હકીકતમાં ભગવાનનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન છીએ

ભદ્રાયુ વછરાજાની                     (55)                bhadrayu2@gmail.com   

શ્રીમદ ગીતાજીમાં ‘પુરુષોત્તમ યોગ’ એટલે પંદરમો અધ્યાય. ચૌદ માં અધ્યાયમાં બતાવેલી સાધનાની પૂર્ણ કરવા  માટે આ અધ્યાય છે, તેવું શ્રી વિનોબાજીનું કહેવું છે. પ્રયત્નમાં ભક્તિ અને આત્મજ્ઞાન ભળે  એટલે આ પૂર્ણતા આવે છે. ભક્તિ એ પ્રયત્નમાર્ગનો જ એક ભાગ છે. આત્મજ્ઞાન હોય કે ભક્તિ હોય એ બધા સાધનાનાં અંગો છે. 

શ્રી વિનોબાજી કહે છે, “કોઈપણ કામમાં ભક્તિતત્વ દાખલ થાય તો તે સહેલું લાગે છે. સહેલું લાગે છે એટલે મહેનત નહીં પડે એવું ન સમજશો. પણ એ મહેનત મહેનત જેવી નહીં લાગે. મહેનત પણ આનંદરૂપ લાગશે. બધી મહેનત હલકી ફૂલ થઈ જશે. ભક્તિમાર્ગ સહેલો છે એ વાતમાંનો મુદ્દો શો છે? તેનો મુદ્દો એ કે ભક્તિને લીધે કર્મનો ભાર લાગતો નથી. કર્મનું કઠણપણું જતું રહે છે. ગમે તેટલું કામ કરો તો યે કર્યા જેવું લાગતું નથી. ઈસુ ખ્રિસ્ત એક ઠેકાણે કહે છે, “તું ઉપવાસ કરે તો તારો ચહેરો ઉપવાસ કર્યા જેવો દેખાવો ન જોઈએ. ગાલને સુગંધી પદાર્થ લગાડ્યો હોય તેવો ચહેરો પ્રફુલ્લિત તેમ જ આનંદી દેખાવો જોઈએ. ઉપવાસ કરવામાં કષ્ટ પડે છે , એવું દેખાય તે ચાલે.” ટૂંકમાં, વૃત્તિ એટલી ભક્તિમય થઈ જવી જોઈએ કે કરેલી મહેનત વિસારે પડી જાય.

આત્મદર્શન એ બે ઘડી મોજનો ખેલ નથી. સહેજે મોજથી આત્મદર્શન થઈ જાય, એવું નથી. તે માટે સતત પ્રયત્નધારા ચાલુ રહેવી જોઈએ. પરમાર્થને માર્ગે જવાની શરત જ મૂળમાં એ છે કે, “હું એક ક્ષણ પણ નિરાશાને અવકાશ આપીશ નહીં. એક ક્ષણ પણ નિરાશ થઈને જંપીને નિરાંતે બેસીશ નહીં.” પરમાર્થનું બીજું સાધન નથી. કોઈ કોઈ વાર સાધકને થાક ચડે ને તેને મોંએથી, ‘तुम कारन तप संयम किरिया, कहो कहां लौं कीजे ?’ હે ઈશ્વર, ક્યાં સુધી તારે માટે આ તપસ્યા કરું? એવા ઉદગાર નીકળી જાય છે. પણ એ ઉદગાર ગૌણ છે. તપસ્યા અને સંયમનું જાતને એવું વળગણ પડી જવા દો કે તે તમારો સ્વભાવ થઈ જાય. ક્યાં સુધી સાધના કરું? આ વચન ભક્તિમાં શોભતું નથી.’

જે મનુષ્ય બધા જ પ્રકારના મોહથી મુક્ત થયો છે, તે મનુષ્ય અવિનાશી પરમપદ પ્રાપ્ત કરે છે અને પરમધામમાં સીધાવે છે. આ પરમધામ એવું  છે કે ન એને સૂર્ય પ્રકાશિત કરી શકે, ન ચંદ્રમા કે ન કોઈ અગ્નિ. જ્યાં પહોંચીને કોઈપણ મનુષ્ય આ સંસારમાં પાછો ફરતો નથી એ જ મારું પરમધામ છે. પંદર માં અધ્યાયના પહેલા છ શ્લોકો ની અંદર આપણને સંસારરૂપી અશ્વત્થ વૃક્ષના સ્વરૂપ અને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એના ઉપાય જણાવવાનું કામ ભગવાને કર્યું છે. એ અર્જુનને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે પણ હકીકતમાં તેમનો સંકેત આપણા સૌ સમક્ષ છે. આપણે એક યા બીજી રીતે ખરેખર અર્જુન જ છીએ. 

આ  પંદરમાં અધ્યાય નો બીજો ભાગ જે ઇશ્વ્રરાંશ જીવ, જીવતત્વના જ્ઞાતા, અને અજ્ઞાતાનો પરિચય આપણને કરાવે છે. તેમાં જે પાંચ શ્લોકો  છે એને ટૂંકમાં જાણીએ તો ભગવાન કહે છે,  હે અર્જુન,  સંસારના પ્રત્યેક શરીરમાં જીવાત્મા સ્થિત થયેલો છે એ મારો જ સનાતન અંશ છે, કે જે મન સહિત છ એ છ ઈન્દ્રિયો દ્વારા પ્રકૃતિને આધીન રહીને કાર્ય કરે છે. જાણવાનું એ છે કે સનાતન અંશ હું છું, પણ હું પણ ઈન્દ્રિયોના માધ્યમથી પ્રકૃતિને આધીન રહીને કામ કરું છું. શરીરના સ્વામી જીવાત્મા છે, એની છ ઈન્દ્રિયોના કાર્યોના સંસ્કારરૂપ ગ્રહણ કરીને એક શરીરનો ત્યાગ કરીને બીજા શરીરમાં એ જ રીતે ચાલતા જવાની અહીં વાત છે કે જેવી રીતે વાયુ ગંધને એક સ્થાનેથી ગ્રહણ કરે છે અને બીજે સ્થાને છોડી દે છે. આ જ પ્રકારે બીજા શરીરમાં સ્થિત થઈને જીવાત્મા કાન, આંખ, ત્વચા, જીભ, નાક, અને મન એમ છ ની સહાયતાથી વિષયોનો ભોગ કરતો રહે છે. જીવાત્મા કેવી રીતે શરીરમાં સ્થિત રહે છે?  અને કેવા પ્રકારના પ્રકૃતિના ગુણોને આધીન રહીને વિષયો નો ભોગ કરે છે ? મૂર્ખ મનુષ્ય ક્યારેય પણ આ પ્રક્રિયાને નથી જોઈ શકતો. પરંતુ તે જ મનુષ્ય જોઈ શકે છે જેની આંખોએ જ્ઞાનના પ્રકાશથી બહુ જ પ્રકાશિત થવાનું સદભાગ્ય પ્રાપ્ત કર્યું છે. આપણને ઈશ્વરનો જીવ ક્યાં મળશે? ક્યારે મળશે? કેવો મળશે? એનો પરિચય કરાવતા આ વિભાગના પાંચમાં અને અધ્યાયના અગિયારમાં  શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે યોગના અભ્યાસમાં પ્રયત્નશીલ મનુષ્ય પોતાના હ્રદયમાં સ્થિત આત્માને જોઈ શકે છે. પરંતુ જે મનુષ્ય યોગના અભ્યાસમાં લાગેલો નથી એવો અજ્ઞાની પ્રયત્ન કરતા રહેવા છતાં પણ કદી આત્માને જોવા પામતો નથી. આ બીજા વિભાગની અંદર ઈશ્વર આપણને એવું કહે છે કે, ભલે તમે ગમે તે હો, પણ તમારા તરફથી પણ નિશ્ચિત પ્રયત્ન થાય તે અતિ આવશ્યક છે. કારણ કે એક જીવ માંથી બીજા જીવમાં ગયા પછી પણ હું સનાતન અંશ હોવા છતાં પ્રકૃતિને આધીન રહીને મારું કામ કરું છું. 

પંદર માં અધ્યાયના ત્રીજા ભાગમાં પરમેશ્વરના સ્વરૂપનું વર્ણન છે.  એમાં પરમેશ્વરનો પ્રભાવ ક્યાં છે એ પણ દર્શાવવામાં આવ્યું છે. ભગવાન કહે છે, હે અર્જુન, જે પ્રકાશ સૂર્ય માં છે, જેનાથી સમસ્ત સંસાર પ્રકાશિત છે, જે પ્રકાશ ચંદ્રમામાં  છે, અને જે પ્રકાશ  અગ્નિમાં  સ્થિર થયો છે, એ પ્રકાશને તું મારાથી ઉત્પન્ન થયેલો છે એવું સમજજે. હું જ પ્રત્યેક લોકમાં પ્રવેશ કરીને મારી શક્તિથી બધા જ પ્રાણીઓને ધારણ કરનાર છું, અને હું જ ચંદ્રમાના રૂપમાં વનસ્પતિઓમાં જીવન રસ બનીને સમસ્ત પ્રાણીઓના પોષણ કરનારો છું. હું જ પાચન અગ્નિના રૂપમાં સમસ્ત જીવોના શરીરમાં સ્થિર થયેલ છું, હું જ પ્રાણવાયુ અને અપાન વાયુ ને સંતુલિત રાખીને ચાર પ્રકારના અન્નોને પચાવવાનું કામ કરું છું. આ ચાર પ્રકારના અન્નોમાં ચાવવું પડે તેવું, પીવું પડે તેવું, ચાટવું પડે તેવું, અને ચૂસવું પડે તેવું, એવા ચાર પ્રકારના અન્ન એ હકીકતમાં મારા દ્વારા જ પોતાનું દ્રવ્ય સ્વરૂપ પ્રાપ્ત કરી રહ્યા છે. ભગવાન કહે છે કે હું જ બધા જીવોના હૃદયમાં આત્મા રૂપે સ્થિત થયેલો છું, મારા દ્વારા જ જીવને વાસ્તવિક સ્વરૂપની સ્મૃતિ, વિસ્મૃતિ કે જ્ઞાન થાય છે, હું જ બધા જ વેદોના દ્વારા જાણવા યોગ્ય છું અને મારાથી જ સમસ્ત વેદ ઉત્પન્ન પણ થયા છે અને હું જ સમસ્ત વેદોને જાણવાવાળો છું. પરમેશ્વર પોતાના પ્રભાવ ક્યાં ક્યાં રહેલો છે એમ કહીને એવું દર્શાવે છે કે પામર  જીવ તરીકે તારે જે કરવું હોય તે તું અવશ્ય કરી શકે છે, પરંતુ અંતે જે સમગ્ર પ્રકારનું એક આધિપત્ય છે એ મારા છત્ર નીચે મેં રાખ્યું છે.