અખંડાનંદ્દ :: મે 2024 :: શ્રી ભદ્રાયુ વછરાજાનીનો લેખ ::

આદિવાસી નહીં પણ “આદિ તીર્થવાસીઓ ” 


સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું !!
ભદ્રાયુ વછરાજાની           bhadrayu2@gmail.com 
આપણી સાથે પણ આપણાથી ઘણા બધા દૂર દૂર એવા લોકો જીવે છે કે જેને જોઈએ તો એ લોકો આપણને વિચિત્ર લાગે, ઠીક ઠીક જુદા લાગે, બહારના દેખાવ પરથી અબુધ હોવાનો ભાસ પણ પડે. જો કે, તેઓ અબુધ હોતા નથી, ભોળા ભટ્ટ હોય છે. ઓછામાં ઓછું બોલવું અને ટગર ટગર તમને નિહાળ્યા કરવું એ તેની વિશેષતા છે. તેઓની સમજ કેટલીક બાબતોમાં આપણાથી પણ અદકેરી છે. મનુષ્યની જાતિ ઉતપન્ન થઇ હશે ત્યારે આ લોકો પહેલાં આવ્યા હશે તેવું પણ લાગે, કારણ આપણી દ્રષ્ટિમાં તેઓ ખુબ જુનવાણી છે, અંધારામાં રહેવાનું પસંદ કરે છે, અભણ તો છે પણ ખરા, અલ્પ વિકસિત છે તેઓ આપણી સરખામણીએ.. હા, આપણે તેઓને આદિ જીવો માનીએ છીએ,  જે દૂર જંગલની વચ્ચે કે ડુંગરોમાં વસે છે ને સાવ સાદું સીધું જીવન જીવે છે. શરુ શરૂમાં તો તેઓ પશુ ને પક્ષીઓને મારીને ખાતા હતા અને એકદમ નહીંવત જરૂરિયાત વચ્ચે જીવતા હતા. આવા આદિવાસીઓ વિશ્વભરમાં છે, અરે, વિકસિત દેશોમાં પણ ખૂણે ખાંચરે તેઓની મોજુદગી છે. આપણે તેને આદિવાસીઓ કહીએ છીએ. હવે જો કે આ આદિવાસીઓ પણ પોતાના વિષે અને પોતાના માનવ હોવા વિષે અને પોતાના માણસ તરીકેના કેટલાક અધિકારો વિષે સજાગ થયા છે અને તેના જૂથો હવે પક્ષીય રાજકારણનો પણ ભાગ બન્યા છે.
આ આદિવાસીઓની અલ્પસમજનો લાભ ઉઠાવી તેને ગેરમાર્ગે દોરવાની  પ્રવૃત્તિ પણ અન્ય લોકો દ્વારા થતી રહી છે અને ભારતના સ્વતંત્ર થયાના છોંતેર વર્ષો પછી પણ આ લોકોનો લાભ લઇ તેમને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલે છે. ગુજરાતના એક આવા આદિવાસીઓ વસતા હોય તેવાં નાના ગામમાં રહેવાનું થયું. જો કે, આ ધરમપુર તાલુકાનું ગામ ખાંડા  તો પ્રમાણમાં ઘણું જાગૃત ગામ છે અને કેટલાંય પ્રવાસન સ્થળોની  પ્રાકૃતિક સંપદાથી ઘેરાયેલ છે. અહીં કથા ગાન નવ દિવસ સુધી ચાલ્યું. ઉદ્દેશ્ય ગામમાં ખૂટતી સુવિધાઓ ઉભી કરીને આ લોકોમાં આત્મવિશ્વાસ જગાવાનો હતો.  કટાહ આરંભે જ  લોકોને “આદિ તીર્થ વાસીઓ” એવું ઉપનામ આપી તેઓને નવાજવામાં આવ્યા.
કથા કેવી રીતે માણસ માણસ ને જોડે છે એની થોડી વાત આજે કરવી છે. કથા પહેલાના બે મહિનાથી જ્યારે કથા મંડપ, રસોડું, પાર્કિંગ વગેરે માટે જમીનને સમથળ કરવાનું કામ ચાલતું હતું ત્યારે આ બધાં  કામ કરવા માટે બહારથી એક પણ માણસ અહીં આવ્યો નથી. સવાર પડે અને પોતાની ભેગો નાગલીનો રોટલો બાંધીને ગામવાસીઓ આવી જાય. બે અઢી વાગે ત્યાં સુધી પસીનો પાડીને કામ કરે અને પછી એક બાજુ છાયડે બેસી  રોટલો આરોગે અને ઘર તરફ નીકળી જાય. છેલ્લા એકાદ મહિનામાં તો ત્યાં કથાના આયોજકોએ સમૂહ રસોડું ચલાવ્યું તો રસોઈ બનાવવાનું કામ પણ આ આદિ તીર્થ વાસીઓએ જ કર્યું અને એમાં સફાઈની કાળજી લેવાનું કામ પણ એમણે જ કર્યું. અન્નનું એક પણ કણ નીચે ન પડે તેની તેઓએ કાળજી રાખે છે.
કથા મંડપ માટેની વિશાળ જગ્યા નક્કી થઈ ગયા પછી ગામ લોકોએ આયોજકોને કહ્યું કે, હવે બે ત્રણ દિવસ તમે કોઈ અહીં મેદાનમાં ન આવતા,  કારણ કે અમારે કથા માટે નક્કી થયેલી  આ ભૂમિ આખીને સાફ કરવી પડશે અને એની ઉપર  ગાયનાં છાણથી લીંપણ કરવું પડશે. કથાની તૈયારીમાં વ્યસ્ત મિત્રો તો આશ્ચર્યમાં  પડી ગયા કે, અંદાજે પાંત્રીસેક હઝાર લોકો બેસે તેવી આવડી  મોટી જગ્યાને છાણ ને ગારથી લીપવી કેમ શક્ય બનશે ??  પણ ગામ લોકોએ કહ્યું, એ તમે ચિંતા ન કરો. અને સૌના અચંબા વચ્ચે ગામ  લોકોએ ત્રણ દિવસની અંદર આખા કથા મંડપને લીંપવાનું  કામ પૂરું કર્યું. તેઓ પાંચ પાંચના ગ્રુપમાં ભૂમિના કોઈપણ છેડે જતા રહે અને એટલા ભાગને સરસ મજાનો લીપી દે અને પાછા આગળ વધતા જાય. આમ કરતાં કરતાં પૂરેપૂરી જગ્યાને ગારથી લીપી ને સુંદર કરી દીધી. એમને કહેવામાં આવ્યું કે, ભાઈ, આની ઉપર તો કાર્પેટ આવશે હો, તો કહે, ‘ભલે ને કાર્પેટ આવે, પણ જ્યાં કથા કરવાની હોય એ મંડપને શુભ કરવા માટે છાણથી લીપવો તો જ પડે.’  આટલો વિશાળ મંડપ એને છાણ થી ને ગોરમટા થી સરસ મજાનો લીપવાનું કામ જ્યારે આ આદિવાસી મિત્રોએ કર્યું ત્યારે આશ્ચર્યચકિત થઈ જવાયું..પણ ત્યાંના સરપંચે સમજાવ્યું કે, ‘અમારે મન આ જમીન નથી, ભૂમિ છે. ભૂમિ અમારી માતા છે. આજુબાજુના ખડકો અમારા પિતાઓ છે. અમારે મન તો સૂર્ય, પવન અને પાણી પણ દેવતાઓ જ છે એટલે તેમનો જયારે લગીર પણ ઉપયોગ કરીએ ને ત્યારે તેનું પૂજન તો કરીએ જ.’.. સરપંચના તર્કમાં  ભારોભાર સત્યનો રણકો હતો,  તેથી માથું ઝૂકી ગયું.
આપણે આ લોકોને આદિવાસી કહીને અલગ ગણીએ તેમાં આપણી ભૂલ છે કે નહીં ?? કથાના આરંભે તેઓને કહેવાયું કે, આજથી તમે આદિવાસી નથી, પણ “આદિ તીર્થ વાસીઓ” છો, એ કેટલું યથાર્થ હતું !?!

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com


Facebook


Youtube


WordPress


Instagram

Share your feedback