નૃત્ય પારંગત બનતા પહેલાં

જનકલ્યાણ : મે: 2024

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

JKMay24 01
JK May02
JK May03

નૃત્યાંગના કુમુદિની લાખિયાના જીવનની યાદગાર વાતો 

મેડમ,પણ હું ડાન્સનો ટીચર ક્યાંથી લાવું ??” ..તો મમ્મીએ કીધું,  “હું લાવી છું ને સાથે.!!”

કોઈ કૌશલ્યની ટોચ પર પહોંચી ગયું હોય તો એમ ન સમજવું કે તેમને શીર્ષસ્થ સ્થાન એમ ને એમ મળી ગયું છે. સફળતા ક્યારેય પ્રારંભિક સંઘર્ષ વગર મળતી નથી. એ સંઘર્ષ સમજપૂર્વકનો હોય કે પછી અણસમજમાં થયેલ હોય.

નૃત્યની દુનિયાનું  રાષ્ટ્રીય નામ તે કુમુદિની લાખિયા. કથ્થક નૃત્યમાં અનેક કલાકારોને પાયાનું શિક્ષણ આપી વિશ્વસ્તરે પહોંચાડનાર કુમુદિની  લાખિયા કે જેઓ આજે ચોરાણું વર્ષે પણ કદંબ ડાન્સ એન્ડ મ્યુઝિક એકેડમી સાથે પ્રવૃત્ત છે, તેઓ નૃત્ય માર્ગે કેટલી મથામણ  પછી પહોંચ્યા તે તેમના  જ શબ્દોમાં જાણવા જેવું છે.

“….. એક દિવસ  મારા પેરેન્ટ્સ સાથે હું  ફિલ્મ જોવા ગઈ. એ ટાઈમના બહુ મોટા અભિનેતા અશોક કુમાર અને દૈવીકા રાની. અને એ ફિલ્મમાં એક ડાન્સ હતો. અને ડાન્સર હતા મહેમુદના પિતા.  એ બહુ જ સરસ ડાન્સર હતા.  હજી પણ મને યાદ છે એ  ડાન્સ. ‘લે લો ચુડીયા લે લો… ગોરે ગોરે હાથો પે કાલી કાલી ચુડીયા..’ .એ ડાન્સ કરતા  હતો. એમની સાથે ગ્રુપ હતું. હું છ વર્ષની હતી અને અમે ઘરે આવ્યા, ત્યારથી રોજ હું આ ડાન્સ કરું. હા, એક વખત જોઈને રોજ કરું. એટલે મારા મમ્મીને લાગે કે આને ડાન્સમાં ઈન્ટરેસ્ટ  છે અને એ સારું કરે છે. એમને એવું લાગ્યું  કે ડાન્સ તો  ગ્રેસફુલ છે એટલે  એને ડાન્સ શીખવાડીએ. પણ એમને ડાન્સ વિષે કશી ખબર ન હતી. શું ભરતનાટ્યમ? શું કથ્થક? કોઈ પણ ડાન્સ સ્કૂલનું  બોર્ડ જુએ  ને એટલે મને ત્યાં મોકલી દે.

હા, ગમે તે ડાન્સ હોય પછી,,,, પછી હું કહું કે મને અહીં નથી ગમતું. તો વળી સારું બીજું બોર્ડ જોવે એટલે ત્યાં મોકલી દે. ખાલી ડાન્સ સ્કૂલનું બોર્ડ જોવાનું,બસ…. એટલે હું ભરતનાટ્યમ શીખી, કથ્થક શીખી… ત્રણ ત્રણ મહિના, બે બે મહિના… પછી જરાક મોટી થઈ  ત્યારે કથ્થકનાં  ટીચર હતા એમણે કહ્યું કે,  આ કથ્થક સારું કરશે. એનો જે ડાન્સ અને બોડી છે એ કથ્થક માટે છે અને સમજણ પણ છે એને કથ્થક માં… તાલ ને બધું સારું શીખે છે. એટલે પછી કથ્થક નૃત્ય નક્કી થયું મારા માટે.

…એ વખતે મારા મમ્મી નરેન્દ્ર વ્યાસ પાસે શીખતાં હતાં. મને પણ લઇ ગયા ત્યાં. પછી હું ત્યાં બેસી રહું. પછી બહાર જાઉં રૂમની, અને રમુ ત્યાં કૈંક… એટલે એમના નીચે એમના એક ભાઈ રહેતા હતા શંકરલાલ વ્યાસ. તો એક દિવસ એ મને પકડીને ઉપર લઇ ગયા. કે આ બાળક એકલું એકલું રમે છે,  તો મારા મમ્મી એ કીધું, માફ કરજો તમને ડિસ્ટર્બ કર્યાં. એટલે કહે ના, ના, ડિસ્ટર્બ નથી  કર્યા, પણ આ થોડો ડાન્સ કરે છે ને થોડું રમે છે. તો એમના માટે ડાન્સ ટીચર રાખોને તમે… બસ, શંકરલાલ વ્યાસ મારા માટે ડાન્સ ટીચર લાવ્યા. એ બિકાનેરના હતા. અને એમણે  મને શીખવાડ્યું  થોડુંક… પછી મારા મમ્મીએ નૃત્ય છોડી દીધું એટલે મારું નૃત્ય  પણ છૂટી ગયું !! હવે શું? હવે ક્યાંથી ટીચર લાવવાના?

મારા ફાધર એન્જીનીયર હતા. તો એક વખત એ કોઈનું બિલ્ડીંગ બાંધતા હતા. તો કૈંક  વાતચીત એમની થઇ હશે તો મારા ફાધર કહે, મારી દીકરીને સંગીતમાં બહુ શોખ છે . બધા પ્રોગ્રામમાં પણ જાય છે,, તો એ ભાઈએ કીધું કે, ‘મારા એક ભાઈ છે એ સંગીત પણ કરે છે અને ડાન્સ પણ કરે છે.’ તરત મારા ફાધરે કહ્યું:  ઓહ, ડાન્સ પણ કરે છે. અમારી  દીકરીને શીખડાવશે?’  ‘હા, હા જરૂર.’ એટલે પછી એ અમારા ઘરે આવે. મોટી ગાડીમાં. એ ફિલ્મસ્ટાર હતા. મોટી ગાડી લઈને ચોકલેટ લઈને બપોરે અમારે ઘરે આવે. એટલે આજુબાજુમાં જે સ્ત્રીઓ હતી  એ વાત કરવા લાગી  કે એમને ત્યાં બપોરે ‘કોઈ’ આવે છે. ફૂલ લઈને, ચોકલેટ લઈને… તો મારા મમ્મી કહે કે, ‘આ ના ચાલે. આ કરો બંધ. એમને પણ બંધ કરી દીધા !.’

આજુબાજુના બૈરાઓની આ બધી પ્રવૃત્તિ હોય છે. એમને ટાઈમ બહુ હોય છે ને… એટલે એવી રીતે બે-બે, ત્રણ-ત્રણ મહિના કેટલા બધા ટીચર પાસે શીખી હું. પછી એવું થયું કે મારા ફાધરને દિલ્લી જવાનું થયું war was declared and India joined the war and my father was an engineer. એટલે એમને આ  વોર ટાઈમનું કામ મળ્યું …અમે દિલ્લી ગયા તે પહેલા તો મારા મમ્મીને ડાન્સનું જ ગાણું ચાલતું  હતું, તે ચાલુ જ રહ્યું.  એક  ગુરુ પાસે ગયા અને એમને કીધું કે, મને ડાન્સ ટીચર જોઈએ પણ મારી સાથે જે દિલ્લી આવે એવા ગુરુ  જોઈએ છે. તો  કહે,  મારા ભાઈનો એક દીકરો  છે, એને લઇ જાઓ. એટલે અમે જયારે દિલ્લી ગયા ત્યારે અમારી સાથે કેટલા બધા લોકો એક સર્વન્ટ, એક આયા, એક ડાન્સ ટીચર, એક તબલા ટીચર…

હવે ત્યાં ડાન્સ તો શરુ થયો પણ ભણવાનું શું ? સ્કૂલનું શું?  મારા ફાધરએ આખી ઇન્ડિયાની ટુર કરી અને એક સ્કૂલ શોઘી લાહોરમાં… કવીન  મેરીયેટ સ્કૂલ… જો કે, ત્યારે લાહોર ભારતમાં જ હતું. એમને સ્કૂલ બહુ ગમી. It was run by britishers actually and  50% teachers were britishers. બોર્ડિંગ સ્કૂલ. નવ વર્ષની હતી હું, અને મને ત્યાં બોર્ડિંગમાં મોકલી દીધી. પહેલા તો નહિ ગમ્યું, પણ પછી જરા ગમ્યું.

હવે એક-બે વર્ષ થયા પછી મને યાદ છે હિસ્ટ્રીનો ક્લાસ હતો. એક યુરોપિયન ટીચર હતા મિસિસ સીંગ્સ, એ હિસ્ટ્રી લેતા હતા. એટલામાં પ્યુન આવ્યો. મારી તરફ આંગળી ચીંધી ને કહે,  प्रिंसिपल साहब उस लड़कीको बुला रहे हे. મને થયું, અરે ! પ્રિન્સિપાલ બોલાવે એટલે પનિશમેન્ટ. હું જતાં-જતાં  વિચાર કરતી હતી કે,  પ્રિન્સિપાલ કેમ મને બોલાવે છે? હું પ્રિન્સિપાલની ઓફિસમાં ગઈ તો ત્યાં સામે જ મારા મધર બેઠા હતા.પછી મને પ્રિન્સિપાલ એ કહ્યું કે, Your Mother is here   and she wants you to learn Dance. પ્રિન્સિપાલે  કીધું કે, મેડમ, પણ હું ડાન્સનો ટીચર ક્યાંથી લાવું ?? ..તો મમ્મીએ કીધું,  હું લાવી છું ને સાથે. ‘ઓકે, પરફેક્ટ તમે તો કામ કરીને આવ્યાં છો.’

મારા મમ્મીએ મારા ડાન્સ ટીચર માટે એક રૂમ, એક કિચન એવું એક ઘર લીધું. ત્યાં એ રહેતા હતાં. અઠવાડિયામાં ત્રણ દિવસ મારી સાથે રહે. એમ કરતા કરતા લાહોર કથક કેન્દ્ર શરુ થઈ  ગયું અને મારી નૃત્ય યાત્રા વ્યવસ્થિત શરુ થઈ.”

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
‘પ્રેમમંદિર’ નર્મદા પાર્ક-4, અમીન માર્ગ, રાજકોટ-360 001
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback