‘ગોવિન્દો’ માંથી ‘ગોવિંદકાકા’

 અખંડ આનંદ જાન્યુઆરી – ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

તમે જે આપો તે તમને મળેમાન  આપો તો માન  અને પ્રેમ આપો તો પ્રેમ મળે.”

આમ તો મારું નામ ગોવિંદ, પણ મને બધા ગોવિંદો કહીને બોલાવે. ગોવિંદો કહીને બોલાવે તો નાનપણમાં તો બહુ કાંઈ મને ખોટું ન લાગતું. કારણ કે દુધાળા ગામમાં રહેતા ત્યાં બધાને નામ બગાડીને જ બોલાવવાનો રિવાજ હતો. એટલે કે મહેશ હોય તો મહેશીયા, રમણ હોય તો રમણીયો, ચણાળુ હોય તો ચંદુડો કહેતા. બસ, એમ જ મને બધા ગોવિંદો કહે તો  પણ ખોટું નહોતું લાગતું, કારણ કે નાનપણથી બધા ગોવિંદો જ કહેતા  એટલે બધાને એમ જ થઈ ગયું કે  મારું નામ જ ગોવિંદો છે.

પણ જ્યારે મોટો થયો અને કામ કરવા માંડ્યો, બે ચાર પૈસા આવવા લાગ્યા ત્યારે મને એમ થયું કે, આપણને બધા ગોવિંદો કહીને બોલાવે  એ બરાબર ન કહેવાય. પણ પ્રશ્ન એ થાય કે બધા ગોવિંદો કહે છે એને આપણે કેમ કહેવું કે,  ભાઈ મને ગોવિંદો ના કયો. આપણને બધા તુકારે બોલાવે છે, તો એને કેમ કહેવું કે તમે મને બે નામે બોલાવો. આ પ્રશ્ન બરાબર મનમાં ઘોળાતો હતો અને વિચારતો હતો કે આપણે શું કરવું ?  એક દિવસ હીરાના કારખાનેથી હીરા ઘસીને મારી ડ્યુટી પુરી થઈ અને ઘરે જતો હતો, ત્યાં સુરતના ભાગળ વિસ્તારની આસપાસ એક કથાનો મંડપ ને ત્યાં પૂ. ડોંગરેજી મહારાજ કથા કહેતા હતા. એ કથા પાસેથી નીકળ્યો અને કોણ જાણે મને એમ થયું કે આ અવાજ મને ખેંચી રહ્યો છે.  હું જઈને અંદર કથા મંડપમાં બેસી ગયો અને આંખ બંધ કરીને ડોંગરેજી મહારાજને સાંભળવા લાગ્યો. હવે મારે જે જોતું તું એનો જવાબ ભગવાને એવે ટાણે મને આપ્યો. ડોંગરેજી મહારાજે  એવું કહ્યું કે જુઓ ભાઈ, તમે જે આપોને એ તમને મળે. તમે માન આપો તો માન મળે, તમે પૈસા આપો તો પૈસા મળે, તમે  પ્રેમ આપો તો પ્રેમ મળે, તને કોઈને સુખી કરો તો તમને સુખ મળે, તમે કોઈને દુઃખી કરો તો તમને દુઃખ મળે. આમાંથી મેં પેલી વાત પકડી લીધી કે, કોઈને માન આપો તો તમને માન મળે. એટલે એ દિવસે કથા પૂરી થઈ અને રસ્તામાં ચાલીને જતો તો ત્યાં જ મેં મનમાં ગાંઠ વાળી લીધી કે, આપણને બધા ગોવિંદો કહે છે એને આપણે સીધું કહેવાને બદલે કે ભાઈ તમે મને ગોવિંદ ક્યો એની બદલે આપણે  બધાને માન આપીને ‘ભાઈ’ કહીને જ બોલાવવા મંડવાનું. એટલે બીજા દિવસની  સવારથી હું હીરા ઘસવા પહોંચ્યો ત્યાં મેં બધાને ‘ભાઈ’ કહીને બોલાવવાનું શરૂ કર્યું. બધા ‘હીરો’ કહેતા હોય તો હું ‘હીરાભાઈ’ કહું, બધા ભરત કહેતા હોય તો હું ભરતભાઈ  કહું. ભરતભાઈ , પરેશભાઈ, નાગજીભાઈ.. એમ  બધાને ‘ભાઈ’ ઉમેરીને જ બોલવું. મારાથી નાના હોય એને પણ ‘ભાઈ’ કહું.

હવે આ બધી વાતની અસર એવી થઈ કે બધાને આશ્ચર્ય થયું કે આ ગોવિંદો તો આપણને ભાઈ કહીને બોલાવે છે, માન આપે છે, તો આપણે કેવી રીતે એને એક નામે બોલાવી શકીએ? એટલે થોડા દિવસમાં એટલે કે એક અઠવાડિયામાં એવી અસર થઈ કે ધીમે ધીમે કરતાં એક બે જણા મને ‘ગોવિંદભાઈ’ કહેવા લાગ્યા.  ‘ગોવિંદભાઈ, અહીંયા આવો’; ‘ગોવિંદભાઈ, આવો,  ચા પી લ્યો’, ‘ગોવિંદભાઈ, એક વાત કહું’,, આવું સાંભળીને હું રાજી થયો. અને એની અસર એવી થઈ કે લગભગ બધા જ લોકો કે જે મને ગોવિંદો-ગોવિંદો કરતા હતા, તે બધા લોકોએ ‘ગોવિંદભાઈ’ કહેવાનું શરૂ કરી દીધું. જાણીને બહુ આનંદ અને આશ્ચર્ય થશે કે એની એવી અસર થઈ કે આજે મને નાના માણસથી લઈને મોટા માણસ સુધીના જે કોઈ હોય, સંતો, મહંતો, તો એ પણ.. “ગોવિંદકાકા આવ્યા છે”, એમ બોલાવે  છે. મનેએટલું સમજાણું કે મેં બધાને માન આપ્યું તો મને માન મળ્યું.

આ કૂંચી ભાગવતમાંથી પૂ. ડોંગરેજી મહારાજે મને પકડાવી દીધી. અને એમાં મેં મારા જીવનમાં આવેલો આ ફેરફાર બરાબર નોંધ્યો. પછીથી એને બીજામાં પણ અમલ કરવા માંડ્યો.  તમે કોઈને ખુશી આપશો તો તમને ખુશી મળશે, તમે કોઈને પ્રેમ આપશો તો તમને પ્રેમ મળશે. એટલે પેલાં  માન ની જેમ જ મેં બધાને પ્રેમ આપવાનું શરૂ કરી દીધું, તો મને બધા પ્રેમ આપવા મંડ્યા. મેં બધાને ખુશી આપવાનું શરૂ કર્યું, તો મને પણ ખુશી મળવા માંડી. હું સમજી ગયો કે જેવું તમે બોલો છોએવા  પડઘા પડે છે. એક ભાગવત કથાના કથાકાર નું એક નાનકડું વાક્ય મારા જીવનમાં કેટલી મોટી ચોંટ કરી ગયું, એનું આ ઉદાહરણ છે.

આજે તમે સુરતમાં જઈને કોઈને એમ પૂછો કે હીરાવાળા, એસ.આર.કે. વાળા એટલે લોકો કહેશે, ‘એ તો ગોવિંદકાકા’. આ ગોવિંદકાકો આજે જે કહેવાઉં છું એની શરૂઆત તો ગોવિંદા થી થઈ હતી. પણ મને ગોવિંદા માંથી ગોવિંદભાઇ અને ગોવિંદકાકા બનાવવાનો શ્રેય પૂજ્યશ્રી ડોંગરેજી મહારાજને કે જેમણે  પેલી કથામાં વાક્ય કહ્યું કે, ‘તમે જે આપો એ તમને મળે.’

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback