આપણે ભગવાનની વાત કરતા હતા. એવા ભગવાન કે જે દેહધારી હતા અને જેમની સાથે અમે જીવીને ખુબ આનંદ માણ્યો  છે, પ્રવાસ કર્યા  છે તેવા ભગવાન. હું તમને એક બે પ્રસંગો કહું એટલે તમને વધુ ઉત્કંઠા થશે. 

 

એ તમારે ઘરે આવે અને ઝાંપો ખોલીને જો સાઈકલ તમારા ઘરની અંદર લે તો તમારે સમજવાનું કે ભગવાન આજે તમારે ત્યાં રાત્રી નિવાસ કરશે. હવે એ ભગવાન ઘરમાં આવે અને તમને પૂછે, ‘ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ છે ?’ તમે કહો કે, ‘ના ના ક્યાંય જવું નથી, બેઠા છીએ !’ સામાન્ય રીતે શનિ રવિમાં જ આમ બનતું હોય કારણ કે બાકીના દિવસોમાં તો સ્કૂલ હોય તો ક્યારેક આવું તો વેકેશનમાં જ  બનતું હોય કારણ કે અમે બધા જ માસ્તરો હતા. આપણે કહીએ કે, ક્યાંય જવું નથી એટલે એ બેઠા હોય ત્યાંથી ઊભા થાય અને પોતે જે પેન્ટ પહેર્યું હોય ઢીલું ઢીલું,  એ પેન્ટ ડ્રોઈંગ રૂમમાં સૌની સામે ઉતારી નાખે. શરૂ શરૂમાં અમને આશ્ચર્ય થતું પણ એ પેન્ટ ઉતારે એની નીચે એક ઘરમાં પહેરવાનો લેંઘો પહેર્યો  હોય, એટલે એ પેન્ટ ઉતારી અને અંદરના રૂમમાં જઈને કોઈપણ બારણે લટકાવે. ખીટી  શોધવા જેટલો એ શ્રમ ન લે. અને પછી શર્ટ ઉતારી એ પણ લટકાવે,  ત્યાં એણે સદરો પહેર્યો હોય !! એટલે જેવું પાક્કું થયું કે તમારો કોઈ કાર્યક્રમ ભગવાન ડિસ્ટર્બ કરવાના નથી એટલે પછી ભગવાન ઘરેલુ પહેરવેશમાં આવી જાય અને લેંઘા ઉપર સદરો પહેરીને આખો દિવસ તમારી સાથે ગાળે. 

 

એ સોફામાં બેસે, હિંડોળા પર બેસે કે ખુરશીમાં બેસે તો લગભગ ત્રીજી ચોથી મિનિટે એની પલાંઠી લાગી ગઈ હોય. અથવા ટેસથી પગ ઉપર પગ ચડાવી દીધો હોય અને બે હાથને પોતાની ટાલમાં ફેરવતા  ફેરવતા એમને માથા પાછળ ટેકવી દીધા હોય. ઊંધી અદબ  એણે વાળી લીધી હોય અને પછી લાખ લાખની વાતો, હસી મજાક, હળવી  ફૂલ જેવી… પણ એ વાતમાં ક્યારેય ભગવાન કોઈની નબળી વાત ન કરે. એમને ભૂલથી પણ આપણાથી કહેવાય જાય કે,  કોઈ ભાઈ આવા છે, તો એ પોતાનો જમણો હાથ ઉંચકાવે, પોતાની ટાલમાં ફેરવે, પોતાના નાક પાસે બરાબર રાખે અને પછી લાંબી દાઢી ઉપર ફેરવી અને પાછો મૂકી દે. આપણને એમ લાગે કે, એણે ભાઈને ઉપરથી લીધા,  એને  વંદન કરી  અને દાઢી ઉપર ફેરવી અને એ વાતને એણે નીચે મૂકી દીધી. 

 

ભગવાનને ક્યારેય કોઈનું વિવેચન કરતા અમે સાંભળ્યા નહીં. અથવા ભગવાનને કોઈની ટીકામાં પોતાનો સુર પૂરાવતા અમે સાંભળ્યા નહીં. હા, ઘણાબધા મિત્રો ભેગા થયા હોય અને કોઈ કોઈનું કશીક કૂથલી કરવાનું કામ પણ ચાલે તો એમાં ભગવાન વાંધો ન લે પણ એ એકબાજુ બેઠા બેઠા ખડખડાટ હસ્યા કરતા હોય. હવે અમને એમ સમજાય છે કે, એ આપણી આ અવસ્થા ઉપર હસી કાઢતા હતા.!!

એક બીજો નાનકડો પ્રસંગ કહું. માનો કે તમારે ઘરે આવ્યા અને એણે સાઈકલ અંદર લીધી એટલે તમારે સમજવાનું કે એ તમારે ઘરે રોકવાના છે. પછી તમારા ડ્રોઈંગરૂમમાં આવીને પહેલો પ્રશ્ન પૂછે : ‘કંઈ પ્રોગ્રામ ? ઘરે જ છો કે બહાર જવાનું છે ?’ એટલે મારા પત્ની રસોડામાંથી કહે કે, ‘આજે અમારે મામાને ત્યાં જમવાનો પ્રોગ્રામ છે’, એટલે જય ભગવાન જવાબ આપે, ‘કેટલા વાગે ?’ તો કહે, ‘સાડા બાર – એક વાગ્યે.’  ‘ઓહો..સાડા બાર – એક ને ! હજી તો ત્રણ  કલાક છે.’  અમે એવો આગ્રહ કરીએ કે, કંઈ વાંધો નહીં અમે નહિ જઈએ. તો કહે, ‘ના ના, તમારે તમારો પ્રોગ્રામ ચાલુ રાખવાનો. હું તો નવરો હતો એટલે આંટો મારવા આવ્યો હતો.’ હવે આ  જેવી ખબર પડે તો ભગવાન પોતાનું પેન્ટ ઉતારે નહીં, પોતાનું શર્ટ ઉતારે નહીં કારણ કે ભગવાન અમારી સાથે બે ત્રણ કલાક વાતો કરી છાશ કે ચા કે બન્ને  પી ને અમારી સાથે જ અંદર  ઝાંપામાંથી સાઈકલ બહાર કાઢી સાઈકલના ટેકે ટેકે ચાલતા ચાલતા શેરીના નાકા સુધી આવી પોતાને ઘરે પાછા ચાલ્યા જાય. એમને જરાય એવું ન લાગે કે, આ લોકોને ત્યાં મારે રહેવું હતું ને રહી ન શક્યો અને હા,  અમને પણ જરા જેવો ય  ભાર ન લાગે કે ભગવાનને આપણે ના પાડી. 

આ સહજ વ્યક્તિત્વ એ અમારા જય ભગવાન. (ક્રમશ:)