ઘરે ઘરે પહોંચ્યા બે સદગ્રંથો....

ભદ્રાયુ વછરાજાની@ખાંડા, ધરમપુર

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો.
 
ધરમપુર તાલુકા નું અંતરિયાળ ગામ છે ખાંડા. અને આ આદિવાસી લોકોનો વિસ્તાર. આ લોકોને આદિતીર્થવાસી લોકો એવું નામાભિધાન કરવાનું પુણ્ય પૂજ્ય શ્રી મોરારીબાપુને મળ્યું છે. પોતાની નવ દિવસની રામકથા લઈને તેઓ આદિ તીર્થ વાસીઓની વચ્ચે બેઠા છે.
કથાના આયોજનમાં પણ પહેલે દિવસે જબાપુએ ટકોર કરી કે, “જે લોકો મને કાયમ સાંભળવા આવે છે, દૂર-દૂરથી આવે છે, પરદેશથી આવ્યા છે, એને મારી વિનંતી છે કે તેઓ પાછળના ભાગમાં બેસે અને અહીંના જે આદિવાસી વિસ્તારના લોકો છે એને મારી ખૂબ નજીક આવવા દે અને એને બેસવા દે. કારણ કે હું એમને મળવા આવ્યો છું. હું એમની વચ્ચે જઈને વાતો કરવા આવ્યો છું, હું એમના ખોયડે-ખોયડે જવાનો છું અને ત્યાં જઈને હું એમની વચ્ચે એમની વાત સાંભળવાનો છું, એમના ઘડેલા રોટલા ખાવાનો છું. મારે એ લોકોની સાથે ભળી જવું છે, જેથી કરીને એ લોકોને એવું લાગે નહીં કે કોઈ સનાતન ધર્મનો એક ભૂખ્યો એનાથી દૂર રહ્યો છે. હું આ મારા સૌ કુટુંબીજનોને, મારા પરિવારને ફરી એકવાર જોડવા માટે અહીં આવ્યો છું.” અને આનંદની વાત એ હતી કે બીજા જ દિવસથી આયોજકોએ સુંદર વ્યવસ્થા કરી અને બાપુની સન્મુખ આ આદિ તીર્થવાસીઓ બેસે એવી વ્યવસ્થા થઈ ગઈ.
શરૂઆતમાં એવું લાગતું હતું કે, દૂરનો વિસ્તાર છે, સખત ગરમીની આગાહી છે, હીટવેવ ની પણ આગાહીઓ કરવામાં આવી છે, ત્યારે કદાચ કથામાં એટલા શ્રોતાઓ ઉપસ્થિત નહીં થાય, પણ બીજા જ દિવસથી કથાનો મંડપ છલો-છલ છલકે છે. બાપુએ કથા ન સાંભળો તો પણ ભોજનને પ્રસાદ રૂપે ગ્રહણ કરવા માટે ખુલ્લું ઈજન આપ્યું છે. માત્ર ખાંડા નહિ, આજુબાજુનાં ગામના લોકોને કહ્યું છે કે, નવ દિવસ સુધી સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને રાતનું વાળુ તમારે અહીંયા કરવાનું છે. કોઈ ગામની અંદર ચૂલો પેટાવાની મનાઈ છે. બાપુએ પોતાના મનોરથ પ્રમાણે ખાલી ઈશારો કર્યો અને એના મનોરથી યજમાને સવાર-સાંજ શેરડીનો રસ પાઈને ઠંડક કરવાનું કામ કર્યું. આશ્ચર્યની વાત એ છે કે જમતા પહેલા અને જમ્યા પછી તમે ભાવે તેટલો શેરડીનો રસ અહીં પી શકો છો. બાપુ એવું વ્યક્તિત્વ છે કે જેના એક માત્ર ઇશારાથી એમના યજમાનો બાપુ શું કહેવા માંગે છે તે પારખી જાય છે, અને બાપુની ઈચ્છાથી સવાયું કરીને એ પાછું આપે છે.
ખાસ કરીને બાપુએ આયોજન એવું કર્યું છે કે, રોજ સાંજે તેઓ એક-એક ફળિયામાં જાય, અને એમ કરીને નવ દિવસમાં નવ ફળિયા આ ગામના જે મુખ્ય છે, ત્યાં જઈને રાત્રે રોટલો ખાય, જેથી કરીને એ લોકોને એમ લાગે કે બાપુ અમારા ઘર સુધી આવ્યા છે. નોંધવા જેવી વાત એ છે કે બાપુએ અનેક વખત કથામાં કહ્યું છે કે, ‘તમારા ઘરમાં પાંચ વસ્તુઓ રાખવી’, અને પાંચ વસ્તુઓ ગણાવતા તેઓ કહે છે કે, તમે બે- બે ની જોડમાં પાંચ વસ્તુઓ રાખજો, બે પાદુકા રાખજો, બે દીવા કરજો, બે માળા રાખજો, બે ગ્રંથ રાખજો, અને બે અક્ષરનું નામ ‘રામ’ તમારા ઘરમાં રાખજો.’ બાપુ એમ કહે છે કે ગ્રંથ તમે વાંચો નહીં તો વાંધો નથી, માત્ર એની સામે નજર નાખો એટલા માટે ‘રામચરિત માનસ’ અને ‘શ્રીમદ ભગવત ગીતા’ તમારા ઘરમાં અચૂક રાખજો. બાપુની આ વાત પહેલેથી પારખી ગયેલા આ કથાના વ્યવસ્થાપકો, ડો. પ્રજ્ઞાબેન કલાર્થી, અને પરેશભાઈ ફાફડાવાળા વગેરેએ નક્કી કર્યું કે, આ ગામના ઘરે-ઘરમાં આપણે ‘ભગવદગીતા’ અને ‘શ્રીરામચરિત માનસ’ પહોંચાડીએ. બાપુના આવતા પહેલા આ કામ પૂર્ણ થયું. આ વિસ્તારના લોકોની સજગતા જોવા જેવી છે, એમણે બાપુના આવ્યા પછી એ રામચરિત માનસમાં બાપુના હસ્તાક્ષર લેવા માટે લાઇન લગાડી. બાપુની પાસે રોજ લગભગ પચાસેક લોકો આવે અને ‘રામચરિત માનસ’ આપે કે “બાપુ આમાં આપના હસ્તાક્ષર કરી આપો”.
ગમે તેટલા મોટા ઉધામા કરીએ તો જે ન થઈ શકે એવું કામ બાપુ અત્યારના ખાંડામાં કરી રહ્યા છે. કથા જેમ જેમ આગળ વધતી ગઈ એમ બાપુને અહેસાસ થતો ગયો કે આદિવાસી વિસ્તારોમાં પહોંચવું હોય તો એક કથાથી કામ પાર નહીં પડે. બીજે જ દિવસે બાપુએ પોતાની કથામાં જાહેરમાં એવું કહ્યું કે, “અમે તમારા સુધી નથી પહોંચી શક્યા, અમે તમારી વાત નથી સમજી શક્યા એ બદલ ક્ષમા યાચના કરવાનું મને મન થાય છે. હું તો રવેચીની કથાથી ક્ષમા હું યાત્રાએ નીકળ્યો હોઉં એવું મને લાગે છે, એટલે રવેચી પછી આ મારું ક્ષમાયાચનાનું બીજું સોપાન છે. અને મારા મનમાં આવા સાત સોપાન કરવાનો મનોરથ છે. બાપુએ એમ કહ્યું કે નેવું ટકા ઈશ્વરનો સાથ રહેશે તો હું પ્રતિવર્ષ એક વખત કોઈ આદિતીર્થવાસી વિસ્તારની અંદર રામકથા લઈને આવીશ. બાપુએ એવું પણ કહ્યું કે, તમે મને સૂચન કરજો કે કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજી આપણે પહોંચ્યા નથી?, એ વિસ્તારમાં ઊંડે જઈને પણ રામકથા કરવાનો મારો મનોરથ છે. ત્રણ દિવસમાં બાપુએ આ વાતને માત્ર કહી એટલું નહીં, એ વાતને ચાલતી કરી દીધી, એના ચક્રો ગતિમાન કરી દીધા, અને કથાના ત્રીજા દિવસે તો બાપુએ ઘોષણા કરી દીધી કે, “એક વર્ષની અંદર, આવતા ડિસેમ્બર સુધીમાં હું સોનગઢના આદિતીર્થવાસીઓની વચ્ચે કથા કરવા આવવાનો છું. “
આ આખી કથાનો રણકો એવો ઉભો થયો છે કે સનાતન ધર્મના જે મુખ્ય ધુરંધરો છે, એના સામે એક નવા સૂર્યના ઉદયનો પ્રસંગ જાણે આવ્યો છે. હવે ધર્મ પરિવર્તન કરવું એટલું સહેલું નહીં બને, કારણ કે ઘર-ઘરની અંદર વ્યાસપીઠ પહોંચી છે. ઘર-ઘરની અંદર કથા પહોંચી છે, અને આ આપણને બહારથી અબુધ લાગતા લોકો ખૂબ સમજવાળા છે, ઓછામાં ઓછું બોલે છે, તમે બોલો ત્યારે એની આંખોથી એ સાંભળે છે, તો એ આંખોથી સાંભળતા લોકો સુધી બાપુ બરાબર પહોંચ્યા છે. અને પ્રતિવર્ષ આદિતીર્થક્ષેત્રમાં જઈને તેઓ કથા કરવાના છે, એ બાપુનો વૈશ્વિક સ્પૃશ્યતા માટેનો યજ્ઞ છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
જય સિયારામ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback