જેમણે શ્રેષ્ઠતમ બનવું હોય તેમણે નિમ્નતમની વ્યાખ્યાથી શરૂઆત કરવી પડે.

ભદ્રાયુ  વછરાજાની                                      bhadrayu2@gmail.com 

કહે છે કે આપણો દેહ એ પંચમહાભૂત નો બનેલો છે. એટલે કે તેમાં પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને પાણી એમ  બધા પાંચે-પાંચ તત્વો આવેલા છે. પણ એક કથા યાદ કરવા જેવી છે. 

પરમાત્માએ જ્યારે પ્રકૃતિ સર્જન કરવાની શરૂઆત કરી ત્યારે એમણે  બધું જ બનાવી લીધું અને કહેવાય છે કે, સૌથી છેલ્લે એમણે માણસને બનાવ્યો. માણસને એમણે માટી માંથી બનાવ્યો. પૂર્ણ પરિશ્રમથી માણસનો દેહ બની ગયો ત્યારે પરમાત્માએ બધા દેવતાઓને ભેગા કરીને કહ્યું કે, જુઓ મારી શ્રેષ્ઠતમ કૃતિ એ આ મનુષ્ય છે. મેં આનાથી વધુ સારું કશું બનાવ્યું નથી. મારા પ્રકૃતિના વિસ્તારમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી ગરીમાશાળી આ કૃતિ છે. પરંતુ દેવતાઓમાં પણ શંકા કરનારા તો હોય જ. એક શંકાપ્રિય દેવતાએ કહ્યું કે, એટલી બધી પ્રિય કૃતિ છે તો પછી એને માટીમાંથી કેમ બનાવી ? નિમ્નતમ ચીજમાંથી તમે શ્રેષ્ઠતમ ચીજ બનાવી છે, એવું કહેવા માગો છો? આ વાત અમને સમજાતી નથી. તરત જ કેટલાક ટેકો દેનારા રાજકારણી દેવતાઓ બાજુમાં આવ્યા અને દેવતાઓએ ઉત્સાહમાં આવીને કહ્યું, વાત તો સાચી છે, જો શ્રેષ્ઠતમ સર્જન કરવું હતું તો સોનામાંથી કરવું હતું અને સોનુ નહીં તો ચાંદી અને ચાંદી નહીં તો લોહ તત્ત્વમાંથી બનાવી શકાય ને. નિકૃષ્ઠમાંથી શ્રેષ્ઠ ??  આ વાત અમારા ગળે ઉતરતી નથી. 

પરમાત્મા જેનું નામ, જેના મુખ ઉપર કાયમ સ્મિત હોય, તે જરા વધુ હસી પડ્યા. તેમણે કહ્યું કે, જેણે શ્રેષ્ઠતમ બનવું હોય તેમણે નિમ્નતમની  વ્યાખ્યાથી  શરૂઆત કરવી પડે છે. જેમને સ્વર્ગમાં જવું હોય એમણે  નર્કમાં પહેલું પગલું મૂકવું પડે છે. જેને ઉપર ઉઠવું હોય, તેણે નિમ્નતમને સ્પર્શવું પડે છે. અને પછી પરમાત્માએ કહ્યું, તમે ક્યારેય સોનામાંથી કોઈ ચીજ ને ઉગતી જોઈ છે? ચાંદીમાંથી કોઈ નાનકડો છોડ ઉગતો ભાળ્યો છે? જાઓ, પ્રયોગ તો કરો. સોનામાં બીજ વાવી દ્યો, રાહ જુઓ કે કાંઈ ઉગે છે, નહીં  ઉગે. પરંતુ માટીમાં કશુંક ઉગે છે. મનુષ્ય એક સંભાવના છે, એક આશ્વાસન છે. હજી મનુષ્ય થવાનું છે, મનુષ્ય થયા નથી, થઈ શકે છે. મનુષ્ય એટલે કે માનવ થવાની બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે, પરંતુ માનવ તો મારે અને તમારે થવું પડશે. એટલા માટે તો આપણને માટીમાંથી બનાવ્યા છે. કારણ કે, માટીમાં જ બીજ વાવી શકાય છે, માટીમાંથી જ અંકુર નીકળે છે, અંકુરમાંથી જ વૃક્ષ બને  છે, ફુલ આવે છે ને સુગંધ પ્રસરે છે, અરે, તેને ફળ પણ આવે છે. 

માટી એ માનવ થવાનો એક મહોત્સવ છે. માટીમાં સંભાવના છે, સોનામાં કોઈ સંભાવના નથી. સોનુ તો મડદું છે, ચાંદી નિર્જીવ છે, જીવતા લોકો માટીને પૂજે  છે, માણસ જેટલો વધુ મરેલો એટલો તે વધુ સોનાનો પૂજક. અને માણસ જેટલો વધુ જીવંત એટલો તેનો  માટી સાથે મોહ, માટી સાથે લગાવ, માટી સાથે પ્રેમ અને માટી સાથે જીવન જોડી રાખે છે. ઈશ્વરે કહ્યું કે, બીજ માટીમાં ફેંકી દ્યો  તો પણ ખીલે છે, ફળે છે, અને મોટું થાય છે. બસ, એમ જ મનુષ્ય એક સંભાવના છે. ઈશ્વરે મૂકેલી અપાર ક્ષમતાની સંભાવના છે. એમણે  સોના અને ચાંદીની પાછળ ઘેલા થઈને એ સંભાવનાને કોઈપણ સંજોગોમાં મારી નથી નાખવાની. 

ઓશો સરસ વાત કરે છે કે, ગીત તો તમે લઈને આવ્યા છો, પણ ગીત હજુ  ગાવાનું બાકી છે. વીણા તમને હાથમાં આપી છે, હજી તમારી આંગળીઓ એ વીણાના તારને સ્પર્શી નથી. તમને જ્યારે નામ મળ્યું છે, દેહ મળ્યો છે, ત્યારે ઈશ્વરે તમને એક સંભાવના આપી છે. ઈશ્વરે આપણને માટીમાંથી  બનાવ્યા છે અને માટીમાં ભળી જવા માટે બનાવ્યા છે. આ વાતનો જ આનંદ છે, પ્રસન્નતા છે, ઉત્સવ છે, આપણે બેસવાનું નથી, આપણે ચાલવાનું નથી, આપણે દોડવાનું નથી, આપણે તો સતત નૃત્ય કરતા રહેવાનું  છે.