શિક્ષણ અને કેળવણી

ગુજરાત દીપોત્સવી અંક ૨૦૨૩

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

જેમાં મસ્તકનો ઉપયોગ થાય એ શિક્ષણ. જેમાં મસ્તક સાથે હૈયું અને હાથ જોડાય એ કેળવણી.

શિક્ષણ અને કેળવણી બંને શબ્દો આપણે ઉપયોગમાં લઈએ છીએ, પણ હકીકતમાં આ બંને શબ્દોનો અર્થ  એક નથી.  બહુ ફર્ક  છે,  શિક્ષણ અને કેળવણીમાં.  

ઉમાશંકરભાઈની બહુ સરસ ઉક્તિ છે : 

ત્રણ વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ 

ચોથું નથી માંગવું, બહુ  દઈ દીધું નાથ. 

કવિવર્ય આભાર માને છે ઈશ્વરનો કે મને તમે હૈયું, મસ્તક અને હાથ ત્રણ આપ્યા છે.  તેટલું  ઘણું છે. હવે કંઈ  વધુ જોઈતું નથી. કારણ કે આ ત્રણથી હું પૃથ્વીને સર કરીને બહાર નીકળી જઈ શકું એમ છું. પ્રશ્ન થાય કે  ‘આ કેવી રીતે શક્ય છે ?’  જવાબ મળે છે કે, જો હૈયું, મસ્તક અને હાથ ત્રણેયનો ઉપયોગ કરું તો.. 

શિક્ષણ એટલે  જેમાં કેવળ મસ્તકનો ઉપયોગ થાય એ. અને   કેળવણી એટલે  જેમાં મસ્તકની સાથે હૈયું અને હાથ જોડાય એ.  બસ, આટલો જ ફરક. મગજમાં જેટલું નાખ્યા કરો એ બધું શિક્ષણ છે પણ મગજમાં નાખેલું જયારે  હાથ પગથી અમલમાં મુકો તો એ કેળવણી છે. પરંતુ કમનસીબે આપણે હાથ પગનો તો ઉપયોગ જ નથી કરતા. જે મળે તે બધું મસ્તકમાં અંદર નાખ્યા કરીએ છીએ. 

અત્યારે મોટા ભાગના શિક્ષકો કેવી રીતે ભણાવે છે ? બોલીને ભણાવે, ચોકસ્ટીકથી ભણાવે. હવે  જે ભણાવવામાં આવે  તે વિદ્યાર્થી લખી લે. શિક્ષકે પોતે જે ભણાવ્યું હોય તેના આધારે પરીક્ષામાં પ્રશ્નો પૂછે. એ પ્રશ્નના શિક્ષકે લખાવ્યા હોય એ જ જવાબો વિદ્યાર્થી લખે એટલે બંને પક્ષ  રાજી રાજી. આ જે આખી પ્રક્રિયા થઈ એને શિક્ષણની પ્રક્રિયા કહેવાય. જેમાં માત્ર ને માત્ર મગજનો જ ઉપયોગ થયો, હાથ પગનો ઉપયોગ થતો જ નથી. હું વિજ્ઞાનનો શિક્ષક છું અને ઓક્સિજન કેમ બનાવવો એ બ્લેક બોર્ડ ઉપર સરસ સમજાવું અને એ સરસ સમજાવીને હું રાજી થયો પણ મારા વિદ્યાર્થીઓને એ સમજવાથી સંતોષ નથી.  મારા વિદ્યાર્થીઓને તો એમ છે કે શિક્ષક ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવે. તો એક શિક્ષક તરીકે મને ઓક્સિજનનો પ્રયોગ કરી બતાવતા આવડવું જોઈએ. હું માત્ર ઓક્સિજનના પ્રયોગના હેતુ અને સાધનો લખાવી દઉં કે સમજાવી દઉં તો હું શિક્ષક છું પણ હું મારા વિદ્યાર્થીઓને  લેબોરેટરીમાં લઇ જાઉં અને ત્યાં  જઈને ઓક્સીજનને બનતો દેખાડું તો મેં કૌશલ્યપૂર્ણ શિક્ષક છું, એમ કહેવાય. હજી એનાથી પણ આગળ જઈએ. પ્રયોગશાળામાં લઇ જઈને  હું એમ કહું કે કોઈ ત્રણ વિદ્યાર્થીઓ આવો અને હું અહીંયા ઉભો છું,  તમે મારી હાજરીમાં ઓક્સિજન બનાવો. ત્રણ વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરફોર્મ કરે અને ઓક્સિજન બનાવવાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત કરે, આ પ્રક્રિયાને કેળવણી કહેવાય. 

કેમ શીખવું તે શીખવે એને શિક્ષણ કહેવાય.  પણ કેમ કરવું તે વ્યક્તિ પાસે કરાવે એને કેળવણી કહેવાય. વિદેશોમાં એક વાક્ય બોલાય છે. Do it yourself. તેનું એક ઉદાહરણ આપું.  મારો દીકરો ઓસ્ટ્રેલિયા હતો. એટલે હું ત્યાં ગયો  હતો ને છ મહિના રોકાયો. એ દરમિયાન એના સુંદર મજાના બાથરૂમમાં ફુવારો હોય એમાંથી પાણી ટપકયા જ કરે.  હું રોજ નાહી લીધા પછી જોઉં કે પાણી  ટપક્યા કરે છે. મારા દીકરાને કહ્યું કે, ફુવારામાંથી પાણી ટપકે છે, તો પ્લમ્બરને બોલાવી લે, પાણી વેડફાય છે. તો એ મને  જવાબ ન આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે !! એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું, ‘અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય ? તકલીફ શું છે ?’  એમણે  જવાબ આપ્યો :  ‘ પપ્પા,  હું પ્લમ્બરને બોલવું તો વાંધો નથી પણ મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રીપેર કરવા માટે આપવો પડે. બહુ ચાર્જ કરે, પ્લમ્બર લોકો અહીં…’  મેં કીધું, ‘ એટલા બધા પૈસા ! કેમ એવું ?’ તો કહે,  ‘અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે.’  મેં કીધું, ‘ આપણે તો આપણું  કામ કરીએ જ છીએ. આ પાણી ટપકે એ આપણું કામ ?’  તો કહે, ‘ હા એ પણ આપણું કામ છે.’  મેં કહ્યું કે,  ‘તો  આનો ઉપાય શું ? આને ટપકવા દેવાનું ?’  તો કહે, ‘ પપ્પા,આ રવિવાર આવશે ને ત્યારે વિકેન્ડમાં  હું તમને એક જગ્યાએ લઇ જઈશ’  અને ખરેખર શનિ રવિમાં લોન્ગ ડ્રાઈવમાં અમને લઇ ગયો. એક મસ મોટા મોલની બહાર મોટા અક્ષરે લખ્યું હતું ‘Do it yourself,  જેને DIY’ કહેવાય. તમે જાતે કરો. હું તો જોઈને જ અચંબિત થઇ ગયો. એમાં બધા જ વિભાગો… પ્લમ્બિંગનો વિભાગ, કિચનનો વિભાગ, ગાર્ડનનો વિભાગ. તમારા કામના વિભાગમાં તમારે જવાનું. તમારે જઈને બધું જોવાનું કે,  મારે શું જોઈએ છે ?  ત્યાં જઈને પૂછો કે આ મારી ફરિયાદ છે કે શાવરમાંથી પાણી ટપકે છે એટલે એમણે એક  નાનકડો વિડીયો દેખાડી પુચ્છ્યું  : . આવી રીતે ટપકે છે ? અમે કહ્યું, હા, બસ આમ જ..   તો કહે,  તમે આટલું આટલું લઇ જાઓ. હું તમને તમારે શું કરવાનું છે તેનો વિડીયો બતાવું છું. એટલે ફરી વિડીયો બતાવ્યો કે શું શું કરવાનું અને કેમ કરવાનું. મારા દીકરાએ કીટ લઈ  લીધી, તેની કિંમત  ચૂકવી દીધી  અને મને કહે, ચાલો આપણું કામ પૂરું.  આપણે હવે બધે ચક્કર લગાવીએ. ગાર્ડન વિભાગમાં શું છે ? તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે, તમારે નવો છોડ વાવવો છે ? તો આ માટી છે  લઈ  જાઓ. તેમાં નાખવાનું ખાતર બાજુના બોક્ષમાં છે તે લઇ જાઓ, છોડ લઇ જાઓ. કેમ રોપવું તેનો  વિડીયો આ રહ્યો.. Do it yourself DIY આખો મોલ જ એવો કે તમે જે બોલો એ બધું નીકળે ત્યાંથી.  હવે સમજાયું કે કેમ કોઈ કશું  કરવા ઘરે ન આવે. 

હવે પ્રશ્ન થાય કે ઘરે કોઈ કામ  કરવા ન આવે તેનું કારણ શું ? કારણ જાણવા જેવું છે. ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશનમાં જવામાં ઘણા બધાને રસ જ નથી. ઓસ્ટ્રેલિયામાં  મહત્તમ ભણનારા બહારથી આવે છે અને ભણાવનારા પણ બહારથી આવે છે. મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો ત્યાં ઉચ્ચ શિક્ષણમાં જવાનું પસંદ કરતા નથી. એ સૌ તો સ્કૂલિંગ પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે છે કે તરત  એનું પ્લેસમેન્ટ થઈ જાય. ઉદાહરણ તરીકે,  અહીં સફરજનના મોટા મોટા બાગ છે.  તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા, તો તમને તેના માટે જોબ પર રાખી લે. તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે જોબ પર રાખી જ દે.  અને ઘણા બધા પગારથી કામે રાખે કારણ કે ત્યાં આવા માણસોની શોર્ટેજ છે. તમે પ્લમ્બર છો તો તમને કોઈપણ વ્યક્તિ ઘરે બોલાવે એટલે એટલો હાઈ ચાર્જ થાય કે તમે બોલાવી જ ન શકો. Do it yourself ના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ કેળવણી છે.  છેલ્લા થોડા વર્ષોથી આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી છે તેમાં આ  સ્કીલવાળી વાત છે, એ ઓસ્ટ્રેલિયાની જે વાત કરી તેવી જ છે.સ્કૂલિંગ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાઈ છે,  એ કેળવણીની વાત છે. જ્યાં બુદ્ધિ ચોક્કસ કામ કરશે  પણ હાથ અને પગ પણ સાથોસાથ કામ કરશે ને પરસેવો પણ પડશે.  

તકલીફ ત્યાં છે કે શિક્ષણ અને કેળવણી માટે અંગ્રેજીમાં એક જ શબ્દ બોલાય છે અને તે છે, એજ્યુકેશન. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરોબિંદો, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી  કોઈએ શિક્ષણ શબ્દ વાપર્યો જ  નથી,  કેળવણી  શબ્દ જ વાપર્યો છે. તો Education  એ શિક્ષણ છે,  પણ Training  એ ખરેખર કેળવણી છે.  કેળવણી એટલે આવડત. What you can perform? તમે કેટલું કરી શકો છો એ કેળવણી છે. પણ ત્યારે જ કરી  શકીએ  જો  કરવાનું શીખ્યા હોઈએ ..

હવેના મા બાપે પણ સમજવું પડશે  કે પોતે નાનકડું કામ કરતા હોય તો પણ બાળકને ભેગા જોડે  અને કહે કે,  આ લે ચાકુ, નાનકડું બટેટું સુધારવામાં મદદ કર. ભલે કદાચ એને થોડુંક વાગે, વાગવા દઈએ , લોહી નીકળવા દઈએ. લોહી નીકળે ત્યારે શું થાય એનો અનુભવ એને લેવા દઈએ. મહાત્મા ગાંધીનો શબ્દ છે, આત્મનિર્ભર. મહાત્મા ગાંધી આશ્રમની સફાઈ, ટોયલેટની સફાઈ પોતે કરતા હતા. હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એ કોંગ્રેસના મુખ્ય વ્યક્તિ હતા તો પણ એમણે ત્યાં જાહેર જાજરૂ અને બાથરૂમને સાફ કરવાનું કામ કર્યું. વિનોબાજીનું ‘શિક્ષણ સંવાદ’ નામનું પુસ્તક છે, યજ્ઞ પ્રકાશન, વડોદરાનું એ પુસ્તક છે. જેમાં  વિનોબાજીએ કહ્યું છે કે,  ‘તમારા દીકરા દીકરીને નાના હોય ત્યારે રસોડામાં ચા કરવા જવા દેજો અને એ વખતે મીઠું અને ખાંડના  બે ડબ્બા બાજુમાં પડ્યા હોય અને એને ખબર ન પડે ને એ મીઠું નાખી દે તો નાખવા દેજો. એ વખતે એને ભૂલ સમજાશે તો એ જિંદગીમાં એ ભૂલ ફરી ક્યારેય નહીં કરે.’   આ કેળવણી છે. હું મારું  કામ જાતે જ કરીશ તો હું કોઈકનું કામ કરવા માટે તત્પર રહીશ. મારું આંગણું મારે

સાફ કરવાનું.. મારા  કેમ્પસને રળિયામણું બનાવવું હોય, લીલુંછમ બનાવવું હોય તો એ મારી પણ જવાબદારી છે.

શિક્ષણ પ્રક્રિયામાં ત્રણ શબ્દો છે:  જ્ઞાનાત્મક, ભાવાત્મક અને  ક્રિયાત્મક. આ શાશ્વત છે. કોગ્નિટિવ ડૉમેઇન, સાયકો મોટર ડૉમેઇન, અફેક્ટિવ ડૉમેઇન (Cognitive Domain-Affective Domain – Psychomotor Domain)   જ્ઞાનાત્મક એટલે મસ્તક,  અફેક્ટિવ એટલે હૃદય સાથે જોડાયેલું, સાયકો મોટર ડૉમેઇન એટલે હાથ-પગ સાથે જોડાયેલ કૌશલ્ય. ઉમાશંકર જોશીએ કહી તે જ વાત : ત્રણ વાના મુજને મળ્યા હૈયું, મસ્તક, હાથ  – ત્રણ શબ્દો ગાંધીના સમયમાં પણ પ્રચલિત હતા. Three H,, Head, Heart and Hand. એક બહુ સુંદર મજાનું વાક્ય છે:  તમે કહેશો તો હું ભૂલી જઈશ, તમે દર્શાવશો તો થોડું યાદ રહેશે, પણ તમે મને કરવાનું કહેશો તો હું શીખી જઈશ.’ 

કોઈપણ વાતાવરણ કાં તો તમને સપોર્ટ કરે છે, કાં  તમારી વેલ્યુ કરે છે, અને કાં તો કશીક ડિમાન્ડ કરે છે. એક રીતે જોઈએ તો, કોઈ ભણાવે તે શિક્ષણ છે. પણ હું શીખું તે કેળવણી. શીખવું એટલે કરવું, કરવું એટલે મને અંદરથી ઉગે તે કરવું. અંદરથી ઉગવા માટે શબ્દ છે ‘કોળવું’.  એના પરથી શબ્દ આવ્યો કેળવણી. કોળવું એટલે કોઈકે કીધું એટલે કરવું એમ નહીં, મને એમ થયું કે કરવું એટલે કર્યું. હું સ્ટાફરૂમમાં જઈને બેસું,  ટેબલ પર ધૂળ છે તો હું વિચારું કે પટ્ટાવાળાએ કરવાનું આ કામ મારું નથી તો મેં બરાબર ન કર્યું, હું  એના પર હાથ મુકું તો એ ધૂળ મારા જ હાથ પર ચોંટે, પટ્ટાવાળાના હાથ પર તો ન ચોંટે.  એના બદલે હું એક કપડું  મારા ખાનામાં રાખું. એ ડસ્ટરથી  હું  રોજ સવારે ટેબલ સાફ કરીને તેને ખાનામાં મૂકી દઉં તો એ મારું  કેળવાયેલું કર્મ ગણાય. આપણને ચોખ્ખા રહેવું તો ગમે જ  ને ? પણ એ માટે આપણે જ  કેળવાવું પડે. અને એનું જ નામ કેળવણી. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com