દક્ષિણામૂર્તિમાં બાળ શિક્ષણનું ઝબલું સિવ્યું નાનાભાઈ અને ગિજુભાઈએ…

પ્રબુદ્ધ જીવન, મુંબઈ : એપ્રિલ : 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

દક્ષિણામૂર્તિ સંસ્થા શરુ  થઇ ત્યારે કેવળ વિદ્યાર્થી ભવન એટલે કે છાત્રાલય હતું..!!

નાનાભાઈ ભટ્ટની ઉંમર અઠ્યાવીસ વર્ષની, દક્ષિણામૂર્તિ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે…!!! આદર્શોના અનલથી ધગધગતો યુવાન, ધાર્મિક સંસ્કારથી ઓતપ્રોત અને  ઊગતી પેઢીને સંસ્કારી બનાવી દેવાની ધગશવાળો તેજીલો તોખાર. દક્ષિણામૂર્તિ શરૂ કરી તેની આગલી રાત સુધી,  ‘હું આમ કરી નાખીશ અને હું તેમ કરી નાખીશ’ ના ભાવનાપૂરમાં તણાતા રહેલા, તેને પરિણામે વિદ્યાર્થીઓની સાથે રહી તેમને તાબડતોબ સંસ્કારી બનાવી દેવાની મહેચ્છાથી તેમનું હૈયું ઊછળતું રહેલું. નાનાભાઈની આ ભાવના અને કર્તવ્યપરાયણતાથી પ્રેરાઈને જ તેમના કામમાં સરળતા કરી આપવાના હેતુસર એમના ગુરુબંધુઓએ પોતાના સંતાનોને પહેલે જ દિવસ બોર્ડિંગ હાઉસમાં દાખલ કરી દીધેલા ! દક્ષિણામૂર્તિ સંસ્થા શરુ  થઇ ત્યારે એ શાળા ન હતી, કેવળ વિદ્યાર્થી ભવન હતું એટલે કે છાત્રાલય જ હતું..!! 

સંસ્થા ખોલવી અને ચલાવવી એ ખરેખર બહુ કપરું કાર્ય હોય છે,  પરંતુ જ્યારે સંસ્થાના ખોલનાર અને ચલાવનાર તદ્દન બિનઅનુભવી અને નવા નિશાળિયા જેવા હોય ત્યારે તે સંસ્થા ખોલવી, ચલાવવી ને વિકસાવવી એ ભગીરથ ઉપક્રમ બની જતો હોય છે. પરંતુ એ તથ્યની પ્રતીતિ ખુદ નાનાભાઈને પણ હતી જ, તેમનું  મનોમંથન હતું કે, “મને તે દિવસે કલ્પના પણ ન હતી કે સંસ્થામાં એકલા વિદ્યાર્થીઓ જ નથી હોતા. મને કલ્પના પણ ન હતી કે સંસ્થામાં મારા પ્રયત્નોને ધૂળ મેળવનારા એવા કોઠારી પણ હોઈ શકે. એવા રસોઈયા  પણ હોઈ શકે. વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના ભાવિક પિતાઓથી સ્વતંત્ર એવું પોતાનું મન લઈને આવવાના છે… મારા જેવા નવાસવા ગૃહપતિને મનમાં ગમે તેટલી ઉત્કટ ભાવનાઓ હોય પણ એ ભાવનાઓને મૂર્તિમંત કરવાને માટે જે વ્યવહારદક્ષતા અને હથોટીની જરૂર હોય છે તે મારામાં ક્યાં હતાં ? મને ખબર ન હતી કે વિદ્યાર્થીઓને જ  બરાબર ઘડવાના નથી પણ  રસોઈયાને ઘડવો પડશે, કોઠારીને અને કામ કરનારી બાઈઓને ઘડવી પડશે. અને   એ પહેલાં તો  મારે મારી જાતને ઘડવી પડશે..!”…બસ આ વાત નાનાભાઈ કળી  ગયેલા તેથી જ સોક્રેટિસની જેમ સ્વને ઘડવા તત્પર હતા. 

સંસ્થા હજુ તો ચાર-છ દિવસની જ થઈ હશે. એક વિદ્યાર્થીએ રાત્રે ઓરડાની  ચોકડીમાં ઝાડો-પેશાબ કર્યાં. નાનાભાઈ સવારે આવ્યા ત્યારે દુર્ગંધ તથા માખીઓના બણબણાટે તેમનું ધ્યાન ખેંચી જાણે પડકાર ફેંક્યો. “ચોકડી મારે સાફ કરી નાખવી કે તે બગાડનારને શોધી તેની પાસે સાફ કરાવવી?”  નાનાભાઈના મનમાં પ્રશ્નો ઘુમરાયા. ‘હું સાફ કરીશ તો કૉલેજમાં બોર્ડ પર છોકરાઓ તે લખવાના;’ મન અચકાયું. ‘હું ગૃહપતિ ! તેમની માતા સમાન. શું મેં મારાં સંતાનોનું મેલું નથી ઉપાડ્યું ?? હું પણ આ જ ચાલ્યો.’ તત્કાળ તેમણે ચોકડી સાફ કરી નાખી. સાથે જ મન સાફ થયું ને દૃષ્ટિ પણ. મન-દષ્ટિની શુદ્ધિનો આ પડકાર- પ્રસંગ નાનાભાઈનાં ‘ત્રિતીર્થ’ના વાત્સલ્ય તથા કુટુંબભાવરૂપી મહાનંદની ગંગોત્રી સમો બની રહ્યો.

નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન કરવાની તાલાવેલી અને ઊછરતી પેઢીને ધાર્મિકતાને રંગે રંગી નાખવાની અદમ્ય ઝંખનાને પરિણામે દક્ષિણામૂર્તિની શરૂઆતના દિવસોમાં જે દિનચર્યા હતી તે કંઈક આવી હતી ::

સવારે પાંચ વાગે ઉત્થાન – ઊઠવાનું, ત્યાર પછી હાથ મોઢું ધોઈ, કોગળા કરી દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ કરતા કરતા પ્રાર્થના કરવાનો નિયમ હતો. પ્રાર્થનાના અંતે વિદ્યાર્થીઓએ મોટાભાઈ તથા નાનાભાઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના રહેતા. શરૂઆતનાં વર્ષોમાં દક્ષિણામૂર્તિના સંચાલનમાં બીલખાના આનંદાશ્રમની ઘણી જબરી અસર હતી. સંસ્થાના સંચાલકો બિનઅનુભવી તેથી દિનચર્યાની ગોઠવણી વિદ્યાર્થીઓની દૃષ્ટિથી નહોતી ગોઠવાઈ, બલકે સંચાલકોના દૃષ્ટિકોણથી ગોઠવાઈ હતી. એ તો સદ્દનસીબ કે સંચાલકોનું આત્મનિરીક્ષણ, આત્મમંથન તથા પરિસ્થિતિનું  વિવેચનાત્મક કરતા રહેવાની દ્રષ્ટિ ,, તેથી તેમને તરત જ ખ્યાલ આવી ગયેલો કે જે માર્ગે આપણે વિદ્યાર્થીઓને સંસ્કારી કે ધાર્મિક વૃત્તિવાળા બનાવવા ચાહીએ છીએ તે માર્ગે સફળતા મૃગજળ સમાન છે. નાનાભાઈએ પોતે નોંધ્યું છે કે,  ‘દક્ષિણામૂર્તિ સ્તોત્રનો પાઠ કરવાથી વિદ્યાર્થીઓમાં ભક્તિભાવનાં મોજાં ઊછળશે ને તેમને સારા સંસ્કારો મળશે એમ હું માનતો હતો, પણ ખરેખરી રીતે બનતું એવું હતું કે વિદ્યાર્થીઓને સવારના પહોરમાં જેટલી ઊંઘની પડી હતી તેટલી નહોતી પડી દક્ષિણામૂર્તિદેવની કે નહોતી પડી મોટાભાઈની કે નહોતી પડી મારી… પરંતુ આ નિયમની નિરર્થકતા મને જતે દિવસે સમજાયા વિના ન રહી.’ નાનાભાઈની આ પોતાની ભૂલ સ્વીકારવાની તત્પરતાએ તેમને અને સંસ્થાને ઘડ્યા. 

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં વિદ્યાર્થીઓ પાસે શાળામાં જવા સિવાયનો જે વખત રહેતો તેમાં નાનાભાઈ તેમને પાઠો તૈયાર કરવામાં મદદ કરતા. રાત્રે વિદ્યાર્થીઓની તકરારો પતાવતા અને પછી જે સમય બચતો તેમાં તેમને વાર્તાઓ કહેતા. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં શરૂ થયેલી આ રાત્રિ પ્રવૃત્તિ ધીરે ધીરે વિકસીને રાત્રિ સમ્મેલન રૂપમાં ઢળી ગઈ છે. ગૃહપતિ નાનાભાઈની આ વાર્તાકથન પ્રવૃત્તિથી તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા પ્રિય થઈ શકેલા. પરિણામે સમૂહકાર્યો માટે તેઓ વિદ્યાર્થીઓને સરળતાથી એકઠા કરી શકતા હતા.

દક્ષિણામૂર્તિ બૉર્ડિંગ હાઉસમાં અમુક અમુક કાર્યો જાતે જ કરવાનાં રહેતાં તેની અસર થતાં  જતે દિવસે દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીમંડળના સ્વરાજની આખી કલ્પના ઊભી થઈ !!  જેનાં બીજ અહીં હતાં તે સંસ્થા  છાત્રાલય સ્વાવલંબનના પાઠ ભણાવતી  શાળા બની શકેલ.

દક્ષિણામૂર્તિમાં વિદ્યાર્થીઓ માટેની રસોઈ સાદી પણ સ્વાદિષ્ટ થવી જોઈએ, ખીચડી, ભાત વગેરે માત્ર ચડેલાં જ નહીં પણ સીઝેલાં થવાં જોઈએ; રોટલી માત્ર ફૂલકા જ નહીં પણ બરાબર ચૂંદડી પડેલી હોવી જોઈએ, શાક બહુ તેલવાળું ન હોવા છતાં મસાલાના પ્રમાણસરના ઉપયોગથી સ્વાદિષ્ટ થવું જોઈએ. આ ઉપરાંત રાંધવાનું વાસણ—પાણી સ્વચ્છ, ખાદ્ય પદાર્થો લોટ વગેરે સ્વચ્છ, રસોઈયાના કપડાંની સ્વચ્છતા, ખુદ રસોઈયાના સાહારીરની  અને હાથપગની સ્વચ્છતા વગેરેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત રસોઇયાના આચારમાં પણ સ્વચ્છતાનો આગ્રહ, તમાકું ન ખાવું, ચોખ્ખા હાથથી જ પીરસવું, નાકની લીટ જ્યાં ત્યાં ન કાઢવી, થૂંકવું હોય તો ચૂલામાં જ ન થૂકતા ખાળે જઈને થૂંકવું, રસોઈના પદાર્થો બરાબર ઢાંકીને રાખવા વગેરે વગેરે. એક તરફ આવા ઉદાત્ત આગ્રહો હતા તો બીજી તરફ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં કેટલાક પરંપરાગત વ્યવહારો પણ થતા. જેમકે ઈ. સ. ૧૯૧૦-૧૨ના એ દિવસોમાં શાળામાં અને છાત્રાલયોમાં વિદ્યાર્થીઓને સજા ફટકારવાનો રિવાજ હતો. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન પણ આ રિવાજમાંથી બાકાત ન હતું. નાનાભાઈ આ અંગે કબૂલે છે, ‘ઈ. સ. ૧૯૧૦- ૧૧ની સાલમાં તો હું દક્ષિણામૂર્તિમાં સજાનો ઉપયોગ કરતો અને તે પણ સજાના ભારે કઢંગા સ્વરૂપમાં. શરૂઆતના આઠ-પંદર દિવસો તો હું વિદ્યાર્થીઓને તેમના અપરાધ બદલ દૂધ અને શાકનો દંડ કરવા માંડયો તો ક્યારેક દક્ષિણામૂર્તિ દેવને પચીશ પચાસ નમસ્કાર કરવાનો દંડ.’

આ બધાં વર્ણનોથી એટલું તારણ અવશ્ય નીકળે છે કે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનનો વ્યવહાર નાનાભાઈની સમજણ, નાનાભાઈના આગ્રહો મુજબ ચાલતો હતો. અલબત્ત નાનાભાઈ સ્વીકારે છે કે, ‘એ કાળે મારી સમજણ ઘણી કાચી હતી, અનુભવ બહુ પાતળો હતો તેથી જ છેક ૧૯૨૦માં તેમને સમજાયું કે સજા કે ઇનામો, હરિફાઈ, લાલચ, ભય એ બધાંય કેળવણીની દૃષ્ટિથી તાજ્ય છે એમ નહિ પણ જીવનની સર્વતોમુખી દૃષ્ટિથી તાજ્ય છે. અલબત્ત ગૃહપતિ નાનાભાઈની એક વિશેષતા એ હતી કે તેઓ વારંવાર આત્મનિરીક્ષણ, આત્મ વિવેચના અને આત્મવિશ્લેષણ કર્યા કરતા. તેમાંથી ઊભરી આવતા નિષ્કર્ષોને તે સંકલ્પના રૂપમાં ફેરવી લેતા. આવી લાક્ષણિકતાઓને પરિણામે તેમણે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનની કામગીરીનું મૂલ્યાંકન કરાવવા એક વાર્ષિક સંમેલન ભર્યું. સર પ્રભાશંકર પટ્ટણી તેના પ્રમુખ થયા. સમ્મેલનમાં સર પટ્ટણીસાહેબે પોતાની દૃષ્ટિની વિશાળતા અને દક્ષિણામૂર્તિ તરફ સદ્ભાવના વ્યક્ત કરી.

શામળદાસ કોલેજનું પ્રોફેસર પદ છોડ્યા પછી નાનાભાઈ દક્ષિણામૂર્તિના કર્મચારી બન્યા. ને તેમના વિઝનને, મિશનને એકશનની પાંખો ફૂટી. દક્ષિણામૂર્તિ એક સાધારણ બૉર્ડિંગહાઉસ બની રહે તે એમને મંજૂર ન હતું. તેમનું સ્વપ્ન તો એક મોટી આશ્રમ શાળા કાઢવાનું હતું.  તેના સંદર્ભે બીજા જ વર્ષે પ્રયોગાત્મક વર્ગ શરૂ કર્યા. સંસ્થામાં રહેતા અંગ્રેજી ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ગામની શાળામા મોકલવાનુ બંધ કર્યું ને આ વિદ્યાર્થીઓ પ્રયોગાત્મક વર્ગમાં  ભણે એવી ગોઠવણ કરી ત્યારે સરકારી શાળાના આ ધોરણમા જે જે ભણાવાતું  હતું તેમાં નાનાભાઈ વગેરે સંસ્થાના કાર્યકરોને યોગ્ય જણાયું તે મુજબના ફેરફારો કર્યા. તેમણે ઈતિહાસ શિક્ષણમાં સમાજશાસ્ત્રને સ્થાન આપ્યું (આજના યુગમાં ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરેનું સંમિશ્રણ કરીને સામાજિક વિજ્ઞાન, સમાજવિદ્યા નામાભિધાન થયું છે. પરંતુ તેની શરૂઆત ઈ. સ.૧૯૪૩-૧૪માં દક્ષિણામૂર્તિમાં થયેલી) તથા સંસ્કૃત શિક્ષણ જે વ્યાકરણ અનુવાદ પદ્ધતિએ શીખવાતું હતું તેને સ્થાને પરિચય પદ્ધતિનો વિનિયોગ શરૂ કર્યો. આ રીતે ઈ. સ. ૧૯૧૨માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન કેવળ છાત્રાલય ન રહેતા શિક્ષણ સંસ્થા બની. હવે સંસ્થામાં તરવરાટ આવી ગયો. નિયમિત વર્ગો લેવાવા લાગ્યા. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓનો સંપર્ક વધ્યો તેમના મનમાં વધારે ઉલ્લાસ પૂરાવા લાગ્યો. એ દિવસોમાં સંસ્થા નાની હતી, તંત્ર પણ છેક સાદું હતું એટલે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં પારિવારિકતા વધુ હતી. એની જીવંત રનિંગ કોમેન્ટ્રી નાનાભાઈ આ રીતે આપે છે, ‘અમારું આખુંય કુટુંબ સાવ ઠાવકું કુટુંબ હતું એમ માનવાની પણ કોઈએ ભૂલ કરવાની જરૂર નથી. કોઈ વાર રસોઈમાં દૂધપાક કર્યો હોય તો એકાદ મુખ્ય વિદ્યાર્થી કળશામાં દૂધપાક તફડંચી કરીને પેટીમાં સંતાડે અને બીજો જ વિદ્યાર્થી પેટીમાંથી દૂધપાક બઠાવી જઈને ઘટઘટાવી જાય. કોઈ વિદ્યાર્થી સૂવાની ઓરડીની ખાળમાં જ દિશાએ જાય ને પાછા પોતે જ ગુનેગારની શોધમાં નીકળે, એકાદ વિદ્યાર્થી માત્ર બે ડઝન પુરણ પોળી ખાય અને પછી બીજે જ દિવસે પોતાને વિદ્યાર્થીઓએ અન્યાય કર્યો છે એ કારણ બતાવીને ઉપવાસ પર ઊતરે… રસોઇયો બાઈઓ સાથે મળીને ભોજનમાં ગોટાળા કરે… આવા આવા કેટલાય અનુભવો થયા……. આ બધાય નાનાંમોટાં છમકલાં પાછળ અમારો કુટુંબભાવ જેવો ને તેવો જ રહ્યો. મારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે કોઈ પણ જાતના સંકોચ વિના સદગત મોટાભાઈ અને હું વિદ્યાર્થીઓનું મેલું ઉઠાવતા, તેમની પથારી પાસે ઉજાગરા કરતા, તેમના પર ગુસ્સે થતા, તેમની પાસે ઘોડિયાની દોરી ખેંચાવતા, તેમની પાસે  પગ ચંપાવતા ને તેમને ગોદમાં લેતા. તેમના ઘડતરમાં જ અમારું જીવનકાર્ય છે એમ અમે માન્યું હતું.?’

દક્ષિણામૂર્તિની શિક્ષણ પ્રક્રિયા દ્વિમુખી હતી. અર્થાત્ તેમાં વિદ્યાર્થીઓનું જીવન કેળવાતું હતું તો સાથોસાથ તેના કર્મચારીગણને પણ કેળવણી મળતી હતી. દક્ષિણામૂર્તિની શિક્ષણ પ્રક્રિયાને આનું સ્વરૂપ પ્રદાન કરવામાં સિંહફાળો નાનાભાઈનો હતો. 

એક પ્રસંગ કે જેનું આલેખન મનુભાઈ પંચોળીએ આ રીતે કર્યું છે :

“ધરમશી ક્યાં છે?” છાત્રાલયના કમ્પાઉન્ડમાંથી એક ગૃહપતિ બૂમ મારે છે. એની જગ્યાએ,’ જવાબ મળે છે. “કહો કે મહાદેવ બોલાવે છે.”

ગૃહપતિ છાત્રાલયમાં હમણાં જોડાયેલ છે. એ ધરમશીને ધમકાવતા હોય छे. “ક્યાં હતા અત્યાર સુધી? તમારો વાળવાનો વારો હતો. હજુ કેમ વાળ્યું નથી ? હું એ બિલકુલ નહિ ચલાવું.”

વિદ્યાર્થી બબડતો ફફડતો ચાલ્યો જાય છે. ઉપરની મેડી પરથી એક સ્થિર અને શાંત અવાજ આવે છે, “મહાદેવ…”

ગૃહપતિ ઉપર જુએ છે. ઓફિસની બારીમાં નાનાભાઈ ઊભા છે. “આવ્યો, નાનાભાઈ.”

ઉપર પહોંચતા જ સંભળાયછે—’તમે ગૃહપતિ છો, હવાલદાર નથી. હાકોટા

તો હવાલદાર નાખે, તમે હવાલદાર નથી.”

“પણ નાનાભાઈ, એણે છાત્રાલય વાળ્યું નથી.” ‘એ બરાબર છે. મેં તમને છાત્રાલય વાળવા નથી રાખ્યા. એ તો પંદર રૂપિયાનો હવાલદાર પણ કરી શકે. તો હવાલદારને ગૃહપતિ વચ્ચે ફેર શો ? તમે વ્યવસ્થા, સ્વચ્છતા બધું  રખાવો પણ હવાલદાર થઈને નહિ.’

ગૃહપતિને તે દિવસે એક પાઠ મળી ગયો.

ગિજુભાઈ એ સમયે તે વઢવાણમાં વકીલાત કરે. સગપણે તે મોટાભાઈના ભાણેજ થાય. મોટાભાઈએ તેમને દક્ષિણામૂર્તિ બૉર્ડિંગ માટે બંધારણ ઘડવાની કામગીરી તો અગાઉ સોંપેલી જ. એટલે તેઓ દક્ષિણામૂર્તિ સાથે પરોક્ષ રીતે સંકળાયેલા. આમેય તે વકીલાતના ધંધાથી કંટાળેલા. નાનાભાઈ લખે છે, “એક સવારે ગિજુભાઈનો લખેલો કાગળ મારા હાથમાં આવી પડ્યો. આ કાગળમાં એમણે દક્ષિણામૂર્તિમાં જોડાવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મારે મન તો આ કાગળ બગાસામાં સાકરના પતાસા જેવો થઈ પડ્યો. તેથી દક્ષિણામૂર્તિનો સાદ પડ્યો, આવી જાવ…” એટલે તરત જ વધાવી ૧૩-૧૧-૧૯૧૬ના દિવસે હાજર થઈ ગયા. ગિજુભાઈ ૧૯૧૬થી ૧૯૩૬ સુધી આમ ૨૦ વર્ષ દક્ષિણામૂર્તિમાં રહ્યા. આ ગાળો જ એમના જીવનનો સુવર્ણકાળ હતો.

નાનાભાઈ શિક્ષણની જવાબદારી ધીરે ધીરે ગિજુભાઈના હાથમાં મૂકતા ગયા ને છાત્રાલય તથા સંસ્થાનો બહારનો કારભાર તેમણે પોતાને હસ્તક રાખ્યો. ગિજુભાઈને સંસ્થાએ સ્વીકાર્યા. ગિજુભાઈ આવ્યા પછી સંસ્થાનો વિકાસ ઝડપી બન્યો. સ્વયં નાનાભાઈ લખે છે,” ગિજુભાઈ આવ્યા પછી સંસ્થાનો વિસ્તાર આટલો વધશે એની કલ્પના તે દિવસે ન હતી મને કે ન હતી ગિજુભાઈને. ગિજુભાઈ આવ્યા તે પહેલું પગથિયું હતું. ગિજુભાઈ પાછળ હરભાઈ આવ્યા. હરભાઈની પાછળ ગિરીશભાઈ આવ્યા, ગિરીશભાઈની પાછળ ગોપાળરાવ આવ્યા અને ત્યાર પછી અમારો વડલો વધતો ગયો, વધતો ગયો.’

તા. ૧-૬-૧૯૧૮ના રોજ અંગ્રેજી ત્રણ ચોપડી સુધીની શાળા શરૂ કરી. વિનય મંદિરના આચાર્ય તરીકે ગિજુભાઈ રહ્યા ને નાનાભાઈ ગૃહપતિ. આ રીતે બન્નેએ મળીને વિદ્યાર્થીઓની સમગ્ર કેળવણીનો ભાર ઉઠાવ્યો. ત્યાં અધિકારીઓ ન હતા પણ સેવકો હતા, કામદારો ન હતા પણ કર્મવીરો હતા.

ગિજુભાઈના નેતૃત્વમાં અને નાનાભાઈના માર્ગદર્શન હેઠળ વિનય મંદિર ધમધોકાર માંડ્યું ચાલવા. વરસ દહાડે એક ચોપડી વધે. એમ કરતા કરતા  વિનયમંદિર વિકસવા લાગ્યું. ને વિનીતના વર્ગ સુધી વિકસ્યું. છાત્રાલય અને વિનયમંદિર એક સ્થળે તથા ભણનારા અને ભણાવનારાનો ચોવીસે કલાકનો સહવાસ ધાર્યા પરિણામ દેખાડવા માંડ્યો. ગિજુભાઈએ શિક્ષણશાસ્ત્રનો વધારે ઊડો અભ્યાસ શરૂ કર્યો ને બીજી તરફ પોતાની શિક્ષકની જન્મસિદ્ધ કુનેહથી શાળા તંત્રને વ્યવસ્થિત ગોઠવી દીધું. શાળા વ્યવસ્થાની બાબતમાં ગિજુભાઈ આકરા આગ્રહી. શિક્ષકોએ કેમ શીખવવું, શાળામાં કેવી રીતે બેસવું વગેરે અંગે ગિજુભાઈના ચોક્કસ ખ્યાલો.

 નાનાભાઈએ અને દક્ષિણામૂર્તિના સંચાલકોએ નર્યા પુસ્તકિયા શિક્ષણ માટે આ શાળા કાઢી જ ન હતી. આ શાળા કાઢવા પાછળ નાનાભાઈનું ચોક્કસ દર્શન હતું. તે વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું ઘડતર કરવા માંગતા હતા. જ્ઞાન સાથે ભાવના, સમજણ સાથે વિવેક અને શ્રમ સાથે સ્વાવલંબન, શિક્ષણ સાથે સહકાર, સંપ, સહિષ્ણુતા, સંસ્કાર વગેરેનું સામંજસ્ય કરી વિદ્યાર્થીનું ચારિત્ર ઘડતર કરવા માંગતા હતા તેથી જ તેમણે વિનય મંદિર શરૂ કર્યું પણ ચાલુ શિક્ષણ પ્રથાને માટે નો એડમિશન જાહેર કર્યું. તેમણે પોતાની આગવી રીતે શિક્ષણ પ્રણાલી વિકસાવી. રાજ્યાશ્રય લેવાથી દક્ષિણામૂર્તિના સ્વાતંત્ર્ય પર કે પ્રયોગધર્મિતાને આંચ આવે તે એક સંચાલક તરીકે તેમને હરગિજ પોસાયું નહીં તેથી વિનય મંદિરને કેળવણીના તંત્ર સાથે જોડયું નહિ. એક સ્વાયત્ત સંસ્થા તરીકે વિકસાવી તેમણે દક્ષિણામૂર્તિના ધ્યેયો, સાદર્શો અને અભિપ્સાઓ અનુસાર અભ્યાસક્રમો રચ્યા, તદ્દઅનુસાર દક્ષિણામૂર્તિ નામ ગુંજવા લાગ્યું હતું ત્યારે પણ દક્ષિણામૂર્તિના સંચાલકો એટલા નિખાલસ અને ઇમાનદાર હતા કે તેમણે દક્ષિણામૂર્તિ સંસ્થાની સર્વતોમુખી તપાસ માટે એક કમિશન (તપાસપંચ) નીમ્યું. નાનાભાઈ તો દૃઢપણે માનતા હતા કે, દર પાંચ વર્ષે સંસ્થાની કામગીરીનું મૂલ્યાંકન થવું જોઈએ. તો જ દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ પ્રાણવાન અને વધારે નિર્મળ રહી શકે. આવું તપાસપંચ નીમીને દક્ષિણામૂર્તિ સંસ્થાએ છેક સન ૧૯૧૮માં વ્યવસ્થાપનનો એક ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરેલો. એ પંચના અધ્યક્ષ હતા ગુલાબરાય ગોવિંદરાય દેસાઈ, બી. એ. એલએલ.બી. ગુલાબભાઈ ભાવનગરના અગ્રગણ્ય નાગરિક અને અનેક નાનીમોટી જાહેર પ્રવૃત્તિઓના સુકાની. તપાસપંચનો અહેવાલ રજૂ થયો, પછી સંસ્થાએ તે છપાવીને જાહેર કર્યો. નાનાભાઈ લખે છે, ‘આ અહેવાલથી અમને એક તરફ પ્રતિષ્ઠા મળી ત્યારે બીજી બાજુથી અમારી ઊણપોનું પણ સ્પષ્ટ ભાન થયું. કમિશને ગિજુભાઈના શિક્ષક તરીકે ભારોભાર વખાણ કર્યા. સંસ્થા ઉપર અમારા શ્રીમાન નથ્થુરામ શર્માની છાયાને લીધે જૂના ક્રિયાકાંડને જે વધારે પડતું સ્થાન મળે છે તે તરફ પણ વિવેકભર્યો અંગુલિનિર્દેશ કર્યો અને કમિશનના અહેવાલ ઉપરાંત મારા તેમજ ગિજુભાઈના અંગત વાચન માટેની એક નોંધમાં હરિજનોને સંસ્થામાં નથી દાખલ કર્યા તે સંબંધમાં મિત્રભાવે પણ સખ્ત ટીકા કરી.” જોકે આ તપાસ પંચને પરિણામ એક લાભ એ થયો કે દક્ષિણામૂર્તિ સંસ્થા અને આશ્રમની રાષ્ટ્રીય શાળાનો સંબંધ ગાઢ બન્યો તથા નાનાભાઈ અને કાકાસાહેબનો પરિચય પ્રગાઢ મૈત્રીમાં પરિણમ્યો. જો કે દક્ષિણામૂર્તિ સંસ્થા પછીનાં વર્ષોમાં આવું તપાસપંચ નીમી શકી ન હતી. નાનાભાઈને તેનો ભારોભાર વસવસો હતો. એ વસવસો તેમણે કિંચિત વ્યંગ્યવાણીમાં આ રીતે વ્યક્ત કર્યો છે, “પહેલું કમિશન નીમ્યું ત્યારે અમે સૌ નાના હતા, અમને કોઈએ મોટા ગણ્યા ન હતા. પણ બીજું કમિશન નીમવાનો વખત આવ્યો ત્યારે અમે શિક્ષણના ક્ષેત્રમાં મોટા થઈ ગયા હતા. અમારા મિત્રો અમને એ ક્ષેત્રના ધુરંધર માનતા હતા, એટલું જ નહિ પણ અમે પોતે પણ અમને ધુરંધર માનતા હતા એટલે કમિશન નીમવા માટે કોઈ સભ્ય જ અમારા ધ્યાનમાં આવી ન શક્યા..નિષ્ણાતોના કામને પણ સાધારણ સમજની સરાણ પર ચડાવવું જરૂરી છે,  એ વાત અમને ગળે ન ઊતરી તે ઠેઠ સુધી ન ઊતરી. આ અમારી  મોટી ભૂલ હતી એમ કહેતા મને જરાયે સંકોચ નથી થતો. હું તો તે દિવસે માનતો  ય  હતો અને આજે પણ માનું છું કે આમ કેળવણીની સંસ્થાઓની તટસ્થ, પ્રાણવાન અને નવી દૃષ્ટિવાળા માણસો દ્વારા ચોક્કસ સમયે સર્વતોમુખી તપાસ થવી જ.”

 શિક્ષકગણનો સંકલ્પ કે કોઈપણ સંજોગોમાં શારીરિક સજા ન કરવી, વિદ્યાર્થીને કે આપણને ન શોભે એવા શબ્દો સંભળાવવા નહિ, કોઈને ઠોઠ કે મૂર્ખ કહેવો નહિ. કોઈને નંબર ઉતારવો નહિ, ઊભો રાખવો નહિ. આ રીતે ભયનું વાતાવરણ દૂર કરેલું. આમ વિદ્યાર્થીના વ્યક્તિત્વને આદર આપ્યો એ એક જ વસ્તુથી વિદ્યાર્થીઓમાં નવો પ્રાણ ચમકવા લાગેલો. તેમનામાં આત્મભાન જાગૃત થયું. ચિત્રકામ અને સંગીત માટે ખાસ શિક્ષકો રોક્યા. પરિણામે સંસ્થાના વિવિધ પ્રસંગોએ સંગીત અને ચિત્રકલાએ નવી ભાત પાડી. કાંતણ અને પીંજણને પણ વિષય તરીકે લીધા. એ માટે પણ એક ખાસ શિક્ષક રોક્યા. રૂપિયા સાડા સાત હજારના ખર્ચે ખાદીશાળાનું મકાન ચણ્યું. રેંટિયા ઉત્સવો ઊજવ્યા. વિનય મંદિરમાં સહશિક્ષણ દાખલ કર્યું. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની હવા વહેતી હતી ત્યારે દક્ષિણામૂર્તિએ નવીન સિદ્ધાંતોને લક્ષમાં રાખીને પોતાના જ બળે કેળવણીની રાષ્ટ્રીય સંસ્થા ઊભી કરી.

છાત્રાલયની માફક જ વિનયમંદિરમાં પણ વિદ્યાર્થીમંડળ ચાલતું. આમ વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના ખીલવવાનો પ્રયત્ન થતો.

  • ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને ફિલ્મ જોવા પર પાબન્દી જ્યારે દક્ષિણામૂર્તિમાં ફિલ્મ જોવાની છૂટ હતી. દક્ષિણામૂર્તિએ નવી વસ્તુ, વિચાર કે ચેતનાને આવકારવા હંમેશાં પોતાના દરવાજા ખુલ્લા રાખેલા.
  • ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ વાળ વધારી ન શકતા. ફરજિયાતપણે તેમણે વાળ કપરાવવા જ પડતા. દક્ષિણામૂર્તિમાં આવી કોઈ પાબન્દી ન હતી તેથી લાંબા વાળવાળા વિદ્યાર્થીઓ પણ હતા.
  • દક્ષિણામૂર્તિમાં પ્રાર્થનામાં વિદ્યાર્થીએ જવું જ એવું ફરજિયાત ન હતું. તો પણ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ પ્રાર્થનામાં જતા જ. પ્રાર્થનામાં તાલવાદ્યો સાથે ભજન-ધૂન થતાં ને પ્રાર્થનાને અંતે મજેદાર વાર્તા સાંભળવા મળતી.
  • વિનયમંદિરમાં સંગીતથી પિરીયડ બદલાય. ઘંટ વગાડવામાં ન આવતો. રવિવારને બદલે દર સોમવારે રજા રહે. દર રવિવારે સોંપાયેલા સ્વાધ્યાયો શિક્ષકને પરત કરવાના રહેતા. દરરોજ સાંજે ૫.૦૦ વાગ્યા પછી રમતગમત.

દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને ચિત્રકળા ગુજરાતના જ નહિ ભારતના ખ્યાતનામ ચિત્રકાર સોમાલાલ શાહ શીખવતા. ઈ. સ. ૧૯૩૫માં દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓને નૃત્ય શીખવવા વિશ્વવિખ્યાત નૃત્યકાર ઉદયશંકરજી પણ પધારેલા.

નાનાભાઈની પૂર્વ સંમતિથી હરભાઈએ વિનયમંદિરમાં જાતીય શિક્ષણનો પ્રયોગ કરેલો. આ માટે તેમણે કુમારી મંડળની રચના કરેલી એટલે કે ધો.૧૧ની મોટી બહેનો ધો.૮ની બહેનાના જાતીય જીવનને લગતા પ્રશ્નોની સમજણ આપતા. કેટલીક વખત માતાઓ પણ જાતીય શિક્ષણ આપવા આવતી. ને ક્યારેક ડૉક્ટરોની પણ હરભાઈ આ બાબતે મદદ લેતા. જાતીય શિક્ષણ આપવા માટેનો ‘કુમારી મંડળ’નો પ્રયોગ ખૂબ સફળ રહેલો. આ કાર્યક્રમ જોઈને વિદ્યાર્થીઓએ પણ હરભાઈ સમક્ષ કુમારમંડળ રચવાની દરખાસ્ત કરેલી. હરભાઈ સ્વયં જરૂર પડ્યે જાતીય શિક્ષણ આપતા, તેથી વિદ્યાર્થીઓ તેમને “મુંડાળી મા” કહેતા.

નાનાભાઈ નોંધે છે, “દક્ષિણામૂર્તિએ જ્યારે બાલમંદિરની શરૂઆત કરી ત્યારે અમે કેમ જાણે કેળવણીના ક્ષેત્રમાં હનુમાન કૂદકો માર્યો. આજ સુધી અમે અંગ્રેજી પહેલા ધોરણના અને તેથી ઉપરનાં ધોરણના વિદ્યાર્થીઓને તાલીમ આપતા હતા, પણ આ તાલીમ કાચા પાયા ઉપર ચણેલા ચણતર જેવી અમને લાગી એટલે ઠેઠ અઢી વરસની ઉંમરના બાળકથી કેળવણી શરૂ થવી જોઈએ એમ અમે વિચાર્યું અને બાળમંદિરની શરૂઆત કરી. આ જોઈને આદિવાસીઓના શિક્ષણ માટે ભેખધારી કવિહૃદયી શ્રી જુગતરામ દવેનું હૈયું ગાઈ ઉઠ્યું : 

બાલમંદિરિયું, બાલમંદિરિયું, અમારું સુંદર સોહાય

                                  વહાલું મારું બાલમંદિરિયું

ટેકરીને શિખરે મંદિર અમારું, દેરાની જાણે ધજાય

                                 વહાલું મારું બાલમંદિરિયું

સવારે સૂરજ સોનલાં રે વેરતા; સાંજે ગુલાલ ઢોળી જાય

                                   વહાલું મારું બાલમંદિરિયું

આ રીતે દક્ષિણામૂર્તિએ તબેલા જેવી ધૂળી નિશાળોમાં સબડતાં લાખો બાળકોની આહ સાંભળી અને ટેકરીના શિખરે બાલમંદિરની આલીશાન ઇમારત બાંધી સમસ્ત ગુજરાત માટે ભાવી બાલમંદિરોનાં મકાનનો આદર્શ પૂરો પાડ્યો.

દક્ષિણામૂર્તિએ આદર્શ પૂરો પાડયો. આ બધાના કેન્દ્રમાં હતા દક્ષિણામૂર્તિના આજીવન સભ્ય શ્રી ગિજભાઈ અને સહકાર તથા તેમને હંફ હતી નાનાભાઈની એમના ગુજરાત વ્યાપી કામ ને કીર્તિનાં જ્યારે કોઈ વખાણ કરતું ત્યારે એ કહેતા: .”આ બધું દક્ષિણામૂર્તિ દેવની પ્રેરણાનું જ ફળ છે. હું તો નિમિત્તરૂપે મને સૂઝ છે તેમ કર્યો જાઉં છું. બાકી જશ આપવો હોય તો નાનાભાઈને જઈને આપો: એ જો સંસ્થાનાં દોરડાં ન ખેંચે તો આ મારો બાદશાહી ઠાઠ ક્યાંથી ચાલે.??” 

તો ગિજુભાઈના આ મૌલિક પ્રદાનને બિરદાવતા ગુજરાત નયી તાલીમ સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને જાણીતા કેળવણીકાર શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ પોતાના એક પ્રવચનમાં કહે છે, “ગિજુભાઈના આ પ્રદાનનું મૂલ્ય નાનું સરખું કે જેવું તેવું નથી. શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થાના બાલમંદિરમાં વર્ષો સુધી કામ કરીને પ્રયોગો કરીને ગિજુભાઈએ આ સ્પષ્ટ, વિગતપૂર્ણ પદ્ધતિ ઊભી કરી હતી. ગુજરાતનાં સેંકડો બાલમંદિરો આજે એ પદ્ધતિને સહારે પોતાના ગજા પ્રમાણે બાલશિક્ષણ કરી રહ્યાં છે.”

(सन् 1922) દક્ષિણામૂર્તિ વિધાર્થીભવનનો મેગ્નાકાર્ટા (ખરડો)

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવને કેળવણી વિષયક સિદ્ધાંતો બહાર પાડેલા અને :

નવા ટ્રસ્ટીમંડળે સ્વીકાર કરેલા તે અત્રે રજૂ કરેલ છે

1) સ્વાતંત્ર્ય, સ્વયંસ્ફૂર્તિ અને પરિણામે વિદ્યાર્થીઓની જવાબદારી.

(2) વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ.

(3) માતૃભાષા દ્વારા જ શિક્ષણ.

(4) કેળવણીમાં ઔદ્યોગિક તાલીમને સ્થાન.

(5) શિક્ષા, ઈનામ, વગેરેનો સદંતર અભાવ.

(6) પરીક્ષાના ત્રાસમાંથી મુક્તિ.

(7) કલાના શિક્ષણને મહત્ત્વનું સ્થાન આપવું

(8) રમતો, પ્રવાસો, ચર્ચાસંઘો, નાટકો અને ઈતર વાચનને અભ્યાસ જેટલું જ મહત્ત્વ.

(9) હિન્દીનું શિક્ષણ ફરજિયાત.

(10) સંસ્થાને રાષ્ટ્રીય રાખવી એટલે કે સરકારી સંસ્થાઓથી સ્વતંત્ર રાખવી.

(11) સહશિક્ષણપ્રથા સ્વીકારવી.

(12) શિક્ષણશાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય એવા દ્વારા શિક્ષણ આપવું.

(13) શિક્ષકો અને ગૃહપતિઓ વિદ્યાર્થીઓના નિકટ પરિચયમાં રહે તેવી યોજના કરવી.

(14) સંસ્થાએ પોતે રચેલાં પાઠ્યપુસ્તકો વાપરવાનો આગ્રહ રાખવો.

(15) માનસશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર શિક્ષણની યોજના કરવી.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback