જે લોકો લાકડી, સળિયા લઈને આવ્યા તે લોકો જ અહીં દવા લેવા, છાશ લેવા, વસ્ત્રો લેવા આવે છે.!!!

ભદ્રાયુ વછરાજાની                                                         bhadrayu2@gmail.com

બહુ જ ખ્યાત પુસ્તક છે : Then what shall we do ? આ પુસ્તકનો અનુવાદ અનેક ભાષાઓમાં થયેલો છે અને તેમની એક ભાષા ગુજરાતી પણ છે. “ત્યારે કરીશું શું ?” શીર્ષકથી દિવંગત અને પુસ્તક-અંગત શ્રી મહેન્દ્ર મેઘાણીએ તેનું સંક્ષિપ્ત પણ કરેલ છે.

રોજબરોજના જીવનમાં કોઈકના માટે કશુંક કરતા રહેનાર લોકોને જે આજે અનુભવ થાયછે તેવા અનુભવો પોતાના સેવા કાર્યો  દરમ્યાન પ્રસિદ્ધ ચિંતક લિઓ ટોલસ્ટોયને પણ થયેલા અને થોડાક નહીં પરંતુ ડગલે ને પગલે થયેલા. તેઓ તો સેવાભાવથી જ  પોતાનું ધન ગરીબોની વચ્ચે લૂંટાવી રહ્યા હતા ત્યારે તેમને પણ છેતરવાના પ્રયોગો તેમની સહાય મેળવતા લોકો દ્વારા જ થયેલા. તેનું દર્દીલું વર્ણન લિઓના એ પુસ્તકમાં છે. તમારું મન ઉઠી જાય તેવા અનુભવો થયા પછી તેનાથી પુછાય ગયું કે  આવું બને “ત્યારે કરીશું  શું ?” 

આજથી પાંત્રીસેક વર્ષ પહેલા જૂનાગઢ કોલેજમાં ભણાવવા જવા માટે અપ-ડાઉન કરતી વખતે વહેલી સવારે ફૂટપાથ પર ટૂંટિયું વાળીને સુતેલા  કેટલાક લોકોને રોજ જોતો હતો. તેમાંથી વિચાર આવ્યો અને તે ચાર પાંચ મિત્રો સાથે વહેંચ્યો. બધા મિત્રો નોકરીયાત હતા અને કોઈ મોટી સેવા કરવા નીકળી શકે તેવા ન  હતા, છતાં મિત્રોએ નક્કી કરીને ખાદી ભવનમાંથી જાડી ચાદરો  ખરીદી. વિતરણનું કામ મને સોંપાયું. રોજ સવારે સાડા ત્રણ-ચાર  વાગે બસ સ્ટેન્ડ જતી વખતે  ચાર-પાંચ ચાદર સ્કૂટર ઉપર લઈને નીકળું અને જ્યાં કોઈ એવી વ્યક્તિ દેખાય કે તે ટાઢે ઠરતી હોય તો તેને નજીક જઈ  ઓઢાડી દઉં. એક સપ્તાહમાં ત્રીસેક વ્યક્તિ સુધી ચાદર પહોંચાડી પણ પછી વિચિત્ર અનુભવ થયો. જેમને ચાદર ઓઢાડી હોય તે જ વ્યક્તિ પાછી  ટૂંટિયું વાળીને ઠરતી સૂતી જોવા મળે !! એ ટાણે  ‘ત્યારે કરીશું શું ?’યાદ આવેલું. એકવાર તો રેલવે સ્ટેશન પાસે એટલો ખરાબ અનુભવ થયેલો કે ન પૂછો વાત. સુતેલા લોકો હકીકતમાં સુતેલા ન હતા અને અમે જેવી એકને ચાદર ઓઢાડી કે તરત જ તેઓ એકસાથે ઉઠ્યા અને સ્કૂટર પરની ચાદરો રીતસર લૂંટી લીધી!!  બહુ નિરાશ થયેલા,  તે સમયે અમને ટેકો મળે તેવો  પત્ર જડી આવેલો..

આજકાલ આવા અનુભવો પ્રત્યેક સેવા કરનારને મૂંઝવે છે, ત્યારે 1994 માં લખાયેલ એક પત્ર જડી આવ્યો છે અને તે આપણને છેતરનાર પ્રત્યે પણ કેવી ઉદાર ભાવના સેવામય વ્યકિત રાખી શકે તેનું સુંદર ઉદાહરણ  પૂરું પાડે છે. આપણે જેમને એક અનોખા દિવ્ય દંપતી તરીકે ઓળખીએ છે તેવા સાંઈ મકરંદ અને કુન્દનિકા  કાપડિયાને થયેલ એક આવો જ અનુભવ અને તે અનુભવ પછીની તેઓની પ્રતિક્રિયા જાણવા જેવી છે, કારણ કે હકીકતમાં તો તે પ્રતિક્રિયા નથી,  પણ આત્મક્રિયા છે.  એ પત્ર આપણને ઘણું બધું કહી જાય છે.                                                                              

નંદીગ્રામ,

પો. વાંકલ, જિ. વલસાડ

તા. 24-12-1994

સ્નેહી ભાઈ,

નંદિગ્રામની પાયાની વિચારણામાં સાધના અને સેવાનો સમન્વય છે. વિનોબાજી કહેતા કે કાર્યકરોએ સ્વાધ્યાય, ચિંતન કરવાં જોઈએ માત્ર સેવાકાર્ય કરવાથી નહીં ચાલે.  આ સાથે અમારી પત્રિકા મોકલું છું તે પરથી અમારી વિચારધારાનો ખ્યાલ આવશે.

જે ઘટના બની તે શુદ્ધરૂપે ઢોર ચારનારાં થોડાક લોકોના સંબંધમાં હતી. અમે વર્કશોપ ચલાવીએ છીએ. એમાં તાલીમ લેવા માગતા દૂરદૂરનાં ગામોના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બાંધવાનું શરૂ કર્યું. હૉસ્ટેલના મકાન સિવાય બાકીની ઘણી ખુલ્લી જમીન છે, જ્યાં હજુ અમે વાડ બાંધી નથી. ત્યાં ઢોર ચરાવી શકાય તેમ છે. એમ છતાં એ લોકોને બાંધકામ કરીએ તે રુચ્યું નહિ, તેમાંથી વાત વધી પણ વધુ વણસાવી રાજકારણીઓ અને છાપાંવાળાએ. અમને થોડીક ચિંતા જરૂર થઈ, પણ છેવટ બધું સારું થઈ રહેશે એવી શ્રદ્ધા છે. અહીં જે પ્રવૃત્તિ થાય છે તેની જાણકારી પણ સાથે મોકલેલી પત્રિકામાં છે. સાદું શાંત સંવાદી જીવન જીવીએ છીએ. પ્રવૃત્તિનો લોભ કે મોહ નથી. જે જરૂરી છે તે કરીએ છીએ. બધાં કર્મો ઈશ્વરાર્પણ કરીએ છીએ. જે લોકો લાકડી, સળિયા લઈને આવ્યા તે લોકો જ અહીં દવા લેવા, છાશ લેવા, વસ્ત્રો લેવા આવે છે. તેમના બાળકો અહીં શિબિરોમાં આવે છે. પોતાની મુશ્કેલીના સમયમાં સલાહ લેવા, કદીક પૈસા લેવા, દરદીને હૉસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવા આવે છે. કોઈની ઉશ્કેરણીના ભોગ બનેલા આ લોકો અમને સાચે જ વહાલા છે. તોફાન તો શમી જશે. 

તમારાં આત્મીયતા અને ઉષ્માથી સભર પત્ર માટે આભાર માનું છું

– કુન્દનિકાબહેન