ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા માત્ર મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું નથી,” પૂજ્ય શ્રી મોટા

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

બે વિગતોની ચર્ચા થઇ છે. શ્રી સમર્થ રામદાસના મરાઠી ભાષામાં કહેવાયેલા  ‘મનાચે શ્લોક’ અને પૂજ્ય શ્રી મોટા દ્વારા ગુજરાતીમાં કહેવાયેલ ‘મનને’ ના શ્લોકો. 

પૂજ્ય શ્રી મોટા ખુદ કહે છે કે, “શ્રી સમર્થ રામદાસ દ્વારા કહેવાયેલ ‘મનાચે શ્લોક’ તો તેઓશ્રીના જ્ઞાનના અનુભવના પરિણામની  પરાકાષ્ઠાની પ્રસાદીરૂપે હતા. `મનાચે શ્લોક’ની ને આ  मनने ની  સરખામણી જ શક્ય નથી. બંનેની ભૂમિકા જ જુદા પ્રકારની છે.” સમજુ વાંચકો આનો યોગ્ય વિચાર કરીને આ मननेનું મૂલ્યાંકન આંકે એવી તેઓની  વિનંતી છે.”

“મન પણ અનંત છે ને એનાં પણ અનેક પાસાં છે, ને મનને જીવનવિકાસના ક્ષેત્રમાં આપમેળે રંગાઈ જવાનું કર્મ તે કંઈ નાનુંસૂનું નથી. મન માની  જતું ભલે લાગતું હોય, તેમ છતાં એને પાછું છટકી જતાં વાર પણ લાગતી નથી. મનનો દંભનો પડદો તો હિમાલય પર્વત કરતાં પણ મોટો હોય છે, ને દંભ તો સત્યની નજીકમાં નજીક સુધીની મર્યાદા સુધીનો ભાગ ભજવી શકે છે. એવાં મનનાં વલણોને પારખવાં ને જીવન-વિકાસમાં તે રચનાત્મક છે કે નકારાત્મક છે, એ પિછાણવું  સહેલું નથી. ‘ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની  સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા જ માત્ર, તેવાં મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું જ નથી,” એવું પૂજ્યશ્રી મોટા કહે છે, તે આપણા સૌનો અનુભવ છે. 

આપણે ‘મનને’ માંથી ચૂંટેલા શ્લોકોનું હાર્દ  સમજવાનો પ્રયાસ કરીએ:

ભુજંગી છંદમાં મનને રીતસર ધમકાવતા ને મૂર્ખ સંબોધનથી ઠપકારતા પૂજ્યશ્રી મોટા કહે છે:

ત્હને કેટલી વાર હે મૂર્ખ ! કેવું ?

ત્હને કેટલી વાર કો રીત ટેવું ?

નથી ઊંઘતો તે જીવે છે, ત્હને તે

 નથી એટલુંયે અરે ! ભાન શાને ?..

આપણા આશ્ચર્ય વચ્ચે તરત જ શ્રી મોટા મનને ‘બાપુ’ સંબોધનથી હળવાશભરી વાત કરે છે : 

ચઢાશે બે ઘોડલે તુંથી બાપુ,

ત્હને તે વધારે કઈ શીખ આપું ?

અજાણ્યું અને ભોટ જો હોય સારું,

કરે તે કહ્યું, લક્ષ આપે રૂપાળું.

મ્હને છેતરી છેતરી જાય ઊંધું,

ત્હને કેટલી વાર તે બાપ, ચીંધું,

હતે બાળ તો આંગળી આપીને મ્હેં,

ચલાવ્યું ત્હને હોત ધીમેથી પ્રેમે.

તું બાળક નથી એટલે તને કેટલી ય વાર હું ચીંધુ છું અને છતાં ય તું તો ઊંધું જ ચાલે છે. બાળક હોત ને તો તને પ્રેમથી તારી આંગળી પકડી ચલાવ્યું હોત ! પરંતુ કાશ, તું બાળક હોત ! 

હવે આ જ મન ઘડીકમાં પોતાનો મુડ બદલે છે અને ઘડીકમાં રિસાય છે, ફસાય છે અને ઘડીમાં આકાશે ઉડે છે !! આ ઘડીક ઘડીકની  રમત રમતું મન કેવું વિચિત્ર છે તેનો ચિતાર પૂજ્યશ્રી મોટા આબેહૂબ આપે છે : 

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું,

ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું,

ઘડીમાં ઊડી વ્યોમ તું જાય ભાગ્યું,

તેહને તે ખીલે કેવી રીતે હું બાંધું ?

ઉચાળા ભરાવી ઘડીમાં નસાડે,

ઘડીમાં ચઢાવે, ઘડીમાં પછાડે,

ઘડીમાંહી આકાશગંગે ન્હવાડે,

ઘડીમાં નવાઈ નવાઈ પમાડે.

ઘડીમાં હસાવે, ઘડીમાં નચાવે,

ઘડીમાં હુલાવે, ઘડીમાં ફુલાવે,

ઘડીમાં અહીંથી ત્યહીં તું ફગાવે,

તણાયા કદી તો બૂરા હાલ આવે.

 હે મન ! તું તો અતિ વિચિત્ર છે. કોઈ વાર મારું  કામ સીધું તું કરી આપે છે અને એ વિશ્વાસ લઈને હું તારા આધારે રહું  કે તરત જ તું તો મને પછાડે છે.  હવે તો તને હુલાવી ફુલાવીને હું કામ લઉં ને તો પણ મને તારો વિશ્વાસ હજુ બેસતો જ નથી. 

કરે કેટલી વાર તું કામ ચીંધ્યું,

બતાવેલ પંથે ઊડ્યું જાય સીધું

તું વિશ્વાસમાં એમ લૈને મ્હને રે

પછાડી કરે ખોખરાં હાડકાં રે. 

હુલાવી ફુલાવી લઉં કામ તોયે,

વિશ્વાસ મ્હારો હજી બેસતોયે,

કરે જીદ ભારે ઘડીયે ઘડીયે,

શાને શીખે તું, પડે છે છતાંયે? 

જતો પંથ સીધો ત્હને મ્હેં બતાવ્યો,

વળી આંગળી ચીંધીને જે કપાવ્યો,

પૂરા તે ઉમંગે કરી કૈં વટાવ્યો,

ત્યહાં વેવલો વેશ ક્યાં હૈં જણાવ્યો ?

શ્રી મોટા સર્વ માર્ગેથી મનનો જાણે કે એક્સ રે લઇ રહ્યા હોય તેમ જ ફેરવી ફેરવીને મનના  સર્વાંગી તરંગોથી આપણને અવગત કરાવે છે : 

ત્હને ધૈર્ય હું કેટલી વાર આપું ?

નિરાશા થતાં, પંથ પાછું હું સ્થાપું,

છતાં ચૂકવે કાં તું મ્હારું દાપું ?

ફજેતી થતાં લાજ આવે કાં શું ?

 સદા સર્વની સાથ રૈ નમ્ર ભાવે,

સદા સર્વને પ્રેમથી રીઝવી લે,

નકામા નકામા તરંગે ચઢ્યું તો,

ગુમાવીશ તું મેળવેલુંરળેલું. 

મ્હને છોડશે તું, છતાં કેમ છોડું

ત્હને ! સંગ રાખીશ ભાવે મથી હું,

ત્હને, ચિત્ત એકાગ્ર થૈ એકમેળ,

તદાકાર રેવા મથાવીશ, બાપ.  

હે મન ! તને વારંવાર ધૈર્યનાં પાઠ હું શીખવું છું, છતાં નિરાશ થાઉં એટલે તને ફરી સાચા માર્ગે હું લાવું છું. હું તારી આટલી ચાકરી કરું છું તો પણ તું લાજ શરમ વગરનું હોય તેમ મારું  લાગું એટલે કે મારું  વેતન તો આપતું નથી.!! તને હજુ સમજાવું છું કે,  સૌની સાથે નમ્રભાવે રહેજે અને સૌને પ્રેમથી રીઝવી લેવા પ્રયાસ કરજે . તું બિનજરૂરી તરંગે ચડીશ ને તો બધું તું ગુમાવીશ. 

છેવટે શ્રી મોટા ચરમ સીમા પર પહોંચીને વિનવે છે કે, મારા મન, તું મને છોડે તો પણ હું તને નહિ છોડું. તને ભાવથી મારા સંગે રાખીશ. ઉલટું હું તને એકાગ્ર ચિત્ત રાખી ને તદાકાર રહેવા હું મથામણ  કરાવીશ.