જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!

જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!

શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપર જોવા એ થોડો કંટાળાનો વિષય ગણાય

આપણે ભગવાનને મળી રહ્યા છીએ અને તેના ભગવાનપણાની વાતો કરી રહ્યા છીએ… ભગવાન મારા-તમારા જેવા શિક્ષક હતા એટલે તેઓની કથા અહીં માંડી છે. આ કથા સત્યકથા છે અને તે વાંચીને આપણને થાય કે જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!

જય ભગવાન વિરલ વ્યક્તિત્વ હતા એ અમને ધણી મોડી ખબર પડી. એમનામાં કોઈ દૈવીવાતો બેઠીહતી, એનો પણ અમને પછી ખ્યાલ આવ્યો.કારણ કે એ ક્યારેય ગંભીર અવસ્થામાં અમારી સામે આવ્યા જ નહોતા. સદા ખુલ્લા મોઢે હરાનારા અને ખડખડાટ હસતા-હસતા પોતાનીટાલ અને દાઢી ઉપર હાથ ફેરવનાર જય ભગવાન અમારી સાથે કયારેય દુ:ખદર્દવાળા જોવા મળ્યા નથી.

અમે બધા શિક્ષકો.શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપરજોવા એ થોડો કંટાળાનો વિષય હોય. પણ અમને ક્યારેય કંટાળો ન લાગ્યો, એનું કારણ એ કે ભગવાન પેપર જોવાના દિવસોમાં અમારી સાથે ને સાથે હોય. દિવસના સ્કૂલેથી છૂટે અને સાંજ પડે એટલે ભગવાન થેલીમાં પેપર લઈને અમારા ઘરે આવે અને સૌ મિત્રોને ભેગા કરે. અમારું શિક્ષકવૃંદ અમારા મકાનમાં નીચે ડાયરો જમાવે. બધા પોતપોતાના પેપર લઈને આવ્યા હોય પણ વાતોચીતો અને ટોળટપ્પામાં એટલો બધો સમય જાય કે કોઈ પેપર બહાર પણ ન કાઢે !! થોડીથોડીવારે ભગવાન એવું યાદ અપાવે કે, આપણે પેપર જોવાના છે હો… અને એવું કહીને પાછા કહે કે, જરાક ચા પી લઈએ પછી પેપર કાઢીએ. ચા બનાવતા બનાવતા ભગવાનને વિચાર આવે કે, ઈચ્છા હોય તો થોડા ભજીયા બનાવી નાખીએ… એટલે જે બહેનો હોય તેની સાથે ભગવાનપોતે મિક્સ ભજીયા બનાવવામાં લાગી જાય. એ બધું પૂરું થાય અને બધા ભજીયા અને ચા ની ઉજાણી પૂરી કરે એટલે ભગવાન ફરીવાર યાદ આપે કે, આપણે પેપર જોવાના છે હો ! અને અમારા જૂથમાંથી કોઈ વળી સંનિષ્ઠ હોય તો બે-ચાર પેપર જોવા લાગે.

ભગવાન ઓશોપ્રેમી એટલે સુંદર મજાની ઓડીઓ કેસેટ (એ સમયમાં હતી) માં ઓશોનું કોઈ સુંદર વકતવ્ય વગાડે અને કહે આ વાત સાંભળી લઈએ પછી પેપરજોઈએ. !! ઓશોવચન શરૂ થાય કે તરત જ ભગવાન પલાંઠી મારી આંખ બંધ કરીને બેસી જાય !!! ભગવાનની દાઢી એવી કે આપણને બાજુમાં ઓશો ખુદ બેઠા હોય એવું જ ભાસે !! ભગવાને તો આવીને પેપરવાળી થેલી એક ખીંટી ઉપર ટીંગાડી દીધી હોય. એ હજી ખીંટી ઉપરથી નીચે ન આવી હોય. ઓશોનું વકતવ્ય પૂરું થાય એટલે ભગવાન હસતા-હસતા એમ કહે કે, સુંઠ નાખેલો ગરમા ગરમશિરો ખાધો હોય તો મજા આવે અને એની વાતને બધા જ લોકો ટેકો કરે અને ફરી એકવાર એક નાનકડું જૂથ રસોડામાં પહોંચી જાય. સંગીત વાગતું રહે ને એમ કરતા કરતા લગભગ રાતનાં બે કે અઢી વાગે એટલે પછી ભગવાન એવું કહે, હવે અત્યારે પેપર ન જોવાય.વિધાર્થીઓને અન્યાય થાય. ઊંઘમાં ઓછા માર્ક અપાય જાય તો એ સારું ન કહેવાય એટલે પછી અમારો દિવસ આટોપાઈ જાય. બે કે ત્રણ દિવસ આવા જાય પછી ખીંટી ઉપરથી થેલી ઉતારીને ભગવાન પોતાના ઘરે વિદાયથાય.

આ ભગવાન આમ તો ‘મિસ્ટિક’ હતા,અજબનું રહસ્યમય વ્યક્તિત્વ હતા. એ એવું જીવન જીવતા હતા કે આપણને આશ્ચર્ય થાય.ઘરે આવે અને રાત રોકવાના હોય તો એ ડ્રોઈંગરૂમની અંદર નીચે સુઈ જાય. એને ઓશિકાની એ જરૂ નહિ, એને ચટ્ટાઈની જરૂર નહીં. અને નીચે સૂઈને પછી પગ ઉપર પગ ચડાવી દે, જેવી રીતે ભાલકાતીર્થ પાસે ભગવાનશ્રીકૃષ્ણ બેઠા છે એવી અદામાં લંબાવે અને થોડી વારમાં એને ઊંઘ પણ આવીજાય. વહેલી સવારે અમે ઉઠીએ કે ભગવાન સાથે ચા-પાણી પીએ ત્યાં તો રૂમ ખાલી હોય. જરા બહાર જઈને જુઓ તો સાઈકલ પણ ન હોય. ભગવાન પોતાની માયા સંકેલીને ફરી એકવાર પોતાના ઘરે પહોંચી ગયા હોય. બીજી વખત આવે ત્યારે વાત કરીએ કે, ‘ભગવાન, તમે કેમ સવારના પહોરમાં ભાગી ગયા હતા ?’ તો એ તરત જ કહે કે, ભાભીને વહેલા ઉઠીને પાણી ન ભરવું પડે ને ! અમારા સવારના સાડાપાંચ વાગ્યે નળમાં પાણી આવે છે એટલે એ સમયે હું પહોંચી ગયો હોઉં તો ભાભીને થોડો આરામ થઈ શકે !!!

ખબર નથી કે, અમારા ભગવાન લહેરી હતા એટલે પરણ્યા નહોતા કે પછી પરણ્યા નહોતા એટલે લહેરી હતા ??

 

‘જય ભગવાન’ તો  સહજતમ !!

‘જય ભગવાન’ તો સહજતમ !!

આપણે ભગવાનની વાત કરતા હતા. એવા ભગવાન કે જે દેહધારી હતા અને જેમની સાથે અમે જીવીને ખુબ આનંદ માણ્યો  છે, પ્રવાસ કર્યા  છે તેવા ભગવાન. હું તમને એક બે પ્રસંગો કહું એટલે તમને વધુ ઉત્કંઠા થશે. 

 

એ તમારે ઘરે આવે અને ઝાંપો ખોલીને જો સાઈકલ તમારા ઘરની અંદર લે તો તમારે સમજવાનું કે ભગવાન આજે તમારે ત્યાં રાત્રી નિવાસ કરશે. હવે એ ભગવાન ઘરમાં આવે અને તમને પૂછે, ‘ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ છે ?’ તમે કહો કે, ‘ના ના ક્યાંય જવું નથી, બેઠા છીએ !’ સામાન્ય રીતે શનિ રવિમાં જ આમ બનતું હોય કારણ કે બાકીના દિવસોમાં તો સ્કૂલ હોય તો ક્યારેક આવું તો વેકેશનમાં જ  બનતું હોય કારણ કે અમે બધા જ માસ્તરો હતા. આપણે કહીએ કે, ક્યાંય જવું નથી એટલે એ બેઠા હોય ત્યાંથી ઊભા થાય અને પોતે જે પેન્ટ પહેર્યું હોય ઢીલું ઢીલું,  એ પેન્ટ ડ્રોઈંગ રૂમમાં સૌની સામે ઉતારી નાખે. શરૂ શરૂમાં અમને આશ્ચર્ય થતું પણ એ પેન્ટ ઉતારે એની નીચે એક ઘરમાં પહેરવાનો લેંઘો પહેર્યો  હોય, એટલે એ પેન્ટ ઉતારી અને અંદરના રૂમમાં જઈને કોઈપણ બારણે લટકાવે. ખીટી  શોધવા જેટલો એ શ્રમ ન લે. અને પછી શર્ટ ઉતારી એ પણ લટકાવે,  ત્યાં એણે સદરો પહેર્યો હોય !! એટલે જેવું પાક્કું થયું કે તમારો કોઈ કાર્યક્રમ ભગવાન ડિસ્ટર્બ કરવાના નથી એટલે પછી ભગવાન ઘરેલુ પહેરવેશમાં આવી જાય અને લેંઘા ઉપર સદરો પહેરીને આખો દિવસ તમારી સાથે ગાળે. 

 

એ સોફામાં બેસે, હિંડોળા પર બેસે કે ખુરશીમાં બેસે તો લગભગ ત્રીજી ચોથી મિનિટે એની પલાંઠી લાગી ગઈ હોય. અથવા ટેસથી પગ ઉપર પગ ચડાવી દીધો હોય અને બે હાથને પોતાની ટાલમાં ફેરવતા  ફેરવતા એમને માથા પાછળ ટેકવી દીધા હોય. ઊંધી અદબ  એણે વાળી લીધી હોય અને પછી લાખ લાખની વાતો, હસી મજાક, હળવી  ફૂલ જેવી… પણ એ વાતમાં ક્યારેય ભગવાન કોઈની નબળી વાત ન કરે. એમને ભૂલથી પણ આપણાથી કહેવાય જાય કે,  કોઈ ભાઈ આવા છે, તો એ પોતાનો જમણો હાથ ઉંચકાવે, પોતાની ટાલમાં ફેરવે, પોતાના નાક પાસે બરાબર રાખે અને પછી લાંબી દાઢી ઉપર ફેરવી અને પાછો મૂકી દે. આપણને એમ લાગે કે, એણે ભાઈને ઉપરથી લીધા,  એને  વંદન કરી  અને દાઢી ઉપર ફેરવી અને એ વાતને એણે નીચે મૂકી દીધી. 

 

ભગવાનને ક્યારેય કોઈનું વિવેચન કરતા અમે સાંભળ્યા નહીં. અથવા ભગવાનને કોઈની ટીકામાં પોતાનો સુર પૂરાવતા અમે સાંભળ્યા નહીં. હા, ઘણાબધા મિત્રો ભેગા થયા હોય અને કોઈ કોઈનું કશીક કૂથલી કરવાનું કામ પણ ચાલે તો એમાં ભગવાન વાંધો ન લે પણ એ એકબાજુ બેઠા બેઠા ખડખડાટ હસ્યા કરતા હોય. હવે અમને એમ સમજાય છે કે, એ આપણી આ અવસ્થા ઉપર હસી કાઢતા હતા.!!

એક બીજો નાનકડો પ્રસંગ કહું. માનો કે તમારે ઘરે આવ્યા અને એણે સાઈકલ અંદર લીધી એટલે તમારે સમજવાનું કે એ તમારે ઘરે રોકવાના છે. પછી તમારા ડ્રોઈંગરૂમમાં આવીને પહેલો પ્રશ્ન પૂછે : ‘કંઈ પ્રોગ્રામ ? ઘરે જ છો કે બહાર જવાનું છે ?’ એટલે મારા પત્ની રસોડામાંથી કહે કે, ‘આજે અમારે મામાને ત્યાં જમવાનો પ્રોગ્રામ છે’, એટલે જય ભગવાન જવાબ આપે, ‘કેટલા વાગે ?’ તો કહે, ‘સાડા બાર – એક વાગ્યે.’  ‘ઓહો..સાડા બાર – એક ને ! હજી તો ત્રણ  કલાક છે.’  અમે એવો આગ્રહ કરીએ કે, કંઈ વાંધો નહીં અમે નહિ જઈએ. તો કહે, ‘ના ના, તમારે તમારો પ્રોગ્રામ ચાલુ રાખવાનો. હું તો નવરો હતો એટલે આંટો મારવા આવ્યો હતો.’ હવે આ  જેવી ખબર પડે તો ભગવાન પોતાનું પેન્ટ ઉતારે નહીં, પોતાનું શર્ટ ઉતારે નહીં કારણ કે ભગવાન અમારી સાથે બે ત્રણ કલાક વાતો કરી છાશ કે ચા કે બન્ને  પી ને અમારી સાથે જ અંદર  ઝાંપામાંથી સાઈકલ બહાર કાઢી સાઈકલના ટેકે ટેકે ચાલતા ચાલતા શેરીના નાકા સુધી આવી પોતાને ઘરે પાછા ચાલ્યા જાય. એમને જરાય એવું ન લાગે કે, આ લોકોને ત્યાં મારે રહેવું હતું ને રહી ન શક્યો અને હા,  અમને પણ જરા જેવો ય  ભાર ન લાગે કે ભગવાનને આપણે ના પાડી. 

આ સહજ વ્યક્તિત્વ એ અમારા જય ભગવાન. (ક્રમશ:)

વાંચવું તો છે યુવાનોને…

વાંચવું તો છે યુવાનોને…

નાની ભટલાવમાં યુવા સરપંચ અંકિતના પ્રયાસોથી  નિર્માણ પામ્યું  શ્રી પ્રતાપભાઈ પંડયા પુસ્તકાલય

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

“મારું નામ અંકિત છે. અત્યારે હું આ નાની ભટલાવ ગામનો સરપંચ છું અને યુવા સરપંચ હોવાથી મને ગામ અને આજુબાજુના લોકોનો બહુ સારો સહકાર મળી રહ્યો છે. 

અમારા ગામમાંથી એટલા બધા વિદ્યાર્થીઓ વ્યારા સુધી એક પુસ્તકાલય અથવા તો વાંચનાલય  માટે થઈને રોજ સવારે દોડીને બસ પકડે અને વ્યારા ઉતરીને દોડમદોડ પુસ્તકાલય સુધી ભાગે કારણ કે ત્યાંના   નાનકડા ખંડમાં સોએક વિદ્યાર્થીઓ સવારથી આવી ગયા હોય અને મોડી રાત સુધી ત્યાં વાંચતા હોય ! જો વહેલા દોડીને પહોંચે તો બેસવા માટે ખુરશી મળે, ટેબલ મળે નહિતર નીચે બેસીને વાંચવું પડે. મને વિચાર આવ્યો કે  મારા ગામમાં મારે આવું કૈંક કરવું જોઈએ કે જેથી કરીને મારા યુવાનો ત્યાં સુધી દોડે નહીં અને આજુબાજુમાં બીજા જે ગામ છે એના યુવાનો અહીંયા નાની ભટલાવમાં વાંચવા આવી શકે. 

કલાર્કની પરીક્ષામાં કે આસિસ્ટન્ટની પરીક્ષામાં પણ આ ગામમાંથી ઘણા યુવાનો ગયા છે. આ બધાની એવી માંગણી હતી કે આપણા ગામમાં એક સારું પુસ્તકાલય થાય તો બહુ સારું. અમારા ગામમાં પ્રાથમિક શાળાનું એક નાનકડું સંકુલ જેવું છે કે જ્યાં પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ છે અને આંગણવાડી પણ ચાલે છે , વિદ્યાર્થીઓને નાસ્તો મળે છે. નાનું  પણ સારું એવું મેદાન છે. એટલે મને વિચાર આવ્યો કે એ મેદાન છે એમાં પુસ્તકાલય બાંધીએ. એ દરમિયાન મારો સંપર્ક બારડોલીના સ્વરાજ આશ્રમના એક ખૂણામાં રહીને સુંદર મજાની સરદાર પટેલ કન્યા વિદ્યાલય ચલાવતા નિરંજનાબેન કલાર્થી અને એમના દિકરી ડો. પ્રજ્ઞાબેન કલાર્થી સાથે થયો. મેં એની સામે વાત રજૂ કરી કે, ગામમાં એક પુસ્તકાલય થાય તો બહુ સારું કહેવાય. અને ફળ એ આવ્યું કે એમણે વ્યવસ્થા ગોઠવી. 

મને ખબર હતી કે સરકારની વતનપ્રેમી યોજના છે, જેમાં વતન છોડી ગયેલા લોકો જે વિદેશ ગયા છે એને પોતાના વતન માટે કાંઈ કરવું હોય તો એ ૬૦ % રકમ તેઓ આપે અને ૪૦ % રકમ સરકાર આપે, તો તમે વિકાસનું કોઈ કામ કરી શકો. જોગાનુજોગ પ્રજ્ઞાબેનની મદદથી મનીષાબેન પ્રતાપભાઈ પંડયા (પ્રતાપભાઈ પંડ્યાએ પોતાની હયાતીમાં કેટલીય  બધી લાયબ્રેરીમાં પુસ્તકો અને કબાટ વગેરે  ડોનેટ કરેલા) એમના દીકરી પોતાના  પિતાશ્રીની સ્મૃતિમાં આવું કામ હજી પણ કરી રહ્યા છે, એમનો સંપર્ક થયો અને એમણે પોતે અમને કહ્યું કે, હું ૬૦% આપું,  ૪૦% તમે સરકાર પાસેથી મેળવો અને તમે સરસ પુસ્તકાલયનો એક ખંડ બનાવી  તેમાં કોમ્પિટિટિવ એક્ઝામના જેટલા પુસ્તકો જોઈએ એની લાયબ્રેરી બનાવો, એના કબાટ મુકો, વાંચવા માટેની ખુરશીઓ, ટેબલ, નક્શાઓ, ચિત્રો જે કાંઈ જોઈએ તે તમે વસાવો અને વિદ્યાર્થીઓ વાંચે એવું કરો. અહી સારા ટોયલેટ નહોતા. અમારે ત્યાં યુવાનોની સાથે યુવતીઓ પણ નિયમિતપણે વાંચવા વ્યારા જતી હતી અને હવે અહીંયા પણ આવે છે. એટલે એ યુવતીઓ માટે પણ વોશરૂમ વગેરે સારું હોય એ પણ જરૂરી હતું એટલે પ્રજ્ઞાબેનના મુકુલ ટ્રસ્ટ દ્વારા આ આખો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો. આપણને ખ્યાલ છે કે સરકારની યોજનાના નાણાં તો ઘણા વખત પછી આવતા હોય છે. પહેલાં તો તમારે કામ કરી નાખવું પડતું હોય છે એટલે એ બધી જવાબદારી મુકુલ ટ્રસ્ટે લીધી.  બહુ થોડા સમયમાં સુંદર મજાનો હોલ બન્યો, જેને પ્રતાપભાઈની સ્મૃતિમાં ‘શ્રી પ્રતાપભાઈ પંડયા પુસ્તકાલય’ એવું નામ આપવામાં આવ્યું. મોટી બારી, હવા ઉજાશ અને પ્રકાશ સાથે મળી રહે, પાણી પીવાની સુંદર વ્યવસ્થા, ટોયલેટસ વગેરે વિદ્યાર્થીઓ રિલેક્સ થઈને પોતાનું વાચન  કરી શકે એવી ફેસેલિટી અહીં બનાવવામાં આવી.

હું પોતે હજી પણ ગામ માટે જે કોઈ સગવડતાની જરૂર હોય તે કરવા માટે પુરી ધગશ ધરાવું છું. હવે તો એવું બનશે કે, આજુબાજુના નાનાં ગામમાંથી યુવાનો અહીંયા આવશે આ સગવડ થઈ જવાથી કદાચ સવાસો જેટલા વિદ્યાર્થીઓ આવી શકશે અને સવારના વહેલા  છ  વાગ્યાથી આ ખુલી જશે. વિદ્યાર્થીઓ એની સફાઈ કરશે અને છેક રાતના ૧૧ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ વાંચતા રહે એવું ગોઠવાયું છે. મુકુલ ટ્રસ્ટના પ્રજ્ઞાબેન કલાર્થી ઉચી એસ્થેટિક સેન્સ ધરાવે છે એટલે એમણે અમારા આ પરિસરની દીવાલોને વર્લી પેન્ટિંગ થી સૌન્દર્ય બક્ષ્યું છે. એક દિવ્યાંગ યુવાને મળેલી સુચના પ્રમાણે ચોતરફ ચિત્રો કરીને સ્થાનને રમણીય બનાવ્યું છે કે જેથી અહીં આવવું ગમે તેવો માહોલ સર્જાયો છે. 

હું સમાજના દરેકે દરેક એવા ધનવાન લોકોને વિનંતી કરું કે, આ વતનપ્રેમી યોજનામાં આપ જોડાઓ અને આપણા વતનમાં, આપણા નજીકના ગામમાં ૬૦% જેટલી રકમ દાનમાં આપીને તમે પણ આવી વ્યવસ્થા કરો તો તમારા વતનમાંથી લોકો બહુ સારી રીતે આગળ વધશે અને એને નામે વતનનું નામ ઉજળું થશે.”

 

કામ કરે તે જીતે

કામ કરે તે જીતે

બધાને સરકારમાં જવું છે અને શક્ય બને તો વર્દીવાળી નોકરીમાં જ જવું છે, તો શું કે આપણો વટ પડે !!

ભદ્રાયુ વછરાજાની      bhadrayu2@gmail.com 

ચૂંટણીનો માહોલ હોય અને કોણ ચૂંટાયું કે કોણ હાર્યું ની ચર્ચાઓ હોય ત્યારે કોઈ સાત્વિક કે રાજસિક રાજકીય વ્યક્તિ મળી જાય ત્યારે બત્રીસે કોઠે દિવા થાય

“મારું નામ અંકિત છે. હું હકીકતમાં તો ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં દસ વર્ષ સુધી રહ્યો. મારું ગામ નાની ભટલાવ છે. અહીંયા જન્મ્યો છું, અહીંયા મોટો થયો છું, મા બાપ ખેતી વગેરેનું કામ કરે છે અને અમારું સામાન્ય કુટુંબ છે. અત્યારે હું આ નાની ભટલાવ ગામનો સરપંચ છું અને યુવા સરપંચ હોવાથી મને ગામ અને આજુબાજુના લોકોનો બહુ સારો સહકાર મળી રહ્યો છે.

હું મારા માતાની સાથે રહું છું. મારા કૌટુંબિક કારણોને લઈને મારા પિતાશ્રી મારી સાથે રહેતા નથી. મેં દસેક વર્ષ સુધી ટ્રાન્સપોર્ટનો ધંધો કર્યો અને ટ્રાન્સપોર્ટના ધંધામાં બધું હું જ કરું છું. કોઈનો માલ ટ્રકમાં ભરવો, ટ્રક ચલાવવો, જ્યાં જઈએ ત્યાં એ માલને ઉતારીને જે તે જગ્યાએ ગોઠવી આપવો. બધું જ કામ પોતે જ કરવું,  પ્રામાણિકતાથી ને  ધીરજથી કરવું એ મારું મુખ્ય જીવન હતું. મારા કસ્ટમરમાં પણ મારા નામે વાત ફેલાયેલી હતી કે હું વ્યવસ્થિત કામ કરું છું, પુરી મહેનત કરું છું અને યોગ્ય રીતે વળતર માંગુ છું. એટલે મારો વ્યવસાય સારો ચાલ્યો.  આજે પણ એ કામ હું સાઈડમાં કરી જ રહ્યો છું.

મને એવું લાગ્યું કે હું તો ગ્રેજ્યુએટ સુધી ભણ્યો ત્યારે ખબર નહોતી કે શું ભણવું જોઈએ, છતાં બધા ભણતા હતા એવું મેં ભણી નાખ્યું. આ વખતની જે ચૂંટણી થઇ એમાં ગામે મને સરપંચ તરીકે ચૂંટી બતાવ્યો. મારું  નાનું ગામ છે,  ૧૨૦૦ ની વસ્તી છે. નાની ભટલાવ એ  બારડોલી તાલુકાનું ગામ છે. અહીંથી લગભગ ૧૮ – ૨૦ કિમિ વ્યારા છે, એ મોટું સેન્ટર છે. આ બાજુ બારડોલી  મોટું સેન્ટર છે એની વચ્ચે અમે અંદરના ભાગમાં આવેલા છીએ. અમારે ત્યાં ૧૨૦૦ ની વસ્તીમાં બધા બહુ સામાન્ય લોકો છે. જે યુવાનો છે એનામાં આગળ વધવાની પુરી ધગશ છે.

એક વાત હું સાહેબ આપને કહું કે, અમારે ત્યાં યુવાનોને એક જ વાતમાં રસ છે કે, અમને  વર્દીવાળી સરકારી નોકરી મળે. એટલે બધાને પોલીસ થવું છે, PSI થવું છે અથવા તો સિક્યુરિટીનું કોઈ હોય તો એમાં જવું છે પણ  સરકારમાં જવું છે અને શક્ય બને તો વર્દી એટલે કે ગણવેશવાળી નોકરીમાં જ જવું છે તો શું કે આપણો વટ પડે અને તો જ આપણે આગળ વધી શકીએ એવું બધાના મનની અંદર બરાબર ઘુસી ગયેલું છે. મને વિચાર આવ્યો કે આને તો હું બદલી નહીં શકું તો મારે મારા ગામના યુવાનો માટે કશું કરવું હોય તો શું કરવું ?

મને એવું પણ જાણવા મળ્યું કે મારે ત્યાંથી જે વિદ્યાર્થીઓ PSI કે PI ની પરીક્ષામાં જાય છે એ લોકો થિયરી પાસ કરી દે છે પણ પ્રેક્ટિકલમાં ઝળકી શકતા નથી. કારણ કે અહીંયા એને  ફિઝિકલ ટ્રેનિંગ મળે એવી કોઈ વ્યવસ્થા નથી, એટલે મેં ગામની અંદર પંચાયતનું એક ખુલ્લું મોટું મેદાન હતું એને સારી રીતે  ડેવપલ કર્યું, દોડવા માટેના ટ્રેક બનાવ્યા, લોન્ગ જમ્પ, હાઈ જમ્પ આ બધું જ એની અંદર ઉમેર્યું જેથી કરીને અહીંના યુવાનો અહીંયા જ પ્રેક્ટિસ કરી શકે. સવારના પહોરમાં ને ઢળતી સાંજે વિદ્યાર્થીઓ દોડીને પરસેવો પાડે ને ફિઝીકલી ફિટ થાય. આ મેદાન બનાવ્યા પછી અમને એવું ફળ મળ્યું કે અમારે ત્યાંથી ૧૦ – ૧૧ લોકો PSI માં પસંદ થયા. આ વખતે સરકારે પહેલાં પ્રેક્ટિકલ પરીક્ષા લીધી અને પછી થિયરી લીધી, એને પરિણામે અમને ખુબ સારું પરિણામ મળ્યું. આમ મને કહેવાનું નહીં ગમે પણ તમે પૂછ્યું એટલે હું કહું કે મને જયારે પેલું સ્પોર્ટ્સ ને ફિઝિકલ એક્સરસાઇઝ માટેનું મેદાન બનાવવું હતું ત્યારે મારી પાસે પૈસા નહોતા અને હું કઈ કરી શકું એમ નહોતો અને એવી કોઈ સહાય થાય એમ નહોતી એટલે હું જે બાઈક ફેરવતો હતો એ બાઈકને મેં લોનમાં  ગીરવે મૂક્યું અને એના ઉપર બેન્કની લોન લીધી અને બેન્કની લોનમાંથી એ મેદાન ડેવલપ કર્યું. મારી એક જ ઈચ્છા કે મારા નાનકડા ગામના યુવાનો પણ ખુબ મહેનત કરીને જિંદગીમાં આગળ વધે.”

 

વો ચાહે સો હોઈ !

વો ચાહે સો હોઈ !

અસ્તિત્વએ સૌને ઘરે ઘરે જઈને જાણે કહી દીધું કેઆજે તમે જશો, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’ 

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

પોતાનાં જીવનના પૂર્વકાળમાં સખ્ત પરિશ્રમ કરી સમૃદ્ધ થયેલ એક ઉદ્યોગવીરને ઓશો નામધારી જડીબુટ્ટી જડી અને તેમણે જીવનને આનંદોત્સવમાં પલટી નાખ્યું. જીવનની જહોજલાલી જે પૂર્ણતઃ પામે છે ને માણે છે તે જ ઈચ્છે ત્યારે સહજ થઈ સઘળું છોડી પોતાનો નોખો – અનોખો માર્ગ કંડારી શકે છે ! એ ભરચક્ક જીવન જીવ્યા. સંઘર્ષ કર્યો. કમાયા, વાપર્યું,બચાવ્યું. સ્વ થી લઈને સર્વ સુધી પ્રત્યેકને હળ્યા, મળ્યા, ભળ્યા અને જે જેવા હતા તેવા તેને સ્વીકાર્યા. બસ, આ જ ઓશોમાર્ગ છે. જે પોતે શાંત થતો જાય અને અન્ય સૌને અપાર શાંતિનો માહોલ બક્ષે તે જ તે સાચો ઓશોપ્રેમી છે.

આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટથી વીસેક કિલોમીટર દૂર વાગુદળ ગામ પછી બાલસરનાં પાદરમાં આવેલ ‘ઓશો વાટિકા’ના સ્વામી સંજય ભારતીની… સંજય સ્વામી અને કમુ મા ચહેરા પર સ્મિત અને આંખમાં પ્રેમસભર દંપતી છે, અને તેમના દ્વારા થયેલ સર્જન ‘ઓશો વાટિકા’ પરમ તત્ત્વની સતત હાજરી પુરાવતું પ્રશાંત સ્થાન છે, પણ આપણે એમનાં જીવનની ગઇકાલ કે આજની વાત નથી ક૨વી. આપણે તો વાત કરવી છે, જગતની દ્રષ્ટિએ એક દુર્ઘટનાની પણ સંજય સ્વામીની નજરે તો એ સુખદ પળ હતી કે જ્યારે અસ્તિત્વએ હાજરી પુરાવી હતી !

દુર્ઘટના અને સુખદ પળ ?? હા, આવું બને  એક સાથે ? ચર્મચક્ષુથી જુએ તેના માટે તો એક અકસ્માત, કારણ ઓશો વાટિકાનો  ધ્યાનખંડ ધરાશાયી થયો, પણ દિવ્યચક્ષુથી  નિહાળે  તેના માટે દિવ્ય પળ ! કારણ અસ્તિત્વએ એક જ પળમાં દૂર સુદૂરથી આવનાર ઓશોપ્રેમીઓને સંકેત કરીને ગેરહાજર કરી આપ્યા !!

હા, વાત જરા વિગતથી જાણીએ. સ્વામી સંજય ભારતી ભાવવિભોર થઈને એ પળને ફૂલડે વધાવતાં વર્ણવે છે : રોજના નિયત ક્રમ મુજબનાં ધ્યાન અહીં થતાં રહે છે અને અમે સદગુરુને સાથે રાખી ધન્ય થઈએ છીએ. ધ્યાનખંડમાં સો થી દોઢસો સન્યાસીઓ નિજ મૂડમાં નાચે, ગાય ને ધ્યાનસ્થ બને. સવારના છ વાગ્યે ડાયનેમિક મેડિટેશન શરૂ થાય અને રાજકોટથી, મેટોડાથી, સન્યાસીઓ પોણા  છ  સુધીમાં ગાડી પાર્ક કરી ખંડમાં ગોઠવાય જાય. 

          સંજય સ્વામી ને કમુ મા આગોતરા  પહોંચી જાય ખંડદ્વારે.. તે દિવસે કમુ  માની આંખ દુઃખવા આવી સવારમાં ને એમણે સંજય સ્વામીને કહ્યું, હું આજે નહીં આવું. એક ઈનોવામાં છ મિત્રો સાથે આવે, એમાંના  ગાડી માલિકના પત્નીએ રાત્રે પતિદેવના એલાર્મને બંધ કરી દીધો !  એક દંપતિ નિયમિત આવે. પતિ ટૂરમાં હોય તો  પણ પત્ની આવે જ, એ પ્રભાતે એમને આળસ આવ્યું ! ત્રણ મિત્રોને પરિવારના ઈમરજન્સી કામ માટે વહેલી સવારે બહારગામ જવાનું થયું ! આમ પચ્ચીસથી ત્રીસ નિયમિત સન્યાસીમાંથી કોઈ ન ફરકયું ! 

          ‘હશે, જેવી  ગુરુની ઈચ્છા.’ એમ મન વાળી સંજય સ્વામી હવે ધ્યાનખંડમાં પ્રવેશ્યા. રોજ તો એ મધ્યમાં બેસે, પણ આજે પ્રવેશદ્વાર પાસે રહેલ  મ્યુઝિક સિસ્ટમની નજીક બેઠા અને ધ્યાનમગ્ન થયા. નિયત દોર પૂરો થયો ને એકાદ કલાક પછી આંખો ખોલીને ઊભા  થવા જાય ત્યાં જ મોટો ધડાકો થયો અને સંજય સ્વામી નજીકના દ્વારથી બહાર કૂદ્યાને ધ્યાનખંડ ધબાય નમઃ !! આગળની આખી રાત વરસાદ પડયો  હતો, ખંડમાં પીઓપી સજાવટ હતી તેમાં કદાચ પાણી લીક થયું હોય,,,, જે થયું તે પણ એક માત્ર સંજય સ્વામીની ઉપસ્થિતિ અને એક જ પળમાં અસ્તિત્વએ હાજરી પુરાવી પણ એ જ અસ્તિત્વએ અનેકને સંકેત આપી કહી દીધેલું કે, ‘જ્યાં છો  ત્યાં રહો.’ સંજય સ્વામી તો પરમની હાજરી માણતા હસવા લાગ્યા, કમુ મા પણ બહાર દોડી આવ્યા, વાટિકામાં રહેતા કાર્યકરો પણ આવી ગયા ! સૌને આનંદ અને આશ્ચર્ય બંને હતા કે આજે કોઈ સન્યાસી ન હતા !!  ધ્યાનખંડે ભૂમિ પર  આળોટવાનું નક્કી કર્યું. આ બધા તો ઓશોપ્રેમી એટલે આ ઘટના માટે ‘ઉત્સવ’ ઉજવાયો અને એ વખતે નિયમિત  ડાયનેમિક એટેન્ડ કરનાર સૌ પોતે તે જ સવારે કેમ ન આવી શક્યા તે વર્ણવતા હતા, સૌ નાચ્યા, ગળે  મળ્યા, ખુબ હસ્યા ને અશ્રુથી પરમને અભિષેક કર્યો  !! 

                   વો ચાહે સો હોઈ !! એમ આપણે બોલીએ છીએ પણ આ ઓશોપ્રેમીઓએ અનુભવ્યું. રોજની જેમ પચ્ચીસ-ત્રીસ પ્રેમીઓ આવ્યા હોત  અને ધ્યાનખંડમાં જ બેઠા હોત તો ??…. આ ‘તો’ નો જવાબ અસ્તિત્વએ ઝીલી લીધો અને સૌને-બધાને ઘરે ઘરે જઈને  જાણે  કહી દીધું કે ‘આજે જશો નહીં, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’  

માટીમાંથી માનવ બન્યો ?

માટીમાંથી માનવ બન્યો ?

જેમણે શ્રેષ્ઠતમ બનવું હોય તેમણે નિમ્નતમની વ્યાખ્યાથી શરૂઆત કરવી પડે.

ભદ્રાયુ  વછરાજાની                                      bhadrayu2@gmail.com 

કહે છે કે આપણો દેહ એ પંચમહાભૂત નો બનેલો છે. એટલે કે તેમાં પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને પાણી એમ  બધા પાંચે-પાંચ તત્વો આવેલા છે. પણ એક કથા યાદ કરવા જેવી છે. 

પરમાત્માએ જ્યારે પ્રકૃતિ સર્જન કરવાની શરૂઆત કરી ત્યારે એમણે  બધું જ બનાવી લીધું અને કહેવાય છે કે, સૌથી છેલ્લે એમણે માણસને બનાવ્યો. માણસને એમણે માટી માંથી બનાવ્યો. પૂર્ણ પરિશ્રમથી માણસનો દેહ બની ગયો ત્યારે પરમાત્માએ બધા દેવતાઓને ભેગા કરીને કહ્યું કે, જુઓ મારી શ્રેષ્ઠતમ કૃતિ એ આ મનુષ્ય છે. મેં આનાથી વધુ સારું કશું બનાવ્યું નથી. મારા પ્રકૃતિના વિસ્તારમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી ગરીમાશાળી આ કૃતિ છે. પરંતુ દેવતાઓમાં પણ શંકા કરનારા તો હોય જ. એક શંકાપ્રિય દેવતાએ કહ્યું કે, એટલી બધી પ્રિય કૃતિ છે તો પછી એને માટીમાંથી કેમ બનાવી ? નિમ્નતમ ચીજમાંથી તમે શ્રેષ્ઠતમ ચીજ બનાવી છે, એવું કહેવા માગો છો? આ વાત અમને સમજાતી નથી. તરત જ કેટલાક ટેકો દેનારા રાજકારણી દેવતાઓ બાજુમાં આવ્યા અને દેવતાઓએ ઉત્સાહમાં આવીને કહ્યું, વાત તો સાચી છે, જો શ્રેષ્ઠતમ સર્જન કરવું હતું તો સોનામાંથી કરવું હતું અને સોનુ નહીં તો ચાંદી અને ચાંદી નહીં તો લોહ તત્ત્વમાંથી બનાવી શકાય ને. નિકૃષ્ઠમાંથી શ્રેષ્ઠ ??  આ વાત અમારા ગળે ઉતરતી નથી. 

પરમાત્મા જેનું નામ, જેના મુખ ઉપર કાયમ સ્મિત હોય, તે જરા વધુ હસી પડ્યા. તેમણે કહ્યું કે, જેણે શ્રેષ્ઠતમ બનવું હોય તેમણે નિમ્નતમની  વ્યાખ્યાથી  શરૂઆત કરવી પડે છે. જેમને સ્વર્ગમાં જવું હોય એમણે  નર્કમાં પહેલું પગલું મૂકવું પડે છે. જેને ઉપર ઉઠવું હોય, તેણે નિમ્નતમને સ્પર્શવું પડે છે. અને પછી પરમાત્માએ કહ્યું, તમે ક્યારેય સોનામાંથી કોઈ ચીજ ને ઉગતી જોઈ છે? ચાંદીમાંથી કોઈ નાનકડો છોડ ઉગતો ભાળ્યો છે? જાઓ, પ્રયોગ તો કરો. સોનામાં બીજ વાવી દ્યો, રાહ જુઓ કે કાંઈ ઉગે છે, નહીં  ઉગે. પરંતુ માટીમાં કશુંક ઉગે છે. મનુષ્ય એક સંભાવના છે, એક આશ્વાસન છે. હજી મનુષ્ય થવાનું છે, મનુષ્ય થયા નથી, થઈ શકે છે. મનુષ્ય એટલે કે માનવ થવાની બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે, પરંતુ માનવ તો મારે અને તમારે થવું પડશે. એટલા માટે તો આપણને માટીમાંથી બનાવ્યા છે. કારણ કે, માટીમાં જ બીજ વાવી શકાય છે, માટીમાંથી જ અંકુર નીકળે છે, અંકુરમાંથી જ વૃક્ષ બને  છે, ફુલ આવે છે ને સુગંધ પ્રસરે છે, અરે, તેને ફળ પણ આવે છે. 

માટી એ માનવ થવાનો એક મહોત્સવ છે. માટીમાં સંભાવના છે, સોનામાં કોઈ સંભાવના નથી. સોનુ તો મડદું છે, ચાંદી નિર્જીવ છે, જીવતા લોકો માટીને પૂજે  છે, માણસ જેટલો વધુ મરેલો એટલો તે વધુ સોનાનો પૂજક. અને માણસ જેટલો વધુ જીવંત એટલો તેનો  માટી સાથે મોહ, માટી સાથે લગાવ, માટી સાથે પ્રેમ અને માટી સાથે જીવન જોડી રાખે છે. ઈશ્વરે કહ્યું કે, બીજ માટીમાં ફેંકી દ્યો  તો પણ ખીલે છે, ફળે છે, અને મોટું થાય છે. બસ, એમ જ મનુષ્ય એક સંભાવના છે. ઈશ્વરે મૂકેલી અપાર ક્ષમતાની સંભાવના છે. એમણે  સોના અને ચાંદીની પાછળ ઘેલા થઈને એ સંભાવનાને કોઈપણ સંજોગોમાં મારી નથી નાખવાની. 

ઓશો સરસ વાત કરે છે કે, ગીત તો તમે લઈને આવ્યા છો, પણ ગીત હજુ  ગાવાનું બાકી છે. વીણા તમને હાથમાં આપી છે, હજી તમારી આંગળીઓ એ વીણાના તારને સ્પર્શી નથી. તમને જ્યારે નામ મળ્યું છે, દેહ મળ્યો છે, ત્યારે ઈશ્વરે તમને એક સંભાવના આપી છે. ઈશ્વરે આપણને માટીમાંથી  બનાવ્યા છે અને માટીમાં ભળી જવા માટે બનાવ્યા છે. આ વાતનો જ આનંદ છે, પ્રસન્નતા છે, ઉત્સવ છે, આપણે બેસવાનું નથી, આપણે ચાલવાનું નથી, આપણે દોડવાનું નથી, આપણે તો સતત નૃત્ય કરતા રહેવાનું  છે.

માર્ગ અનેક, ટોચ એક !!!

માર્ગ અનેક, ટોચ એક !!!

શ્રી રામકૃષ્ણદેવે  અનુભૂતિ કરીને સમાજને કહ્યું કે, બધા માર્ગ એક જગ્યાએ જતા હોય છે.

ભદ્રાયુ વછરાજાની                                                    bhadrayu2@gmail.com 

 શ્રી રામકૃષ્ણ મિશન અને શ્રી રામકૃષ્ણ મઠ, ભારતમાં સ્થપાયેલી આ સંસ્થાઓ વિશ્વની એવી એક માત્ર સંસ્થા છે કે જ્યાં સર્વ ધર્મોનો, જાહેરમાં, સમાન ભાવે, સ્વીકાર કરવામાં આવ્યો છે. આજની તારીખે દેશ અને વિશ્વ જ્યારે વિપથગામી પરિબળોના હાથમાં જકડાઈ રહ્યાં  છે, ત્યારે મિશન અને મઠ દ્વારા જે પ્રવૃત્તિઓ સ્થાપના કાળે થતી હતી તેના તર્કમાં કે તેના આયોજનમાં કશો જ ફેરફાર કર્યા વગર, જીવ માત્ર માટે થઈ રહી છે. 

‘મેન મેકિંગ એજ્યુકેશન’ ની વાત કરનાર સ્વામી શ્રી વિવેકાનંદ દ્વારા બહુ જ ચાયતથી સ્થાપવામાં આવેલી આ સંસ્થા વિશ્વની એવી સંસ્થા છે કે જેમાં વર્ષો પછી નાનકડા અક્ષરનો કે ઉદ્દેશનો કાગળ ઉપર કે વ્યવહારમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. આનું કારણ એ છે કે સ્વામી વિવેકાનંદને એવા ગુરુ મળ્યા હતા કે, જે ગુરુએ ક્યારેય પોતે અનુભવ કર્યા સિવાયની વાત કરી ન હતી. શ્રી રામકૃષ્ણ ‘પરમહંસ’ એટલે કહેવાયા કે, તેઓ પોતાનું જીવન અનેક ધર્મોમાં ગાળીને પરત ‘રામકૃષ્ણ’ બન્યા હતા. 

રામકૃષ્ણદેવે બહુ નોખો પ્રયોગ કર્યો આ પૃથ્વી ઉપર. બધા જ ધર્મોનો એમણે ખુદે અનુભવ કર્યો. હિન્દુઓની જેમ સાધના કરી, મુસલમાન બનીને મુસ્લિમ ધર્મની સાધના કરી, બુદ્ધની જેમ બૌદ્ધ ધર્મની  સાધના કરી. આવું ક્યારેય કોઈએ કર્યું નોહ્તું. કારણ કે, જેઓ એક માર્ગથી જ ટોચે પહોંચી ગયા તેઓ સંતુષ્ટ થઇ ગયા એટલે તેઓ હવે બીજા માર્ગ વિશે કેમ કોઈ આગળ વાત કરી શકે? પરંતુ રામકૃષ્ણદેવ બહુ મોટી અનુકંપાના દેવ હતા. એક સ્થાને પહોંચ્યા પછી ફરી પાછા એ તળેટીમાં આવી જતા અને કોઈ બીજો માર્ગ પકડીને ત્યાંથી ઉપર ચડતા હતા. આવું એમણે અનેકવાર કર્યું હતું. કારણ કે દુનિયાને તેઓ કહી શકે કે, મારા અનુભવના આધાર ઉપરથી  હું સ્પષ્ટ કહું છું કે, બધા રસ્તાઓ એક શિખર ઉપર પહોંચાડે છે. 

રામકૃષ્ણદેવ અધિકારી પરમહંસ હતા. અહીંયા કોઈ બૌદ્ધિક સમન્વયની વાત નહોતી કે  વાંચેલી, વિચારેલી વાત નહોતી. પણ પોતે પોતાના જીવનમાં અમલમાં મૂકેલી હતી. અને તેમના આધારે એમણે કહ્યું હતું, બધા જ ધર્મમાં સત્ય છે, ઉદારતા છે, સહિષ્ણુતા છે. શ્રી રામકૃષ્ણદેવના નિજી અનુભવના આધારે તેઓએ પ્રસ્થાપિત કર્યું કે, બધા ધર્મો તો એક ટોચ પર પહોંચે છે. તેઓએ  પહોંચીને પ્રયોગ કર્યો અથવા પ્રયોગ કરીને પહોંચતા રહ્યા. 

આશ્ચર્યની વાત એ છે કે, બંગાળમાં એક પ્રચલિત સખી સંપ્રદાય છે, કે જ્યાં તેઓ સૌ પોતાની જાતને સખી માને છે, અને એના પરમાત્મા કૃષ્ણ છે તેવું સ્વીકારે છે. હદ તો ત્યાં થાય છે કે આ સંપ્રદાય રાત્રે જ્યારે સુવે ત્યારે સ્ત્રીઓના કપડા પહેરે છે, અને પોતાની નજીકમાં કૃષ્ણની મૂર્તિ રાખીને સુવે છે, જાણે કોઈ પત્ની પોતાના પતિને છાતી ઉપર ચાંપીને સૂઈ ગઈ હોય!! . રામકૃષ્ણદેવે આ પંથની પણ સાધના કરી. પણ આ સાધના દરમિયાન એક બહુ જ અનોખી ઘટના બની, અકલ્પનિય ઘટના બની. સખી  સંપ્રદાયના લોકો તો રાત પૂરતા પોતાની જાતને સ્ત્રી ગણાવતા હતા અને સ્ત્રીઓના કપડા પહેરતા હતા. પરંતુ કોઈ જોવે નહીં એની કાળજી લેતા હતા, અને ધર્મની ક્રિયા પૂરી કરતા હતા. પરંતુ રામકૃષ્ણદેવે તો જે કર્યું તે સમગ્ર જાતે કર્યું. તેઓ તો દિવસ દરમિયાન પણ સ્ત્રીઓના જ કપડાં પહેરવા લાગ્યા, પછી રાત શું અને દિવસ શું, એમાં ફર્ક શા માટે રાખવો ?? . દિવસના પણ કૃષ્ણની મૂર્તિ છાતી સાથે લગાવીને ફરતા રહ્યા. અને એક અનોખો ચમત્કાર થયો. જેનો સમર્થ લોકોએ અભ્યાસ પણ કર્યો. અંગ્રેજી ચિકિત્સકે પણ આવીને આ વાતનું અધ્યયન કર્યું. રામકૃષ્ણદેવની આ અવસ્થા દરમિયાન તેના સ્તન વધીને સ્ત્રીઓ જેવા થવા લાગ્યા. તેઓ સ્ત્રીની ભાવ દશામાં જ જીવવા લાગ્યા. કોઈ તો કહે છે કે, રામકૃષ્ણ દેવને માસિક ધર્મ પણ શરૂ થયો, એ બહુ જ અપૂર્વક ઘટના હતી. રામકૃષ્ણદેવ ચાલે તો પણ સ્ત્રીની  ચાલથી ચાલે. આ આસાન નથી, બહુ અભ્યાસ કરીએ તો પણ આપણને મુશ્કેલી પડે છે. પણ રામકૃષ્ણદેવે આ કરવું નહોતું પડતું, પરંતુ તેઓએ તો સાધના માર્ગ પકડ્યો હતો તેથી તેઓ સર્વાંગ સ્ત્રી બનીને પૂરો સમય જીવવા લાગ્યા. એની ચાલને ઓળખવી મુશ્કેલ પડી ગઈ. તેમનો અવાજ બદલવા લાગ્યો, પુરુષના અવાજમાંથી ભેદ થયો, સ્ત્રી જેવો અવાજ થવા લાગ્યો. તે નાજુક અને એકદમ ઝીણો અવાજ થયો. છ મહિના સુધી એમની  સાધના ચાલી અને છ મહિના પછી તેઓએ ઘોષણા કરી કે, માર્ગ પણ સત્ય છે. માર્ગ છોડી દીધો એના છ મહિના સુધી એના સ્તન વધેલા રહ્યા, ધીરે-ધીરે -ધીરે નાના થવા લાગ્યા, ધીરે-ધીરે એમની ચાલ બદલી, ધીમે-ધીમે એમનો અવાજ પાછો આવ્યો અને ધીમે-ધીમે તેમનો માસિક ધર્મ બંધ થયો. 

અનુભવ હું અને તમે કરી શકીએ, અનુભવ સખી સંપ્રદાય કરી શકે, અનુભવ સાદા ધર્મના લોકો કરી શકે, પણ એવો અનુભવ કે જેના આધારે તમારા દેહની રચનામાં ફેરફાર થવા લાગે તેને અનુભૂતિ કહેવાય છે. શ્રી રામકૃષ્ણદેવ પરમહંસનું સ્થાન એટલે પ્રાપ્ત કરી શક્યા કે તેમણે અનુભૂતિ કરીને સમાજને કહ્યું કે, બધા માર્ગ એક જગ્યાએ જતાં હોય છે.

 

 

 

 

 

નામ એ પડકાર છે.

નામ એ પડકાર છે.

નામ એ પડકાર છે.

નામ મળ્યું એટલે સાર્થક નથી થયું, પણ સાર્થક થવાની કે ન થવાની સંભાવના ઉભી થઈ છે.

વિચારોના ઓટલેથી…….(01) for  www.gstv.in

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

What is there in a Name ? 

આ અંગ્રેજી વાક્ય શેક્સપિયરે કહ્યાનું આપણને કહેવામાં આવ્યું છે. શેક્સપિયરે કહ્યું કે અન્ય કોઈએ કહ્યું પણ આપણે આ વાક્યને સાચું માની લીધું છે કે, નામમાં તે વળી શું રાખ્યું છે? વાત સાચી છે, કારણ કે જેવું નામ હોય તેવું જીવન હોય એવું કંઈ જરૂરી નથી. નામ આપણને જે મળ્યું છે તે આપણે તેવા છીએ એટલે મળ્યું નથી, પણ આપણે તેવા બનવાનું છે, એ યાદ અપાવવા માટે એવું નામ રાખવામાં આવ્યું છે. 

એક જૂની કથા છે. કોઈ બાળકના મા-બાપે તેનું એક વિચિત્ર નામ પાડી દીધું. નામ પાડ્યું ‘પાપક’. આ ‘પાપક’ એટલે તો એવો સીધો અર્થ કે આ માણસ પાપી છે અને માની લો કે, એ પાપી હોય તો પણ એવું નામ થોડું રખાય? હવે વિચારવાનો મુદ્દો એ હતો કે, જેનું નામ ‘પાપક’ રાખ્યું તેને ઓળખનારા તો સૌ સમજે છે કે, આ પાપી છે. આ નામથી તે મુશ્કેલીમાં મુકાવા લાગ્યો. મોટો થતો ગયો તેમ આ નામ તેને પજવવા લાગ્યું. 

એમના એક ગુરુ હતા. એ ગુરૂને જઈને એમણે કહ્યું કે, “મારું નામ બદલી આપો. તમારી પાસેથી મારી એક જ અપેક્ષા છે કે, તમે મારું આ અપ્રિય, અશુભ, અમાંગલિક એવું નામ છે એ બદલાવી આપો.” ગુરુ એ ઘણું સમજાવ્યું કે, “નામમાં કઈ નથી. નામ તો વ્યવહાર જગતમાં કેવળ બોલાવવા માટે છે. નામ બદલવાથી કંઈ સિદ્ધ નથી થતું.” પરંતુ એમણે કહ્યું, “ગુરુજી મહેરબાની કરો, હું આપને પગે પડું. થોડું કઠિન કામ છે, પણ મારું નામ બદલી આપો.” ગુરુને વિચાર આવ્યો કે, ના તો નહીં પડાય. એટલે એમણે કહ્યું કે, “તું જા, આખા ગામમાં જઈ આવ, ફરી આવ, લોકોને પૂછીને આવ કે તમારું નામ શું છે. અને તું મને એવું બતાવી દે કે જેનું નામ છે એવા એના ગુણ છે,તો તું કહીશ એ પ્રમાણે નામ બદલી આપીશ.” 

પાપક તો હોંશ ભેર ઉપડ્યો. બધે જ જઈ આવ્યો, ખોજ કરવા માટે… ભાઈશ્રી પાપક તો ગુરુના કહેવા પ્રમાણે નીકળ્યો. પહેલો ભાઈ મળ્યો એ અંધ હતો, એને પૂછ્યું તારું નામ શું? તો જવાબ મળ્યો ‘નયનસુખ’. ચોકીગયો, હદ થઇ ગઈ, નામ ‘નયનસુખ’ અને આંખમાં…!!! એણે વિચાર્યું કે આનાથી મારે શું લેવા-દેવા? આગળ ગયો ત્યાં એક સ્મ્શાન યાત્રા જતી હતી એમાં જઈને એમણે કોઈને ધીમેથી પૂછ્યું કે, ‘ભાઈ, આ કોણ મરી ગયું છે? તમે અર્થી ઉપાડીને ચાલો છો તો કોણ મરી ગયું છે?’ જવાબ સાંભળીને વધુ ચોંક્યો: ‘જીવક’ મરી ગયો છે. અરે ‘જીવક’ મરી ગયો છે! જીવક એટલે તો ‘જે જીવે તે’, આ તો બહુ ખરાબ નામ છે. જીવક પોતે મૃત્યુનો શિકાર બની ગયો? 

ગુજરાતી બાળસાહિત્યમાં રાષ્ટ્રીય એકેડેમીનું સન્માન પ્રાપ્ત કરનાર દ્વારિકાના ઈશ્વર પરમારે ટૂંકામાં ટૂંકી લઘુકથા લખી છે. બે લીટીની લઘુ વાર્તા છેએ. કોઈ એ કહ્યું, ‘સાંભળો છોજીવણલાલ મરી ગયા‘. આશ્ચર્ય સાથે જવાબ મળ્યો: ‘શું કહો છો જીવન લાલ જીવતાં હતા !?!’  આવા જ અનુભવ એ માણસને દરેક જગ્યાએ થયા અને એને જાણવા મળ્યું કે, નામ ‘ધનપાલ’ હોય તો એ માણસ તો ભિખારી હોય ને પૈસા-પૈસા માટે તે હેરાન થતો હોય છે. નામ ‘પથિક’ છે તો એ બીજાને પથ પૂછતો હોય છે!એ થાક્યો, હાર્યો ને પાછો આવ્યો. એણે આવીને ગુરુને વર્ણન કર્યું કે, ‘ગુરુજી, આપ કહો છો તે સાચું છે, નામ તેવા કોઈના ગુણ નથી.’ ગુરુએ સમજાવ્યું કે, ‘તારું નામ સુંદર છે, અને આ સુંદર નામ સાથે લગાવ રાખવાની શરૂઆત કર. તું એમ કેમ માને છે કે પાપક નામ રાખ્યું, એટલે તું પાપી છો?? તું યાદ રાખને કે તારું નામ પાપક છે એટલે તારે પાપ નથી કરવાનું. બસ, એ વાત સતત સ્મૃતિમાં રહે એટલે તારું નામ પાપક રાખવામાં આવ્યું છે.’

નામ એ પડકાર છે. એનાથી સમજી લેવાની જરૂર નથી કે, જે નામ છે એ તમે છો. ખરેખર જે નામ છે તે તમારે થવાનું છે. નામ મળ્યું એટલે સાર્થક નથી થયું, પણ સાર્થક થવાની કે નથવાની સંભાવના ઉભી થઈ છે. તમને જ્યારે દેહ મળ્યો છે, ત્યારે ઈશ્વરે નામ આપીને તમને એક સંભાવના આપી છે. જેનું નામ સચ્ચિદાનંદ હોય તે કાંઇ જીવનભર સચ્ચિદાનંદ નથી હોતો. પરંતુ એ માણસ માટે હંમેશા આનંદમાં રહેવાની એક સંભાવના ઉભી થઇ છે. સચ્ચિદાનંદ નામધારી ચોરી કરે સચ્ચિદાનંદ કોઈની હત્યા કરી શકે?, સચ્ચિદાનંદ ઉદાસ રહી શકે? કે મડદાલની જેમ બેસી શકે? તરત જ વિચાર આવશે કે આ બધું કાંઈ મારા નામ સાથે મેળખાતું નથી. નામ એ સંભાવનાનો એક પડાવ છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback


નામ એ પડકાર છે.

નામ એ પડકાર છે.

નામ મળ્યું એટલે સાર્થક નથી થયુંપણ સાર્થક થવાની કે ન થવાની સંભાવના ઉભી થઈ છે.

What is there in a Name ? 

આ અંગ્રેજી વાક્ય શેક્સપિયરે કહ્યાનું આપણને કહેવામાં આવ્યું છે. શેક્સપિયરે કહ્યું કે અન્ય કોઈએ કહ્યું પણ આપણે આ વાક્યને સાચું માની લીધું છે કે, નામમાં તે વળી શું રાખ્યું છે? વાત સાચી છે, કારણ કે જેવું નામ હોય તેવું જીવન હોય એવું કંઈ જરૂરી નથી. નામ આપણને જે મળ્યું છે તે આપણે તેવા છીએ એટલે મળ્યું નથી, પણ આપણે તેવા બનવાનું છે, એ યાદ અપાવવા માટે એવું નામ રાખવામાં આવ્યું છે. 

એક જૂની કથા છે. કોઈ બાળકના મા-બાપે તેનું એક વિચિત્ર નામ પાડી દીધું. નામ પાડ્યું ‘પાપક’. આ ‘પાપક’ એટલે તો એવો સીધો અર્થ કે આ માણસ પાપી છે અને માની લો કે, એ પાપી હોય તો પણ એવું નામ થોડું રખાય? હવે વિચારવાનો મુદ્દો એ હતો કે, જેનું નામ ‘પાપક’ રાખ્યું તેને ઓળખનારા તો સૌ સમજે છે કે, આ પાપી છે. આ નામથી તે મુશ્કેલીમાં મુકાવા લાગ્યો. મોટો થતો ગયો તેમ આ નામ તેને પજવવા લાગ્યું. 

એમના એક ગુરુ હતા. એ ગુરૂને જઈને એમણે કહ્યું કે, “મારું નામ બદલી આપો. તમારી પાસેથી મારી એક જ અપેક્ષા છે કે, તમે મારું આ અપ્રિય, અશુભ, અમાંગલિક એવું નામ છે એ બદલાવી આપો.” ગુરુ એ ઘણું સમજાવ્યું કે, “નામમાં કઈ નથી. નામ તો વ્યવહાર જગતમાં કેવળ બોલાવવા માટે છે. નામ બદલવાથી કંઈ સિદ્ધ નથી થતું.” પરંતુ એમણે કહ્યું, “ગુરુજી મહેરબાની કરો, હું આપને પગે પડું. થોડું કઠિન કામ છે, પણ મારું નામ બદલી આપો.” ગુરુને વિચાર આવ્યો કે, ના તો નહીં પડાય. એટલે એમણે કહ્યું કે, “તું જા, આખા ગામમાં જઈ આવ, ફરી આવ, લોકોને પૂછીને આવ કે તમારું નામ શું છે. અને તું મને એવું બતાવી દે કે જેનું નામ છે એવા એના ગુણ છે,તો તું કહીશ એ પ્રમાણે નામ બદલી આપીશ.” 

પાપક તો હોંશ ભેર ઉપડ્યો. બધે જ જઈ આવ્યો, ખોજ કરવા માટે… ભાઈશ્રી પાપક તો ગુરુના કહેવા પ્રમાણે નીકળ્યો. પહેલો ભાઈ મળ્યો એ અંધ હતો, એને પૂછ્યું તારું નામ શું? તો જવાબ મળ્યો ‘નયનસુખ’. ચોકીગયો, હદ થઇ ગઈ, નામ ‘નયનસુખ’ અને આંખમાં…!!! એણે વિચાર્યું કે આનાથી મારે શું લેવા-દેવા? આગળ ગયો ત્યાં એક સ્મ્શાન યાત્રા જતી હતી એમાં જઈને એમણે કોઈને ધીમેથી પૂછ્યું કે, ‘ભાઈ, આ કોણ મરી ગયું છે? તમે અર્થી ઉપાડીને ચાલો છો તો કોણ મરી ગયું છે?’ જવાબ સાંભળીને વધુ ચોંક્યો: ‘જીવક’ મરી ગયો છે. અરે ‘જીવક’ મરી ગયો છે! જીવક એટલે તો ‘જે જીવે તે’, આ તો બહુ ખરાબ નામ છે. જીવક પોતે મૃત્યુનો શિકાર બની ગયો? 

ગુજરાતી બાળસાહિત્યમાં રાષ્ટ્રીય એકેડેમીનું સન્માન પ્રાપ્ત કરનાર દ્વારિકાના ઈશ્વર પરમારે ટૂંકામાં ટૂંકી લઘુકથા લખી છે. બે લીટીની લઘુ વાર્તા છેએ. કોઈ એ કહ્યું, ‘સાંભળો છોજીવણલાલ મરી ગયા‘. આશ્ચર્ય સાથે જવાબ મળ્યો: ‘શું કહો છો જીવન લાલ જીવતાં હતા !?!’  આવા જ અનુભવ એ માણસને દરેક જગ્યાએ થયા અને એને જાણવા મળ્યું કે, નામ ‘ધનપાલ’ હોય તો એ માણસ તો ભિખારી હોય ને પૈસા-પૈસા માટે તે હેરાન થતો હોય છે. નામ ‘પથિક’ છે તો એ બીજાને પથ પૂછતો હોય છે!એ થાક્યો, હાર્યો ને પાછો આવ્યો. એણે આવીને ગુરુને વર્ણન કર્યું કે, ‘ગુરુજી, આપ કહો છો તે સાચું છે, નામ તેવા કોઈના ગુણ નથી.’ ગુરુએ સમજાવ્યું કે, ‘તારું નામ સુંદર છે, અને આ સુંદર નામ સાથે લગાવ રાખવાની શરૂઆત કર. તું એમ કેમ માને છે કે પાપક નામ રાખ્યું, એટલે તું પાપી છો?? તું યાદ રાખને કે તારું નામ પાપક છે એટલે તારે પાપ નથી કરવાનું. બસ, એ વાત સતત સ્મૃતિમાં રહે એટલે તારું નામ પાપક રાખવામાં આવ્યું છે.’

નામ એ પડકાર છે. એનાથી સમજી લેવાની જરૂર નથી કે, જે નામ છે એ તમે છો. ખરેખર જે નામ છે તે તમારે થવાનું છે. નામ મળ્યું એટલે સાર્થક નથી થયું, પણ સાર્થક થવાની કે નથવાની સંભાવના ઉભી થઈ છે. તમને જ્યારે દેહ મળ્યો છે, ત્યારે ઈશ્વરે નામ આપીને તમને એક સંભાવના આપી છે. જેનું નામ સચ્ચિદાનંદ હોય તે કાંઇ જીવનભર સચ્ચિદાનંદ નથી હોતો. પરંતુ એ માણસ માટે હંમેશા આનંદમાં રહેવાની એક સંભાવના ઉભી થઇ છે. સચ્ચિદાનંદ નામધારી ચોરી કરે સચ્ચિદાનંદ કોઈની હત્યા કરી શકે?, સચ્ચિદાનંદ ઉદાસ રહી શકે? કે મડદાલની જેમ બેસી શકે? તરત જ વિચાર આવશે કે આ બધું કાંઈ મારા નામ સાથે મેળખાતું નથી. નામ એ સંભાવનાનો એક પડાવ છે.

– ડૉ. ભદ્રાયુ વછરાજાની

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો https://chat.whatsapp.com/BQ71OAenshxBequlEb5wwu