નાની ભટલાવમાં યુવા સરપંચ અંકિતના પ્રયાસોથી  નિર્માણ પામ્યું  શ્રી પ્રતાપભાઈ પંડયા પુસ્તકાલય

ભદ્રાયુ વછરાજાની                                     bhadrayu2@gmail.com 

“મારું નામ અંકિત છે. અત્યારે હું આ નાની ભટલાવ ગામનો સરપંચ છું અને યુવા સરપંચ હોવાથી મને ગામ અને આજુબાજુના લોકોનો બહુ સારો સહકાર મળી રહ્યો છે. 

અમારા ગામમાંથી એટલા બધા વિદ્યાર્થીઓ વ્યારા સુધી એક પુસ્તકાલય અથવા તો વાંચનાલય  માટે થઈને રોજ સવારે દોડીને બસ પકડે અને વ્યારા ઉતરીને દોડમદોડ પુસ્તકાલય સુધી ભાગે કારણ કે ત્યાંના   નાનકડા ખંડમાં સોએક વિદ્યાર્થીઓ સવારથી આવી ગયા હોય અને મોડી રાત સુધી ત્યાં વાંચતા હોય ! જો વહેલા દોડીને પહોંચે તો બેસવા માટે ખુરશી મળે, ટેબલ મળે નહિતર નીચે બેસીને વાંચવું પડે. મને વિચાર આવ્યો કે  મારા ગામમાં મારે આવું કૈંક કરવું જોઈએ કે જેથી કરીને મારા યુવાનો ત્યાં સુધી દોડે નહીં અને આજુબાજુમાં બીજા જે ગામ છે એના યુવાનો અહીંયા નાની ભટલાવમાં વાંચવા આવી શકે. 

કલાર્કની પરીક્ષામાં કે આસિસ્ટન્ટની પરીક્ષામાં પણ આ ગામમાંથી ઘણા યુવાનો ગયા છે. આ બધાની એવી માંગણી હતી કે આપણા ગામમાં એક સારું પુસ્તકાલય થાય તો બહુ સારું. અમારા ગામમાં પ્રાથમિક શાળાનું એક નાનકડું સંકુલ જેવું છે કે જ્યાં પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ છે અને આંગણવાડી પણ ચાલે છે , વિદ્યાર્થીઓને નાસ્તો મળે છે. નાનું  પણ સારું એવું મેદાન છે. એટલે મને વિચાર આવ્યો કે એ મેદાન છે એમાં પુસ્તકાલય બાંધીએ. એ દરમિયાન મારો સંપર્ક બારડોલીના સ્વરાજ આશ્રમના એક ખૂણામાં રહીને સુંદર મજાની સરદાર પટેલ કન્યા વિદ્યાલય ચલાવતા નિરંજનાબેન કલાર્થી અને એમના દિકરી ડો. પ્રજ્ઞાબેન કલાર્થી સાથે થયો. મેં એની સામે વાત રજૂ કરી કે, ગામમાં એક પુસ્તકાલય થાય તો બહુ સારું કહેવાય. અને ફળ એ આવ્યું કે એમણે વ્યવસ્થા ગોઠવી. 

મને ખબર હતી કે સરકારની વતનપ્રેમી યોજના છે, જેમાં વતન છોડી ગયેલા લોકો જે વિદેશ ગયા છે એને પોતાના વતન માટે કાંઈ કરવું હોય તો એ ૬૦ % રકમ તેઓ આપે અને ૪૦ % રકમ સરકાર આપે, તો તમે વિકાસનું કોઈ કામ કરી શકો. જોગાનુજોગ પ્રજ્ઞાબેનની મદદથી મનીષાબેન પ્રતાપભાઈ પંડયા (પ્રતાપભાઈ પંડ્યાએ પોતાની હયાતીમાં કેટલીય  બધી લાયબ્રેરીમાં પુસ્તકો અને કબાટ વગેરે  ડોનેટ કરેલા) એમના દીકરી પોતાના  પિતાશ્રીની સ્મૃતિમાં આવું કામ હજી પણ કરી રહ્યા છે, એમનો સંપર્ક થયો અને એમણે પોતે અમને કહ્યું કે, હું ૬૦% આપું,  ૪૦% તમે સરકાર પાસેથી મેળવો અને તમે સરસ પુસ્તકાલયનો એક ખંડ બનાવી  તેમાં કોમ્પિટિટિવ એક્ઝામના જેટલા પુસ્તકો જોઈએ એની લાયબ્રેરી બનાવો, એના કબાટ મુકો, વાંચવા માટેની ખુરશીઓ, ટેબલ, નક્શાઓ, ચિત્રો જે કાંઈ જોઈએ તે તમે વસાવો અને વિદ્યાર્થીઓ વાંચે એવું કરો. અહી સારા ટોયલેટ નહોતા. અમારે ત્યાં યુવાનોની સાથે યુવતીઓ પણ નિયમિતપણે વાંચવા વ્યારા જતી હતી અને હવે અહીંયા પણ આવે છે. એટલે એ યુવતીઓ માટે પણ વોશરૂમ વગેરે સારું હોય એ પણ જરૂરી હતું એટલે પ્રજ્ઞાબેનના મુકુલ ટ્રસ્ટ દ્વારા આ આખો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો. આપણને ખ્યાલ છે કે સરકારની યોજનાના નાણાં તો ઘણા વખત પછી આવતા હોય છે. પહેલાં તો તમારે કામ કરી નાખવું પડતું હોય છે એટલે એ બધી જવાબદારી મુકુલ ટ્રસ્ટે લીધી.  બહુ થોડા સમયમાં સુંદર મજાનો હોલ બન્યો, જેને પ્રતાપભાઈની સ્મૃતિમાં ‘શ્રી પ્રતાપભાઈ પંડયા પુસ્તકાલય’ એવું નામ આપવામાં આવ્યું. મોટી બારી, હવા ઉજાશ અને પ્રકાશ સાથે મળી રહે, પાણી પીવાની સુંદર વ્યવસ્થા, ટોયલેટસ વગેરે વિદ્યાર્થીઓ રિલેક્સ થઈને પોતાનું વાચન  કરી શકે એવી ફેસેલિટી અહીં બનાવવામાં આવી.

હું પોતે હજી પણ ગામ માટે જે કોઈ સગવડતાની જરૂર હોય તે કરવા માટે પુરી ધગશ ધરાવું છું. હવે તો એવું બનશે કે, આજુબાજુના નાનાં ગામમાંથી યુવાનો અહીંયા આવશે આ સગવડ થઈ જવાથી કદાચ સવાસો જેટલા વિદ્યાર્થીઓ આવી શકશે અને સવારના વહેલા  છ  વાગ્યાથી આ ખુલી જશે. વિદ્યાર્થીઓ એની સફાઈ કરશે અને છેક રાતના ૧૧ વાગ્યા સુધી વિદ્યાર્થીઓ વાંચતા રહે એવું ગોઠવાયું છે. મુકુલ ટ્રસ્ટના પ્રજ્ઞાબેન કલાર્થી ઉચી એસ્થેટિક સેન્સ ધરાવે છે એટલે એમણે અમારા આ પરિસરની દીવાલોને વર્લી પેન્ટિંગ થી સૌન્દર્ય બક્ષ્યું છે. એક દિવ્યાંગ યુવાને મળેલી સુચના પ્રમાણે ચોતરફ ચિત્રો કરીને સ્થાનને રમણીય બનાવ્યું છે કે જેથી અહીં આવવું ગમે તેવો માહોલ સર્જાયો છે. 

હું સમાજના દરેકે દરેક એવા ધનવાન લોકોને વિનંતી કરું કે, આ વતનપ્રેમી યોજનામાં આપ જોડાઓ અને આપણા વતનમાં, આપણા નજીકના ગામમાં ૬૦% જેટલી રકમ દાનમાં આપીને તમે પણ આવી વ્યવસ્થા કરો તો તમારા વતનમાંથી લોકો બહુ સારી રીતે આગળ વધશે અને એને નામે વતનનું નામ ઉજળું થશે.”