આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને !

અખંડ આનંદ ફેબ્રુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

સામે રહેતા નંદીશને પૂછ્યું કે,  નંદીશ, તારા દાદાબાપુ શું કામ કરે છે? તો છ સાત વર્ષનો નંદીશ બોલ્યો કે, ‘મારા દાદા છે ને એ પ્રસાદ વેચવાનું કામ કરે છે.’  હવે અમને આશ્ચર્ય થયું કે દાદા પ્રસાદ વેચવાનું કામ કરે છે, એટલે ખરેખર શું કરતા હશે? પણ આ નાનકડા છોકરા પાસેથી મળેલો જવાબ છે તે કેટલો નિખાલસ  અને ખુલ્લા હૃદયનો હતો એ અમને બહુ છેલ્લે સમજાયું.

ધીમે ધીમે કરતાં અમારો ઘરોબો અમારા પાડોશી સાથે વધવા લાગ્યો. એમની એક નાનકડી દીકરી જે ચાલતા શીખી રહી હતી એને આંગળી પકડીને ચલાવવાનું કામ અમારા ફળિયામાં થયું. એ વખતે નવરાત્રીના ગરબા અમારે ત્યાં થતા. એટલે એ ગરબાઓની વચ્ચે એ દીકરીને આંગળી પકડીને ચલાવે અને પછી એ તબલા અને ઢોલના તાલે નાચતી-નાચતી ચાલે એનો ખૂબ આનંદ હતો, સૌ રાજી થતા હતા. બસ, એમાંથી જ એ ચાલતા શીખી. આ બે કુટુંબ વચ્ચેનો અમારો નાતો.

પણ, મુદ્દો એ હતો કે મનુદાદા ખરેખર શું કરે છે? મનુદાદાનું  કુટુંબ ખમતીધર.  સરસ મજાનું મકાન. અમારી સામે જ બરાબર મકાન, ઘરમાં બે ગાડી, નંદીશના પપ્પાને કારખાનું, અને પતિ-પત્ની એટલે કે મનુદાદા અને લલિતામાસી બંને એકબીજાથી જુદા ઉચ્ચારણ થી એકબીજાને બોલાવે. મનુદાદા ને ‘જય સ્વામિનારાયણ’ કહેવાનું અને લલિતામાસીને ‘જય શ્રી કૃષ્ણ’ કહેવાનું. અમને આનંદ થયો કે વાહ ! પતિ-પત્ની પણ પોતાની વિચારધારા પ્રમાણે સંબોધન કરી શકે છે, આવું નિખાલસ એવું આ કુટુંબ અમારી સામે રહે.

મનુદાદા બહુ એક્ટીવ, લગભગ લગભગ તમને દોડતા દેખાય. સીડી ના પગથિયાં ચડે તો એક ડગલામાં  બે-ત્રણ પગથિયા ઠેકી જાય. એની ઉંમર કાંઈ એટલી બધી નાની ન હતી. એમની ઉંમર ૬૦-૬૫ વર્ષ તો  થઈ ગઈ હતી.પણ એ પ્રવૃત બહુ ને હસમુખા ય બહુ .., જ્યારે જુઓ ત્યારે બે હાથની આંગળીઓ વાંકી વાળી અને નખ એકબીજા સાથે ઘસ્યા કરે અને સાથે સાથે હસતા ચહેરે  વાતો  કર્યા કરે. ખાદી જેવા, પણ અપટુ ડેટ ઇસ્ત્રી કરેલા સરસ મજાના સફેદ કપડાં પહેરે. ગાડીમાં અવરજવર કરે, ડ્રાઇવર એને લઈ જાય ને મૂકી જાય, પણ અમારા મનમાં એક જ પ્રશ્ન હતો કે નંદીશ કહે છે કે આ મનુદાદા પ્રસાદ વેચવાનું કામ કરે છે, તો મનુદાદા ખરેખર શું કરતા હશે? અમે પ્રયાસ તો બહુ કર્યો કે, એમનેમ જાણી શકાય તો જાણીએ. પણ પછી ખ્યાલ આવ્યો કે મનુદાદા છે એ અમારા શહેરના રાજમાર્ગ ઉપર રહેલા એક સ્વામિનારાયણના મંદિરના ભગત છે. પરિણામે ‘જય સ્વામિનારાયણ’ બોલે છે. ક્યારેક, નિયમિત નહીં પણ કપાળમાં તિલક પણ કરે છે, ક્યારેક ચાંદલો પણ કરે છે. એટલે અમને એમ થયું કે, પ્રસાદવાળી વાત આ મંદિર સાથે જોડાયેલી હશે.

અમારી વચ્ચે ઘરોબો વધ્યો અને ધીમે ધીમે કરતાં બે ચાર વર્ષ થયા. મનુ દાદા વાતોડિયા બહુ.. વાતો  કરવા ઊભા રહે અથવા તો ઉભા રાખે. એ વાત કરતા હતા તેમાં મેં હિંમતથી પૂછી કાઢ્યું કે, મનુદાદા તમે શું કરો છો? તો એણે  કીધું કે,  હું બિલ્ડર છું.  મકાનો બધા ભાઈબંધો ભેગા થઈને બાંધે એમાં હું નાનો પાર્ટનર. હું સાઈટ ઉપર રહું, એ મારી જવાબદારી. અને જેનું કામ પડે એને ફોનથી બોલાવીને સાઈટ ઉપર લઈ આવવા એ જવાબદારી મારી. આમ તો મનુદાદા ભૂતકાળમાં આજે જે કોમોડિટી માર્કેટ કહેવાય છે, એવા અનાજના સટ્ટામાં પણ હતા ધોરાજી બાજુ. પણ એ બધું બહુ જામ્યું નહીં એટલે આ બાજુ આવી ગયા અને બિલ્ડીંગ બાંધવાનું કામ એ બહુ સારી રીતે કરે. હજુ  મને મારા પ્રશ્નનો જવાબ મળ્યો નહોતો કે, આ પ્રસાદ વાળી વાત ક્યાં છે? મનુદાદા અમારું ઘર બંધ હોય તો પોતાને ત્યાં કુરિયર વાળા ને બોલાવીને લઈ લે. પછી તો ટેવ પડી ગઈ કે, અમારું ઘર ખુલ્લું હોય તોય કુરિયર વાળો સામે ઘરે જઈને મારા નામની બૂમ પાડે અને મનુદાદા પ્રેમથી આવે અને આવીને પોતે કુરિયર લઈ લે. અમે બહારથી આવીએ એટલે ‘જય સ્વામિનારાયણ’ કહીને હાથ ઊંચો કરે  પણ અમને હાથમાં કુરિયર ના આપે. અમે દાદરો ચડીને ઘર ખોલીએ એટલે મનુદાદા અમારો દાદરો ડાંફ ભરતા ચડીને આવીને કહે કે, ‘લો આ તમારૂં કુરિયર’. અમે કહીએ,  દાદા અમે નીચે હતા તો આપી દેવું હતું ને, તો કહે, ના રે ના એ  બહાને આપણે  સત્સંગ થયો, મળવાનું થયું. બાકી તો આપણે  ક્યાં મળીએ છીએ !

એમાં એક વખત દાદા  ઘરે આવ્યા, અને મેં કીધું, બેસો-બેસો. મારે તમારી હારે એક અગત્યની વાત કરવી છે. તો કહે, બોલો-બોલો. અને પછી મેં કીધું કે ખોટું ના લગાડતા, તમે તો બહુ હસમુખા છો. પણ નંદીશ કહેતો હતો કે, તમે પ્રસાદ વેચવાનું કામ કરો છો, તો એ શું ? તમે પ્રસાદ વેંચો છો? એટલે એ મોટા અવાજે ખડખડાટ  હસી પડ્યા. એ કહે,  “નંદીશ ખોટો નથી સાચો જ છે. પ્રસાદ વહેંચવાનું એટલે એમ કે  છેલ્લા વર્ષોથી આ મારો નિત્યક્રમ છે. સાંજ પડે એટલે હું સ્વામિનારાયણ મંદિરના ઓટલે બેસી જાઉં, અને જેવી આરતી પુરી થાય એટલે અંદરથી સ્વામી મને થાળી આપે, એટલે હું ઉભો રહી ને ત્યાં બસો કે ચારસો કે પાંચસો  માણસોને ધીમે ધીમે પ્રસાદ આપતો જાઉં. પ્રસાદ આપતો જાઉં અને હરિ નું નામ લેતો જાઉં. એટલે મળે બહું  લોકો આપણને, સૌની સામે આપણે  ‘જય સ્વામિનારાયણ’ કહીએ, સ્મિત કરીએ, એટલે આપણા પ્રત્યે બધાની લાગણી વધે, અને બીજું એ કે,  એક દોઢ કલાક હરિનું સ્મરણ થાય અને સૌને હરિનો  પ્રસાદ વહેંચી શકાય. આમ તો ભદ્રાયુભાઈ, આપણે પણ આ પૃથ્વી ઉપર ભગવાને મોકલેલો પ્રસાદ જ છીએ ને ! તો આપણે પ્રસાદ ન વહેંચીએ તો બીજું શું વહેંચીએ ? નંદીશ ખોટો નથી, નંદીશ સાચો છે હો…”

સાવ જ ગામડાના લાગે એવા પણ મોટા ગજાના મનુદાદા ભણીને મોટા હોવાનો વ્હેમ રાખનાર ભદ્રાયુભાઈને ગજબની ફિલસુફી સમજાવી ગયા હો….

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback