Image 2

આ લૌટ કે આજા મેરે મિત..

નરસૈંયાના મારગે ચાલ્યા બાપુ….

– ભદ્રાયુ વછરાજાની@ખાંડા

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

તમારો મોરારીબાપુ એના પારેવાઓને ચણ નાખવા માટે આજે અહીંયા આવ્યો છે.

આદિ કવિ નરસિંહ મહેતાને નાત બહાર મુકવામાં આવ્યા હતા, કારણ કે તેઓએ હરીજનવાસમાં જઈને ભજનો ગાયા હતાં. એને આ આરોપ બદલ નાગરી નાતે નાત બહાર મૂક્યા હતા. પછી શું થયું એ આપણે સૌ જાણીએ છીએ.

પણ આજે છસો વર્ષ પછી ફરી એકવાર કોઈ વિભૂતિતત્ત્વએ નરસૈંયાને ગમે તેવું વર્તન કરવાનું પસંદ કર્યું છે અને સમાજને ફરી એકવાર નરસિંહ જેવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ એવા લોકોની વચ્ચે જઈને બેઠા છે કે જેમને સામાન્ય સમાજ સાથે ભળવામાં અસુખ લાગે છે અથવા એમ કહો કે સામાન્ય સમાજમાં તેઓ સ્વીકૃત નથી થયા.

વાત કરી રહ્યા છીએ ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારની… અને ધરમપુરથી દુર લગભગ પંદરેક કિમી થી શરૂ થતો આખો આદિવાસીઓનો પટ્ટો. અહીં આઠ દસ નાનાં ઘરોથી એક ફળિયું બને છે. અને આવા પંદરેક ફળિયામાંથી એક નાનું ગામ બને છે. ગામમાં કોઈ પ્રશ્ન નથી પણ ગામમાં એવા લોકો ચોક્કસ છે કે, જે ઉજળિયાત ગણાતા નથી. અહીંના લોકોની ઉદારતા ગણો તો એ છે કે કોઈ તમને પગે લાગવા આવે અથવા તો રામ રામ કહેવા આવે ત્યારે વાંકા વળીને જમીનને સ્પર્શ કરે છે. કોઈના પગને સ્પર્શ કરતા નથી. તમારાથી દૂર રહીને જમીનને સ્પર્શે છે અને પછી માથે હાથ ચડાવીને રામ રામ બોલે છે. તમને મળે તો એ તાત્કાલિક કહેશે અમે તમને નહીં ટચ કરીએ – એમ કરીને પોતે જ પોતાની જાતને સંકોચી લે છે. આટલો ભાવ જેની અંદર ઊંડો ઉતર્યો છે, એનો અર્થ એ કે એમને આપણે કેટલા પાછળ રાખ્યા હશે એ આપણે સૌ સમાજના લોકોએ જરા વિચારવા જેવું છે.

છેલ્લા થોડા દિવસોથી ધરમપુરથી દૂર ખન્ડેવન અથવા તો ખાંડા ગામના એક સુંદર મજાના વિસ્તારમાં આપણા વૈશ્વિક કથાકાર અને ગુણીસંત શ્રી મોરારીબાપુ રામકથાનું ગાન કરી રહ્યા છે. આ કથાના પ્રારંભના દિવસે જ એમણે કહ્યું હતું કે, અમે તમારા સુધી પહોંચવામાં બહુ મોડા પડ્યા છીએ. અમે તમને મળવાનું ચૂકી ગયા છીએ, એનું પ્રાયશ્ચિત કરવા આજે હું તમારી વચ્ચે આવ્યો છું. મારે તમારી વાત સાંભળવી છે, તમારી સાથે સંવાદ કરવો છે. અમે ન આવી શક્યા એટલે તમે અન્ય તરફ વળી ગયા. અને પરિણામે તમે અમારા ધર્મને મૂકીને બીજા ધર્મને પાળવા માંડ્યા ,એમાંથી તમને સૌને હું આપણા ઘરે પાછા બોલાવવા આવ્યો છું. બાપુએ પોતાની નિજી શૈલીમાં ‘આ લૌટ કે આજા મેરે મીત તુજે મેરે ગીત બુલાતે હૈ’ – એ ફિલ્મી ગીત ગાઈને તેઓને ઈજન આપ્યું કે તમે ફરી એકવાર સનાતન ધર્મમાં પાછા આવો. તમારી ઘરવાપસી કરાવવા હું અહીંયા આવ્યો છું. તમે સૌ એવા પારેવાં છો કે તમને કોઈએ પ્રલોભનો આપ્યા, તમને કોઈએ ભૂખનો ખાડો પૂરીશું એમ કહ્યું, તમને કોઈએ પહેરવા ઓઢવા માટે વસ્ત્ર આપ્યું, હાથમાં બ્રેડ આપી અને તમારો ધર્મ છીનવી લઈ એમના ધર્મમાં ભેળવી દીધા. જે થયું તે અમારી ભૂલ હતી, અમે તમારાથી દૂર રહ્યા એમાં અમારો વાંક હતો. પણ હવે અમને સમજાયું છે અને અમે ફરી એકવાર તમારી વચ્ચે આવ્યા છીએ. આ પારેવા જેવા સૌ આપ લોકોને મારે તો એટલું કહેવાનું કે, તમારો મોરારીબાપુ એના પારેવાઓને ચણ નાખવા માટે આજે અહીંયા આવ્યો છે.

શ્રીરામ કથાનું ગાન અનેક પ્રકારના ભેદ ભાંગી રહ્યો છે, ભેદની દીવાલો ભેદવાનું કામ પૂજ્ય મોરારીબાપુ બહુ જ અસરકારક રીતે કરી રહ્યા છે, એ દરમિયાન તેઓને જાણવા મળ્યું કે અહીંયા એક આદિમ જૂથ છે. જે આદિમ જૂથ પોતાની જાતને સામાન્ય લોકો સાથે ભેળવતું નથી. અને એ લોકો મનથી એવું માને છે કે અમે અછૂત છીએ, અસ્પૃશ્ય છીએ. પણ એમના મનમાં સંકોચ છે કે બાપુ અમને બોલાવે છે પણ અમારે બાપુ પાસે કેવી રીતે જવું. આ વાત જ્યારે બાપુના કાને પડી ત્યારે બાપુએ તાત્કાલિક પગલું ભરીને એમ કહ્યું કે, એ લોકોને કહો કે તમારા આંગણામાં આવીને હું તમને મળીશ. તમે કદાચ અહીંયા આવવામાં સંકોચ અનુભવો છો તો કોઈ ચિંતા ન કરશો. દિલ ન દુભાવશો. હું તમારી પાસે આવીને બેસવા તૈયાર છું અને ખરેખર બાપુ એ આદિમ જૂથની વચ્ચે જેની અંદર કુળચા વર્ગના લોકો છે, જે બહુ જ ગરીબ છે અને પોતાની જાતને આખા સમાજથી અલિપ્ત માનીને જીવી રહ્યા છે. કોઈની સાથે ભળવું એના સ્વભાવનો વિષય નથી રહ્યો. એની સાથે ભળવાનું કામ શ્રી મોરારીબાપુએ બહુ જ આદરપૂર્વક કર્યું છે. એ આદિમ જૂથના લોકો નીચે બેસીને બાપુની સાથે દૂર દૂરથી વાતો કરતા રહ્યા. એમના મનની અંદર એમ જ હતું કે અમે માત્ર બાપુના દર્શન કરીએ. બાપુ ત્યાં ગયા, એમની વચ્ચે જઈને બેઠા એમનો સારા શબ્દોમાં આવકાર કર્યો અને એમને કહ્યું કે, અમે તમને અમારા ગણીએ છીએ તો તમે આવીને અમારી સાથે ભળો. જો માણસ માણસ સાથે ભળવાનું ચૂકી જશે, તો ઈશ્વર આપણને મદદ ક્યાંથી કરશે? –

ફળીએ ફળીએ જઈને બાપુનું આ લોકોને મળવું અને ત્યાંથી ભિક્ષા મળે તેમાંથી વાળુ કરવું એ સૌ વિચારકોના, ચિંતકોના, શાસકોના, સમાજ સેવીઓના બંધ આંખોના દરવાજા ખોલી નાખ્યા છે. ક્યાં સુધી આપણે કોઈને અછૂત ગણ્યા કરીશું? ક્યાં સુધી આપણે કોઈને અસ્પૃશ્ય કહેશું? ક્યાં સુધી આપણે એનાથી દૂર રહ્યા કરીશું? ક્યાં સુધી આપણે એને જુદા ચોકામાં રાખીશું? એમની અંદર પરમ તત્વ વસ્યું છે એવું સિદ્ધ કરવાનું કામ આજે પ્રિય મોરારીબાપુએ કર્યું છે.

કદાચ અત્યારે આ વાતનું મૂલ્ય આપણને નહીં સમજાય પણ પેઢીઓ પછી એવું બનશે કે જેમ નરસિંહને આપણે યાદ કરીયે છીએ, એમ મોરારીબાપુને પણ લોકો યાદ કરશે અને યાદ કરીને કહેશે કે આ એક ઓલિયો ફકીર આવ્યો હતો કે જેણે સૌને સાથે જોડ્યા હતાં.

નિષેધ કોઈનો નહીં, સર્વનો સ્વીકાર આ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરનાર પ્રિય બાપુ પરમ પ્રિય હો એવી પ્રાર્થના

જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback