જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.

ભદ્રાયુ વછરાજાની                 (57)                     bhadrayu2@gmail.com

શ્રીમદ ગીતાના સોળમા અધ્યાયમાં કુલ ચોવીસ શ્લોકો છે. અહીં પ્રભુ અર્જુનને દૈવી અને આસુરી વૃત્તિઓનો વિસ્તૃત પરિચય આપે છે અને તે વૃત્તિઓ અંગે સાવધાન રહેવા અર્જુનને કહે છે.

શ્રીમદ ગીતા વિશેના અનેક ભાષ્યોમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે કે જે આપણને આજે વિચારતા કરી મૂકે. ઉદાહરણ તરીકે, ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક અને અલિયાબાડાના મહર્ષિ ડૉ કાકા ( શ્રી ડોલરરાય માંકડ) ના મત મુજબ તો, ખરી ગીતા એટલે ગીતાનો કેવળ બીજો અધ્યાય. અને પછીનું બધું તો ઉમેરણ…જયારે વિનોબાજી તો પંદરમાં અધ્યાયને ગીતાનો છેલ્લો અધ્યાય કહે છે અને તેઓએ ગીતા પ્રવચનોમાં સોળ, સત્તર અને અઢાર અધ્યાયોને તો ‘પરિશિષ્ટ’ કહ્યા છે…આ આકલનને સાદર સ્વીકારીને પણ આપણે ગીતા યાત્રા આગળ ધપાવીએ. 

ગીતાના પહેલા પાંચ અધ્યાયમાં જીવનની યોજના કેવી છે અને તેમાં આપણો  જન્મ કેમ સફળ થાય તેની વાત થઈ તો છઠ્ઠા અધ્યાયથી તે અગિયારમાં અધ્યાય સુધી ભક્તિના વિવિધ રૂપોનો વિચાર થયો. બારમાં અધ્યાયમાં સગુણ અને નિર્ગુણ ભક્તિની તુલના થઈ અને કર્મ તથા ભક્તિ તત્ત્વોને જાણ્યા. તેર, ચૌદ અને પંદરમાં અધ્યાયમાં  જ્ઞાનની વિશાળ છણાવટ થઇ. આત્માને દેહથી છુટ્ટો પાડવો અને  તેમ કરીને ગુણોને જીતી લેવા અને કણેકણમાં અત્ર, તત્ર, સર્વત્ર પ્રભુના દર્શન કરવા તેવું કહીને જીવનનું સંપૂર્ણ શાસ્ત્ર આપણે જાણ્યું અને દિલમાં ઉતાર્યું.

વિનોબાજી બહુ સ્પષ્ટ કહે છે કે, “કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને એકબીજાથી જુદાં પાડવાની વાત મારાથી સહન થતી નથી. કેટલાક સાધકોની નિષ્ઠા એવી હોય છે કે તેમને ફક્ત કર્મ સૂઝે છે. કોઈ વળી ભક્તિનો સ્વતંત્ર માર્ગ કલ્પે છે અને તેના પર બધો ભાર દે છે. કેટલાકનું વલણ જ્ઞાન તરફ હોય છે. જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ, અને કેવળ જ્ઞાન એવો કેવળવાદ હું માનવા ઈચ્છતો નથી. એથી ઊલટું, કર્મ-ભક્તિ અને જ્ઞાન એ ત્રણનો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ હું માનતો નથી. થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગિતાવાદ પણ મારે ગળે ઊતરતો નથી. પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ હું સ્વીકારતો નથી. ત્રણે વસ્તુઓનો મેળ બેસાડવાનો સામંજસ્યવાદ પણ મને પસંદ નથી. કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો મને અનુભવ થાય એમ હું ઈચ્છું છું. બરફીના ચોસલામાં રહેલી મીઠાશ, તેનો ઘાટ અને તેનું વજન એ ત્રણ વાતો જુદી જુદી નથી. જે ક્ષણે બરફીનો કકડો હું મોમાં મૂકું છું તે જ ક્ષણે એકીવખતે તેનો આકાર ખાઉં છું, તેનું વજન પણ પચાવી લઉં છું અને તેની મીઠાશ પણ ચાખું છું. ત્રણ ચીજો એક જ ઠેકાણે છે. બરફીના એકેએક કણમાં તેનો આકાર, વજન અને મીઠાશ છે. તેના અમુક એક કકડામાં માત્ર આકાર છે, અમુક એક કકડામાં ફકત મીઠાશ છે અને અમુક એક કકડામાં એકલું વજન છે એવું નથી. તે જ રીતે જીવનમાં થતી એકએક ક્રિયામાં પરમાર્થ ભરેલો હોય, હરેક કૃત્ય સેવામય, પ્રેમમય અને જ્ઞાનમય થાય, જીવનનાં બધાંયે અંગપ્રત્યંગમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ભરેલાં હોય, એને જ પુરુષોત્તમયોગ કહે છે. આખુંયે જીવન કેવળ પરમાર્થમય કરવું એ વાત બોલવી સહેલી છે. પણ એના ઉચ્ચારમાં જે ભાવ છે, તેનો જરા વિચાર કરવા બેસીએ છીએ ત્યારે કેવળ નિર્મળ એવી સેવા આપણે હાથે થાય તેટલા સારુ અંતઃકરણમાં શુદ્ધ જ્ઞાન-ભક્તિની ઊંડી લાગણી ધારી લેવી પડે છે. એથી કર્મ, ભક્તિ અને જ્ઞાન અક્ષરશઃ એકરૂપ હોય એવી પરમ દશાને પુરુષોત્તમયોગ કહે છે. જીવનની અંતિમ સીમા ત્યાં આવી ગઈ.”

સોળમા અધ્યાયમાં સૂર્યોદય પહેલાની પ્રભા ફેલાયેલી છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણથી પૂર્ણ થયેલ પુરૂષોત્તમયોગ ઉદય પામે તે પહેલાં સદગુણોની પ્રભા બહાર ફેલાવા લાગે છે. આપણે જે સાધના કરીએ છીએ તેમાંથી કેટલી સદ્વૃત્તિ ઊંડી ઉતારી , આપણે કેટલા કેળવાયા, જીવન ખરેખર સેવામય બન્યું કે નહીં ?? તે બધું તપાસી લેવા માટે આ સોળમો અધ્યાય છે. જીવનની ચડતી કલાને ગીતા દૈવી સંપત્તિ નામ આપે છે અને એની વિરુદ્ધની વૃત્તિઓને આસુરી કહીને ઓળખાવે છે.

ફરી વિનોબાજીનું સ્મરણ કરીએ. તેઓ કહે છે કે, “એક જમાનો એવો હતો કે જ્યારે સમાજ પર બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું. શાસ્ત્રો તે લોકો લખે, કાયદા તે લોકો કરે, રાજાઓ તેમને નમે. એ જમાનો આગળ જતાં ઓસરી ગયો. પછી ક્ષત્રિયોનો જમાનો આવ્યો. ઘોડા છોડી મૂકવાનું અને દિગ્વિજયો કરવાનું ચાલ્યું. એ ક્ષત્રિય સંસ્કૃતિ પણ આવી અને ગઈ. બ્રાહ્મણ કહેતો, “હું શીખવનારો, બીજા બધા શીખનારા. મારા સિવાય ગુરુ કોણ?” બ્રાહ્મણોને સંસ્કૃતિનું અભિમાન હતું. ક્ષત્રિય સત્તા પર ભાર મૂકતા, “આને મેં આજે માર્યો, પેલાને કાલે મારીશ,” એ વાત પર તેમનું બધું જોર. પછી વૈશ્યોનો યુગ આવ્યો. “પીઠ પર મારજો પણ પેટ પર મારશોમાં એ સિદ્ધાંતમાં વૈશ્યોનું બધુંયે બધુંયે તત્વજ્ઞાન સમાયેલું છે. બધું પેટનું ડહાપણ શીખવવાનું . “આ ઘન મારું છે, અને પેલું પણ મારું થશે.” એ જ રટણ અને એ જ સંકલ્પ. અંગ્રેજો આપણને કહે છે ને “સ્વરાજ જોઈએ તો લો, માત્ર અમારો પાકો માલ અહીં ખપ્યા કરે એટલી સગવડ રાખજો એટલે થયું. પછી તમારી સંસ્કૃતિનો તમારે જોઈએ તેટલો અભ્યાસ કરજો. લંગોટી ચડાવજો ને તમારી સંસ્કૃતિને બરાબર સંભાળજો .” આજકાલ થનારાં યુદ્ધો પણ વેપારી યુદ્ધો હોય છે. આ યુગ પણ જશે, જવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવા આ બધા આસુરી સંપત્તિના પ્રકારો છે.”