સારપને ફેલાઈ જવાની ટેવ હોય છે.

આસપાસ ચોપાસ : (૦૪) | અખંડ આનંદ એપ્રિલ – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

           एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…

ઉત્તમ વિચાર ક્યાંથી ક્યાં સુધી ગતિ કરે છે તેનો એક સ્વાનુભવ અહીં વહેંચવો છે. 

એક નાની પુસ્તિકા છે, તલગાજરડી આંખ. તેમાં સુવિચારોનો સંગ્રહ છે. વિશ્વમાં શ્રી રામચરિત માનસ ને ખૂણે ખૂણે પહોંચાડનાર શ્રી મોરારિબાપુએ અનેક કથાઓમાં સહજતાથી ઉચ્ચારેલા સુ વિચારો આ પુસ્તિકામાં છે. પોતાની અંત:યાત્રા માટે ‘નોકરી’ કરનાર શ્રી દિનુભાઈ ચુડાસમાએ તેનું સંપાદન કરેલ છે. તેમાં શુદ્ધ અને સાત્ત્વિક વિચારો છે. બાપુની નીજી શૈલીમાં સાવ સાદા સીધા શબ્દો અને સીધી ગળે ઉતરે તેવી જ વાતો… મોટી મોટી કોઈ ફિલસુફી નહીં. 

આ પુસ્તિકા બહુ બધી  શાળાઓ ચલાવનાર યુવાન સંચાલકના હાથમાં આવી અને તેમણે દિલથી વાંચી. સાહિત્ય પ્રીતિ ખરી એટલે તે યુવાન વાંચવાના અને વિચારવાના શોખીન. તેમને વિચાર આવ્યો કે, ચાલોને એક રસઐક્ય ધરાવતા મિત્રોનું વોટ્સએપ ગ્રુપ બનાવું ને તેમાં રોજ રાત્રે એક વિચાર આ પુસ્તિકામાંથી મુકું. સૌને અવગત કર્યા  કે આ કેવળ એડમીન દ્વારા જ ચાલનારું ગ્રુપ છે અને તેનો ઉદેશ્ય કેવળ આ પુસ્તિકામાંથી સાત્વિક વિચારનો પ્રચાર પ્રસાર કરવાનો છે. વિચાર શુભ હતો એટલે આ સત્ત્વશીલ કાર્ય સરસ રીતે ચાલવા લાગ્યું .

થોડા દિવસો પછી મને વિચાર આવ્યો કે, અહીં ગ્રુપમાં જે મુકાય છે તેમાંથી  મને જે વિચાર સ્પર્શી જાય તે વિચાર લઈને હું મારા વોટ્સએપના સ્ટેટસ્ માં  મુકું. આમ મારું  સ્ટેટસ જોનાર ઘણા મિત્રો છે, એટલે સરસ વિચાર વ્યાપક રીતે ફેલાય. એ પણ સરસ રીતે ચાલી રહ્યું છે ત્યાં એક સદ્દસ્ફોટ થયો. (જેમ વિસ્ફોટ થાય તેમ આ સદ્દસ્ફોટ એટલે સત નો ફેલાવો થાય તેવો ચમત્કાર) મેં મારા સ્ટેટસમાં એક દિવસ પ્રિય મોરારીબાપુએ કહેલ  જે  સુ વિચાર મુક્યો તે આ પ્રમાણે હતો : 

હું તમને એક સારામાં સારું શુકન કહું ? નવી ગાડી લો અને લઈને આવતા હો અને રસ્તામાં કોઈ ગરીબ ડોશીમા એનું પોટલું માથા પર મૂકીને તાપમાં નીકળી હોય તો એને એના ઘરે પહોંચાડી દો એના જેવું શુકન એકેય નહીં ….ધર્મના રહસ્યને આપણે આ રીતે સમજીએ.” 

હવે આ ઉત્તમ વિચાર યાત્રા કેવી આગળ ધપે છે તે જુઓ. પેલા ગ્રુપના એડમીન મિત્ર રોજ એક વિચાર મૂકીને છૂટી જાય. હું એમાંથી એક વિચાર મારાં સ્ટેટસમાં મૂકીને છૂટી જઉં. પણ  એમાંથી એક વિચાર કોઈકને સ્પર્શી ગયો. આ વિચારને  વાંચનાર હાલ સુરતના એક યુવાનને કેવી અસર થઈ તે જાણીશું તો વિચારનું અમૂલ્ય મૂલ્ય સ્વીકારવું પડશે. સુરતમાં સ્પાર્ક નામથી શિક્ષણ અને સાહિત્ય સેવા કરનાર શ્રી આદિત્ય ઝાલાએ મને (એ વિચારને ટેગ કરી) જે લખી મોકલ્યું તે વાંચીએ :   

શુકન તો ખરાં, એમાંથી તો ઋણાનુબંધ નીકળી આવવાનો મારો જાતઅનુભવ છે ! ભાવનગરમાં ધો. ૧૨માં અભ્યાસ વખતે નવું નવું બજાજ સ્પિરિટ લઈને હું બપોરે ટ્યૂશનથી પાછો ફરતો હતો. કાળુભા રોડ ઉપર એક વડીલ રિક્ષાની રાહ જોતા ઊભા હતા. નજીક જતાં એટલો ખ્યાલ આવ્યો કે આ વડીલ તો નવમા ધોરણની મારી એક વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક હતા. મેં એમને લિફ્ટ આપી અને એમને ઘરે મૂકી આવ્યો. એમણે મને અંદર આવવા કહ્યું પણ ‘ઘરે પહોંચતાં મોડું થવાથી સૌ ચિંતા કરશે’ એમ કહી એમના  દરવાજેથી જ હું પાછો ફર્યો અને એમનું નામ જાણી લીધું.

ઘરે જઈને સૌની ઉપસ્થિતિમાં આ વાત કરી. એ વડીલનું નામ સાંભળીને પપ્પા ખુશ થઈ ગયા ! પપ્પા તો રાજીપાસભર બોલ્યા: ‘ઓહો,  તખ્તસિંહજી પરમાર?! એ તો અમારા તખુભા સાહેબ..જૂનાગઢમાં અમે એમની પાસે ગુજરાતી ભણ્યા છીએ.’ અને પછી તો પપ્પાએ એમની NSS અને NCCની યાદો પણ વાગોળી. સાંજે ડિરેક્ટરીમાંથી નંબર શોધીને પપ્પાએ સાહેબ સાથે વાત કરી અને તે પછીના રવિવારે અમે એમની મુલાકાત પણ લીધી. એમને ત્યાં ફળિયામાં જ મારો  ભાઈબંધ કમ સહાધ્યાયી રાજદીપસિંહ મળી ગયો અને ત્યારે મને ખબર પડી કે, એ તો પરમાર સાહેબનો પૌત્ર થાય !  આ મારી શુકન-ઋણાનુબંધની કથા.. તમારી આ પોસ્ટે પણ તે દિવસ જેવું જ કર્યું- एक बार वक़्त से लम्हा गिरा कहीं, वहाँ दास्ताँ मिली,…”

છે હવે કશું બોલવાની જરૂર ?? છે હવે કાંઈ લખવાની આવશ્યકતા ?? ઉત્તમ વિચાર ક્યાંથી સ્ફુરે ને ક્યાં  ઝીલાય અને ક્યાં એ અનુભવમાં મુકાય અને તેની કેવી અનુભૂતિ હોય…તેની યાત્રા અલૌકિક બની રહે ત્યારે સુંદર વિચાર આવી જાય કે,  સારપને ફેલાય જવાની ટેવ હોય છે.” 

આપણે ઘણીવાર સોશિયલ મીડિયાને વખોડતા હોઈએ છીએ પણ મને તો એવા અનેક અનુભવો થયા છે કે સોશિયલ મીડીયાએ ઘણી સકારાત્મક અસરો કરી હોય. સોશિયલ મીડીયાએ ક્યારેક તો તબીબ ક્ષેત્રોમાં એવી  મદદ પણ કરી છે કે જેથી કોઈનો જીવ બચ્યો હોય!!. અહીં આપણે જે નાના વિચારની વ્યાપક અસરની  નાની અનુભૂતિ અંગે જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે, હા, એક વિચાર ગજબનાક અસર કરવાની ક્ષમતા ધરાવે છે.   

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback