સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે.

ભદ્રાયુ વછરાજાની           (60)          bhadrayu2@gmail.com 

       સત્તરમાં  અધ્યાયને વિનોબાજી ‘પરિશિષ્ટ બે’ કહે છે અને તેને ગીતાજીએ દર્શાવેલ  “સાધકનો કાર્યક્રમ” કહે છે. કુલ અઠ્યાવીશ શ્લોકો  સાથેના આ અધ્યાયમાં અર્જુનના એક જ પ્રશ્નને વિગતે સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સત્યાવીશ શ્લોકોમાં પૂર્ણ સમજૂતી સાથેની સ્પષ્ટ વાતો કહીને સત્ત્વ, રજસ અને તમસ ત્રિગુણો અંગે અર્જુનને જ્ઞાત કરે છે. શ્રી ભગવાન દેહદારી લોકોના સ્વભાવથી ત્રણ પ્રકારની શ્રદ્ધા માટે એટલું જ કહે છે કે, જેવું સત્ત્વમય જીવન તેવી શ્રદ્ધાથી દેહ ઘડાય છે. દેવને સાત્ત્વિકો પૂજે છે, યક્ષ અને રાક્ષસોને રાજસિક લોકો પૂજે છે, તો તામસીઓ ભૂત-પ્રેતને પૂજે છે. આપણા ગુણોથી ક્રિયાઓમાં ભેદ આવે છે તે સમજી લેવા જેવું છે. 

શ્રી વિનોબાજી આપણા જન્મ સાથે જ ઈશ્વર દ્વારા સોંપાતાં હોમવર્ક અંગે વિગતે માર્ગદર્શન કરે છે, તે જોઈએ. આપણે  જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ? 

આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; 

આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; 

અને જે સમાજમાં આપણે જમ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસના આપણા આડોશી-પાડોશી એ ત્રીજી સંસ્થા છે. 

આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે, આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ.

આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો આપણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમજ મોકળું રહે.

આ અર્થ સમજવાને સારુ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સૌ માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સુષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, “પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ, તેમાં ખેડ કર, સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.” પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધિકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું, એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું,  સુતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડ્યો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ.આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારુ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાનું  છે તે યજ્ઞ એટલે સેવા છે. પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારુ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.

બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે. દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરું તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.

આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે, તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.