હ્યુમન રિસોર્સીસનો ભંડાર : આત્મીય મોતીભાઈ

સમણું :: શ્રી મોતીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ વિશેષાંક :: સળંગ અંક: 191 અને 192 :: સમણુંનો અંતિમ અંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

સદાબહાર વાચક અને અસીમ જીવનાર આત્મીય મોતીભાઈ !!

ક્યારે પહેલીવાર એમને મળ્યો તે જરાપણ યાદ નથી. એમની સાથે ક્યારથી સંબંધ છે,તેનું પણ કોઈ સ્મરણ નથી…અરે, એમને લઈને કેટકેટલાઓને પહેલીવાર મળ્યો હોઈશ, તેની કોઈ યાદી નથી. ખરેખર કહું છું કે, હું એમની પાસે ભણ્યો નથી, મેં  એમની પાસે ડોક્ટરેટ કર્યું નથી, એમના હાથ નીચે મેં કોઈ નોકરી કરી નથી, એમણે મને ક્યારેય કોઈ પદ ઉપર બેસવા માટેના ઈન્ટરવ્યુ લીધા નથી, એમણે  મારા માટે ક્યારેય કોઈને ભલામણ કરી નથી, એમની સાથે  ક્યારેય કોઈ આર્થિક કે વ્યાવસાયિક કે અન્ય કોઈ દુન્યવી વ્યવહાર કર્યો નથી, એમની સાથે ક્યારેય કોઈ ટ્રસ્ટમાં કે કોઈ કાયમી પ્રવૃત્તિમાં રહ્યો નથી,,,, આ યાદી હજુ લંબાવી શકાય  તેમ છે, તો પછી પ્રશ્ન એ છે કે, મારે અને મોતીભાઈને છેલ્લા પિસ્તાળીશ વર્ષોથી વધુનો આત્મીય નાતો કેમ હશે ?? મોતીભાઈ હજુ છે જ, એવું લાગ્યા કેમ કરે છે ?? શું અમારો કોઈ પરભવનો નાતો છે કે.. ?? 

હા, એવું બન્યું છે ખરું  કે,  શિક્ષણના રાજકારણીઓએ મને મોતીભાઈનો માણસ ગણી લઈને ઘણો અન્યાય કર્યો છે, હું યુનિવર્સીટી કક્ષાએ ઘણો વહેલો પ્રવેશી શક્યો હોત  જો હું મોતીભાઈનો માણસ ન હોત તો  !! મને મોતીભાઈની સાથે સ્વૈર વિહાર કરતાં ભાળીને કેટલાય મિત્રો(!!)એ  મને બ્લેક લિસ્ટેડ કર્યો છે,,,આ યાદી પણ લાંબી થાય તેમ છે અને તો પણ મારો અને મારા કુટુંબનો આત્મીય નાતો મોતીભાઈ અને તેમના કુટુંબ સાથે અતૂટ રહ્યો તે ચમત્કાર સંબંધોની દુનિયાનો milestone ગણાય.

અરે, એક વખત તો ઉચ્ચ શિક્ષણનું ઉચ્ચતમ પદ મને  પ્રાપ્ત થવાનું નક્કી થઈ  ગયા પછી વગધારીઓએ કહ્યું કે, તમે મોતીભાઈ દ્વારા ગુણવંત શાહને કહો ને તે જો “મિસ્ટર અ” ને એક ફોન કરી દે તો તમારું પાક્કું જ પાક્કું… ત્યારે મેં મોતીભાઈને ન કહ્યું તે ન જ કહ્યું ! અને જયારે એ પદ પર અન્ય મહાનુભાવની નિમણૂંક થઈ ત્યારે મોતીભાઈએ પેલા  વગધારીને જવાબ આપ્યો કહ્યું કે, “ના રે ના, મને ખબર હતી કે હું ગુણવંતભાઈને કહું તો તે તરત ફોન ઉપાડે પણ અમારે તો ભદ્રાયુને મિત્ર તરીકે સાચવી રાખવો છે, એ ઉચ્ચ પદના રાજકારણમાં નાખીને અમારે મિત્ર ખોવો નથી !!” જો કે, વિદ્યાપીઠીય રાજકારણના એક કહેવાતા મહારથીએ મોતીભાઈની પાછળ પડી પોતાની ભલામણ પીઠપતિ બનવા માટે કરાવેલી, એ યાદ ન કરવા જેવી  વાત છે. 

શ્રી  ગુણવંત શાહ, મોતીભાઈ પટેલ અને ભદ્રાયુ વછરાજાની.. આ ત્રિદલની મૈત્રી  ગુજરાતના શિષ્ટ – શિક્ષણ – સાહિત્ય જગતમાં  સતત ચર્ચાનો વિષય રહ્યો  !! પરમ વડીલ મિત્ર શ્રી ગુણવંત શાહને જયારે ફોન પર મોતીભાઈ કાયમ માટે પ્રવાસમાં નીકળી ગયા છે તેવા સમાચાર આપ્યા ત્યારે તેઓ બોલ્યા કે, “ભદ્રાયુ, મારો સળંગ પચાસ વર્ષોનો દોસ્ત ગયો અને તું એનો સાક્ષી છો અને સાથી પણ..!”  ગુણવંતભાઈ પ્રવાસે નીકળે ત્યારે સુરેન્દ્રનગરમાં  ‘વૃંદાવન’ માં જ હોય  અને સૌરાષ્ટ્ર તરફ પ્રવાસે નીકળે ત્યારે ‘પ્રેમમંદિર’ માં જ હોય એ સૌ જાણે છે.ગુણવંતભાઈને સાચવવા એ અઘરો દાખલો પણ  મોતીભાઈની અને મારી એ છાપ કે, અમે  બંને તેઓને બરાબર પ્રસન્ન રાખી શકીએ…તે ત્યાં સુધી કે, હું અદાણી ફાઉન્ડેશન કાર્યાર્થે અમદાવાદ હતો અને ગુણવંતભાઈ અમારા ઘરે બે દિવસ આવવાના હતા તો અમે મોતીભાઈને અગાઉથી નોતરું આપી દીધેલું. યાદગાર વાત તો એ કે, જાન્યુઆરી 2010 ના ગુણવંત શાહની આગેવાનીમાં ગુજરાતમાં “માતૃભાષા વંદના યાત્રા” નીકળી ત્યારે બે દિવસ અગાઉ જ મોતીભાઈને અકસ્માત થયો અને તેમને અમદાવાદ હોસ્પિટલ ખસેડવા પડ્યા ત્યારે ગુણવંતભાઈના આગ્રહને માન આપીને સુરેન્દ્રનગરની સભા માટે અમે રાજકોટથી સીધા મોતીભાઈનાં ‘વૃંદાવન’ પર આવ્યા અને મોતીભાઈ અહીં જ છે તેવી ભાવક્રિયા કરીને ત્યાં બેસી ચા-ગાંઠિયા-જલેબીનો નાસ્તો કર્યો ! પછી યાત્રા આગળ ચાલીને સુરેન્દ્રનગરમાં સભા થઈ !! આવો  અવિસ્મરણીય નાતો આ ભવના પૂણ્યોથી નથી બંધાતો એ તો નક્કી. 

હું એમને ઘણીવાર લાડમાં ‘મોતીલાલ’ કહેતો અને ત્યારે તેઓ વ્યંગમાં કહેતા કે, ‘ડો. હરિભાઈ દેસાઈ પછી તું એક પાક્યો છો મને મોતીલાલ કહેનારો.’ મોતીભાઈની ત્રણ ઉપલબ્ધીઓ મને સ્પર્શી ગઈ તે … 

(1)  તેઓનું હ્યુમન રિસોર્સ.. . કોઈપણ ક્ષેત્રની કોઈપણ ટોચની વ્યક્તિ સાથે મોતીભાઈનો ગાઢ નાતો અને મોતીભાઈનો નાતો એટલે માડી-રમેશ-કનુ કુટુંબનો નાતો.  કેટકેટલા મહાનુભાવો-સાહિત્યકારો-શિક્ષકો સાથે મારો પરિચય થયો હોય તો તે મોતીભાઈને લીધે. કેટલી વિરલ વ્યક્તિઓ પ્રેમમંદિર આવતી થઈ  હોય તો તે  મોતીભાઈને લઈને…અરે, મને નઈ તાલીમનો પરિચય કરાવનાર મોતીભાઈ. મને દક્ષિણ ગુજરાતમાં રખડાવી રાખદાવીને મને ત્યાં વ્હાલો કરનાર મોતીભાઈ. એમ તો, સૌ. ઈલા મોતીભાઈને વારંવાર મ્હેણું  મારતાં કે એમણે મને ‘રોડપતિ’ બનાવ્યો અને એ વાતમાં ભારોભાર તથ્ય છે !! આપણે ઘરે બેઠા હોઈએ  અને કોઈનો ફોન આવે તો ઉમળકા સાથે તેને કહે કે, ‘હું પ્રેમમંદિરે છે, લ્યો, ભદ્રાયુ સાથે વાત કરો.’ .અને આપણને ફોન પકડાવી દે..અમારું કુટુંબ આખ્ખું મોતીભાઈ પરિવારને  બરાબર ઓળખે. મોતીભાઈ પોતાના ઘરે ન હોય તો પણ અમારો મુકામ પહેલા વૃંદાવન માં અને પછી નીલકંઠ ફ્લેટમાં જ ઉતારવાનું અને રોકાવાનું  અને માડી કે સુધાની મહેમાનગતિ માણવાની. એક વાત સ્વીકારું કે, સૌને પ્રેમ કરતા રહેવાય એવું અમને મોતીભાઈએ શીખવ્યું હો. છેલ્લા પાંચેક વર્ષને બાદ કરીએ તો, મોતીભાઈને સૌ ‘સારાં’ લાગતાં અને તેથી ‘મારાં’ લાગતાં. એમાંથી કેટલાક લોકોએ તેઓનો બહુ લાભ લીધો, જો કે, આ દિલેર માનવે  પ્રેમપૂર્વક લાભ લેવા પણ દીધો !! 

(2) તેઓની અદભુત વાચન ક્ષમતા…એટલું બધું વાંચે અને એટલું ઝડપથી વાંચે કે ન પૂછો વાત. સમણુ માં ત્રણ પુસ્તકો વિષે નોંધ લખવાની  હોય ત્યારે તેમણે  ત્રણ મહિનામાં ઓછામાં ઓછા નવ થી દસ પુસ્તકો તો વાંચ્યા જ હોય. પોતે જ ખરીદે અને પછી પોતે વાંચે. એમનાં રસ,  રુચિ અદભુત  અને તેમની વાચન ગતિ અવર્ણનીય. અમદાવાદ અને ભાવનગરના પુસ્તક વિક્રેતાઓને કાયમી સૂચના કે નવાં પુસ્તકો આવે એટલે મને મોકલી જ દેવાના. થોડો અતિશયોક્તિ અલંકારનો ઉપયોગ કરવાનો દોષ વહોરીને પણ કહું કે, ઓશો પછી વધુમાં વધુ પુસ્તકો મોતીલાલે વાંચ્યા હશે.!!

(3) તેઓની કુટુંબ વત્સલતા .. મોતીભાઈએ જે રીતે પોતાનું કુટુંબ ઘડયું અને કુટુંબની ચોથી પેઢી સુધીનાં સંતાનોમાં કુટુંબ વત્સલતા પ્રેરી તે  ન ભૂતો ન ભવિષ્યતિ !! કોઈને આ વાત અતિશયોક્તિ લાગે તો ભલે લાગે, પણ માડી થી લઈને ખુશ્બુના દીકરા સુધીનાને એક તાંતણે બંધાઈને જીવતા જોયા છે તે પરથી કહી શકું  કે મોતીભાઈ પાસેથી શીખવા જેવું આ છે. રમેશ અને કનુ કેવળ દીકરાઓ જ નહીં પરંતુ સૌ.સુધા અને સૌ.નીતા વહુઓને એટલાં  વિનમ્ર અને લાગણીસભર બનાવ્યા છે કે આજનાં સમયમાં તો આવા દીકરાઓ ને વહુઓ  દીવો લઈને શોધવા જઈએ તો ય ન જડે. સૌને મોતીભાઈ સાચવે અને સૌ મોતીભાઈનો પડ્યો બોલ ઝીલે. અને હા,  મોતીભાઈની વરણાગી પણ જબરી હો, એ જેટલું મુક્ત હસી શકે એટલો જ મુક્ત ગુસ્સો પણ કરી શકે અને તે પણ દીકરાઓ  પર… ક્યારેક એમની વાત માનવી મુશ્કેલ  પડે પરંતુ કનુ-નીતા કે રમેશ-સુધા  તો સતત ‘પપ્પા પપ્પા’ જ કર્યા કરે, એ નક્કી… આ તો થઈ  પોતાના કુટુંબની વાત પણ મોતીભાઈ જેની સાથે જોડાયા તેની સાથે રસોડા સુધીનો આત્મીય સંબંધ બંધાયો. તેઓને મન બધા આત્મીય અને પોતાના જ કુટુંબીજન..સુરેન્દ્રનગર કે અમદાવાદ કે સુરત કે વડોદરા કે મોડાસા કે ઈસરી કે ઈડર કે રાજકોટ જ્યાં રહ્યા ત્યાં ત્યાંના થઈને રહ્યા. એમનું કુટુંબ ક્યાં ન હતું તે જ પ્રશ્ન થાય. 

મેં મોતીભાઈ સાથે બે કલાકનો દીર્ઘ સંવાદ કરી તેમની જીવનયાત્રા તેમના મુખે સાંભળી ને તેને કચકડે સાચવી લીધી છે. જો કે, એનો કોઈ ઉલ્લેખ મેં જાણી જોઈને અહીં ટાળ્યો છે, કારણ કે મારે તો મારા હૃદયમાં કોતરાઈ ગયેલ મોતીભાઈની સ્મરણયાત્રામાં વહેવું હતું.  એમનાં પરના  એક દીર્ઘ લેખનું શીર્ષક મેં એવું આપ્યાનું મને સ્મરણ થાય છે કે, શિક્ષણ જગતનું જમણું  ખિસ્સું !   સામાન્ય પ્રણાલી પ્રમાણે આપણાં ખમીશમાં જમણું  ખિસ્સું કદી હોતું નથી,, એટલે જે ક્યાંય નથી હોતું તે જેનામાં હતું તે મોતીભાઈ મોપટેલ.

ફાટફાટ અને અસીમ જીવનાર સટરપટર ના યાંત્રિક મોતીભાઈને સલામ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback