બધાને સરકારમાં જવું છે અને શક્ય બને તો વર્દીવાળી નોકરીમાં જ જવું છે, તો શું કે આપણો વટ પડે !!

ભદ્રાયુ વછરાજાની      bhadrayu2@gmail.com 

ચૂંટણીનો માહોલ હોય અને કોણ ચૂંટાયું કે કોણ હાર્યું ની ચર્ચાઓ હોય ત્યારે કોઈ સાત્વિક કે રાજસિક રાજકીય વ્યક્તિ મળી જાય ત્યારે બત્રીસે કોઠે દિવા થાય

“મારું નામ અંકિત છે. હું હકીકતમાં તો ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં દસ વર્ષ સુધી રહ્યો. મારું ગામ નાની ભટલાવ છે. અહીંયા જન્મ્યો છું, અહીંયા મોટો થયો છું, મા બાપ ખેતી વગેરેનું કામ કરે છે અને અમારું સામાન્ય કુટુંબ છે. અત્યારે હું આ નાની ભટલાવ ગામનો સરપંચ છું અને યુવા સરપંચ હોવાથી મને ગામ અને આજુબાજુના લોકોનો બહુ સારો સહકાર મળી રહ્યો છે.

હું મારા માતાની સાથે રહું છું. મારા કૌટુંબિક કારણોને લઈને મારા પિતાશ્રી મારી સાથે રહેતા નથી. મેં દસેક વર્ષ સુધી ટ્રાન્સપોર્ટનો ધંધો કર્યો અને ટ્રાન્સપોર્ટના ધંધામાં બધું હું જ કરું છું. કોઈનો માલ ટ્રકમાં ભરવો, ટ્રક ચલાવવો, જ્યાં જઈએ ત્યાં એ માલને ઉતારીને જે તે જગ્યાએ ગોઠવી આપવો. બધું જ કામ પોતે જ કરવું,  પ્રામાણિકતાથી ને  ધીરજથી કરવું એ મારું મુખ્ય જીવન હતું. મારા કસ્ટમરમાં પણ મારા નામે વાત ફેલાયેલી હતી કે હું વ્યવસ્થિત કામ કરું છું, પુરી મહેનત કરું છું અને યોગ્ય રીતે વળતર માંગુ છું. એટલે મારો વ્યવસાય સારો ચાલ્યો.  આજે પણ એ કામ હું સાઈડમાં કરી જ રહ્યો છું.

મને એવું લાગ્યું કે હું તો ગ્રેજ્યુએટ સુધી ભણ્યો ત્યારે ખબર નહોતી કે શું ભણવું જોઈએ, છતાં બધા ભણતા હતા એવું મેં ભણી નાખ્યું. આ વખતની જે ચૂંટણી થઇ એમાં ગામે મને સરપંચ તરીકે ચૂંટી બતાવ્યો. મારું  નાનું ગામ છે,  ૧૨૦૦ ની વસ્તી છે. નાની ભટલાવ એ  બારડોલી તાલુકાનું ગામ છે. અહીંથી લગભગ ૧૮ – ૨૦ કિમિ વ્યારા છે, એ મોટું સેન્ટર છે. આ બાજુ બારડોલી  મોટું સેન્ટર છે એની વચ્ચે અમે અંદરના ભાગમાં આવેલા છીએ. અમારે ત્યાં ૧૨૦૦ ની વસ્તીમાં બધા બહુ સામાન્ય લોકો છે. જે યુવાનો છે એનામાં આગળ વધવાની પુરી ધગશ છે.

એક વાત હું સાહેબ આપને કહું કે, અમારે ત્યાં યુવાનોને એક જ વાતમાં રસ છે કે, અમને  વર્દીવાળી સરકારી નોકરી મળે. એટલે બધાને પોલીસ થવું છે, PSI થવું છે અથવા તો સિક્યુરિટીનું કોઈ હોય તો એમાં જવું છે પણ  સરકારમાં જવું છે અને શક્ય બને તો વર્દી એટલે કે ગણવેશવાળી નોકરીમાં જ જવું છે તો શું કે આપણો વટ પડે અને તો જ આપણે આગળ વધી શકીએ એવું બધાના મનની અંદર બરાબર ઘુસી ગયેલું છે. મને વિચાર આવ્યો કે આને તો હું બદલી નહીં શકું તો મારે મારા ગામના યુવાનો માટે કશું કરવું હોય તો શું કરવું ?

મને એવું પણ જાણવા મળ્યું કે મારે ત્યાંથી જે વિદ્યાર્થીઓ PSI કે PI ની પરીક્ષામાં જાય છે એ લોકો થિયરી પાસ કરી દે છે પણ પ્રેક્ટિકલમાં ઝળકી શકતા નથી. કારણ કે અહીંયા એને  ફિઝિકલ ટ્રેનિંગ મળે એવી કોઈ વ્યવસ્થા નથી, એટલે મેં ગામની અંદર પંચાયતનું એક ખુલ્લું મોટું મેદાન હતું એને સારી રીતે  ડેવપલ કર્યું, દોડવા માટેના ટ્રેક બનાવ્યા, લોન્ગ જમ્પ, હાઈ જમ્પ આ બધું જ એની અંદર ઉમેર્યું જેથી કરીને અહીંના યુવાનો અહીંયા જ પ્રેક્ટિસ કરી શકે. સવારના પહોરમાં ને ઢળતી સાંજે વિદ્યાર્થીઓ દોડીને પરસેવો પાડે ને ફિઝીકલી ફિટ થાય. આ મેદાન બનાવ્યા પછી અમને એવું ફળ મળ્યું કે અમારે ત્યાંથી ૧૦ – ૧૧ લોકો PSI માં પસંદ થયા. આ વખતે સરકારે પહેલાં પ્રેક્ટિકલ પરીક્ષા લીધી અને પછી થિયરી લીધી, એને પરિણામે અમને ખુબ સારું પરિણામ મળ્યું. આમ મને કહેવાનું નહીં ગમે પણ તમે પૂછ્યું એટલે હું કહું કે મને જયારે પેલું સ્પોર્ટ્સ ને ફિઝિકલ એક્સરસાઇઝ માટેનું મેદાન બનાવવું હતું ત્યારે મારી પાસે પૈસા નહોતા અને હું કઈ કરી શકું એમ નહોતો અને એવી કોઈ સહાય થાય એમ નહોતી એટલે હું જે બાઈક ફેરવતો હતો એ બાઈકને મેં લોનમાં  ગીરવે મૂક્યું અને એના ઉપર બેન્કની લોન લીધી અને બેન્કની લોનમાંથી એ મેદાન ડેવલપ કર્યું. મારી એક જ ઈચ્છા કે મારા નાનકડા ગામના યુવાનો પણ ખુબ મહેનત કરીને જિંદગીમાં આગળ વધે.”