ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com

અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે એક વિશિષ્ટ કલા-સમીક્ષક અને ચિત્રો-ગ્રાફિક્સના ખજાનાને સાચવીને બેસેલ એક વ્યક્તિ વિશેષને મળીએ. તેઓનો અતૂટ નાતો  વિશ્વના ખ્યાતિ પ્રાપ્ત અને ફકીરીમાં જીવેલા ચિત્રકાર શ્રી એમ. એફ. હુસેન સાથે રહ્યો, તો ભારતના ટોચના ગ્રાફિક આર્ટિસ્ટ્સ સાથે તેઓ આજે પણ કાર્ય કરી રહેલ છે. અમદાવાદના એક આધુનિક ખૂણામાં પોતાની સમૃદ્ધ આર્ટ ગેલેરી સાથે નિજાનંદમાં રહેતા એ કલાકાર છે શ્રી અનિલ રેલીયા. તેઓ કઈ રીતે આ વિશિષ્ટ માર્ગે વળ્યા તેની કહાની સાંભળીએ:   

 

“મારા પાડોશીઓમાં કાપડના હોલસેલ વેપારીઓ હતા, જે લોકોને ત્યાં બહારગામથી પાર્સલ આવે તે  ગાંસડીઓ ઉપર લેબલ હોય. મને એ લેબલ બહુ આકર્ષિત કરતા. એકાદ વખત મેં એ લેબલ કાઢી લીધા તો વઢ પણ પડી હતી કે,  “આમાં કયો માલ છે એના માટે લેબલ હોય છે,  તારે લેબલ કાઢવા હોય તો બધો માલ ખાલી થઈ  જાય પછી કંતાન પડ્યા હોય એના પરથી લઇ લેવાના પણ પહેલાં કાઢવા નહીં.” પછી તો મને મજા પડી ગઈ એ લોકો જ્યારે બધો માલ રાત્રે કાઢી લે પછી  દુકાન આઠ સાડા આઠે બંધ થઇ જાય પછી એ લોકો દુકાનના માણસો હોય એ સ્ટોક બધો રેક માં ગોઠવી દે. પછી હું સવારે ભીના કપડાં લઈને જઉં અને  એના ઉપર મુકું ને ઉખાડું અને પછી સ્કૂલ નોટબુકમાં રાખતો.  એવા લેબલો મેં ભેગા કર્યા. 

બીજી વસ્તુ એ સમયમાં ટિકિટો ભેગા કરવાનો શોખ એ રીતે મને મેચબોક્સના ઉપરના રેપરો ભેગા કરવાનો શોખ, કારણ કે એમાં જુદી જુદી છાપો આવે ! સામાન્ય રીતે અમુક જ બ્રાન્ડ વેચાતી હોય એ મળે પણ મારું ઘર રેલવે લાઈનની બાજુમાં. તો ફરવા માટે અમે રેલવે લાઈન પર જતા તો જુદી જુદી ન સાંભળેલી એવી પરી છાપ હોય કે રોકેટ છાપ હોય કે એવા જુદા પ્રકારની બધી છાપો મળે અને એ છાપો લઈને સ્કૂલે જતો અને બતાવતો એટલે મારો એમાં વટ પડતો. લોકો ખુશ થતા કે, તું તો જુદું જ લઈને આવ્યો. સામાન્ય સુરતમાં વપરાતી માચિસબોક્સ કરતા જુદા જ પ્રકારનું હોય. તો એ મારા વખાણ થાય એ મને આનંદ થાય. textile ના લેબલની વાત કરું તો આજે પણ મારા સંગ્રહમાં એ સંગ્રહ સ્કૂલના દિવસોમાં ભેગા કરેલા લેબલ છે. અને એ સહજતાથી સાચવી શકાયા છે. એ સ્કૂલની બૂકમાં હતા.

હું બરોડા ફાઈન આર્ટ્સમાં માં ભણવા ગયો.  પણ એ પણ આકસ્મિક જ રીતે જ થયું   હું જયારે દસમા ધોરણમાં હતો ત્યાં સુધી તો મને પણ નહોતી ખબર કે મને એવા શિક્ષક પણ ના મળ્યા કે જે મને ગાઈડ કરે કે આવી ફાઈન આર્ટને લગતી કોઈ કોલેજો હોય કે જેમાં કલા શીખી શકો. મને પણ એવું ખબર ન હતી કે આ જે સરકસના કે ફિલ્મોના ચિત્રો દોરનાર કે જેને હું જોયા કરતો તે  કોઈ ભણેલા નહોતા. એ બધા પોતે પોતાની રીતે કરતા. …. પણ પિતાજીની એવી ઈચ્છા કે ડિગ્રી તો જોઈએ જ.  પણ મારા માટે એ અશક્ય હતું. મારા માટે ફાઈન આર્ટ્સની વાત કરી હતી પણ હજુ તો હું દસમામાં હતો એટલે કશો નિર્ણય લેવાયો ન હતો. અને એમ હતું કે જેમ આગળ જશું એમ બધું થશે. પણ દસમાં ના વેકેશનમાં પ્રસંગ એવો બન્યો કે મારા ભાઈ જે ડોક્ટર બન્યા હતા એમને મળવા માટે એક મિત્ર કે જે  અત્યારે ઓસ્ટ્રેલિયા રહે છે એ વખતે એ આફ્રિકા રહેતા હતા એમને મળવા એમનો બીજો મિત્ર વડોદરાથી આવ્યો,  જે વડોદરામાં આર્કીટેક હતો. તો એણે મારા ઘરની દીવાલો ઉપર લાગેલા ચિત્ર અને ફ્રેમમાં મુકેલા  મારા ડ્રોઈંગ હોય એ જોયા. એણે બહુ સહજતાથી ભાઈને પૂછ્યું,  ‘આ બધું કોનું છે ?’ તો કહે, ‘મારો ભાઈ કશું નથી કરતો બસ  આવું જ કરે છે.’ એમણે આવી રીતે મારો પરિચય કરાવ્યો, તો કહે,  ‘એને  ફાઈન આર્ટમાં મુકો ને,’  તો ભાઈ કહે, ‘એ શું છે ?’ તો એ કહે, ‘આવી કોલેજ  વડોદરામાં છે.’  મારા સુધી વાત આવી એટલે મેં કીધું, મારે જાણવું પડશે  એટલે પ્રોસ્પેક્ટ્સ મગાવ્યું અને એ આવ્યું ને મારા જીવનનો રાહ બદલાઈ ગયો. મેં જયારે જોયું ત્યારે એમાં ક્લે મોડલિંગ, વુડ કાર્ટ, પ્રિન્ટ મેકિંગ, ડ્રોઈંગ ડિઝાઇન આવા જ વિષયો. આપણા સાયન્સ, જિયોગ્રાફી એવા એક પણ વિષય નહીં. મને થયું આવી પણ કોલેજ હોય છે ખરી !!! મારા માટે આશ્ચર્યની વાત હતી.  મેં કહ્યું કે,  મારા આમાં જ ભણવું છે,  બસ ત્યાંથી મારી વાત શરૂ થઇ. એમાં એમ કહેવાયું હતું કે,  તમારે એમાં ભણવું હોય તો તમારી પાસે SSC માં (અગિયારમા ધોરણમાં)  તમારે ડ્રોઈંગ વિષય તરીકે લેવો પડે. તો મેં એ પણ લીધો.  આનંદની વાત એ હતી કે એમાં એડમિશન લેવા માટે તમારે માર્ક્સથી કોઈ મતલબ નહોતો. કેટલા ટકા છે એનાથી મતલબ નહોતો પણ ત્યાં લેવાતી એપ્ટિટ્યુડ ટેસ્ટ પાંચ વિષયોની લેવામાં આવે એમાં ક્લે મોડલિંગ, ડ્રોઈંગ અને ડિઝાઇન એ રીતની પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાતી એનાથી તમારી આંગળીઓની, તમારી દ્રષ્ટિની ચપળતા  શું છે, એનો ખ્યાલ આવે. અને એક લેખિત પરીક્ષા કે જેને ડિગ્રી લેવી છે એના માટે. મારે ડિગ્રી જ લેવાની હતી એટલે મેં ડિગ્રીમાં જ ફોર્મ ભર્યું હતું, અને જયારે એપ્ટિટ્યુડ ટેસ્ટમાં હું ગયો તો પેલા ચાર પેપર તો સરસ રીતે મેં આપ્યા પણ જયારે ડિગ્રી માટેનું લેખિત પેપર આપવાની વાત આવી તો મેં સવાલો વાંચ્યા અને સમજ પણ પડી  પણ હું ઇંગલિશ માં લખી શકું એમ ન હતો કારણકે ઇંગલિશ મારું બહુ જ કાચું  હતું. તો મેં પહેલાં તો ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું પણ તરત મને કહેવામાં આવ્યું કે આવું તો નહીં ચાલે.  મેં કહ્યું, મને આવડે છે, પણ હું લખી નથી શકતો. તરત જવાબ  મળ્યો કે હિન્દી આવડે તો હિન્દી લખો. એટલે મેં હિન્દીમાં લખ્યું. પછી જયારે ઇન્ટરવ્યૂ લેવાયો  ત્યારે મારી આગળ આ જ પ્રશ્ન આવ્યો કે, તમારે ડિગ્રી લેવી છે તો તમને ઇંગલિશ આવડવું જોઈએ. તો મેં કહ્યું, મને જેટલું આર્ટ માટેનું જરૂરી હશે  એટલું તો હું પીકઅપ કરી લઈશ,  પણ મને ચોક્કસ આમાં રહેવું છે અને મને એડમિશન મળી ગયું. જેવું એડમિશન મળ્યું એવી મારી આખી નવી દુનિયા ખુલી ગઈ…”