“અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

અખંડ આનંદ માર્ચ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

અમારામાં ભેદભાવ હોય તો સંપીને લડી જ ન શકીએ.

“આપણે ડીનર માટે અવશ્ય જઈએ પણ મારે રાત્રે દસ વાગે એક બ્રેક લેવો પડશે.”

“બ્રેક એટલે ?”

“મારે ફોન પર ત્રીસેક મિનિટ વાતો કરવી પડશે. આમ તો કહો ને કે, વાતો નહીં પણ વાર્તા !”

અમે સૌ વિચારમાં પડી ગયા કે આ સોલ્જર અને પાછી વાર્તા ???

એમણે અમારા ચહેરાની મૂંઝવણ પારખી લીધી અને સ્મિત સાથે સ્પષ્ટતા કરી.

“મારે એવું છે કે હું  ઘરની બહાર હૉઉ ને ત્યારે રોજ રાત્રે ત્રીસ થી પિસ્તાળીશ મિનિટ કાઢવી. એ  અમારો રિવાજ છે. રિવાજ એટલા માટે કે, હવે  અમે તેને ફોલો કરવાનું ચુકતા નથી. કહો ને કે એ અમારી ટ્રેડિશન બની ગઈ છે.”

“અરે વાહ, વાર્તા કહેવાની ટ્રેડિશન !?! આ તો આનંદની વાત છે. તમે કોને વાર્તા કહેશો ? આજે અમે ય માણીએ “

“ના ના એવું નથી કરવું કારણ કે હું વીડિઓ કોલથી જોડાઇશ અને વાર્તા પુરી કરી ફરી આપણી વાતાવલી ચાલુ રાખીશું…તમને તો ખ્યાલ છે  કે, મારે એક દીકરો શિવાંશ છે અને એક દીકરી શિવીકા છે.”

“વાહ, શું નામ રાખ્યા છે !! શિવાંશ અને શિવીકા. ભગવાન શિવ સાથે નાતો  બરાબર રાખ્યો છે.”

“તમારે નાગરોમાં નામ બહુ વિશિષ્ટ હોય, નહીં ?”

“હા એ સાચું અને વળી અમે  શિવપંથી ને ?? નાગરનો દીકરો લશ્કરનો જવાન બને એટલે ભગવાન શિવને થોડો ભૂલી જાય ?? અને મેં તો એટલે જ બંનેના નામ જ એવા રાખ્યા છે કે શિવ સાથે ને સાથે જ રહે. અને સાથે ન રહે તો જીભે ને હૈયે તો રહે જ રહે.”

“અરે વાહ, આ તો ઉત્તમ.”

“મને લશ્કરમાં જોડાયે સોળ વર્ષો થયા છે અને લગભગ એટલી જ જગ્યાએ મારી બદલી થતી રહી છે. જે અમારા માટે બહુ યુઝવલ છે. પણ બહાર રહેવાનું બહુ રહેતું હોવાથી અને ચોવીસે કલાક એલર્ટ રહેવાનું હોવાથી અમે ચારેય કુટુંબીઓએ એક નિયમ બનાવ્યો છે કે, મારે રોજ ઓછામાં ઓછી પિસ્તાળીશ મિનિટ બાળકો સાથે ગાળવી.રોજ તો કેમ અને ક્યારે એ શક્ય બને, એટલે પછી રાત્રે  જયારે બાળકો ઊંઘવા માટે રિલેક્સ થાય ત્યારે  મને  વીડિઓ કોલ કરે અને હું જોડાઈ જઉં. આમ વાર્તા કહેવાની મઝાની યોજના અમે બનાવી છે. અને આજ સુધી અકબંધ તેનું પાલન કર્યું છે.”

“નક્કી કરેલું પાલન કરવામાં તો તમને કોઈ ન પહોંચે !! એટલે આ વાર્તા સેશન પણ નિયમિત રહેતું હશે તેમાં કોઈ શંકા નથી.પણ આ વાર્તાઓ તમારે તૈયાર કે યાદ કરવી પડે ને?”

“હા, નાના હતા ત્યારે મા અને પપ્પાએ વાર્તા કહેલી તે તો યાદ રહી જ ગઈ હોય અને પછી મોટા થઈને વિસ્મયથી રામાયણ, મહાભારત, પંચતંત્ર વગેરે વાતો વાંચી હોય, સાંભળી હોય ને,,બસ એનું કલેક્શન એટલું બધું છે કે વાર્તાઓ ખૂટતી નથી.પાછું રામાયણ અને મહાભારતમાં તો યુદ્ધ આવે એટલે યુદ્ધકથામાં મારા અનુભવો ભેળવું એટલે મને ય મઝા આવે ને બાળકોને શૌર્ય ચડે. આમ બંનેનો ફાયદો.”

“..પણ બાળકો રસથી રોજ વાર્તા સાંભળે ખરા ?”

“વાર્તા કોને ન ગમે ? આપણને આ ઉંમરે પણ કોઈ વાર્તા કહે તો આપણે કેટલા ચોંટી જઈએ છીએ ?”

“વાત સાચી. આપણી ટી વી સિરિયલ્સ એટલે તો કેટલાય હપ્તાઓ સુધી આપણે માણ્યા  કરીએ છીએ ને !”

“પરફેક્ટ. સ્ટોરીને  બદલે લેક્ચર હોય તો , કોઈ આટલું સહન કરે ખરું ? હા, એ ખરું કે મારે બહુ એલર્ટ રહેવું પડે, કારણ બાળકો બહુ શાર્પ હોય છે એ તમને પકડી જ પાડે. ક્યારેક એવું બને કે મારાથી  વાર્તા રિપીટ થાય તો શિવીકા તરત જ કહે કે, ‘આ તો સાંભળેલી છે. કહું આમાં છે ને ….’ એમ કરીને વાર્તામાં હવે શું શું આવે છે તે કહેવા લાગે. એટલે આપણ રામ કાન  પકડે ને કબૂલે, એટલે એ કહે, ‘બોલો, સોરી !!’ તો તરત સોરી બોલી દેવાનું, એમાં મિલિટરીમેન નહીં થવાનું. યાદ રાખવાનું કે,  હું અહીં તો બાપ છું.”

“વાહ, તમે તો અદભુત વાત કરી અને  પાછી વાર્તાની વાત. મઝા પડી ગઈ.”

અમારામાંથી એક વડીલે તીખો પ્રશ્ન પૂછ્યો , “ તમે જે મોરચે હો તે જગ્યાએ કોઈ મંદિર કે ધર્મસ્થાન હોય ખરું ?? હોય તો કોનું સ્થાનક હોય ?”

થોડીવાર મૌન ધારણ કરીને એ જુવાન બોલ્યો : “ હોય, ચોક્કસ હોય, આર્મીએ જ બનાવેલું હોય. પણ કોનું હોય તે નક્કી નહીં , પણ ધર્મસ્થાનક હોય.જ્યાં જે રેજિમેન્ટ હોય તેમાં જે બહુમતી જવાનો હોય તેનું ધર્મસ્થાનક ત્યાં બને, આવો સાદો નિયમ. પણ હા, એમાં બધા જ જવાનો જાય અને હાથ જોડી મસ્તક નમાવે જરૂર, એમાં એ નહીં જોવાનું કે આ કોનું ધર્મ સ્થાન છે ?  અને હા, ક્યાંક એક થી વધુ પણ હોય. મંદિર હોય ને ચર્ચ પણ હોય ને ગુરુદ્વારા પણ હોય. અને એવી જગ્યાએ અમારા જેવા સિનિયર ઓફિસર એક પછી એક બધા જ સ્થાનકમાં જાય ને માથું નમાવે અને સર્વધર્મ પ્રત્યે આદર દર્શાવે.તમે પૂછ્યું છે એટલે કહું કે, અમારામાં અમારો કોઈ ધર્મ ન હોય, અમે ચુસ્તપણે સર્વધર્મ સમભાવમાં માનીએ અને તેનું કડક પાલન કરીએ. અમારો ધર્મ એટલે રેજિમેન્ટનો ધર્મ.”

“…તો તો આ ભેદભાવ વાળું અમારામાં જ છે, એવું નક્કી થયું ને ?”

“હું એમાં હા કે ના ન કહેવાની શિસ્તનું પાલન કરીશ પણ એટલું કહીશ કે અમારામાં ભેદભાવ હોય તો સંપીને લડી જ ન શકીએ. અમારા માટે સૌથી ઊંચો તે રાષ્ટ્રધર્મ.”

અચાનક એક સાંજે એક આર્મીમેનને નિરાંત જીવે મળવાનું થયું અને એ પણ ગુજરાતી આર્મીમેન. અમારા કુટુંબી. કમાન્ડો તરીકે પડકારરૂપ સ્થિતિમાં ફરજ બજાવનાર સાથે જે ગોષ્ઠી થઇ તે ‘આસપાસ ચોપાસ’નું વાતાવરણ હૈયાંને ટાઢક વાળી ગયું.  આપણા ગંગાસતી જેવા સંતે  ભેદની ભીંતો ભાંગવાનું કહ્યું અને તેનું ચુસ્ત પાલન અન્ય કોઈ કરે કે ના કરે પણ આપણા જવાંમર્દ સૈનિકો કરે છે તેનો સંતોષ થયો.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback