દહીંની ચમચી મોંમાં મૂકી પરીક્ષા દેવા જવાનું...

– ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

આજે માની દસમાં ધોરણની દીકરીઓને ગણિતની પરીક્ષા હતી. ગુજરાત આખામાં ગણિત આજે પણ વિદ્યાર્થીઓમાં ભયનો વિષય છે, એટલે દીકરીઓના ચહેરા પર ચિંતાના વાદળો દેખાતા હોવાં જોઈએ, પરંતુ બારડોલીની આ સરદાર પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓના ચહેરા હસતા દેખાતા હતા, કારણ આગલી રાત્રે બહારથી ભણાવવા આવતા જયેશભાઈ અને પ્રિયંકાબેને જબરદસ્ત પ્રેક્ટિસ ગણિતની કરાવી હતી, તેથી વિદ્યાર્થિનીઓનો વિશ્વાસ બમણો થઈ ગયો હતો.

એક વાત એ નોંધવા જેવી છે કે ગઈકાલે દીકરીઓની બોર્ડની રસીદો જે મેં માના મંદિરમાં મૂકેલી જોઈ હતી અને તેના ચિત્રો આપને દર્શાવ્યા હતા તે રસીદો આજે જુદી જ રીતે ગોઠવાયેલી હતી. માના રૂમમાં એક શેટી ઉપર સૌના ક્રમબદ્ધ ફોટા દેખાય તેવી રીતે આ હોલ ટિકિટ પાથરેલી હતી. (આ સાથેની તસવીરમાં તે જોઈ શકાશે) અને બીજી એક શેટી ઉપર વિદ્યાર્થીઓના ક્રમ પ્રમાણે એમની ઘડિયાળો ગોઠવેલી હતી.!!! આ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું કારણ આ કંઈ દીકરીઓનું ઘર નથી, પણ ઘરથી પણ વિશેષ જેની કાળજી નિરંજના મા લે છે, તે છાત્રાલય છે અને એવું છાત્રાલય કે જ્યાં માની નિશ્રા ચોવીસે ય કલાક મળતી રહે છે.

મા પોતાના શયન પછી આ શેટીઓ ઉપર દીકરીઓની રસીદ અને તેની ઘડિયાળ ગોઠવીને રાખી દે છે. પરીક્ષામાં જતા પહેલા થોડી વારે વિદ્યાલયમાંથી દીકરીઓ ક્રમબદ્ધ લાઈનમાં ગોઠવાઈને ધીમે ધીમે માના મંદિર પાસે આવે છે, ત્યાં માના અન્નપૂર્ણા ઈલાબેન સૌને શુકનનું ચંદન કપાળે કરે છે અને દીકરીઓ ભગવાનને પ્રણામ કરી પોતાની રસીદ લઈ લે ને પછી અંદરથી પોતાની ઘડિયાળ લઈ બહાર બેઠેલા માને ‘જય સિયારામ’ બોલતા બોલતા પ્રણામ કરે છે અને ત્યાં ગૃહમાતા ઉર્વશીબેન ઊભા છે, જે સૌને શુકન માટે દહીંની ચમચી મોંમાં આપે છે !!

આ આખી એક વૈદિક સંસ્કાર પ્રક્રિયા આ ગ્રાન્ટેડ સ્કૂલમાં થાય છે, કારણ કે ત્યાં મા દીકરીઓ માટે ખડે પગે 86 વર્ષની ઉંમરે પણ સતત હાજર રહે છે.

અને પછી મા દીકરીઓને ખુલ્લા મોટા આઇસરમાં ટેબલ રાખીને ચડાવે છે અને પછી એ આઇસર ની પાછળ પોતે ગાડીમાં જઈને બે કેન્દ્રો ઉપર આ દીકરીઓને પરીક્ષા સ્થળે પહોંચાડી હાશકારો અનુભવે છે. કહો જોઈએ, આવી કાળજી કોણ લેતું હશે ?? અહીં તો એવી દીકરીઓ છે કે જેને કાં તો મા નથી, કાં તો બાપ નથી, કાં તો બંને નથી, કાં તો પોતે નવી મા પાસે મોટી થઈ રહી છે અને એ પણ દૂર સુદૂર ક્યાંક મહેનત મજૂરી કરતી હોય છે કે જેને ખબર પણ નથી કે આજે આ દીકરીઓને બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર છે,, પણ એ દૂર રહેલી મા કે બાપે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેમણે પોતાની દીકરીને માની આંગળીએ સોંપી દીધી છે.

અહીં 18 થી 20 મહિના જ આ દીકરીઓ રહે છે, કારણ તેઓ નવ માં આવે છે અને 10 મું પૂરું કરીને જતા રહે છે, પરંતુ આ 20 મહિનામાં મા એમને એવા તૈયાર કરે છે કે ન પૂછો વાત.. વધુ વિગત ત્યારે જ સમજાય જ્યારે આ સંસ્કાર સિંચન કરતી વિદ્યાલયની આપણે મુલાકાત લઈએ.

આટલા વર્ષો પછી મને આજે પરીક્ષા ટાણે અહીં હાજર રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું તેથી તેની વાત મેં આપ સમક્ષ મૂકી છે. ચિત્રો વિડીયો વગેરે આપ નિહાળશો તો આપની સમક્ષ પાવન દ્રશ્ય ચરિતાર્થ થશે
સૌને જય સિયારામ…. ભદ્રાયુ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback