મનનું inbox ઠસોઠસ !!

હોલી ચાઈલ્ડ સ્કૂલ, કલોલનું ત્રિમાસિક મુખપત્ર. :  એપ્રિલ-મે -જૂન : 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

Sampark 1 2.2

જ્યાં સુધી મનની અશુદ્ધિઓ (આસક્તિઓ વગેરે) ક્ષીણ નથી થઈ જતી અથવા પૂરેપૂરી દૂર નથી થઈ જતી ત્યાં સુધી મનુષ્યના હૃદયમાં સત્યને જાણવાની ઇચ્છા જ જાગતી નથી

એક મમ્મી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા જતી દીકરીને ‘સ્પેરૉ’ શબ્દનો સ્પેલિંગ ગોખાવતી હતી. દીકરીને તેમાં ખાસ રસ પડતો નહોતો. એને સ્પેરૉ એટલે શું તે વિશે પણ ખબર નહોતી. તેવામાં બારીમાંથી એક ચકલી અંદર આવી. દીકરીને મજા પડી ગઈ. એણે આનંદથી મમ્મીને કહ્યું : ‘મમ્મી, મમ્મી જો તો ચકલી!’ માએ કહ્યું: “હું તને ક્યારની એ તો શીખવું છું. સ્પેરૉ એટલે ચકલી…’ દીકરી માનો ઉપહાસ કરતી હોય તેમ બોલી, ‘તો મમ્મી તારે સ્પેરૉ-સ્પરૉ એમ કહેવાની શી જરૂર ? ચકલી કે’ને!’

આપણા મનને પણ સ્પેરૉ અને ચકલી વચ્ચેની ગડમથલ છે. મન ઓળખે છે ચકલીને પણ જગત તેને એજ પક્ષી સ્પેરૉ કહીને સમજાવે છે. સમજવું છે કંઈક અને સમજાવાય છે કશુંક જુદું જ. પછી પાછા આપણે આપણા મનને માંકડું કહીને વગોવીએ! મન માંકડું એટલા માટે લાગે છે, કારણ મનની પાયાની ફરિયાદ છે કે : જે મળે છે તે જોઈતું નથી, જે જોઈએ છે તે મળતું નથી! આ કશ્મકશમાં દોષ મનનો નથી. મન તો પેલી બાળકી છે, જે ચકલીને ચકલી તરીકે જ ઓળખે છે. સંસાર પેલી મમ્મીનો રોલ ભજવે છે જે ચકલીને સ્પેરૉ તરીકે ઓળખાવવા મથે છે !!

યાવત મલાઃ ન ક્ષીયન્તે મનસઃ રાગરુપકાઃ ।

તાવત્ ન તત્ત્વ જિજ્ઞાસા જાયતે માનુષે હદિ ।।૩।।

(જ્યાં સુધી મનની અશુદ્ધિઓ (આસક્તિઓ વગેરે) ક્ષીણ નથી થઈ જતી અથવા પૂરેપૂરી દૂર નથી થઈ જતી ત્યાં સુધી મનુષ્યના હૃદયમાં સત્યને જાણવાની ઇચ્છા જ જાગતી નથી.)

આપણા મોબાઈલમાં મેસેજીસ આવ્યા જ કરતા હોય છે. મોબાઈલનું ઇનબૉક્સ ક્યારેક ફુલ થઈ જાય છે. એટલે તરત મોબાઈલમાં સંદેશો લખાય છે કે ‘આ ઈનબૉક્સમાં હવે જગ્યા નથી.” થોડાક નકામા મેસેજીસ ડિલીટ કરો તો નવા આવવાની જગ્યા થાય !! આગળના ક્ષીણ થાય તો નવા પ્રવેશે ને ? તમે આવી સ્થિતિમાં એક એક મેસેજ જોતા જાવ છો અને નકામા લાગે તેને ડિલીટ કરતા જાવ છો. તમને અનુભવ હશે કે આપણને જ ઓછા મેસેજ ડિલીટ કરવા જેવા લાગે છે. આપણે ઘણાખરા તો ડિલીટ કરવાને બદલે મિત્રને ફોરવર્ડ કરીએ છીએ અને એમ કરીને આપણા ડસ્ટબિનનો કચરો બીજાના ઇનબૉક્સમાં ટ્રાન્સફર કરીએ છીએ. કેટલાક રસિકો તો મોબાઇલમાંથી મેસેજ ડિલીટ કરતાં પહેલાં તેને ડાયરીમાં ઉતારી લે છે ! હવે વિચારો, એક નાનકડો મેસેજ, જે ક્યાંકથી માંગ્યા વગર – ઇચ્છયા વગર આપણા ઇનબૉક્સમાં આવ્યો; આપણે વાંચ્યો-વંચાવ્યો-મોકલ્યો છતાં ડિલીટ કરતાં આપણો જીવ ચાલતો નથી એટલે મિત્રના ડસ્ટબિનમાં કે પછી ડાયરીનાં પાનાં પર તેને ઠાલવી દઈએ છીએ… તો પછી મનમાં ઠલવાતા વિચારો કેવી રીતે ડિલીટ કરવાનું સૂઝે ? નવું – શુદ્ધ આવશે ત્યારે, જૂનું અશુદ્ધ જશે જ્યારે! જે ખાલી થતું નથી, તે કદી ભરાતું પણ નથી !

આપણી પાસે જે છે તે જ આપણને એટલું ગમી ગયું છે કે તેને પકડીને આપણે બેઠા છીએ. આપણા વિચારો – આપણા અભિપ્રાયો – આપણી માન્યતાઓ – આપણી વિડંબનાઓ બધું આપણને એટલું બધું ગમી ગયું છે કે તેની આસક્તિ જ છૂટતી નથી * અને તેથી આપણા હૃદયને સારું શું, સાચુ શું, સત્ય શું, પરમ તત્ત્વ શું તે જાણવાની જ ઇચ્છા થતી નથી. કોઈ આધ્યાત્મિક પ્રવચન સાંભળે કે કોઈ પવિત્ર સ્થળે થોડા દિવસો મૌનમાં ગાળે કે કોઈ આશ્રમની આત્મકલ્યાણ પ્રવૃત્તિમાં ગાળે તે કેટલાકને સમજાતું જ નથી. પરમ સત્યને જાણવાની તેની કોઈ વૃત્તિ જ વિક્સી હોતી નથી. જ્યાં સુધી ભૌતિક લગાવ રહેશે ત્યાં સુધી જ્ઞાનપ્રાપ્તિની કોઈ ઇચ્છા જ નહીં જાગે.

– ‘મન જંજીર, મન ઝાંઝર’ પુસ્તક. પ્ર. ગુર્જર પ્રકાશનમાંથી સાભાર.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback