સમગ્ર કથા મંડપને લીંપણ !?!

ભદ્રાયુ વછરાજાની@ખાંડા

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો.

ધરમપુર તાલુકાનું ખંડેવન એટલે કે ગામ ખાંડા. પ્રિય મોરારિ બાપુ અહીં કથા ગાન માટે પધાર્યા છે. કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે.

કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધું જ કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. અહીંયા ગામના લોકોમાંથી કોણે કોણે કર્યું તે ખબર નથી, પણ સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસે રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય.

છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. એક કણ પણ નીચે ન પડે તેની કાળજી રાખે છે.

આપણે અમસ્તા આ લોકોને આદિવાસી કહીએ છીએ, પણ આપણા કરતાં એ લોકો વધુ સ્વચ્છ, સુઘડ અને સાચા દિલના છે. પ્રિય બાપુએ પહેલે જ દિવસે ગામની સ્વચ્છતાની વાતે રાજીપો વ્યક્ત કર્યો.

જાણીને આશ્ચર્ય થાય તેવી એક વાત કરું. કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની અંદર ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત ડૉ. પ્રજ્ઞાબેન કલાર્થી, પરેશભાઈ ફાફડાવાળા અને અન્ય મિત્રો તો આશ્ચર્યમાં પડી ગયા કે, આટલી બધી મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ?? પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો અને સૌના અચંબા વચ્ચે ગામ લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લિંપવાનું કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગાર થી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને તો છાણથી લીપવો જ પડે.’ આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..!!

બોલો, આ લોકોને આપણે આદિવાસી કહી ને અલગ ગણીએ છીએ,,,એટલે તો પ્રિય બાપુએ કથારંભે કહ્યું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો.
જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback