નામ એ પડકાર છે.

નામ મળ્યું એટલે સાર્થક નથી થયું, પણ સાર્થક થવાની કે ન થવાની સંભાવના ઉભી થઈ છે.

વિચારોના ઓટલેથી…….(01) for  www.gstv.in

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

What is there in a Name ? 

આ અંગ્રેજી વાક્ય શેક્સપિયરે કહ્યાનું આપણને કહેવામાં આવ્યું છે. શેક્સપિયરે કહ્યું કે અન્ય કોઈએ કહ્યું પણ આપણે આ વાક્યને સાચું માની લીધું છે કે, નામમાં તે વળી શું રાખ્યું છે? વાત સાચી છે, કારણ કે જેવું નામ હોય તેવું જીવન હોય એવું કંઈ જરૂરી નથી. નામ આપણને જે મળ્યું છે તે આપણે તેવા છીએ એટલે મળ્યું નથી, પણ આપણે તેવા બનવાનું છે, એ યાદ અપાવવા માટે એવું નામ રાખવામાં આવ્યું છે. 

એક જૂની કથા છે. કોઈ બાળકના મા-બાપે તેનું એક વિચિત્ર નામ પાડી દીધું. નામ પાડ્યું ‘પાપક’. આ ‘પાપક’ એટલે તો એવો સીધો અર્થ કે આ માણસ પાપી છે અને માની લો કે, એ પાપી હોય તો પણ એવું નામ થોડું રખાય? હવે વિચારવાનો મુદ્દો એ હતો કે, જેનું નામ ‘પાપક’ રાખ્યું તેને ઓળખનારા તો સૌ સમજે છે કે, આ પાપી છે. આ નામથી તે મુશ્કેલીમાં મુકાવા લાગ્યો. મોટો થતો ગયો તેમ આ નામ તેને પજવવા લાગ્યું. 

એમના એક ગુરુ હતા. એ ગુરૂને જઈને એમણે કહ્યું કે, “મારું નામ બદલી આપો. તમારી પાસેથી મારી એક જ અપેક્ષા છે કે, તમે મારું આ અપ્રિય, અશુભ, અમાંગલિક એવું નામ છે એ બદલાવી આપો.” ગુરુ એ ઘણું સમજાવ્યું કે, “નામમાં કઈ નથી. નામ તો વ્યવહાર જગતમાં કેવળ બોલાવવા માટે છે. નામ બદલવાથી કંઈ સિદ્ધ નથી થતું.” પરંતુ એમણે કહ્યું, “ગુરુજી મહેરબાની કરો, હું આપને પગે પડું. થોડું કઠિન કામ છે, પણ મારું નામ બદલી આપો.” ગુરુને વિચાર આવ્યો કે, ના તો નહીં પડાય. એટલે એમણે કહ્યું કે, “તું જા, આખા ગામમાં જઈ આવ, ફરી આવ, લોકોને પૂછીને આવ કે તમારું નામ શું છે. અને તું મને એવું બતાવી દે કે જેનું નામ છે એવા એના ગુણ છે,તો તું કહીશ એ પ્રમાણે નામ બદલી આપીશ.” 

પાપક તો હોંશ ભેર ઉપડ્યો. બધે જ જઈ આવ્યો, ખોજ કરવા માટે… ભાઈશ્રી પાપક તો ગુરુના કહેવા પ્રમાણે નીકળ્યો. પહેલો ભાઈ મળ્યો એ અંધ હતો, એને પૂછ્યું તારું નામ શું? તો જવાબ મળ્યો ‘નયનસુખ’. ચોકીગયો, હદ થઇ ગઈ, નામ ‘નયનસુખ’ અને આંખમાં…!!! એણે વિચાર્યું કે આનાથી મારે શું લેવા-દેવા? આગળ ગયો ત્યાં એક સ્મ્શાન યાત્રા જતી હતી એમાં જઈને એમણે કોઈને ધીમેથી પૂછ્યું કે, ‘ભાઈ, આ કોણ મરી ગયું છે? તમે અર્થી ઉપાડીને ચાલો છો તો કોણ મરી ગયું છે?’ જવાબ સાંભળીને વધુ ચોંક્યો: ‘જીવક’ મરી ગયો છે. અરે ‘જીવક’ મરી ગયો છે! જીવક એટલે તો ‘જે જીવે તે’, આ તો બહુ ખરાબ નામ છે. જીવક પોતે મૃત્યુનો શિકાર બની ગયો? 

ગુજરાતી બાળસાહિત્યમાં રાષ્ટ્રીય એકેડેમીનું સન્માન પ્રાપ્ત કરનાર દ્વારિકાના ઈશ્વર પરમારે ટૂંકામાં ટૂંકી લઘુકથા લખી છે. બે લીટીની લઘુ વાર્તા છેએ. કોઈ એ કહ્યું, ‘સાંભળો છોજીવણલાલ મરી ગયા‘. આશ્ચર્ય સાથે જવાબ મળ્યો: ‘શું કહો છો જીવન લાલ જીવતાં હતા !?!’  આવા જ અનુભવ એ માણસને દરેક જગ્યાએ થયા અને એને જાણવા મળ્યું કે, નામ ‘ધનપાલ’ હોય તો એ માણસ તો ભિખારી હોય ને પૈસા-પૈસા માટે તે હેરાન થતો હોય છે. નામ ‘પથિક’ છે તો એ બીજાને પથ પૂછતો હોય છે!એ થાક્યો, હાર્યો ને પાછો આવ્યો. એણે આવીને ગુરુને વર્ણન કર્યું કે, ‘ગુરુજી, આપ કહો છો તે સાચું છે, નામ તેવા કોઈના ગુણ નથી.’ ગુરુએ સમજાવ્યું કે, ‘તારું નામ સુંદર છે, અને આ સુંદર નામ સાથે લગાવ રાખવાની શરૂઆત કર. તું એમ કેમ માને છે કે પાપક નામ રાખ્યું, એટલે તું પાપી છો?? તું યાદ રાખને કે તારું નામ પાપક છે એટલે તારે પાપ નથી કરવાનું. બસ, એ વાત સતત સ્મૃતિમાં રહે એટલે તારું નામ પાપક રાખવામાં આવ્યું છે.’

નામ એ પડકાર છે. એનાથી સમજી લેવાની જરૂર નથી કે, જે નામ છે એ તમે છો. ખરેખર જે નામ છે તે તમારે થવાનું છે. નામ મળ્યું એટલે સાર્થક નથી થયું, પણ સાર્થક થવાની કે નથવાની સંભાવના ઉભી થઈ છે. તમને જ્યારે દેહ મળ્યો છે, ત્યારે ઈશ્વરે નામ આપીને તમને એક સંભાવના આપી છે. જેનું નામ સચ્ચિદાનંદ હોય તે કાંઇ જીવનભર સચ્ચિદાનંદ નથી હોતો. પરંતુ એ માણસ માટે હંમેશા આનંદમાં રહેવાની એક સંભાવના ઉભી થઇ છે. સચ્ચિદાનંદ નામધારી ચોરી કરે સચ્ચિદાનંદ કોઈની હત્યા કરી શકે?, સચ્ચિદાનંદ ઉદાસ રહી શકે? કે મડદાલની જેમ બેસી શકે? તરત જ વિચાર આવશે કે આ બધું કાંઈ મારા નામ સાથે મેળખાતું નથી. નામ એ સંભાવનાનો એક પડાવ છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback