અસ્તિત્વએ સૌને ઘરે ઘરે જઈને જાણે કહી દીધું કેઆજે તમે જશો, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’ 

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

પોતાનાં જીવનના પૂર્વકાળમાં સખ્ત પરિશ્રમ કરી સમૃદ્ધ થયેલ એક ઉદ્યોગવીરને ઓશો નામધારી જડીબુટ્ટી જડી અને તેમણે જીવનને આનંદોત્સવમાં પલટી નાખ્યું. જીવનની જહોજલાલી જે પૂર્ણતઃ પામે છે ને માણે છે તે જ ઈચ્છે ત્યારે સહજ થઈ સઘળું છોડી પોતાનો નોખો – અનોખો માર્ગ કંડારી શકે છે ! એ ભરચક્ક જીવન જીવ્યા. સંઘર્ષ કર્યો. કમાયા, વાપર્યું,બચાવ્યું. સ્વ થી લઈને સર્વ સુધી પ્રત્યેકને હળ્યા, મળ્યા, ભળ્યા અને જે જેવા હતા તેવા તેને સ્વીકાર્યા. બસ, આ જ ઓશોમાર્ગ છે. જે પોતે શાંત થતો જાય અને અન્ય સૌને અપાર શાંતિનો માહોલ બક્ષે તે જ તે સાચો ઓશોપ્રેમી છે.

આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટથી વીસેક કિલોમીટર દૂર વાગુદળ ગામ પછી બાલસરનાં પાદરમાં આવેલ ‘ઓશો વાટિકા’ના સ્વામી સંજય ભારતીની… સંજય સ્વામી અને કમુ મા ચહેરા પર સ્મિત અને આંખમાં પ્રેમસભર દંપતી છે, અને તેમના દ્વારા થયેલ સર્જન ‘ઓશો વાટિકા’ પરમ તત્ત્વની સતત હાજરી પુરાવતું પ્રશાંત સ્થાન છે, પણ આપણે એમનાં જીવનની ગઇકાલ કે આજની વાત નથી ક૨વી. આપણે તો વાત કરવી છે, જગતની દ્રષ્ટિએ એક દુર્ઘટનાની પણ સંજય સ્વામીની નજરે તો એ સુખદ પળ હતી કે જ્યારે અસ્તિત્વએ હાજરી પુરાવી હતી !

દુર્ઘટના અને સુખદ પળ ?? હા, આવું બને  એક સાથે ? ચર્મચક્ષુથી જુએ તેના માટે તો એક અકસ્માત, કારણ ઓશો વાટિકાનો  ધ્યાનખંડ ધરાશાયી થયો, પણ દિવ્યચક્ષુથી  નિહાળે  તેના માટે દિવ્ય પળ ! કારણ અસ્તિત્વએ એક જ પળમાં દૂર સુદૂરથી આવનાર ઓશોપ્રેમીઓને સંકેત કરીને ગેરહાજર કરી આપ્યા !!

હા, વાત જરા વિગતથી જાણીએ. સ્વામી સંજય ભારતી ભાવવિભોર થઈને એ પળને ફૂલડે વધાવતાં વર્ણવે છે : રોજના નિયત ક્રમ મુજબનાં ધ્યાન અહીં થતાં રહે છે અને અમે સદગુરુને સાથે રાખી ધન્ય થઈએ છીએ. ધ્યાનખંડમાં સો થી દોઢસો સન્યાસીઓ નિજ મૂડમાં નાચે, ગાય ને ધ્યાનસ્થ બને. સવારના છ વાગ્યે ડાયનેમિક મેડિટેશન શરૂ થાય અને રાજકોટથી, મેટોડાથી, સન્યાસીઓ પોણા  છ  સુધીમાં ગાડી પાર્ક કરી ખંડમાં ગોઠવાય જાય. 

          સંજય સ્વામી ને કમુ મા આગોતરા  પહોંચી જાય ખંડદ્વારે.. તે દિવસે કમુ  માની આંખ દુઃખવા આવી સવારમાં ને એમણે સંજય સ્વામીને કહ્યું, હું આજે નહીં આવું. એક ઈનોવામાં છ મિત્રો સાથે આવે, એમાંના  ગાડી માલિકના પત્નીએ રાત્રે પતિદેવના એલાર્મને બંધ કરી દીધો !  એક દંપતિ નિયમિત આવે. પતિ ટૂરમાં હોય તો  પણ પત્ની આવે જ, એ પ્રભાતે એમને આળસ આવ્યું ! ત્રણ મિત્રોને પરિવારના ઈમરજન્સી કામ માટે વહેલી સવારે બહારગામ જવાનું થયું ! આમ પચ્ચીસથી ત્રીસ નિયમિત સન્યાસીમાંથી કોઈ ન ફરકયું ! 

          ‘હશે, જેવી  ગુરુની ઈચ્છા.’ એમ મન વાળી સંજય સ્વામી હવે ધ્યાનખંડમાં પ્રવેશ્યા. રોજ તો એ મધ્યમાં બેસે, પણ આજે પ્રવેશદ્વાર પાસે રહેલ  મ્યુઝિક સિસ્ટમની નજીક બેઠા અને ધ્યાનમગ્ન થયા. નિયત દોર પૂરો થયો ને એકાદ કલાક પછી આંખો ખોલીને ઊભા  થવા જાય ત્યાં જ મોટો ધડાકો થયો અને સંજય સ્વામી નજીકના દ્વારથી બહાર કૂદ્યાને ધ્યાનખંડ ધબાય નમઃ !! આગળની આખી રાત વરસાદ પડયો  હતો, ખંડમાં પીઓપી સજાવટ હતી તેમાં કદાચ પાણી લીક થયું હોય,,,, જે થયું તે પણ એક માત્ર સંજય સ્વામીની ઉપસ્થિતિ અને એક જ પળમાં અસ્તિત્વએ હાજરી પુરાવી પણ એ જ અસ્તિત્વએ અનેકને સંકેત આપી કહી દીધેલું કે, ‘જ્યાં છો  ત્યાં રહો.’ સંજય સ્વામી તો પરમની હાજરી માણતા હસવા લાગ્યા, કમુ મા પણ બહાર દોડી આવ્યા, વાટિકામાં રહેતા કાર્યકરો પણ આવી ગયા ! સૌને આનંદ અને આશ્ચર્ય બંને હતા કે આજે કોઈ સન્યાસી ન હતા !!  ધ્યાનખંડે ભૂમિ પર  આળોટવાનું નક્કી કર્યું. આ બધા તો ઓશોપ્રેમી એટલે આ ઘટના માટે ‘ઉત્સવ’ ઉજવાયો અને એ વખતે નિયમિત  ડાયનેમિક એટેન્ડ કરનાર સૌ પોતે તે જ સવારે કેમ ન આવી શક્યા તે વર્ણવતા હતા, સૌ નાચ્યા, ગળે  મળ્યા, ખુબ હસ્યા ને અશ્રુથી પરમને અભિષેક કર્યો  !! 

                   વો ચાહે સો હોઈ !! એમ આપણે બોલીએ છીએ પણ આ ઓશોપ્રેમીઓએ અનુભવ્યું. રોજની જેમ પચ્ચીસ-ત્રીસ પ્રેમીઓ આવ્યા હોત  અને ધ્યાનખંડમાં જ બેઠા હોત તો ??…. આ ‘તો’ નો જવાબ અસ્તિત્વએ ઝીલી લીધો અને સૌને-બધાને ઘરે ઘરે જઈને  જાણે  કહી દીધું કે ‘આજે જશો નહીં, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’