નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત લોકભારતી યુનિ.થી થઈ છે.

કોડિયું : શ્રીરામ કથા વિશેષાંક

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

નેશનલ એજ્યુકેશન પોલીસી- 2020’ માં 80% બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે.  

‘જય સિયારામ’.

આજે એક વરિષ્ઠતમ  શિક્ષકના સાનિધ્યમાં એક નાનકડા શિક્ષક તરીકે મારી વાત રજૂ કરવાનો મને લ્હાવો મળ્યો છે, તે બદલ હું આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરું છું. 

બાપુ, મને એક  વિચાર આવ્યો કે, રાષ્ટ્ર અત્યારના ‘નેશનલ એજ્યુકેશન પોલીસી- 2020’ ઉપર મહેનત  કરી રહેલ  છે. પણ જો કોઈ એનો ડ્રાફ્ટ જીણવટથી વાંચે તો એની અંદર 80% બાબતો ગાંધીજીએ આપેલી બુનિયાદી શિક્ષણની જ કરવામાં આવી છે, કોઈ કારણથી ગાંધીનું નામ નથી લેવામાં આવ્યું એ એક જુદી વાત છે. એ મૂલ્યો ઉપર રાષ્ટ્ર  ખૂબ વર્ક કરી રહેલ છે  એ અહીંયા જીવાયા છે.

મારો લગભગ 45 વર્ષનો લોકભારતી સાથેનો નાતો છે. મનુદાદાની સાથે યુવાન અવસ્થામાં ગોષ્ઠીઓમાં ભાગ લેવાનો મને લ્હાવો મળ્યો. બુચદાદા તો મારા પરમ ગુરુના મામા થાય એટલે એમણે  જમણી આંખનું ઓપરેશન કરાવ્યું ત્યારે પણ અહીંયા આવીને એમને મળેલા, અને અરુણભાઈ સાથે તો મારો અતૂટ નાતો છે. બાપુને જાણીને આનંદ અને આશ્ચર્ય થશે કે,  મારા જીવનનું પહેલું પુસ્તક મેં લખ્યું એની પ્રસ્તાવના અરુણભાઈએ લખી હતી!!  આ ઋણ ચૂકવવાનો મને લ્હાવો મળ્યો, એટલે કે લોકભારતી યુનિવર્સિટીનું મંગલાચરણ કરવાની તક  મને મળી છે. આ લોકભારતી યુનિવર્સિટીના ‘પ્રથમ નિમંત્રિત કુલપતિ’ હોવાનું ગૌરવ પ્રદાન થયેલ છે. 

આજે પરિસ્થિતિ એવી થતી  જાય છે કે, ન્યુસન્સ વેલ્યુ ની વેલ્યુ વધી ગઈ છે અને વેલ્યુની વેલ્યુ કરવા માટે થઈને આખી એક રામકથાનું આયોજન કરવું પડતું હોય છે. પણ આ સંસ્થા એવી છે કે, જેની સાથેનો અનેક લોકોનો અપાર નાતો છે, છેક નાનાદાદાથી લઈને આજ સુધી પણ એવા લોકો જોડાયેલા છે કે જેને લઈને સંવર્ધન થતું આવ્યું છે. 

આ લોકભારતી યુનિવર્સિટી એ વર્ગખંડનું શિક્ષણ આપતી યુનિવર્સિટી નથી, અહીંયા શીખીને શીખવાનું નથી, અહીંયા કરીને કેળવવાનું છે. અત્યાર સુધી અહીંયા બધું જ ચાલ્યું છેએની ઉપર પ્રાધાન્ય વર્ગખંડનું રહ્યું છે, જ્યારે યુનિવર્સિટી ની સ્થાપના એટલા માટે કરવામાં આવી છે કે, વિદ્યાર્થીઓ ખેતરોમાં જઈને કામ કરે, ખેતરોમાં એ સજીવ ખેતી કરીને અળસિયા ઉગાડે, કુદરતી ખાતર બનાવે, એ ખાતર નાખીને ખેતી કરે, ખેતી કરીને પાક લણે, લણીને જોખીને એ ખળામાં મોકલે અને એનું વેચાણ કેવી રીતે થાય છે તે જાતે પંડે શીખે.  એટલે એગ્રોનોમી, એગ્રો-પ્રોસેસિંગ,  એનિમલ હસબન્ડરી, ડેરી સાયન્સ, આ બધા કોર્સ અહીંયા લોકભારતી યુનિવર્સિટીના વડપણ હેઠળ શરૂ થયા છે. એમ કહેવાય કે ફરી એકવાર ગ્રામ વિદ્યાપીઠ યુનિવર્સિટીના માધ્યમથી ગામડા માટે પ્રવૃત્ત થઈ છે. મને એવું લાગે છે કે નઈ તાલીમના નવા કલેવર ની શરૂઆત અહીંયા થઈ છે. શ્રી અરૂણભાઇએ પહેલે દિવસે કહ્યું કે, અમારી અનેક સંસ્થા બંધ કરશો તો પણ  નઈ તાલીમ તો રહેશે જ , પણ હું એમાં વિનમ્ર ભાવે ઉમેરીશ કે, આ લોકભારતી યુનિવર્સિટી એ નઈ તાલીમના નવા કલેવર નો આરંભ છે અને તેનાં આરંભે પ્રિય બાપુ  અહીંયા કથાગાન માટે પધાર્યા છે એ અમારા સૌ માટે બહુ મોટું સીમાચિહ્ન બની રહેવાનું છે.  

આ લોકભારતીના ચાર માનવીય આધારોસ્તંભો વિષે  ટૂંકી વાત કરવાનું ગમશે. 

૧) નાનાદાદાએ લોકભારતીની સ્થાપના ચોક્કસ કરી, પણ નાનાદાદાએ તો 1961 માં વિદાય લીધી અને 56-57 માં એમણે મનુદાદા ને કહ્યું કે,  લ્યો હવે વહીવટ સંભાળો. નાનાદાદાનો પછીનો સમય હતો એ માર્ગદર્શક મંડળનો સમય હતો. પણ આ માર્ગદર્શક મંડળ શબ્દ અત્યારે થોડો વગોવાયેલો છે, પરંતુ ત્યારે ખરેખર બહુ મૂલ્યવાન હતો.  એટલે નાનાદાદા પોતાના નિવાસમાં, જ્યાં પ્રિય બાપુ  અત્યારના  નિવાસ કરી રહ્યા છે, ત્યાં બેસીને એવા કામ કરતાં કે જે કામથી મનુભાઈ, મૂળશંકરભાઈ અને બુચદાદાને ટેકો મળતો. બહુ નાનકડી   યાદ રાખવા જેવી એક  વાત છે.  એ સમયે દિલ્હીથી ડોક્ટર ભાણ નામના એક સરકારી પ્રતિનિધિ લોકભારતી જોવા આવ્યા, અને જોઈને નારાજ થયા. એણે એવું કહ્યું કે ”जहा विद्यार्थी पढ़ते है, वहाँ ही वो सोते है?, ऐसी तो कोई कॉलेज हो सकती है?, यूनिवर्सिटी हो सकती है?” લાઇબ્રેરીથી નારાજ થયાં, લગભગ એ નારાજનાં મૂડમાં આવ્યા અને નારાજનાં મૂડમાં ગયાં. પણ જાય એ પહેલા આ મુરબ્બીઓ એમને નાનાભાઈ પાસે લઇ ગયા. નાનાભાઈ પાસે પણ એમણે એ જ સરકારી તોર થી વાતચીત કરી. પણ નાનાભાઈ તો નાનાભાઈ હતા, એમણે પણ કહ્યું કે, ”आपकी बात सही है, जहा बच्चे पढ़ते है, वहां सो केसे सकते है?, यह अच्छी बात नहीं है, आप सरकारकी और से जो भी ग्रान्ट मिलती है, वो वापस ले सकते है. आप जाके ऑर्डर करवा दीजिए, हमें ग्रान्ट नहीं चाहिये, और हो सके तो यहाँ के जो मकान बने हुए है, वो भी सरकारी ग्रान्ट से बने हुए है, यहासे उनको उखाड़ के दिल्ही  ले जाइए”. My dear Friend, At that time, Nanabhai was not head of the institution.  પણ એક વડીલ તરીકે નાનાભાઈ એ દિલ્હીના એ ડો. ભાણ ને મક્કમ થઈને  સમજાવ્યા. ભાણે જઈને દિલ્હીમાં રજૂઆત કરી, એ વખતે શિક્ષણ મંત્રી ‘શ્રીમાળી’ હતા, એમણે  અફસોસનો પત્ર લખ્યો, નાનાભાઈની માફી માંગી અને કોઈ જ કોર્સ બંધ નહિ કરવામાં આવે અને  સરકારી સહાય ચાલુ રહેશે, એવો  એ પત્રમાં એમણે વિશ્વાસ બંધાવ્યો. આ લોકભારતીનો સધ્ધર  માનવીય આધારસ્તંભ. 

૨) મનુભાઈ વિશે એક વાત બહુ યાદ કરવા જેવી છે કે, મનુભાઈ પણ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. 5000 મતથી જીત્યા હતા. મનુભાઈ ની પહેલા જે લોકો ઉભા રહ્યા હતા એ વખતે એ લોકોએ પોતાના સંસ્થાના કાર્યકરો, વિદ્યાર્થીઓ, અને વાહનોનો ઉપયોગ કર્યો હતો. પણ મનુભાઈને જયારે ચૂંટણીમાં ઉભા રહેવાનો વારો આવ્યો ત્યારે મનુભાઈએ ત્રણ મુદ્દાઓની  જાહેરમાં  જાણ કરી. એમણે કહ્યું કે… અ) પ્રચારમાં સંસ્થા નું વાહન વાપરવામાં આવશે નહીં, અને સંસ્થાના કોઈ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે નહીં. બ) હું નિયામક પદ ઉપર રહીશ નહીં. શિક્ષણ સંસ્થામાં કોઈ રાજકીય વ્યક્તિ રહીને પોતાનું રાજકારણનું કામ કરે એવું હરગીઝ ન થવું જોઈએ. એટલે હું નિયામક પદે રહીશ નહીં અને ક) ધારાસભાનું જે કંઈ વેતન મળશે તે લોકભારતીમાં જમા કરાવીશ, સમય કાઢીને હું આવતો રહીશ અને મારા વર્ગો લેવાનું  હું ચાલુ રાખીશ. બાપુને ગમે એવું એક સુંદર મજાનું અર્થઘટન મનુભાઈએ છેલ્લે કર્યું કે, ‘આમ પણ તમે ખરું જુઓ તો ચાર વર્ષને અંતે મને લાગ્યું કે, ધારાસભામાં ચૂંટાઈને જાઓ પછી વર્ષે તમારે ત્રણ મહિના જ કામ કરવાનું હોય છે, બાકી તમે ફ્રી જ હોવ છો.’  અત્યારના ધારાસભ્યોએ વિચારવા જેવી વાત છે. 

૩) મૂળશંકરભાઈ મો. ભટ્ટ., જેમણે આપણને  ‘દુઃખીયારા’ આપ્યું, ‘લા મીઝરેબલા’નો બહુ સુંદર મજાનો અનુવાદ આપ્યો. અને આપણા સુધી એક ઉત્તમ બીજી ભાષાની કૃતિ પહોંચાડી આપી. આ મૂળશંકરભાઈ ઉત્તમ ગૃહપતિ હતા,  એવું નાનાભાઈ એ પ્રમાણપત્ર આપ્યું. બહુ ઓછું બોલનારા અને છતાં પણ વ્યાપ્ત રહેનારાં મૂળશંકરભાઈ અહીંયા થોડો વખત રહ્યાં છે. એ ‘ગુજરાતવિદ્યાપીઠ’માં પણ રહ્યાં, દક્ષિણામૂર્તિમાં પણ રહ્યાં, અને લોકભારતીમાં પણ રહ્યાં. એ સમય દરમિયાન એક નોંધાયેલી ઘટના છે. લક્ષ્મણભાઈ કરીને ગૃહપતિ હતા, એ વાત કરતા હતા કે.., 26 જાન્યુઆરીની એક પરેડની તૈયારી  ચાલતી હતી. ગ્રાઉન્ડ ઉપર બધા વિદ્યાર્થીઓ એની પ્રેક્ટિસ કરતા હતા. એ સમયે મૂળ શંકરભાઈ ત્યાંથી નીકળ્યા. નીકળીને છેડે જઈને ઊભા રહ્યા. ઉભા રહીને  લક્ષ્મણભાઈને બોલાવ્યા. બોલાવીને આંગળી ચિંધી ને કહ્યું કે, ‘ પેલો છોકરો છે માંદો છે?’ તો કહે, ‘ના ના એને સારું છે, કંઈ તકલીફ નથી.’ તો કહે, ‘ના જરા રૂબરૂ મળો, તપાસ કરો, એની ચાલ ઉપરથી મને લાગે છે કે એ માંદો છે.’  લક્ષ્મણભાઈએ મૂળશંકરભાઈના કહેવા પ્રમાણે વિદ્યાર્થીને બોલાવ્યો, એને અમરગઢ લઈ જવામાં આવ્યો, અને એવું તારણ નીકળ્યું કે, આ વિદ્યાર્થીને  ‘ક્ષય’ના લક્ષણો છે. જે વ્યક્તિ વિદ્યાર્થીની ચાલ જોઈને સમજી જઈ શકે કે, આનામાં ક્ષયના લક્ષણો છે, એ મૂળશંકરભાઈ નામનો કરુણા આધાર.  

૪) બહુ મહત્વના  અને એકદમ રસિક વ્યક્તિત્વ બુચદાદા. બુચદાદા વિશે ઘણું લખાયું છે, પણ ઘણું છૂટી પણ ગયું છે. બુચદાદા, મેં હમણાં જેનો ઉલ્લેખ કર્યો એમની જમણી આંખે તકલીફ થઈ એટલે જમણી આંખનું ઓપરેશન કરવું પડે. તો લોકોએ કહ્યું કે,  તમારી જો ડાબી આંખ બચાવવી હોય જમણી આંખ કાઢી નાખવી પડશે, સર્જરી નહીં થાય, બુચદાદાએ કહ્યું, કાઢી નાખો, કોઈ વાંધો નથી. પછી ડાબી આંખથી પોતાનું કામ કરતા હતા, એ સમયે એક રાજકીય વ્યક્તિ બુચદાદાની ખબર કાઢવા આવી અને કટાક્ષમાં કહ્યું, દાદા તમારી તો હવે ડાબી આંખ જ કામ કરે છે. એટલે બુચદાદાએ કહ્યું, I am extremely leftist now. My right side is wrong side now. આ બુચદાદા વિદ્યાર્થી બહેનોની ટપાલો ભેગી કરીને પોસ્ટ બોક્સ માંથી ટપાલ નીકળે એ પહેલા પોતે સમયસર જઈને પોસ્ટ કરવાનું કામ સંભાળે એવો આ માનવીય આધાર લોકભારતીનો હતો. 

આ ચાર વાત પરથી ખ્યાલ આવે કે લોકભારતી કેવા મોટા ચારસ્તંભો સાથે આગળ વધે છે. કોઈ કહે છે કે આ ચાર વ્યક્તિઓ પણ એકબીજાથી નિયત અંતર રાખીને રહેતી હતી. હા, એ સાચું, કારણ જીબ્રાન્ કહે છે કે,  ‘સ્તંભો વચ્ચે અંતર હોવું જોઈએ. નહિ તો મંદિરનો ઘુમ્મટ ઉભો ન થાય.’ 

 છેલ્લી વાત કરું, આપણો મૂળ ઉદ્દેશ તો લોકભારતી યુનિવર્સિટીને આર્થિક અનુદાન આપીને સદ્ધર બનાવવાનો છે. એને આપણે લોકભારતી ના ઝાપા માંથી બહાર લઈ જવી છે, સણોસરામાંથી બહાર લઈ જવી છે, ગુજરાત થી બહાર લઈ જવી છે અને ભારતથી પણ બહાર લઈ જવી છે. કારણ કે   અત્યારે અહીંયા એવું કામ થઇ રહ્યું છે.  આ વાત હું બહુ મક્કમતાથી બોલું છું જેથી કરીને જે કોઈ સત્તા   ઉપર બેઠેલા લોકો હોય અને સમાજના શ્રેષ્ઠિ હોય એ સાંભળે કે, આ યુનિવર્સિટીને ટેકો કરવાથી તેઓ રાષ્ટ્રનું કામ કરવાના છે. આ પરિસરમાં જ્યાં હશો ત્યાં તમે જોતા હશો કે બધું જ કામ વિદ્યાર્થીઓ કરે છે. એ પરંપરાને જો ચાલુ રાખવી હોય તો યુનિવર્સિટીને આર્થિક અનુદાનની બહુ જ આવશ્યકતા છે.

ગઈકાલે બાપુ વાત કરતા હતા દક્ષ પ્રજાપતિની. હું એ યાદ કરું.  એમની પાસે ત્રણ સમાજ ગયા. દેવ ગયા, દાનવ ગયા, અને માનવ ગયા. ત્રણેય  જઈને તેમની પાસે આંખ બંધ કરીને બેઠા અને અપેક્ષા હતી કે દક્ષ પ્રજાપતિ કોઈ સંદેશો આપે એ પ્રમાણે આપણે જીવન જીવીએ. એ ઋષિએ લાંબો સમય આંખ બંધ રાખી, અને જ્યારે આંખ ખોલી ત્યારે એ એક જ અક્ષર બોલ્યા, ”દ”. પેલા ત્રણેય સમજ્યા નહીં કે આ ”દ” એટલે શું? પણ પછીતો આંખ મીંચાઈ ગઈ, એટલે અર્થઘટન પોતે કરવાનું હતું. આપણને ખ્યાલ છે કે આજે પ્રશ્ન અર્થનો નથી હોતો, અર્થઘટનનો જ હોય છે. પણ ખરેખર આ ”દ” નો શો  અર્થ કરવો? તો દેવ લોકોએ એમ કીધું કે, અમે બહુ ઈર્ષાળુ છીએ. એટલે કદાચ અમારા માટે દક્ષ પ્રજાપતિએ દમનની વાત કરી છે કે તમારી ઈર્ષા નું ‘દમન કરો’. દાનવોને એવું લાગ્યું કે  અમે બહુ હિંસા કરનારા છીએ, બહુ લોકોને મારીએ છીએ, તો અમારા માટે ‘દયા કરો’ એવો અર્થ થતો હશે. અને માનવને એમ થયું કે અમે બહુ લોભિયા છીએ, બીજાને મળે તો ગુંજે ભરી લઈએ છીએ. મકરંદભાઈ ભલે કહે કે, ગુંજે ન ભરીએ પણ વેરી  દઈએ, પણ અમે વેરતા નથી. તો અમારે ખરેખર ”દ” નો અર્થ ‘દાન કરો ‘ સમજવાનો છે.  વિનોબાજીનાં મા કહેતાં કે, ‘દે તે દેવ, અને રાખે જે રાક્ષસ’ 

આપણે દઈને જવાનું છે અને દેવ થવાનું છે… 

  

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback