શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ગ્રામસેતુ એપ્રિલ- ૨૦૨૪

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

R Mankad all.3

આયકરની નોકરી છોડી શિક્ષણનો કર ઝાલનાર સમાંતર શિક્ષણ વ્યવસ્થાના શિક્ષક શ્રી રમેશભાઈ માંકડ.. અંગ્રેજીની જાણે આખી પાઠશાળા!

ન ચોર હાર્યું ન ચ રાહાર્ય  ન ભાતૃભાજ્યમ્ ન ચ ભારકરિ વ્યયે કૃતે વર્ધત એવ નિત્ય, વિદ્યા ધર્મ સર્વ ધનમ્ પ્રધાનમ્।

એ માતાશ્રીની રોજની પ્રાર્થનાના શિડ્યુલનો પહેલો શ્લોક! દિવસનું ફૉર્મલ ઍજ્યુકેશન પૂરું થાય પછી ઘરે ઇન્ફૉર્મલ ઍજ્યુકેશન શરૂ થાય. શ્લોકથી શરૂઆત અને એમાં પણ વિદ્યાનું જ પ્રાધાન્ય અને મહત્ત્વ! તેથી જ તો શિક્ષણ સાથે જાણે નાળસંબંધ બંધાયો. સૉર્સ ઑફ ઇન્સ્પિરેશન ઍન્ડ ઍન્કરેજમૅન્ટ એટલે માતા અને પિતા. એમનું આખું જગત સમાય ગયું એ વિભૂતિઓમાં. શ્રી હરખલાલ વસંતરાય માંકડ અને સૌ. બાળાબહેન માંકડ. સૌથી મોટા પુત્ર રમેશભાઈ માંકડ. સંસ્કાર પિંડ ઘડાયો ભારતીય સંસ્કૃતિના ભાતીગળ માહેલમાં. માતા તેર વર્ષે પરણેલા. માત્ર ત્રણ ગુજરાતી ભણેલાં. જીવન કથા-કીર્તન-ધાર્મિક ગ્રંથોનું વાચન કરવામાં વીત્યું. માંડ માંડ ઉકલે તેવા અક્ષરોમાં બાળાબહેને ગ્રંથોનો નિચોડ પણ લખેલો. સંતાનોને વહાલથી કહેતા જાય : જ્યારે સમય મળે ત્યારે આ પુસ્તકો વાંચી જજો.’ પિતાશ્રી નૉનમૅટ્રિક. પણ એ સમયમાં નૉનમૅટ્રિક એક લાયકાત ગણાતી, કારણ કે તે સમયના નૉન-મૅટ્રિક આજના અનુસ્નાતકને પરસેવો પડાવે તેવા હોંશિયાર. પિતાશ્રીએ ગુજરાતી માધ્યમમાં ફોર્મ (આજનું આઠમું ધોરણ) શરૂ કરનારા દીકરા રમેશને આદેશ કર્યો : “From today onward you will speak with me in English for half an hour daily.’ ધીમે ધીમે સમય વધતો ગયો. સ્પેલિંગ-ઉચ્ચાર-રજૂઆત અંગે પિતાશ્રી સાથે રીતસર શાસ્ત્રાર્થ થતો ગયો.

બન્યું એવું કે રમૂજી પ્રકૃતિવાળા કાકા અમારા ઘરે આવેલા, રોકાયેલા. એમના ગયા બાદ પિતાજીને મેં કહ્યું : હીઝ કમ્પની ગેવ મી ગ્રેટ જૉય… પિતાજીએ મુદ્દો પકડ્યો. જોય’ શબ્દનો ઉપયોગ તો યોગ્ય કર્યું… પણ આપણે ક્યાંક બહાર ઘૂમતા હોઈએ ત્યારે ઊડતાં પંખીઓ (ફ્લાઇંગ બર્ડ્સ), વહેતી સરિતાઓ (ફ્લોઇંગ રિવર્સ), ડોલન કરતાં પુષ્પો (ડાન્સિંગ ફ્લાવર્સ) કે કોઈ અદ્ભુત શિલ્પ નિહાળવા મળે તો જોય’ શબ્દના સ્થાને કર્યો શબ્દ વાપરશો? એમણે જ જવાબ આપ્યો : “ડિલાઇટ” કે પ્લેઝર’ કે ‘જોય’ તો છે જ પણ તમે કુદરતી સૌંદર્યના મૂક ભાવે પ્રેક્ષક થાવ છો ત્યારે હૃદયના આનંદનું ઝરણું બહાર આવ્યું છે તે દર્શાવતો શબ્દ છે ‘રેપ્ચર’ (Rapture)… અને આનંદની માત્રા વધતી જાય તેમ શબ્દો બદલાતા જાય : રેપ્ચર’ પછી ‘એક્સટસી’ અને બ્લીસ’ મારી ઉંમર ન હતી આ બધું સમજી શકવાની, પણ ઉમેરાતું હતું બધું. પિતા વર્ણન કરી સમજાવતા. વિશાળ લલાટ હોય – લગભગ કાન સુધી અડે એવી લીંબુની ફાડ જેવી આંખો હોય – મુખારવિંદ પર તેજ હોય, નૂર હોય, આભા હોય

સમથિંગ લાઇક ઑરા હોય ત્યારે એવી પર્સનાલિટીને કહેવાય August Personality! બહુ મોટો થયો ત્યારે ઍપ્રોપ્રિએટ યુસેઝવાળી વાત શીખવી ન પડી કારણ પિતાજીએ નાની વયે બધું ઘોળી ઘોળીને પાયું હતું.’ રમેશભાઈ માંકડ પોતાનાં વનઆદર્શ એવાં મા-બાપ વિષે ભાવવિભોર થઈને બોલતા જ રહે છે.

જન્મ જામનગરમાં પણ શૈશવ ગાંધીભૂમિ પોરબંદરમાં. ત્યાં પ્રાથમિક શિક્ષણ, પછી ત્રણ વર્ષ રાજકોટ જેમાં એક વર્ષ દેવકુંવરબા સ્કૂલમાં અને મૅટ્રિક સુધી આલ્ફ્રેડ હાઈસ્કૂલ – આજની મોહનદાસ ગાંધી વિદ્યાલયમાં. શિક્ષકો ઇનોવેટિવ અને સ્ટુડિયસ. એ શિક્ષકો એમ માનતા કે વિદ્યાર્થીઓને હોમવર્ક આપવાની વાત તો પછી આવે, પહેલાં શિક્ષકોએ હૉમવર્ક કરવાનું હોય! પોતે બરાબર તમારું સજ્જ ન હોય તો તેઓ રજા પર રહેતા. અંગ્રેજના શિક્ષકે સમજાવેલું કે : કોઈપણ ટેન્સ (કાળ) પ૨ તમારે પ્રભુત્વ તો જ આવી શકે જો તમે તેના ઉપર અનેકાનેક વાક્યો લખેલ હોય, શિક્ષક પોતે બોર્ડ પર એટલું લખતા તે સાંજે ઘરે પહોંચે ત્યારે ઘરના સભ્યો તેમનાં મસ્તક ૫૨ જમા થયેલી ચૉકસ્ટીકની ભુક્કી જોઈને કહે કે, “તું કડિયાનો દીકરો છો કે શિક્ષક ?” બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી બી.એ., રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી એમ.એ. અને એ.એમ.પી. લૉ કૉલેજમાંથી કાયદા સ્નાતકની ઉપાધિઓ પ્રાપ્ત કરનાર રમેશભાઈ માંકડના જીવનમાં જબ્બર વળાંક લાવનાર ઘટના બની. ૧૯૫૭નો સમય. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કૉલેજમાં જુનિયર બી.એ.માં ભણે. સંસ્કારી-સરળ- મહેનત-શાંત-સૌમ્ય યુવાન ઉછેરમાં પરગજુપણું મળેલું. અચાનક જાણવા મળ્યું કે એક બ્રાહ્મણ બહેનના પતિનું અકાળે અવસાન થયું. પતિ હતા પોસ્ટઑફિસમાં… નાની ઉંમરે વૈધવ્યનો ભોગ બનેલ બહેનને એક દીકરો. ભણે પણ ઠીક ઠીક સૌએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. જૂનાગઢના પોસ્ટમાસ્ટરે કહ્યું કે, બહેનનો દીકરો જો અંગ્રેજીમાં સરનામાં વાંચતાં શીખી જાય તો તેને મૅસેન્જર’ની જ્ગ્યા પર નોકરીએ રાખી દઈએ. બહેનનો આધાર ઊભો થાય. પણ આ ટૂંકા ગાળામાં સિદ્ધ કરવો પડે તેવો પડકાર ઉપાડે કોણ? રમેશ માંકડના કાને આ વાત આવી. તેણે બીડું ઝડપ્યું. કૉલેજ પહેલાં અને પછી, પેલા વિધવા માતાના દીકરા પાસે એમણે પલાંઠી વાળી. મા દીકરીના માથામાં તેલ નાખતી વખતે જેમ વહાલથી પાંથીએ પાંથીએ તેલ પૂરે, એટલા સ્નેહથી યુવાન રમેશ વિધવા માતાના આધારને અંગ્રેજી શીખવવા લાગ્યો. નિષ્કામ કર્મનો ગીતા ઉપદેશ ચિરિતાર્થ થયો. જુનિયર બી.એ.માં ભણતા છોકરાએ એક કુટુંબનો કાયમી આધાર બની રહેવામાં એક દીકરાને સફ્ળતા બક્ષી અને પોતાની જિંદગીના અધ્યાપન માર્ગનો અજાણતાં પાયો નાંખ્યો! આજે પંચોતેર વર્ષ તરફ સરકતા રમેશભાઈ માંકડ આ પ્રસંગ વર્ણવત ગળગળા થઈ જાય છે અને શાળા-કૉલેજની ઔપચારિકતામાં જે ન થઈ શકે તે કરી બતાવ્યાની ચમક આંખમાં છલકાય છે!

બસ, આ ઘટનાથી મનનો કોઈ અર્દશ્ય પ્રદેશમાં એક વાત ઘર કરી ગઈ કે, શાળા-કૉલેજમાં અપાતા ઔપચારિક શિક્ષણમાં જે કચાશ રહી જાય તેને દૂર કરવાનું કામ કરવા જેવું છે. પોતાના બન્ને ભાઈઓને વાત કરી. સારું એ હતું કે સૌથી નાના ભાઈ બિપીન માંકડનો ગણિત પર કાબૂ અને વચલા ભાઈ મધુભાઈ માંકડ સમાજવિજ્ઞાન ભણાવવામાં પ્રભાવક. જૂન ૧૯૫૮માં રાજકોટમાં સૌ પ્રથમ માંકડ ક્લાસીસનો જન્મ થયો. Alternative કે Parallel System of Educationનો પાયો નખાયો ગુજરાતમાં! ક્લાસીસ શરૂ કરતી વખતે માતાપિતાની નિશ્રામાં બેસી ત્રણેય માંકડ બંધુઓએ ક્લાસીસની આચારસંહિતા ઘડી. આજના કહેવાતા ટ્યૂશન ક્લાસીસવાળા માટે તો એ આચારસંહિતા દીવાદાંડી સમાન છે. (૧) ફીનું ધોરણ એટલું વધુ ન હોવું જોઈએ કે આ કાર્ય પાછળનો ઉમદા હેતુ માર્યો જાય. (૨) શિક્ષકનાં સંતાન પાસેથી ફી ન લેવી. (જેણે ભવ પાર ઉતાર્યાં અને ગંગા પાર ઉતારવાના નાણાં લેવાય ?’) (૩) એક શેરી તો એક કુટુંબ ગણાય, એટલે માંકડ કુટુંબની શેરીમાં રહેતાં કોઈ બાળકની ફી નહીં લેવાની. (૪) એક કુટુંબમાંથી એક વિદ્યાર્થી વર્ગમાં અભ્યાસ કરતો હોય તો તેના ભાઈ-બહેનની ફી નહીં લેવાની. (૫) થોડી ફીમાં બધા જ વિષયો ભણાવવાના (૬) લેખિત નોટ નહીં આપવાની પણ વિદ્યાર્થીને લખતા કરવાના. (૭) ટ્રાફિકની ગીચતા નિવારવા ક્લાસમાં આવનાર વિદ્યાર્થીએ વાહન લઈને નહીં આવવાનું! ૧૯૫૮થી ૧૯૭૦ સુધી માસિક રૂપિયા છમાં સાત વિષયો માંકડ ક્લાસીસમાં શીખવાયા. ગરીબ-નબળાંને મદદ મળે અને આપણને પેટ પૂરતી રોજગારી મળે તેટલા જ ઉદ્દેશથી ૧૬, પંચનાથ પ્લૉટ, રાજકોટ ખાતે ૧૯૫૮થી ૨૦૦૦ સુધી માંકડ ક્લાસીસ ચાલ્યા! ૨૦૦૦ની સાલ પછી નૈતિક મૂલ્યો બદલાયાં, શિક્ષકનું કતૃત્વ બદલાયું, અસ્વસ્થ અને બિનતંદુરસ્ત સ્પર્ધા શરૂ થઈ શિક્ષણમાં, એટલે રમેશભાઈ માંકડે ગીતાવચન મુજબ ‘કાચબો જેમ અંગોને સંકોરે સા’ પોતાની જાતને withdraw કરી લીધી!

સળંગ બેતાલીસ વર્ષો નિજાનંદ માટે સમાંતર શિક્ષણ વ્યવસ્થાના ધૂરંધર શિક્ષક બની રહેના૨ ૨મેશભાઈ માંકડ પાસે જે અંગ્રેજી શીખ્યા તે આજે અંગ્રેજી માધ્યમમાં ભણેલા ખેરખાં સામે ટક્કર લે છે. તેઓ પાઠમાળા શીખવે ત્યારે વર્ગમાં શાંત ઝરણું વહેતું હોય એવું લાગે. To beનાં રૂપ શીખવવાની અને તેમાંય ત્રીજા પુરુષ એકવચનમાં થતા બદલાવની રમેશભાઈની લઢણ આજે ય ઘણા હૃદય ધબકારે અકબંધ છે. એસ.એસ.સી.ની બોર્ડની પરીક્ષા પહેલાં અને દરમિયાન માંકડ બંધુઓ નબળાં અને ઓછાં આત્મવિશ્વાસવાળાં ગભરુ વિદ્યાર્થીઓનાં ઘરે જઈ બેસે ને જબરો માનસિક ટેકો કરે. રમેશભાઈ માંકડ કહે છે : બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાં પ્રિ. ભરૂચાસાહેબ અને પ્રો. પ્રભુ દેસાઈએ જે શૈક્ષણિક પર્યાવરણ ઊભું કરેલું તેની મારા પર પ્રગાઢ અસર છે. બહાઉદ્દીન કૉલેજનાં Particles of Airમાં જે ભારોભાર વિદ્યા” હતી. તેને મેં મારી કર્મસ્થળે સર્જવા પ્રયત્ન કર્યો છે.’ જો કે, રમેશભાઈ માંકડની વિશિષ્ટ શિક્ષન્નયાત્રામાં એક સમયે ધર્મસંકટ પણ ઊભું થયું હતું. હોંશિયારી તો ગળથૂથીમાં. રમેશભાઈ UDCમાં સફળ થયા, જોડાયા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં. ૧૯૫૯થી ૧૯૬૫ કેન્દ્ર સરકારની નોકરી દરમ્યાન ખાતાકીય પરીક્ષામાં પાસ થયા. ડાયરેક્ટ રિફ્રૂટ એક્ઝામમાં પણ સફ્ળ થયા અને પ્રમોશન મળવાના હુકમો થયા. પોતે કુટુંબના મોટા દીકરા, પરિણીત અને એક દીકરાના પિતા. પ્રમોશનથી ઘરમાં ખુશીનો માહોલ. રમેશભાઈનું મન બીજા જ વિચારે ચડ્યું. માંકડ ક્લાસીસમાં જરૂરિયાતવાળા વિદ્યાર્થીના શિક્ષણનું નક્કર કામ થતું હતું, ત્યાં ધસારો વધી રહ્યો હતો. આઇ.ટી. ઇન્સ્પેક્ટરનું પ્રમોશન સ્વીકાર્યા પછી ક્લાસનું કામ કરવું નૈતિક રીતે ખૂંચશે તેની ખાતરી હતી. ધર્મસંકટ વખતે અધ્યાપન-લગાવ જીત્યો. જૂનાગઢની બ્રાહ્મણ વિધવા બહેનનો દીકરો નજર સમક્ષ આવ્યો. પ્રમોશન તો ન સ્વીકાર્યું પણ નોકરી જ છોડી દીધી! રમેશભાઈ મૃદુતાથી સાચા શિક્ષકના હૃદયની વાત કરે છે : નોકરી છોડી તે જીવનનું મોટામાં મોટું જોખમ હતું, પણ મને કોઈ Invisible Divine Force જીવનને યુ-ટર્ન આપવા પ્રેરણા આપતો હતો. બેંતાલીસ વર્ષોની પળેપળ વિદ્યાર્થી વચ્ચે જ રહ્યો, અંગ્રેજીમય બન્યો અને બનાવ્યો, હજારો વિદ્યાર્થીઓ સાથે પ્રેમનો નાતો બંધાયો તે મારી અખૂટ મૂડી.’ એક શિક્ષકને બીજું જોઈએ ય શું?

 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback