર સુખી છે,   એમ શા માટે કહેવું પડે ? આપણે સુખ મેળવવું છે એટલે તો પરિવાર રચીએ છીએ. કોઈપણ વ્યક્તિને દુઃખી થવું હોય એટલે  પરિવાર બનાવતો હશે ?? આ વિવાહનો આખો જે પ્રસંગ છે એની  સંકલ્પના જ ખુબ  સુંદર મજાની છે.  

Arranged Marriage કરનારા કે પ્રેમ લગ્ન કરનારાઓએ   યાદ રાખવા જેવું છે કે,  જગતમાં જેટલું સારું તેટલું ગમે એવું જરૂરી નથી,  જેટલું ગમે તેને ચાહવું તેવું જરૂરી નથી,  જેટલાને ચાહીએ તેટલાંને પ્રેમ કરવો જરૂરી નથી,  જેટલાને પ્રેમ કરીએ તે બધાને પરણી શકાય એવું શક્ય  નથી . પણ જેને પરણીએ તેને તો પછી પ્રેમ કરવો એ એક આવશ્યક શરત બની રહે છે. લગ્ન નામના વિષયનું આ કવેશ્ચન પેપર એવું છે કે પહેલાં ઓપશન  છે. પણ તમે અભિમન્યુના કોઠાના પહેલા  દ્વારમાં પ્રવેશ્યા પછી તમારું જે થવું હોય તે થાય પણ ટકી જ રહેવું પડે એવી સમાજની અપેક્ષા છે.

પરણીએ એટલે ગંભીર થઇ જવાની પણ જરૂર નથી. ઘણા લોકો તો બહુ ગંભીર થઇ જાય છે. આપણો  સમાજ એવો છે. લગભગ  માતાઓએ એની દીકરીને કહ્યું છે કે,  સાસરે જા તો ધ્યાન રાખજે. અને એમાંય સસરાથી તો આઘી જ રહેજે. સાસુ છે એનું બધું સાંભળજે,  પણ જરા ધ્યાન રાખજે. ઘણું ખરું સાસુઓ કોઈની સારી હોય નહીં. મા એ એની દીકરીઓને આવું સીધું ન કીધું હોય તો આડકતરું  પણ કહી કીધું છે. છેવટે ઈશારામાં કીધું છે. 

આપણે બધી તૈયારી કરીએ છીએ પણ  માનસિક રીતે મારી દીકરી કોઈને સમર્પિત થઇ રહી છે એના માટેની તૈયારી કઈ ? સાંવેગિક રીતે એક દીકરી કોઈ પુરુષને સમર્પિત થવાની છે, ત્યારે  ઇમોશનલી સાઉન્ડ થવાય એના માટે કઈ ટિપ્સ આપણે આપીએ છીએ ?? આણું તૈયાર કરો છો, લગ્નની બધી જ તૈયારી કરો છો, રિસેપશનમાં શું રાખવું, જમણવારમાં શું રાખવું એ નક્કી કરો છો. પણ દીકરીને કોઈ દિવસ તમે ઘડી છે  કે, ‘બેટા આ ઘર છોડવાનું થશે ત્યારે બીજું ઘર સ્વીકારવાનું થશે.’ આપણે કોઈ દિવસ એમ કહ્યું છે કે,  ‘બેટા અહીંથી બાપ જશે ને  ત્યારે સામે પણ એક બીજો બાપ હશે. અહીંથી મા જશે ને ત્યારે સામે પણ એક મા હશે,  સાસુ નહીં હોય, મા હશે. આપણે એવું કહ્યું છે કે,  તારો ભાઈ અહીંયા છે એવો જ એક દિયર ત્યાં હશે એ પણ તારો ભાઈ હશે. અહીંયા બહેન છે એવી ત્યાં નણંદ નહીં હોય પણ એક બીજી બહેન હશે. જો તમારા કપડાં અહીંયા તમારી બહેન શેર કરી શકતી હોય, જો તમારા ઘરેણાં તમારી બહેન શેર કરી શકતી હોય તો સાસરે જાઓ ત્યાં નણંદ પણ શેર કરી શકે.  આ સાંવેગિક ઘડતર છે. પ્રશ્નો બધા અહીંયા છે. આપણે તો કહી રાખ્યું હોય છે કે ધ્યાન રાખજે સસરો ગમે તેમ તો એ પુરુષ કહેવાય. એનાથી દસ ફૂટનું અંતર રાખવું. એટલે આપણી દીકરી વહુ તરીકે દાખલ થાય  ત્યારે સસરામાં કોઈ પુરુષ જ દેખાવા લાગે. બાપ ન દેખાય, તેમ જ સાસુમાં મા ન દેખાય.

પરિવાર ઘડતર માટે  જરૂરી  સાંવેગિક વલણો  માટે કોઈ  સેમિનાર થતા નથી. અરે, આવી ચર્ચા પણ કોઈ કરતું નથી. આપણી સગી દીકરી માટે આવી ચિંતા આપણે કદી કરી નથી. હા, અગાઉના સમયમાં આવી જરૂરત પડતી નથી,  સંયુક્ત કુટુંબમાં આપણી દીકરી ભાભીને પૂછતી ને  પરણ્યા પછી શું કરાય ને શું ન કરાય એની બધી વાતો શેર કરતી. હવે તો આપણા ન્યુક્લિયર ફેમિલી છે. પૂછે કોને અને કહે કોને  ? પૂછે તો એનો અનુભવ કેટલો ? એ તો સમવયસ્ક છે એટલે એ પણ ‘કહી કહાઈ અને સુની સુનાઈ’ બાત ઉપરથી વાત નું વતેસર કરે છે. ‘ધ્યાન રાખજે હો, મારી સાસુમા પણ અઘરી  છે,’ આવું એક બહેનપણી કાનમાં કહી દે એટલે પત્યું.  (ક્રમશઃ) 

શું દુઃખ શોધવું પડે તેમ છે..??

દાદુએ કોઈમ્બતુરના વૃદ્ધાશ્રમમાં રહેવાનું જાતે પસંદ કર્યું છે. ત્યાં દાન આપી બે રૂમ બંધાવી આપ્યાં છે, પોતાનાં મા બાપ અને પોતાનાં પત્નીની સ્મૃતિમાં ! 

ભદ્રાયુ વછરાજાની           bhadrayu2@gmail.com 

“ચલો આજ ફિર મિટ્ટીસે ખેલતે હૈં, હમારી ઉમ્ર હી ક્યાથી જો દિલોં સે ખેલ બૈઠે ??”

તમે આવ્યા હતાં એકલા. બસ એમ જ, તમે જવાના પણ એકલા.  આ જીવન યાત્રામાં વચ્ચે કોઈ સહપંથી મળી જાય તો મજા મજા. પણ એ સંગાથને  કાયમી ગણી લેવાની ભૂલ કરવા જેવી નથી. યાત્રા શરૂ કર્યા પહેલાની સ્થિતિ પાછી આવી જ જવાની છે. રસ્તા ફંટાશે જ, દુન્યવી નહીં તો પરલોકના. વચ્ચે કોઈ મળી ગયું ને તેને કાયમી સાથ માની બેઠા તે ભૂલ નિયતિની નથી. 

પંચોતેર વર્ષ વટાવી ચૂકેલા દક્ષિણ ભારતીય દાદુ એક ટૂરમાં એકલા અટૂલા જોડાયા. ટૂરમાં ત્રીસેક લોકો હતાં. કેટલાંય હનીમૂન કપલ્સ પણ હતાં. બધા પોતપોતાની મસ્તીમાં હતાં. કલબલાટ – શોરબકોર – ધીંગામસ્તી – હસી મઝાક કરવામાં સૌ વ્યસ્ત ! પેલા દાદુને પોતે એકલા હોવાનો અહેસાસ નહીં. બધા સાથે જોડાય જાય, વળી ક્યાંક આગળ એકલા ચાલવા લાગે. વિદેશી ગાઈડ લેડીને દાદુ ચિત્રવિચિત્ર પ્રશ્નો પણ પૂછે અને ખડખડાટ હસી પણ પડે. ત્રણ દેશોની ટુર હતી. દાદુ રૉપ વે કે રાઈડની સવારીમાં કોઈ કપલની બાજુમાં તો કોઈ ટેણીયા બાળકોની બાજુમાં ગોઠવાય જય. સૌને ફોટા પાડી દે અને પછી પોતાનો નાનકો કેમેરો પકડાવી પોતાનો ફોટો ખેંચાવી પણ લે. ફુકેત અને ક્રાબી ટાપુ પર દાદુ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરી દરિયા સાથે દોસ્તી કરી લે અને જે ભાવે જે ફાવે તે પોતે ખાઈ પણ લે. આ એકલરામ ચાર પાંચ દિવસમાં સૌનું ‘સેન્ટર ઓફ એટ્રેક્શન’ બની ગયાં. અમારી પાછળની સીટમાં દાદુ હંમેશા બેસે, એટલે મારી ચેરને પુશબેક કરું તો દાદુ પાછળથી ટહુકો કરે : રિમેમ્બર, આઈ એમ હિયર, આઈ વુડ લાઈક ટુ લિવ...’ અને પછી ખડખડાટ હસી પડે. અમારી દોસ્તી થઈ ગઈ. મલેશિયાના રમણીય ગૅન્ટીગ આઈલેન્ડ પરના થીમ પાર્કની લગભગ બધી જ રાઈડસમાં દાદુ અમારા બંનેની સાથે બેઠા, ચિચિયારી કરી, હસ્યા અને ઉછળ્યા. અરે, બાળકો માટેની બેબી ટ્રેનમાં પણ અમે સૌ બેઠા, ફર્યા અને બાળક બની ગયાં ! દાદુની જીવનયાત્રાના સહયાત્રીએ વિદાય લીધી છે એટલે દાદુ એકલા હતાં પણ અમારી આ ત્રણ દેશોની ટૂરમાં દાદુ અમને બંનેને મળેલા સહયાત્રી હતાં. 

એન. નારાયણન ચેટ્ટીયાર એનું નામ. ચેન્નાઈમાં જીવ્યા છે. માત્ર ઓલ્ડ એસ.એસ.સી. પાસ થઈ ટેલિફોન સર્વિસમેન તરીકે સરકારી નોકરીમાં જોડાયા. પરણ્યા પછી લાગ્યું કે આમ ટૂંકા પગારમાં જિંદગી કેમ નીકળી શકે ? નોકરી કરતા ગયા, ભણતા ગયા ને નોકરીમાં આગળ વધતા ગયાં. A M E I થયા, ઈજનેર થયા. સર્વિસમેનમાંથી ક્લાસવન ઓફિસર સુધી પહોંચ્યા અને ઉચ્ચ અધિકારી તરીકે નિવૃત થયા. શ્રીમતી દાદુ એટલે શ્રી લક્ષ્મી સાથે દાદુ ભરચક્ક જીવ્યા. હર્યા – ફર્યા – જીવન માણ્યું. પત્નીએ બાર વર્ષ પહેલાં પરલોકનો માર્ગ પકડ્યો. દાદુને બે દીકરી. એક જમાઈ આઈ.ટી.ઈજનેર તો એક જમાઈ એલચીનો થોકબંધ વેપારી. આખા આંધ્ર અને તમિલનાડુને  એલચી પૂરી પાડે. બધા બહુ સુખી. દાદુએ કોઈમ્બતુરના વૃદ્ધાશ્રમમાં રહેવાનું જાતે પસંદ કર્યું છે. ત્યાં દાન આપી બે રૂમ બંધાવી આપ્યાં છે, પોતાનાં મા બાપ અને પોતાનાં પત્નીની સ્મૃતિમાં ! હવે તિરુપતિના વૃદ્ધાશ્રમમાં વધુ એક રૂમ દાન આપી બંધાવી રહ્યા છે, પોતાનાં ચાર સંતાનોની સ્મૃતિમાં ! ચાર સંતાન એટલે બે દીકરી + બે જમાઈ ! મલેશિયાના ટવીન ટાવરમાં ફરતા ફરતા દાદુ ભૂલા  પડી ગયેલા. તેને ખોટે રસ્તે વળતા હું જોઈ ગયો ને મેં રાડ પાડી દાદુને બોલાવ્યા. એ કશું બોલી ન શક્યા. પણ બંને હાથ લંબાવી ગળે વળગી પડયા. બીજે દિવસે અમારી ટુર પૂરી થતી હતી. દાદુ અમારા રૂમ પર આવ્યા. આત્મીયતાથી કુટુંબની વાતો કરી, પોતાના મોબાઈલમાં કુટુંબના ફોટા દેખાડ્યા. ઉઠતાં ઉઠતાં બોલ્યા : ‘આખી ટૂરમાં ગઈકાલે હું મૂંઝાય ગયેલો. નિરાશ થઈ ગયેલો અને હું એકલો છું એવું લાગેલું. ત્યાં તમે સાદ દીધો. મને થયું ના, કોઈક છે, જે મારી સાથે છે. પ્રોફેસર, આઈ બીલીવ ઈન ઈટ. થેન્ક ગૉડ’  અમને હેપ્પી જર્ની કહી દાદુ ગયા. હું તેમને ‘આવજો’ કહેતી વખતે થોડી વખત કંઈ બોલી ન શક્યો, જો કે બોલવાની જરૂર પણ ક્યાં હતી ? મને ફરી  સમજાયું કે જિંદગી અહીં છે, સંતોષ અહીં છે ! સુખ ચોતરફ છે. દુઃખ શોધવું પડે તેમ છે..! 

શું જિંદગીનો સંતોષ અહીં જ છે ?

તમે ‘હા’ કહો તો, જગત હકારમાં સૂર પૂરાવશે જ…

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

જિંદગી એક યાત્રા છે. સામાન્ય રીતે યાત્રામાં સાથીદાર હોય તો વધુ મઝા આવે એવી આપણને ટેવ પડી ગઈ છે. અને તેથી જ એ ટેવને સાર્થક બનાવવા માટે તમે એક સહયાત્રીની શોધમાં હો છો. ઘણી બધી વાર એ સહયાત્રી યાત્રા શરૂ થાય ત્યારથી સાથે નથી જોડાતા, તમારી યાત્રા દરમિયાન એ અચાનક સાથે થઈ જાય છે. અને હા, કદાચ યાત્રાના આરંભથી એ સાથે હોય તો પણ તમને તેમનો પરિચય નથી હોતો. એ એમની અને તમે તમારી મસ્તીમાં યાત્રા શરૂ કરો છો. અપરિચિતોનો સંગાથ ક્યારે પરિચયની પગદંડીએ ચાલવા લાગે છે તે બેમાંથી કોઈને સમજાતું નથી. પણ આની જ તો મજા છે. ગણી બધી વાર તો એવું બને કે, નામ સાંભળ્યું હોય, આછી પાતળી ઓળખાણ પણ હોય… બંનેના ચહેરા અલગ અલગ બારીમાંથી જુદાં જુદાં આકાશ નિહાળતાં હોય… પરંતુ કોઈ એક પળે જરાક તરાક પરિચય થાય અને પછી આવી પળો કલાકો, દિવસો અને વર્ષોમાં પલટાતી જાય. થોડાક સમયમાં તો એમ જ લાગે કે જાણે આપણે સાથે જ આવેલા, સાથે જ જીવવા માટે. આરંભમાં દ્વિધા સાથે આ વાત મનમાં ડોકિયું કરે પણ પછી તો વ્હેમ પ્રેમમાં પલટાવા લાગે. ભાવ જાગે કે, આપણે તો ‘મેઈડ ફોર ઈચ અધર’ છીએ. આપણું આકાશ એક જ. આપણી હૂંફ પણ એક જ. આપણા શ્વાસ પણ જાણે એક જ. આશા બંધાવા લાગે. અપેક્ષા થવા લાગે. મારું તે તારું, તારું તે મારું, ની લાગણી પ્રબળ થતી જાય. એક જ ભાવના સર્વત્ર થવા લાગે કે : ‘જિંદગી અહીં છે, સંતોષ અહીં છે.’

અહીં જ યાદ રાખવાનું રહે કે જિંદગી એક યાત્રા છે, તેને સાર્થક બનાવવા માટે તમે એક સહયાત્રીની શોધમાં હતાં. સહયાત્રી અચાનક જ સાથે થઈ ગયાં છે. પણ એ ભળવું ન જોઈએ કે સહયાત્રીને પણ પોતાની એક યાત્રા છે. જેમ તમે યાત્રા શરૂ કરતાં પહેલાં તમારો યાત્રાચાર્ટ બનાવેલો તેમ એમણે પણ એક નીજી યાત્રાચાર્ટ બનાવેલો. એણે ક્યાં રોકાવું અને કેટલું રોકાવવું અને ક્યાં કેટલું માણવું તે વિચારી રાખેલું. યાદ રાખવું પડશે કે તમે તમારા સહયાત્રીના શિડ્યુલને ડિસ્ટર્બ કરશો તો તમારો સંગાથ જામશે નહીં. એને કશુંક પોતીકું લાગે છે, તો તમને કંઈક બીજું વ્હાલું લાગે છે. બંને મુક્ત હતાં નહીં, બંને હજુ પણ મુક્ત છો જ. તમે ‘હા’ કહેશો તો જગત હકારમાં સૂર પુરાવશે. તમારો નકાર જલ્દીથી પડઘાશે નહીં. એક સત્ય છે કે સકારાત્મકતાને તેના તરંગો છે અને નકારાત્મકતાને તો ધસમસતાં મોઝાં છે. તરંગો હળવા ફૂલ હોય છે, મોઝાં ખાનાખરાબી સર્જવા ટેવાયેલ છે. યાત્રાનો વણલખ્યો નિયમ એ છે કે : ‘તરંગો ઝાઝાં અને મોઝાં ઓછાં હોવાં જોઈએ.’ આ નિયમનું પાલન કરવાથી જ યાત્રા મોજીલી બને છે. જો કે, જવાબદારી બંનેની બને છે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવાની.. અને સદાકાળ ન ભૂલવા જેવું સત્ય એ છે કે તમે બંને જેમ અચાનક સહયાત્રી બની ગયાં છો, એમ જ અચાનક તમારા યાત્રા માર્ગો અલગ પણ થઈ જવાના છે.

તમે આવ્યા હતાં એકલા. બસ એમ જ, તમે જવાના પણ એકલા. આ જીવન યાત્રામાં વચ્ચે કોઈ સહપંથી મળી જાય તો મજા મજા. પણ એ સંગાથને કાયમી ગણી લેવાની ભૂલ કરવા જેવી નથી. યાત્રા શરૂ કર્યા પહેલાની સ્થિતિ પાછી આવી જ જવાની છે. રસ્તા ફંટાશે જ, દુન્યવી નહીં તો પરલોકના. તમને વચ્ચે કોઈ મળી ગયું ને તમે તેને કાયમી સાથ માની બેઠા તે તમારી ભૂલ, નિયતિની નહીં. નિયતિ તો બધા સાથે આમ જ વર્તે છે. તમારી યાત્રામાં સહપંથી ન મળ્યો હોત તો તમે દુઃખી થવા થોડા આવ્યા હતાં ? તો હવે સહપંથીનો માર્ગ બદલાય ગયો તો તેમાં પણ દુઃખી થવાનું કારણ શું ? Life is a journey. Journey have many stations. From each station some may join, some may depart. જિંદગી એક યાત્રા છે. ચાલતી રહે તેને યાત્રા કહેવાય. આપણે અપરિચિતો હતાં અને આપણે અપરિચિત બની જવાનું છે. બસ, પરિચિતમાંથી અપરિચિત બની જવું એ જ તો જિંદગી છે. તમે એકલા છો એવું તમે માનવા નહીં, પણ માણવા લાગો તો સર્વત્ર સૌ તમને તમારા જ દેખાશે. ન કોઈ પારકું, કોઈ પોતાનું.

આપણું શરીર જીવતું, જાગતું, બોલતું, ચાલતું, ખાતું,પીતું કમ્યુટર જ છે ??

આંતરિક જાતીય લક્ષણો આપણાં શરીરમાં થતા નિશ્ચિત અંતઃસ્ત્રાવોને લઈને વિકસે છે, તેથી એકતા સ્ત્રીની જેમ વર્તે છે અને મંથન પુરુષની જેમ…

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

આપણું શરીર ઈશ્વરની ઈચ્છાથી ભલે ઘડાયું પણ આપણાં શરીરનું વિજ્ઞાન સમજવા જેવું છે. ખુબ જ જટિલ યંત્ર છે, આપણાં કમ્પ્યુટર જેવું જ… આપણું શરીર ઈશ્વરે બનાવેલું જીવતું જાગતું, બોલતું, ચાલતું, ખાતું,પીતું કમ્યુટર જ છે !… જો માણસે બનાવેલા નિર્જીવ કમ્પ્યુટર પાસેથી ધારીએ તે કામ લઈ શકાય તો પછી જીવંત કમ્પ્યુટર જેવા આપણાં શરીરની રચનાને સમજીને ધારીએ તેવું કામ તેની પાસેથી લઈ શકીએ… વાત ગળે ઊતરે તેવી છે ને ?
માણસની બે જાતિ: નર અને માદા, એટલે કે પુરુષ અને સ્ત્રી. જાતિ નક્કી કરવા જાતીય લક્ષણો શરીરમાં મુકાયાં.. પુરુષનો અવાજ ઘાટો, ચહેરા પર મૂંછ, ખભ્ભા ચોરસ, સ્તનનો વિકાસ નહીં, તેનું ચાલવું, બોલવું, વર્તવું બધું અક્ક્ડ, કડક, પ્રભાવશાળી. સ્ત્રીનો અવાજ તીણો, ચહેરા પર મૂંછ નહીં , ખભ્ભા ગોળ, ઉંમરના વધવા સાથે સ્તનનો વિકાસ, તેનું ચાલવું, બોલવું, વર્તવું, બધું નરમ, મૃદુ, સૌંદર્યસભર. આ થયા પુરુષ અને સ્ત્રીના બાહ્ય જાતીય લક્ષણો…સ્ત્રી અને પુરુષમાં આંતરિક જાતીય લક્ષણો અને તેની અસરો અને તેના કાર્યો પણ જુદાં જુદાં… આ આંતરિક જાતીય લક્ષણો આપણાં શરીરમાં થતા નિશ્ચિત અંતઃસ્ત્રાવોને લઈને વિકસે છે, તેથી એકતા સ્ત્રીની જેમ વર્તે છે અને મંથન પુરુષની જેમ…

ખરેખર તો પાંચમા ધોરણથી આપણાં શરીરનું વિજ્ઞાન સમજવાનું શરૂ કરવું જોઈએ. ‘આપણાં શરીરમાં કોષોનો સરવાળો થાય તો પેશીઓ બને. અમુક કામ માટે પેશીઓ ભેગી થાય અને અંગો બને. અંગો ભેગા થાય તેમાંથી તંત્ર બને.. જેમ કે લોહીને શરીરમાં ફેરવનારા અંગોના સરવાળાથી રુધિરાભિસરણ તંત્ર બને…અને આવાં બધા તંત્રો ભેગા થાય અને એક સાથે પોતે પોતાનું કામ કરે ત્યારે શરીર બને…’ આ તો ટૂંકમાં સમજાવ્યું. પણ આપણાં સંતાનોએ તો તેનો વિગતે અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ કરવા માટે વિજ્ઞાન અને તેમાં પણ જીવવિજ્ઞાન અને તેમાં પણ આપણાં માનવશરીર તંત્રો વિશે વિગતે જાણવું જોઈએ, વાંચવું જોઈએ, આપણાં વ્હાલાં ટીચરને પૂછવું જોઈએ. મમ્મી મૂડમાં હોય ત્યારે મમ્મીને પણ ન સમજાય તે પૂછી નાખવું જોઈએ… મમ્મી મોટી સ્ત્રી છે, એટલે ખબર છે કે છોકરીમાંથી સ્ત્રી કેમ થવાય…

…અને છેલ્લી વાત. આપણાં સંતાનને અનેક પ્રશ્નો થવા જોઈએ: આપણું પ્રજનનતંત્ર કેમ કામ કરે છે ? માસિક સ્ત્રાવ થવાના કારણો ક્યાં, તેની પાછળનું જીવવિજ્ઞાન કયું ? સ્તનગ્રંથીનો વિકાસ ક્યારે થાય છે, શા માટે થાય છે ? પુરુષનાં પ્રજનન અંગો અને સ્ત્રીનાં પ્રજનન અંગો ક્યાં છે અને તેમાં ભેદ શો છે ? મારો જન્મ કેવી રીતે થયો છે ? ભવિષ્યમાં મારાં દ્વારા બાળકનો જન્મ થવાની આખી પ્રક્રિયા ખરેખર શું છે ? બાળક જન્મે તે છોકરો હોય કે છોકરી, તેના માટે કોણ જવાબદાર, પતિ કે પત્ની ? દીકરો જન્મ્યો કે દીકરી જન્મી તેના માટે રંગસૂત્રોની ગોઠવણીનું વિજ્ઞાન શું છે ? આવાં અનેક મૂંઝવતા પ્રશ્નો જાણી લીધા બાદ જ ખરેખર વ્હાલી શાળા છોડવી જોઈએ. કારણ નિશાળ છોડ્યા પછી આ બધા પ્રશ્નોના જવાબો કોઈ આત્મીયતાથી આપે એવું ઓછું બનશે.

મિત્રો, તમારી ચિંતા કરવાનું કારણ સ્પષ્ટ છે. આપણી દીકરી ભવિષ્યની સ્ત્રી છે, ભાવિ માતા છે , આવતીકાલના કુટુંબને ઘડનારી નારી છે. અને એ જે છે તથા એ જે થશે તેમાં તેની તેનાં શરીર પ્રત્યેની જાણકારી ખૂબ જ આવશ્યક છે. શરીરનું વિજ્ઞાન જેટલું વધુ સમજૉયું હશે તેટલું જીવન સુખભર્યું હશે. તમને વિચાર આવશે કે, હું શરીરની જ ચિંતા કેમ કરું છું ? પણ (૧) શરીર વિશેની સમજ જેટલી પાક્કી હશે તેટલા મનમાં પ્રશ્નો ઓછા. (૨) મનમાં શરીર વિશેના પ્રશ્નો જો ઓછા તો બુદ્ધિને બીજું વિચારવાની છૂટ મળશે. (૩) બુદ્ધિ પ્રશ્નોથી મુક્ત થશે તો તે ચેતનાને ઉજાગર કરવા કામ કરી શકશે અને (૪) તમારી ચેતનાના પ્રદેશ સુધી તમે પહોંચી શકશો તો જ તમને જીવનનો પરમ આનંદ પ્રાપ્ત થશે… યાદ રાખો : જ્યાં સુધી શરીર સંતોષાતું નથી ત્યાં સુધી મનમાં ઉદ્વેગ રહે છે. જ્યાં સુધી મન ઉદ્વેગપૂર્ણ હોય છે ત્યાં સુધી બુદ્ધિ સ્થિર થતી નથી. જ્યાં સુધી બુદ્ધિ સ્થિર થતી નથી ત્યાં સુધી તે ચેતનામાં પરોવાતી નથી અને ચેતના જાગૃત ન થાય તો જીવનનો આનંદ ક્યાંથી પ્રાપ્ત થાય ? બોલો, પરમ આનંદ સિવાય જીવનમાંથી બીજું મેળવવા જેવું શું છે ? છે જવાબ ?

મને ‘માનવ’ હોવાનો અર્થ ખબર છે ?

પુરુષ અને સ્ત્રીમાં ક્યાં ભેદ છે ? પુરુષનાં અને સ્ત્રીના લક્ષણો ક્યાં ? પુરુષ ‘પુરુષ’ શા માટે અને સ્ત્રી ‘સ્ત્રી’ શા માટે? આ બધું ક્યાં કોઈ સમજાવે છે ?

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

મને ‘માનવ’ તરીકે અવતાર મળ્યો, તેનો ખરેખર અર્થ શો ? બીજા પ્રાણીમાં અને મારામાં તફાવત શો છે ? મને ‘માનવ’ હોવાનો ભેદ ખબર છે ?

માણસ પાસે એક વધારાનો ત્રીજો વિકલ્પ છે. પ્રાણી કોઈપણ બાબતમાં બે જ માર્ગ અપનાવી શકે : કાં તો હા, કાં તો ના… એટલે કે હકારાત્મક અથવા નકારાત્મક. જયારે માણસ પાસે હા અને ના ઉપરાંત વિકલ્પ સૂચવવાનો પસંદગીનો ત્રીજો માર્ગ પણ છે. ઉદાહરણથી સમજીએ : કૂતરાને રોટલી આપો તો કાં તો એ ખાઈ જશે અથવા તે રોટલી નહીં ખાય… જયારે કોઈ માણસને રોટલી આપશો તો તે (૧) ખાઇ જશે અથવા (૨) નહીં ખાય અથવા (૩) તે રોટલીના બદલે રોટલો કે ભાખરી કે થેપલું માંગશે… માણસ પાસે રહેલ આ વધારાનો ત્રીજા વિકલ્પ એ ઈશ્વરે માનવને આપેલી વિશિષ્ટ ભેટ છે.

હા કે ના ઉપરાંત કંઈ કહેવું હોય તો ઊંડાણથી વિચારવું પડે. વિચારવું એટલે ખાસ પ્રયાસપૂર્વક બુદ્ધિને કામે લગાડવી. વિચારવું એટલે મનને કસરત કરાવવી. આપણા શાસ્ત્રો તો કહે છે : | વિચાર પ્રવાહઃ ઈતિ મનઃ | વિચારોનો પ્રવાહ એ જ મન છે. વિચારે જ નહીં, તેવું મન શા કામનું ? આપણને વિચાર આવવો જોઈએ કે મને ‘માનવ’ તરીકે અવતાર મળ્યો તેનો ખરેખર અર્થ શો ? સાદો જવાબ તો એવો મળે છે કે, મને જન્મ આપનાર પરમપિતાની ઈચ્છા છે કે હું માણસ થઈને જીવું. હું માનવી સાચો માનવ થાઉં તોમારો માણસ તરીકે જન્મ સાર્થક.

મનમાં વળી સળવળાટ થશે કે હું માણસ તો છું, તેમાં વળી હું પુરુષ હોઉં કે હું સ્ત્રી હોઉં તો તેનો અર્થ શો ? મને પુરુષનું શરીર આપ્યું, પુરુષ જેવાં લક્ષણો આપ્યા એટલે હું પુરુષ…? અથવા તો મને સ્ત્રીનું શરીર આપ્યું અને સ્ત્રી જેવા લક્ષણો આપ્યા એટલે હું સ્ત્રી….? હું પુરુષ હોઉં તો મારે પુરુષ થઈને જીવવું જોઈએ અને જો હું સ્ત્રી હોઉં તો મારે સ્ત્રી થઈને જીવવું જોઈએ. મને જન્મ આપી પૃથ્વી પર મોકલનારની ઈચ્છા જે છે તે મારે પરિપૂર્ણ કરવાની છે, એ નક્કી… હવે મોટો પ્રશ્ન : …. પણ મને ખબર છે ખરી કે પુરુષનાં લક્ષણો ક્યાં અને શા માટે છે ? અથવા સ્ત્રીના લક્ષણો ક્યાં અને શા માટે છે ? હું નાનેથી મોટો થાઉં એમાં મને આ બધું ક્યાં કોઈ સમજાવે છે ? ઘરમાં દીકરી મીનાક્ષી નાની હતી ત્યાં સુધી તેના સ્ત્રી હોવા વિશે કોઈને બહુ ચિંતા ન હતી, પરંતુ મીનાક્ષીના મમ્મી – પપ્પા એલર્ટ થયા મીનાક્ષી જરા વધુ મોટી થઈ કે તરત જ…. મીનાક્ષી પાંચમા છઠ્ઠા ધોરણમાં
આવી કે સૌ તેને કહેવા લાગ્યા : ‘હવે તું મોટી થઈ ગઈ છો, છોકરીની જાત છો, જરા ધ્યાન રાખજે. સંભાળજે. હવે તારે છોકરીઓની સાથે જ રમવું, છોકરાઓથી જરા આઘા રહેવું..’ મીનાક્ષી તો મૂંઝાઈ ગઈ. વિચારવા લાગી કે, ‘આમ અચાનક હું મોટી કેવી રીતે થઈ ગઈ ? મારા શરીરમાં એવું તે શું બન્યું કે હું સૌ માટે ચિંતાનો વિષય બની ગઈ ? હજુ ગઈકાલ સુધી તો રમેશ, કાર્તિક, રસિક, મંથન અને રસીલાની ટોળી સાથે ધીંગામસ્તી કરતી ત્યારે કોઈને કંઈ ચિંતા ન હતી, એ હવે કહેવા લાગ્યા કે તું છોકરી છો, છોકરાઓથી આઘી રહેજે ! મને તો કંઈ સમજાતું નથી… આ મોટા થવું એટલે શું ? પણ હું કોને પૂછું ? મમ્મી પપ્પાને પૂછું તો તેઓ ગુસ્સે થઈ જાય અને મારાં ટીચર તો જાજરમાન છે કે તેની નજીક જતાં મને ડર લાગે છે… શું કરું ? મારી જીગરી દોસ્ત રસિલાને પૂછું, પણ એને પણ મૂંઝવણ તો છે જ, એ વળી મને શો માર્ગ બતાવશે ? પેલો મંથન મારો પાક્કો દોસ્ત છે. તેને પૂછું ? ના રે બાપા ના., એ તો છોકરો છે એને તે વળી પૂછાય ?’ આ ઉંમરના અનેક જેવી મીનાક્ષી મૂંઝવણ અને તનાવના ચક્કરમાં ફસાઈ ગઈ કારણ તેને ખબર નથી કે, પુરુષ અને સ્ત્રીમાં ક્યાં ભેદ છે ? પુરુષનાં અને સ્ત્રીના લક્ષણો ક્યાં ? પુરુષ ‘પુરુષ’ શા માટે અને સ્ત્રી ‘સ્ત્રી’ શા માટે ? અમુક ઉંમરે પુરુષથી સ્ત્રી કેમ દૂર રહેવા લાગે છે ? (ક્રમશ:)

રાજાશાહીમાં પણ લોકશાહી સરીખું શાસન ??

ભૂપ ભાનુ સમ હોઈચરિત્રાત્મક નાટક શાસકો માટે શાસન પ્રણાલીની આચારસંહિતા સમાન છે.

 ભદ્રાયુ વછરાજાની         bhadrayu2@gmail.com 

સંત શ્રી તુલસીદાસજીએ લખેલું : 

બરષત-હરષત લોગ સબ, કરષત લખૈ ન કોઈ,

તુલસીપ્રજા સુભગ તેં, ભૂપ ભાનુ સમ હોઈ.

જ્યારે આ દેશમાં રજવાડાંઓ દ્વારા રાજવ્યવસ્થા ચાલતી હતી, ત્યારે કેટલાક રાજાઓ સાચી લોકશાહી કરતાં પણ ઉત્તમોત્તમ વ્યવસ્થાથી પ્રજાનું કલ્યાણ કરતા હતા, તેમાં સર્વોચ્ચ સ્થાને ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી અને ભાવનગરનરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજીને આવે.

એંસી વર્ષની ઉંમરે  પોતાના પિતાશ્રીની નાટ્યસંસ્થા ‘કલા નિકેતન’ દ્વારા  રંગદેવતાની ઉપાસના કરતા આકાશવાણીના શ્રોતાપ્રિય ઉદઘોષક શ્રી ભરત યાજ્ઞિકની કલમે લખાયેલું અને મલ્ટી  મીડિયા દ્વારા ભજવાયેલું  નાટક  ભૂપ ભાનુ સમ હોઈનું પુસ્તક સ્વરૂપ  લોકાર્પિત થયું. 

સૌરાષ્ટ્રના એક તદ્દન નાના ભૂભાગ ઉપર શાસન કરતા શ્રી ભગવતસિંહજી વિલાયત જઈને આવ્યા હોવા છતાં તેમના જીવનમાં સંપૂર્ણ સ્વદેશી અપનાવતા હતા. તેઓ વિલાયતમાં સૂટ પહેરતા છતાં ભારતના બંદરે આવતાં જ પોતાનો કાઠિયાવાડી ચોરણો, અંગરખું, પાઘડી  પહેરી લેતા. અને  જ્યારે સામાન્ય ઑફિસર પણ સૂટ અને હેટ પહેરવામાં મહત્તા માનતા ત્યારે દીવાનથી માંડીને છેક પટ્ટાવાળા સુધી બધાનો દેશી પ્રકારનો એક જ સરખો પોષાક રાજવીએ  પ્રચલિત કર્યો હતો. 

તેમણે પ્રાથમિક શિક્ષણ અનિવાર્ય બનાવ્યું હતું.  કન્યા કેળવણીમાં તો સવિશેષ રસ લીધો હતો. મેટ્રિક પાસ થના૨ કન્યાને રાજદરબારમાં બોલાવીને પ૦૦/- રૂપિયા આપીને સન્માન કરવામાં આવતું. એવું કહેવાતું કે ગોંડલ સ્ટેટની કન્યા હંમેશા ભણેલી જ હોય. રાજવી હોવા છતાં તેમણે ‘ભગવદગોમંડળ’ જેવો વિશાળ શબ્દકોશ ગુજરાતી સાહિત્યજગતને આપ્યો. લોકો સાથે – ખાસ કરીને ગામડાની પ્રજા સાથે – વાતચીત કરતાંકરતાં જે કોઈ નવો શબ્દ તેમને સાંભળવા મળતો તેની તરત જ નોંધ કરી લેતા. ઘણીવા૨ તો કાગળ ના હોય તો પોતાના સફેદ ડગલા ઉ૫૨ નોંધ કરી લે. આ રીતે તેમણે પોતે હજારો નવાનવા શબ્દો પ્રચલિત કર્યા. 

પોતાની પાસે મોટરકારો હોવા છતાં, તેઓ બે ઘોડાની બગીમાં હંમેશાં નિયમિત  ફરવા જતા. રાજાની આ જ બગી નિશ્ચિત ફી લઈને લોકોના લગ્નપ્રસંગે ભાડે પણ અપાતી !! એકવાર એક સાંકડા વળાંક ઉપર સામેથી આવતી એક ટ્રક સાથે બગી અથડાઈ ગઈ. ધક્કો એટલો જોરદાર હતો કે બન્ને ઘોડા મરી ગયા અને બગી ઊથલી પડી, રાજવી પોતે પણ ફંગોળાયા, છતાં  જરા પણ સ્વસ્થતા ખોયા વિના તેઓ ઊભા થયા, પાઘડી ફરીથી માથે મૂકી, ટ્રકનો મુસ્લિમ ડ્રાઇવર ધ્રૂજતો હતો. તેને વિદાય કર્યો અને બીજી બગી મંગાવી પોતાનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. જાણે કશું થયું જ નથી. અમલદારોએ ટ્રકના ડ્રાઇવરને પકડીને બીજા દિવસે હાજર કર્યો ત્યારે આ રાજવીએ કહ્યું કે, “તે તેની યોગ્ય સાઇડ ઉપર હતો. વાંક મારી બગીનો જ હતો. અમે રોંગ સાઇડે હતા એટલે ટ્રક – ડ્રાઇવરનો વાંક નથી. તેને છોડી મૂકો.” આને જ  સાચી લોકશાહી  કહેવાય ને ? 

રાજવીને મળવા માટે કોઈ પણ વ્યક્તિ જઈ શકતી. તેણે નીચેના કાર્યાલયમાંથી સત્યં ચ સત્યં વાળી બે આનાવાળી ટિકિટ ચોંટાડીને અરજી કરવાની. રાજવી પોતે ખુરશી ઉપર બેઠા જ હોય. એક પોલીસ-કર્મચારીની વિધવા પોતાના નાના છોકરાને આંગળીએ વળગાડીને આવી. વિધવાનો પતિ રાજકર્તવ્ય બજાવતાં મરણ પામેલો. યુવાન વિધવાને આજીવિકાનું કશું સાધન ન હતું. તે પેન્શન માટે આવેલી. વિધવાની નાની ઉંમ૨ જોતાં સુધા૨ક રાજવીએ તેને પુનર્લગ્ન કરી લેવાની સલાહ આપી. આવી સલાહ સાંભળતાં જ વિધવા ઊકળી ઊઠી. તે બોલી, મારો ધણી તો મર્દ હતો, પૂરી મર્દાનગી બતાવતાં તે માર્યો ગયો, પણ મને ખબર ન હતી કે મારા ધણીનો ધણી આવો બાયલો હશે. જો પહેલેથી ખબર હોત તો હું અહીં આવત જ નહિ.” પોતાના નાના છોકરાને લક્ષ્ય  કરીને તે બોલી, “હેંડ … હેંડ… પાછાં ઘરે જઈએ. આપણે ખોટી જગ્યાએ આવી ગયાં છીએ.’’ બાઈ સડસડાટ ચાલતી થઈ. આવાં કઠોર વેણ સાંભળીને પણ રાજવી જરા પણ વિચલિત ન થયા. તેમણે તરત જ અરજી મંજૂર કરી દીધી. વાણી- સ્વાતંત્ર્ય આને કહેવાય ને ?

  રાજવીની મક્કમતા અને આત્મબળની વાત સાંભળીને અંગ્રેજ ગવર્નર જનરલને ગોંડલના અતિથિ થવાનું મન થયું. ત્રણ દિવસ માટે તેઓ રાજ્યના મહેમાન થયા. તેમને મહેમાનગતિ ગમી ગઈ, એટલે બે દિવસ વધારે રહ્યા. વિદાય થતાં પહેલાં રાજવીએ બે દિવસનું બિલ મોકલી આપ્યું અને જણાવ્યું કે ત્રણ દિવસ માટે તમે મારા મહેમાન હતા, પણ બાકીના બે દિવસનો ભાર મારું નાનું સ્ટેટ ઉપાડી ના શકે, માટે આ બિલ ભરતા જાઓ. બિલ ભરીને ગવર્નર જનરલ વિદાય થયા.!!

બાળકો જે જીવે છે, તે જ શીખે છે ?

બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય છે તે જ શીખે છે !

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com

૧૯૭૪ માં દસ + દસ નાનાં નાનાં વાક્યો ડોરોથી લૉ નોલ્ટે દ્વારા લખાયાં. 

‘જો અને તો’ થી શરૂ થતાં એ વાક્યો ‘બાળક કેમ શીખે છે’ તેની બારાક્ષરી સરીખાં છે. ‘જો બાળક…. જીવશે તો બાળક…શીખશે,’ બસ આવાં આખાં દસ વિધાનો માત્ર છે. પણ એમ કહો ને કે બાળઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાય ગયું છે ! આપણે એ દસ વિધાનોને વાંચી જઈએ…

જો બાળક ‘નિંદાભર્યા વાતાવરણમાં જીવશે’ તો તે ‘વખોડવાનું’ શીખશે.

જો બાળક ‘વેર કે વિરોધ’ વચ્ચે ઉછરશે તો તે ‘લડતાં’ શીખશે.

જો બાળક ‘મશ્કરી કે મજાક’ બનીને મોટું થશે તો તે ‘તાકીને પ્રહાર’ કરતાં શીખશે.

જો બાળક ‘શરમ’ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને ‘દોષપૂર્ણ  કે દુષ્ટ’ ગણતાં શીખશે.

જો બાળક ‘સહનશક્તિ કે સહિષ્ણુતા’ વચ્ચે મોટું થશે તો તે ‘ધીરજ’ કે ‘ધૈર્ય’ નો ગુણ ગાંઠે બાંધશે.

જો બાળક ‘પ્રેરણા અને ઉત્તેજન’ મેળવતાં મેળવતાં વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે ‘દ્રઢ વિશ્વાસ’ ઉમેરાશે.

જો બાળક ‘પ્રશંસા’ ના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઉંચુ મૂલ્ય કરતાં શીખી જશે.

જો બાળક ‘ઔચિત્ય’ જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ‘ન્યાય અને પ્રામાણિક વ્યવહાર’ થી જીવી જવું જોઈએ તેવું આત્મસાત કરશે. 

જો બાળક ‘પ્રમાણસરની સલામતી’ વચ્ચે ઉછરશે તો તેનામાં ‘જીવન પ્રત્યેની શ્રદ્ધા’ ઊભી થશે.

જો બાળક ‘સંમતિ’ ના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાનાં વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે.

હકીકતમાં આ દસ પગથિયાંવાળી બાળઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાનાં હૈયામાં વસાવી લેવા જેવી છે. પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ ‘જો અને તો’ ની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર  રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ પર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જયારે જયારે બાળક સાથે બોલે કે બાળક સાથે કશો પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસપગલાં સામે જુએ ને પછી આગળ વધે. ઉછેર જેવો થશે, બાળક  તેવું થશે.. યાદ રાખીએ : ‘બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે…’ તમે ‘કહેશો’ તે  નહીં, પણ તમે જેમ ‘કરશો’ તેમ બાળક અનુસરશે. મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે. 

સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો પ્રશ્ન છે. ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાનાં મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી : ‘મા, મારાં મમ્મી પપ્પા અત્યારે સવારના પહોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે…’ હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો ‘નિષ્ઠુર’ શબ્દ રામને કોણે શીખવ્યો હશે તે જરા વિચારીએ. આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતાં હોઈએ તે બાળક ક્યાંથી કરતો થયો હશે, કહો જોઈએ !! જેમ આપણે ભાષા શ્રુતિથી શીખીએ છીએ તેમ જ આપણું સંતાન પણ આપણે જે બોલીએ અને  જેમ બોલીએ તેનું સીધું અનુકરણ કરે છે અને તે શ્રુતિથી અને હાવભાવથી જ શીખે  છે. જેમ, ઉંચી કક્ષાનો શબ્દ ‘નિષ્ઠુર’ રામ સાંભળીને શીખ્યો એમ જ કોઈ અપશબ્દ કે અપમાનજનક  શબ્દ પણ બાળક સાંભળીને જ શીખે છે તે નક્કી. એનો અર્થ એ થયો કે સંતાનના ઉછેર માટે આપણે કુટુંબના સભ્યો કે પછી બાળકના સંપર્કમાં આવતા અન્ય પાત્રો જ જવાબદાર છે. આ વાતને જરા લંબાવીએ તો આપણે ‘સંસ્કાર’ સુધી જઈ  શકીએ. 

અત્યારની પેઢીના સંતાનો સમાજ માટે વધુ ને વધુ પ્રશ્નરૂપ બની રહ્યા છે તેનું કારણ માતા પિતાની રોજબરોજની વર્તણૂંક છે અને તેને ટેકો કરતી સોશિયલ  મીડિયાની રીલ્સ છે. કદાચ કોઈને આ વિધાનમાં અતિશયોક્તિ લાગે તો તે પણ આપણી અપુખ્તતા છે અથવા તો આંખ આડા કાન  કરવાની મનોવૃત્તિ છે. ‘જે છે તે અને જે બની રહ્યું છે તેનો’ સ્વીકાર નહીં કરીએ તો તેના ઉકેલ સુધી નહીં પહોંચી શકીએ.  મહાત્મા ગાંધીએ તેના  પુત્રો અને પુત્રવધૂઓને લખેલા  પત્ર સંગ્રહનું એક વિધાન બહુ સૂચક છે : અપૂર્ણ બાપની સોડમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હૂંફ શોધ એટલે તું બળવાન થશે. આ જ મારું તને શિક્ષણ છે.

રાષ્ટ્રમાતા કસ્તુરબા ગાંઘી સન્માન :: સન્માન હો તો ઐસા !!?

એક નહીં પણ ચાર કસ્તુરબાઓનું એમના પતિશ્રીના હસ્તે જાહેરમાં સન્માન થયું ! આ વિચાર જ કેટલો અદભુત છે, નહીં ?! 

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com

પદ્મવિભૂષણ સ્વામીશ્રી સચ્ચિદાનંદજી કહે છે : ‘સન્માનને પાત્ર વ્યક્તિનું સન્માન કરવાનું જે સમાજ ચુકી જાય છે તે નગુણો સમાજ છે.’ ગુજરાતના સાહિત્યરત્ન ગુણવંત શાહ કહે છે: ‘સન્માનને પાત્ર વ્યક્તિનું સન્માન ન કરવું એ હિંસા છે અને સન્માનને પાત્ર ન હોય તેનું સન્માન કરવું પણ હિંસા છે ‘ ગુજરાત આ બંને અવતરણોને અનુસરી રહ્યું છે તે આનંદની વાત છે. જો કે, ક્યારેક બાવીસેક વર્ષની વ્યક્તિનું ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’થી સન્માન થાય ત્યારે વિચાર આવે કે આ મહાશયની લાઈફ તો હવે જીવાશે અને અત્યારથી લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ ?? કેટલાક ઈચ્છુકો તો પોતાની ફાઈલ સાથે લઈને જ ફરતા હોય છે. લાગ મળ્યો નથી ને અરજી કરી નથી !! કબીરદાસ યાદ આવે: ‘સહજ મિલા સો દૂધ બરાબર, માંગા  મિલા સો પાની.’  સન્માન થાય ત્યારે બે બાબતો મહત્વની છે :

1) સન્માન કોનું થાય છે?         2) સન્માન કોના હસ્તે થાય છે? 

ગાંધીજી સામે એક ફરિયાદ એ હતી કે તેઓએ કસ્તુરબાને જોઈએ એટલો ન્યાય ન આપ્યો.  પણ જે કામ બાપુથી ન થયું તે કામ આપણે કરી લઈએ એવો વિચાર આજે કોને આવે, બોલો જોઈએ ?? પણ કળિયુગમાં ય સત્કર્મ કરનાર હોય જ છે, એવી શ્રદ્ધા સાચી પડી છે.

ઉમરગામ-વલસાડ ખાતે શાહ અને ગાલા પરિવારે “રાષ્ટ્રમાતા કસ્તુરબા ગાંધી સન્માન પારિતોષિક” અર્પણ  કરવાનો એક સાદો છતાં અત્યંત ભાવપૂર્ણ ઉપક્રમ યોજ્યો. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ઈઝરાયલ પદ્ધતિથી ખેતીના સફળ પ્રયોગો મોટા પાયે કરનાર શ્રી મણિલાલ ગાલાના માતુશ્રી મીઠીબેન ટોકરશી શાહની સ્મૃતિમાં ગુજરાતના વિજ્ઞાન અને સર્વોદયના ક્ષેત્રે દિલ દઈને આજે પણ કામ કરી રહેલા સાચુકલા કર્મશીલોનાં ધર્મપત્નીઓને ‘રાષ્ટ્રમાતા કસ્તુરબા ગાંધી સન્માન’ થી નવાજવામાં આવ્યાં. આ કેવળ સન્માન જ ન હતું પણ નારીના સત્તનું માન હતું. અરે, આ વિચાર જ કેટલો અદભુત છે ? ‘પ્રત્યેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી રહેલી હોય છે’, એ ઉક્તિ આપણે કેવળ ઉચ્ચારવા જ રાખી છે, ક્યારેય એ સ્ત્રીને જાહેરમાં સત્કારી નથી.  

મહાત્મા ગાંધીજીએ કસ્તુરબાની વિદાય સમયે એમને શ્રદ્ધાંજલિ આપતા કહેલું કે, “She stood above me.” પોતાના દાદી વિષે શ્રી અરુણ ગાંધી લખે છે કે, “મારાં દાદીની જીવનકથા બસ એટલી જ છે કે,  “જયારે મોહનદાસ સત્યના પ્રયોગો કરતા હતા ત્યારે બા  તે પ્રયોગોનો તાપ જીરવતા હતા.” આ સન્માન સમારોહમાં જે તપસ્વિનીઓનું સન્માન થયું એમનું જીવન પણ ‘તાપ જીરવવા’ જેવું જ રહ્યું છે. આ તપસ્વિનીઓમાં ભારતના ખગોળ વિજ્ઞાની ડો. જે.જે.રાવલના ધર્મપત્ની સૌ. દેવિકાબેન રાવલ, લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં જીવન સમર્પિત કરનાર ડો. અરુણભાઈ દવેના ધર્મપત્ની સૌ. અર્ચનાબેન દવે, અંતરિયાળ વસીને  વંચિતોનું કામ કરનાર ચૈતન્ય ભટ્ટના ધર્મપત્ની સૌ. સોનલબેન ભટ્ટ અને સર્વોદયથી સિંચાઈને જ્ઞાન-વિજ્ઞાનને જીવન માર્ગ ગણનાર શ્રી પાર્થેશ પંડ્યાના ધર્મપત્ની સૌ. બિન્દુબેન પંડ્યાનું સન્માન  થયું. ઉત્તમ વિજ્ઞાનીઓ, કલાકારો, વિદ્વાનો અને કર્મશીલો અલગારીઓ હોય છે, એમને વાંચવા ગમે, એમની સાથે અમુક કલાકો કે દિવસો રહેવું ગમે; પણ એમની સાથે આખી જિંદગી કાઢવી એટલે દીવો લઈને વાવાઝોડા સાથે રહેવા બરાબર છે અને શરત એટલી જ કે દીવો ઓલવાય ન જાય એના માટે સતત જાત રેડ્યા કરવાની!  આ સમારોહમાં ગાલા પરિવારે કાળજી લીધી કે પોતાનો બૃહદ પરિવાર જ સમગ્ર આયોજન કરે.  ચોથી પેઢીના નાનાં બાળકોએ ‘વૈષ્ણવ જન  તો…’ ભજનથી આરંભ કર્યો. ખાદી અને સર્વોદય માટે બાળપણથી કૃતનિશ્ચયી પદ્મશ્રી ગફૂરભાઇ બિલખિયા અધ્યક્ષ હોવાથી સાથે રહ્યા પણ  આ ચાર કસ્તૂરબાઓનું સન્માન તો  એમના  પતિશ્રીના હાથે જ થયું. આ  વાતે તો સમારંભને  ચાર ચાંદ લગાવ્યા. 

મહાત્માજીના પાંચમી પેઢીના વારસ  અને પ્રસિદ્ધ  લેખિકા સોનલ પરીખે કાર્યક્રમમાં  કહ્યું કે,  શ્રી નારાયણભાઈ દેસાઈએ ‘મારું  જીવન, મારી વાણી’ ના ચાર દળદાર ગ્રંથો લખ્યા છે પરંતુ એમાંથી ય કસ્તુરબા એટલા જાણવા મળતાં  નથી !’ આ સત્યને આધાર માનીએ તો આ વિશિષ્ટ સન્માન કાર્યક્રમ એક સીમાચિહ્ન બની રહ્યો. ઉડીને આંખે વળગે તેવી આ કાર્યક્રમની કેટલીક વિશેષતાઓ ગણાવીએ તો..સમારોહ ભાવપ્રધાન રહ્યો, આપેલ સમય કરતાં સૌ ઓછું બોલ્યા અને છતાં સૌની વાતમાં નક્કર અનુભવ અને એમનાથી નીપજતી નમ્રતા હતી,  આયોજક શ્રી મણીલાલ બાપાએ સન્માનિત બહેનોના પરિવારોને પણ તેડાવ્યાં અને મહેમાનોનું  સ્વાગત પુસ્તકો અને બીજ દ્વારા કરવામાં આવ્યું.  ખરેખર,  સન્માન હો તો ઐસા. 

બળનો અતિરેક = બળાત્કાર…. ક્યાં નથી થતો ?

બળાત્કારના નાના મોટા માર્ગ  તો બાળકનું  ઘર અને તેનો ઉછેર જ ઉમેરતાં હોય છે !

ભદ્રાયુ વછરાજાની                                                                          bhadrayu2@gmail.com

ગુજરાતી ભાષાના માઈલસ્ટોન શબ્દગ્રંથ ‘ભગવદગોમંડળ’ માં ‘બળાત્કાર’ શબ્દના બે સ્પષ્ટ અર્થ આપ્યા છે : 

૧) બલાત્કાર ; બળજોરી’ મરજી વિરુદ્ધ પરાણે કામ કરાવવું; જોરજુલમ  

૨) સ્ત્રી ઉપર અત્યાચાર. સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ વિષય ભોગવવો તેને કાયદામાં ‘બળાત્કાર’ કહે છે. 

આ જ શબ્દકોશ સ્પષ્ટતા કરતા કહે છે કે : 

બળાત્કાર કરવો = (૧) જુલ્મ કરવો (૨) સ્ત્રીની મરજી વિરુદ્ધ તેનો સંગ કરવો… 

હા, ભગવદગોમંડળ માત્ર અર્થ આપી છૂટી જનારી ડિક્સનેરી માત્ર નથી, તે તો ગોંડલના જ્ઞાનપ્રેમી રાજા શ્રી ભગવતસિંહજીનું મૂલ્યવાન પ્રદાન છે અને તેથી ‘બળાત્કાર’ શબ્દના આ અર્થો સાથે એક મંગળવાક્ય પણ નોંધ્યું છે કે જે ‘ગાંધીગીતા’ માંથી લેવાયું છે : ‘અનિચ્છા કે બળાત્કારે વિકારવશ જો મન, સહાનુભૂત ના હોવું છેવટે જીત તે જ છે. ‘ગાંધીગીતા’ની  આટલી આધારભૂત ભૂમિકા વાંચ્યા પછી આજના લેખનું ટાઈટલ અને સબ ટાઈટલ બરાબર મનમાં ઉતરી જશે.

બળાત્કાર શું ક્યારેક ‘બનતી’ જ ઘટના છે ? કે પછી બળાત્કાર એ ક્યારેક જ ‘નોંધાતી’ ઘટના છે ? બળનો અતિરેક એટલે જ કોઈની મરજી વિરુદ્ધનું પરાણે કરાવાતું કામ ! હવે વિચારીએ કે આવું આપણા કુટુંબમાં કે આપણા સમાજમાં ક્યારેક જ બને છે કે લગભગ લગભગ હર પળ બને છે ? આપણા જ ઉછેરને યાદ કરીએ.  જીવન વિડીયો રિવાઇન્ડ કરીએ. શું આપણો ઉછેર બળના અતિરેક વગર થયો છે ? શું આપણી પાસે મરજી વિરુદ્ધનું પરાણે કામ નથી કરાવાયું ? નિખાલસતાથી જાતને જવાબ દઈએ. બળાત્કારના નાના મોટા માર્ગ તો બાળપણથી જ ઘરમાં અને આપણા ઉછેર દરમ્યાન નથી ઉમેરાયા શું ? અને હવે આજની એટલે કે આપણા મોટા થયા પછીની વાત વિચારીએ. આપણા દ્વારા જાણે – અજાણે આજે પણ બળજોરી કે જોરજુલમ કે મરજી વિરુદ્ધનું કામ કરાવવા માટેના દુરાગ્રહો શું સેવાતા કે પોષાતા નથી ? અને એમાં પણ જો તમે ‘સ્ત્રી’ હો  તો તો પત્યું ! આપણા સમાજમાં દીકરી તરીકે જન્મતી વખતે ચડતું વડીલોના નાકનું ટીચકું જ પહેલો બળાત્કાર છે, એ જાણવા છતાં આપણી કંઈ કરી શક્યા છીએ ?

દક્ષિણ ગુજરાતથી એક સામાન્ય સ્થિતિનું દંપતિ ગભરાટ સાથે સલાહદર્શન માટે આવ્યું. પતિ-પત્ની  બંનેને સાચો રસ્તો જડતો ન હતો. સાસુમા દીકરા વહુને દબાણ કરતા હતા કે પરણ્યાને ચાર વર્ષ થયાં છતાં સંતાન કેમ નથી થતું ? આ દંપતિ ને એકબીજા પ્રત્યે ભારોભાર પ્રેમ અને બાળક ન થાય તો કોઈ ફરિયાદ પણ નહીં. પરંતુ હવે સાસુમાએ ચેતવણી આપી કે છ મહિનામાં સારા સમાચાર નહીં મળે તો એ દીકરા માટે બીજી પત્ની લાવશે અને તેના દ્વારા બાળકને ઘરમાં રીખતું કરશે.!!! દીકરો એક જ સંતાન એટલે એ માતા અને પત્ની બંનેમાંથી કોઈને દુઃખી કરવા માંગતો ન હતો…. આ આખી ઘટનામાં કેટલીવાર કોણે  કોના પાર બળાત્કાર કર્યો તે કેમ તારવીશું ? અને આવી ઘટનાઓ તો ક્યાં નથી તે જ સવાલ છે. તો પછી બળનો અતિરેક જો બળાત્કાર હોય તો, બોલો એ બળાત્કાર ક્યાં નથી ?? 

કાયદામાં જે બળાત્કારની વ્યાખ્યા છે કે જે ભગવદગોમંડળે નોંધી છે.  તેનો વ્યાપક અર્થ કરીએ તો (૧) ‘સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ વિષય ભોગવવો તેને કાયદામાં બળાત્કાર કહે છે.’ અહીં ‘વિષય ભોગવવો’ એટલે ‘ માત્ર શરીર જ’ ? સ્ત્રીનું મન, સ્ત્રીનો આત્મા, સ્ત્રીનો રોજબરોજનો જીવનવ્યવહાર એ ‘વિષય’ માં ન ગણાય ? અને એટલે પછી સ્ત્રીના શરીર સિવાય તેની સાથે મરજી વિરુદ્ધનું પરાણે કશું કરાવો તે બળાત્કાર નથી ગણાતું !! આપણે એક ખુબ મઝાની ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ સૌએ  માણીને વખાણી.. હવે ‘હેલ્લારો ‘ ની કથામાં સ્ત્રી પર અત્યાચાર થતો આપણે સૌએ જોયો તે બળાત્કારની વ્યાખ્યામાં નથી આવતું કે નથી આવ્યું ! એ બળનો અતિરેક નથી ? ભલા માણસ, ઝીણું કાંતીએ ને તો ઘરઘરમાં બળાત્કારના કિસ્સાઓ નોંધાય ! દંપતી વચ્ચે થતા જાતીય  વ્યવહારો શું નારીની સંમતિ સાથેના જ હોય છે ?? નિરાંતે ને સ્વસ્થ ચિત્તે  વિચારીએ તો સ્વીકારવું પડશે કે બળના અતિરેક પછી ને મરજી વિરુદ્ધનું કામ કરાવ્યા પછી ઘરની સ્ત્રીને જીવંત રાખી પટાવી – સમજાવી લઈએ છીએ એટલા જ નિર્દોષ છીએ, બાકી તો અતિરેક  અત્યાચાર આપણને ગળથુથીમાં જ પાવામાં આવેલ  છે, તે નકારી શકીએ એવી આપણી સ્થિતિ જ નથી.

 

જરૂર શાની છે : Speechless work ની કે Workless Speech ની ?

બહિષ્કાર કરવા કરતાં એ વિચારવું જરૂરી છે કે ચીન કેમ બધું જ બનાવી શકે છે અને આપણે કેમ નહીં ?

ભદ્રાયુ વછરાજાની                                        bhadrayu2@gmail.com

શું  આપણે  આજે બિનજરૂરી વાદ વિવાદ અને વાણીવિલાસ ના  રોગી બની ગયા છીએ ? શું  દેશમાં રાજકીય – સામાજિક – રાષ્ટ્રીય કે વૈચારિક ક્ષેત્રો આક્ષેપો – પ્રતિ આક્ષેપોથી ખદબદવા લાગ્યા છે ? અફડાતફડીનો  માહોલ ચોતરફ ફેલાય ગયો છે એવું  કેમ ??  કેટકેટલી દ્વિધાઓ સર્જાયેલ છે ? દેશ જાણે હરહંમેશ ચૂંટણી ચૂંટણી જ રમ્યા કરવાનો હોય તેવું જ કેમ ભાસ્યા કરે છે ? સરકાર બને તે પહેલાં વિવાદો અને સરકાર હેમખેમ બની ગયા પછી પણ પ્રશ્નાર્થો ? ચૂંટણી થાય ત્યારે આક્ષેપો અને ચૂંટાય ગયા પછી પણ ચૂંટાયા હોય તેવા પ્રતિનિધિ સામે પણ કોર્ટ કેસો ? નાના માણસને બેન્કો દ્વારા  નાના લાભો પણ મોટા માથાઓને  નાણું લઈને ભાગી છૂટવા સુધીના લાભો ? કેટલી બાબતો ગણાવવી ? યાદી કેટલી લાંબી કરવી ? આપણને એક ભારતીય તરીકે પાયાનો પ્રશ્ન  થાય કે આપણાં દેશનાં મુખ્ય પ્રશ્નો ક્યાં છે ? આપણી આજની પેઢી કોને અનુસરે ?? આજનો યુવાન કોનું કહ્યું માને : મોદીજીનું, ભાગવતજીનું, શ્સદગુરુનું,  બાબા રામદેવનું, કેજરીવાલનું, સ્મૃતિનું, ઓવૈસીનું  કે ખુદનું  ? 

દેશનાં નક્કર વિકાસ માટેની વાતો કોણ કરે છે ? દેશની આવતીકાલની ચિંતા ખરેખર કોણ કરે છે  ? શું આપણે દેશને વિવાદોમાં વ્યસ્ત રાખી મૂળ વ્યથા કે પ્રશ્નો ભૂલાવી દેવાનો માર્ગ પકડયો છે ? યાદ છે ને વર્ષો સુધી શાસન કરનાર પક્ષ પણ આ જ માર્ગે ચાલીને મૃતઃપ્રાય થઇ ગયો છે ? આપણે દેશને એ વગોવાયેલા  માર્ગે ચલાવીને  સમસ્યામુક્ત કરી શકીશું ખરા ? બકરી કાઢતાં ઊંટ પેસી જાય તેવું બનશે તો ? દેશની પ્રજા તો ઠેરની ઠેર ને ? રાષ્ટ્રને જરૂર શાની  છે : Speechless workની  કે  Workless Speech ની ??

નોબેલ વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્યસેન આપણાં રાષ્ટ્ર સામેના મુખ્ય પ્રશ્નો ગણાવે છે : 

૧) શિક્ષણ માટેની ગુણવત્તાયુક્ત જાહેર સેવા 

૨) સ્વાસ્થ્ય અને આરોગ્ય માટેની નક્કર સગવડતાઓ 

અને 

૩) સર્વાંગી સામાજિક સુરક્ષા.. 

હા, અમર્ત્યસેન આ  ત્રણ બાબતોને જ ભારતના  વિકાસના આધારો ગણાવે છે. આ અમર્ત્યસેનને કોઈ એક પક્ષીય સરકારના ટેકેદાર ગણી હાંસિયામાં ધકેલી દેવાની ભૂલ હવે કરવા જેવી નથી.  વિચારકો અને ચિંતકોની વિચારક પ્રક્રિયામાં  વ્યક્તિ નહીં; પણ રાષ્ટ્ર મોખરે હોય છે. એજ્યુકેશન, હેલ્થકેર  અને સોશિયલ સિક્યુરિટીની બાબતોમાં આપણે ક્યાં છીએ ? શું આપણે આપણી speech માં આ ત્રણ વાતો પર ગૌરવથી કંઈ બોલી શકીએ તેમ છીએ ? જો ના, તો speech ઓછી કરી, કામ વધુ કરીએ. બોલાયેલા words કરતાં થયેલું work વધુ  જવાબદેય બનશે જ.

રાષ્ટ્ર નિર્માણ કે રાષ્ટ્ર વિકાસ માટે બે બાબતોને ધ્યાનમાં લેવી જ રહે : General Labour Force અને Special Labour Force.  પણ અત્યારે તો ભારતનું મહત્તમ ધ્યાન તો સ્પેશિયલ લેબર ફોર્સ પર જ કેન્દ્રિત થયેલું છે. ઉદાહરણ તરીકે : IT , ફાર્મ અને ઓટો પાર્ટ્સનાં ક્ષેત્રો લઈએ.. અભણ કામદારો દ્વારા નવી કોમોડિટીનું સર્જન બહુ કઠિન બની ગયું છે. આવું ચીનમાં નથી. તમે ચીનની વસ્તુઓ કેમ છોડી શકશો ? આપણી ચોતરફ ચાઈના જ છે. મારી પેન, મારો ફોન, મારી ઘડિયાળ, મારાં પિતાજી જે ફ્રેમમાં તસ્વીર બની બેઠા છે તે ફોટોફ્રેમ કે મારાં આંગણે લટકતું શુકનનું તોરણ !! બધું જ બધું ચાઈના મેઇડ છે, તેનો બહિષ્કાર કરવા કરતાં એ વિચારવું જરૂરી છે કે ચીન કેમ બધું જ બનાવી શકે છે અને આપણે કેમ નહીં ? જય બોલાવવાની જોહુકમી છોડી દઈએ અને આ અંગે વિચારીએ તો જવાબ સ્પષ્ટ મળે છે : જો સરેરાશ ભારતીય વાંચી શકે + લખી શકે + ગણી શકે + સારી તબિયત અને પુરા જોશથી કામ કરી શકે તો તેને સ્પેશ્યલાઈઝડબનવું જરૂરી નથી. અને તેના માટે જરૂરિયાત છે અમર્ત્ય સેને સૂચવેલ ત્રણ બાબતોની ::  પબ્લિક સર્વસિઝ ઓફ હેલ્થકેર + એજ્યુકેશન + સોશિયલ સિક્યુરિટી. 

સશક્ત અર્થતંત્રએ સામે ત્રણ પ્રશ્નો છે: 

૧) નાગરિકો શિક્ષિત છે કે નિરક્ષર ? 

૨) નાગરિકો હેલ્ધી છે કે રોગિષ્ઠ ? 

૩) શું નાગરિકો ચિંતામુક્ત છે કે માંદા પડીશું તો કોઈ સાચવી લેશે ? વૃદ્ધ થઈશું    તો કોઈ હાથ ઝાલશે ? 

કહો જોઈએ કે આ જ મુખ્ય પ્રશ્નો છે કે નહીં, મારા – તમારા – આપણા ?

 

‘Do it yourself: DIY’ ભારતમાં શક્ય છે??

પપ્પાહું પ્લમ્બરને બોલાવું તો મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે.

ભદ્રાયુ વછરાજાની                                              bhadrayu2@gmail.com 

હવેનો જમાનો એવો આવશે કે જેમાં વિદ્યાર્થીએ માત્ર ભણવા પૂરતું સંસ્થામાં નહીં જવાય,  વિદ્યાર્થીએ ત્યાં રહેવું પડશે અને એવી સંસ્થાઓ  ધમધોકાર ચાલશે અને આજે ચાલે પણ છે. હવે મા બાપને પણ રસ છે કે,  અમે નથી કરી શક્યા, તમે એને કેળવી આપો.  

આપણાં ઘરમાં આપણા બાળકો તો ઓર્ડર આપવા ટેવાયેલ છે, ‘મમ્મી પાણી લઇ લે, મમ્મી મારે જમવાનો સમય થયો, થાળી આપી દે’,, હવેનો સમાજ અથવા જે વિદેશ વસે છે એમાં બદલાવ આવી ગયો છે. જો મારે પાણી જોઈતું હોય તો હું પોતે પાણી પી આવીશ ને બીજાને કર્ટસી દાખવી પૂછીશ, કોઈને પાણી પીવું છે ? આ થયું Do it yourself. 

 એક ઉદાહરણ આપું. દીકરો ઓસ્ટ્રેલિયા હતો એટલે ત્યાં જવાનું થયેલું.  એના બાથરૂમમાં ફુવારો. એમાંથી પાણી ટપકે.  બંધ કરી દો પછી પણ ટીપું પડ્યા જ કરે. હવે આપણે માસ્તર, એટલે આપણે જોયું કે આ પાણી કેમ ટપક્યા કરે છે ?  મેં મારા દીકરાને કહ્યું કે આ પાણી ટપકે છે તો પ્લમ્બરને બોલાવી લે. એ મને  જવાબ ન આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે. એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું : ‘અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય ?’ એમણે  જવાબ આપ્યો :  ‘પપ્પા,  હું પ્લમ્બરને બોલવું તો મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે. બહુ ચાર્જ કરે  પ્લમ્બર લોકો અહીં…’ મેં કીધું,   ‘એટલા બધા પૈસા ! કેમ એવું ?’ તો કહે,  ‘અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે.’ મેં કહ્યું :  ‘આપણે તો આપણું  કામ કરીએ જ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ ?’ તો કહે,  ‘હા એ પણ  આપણું જ કામ.’ ‘..તો આનો ઉપાય શું ? આને ટપકવા દેવાનું ?’ તો કહે, ‘આ રવિવારે હું તમને એક જગ્યાએ લઇ જઈશ’ અને ખરેખર શનિ રવિમાં લોન્ગ ડ્રાઈવમાં અમને લઇ ગયો. જબરો મોટો મોલ હતો. ત્યાં બહાર મોટા અક્ષરે લખ્યું હતું ‘Do it yourself,  DIY’. તમે જાતે કરો. પછી એમાં બધા જ વિભાગો હતા… ટાઇલ્સ ફિટિંગનો, પ્લમ્બિંગનો, કિચનનો, ગાર્ડનનો વિભાગ…..એ વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું કે મારે શું જોઈએ છે ? ત્યાં જઈને પુચ્છ્યું: શાવરમાંથી પાણી ટપકે છે.  એટલે અમને નાનકડો વિડીયો દેખાડ્યો અને કહે : આવી રીતે ટપકે છે ? તો તમે આટલું આટલું લઇ જાઓ. અને તેને કેમ ફિટ કરવાનું તે તમને હું વીડિઓ પર બતાવું. જેમાં  જ જરૂરી હતું તે બધું કીટ લઇ અમે બહાર નીકળ્યા. અમે કુતૂહલવશ ગાર્ડન વિભાગમાં ચક્કર લગાવ્યું.  તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે, ‘તમારે નવો છોડ વાવવો છે ? તો આ માટી છે, એ ચાલશે. લઇ જાઓ. તેમાં  નાખવાનું ખાતર બાજુના બોક્સમાં છે તે  લઇ જાઓ, છોડ લઇ જાઓ.’ કેમ રોપવું તેનો વિડિઓ મોટા સ્ક્રીન પર ચાલતો જ હતો !!  Do it yourself DIY આખો મોલ જ એનો છે. તમે જે બોલો એ બધું ત્યાંથી મળે.  કોઈ કશું  કરવા ન આવે. કેમ કરવા ન આવે ? 

ઓસ્ટ્રેલિયામાં  હાયર એજ્યુકેશનમાં બહુ કોઈ જતું જ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયામાં શિક્ષણમાં ભણનારામાંથી મહત્તમ બહારથી આવે છે અને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો  ભણતા જ નથી. તો શું કરે ? તો દસમું બારમું પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે કે દસમું પૂરું કરીને એનું પ્લેસમેન્ટ થઈ જાય.  સફરજનના મોટા મોટા બાગ છે.  તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા,  તો તમને તેના માટે જોબ પર રાખી લે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે રાખી લે. ત્યાં લેબર એટલે કે શ્રમનું ઉત્તમ વળતર પણ ચૂકવાય છે. 

Do it yourself ના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ ‘કેળવણી’ છે.  અત્યારના NEP 2020 માં એક સ્કીલ શિક્ષણની વાત છે, એ આપણને ઓસ્ટ્રેલિયા બનાવવા તરફનો પ્રયાસ છે. દસમા અને બારમા ધોરણ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાઈ છે,  એ કેળવણીની વાત છે. આ રિયલ એજ્યુકેશન છે. 

 

આજનું બાળક શું સમજનો દરિયો છે….??

આ સમજના દરિયાને આપણે ખારો કરીએ છીએ.

ભદ્રાયુ વછરાજાની                                                                            bhadrayu2@gmail.com

આપણું બાળક આપણે ધારીએ છીએ તે કરતાં વધુ સમજુ છે અને સંવેદનશીલ પણ. થોડાક ભૂતકાળની વાત છે. મારાં ઘરની સામે નંદિશ રહે. સાત- આઠ વર્ષનો. તેનાથી મોટી ચાર પાંચ વર્ષે બહેન કથિકા. નંદિશનો જન્મ થયો ત્યારે કથિકા ઉંમરે સમજુ હતી. મારી સાથે ચોવટ કરે ભાઈની, ભાઈના નખરાંની અને ઘણી બધી. એકવાર કથિકા બહુ મોટા મનોવિજ્ઞાનીની અદાથી મને કહે : ‘તમને ખબર છે અંકલ ? નંદિશ હજુ છ મહિનાનો થયો છે ને ત્યાં એનો મૂડ  બતાડવા લાગ્યો છે.’ મેં પ્રશ્ન પૂછ્યો કે એવું તે કંઈ હોય ? એને બળી મુડ બુડ થોડું હોય ? તરત મારી સામે વ્હાલથી છણકો કરી કથિકા બોલી : ‘તમે મારી મમ્મીને પૂછી જોજો. નંદિશ બેડરૂમમાં રમતો હોય ને બરાબર કલાક થાય એટલે કચકચ શરૂ કરે. પછી મમ્મી ડ્રોઈંગરૂમમાં લાવી બધાની વચ્ચે સુવડાવે એટલે હસવા લાગે અને ત્યાં પણ એક કલાક થયો નથી ને ભાઈનું છટક્યું નથી ! અંકલ, તમને નંદીશના નખરાંની શી ખબર પડે ?’ કથિકાના છેલ્લા પ્રશ્નથી હું જાગી ગયો અને મને લાગ્યું તે સાચી છે, આપણને આપણાં બાળકોની સમજનો ક્યાં અંદાજ જ છે ?

બે વર્ષની નાનકી કશ્તિ નાનાની ગાડીમાં આંટો ખાવાની શોખીન. ‘નાના ઘરે’ આવે કે તરત નાનાને ઉઠાડે ને નાનાની ગાડીમાં આગળ બેસી લાંબો આંટો મારવા નીકળી પડે. બોલતાં નથી શીખી બહુ. એટલે વિલંબિત લયમાં ‘આન્ટો..’ બોલે  એટલે એનું કામ થઈ જાય. આ કશ્તિના મમ્મી પપ્પાએ  ગાડી લીધી. પણ  કશ્તિની ડેટા બેન્કમાં ‘આ મારી કારને આ નાનાની કાર’  એવું હજી ઘુસ્યું નથી. ‘આ મારું, આ તારું’ એવું તો આપણે બાળકના મનમાં ઘૂસાડીએ છીએ. કશ્તિને તો ‘આંટા’ થી મતલબ, કારથી નહીં…

સેજલ સાડા ચાર વર્ષની,  તેનાં મમ્મી પપ્પાને ઘણાં પ્રશ્નો હતા. પ્રશ્નો ધીમે ધીમે ક્લેશ બનવા લાગ્યા અને અંતે ઘણી માથાકૂટ પછી છૂટાછેડા થયા. સેજલ તેની મમ્મી સાથે મામા મામીના ઘરે રહેવા લાગી. મામા મામી શિક્ષકો. એ બંનેએ આંતરજ્ઞાતીય લવમેરેજ કરેલાં. સેજલને સરસ કુટુંબ મળે એટલે બહેનને ભાઈ ભાભીએ સમજાવી,  ફરી પરણવા માટે. જલ્દી બધું ન ગોઠવાયું પણ ધીમે ધીમે ગૂંચો ઉકેલાતી ગઈ. આ બધી પ્રક્રિયાની મૂક સાક્ષી સેજલ. એક પ્રસ્તાવ આવ્યો. તે પણ છૂટાછેડા લીધેલ પુરુષ. સારું હતું બધી રીતે. ફોરવર્ડ ભાઈ ભાભીએ દોર સંભાળ્યો. સેજલને અને તેની મમ્મીને બધાં જ ઈનપુટ સાથે આગળ ધપાવ્યાં. હળ્યા- મળ્યા – ફરવા પણ જવા દીધાં – મોડેથી ફ્રી થાય ત્યારે પેલું નવું પાત્ર સેજલની મમ્મીને ફોન કરે.  ભાઈએ ઈચ્છયું કે આમ થશે તો જેમને જોડાવવું  છે તેમની વચ્ચે બધાં ખુલાસાઓ પહેલાં થઈ જશે. લેટ ધેમ ઈન્ટરેક્ટ. પેલી નાની સાડા ચાર વર્ષની સેજલની સમજ એડવાન્સ છે. તે બોલતી નથી, પણ સમજે બધું જ. સેજલે એક દિવસ મામીએ કહ્યું : ‘મામી, તમને ખબર છે હમણાં મને રોજ મમ્મી રાત્રે નવ વાગે કેમ સુવડાવી દે છે ?’ મામી કહે : ‘ના સેજલ, મને તો ક્યાંથી ખબર હોય ?’ સેજલ બોલી : ‘મને બધી ખબર છે. નવા પપ્પાનો ફોન આવે છે, બંન્ને ડાહી ડાહી વાતો કરે છે. હું મમ્મીને ડિસ્ટર્બ ન કરું ને એટલે મને મમ્મી હમણાં રાત્રે વહેલી સુવડાવી દે છે..’ સાડા ચાર વર્ષની સેજલ ! કેટલી મેચ્યોર ? કેટલી એની સ્પષ્ટ સમજ ! સલામ એ બાળચેતનાને… આ સમજનો દરિયો આપણે ખારો કરીએ છીએ. ટીવીની ચેનલ્સ, છાપાનાં કચરા જેવા ગલગલિયા કરતાં સમાચારો અને અબુધ વાતાવરણમાંથી ગંદવાડ ઠલવાય છે દરિયામાં…

નંદિશ  આઠ વર્ષનો,  વેકેશનમાં શેરીમાં ધમાલ કરતો બધાં બાળકો સાથે. છોકરા છોકરી ભેગા મળી ધીંગામસ્તી કરતાં … પણ અચાનક નંદીશે ટ્રેક બદલ્યો. નંદીશના દાદીએ કહ્યું : નંદિશ બહુ હળી મળી ગયો હતો, જમાવટ હતી, પણ એનાં ટીચરે કહ્યું કે : ‘ બોયઝ સાથે બોયઝ રમે ને ગર્લ્સ સાથે ગર્લ્સ. બોયઝ – ગર્લ્સ ભેગા નહીં રમવાનું..’ બસ ત્યાંથી નંદિશ ફરી સંકોચાઈ ગયો ! ગડમથલ છે નંદીશના મનમાં કે મને મજા આવે છે તે સાચું કે મારાં ટીચર કહે છે તે ?’ કથિકા – કશ્તિ – સેજલ તો ઈશ્વરદત્ત સમજથી ઘૂઘવે છે, તેમાં ખારાશ ભેળવવાનું પાપ તો આપણે કરીએ છીએ..!

 

રાજકારણમાં ઈતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે ?

ગોપનીયતાના શપથ લીધા પછી કોઈ રાજકીય આગેવાન રાષ્ટ્રીય નિર્ણયો પરના દસ્તાવેજો અને અંદરની વાતો જાહેર કરી શકે

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

ઈતિહાસના સત્ય, તથ્ય અને મહત્વ વિશે વાદ વિવાદ થતા રહે છે જો કે હકીકત એ છે કે વીતેલા કાળની ઘટનાઓ ભવિષ્ય માટે માર્ગદર્શક પણ બને. ઈતિહાસ કદી ભુલાતો નથી. ભૂલવો કે ભુલાવો જોઈએ પણ નહીં. ઈતિહાસ ભૂલી જાય છે તેઓ ઈતિહાસ ઘડી શકતા નથી.

વર્તમાનમાં રાજકીય નેતાઓ અને પત્રકારોએ સાંપ્રત રાજકીય ઘટનાઓનું વિશ્લેષણ એમના સ્વાનુભવોના આધારે કર્યું છે. ભારતીય વિદેશ સેવા અને સનદી સેવાના નિવૃત અધિકારીઓએ પણ પડદા પાછળ બનેલી ઘટનાઓ ઉપર પ્રકાશ પાડયો છે. મુખ્યત્વે મહત્વના વહીવટી સરકારી નિર્ણય શા માટે અને કેવી રીતે લેવાયા તેની માહિતી મળે છે.

તાજેતરમાં ૮૧ વર્ષની ઉંમરે પહોંચેલા એક વરિષ્ઠ પત્રકાર જેઓએ છ દાયકા પત્રકારત્વમાં ગાળ્યા છે તેમની  વ્યવસાયકથામાંથી પસાર થવાનું બન્યું,  ત્યારે બે પ્રશ્નો મનમાં ઉઠયા. 

  1. ગોપનીયતાના શપથ લીધા પછી કોઈ રાજકીય આગેવાન રાષ્ટ્રીય નિર્ણયો પરના દસ્તાવેજો અને અંદરની વાતો જાહેર કરી શકે ? 
  2.   શું ઈતિહાસનું પુનરાવર્તન થાય છે ? 

નહેરુ અને ઈન્દીરા ગાંધીના પત્રવ્યવ્હારના ઢગલાબંધ દસ્તાવેજો છે. જે સંશોધકો અને ઈતિહાસ લેખકો માટે મોટી ખાણ સમાન છે. અન્ય વડાપ્રધાનોના પત્રવ્યવહાર સરળ રીતે પ્રાપ્ય નથી. નહેરુ સ્મારક સંગ્રહાલયમાં અન્ય વડાપ્રધાનોના આવા દસ્તાવેજ આવકારવામાં આવ્યા છે. ડો મનમોહનસિંહની નાની પુત્રી અને લેખક દામનસિંઘ પાસે એમના તમામ દસ્તાવેજોનો સંગ્રહ હતો. જે એમણે અશોક યુનિવર્સીટીને ડોનેટ કર્યો છે. ડિજિટલ ફોર્મમાં દસ્તાવેજો છે, તેનું કેટલોગ બનાવાયું છે અને યુનિવર્સીટીના જણાવ્યા પ્રમાણે ડો. મનમોહન સિંહે કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં વિદ્યાર્થી તરીકે રજૂ કરેલા રિસર્ચ પેપર,  ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર અને આયોજનપંચના ઉપાધ્યક્ષ હતા ત્યારે અને પછી નાણાપ્રધાન તથા વડાપ્રધાન હતા તે દરમિયાન લેવાયેલા નિર્ણયો બાબતના પ્રાઇવેટ પેપર્સ તેમાં છે. બેંકોનું રાષ્ટ્રીયકરણ અને પછી ફરીથી ખાનગીકરણની શરૂઆત, આર્થિક સુધારા અને પછી વડાપ્રધાન હતા ત્યારે સરકારી વટહુકમ અંગેના પેપર્સ આ બધું જ તેની અંદર સમાવેશ થયેલું છે. છેલ્લા સાત આઠ દશક દરમિયાન અર્થતંત્રમાં આવેલા પરિવર્તન અને તેમાં ડો સિંઘના યોગદાન વિશે ઘટનાઓનું સંશોધન આસાનીથી થઇ શકે તે માટે અશોક યુનિવર્સીટીએ અલગ વેબસાઈટ અને સર્વરનો પ્રબંધ પણ કર્યો છે. એમ માનીએ કે આ ખૂબ સારું કામ થયું છે પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે,  હકીકતમાં સંવિધાનના આધારે ગોપનીયતાના  શપથ લીધા બાદ તમે આવી રીતે કાગળો અથવા પત્રવ્યવ્હારો બહાર આપી શકો ખરા ? પી.વી નરસિંહરાવે ‘ઈનસાઈડર’ નામની કારકિર્દીકથા લખી છે. બાબરીની વિવાદાસ્પદ ઈમારત અંગે તેઓ હંમેશા કહેતા કે, ‘મારા અવસાન પછી જ લોકો સત્ય જાણી શકશે.

આર. વેંક્ટરામને my presidential years માં અનુભવો લખ્યા છે. જેમાં ભારતીય સંવિધાન અંગે માર્ગદર્શન છે. ડો. શંકરદયાળ  શર્માએ તો કોંગ્રેસના ભવ્ય ભંગાણના ઈતિહાસમાં સક્રિય ભાગ લીધો હતો. પણ પુસ્તક પ્રકાશકો એમને મળવા જાય ત્યારે પુસ્તકને બદલે મીઠાઈ ખવડાવીને વિદાય  કરી દેતા હતા. 

જો કે શ્રી કે.આર. નારાયણે પુસ્તક પ્રકાશનનો ઈન્કાર કર્યો હતો. તો આપણા વિજ્ઞાની રાષ્ટ્રપતિ ડો કલામ કહેતા કે,  “ સંરક્ષણ વૈજ્ઞાનિક હોવાથી ગુપ્ત માહિતી જાહેર નહીં કરવાની મેં તાલીમ લીધી છે.અરુણ નહેરુએ પણ રાજીવને બાબરી અંગે અંધારામાં રાખ્યાનું કહેવાય છે. ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ દળદાર આત્મકથામાં અયોધ્યાનો વિગતવાર ઇતિહાસ અને  જનસંઘ અને આર.એસ.એસ.થી ભાજપા સુધીની યાત્રા પણ વર્ણવી છે. 

રાજકીય નેતાઓ ઘણી મહત્વની ઘટનાઓ જાહેરમાં આવે નહીં તેની કાળજી પણ રાખતા હોય છે. દરિયા જેવું પેટ એહમદભાઈ પટેલનું હતું. ગાંધી પરિવારના તેઓ ચાણક્ય હતા. કોંગ્રેસ માટે તે ટ્રબલશૂટર અને સંકટમોચન હતા, પણ તેઓ હંમેશા કહેતા કે,  ‘મારી રાજકીય કારકિર્દીની ગુપ્ત માહિતી મારી સાથે કબરમાં આવશે.આધારભૂત માહિતી કોને આપવી જોઈએ તેની સ્પષ્ટતા જોવા મળતી નથી. આ ગ્રંથ વાંચતાં એવું પણ લાગે છે કે, ઈતિહાસનું પુનરાવર્તન થતું જ હોય છે.  કારણ કે આ વરિષ્ઠ પત્રકારે પોતાની વ્યવસાયકથા લખી છે એમાં જે રોમાંચક ઘટનાઓમાંથી તેઓ પસાર થયા છે તેવી જ ઘટનાઓ આજે અને અત્યારે પણ બની રહી જ છે. આજે પણ ફરી એકવાર એવી જ રીતે નિર્ણયો લેવાઈ રહ્યા છે કે તેમાં સમગ્ર પ્રધાનમંડળ અંધારામાં હોય અથવા તો કેટલીક વખત માત્ર સનદી અધિકારીઓ દ્વારા જ નિર્ણયો લેવાઈ જતા હોય !  દેશમાં આ બાબતે કોઈ આચાસંહિતા પ્રવર્તે છે ? એ વિચારવાનો મુદ્દો છે

આ ‘ફાધર’ શબ્દનો પ્રવેશ કેવી રીતે થયો ?

જયારથી અંગત મિલ્કતની  સંકલ્પના આવી ત્યારથી પિતાની ઓળખ જરૂરી બની !

ભદ્રાયુ વછરાજાની                                         bhadrayu2@gmail.com

ફાધર એટલે પિતા. પિતા એટલે અધિપતિ, કે જે આધિપત્ય ધરાવે છે.

કુટુંબ નામધારી સંસ્થાનો એક પાલક, રક્ષક, ચાલક તે પિતા. પત્ની, દીકરા, દીકરી ને સંદેશ, ઉપદેશ અને આદેશ પણ આપી શકે તેવું માનવપાત્ર તે પિતા. કુટુંબ જો સંસ્થા હોય તો પિતા તે સંસ્થાનો વડો. 

જો કે શાસ્ત્રો એવું નોંધે છે કે પિતાપણું એ પ્રાકૃતિક બાબત નથી, તે સંસ્થાકીય છે… ફ્યૂચરોલોજી એવું ભાંખે છે કે પિતૃત્વ કાળક્રમે નષ્ટ થઇ જશે, કારણ એક સમય હતો કે જયારે પિતા શબ્દ પણ ન હતો !! વર્ષો સુધી માનવજાત પિતૃત્વ વગર જીવી છે, તેના આધારો જૂનાં પુરાણાં ગ્રંથોમાં મોજુદ છે. વિચિત્ર લાગે એવી વાત છે ને ? પિતા વગર બાળકની કલ્પના થઇ શકતી નથી ને ? કઠિન છે  આ સત્ય ગળે ઉતારવું… પણ જૂઠું નથી એ. શ્રુતિ અને સ્મૃતિ પણ આ વાતની સાક્ષી પુરાવે છે !

કડવું લાગે તેવું તથ્ય એ છે કે ‘અંકલ’ એટલે કે ‘કાકા’ શબ્દ ‘ફાધર’ કે ‘પિતા’ શબ્દ કરતા ઘણો પુરાણો છે, કારણ માતૃપ્રધાનતાનો  પીછો પિતૃત્વએ  કર્યો છે. સમાજમાં માતા હતી પણ પિતા કોણ તે જાણમાં ન હોય તેવું બનતું. માતા બનતી સ્ત્રી ઘણા લોકોને મળતી, ભળતી અને ઓગળતી. તેમાંથી ‘કોઈ’ તેના સંતાનનું કારણ બની રહેતું, પણ ‘તે કોણ ?’ તેનો જવાબ ન મળતો તેથી માતાના બાળકને ‘કાકા’ હતાં, ‘પિતા’ ન હતાં !! એમ કહે છે કે, જ્યારથી પ્રાઈવેટ પ્રોપર્ટી એટલે કે અંગત મિલ્કતની  સંકલ્પના આવી ત્યારથી ‘પિતા’ ની ઓળખ જરૂરી બની ! પિતા શબ્દ તેથી અધિપતિ કે માલિક જેવા અર્થનો અહેસાસ કરાવે છે. પહેલાં સઘળું સહિયારું હતું. સાંઝા ચુલ્હા ભી થા ઔર સુખ દુઃખ ભી સબકે થે. વસંતસેના જેવી ગણિકા પણ સૌનું પાત્ર હતું. પણ સમય જતાં મારું કે તારું થવા લાગ્યું. આ અને આટલું મારું, એટલે કે એનો માલિક હું … તેમાંથી ચિંતા જન્મી કે, ‘આ મારું; પણ મારા ગયા પછી કોનું ? મારા સંતાનનું ને ? તો મારું પોતાનું સંતાન કયું ? હું તો અંકલ છું, ફાધર નથી. મારી સંપત્તિ મારાં બાળકને મળે તે માટે મારે પિતા બનવું જરૂરી છે. હું  કોનો પિતા તે નક્કી કરવા માટે પત્ની પણ મારી હોવી જોઈએ અને તેનું સંતાન મારું હોવું જોઈએ..બસ, આમ ફાધર શબ્દ પ્રવેશ્યો, પ્રાઈવેટ પ્રોપર્ટીની પાછળ પાછળ ! ‘આ બાળક આ પત્ની દ્વારા આ પતિનું જ છે, તેવું ચોક્કસ કરવા પત્ની તો પત્ની બને ત્યારે વર્જિન હોવી જોઈએ,’ તેવો ખ્યાલ બધા જ સમાજમાં સ્વીકૃત બન્યો. ‘આ મારું બાળક મારી મિલકતનું વારસ બની રહશે,’ એવું પ્રસ્થાપિત કરવા સ્ત્રીઓ પર વર્જિનિટી, કુંવારાપણું થોપી દેવામાં આવ્યું… આવો સાર સ્હેજે તારવી શકાય. ફાધરે અંગત સંપત્તિ મિલ્કતને કારણે પિતાપણું પ્રાપ્ત કરવા સમાજ પર, પત્ની પર, સંતાન પર પોતાનો અધિકાર આ રીતે અજાણતા સ્થાપી દીધો ! 

કોઈ સ્ત્રી માતા ના બને  ત્યાં સુધી તે પૂર્ણ નથી, એવું હિન્દુ શાસ્ત્રો જણાવે છે; પણ એવું પુરુષ માટે કહેવાયું નથી. પુરુષની પૂર્ણતાનો આધાર તેનું પિતૃત્વ નથી. એનો અર્થ એ થયો કે પિતૃત્વ એ અકસ્માત છે; એ પિતા હોય છે કે પિતા ન હોય છતાં એ પૌરુષત્વ ધરાવે છે. કશું જ ગુમાવ્યા વગર પિતા થઇ શકાય છે, પણ માતૃત્વ પ્રાપ્ત કરવા પુષ્કળ બાબતો સમર્પિત કરવી પડે છે. આમ સર્જાય છે કુટુંબ નામની સામાજિક વ્યવસ્થા. એ વ્યવસ્થાનો માલિક છે પિતા. એ વ્યવસ્થાની વ્યવસ્થાપક છે માતા  અને તેના ઉપભોક્તાઓ છે સંતાનો. આ વ્યવસ્થાની દરેક આગળની કડીમાં એક પિતા હોય છે, એક માતા હોય છે, અને તે સઘળું એક જરૂરિયાતના તાંતણે ટકેલું હોય  છે !

આપણી આધ્યાત્મિક પરંપરા તો આ ઝંઝટને વશ થવાની ના પાડે છે. તમારો પુત્ર સપૂત હશે તો પોતાનું સારી રીતે રળી લેશે, એટલે તેના માટે પિતાએ ધનસંચય કરવાની જરૂર નથી… અને તમારો પુત્ર કપુત પાકશે તો તમારું સઘળું રોળી નાખશે, તેથી તેના પિતાએ તેનાં માટે ધનસંચય કરવાની આવશ્યકતા નથી. ‘પુત સપુત તો કા  ધનસંચય ? પુત કપુત તો કા  ધનસંચય ?’ આ વાત ગળે ઊતરે તો…… ધનસંચય નહીં; પ્રાઈવેટ પ્રોપર્ટી નહીં, ‘મારું બાળક’ ની ઝંઝટ નહીં,… તો ફાધર હોવાની જરૂર જ નહીં !

આપણે ખરેખર ‘ગુજરાતી’ રહ્યા છીએ ખરા ?

લખતી વખતે તો જાણે વોટ્સએપની ભાષામાંથી ગુમ જ થઈ ગયો છે…!!! 

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

વધુ એક વિશ્વ માતૃભાષા દિવસ ગયો !!! એક દિવસમાં ઢગલાબંધ કાર્યક્રમો કરીને સૌએ સંતોષનો ઓડકાર ખાધો. હવે એક વર્ષની નિરાંત !! વિશ્વ માતૃભાષા દિવસ એ ખરેખર બંગાળી ભાષાને ટકાવી રાખવા માટે અથવા બંગાળી ભાષાનું પ્રભુત્વ જરા પણ ઓછું ન થાય તેના માટે લડત આપનારા યુવાનોની શહીદીને યાદ કરવા માટે છે. પણ એવી શહીદી આપણે ત્યાં કોઈ વ્હોરી લે એવું બનવાનું નથી કારણ કે આજે છેલ્લા પચીસક કે ત્રીસ વર્ષથી જે માબાપ છે અને એના સંતાનો ગુજરાતી ભૂલી રહ્યા છે, ગુજરાતીને  બદલે અંગ્રેજીમાં બોલવું  અને અંગ્રેજીયતથી જીવવું એ એમને કોઠે પડી ગયું છે. 

આમ પણ ગુજરાતી પ્રજા એ દંભમાં બહુ જ મોખરે રહેલી પ્રજા થઈ છે અને બોલવું બહુ સારું સારું પણ કરવું હોય તે કરતા રહેવું એટલે અનેક સંગીતના અને ભાષા જલસાઓની અંદર ખુબ જ once more જે કોઈ લોકસાહિત્યની રચનાને કે સુગમ સંગીતની રચનાને કે સુંદર મજાના ગુજરાતી ગીતને મળે છે ત્યારે આપણે ખુબ એમ લાગે એ માતૃભાષાનું ગૌરવ અદકેરું થઈ રહ્યું છે. પણ એ once more આપનારા જેટલા માતા પિતા છે એમના સંતાનોને તો તેઓ અંગ્રેજી માધ્યમમાં જ ભણાવે છે. અને તેઓ પોતાના ઘરમાં પણ વધુમાં વધુ અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરે છે. આપણે ત્યાં તો એવું બન્યું છે કે ટિપિકલ ગુજરાતી માતાઓ છે એટલે એ વચ્ચે વચ્ચે અંગ્રેજીનાં શબ્દો ઘુસાડી દે છે. પરિણામે નથી સંતાન શુદ્ધ ગુજરાતી સમજી શકતું, શીખી શકતું કે નથી સંતાન શુદ્ધ અંગ્રેજી શીખી શકતું. બંને બાજુથી આપણા બાળકોને માર પડે છે.

એ બહુ જાણીતી વાત છે કે SSC બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં નાપાસ થનારની સંખ્યા બે અઢીલાખથી વધુ હોય છે. એટલે એમ કહેવાય કે લગભગ લગભગ ૩૦% થી વધુ વિદ્યાર્થીઓ આ ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે. એ તો સારું છે કે આપણે ત્યાં આ પરીક્ષામાં બેસવું દસમા ધોરણમાં ભણાવતા શિક્ષકો માટે ફરજીયાત નથી નહિતર ભાષાના શિક્ષકો પણ ૪૦ થી ૫૦ % નાપાસ થાય એવું બને એવું આપણું સ્તર થઈ ગયું છે.. વોટ્સઅપ અને સોશિયલ મીડિયાએ આ બધું બગાડ્યું છે એવું કહેવાનો અર્થ નથી પણ આ બગાડવામાં મોટો ફાળો આપ્યો છે એમ તો અવશ્ય નોંધવું જોઈએ. વોટ્સએપમાં આ ‘પાળ્યો’  અથવા ‘મળ્યો’ એ શબ્દ માટે તમે અંગ્રેજીમાં malyo અથવા palyo એમ ટાઈપ કરો તો ‘મળ્યો’ અને ‘પાળ્યો’ લખાય છે પણ એ લોકોને ખબર નથી એટલે બધા madyo અને padyo જ લખે છે.   ‘ળ’ તો જાણે વોટ્સએપની ભાષામાંથી ગુમ જ થઈ ગયો છે… આમ વોટ્સએપે ભાષાને બગાડવામાં ટેકો કર્યો છે કારણ આપણે તેને વાપરનારોને સાચા સ્પેલિંગ આવડતા જ નથી ને કાં તો કરવા નથી. 

આમ જોઈએ તો RJ તરીકે ખુબ સારા કામ કરનારા RJ આપણી પાસે છે પણ FM રેડિયોના કેટલા RJ એટલું અશુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ કરે છે કે એને સાંભળનારા મહત્તમ ગુજરાતી યુવાનોના કાનમાં ખોટા ઉચ્ચારવાળી ગુજરાતી ભાષા રેડાઈ રહી છે. ગુજરાતી ભાષાનું ખોટું ઉચ્ચારણ ખટકવું તો જોઈએ એવું કોઈને ખટકતું પણ નથી. સરકારની જાહેરાતોમાં તો શુદ્ધ ગુજરાતી જ હોવું જોઈએ,  પ્રુફ રીડિંગ થવું જોઈએ એવો આગ્રહ કોઈ રાખતું નથી અને આમ ધીમે ધીમે  કરતા આપણે આપણી માતૃભાષાને ‘ગુડબાય’  કહી રહ્યા છીએ. શાળાનો વિદ્યાર્થી હવે ગુજરાતી સ્પષ્ટ બોલી શકતો નથી અને શાળાનો તરુણ અથવા તો યુવાનો ‘હું ગુજરાતી  વાંચી શકતો નથી’, અથવા ‘મને ગુજરાતી વાંચવાનું ફાવતું નથી’ એમ કહેવામાં ગૌરવ અનુભવે છે !! 

અરે, જેને સાચી ગુજરાતી થાળી કહેવાય એ સાદી ને સીધી ગુજરાતી થાળી ગુજરાતમાંથી તો ક્યારની ગુમ થઈ ગઈ છે. આપણે પંજાબ જઈએ તો પંજાબી માંગીએ એમ કોઈ ગુજરાત આવીને ગુજરાતી થાળી માંગે તો ?? કાં તો ૩૫ નાની નાની વાટકીઓ વાળો મોટો થાળ આપવામાં આવે કે જેની અંદર પણ ૩૦% વાનગીઓ ગુજરાતી નથી હોતી !! દાળ, ભાત, શાક અને ફુલ્કા રોટલી સાથેની સાદી ગુજરાતી થાળી મળવી બહુ મુશ્કેલ છે. એ જ રીતે, ગુજરાતી પહેરવેશ ક્યાં ગમ થઇ ગયો ? ગુજરાતી સાડી અને કુર્તો ઝભ્ભો પહેરેલ ગુજરાતી શોધો તો ?? આમ સર્વત્ર ગુજરાતી પ્રત્યેનું ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેનું આપણું વલણ ગૌરવપ્રદ રહ્યું નથી.

આપણી માતૃભાષાની ખરી સ્થિતિ કેવી છે ??

સ્વાદિષ્ટ વાનગી સામે આશ્ચર્યથી જોઈ યુવાન NRIએ યુવાને કહ્યું : What is this Ghunto ?

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

શિયાળાની ઠંડી ઢળતી સાંજ હતી. ત્રણેક ગુજરાતીઓ જે વિદેશ રહે છે તે NRI મિત્રોના સ્વાગત માટે સરસ મજાની ઘરેલુ પાર્ટીનું આયોજન થયેલું. આ સાંધ્ય પાર્ટીમાં જામનગર બાજુ વખણાતો ઘુંટો અને બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશ એવું મેનુ હતું. ઘુંટો  વિશિષ્ટ પ્રકારની વાનગી છે. એક યુવાનને ઘુંટો જ્યારે પીરસવામાં આવ્યો  ત્યારે પિરસનારે કહ્યું કે This is Ghuto અને એમના ભવાં ચડી ગયા અને એણે કહ્યું,  What is this Ghunto ? એટલે પિરસનારે પોતાની કાલી ઘેલી અંગ્રેજી, ગુજરાતી મિશ્રિત ભાષામાં સમજાવ્યું કે ૨૫ થી ૨૮ જેટલા શાકભાજીને જીણા જીણા સમારીને એની અંદર થોડું તેલ, મીઠું, મરચું અને ધાણાજીરું નાખીને ધીમા તાપે આ શાકભાજીને ઉકાળવામાં આવે અને એને સતત વચ્ચે ચમચો રાખીને ઘૂંટવામાં આવે અને એ ત્યાં સુધી ઘૂંટવામાં આવે કે જ્યાં સુધી દરેકે દરેક શાકનું મૂળતત્ત્વ  એકબીજામાં એકરસ ન થઈ જાય. આવી રીતે બને છે તેને ઘુંટો કહેવાય છે. અને એ શિયાળાનું ખાસ ખાણું છે. બાજરાના રોટલા પણ ભઠ્ઠા ઉપર બનાવવામાં આવે છે. રોટલાને ચોળીને રોટલાનો ભુક્કો કરીને પછી એમાં સતત ગરમ રહે તેવો ઘુંટો નાખીને તેમાં લસણની ચટણી સ્વાદ પ્રમાણે ઉમેરતા જવાની છે પછી એ આરોગવાનો. વાનગી સરસ બની હતી સૌએ એક મોઢે વખાણ્યું. પહેલા વિદેશી ગુજરાતી મિત્ર એ પણ wow, taste is fine એવું કહીને વખાણ્યું પણ એમને બહુ જ આશ્ચર્ય હતું કે What is this ghuto ? અને એમને સમજાતું નહોતું કે તમે જેનો આટલો બધો આગ્રહ કરો છો એ કોઈ સરસ મજાની દેશી વાનગી છે. એમને ઘણું સમજાવ્યા છતાં એમને પોતાનું રટણ ચાલુ રાખ્યું કે This is nothing but liquidification (લીકવીડિફિકેશન) of vegetables,  જુદા જુદા શાકભાજીઓનું આ પ્રવાહીકરણ છે એવું એ મિત્ર કહેવા માંગતા હતા. જે હોય તે પણ આઘુંટો  શબ્દ એમને કેમ ગળે ઉતારવો એ ઉતારવામાં અમે કેટલાય ઘૂંટડા અમારે ગળે નીચે ઉતારી ગયા. 

આ ઉદાહરણ એટલા માટે અહીં ટાંક્યું છે કે આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ઢોલ ફરી એકવાર વગાડવા લાગ્યા છીએ. સરકાર પણ આ વખતે ઊંડો રસ લઈ રહી છે કારણ કે એને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષા ઉપર બે ત્રણ પેરેગ્રાફ લખ્યા છે અને સરકારને પણ રસ છે કે માતૃભાષાનો ઢોલ બરાબર વાગે.. વિચારવાનું એ છે કે હકીકતમાં આપણી માતૃભાષા કેટલી જીવંત છે એ જાણીએ તો આપણને ખ્યાલ આવે. નાના  નાના પ્રસંગે આપણા ગામડામાં વારંવાર બોલાતા અને વપરાતા શબ્દો હવે જીવતા નથી એ જાણીએ છીએ ત્યારે આપણને માતૃભાષાનું કેટલું ગૌરવ છે  એનો અંદાજ મળે છે. આ ઘુંટો  જેમ ગુજરાતીનો એક વિશિષ્ટ શબ્દ છે એમ અનેક એવા શબ્દો છે કે જે ગુજરાતીમાંથી ગુમ થઈ રહ્યા છે. આવા શબ્દો માટે ઘણો બધો અભ્યાસ અમદાવાદના નિવૃત્ત શિક્ષક રતિલાલ મંડલીએ કર્યો છે. એમની યાદીમાં આપણે ન કલ્પી શકીએ એટલા પાંચ હજારથી વધુ શબ્દો છે. રોજિંદા જીવનના ગુજરાતના વ્યવસાયો દા.ત. માટીકામ, વાળંદ, સુથાર, સોની, કડિયા, વણકર, કુંભાર, લુહાર, કંસારા, મોચી, ધોબી, માછીમાર વગેરે  છે. આ બધા કામની અંદર જે કોઈ સાધનો કે પ્રક્રિયાઓ વપરાય છે એના ગુજરાતી નામ જે એક સમાયે પ્રચલિત હતાં એ નામ ગુમ થઈ ગયા છે. આજથી પચીસેક વર્ષ પહેલા જે આપણી બોલીમાં સામાન્ય હતા તે ૫૦૦૦થી વધુ  નામ ગુજરાતીમાં હવે બોલતા નથી અથવા બોલાય તો સમજનાર માટે ઘૂંટા જેવી હાલત થાય છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને પણ મળીને રતિલાલ મંડલીએ ગુજરાતી  માતૃભાષા વિષે ચિંતા વ્યક્ત કરેલી. 

છેલ્લા થોડા વખતથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા માતૃભાષાના શિક્ષણ માટે થઈને સરકારશ્રી ઉપર બરાબર તડાપીટ બોલી રહી છે છતાં સરકારશ્રી દ્વારા કોઈ નક્કર બાંહેધરી હાઇકોર્ટને અપાતી  નથી. હાઈકોર્ટે એવા પણ પ્રશ્નો પૂછ્યા છે કે સરકાર માતૃભાષાનું શિક્ષણ ફરજીયાત કેમ લાગુ કરાવી નથી કરાવી શકતી એ અમને જણાવે. માતૃભાષા માટે કામ થવું જોઈએ એવો હઠાગ્રહ ન્યાયાલયનો છે, તેમ છતાં આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાંથી ગુજરાતી માધ્યમની શાળાઓ અલોપ થઈ રહી છે.  ગુજરાતી માધ્યમની કોઈ એક સારી શાળા બતાવો, તો એમાં અમે બાળકને ભણાવીએ,’ એવું જયારે કોઈ માતાપિતા વ્યંગથી પૂછે છે ત્યારે આપણે માતૃભાષાનું ગાન કરનારા લોકો મૌન થઈ જઈએ છીએ કે નહીં ??

બાજી કોણ પલટે, અર્થ કે અર્થઘટન ??

‘જે છે’ તેને તમે કેવી રીતે મૂલવો છો, કેવી રીતે પ્રસ્તુત કરો છો એ ‘જે છે’ તેનું અર્થઘટન છે.

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

આપણાં શાસ્ત્રોએ ચાર પુરુષાર્થો ગણાવ્યા છે.
ધર્મ, અર્થ, કામ, મોક્ષ.
આ કેવળ શબ્દો કે સંકલ્પનાઓ માત્ર નથી, પણ માનવ જીવનનાં ચાર પડાવો છે. આપણે માનીએ છીએ કે મોક્ષ એ તો જન્મ પછીનો કોઈ અજ્ઞાત – અલૌકિક પ્રદેશ છે. બાકી રહ્યા ત્રણ પુરુષાર્થો, ધર્મ – અર્થ – કામ. આપણે શાણા અને ચતુર પણ છીએ, એટલે આપણે ધર્મ અને કામને અર્થઘટનના ચક્કરમાં ફસાવી દીધેલ છે. આપણે અર્થ કરતાં ‘અર્થઘટન’માં વધુ અટકેલા રહીએ છીએ.

અર્થ એટલે ‘જે છે’ તે છે, અર્થઘટન એટલે ‘હું જે સમજુ છું’ તે છે.
અર્થ હકીકત’’ છે, અર્થઘટન એ perception છે.
અર્થ ‘સમજ’ છે, અર્થઘટન સમજ વિષેની ‘મારી સમજૂતી’ છે.
‘જે છે’ તેને તમે કેવી રીતે મૂલવો છો, કેવી રીતે પ્રસ્તુત કરો છો એ ‘જે છે’ તેનું અર્થઘટન છે.

બહુ મહત્વ છે અર્થઘટનનું. બાજી પલ્ટી શકે અર્થઘટન. કોઈના હિતને અહિતમાં ફેરવી શકે અર્થઘટન. રસ્તા પર દોરડું પડયું છે. તમને એ દોરડું દેખાય છે અને મને તેમાં સાપ. આપણે તેને અનુભવ્યું નથી છતાં આપણે અર્થનું અર્થઘટન કરવા લાગ્યા છીએ. અનુભૂતિ વગરની અભિવ્યક્તિ અર્થનો અનર્થ કરે છે, અર્થનું અર્થઘટન નહીં.

શ્રીમંત કુટુંબનો એક નબીરો કપડાંની ટાપટીપ બિલકુલ રાખે નહીં. લગ્નનો પ્રસંગ હોય, બહારગામ જવાનું હોય, ગામમાં ફરતો હોય એક જ સરખો પોશાક. એના મિત્રો કહે : ‘અલ્યા લગ્ન પ્રસંગે તો કાંઈ બદલ.’ આ અવધૂત કહે કે ‘અહીં બધાં મને ઓળખે છે. હું કપડાં ગમે તેવા પહેરું તેથી કંઈ મારા પ્રત્યેના લોકોના માનમાં કંઈ ફેર પડવાનો નથી..’ થોડા સમય પછી આ ભાઈ મુંબઈ જેવા શહેરમાં ગયા. મુંબઈમાં પણ તેનો પહેરવેશ તો એ જ જૂનો ને જાણીતો. ત્યાં પેલા મિત્રોનો મળ્યા. મિત્રોએ તરત ટપાર્યો : અલ્યા, ગામમાં તો તું સાદો પોશાક પહેરે તે સમજ્યા, પણ શહેરમાં જાય ત્યારે તો કાંઈક સારા કપડાં પહેર ! અવધૂત તરત બોલ્યો : ‘અહીં મને કોણ ઓળખે છે ?’ પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના તાનમાં છે અને કામમાં છે. મેં શું પહેર્યું છે તે જોવા કોણ નવરું છે ?

કોઈ અર્થઘટન સમાજનાં પરિપ્રેક્ષ્યમાં કરે, તો કોઈ પોતાનાં પરિપ્રેક્ષ્યમાં. ઘટનાને તમે તેને કેમ મૂલવો છો તેના પર તેનો આધાર છે. હા, આ મૂલવણી બે બાબતો પર આધારિત છે : Pre knowledge અને Past data, તમે અગાઉ શું જાણ્યું છે અને તેની છાપ તમારા મગજમાં કેવી પડી છે ! કોઈ ઘટનામાં અગાઉ તમારું encounter થયું હતું તો તમારો ડેટા નેગેટિવ સ્ટોર થશે, કોઈ ઘટનાને અગાઉ તમે આનંદથી માણી હતી તો તમારા મગજમાં તેનો સ્ટોરેજ ઘણો જ આનંદદાયક હશે… હવે બીજી વાર તમે આવી જ ઘટનામાંથી પસાર થશો ત્યારે અગાઉનું encounter કે અગાઉનો આનંદ તમને આ ઘટના કે પ્રસંગને મૂલવવામાં મદદ કરશે… પૂર્વજ્ઞાન તમને રસ્તો ચીંધે છે… અગાઉનો અનુભવ તમને એ રસ્તે ચાલવાનું બળ આપે છે. બીજાં શબ્દોમાં કહીએ તો Pre knowledge તમને અર્થ સમજાવે છે અને past data તમને અર્થઘટન તરફ દોરી જાય છે.. જીવનનો પ્રત્યેક અનુભવ મને અને તમને એક અર્થ આપે છે. એ અર્થનું સાચું અર્થઘટન આપણને ગતિ બક્ષે છે, તો જરાક પણ ખોટું અર્થઘટન આપણને દિશાહીન બનાવી મૂકે છે.

વિનોબાજીના જીવનનો જાણીતો પ્રસંગ છે. ઘરમાં ફણસનું એક ઝાડ હતું. તેનું મોટું ફળ અને તેમાં મોટી મોટી પેશીઓ. ક્યારે ફળ પાકે ને ક્યારે રસદાર પેશી ખાવા મળે તેની પ્રતીક્ષામાં સૌ ભાંડરુઓ!!. સવારે ઉઠીને જોયું તો ફળ ગુમ. બા ફણસમાંથી પેશીઓ કાઢતી હતી. મોઢામાં પાણી આવવા લાગ્યાં. થયું હમણાં મા આપે અને હમણાં જ મોઢામાં પધરાવી દઈએ. પણ ના, મા એ તો પહેલા એક એક પેશી પાડોશીને ત્યાં આપી આવવા વિનયને કહ્યું. મા પહેલાં આડોશ પાડોશનો ભાગ પાડ્યો અને પછી પોતાના બાળકોને આપી. વિનોબાજી કહેવા માંગતા હતાં કે નાનપણમાં અણસમજમાં એક અર્થ ઉમેરાયો ‘ભોગવવું’ અને તેનું અર્થઘટન પણ કે ‘ત્યજીને ભોગવવું’, ‘ભાગ પાડીને ભોગવવું’. આ અર્થઘટને દિશા ચીંધી અને મોટા થઈને એ ભૂદાન યાત્રામાં તે પરિણમી…’ અર્થઘટન બાજી મારી પણ શકે અને બાજી પલ્ટી પણ શકે. જો કે, આ ‘બાજી મારવી’ કે ‘બાજુ પલટવી’ એ ફરી પાછા અર્થઘટનના પ્રશ્નો છે !!

યુવાનોમાં સરકારી નોકરીનો મોહ ભાંગે તેવો કોઈ હિડન એજન્ડા તો નથી ને ??

ગુજરાતમાં પેપર ફૂટવાનું  વ્યવસ્થિત working model અમલમાં મૂક્યું હોય એવું નથી લાગતું ??

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

ઓશો નપુંસકતાની વિચિત્ર વ્યાખ્યા  બાંધે છે.

“તમને જે બાબત પ્રત્યે નફરત હોય તે તમને કોઠે પડવા મંડે અને તમે તેને સરળતાથી સ્વીકારતા થઇ જાઓ તો સમજજો કે તમે નપુસંકતા તરફ સરકી રહ્યા છો.”

‘પોર્ટ પરથી ડ્રગ પકડાયું’ એવું વાંચીએ છીએ ત્યારે હવે તેની વિગતો વાંચવાની જરૂર નથી. 

‘ઉચ્ચ અધિકારી લાંચ લેતા ઝડપાયા’ એવું કોઈ કહે તો આપણને હવે ગ્લાનિ નથી થતી.

‘ભરચક્ક રસ્તા પર એક આખલાએ વૃદ્ધને ઉછાળ્યા અને તેનો ભોગ લીધો.’ બોલો, આવું વાંચતા પહેલાં જેટલી અરેરાટી થતી તેટલી હવે થાય છે ખરી ??

‘દુબઈથી આવી રહેલા પેસેન્જર પાસેથી સોનુ પકડાયું.’ આ સમાચાર તો અઠવાડિયે એકવાર આવે જ આવે છે. 

અરે, ત્યાં સુધી કે,

‘Most VVVIP ની સલામતીમાં ફરી ચૂક સામે આવી !’ આવું હવે લગભગ રોજનું થયું છે.

અરે, કોરોના પણ હવે આપણા માટે સમાચારનો વિષય નથી રહ્યો. 

બસ, એમ જ, અદ્દલ એમ જ,,પરીક્ષાના પેપર ફૂટી જવા તે હવે આપણને કોઠે પડતું જાય છે. હા, આમાં જો કે, સરકારને-તેના મુખ્યમંત્રીને અને તેના શિક્ષણમંત્રીને તો બરાબર કોઠે પડી  ગયું છે. પ્રધાનમંડળનો એક પણ મંત્રી કે પ્રભારી કે અધિકારી સામે આવીને વિવેક ખાતર પણ દિલગીરી વ્યક્ત કરે છે.? સિદ્ધિઓ ગણાવવા આખા પાનની જાહેરાત છાપનાર સરકાર ક્ષમા યાચના કરતી જાહેરાત બીજે જ દિવસે છપાવે તો પણ કોઈકને તો એવું લાગે કે સરકર છે આપણી !!  હા, છાપેલું સ્ટેટમેન્ટ છપાય જાય છે કે, “કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સખત તાપસ થશે અને વિદ્યાર્થીઓને ન્યાય મળશે.” હવે ચમરબંધી ઉઠીને આવી ખાતરી આપતા હોય તો બીજા વળી ક્યા ચમરબંધીને પકડવાના હશે !!?? 

પેપર ફૂટી ગયું એમ કહેવું તો બિચારા કાગળનું અપમાન છે. પેપર તો અકબંધ છે, પણ તેની સાથે વ્યવહાર કરનાર કોઈ મોટું માથું ફૂટી ગયું એમ કહેવું જોઈએ. અને મોટું માથું બહારનું તો હોય જ નહીં. ચકલું ના ફરકે તેવી સિક્યોરિટી હોય ત્યાં બહારનું માથું અંદર ઘૂસે કઈ રીતે ?? એ તો હોય અંદરનું એટલે કે કોઈ વગદાર પોતીકું જ, બીજું શું ? ગુજરાતમાં પેપર ફૂટવાનું  વ્યવસ્થિત working model અમલમાં મૂક્યું હોય એવું નથી લાગતું ?? કહે છે કે બાવીસ પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે,,, કોઈમાં કોઈએ માફી માંગી નથી કે દિલગીરી વ્યક્ત કરી નથી,, બધામાં પોલીસ તાપસ “રાબેતા મુજબ” થઇ છે, આરોપીઓ પકડાયા છે, તેને રિમાન્ડ મળેલ છે અને પછી શું થયું તે કોઈને ખબર નથી  ! 

આમાં  કશીક વ્યવસ્થિત ગોઠવણ હોય એવું લાગે છે, ચોવીસ જ કલાકમાં છે દક્ષિણના રાજ્યમાંથી સૂત્રધાર પકડી લાવીએ છે એનો અર્થ એવો કે પગેરું તો પહેલેથી જ જાણીતું છે. આમાં ક્યાંક, અંદરની અસંતુષ્ટોની લડાઈ તો નથી ને ?? પક્ષ-સૂત્રધાર અને જેને લઈને ચૂંટણી જીત્યા તેવા નેતાની આટલી કુશાગ્ર બુદ્ધિ અને કડપ છતાં ચૂંટણી વખતે શાસક પક્ષમાં જો પક્ષ વિરુદ્ધ મોટાં માથાંઓએ પ્રવૃત્તિ કરી હોય તો પછી ક્યાં શું ન થઇ શકે તે વિચારવા જેવું છે.

સરકાર બધાને ઈચ્છે તો પણ નોકરી આપી શકે તેમ નથી. રાષ્ટ્રના આર્થિક ધુરંધરો એવું કહે છે કે આપણો  દેશ કુલ વસતીના એક ટકા ને  જ સરકારી નોકરી આપી શકે. આ વાત સાચી ગણીએ તો 2016ના આંકડાઓ મુજબ  કેન્દ્ર સરકારના 48 લાખ, પ્રાઇવેટ સેક્ટર યુનિટના 10 લાખ, બેન્કના 8 લાખ, રાજ્ય સરકારોના કુલ એક કરોડ બત્રીસ લાખ સરકારી કર્મચારીઓનો સરવાળો બે કરોડ જેવો થાય છે. 

ભારતની વસતી 140 કરોડ ગણીએ તો વસતીના પ્રમાણમાં દોઢ  ટકો સરકારી કર્મચારીઓ તો છે જ. આ સ્થિતિ દેશ સમક્ષ અને ખાસ કરીને યુવાનો સમક્ષ વિધિવત સ્પષ્ટ કરવાની જરૂર છે. એક વખત સોઈ ઝાટકીને સ્પષ્ટતા થાય કે, ‘હવે આત્મનિર્ભર થયા વગર નહિ ચાલે, કૌશલ્યધારી બનો અને પોતાના પગ પર ઉભા રહો.’ સરકાર નોકરીઓના વચનોની લ્હાણી કરવાનું બંધ કરે.  અન્યથા તો એક શંકા એ પણ જાય કે  પેપર નું આમ વારંવાર ફૂટવું અને તેની તપાસમાં ઢીલાશ દાખવવી એ યુવાનોમાં  સરકારી નોકરી પ્રત્યેનો  મોહ  આપમેળે ભાંગે તેવો કોઈ હિડન એજન્ડા લાગે છે ..  તમને ધીરે ધીરે કોઠે પડી જાય અને તમે આશા છોડી દો, એટલે ઓશોની વ્યાખ્યા સાચી પડે. 

 

‘ઓથર ઈન એમ્બ્રિયો’ હવે શક્ય છે !! ??

સાત પગલાં અનંતમાં ભરી સાંઈ મકરંદની પરમ સમીપે પહોંચેલ  ઈશા કુન્દનિકા કહે : હે ભગવાન ! મને સુંદર લખતાં શીખવજો.’

ભદ્રાયુ વછરાજાની                                                                           bhadrayu2@gmail.com

આજે સ્મરણ વિહાર દરમ્યાન એક દિવ્યતાનો માર્ગ પકડાયો છે.

એક સફેદ પોસ્ટ કાર્ડ આવ્યું ટપાલમાં, તેમાં થોડાક જ ફૂલ જેવા શબ્દો વેરાયેલા. ભાઈ, કાંઈ જ કામ નથી, બસ તમે બહુ યાદ આવ્યા એટલે વિચાર્યું કે લાવ મળી લઉં ! – ઈશા.

નંદિગ્રામ દ્વારા બારેક વર્ષ પહેલાં ધરમપુરમાં દૂર દરાજના ગામોમાં શૌચાલય બાંધી આપવાનો પ્રકલ્પ ચાલે. તે સમયે એક સફેદ પરબીડિયું ટપાલમાં આવ્યું. : ‘ભાઈ, નંદિગ્રામના શૌચાલય પ્રકલ્પ અંગે તમે રૂડો લેખ લખ્યો તે વાંચીને તરત તે લેખના એક વાંચક ગાંધીજન બળવંતભાઈ દેસાઈએ રૂપિયા એકાવન હજારનો ચેક મોકલી આપ્યો ! મને થયું કે સાચુકલા શબ્દોમાં કેટલું પ્રેરક અજવાળું પડયું છે !- ઈશા.

ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવા દંપતિને લઈને નંદિગ્રામ પહોંચ્યાં. ખબર નહીં કેમ પણ જેલમ + હાર્દિકને મળીને કુન્દનિકાબેન અતિ પ્રસન્ન થયાં. પોતાને ડાબા કાને વધુ સંભળાય એટલે જેલમને તે બાજુ બેસાડી ગીત ગાવા કહ્યું. ‘એવા રે મળેલા મનના મેળ..’ આ કરુણા કંઠે ગવાતું ગીત અચાનક જ અટક્યું,  કારણ જેલમની આખો ચોધાર આંસુએ વરસવા લાગી. ઈશા મા અને જેલમ આત્મીય પ્રવાહમાં વહેવા લાગ્યા. થોડી પળો પછી બધું સ્વસ્થ થયું ત્યારે એક નાના છોડ સાથેનું કૂંડું જેલમના હાથમાં મુકી સૌને  કહે : ‘ભાઈ, દીકરી તો આપણા ઘરનો તુલસી ક્યારો છે, એટલે આ ઋજુ હૃદયને મારી લાગણી સ્મરણરૂપે આપું છું..’ ! 

કરુણાનું ઝરણું મૌન સાધના સાથે ‘નંદીગ્રામ’માં  એવું વહ્યું છે કે તેની ભીનાશ વર્ષો સુધી ગુરુ ગોરખનાથની ચેતનાને પ્રજ્વલિત રાખશે. હા, ‘કુન્દનિકા કાપડિયા:એક સર્જક’ એટલે  ‘મા ઈશા:એક સાધક’ હવે નશ્વર દેહે અહીં નથી.  ઓથર ઈન એમ્બ્રિયોએ તો ક્યારની  વિદાય લીધી છે  !

બાળપણ આકાશ, વૃક્ષો, મેદાનો વચ્ચે વીત્યું.. ચુડામાં જન્મીને પછી ગોધરાના એક આઉટ સ્કર્ટમાં ઓછાં મકાનો ને ખુલ્લાં મેદાનોની વચ્ચે !!  એક બહેનપણી વિમલાએ  લખેલા એક  પત્રમાં નીચે લખેલું : ‘આપને હરઘડી યાદ કરનાર વિમલા..’ અરે કેટલા સરસ શબ્દો ! નાનકડી કુન્દનિકા તો રાજી પડી, દોડી ખુલ્લાં મેદાનમાં ને આકાશ સામે ખુલ્લી સુઈ ગઈ ને બે હાથ પહોળા કરી પોકારવા લાગી : હે ભગવાન ! મને સુંદર લખતાં શીખવજો.‘ સાચા દિલની બાળકીની પ્રાર્થના ભગવાને બરાબર સાંભળી અને તેને ફાળે ‘સાત પગલાં આકાશમાં’ અને ‘પરમ સમીપે’ ની લેખિકા બનવાનું આવ્યું !

સોળ વર્ષે તો શેક્સપિયર વાંચી લીધા. ર.વ.દેસાઈનું ‘ગ્રામલક્ષ્મી’ વાંચેલું.  તે એક સોમાને ઘરે બોલાવીએ ભણાવે. બાપુજી વડીલ મિત્ર જેવા એટલે એમણે  કહ્યું : ‘બેટા, આ સોમાને તું ભણાવે તે તો સારું, પણ તું એને અડે તે ખોટું…’ અને કુન્દનિકાને વીજળીના કરંટ જેવો ઝટકો લાગ્યો ! ‘મારે કોઈ જ્ઞાતિ નથી‘ એવું બેધડક છેલ્લે સુધી કહેનાર કુન્દનિકાજી સિવાય ઘરના બધાય દેરાસર જાય. ચોથા ધોરણમાં રવિશંકર જોશી આધ્યાત્મિક અને પ્રેમાળ શિક્ષક. ગુજરાતી ભણાવે. એક નિબંધ લખવાનું કહેવાયું કે તરત લખવાનું શરૂ. શિક્ષક નિબંધ વાંચી બોલ્યા : ‘તેં  આ નિબંધ પહેલેથી તૈયાર કરી રાખેલો કે શું ?’ કુન્દનિકાનો નિબંધ આખા વર્ગમાં વાંચી સંભળાવ્યો ને નીચે લખી આપ્યું : ઓથર ઈન એમ્બ્રિયો ! આ નોંધનો અર્થ આજે આપણને સમજાય છે !

૧૯૪૯ – ૫૦ માં જે કૃષ્ણમૂર્તિને જોયા, મળ્યા, વાતો કરી, પ્રવચનો સાંભળ્યાં અને અંતરંગ યાંત્રિક બન્યાં. નાનપણમાં જે.કે ની કવિતાઓ વાંચેલી ત્યારથી નક્કી હતું કે મોટા થઈને આમને વાંચીશ. જયારે ગોષ્ઠી કરી ત્યારે કુન્દનિકાબેન અચૂક બોલ્યાં છે : ‘નો ઓથોરિટી, નો ગુરુ, નો ડિસાઇપલ, ટ્રુથ  ઈઝ આ પાથલેસ લેન્ડ… 

‘નવનીત સમર્પણ’ના વિશેષ અંકમાં સંપાદક તરીકે સાંઈ મકરંદ દવેને કવિતા લખવા આમંત્રણ આપતા લખ્યું : ‘આપ કવિતા દ્વારા ગમતાનો ગુલાલ કરો તેવી વિનંતી છે.’… જવાબમાં મકરંદ દવેએ કવિતા લખી મોકલી : ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ,,’ પહેલાં ગોંડલ અને પછી મુંબઈથી બંને નજીક આવ્યા. સાંઈ મકરંદ અને કુન્દનિકાજી ૧૯૮૬ માં નંદીગ્રામમાં ભાવનાની મૂડીથી સેવા અને સાધનામાં ઊંડા ઊતર્યાં. દિવ્યતત્વ સાથેનું અનુસંધાન એવું  સધાયું કે નંદીગ્રામ ડિઝાઇન્ડ બાય સમ પાવર એન્ડ લેડ બાય અનનોઉન ફેક્ટરબની ગયું. કવિ અનિલ જોષીની પંક્તિઓનું સ્મરણ અવશ્ય થઈ  જ જાય છે : 

હું તો નીકળી ગઈ મારી તલાશમાં

હું તો નીકળી ગઈ બહારના ઉજાસમાં

સાત પગલાં આકાશમાં…

ઈશ સ્થાનકો તો દુર્ગમ સ્થળે જ હોય ને ?

માનવું પડે કે ભગવાનના ઘરમાં આપણે કરેલા ભેલાણથી ભગવાન નારાજ છે,  જોશીમઠનો દાખલો
આપણી સમક્ષ છે.

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com

વડીલો એવું કહેતા  કે ભગવાનના સ્થાનકો તો  દુર્ગમ સ્થળે જ હોય. ત્યાં પહોંચવું અઘરું હોવું
જોઈએ અને હતું જ. દેવી દેવતાઓ આપણાથી દૂર જ બેઠા છે. દેવીઓ તો લગભગ પર્વતો ઉપર
બેઠી છે અને દેવતાઓ એવા સ્થળે જઈને બિરાજમાન થયા છે કે ત્યાં પહોંચવામાં કષ્ટ પડે. એટલે તો
ત્યાં પહોંચવા માટેના પ્રવાસને યાત્રા કહેવાય. જો તમે મુશ્કેલી ભોગવીને, પરસેવો પાડીને ઈશ દર્શને
જાઓ તો તમને સાચો પ્રસન્નતાનો અનુભવ થાય. પણ આપણે હિંદુત્વના નામે દરેક દેવસ્થાન ઉપર
એવું અતિક્રમણ કરી રહ્યા છીએ કે  જેમાં દેવસ્થાન નાનું અને સવલતોના ભવનો ખુબ મોટા બની
રહ્યાં છે.
વર્ષો પહેલા ઉત્તરમાં   જ્વાલાજીની અચાનક મુલાકાત લેવાનું બનેલું ત્યારે એટલી અદભુત રીતે 
જ્વાલાઓ સ્વંયમભુ પર્વતના નાનકડા ગોખલાઓમાંથી નીકળતી ભાળી હતી !! ત્યાં કોઈ મૂર્તિ નથી,
ત્યાં માત્ર જવાળાઓ છે. હમણાં  શ્રી મોરારિબાપુની રામકથાનું આયોજન ત્યાં થયું ત્યારે ફરી જવાનું
બન્યું તો આખું દ્રશ્ય પલટાઈ ગયેલું. ચોતરફ બેરીકેટ બનાવીને કિલ્લા જેવી સ્થિતિ સર્જીને
જ્વાલાઓના દર્શન ભાગ્યે જ થાય તેવો યાત્રાધામનો  ‘વિકાસ’  થયેલો જોઈ દુઃખ થયેલું. પવિત્ર
સ્થાનકોના ગર્ભબિંદુઓને as it is રહેવા દઈએ તો ?

કહે છે ઉત્તરાખંડના બહુ પ્રસિદ્ધ એવા જોશીમઠની જમીન પાણીમાં ગરકાવ થઇ રહી છે. ૫૦૦ થી
વધુ મકાનોમાં તિરાડો પડી છે અને મકાનો નીચેથી  પાણી બહાર આવી રહ્યું છે. આપણને હિંદુઓને
સરળતાથી ત્યાં જઈને ભગવાનના દર્શન કરવાનો એક લ્હાવો મળે એવું કારણ આગળ ધરીને પવિત્ર
ચારધામ સુધી પહોંચવા માટેના સીધા મોટા હાઇવે બનાવી નાખવાનું શરુ થયું છે. પણ આજે તો એ
સ્થાનકોની હસ્તી  ખોઈ બેસીએ એવી સ્થિતિ આપણે સર્જી રહ્યા છીએ. ચારધામ યાત્રાના ચારે ય
ધામ કુદરતે એકદમ દુર્ગમ સ્થળે સર્જ્યા છે અને એનું મૂળ સૌંદર્ય જાળવી રાખવું હોય તો  એને એમ
જ રહેવા દેવા જોઈએ. પરંતુ આપણે એના સુધી પહોંચવા માટે નદીઓ દબાવીને માર્ગો અને
ઇમારતો ઉભી કરવા લાગ્યા. એ માર્ગોની નીચે વહેતો પ્રવાહ હવે વિદ્રોહ કરીને બહાર આવી રહ્યો છે.

આડેધડ બાંધકામ, આજુબાજુમાં મોટા મકાનો અને પર્વતની એક નાનકડી જગ્યાની ટોચ ઉપર મોટા
મોટા બિલ્ડીંગ્સ ઉભા કરવામાં આવ્યા છે. આ બધાને કારણે ત્યાં જમીન ઉપર ભાર વધી રહ્યો છે.
આપણે ગીરના જંગલમાં ભેલાણ કર્યું. અંદર ઘૂસીને  આપણે રિસોર્ટ્સ બનાવ્યા એટલે સિંહો બહાર
આવ્યા. બસ,  એવું જ થયું છે જોષીમઠના કિસ્સામાં. ઈશ્વરે પોતાનો પ્રકોપ દેખાડવાની શરૂઆત
કરી છે. છેક 1976થી ચેતવણી અપાતી આવે છે કે આ જગ્યા ભયમાં છે, ભૂકંપના ઉચ્ચ ઝોન
પાંચમા આ વિસ્તાર છે એટલે અહીં કશું બાંધકામ કરશો નહીં  છતાં મનસ્વી રીતે વર્તીને સત્તાધીશોએ
આ ભયાનક સ્થિતિ સર્જી છે. 
ભગવાન તો એના મૂળ સ્વરૂપમાં જ હોવા જોઈએ. . પણ આપણે તો આપણને ગમે તેવા ભગવાનને
બનાવવા માટે કોઈપણ વાઘા એને પહેરાવી દઈએ છીએ. જૂની પેઢી એવું કહેતી કે શિવલિંગ તો કોઈ
ખોજે તો જડે એવા દુર્ગમ સ્થાનમાં વધુ શોભાપ્રદ લાગે. આપણે ભગવાનોને સોનાથી મઢવા લાગ્યા,
મંદિરોને સોનાવાળા કરવા લાગ્યા, મંદિરોના કળશો ઉપર સોનુ જડવા લાગ્યા એટલે આપણા
ભગવાનને જાહોજલાલીવાળા  બનાવીને જોવાનું પસંદ કરવા લાગ્યા. આ ભક્તિ નથી. ભગવાન
ભાવનો ભૂખ્યો છે એવું ભગવાને ખુદ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. પણ આપણે વિકાસની વાતને
ભગવાન ઉપર ઠોકી બેસાડવા લાગ્યા છીએ, પરિણામે જોશીમઠ જેવા ઉત્તમ અને પવિત્ર સ્થળને
જોખમમાં મૂકી રહ્યા છીએ.  કેટલાય વર્ષો પહેલા નાની ઉંમરમાં જેમણે શાસ્ત્રોમાં  એક ક્રાંતિ સર્જી
આપી તે આદિ શંકરાચાર્ય દક્ષિણ ભારતમાંથી ઉત્તર ભારતમાં આવેલા દેવસ્થાનોએ કેવી રીતે પહોંચ્યા
હશે ? ત્યારે ક્યાં રસ્તા હતા  ? એને કેટલા વર્ષ લાગ્યા હશે ? આ બધા પ્રશ્નોના જવાબ મળે તો
આપણને ખ્યાલ આવે કે જ્યાં પરિશ્રમ નથી, જ્યાં પ્રસ્વેદ  નથી, જ્યાં તકલીફો નથી ત્યાં ભગવાનના
દર્શનમાં મજા પણ નથી. દુર્ગમ દેવસ્થાનો પર પહોંચવા માટે સીધા હેલીકૉપટરથી ઉતરી શકાય તેવી
સગવડ કરવાની માણસે ભૂલ કરી છે તેનો બદલો જોષીમઠમાં આપણને ઈશ્વર દ્વારા મળી રહ્યો છે.
પૂજ્ય શ્રી ડોંગરે મહારાજે ભાગવત કથામાં એવું કહ્યું છે કે યાત્રાધામ ઉપર જઈને તમે તમારી કામ
વિલાસની વાસનાઓને ભોગવવા લાગ્યા છો એટલે ભગવાન નારાજ છે. વાતને સાચી માનવા  જેવું
છે,  કારણકે જોશીમઠનો દાખલો આપણી સમક્ષ છે.

શિક્ષણના દરિયામાં ‘ભરતી’ ક્યારે આવશે ?

સૌના મનમાં એક પ્રશ્ન છે કે શિક્ષણ તો દરિયા જેવું છે પણ દરિયામાં શિક્ષકોની ઓટ કાયમ માટે કેમ છે ? એમાં ભરતી કેમ આવતી નથી

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com

થોડા સમય પહેલા ગાંધી વિદ્યાપીઠ, વેડછી ખાતે BRS માં એક કાર્યક્રમમાં  જવાનું થયું. વિદ્યાર્થીઓ લગભગ સવા બસોથી વધુ  હતા. ગાંધી સંસ્થાનું સુંદર  પરિસર હતું. રૂડું આયોજન હતું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને  એના સફેદ પોતે ધોયેલા વસ્ત્રો એ બધું આપણને ઉત્સાહ વધારે તેવું હતું. મારી બાજુમાં એ સંસ્થાના આચાર્ય બેઠા હતા. થોડીક એનાઉન્સમેન્ટ વિદ્યાર્થીઓએ કરી તરત જ આચાર્ય ઉભા થયા અને એક બાજુમાં જઈને હાર્મોનિયમ વગાડવા લાગ્યા  અને એમના હાર્મોનિયમના સાથમાં  સરસ પ્રાર્થના અને આવકાર ગીત ગવાયું, સૂરમાં, તાલમાં, આપણી સવાર સુધરી જાય એવું. ફરી પાછા એ મારી બાજુમાં આવીને બેસી ગયા. મેં એમને પૂછ્યું આપ ? તો એણે કહ્યું હું આચાર્ય છું. અને હું પણ હમણાં ડિસેમ્બરમાં  નિવૃત થાઉં છું, મેં પૂછ્યું પાછળ કોઈ બે ત્રણ યુવાનો બેઠા છે એ કોણ છે તો કહે એ તો ટ્રસ્ટે પોતાના ખર્ચે નીમેલા લોકો છે… ‘તો શું BRSમાં જગ્યા નથી ?’ જગ્યાઓ તો ઘણી  છે પણ કોઈ શિક્ષક કે વહીવટી વ્યક્તિ નિવૃત થાય તો  એમના સ્થાને એકપણ ભરતી નથી થતી. આવો જ અનુભવ બીલપુડીની એક સંસ્થામાં પણ થયો. આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં ખરેખર બહુ સારા શિક્ષણની આવશ્યકતા છે અને એટલા માટે શિક્ષકોની પણ આવશ્યકતા છે.

તાજેતરમાં રાજકોટની અંધ મહિલા વિકાસગૃહમાં જવાનું થયું. અંધ દીકરીઓ માટેની આ અદભુત સંસ્થા છે. એમનું વ્યવસ્થાપન,  એમના ભવનો એ બધું જ દાતાઓની સહાયથી થયું છે. ત્યાં મેં પુછપરછ કરી કે, ‘તમારે ત્યાં કેટલા શિક્ષકો છે ?’ જવાબ મળ્યો કે, ‘બાવીસ શિક્ષકોની જગ્યા છે જેમાંથી બે શિક્ષકો સરકારના છે અને બાકીના બધા ટ્રસ્ટના છે. લગભગ એક  કરોડ રૂપિયા જેવો ખર્ચ થાય છે,  જેમાંથી ત્રીસ લાખ રૂપિયા જેટલી જ ગ્રાન્ટ સરકાર તરફથી મળે છે, બાકીનું બધું જ દાનના આધારે ચાલે છે. અમારો ઘણો ખરો સમય દાતાઓને સમજાવવામાં અને દાન આપે તે દાતાઓને આવકારવામાં જાય છે.’ 

સમજાતું નથી કે સરકાર પોતાની સિદ્ધિઓને ગણાવવામાં મસમોટો ખર્ચ કરી રહી છે એ સરકાર શિક્ષણમાં ભરતી કરવાનું કેમ નહીં વિચારતી હોય ? સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે શિક્ષણ તો દરિયા જેવું છે પણ આ દરિયામાં શિક્ષકોની ઓટ કાયમ માટે કેમ છે ? એમાં ભરતી કેમ આવતી નથી ? 

કદાચ સરકારનો એક છાનો એજન્ડા એવો હોય શકે કે આ બધી ગ્રાન્ટેડ  સંસ્થાઓ ધીમે ધીમે બંધ થઇ જાય અને માત્ર સેલ્ફ ફાયનાન્સ સંસ્થાઓ ચાલે, જેની કોઈ માથાકૂટ સરકાર ઉપર ન રહે. પણ આવું કરી નહીં શકાય. કારણકે રાષ્ટ્રીય શિક્ષણનીતિ જો સરકાર અમલમાં મુકતી હોય તો એનો અમલ કરવા માટે જે જરૂરિયાત છે એ સરકારે જ પુરી કરવી પડશે. આદર્શ સંસ્થાઓ તો સરકારની જ હોવી જોઈએ,  એ હશે તો રાજ્યના અને કેન્દ્રના શિક્ષણમંત્રીઓ કહી શકશે કે અહીં અમે જે કરી રહ્યા છીએ એવું અમે સેલ્ફ ફાયનાન્સમાં ઇચ્છીએ છીએ.  તમે પણ કરો અને ગુણવત્તાને આગળ વધારો.  

તમે દરિયા સામે ઉભા હો તો ભરતી આવે તો ઓટ પણ આવે. આ ભરતી અને ઓટ બે કુદરતી સર્જન રૂપે થતી  પ્રક્રિયા છે અને આ જ પ્રક્રિયાને આપણે આપણા જીવનમાં પણ અનુસરીએ છીએ. સુખ અને દુઃખની પણ ભરતી અને ઓટ હોય છે. આપણે પૈસાદાર થઈએ કે ગરીબ થઈએ એ પણ ભરતી અને ઓટ હોય છે. પ્રશ્ન એક જ છે કે સરકારી નોકરીઓ ખાલી હોવા છતાં પૂરેપૂરી ઓટની  એક મોટી  ખીણ  હોવા છતાં એમાં ક્યારેય ભરતી આવતી નથી. ખાલી શિક્ષણની જ વાત કરીએ તો  આપણને એમ લાગે કે સરકાર કદાચ શિક્ષણમાં ભરતી કરવાનું ઈચ્છતી જ નથી. આંકડાઓ તપાસવામાં આવે તો આંખો પહોળી થઇ જાય. આપણી પાસે TET અને  TAT વાળા ક્વોલિફાઈડ શિક્ષકો છે છે, પણ  આપણે એમની ભરતી કરતા નથી અથવા તો કરવા ઇચ્છતા જ નથી. સ્કૂલથી લઈને કોલેજો સુધી અનેક જગ્યાઓ લાયબ્રેરીયનની, ફિઝિકલ એજ્યુકેશનના ઇન્સ્ટ્રકટર્સની, શાળાઓમાં અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે બે કે ચાર વર્ગો ભેગા બેસાડીને આપણે અત્યારના ગાડું ગબડાવી રાખીએ છીએ. જગ્યા ખાલી પડે તે ન ભરવી એ શિક્ષકની હોય કે વહીવટી કર્મચારીની હોય એવો સરકારનો રવૈયો સ્પષ્ટપણે દેખાય છે. કોઈ સમજદાર હૈ તો.. ઈશારા કાફી હૈ.

 

મારી આશા એટલે શું હું પોતે જ ??

મારો કૃષ્ણ, મારો જાંબુવંત કે મારો સાન્ટા ક્લોઝ હું છું,, મને  આશાનું ગિફ્ટ બોક્સ આપવા કોઈ આવે તેની રાહ  હું કેમ જોઉં છું ? 

ભદ્રાયુ વછરાજાની                                            bhadrayu2@gmail.com 

કહે છે કે હનુમાનજી પોતે ખુદ અતિ બળવાન છે તે ખરે સમયે તેમને જાંબુવંતજીએ ઢંઢોળીને કહેલું. વિપત્તિનો સમય હતો અને શ્રી રામચંદ્રજી પણ નિરાશામાં ગરકાવ થઈને બેઠા હતા. સૌ હારી  ગયા હોય તેમ  લમણે  હાથ દઈને બેઠા હતાં, ત્યારે જાંમ્બુવંતને સ્મરણ થયું કે આ હનુમાનજી તો પરાક્રમી પવનપુત્ર છે. તેનામાં  અપાર શક્તિ છે અને તે ધારે તે હાંસલ કરી શકે તેમ છે,  તો પછી એ પોતાની શક્તિ વિષે કેમ કશું વિચારતા નથી ?  તેમણે હનુમાનજીને બરાબર ઉશ્કેર્યા અને શૂરાતન ચડાવી ‘ખુદનું  બળ’ એટલે કે ‘આત્મશક્તિ’ની યાદ અપાવી અને હનુમાનજીએ હતાશા ખંખેરીને ઉભા થઇ હવામાં છલાંગ લગાવી અને સીતા મૈયાને શોધવા ઉડી પડ્યા.  

આપણી પાસે શ્રીમદ ભગવદ્દ ગીતાજી છે જે પુરવાર કરે છે કે બલિષ્ટ ધનુર્ધારી અને અનેક યુદ્ધો એકલે હાથે જીતી લેનાર અર્જુન પોતાના હથિયાર નીચે મૂકીને કુરુક્ષેત્રના મેદાનમાં હારી જવા તત્પર થઇ યુદ્ધ રથમાં નીચે બેસી ગયો !! અર્જુનની આ દશા જોઈ શ્રી કૃષ્ણે ગીતાનું ગાન કરવું પડ્યું અને અર્જુન બહુ પરિશ્રમ પછી લડવા માટે તૈયાર થયો!! શ્રી કૃષ્ણનું વિરાટ સ્વરૂપ જોઈને તેને સ્વધર્મનું ભાન થયું અને તે કુરૂક્ષેત્રના મેદાનમાં ભીષણ યુદ્ધ લડ્યો અને વિજયી થયો. 

આમ જુઓ તો આપણી હાલત પણ હનુમાનજી અને અર્જુન જેવી જ નથી શું ? શ્રી માતાજી કહે છે કે, ‘ Every soul is potentially divine.’ એનો અર્થ એવો કે મૂળભૂત ઉર્જા તો આપણા સૌમાં સરખી છે જ છે. અને જો એમ હોય તો નાની નાની  વાતોમાં નિરાશ થઈ  જનાર આપણે કોઈ આવીને આશા બંધાવે એવી રાહ કેમ જોઈએ છીએ ? મારો કૃષ્ણ, મારો જાંબુવંત કે મારો સાન્ટા ક્લોઝ હું જ છું,, મને  આશાનું ગિફ્ટ બોક્સ આપવા કોઈ આવે તેની રાહ  હું કેમ જોઉં છું ? 

આમ કૃષ્ણ કે રામ કે સાન્ટા ક્લોઝ આવેને આશાનું ઈન્જેકશન લગાવે અને આપણું એક વર્ષ આનંદથી ભરી દે. પણ જરા વિચારીએ તો ખરા કે  અવતારો કે સાન્ટાજી આપણી ક્લોઝ આવીને કરે છે શું ? આપણામાં પડેલી શક્તિને ફૂંક મારી ધૂળ ખંખેરી આપણને સ્મરણ અપાવે છે કે ચાલ મિત્ર, દોડવા લાગ કારણ તું તો અપાર ઉર્જાનો ભંડાર છે !! એ કંઈ આપણામાં શક્તિનું  પીપડું નથી ઠલવતા કે નથી આપણને ઉર્જાનો કોઈ બુસ્ટર ડોઝ દેતા પણ એ આપે છે આશાનું પોટલું,  જેને જીવંત કરવાની શક્તિ તો આપણે  જ સર્જવી પડે છે. …તો પછી મારી આશા એટલે હું પોતે જ ને ? 

ઘણા વર્ષો પહેલાની વાત છે. એ સમયે કેટલાક કાણાવાળા સિક્કા બહાર પડતા પરંતુ તે પ્રમાણમાં ઓછા ચલણમાં હતા તેથી કોઈકોઈને ક્યારેક જ કાણાવાળો સિક્કો હાથ લાગી જતો. તેનું મહત્ત્વ વધ્યું એટલે તેની સાથે એક માન્યતા જોડાઈ ગઈ કે જેમની પાસે કાણાવાળો સિક્કો હોય તે સમૃદ્ધ બને !! વાત ચાલી અને લોકોના મનમાં ઠસી ગઈ. એક ગરીબ માણસને એક કાણાવાળો સિક્કો મળી આવ્યો. તે રાજી થઇ ગયો.  તેણે નક્કી કર્યું કે હવે હું આ સિક્કો મારી સાથે જ કોટના ગજવામાં રાખીશ તેથી મારી  પ્રગતિ ચોક્કસ થશે. આ આશા એટલી પ્રબળ  બની કે તે હસતો-ઉછળતો ઉત્સાહ અને ધગશથી કામ કરવા લાગ્યો,,એટલે સૌ  તેને ચાહવા લાગ્યા  અને તેની પ્રગતિ થવા લાગી. તે ખરેખર ગરીબ મટીને અમીર જેવો સક્ષમ બન્યો. એક દિવસ તેને ઈચ્છા થઇ કે હું રોજ સિક્કાને નવા કોટમાં મુકું છું પણ આજે હું એ કાણાવાળા સિકકાનાં દર્શન કરીશ અને તેણે સિક્કો કાઢ્યો ને જોયો ત્યારે ખબર પડી કે એ સિક્કો તો કાણાવાળો ન હતો..તે તો અસ્વસ્થ અને બેબાકળો થઇ ગયો. ત્યારે તેની પત્નીએ કહ્યું કે, સાંભળો, છ આઠ મહિના પહેલા તમારો કોટ ધોઈ ને ઊંચી છત પરથી સૂકવતી વખતે સિક્કો નીચે પડી ગયો. મેં બહુ શોધ કરી પણ તે ન મળ્યો એટલે મેં આ સાદો સિક્કો તમારા કોટના ખિસ્સામાં મૂકી દીધો. પેલો માણસ તો સમૃદ્ધ થઇ ચુક્યો હતો,  કારણ તેના ખિસ્સામાં આશાનો એક સિક્કો પડ્યો હતો. એ માણસ કાણાવાળો સિક્કો રાખ્યા પછી જે ઉત્સાહ અને ઉમંગથી કામ કરવા  લાગ્યો હતો તે શક્તિ તો તેની અંદર જ પડી હતી ને !!

 

પ્રભુ ચરણ કમળમાં રહેવાના માર્ગો ક્યા ??

આપણી વાણી, વિચારો અને ભાવોમાં કેટલીયે વસ્તુઓ એકદમ ઉતરતી કક્ષાની હોય છે, એ બધી પ્રભુના ચરણે ધરી દેવાય ખરી ??

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com 

પ્રભુની સાથે રહેવાના બે તબક્કા છે અને એ જ  સમર્પણની પહેલી અને આખરી અવસ્થા છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ પોતાની વાતમાં બિલાડીના બચ્ચાનું ઉદાહરણ આપે છે. આ ઉદાહરણોમાં જે વાત છે તે ઈશ્વરને સમર્પિત  થવાની અવસ્થાઓની વાત છે. મર્કટ ન્યાય અને માર્જર  ન્યાયના બે ઉદાહરણો બહુ રસપ્રદ છે. મર્કટ ન્યાય એટલે વાંદરીના બચ્ચાનું ઉદાહરણ.  વાંદરીનું બચ્ચું એની મા ને વળગેલું જ હોય છે, એની મા ને આશરે જ હોય છે. પણ એ બંને હાથે મા ને વળગી રહેવાનો  પુરુષાર્થ તો કરતું જ હોય છે. કાળજી લે છે કે હાથ છૂટી ન જાય કારણ કે જો મા ને વળગાળેલા હાથ છૂટી જશે તો તે માથી વિખૂટું પડી જશે અને તેનું પતન થશે. પ્રભુને આપણે કરવાના સમર્પણની આ પહેલી અવસ્થા છે. જેમાં પ્રભુને વળગી રહેવાનો પુરુષાર્થ આપણે કરવાનો છે. જે કરે તે પ્રભુ કરે આપણે એને વળગી રહેવું છે.

માર્જર ન્યાય એટલે કે બિલાડીના બચ્ચાનું ઉદાહરણ. બિલાડી પોતાના બચ્ચાને મોં માં લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે. બચ્ચું શું કરે છે ? કશું જ નહીં,  પૂરો શરણાગતિભાવ.  બચ્ચું મા તેને જ્યાં લઇ જાય ત્યાં જવા તૈયાર છે. જરા પણ વિરોધ વગર માની સાથે એ પોતાની જાતને ભેળવી દે છે. માએ બચ્ચાને પકડ્યું હોય છે એટલે તેની માટે પડી જવાની કોઈ સંભાવના હોતી નથી. આ અંદર ઉભો થયેલો ભાવ એ ભરોસો છે કે માએ મોઢામાં પકડ્યું છે એટલે મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શાસ્ત્ર કહે છે કે સમર્પણની આ અંતિમ અવસ્થા છે જેમાં આપણે સંપૂર્ણપણે ભગવાનને આધિન થવાનું છે. ભગવાને આપણો પુરેપુરો કબ્જો લઇ લીધો હોય તો એ અંતિમ અવસ્થા કહેવાય.  જો કે, મહર્ષિ અરવિંદ જેવા સમર્થ યોગીઓ પણ કહે છે કે આ બીજા પ્રકારનું સમર્પણ બધા એકદમ કરી શકે એવું બનતું નથી. ત્યાં સુધી પહોંચતા ઘણી વાર લાગે. જયારે વિચારોનું યુદ્ધ ચિત્તબુધ્ધિમાં શમી જાય અને ત્યાં નીરવ શાંતિ થઇ જાય અને કોઈપણ ઈચ્છાના તીવ્ર કે મૃદુ બધા ભાવો નામશેષ થઇ જાય ત્યારે એ ચિત્ત સમપર્ણનો વિકાસ સૌથી વધુ થવા દે છે. 

આંતરિક સમપર્ણ અઘરું છે. સીધું તે અવસ્થાએ પ્હોંચાય તેવું નથી પરંતુ મક્ક્મતાથી જો પ્રયાસ કરવામાં આવે તો મન અને પ્રાણ એ બંને આંતરિક સમર્પણ માટે તૈયાર થઇ શકે છે. અને હા, માત્ર આંતરિક સમર્પણ જ છે એવું નથી,  બાહ્ય સમર્પણ પણ છે. બાહ્ય સમર્પણ એટલે બહાર જે વસ્તુઓ છે તેને છોડી દેવી એવો જ અર્થ થતો નથી.  પણ તમે  ભગવાનને પામવા માટેની જે સાધના કરી રહ્યા છો એનું જે હાર્દ તત્વ હોય, એની જે જરૂરિયાત હોય તેના વિરુદ્ધમાં જે કંઈ જોવા મળે તેનો ત્યાગ કરવો એ બાહ્ય સમર્પણ છે. દા.ત. પ્રભુને ધરાવવું. કશુંક પ્રભુના ચરણમાં મુકુવુ. જેને આપણે ઓફરિંગ કહીએ છીએ. આ સાધનાની જરૂરિયાત ગણાય છે. શ્રી માતાજી કહે છે Remember and offer. ગીતામાં કૃષ્ણ પણ કહે છે कुरुष्य म दर्पणम – મને અર્પણ કર. હવે રોજિંદા જીવનમાં આપણું કર્મ, આપણી વાણી, આપણા વિચારો અને આપણા ભાવોમાં કેટલીયે એવી વસ્તુઓ હોય છે કે જે એકદમ નિમ્ન હોય છે. ઉતરતી કક્ષાની હોય છે. એ બધી વાતને પ્રભુના ચરણે ધરી દેવાનું તો આપણે વિચારી જ ન શકીએ એવી એ બાબતો છે. તો આ ઓફરિંગથી વિરુદ્ધમાં આવતી વસ્તુઓ છે. અથવા અર્પણને અટકાવનારી બાબતો છે. એને બાહ્ય સમર્પણના રૂપમાં છોડવી પડે. આપણે એક કામ સતત કરવાનું છે પરમાત્મા તરફથી આવતું માર્ગદર્શન અથવા તેના આદેશનું સતત અનુસરણ કરવાનું છે. અહીંયા સાવધાન રહેવાનું કે જેથી વિરોધી શક્તિઓ તરફથી કે બીજેથી આવતા અવાજોને આપણે ઈશ્વરીય અવાજ માનીને તેનું અનુસરણ કરવા ન લાગીએ. શ્રી માધવ પંડિત સરસ વાત કહેતા : Beware of voices અવાજોથી સાવધાન રહો. આ કેમ શક્ય બને ? ખુબ પ્રયત્નથી આંતરિક શુદ્ધિ થાય તો આ બધું શક્ય છે. ટૂંકમાં, બાહ્ય સમર્પણ એટલે બહારના આડંબરો, અહંકાર એ બધાને તો છોડવાનું જ છે. અહીંયા બાહ્ય સમર્પણ એટલે ઈશ્વર તરફ જતા માર્ગમાં અવરોધક બનનાર કોઈપણ વસ્તુ, ઘટના કે વ્યક્તિને છોડી દેવી એ આપણું બાહ્ય સમર્પણ છે.

ઈશ્વરને અર્પણ કરવાની મૂળ ભાવનામાં કેટલા સ્પીડબ્રેકર નડે ?

ઈચ્છા કે લાગણી કે માંગણી કે અપેક્ષાથી ઈશ્વર પ્રાપ્ત ન થાયજીવનની જે કેન્દ્રવર્તી ચેતના છે એ ચેતનામાં પરમાત્મા માટેની અભીપ્સા જાગવી જોઈએ.

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com  

ઈશ્વરને અર્પણ કરવાની મૂળ ભાવનામાં કેટલાક અંતરાયો અથવા તો સ્પીડબ્રેકર આપણે સૌએ અનુભવ્યા હોય છે. આ પૂર્ણ સમર્પણની આડે સૌથી પહેલા આવીને ઉભો રહે છે આપણો અહંકાર,  જેને આપણે ઈગો કહીએ છીએ. એટલે કે ‘આ મારું, આ મારા, આ મારો’ એવો આપણો અહંકાર છે. હું…હું…અને હું એ આપણો અહંકાર છે. કશું અર્પણ કરવું હોય તો આપણી  ચેતનામાં પણ હું ની અનુભૂતિ ન રહે અને તે શૂન્ય બની જાય તો જ એ અર્પણ થયું કહેવાય. ‘જે કંઈ છે તે તું જ છે, એનાથી અલગ મારું કંઈ રહે જ નહીં’ તો આ અહંકારનો પહેલો અંતરાય ઘણે ખરે અંશે દૂર કરી શકાય. 

આપણી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને માંગણીઓ બહુ મોટી હોય છે અને ઈશ્વરને કશું પણ અર્પણ કરવા જઈએ ત્યારે એ વચ્ચે નડે છે. કહેવાય છે કે ઈચ્છા એ નિમ્ન પ્રાણમાંથી આવે છે. અને નિમ્નપ્રાણ ઈચ્છા અને તેની જોડિયાબહેન જેવી આસક્તિના રૂપમાં હોય છે. ઈચ્છાને અભાવ સાથે સીધો સબંધ છે. ‘મારી પાસે આ નથી ને  મારે આ જોઈએ છે’, એ ઈચ્છાનું સ્વરૂપ છે. આ આંતરિક ઈચ્છા તીવ્ર થાય એટલે બહાર વાણીમાં પ્રગટે અને વાણીમાં પ્રગટે ત્યારે એ માંગણી બને. જ્યાં સુધી ઈચ્છા હોય છે ત્યાં સુધી માણસ ઇચ્છિત  વસ્તુ કે વ્યક્તિ માટે જીવતો હોય છે, ભગવાન માટે નહીં. અને એ રીતે ઈચ્છા એ ઈશ્વરાર્પણની આડેનું મોટું વિઘ્ન છે. 

અઘરું છે સર્વ ઈશ્વરને અર્પણ કરવાનું. પણ એમ કહેવાય છે કે,  ‘દીર્ઘકાલ સેવ્ય મનઃ એટલે કે લાંબા સમય સુધી સેવવામાં આવતા જે કોઈ વચનો હોય છે એ ફળદાયી નીવડે છે એવું યોગસૂત્રમાં કહ્યું છે. મહર્ષિ ઓરોબિંદો એના માટે  ‘સ્ટેડિલી’ શબ્દ વાપરે છે. એ એમ કહે છે કે યોગનો અભ્યાસ એકધારો કરવાનો,  તૂટક તૂટક નહીં. કર્યો અને છોડી દીધો, ફરી કર્યો અને ફરી છોડી દીધો એમ ન ચાલે. યોગસૂત્ર એમ કહે છે કે તમે કોઈપણ અંતર વગર, વચ્ચે કોઈ ખાડો પાડયા  વગર જો અભ્યાસ કરો તો એ ધીમે ધીમે સફળ થવા ટેવાયેલો છે. સંસ્કૃતમાં तैलधरावत  એવો શબ્દ છે. તેલની ધારા માફક એકધારી અને સઘન રીતે તમે કોઈ વાતના અભ્યાસમાં લાગી પડો ત્યારે એ સફળ થઈને રહે જ છે. આનો એક મોટો ફાયદો એ છે કે આમ લાગી પડવાથી આપણું ચિત્ત બીજે ક્યાંય ભટકતું નથી. ‘હે અનિષ્ઠ, હું તારો સ્વીકાર કરતો નથી,’ આવો લાંબા સમય સુધી મક્ક્મતાથી એકધારો ઈન્કાર ધીમે ધીમે કરવામાં આવે તો તેનું જોર તૂટતું જાય છે. અને શક્ય બને કે તે આપણી ચેતનાની બહાર પણ ક્યારેક  ફેંકાઈ જાય છે.

પરમાત્મા માટે આપણને શું છે ?? માત્ર ઈચ્છા કે માંગણી કે અપેક્ષા  કે પછી અભીપ્સા છે, એ જરા નક્કી કરવા જેવું છે. માત્ર ઈચ્છા કે લાગણી કે માંગણી કે અપેક્ષા થી ઈશ્વર પ્રાપ્ત ન થાય, મારા અને તમારા જીવનની જે કેન્દ્રવર્તી ચેતના છે એ ચેતનામાં પરમાત્મા માટેની અભીપ્સા જાગવી જોઈએ. ‘મારે કેવળ તું જ જોઈએ છે’.. એને અભીપ્સા કહેવાય. સમર્પિત થઇ જવાની મારી અંદર અભીપ્સા જાગે તો ભગવાન પોતે મારા  હૃદયનું શુદ્ધિકરણ હાથમાં લઇ લે. પણ એના માટે સૌથી પહેલી જરૂર છે આપણી ચેતનાનું શુદ્ધ હોવું. શુદ્ધિ વિના સિદ્ધિ નહીં. 

સાધકે સાધનાને સહાયક થાય એવું આચરણ કરવાની અભીપ્સા સતત રાખવાની છે અને તેના માટેનો યથાશક્તિ પુરુષાર્થ કરીને એ પ્રવૃત્તિને બળ આપવાનું છે. અનુભવો દ્વારા શ્રી અરવિંદને ફીલિંગ (એટલે કે આંતરિક અહેસાસ કે  પ્રતીતિ) અને રીઝન એટલે ચર્મચક્ષુથી નહીં પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી થતું દર્શન અભિપ્રેત થયું. શ્રી અરવિંદ મુખ્યત્વે આંતર પ્રતીતિના દર્શન આ પ્રમાણે  ગણાવે છે..(1) સર્વત્ર બ્રહ્મ છે. (2) સાધકમાં શક્તિનો પ્રવેશ થાય છે અને બહાર નીકળે છે. (3) અંદર અને બહાર આસપાસ સાકાર ઈશ્વર છે, દિવ્ય પ્રકાશ છે, શાંતિ છે અને આનંદનું અવતરણ છે. (4) ચેતનાનું વિશાળતા અને વ્યાપકતામાં વિસ્તરણ થયા કરે છે અને શરીર તે વ્યાપકતામાં એક નાનકડી વસ્તુની જેમ બેઠું છે. 

મહર્ષિ શ્રી અરવિંદ કહે છે કે જો સાધના કરનારને ભરોસો અને વિશ્વાસ (એટલે કે ટ્રસ્ટ અને કોન્ફિડન્સ) હોય અને સમર્પણની અભીપ્સા હોય તો શુદ્ધિકરણ માટે  સાધનાનો વિકાસ અને અનુભવોની પ્રક્રિયા અવશ્ય થયા કરે છે. 

આપણને ખબર છે કે ભરોસો અને વિશ્વાસ એટલે શું?

શ્રી માતાજી તો એમ કહે છે કે,  ‘તમે જેટલી ઈચ્છાઓ વધારે કરશો એટલો ઈશ્વરને મેળવવામાં તમને વિલંબ થશે.

ભદ્રાયુ વછરાજાની                                               bhadrayu2@gmail.com 

એક ઉપદેશ સતત અપાય છે કે,  તમે જે કાંઈ કરો તે ઈશ્વરને અર્પણ કરો. શ્રીમદ ભગવદ ગીતામાં પણ બે મુખ્ય ભાવ વ્યક્ત થયા છે. પહેલો:  સ્વધર્મનું આચરણ અને બીજો: સર્વે કર્મો  ઈશ્વરને અર્પણ. પ્રશ્ન એ થાય કે, આપણે જે કંઈ કરીએ છીએ તે ઈશ્વરને અર્પણ કરવા યોગ્ય હોય છે ખરું ? અને એ અર્પણ કરવા યોગ્ય ન હોય તો સર્વ ઈશ્વરને અર્પણ એવું આપણે કેવી રીતે સ્વીકારી  શકીએ ? કેટલાક અકર્મપ્રેમીઓ મને છે કે,  ‘આપણે કંઈ કરવાનું નથી. બધું ભગવાન કરશે હું કંઈ નહીં કરું.’ આ તો એક તામસિક અને નિષ્ક્રિય એવો આપણો ભાવ છે. પરંતુ વ્યક્તિએ પૂરો પુરુષાર્થ કરીને પુરુષાર્થ અને ભગવાનની કૃપાશક્તિનો સુભગ સમન્વય સાધવાનો છે તે વાત ભૂલવા જેવી તો નથી જ.

પ્રભુ સહાય કરશે જ,  એવી નિશ્ચિત અપેક્ષાના આધારે જીવવું એ હકીકતમાં  જીવન છે ખરું ? મોટા ભાગના સાધકોને બીજી કેટલીક વસ્તુઓ કે વ્યક્તિઓની  સાથે ભગવાનને જોડવાની ટેવ છે. ભગવાન તેમના માટે એકમાત્ર હોતા નથી અને તેથી તેમનો કોઈ નેનો અનુભવ  પણ થતો નથી. શ્રી માતાજી તો એમ કહે છે કે,  ‘તમે જેટલી ઈચ્છાઓ વધારે કરશો એટલો ઈશ્વરને મેળવવામાં તમને વિલંબ થશે.’ મારે મારી જાત સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત કરી દેવાની છે.  મારા આત્માને તે  જોઈએ છે તેથી ભગવાન મળશે જ. એ સિવાય વધુ  કંઈ ન થઇ શકે એવું સાધક માનતો હોય છે. આ માન્યતાના આધારે આપણે ઈશ્વર સુધી પહોંચી શકીએ અથવા તો ઈશ્વર આપણા સુધી પહોંચી શકે એમ માનીને જીવવું એ વધુ પડતું છે. જીવનની કેટલીયે બાબતો એવી છે કે જે ઈશ્વરને અર્પણ કરવા જેવી હોતી નથી. આવી બાબતો કઈ કઈ છે તેની આપણે ખાસ વિચારણા કરવા જેવી છે.

આજકાલની મોટી નબળાઈ એ છે કે અતિ ઉત્તમ શબ્દોને આપણે બહુ જ વારંવાર નીચા સ્તરે વાપરીને તેને ખુબ દરિદ્ર બનાવી દીધા છે. એમાંના બે શબ્દો એટલે ‘ભરોસો’ અને ‘વિશ્વાસ’ છે. આપણે લોકશાહીના પ્રચારમાં પણ ભરોસો શબ્દ વાપરવા લાગ્યા અને વાતે વાતે મારામાં ભરોસો રાખો એવું બોલવા લાગ્યા. એવું બોલનારને ખબર હોય કે હું ભરોસાપાત્ર નથી છતાં પણ બોલનાર ઢોલ પીટીને કહેતો હોય કે મારામાં વિશ્વાસ રાખો,  ત્યારે એ શબ્દનું અવમૂલ્યન કરવાનો હીન પ્રયાસ છે. ભરોસો છે શું ? સીધી ને સાદી વાત. ભરોસો એટલે મને જોઈએ ત્યારે જરૂર સહાય મળશે જ એવી  એક નિશ્ચિત અપેક્ષાનો ભાવ. ભરોસો પણ અપેક્ષા છે,  પણ નિશ્ચિત અપેક્ષા છે. એના વિષે શંકા આશંકા નથી જ  અને એ પણ મને સહાયની જરૂર હશે ત્યારે જ. જરૂર પુરી થયા પછી મળે તો એ ભરોસાપાત્ર નથી. વિશ્વાસ એની સાથે સાથે  ચાલતો શબ્દ છે. વિશ્વાસ એટલે આ ભરોસાની સાથે સાથે જતો સલામતીનો ભાવ. જે નિશ્ચિત અપેક્ષા મેં રાખી એ મને મળશે જ એવો ભરોસો હોય ત્યારે એ અપેક્ષા પૂર્ણ થયા પછી  મારી પરિસ્થિતિ હવે યથેચ્છ હશે,  એવી સલામતીનો ભાવ મારામાં ઉતરે એને વિશ્વાસ કહેવાય. 

હવે આ જ વાત ભગવાન વિચારે છે. ભગવાનને એમ થાય છે કે ચાલો,આ ભક્ત કે સાધકનું શુદ્ધિકરણ હું હાથમાં લઉં. પણ ત્યારે ભગવાનને પ્રશ્ન થાય છે કે, મારો ભક્ત  સાધના કરવાને બદલે પોતાના પ્રયત્નો ઉપર આધાર રાખતો થાય એ સાચું કે પોતાના પ્રયત્નો પર આધાર  રાખવાને બદલે પોતાની જાતને મારા  હાથમાં સોંપી દે એ સાચું ! અર્થ એવો નથી કે આપણે કંઈ કરવાનું નથી. બધું ભગવાન કરશે ને હું તો  કંઈ નહીં કરું એ તો તામસિક નિષ્ક્રિય સમર્પણ કરીને બેસી જવા જેવી વાત છે, એવું આપણે જાણ્યું છે.  એમણે  પૂરો પુરુષાર્થ કરી લેવાનો છે. અને ‘પુરુષાર્થને અંતે ભગવત કૃપા મારામાં શક્તિ ઉમેરશે’ એવો ઘાટ ઘડવાનો છે.

મહર્ષિ અરવિંદ કહે છે કે મારી સાધનામાં મેં પોતે આ જ સિદ્ધાંતોનું અનુસરણ કર્યું હતું . હું જે યોગની કલ્પના કરું છું એની કેન્દ્રવર્તી પ્રક્રિયા આ જ આંતરિક સમપર્ણ છે. થોડું કઠિન બન્યું. આંતરિક સમર્પણ અને બાહ્ય સમર્પણ એવા ભાગ પડતા હશે ? તો શું વળી સમર્પણને પણ વધુ સમજવું પડશે ? હા, સમજવું તો પડશે પણ એ એટલું અઘરું નહીં લાગે. એક સુંદર મજાના  ઉદાહરણથી એ તરત સમજાય જશે. (ક્રમશ:)

ગુજરાતી ફિલ્મ ગુજરાતી પ્રેક્ષકો સુધી પહોંચે ક્યાંથી?

ગુજરાતીમાં ઉત્તમ ફિલ્મો બની રહી છે, પણ થિયેટરના પ્રશ્નો ગુજરાતી દર્શકો સુધી ફિલ્મને પહોંચાડવાનું દુષ્કર બનાવે છે

ભદ્રાયુ વછરાજાની                              bhadrayu2@gmail.com

(સૌ માટે વાંચવો ખૂબ જરૂરી પણ છાપાંમાં ન છપાયેલો લેખ)

છેલ્લા ઘણા વખતથી ગુજરાત રાજ્યમાં ગુજરાતી ફિલ્મો માટેનો એક સરસ સમય શરૂ થયો છે. સરકાર પણ પ્રોત્સાહિત કરે છે. કોઈ ફિલ્મ સોશિયલ મેસેજ લઈને, તો કોઈ ક્રાંતિની વાત લઈને, તો કોઈ થ્રિલર પ્રાયોગિક ફિલ્મ પણ ગુજરાતીમાં હવે બની રહી છે. રોકાણની સગવડની દ્રષ્ટિએ ગુજરાતી ફિલ્મો બનાવવી હવે સહેલી બની ગઈ છે. પરંતુ તેને પ્રેક્ષકો સુધી પહોંચાડવી ખાંડાના ખેલ જેવું કામ છે. કારણ કે ફોન કરો ત્યારે ખબર પડે કે આજનો શો તો રદ થયો છે.!! આ અનિશ્ચિતતામાંથી ગુજરાતી ચાહકને કોણ બચાવશે એ મોટો પ્રશ્ન છે. ફિલ્મકર્મીઓ આ કામ કરવામાં વ્યસ્ત છે, કારણ કે અંદરનું એક ઝુનુન ઉભું થયું છે કે ઉત્તમ ગુજરાતી ફિલ્મો ગુજરાતની પ્રજાને આપવી. પણ સાઉથની ફિલ્મો પાછળ દોડનારા આપણે સૌ ગુજરાતી ફિલ્મો માટે કેમ એટલા નિરસ છીએ ? આ મોટી નાકામિયાબી આપણા કળાક્ષેત્રની ગણાય. એ અંગે જે કોઈએ વિચારવું હોય તેણે સંગઠિત થઈને વિચારવું જોઈએ.
તાજેતરમાં એક યુવાગ્રુપની બીજી ફિલ્મ ‘પેન્ટાગોન’ જોવાનો લાભ મળ્યો. ઘણી સારી ગુજરાતી ફિલ્મો ચુકી જવાનો મનમાં રંજ હતો. ‘પેન્ટાગોન’ પણ ચૂકી જવાત કારણ કે કોઈ એકાદા રડ્યા ખડ્યા થિયેટરમાં એકાદો શો એમને મળતો હતો. રીતસર પાછળ પડીને આ ફિલ્મ જોઈ અને ફિલ્મ જોઈને એવું લાગ્યું કે આપણી પાસે કલાકારો, દિગ્દર્શકો અને કથાનક લખનારા લોકો બહુ બળુકા છે. એ સુંદર સ્ક્રિપ્ટ લખી શકે છે, અભિનય કરી શકે છે અને પ્રેક્ષકોના મનમાં બેસી જાય તેવી ફિલ્મ બનાવી પણ શકે.. પણ એ ફિલ્મને થિયેટર સુધી લઇ જવી અને થિયેટરના આકરા અને થોડા વિચિત્ર પ્રકારના નિયમોને આધીન થઈને એને દર્શનીય બનાવવી એ બહુ કપરું કામ બન્યું છે.
‘પેન્ટાગોન’ એક થ્રિલર ફિલ્મ છે. થોડી વધુ માવજત સાથે હિન્દીમાં બને તો હિટ જાય એવી હિન્દી ફિલ્મ જેવી આ ગુજરાતી ફિલ્મ છે, મર્ડર મિસ્ટ્રી છે. છેલ્લી દસેક મિનિટને બાદ કરતા ફિલ્મ સતત રહસ્યના ચકરાવામાં નાખે છે. રહસ્યમય ફિલ્મ બની અને હાઉસફુલ પ્રેક્ષકગૃહમાં બધાના શ્વાસ અઘ્ધર કરી ગઈ. છેલ્લી દસેક મિનિટમાં ફાસ્ટ ફોરવર્ડમાં ફિલ્મ દોડી એ ઘણા પ્રશ્નો છોડી ગઈ. છોડો એ વાત, આપણે એ વાત નથી કરવી. પણ એક બળુકી ફિલ્મ બની ‘પેન્ટાગોન : પ્ર-પંચકોણ’. નાના નાના કલાકારોએ, દિગ્દર્શકે પોતાની લાઈફની આ બીજી ફિલ્મ બનાવી. પણ ફિલ્મની ટીમ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, થિયેટરવાળા લોકો ગુજરાતી ફિલ્મને ચડાવવા માટે તૈયાર નથી હોતા !! એ કહે છે કે સાત દિવસના હાઉસફુલ શો જો તમે ખરીદતા હો તો અમે તમને થોડાક શો આપી શકીએ. અને જે ફિલ્મ નિહાળી શક્યો એ પણ એની આખી ટીમે પરચેઝ કરેલો શો હતો. પોતે પ્રચાર કર્યો અને પછી પોતે ટિકિટ વેંચી !! મોટા નામધારી થિયેટરો વતી જો આવું કામ કલાકારોની ટોળકીએ કરવું પડે તો ફિલ્મ બનાવવા કરતાં તેઓને ટિકિટબારી ખોલવાનું વધુ સહેલું પડે. એક વ્યથા પણ એમના દિગ્દર્શક અને મુખ્ય કલાકારે વ્યક્ત કરી કે, ‘ગુજરાતી ભાષા માટે ચિંતા કરનારા લોકો ક્યારેય આમાં કોઈ દિવસ મદદ કરતા નથી.’
કેટલા જોરદાર નાટકો આવે છે અમદાવાદની રંગભૂમિ ઉપર. બે પાત્રોનું ‘પત્ર મિત્રો’ નાટક કે જેમાં ખાલી પત્રો વંચાતા હોય. એ નાટકે કેટલો જોરદાર માહોલ ઉભો કર્યો !! ગુજરાત યુનિવર્સીટીના એમ્ફી થિયેટરમાં ‘બિજલી’ નાટ્ય પ્રયોગ અદભુત રીતે થયો. આ બંને નાટકોના જેટલા રીવ્યુ સોશિયલ મીડિયા ઉપર વાંચ્યા એ એક અવાજે એને બિરદાવતા હતા. આ બધા નાટકો ફિલ્મની બરોબરીના નાટકો છે, છતાં એમને સગવડો કે સહાયનો કોઈ ટેકો નથી. એ પ્રેક્ષકો સુધી પહોંચી શકે છે એ પણ અમદાવાદ સુધી જ. તમે રાજકોટ,વડોદરા, સુરત કે અન્ય મેટ્રો જેવા શહેરોમાં એ જોવા માંગતા હો તો એ શક્ય બનતું નથી. કેમ આવી સ્થિતિ છે ?
ગુજરાતી ફિલ્મોને અને ગુજરાતી નાટકોને એટલે કે ગુજરાતની સંસ્કૃતિને જો પ્રમોટ કરવી હોય તો એના માટે પ્રેક્ષકો સુધી ફિલ્મ કે નાટક પહોંચે એવી બધી સગવડતાઓ થવી જોઈએ. સરકારના પોતાના જ ઓડિટોરીયમો છે, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરતમાં.. સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ ફિલ્મ કે નાટકોના શો થવા જોઈએ. એમ થશે તો ગુજરાતી પ્રજા દક્ષિણની જેમ પોતાની ફિલ્મો તરફ ચોક્કસ વળશે. ગુજરાતની જનતાને ગુજરાતી ફિલ્મો જોવા માટે સંસ્કારિત કરવાનો સમય આવી ગયો છે.

‘હું ખોખા ઉપર બેઠો છું એમાં તમને કંઈ વાંધો છે ?’

હું કંઈ નથી,જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છેએવા ભાવમાં જીવવું  જરૂરી છે.

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

ખલિલ જીબ્રાનની એક વાર્તા છે. God’s Fool, ઈશ્વરે સર્જેલો મૂરખ માણસ. મૂરખ માણસ રણપ્રદેશમાંથી ચાલતો નીકળી પડ્યો. તે એક મહાકાય નગરમાં પહોંચ્યો. ચોરતરફ મોટી લાઈટો, ઝાકઝમાળ, જાહોજલાલી, એ આભો બનીને બધું જોવા લાગ્યો. એણે  જિંદગીમાં એવું કશું જોયું ન હતું. ચાર આંખ કરતો, વિસ્મય કરતો, સ્તબ્ધ થતો આગળ વધતો જાય. ઘણું બધું ફર્યો , થોડી ભૂખ લાગી. એક મોટું મકાન હતું અને બધા લોકો ગાડી પાર્ક કરીને એમાં જતા હતા,  એ પણ એમાં ઘુસી ગયો. દરવાને બારણું ખોલી આપ્યું, એ અંદર ગયો, અંદર મોટા ટેબલ હતા, ટેબલની ઉપર ભોજનની વાનગીઓ રાખી હતી. એણે જોયું કે લોકો જઈને બેસી જતા. કેટલાક લોકો એને પીરસવા લાગ્યા. એ પણ જઈને બેસી ગયો. એને એમ કે કોઈ રાજાનું આ મોટું નગર છે અને આ રાજકુંવર તરફથી પાર્ટી છે. એમણે પણ એમાં બેસીને જમી લીધું.  જમીને એ બહાર નીકળ્યો એટલે હટ્ટાકટ્ટા સિપાઈએ એને રોક્યો. પેલાને તો ભાષા આવડતી ન હતી, કંઈ સમજતો ન હતો. કહ્યું કે,  ભાઈ તમારું બિલ ચુકવાયું નથી.. એ આભો થઈને એની સામે હસવા લાગ્યો. આઠ દસ પોલીસો એની આજુબાજુ આવીને ગોઠવાઈ ગયા. આ તો બધા સામું જોયા કરે અને જોઈને હસ્યા કરે. ઝૂક્યા કરે !!  એને પોલીસોએ ઉપાડ્યો અને ગાડીમાં નાખીને એક  મોટા ભવનમાં  લઇ આવ્યા.  ત્યાં એક મોટી દાઢીવાળો ન્યાયાધીશ બેઠો હતો,  એની સામે એને રજૂ કર્યો. પેલા લોકો એની ભાષામાં કહેવા લાગ્યા. આ બધાની સામું જોયા કરે . એને એમ થયું કે આ લોકો તો મારું બહુમાન કરવા માટે કોઈ રાજા પાસે લઇ આવ્યા છે. એટલે એ રાજી થાય. એ ન્યાયાધીશને પણ ઝૂકવા લાગ્યો. હસતો જાય અને ઝુકતો જાય. ન્યાયાધીશને લાગ્યું કે આમાં કશો મેળ નહીં પડે એટલે સજા ફરમાવી કે આને ઊંધે ગધેડે બેસાડો,  આખા નગરમાં ફેરવો અને પછી છોડી મુકો. બે જણાએ બાવડું પકડીને ઊંધે ગધેડે બેસાડ્યો અને  એ તો રાજી થઈ ગયો કે, વાહ,  મારા આવવાથી નગરના લોકો રાજી થાય એટલે મને આખા નગરમાં આ સરઘસ રૂપે ફેરવીને બહુમાન કરતા  લાગે છે. ફેરવ્યો અને એક બાજુ મૂકી દીધો…બસ હવે તે  ફરીવાર ચાલવા લાગ્યો.. 

ખલીલ જિબ્રાને લખી છે એટલે આ વાર્તા કંઈ મુર્ખામી માટે નહીં લખી હોય. જિબ્રાન આ વાર્તાના ભાવથી એમ કહેવા માંગે છે કે રણમાંથી આવ્યો હતો અજાણ્યો માણસ, અવાચક જેવો,  ભાષા ન જાણતો હોય એવી જગ્યાએ જઈ  ચડ્યો પણ ત્યાં એમણે  દરેક વસ્તુનો અજાણતા પણ સ્વીકાર કર્યો. જે થયું તેને હસ્તે મોઢે સ્વીકાર્યું. જે સામે આવ્યું એની સામે હસ્યો, ઝૂક્યો. જે મળ્યું તે ખાધું, કોઈએ પકડ્યા તો પકડાઈ ગયો. જિબ્રાન કહે છે કે આ રીતે જો તમે જીવો છો તો તમને એક મહાનગર જેવા બ્રહ્મનું જ્ઞાન આપોઆપ પ્રાપ્ત થાય છે. પણ એના માટે ખરેખર તમારે ‘હું કંઈ નથી,  જે કંઈ છે તે કોઈક કરી રહ્યું છે’ એવા ભાવમાં જવું પડે.

સમર્થ લેખક ઇકાર્ટ ટોલે કહે છે, ‘હું રસ્તા ઉપરથી નીકળતો હોઉં ત્યારે મેં જોયું કે એક ભિખારી બેઠો છે. ભાંગેલા ખોખા ઉપર બેસીને પોતાનું પાત્ર આગળ ધરીને પૈસા માંગતો હતો. એણે ઉભા રહીને પેલાને પૂછ્યું કે,  તું શેના ઉપર બેઠો છે ? તો કહે, હું ખોખા ઉપર બેઠો છું. તો કહે,  શેનું ખોખું છે ? તો કહે,  અહીંયા પડ્યું હતું એટલે એની ઉપર હું બેઠો છું. કેમ તમને કંઈ વાંધો છે ? તો કહે ના મને વાંધો નથી. પણ તને ખબર નથી કે તું ક્યાં ખોખા ઉપર બેઠો છે ?  એટલે પેલો માણસ થોડો અચંબિત થયો અને તાત્કાલિક ઉભો થઈ ગયો એટલે ઇકાર્ટ  ટોલેએ એ માણસને કહ્યું કે,  ‘ખોખું ખોલ’ અને ખોખું ખોલ્યું ત્યાં પેલા ભિખારીના આશ્ચર્ય વચ્ચે એ ખોખું સોનાથી લથપથ હતું. આટલું કહીને એ ચાલતા થઈ ગયા. ઇકાર્ટ  કહેવા માંગે છે કે આપણે સૌ આત્મજ્ઞાન, આત્મબોધ નામના એક ખોખા ઉપર બેઠા છીએ. ઠાંસોઠાંસ જ્ઞાન અંદર પડ્યું છે. ક્યાં ? આપણી અંદર, આપણે જેની ઉપર બેઠા છીએ ત્યાં. પણ આપણે એની ઉપર બેસીને બહારથી ભીખ માંગી રહ્યા છીએ. જરૂર છે આપણે ઉભા થઈને આપણી પેટી ખોલવાની!!.

આપણે શ્રાવક તરીકે જે ન કરી શકીએ તે જૈનમુનિ કેમ કરી શકે છે ?

જેણે જ્ઞાન પચાવ્યું છે તેને નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશું કરવું પડતું નથી પણ થઇ જાય છે.

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

યમરાજ નચિકેતાને કહ્યું કે પૃથ્વી પર જે  કંઈપણ થઇ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે જ થતું હોય છે. પરંતુ સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી નથી આવતી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ કષ્ટોને સહન કરવા પડે છે.

શિવજીએ  વિચિત્ર રૂપ ધારણ કરીને હિમાલયના  એક મોટા શિખર ઉપર પદ્માસન વાળ્યું,  જે સ્વરૂપની માયામાં અનેક લોકો આવી જઈ શકે. સૌથી પહેલાં પાર્વતીજી આવ્યા. પણ પાર્વતીજીએ એમના સ્વરૂપમાં એકાકાર થવાનું પસંદ કર્યું, એમણે શિવજીની ભક્તિ કરવાનું શરૂ કર્યું. જયારે પ્રેમ અથવા ભાવના કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈ ઈશ્વરીય તત્ત્વ  પ્રત્યે પ્રબળ થાય ત્યારે એ  ભક્તિમાં  પરિણમે, પછી ભક્ત અને ભગવાન બે અલગ રહી શકતા નથી. કહે છે કે શિવજીની અંદર પાર્વતીજી સમાઈ ગયા.

ઇનો બહુ સિદ્ધહસ્ત જૈનગુરુ. એ પોતે પ્રખર આત્મજ્ઞાની. એ  કોઈ એક જગ્યાએ પહોંચ્યા અને એમણે કહ્યું કે, ‘મારે અહીંયા મઠમાં રહેવું છે, હું આત્મજ્ઞાની છું,’ પણ આ સાંભળીને પેલા મઠાધીશને ખ્યાલ આવી ગયો અને એણે કહ્યું કે તમે રસોઈઘરમાં કામ કરો. થોડીવાર વિચિત્ર તો લાગ્યું પણ એણે રસોઈઘરમાં કામ કરવાનું શરૂ કર્યું. રસોઈઘરમાં ગયા પછી એ ભૂલી ગયા કે હું આત્મજ્ઞાની છું. રસોઈમાં તલ્લીન બની જઈ એણે બાર વર્ષ સુધી રસોઈકામ ઝીણવટપૂર્વક કર્યું.  એ ઉર્જાથી આત્મજ્ઞાની હતા પણ ચૈતન્ય હજુ બરાબર સીમાએ પહોંચ્યું નહોતું, એની ઉર્જા અને ચૈતન્ય એક થઈ ગયા. આપણે પણ આપણી ઉર્જા અને આપણા ચૈતન્યને એક બનાવીને જે કરીએ  તે પૂર્ણતાથી કરીએ. 

આત્મજ્ઞાની માણસ કેવો હોય ? બૌદ્ધ કથાઓમાં એક પ્રસંગનું વર્ણન છે. એક વિહારમાં કેટલાક બૌદ્ધ સાધુઓ રહેતા હતા. એમાંથી એક સાધુ ઘણા દિવસથી બિમાર હતા. બિમારી વધતી ગઈ એટલે બેસી શકાતું નહીં. ઝાડોપેશાબ પથારીમાં કરવા પડે એવી સ્થિતિ થઈ ગઈ. બીજા સાધુઓ ત્યાંથી પસાર થાય પણ નાકે રૂમાલ દઈ આગળ નીકળી જાય. બન્યું એવું કે આ જગ્યાએથી ભગવાન બુદ્ધ પસાર થયા અને  એમને ખ્યાલ આવ્યો કે  આ સાધુ તો બિમાર છે એટલે  તરત જ એની પાસે દોડી ગયા.  એમનું જે થઈ શકે તે બધું જ પોતાના  હાથે પોતે કર્યું અને પેલા સાધુને બિમારીની ગર્તામાંથી બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા. વૃદ્ધ ભિક્ષુનું અંગ, કપડાં, પથારી બધું બદલીને જયારે ભગવાન બુદ્ધ ત્યાંથી  પસાર થવાનું વિચારતા હતા ત્યાં બીજા બધા ભિક્ષુઓ દોડીને આવ્યા. અને તરત જ કહેવા લાગ્યા કે, ‘અરે અરે.. તમે આ શું કરો છો ?’  આપણને વિચાર થાય કે ભિક્ષુઓ પહેલાં કેમ એની સેવામાં ન ગયા ? સુંદર જવાબ આપણને શાસ્ત્રોએ આપ્યો છે કે,  ભિક્ષુ થયા છતાં એકત્વની ભાવનાનો વિકાસ થયો નહોતો. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એવો ભાવ હતો પણ એકત્વભાવ એનામાં ઉતર્યો ન હતો. તો પછી ‘ભગવાન બુદ્ધ કેમ ગયા ?’ ભગવાન બુદ્ધ એટલા માટે દોડી ગયા કે આત્મૌપમ્યનો એટલો વિકાસ થયેલો કે  તેઓ  આવી સ્થિતિમાં એનાથી અલિપ્ત રહી જ ન  શકે. એ સ્થિતિને  સમસંવેદના પણ કહે છે. 

આ પ્રસંગ માત્ર ભગવાન બુદ્ધ સાથે બન્યો છે એવું માનવાની જરૂર નથી. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ પોતે વર્ણવેલો એક પ્રસંગ છે કે,  1951 માં ચોમાસામાં બનારસમાં મને ખૂબ તાવ આવ્યો. શરીર તો ધાણી ફૂટે  તેમ ધગી રહ્યું હતું. માથું ફાટફાટ થતું હતું. શ્રાવકો એક પછી એક ત્યાંથી પસાર થાય બધા મારી હાલત જુએ પણ બધા માત્ર ખબર પૂછીને જતા રહે. બરાબર એ સમયે પુણ્યવિજયજી મહારાજના વૃદ્ધ  ગુરુ કાંતિવિજયજી ત્યાંથી પસાર થયા.  જાતે પંડિત સુખલાલજીનું માથું દબાવવા લાગ્યા, ભીના પોતા મુકવા લાગ્યા. એ જોઈને કેટલાક શ્રાવકો દોડી આવ્યા અને કહે, ‘અરે, અરે મહારાજ ! આપ શું કરો છો ?’…જૈન સાધુઓના આચાર મુજબ ગૃહસ્થની સેવા સાધુઓ કરતા નથી. પણ કાંતિવિજયજી મહારાજે તો ગૃહસ્થ એવા પંડિત સુખલાલજીની પોતે સેવા શરૂ કરી. આપણે શ્રાવક તરીકે જે ન કરી શક્યા તે જૈન મુનિ કેમ કરી શક્યા ? આ પ્રશ્ન નથી વિચાર છે. જેણે જ્ઞાન પચાવ્યું છે તેને  નાનાં મોટા પ્રશ્નોમાં વિવેકપૂર્ણ વ્યવહાર આપોઆપ સૂઝી જ જાય છે. કશું કરવું પડતું નથી પણ થઇ જાય છે.

सोहम् शिवोहम् એ જ શું આત્મજ્ઞાન છે ?

નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ?”

ભદ્રાયુ વછરાજાની                                 bhadrayu2@gmail.com

એક વેપારી ટ્રેનમાં બેઠો હતો, ટ્રેન ઉભી રહી ત્યાં એક ભિખારી આવ્યો અને કહ્યું કે,  શેઠ મને કંઈક આપો ભૂખ્યો છું. વેપારીએ કહ્યું કે,  મારી પાસે તને આપવાનું કૈં છે નહીં. બીજો દિવસ થયો ને એ જ શેઠ ને એ જ વેપારી ફરીવાર એક બીજાની સામે આવ્યા. એ જ સંવાદ થયો. એટલે પેલા શેઠે થોડા મૃદુ થઈને  કીધું કે,  ‘તારી પાસે આપવાનું તો કંઈ છે જ નહીં,  તો તને સામે કોઈ આપશે ક્યાંથી ?’  હવે ગાડી તો ચાલી ગઈ પણ એક વિચાર પેલા ભિખારીના મનમાં બેઠો કે ભલે એણે કંઈ આપ્યું નહીં પણ એણે વાત તો સાચી કરી.. તમે કશુંક આપો તો કશુંક મળે. પણ એને થયું કે હું શું આપું. હું પોતે જ ભિખારી છું, કોઈક પાસે માંગીને પેટ ભરું છું. વિચાર કરતો હતો એ જ સમયે એની નજર આજુબાજુમાં સુંદર મજાના ફૂલો જે આપોઆપ ખીલ્યા હતા એના તરફ પડી. એને વિચાર આવ્યો કે આ ફૂલો હું ચૂંટી લઉં અને જે મને કશુંક આપે એને સામે હું ફૂલ આપું. એને ફૂલ આપીશ તો એ રાજી થશે. એમણે શરૂઆત કરી.  જેવું કોઈ પાંચ રૂપિયા કે એવું કંઈ મૂકે એટલે સામે નાનકડું સ્મિત કરે અને હાથમાં ફૂલ મૂકે. લોકો રાજી થઈ જઈ કહે  ‘વાહ ભિખારી ઉઠીને કશુંક આપે છે’ થોડો સમય વીત્યો ત્યાં ફરી એકવાર પેલા શેઠ એ જ ગાડીમાં નીકળ્યા ત્યાં આ ભિખારીભાઈ એની પાસે પહોંચ્યા. એના હાથમાં પુષ્પો હતા અને કહ્યું કે સાહેબ પાંચ દસ રૂપિયા આપો જુઓ હું તમને પુષ્પ આપું છું. તમે જ મને શીખવ્યું હતું ને કે તમે કંઈક આપો તો કોઈક  આપે. એટલે પેલો વેપારી ખુશ થઈ ગયો અને ભિખારીને પૈસા આપ્યા. પણ એ તો વાણિયો શેઠ  સલાહ આપ્યા વગર કશું આપે નહીં. એટલે સરસ સલાહ આપી કે,  ‘હવે તું કંઈ ભિખારી નથી. તું તો વેપારી છો’. ટ્રેન ઉપડીને આગળ ચાલી. ભિખારીના મનમાં પ્રશ્ન થયો કે,  એમણે પહેલી વખત પ્રશ્ન આપ્યો તો મને કંઈક પ્રાપ્ત થયું.  બીજી  વખત પણ એણે કંઈક વાત કરી છે કે,  ‘તું હવે કંઈ ભિખારી નથી. વેપારી છો’  અને એણે પુષ્પોને સુંદર મજાના ગુચ્છમાં  ફેરવી નાખીને એનું નાનું હાટડુ  માંડ્યું. લોકો એની પાસેથી પુષ્પ ગુચ્છ લેવા મંડ્યા  અને માગ્યા વગર પૈસા આપવા મંડ્યા. ધીમે ધીમે કરતા એની મોટી દુકાન થઈ ગઈ. થોડા વખત પછી એ સક્ષમ બન્યો. એકવાર  ટ્રેનમાં અંદર બે જણા એકસરખા પહેરવેશ સાથે સામસામું જોવા લાગ્યા અને પેલો ઓલ્ડ ભિખારી એણે પેલા શેઠને કહ્યું,  મને ઓળખ્યો ? તો શેઠ કહે ના.. તો કહે,  આપે જ મને શીખવ્યું છે. પહેલી વખત આપે મને એ વાત શીખવી કે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી વખત આપે મને શીખવ્યું કે હું કોણ છું. હું તો માનતો હતો કે કોઈને આપ્યા છતાં હું ભિખારી છું. આપે મને કહ્યું કે તું હવે ભિખારી નથી,  વેપારી છો. એમાંથી મને આ બધું પ્રાપ્ત થયું છે.’ 

આપણે ત્યાં સૂત્ર બોલાય છે सोहम् शिवोहम् . હું જ શિવ છું… બસ, આ જ આત્મજ્ઞાન છે. 

આ વાતનો શાસ્ત્રોક્ત નિર્દેશ છે, જૈનદર્શનમાં પણ છે અને હિન્દુશાસ્ત્રોમાં પણ છે. ધર્મગ્રંથ કઠોપનિષદમાં કહેવામાં આવી છે એ  નચિકેતાની કહાનીથી આપણે પરિચિત છીએ. નચિકેતાદ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. નચિકેતાના પિતા વાજશ્રવા ઋષિએ એક દિવસ વિશ્વદીપ નામનો ખુબ જ મોટો યજ્ઞ કર્યો. આ યજ્ઞની ખાસિયત એ હતી કે જે કોઈપણ વ્યક્તિ કરે તેણે પોતાની બધી જ વસ્તુ દાન કરી દેવી પડે છે અને તેથી તેને  સમર્પણ યજ્ઞ કહેવાય છે. ઋષિએ પોતાની ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. પુત્ર તરીકે બેઠેલા  નચિકેતાએ જોયું કે પિતા સ્વસ્થ ગાયોની જગ્યાએ બધી બીમાર અને અસ્વસ્થ પીડિત ગાયોનું દાન કરી રહ્યા હતા. નચિકેતાને આ વિચિત્ર લાગ્યું અને એને ગમ્યું નહીં. એને ખ્યાલ આવી ગયો કે મારા પિતાનો મોહ હજુ ગયો નથી એટલે એ એવું કરે છે.  ત્યારે નચિકેતાએ ઋષિ પાસે જઈને પ્રશ્ન કર્યો કે, “આ યજ્ઞમાં તો તમારે બધું દાન કરવાનું હોય ને ? ”  (ક્રમશ:)  

બ્રહ્મને જાણવું હોય તો ??

હું કોણ છું ?’ એ જાણવામાં જો મને બહુ મુશ્કેલી પડે તોતે કોણ છે ?’ એ જાણવું તો અતિ મુશ્કેલ જ હોય ને….

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

આદિ શંકરાચાર્યે એક સરસ તર્ક રજૂ કર્યો હતો. એમણે કહ્યું દ્રશ્ય અને દ્રષ્ટા હંમેશા અલગ અલગ હોય. એટલે દ્રશ્ય સામેનું અને હું એને જોનારો બે અલગ છે. જે જોનાર છે તે જે દ્રશ્ય જોઈ રહ્યો છે તેનાથી પૃથક છે. નદી વહે છે તે દ્રશ્ય છે. જોઉં છું તે હું છું. હવે આ તર્ક મુજબ આપણા શરીરને પણ જોવાનું છે. હું થાળીમાંથી કોળિયો મોઢામાં મૂકી રહ્યો છું ત્યારે મારામાં બેઠેલા ત્રીજા પુરુષ એકવચને જોવાનું છે કે મારા દેહનો હાથ ઉંચકાણો છે અને એણે કોળિયો મોઢામાં મુક્યો છે. આવું થશે ત્યારે જ દ્રશ્ય અને દ્રષ્ટા એ બંને એક થઇ જશે. અને એ આત્મજ્ઞાનની શરૂઆતની પહેલી ઘડી  છે. 

આત્મજ્ઞાન એ આત્મબળ આપે છે. કોઈ પણ કાર્ય કરવા માટે પ્રવૃત કરે છે, પ્રેરિત કરે છે. કેમ કરે છે આવું  ? કારણ તેમાં  હું નો  કર્તાભાવ આવતો નથી. I am not the doer હું કરનારો નથી. સૃષ્ટિમાં પરમાત્મા છે એનો અંશ મારામાં આત્મારૂપે છે એ બધું મારી પાસે કરાવી રહ્યો છે. આપણે એમ કહીએ કે,  ‘હું તમને પૈસા આપીશ.’  આવા વાક્યો નહીં બોલવા. પણ ફેરવીને કહેવું કે  ‘સાંજે મારા દ્વારા તમને નાણાં પહોંચે એવી વ્યવસ્થા કરીશ.’  હું વાયા મીડિયા છું, હું નિમિત્તમાત્ર છું.  એ ભાવ આવે એ આત્મજ્ઞાન છે. આનાથી બ્રહ્મ તરફ જવાશે. બ્રહ્મ ખાસ્સું મોટું છે. કારણકે ‘હું કોણ છું ?’ એ  જાણી શકું એમાં જો મને આટલી તકલીફ પડે તો ‘તે કોણ છે ?’  એ જાણવું તો અતિ મુશ્કેલ હોય.

એક કથા પ્રચલિત છે. એક કૂવાની અંદર દેડકો તેના  નાનાં નાનાં બચ્ચાઓ સાથે રહેતા હતા અને કુવામાંથી ગામના લોકો પાણી ભરતાં  હતા. કોઈ પનિહારીએ અંદર ઘડો નાખ્યો અને ઘડાની અંદર દેડકાનું એક બચ્ચું પાણી ભેગું બહાર આવી ગયું. બહાર આવ્યું ને જેવું એ ઠલવાયું એટલે એ બહાર કૂદયું. ત્યાં એની સામે એક મોટો બધો બળદ ઉભો હતો અને બળદનું પેટ એકદમ ફુલેલું હતું. દેડકીને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે ? પણ એને કંઈ સમજાયું નહીં. અને સમજે એટલી વારમાં ઉછળકૂદ કરતા ફરી વખત એનો પગ લપસ્યો ને જઈ પડ્યું કૂવામાં. તાત્કાલિક એની મા ને મળ્યું અને કહ્યું, ‘ મા હું આજે બહાર ગયું  હતું  તો એક બળદ મળ્યો.’  બળદ એટલે શું એ તો કોઈને ખબર નથી. પણ મોટા મોટા પેટવાળો હતો. હવે આ પેટ શબ્દ કોમન છે. પેટ તો આપણામાં, બળદમાં  અને દેડકીમાં પણ છે. એટલે એની મા એ કીધું કે,  ‘કેવડું પેટ હતું ?’  કહે,  ‘ મા ગજબ મોટું પેટ હતું’. એટલે દેડકાની મા એ બાળકને રાજી કરવા માટે પોતાનું ફુલાવ્યું. તો કહે,  ‘આવડું હતું ?’  તો કહે,  ‘ના… આનાથી મોટું હતું.’  વધુ ફુલાવ્યું અને કહે,  ‘આવડતું હતું ?’  તો કહે, ‘ના આનાથી તો ક્યાંય મોટું હતું.’  અને દેડકીએ છેલ્લો પ્રયત્ન કર્યો કે હવે મારા બાળકને ખોટું નથી પડવા દેવું એટલું જોરથી પેટ ફુલાવ્યું,,  પણ પેલું બાળક જોવે એ પહેલાં એનું પેટ ફાટી ગયું….  આપણા પ્રયત્નો પણ માત્ર પેટ ફુલાવીને દંભ કરવાના ન હોવા જોઈએ. બ્રહ્મ કેટલો છે એની કોઈ નિશ્ચિતતા આપણી પાસે નથી. પણ કોઈ સર્જનહાર છે જે નાનકડા અણુનું,  નાનકડી કીડીનું અને બહુ મોટા હાથીનું પણ સર્જન એ કરે છે. આપણે યાદ રાખવું પડે કે આપણી હાલત પેલી દેડકાની મા જેવી ન થાય. 

ઘણી વાર આપણે દેખાડાને કારણે ધર્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેના બહુ ગાણાં ગાતા હોઈએ છીએ. ‘હું તો આટલા સ્તોત્ર કરું છું, એટલા કલાકો પૂજામાં ગાળું છું’  એવું જે માણસ બોલે એને હજુ આત્મજ્ઞાનને ઘણી વાર છે,  એમ સમજવું. જેને આત્મજ્ઞાન થઇ ગયું,  તે થયેલું કદી બોલશે નહીં, કરેલું કદી ઉચ્ચરિત કરશે નહીં. શાસ્ત્રમાં એ વાક્ય છે કે ‘બ્રહ્મનું સ્વરૂપ કેવું ?’  બહુ જ પ્રચલિત જવાબ છે: अणोरणियान महतो महीयान એટલે કે અણુ કરતા પણ સૂક્ષ્મ છે અને બહુ મોટું હોય એનાથી પણ એ મોટું છે. તો આ સૂક્ષ્મત્તમ અને મહત્તમ બ્રહ્મનું જ્ઞાન જો પ્રાપ્ત કરવું હોય તો પહેલાં  આત્મજ્ઞાન સુધી પહોંચવું આવશ્યક બનશે.

આત્મજ્ઞાન હાથવગું છે ખરું, પણ…??

આ નદી ખળખળ વહી  રહી છે એની પાસે દેહ તરીકે હું ક્યાં કંઈ જ છું ?

ભદ્રાયુ વછરાજાની                                   bhadrayu2@gmail.com  

દેવર્ષિ નારદ તો અનેક જ્ઞાન સાથે આ બ્રહ્મલોકમાં આવ્યા પણ એ જ્યાં જાય ત્યાંથી પાછા ફરે. જ્યાં જાય ત્યાંથી સફળતા એક વેંત છેટી રહી જાય. આખા બ્રહ્માંડમાં ફરીને, હારીને, થાકીને નારદજી શુકદેવજી પાસે આવે છે. અને શુકદેવજીને કહે છે કે મને તમે આત્મજ્ઞાન આપો. શુકદેવજી કહે છે તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પહેલાં તમે મને કહો અને નારદજીએ તો આખી યાદી આપવા લાગી. મને ભાગવતનું, ઉપનિષદોનું, વેદોનું જ્ઞાન છે,.. આ યાદી પુરી થઇ કે તરત શુકદેવજી બોલ્યા: ‘જ્યાં સુધી આ બધું હું જાણું છું એવો તમારો અહમ નાશ નહીં પામે ત્યાં સુધી હું તમને આત્મજ્ઞાન સુધી લઇ જઈ નહીં શકું.’  જો નારદજીને પણ આવો  જવાબ શુકદેવજી તરફથી મળ્યો હોય તો આપણે આત્મજ્ઞાનથી છેટે રહ્યા છીએ એવો  અફસોસ કરવા જેવું નથી. પણ અફસોસ ન કરવાની વાત ઉપર રાજી થવા જેવું નથી. આપણે યાદ તો એ રાખવું પડે કે નારદજીને જે જવાબ શુકદેવજીએ આપ્યો અને નારદજી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અંતે બધું જ ભૂલી જવા લાગ્યા એમ આપણે પણ ‘હું શું છું’ તે ભૂલી જવું પડશે તો આપણને આત્મજ્ઞાન હાથવગું રહેશે. 

ઋષિઓ હાર્યા, મુનિઓ હાર્યા, હાર્યા સંત મહંત

વેદપુરાણો પાર ન પામ્યા, તે છે બ્રહ્મ અનંત !

અનંત બ્રહ્મ છે એટલે એનું  અનંત બ્રહ્મજ્ઞાન છે.

સ્પિરિચ્યુઅલ સીકર્સના બે પ્રશ્નો છે. “હું કોણ છું ?”  બીજો પ્રશ્ન છે,  “તે કોણ છે ?”  જયારે હું ‘કોણ છું ?’ ની શોધમાંથી પોતાની જીવનની યાત્રાને પસાર કરીએ ત્યારે જે જવાબ મળે છે તે આત્મજ્ઞાન છે. હું કોણ છું ? અહીં શા માટે આવ્યો છું ? મારે શું કરવાનું છે ? Who am I ? એમ ખોજવાથી જે  જવાબ મળે છે તેને આત્મજ્ઞાન કહેવાય છે. પણ ‘તે કોણ છે ?’  એનો જવાબ એ  ‘બ્રહ્મજ્ઞાન’ છે. જેમ ‘હું કોણ છું ?’ માં અંતર્યાત્રા ચાલી એમ ‘તે કોણ છે ?’ માં પણ અંદરની યાત્રા ચાલશે કે આ બધું કરનારો કોણ ? હું જીવ છું તો જીવને ચલાવનાર કોણ ? તે કોણ છે જે આ બધું કરે છે ?  એનો  જયારે જવાબ મળે ત્યારે એને ‘બ્રહ્મજ્ઞાન’  કહેવાય છે. ‘હું કોણ છું ?’ ની યાત્રા અને ‘તે કોણ છે ?’  ની યાત્રા જ્યાં મળે એ પળ  હકીકતમાં શૂન્યત્વની પળ છે. આ બે  યાત્રા જ્યાં ભેગી થાય ત્યાં જીવ અને શિવ એક બને છે. ત્યાં જવાબ મળે છે હું પણ નથી, કે તું પણ નથી,  તત્ત્વમસિ છે. તું જ તે જ છે, આ બે અલગ અલગ નથી,  પણ બંને એક છે એ તત્ત્વમસિનો પરિચય આપણને આ યાત્રામાંથી મળી રહે છે અને ત્યારે આત્મભાવ જાગૃત થાય છે. 

આત્મભાવને જાગૃત રાખવા માટે શું કરવું જોઈએ ? સતત એ યાદ રાખવું પડે  કે આ દેહ છે પણ  દેહ તે હું નથી. ખાઈએ, સુઈએ,ચાલીએ, બોલીએ , કોઈની સાથે કોઈ વ્યવહાર કરીએ ત્યારે અંદર નામસ્મરણની જેમ ગુંજતું રહેવું જોઈએ કે મારામાં આત્મભાવ છે અને આ હું જે કરી રહ્યો છું તે અન્ય કોઈ કરી રહ્યું છે. આત્મભાવ દેહમાં ઉમેરાઈ જાય  ત્યારે દેહ પણ એવી રીતે વર્તવા લાગે  કે એ પોતે કશું નથી.. આવા આત્મસાક્ષાત્કાર દ્વારા આત્માને જાણવો એ ખરેખર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન ખરું પણ આત્મજ્ઞાન એટલે અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું આત્માનું જ્ઞાન. જે કરો છો એને અનુભવમાં મુકો અને તે દરમિયાન જે પ્રાપ્ત થાય છે એ આત્મજ્ઞાન છે. કશુંક કરતા રહેવાનો અનુભવ ભાથું બંધાવે છે. વધુમાં વધુ અનુભવ, વધુને વધુ વાંચન, વધુમાં વધુ સત્સંગ અને  મૌન રહેવું, ખળખળ વહેતી નદીની સામે પલાંઠી મારીને બેસી રહેવું  અને એનું વહેવાનું અંદર ઉતરવા દેવું. અંદર ઉતરશે ત્યારે એ મારાપણાની સીમાને ઓળંગી જશે. ત્યારે મને ખ્યાલ આવશે કે આ નદી ખળખળ વહી  રહી છે એની પાસે દેહ તરીકે હું ક્યાં કંઈ જ છું ? આ  જે પ્રાપ્ત કર્યું એની સાધના કરવાની શરૂઆત એ સ્પિરિચ્યુઆલિટી છે, અધ્યાત્મ છે. 

રોજ જે કરીએ છીએ  એ ક્રિયાકાંડ છે, કર્મકાંડ છે, અધ્યાત્મ નથી. કશું જ કર્યા વગર પણ મારા દૈહિક ભાવને છોડતો રહું તો એ મારું  અધ્યાત્મ છે.  

અન્ય ઉપર વિજય એ શું જીત છે ??

આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી..!!

ભદ્રાયુ વછરાજાની                                           bhadrayu2@gmail.com

આપણે દૈનનંદિની દરમ્યાન અન્ય માટે ઘણું જીવીએ છીએ. આપણા માટે પણ જરૂરી જીવતા હોઈએ છીએ. પણ આપણા સ્વ માટે કે આપણા આત્મન માટે જીવવાનું ચુકી જવાતું હોય છે. અન્ય ધર્મોની સરખામણીએ જૈન ધર્મમાં આત્મા અને આત્મબળ અંગે ઘણું ઊંડાણથી વિચારાયું છે.

જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે જૈન છે. એનો ગુઢાર્થ એવો છે કે જે પોતાની સ્વતંત્ર હસ્તીને ઓગાળી નાખવા માટે તત્પર છે, અથવા પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો જ નથી એ જીતી શકે છે. જીતવું એટલે અન્ય ઉપર વિજય નહીં, પણ જીતવું એટલે મારા ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર, મારા વ્યવહાર ઉપર વિજય અને આ કરી શકે એ ખરેખર જૈન. એટલે કે મારાં આત્મબળ ઉપર મારો વિજય થાય તો હકીકતમાં એ જીતનારો છે અને એ જૈન છે.

ધર્મની અનેક વ્યાખ્યાઓ આપણે કરી છે. કોઈ કહે કે ‘પદાર્થ કે વસ્તુનો સ્વભાવ છે’, કોઈએ વળી એવું કહ્યું કે ‘એ તો કુદરતનો એક કાનૂન છે’. એક સરસ વ્યાખ્યા એવી પણ મળી કે ‘કર્તવ્ય, આચારસંહિતા, જીવનના માર્ગદર્શક સિદ્ધાંતોની યાદી બનાવો અને એ પ્રમાણે જીવો તો તમે ધાર્મિક છો’. ઉપનિષદ આ બધાને જોડતી એક અતિ ઉત્તમ વાત કરે છે. ઉપનિષદનું વાક્ય છે एकं सद्विप्रा बहुधा वदन्ति , સત્ય તો એક જ છે. એને જોવાના આપણા બધાના દ્રષ્ટિકોણ અલગ અલગ છે. કદાચ દ્રષ્ટિ બદલાય પણ તેથી સત્ય બદલાતું નથી.

ધર્મદર્શન અને ધર્મજીવન એટેલ જૈન પરંપરા. અનેકાન્તની ઉદાર દ્રષ્ટિ એ હકીકતમાં ‘ધર્મદર્શન’ અને આંતરબાહ્ય સુધીનો દ્રઢ આગ્રહ એ ‘ધર્મજીવન’. આ આંતરબાહ્ય શુદ્ધિની વાત એ આત્મજ્ઞાનની વાત છે, આત્મબળની એક મોટામાં મોટી ફલશ્રુતિ છે. સમણ સુત્તમમાં ૭૫૬ ગાથાઓ છે, જે એક આધારભૂત જૈનગ્રંથ છે, જેની પ્રસ્તાવના ફકીર, સંત શ્રી વિનોબાજીએ લખી છે. એ સમણસુત્તમના ચાર સૂત્રોમાં ‘આત્મબળ અથવા આત્મજ્ઞાન’ સ્પષ્ટ થાય છે. એમના પહેલા ખંડમાંથી સંયમની, બીજા ખંડમાંથી તપની, ત્રીજા ખંડમાંથી સૃષ્ટિની અને ચોથા ખંડમાંથી સમન્વયની વાત લઈએ, તો આ ચારનો સરવાળો આપણને ‘આત્મજ્ઞાન’ તરફ દોરી જઈ શકે. મહાવીર માર્ગ કયો હતો ? આ જ તો માર્ગ હતો, સંયમનો, તપનો, સૃષ્ટિ સાથેના પ્રેમનો અને સર્વેના સમન્વયનો માર્ગ..ટૂંકમાં, જો હું સંયમિત હોઉં, જો હું સતત તપ એટલે એકાગ્રતા, ઉપાસના, સાધના કરતો રહું … જો હું સૃષ્ટિ સમગ્ર સાથે પ્રેમ કરતો હોઉં કે જેમાં માણસ જ આવે એવું નહીં, એમાં પશુ પક્ષી સૌ આવે..અને જો આ સમગ્ર પદાર્થ જડ, ચૈતન્ય જે કાંઈ છે એનો સમન્વય કરી શકું તો એ સર્વેનો સમન્વય મારું આત્મજ્ઞાન પ્રેરવા માટે બહુ મોટો આધાર છે.

એમ કહેવાય છે કે અસંખ્ય જન્મોના પુણ્યોનો ઉદય થાય ત્યારે જે પ્રાપ્ત કરવાનું મન થાય એને ‘આત્મજ્ઞાન’ કહેવાય છે. જે જ્ઞાન મેળવ્યા પછી આખા વિશ્વમાં કંઈપણ જાણવાનું બાકી ન રહે તેને ‘આત્મજ્ઞાન’ કહે છે. તુલસીદાસજી એ સુંદર ઉક્તિમાં કહે છે,
તુલસી પીછલે પાય સૌં,,હરિ (બ્રહ્મ) ચર્ચા ન સોહાઈ
જૈસે જ્વર કે અંશ સે,,ભૂખ બિદા હોઈ જાઈ |
આપણું શરીર જરાક તપવા માંડે ને તાવ આવે તો ભૂખ આપોઆપ મરી જાય છે. જ્યાં સુધી આપણી અંદર ને આજુબાજુની અનેક ઇન્દ્રિયોના આકર્ષણ હશે, જ્યાં સુધી આપણી અંદર અહમભાવ ભરચક્ક હશે ત્યાં સુધી બ્રહ્મને પ્રાપ્ત કરવાની આપણી અભિલાષા જાગશે નહીં. કારણ કે પેલો તાવ છે એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભૂખને ભાંગી નાખે છે. અનેક પક્ષીવિદોએ સાબિત કર્યું છે કે વારંવાર અનેક ફળમાં ચાંચ મારનારો કાગડો જયારે આંબા ઉપર ફળ બેસે ત્યારે એમાં ચાંચ ન મારી જાય એટલા માટે કાગડાની ચાંચમાં એ સમયે ગમે ત્યાંથી કોઈ રોગ આવી જાય છે. અને એ સમયે કાગડો આંબામાં ચંચુપાત કરી શકતો નથી. આનો અર્થ એ થયો કે આપણને જયારે આંબા જેવું રસદાર ફળ મળે જેમાંથી સોમરસ જેટલો આનંદ મળે એ તમે ન પ્રાપ્ત કરી શકો એનું કારણ શું ? કારણકે આપણી ચાંચમાં હજી રોગ છે, આપણી ચાંચ એટલે આપણું જીવન. હજુ આપણે ફેલાયેલા છીએ, વિસ્તરેલા છીએ, અનેકમાં વહેંચાયેલા છીએ, સ્વ તરફ વળ્યા નથી, આપણને ભૌતિક સુવિધાઓનો આનંદ જોઈએ છીએ અને સતત સતત અહમ પોષવા જોઈએ છીએ એટલે આપણે પાકેલા આંબાને બરાબર ચાખી શકતા નથી. આત્મજ્ઞાન કોઈ એક જગ્યાએ છુપાઈને બેઠું હોય એવું નથી.

આપણાથી આવું આજે જીવી શકાય ખરું ?

કેશુભાઈ સાવ ગામડિયા લાગતા કારણ તેઓ તન, મન અને જીવનથી ગામડાં સાથે ઓતપ્રોત બની ગયેલા. 

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

આમ તો આ સમય ગાંધી કે ખાદી કે સર્વોદય કે જીવનમૂલ્યો એવા શબ્દો ઉચ્ચારવાનો નથી,,કારણ વિશ્વ અત્યારે ન્યુસન્સ વેલ્યુનું મહિમાગાન કરવાના મૂડમાં છે. તેમ છતાં સારાપના  રસ્તે ચાલી શકાય તેમ આજે પણ છે તેવો ભરોસો આપતી  વિગત નોંધવી છે. ગુજરાતના સર્વોદય જગતમાં જે કેટલાક મુઠ્ઠી ઉંચેરા આજીવન કાર્યકરોની નામાવલી બને તેમાં મોખરે આવે શ્રી કેશુભાઈ ભાવસાર. કેશુભાઈએ  ગૌશાળા, સ્વાવલંબી ખાદી અને શિક્ષણના પ્રયોગો કર્યા. આમ તો કેશુભાઈ સાવ ગામડિયા લાગતા કારણ તેઓ તન, મન અને જીવનથી ગામડાં સાથે ઓતપ્રોત બની ગયેલા. કેશુભાઈ એટલે જાણે કે સાક્ષાત ગામડાના શ્રમજીવીનું મૂર્તરૂપ !! 

આજે ગાંધીજીને નીચા દેખાડવાની હિણપતભરી જે પ્રવૃતિઓ કરી રહ્યા  છે તે સૌએ હવેની  વાત ધ્યાનથી વાંચવા જેવી છે,. શ્રી કેશુભાઈનું વસિયત સમું કબૂલાત-નામું વાંચી જઈને સમજવા જેવું છે. 

ગાંધીજીનો એક સમર્પિત કાર્યકર કેટલું અર્થસભર જીવ્યો છે તેનો ક્યાસ આ અગિયાર મુદ્દા પરથી કાઢવા જેવો છે અને આપણે આપણી જાતને તેની સાથે સરખાવવાની જરૂર છે.   શ્રી કેશુભાઈ ભાવસાર શબ્દોના અલંકારો ઘડ્યા વગર કહે છે  કે : “હું બહુ મોટો ઉપાસક નથી. મારી ઉપાસના પણ ભવ્ય અને લોકનજરે ચડે તેવી નથી. ખરેખર તો મારી ઉપાસના અલ્પ છે, કાચી છે. બહુ સામાન્ય માણસ જેવું જ મારું જીવન છે. મારો જે દાવો છે તે પણ સામાન્ય માણસથી જે થઈ શકે તેટલું જ કરવાનો છે. અને જે હું કરી શક્યો છું. તે સૌ કરી શકે એમ હું માનું છું. અને તેટલા માત્રથી જીવનમાં કેટલું થઈ શકે છે તે જુઓ.

૧. મારે કોઈપણ કારણસર ક્યારેય એક પાઈનું દેવું કરવું પડયું નથી. તે જ રીતે ક્યારેય એકપણ પાઈ મેં બચાવી નથી. સહેજે સહેજે મળે તેનાથી ચલાવ્યું છે. સહેજે સહેજે વસાવી શકાય તે વસાવ્યું છે.

૨. જ્યારથી રેંટિયાનું સેવન શરૂ કર્યું ત્યારથી એટલે કે ૪૦ વર્ષથી હું કે મારા પરિવારમાંથી કોઈ લાંબી માંદગીમાં પડયું નથી. તેમજ દવા નિમિત્તે પાઈનો ખર્ચ થયો નથી.

૩. ઘરમાં સંપૂર્ણ ખાદી, ઘાણીનું શુદ્ધ તેલ, તેમજ ગ્રામોદ્યોગની ચીજો વિગેરે  નો મેં આગ્રહ રાખ્યો છે, અને તેમાંથી અપવાદ કરવાનો ક્યારેય પ્રસંગ આવ્યો નથી.

૪. મારી ટૂકી ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ મેં ક્યારેય કર્યો નથી. છતાં ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થતો  મેં જોયો છે.

૫. ગેસ પ્લાન્ટ, પવનચક્કી, હાથડંકી, ગાય વગેરે આધુનિક વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ મેં કર્યો છે. કમ્પોસ્ટ ખાતર માટે ગેસપ્લાન્ટ સાથે જાજરૂ વસાવી છાણનો અને કચરાનો ઉપયોગ કરીને તથા પવનચક્કીનો ઉપયોગ કરીને મેં નકામી અને અણવપરાતી કુદરતી શક્તિનો ઉપયોગ કરી ઓછા ખર્ચે ઉત્પાદન વધારવાના પ્રયોગો કર્યા છે.

૬. મારા બાળકોને મેં રાષ્ટ્રીય કેળવણી આપવાનો આગ્રહ રાખ્યો છે. અને ખેતી, ગોપાલન, વસ્ત્રવિદ્યા, અને શિક્ષણના કામ માટે તેઓ તૈયાર થાય તેવું સમજાવ્યું છે. તેમાં મને મુશ્કેલી પડી નથી.

૭. મારાં બે બાળકો મેં વરાવ્યાં છે. તેમાં પણ જૂના રિવાજોને તિલાંજલી આપી છે. તેમજ ઘરેણાં, જમણવાર વિગેરે  વિધિ અપનાવી નથી.

૮. ગામની બહાર ખુલ્લા ખેતરમાં મકાન બનાવી વગર તાળાં લગાવ્યે, છેલ્લા વીસ વર્ષથી લોકોની વચ્ચે હું રહું છું. લોકોનો પ્રેમ, ઈશ્વરની દયા, અને મારા કુટુંબમાં આવેલી આ જાતની નૈતિક હિંમત, મારા મનથી રેંટિયાની સાચી ઉપસનાનું જ ફળ છે, એમ હું માનું છું.

૯. કોઈની સાથે કદી અબોલા લેવા પડયા નથી. દુશ્મનાવટ થઈ નથી.

૧૦. કોઈ પક્ષના સભ્ય બનવાની ફરજ મને પડી નથી. કોઈ સંપ્રદાયમાં જોડાવવાનું મને ફાવ્યું નથી. કોઈ ગુરુ કે વડીલના માર્ગદર્શનમાં જ કામ કરવાની ટેવ પડી નથી.

૧૧. મારું વાંચન સદાયે નિયમિત ચાલુ રહ્યું છે અને જીવનમાં નિત્ય નવું કરવાની તાજગી આજે પણ અનુભવતો રહ્યો છું. કોર્ટ ભાળી નથી, લાંચ લેવાદેવાનો કે કાળાબજારમાંથી લેવડદેવડ કરવાનો પ્રસંગ પડયો નથી.

આ છે મારી ઉપાસનાનું ચરિતાર્થ. મને લાગે છે કે આજના નાજુક કાળમાં આવું જીવન ગાળીને હું ધન્ય બન્યો છું. તે રેંટિયાને આભારી છે.”

આટલું વાંચીને આશ્ચર્ય તો જરૂર થશે કે આમ જીવાય ખરું ? 

આવો, આપણે આપણી જાતને બે પ્રશ્નો પૂછીએ : 

(1) કેશુભાઈ જેટલા નિર્દમ્ભ ને પ્રામાણિક કોઈ ગાંધીજન આજે પણ  મળે ખરા ? 

(2) અને જો મળે તો આપણે તેને સ્વીકારીએ ખરા ? 

શું આપણે બધા જ થોડે ઘણે અંશે ભ્રષ્ટાચારીઓ છીએ ??

ચાલો, આપણે સૌ યાદી બનાવી જાત મેળે નક્કી કરીએ કે : આપણે કેટલી માત્રામાં ભ્રષ્ટાચારી છીએ ?

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com  

શાસ્ત્રકાળથી અનીતિમય વ્યવહાર કરવાનું ચાલે છે, પણ આપણે તેને  ભ્રષ્ટ આચાર ગણેલ નથી. મૂળ છે શબ્દ : ‘ભ્રષ્ટાચાર’ એટલે કે ‘કરપ્શન ‘.  ભિખારીએ પણ શાંતિથી ભીખ માંગવા માટે હપ્તા દેવા પડે અને દેશી દારૂની કોથળી વેંચનારે પણ છેક સુધી હપ્તા ખવરાવવા પડે છે, એવું આ દેશમાં, હજી નહીં જન્મેલું બાળક પણ જાણે છે ! ‘Corrupt’ શબ્દનો શબ્દકોષીય અર્થ સ્પષ્ટ છે : બગડેલું, સડેલું, નીતિભ્રષ્ટ લાંચિયું… ભ્રષ્ટ કરવું તે ભ્રષ્ટાચાર.. હવે, વાત અહીં આવીને અટકે છે : ભ્રષ્ટાચાર એટલે શું માત્ર નાણાંની લેવડદેવડથી જ થતો આચાર ?? નીતિ – નિયમ મુજબ કરવાનું થતું કામ ન કરીને, નાણાં પડાવે અને પછી તે જ કામ કરે તેને આપણે ભ્રષ્ટાચાર કહીશું, ખરું ને ? નાણાં પડાવે તે corrupt ગણાય તો નાણાં આપે અને વચ્ચે રહી નાણાં આપવાનું ગોઠવી આપે તે corrupt ખરા કે નહીં ?

‘જે હોદ્દા પર હું બેઠો છું, તે હોદ્દા પરથી જે કામ કરવાની મારી ફરજ છે તેમાં હું લેશમાત્ર દગડાઈ કરું તો હું ભ્રષ્ટાચારી છું..’ આ વ્યાખ્યામાં નાણું વચ્ચે આવે તો જ હું ભ્રષ્ટાચારી ઠરું તેવું ભારત દેશમાં માનવામાં આવે છે, જે સરાસર ગલત છે.. અને જો સ્વીકારીએ તો આપણે સૌ થોડા ઘણા અંશે ભ્રષ્ટ લોકો છીએ… કડવું સત્ય ન ગમ્યું ? તો વાંચો આ યાદી…. હું કર્મચારી છું અને કર્મચારી છું તેથી મારે નોકરીના નીતિ નિયમોનું પાલન કરવાનું છે. હું નિયમિત રીતે અનિયમિત છું, સમયસર ફરજ પર જતો નથી, કોઈ નોંધ લેનાર ન હોય તો પૂરો સમય ફરજ પર હાજર રહેતો નથી, મારી પાસે કોઈ કામ લઈને આવે તો હું તેને આદરથી આવકારતો નથી – તેને લાંબો સમય બેસાડી રાખું છું – સરખો જવાબ આપતો નથી – તેને ધક્કા ખવરાવવાનું ચૂકતો નથી, મહિને ત્રણ – ચાર વખત સાંજ પડે ઉઠમણું / બેસણું / પ્રાર્થનાસભાનું બહાનું કાઢી વહેલો શાકભાજી લેવા જતો રહું છું, ચાલુ નોકરીએ પાંચ – છ વખત ચા પીવા કે નાસ્તો કરવાના બહાને આંટાફેટા કરું છું, ઓફિસના કાગળ – પેન – પેન્સિલ – સ્ટેશનરી ઘરના છોકરાવ માટે બિન્દાસ્ત પણે લઈ જઉં છું, નોકરીમાં હાજરી પૂરી મારા સંપ્રદાયના ધર્મસ્થાનની કે સમાજસેવાની કે મંડળ – કમંડળની સેવા પ્રવૃતિઓમાં સમય ગાળું છું, … કસ્ટમર સામે ઊભો હોય તેની દરકાર કર્યા વગર મોબાઈલ પર વાતો કરું છું કે ઓફિસના કોમ્યુટર પર પાનાં રમું છું કે પછી પાન માવાનો ડુચ્ચો ભરી ઓફિસની ડસ્ટબીનમાં થૂંક્યા કરું છું કે પછી કાર્યાલયની ગાદીઓ પાથરી આરામ ફરમાવું છું અથવા તો અર્ધી કલાકની જમવાની રિસેસની તૈયારી કરવામાં એક કલાક અને જમ્યા પછીની હળવાશની બીજી અર્ધી કલાક પ્રેમથી ભેળવી રોજ બે’ક કલાક ફરજમાંથી કાતરી લઉં છું !! યાદી બહુ લાંબી બને તેમ છે અને વિવિધતા સભર પણ બને છે આમાં ભલે ક્યાંય નાણું વચ્ચે ન આવ્યું છતાં આ બધું ભારોભાર ભ્રષ્ટાચાર છે. 

‘તમે કોઈ કામ સ્વીકારતી વખતે જાણે – અજાણ્યે જે નીતિ નિયમોથી બદ્ધ થયાં તેનાથી ચલિત થવું તે કરપ્શન કે ભ્રષ્ટાચાર છે…’ બોલો, આ વ્યાખ્યાને ભ્રષ્ટાચારની આપણી વ્યાખ્યા તરીકે સ્વીકારીશું ? અને જો સ્વીકારીએ તો, ચાલો આપણે સૌ યાદી બનાવી જાત મેળે નક્કી કરીએ કે : આપણે કેટલી માત્રામાં ભ્રષ્ટાચારી છીએ ? આપણને જવાબ મળશે :

અપને આપકો જિન્દા રખના કિતના મુશ્કિલ હૈ,

પથ્થર બિચ આયના રખના કિતના મુશ્કિલ હૈ |

આપણને કોઠે પડી ગયું છે આ બધું. આપણી ગળથુંથીમાં પાવામાં આવી રહ્યું છે અનીતિમય હોવું… મારું ભૂલકું ગેરકાયદે ફીટ કરેલી ગેસકીટવાળી મારુતિવાનમાં  ઠાંસોઠાંસ ખડકાયને સ્કૂલે જાય છે. મારું બાળક કહે છે કે પોલીસ અંકલને રોક્યા.પછી અમારા ડ્રાયવર અંકલે સો રૂપિયા પોલીસ અંકલના ખિસ્સામાં મુક્યા એટલે અમારી વાન ઉપડી અને વાન ઉપડી એટલે અમે બધાએ ‘જય હો.. જય હો… નું ગીત જોશથી ગાયું…!! હમણાં દક્ષિણ ગુજરાતની એક બી.એડ. કોલેજ (ગ્રાંટેડ) નું સુવેનિર (વાર્ષિક અંક) માટે વધુમાં વધુ જાહેરખબરો ઉઘરાવી લાવનાર તાલીમાર્થીઓમાં મોખરે રહેનાર પાંચ તારલાઓના ફોટા છપાયા છે ! ? હવે, બોલો પેલું ભૂલકું કે બી.એડ. થઈ કાલે શિક્ષક થઈ જનાર ને ભ્રષ્ટાચાર શીખવવાની કોઈ અલગ વ્યવસ્થાની જરૂર છે આ દેશમાં  !!

 

‘ત્યારે કરીશું શું ?’ લિઓ ટોલ્સટોયની વ્યથા આજે પણ અકબંધ જ છે ?

જે લોકો લાકડી, સળિયા લઈને આવ્યા તે લોકો જ અહીં દવા લેવા, છાશ લેવા, વસ્ત્રો લેવા આવે છે.!!!

ભદ્રાયુ વછરાજાની                                                         bhadrayu2@gmail.com

બહુ જ ખ્યાત પુસ્તક છે : Then what shall we do ? આ પુસ્તકનો અનુવાદ અનેક ભાષાઓમાં થયેલો છે અને તેમની એક ભાષા ગુજરાતી પણ છે. “ત્યારે કરીશું શું ?” શીર્ષકથી દિવંગત અને પુસ્તક-અંગત શ્રી મહેન્દ્ર મેઘાણીએ તેનું સંક્ષિપ્ત પણ કરેલ છે.

રોજબરોજના જીવનમાં કોઈકના માટે કશુંક કરતા રહેનાર લોકોને જે આજે અનુભવ થાયછે તેવા અનુભવો પોતાના સેવા કાર્યો  દરમ્યાન પ્રસિદ્ધ ચિંતક લિઓ ટોલસ્ટોયને પણ થયેલા અને થોડાક નહીં પરંતુ ડગલે ને પગલે થયેલા. તેઓ તો સેવાભાવથી જ  પોતાનું ધન ગરીબોની વચ્ચે લૂંટાવી રહ્યા હતા ત્યારે તેમને પણ છેતરવાના પ્રયોગો તેમની સહાય મેળવતા લોકો દ્વારા જ થયેલા. તેનું દર્દીલું વર્ણન લિઓના એ પુસ્તકમાં છે. તમારું મન ઉઠી જાય તેવા અનુભવો થયા પછી તેનાથી પુછાય ગયું કે  આવું બને “ત્યારે કરીશું  શું ?” 

આજથી પાંત્રીસેક વર્ષ પહેલા જૂનાગઢ કોલેજમાં ભણાવવા જવા માટે અપ-ડાઉન કરતી વખતે વહેલી સવારે ફૂટપાથ પર ટૂંટિયું વાળીને સુતેલા  કેટલાક લોકોને રોજ જોતો હતો. તેમાંથી વિચાર આવ્યો અને તે ચાર પાંચ મિત્રો સાથે વહેંચ્યો. બધા મિત્રો નોકરીયાત હતા અને કોઈ મોટી સેવા કરવા નીકળી શકે તેવા ન  હતા, છતાં મિત્રોએ નક્કી કરીને ખાદી ભવનમાંથી જાડી ચાદરો  ખરીદી. વિતરણનું કામ મને સોંપાયું. રોજ સવારે સાડા ત્રણ-ચાર  વાગે બસ સ્ટેન્ડ જતી વખતે  ચાર-પાંચ ચાદર સ્કૂટર ઉપર લઈને નીકળું અને જ્યાં કોઈ એવી વ્યક્તિ દેખાય કે તે ટાઢે ઠરતી હોય તો તેને નજીક જઈ  ઓઢાડી દઉં. એક સપ્તાહમાં ત્રીસેક વ્યક્તિ સુધી ચાદર પહોંચાડી પણ પછી વિચિત્ર અનુભવ થયો. જેમને ચાદર ઓઢાડી હોય તે જ વ્યક્તિ પાછી  ટૂંટિયું વાળીને ઠરતી સૂતી જોવા મળે !! એ ટાણે  ‘ત્યારે કરીશું શું ?’યાદ આવેલું. એકવાર તો રેલવે સ્ટેશન પાસે એટલો ખરાબ અનુભવ થયેલો કે ન પૂછો વાત. સુતેલા લોકો હકીકતમાં સુતેલા ન હતા અને અમે જેવી એકને ચાદર ઓઢાડી કે તરત જ તેઓ એકસાથે ઉઠ્યા અને સ્કૂટર પરની ચાદરો રીતસર લૂંટી લીધી!!  બહુ નિરાશ થયેલા,  તે સમયે અમને ટેકો મળે તેવો  પત્ર જડી આવેલો..

આજકાલ આવા અનુભવો પ્રત્યેક સેવા કરનારને મૂંઝવે છે, ત્યારે 1994 માં લખાયેલ એક પત્ર જડી આવ્યો છે અને તે આપણને છેતરનાર પ્રત્યે પણ કેવી ઉદાર ભાવના સેવામય વ્યકિત રાખી શકે તેનું સુંદર ઉદાહરણ  પૂરું પાડે છે. આપણે જેમને એક અનોખા દિવ્ય દંપતી તરીકે ઓળખીએ છે તેવા સાંઈ મકરંદ અને કુન્દનિકા  કાપડિયાને થયેલ એક આવો જ અનુભવ અને તે અનુભવ પછીની તેઓની પ્રતિક્રિયા જાણવા જેવી છે, કારણ કે હકીકતમાં તો તે પ્રતિક્રિયા નથી,  પણ આત્મક્રિયા છે.  એ પત્ર આપણને ઘણું બધું કહી જાય છે.                                                                              

નંદીગ્રામ,

પો. વાંકલ, જિ. વલસાડ

તા. 24-12-1994

સ્નેહી ભાઈ,

નંદિગ્રામની પાયાની વિચારણામાં સાધના અને સેવાનો સમન્વય છે. વિનોબાજી કહેતા કે કાર્યકરોએ સ્વાધ્યાય, ચિંતન કરવાં જોઈએ માત્ર સેવાકાર્ય કરવાથી નહીં ચાલે.  આ સાથે અમારી પત્રિકા મોકલું છું તે પરથી અમારી વિચારધારાનો ખ્યાલ આવશે.

જે ઘટના બની તે શુદ્ધરૂપે ઢોર ચારનારાં થોડાક લોકોના સંબંધમાં હતી. અમે વર્કશોપ ચલાવીએ છીએ. એમાં તાલીમ લેવા માગતા દૂરદૂરનાં ગામોના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બાંધવાનું શરૂ કર્યું. હૉસ્ટેલના મકાન સિવાય બાકીની ઘણી ખુલ્લી જમીન છે, જ્યાં હજુ અમે વાડ બાંધી નથી. ત્યાં ઢોર ચરાવી શકાય તેમ છે. એમ છતાં એ લોકોને બાંધકામ કરીએ તે રુચ્યું નહિ, તેમાંથી વાત વધી પણ વધુ વણસાવી રાજકારણીઓ અને છાપાંવાળાએ. અમને થોડીક ચિંતા જરૂર થઈ, પણ છેવટ બધું સારું થઈ રહેશે એવી શ્રદ્ધા છે. અહીં જે પ્રવૃત્તિ થાય છે તેની જાણકારી પણ સાથે મોકલેલી પત્રિકામાં છે. સાદું શાંત સંવાદી જીવન જીવીએ છીએ. પ્રવૃત્તિનો લોભ કે મોહ નથી. જે જરૂરી છે તે કરીએ છીએ. બધાં કર્મો ઈશ્વરાર્પણ કરીએ છીએ. જે લોકો લાકડી, સળિયા લઈને આવ્યા તે લોકો જ અહીં દવા લેવા, છાશ લેવા, વસ્ત્રો લેવા આવે છે. તેમના બાળકો અહીં શિબિરોમાં આવે છે. પોતાની મુશ્કેલીના સમયમાં સલાહ લેવા, કદીક પૈસા લેવા, દરદીને હૉસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવા આવે છે. કોઈની ઉશ્કેરણીના ભોગ બનેલા આ લોકો અમને સાચે જ વહાલા છે. તોફાન તો શમી જશે. 

તમારાં આત્મીયતા અને ઉષ્માથી સભર પત્ર માટે આભાર માનું છું

– કુન્દનિકાબહેન

કોઈપણ એજન્ડા વગર તમે કેટલા લોકોને મળો છો ?

કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી વિચારોને સમજે, સંસ્કારે અને સંવર્ધે નહીં ત્યાં સુધી નવનિર્માણ પામતો નથી

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com 

વિચારની કેળવણી શક્ય છે. આપણે એટલું  જાણ્યું છે કે મનને આપણે  જે ઇનપુટ આપ્યો એ જ આઉટપુટ તરીકે બહાર આવશે. તમે કેટલા વિસ્તરો છો તેનો આધાર ઘણી બાબતો પર છે.  તમારા ઘરમાં કોણ કોણ આવે છે, એની સાથે તમે કેમ વાત કરો છો, તમે એને જાય ત્યારે દરવાજા  સુધી ‘આવજો, ફરી વાર મળીએ’ એવું કહો છો ??? આ બધી વાત તમારું સંતાન છાનેખૂણે નોંધે છે. અને એ એમાંથી શીખી રહ્યું છે. આપણે ક્યારેક અતિથિને વળાવવા ન જઈએ અને દીકરાને કહીએ  કે, ‘જા  તો  એને આવજો કહેતો આવ’, એટલે દીકરો સમજશે કે ‘આ બહુ મહત્વનો માણસ નથી. કારણ  બાપા કોઈકને મુકવા છેક ઝાંપા સુધી જાય છે.’  આવી વાત અંદર જાય છે અને એ નવો વિચાર બને છે. 

વિચારની કેળવણી માટે પુષ્કળ લોકોને મળવું જોઈએ અને  ખૂલવું જોઈએ,  એની સાથે સહજતાથી વાત કરવી જોઈએ. કોઈ એજન્ડા વગરની વાત. એજન્ડા વગરની વાતમાંથી જે બહાર આવે એ બહુ મજાની વાત હોય. ગોઠવેલી વાતમાંથી તો  બધું  સ્ટેટિક અને ગૂગલમાં હોય એ બધું તમને મળે. ગૂગલમાં ન હોય એવું મેળવવું હોય તો એજન્ડા વગરનું પૂછો. સહજ થઈને પૂછો, તમારા વિસ્મયથી પૂછો, તમારા શબ્દોમાં જીવ રેડીને પૂછો. અનેક લોકોને મળવું, અનેક લોકોને સાંભળવા, અનેક લોકોને પૂછ્યા કરવું, અનેક જગ્યાએ ફર્યા કરવું, નેચરની વચ્ચે વધુમાં વધુ રહેવું. પૂરેપૂરું એની સાથે ઓતપ્રોત થઈને રહેવું. એમાંથી જે આપણને  મળશે એ આપણા  વિચારોને ઘડશે. આ વિચારોની કેળવણી છે.       

       વિનોબાજી  ખુબ અભ્યાસુ. એટલી બધી ભાષાઓ જાણે. એકોએક ધર્મ વિષે એમણે વાંચ્યું. ઇસ્લામ ધર્મની વાત આવી તો એણે કુરાન વાંચ્યું. વાંચીને પછી અંદરથી મુખ્ય બાબતો હતી તે  તારવી ને પછી એમણે ઈસ્લામ  ધર્મસારનું પુસ્તક બહાર પાડયું. વિનોબાજીએ જૈનોના એટલા બધા ગ્રંથો વાંચ્યા અને પછી એ મહાપ્રજ્ઞજીથી લઈને દરેક જૈન સંતને મળ્યા અને સમજાવ્યા કે તમારા ગયા પછી એક ગ્રંથ તો એવો મૂકી જાઓ કે જે ગ્રંથને બધા ફિરકાઓ એક માનીને સ્વીકારે. એમાંથી ગ્રંથ બહાર પડયો એનું નામ ‘સમણસુત્તમ’   છે અને એની પ્રસ્તાવના  ખુદ વિનોબાજીએ લખી છે. આમ જ તમે જો તમારી જાતને enrich કરશો, uplift કરશો તો તમે કોઈપણ વિષયમાં રસપૂર્વક ઊંડા ઉતરી શકશો. તમે આનંદ સાથે આગળ વધતા જશો. તમે જયારે એન્જોય કરો કે બહુ મજા આવી ત્યારે એ વસ્તુ શ્રેષ્ઠ થશે. તો ‘મજા આવી’ એ  ઇનપુટ છે. 

જેટલા લોકોને મળો, જેટલા લોકોના વિચાર જાણો એટલા તમારા વિચારો વધુને વધુ મંજાતા જાય. માંજવું એટલે જેમ આપણે પહેલાના વખતમાં વાસણમાં કલાઈ  કરતાને એમ વિચારને કલાઈ કરી ઉજળા કરવાના..સાથે રહીએ અને નિયત શીડયુલ  સિવાયની ગોષ્ઠીઓ માંડીએ. શ્રી જે. કૃષ્ણમૂર્તિ બ્રેકફાસ્ટ ટેબલ પર દોઢ બે કલાકની ગોષ્ઠિ કરતા અને એમાં તેમના ઉત્તમ વિચારો પ્રગટ થતા. મનુભાઈ પંચોલી ‘દર્શક’ સરસ વાત કરતા કે, સાથે રહેવાનો મહિમા પણ મહિમાગ્રહણ કરવાનો છે. કોઈપણ વ્યક્તિ જ્યાં સુધી વિચારોને સમજે, સંસ્કારે અને સંવર્ધે નહીં ત્યાં સુધી નવનિર્માણ પામતો નથી પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ સોળ  વર્ષની ઉંમરે આંખનું તેજ ગુમાવ્યું. પરંતુ સોળ  વર્ષ સુધીમાં જે જોયું અને જે વાંચ્યું તેનું ચિંતન અને મનન એટલું કરેલું કે ચર્મચક્ષુ ગુમાવ્યા પછી પહેલાંનુ સઘળું તેઓએ શબ્દશઃ લખાવ્યું અને આપણને પંડિતજીના ઉત્તમ પ્રવાસ વર્ણનો મળ્યાં. 

આ રીતે મંજાયેલ જે વિચાર બહાર આવે એ કેળવાયેલ વિચાર હોય. વિચારોનું શિક્ષણ શક્ય નથી,  પણ વિચારોની કેળવણી શક્ય છે. કોણ કેળવે ? પોતે જ કેળવે.  કોઈ આપે કે કોઈ શીખવે તે શિક્ષણ, પણ હું મને અનુભવથી કેળવું તે કેળવણી. મોટા મોટા વિચારકો કે લેખકો કે ચિંતકો પ્રત્યેક વિચારને અનેક ચાયણીમાંથી ગાળે  છે અને તેમાંથી અર્ક તારવી તેનું ચિંતન મનન કરે છે ત્યારે તેનું વક્તવ્ય કે લેખ તૈયાર થાય છે. સફળતા તો આજે ચપટી વગાડતા મળે છે,  પણ તમારા વિચારની સાર્થકતા પુરવાર કરતાં વર્ષો  વીતે છે.  મારે ઉભા થવું પડે, મારે હાથ પગ હલાવવા પડે, મારે પુસ્તકો ભેગા કરવા પડે, મારે વાંચવા માટે એકાગ્ર થવું પડે, અનેક લોકોને અનેક પ્રશ્નો પૂછવા પડે અને એ બધું નોંધવું પડે. આ બધું દિલથી મારે કરવું પડે તો મારા વિચારોની કેળવણી શક્ય છે,  અન્યથા નહીં. 

બે ધ્રુવો વચ્ચે જીવવું કેવી રીતે ??

 જે મળ્યું છે તેને ગમતું કરીએ તો જે ગમતું જોઈએ છે તે પણ આપણને મળતું રહેશે.

ભદ્રાયુ  વછરાજાની                                                      bhadrayu2@gmail.com 

લોકભારતીના પરિસરમાં સાવ જ સહજ ગોષ્ઠી દરમ્યાન મુંબઈ થી અહીં આવીને BVoc માં ભણતી હેતે મને  પોતાની મૂંઝવણ જણાવી અને પૂછી નાખ્યું કે,  ‘બોલો, વેકેશનમાંથી હમણાં આવ્યા ત્યારે મુંબઈમાં જુદું જીવન જોયું અને હવે અહીંયા સાવ જુદું જીવન જોવાનું છે એટલે આવા  ડ્યુઅલ એનવાઈયરમેન્ટમાં  અહીં સેટ થવું મુશ્કેલ બને છે. બોલો, અમારું ભવિષ્યમાં શું થશે ?’ 

મને જે સુઝ્યો તે જવાબ આવો હતો. મેં કહ્યું  કે,  ‘હેત,  તું બહુ નસીબદાર છો કે તને હજી આ ઉંમરમાં આ પ્રકારના બે વાતાવરણને અનુભવવાનો સરસ મજાનો લ્હાવો મળ્યો છે.  ઈશ્વરે નક્કી કર્યું કે તું પરણીને સાસરે જાય એ પહેલા તને બંને વાતાવરણનો અનુભવ આપવો કે  જેથી આગળ તારે જ્યાં જવાનું થાય તેનાથી તું પરિચિત હો. કોણ સાચું કે કોણ ખોટું, એની ઝંઝટમાં નહીં પડે તો ચાલશે. જ્યાં જયારે હો ત્યાં ત્યારે ભરચક્ક  જીવો એ સારામાં સારો રસ્તો છે. બંને પ્રયોગો કરી જુઓ.  અહીંયા અહીંની રીતિથી જીવો છો અને ત્યાં પણ જેમ જીવવું જોઈએ એમ જ જીવો. અહીંનો આગ્રહ ત્યાં ન રાખશો કે ત્યાંનો આગ્રહ અહીં ન રાખશો તો તમને બે અનુભવો પ્રાપ્ત થશે. પરિણામે જીવનની બે જુદા જુદા છેડાની પરિસ્થિતિઓનો તમે બરાબર અનુભવ કરશો. ઈશ્વરની ઈચ્છા હશે અને તમે ભવિષ્યમાં કોઈ મેટ્રોમાં જવાના હશો તો તમને મેટ્રોનો અનુભવ છે અને કદાચ પરમપિતા કોઈ ગામડાં ગામમાં લઇ જવાનો હોય તો તમને ગામડાં ગામનો પણ અનુભવ છે. શહેરમાં કે મેટ્રોમાં વસતા બધા બાળકોને આવા બે અનુભવો મળતા જ નથી, અને તેમના નશીબમાં જો ભૂલે ચુકે ગામડામાં કે નાનકડા નગરમાં જઈને વસવાનું આવે છે તો તેઓ ત્યાં બરાબર ગોઠવાઈ શકતા નથી,  કારણ કે એમને એક જ અનુભવ પ્રાપ્ત થયો છે,  બીજો અનુભવ એમણે લીધો નથી.  તમે નસીબદાર છો કે તમને તમારા પિતાશ્રીએ મુંબઈથી છેક અહીંયા ભણવા મોકલ્યા. અમદાવાદથી અહીંયા મોકલ્યા. પાલીતાણા નજીક છે છતાં પણ પાલીતાણા લોકભારતી, સણોસરા જેટલું નાનું નથી. એટલે તમને ચારેયને થતા અનુભવો એ જીવનનો એક વિશિષ્ટ લ્હાવો છે એમ માનીને જો તમે લેશો તો તમને આનંદ થશે. અને છેલ્લી વાત તમને કહું…  જીવન એ જ છે કે જે તમને પળ પળ બદલાવ આપ્યા કરે છે અને જીવવું એ છે કે તમે એ બદલાવની સાથે સાયુજ્ય  સાધીને આનંદપૂર્વક જીવતા રહો. 

માણસ જે આનંદની શોધમાં છે એ બહારના વાતાવરણમાં નથી, ઘોંઘાટમાં કે શાંતિમાં નથી. મીલના ભૂંગળાઓની વચ્ચે કે ખેતર લચકતા હોય એની વચ્ચે નથી,  પણ આપણી અંદર છે. અને અંદરનો આનંદ કેવી રીતે બહાર આવે અને આપણે એને કેમ માણી શકીએ એ જીવવા માટે તમારે અનેક અનુભવો લેવા જોઈએ. અનુભવ એને જ કહેવાય કે જે અનેક વખત થાય,  જુદી જુદી પરિસ્થિતિમાં થાય, જુદા જુદા માણસો સાથે થાય.  ક્યારેક સાનુકૂળ તો ક્યારેક એકદમ પ્રતિકૂળ હોય  એને અનુભવ કહેવાય છે. ગામડાંમાં થતું શિક્ષણ એ તમને માણસની વચ્ચે જીવાડે છે,  જયારે શહેરનું  શિક્ષણ બંધ દીવાલની વચ્ચે જીવાડે છે. અહીં ચોતરફ વૃક્ષો છે, પક્ષીઓ છે, પોપટ અને મોર રોજ તમારા ભેગા ચાલે છે, તમે અનુભવો છો કે અહીંયા જે રસ્તે પગ મુકો ત્યાં લીંબોળી પડી છે, જે માર્ગ ઉપર ચાલો ત્યાં નાના નાના ફૂલ ખરેલા છે. જ્યાંથી નીકળો ત્યાંથી કુદરતનું સંગીત સંભળાઈ રહ્યું છે. આ વાતાવરણ અતિ આહલાદક છે. અત્યારે અહીંયા છો તો અત્યારે અહીંયા જીવો,  કે જેથી આ કશું ચુકી ન જવાય.. જે મળ્યું છે તેને ગમતું કરીએ તો જે ગમતું જોઈએ છે તે પણ આપણને મળતું રહેશે. 

એ ચાર વિદ્યાર્થિનીઓએ  દર્શકદાદાએ પેલાં  પુસ્તકમાં લખેલી વાતને સાંજ સુધીમાં મારા અનુભવમાં મૂકી આપી એનો મને ખુબ આનંદ હતો. સવારથી મારા ચિત્તમાં વિહાર કરતા એ શબ્દો ફરીને ઘુમવા લાગ્યા કે, ‘લોકભારતીમાં ઉપરવાડેથી કોઈને પણ આવવાની છૂટ નથી. છાત્રાલય જીવન અનિવાર્ય છે. દરેકે સમૂહ જીવનમાં ઉભા થતા કામો, સફાઈ કે માંદાની ચાકરી કે બગીચાની કામગીરી કરવાના હોય છે. આ રીતે શિક્ષણે ભેદની ભીંત્યુંને ભાંગવાની છે.’  ‘જીવન એ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી કેળવણી જ છે એમ સમજવું. કેળવણીનો વિચાર કે આચાર માત્ર શાળાના સમય દરમિયાન જ કરવાનો નથી. હર પળે, હર સ્થળે તે સતત કરવાનો છે.’

‘તમે જવાબ આપો કે …..પછી હું સેટલ થઈ શકીશ કે નહીં ??’

મુશ્કેલી એ પડે છે કે, ત્યાં અશિસ્ત અને અંધાધૂંધી છે અને અહીંયા સ્વયંશિસ્ત છે. કોઈ કહેતું નથીપણ બધા કરે  છે એટલે શિસ્તમાં રહેવાનું થાય છે.

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

સવારે ટાઢા પહોરે લોકભારતી, સણોસરાના પ્રાકૃતિક પરિસરમાં મનુભાઈ પંચોલી ‘દર્શક’ના પુસ્તક ‘સર્વોદય અને શિક્ષણ’નો ભાગ પહેલો વાંચી રહ્યો હતો. તેમાં મનુભાઈએ કહ્યું છે કે,  ‘લોકભારતીમાં ઉપરવાડેથી કોઈને પણ આવવાની છૂટ નથી. છાત્રાલય જીવન અનિવાર્ય છે. દરેકે સમૂહ જીવનમાં ઉભા થતા કામો, સફાઈ કે માંદાની ચાકરી કે બગીચાની કામગીરી કરવાના હોય છે. આ રીતે શિક્ષણે ભેદની ભીંત્યુંને ભાંગવાની છે.’ નાનાભાઈ કેળવણી વિશે કેન્દ્રવર્તી વિચારણા એવી આપે છે કે,  ‘જીવન એ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી કેળવણી જ છે એમ સમજવું. કેળવણીનો વિચાર કે આચાર માત્ર શાળાના સમય દરમિયાન જ કરવાનો નથી. હર પળે, હર સ્થળે તે સતત કરવાનો છે.’

સવારમાં આ વાત વાંચીને દિવસ પસાર થયા પછી સાંધ્ય  પ્રાર્થના પહેલા પરિસરમાં સ્વૈરવિહાર પૂર્ણ કરી એક શાંત ઝાડની નીચે બેઠો. આંખ બંધ હતી. પાંચ સાત મિનિટ થઈ હશે ત્યાં નજીકમાં થોડો પગરવ સંભળાયો. મારા આશ્ચર્ય વચ્ચે આંખ ખુલી  ત્યારે ચાર વિદ્યાર્થિનીઓ મારી સામે ઉભી હતી. મારી અને એમની નજર મળી. એમની નજરમાંથી હું વાંચી શક્યો કે તેઓ મારી સાથે કંઈક  વાત કરવા માંગે છે. મેં કહ્યું, ‘આવોને.. કંઈ વાત કરવી છે ?’ તો જવાબ મળ્યો, ‘હા સર…બસ, તમે બેઠા હતા તો એમ થયું કે ચાલો થોડી વાતો કરીએ.’  મેં કીધું,  ‘welcome આનંદ થયો’. મેં બધાની ઓળખાણ પૂછી, બધાના નામ પૂછ્યા અને  ક્યાં ગામથી આવે છે, પિતાશ્રી શું કરે છે એવું પૂછીને થોડી આત્મીયતા બાંધવાનો પ્રયાસ કર્યો. ચારેય બહેનપણીઓ પોતપોતાની વાત જુદી જુદી રીતે કરવા લાગી. પણ એમાં એક બહેનપણી થોડી મૌન હતી.  મેં એમને પૂછ્યું કે,  ‘તમે કેમ ઓછું બોલો છો ?’ એમનું નામ હેત હતું. એમણે કહ્યું કે, ‘સર,  બહુ સ્ટ્રગલ છે.’ ‘શેની સ્ટ્રગલ છે ? ભણવાની કે જીવનની ?’ ‘ના, સ્ટ્રગલ એ વાતની છે કે બે જીવનમાંથી ક્યાં જીવનમાં આપણે જીવવાનું છે એ હું નક્કી નથી કરી શકતી.’  મેં જરા ફોડ પાડીને વાત કહે તેવો માહોલ સર્જ્યો. હેત મુંબઈથી અહીં ‘બેચલર ઈન વૉકેશન્સ’નું ભણવા આવી છે. અને એમના પિતા એગ્રો લાઈનમાં છે એટલે એ છેક  મુંબઈથી આ પરિસરમાં ફી ભરીને ભણવા આવી છે. એમનો મુદ્દો એવો હતો કે વેકેશનમાં મુંબઈમાં હતી ત્યારે જુદું જીવન જોયું અને હવે અહીંયા સાવ જુદું જીવન જોવાનું છે એટલે આવી ડ્યુઅલ પર્સનાલિટીમાં અહીં સેટ થવું મુશ્કેલ બને છે. એમણે પછી તો બોલવાનો પ્રવાહ ચાલુ રાખ્યો. હેતનું કહેવાનું એવું હતું કે મુંબઈમાં બધા બિંદાસ્ત, મસ્ત જીવે છે, ભૌતિક સગવડતાઓ વચ્ચે જીવે છે. અને જાણે જીવનનો આનંદ એમાં જ હોય એમ સૌને લાગે છે. હું પણ ત્યાં જાઉં ત્યારે થોડી વાર એમાં રંગાઈ જાઉં છું. પણ વેકેશન પૂરું થાય અને અહીંયા આવવાનું થાય ત્યારે અહીંયા પહેલા બે ચાર દિવસ બહુ મોટી સ્ટ્રગલ રહે છે. સાચું શું ? ત્યાં જીવાય છે તે કે અહીં જીવાય છે તે ? અહીં મુશ્કેલી એ પડે છે કે અહીં બધું શાંત શાંત છે, ત્યાં બધો ઘોંઘાટ ઘોંઘાટ છે. ત્યાં બધું બેફામ છે, અહીંયા બધું સીમિત છે. ત્યાં  અશિસ્ત અને અંધાધૂંધી છે અને અહીંયા સ્વયંશિસ્ત છે. કોઈ કહેતું નથી પણ બધા કરે  છે એટલે શિસ્તમાં રહેવાનું થાય છે. મને વિચાર એ આવે છે કે બે વર્ષ પછી અહીંનો કોર્સ પૂરો કરીને જઈશ પછી હું શેટલ થઈ શકીશ કે નહીં,  કારણ કે આ બે વાતાવરણમાં હું અથડાયા કરું છું.’ એનો કંઈ જવાબ આપું તે દરમિયાન બાકીની ત્રણ બહેનપણીઓએ પણ સુર પુરાવ્યો. એક અમદાવાદથી, એક પાલીતાણાથી અને એક જેતપુર આવતી એ ત્રણની સ્થિતિ થોડી જુદી હતી. કારણકે મુંબઈ જેવું વાતાવરણ અમદાવાદમાં નથી અને અમદાવાદ જેવું પાલીતાણા કે જેતપુરમાં નથી આ બધા  જુદા જુદા દરજ્જાના નગરો છે એટલે ત્યાંનો ઘોંઘાટ અને ત્યાંનો  જીવનવ્યવહાર અલગ અલગ છે. દસેક  મિનિટની આ ગોષ્ઠીમાં બરાબર આત્મીયતાનો નાતો બંધાયો અને એમણે આગ્રહ રાખ્યો કે,  તમે આનો જવાબ આપો, અમારે  શું કરવું ? 

સહજ વાતચીતમાંથી મારી સામે પ્રતીતિકારક જવાબ દેવાની જવાબદારી આવી પડી પણ હું સવારે વાંચેલ વિચારો અને પરિસરના જીવંત માહોલથી સભર હતો એટલે  મારે ઝાઝી ખાંખાંખોળ કરવી ન પડી  અને જવાબ સહજતાથી સ્ફૂરી આવ્યો. (ક્રમશઃ) 

ઈશ્વર જે કર્મ કરે તે ‘દિવ્ય કર્મ’ કેમ કહેવાય ?

ગોપીઓએ ઉદ્ધવને કહ્યું કેશ્રીકૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે અમારા માટે કૃપાસાધ્ય હતા અને હવે તે ક્રિયાસાધ્ય બન્યા, તેથી અમે રડીએ છીએ.

ભદ્રાયુ વછરાજાની                                             bhadrayu2@gmail.com

પરમાત્મા વિષે સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકાર, દ્વૈત, અદ્વૈત એવા અનેક વિશેષણો વાપરવામાં આવે છે અને દરેક વિશેષણને પોતાની એક નિજી સમજ છે. ઈશ્વરના મામલામાં કેટલીક વાતો આપણને મુંઝવ્યા કરતી હોય છે એટલે એમાંથી પ્રશ્ન જન્મે.

પ્રતિ વર્ષ ઈશ્વર જન્મનો ઉત્સવ આપણે મનાવીએ એમાંથી એક વિચાર આવ્યો કે ભગવાનનો જન્મ હંમેશા દિવ્ય કેમ હોય ? ઈશ્વર જે કર્મ કરે તે પણ ‘દિવ્ય કર્મ’ કેમ કહેવાય ? ભગવાન ગીતામાં કહે છે કે,  ‘હું અજન્મા, અવિનાશી તમામ ભૂત માત્રનો ઈશ્વર હોવા છતાં મારી પોતાની પ્રકૃતિને સ્વાધીન રાખીને મારી શક્તિથી, સ્વૈચ્છાથી સગુણ સાકારસ્વરૂપે વિવિધ શરીરોમાં પ્રગટ થાઉં છું.’

ગોસ્વામી તુલસીદાસજી આ વાતને માનસ રામાયણમાં જુદી રીતે સમજાવે છે.

बिप्र धेनु सुर संत हित

लीन्ह मनुज अवतार।

निज इच्छा निर्मित तनु माया

गुन गो पार॥

માયા, માયાના ગુણો અને ગો એટલે કે ઇન્દ્રિયોથી પર એવા પરાત્પર બ્રહ્મ, પોતે જ, નિજ ઈચ્છાથી, પોતાને જરૂરિયાત હોય તેવા શરીરનું, પોતે નિર્માણ કરીને તેમાં પ્રગટ થાય છે. હવે આપણે એ જાણવું છે કે ઈશ્વરનું બધું દિવ્ય કેમ ? એના ત્રણ કારણો સ્પષ્ટ રીતે મળે છે શાસ્ત્રોમાંથી.

ભગવત ગીતામાં કહેવાયું  છે : जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वत: |

 (૧) હું તમારી માફક માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઊંઘે મસ્તકે લટકીને પછી જન્મ લેતો નથી. પરંતુ હું કૌશલ્યાના સૂતિકા ગૃહમાં કે દેવકીજી સમક્ષ કારાગૃહમાં દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો અને પછી તેમની વિનંતીથી હું નાનો બાળક થઈ ગયો. 

(૨) શુભ, અશુભ કર્મોનું મને બંધન નથી. તમારી માફક મારા આગળના જન્મોના સંચિત કર્મો જે પાકીને પ્રારબ્ધ થાય તે ભોગવવા તેને અનુરૂપ શરીર પરવશ થઈને પ્રાપ્ત કરતો નથી. પરંતુ મારી સ્વેચ્છાએ મને યોગ્ય લાગે તેવું શરીર ધારણ કરું છું. મારા ગત જન્મના કોઈ પણ સંચિત કર્મો મારી પાછળ પડેલા નથી. જે મને તમારી માફક પરવશ બનાવીને પ્રારબ્ધવશાત ગમે તેવું શરીર પકડાવે. 

(૩) મારા જીવનકાળ દરમિયાન હું જે કાંઈ કર્મો કરું છું તે નિષ્કામ ભાવે કોઈપણ પ્રકારની સ્પૃહા, આસક્તિ કે રાગ – દ્વેષ રહિત માત્ર સમષ્ટિના કલ્યાણ માટે કરું છું, તેથી મારા કર્મો ખરા અર્થમાં લીલા માત્ર છે. અને તે કર્મનું શુભ અગર અશુભ ફળ ભોગવવા તમારી માફક મારો કોઈ પણ પુનર્જન્મ થતો નથી. હું મારા કોઈ કર્મોમાં તમારી માફક ફસાતો નથી.

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा। 

કેટલાક લોકો વિચારે  છે કે ભગવાનના અવતારની વાત આપણે સાચી માનવી કે ન માનવી ? પરંતુ શાસ્ત્રો નોંધે છે કે, ભગવાનના અવતારની વાત ખરી માનવાની છે. ઘણાને પ્રશ્નો છે કે પરમાત્મા ગોકુળમાં આવ્યા તો પછી વૈકુંઠનું શું ? શ્રી રામ અયોધ્યામાં અવતર્યા તો પછી ગૌલોકનો ચાર્જ કોને આપ્યો હશે ? જેને જેનું જ્ઞાન ન હોય તેના વિષે કંઈપણ તે બકે. દરેક વસ્તુને બે રૂપ હોય છે. એક સામાન્યરૂપ અને બીજું વિશેષરૂપ. જે સર્વ જગ્યાએ વ્યાપક હોય તે સામાન્યરૂપ અને અમુક જગ્યાએ પ્રગટ થાય તે વિશેષરૂપ. દા.ત. અગ્નિ, વીજળી વગેરે.. અગ્નિ દરેક સ્થાનમાં વ્યાપક છે. એટલે તે વાયુમાં, સમુદ્રમાં, પૃથ્વીમાં, પૃથ્વીના ગર્ભમાં અને આપણા ઉદરમાં પણ છે. ગીતામાં ગોવિંદ કહે છે કે વૈશ્વાનરૂપે હું તમામ પ્રાણીઓના ઉદરમાં છું. જે અગ્નિ પ્રગટે નજરે દેખાય તે સવિશેષ અગ્નિ. અને સર્વત્ર વ્યાપીને રહ્યો છે તે નિર્વિશેષ અગ્નિ.

ઉદ્ધવજીએ ગોપીઓને પૂછ્યું કે પરમાત્મા તો સર્વવ્યાપક છે,  તો પછી તે ગોકુળમાંથી મથુરા ચાલ્યા ગયા તેમાં તમે આટલું બધું રડો છો કેમ ? ત્યારે ગોપીઓએ સુંદર જવાબ આપ્યો, ‘શ્રીકૃષ્ણ જયારે ગોકુળમાં હતા ત્યારે અમારા માટે કૃપાસાધ્ય હતા અને હવે તે ક્રિયાસાધ્ય બન્યા તેથી અમે રડીએ છીએ.’ શબરી માટે  શ્રી રામ કૃપાસાધ્ય બન્યા અને રૂબરૂમાં તાત્કાલિક સદગતિ પ્રાપ્ત કરી. ઋષિઓ યોગીઓને તપશ્ચર્યા કે ઉપાસના વગેરે ક્રિયાસાધનો કરવા પડે ત્યારે ક્રિયાસાધ્ય બને છે. ભગવાન કહે છે,  હું ખાસ કરીને તો મારા પ્રિય ભક્તો માટે જ સગુણ સાકાર દેહ ધારણ કરું છું. કાંઈ રાવણ, કંસ જેવા મચ્છર મગતરાને મારવા માટે નહીં. આ વિગતે થતી વાત બહુ જ વિસ્તારથી જાણવા માટે ‘કર્મનો સિદ્ધાંત’ આપણને આપનાર શ્રી હીરાભાઈ ઠક્કરના પુસ્તક ‘વેદાંત વિચાર’માં નિરાંતે ડોકિયું કરવા જેવું છે.

ગુજરાતીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછળ કેમ ?

આપણા વિદ્યાર્થીઓ કે એના મા બાપ કે શાળાના સંચાલકોનું કોઈ લક્ષ્ય જ નથી કે આપણો વિદ્યાર્થી UPSC ક્રેક કરે.

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

ગુજરાતમાં ખુબ પ્રયાસો થતા હોવા છતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ રહેતા નથી. આ કોઈનું મ્હેણું નથી, પરંતુ હકીકત છે અને એ હકીકત ચિંતાજનક છે.

મેં અનુભવેલા ત્રણ મુખ્ય કારણો ગુજરાતીઓ માટે બહુ મોટા સ્પીડ બ્રેકર છે.
(૧) આપણા વિદ્યાર્થીઓ બારમું ધોરણ થાય અથવા તો ગ્રેજ્યુએશન થાય ત્યાં સુધી IAS IPS કે કોઈ પ્રકારની નેશનલ લેવલની જગ્યાઓ વિશે કશું જાણવાનો પ્રયત્ન કરતા નથી. એસ્પિરન્ટ હોય છે એ પણ આપણે ત્યાં ગ્રેજ્યુએશન પછી એની તૈયારી શરૂ કરે છે. જયારે બીજા રાજ્યોમાં અને ખાસ કરીને બિહાર બાજુ વિદ્યાર્થીઓ આઠમા, નવમામાં હોય ત્યારથી એ ક્લિયર વિઝન હોય છે કે મારે UPSC ક્રેક કરવાનું છે, મારે IAS, IPS થવું છે અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં ટોપ કરવું છે. પરિણામે આઠમા નવમા ધોરણથી જ એમની પાસે સદિશ વાંચન હોય છે. જેમાં જવું છે એના માટેના થોથાઓ એ લોકો ઉથલાવતા હોય છે.

2) ગુજરાતની પ્રજાના વિદ્યાર્થીઓને દોષ ન આપીએ પણ આપણા માતાપિતાઓ અને આપણા શાળાના સંચાલકો પણ બારમા ધોરણ સુધી એક જ વાત કરે છે કે કાં તમે ડોક્ટર થાઓ અને કાં તમે ઈજનેર થાઓ. NEET આપો,અથવા JEE આપો.
અરે, ઘણી ખરી સ્કૂલોની અંદર B ગ્રુપ અને A ગ્રુપ એ બે જ ગ્રુપ રાખવાની છુટ હોય છે. AB ગ્રુપ રાખવાની છુટ નથી. ખરેખર A, B અને AB એવા ત્રણ ગ્રુપ તમે રાખી શકો છો. પણ AB ગ્રુપ રાખવા દેતા નથી. હવે ઘણા બધા નેશનલ કક્ષાના ઇન્સ્ટિટ્યૂટમાં ફિઝિક્સ
અને બાયોલોજી બંનેના પ્રશ્નો પૂછતાં હોય છે. આપણા વિદ્યાર્થીઓને આ ખબર જ નથી કે
બારમા પછી શું કરવું છે ? એટલે પહેલેથી જ આપણા વિદ્યાર્થીઓનું કે વિદ્યાર્થીઓના મા બાપનું કે શાળાના સંચાલકોનું કોઈ લક્ષ્ય જ નથી કે આપનો વિદ્યાર્થી UPSC ક્રેક કરે.

3) સરકાર તરફથી જે પ્રયાસો થવા જોઈએ એવા કોઈ પ્રયાસો થતા નથી. હા, જુદી જુદી
જ્ઞાતિ તરફથી એના વર્ગો ચાલે છે, ઘણા સારા વર્ગો ચાલે છે. અને એ લોકોના ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામ ક્રેક કરી શકે છે. પણ સરકાર તરફથી એક માહોલ ઉભો કરવાની પ્રક્રિયા શિક્ષણમાં થવી જોઈએ એ કોઈ થતી નથી. દા.ત સ્પીપા છે, તે સારું
કામ કરે છે. પણ ખાલી અમદાવાદમાં… રાજકોટ, સુરત, વડોદરામા નહીં, આ મોટામાં મોટી મુશ્કેલીઓ મને લાગે છે.

એક રસપ્રદ અનુભવ કહું તો વધુ ખ્યાલ આવશે. લગભગ આઠેક વર્ષ પહેલાની વાત છે. હું NCTE ની એક મિટિંગ માટે ભોપાલ જતો હતો અને એ વખતે જબલપુર ટ્રેનમાં હું બેઠો હતો અને રાત્રે મેં જોયું કે ઉપરની બર્થ ઉપર લાઈટ ચાલે છે. હું નેચરલી બાયો બ્રેક માટે ઉઠયો તો મેં જોયું કે ઉપર એક નાનો છોકરો વાંચે છે. મોટી બધી જાડી ચોપડી લઈને વાંચે છે. એટલે મેં બાયોબ્રેકમાંથી પાછા આવીને પૂછ્યું કે, ‘આપ સો જાના નહીં ચાહતે ? ઇતની દેર ક્યોં પઢ રહે હૈ ?’ એટલે એ બેઠો થઇ ગયો અને બહુ શાંતિથી જવાબ આપ્યો. “નહીં નહીં.. મેં દેર રાત તક પઢતા હું…ક્યોંકિ મૈં વો UPSC કી તૈયારી કરતા હું…” મેં પૂછ્યું: ‘વેરી ગુડ… કૌનસી કક્ષામેં હો ?’ “મૈં ને 9th પુરા કર લિયા હૈ ઓર અભી મૈં હમારે ગાંવ વાપિસ જા રહા હું, વેકેશન કરને…” ‘અભી સે UPSC કે લિયે પ્રયાસ કરતે હો ?’ “હા, અબ સે કરના હી પડતા હૈ. વરના કૈસે હોતા હૈ ?” એવો જવાબ મને એક આઠમા નવમા ધોરણના છોકરાએ આપ્યો. આ પ્રકારની ધગશ તમે ક્યારેય કોઈ ગુજરાતીમાં ભાળી શકો ખરા ? .

આપણું શિક્ષણનું આખું તંત્ર એટલું બધું અવ્યવસ્થિત રીતે વ્યવસ્થિત ચાલે છે કે તમે કોઈપણને પૂછો ‘તમારે BBA કેમ કરવું છે ?’ તો કહે, ‘પછી MBA થાય ને એટલે .’ ‘MBA તો કોઈપણ ગ્રેજ્યુએશન પછી થાય.’ તો કહે, ‘ના, BBA છે ને પહેલા બધું શીખવી દે .. એટલે MBA સહેલું પડે.’ ‘એવું તને કોણે કીધું ?’ તો કહે, ‘મારા બધા
મિત્રો કરે છેને એણે મને કહ્યું’. હવે જુઓ જેણે બારમું ધોરણ પૂરું કર્યું હોય એને આટલી જ સામાન્ય સમજ હોય તો એના માટે આપણે સૌ જવાબદાર ખરા કે નહીં ??

‘કેમ એના જેવું થવું?’

ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા, તેનો મને ખ્યાલ જ નથી !!’

ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com

આપણે એ જાણ્યું કે જે ઈનપુટ સગર્ભાવસ્થા દરમ્યાન અપાશે તે જ ઈનપુટ જન્મ લેનાર બાળક માટે પ્રિ ડેટા બની રહેશે. અવતરનારું બાળક આપણે મોકલેલા ઈનપુટ અને નવ માસના ગર્ભકાળ દરમ્યાનના ભાવાવરણનો પાસ્ટ ડેટા લઈને જ આવશે. આપણે એ સમયને જ પૂર્વજન્મ ગણીએ તો ય ચાલે. એ સમયગાળામાં Maximum positive inputs to yourself will go to the child and will develop the mind accordingly. આથી એક ફાયદો થશે કે તમે આ નવ મહિના જે પોઝિટિવિટી તમારામાં ઉમેરતા રહ્યા તેનો અને બાળક જન્મ્યું ત્યારે જે તમારો આનંદ છે એ બંનેનો સરવાળો થશે, કે જે બાળકના ઉછેરમાં તમને બહુ આનંદથી જોડશે.
વિચારોની કેળવણી માટે બહુ જ મહત્વનો મુદ્દો તે તમે કેટલા વિસ્તારો છો !..તમે કેટલા ખુલો છો ? તમે કેટલા વિસ્તરો છો, તમારો વિસ્તાર કેટલો વધે છે. વિસ્તાર એટલે કોઈને મળવાનો, કોઈને સાંભળવાનો, કોઈની સાથે સંવાદ કરવાનો, કોઈને એકાગ્રતાથી જોયા કરવાનો, નદી પાસે બેસીને ખળખળ વહેતી નદીને જોયા કરવાનો, પર્વત સામે આશ્ચર્યથી જોયા કરવાનો, પક્ષીઓના કલરવને બહુ વિસ્મયથી સાંભળવાનો અને વિચારવાનો કે ‘કોણ છે આ બધું કરનાર?’ ગઈકાલે જ મને કોઈએ કહ્યું કે ‘આ લીલી પાંખવાળું કબૂતર છે’, તો મારા માટે એ વિસ્મયનો વિષય બને છે, કારણ મેં કોઈ દિવસ નથી જોયું!! વિસ્મય છે, એ મારા માટે. એવે ટાણે મને થાય કે હવે આ શું પક્ષીની વાત કરે છે, હવે મૂકને પક્ષી, ભાઈ ? than i will not gain … I will not gain that it will not go inside. આપણા ઘરમાં બહારથી કોઈને કોઈ આવતું રહે છે. વિક્રમ સારાભાઈએ કહ્યું હતું કે, ‘મારા ઘરમાં એટલા બધા સ્ટાલવર્ટ લોકો આવ્યા કરતા હતા પિતાશ્રીની પાસે કે હું તો એની સામું ફરી ફરીને જોયા જ કરતો. અને મારી મા મને પરિચય કરાવતી કે આ સાયન્ટિસ્ટ છે, આ લીડર છે.’ વિક્રમ સારાભાઈને ઘરે જ બેસાડીને ભણાવવામાં આવ્યા હતા, એ સ્કૂલે નહોતા ગયા. એના લીધે એક બાળક તરીકે એમ તો થાય જ કે હું આના જેવો થાઉં. હવે ‘એના જેવો થઉં’ એવો વિચાર આવે કે તરત જ તમે એના લક્ષણ સામે જોશો. કોઈ વ્યક્તિ આપણને ગમી જાય એટલે આપણે આપણા માથાની સ્ટાઇલ એમના જેવી કરી નાખીએ કે માથામાં વેણી એમની જેમ લગાવીએ છીએ..‘કેમ એના જેવું થવું?’ આ ‘એના જેવું થવું’ એ સંકલ્પના અંદર ગઈ કે તરત જ It will add value to yourself.
કુલચંદ્ર યાજ્ઞિકસાહેબ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પહેલા કુલપતિ હતા. વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ યાજ્ઞિકસાહેબ નડિયાદમાં છે. તમે જે ગુજરાતી સામાયિક ખોલો એમાં પહેલા કુલીનચંદ્ર યાજ્ઞિક સુભાષિતો સમજાવતા હાજર હશે. મેં એને પૂછ્યું કે, સાહેબ આટલા બધા શ્લોક તમને કેવી રીતે આવડે ? તમને કોણે શીખવ્યા ? તો સરસ જવાબ આપ્યો કે, ‘અમારા ઘરનું વાતાવરણ જ એવું હતું, મારા દાદા સવારના ઉઠે ત્યારથી એ કશુંક ગણગણ્યા કરતા.’ હવે જુઓ, કેટલી અસર થાય છે. દાદા એટલે ત્રીજી પેઢી થઇ કુલીનચંદ્ર યાજ્ઞિકની. ‘પછી મારા માતા અને પિતા પણ એકદમ ધાર્મિક હતા, બીજું કઈ નહીં પણ દીવો કરે, અગરબત્તી કરે એટલે અમે સુતા હોઈએ અને અમને ઉઠાડે ત્યાં અગરબત્તીની સુગંધ આવતી હોય. એટલે ઉઠીએ ત્યાં બધું આહલાદક હોય. કોઈ જાતની ચિંતા ન હોય. આપણને એમ થાય કે, વાહ સરસ સુગંધ આવી.. પછી બીજું કઈ ન કરે પણ એ પૂજાપાઠ કરતા હોય અને અમે તૈયાર થતા હોઈએ. એ દરમિયાન એ મૉટે થી શ્લોક બોલતા હોય. રાત્રે અમે જમી લઈએ પછી અમે ભાઈ અને બહેન હીંચકા ઉપર બેઠા હોઈએ. મારા પિતાશ્રી ઘરમાં જમ્યા પછીનું ચાલતા હોય અને મા રસોડામાં બધું સમેટતી હોય. મારા પિતાશ્રી બહારથી શ્લોકની એક પંક્તિ બોલે એટલે એની પછીની પંક્તિ મારા માતુશ્રી બોલે. અને પછીની પંક્તિ અમારે બે જણાએ બોલવાની. એમાં અમને ન આવડે તો માતુશ્રી અને પિતાશ્રી બંને બાજુમાં આવી જાય અને બોલાવડાવે અને કહે હવે બીજી વાર બોલો, ત્રીજી વાર બોલો, અને પાછા જતા રહે. પછી બીજો શ્લોક બોલે. ખરું કહું, નાનપણમાં મને ખબર નથી કે આ ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા છે ?’

ત્રણેક વર્ષના બાળકના મનમાં કેટલા પ્રશ્નો ઉઠતા હશે?

પ્રેગ્નન્ટ હોય ત્યારે મા એકલી નથી જીવતી, મા સાથે બાળ-ચેતના પણ જીવે છે. 

      ભદ્રાયુ  વછરાજાની                                               bhadrayu2@gmail.com 

લગભગ નવ  મહિના સુધી ગર્ભાશયમાં  ઊંધે માથે લટક્યો હોય છે જીવ. એ બહાર આવે છે ત્યારે એના માટે બધું જ બધું આશ્ચર્ય છે.  પરિણામે હંમેશા ‘વિસ્મય’ શબ્દ બાળક સાથે જોડાયેલો છે. વિસ્મય એટલે પહેલાં  ક્યારેય જોયું જ નથી, જાણ્યું નથી એવો ભાવ. કુતૂહલ એટલે જે જોયું છે એ કેમ છે એના વિશેનો ભાવ. જિજ્ઞાસા એટલે જેને કશાંક અંગે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે. પહેલીવાર  બહાર આવીને એણે બધું જોયું એટલે એને દરેક વિષે પ્રશ્ન છે. વળી સમજ  તો હજુ વિકસી નથી એટલે જુએ છે તે શું છે, શા માટે છે એવું તો એ  વિચારી શકતું નથી એટલે વિસ્મય છે. અત્યાર સુધી ન જોયેલું બધું તેને વિચિત્ર લાગે છે એટલે  સતત ઝીણી આંખે નજર માંડીને નિહાળ્યા કરે છે. તેથી બાળકને આજુબાજુના અને પોતાના શરીરના વિશેના પ્રશ્નો હોય છે. કારણકે એનું શરીર પહેલી વખત કોઈકને સ્પર્શ કરી રહ્યું છે. 

બાળક માટે તો સાંભળે કે જુએ કે ખાય છે એ પણ પ્રાપ્તિ છે. એટલે બાળક સરપ્રાઈઝડ છે !  જન્મ્યા ભેગા એને જે  વિચારો આવે છે,  એ બધા વિચારો એ વ્યવસ્થિત  સમજથી બોલતો થાય એ પહેલાં કાલીઘેલી બોલીમાં અભિવ્યક્ત કરે છે. તેથી આપણે  બાલ્યાવસ્થાનાં  પાંચ વર્ષ સુધીની ઉંમરમાં એના દ્વારા  જેટલા પુછાય એટલા પ્રશ્નોના જવાબ આપીશું  તો ભવિષ્યમાં એ ક્યારેય ઉપદ્રવી નહીં થાય. કારણ કે એના વિસ્મયને આપણે સંતોષશેલ  છે. પાંચ વર્ષ સુધીના બાળકના ઉછેર દરમ્યાન  માતાપિતા, દાદા દાદી, નાનાનાની, કુટુંબના લોકો, પડોશીઓ, શેરીના લોકો જે ઈનપુટ આપતા  હોય એ અંદર જાય  છે. પાંચ વર્ષ પછી આઠ વર્ષ સુધીનું બાળક તેની સમજ વિકાસવાને લઈને આ ઈનપુટનું એનાલિસીસ કરે છે. પાંચ વર્ષની ઉમર સુધી સંતાન વિચારશે કે  પપ્પાએ મને કહ્યું કે ફોન ઉપાડીને કહી દે કે પપ્પા નથી. હવે એ જ સંતાન આઠ વર્ષનું થાય ત્યારે વિચારે પપ્પા તો હતા તો એણે એવું કેમ કીધું હશે ? દસ વર્ષે એ વિચારે આ સારું કહેવાય કે ખરાબ કહેવાય ? તરુણાવસ્થામાં તો  એ  જજમેન્ટ  લઈ લેશે કે આ સારું કહેવાય અને આ સારું ન કહેવાય. 

 ‘હવે આ સમજતો નથી, અમારું કીધું માનતો નથી, કોઈનું સાંભળતો નથી,’ એવું કોઈ તરુણના મા-બાપ કહે તો એનો અર્થ એવો કે તેઓ  ટ્રેઈન ચુકી ગયા છે . કારણકે એના  વિચારોના બદલાવની આ પ્રક્રિયા છે. બલકે નાનપણમાં પ્રશ્ન પૂછેલો કે, ‘આ શું છે ?’ એટલે આપણે કીધું ઝાડ,,,  પછી છોડ બતાવીને પૂછે છે અને આપણે જવાબ આપી દઈએ છીએ કે  ‘હા એ પણ ઝાડ જ છે.’  તો ત્યારથી આપણે ઝાડ અને છોડ વચ્ચેનો  ભેદ ક્લિયર ન કર્યો કે, ‘બેટા એ છોડ છે એ મોટું થશે ને,  ત્યારે એ આવું થશે.’  આ ક્લેરિટી જો તમારા ઉછેર વખતે નહીં આવી તો તમારી વિચારની ક્લેરિટી પણ નબળી રહી જશે. 

               આપણે જયારે જન્મ લઈએ છીએ ત્યારે આપણી સાથે અમુક ઈનપુટ લઈને આવીએ છીએ.  મા ના પેટની અંદર જયારે સંતાન નવ  મહિના રહ્યું એ દરમિયાન એનું listening, એનું feeling , એનું ઉત્સર્જન, એનું પાચન ચાલુ હતું. ધીમે ધીમે બધું થતું ગયું. એ દરમિયાનના ઈનપુટ ગયા છે એ એનો પૂર્વ જન્મ બની ગયો..કન્સીવ કર્યું ત્યાંથી ગણી લ્યો તો નવ સાડા નવ મહિના તો પૂર્વજન્મ થયો જ . અને એ પૂર્વજન્મમાં  જેટલા ઈનપુટ ગયા એ ઈનપુટ તો ચોક્કસ અંદર બેઠા છે. એમાંથી જ તો જન્મતું બાળક ધીમે ધીમે ઘડાયું. એ જયારે બહાર આવે  ત્યારે એ પાસ્ટ  ડેટા લઈને આવે છે. નવ સાડા નવ મહિના તો આપણી નજર સમક્ષ ઊછર્યું છે અને એટલા માટે તો આપણે ત્યાં કહ્યું છે  કે પ્રેગ્નેન્ટ હોય  ત્યારે વધુ  કાળજી રાખો.  કારણ કે મા એકલી  નથી જીવતી,  મા સાથે બાળ-ચેતના પણ જીવે છે. અને તમે એ ચેતનાને ફીડબેક આપો છો.  તમે ખાઓ છે તે જ  એ ખાય છે.  એ જે ઉત્સર્ગ દ્રવ્યો બહાર કાઢે છે એ તમારા દ્વારા બહાર આવે છે. તમે જે વિચારો છો તે  એ વિચારે છે. માટે તમે સારું વાંચો, સારું જુઓ, સારી ચર્ચા કરો.  એ સમય દરમિયાન દુઃખી ન થાઓ, એવું બધું થાય  તો અંદર ઈનપુટ્સ  પોઝિટિવ જશે.

 

વિચારોને કેળવવાનું પહેલું પગથિયું કયું હોઈ શકે ?

જે જયારે જેટલું કરો છો તેટલું એકાગ્રતાથી કરો. વિચારો આવે છે એ શાશ્વત છે.

ભદ્રાયુ વછરાજાની   bhadrayu2@gmail.com

વિચારોનું વિજ્ઞાન બહુ સ્પષ્ટ છે અને કેટલુંક તો બહુ સ્પષ્ટ છે. મને આઘાત લાગે એવી વાત કોઈ કરે તો એ ‘ઉદીપક’ તો બહારથી જ આવ્યું અથવા મને સારું લાગે એવું કોઈ કહે તો એ પણ બહારથી જ આવ્યું. એટલે Generator of the thought may be inside but instigation or inspiration is outside. ઉદીપક તો બહારથી આવતું હોય. એના આધારે અંદર બધા ફેરફારો થાય.
આપણે સામાન્ય વસ્તુ જાણીએ છીએ કે રોટલીનો ટુકડો તમે જેમ વધુ ચાવો એમ તમને મીઠો લાગે. કેમ મીઠો લાગે ? જેમ વધુ ચાવો એમ અંદર લાળગ્રંથિમાંથી રસ ઝરે, એ રસ રોટલી સાથે ભળે. રોટલી મીઠી નથી. વધુ ને વધુ ચાવવાની પ્રક્રિયાથી એ મીઠી બને છે. સ્ત્રાવને ઉત્તેજિત કરવાનું કામ અથવા તેનું શમન કરવાનું કામ કોઈ પણ એક પ્રક્રિયા કરે છે. પછી એ બહારની હોય કે અંદરની. મેં મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો છે, પછી થોડીવાર મને વિચાર આવ્યો કે ‘મેં સ્વીચ ઓફ કર્યો હશે કે નહીં કર્યો હોય ?’ આવો વિચાર આવ્યો તેનો અર્થ એ કે you were not conscious while doing that action. વિચારોની કેળવણીનું પહેલું પગથિયું છે કે વિચારોને કેળવવા હોય તો જે, જયારે, જેટલું કરો એ ત્યારે એટલું એકાગ્રતાથી કરો. એકાગ્રતા એટલે ? આ શબ્દ જ બહુ સ્પષ્ટ છે. એક અગ્ર ઉપર ધ્યાન રાખીને કરવું તો એ મનમાં બેસે કે કર્યું જ. હવે આપણે શું કરતા હોઈએ છીએ કે કોઈની સાથે વાત કરતા કરતા મોબાઈલ સ્વીચ ઓફ કરીએ છીએ એટલે હું મોબાઈલ સ્વીચ ઓફ કરતી વખતે એકાગ્ર નથી. એટલે પેલો ડાઉટ અંદર ગયો.
જે જયારે જેટલું કરો છો તેટલું એકાગ્રતાથી કરો. આપણા શાસ્ત્રકારે કહ્યું કે live in the moment ક્ષણમાં જીવો. પોન્ડિચેરીનાં શ્રી માતાજીએ તો આનો બહુ મહિમા કહ્યો. ઓશો પણ વારંવાર બોલે. બધા જ લોકો એક જ વાત કરે કે live in the moment… Live in the moment શેના માટે કહે છે ખબર છે ? વિશ્લેષણ કરો તો ખ્યાલ આવે કે અત્યારની ક્ષણમાં જીવશો તો અત્યારનું પામશો. અત્યારની ક્ષણમાં ન જીવી ને જે મેળવશો એને પામશો નહીં. આપણને ખબર છે કે ઘણા લોકો જમવાનું અડધું પૂરું થાય પછી પૂછે આ શેનું શાક છે ? એટલે જવાબ મળે કે ‘ટિંડોરાંનું ..’ તો કહે, ‘અચ્છા ટિંડોરાં નું છે’,, એનો મતલબ કે અત્યાર સુધી એમણે ટિંડોરા નહોતા ખાધા. … ! માની લો કે હું અહીં સૌ સાથે બેઠો છું. મને કોઈ બીજો વિચાર આવશે તો હું ડિસ્ટર્બ થઈશ, હું ડિસ્ટર્બ થઈશ એટલે મારુંઅહીં હોવું ડિસ્ટર્બ થશે એનો અર્થ એવો કે અહીં જેટલા છે તે સૌ ડિસ્ટર્બ થશે.
આપણે જયારે બોલીએ ત્યારે પણ વચ્ચે વિચારો આવનજાવન કર્યા કરે છે. એટલે જ એમ કહેવાયું છે કે જયારે બોલો ત્યારે ધીમે બોલો, સ્પીડ ઓછી કરો અને ભાર દઈને બોલો. આમ કરવાથી એક તો ચોખ્ખું બોલાશે અને વચ્ચે વચ્ચે વિચારોને પ્રવેશવાની જગ્યા રહેશે. Flow of thoughts વિચારોનો પ્રવાહ નિર્મળ ચાલ્યો જશે. આપણા રાજકારણીઓ આજે સ્ટેટમેન્ટ આપે અને કાલે કહે કે ‘આવું મેં ક્યારેય કહ્યું નહોતું.’ શું કામ ? કારણ તેઓએ કહ્યું હોય ત્યારે એ ત્યાં હોય જ નહીં. એ બીજે જ લડતા હોય અને અહીં બોલતા હોય !! સજગતા અને એકાગ્રતા વગર શબ્દો વેરીએ તો આવું જ થાય. આપણા પૂર્વ પ્રધાન મંત્રી કવિહૃદય શ્રી અટલ વિહારી વાજપાયીજી બહુ ઠંડકથી બોલવા ટેવાયેલા હતા. એક એક શબ્દને જોખીને ધીમી ગતિએ તેઓ પ્રવચન કરતા હતા. તેઓને ક્યારેય પોતાનો બચાવ કરવાનો સમય ન આવ્યો, કારણ તેઓ એકાગ્રતથી પોતાની વાત પેશ કરતા હતા.
એકાગ્રતા માટે શું જોઈશે ? આપણે કેળવણીની વાત કરીએ છીએ, વિચારોને કેળવવા કેવી રીતે ? એક વસ્તુ યાદ રાખીએ કે વિચારો અંદરથી આવે કે બહારથી આવે એ ટેક્નિકાલિટી છોડી દઈએ પણ વિચારો આવે છે એ શાશ્વત છે. સાયકોલોજી એવું કહે કે બાળકના જન્મ પછીના ત્રણેક વર્ષની અંદર દર ત્રણ સેકન્ડે દસ સવાલ બાળકના મનની અંદર આવે છે. કેવી રીતે આવે છે એ પણ સમજવું રસપ્રદ છે.

નગરના સમાજને તકલીફ ન પડે તે જોવાની જવાબદારી શાળા સંકુલોની ખરી કે નહીં ?

CSRની જેમ SSR શરુ કરવાની જરૂરત ઉભી થઈ છે. 

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com                                  

ગુજરાતના મેટ્રોની અંદર એક દ્રશ્ય સૌએ બરાબર જોયું છે. મસમોટી શાળા હોય, તેમાં હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય, તેને લેવા કે મુકવા માટે શાળાની બસો હોય, એ ઉપરાંત કેટલાય બધા પીકઅપ વેન હોય અને એ બધાની અંદર ભરાઈ ભરાઈને પતંગિયાઓ રોજ સવારે પોતાની શાળાએ પહોંચતા હોય. બપોર પડે  ઘરે પાછા આવતા હોય. આ રોજની પ્રકિયા છે આમાં  કશું નવું નથી. પણ એ શાળા સંકુલ જયારે છૂટે ત્યારે એ શાળા સંકુલમાંથી એક સાથે ૨૦, ૨૫, ૩૫, સ્કૂલ બસ નીકળે, લાઈનબંધ  નીકળે, એકબીજાની પાછળ નીકળે. આગળ જઈને એકબીજાની સ્પર્ધા કરતા ડ્રાઇવીંગ કરે. વળી પીકઅપ વેન આમ જ નીકળે ને આખો રસ્તો બ્લોક થઈ જાય, ટ્રાફિકના કોઈ નિયમોનું પાલન ન થાય !! 

આ બધું  જોવાની જવાબદારી કોની ? સરકારની ? ના, સીધી સરકારની જવાબદારી ન ગણી શકાય. પણ સરકારે સંચાલકોને મજબૂર કરવા જોઈએ કે આ યાતાયાતને ખોરવી નાખતી વ્યવસ્થામાં તેઓ પોતે સુધારો કરે, કોઈ વચલો માર્ગ ફરજીયાત પણે શોધે.  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં  સૌએ આ પરિસ્થિતિ જોઈ છે અને તેનાથી આપણે અનેક રીતે હતાહત પણ થયા છીએ . સવારે ઉઠીને કોઈ  બાપ કે મા પોતાનાં સ્કૂટર  પર અડધી ખુલ્લી આંખે બાળકને મુકવા આવતાં  હોય ત્યારે એટલો બધો ટ્રાફિક જામ હોય કે આપણને પ્રશ્ન થાય કે આમાં બાળકની સલામતી ક્યાં છે ? બાળક પાસે શાળામાં કામ કરાવવામાં આવે ત્યારે  પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ખબરપત્રીઓ ક્યાં છે ? એમને કેમ શાળા છૂટે કે શાળા શરૂ થાય ત્યારે થતો જમેલો નજર સામે દેખાતો નથી ? આનો પણ ઉકેલ થઈ શકે. જેમ ભગવાન બુદ્ધે કહ્યું કે દુઃખ છે તો દુઃખનું કારણ છે અને કારણ છે તો એનો ઉપાય છે અને ઉપાય શક્ય છે.  શક્યતાને જો હકીકતમાં લઈ આવવી હોય તો એના રસ્તાઓ છે. 

અમદાવાદમાં એક કોર્પોરેટ શાળા સાથે કામ કરવાનો અનુભવ મળ્યો ત્યારે આવી કોઈ વાતને અમલમાં મૂકી હતી એ ઉદાહરણ અહીં ટાંકુ છું.

નજીકમાં જ ફાટક અને રોજ જતી વખતે ગાડી ફાટક પાસે અટકી પડે, ફાટકથોડીવાર પહેલા જ ખુલી હોય એટલે ટ્રાફિક હોય અને એમાં વળી નજીકની પેલી  શાળામાંથી છૂટતી બસો એટલો બધો ટ્રાફિક જામ કરે કે તમે આ બાજુથી પેલી બાજુ અડધી કલાક સુધી જઈ ન શકો. આ વાત મૂંઝવ્યા કરે. સંવેદનશીલ હોવાના કારણે  તપાસ કરી કે આ બધી કોની બસો છે ને  કેમ આવી રીતે અસ્ત વ્યસ્ત ચાલે છે ? તો જાણવા મળ્યું કે હું જે શાળા માટે કાર્ય કરી રહ્યો છું એમની જ સ્કૂલ બસો છે. પ્રિન્સિપાલને અને મેનેજમેન્ટને સાથે રાખી સ્વીકાર્યું કે રસ્તા ઉપર જયારે આપણી બસ નીકળે ત્યારે ટ્રાફિક જામ ન  થાય તે જોવાની જવાબદારી આપણી છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબલિટી (Corporate Social Responsibility: CSR) ના હેડ હેઠળ આપણે સુંદર શાળા ચલાવીએ અને વ્યાજ ના ૨%ને બચાવવાનો લાભ લઈએ તેવી જ જવાબદારી એટલે school’s social responsibility (SSR) એટલે કે સ્કૂલ દ્વારા આજુબાજુના સમાજમાં, આજુબાજુના લત્તાવાસીઓને કોઈ પણ જાતનો એવો ઘોંઘાટ, એવો ત્રાસ, એવી મુશ્કેલી ન પડવી જોઈએ એ જોવાની જવાબદારી સ્કૂલની છે. 

તમે તમારા શાળાના દરવાજામાંથી નીકળતી તમારી બસના  સમયનું  માત્ર સ્ટેગરીંગ કરો  એટલે કે એક બસ નીકળે પછી લગભગ ત્રણ મિનિટ પછી બીજી બસ નીકળે અને એમ જ   ત્રણ મિનિટ પછી ત્રીજી બસ નીકળે. શાળાને એક ગેટ હોય તો શાળાની બંને તરફ  ગેટ કરી શકાય અને ત્યાંથી પોતાની બસો બહાર નીકળે એવું પણ કરી શકાય. આનાથી પણ આગળ જઈને,  ધોરણ  ૧ થી ૪ સાડા બારે છૂટે,  ૫ થી ૮ પોણા વાગ્યે છૂટે અને ૯ થી ૧૨ એક વાગ્યે છૂટે.. આટલું જ કરવામાં આવે તો નથી લાગતું કે કોઈ તકલીફ પડે.  

આપણે રહેણાંકના વિસ્તારોમાં શાળાઓને મંજૂરી આપવા મંડયા. આપણે દુકાનોની અંદર શટર પડે તેવી શાળાઓને મંજૂરી આપી. હવે આ ત્રાસ વધતો જાય ત્યારે એમ કહેવાનું મન થાય કે જેમ સરકારે CSR કાયદાથી લાગુ કર્યું તેમ જ SSR પણ આપણી ઉપર કાયદાથી લાવવાનો સમય આવી ગયો છે. આમ તો સંચાલક જ સમજે કે આ અમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને એ અમારે નિભાવવી જ જોઈએ.

આપણને વિચારો આવે છે કઈ રીતે ??

મન નોન ફિઝિકલ સબસ્ટેન્સ છે, જેને પકડી, સ્પર્શી, જોઈ ન શકાય, એ મનમાં જે કાંઈ અવરજવર થાય છે એને વિચાર કહેવાય.

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com

આપણી લગભગ ગડમથલ છે સાવ ન જોયેલા અને ધારી લીધેલા બે શબ્દો માટે છે. મારું દિલ દુભાણુ. મારું મન મુંઝાણું !! આ બંને શબ્દો એ સંકલ્પના છે, substance નથી.  મન ક્યાં છે અને દિલ ક્યાં છે ?? આખા વર્લ્ડ લેવલના માઈન્ડના શિબિરો ચાલ્યા કરે ને લોકો જાતભાતની વાતો કરે !! 

આપણે મન છે. તમે જ્યાં છો ત્યાં તમારું મન છે આ પહેલી શરત. અને  જ્યાં તમે શરીરિક રીતે છો ત્યાં તમારું મન છે એવું માની લેવાની ભૂલ ન કરવી એ બીજી વાત. હવે બે માંથી કયું વિધાન સાચું ? બંને સાચા ? તમે જ્યાં છો ત્યાં તમારું મન છે એ વાતને જો આપણે સાચી પાડવી  હોય તો બીજી વાતને આપણે બરાબર પકડીને આપણું મન ક્યાંય ન જાય એના માટે મક્કમ રહેવું પડે. એટલે કે મનમાંથી આવતા વિચારોને પકડી રાખવા પડે !!  

એક વ્યક્તિએ મક્કમતાથી  નક્કી કર્યું કે હું અહીંયા જ છું. Physically, mentally, emotionally બધી જ રીતે હું અહીંયા જ છું.  હવે બાજુમાંથી મોહનથાળ બનતો હોય એવી માત્ર  સુગંધ આવે કે તરત  એ સુગંધ મનને કહેશે  કે ‘આ બાજુ મોહનથાળ છે હો… કદાચ આજે જમવામાં  હશે’. એ ભોળું  મન તો મોહનથાળ ખાવા તૌયાર થઇ ગયું ને મન ભાગ્યું અહીંથી ઉપડીને રસોડામાં..He has decided to control his mind but unfortunately he failed  to do it only do to smell …સુગંધ આવીને અવિચલ માણસને ચલિત કરી ગઈ. મોબાઈલ વાઈબ્રેશનમાં રાખ્યો છે. હવે  વાઈબ્રેશન થાય ને તમારું મન ત્યાં ગયું. અને મન કોનો ફોન હશે એવા વિચારોના રવાડે ચડી જાય. 

‘વિચાર પ્રવાહઃ ઈતિ મનઃ’ વિચારોનો પ્રવાહ એ જ મન છે એવું શાસ્ત્ર વિધાન છે. પણ  મન અને દિલ એ બે નોન ફિઝિકલ સબસ્ટેન્સ છે,  જેને પકડી ન શકાય, જેને સ્પર્શી ન શકાય, જેની ટ્રીટમેન્ટ ન કરી શકાય, જે દેખાય નહીં. અને એ મનમાં હકીકતમાં જે કાંઈ અવરજવર થાય છે એને વિચાર કહેવાય. પાણીનું એક કુંડુ ભર્યું છે.  તમે એની બાજુમાં ઉભા છો. અને ઝાડ ઉપરથી એક નાનકડું પાન  પડ્યું. . તરત જ પાણીનું ઉપરનું લેયર તરલ થશે. બસ એમ જ છે મનનું….. શાંત જળની જેમ  પડયું છે. કોઈ નીકળતા નીકળતા જરા સ્પર્શે છે ને મનમાં તરંગો ઉમટવા લાગે છે.  કોઈ વિચાર કે સંવેદના જરા જોરથી આવી અને સ્પર્શી ગઈ તો મન જરા ઝડપથી વિચલિત થશે. 

મન અને વિચાર એ ખરેખર એક સિક્કાની બે બાજુ છે. જેમાં વિચાર નથી એ મન નથી. અથવા તો જેમાં તરંગો નથી તે મન નથી.  આંખ બંધ કરીને મૌન બેસજો, આંખ બંધ કરજો, કાન બંધ કરજો, કંઈ પણ  સાંભળ્યા વગર બેસજો,, તો પણ એક પછી એક યાદો  આવવા લાગશે. આપણને સૂચના આપવામાં આવી હોય કે મોબાઈલને તમે સ્વીચ ઓફ કરીને બેસજો અને આપણે સ્વીચ ઓફ કરીને જ બેઠા હોઈએ તો પણ વિચાર આવે કે ‘સ્વીચ ઓફ કર્યો હતો કે નહોતો કર્યો. લગભગ તો કર્યો હતો, જોઈ લઉં ? ના,  ન જોવાય. સામે ગુરુજી બેઠા છે,’  વળી થોડી વાર થાય એટલે એમ થાય,  ‘જોઈ લઉં ? અચાનક રિંગ વાગશે તો ખરાબ લાગશે.’ Though  you are silent, you are not absolutely  silent. એનો અર્થ શું ? તમને ખલેલ પહોંચી રહી છે.  કઈ વસ્તુથી …? તમે ફોન સ્વીચ ઓફ કરીને જ બેઠા છો પણ ‘નહીં  કર્યો હોય તો..’ એવો એક કીડો અંદરથી તમારા મનમાં આવ્યો અને એણે તમને હલાવવાની શરૂઆત કરી દીધી !! આ છે વિચાર પ્રવાહ અને એ છે મન..

વિજ્ઞાન કહે છે કે માણસના મગજની અંદર લગભગ ૩૦૦૦ કરતા વધારે પ્રકારના સ્ત્રાવ થાય છે. તેમાંથી લગભગ ૧૦૦૦ કરતા વધુ પ્રકારના સ્ત્રાવ એવા છે કે જેના દ્વારા અપાતા ઉદ્દીપકની પણ પકડ હોય છે. દાખલા તરીકે હું તમને આઘાત આપે એવી કોઈ વાત કરું તો તમારા મગજની અંદરથી એવા સ્ત્રાવ ઝરશે કે જેથી  મારા પ્રત્યે નકારાત્મક વિચારો મનમાં  આવવાના શરૂ થઈ જશે. અને હું તમને ખુબ ગમે તેવી વાત કરું તો તમારા વિચારો છે એ મારા તરફના બદલાઈ જશે.. તો આ વિચારો અનેક સ્ત્રાવને  આધારે પણ  બધા ઘડાય  છે. 

……..એ બાળ મજદુરી ન ગણાય પ્રભુ?

આપણે આપણા બાળકોને ઘડવા છે કે માયકાંગલા રાખવા છે ?

ભદ્રાયુ વછરાજાની                         bhadrayu2@gmail.com

અમરેલીના કવિ શિક્ષક શ્રી પ્રણવ પંડયાના  એક સુંદર કાવ્યની પંક્તિઓ  આજે સ-કારણ યાદ આવી ગઈ.

મમ્મી પપ્પા તો રોજ ઝઘડે છે,

તારાથી એને ના  વઢાય પ્રભુ ?

બળથી બાળક જો તને વંદે તો 

એ બાળ મજદુરી ના કહેવાય પ્રભુ

કવિનું સ્મરણ કેમ થયું હશે ?

શૈક્ષણિક સત્ર શરૂ થયું અને તરત જ એક છાપામાં સમાચાર વાંચ્યા કે કોઈ સ્કૂલે તેના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કામ કરાવ્યું અને એનો સોશિયલ મીડિયામાં હો- ગોકીરો થયો અને જિલ્લાના ફરજપરસ્ત  જિલ્લા શિક્ષણાધિકારીએ  શાળાને કે શિક્ષકને નોટિસ ફટકારી દીધી !!  આ સમાચાર વાંચીને વિચાર એવો આવ્યો કે આપણે વિદ્યાર્થીઓને પરાણે અદબ  વળાવીએ, નાક ઉપર આંગળી રખાવીને ચુપચાપ બેસાડી દઈએ અને ન ઈચ્છા હોય તો પણ આંખ બંધ કરીને પ્રાર્થના બોલવા એને  મજબૂર કરીએ એ પણ અત્યાચાર જ ગણાય ને  ? અત્યાર સુધી કેમ કોઈએ  આવા સૂક્ષ્મ અત્યાચારો સામે  પોતાનો આક્રોશ વ્યક્ત નથી કર્યો ?  અરે એ વાત છોડી દઈએ પણ ઘરેથી ઉઠીને બાળકને બાળકને  જોરજુલમીથી શાળાએ મોકલવાનાર વાલીઓ પર અત્યાચારનો આરોપ કેમ નથી મુકતા ?  જો આ બે ઉદાહરણોને અત્યાચાર ગણી શકાય તો શાળામાં વિદ્યાર્થી સફાઈ કરે એ પણ અત્યાચાર ગણાવો જોઈએ. આપણે આપણા બાળકોને ઘડવા છે કે માયકાંગલા રાખવા છે ?.

કવિ પ્રણવ પંડયાએ પોતાના કાવ્યમાં સુંદર વાત કરી છે કે જો કોઈ બાળક બળપૂર્વક ભગવાનને વંદન કરે તો એ પણ બાળ મજુરી કહેવાય કે નહીં ? એમણે પ્રશ્ન સીધો પ્રભુને જ પૂછ્યો છે. કવિ કોને પ્રશ્ન પૂછે ? એને શાસકો પ્રત્યે અથવા સંચાલકો પ્રત્યે પાક્કી ખાતરી છે કે આ પ્રશ્નનો જવાબ આપવાની ત્રેવડ તે લોકોમાં નથી. આપણા દેશમાં ‘મારે કરવું જોઈતું કામ હું કરું’ એને પણ આપણે અત્યાચાર ગણવા લાગ્યા છીએ.  સત્તાધીશો નોટિસ ફટકારે એટલો પરાકાષ્ઠાનો સમય અત્યારે દેશમાં પ્રવર્તી રહ્યો છે.

નાનકડું બાળક શાળાએ જતું હોય ત્યારે હસતું, રમતું આનંદ કરતું કૂદતું જતું હોય તો ચોક્કસ માનીએ કે એમને શાળાએ જવાનો ઉત્સાહ છે. એ પ્રાર્થનાનો બેલ વાગ્યા પહેલા પ્રાર્થના સ્થાને ગોઠવાઈ જઈને એક બે મિનિટ પહેલા પણ પોતાની આંખ બંધ કરીને બેસી જતું હોય તો ચોક્કસ માનીએ એ ઉત્સાહનો વિષય છે. એ જ રીતે કોઈ પણ બાળક પોતાના વર્ગની સફાઈ કરે, પોતાના ફર્નિચરની સફાઈ કરે એમાં કયો અત્યાચાર આવ્યો ?

જાપાનના બાળકો સ્કૂલમાં બધું જ કામ કરે છે એવા વિડીયો ઘણા વખતથી સોશિયલ ગ્રુપમાં ફર્યા કરે છે. અને લોકો જાપાનના બાળકોના વખાણ કરે છે. પોતાના ક્લાસને સાફ કરવો, પોતાની સ્કૂલના ટોયલેટ સાફ કરવા, નીચા વળીને ઘસીને ટાઇલ્સ સાફ કરવી આ બધું જ કામ જાપાનના બાળકો કરે એવું વીડિયોમાં આપણે જ દેખાડીએ છીએ અને ‘આવું આપણે ત્યાં થતું નથી’ એવો આક્રોશ પણ આપણે જ ઠાલવીએ છીએ. બહુ દંભી પ્રજા છીએ આપણે. આપણા બોલવાના અને આચરવાના ધોરણો જુદા છે. કદાચ સમાજનો દોષ નથી. નેતાઓએ ‘બોલવું કશુંક  અને કરવું કશુંક’ એ ધોરણનો  બધાને ચેપ લગાડ્યો છે.

અમારા અભ્યાસુ પ્રાધ્યાપક ડો. વિશાલ ભાદાણી પોતાની Science of Learning શ્રેણીમાં તો વિશ્વના સંશોધકોને ટાંકીને કહે છે કે ‘કામ કરતા કરતા  બાળકના આંગળાં જેમ વધુ ઘસાય તેમ તેની બૌદ્ધિક શક્તિ નિખરે છે !!’ આપણે બાળકને સ્વતંત્ર કરીએ.  આપણે શિક્ષકને સ્વતંત્ર કરીએ.  આપણે શાળાના ભાવાવરણને સ્વતંત્ર કરીએ અને પછી જોઈએ કે કેમ દેશ આગળ વધે છે.

બાળકને કામ કરવું છે, એને હોશ છે, એને ઉત્સાહ છે, તેને આનંદ આવે છે, તેને એ મજદુરી નથી લાગતી. અરે ભવિષ્યમાં આ જ વાતો તેના જીવનનાં સુખદ સંભારણા બની રહેનાર છે. ઘરમાં પણ આપણે એને કામમાં જોડવો જોઈએ. નથી જોડતા તે આપણી ભૂલ છે. આ બાળક જયારે મોટું થઈને કોઈ દેશમાં જશે અને ત્યાં કોઈ કામ કરવાવાળી વ્યક્તિ નહીં મળે ત્યારે એની હાલત શું થશે ? આપણો જ દીકરો પરણીને પોતાની વહુને રસોડામાં  કામ શેર કરવા લાગશે ત્યારે આપણે એને અત્યાચાર ગણીશું ? વિનોબાજીના કહેવા પ્રમાણે તો ‘જીવતા જીવતા શીખવાનું છે’ અને જીવવું એટલે કરવું. પ્રસાર અને પ્રસાર માધ્યમો  થોડો સંયમ દાખવે અને પોતાનો TRP વધારવા માટે તીખા તમતમતા સમાચારોને થોડીવાર મ્યાન કરે તો સારું.