by Bhadrayu Vachhrajani | Dec 24, 2024 | Uncategorized |
…તારી કરુણાનો કોઈ પાર નથી…
….આવો વિચાર જેને આવે તે સંત અને એ સંત એટલે મોરારિબાપુ !!
સૌને આશ્ચર્ય છે કે, મોરારિબાપુ ગુજરાતમાં હવે હેલિકોપ્ટરમાં જ આવ જા કરે છે !! આશ્ચર્ય સકારણ છે. બાપુના એવા અનેક ચાહક યજમાનો છે કે જેને માટે બાપુ સર્વસ્વ છે. બાપુને તકલીફ ન પડે તેની તેઓ સદાય કાળજી લેતા હોય છે. ..પણ આ સેવા માટે બાપુની અપાર કરુણા જ મુખ્ય છે.
“સત્ય – પ્રેમ – કરુણા” નું જીવન સૂત્ર લઈને બાપુ વિશ્વભરમાં માનસની પોથી દ્વારા વ્યાપી ગયા છે. બાપુ કહે છે કે, “સત્ય ખુદ માટે, પ્રેમ સામેના જીવ માટે અને કરુણા સૌ માટે !” અને આ સૌ માટેની કરુણા બાપુના જીવનનાં ડગલે ડગલે વરસે છે.
હમણાં બે ઘટના એવી બની કે, સૌને બાપુએ વિચારતા કરી મુક્યા.
બાપુ જોડિયાથી ગીતા જયંતિ નો ઉત્સવ પૂર્ણ કરી તલગાજરડા હેલિકોપ્ટરમાં પધાર્યા. તેઓને મૂકીને હેલિકોપ્ટર તો પાછું અમદાવાદ જતું રહેવાનું હતું. પણ નિયમ મુજબ છેક અમદાવાદ સુધીની વિત્તજા સેવા તો કરી દીધેલ હતી. હવે જુઓ, અહીં બાપુની કરુણાને વિચાર આવ્યો કે, હેલિકોપ્ટર ખાલી અમદાવાદ જાય એની બદલે તેમાં કોઈને સફર કરાવીએ તો ?? બાપુએ ત્યાં હેલિપેડ પર જે ત્રણ સેવકો હતા એમને કહ્યું કે, તમે અમદાવાદ સુધી ઉડી આવો. વળતાં બસમાં આવી જજો. બસની ટિકિટ અને હાથ ખર્ચીની રકમ સૌના હાથમાં આપી “જય સિયારામ” કહીને હેલિકોપ્ટર ઉડ્યું. સૌ વિચારતા રહી ગયા કે, આવો વિચાર તો બાપુને જ આવે!
વાત આટલેથી અટકતી નથી. બાપુ બારડોલી અને અમદાવાદનો પુરુષોત્તમભાઈને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પૂર્ણ કરી બાપુ હેલીકોપ્ટરમાં તલગાજરડા આવવા નીકળ્યા. બાપુએ ફરી કરુણા વરસાવી. આ ઉડન ખટોલાનું બધું તો છેક અમદાવાદ સુધીનું અપાઈ ગયું છે. તરત બાપુએ નીલેશભાઈને કહેણ મોકલ્યું કે, ચિત્રકૂટધામના સેવક વિઠ્ઠલભાઈ અને બાપુનાં ઘરે સેવા કરતાં ઉજી માડી અને રસીલા માડીને હેલિકોપ્ટરમાં બેસી અમદાવાદ ફરી આવવાનું કહો. તેઓને બસની ટિકિટ અને હાથ ખર્ચીના આપી દેજો. હેલિપેડ ઉપર વિઠ્ઠલભાઈ ને બે માડીઓ તૈયાર હતાં. બાપુ ઉતર્યાને ત્રણેય સેવકો તેમાં બેસી ઉડ્યા !
નાના માણસ માટે આમ ચાર્ટર ફ્લાઈટ માં સેર કરવી એ જીવનનું ક્યારેય પૂરું ન થનારું સ્વપ્ન હોય છે. અશક્ય જ રહેવા ટેવાયેલા આ નાના માણસના સ્વપ્નને બાપુએ સાકાર કર્યું !! જરા વિચારીએ કે વિશ્વ સ્તરે જેમનો પડ્યો બોલ ઝીલવા અનેક લોકો રાહ જુએ છે તેવા જગ વિખ્યાત વ્યક્તિ નાના સેવકોને યાદ કરે ખરા ?? કોઈ ન કરે તો તે જાણે પણ બાપુ તો કરે જ.
આવો વિચાર જેને આવે તે સંત અને એ સંત એટલે આપણા સૌના પ્રિય મોરારિબાપુ.
સંત પરમ હિતકારી….. આ સૂત્ર બોલાતું બહુ સાંભળ્યું છે, પણ અમલમાં મુકાયું હોય એવું બહુ ભાળ્યું નથી. બાપુ અશક્યને શક્ય કરનાર યુગપુરુષ છે.
ભદ્રાયુ ના જય સિયારામ
+++++++++++++++++++++
વિગત+ફોટાનું સૌજન્ય:
નીલેશભાઈ,
સંગીતની દુનિયા, મહુવા
by Bhadrayu Vachhrajani | Nov 28, 2024 | Uncategorized |
“નરસિંહ મહેતાએ એકોતેર કુળ તાર્યા.. હું કબૂલ કરું કે, મારું મૂળ તો સાહેબ અહીંયા છે, જૂનાગઢમાં.. એટલે મને લગાવ છે. અમસ્તુ અમસ્તું કાંઈ થતું નથી. જીવણદાસ મહેતા નાગર કૉંજળી ના નાગર અને ધ્યાનસ્વામી બાપા એક અવધૂત અદભુત સંત સૌરાષ્ટ્રમાં આવ્યા અને એમની પાસે જઈને એમણે દીક્ષા લીધી. પણ એમણે કહ્યું કે, જીવણદાસ મહેતા તમે નાગર છો. એક જ્ઞાતિમાં આબદ્ધ છો. પણ હું તો એ બધાથી ‘જાતિ પાતી નહીં રે હરિ કેરા દેશ’ માં એવો એક સાધુ છું. હું દીક્ષા આપું પણ એક શરતે, તમારે વિરક્ત નથી રહેવાનું, તમારે ગૃહસ્થ થવાનું છે. અને જીવણદાસ મહેતા કોંજળી માં આખો આજે મહેતા પરિવાર છે. કાલ સુધી યોગેન્દ્રભાઈ મહેતા, યોગિનીબહેન મહેતા જે ફિલોસોફીસ્ટ હતા તે ભાવનગરમાં રહેતા હતા. સાહેબ, કોંજળીમાં હજી નાગર પરંપરાના લક્ષણો છે.
હું જાણું ત્યાં સુધી, હવે ખબર નહિ હવે ભેળાઈ ગયું હોય તો… કોંજળી એટલે તલગાજરડાથી બે કિલોમીટર દૂર. વચ્ચે વાયા પીઠોરીયા હનુમાન. ત્યાં કોઈ બીડી નોહ્તું પીતું, ત્યાં નાગર પરિવાર સિવાય કોઈ પાન ન ખાતું. આ લક્ષણો મેં મારી નજરે જોયેલા છે. એવા સમયમાં એ જીવણદાસ મહેતા મૂળ નાગર પુરુષ, અમારી સાત પેઢી તરી. એકોતેરતો નહિ, ભદ્રાયુભાઈ…પણ સાત તરી, મારા બાપ. જીવણદાસ મહેતા ગૃહસ્થ થયા અને એના દીકરા પછી ગૃહસ્થને ત્યાં જન્મ્યો એ નારાયણદાસ બાપૂ. નારાયણદાસ બાપૂને ત્યાં જન્મ્યો એ પ્રેમદાસ બાપુ. પ્રેમદાસબાપૂ ને ત્યાં જન્મ્યો એ રઘુરામ બાપૂ, રઘુરામબાપૂ ને ત્યાં જન્મ્યો એ ત્રિભુવનદાસ દાદા,,, ત્રિભુવનદાસ દાદા ને ત્યાં જન્મ્યા એ પ્રભુદાસ બાપૂ, અને એને ત્યાં જન્મ્યો એ મોરારી બાપુ… અમારા સાતેય કુળ તાર્યા. અમારા તો સાતેય તરી ગયા અને હું તો આ માનસ નાગરમાં નરસિંહ મહેતાનો મોટો ભંડારો કરવા આજે જૂનાગઢ આવ્યો છું.
મારા બાપ નરસિંહ મહેતાની તો એક જ હૂંડી સ્વીકારી હશે. તલગાજરડાની મારા ઠાકુરે અનેક હૂંડી સ્વીકારી. એનો આ જ 21મી સદીનો અનુભવ તમને કહું છું. એ આ સંતોની કૃપા, મને જૂનાગઢ કોલેજ કરવાની શું કામ ઈચ્છા થઈ ? જૂનાગઢ કરતાં ભાવનગર નજીક હતું. પણ મારા મનમાં ક્યાંક ચેતનામાં કે જો આગળ ભણવું હોય તો જૂનાગઢ ભણવું કારણ કે ત્યાં મારો નાગરો થયો છે. આ મારી ચેતના ઝંખતી હતી. ભલે બહાઉદીન કોલેજે મને એડમિશન ન આપ્યું. કેમ ન આપ્યું ને… મને સાવ આટલા માર્ક્સમાં ?? જાઓ પાછા … આમ સૌ ચોખ્ખી ધડ દઈને ના પાડી . જેમ નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધ માટે નરસિંહ મહેતો જૂનાગઢની બજારમાં ઘી લેવા નીકળ્યો અને જયારે ખબર પડી વ્યાપારીઓને કે આના પૈસા તો મહિના દિવસ પછી આવશે એટલે ધડ દઈને ના પાડી દેતા હતા, એમ બાઉદીન કોલેજના પ્રિન્સિપાલે મને ધડ દઈને ના પાડી. ને સાહેબ મોરારી બાપુએ પછી નક્કી કર્યું કે, જૂનાગઢની કોલેજ આપણને ન ભણાવે તો કાંઈ નહિ પણ જૂનાગઢ જિલ્લામાં તો ભણવું છે, જ્યાં મારી નાગરી ચેતના ઘૂમી રહી છે. અને તેથી હું શાહપુર ભણ્યો. જૂનાગઢ જિલ્લાએ મને પી.ટી.સી. બનાવ્યો. પી.ટી.સી. કાંઈ જેવી તેવી … જુનીયર પી.ટી.સી. પછી સિનિયર ઘરે બેસીને… એટલે તમે એમ ના માનતા કે બાપુ સાવ ઠોઠ છે.
તમને કહું કે, પહેલો વહેલો મને માસ્તરમાં નોકરીમાં લીધો એ પણ એક નાગર હતો, ઉમા કાન્ત વોરા.. જેમણે મને પહેલી વખત નિમ્યો પ્રાઇમરી ટીચર તરીકે એ નાગર હતો. યાદ છે. એમનો નિમણૂક પત્ર મને મળેલો. એટલે નાગરનું ઋણ છે. ત્યાં કથા કરી, પછી અધ્યાપન મંદિરમાં કરી, આપણે સોમનાથ નો ફાંટો ફાટે, એ પછી આમથી વેરાવળ આવીએ ને આમથી આમ આવીએ ત્યાં વચ્ચે અધ્યાપન મંદિર આવે. છાયાસાહેબ પ્રિન્સિપાલ હતા. ત્યાં એક કથા કરી પછી જ શિશુ મંગલ કથા કરી. ભીખુદાનભાઈ મને કહે કે, મારા બાપુજી તમને સાંભળવા આવતા.
અને પછી તો પુષ્પાબેન, મારા ઉપર થોડી ગુરુ કૃપા કે હું એમને થોડોક આમ કબુલ થવા માંડ્યા. નહિતર એના વિચારો એટલે… સ્વાભાવિક છે. તો કહેવાનો મારો અર્થ એ બાપ કે, ત્રણ ત્રણ કથાઓ મેં એની પાસે કરી. નહીંતર એનું મને થોડુંક ‘એવું’ હતું. પણ જૂનાગઢમાં તો મંડાણ જ એમને જ કરાવેલું. એ મારા બૂચસાહેબ..વિક્રમભાઈ બુચ. આ બધા આયોજકો હતા એ મને યાદ છે. આ બધા વિષ્ણુ સહસ્ત્રનામ છે મારા માટે. તો બાપ આખું જગત બ્રહ્મમય લાગે.
અને હું મારા શ્રોતાઓને હૃદયથી કહું સાહેબ. થોડું થોડું સમજાયું છે એ કહું કે તમને ત્યાં સુધી બીજો તમારાથી નાનો દેખાય કે આ મારા માટે ઓછું ભણેલો છે, કે મારા કરતાં એની પદવી નીચી છે, કે આ મારા કરતાં જાતનાતમાં જરાક ઓલો છે, કે મારા કરતાં આમ પેલો છે એવું જ્યાં સુધી તમને બીજું દેખાય ત્યાં સુધી યાદ રાખજો, તમારું કે મારું મન શુદ્ધ નથી થયું સાહેબ.
જેનું મન શુદ્ધ થશે તેને આખું જગત બ્રહ્મમય ભાસશે. આ જગતમાં આંખ ઉઘડે ને ખબર છે કે બધું શુદ્ધ જ છે, અશુભ કાંઈ છે જ નહીં સાહેબ. જેને આ સમજાય જાય એને બ્રહ્મમય દ્રષ્ટિ મળી , સમજો.”
by Bhadrayu Vachhrajani | Nov 23, 2024 | Uncategorized |
અઢારમો અને છેલ્લો અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર…આપણને જીવનમાં ગીતા બોધનું માર્ગદર્શન આપે છે.
સાચો ભક્ત તો ઈશ્વરને હંમેશાં એમ જ કહેશે કે, આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ કે જેને જીવનનું અંતિમ ફળ માનવામાં આવે છે તે મારે નથી જોઈતું. કારણ મુક્તિ એટલે એક જાતની ભક્તિ જ નથી શું ? મોક્ષ એ પણ એક ભોગ છે, ફળ છે. ‘આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવ’, એવું ભગવાન કહે છે.
પ્રેમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી.મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. ‘તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતા-શોધતો તારી સામે આવીને ખડો થાય.’ સાધકે સાધનામાં જ રંગાઈ જવું, માતે સંશોઘ્ન ર્મળિ માહો રાગ ગર્મમા, અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલાં જ કહ્યું છે. હવે ફરીથી છેવટે પણ ભગવાન આપણું ધ્યાન દોરે છે. ‘અહં ત્યાં સર્વપાપેખ્યો મોક્ષ કુંષ્યામિ મા સુવ:’હું તને સર્વ પાપોથી છોડાવીશ, તું નાચિંત થઈ જા. મોક્ષ આપવાવાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે. સાધનાની ફિકર કર, મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ બિચારી મોહિત થઈને તારી પાસે આવશે.’
નિરપેક્ષ વૃત્તિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો છે. તેના ગળામાં મોક્ષ લક્ષ્મી
વરમાળા પહેરાવે છે. ‘સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા’. હું કંઈક કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. નાનો છકરો સાચું બોલે છે, પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી, કારણ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે. સિદ્ધાવસ્થામાં જે નિસિદ્ધ છે, તે ત્યાં નામનુંય ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી નથી, જે થવું જોઈએ તે હાથથી કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું, પણ આપમેળે ટળી જાય છે. આવી એ નીતિશૂન્ય અવસ્થા છે. આ જે સાધનાની પરકાઠા, આ જે સાધનાની સહજાવસ્થા, તે નીતિનો પરમ ઉત્કર્ષ છે.
આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા, તેનો પહેલો પ્રસિદ્ધ ઉદ્ગાર છે ને ! ‘આ વિશ્વમાં જે – જે કંઈ છે તે હું છું’. જ્ઞાની પુરુષ નિરંકાર હોય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે. એ જ વખતે તેને ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. એ અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી. ભાવાવસ્થા એ ક્રિયા અવસ્થા નથી.
આ ભાવાવસ્થાની માફક જ્ઞાનીપુરુષની ક્રિયા અવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે ? તે જે જે કંઈ કરશે તે બધું સાત્ત્વિક જ હશે. બીજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખોય દેહ, એની બધી ઈન્દ્રિયો, એ બધા સાત્ત્વિક થયેલા હોવાથી તેની અંદર તેની દરેક ક્રિયા સાત્ત્વિક જ થશે. ભાવાવસ્થા અનેક ક્રિયા અવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી
એક સ્થિતિ છે. જેને જ્ઞાન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી. પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને દીવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી, તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી. આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં સાધનાની પરકાષ્ટાની દશામાં સંભવે છે.
આ જે અક્રિયા અવસ્થા છે. છેવટની દશા છે, તેને પોતાની રીતે કેવી રીતે કરવી ? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો કરવો પડે. હું કેવળ નિમિત્ત માત્ર છું. કર્મનું કર્તૃત્વ મારી પાસે નથી, એ મનન કરતાં રહેવું. આ અકર્તૃત્વ વાતની ભૂમિકા પહેલાં નમ્રપણે સ્વીકારવી. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જનથી એવી જ્ઞાનીની અવસ્થા પ્રાપ્ત થશે.
એ અવસ્થામાં પાછી અગાઉ કહેલી ત્રણ અવસ્થા છે. એક તેની ક્રિયાવસ્થા. બીજી ભાવાવસ્થા. જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે. પણ તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં.
અઢારમાં અધ્યાયના અંતમાં એક સરસ મજાની વાત ભગવાન કરે છે. ભગવાને શરૂઆતમાં અર્જુનને એક વખત કહ્યું કે, ‘હે અર્જુન, આજે મેં બધું તને કહ્યું તે તું બધું બરાબર સમજ્યો હોઈશ. હવે તારો વિચાર કરીને તને જે સુજે તે કર.’ ભગવાને અર્જુનને મનની મોટાઈથી છૂટ આપી છે.
by Bhadrayu Vachhrajani | Nov 17, 2024 | Uncategorized |
સમાજમાં વૃદ્ધાશ્રમની જરૂર પડે, એ કાંઈ સારું કહેવાય ?? ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ તો કહે છે : ‘અમને માવતર જોઈએ છે.’.!!!!!
વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે કે, સમાજમાં વૃદ્ધાશ્રમોનું હોવું એ કાંઈ સારું કહેવાય?? દરેકના મનમાં ઊભી થતી શંકા કઈ સમજતી અને કયા શબ્દોથી સ્પષ્ટ કરવી તે સમજાતું નથી, કારણ એ છે કે, આપણા સમાજે ‘વૃદ્ધાશ્રમ’ શબ્દને એક નજરે અળખામણો કરી દીધો છે. જો કે, શંકા સાવ ખોટી પણ નથી, એટલા માટે કે, આપણા દેશમાં અને એમાં પણ ગુજરાતમાં ખાસ કરીને વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે. સદભાવના વૃદ્ધાશ્રમના ભેખધારી સેવક ધીરુભાઈ કાનાબારના કહ્યા પ્રમાણે, ગુજરાતની અંદર 163 વૃદ્ધાશ્રમો છે. એનો અર્થ એવો છે કે, વૃદ્ધોને અમુક ઉંમર પછી સાચવવાનું એના દીકરા દીકરીઓ કે દીકરી અને જમાઈ કરી શકતા નથી એટલે એમની પાછળની અવસ્થાએ એમને આશ્રમમાં સ્થાન આપવામાં આવે છે. વૃદ્ધોને માનભેર જીવવાનું આશ્રમ એટલે વૃદ્ધાશ્રમ છે, એવી વ્યાખ્યા કરી શકાય.
પ્રશ્ન એ વિચારવા જેવો છે કે, આવું કેમ બને છે ? સમાજ કેમ આ પ્રકારના ટિપિકલ વૃદ્ધાશ્રમોમાં વધારો કરતો જાય છે ? આપણને બે બાબતો જવાબમાં મળે છે. એક: વૃદ્ધો પોતાની અસહાય અવસ્થામાં ક્યાં જઈને રહીશું અથવા કોની સારવાર લઈશું અથવા તેનો ટેકો કોણ કરશે એ ચિંતામાં ને ચિંતામાં મોટા થતા હોય છે. એ ભય ધીમે ધીમે એમની ઉંમર સાથે વધતો જતો હોય છે, પરિણામે વૃદ્ધાશ્રમમાં જતા પહેલાંના ચાર પાંચ વર્ષોમાં કુટુંબનું વાતાવરણ એવું તંગ બની જતું હોય છે કે, દીકરો વહુ કે દીકરી જમાઈ અને વડીલો વચ્ચે તનાવ ઉભો થતો રહે છે.
આપણા સમાજમાં એવું પણ કહેવાય છે કે, કોઈપણ વૃદ્ધ દીકરાને લઈને વૃદ્ધાશ્રમમાં જતા નથી, પણ તેમણે દીકરાની વહુને લઈને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે !! આ જ વાતને જો જરાક ઉલ્ટી વિચારીએ તો એવું કહી શકાય કે, આપણી દીકરીઓ ભૂલી જાય છે કે, હું આ ઘરની વહુ છું એટલે મને કદાચ સાસુ સસરા સાથે ફાવતું ન હોય તેવું બની શકે પણ,, આવી જ એક વહુ મારા ઘરે પણ છે, જેને મારો ભાઈ પરણીને લઈ આવ્યો છે, એને પણ જો એના સાસુ સસરા પ્રત્યે ધીમે ધીમે કરતા દ્વેષ થતો જશે તો એવું બનશે કે આ ઘરમાંથી હું બે વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલીશ ત્યારે સામે મારા ઘરમાંથી પણ બે વડીલોને વૃદ્ધાશ્રમમાં જવાનું થશે. દીકરી દીકરી તરીકે જો વૃદ્ધોને અપાર પ્રેમ કરી શકતી હોય તો, એ બીજા ઘરે ગયા પછી વહુ તરીકે પોતાના બીજા મા-બાપને કેમ એટલો પ્રેમ નહીં કરી શકતી હોય એ સંશોધનનો વિષય છે અને આ સત્ય પણ છે.
આપણે સમાજનું ઘડતર જ એવું કર્યું છે કે, દીકરી મોટી થાય ત્યારથી આપણે તેને મનમાં સતત સાસરું , સાસુ, સસરા, નણંદ આ બધા પાત્રો પ્રત્યે ઝીણી શંકા અને એક પ્રકારનો અણગમો ઉત્પન્ન થાય તેવું ઠાલવતા હોઈએ છીએ અને ફલતઃ જ્યારે ખરેખર દીકરી કોઈના ઘરે જાય છે ત્યારે એને સસરો કોઈ ‘બીજો માણસ’ લાગે છે, સાસુ એને કોઈ બીજું ‘ટીકાખોર’ પાત્ર લાગે છે. નણંદ પોતાના વ્યવહારોમાં વાંધો ઊભો કરતી સ્ત્રી લાગે છે અને આથી જે એક દિવાલ રચાય છે એ ધીમે ધીમે કરતાં વૃદ્ધાશ્રમ તરફના ડગલા મંડાવા ફરજ પાડે છે. બીજું એક કારણ એવું પણ છે કે, વડીલો પોતાની વધતી ઉંમર સાથે પોતાના આગ્રહો, હઠાગ્રહો, ગમા અને અણગમાઓ, કેટલાક પૂર્વગ્રહો એવી રીતે મોટા કરતા જાય છે કે, તેઓ પોતે મોટી ઉંમરના થાય ત્યાં સુધીમાં દીકરા-વહુ અને સાસુ – સસરાની વચ્ચે એક ન દેખાય તેવી દિવાલ ઊભી કરી ચૂક્યા હોય છે. એક સાદું ઉદાહરણ લઈએ કે દીકરા અને વહુ ને ઘરે જ્યારે સંતાન આવે ત્યારે એનું બચપણ સાચવવાનું કામ દાદા દાદી ચોક્કસ કરી શકે. એમને વહાલ કરવાનું, એમને પ્રેમ કરવાનું, એમને સારા મજાના સંસ્કારો પાડવાનું, બાળક સાથે રમતમાં સમય વિતાવવાનું, કેટલાક સ્તોત્રો કે શ્લોકો બોલાવવાનું, હળવી પ્રવૃત્તિ કરવાનું અને સુટેવો ઘડવામાં દાદા દાદી બહુ મોટો ફાળો આપી શકે. આથી ઊલટું પણ થાય છે કે, જ્યારે સંતાનને એક સૂચના માતા પિતા આપતા હોય ત્યારે એ સૂચનાને નહીં અનુસરવાનું વલણ વડીલ તરીકે દાદા દાદી અજાણતાં શીખવે છે. વડીલો એવો ભાવ નથી ઉત્પન્ન કરતા કે સંતાને એના મમ્મી પપ્પા કહે તેમ કરવું જોઈએ અથવા તો ‘મમ્મી પપ્પા સાચી સૂચના આપે છે અને એને ગણકારીએ નહીં, તે ન ચાલે’,, આવું કહેવાનું જોખમ કોઈ દાદા દાદી લેતા નથી. એટલે ઘણા ઘરની અંદર આપણે જોયું છે કે, દાદા કે દાદી એ હકીકતમાં દીકરા વહુના સંતાન માટે ઊભી થતી જોખમકારી પ્રવૃત્તિને લઈને વૃદ્ધાશ્રમમાં જતાં હોય છે.
આપણે જો નિષ્પક્ષ બની વિચારીએ તો એ સાર ઉપર પહોંચી શકીએ કે, આ બાબતમાં બંને પક્ષોએ એકદમ સાવધ રહીને આગળ વધવાનું રહે છે. બહુ ઓછા કિસ્સાઓમાં આર્થિક સંકડામણ કે ભૌતિક સંકડામણ કે અન્ય કોઈ બાબતો વૃદ્ધાશ્રમ તરફ જવાનું કારણ બનતા હોય છે, પરંતુ ઘણા બધા કિસ્સાઓની અંદર જેમની પાસે ભૌતિક સંપત્તિઓ છે, એ સંપત્તિ તુરંત જ હસ્તગત કરવાની લાલચથી પણ વડીલોને વૃદ્ધાશ્રમ તરફ ધકેલવામાં આવે છે. જે યોગ્ય છે કે નથી તે તો પ્રત્યેક કિસ્સાને જોઈને નક્કી કરી શકાય. એક વાત એવી છે કે, વડીલોએ પોતાના જીવતે જીવત બધી જ મિલકત કે સંપત્તિઓ પોતાના સંતાનોને અર્પણ ન કરી દેવી જોઈએ, કારણ કે એક સામાન્ય મનોવૈજ્ઞાનિક અસરરૂપે વડીલો પાસે સંપત્તિ છે તે આપણને મળવાની છે એવો એક લોભ, લાલચ અથવા તો ઈચ્છા પણ વડીલોને સાચવવાની પ્રેરણા આપે છે, અલબત્ત આ પ્રેરણા યોગ્ય નથી, પણ આવું બનતું હોય છે એવું આપણે નોંધવું તો પડશે.
આ બધા કિસ્સાઓને જોઈએ તો વૃદ્ધાશ્રમની સંખ્યા વધે તે યોગ્ય ન ગણાવું જોઈએ. વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે, કારણ કે આપણી સામાજિક સમજ ખૂબ ઓછી થતી જાય છે, આપણા કુટુંબો તૂટતા જાય છે, ધીમે ધીમે કરતાં આપણા વિભક્ત કુટુંબો કે જેમાં હવે માત્ર પતિ, પત્ની અને એક સંતાન જ હોય એવા કેન્દ્રીય કુટુંબો બની ગયા છે એટલે ‘હું,ફઈ ને રતનીયો’ એમ ત્રણ જણા નો સંસાર..એમાં કોઈ વધે તે ત્રણમાંથી કોઈ સહન ન કરી શકે એવી આપણી પરિપાટી થઈ ગઈ છે.
સદભાવના વૃદ્ધાશ્રમ ઉપર કહેલી બધી જ બાબતોથી સાવ જ જુદી રીતે વૃદ્ધોનો સ્વીકાર કરે છે. અને એટલા માટે જ રાજકોટમાં જ્યારે પ્રિય મોરારીબાપુની ‘શ્રી રામકથા માનસ સદભાવના‘ નું ગાન થવાનું છે ત્યારે એક પ્રશ્ન સૌના મનમાં રહે છે કે, વૃદ્ધાશ્રમો હોવા જોઈએ કે ન હોવા જોઈએ ?? જ્યારે મારા સોશિયલ મીડિયાના ગ્રુપ ઉપર મેં એ બાપુની કથાનો સંદેશો વહેતો મૂક્યો અને જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ વિશે માહિતી આપતો વીડિયો મૂક્યો ત્યારે દેશ પરદેશથી એવા પ્રશ્નો આવીને ઊભા રહ્યા કે, આ વૃદ્ધાશ્રમ હોય તે કલંક ન કહેવાય ?? કોઈકે એવું સૂચન પણ કહ્યું કે, તમારે બાપુને સમજાવવા જોઈએ કે, વૃદ્ધાશ્રમો માટે કથા ન કરવી જોઈએ…આ લોકોને સ્પષ્ટતાપૂર્વક જ્યારે જેટલો જવાબ યોગ્ય લાગ્યો તેટલો આપ્યો પણ એમાંથી વિચાર આવ્યો કે લાવ, આપણે સ્પષ્ટ કરીએ કે, ખરેખર સદભાવના વૃદ્ધાશ્રમ એ અન્ય સામાન્ય વૃદ્ધાશ્રમો કરતા પાયાથી અલગ ક્યાં પડે છે ? સદભાવના વૃદ્ધાશ્રમ બોર્ડ લગાવે છે અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટમાં જાહેર રસ્તા ઉપર અને બોર્ડમાં એક ટાઈટલ છે : ‘અમારે માવતર જોઈએ છે‘ અને એ લખ્યા પછી એની નીચે કેવા પ્રકારના વડીલોને અમે સ્વીકારીએ છીએ કે આવકારીએ છીએ એની બહુ જ સ્પષ્ટ વિશેષણોમાં સૂચના લખેલી હોય છે::
જેને સંતાન ન હોય અથવા જેને દીકરો ન હોય, જે નિરાધાર હોય, જે પેન્શન ન મેળવતા હોય ને એકલા જ હોય અને સંપત્તિ ન હોય ને એકલા હોય અને જેનું કરનાર કોઈ ન હોય અને જે અસહ્ય બીમારી કે રોગમાં સપડાયા છે એવા વૃદ્ધોને સદભાવના વૃદ્ધાશ્રમ આવકારે છે. હાલ એ સંખ્યા છસોથી વધુ મછે. જેમાંથી લગભગ એકસો એંસી વૃદ્ધો તો પૂરેપુએ પથારીવશ છે.
સદભાવના વૃદ્ધાશ્રમની ઘણી બાબતો વિગતે કહેતા રહેવાનો મનોરથ છે, પણ અત્યારે આટલું સ્પષ્ટ કરીએ કે, અન્ય વૃદ્ધાશ્રમો કરતા સદભાવનાનું કાર્ય ક્યાંય જુદું પડે છે. એવા વૃદ્ધો છે કે એમની જ વાત સાંભળીએ તો આપણને એમ થાય કે, આનું કોણ કરશે અને આમનું સદભાવના નહીં કરે, તો આનું શું થશે? આ બે પ્રશ્નોના જવાબ આપણે વિગતે મેળવીશું. અત્યારના સદભાવના વૃદ્ધાશ્રમ માટે આટલી સ્પષ્ટતા કાફી છે. હાલ તો સદભાવના શબ્દને ચરિતાર્થ થાય તેવું વિશ્વ શ્રેષ્ઠ કાર્ય કરનાર સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે યોજનાર પ્રિય બાપુ મુખેથી શ્રી રામકથામાં લીન થઈએ અને આપણી શક્ય કરુણા વહેતી કરીએ.
by Bhadrayu Vachhrajani | Nov 7, 2024 | Uncategorized |
કોઈ એવી સ્કૂલ હશે કે જેનું નામ નક્કી કરવા માટે પાંચસોથી વધુ સૂચનો મેળવવામાં આવ્યાં હોય? કોઈ એવી શાળા હોય કે જેની સ્થાપના ચાર શિક્ષક જીવોએ સાથે મળી આજથી ૨૭ વર્ષ પહેલાં કરી હોય? કોઈ એવી શાળા જોઈ છે કે જેનું સંચાલન By the teachers, of the teachers and for the teacher હોય? કોઈ એવું શિક્ષણ સંકુલ ખ્યાલમાં છે કે જ્યાં ૨૬ જાન્યુઆરીની ઉજવણી લાલકિલ્લા પર થતી ધ્વજવંદન પરેડ જેટલી જ આન-બાન-શાનથી થતી હોય? એવી કઈં શિક્ષણ સંસ્થા છે કે જેના દ્વારા સ્થાપનાકાળથી આજ સુધી અભ્યાસ કરી જનાર વિદ્યાર્થીઓ સાથે પોતીકો આત્મીય નાતો બંધાયેલ હોય? કોઈ એવી શિક્ષણ સંસ્થા છે ગુજરાતમાં કે જેના આચાર્ય છાપામાં સરસ લેખ વાંચે કે પોતાના પર સુંદર એસ.એમ.એસ. આવ્યો હોય તો સ્ટાફરૂમમાં દોડી જઈ, વર્ગમાં જતા શિક્ષકોને રોકીને તેની સાથે share કરતા હોય? કઈ એવી શાળા હશે જે પોતાના બધા જ વાલીને સાથે લઈ ખાસ શૉ બુક કરાવી ‘તારે જમીન પર’ ફિલ્મ દર્શાવવાનું વિચારી શકે? કઈ સ્કૂલનું ભાવાવરણ એવું તંદુરસ્ત હશે કે જ્યાં સંચાલક આચાર્યના ખભે હાથ મૂકીને ખડખડાટ હાસ્ય વહેતું મૂકી શકે? કોઈ એવી સ્કૂલ હશે કે જ્યાં સંચાલક, આચાર્ય અને શિક્ષકો પોતાની પ્રામાણિકતાને પ્રયત્ન વગર પુરવાર કરી શકતા હોય? એવી સ્કૂલ ક્યાં જડે કે જ્યાં સંચાલક + સ્થાપક + આચાર્ય તરીકે રહેનાર વ્યક્તિ વિધિવત્ નિવૃત્ત થાય પછી પણ એ સ્કૂલ એવી જ ધબકતી ચાલતી હોય? આવી વિરલ, આવકારદાયક ઘટના જેવું transformation આપણાં પ્રવર્તમાન સંજોગોમાં શક્ય છે ખરું? અને છેલ્લી વાત… આ અને આવા પ્રશ્નોની યાદી ખાસ્સી લાંબી થાય અને છતાં કશુંક રહી ગયું હોય એવો અહેસાસ થાય તેવી કોઈ શાળા હોય તેવું માન્યામાં આવે છે? આ પ્રશ્નોના જવાબો મેળવવા અને નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિઓની પાઠશાળાને ‘ફીલ’ કરવા માટે અને તમારે ભરૂચના દહેજ લિંક રોડ પર આવેલ ‘એમિટી સ્કૂલ’ની એક વાર નિરાંતે મુલાકાત લેવી જ પડે.
આ ‘વિશેષ’ કટારમાં આપણે વ્યક્તિવિશેષને મળીએ છીએ ત્યારે હજુ સુધી તો આપણે શાળાના જ ગુણગાન ગાયાં છે! પરંતુ મજા પડે એવી મજબૂરી એ છે કે : રણછોડ શાહની વાત માંડીએ તો ઍમિટી સ્કૂલ વિશે વાત થયા વગર ના રહે અને ઍમિટી સ્કૂલની વિગતો જાણીએ તો રણછોડભાઈ શાહની વાતો આવ્યા વિના ના રહે! એક જ સિક્કાની અભિન્ન બે બાજુઓ એટલે ઍમિટી સ્કૂલ અને રણછોડ શાહ, કારણો સ્પષ્ટ. રણછોડ શાહ અડીંગો જમાવી બેસનાર આચાર્ય ન હતા, એ શાળાનો ચૌટો ના છોડનાર સંચાલક નથી, એ ઘરેડબદ્ધ-ઘુવડગંભીર-ચીલાચાલુ શિક્ષણ નિયામક નથી, એ માત્ર જીવતા નથી, જીવંત પણ છે! હરપળ શિક્ષણ શ્વસે છે તેથી રણછોડ શાહ આજે સિત્તેર વર્ષે વિચારોમાં તાજા અને જીવનમાં ગતિવાન છે. એમણે શરત કરી છે કે મારા વિશે નહીં, ‘ઍમિટી સ્કૂલ’ નામના અમારા શિક્ષણપ્રયોગ વિશે લખો. પણ આ ઍમિટીઅન થૉટ’નાં બીજ ક્યાંથી રોપાયાં એ જાણવા ધરતીને ઓળખવી પડશે ને?
બાવીસ વર્ષની ઉંમરે શિક્ષકત્વના માર્ગે વળનાર રણછોડ શાહ B.Sc., M.Ed. છે, સળંગ સાડત્રીસ વર્ષનો માતબર શિક્ષણ અનુભવ ધરાવે છે. સાત વર્ષ વડોદરાની શાળામાં શિક્ષક રહ્યા. સાડા ચાર વર્ષ ડભોઈ, સુરત અને આણંદની ઍજ્યુકેશન કૉલેજમાં અધ્યાપક રહ્યા. ચાર વર્ષ સુધી ભારત સરકારના ઍજ્યુકેશન ઑફિસર તરીકે દારેસલામ ખાતે ગવર્નમેન્ટ ઑફ ટાન્ઝાનિયા મિનિસ્ટ્રી ઑફ ઍજ્યુકેશન સાથે ડેપ્યુટેશન પર કાર્યરત રહ્યા. ત્યાંથી પાછા આવી ભરૂચની રૂંગટા વિદ્યા ભવનના પ્રિન્સિપાલ તરીકે છ વર્ષ અને અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે બે વર્ષ કાર્ય કર્યું. આ બધું સરસ જ હતું, પણ રણછોડભાઈનો શિક્ષક જીવ મૂંઝાતો હતો. એમને તો શિક્ષકત્વ જીવવું હતું. ૧૯૮૬માં ઍમિટીનું બીજ રોપાયું. રણછોડભાઈ અને તેમનાં શિક્ષક પત્ની સંગીતાબેન, સહકર્મીઓ અને મિત્રો પ્રમેશબેન અને શૈલાબેને શિક્ષણનો સ્વસ્તિક રચ્યો. ઍમિટીમાં પહેલો પ્રવેશ લેનાર ‘ભૂલકાં-૧’નો વિદ્યાર્થી શૈલેષ પટેલ શાળાનો ઉદ્ઘાટક બન્યો! બસ, ત્યારથી આજ સુધી કેળવણીની હરણફાળ ભરવામાં ઍમિટીએ પાછું વાળીને જોયું નથી.
રણછોડ શાહ નાવીન્યના ઉપાસક અને વિચારશૈલી સભર પ્રવૃત્તિના સાધક, એ જાણે કે પ્રવૃત્તિની પાઠશાળા. એમને સૂઝે પણ એવું કે આપણને રણછોડભાઈ ઇનોવેશનના ઇકબાલ દીસે!
* એમિટીના મકાનનું ખાતમુહૂર્ત રક્તપિત્તના દર્દીઓના મસીહા, ગણિતના પ્રાધ્યાપક સુરેશ સોનીના વરહસ્તે થયું. ત્યાર પછી આ કૅમ્પસમાં તૈયાર થયેલ તમામ મકાનોનાં ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન શાળામાં કામ કરતાં શિક્ષકોના હસ્તે જ! * બાળકનાં ભણતરના પહેલાં વર્ષથી જ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં એક-એક પૂરકવાચનનું પુસ્તક દાખલ થયું છે. આ પુસ્તકોની પ્રતિ વર્ષ પસંદગી શ્રી રણછોડ શાહ પોતે કરે છે અને પોતાના દીકરા માટે કન્યા શોધતા હોય એટલી આત્મીયતાથી કરે છે. * ઍમિટીમાં પ્રત્યેક વર્ગને ચાર સામયિક વાચનભેટ રૂપે આપવામાં આવે છે. ઍમિટીમાં પ્રત્યેક શિક્ષકને પ્રતિ વર્ષ ચાર પુસ્તકોની ભેટ મળે છે, પરિણામે ઍમિટીના પ્રત્યેક શિક્ષક પાસે એક નાની નીજી લાઇબ્રેરી બની રહી છે. * કોઈપણ બાળકને સિદ્ધિ-પ્રાપ્તિએ ભેટ એટલે ખાસ ઉંમરને ધ્યાનમાં લઈ પસંદ કરેલું પુસ્તક. * વર્ષ દરમિયાન શાળામાં સો ટકા હાજર રહેનાર વિદ્યાર્થીઓનું ૧૯૮૬ થી સન્માન થાય છે. એક સમારંભ થાય તેનું નામ : નિયમિતતા અભિવાદન સમારંભ’. તેમાં શતશઃ હાજર રહેનાર વિદ્યાર્થીઓ અને સૌથી ઓછી રજા લેનાર કર્મચારીઓનું અભિનંદન થાય. * પ્રતિ વર્ષ ઉત્તમોત્તમ વિદ્યાર્થી શોધી ૨૬મી જાન્યુઆરીના શાનદાર સમારંભમાં Best Amitian Award આપી ગૉલ્ડ મૅડલથી સન્માન થાય. • ઍમિટીમાં સતત પંદર વર્ષ કાર્યરત કર્મચારીને નવાજવામાં આવે અને સન્માન પેટે પંદર હજાર અર્પણ કરવામાં આવે છે. * પ્રતિવર્ષ થીમ બેઇઝ્ડ વાર્ષિક દિન ઉજવાય. જેમાં માનવ સ્વાસ્થ્ય પ્રદર્શન (જીવંત અંગો સહિત), ભૃગુકચ્છથી ભરૂચ, કાવ્યમેળો, ગણિતદર્શન, ભારતની ભાષાઓનો નાટ્યમેળો, પ્રકૃતિ પ્રવૃત્તિનો સમાવેશ થાય. * શાળા-વિદ્યાર્થી-માબાપ અને સમાજને શાળાકાર્યથી પરિચિત કરતું સામયિક મૈત્રીસેતુ’ ઍમિટીનું અદકેરું પ્રદાન છે. સ્થાપનાકાળથી આજ સુધી વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં લોકાર્પિત થાય. * તમામ કાર્યક્રમોની ઉદ્ઘોષણા અને વ્યવસ્થાપન વિદ્યાર્થીઓ જ કરે અને અનૌપચારિક તાલીમ પામે. * વર્ષમાં ચાર ફૅકલ્ટી ડૅવલપમૅન્ટ ટ્રેનિંગ તો હોય જ.
ગુજરાતના લગભગ બધા જ શિક્ષણવિદો અને સાહિત્યકારો ઍમિટીમાં પદાર્પણ કરી ગયા છે. ભારતના ટોચના તજ્ઞો પણ અહીં આવી ગયા છે. વિદ્યાર્થીઓ વર્ષારંભે વિશેષ મુલાકાતથી કાર્ય શરૂ કરે. દર્દીઓની વચ્ચે કે જેલના કેદીઓ વચ્ચે કે વિકલાંગો વચ્ચે એક દિવસ ગાળે અને કરુણાની અનુભૂતિ કરે. ઍમિટીનો પરિસર-વિસ્તાર પૂરમાં ડૂબે તો તેને બચાવવા વિદ્યાર્થીઓ કેડ સમાયા પાણીમાં ઍમિટી પહોંચી સહાયમાં લાગે. ગુજરાત બોર્ડનાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો તથા CBSEનું અંગ્રેજી માધ્યમ અહીં છે એટલે માહોલ કૉન્વેન્ટ સ્કૂલનો, પણ કલેજું ભારતીય સંસ્કૃતિનું… ૨૦૦૧માં આચાર્ય તરીકે નિવૃત્ત થયા પછી હવે માત્ર સંચાલક’ બનેલા રણછોડ શાહ પૂરો સમય ઍમિટીમાં યાદ રાખીને’ ગાળતા નથી. પોતે જે જે માનવીય કેળવણીના પ્રયોગો કર્યા છે તેને હવે તેઓ પુસ્તક રૂપે સમાજમાં મુકે છે.
શિક્ષણ અંગે દસ પુસ્તકો આપનાર રણછોડ શાહની ત્રણ ખૂબીઓ છે : (૧) તેઓ ટીમ બિલ્ડિંગના માણસ છે. (૨) તેઓ સેકન્ડ લાઇન ઑફ લિડરશિપ સફળતાથી ઘડી શક્યા છે. (૩) તેઓ દિવ્ય મૈત્રીના ઍમિટી” શબ્દને સાર્થક કરી શક્યા છે. પ્રયોગશીલ નથી તે શિક્ષક નથી. પ્રવૃત્તિશીલ નથી તે આચાર્ય નથી. પરિવર્તનશીલ નથી તે સંચાલક નથી. જ્યારે જે હોવું જોઈએ, ત્યારે તે જેમનામાં હતું કે છે, તે રણછોડભાઈ શાહ, મિલો તો જાનો.
by Bhadrayu Vachhrajani | Oct 4, 2024 | Uncategorized |
કસ્તુરબા અને ભક્તિબા :: સ્વતંત્રતા સંગ્રામનાં સૌરાષ્ટ્રીયન નારી રત્નો
સૌરાષ્ટ્ર એટલે ‘સુરાષ્ટ્ર’ , પ્રાગ્-ઐતિહાસિક તથા પ્રાચીન કાળમાં એ સુરાષ્ટ્ર કહેવાતું હતું. મૈત્રક રાજાઓની રાજધાની વલભી સુરાષ્ટ્રમાં હતી. સોલંકી કાલમાં ‘સુરાષ્ટ્રમંડલ’ એવો પ્રયોગ થયો છે. સિદ્ધરાજ જયસિંહના 1209–1210ના દાહોદ અભિલેખમાં ‘સુરાષ્ટ્રામાલવેશ્વરૌ’ તથા કુમારપાલના સમયમાં માંગરોળ–સોરઠમાં સચવાયેલા ઈ. સ. 1146ના અભિલેખમાં મુલૂક ગૂહિલને ‘સુરાષ્ટ્રનાયક’ કહ્યો છે.
કોઈએ તેને ‘સુરાષ્ટ્ર એટલે સારો દેશ, તો કોઈએ તેને ‘સુરરાષ્ટ્ર’ એટલે દેવોનો દેશ કહ્યો છે. અંગ્રેજ ગ્રંથકારોએ તેને ‘સૌર રાષ્ટ્ર’ એટલે સૂર્યપૂજક લોકોનો દેશ કહ્યો છે. ‘સૌરાષ્ટ્ર’નો ‘સુરાષ્ટ્ર’ તરીકે ઉલ્લેખ ગિરનારના શિલાલેખમાં પણ જોવા મળે છે.
મુસ્લિમ અમલ દરમિયાન આ પ્રદેશનું નામ અપભ્રંશ થઈને ‘સોરઠ’ થયું. ..તો જૂનાગઢના બાબી વંશના નવાબોનું શાસન ‘સોરઠ સરકાર’ તરીકે ઓળખાતું હતું. જોકે તેમની રાજમુદ્રામાં તો નાગરી લિપિમાં ‘સૌરાષ્ટ્ર’ શબ્દ મૂકવામાં આવ્યો હતો. મરાઠાઓએ આ પ્રદેશ ઉપર આક્રમણો કર્યાં ત્યારે સૌપ્રથમ તેમને કાઠી નામની લડાયક પ્રજાનો સામનો કરવો પડેલો. તેથી તેમણે આ પ્રદેશને ‘કાઠિયાવાડ’ કહ્યો. પછી અંગ્રેજોએ પણ ‘સૌરાષ્ટ્ર’નું ‘કાઠિયાવાડ’ નામ છેક 1947માં આઝાદી મળી ત્યાં સુધી ચાલુ રાખેલું. આઝાદી પછી ફરી તેનું પ્રાચીન નામ ‘સૌરાષ્ટ્ર’ સ્વીકારવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર તેનાં પાંચ રત્નો માટે પ્રસિદ્ધ છે, જે આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યાં છે.
सौराष्ट्रे पंचरत्नानि नदीनारीतुरंगमा: ।
चतुर्थ सौमनाथश्च, पंचमं हरिदर्शनम् ।।
પુરાણોમાં સૌરાષ્ટ્રને દેવભૂમિ, સર્વશ્રેષ્ઠ દેશ અને સુંદર પ્રદેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેથી જ કવિ ન્હાનાલાલ તેને ‘પુરાણ–પ્રસિદ્ધ ઇતિહાસોજ્જ્વલ ભૂમિ’ અને કવિ બોટાદકાર તેને ‘સ્વર્ગકુંજ સમ અમ માતૃભૂમિ’ કહે છે.
સૌરાષ્ટ્રની રાષ્ટ્રીય ચળવળના મુખ્ય નેતાઓમાં મનસુખ રવજી મહેતા, અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, જગુભાઈ પરીખ, નાનાભાઈ ભટ્ટ, ઉછરંગરાય ન. ઢેબર, મણિલાલ કોઠારી, ફૂલચંદભાઈ શાહ, શિવાનંદજી, ચીમનભાઈ વૈષ્ણવ, અંધ કવિ હંસ, વીરચંદભાઈ શેઠ, જેઠાલાલ જોશી વગેરે હતા. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન સૌરાષ્ટ્રમાં યુવક-મંડળોએ અને વિદ્યાર્થી-મંડળોએ મહત્વની કામગીરી બજાવી હતી. તેઓ શૈક્ષણિક સંસ્થાઓ ઉપર પિકેટિંગ કરતા અને ભાંગફોડની પ્રવૃત્તિ પણ કરતા. તેમાંથી મુખ્ય હતા – કનક દેસાઈ, ગુણવંત પુરોહિત, ગજાનન અને ઘનશ્યામ પુરોહિત, જશવંત મહેતા, જયમલ્લ પરમાર, નિરંજન વર્મા, જયંતિ માલધારી અને રતુભાઈ અદાણી.
15 ઑગસ્ટ, 1947ના દિવસે ભારતને આઝાદી મળી, ત્યારે સરદાર પટેલની કુનેહથી ભારતનાં મોટા ભાગનાં દેશી રાજ્યો ભારત સાથે જોડાઈ ગયાં હતાં; પરંતુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢે ભારત સાથે ન જોડાઈને ઇતિહાસ સર્જ્યો હતો. તેમાં પણ 82 ટકા હિન્દુ વસતિ ધરાવતા જૂનાગઢ જેવા નાનકડા રાજ્યે પાકિસ્તાન સાથે જોડાણ કરી સૌરાષ્ટ્રની પ્રજામાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું. જૂનાગઢના આ નવાબી શાસનને દૂર કરી ત્યાં પ્રજાકીય શાસન સ્થાપવા માટે જૂનાગઢની આરઝી હકૂમતની રચના કરવામાં આવી હતી. તેના વડા તરીકે ગાંધીજીના ભત્રીજા અને મુંબઈના નીડર પત્રકાર શામળદાસ ગાંધી હતા અને રતુભાઈ અદાણી તેના સર સેનાપતિ હતા. તેમણે લોકસેના ઊભી કરી. લોકસેનાએ જૂનાગઢનાં કુલ 106 ગામ કબજે કરી લીધાં હતાં. તેથી ભયભીત થયેલા નવાબ કરાંચી નાસી ગયા.
સ્વતંત્રતા સંગ્રામનાં સૌરાષ્ટ્રીયન નારી રત્નો
આઝાદ ભારતના ૭૫ વર્ષના ઐતિહાસિક સમયગાળાનો સાક્ષાત્કાર કરવા “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના સાક્ષી બની શકયા છીએ. આઝાદીની આ ચળવળમાં મહિલાઓએ પણ પુરૂષ સમોવડી બનીને ખભેખભા મિલાવીને મહત્વની ભૂમિકાઓ અદા કરી હતી. જેમાં આજે વાત કરવી છે, મૂળ સૌરાષ્ટ્રનાં ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના મહિલા સ્વાતંત્ર્ય સેનાની એવા, બાપુ જેમને આદરથી ‘બા’ કહેતા તે કસ્તુરબા ગાંધીની અને ભક્તિબા દેસાઈ ની … અને એમ આપણે સૌરાષ્ટ્રનાં સ્વતંત્રતાની લડતના બે નારી રત્નોની વંદના કરવી છે.
કસ્તુરબા ગાંધીનો જન્મ થયો 11 એપ્રિલ, 1869, પોરબંદર, ગુજરાતમાં..પિતા ગોકુલદાસ મકનજી. અને મોહનદાસ કરમચંદ ગાંધી :: બાપુ :: ગાંધીજી સાથે જીવન સંગિની બની રહ્યાં. સંતાનોમાં ચાર દીકરા હરિલાલ, મણિલાલ, રામદાસ, દેવદાસ.. બાપુને જીવનભર મનોદૈહિક ટેકો બની રહેવાનું કાર્ય એ કસ્તુરબાના જીવનને ચાર ચાંદ લગાવે છે. કસ્તુરબાએ બાપુના ખોળામાં 22 ફેબ્રુઆરી, 1944, આગાખાન મહેલ, પુના ખાતે દેહ છોડ્યો.
કસ્તુરબા તો ગાંધીજીનો પડછાયો બનીને જીવ્યાં એટલે જ્યાં ગાંધીજીની વાત આવે ત્યાં કસ્તુરબા પડદા પાછળ પ્રેરકબળ તરીકે હોય જ.ગાંધીજીના જીવનના પ્રસંગોમાં બાનું જીવન સમાઈ જ જાય. અને તેથી અહીં કસ્તુરબાના જીવનને કાવ્યાત્મક ભાવમાં પેશ કરવાનું પસંદ કરું છું. ભારતના કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (સી બી આઈ), દિલ્હીના અતિરિક્ત પોલીસ અધિક્ષક શ્રી મુકેશ મુકુંદ નાં હિન્દી પુસ્તક “સ્વતંત્રતા સંગ્રામ એવં 75 વીરાંગનાએં “ નો આધાર લીધો છે. આઝાદીના અમૃતકાળ દરમ્યાન ભારતની અજ્ઞાત વીરાંગનાઓમાંથી પંચોતેર પસંદ કરી તેમની જીવનીને પદ્ય શૈલીમાં મુકુન્દજીએ મુકેલ છે. કસ્તુરબા ગાંધીને તેઓ આ રીતે ચરિતાર્થ કરી આપે છે.
કસ્તુરબા ગાંધી (બા)
શુભ સંકલ્પ, દૃઢ ઇચ્છા, સ્વતંત્ર નિર્ણયમાં દૃઢ,
સાહસ, સ્નેહ, જનહિત, ચિત્તમાં કરુણાનો સ્વર.
બાપુએ લીધું: સમગ્ર રાષ્ટ્ર સેવાનું મહાવ્રત,
પત્નીના રૂપમાં મન–વચન–કર્મથી એ જ રાહ પર સફર.
અહિંસા, સત્યાગ્રહ, ગાંધીજીની આઝાદીના અફસાના
ગાંધીને બાનાં તપ–ત્યાગ– સાંનિધ્યની છાયા.
જ્યારે જ્યારે ગાંધીને મળી જેલની ચાર દીવાલ,
દેશહિતમાં બાની અગ્રિમ ભૂમિકા પર સૌની સલામ.
દક્ષિણ આફ્રિકામાં જ્યારે, ખ્રિસ્તી સિવાયનાં લગ્ન થયાં અમાન્ય,
બાએ લીધો સત્યાગ્રહનો ટેકો ને કર્યો એ કાયદાનો વિરોધ ભરપૂર.
પછી ચંપારણ સત્યાગ્રહ હોય કે પછી હોય ખેડાનું આંદોલન,
બાની કાયમ સાર્થક ભાગીદારી, મહિલા ઉત્થાન પર દીધું જોર.
ગાંધીને થઈ જેલ, જ્યારે થયું અસહયોગ આંદોલન,
બાએ ગાંધીજીના સંદેશાઓનો કર્યો દેશમાં પ્રચાર.
મીઠાં સત્યાગ્રહ વખતે પણ ગાંઘીજીને ફરી મળી જેલ,
પોલીસની જોરજુલ્મી માટે બાએ સરકાર પર કર્યો પ્રહાર.
રાજકોટ ઠાકોર સાહેબ, જ્યારે ભૂલી બેઠા પોતાના બધા વાયદાઓ,
વિરોધમાં જનમાનસ ગયું ને થયું સત્યાગ્રહનું આહ્વાહન.
બા પણ પ્રતિરોધમાં ઉતયાઁ, લઈને બુલંદ ઈરાદા,
બાને કર્યા નજરબંધ જ્યાં કેવળ એકાંત અને જગ્યા સૂમસામ !
ભારત છોડો સંગ્રામ, ગાંધી સહિત બધા નેતાઓને જેલ,
શિવાજી પાર્કમાં બા એ કર્યો ભાષણનો વિચાર.
બાની ધરપકડ કરીને તેમને રાખ્યાં આગાખાં મહેલમાં બંધ,
જ્યાં બાપુને બા સાથેના છેલ્લાં મિલનનો હતો ઈંતઝાર
નિયતિની વ્યવસ્થા અનોખી, જેલમાં બાનું નિધન,
તપ–ત્યાગ– સંઘર્ષથી આલોકિત હતું એમનું જીવન.
કૃતજ્ઞ રાષ્ટ્રની સ્મૃતિ, બાનું રહેશે અમર નામ,
આઝાદીનો અમૃત મહોત્સવ, વારંવાર કરીએ પ્રણામ.
ભક્તિબાનો જન્મ ૧૬ ઓગષ્ટ, ઈ.સ.૧૮૯૯માં ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે થયો હતો. તેઓ લીંબડીના દીવાન ઝવેરભાઈ અમીન અને દીવાળીબેનના પુત્રી હતાં. “નામ એવા જ ગુણ” રાજદરબારમાં ઉછરેલ હોવા છતાં બાળપણથી જ આધ્યાત્મિક એવા ભક્તિબાના જીવનમાં ધાર્મિક સંસ્કારોનું મૂલ્યવાન પ્રદાન હતું. ઈ.સ.૧૯૧૩માં ઢસા-રાયસાંકળી-વસોના દરબાર અને ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનારા ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા એવા ગાંધીવાદી ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ સાથે લગ્ન થયા. દરબાર ગાંધીજીની લડતમાં જોડાયા.
ભક્તિબા પણ રાજરાણીનો શણગાર ત્યજીને રાષ્ટ્રીય સ્વયંસેવિકા બની ગયા. ઈ.સ.૧૯૨૧થી ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમજ બોરસદની લડતમાં જોડાયા. તે દરમ્યાન રાષ્ટ્રીય મહાસભા(કોંગ્રેસ)ના અમદાવાદ ખાતેના અધિવેશનમાં તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. ઈસ.૧૯૨૩ના બોરસદ સત્યાગ્રહ અને નાગપુરના ધ્વજ સત્યાગ્રહમાં ભક્તિબાએ ભાગ લીધો. ઈ.સ.૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં શરૂઆતમાં સ્ત્રીઓ આગળ આવવા શરમ અનુભવતી હતી. ભક્તિબાએ મણિબેન પટેલ અને મીઠુબેન પિટીટ સાથે મળીને સ્ત્રીઓને આગળ આવવા પ્રેરણા આપી. ધીમે ધીમે આગળ જતા સ્ત્રીઓની સંખ્યા પુરૂષો કરતાં પણ વધી ગઈ. બોરસદની છાવણીનું સફળ સંચાલન કર્યું. ઈ.સ.૧૯૩૦ની મીઠાની લડત વખતે દારૂ તેમજ વિદેશી માલ વેંચનારી દુકાનો ઉપર પિકેટિંગ કરતાં પકડાયા અને જેલવાસ ભોગવવો પડ્યો. ઈ.સ.૧૯૪૨માં “હિન્દ છોડો” લડતમાં જોડાતાં તેમને ૧૧ વર્ષની જેલ પણ થઈ હતી. ભક્તિબાએ જુદી-જુદી લડતોમાં ભાગ લેતા કુલ સાડા ત્રણ વર્ષ જેલવાસ ભોગવ્યો.
ભક્તિબા સેવા, નીડરતા અને ત્યાગનો ત્રિવેણી સંગમ હતા. દેશસેવામાં કુટુંબની તેમ જ પોતાના નાના બાળકોની પણ ચિંતા નહોતી કરી. ભક્તિબા હરહંમેશ દરેકને મદદ કરવા તત્પર રહેતાં. રાયસાંકળીના દરબારગઢને એન્જસીએ સીલ મારેલા ત્યારે નીડર અને બાહોશ ભક્તિબાએ કોશ લઈને સીલ તોડીને એકલા રહીને બહાદુર વીરાંગનાનો પરિચય કરાવ્યો હતો. લીંબડીની લડત વખતે રાજ્ય તરફથી સિતમોની ઝડી વરસતી હતી ત્યારે રાજ્યે ઉભી કરેલ ગુંડા ટોળીઓનો સામનો કરવા તેમની વચ્ચે જઈને ઉભા રહ્યા હતા. જે લીંબડી રાજ્યમાં તેઓ મોટા થયા હતા તે જ રાજ્યમાં અન્યાયો સામે લડવામાં પણ પાછી પાની કરી નહોતી. ચૂંટણી સમયે પોતાના વડીલ બંધુ કોંગ્રેસની સામે ઉભા હતા ત્યારે તેમની સામે પણ પ્રચાર કરતાં તેઓ ખચકાયા નહિ. તેઓ સત્યનિષ્ઠ, ર્નિભય અને તપસ્વી પ્રેરણામૂર્તિ બની રહ્યાં.
ઈ.સ.૧૯૪૨ની આઝાદીની લડત પછી દરબાર દંપતી રાજકોટમાં આવ્યા અને સમાજ સેવા કરવા લાગ્યાં. તેમણે કન્યા કેળવણી ક્ષેત્રે કાર્ય હાથ ધર્યું અને તેમના માર્ગદર્શન હેઠળ પૂતળીબા ઉદ્યોગ મંદિર(રાજકોટ), વલ્લભ કન્યા કેળવણી મંદિર (રાજકોટ) અને વિઠ્ઠલ કન્યા વિદ્યાલય(નડિયાદ) સહિતની ગુજરાતભરની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ ખેડા જીલ્લાના સ્કૂલ બોર્ડમાં સભ્ય હતાં. ઈ.સ.૧૯૫૧માં તેમના પતિ ગોપાળદાસ અંબઈદાસ દેસાઈના અવસાન બાદ પણ તેમણે સમાજસેવાના કાર્યો અવિરતપણે ચાલુ રાખ્યાં. ઈ.સ.૧૯૫૪માં તેમણે સાતેક માસનો આફ્રિકાનો પ્રવાસ કરી સાડા ત્રણ લાખનું ભંડોળ સમાજસેવા માટે એકત્ર કર્યું.
ઉછરંગરાય નવલશંકર ઢેબર – ઢેબરભાઈ પોતાને દરબાર સાહેબના છઠ્ઠા પુત્ર તરીકે ઓળખાવતા. ઈ.સ. ૧૯૫૪માં ઢેબરભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને દિલ્હી ગયા, તેમની સંભાળ લેવા ભક્તિબા પણ દિલ્હી ગયાં. પિતૃગૃહે તથા શ્વસુરગૃહે ગર્ભ શ્રીમંત હોવા છતાં વૈભવવિલાસ છોડી સાદગીપૂર્ણ જીવન જીવ્યા. ગાંધી વિચારોને અનુસરી, સ્વઆચરણથી ગાંધીજીના રચનાત્મક કાર્ય કરી ગાંધી વિચારોને સાર્થક કરી બતાવ્યા હતા. તેમણે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરીને સામાજિક ક્ષેત્રે પડદા પ્રથા, દહેજ પ્રથા, ધાર્મિક-અંધશ્રદ્ધાઓ, દારૂનું વ્યસન, ચોપાટ રમતની અતિરેકતા વગેરે જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના પ્રયાસો કર્યા અને સામાજિક સુધારણાની દિશામાં પહેલ કરી. ઉપરાંત, સમાજમાં કચડાયેલા, દબાયેલા એવા દલિતોના ઉત્થાન માટે પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રયત્ન કર્યા હતા. સામાજિક સુધારણાની સાથોસાથ તેમણે, પુસ્તકાલય પ્રવૃતિ વગેરે શૈક્ષણિક વિકાસ દ્વારા સમાજનું નવસર્જન કરવાનો પ્રયાસ કર્યો હતો. આમ, ગુજરાતના આ નારી રત્નનું સમાજસુધારણા ક્ષેત્રે અથાગ પુરૂષાર્થ અને સામાજિક ઉત્થાનમાં અનેરૂ પ્રદાન છે. શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ ખેડાણ કરનાર ભક્તિબા ૧૪ માર્ચ, ૧૯૯૪ના દિવસે વસો ખાતે દુઃખદ અવસાન પામ્યાં. ભક્તિબાની સેવાઓને બિરદાવતા ભારત સરકારે રાજકોટના એક રેલ્વે સ્ટેશનનું નામકરણ “ભક્તિનગર” રાખ્યું હતું. ત્યાગ-તપશ્ચર્યાને કારણે તેઓ “ભક્તિબા”નું બિરૂદ પામ્યાં હતા. ભક્તિબાનું જીવનસૂત્ર હતું, “આપણે લાખોને મદદરૂપ થઈ શકીએ એવી આપણી સ્થિતિ નથી, પરંતુ લાખોને માટે કામ કરનાર વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ તો લાખોને સાચવ્યા બરાબર છે. આંખમાં મૃત્યુ જોવાની તેમની હિંમત, માતૃભૂમિ પ્રત્યેનો તેમનો તીવ્ર પ્રેમ – “કોમલ હૈં, કમજોર નહીં તું. શક્તિ કા નામ હી નારી હૈ” શબ્દો તાદૃશ કરે છે.
આમ સૌરાષ્ટ્રના પાંચ રત્નોમાંથી મહત્વનું ઈશ્વર સર્જિત માનવીય રત્ન તે નારી અને એ નારી સમાજના પ્રતિનિધિરૂપ બે રત્નો એટલે કસ્તુરબા ગાંધી અને ભક્તિબા દેસાઈને આપણે શબ્દાંજલિ આપી કૃતકૃત્ય થઈએ.
by Bhadrayu Vachhrajani | Aug 19, 2024 | Uncategorized |
લાલદે મા શરીર ઉપર વસ્ત્ર રાખતી નહિ અને પહાડોની ગુફાઓમાં પડી રહેતી. પંખીઓ તેના માથે ખભે બેસતાં ને ટહુકા કરતાં. લાલમા તેમને ગીતો સંભળાવતી !!
“પહેલગામથી શ્રીનગર તરફ આમારું સ્ટેશન-વિન પૂરપટ આવતું હતું. અવંતીપુર વટાવી અમે પેંપુર(પદ્મપુર) તરફ હંકાર્યું ત્યારે સંધ્યાકાળ થયો. કાશ્મીરની સંધ્યા જેણે જોઈ હશે તે સમજી શકશે કે એની રમ્યતા કેવી હેાય છે !?!
પેંપુરથી થોડેક દૂર ડ્રાઈવરે સ્ટેશન-વેગન અટકાવ્યું. અમારા મનમાં એમ કે, એને જરા થાક ખાવો હશે અને બીડી પીવી હશે. અમે સૌ લટાર મારવા ઊતર્યા. સંધ્યાકાળનું આકાશ ચારે તરફની ગિરિમાળા ઉપર બેઠું બેઠું જાણે સંગીતની લહરીઓ છોડતું હતું.
ડ્રાઈવર બાજુની એક ટેકરી ઉપર ચડવા લાગ્યો. ટેકરી ઉપર એક નાના સરખા ચોગાનમાં કેટલાક દીવાએ બળતા હતા. ડ્રાઈવરે અમને બધાને પોતાની પાછળ આવવા કહ્યું.
એક સમાધિ ઉપર ફૂલ હતાં અને મોટો દીવો પ્રકાશતો હતો. મુસ્લિમ ડ્રાઈવરે આંખો મીંચીને ધ્યાન ધર્યું. પછી પોતે ઘૂંટણિયે પડ્યો અને સમાધિ ઉપર પોતાનું માથું મૂક્યું. એની ભાવનિમગ્નતા હું જોઈ રહ્યો.
“કોની સમાધિ છે આ?” આખરે મેં એને પૂછ્યું,
“લાલદે માની.”
થોડી વાર સુધી મને એ નામની કશી સમજ પડી નહિ. વધુ જાણવાના ઇરાદાથી હું તેના તરફ જોઈ રહ્યો.
“ લાલદે મા મોટાં તપસ્વી હતાં.” ટેકરી ઉપરથી નીચે ઊતરતાં તેણે ચોખવટ કરી.
મારા મનમાં વાત કંઈક ગોઠવાવા લાગી. કાશ્મીરની વિખ્યાત યોગિની લલ્લેશ્વરીની જ આ સમાધિ હશે એવું મને લાગ્યું. સંધ્યાકાળનું આકાશ ઈશ્વરની માયા જેવું અદ્ભુત લાગતું હતું. સ્ટેશન-વેગન પૂરપાટ ચાલવા લાગ્યું.
“લાલદે માનાં ગીતો દરેક કાશ્મીરીને મોંએ છે, સાહેબ ! મામાં ભારે સત હતું.” ડ્રાઈવરે મારા અજ્ઞાનનો પડદો દૂર કરવા કોશિશ કરી.
“આ લાલદે તે મશહૂર લલ્લેશ્વરી કે?” મેં પૂછયું.
ડ્રાઈવરને એ નામમાં કશી ગમ પડી નહિ. એ મારા તરફ પોતાને કાંઈ ન સમજાયું હોય તેમ જોઈ રહ્યો.
“એની મને ખબર નથી. અને સાહેબ ! માએ ઘરબાર છોડી દઈ કાશ્મીરની ખીણમાં ઘૂમવા માંડ્યું અને ઈશ્વરની ભક્તિમાં પોતે મસ્ત રહેતાં. એમનાં ગીતો અમારે કંઠે રહ્યાં છે.” મને વાત સમજાઈ ગઈ. પેલી સમાધિ લાલદે એટલે કે લલ્લેશ્વરીની હતી. એ શૈવયોગીની વિષે મેં થોડું વાંચ્યું હતું. વાચન તાજું કરવાની મને ઈચ્છા થઈ.
શ્રીનગર પહોંચ્યાં ત્યારે સૂરજ આથમી ગયો હતો. શિકારામાં હું હાઉસબોટ ઉપર આવ્યો ત્યાં સુધી લલ્લેશ્વરીની વાત મારા મનમાં ઘોળાયા કરતી હતી.
કાશ્મીરના એક વિદ્વાન પંડિત તે જ રાતે મને અચાનક મળવા સારું આવ્યા. એ સંસ્કારી અને પ્રેમી માણસ અમારા જમવાના ખંડમાં અમારી કોફીનો સત્કાર કરવા બેઠા.
“પંડિતજી, પેંપુરની પાસે પેલી જે લાલદેની સમાધિ છે તે લાલદે કોણ?” મેં પૂછ્યું.
“લાલદે તે લલ્લાવાક, જેને લલ્લેશ્વરી પણ કહે છે.” એટલું કહી તેમણે એક કાશ્મીરી ગીત લલકાર્યું, જે નીચે મુજબ હતુંઃ
”તૂરિ સલિલ ખટુ તાય તૂરી, હ્યમ્ય ત્રિ ગૈય ભિન્ના ભિન્ન વિમર્શા.
ચૈતન્ય રવ ભાતિ સબ્ સમે, શિવમય ચરાર્ જગ પશ્યા.“
એ જૂની કાશ્મીરી બાની પેલા પંડિતના સુંદર કંઠમાં ઘણી મીઠી લાગતી હતી. ત્રણ ચાર વાર એમણે ઉથલાવી ઉથલાવીને એ ગીત ગાયા કર્યું. અને પછી એમણે અર્થ જે સમજાવ્યો તે નીચે મુજબ હતો:
“માયાવી જગત બરફનો કટકો છે. આખરી સત્ય એની અંદર રહેલું પાણી છે. જુદીજુદી જાતનાં હું પદ ઝાકળનાં બિંદુઓ જેવાં છે. વિશ્વને તમે એ રીતે ઓળખો.”
એ ગીતમાં શૈવ ફિલસૂફી છલોછલ ભરી હતી. લલ્લેશ્વરીની જ્ઞાનમસ્તીનો ઝાંખો ખ્યાલ એમાંથી તરી આવતો હતો.
લલ્લેશ્વરીનું ક્ષર જીવન આપણી મીરાંબાઈના જીવનને ઘણું મળતું છે. લાલદે શિવની ભક્ત હતી. મીરાં કૃષ્ણની ભક્ત હતી. એનો જન્મ ચૌદમા સૈકાની મધ્યમાં થયો હતો. માતાપિતા બ્રાહ્મણ હતાં અને પેંપુરની પાસેના એક ગામડામાં વસતાં હતાં. જન્મથી જ તેમનામાં યોગસિદ્ધિ દેખાતી હતી. યોગિની ધ્યાનમગ્ન રહેતી અને મૌન રાખતી. એનું વળી લગ્ન કરવામાં આવ્યું. સાસરું પેંપુરમાં હતું. વર અને તેનું કુટુંબ ઊંચા કુળનાં હતાં. પણ વાતાવરણ જુદી જાતનું હતું. વર પૂરો દુનિયાદારી માણસ હતો, સંસારનો પાકો કીડો હતો. લલ્લેશ્વરીને ત્રાસ અને દુઃખ આપવામાં બંને જણાંએ બાકી રાખી નહિ. શિવમાં મસ્ત બનેલી યુવાન છોકરી એક રાતે ઘર છોડીને રસ્તે પડી.
શ્રીનગરની પાસે એને એક વૃદ્ધ તપસ્વીએ આશરો આપ્યો, એ તપસ્વીનું નામ સિદ્ધ શ્રીકંઠ, જેમને લોકો સિદ્ધમોલ કહેતા. લાલદે એમની પાસેથી યોગદીક્ષા પામી, અને પોતાના બાપનું નામ જે કોઈ પૂછતું તે સિદ્ધમોલનું નામ દેતી. એ સિદ્ધ પુરુષે લલ્લેશ્વરીને ગૂઢ જ્ઞાન આપ્યું અને પછી તો પોતે દિવસ અતે રાત શિવની મસ્તીમાં રહેવા લાગી. એની મસ્તી અને જ્ઞાનસિદ્ધિ એવા તો જામ્યાં કે સિદ્ધ- મોલને પણ પોતે ટપી ગઈ.
જ્ઞાનમસ્તીની ભરતીમાં ઉચ્ચારેલાં તેનાં વાક્યોનો એક સંગ્રહ થયો છે. જૂની કાશ્મીરીને સંસ્કૃતમાં રૂપાંતર કરનાર રાજાનક ભાસ્કર મૂળની મસ્તીને બરાબર ઉતારી શક્યા નથી. છતાં ગીતોના ભાવ થોડાઘણા લાવી શક્યા છે, એવું જ્યોર્જ ગ્રીઅર્સન કહે છે.
લલ્લેશ્વરીનાં ગીતો સાંભળવા હિંદુ-મુસલમાન સૌ ટોળે મળીને એકઠા થતા. મુસલમાનો પણ એનાં ગીતો ગાતા અને લલ્લેશ્વરીની બાધા માનતા. સનાતની પંડિતોને જોઈ યોગિની લાલદે ચાબખો મારતી કે,
“મૂર્તિ પથ્થર છે અને નીચે ધરતી મંદિર છે. કોની પૂજા કરીશ તું, ઓ પંડિત ! તને કહું કે ઉપર જે આકાશ છે તે મન છે અને નીચે જે ધરતી છે તે આત્મા છે.”
જ્ઞાનની જેને કેવળ આરૂઢ દશા કહેવામાં આવે છે એવી દશામાં આખરે તે પ્રવેશી ગઈ. શરીર ઉપર વસ્ત્ર રાખતી નહિ અને પહાડોની ગુફાઓમાં પડી રહેતી. પંખીઓ તેના માથે અને ખભે બેસતાં અને ટહુકા કરતાં. લાલમા તેમને ગીતો સંભળાવતી અને તેમની ચાંચમાં જે તેઓ ફળનો કટકો લાવતાં તે લાલમાના ખોળામાં મૂકી દેતાં. યોગિની એ ફળો ખાતી.
મનનું નિરીક્ષણ કરતી પોતે લલકારે છેઃ
“મન, આ તારું નથી છતાં તું કેમ મસ્તાને ચડે છે? અસત્યને તું સત્ય રૂપે કયે કારણે ઓળખે છે? તારી ટૂંકી સમજને લીધે તું છેતરાય છે અને નાહક આવન-જાવન કરે છે.”
જેને આપણે ઋતંભરા પ્રજ્ઞા અર્થાત્ દૈવી જ્ઞાન કહીએ તેવું જ્ઞાન લલ્લેશ્વરીમાં ભર્યું હતું. એની વાણીમાં ઋષિઓની વાણીના પડઘા હતા. ઋગ્વેદની ઘોષા, વાક, સરસ્વતી, આદિ સ્ત્રી–ઋષિઓનું આ૫ણને સ્મરણ કરાવે એવી લલ્લેશ્વરીની આર્ષ પ્રતિભા હતી. શૈવદર્શનના પંડિતો લલ્લેશ્વરીને ઋષિનું પદ આપે છે.
લલ્લાના બોધે કાશ્મીરના શૈવદર્શનને એક નવો જ વળાંક આપ્યો. હિંદુ અને મુસલમાન બંને ધર્મોના તત્વોની એણે એકતા સમજાવી. પ્રણવની એટલે કે ઓંકાર ની એની ઉપાસના પ્રખર હતી. મુસ્લિમ સૂફીઓ એના ચરણની રજ માથે મૂકતા અને તેમને તે અલ્લાહ શબ્દની અંદરનો મહાપ્રાણ એટલે કે દીર્ઘ હકાર છૂટો કરી બતાવી ઓંકારનું રહસ્ય સમજાવતી.
એણે કોઈ સંપ્રદાય સ્થાપ્યો કે ચલાવ્યો નથી, પરંતુ તેની પાસેથી ગૂઢ જ્ઞાન મેળવનારા યોગીજનો આજે પણ ગુરુપરંપરાની રીતે પ્રણવની ઉપાસના કરે છે.
(1959 માં જેની પ્રથમ આવૃત્તિ બહાર પડી અને 1980માં જેની બીજી આવૃત્તિ પ્રકાશિત થઇ તે પુસ્તક એટલે અગમનિગમ. એક સમયના સમર્થ લેખક અને ચિંતક શ્રી નર્મદાશંકર મહેતાના પુત્ર તે શ્રી યશોધરા મહેતા. એ સમયના ‘ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય’ ના બંધુઓ સર્વશ્રી શંભુભાઈ અને ગોવિંદભાઇ શાહ દ્વારા ‘અગમનિગમ’ શીર્ષકથી પહેલી આવૃત્તિ છપાઈ. તેની બીજી આવૃત્તિ તરત જ કરાવી પડે તેમ હતી પરંતુ તે પહેલા એ ગુર્જર બંધુઓ કાળના પ્રવાહમાં અચાનક ચાલ્યા ગયા અને વાત રહી ગઈ. તે છેક 1980માં બીજી આવૃત્તિ બહાર આવી !!… આ પુસ્તકનો સંદર્ભ લઈને આ લેખ તૈયાર કરેલ છે, તેની સાદર નોંધ લઉં છું.) (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 7, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
પોતાની અંતિમવિધિ માટે આવનાર કુળ–બ્રાહ્મણને આપવાની દક્ષિણાનું કવર પણ બનાવીને મૂકી ગયા હતા !!!
તમને પ્રશ્ન થશે કે ભગવાનનું તે વળી મૃત્યુ થાય ?? હા, હા, થાય જ ને !! જે જન્મે તે મરે જ, એ ક્રમ તો અવતાર ધારણ કરનાર ભગવાનોએ પણ જાળવ્યો છે ને !! સમર્થ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણને પણ એક જરા પારધી એક નજીવા બાણથી શિકાર સમજીને અલવિદા કહી શક્યો. જે મનુષ્ય અવતાર ધારણ કરે તે અવશ્ય મૃત્યુને વરે જ.
બસ, એમ જ, સદેહે અમારી વચ્ચે જીવેલા અમારા ભગવાને પણ વિદાય લીધી, પણ એમની વિદાય પણ અદ્દલ પેલા મૂળ ભગવાન જેવી જ. દિવ્ય અને સહજ. એકદમ પવિત્ર અને મંગલ. એ શિક્ષક હતા અને ગણિત ભણાવતા હતા. તે દરમિયાન ભગવાનને હૃદયની કશીક તકલીફ થઈ. પણ આ તો ભગવાન એટલે ખાસ ગણકારે નહીં !! “હશે કંઈક, શરીર શરીરનું કામ કરે, દર્દ તો મહેમાન કહેવાય. થોડા દિવસ રોકાશે ને પછી એની મેળે જતું રહેશે.” આવું ભગવાન કહ્યા કરે. પોતાની મેળે ડોક્ટરને બતાવી આવે અને ડોક્ટરે કહ્યું કે, અમદાવાદમાં એક હાર્ટ હોસ્પિટલ છે, તેમાં હૃદયના વાલ્વની સર્જરી કરાવવી પડશે, એટલે ભગવાને અમદાવાદ જવાનું પેકિંગ કર્યું શરૂ. અમે ગ્રુપના સભ્યોએ ભગવાન માટે એક ઉત્સવ-સંધ્યાનું આયોજન કર્યું અને ભગવાનને અમે ફેરવેલ પાર્ટીના માહોલમાં અમદાવાદ મોકલ્યા. એ ઉત્સવ સંધ્યામાં ઓશોને સાંભળ્યા, ભગવાન પાસેથી પોતાના હૃદય અંગેની વાતો સાંભળી અને ખાણી-પીણી કરી. ભગવાનને અમે કહ્યું કે, ‘તમારા હૃદયનો વાલ બરાબર ટાઈટ કરાવતા આવજો, કારણ હવે આપણે પાછા અમદાવાદ કે ક્યાંય જવું નથી.’ અરે ભગવાને અમને જવાબ આપ્યો કે, “હું મારા પક્કડ-પાનાં લેતો જાઉં છું ને, જુઓ, હૃદયને એકદમ ઠીકઠાક કરાવી લાઉ.”
અમે ભગવાનની તબિયત વિશે ચિંતિત ન હતા પણ અમે સતત તબિયતના અપડેટ્સ મેળવતા હતા. સર્જરી થઈ ગઈ પછી અમે ફોનથી વાતો પણ કરતા અને અમને આનંદ હતો કે, ભગવાન બહુ મઝામાં છે અને તેમના નિરાળા સ્વભાવ મુજબ હસતા-રમતાં થઈ રહ્યા છે. નવરાત્રી નજીક આવતી હતી એટલે એક રાત્રે ભગવાને મને ફોન ઉપર કહ્યું કે, ‘મારે માસીને કે જે પ્રજ્ઞાચક્ષુ હતાં, નવરાત્રીમાં માઈ મંદિર લઈ જવાના હોયને એટલે હું બે-ત્રણ દિવસમાં રાજકોટ આવી જાઉં છું. મને હવે કોઈ તકલીફ નથી, અહીં ખાઈ-પીને જલસા કરું છું.’ અમે સૌ મિત્રોને આ સમાચાર આપ્યા અને અમારા ગ્રુપમાં ઉત્સાહનું મોજું ફરીવળ્યું. પણ પણ પણ…ભગવાન રામને થયું હતું એમ જ ‘સવારે શું થવાનું છે ?’ વાળી પંક્તિ સાચી પડી. બીજે દિવસે સવારે અચાનક સમાચાર આવ્યા કે ‘ભગવાને વિદાય લીધી છે’ !!! અમારી ઉપર તો જાણે હિમાલય પડયો, અમે સૌ નિઃશબ્દ,અવાચક અને દુઃખથી છલોછલ !!!
પણ જેમ જેમ ભગવાનની લીલા સાંભળતા ગયા તેમ તેમ અમે ભગવાન પર અહોભાવથી વરસતા ગયા. તેમના કુટુંબમાંથી જાણવા મળ્યું કે, ભગવાન બધી જ તૈયારી કરીને જ અમદાવાદ ગયા હતા. તૈયારીઓ જાણીને ભગવાનને મળેલા દિવ્ય સંકેતો અમારા મનમાં સુસ્પષ્ટ થતાં ગયા અને અમે કેવળ ‘જય ભગવાન, જય ભગવાન’ની ધૂન રટતા રહ્યા. ભગવાને પોતાનો સેલરી બેન્ક એકાઉન્ટ જાતે બંધ કરાવી દીધો હતો. પોતાના રૂમના એક ગોદરેજ કબાટમાં ભગવાન પોતાને છેલ્લે પહેરાવવાના વસ્ત્રોને ઘડી કરીને મૂકી ગયા હતા, પોતાની અંતિમવિધિ માટે આવનાર કુળ-બ્રાહણને આપવાની દક્ષિણાનું કવર બનાવીને પેલા વસ્ત્રો ઉપર ગોઠવીને મૂકી ગયા હતા.!!! આર્ષ વિદ્યા મંદિર, કે જેના પરિસરના વૃક્ષને ભગવાન પાણી પાવા જતાં તે મંદિરના પરિસરમાં અમદાવાદ જવાની આગલી સાંજે ભગવાન ગયેલા અને વૃક્ષ નીચે એકાદ કલાક આંખ બંધ કરીને બેસેલા, તેવું એક મંદિરભકતે પછીથી અમને કહ્યું !! જે માઈ મંદિર પોતાના પ્રજ્ઞાચક્ષુ માસીને દર્શન કરવા ભગવાન લઈ જતાં તે માઈમંદિરમાં રહેલી સમાધિઓ પાસે ભગવાન આંખ બંધ કરીને બેસેલા અને તેમની આંખમાંથી આંસુઓ વહી જતાં હતા તેવું એકથી વધુ સાક્ષીઓએ અમને કહ્યું !! અને હા,અમારા ગ્રુપના મિત્રોએ સાથે મળી એક ફાર્મ હાઉસની સ્કીમમાં પ્લોટસ લેવાનું નક્કી કરેલું ત્યારે અમે ઘણું કહ્યું, છતાં ભગવાને પોતાના નામે પ્લોટ ન જ લીઘો અને તેઓ જે નાના ભાઈ સાથે રહેતા હતા તેમના નામ પર જ દસ્તાવેજ કરાવેલો. ભગવાનના આ નિર્ણયનું રહસ્ય પણ અમને ભગવાનની વિદાય પછી સમજાયું.
અમારા ભગવાન આજે પણ અમારી સામે જ ઉભા છે, અમે દૃઢપણે માનીએ છીએ કે આપણને તો ભગવાન પોતે સામેથી આવીને મળ્યા છે અને આપણી સાથે જીવ્યા છે. આજે પણ ‘જય ભગવાન’ બોલીએ કે સ્મરીએ કે તરત ભગવાન અમારી આંખોમાં હાજરાહજૂર થઈ જાય છે. અમારે તો ઉપર જઈએ કે તરત અમારા ભગવાનની સાથે પાછી ગોષ્ઠિઓ માંડવી છે.
by Bhadrayu Vachhrajani | Jun 30, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
મૃત્યુનો મંગળ તરીકે સ્વીકાર કરવાની એક બહુ મોટી શીખ અમને ભગવાન આપતા હતા.
એક અતિ વિરલ વ્યક્તિત્વ કે જેને અમે ‘જય ભગવાન’ કહીને બોલાવતા હતા તેની વાત આપણે માંડી છે. અમારા જય ભગવાન જાણે સમાજની સેવા કરવા અથવા તો દરેક વ્યક્તિ સાથે કરુણાનો સંબંધ બાંધવા પ્રગટ્યા હોય એવું અમને લાગતું. કોઈપણ નું દુઃખ હોય તો એ દુઃખ ના સમયે જય ભગવાન ખમ્ભે થેલો લટકાડીને હાજર હોય. એક બાબત બરાબર અમે નોંધી કે ઉત્સવના પ્રસંગે અને દુઃખના પ્રસંગે સમાન રીતે જય ભગવાન હસતો ચહેરો રાખીને હાજર હોય.
અમે એવું પણ નોંધેલું કે ઓશોના પ્રિય શિષ્ય હોવાથી તેઓના મનને દુઃખ બહુ ઓછી અસર કરી શકતું હતું. એનું ઉદાહરણ અમે તેમના પિતાશ્રીના દેહાવસાન વખતે અનુભવ્યું. એમણે જોયું કે પિતાશ્રી હવે થોડો સમય છે, ત્યારથી એમણે પિતાશ્રીની બાજુમાં બેસીને ધ્યાનસ્થ થવાનો પ્રયાસ કર્યો. અને જ્યારે બે-ત્રણ કલાકો પછી તબીબે આવીને કહ્યું કે, તેઓએ પ્રાણ છોડી દીધા છે ત્યારે વજ્રાસનમાં બેસીને અમારા જય ભગવાન ખડખડાટ હસવા માંડ્યા. એટલું બધું હસવા મંડ્યા કે આજુબાજુના લોકોને થોડું વિચિત્ર પણ લાગ્યું !! . પણ અમારા જેવા જે નજીક હતા એમણે જોયું કે એ ખડખડાટ હસતા હતા પરંતુ એમની આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા. મૃત્યુનો મંગળ તરીકે સ્વીકાર કરવાની એક બહુ મોટી શીખ અમને ભગવાન આપતા હતા.
અરે, તમારે માત્ર એક નામનો પરિચય હોય તો પણ ભગવાન ત્યાં પહોંચી જાય અને એમના દુઃખમાં મદદ કરે. કેટલાય કુટુંબોના લગ્ન પ્રસંગો કે જેમાં દીકરીઓને પરણાવવાની હોય તો એમાં પૂરેપૂરું રસોડું સંભાળવાનું કામ જય ભગવાન કરે. એ સમય હતો કે જ્યારે કંદોઈ આવતો અને મીઠાઈ બનાવતો, બહેનો આવતા અને ફરસાણ બનાવતા, અને પછી એક-એક ડીશનો ભાવ નક્કી કરીને બહેનો રસોઈ કરવા આવતા ત્યારે આપણા ઘરના ઘણા લોકોએ સાથે રસોડામાં રહેવું પડતું. માનો કે કંદોઈ મોહનથાળ બનાવે તો એને ચોકીની અંદર પાથરીને પછી એના ચોસલા બનાવવા, ચોસલા ઉખેડવા, સરસ મજાના ગોઠવવા, આ બધું કામ કરવું એ ભગવાનનો બહુ જ શોખનો વિષય. આખું લગ્ન પૂરું થઈ જાય, કન્યાદાન દેવાઈ જાય, અથવા તો વર પરણી ઉતરે, તો પણ મુખ્ય મંડપમાં કોઈ દિવસ ભગવાન જોવા ન મળે. ભગવાન ક્યાં છે? તો કે મંડપમાં રહેલા રસોડામાં છે, અને એમણે સાદો લેંઘો જેને ગોઠણ સુધી ચડાવી દીધો હોય, અને એક સાદો સદરો પહેરીને દાળના કમંડળો ભરતા કે શાકના તપેલાઓ ઉંચકતા તમે એમને બહુ સહજતાથી જોઈ શકો. આપણે એને જમવા બોલાવવા જઈએ કે ભગવાન ચાલો જમી લઈએ ત્યારે એનો જવાબ સાંભળવા જેવો હોય, એ કહે, ‘મારે જમવાની જરૂર નથી, કારણ કે, હું રસોઈ બનતી હતી ત્યારે બધું થોડું-થોડું ચાખતો જતો હતો. હવે એટલી ભૂખ રહી નથી.!!’
આપણને આશ્ચર્ય થાય કે, સંબંધની વાત ક્યાંય આવતી નથી, રિલેશનશિપ જેવો શબ્દ ક્યાંય આવતો નથી, છતાં પણ આપણે ત્યાં પ્રસંગ ત્રણ દિવસનો, ચાર દિવસનો, અઠવાડિયાનો હોય તો પણ ભગવાન પુરા દિવસ રસોડાની બધી વ્યવસ્થા સંભાળતા હોય. મારા માતુશ્રીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અને એ સમય હતો ગોધરાકાંડનો. એ સમયમાં બહુ મુશ્કેલી હતી પણ અમારે હૈયે ધરપત હતી કે, ભગવાન છે એ હોસ્પિટલ સાચવી લેશે. જેવી ખબર પડે એટલે ભગવાન થેલાની અંદર એક જોડી કપડાં લઈ અને હોસ્પિટલે પહોંચી જ ગયા હોય. કોઈનું પણ કંઈ હોય, ભગવાન હાજર હોય. અને આવતા વેંત પોતાનો થેલો લટકાડીને કહે , “તમે તારે ફ્રી, હવે હું અહીંયા છું કોઈ ચિંતા ન કરતાં.” એક દિવસ, બે દિવસ, વચ્ચે એમને કોઈ રિલીવ કરે, ન કરે, જમવાનું ટિફિન એનું આવે ન આવે, ભગવાનને કશી ચિંતા ના હોય. આપણને આશ્ચર્ય એ વાતનું થાય તેવી સહજતાથી બીમારની સાથે પોતે સમય પસાર કરે, એને કશુંક વાંચી સંભળાવે, એની સાથે સતત વાતો કરતા રહે અને હસી-મજાક કરતા રહે, હોસ્પિટલનું વાતાવરણ પણ હળવું રાખે, એવા એ ભગવાન હતા.
કોઈને ભેંટ આપવાની એમની પદ્ધતિ પણ બહુ જ વિશિષ્ટ હતી. પોતે વારંવાર ઘરે આવે અથવા કોઈને ઘરે જાય તો પોતે સીધા રસોડામાં પાણી પીવા માટે દોડી જાય, અને એવે ટાણે પોતાના થેલામાંથી એક નાનકડી કોથળી કાઢે ને રસોડામાં રહેલા ફ્રીજને ખોલી અંદર રાખી દે. કોઈને કશું કહે નહીં. ઘણો વખત પછી તમને સાંજે ખબર પડે કે, આ ફ્રિઝની અંદર પ્લાસ્ટિકની કોથળીમાં ગુલાબજાંબુ અથવા રસગુલ્લા કોણ મૂકી ગયું હશે?, ત્યારે સૌને યાદ આવે કે, ભગવાન આજે આપણે ત્યાં જમવા આવ્યા હતા એટલે એ પોતાનો ભાવ આ રીતે પ્રગટ કરી ગયા છે. લગ્ન પ્રસંગ હોય તો એ વખતે જે કેસેટ આવતી ઓડિયો કેસેટ, એ કેસેટ બધાને ભેંટ કરે. ઓશોના પ્રવચનો પોતે સાંભળે, અને પછી આપણને આપે. પણ એ આપવાની રીત પણ કોઈ મંચ ઉપર જઈને, ફોટા પડાવીને કે એવી નહિ, રીત પણ બહુ સીધી અને સાદી. જેના લગ્ન હોય અથવા જેને ઘરે પ્રસંગ હોય, એની પાસે જાય, કશું જ ઊંચા સ્વાદે બોલ્યા વગર હળવેથી કહે , ‘તમારા લગ્ન થાય છે ને, સમય મળે તો આ સાંભળજો, મજા આવશે.’
સાચું પૂછો તો ભગવાન એવું વ્યક્તિત્વ હતા કે એમની હાજરી હોય તો સૌને એમ લાગે વાહ ! આપણે ભર્યા-ભર્યા બની ગયા. કોઈપણ કામ કરવું એ ભગવાન માટે કોઈ નાની મોટી વાત નોહતી. ભગવાન શ્રીકૃષ્ણ માટે આપણે સાંભળેલું એણે પાતર પણ ઉપાડેલા, એમણે મહાભારતના યુદ્ધમાં ઘોડાઓનો ખરેરો પણ કરેલો, ઘોડાના ઘાવ પણ લૂંછેલા, બસ એવી જ રીતે અમારા ભગવાન કોઈ પણનું કોઈ પણ કામ કરી શકે. સમારંભ પૂરો થાય અને મંડપમાંથી ખુરશીઓ ભેગા કરતા કોઈને જુઓ તો એ ભગવાન હોઈ શકે. બધી વસ્તુ આડી-અવળી હોય એને ભેગી કરવા માંડે તો એ ભગવાન કોઈ શકે. અને એટલા બધા અલગારી, મજાના, કે જાણે શું બને છે એની એને ચિંતા ના હોય.
અમારા મત પ્રમાણે તો ઓશો પછી ઓશોની જેમ જીવનારા અમારા ભગવાન ધ્યાનમાં બેઠા હોય તો સહજતાથી ધ્યાનમાં હસતા જાય, રડતા જાય અને વિચિત્ર રીતે આપણને જોવા મળે એવા ભગવાનની દશા હોય. રાજકોટમાં એક માઈ મંદિર છે, જ્યાં તેના પ્રજ્ઞાચક્ષુ માસીને નિયમિત લઈ જવાના, હાથ પકડીને લઈ આવવાનું કામ ભગવાન પ્રેમથી કરતા. આ માઈ મંદિર ની અંદર તમે જાઓ તો માસી એક બાજુ બેઠા હોય અને કોઈ એક પિલરને ટેકો દઈને, આંખ બંધ કરીને, ભગવાન ધ્યાનમાં ઉતર્યા હોય. અમારે ઘરે આવે ત્યારે અમારો દીકરો હસી મજાક કરે કે ભગવાન, તમે તો માઈ મંદિર માં ધ્યાન કરતા હતા પણ આમ તો તમે ઝોંકા ખાતા હતા, હો!! આ સાંભળીને એ ખડખડાટ હસે અને પછી એમ કહે કે, ઝોકાં ખાવા કે નીંદર કરવી એ પણ એક ધ્યાન જ છે.
2001માં રાજકોટ ઉપર ભયાનક ભૂકંપ આવ્યો ત્યારે માસી સાથે ભગવાન માઈ મંદિરના એક પિલર પાસે બેઠા હતા. અને આશ્ચર્ય થશે કે મંદિરમાંથી સૌ લોકો બહાર દોડી આવ્યા કે ધરતીકંપ થયો, પણ અંદર પલાઠી મારીને, આંખ બંધ કરીને બેઠા હતા, અમારા ભગવાન. કેટલીએ વાર પછી કોઈએ જઈને ઉઠાડયા કે, ચાલો બહાર, ત્યારે એ એકદમ હસતાં હળવે પગલે આવ્યા અને કહ્યું, શું થયું, કેમ બહાર બોલાવ્યો? બધાએ કહ્યું કે તમને કાંઈ અસર ન થઈ? ધરતીકંપ થયો. તો કહે ના, મારી તો આંખ બંધ હતી એટલે ખબર ન હોય. એટલી બધી સહજતાથી બધાના ભયને ઓછો કરી નાખ્યો આ વાત કરીને કે અમને એમ થયું કે, ભૂકંપ વખતે આપણી બાજુમાં ભગવાન ઊભા છે અને એણે આપણને શાંત્વના આપવા માટે આ વાતાવરણ સર્જ્યું છે.
અમારા આ ભગવાને આ પૃથ્વી ઉપર થી વિદાય લીધી એ પણ બહુ દિવ્ય રીતે વિદાય લીધી, તે વાત કરીને આપણે ભગવાન શ્રેણી પૂર્ણ કરીશું.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 28, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપર જોવા એ થોડો કંટાળાનો વિષય ગણાય
આપણે ભગવાનને મળી રહ્યા છીએ અને તેના ભગવાનપણાની વાતો કરી રહ્યા છીએ… ભગવાન મારા-તમારા જેવા શિક્ષક હતા એટલે તેઓની કથા અહીં માંડી છે. આ કથા સત્યકથા છે અને તે વાંચીને આપણને થાય કે જીવવું હોય તો અમારા ‘જય ભગવાન’ જેવું !!!
જય ભગવાન વિરલ વ્યક્તિત્વ હતા એ અમને ધણી મોડી ખબર પડી. એમનામાં કોઈ દૈવીવાતો બેઠીહતી, એનો પણ અમને પછી ખ્યાલ આવ્યો.કારણ કે એ ક્યારેય ગંભીર અવસ્થામાં અમારી સામે આવ્યા જ નહોતા. સદા ખુલ્લા મોઢે હરાનારા અને ખડખડાટ હસતા-હસતા પોતાનીટાલ અને દાઢી ઉપર હાથ ફેરવનાર જય ભગવાન અમારી સાથે કયારેય દુ:ખદર્દવાળા જોવા મળ્યા નથી.
અમે બધા શિક્ષકો.શિક્ષકોના ભાઈબંધો પણ શિક્ષકો જ હોય. શિક્ષકો માટે પેપરજોવા એ થોડો કંટાળાનો વિષય હોય. પણ અમને ક્યારેય કંટાળો ન લાગ્યો, એનું કારણ એ કે ભગવાન પેપર જોવાના દિવસોમાં અમારી સાથે ને સાથે હોય. દિવસના સ્કૂલેથી છૂટે અને સાંજ પડે એટલે ભગવાન થેલીમાં પેપર લઈને અમારા ઘરે આવે અને સૌ મિત્રોને ભેગા કરે. અમારું શિક્ષકવૃંદ અમારા મકાનમાં નીચે ડાયરો જમાવે. બધા પોતપોતાના પેપર લઈને આવ્યા હોય પણ વાતોચીતો અને ટોળટપ્પામાં એટલો બધો સમય જાય કે કોઈ પેપર બહાર પણ ન કાઢે !! થોડીથોડીવારે ભગવાન એવું યાદ અપાવે કે, આપણે પેપર જોવાના છે હો… અને એવું કહીને પાછા કહે કે, જરાક ચા પી લઈએ પછી પેપર કાઢીએ. ચા બનાવતા બનાવતા ભગવાનને વિચાર આવે કે, ઈચ્છા હોય તો થોડા ભજીયા બનાવી નાખીએ… એટલે જે બહેનો હોય તેની સાથે ભગવાનપોતે મિક્સ ભજીયા બનાવવામાં લાગી જાય. એ બધું પૂરું થાય અને બધા ભજીયા અને ચા ની ઉજાણી પૂરી કરે એટલે ભગવાન ફરીવાર યાદ આપે કે, આપણે પેપર જોવાના છે હો ! અને અમારા જૂથમાંથી કોઈ વળી સંનિષ્ઠ હોય તો બે-ચાર પેપર જોવા લાગે.
ભગવાન ઓશોપ્રેમી એટલે સુંદર મજાની ઓડીઓ કેસેટ (એ સમયમાં હતી) માં ઓશોનું કોઈ સુંદર વકતવ્ય વગાડે અને કહે આ વાત સાંભળી લઈએ પછી પેપરજોઈએ. !! ઓશોવચન શરૂ થાય કે તરત જ ભગવાન પલાંઠી મારી આંખ બંધ કરીને બેસી જાય !!! ભગવાનની દાઢી એવી કે આપણને બાજુમાં ઓશો ખુદ બેઠા હોય એવું જ ભાસે !! ભગવાને તો આવીને પેપરવાળી થેલી એક ખીંટી ઉપર ટીંગાડી દીધી હોય. એ હજી ખીંટી ઉપરથી નીચે ન આવી હોય. ઓશોનું વકતવ્ય પૂરું થાય એટલે ભગવાન હસતા-હસતા એમ કહે કે, સુંઠ નાખેલો ગરમા ગરમશિરો ખાધો હોય તો મજા આવે અને એની વાતને બધા જ લોકો ટેકો કરે અને ફરી એકવાર એક નાનકડું જૂથ રસોડામાં પહોંચી જાય. સંગીત વાગતું રહે ને એમ કરતા કરતા લગભગ રાતનાં બે કે અઢી વાગે એટલે પછી ભગવાન એવું કહે, હવે અત્યારે પેપર ન જોવાય.વિધાર્થીઓને અન્યાય થાય. ઊંઘમાં ઓછા માર્ક અપાય જાય તો એ સારું ન કહેવાય એટલે પછી અમારો દિવસ આટોપાઈ જાય. બે કે ત્રણ દિવસ આવા જાય પછી ખીંટી ઉપરથી થેલી ઉતારીને ભગવાન પોતાના ઘરે વિદાયથાય.
આ ભગવાન આમ તો ‘મિસ્ટિક’ હતા,અજબનું રહસ્યમય વ્યક્તિત્વ હતા. એ એવું જીવન જીવતા હતા કે આપણને આશ્ચર્ય થાય.ઘરે આવે અને રાત રોકવાના હોય તો એ ડ્રોઈંગરૂમની અંદર નીચે સુઈ જાય. એને ઓશિકાની એ જરૂ નહિ, એને ચટ્ટાઈની જરૂર નહીં. અને નીચે સૂઈને પછી પગ ઉપર પગ ચડાવી દે, જેવી રીતે ભાલકાતીર્થ પાસે ભગવાનશ્રીકૃષ્ણ બેઠા છે એવી અદામાં લંબાવે અને થોડી વારમાં એને ઊંઘ પણ આવીજાય. વહેલી સવારે અમે ઉઠીએ કે ભગવાન સાથે ચા-પાણી પીએ ત્યાં તો રૂમ ખાલી હોય. જરા બહાર જઈને જુઓ તો સાઈકલ પણ ન હોય. ભગવાન પોતાની માયા સંકેલીને ફરી એકવાર પોતાના ઘરે પહોંચી ગયા હોય. બીજી વખત આવે ત્યારે વાત કરીએ કે, ‘ભગવાન, તમે કેમ સવારના પહોરમાં ભાગી ગયા હતા ?’ તો એ તરત જ કહે કે, ભાભીને વહેલા ઉઠીને પાણી ન ભરવું પડે ને ! અમારા સવારના સાડાપાંચ વાગ્યે નળમાં પાણી આવે છે એટલે એ સમયે હું પહોંચી ગયો હોઉં તો ભાભીને થોડો આરામ થઈ શકે !!!
ખબર નથી કે, અમારા ભગવાન લહેરી હતા એટલે પરણ્યા નહોતા કે પછી પરણ્યા નહોતા એટલે લહેરી હતા ??
by Bhadrayu Vachhrajani | Jun 17, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
આપણે ભગવાનની વાત કરતા હતા. એવા ભગવાન કે જે દેહધારી હતા અને જેમની સાથે અમે જીવીને ખુબ આનંદ માણ્યો છે, પ્રવાસ કર્યા છે તેવા ભગવાન. હું તમને એક બે પ્રસંગો કહું એટલે તમને વધુ ઉત્કંઠા થશે.
એ તમારે ઘરે આવે અને ઝાંપો ખોલીને જો સાઈકલ તમારા ઘરની અંદર લે તો તમારે સમજવાનું કે ભગવાન આજે તમારે ત્યાં રાત્રી નિવાસ કરશે. હવે એ ભગવાન ઘરમાં આવે અને તમને પૂછે, ‘ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ છે ?’ તમે કહો કે, ‘ના ના ક્યાંય જવું નથી, બેઠા છીએ !’ સામાન્ય રીતે શનિ રવિમાં જ આમ બનતું હોય કારણ કે બાકીના દિવસોમાં તો સ્કૂલ હોય તો ક્યારેક આવું તો વેકેશનમાં જ બનતું હોય કારણ કે અમે બધા જ માસ્તરો હતા. આપણે કહીએ કે, ક્યાંય જવું નથી એટલે એ બેઠા હોય ત્યાંથી ઊભા થાય અને પોતે જે પેન્ટ પહેર્યું હોય ઢીલું ઢીલું, એ પેન્ટ ડ્રોઈંગ રૂમમાં સૌની સામે ઉતારી નાખે. શરૂ શરૂમાં અમને આશ્ચર્ય થતું પણ એ પેન્ટ ઉતારે એની નીચે એક ઘરમાં પહેરવાનો લેંઘો પહેર્યો હોય, એટલે એ પેન્ટ ઉતારી અને અંદરના રૂમમાં જઈને કોઈપણ બારણે લટકાવે. ખીટી શોધવા જેટલો એ શ્રમ ન લે. અને પછી શર્ટ ઉતારી એ પણ લટકાવે, ત્યાં એણે સદરો પહેર્યો હોય !! એટલે જેવું પાક્કું થયું કે તમારો કોઈ કાર્યક્રમ ભગવાન ડિસ્ટર્બ કરવાના નથી એટલે પછી ભગવાન ઘરેલુ પહેરવેશમાં આવી જાય અને લેંઘા ઉપર સદરો પહેરીને આખો દિવસ તમારી સાથે ગાળે.
એ સોફામાં બેસે, હિંડોળા પર બેસે કે ખુરશીમાં બેસે તો લગભગ ત્રીજી ચોથી મિનિટે એની પલાંઠી લાગી ગઈ હોય. અથવા ટેસથી પગ ઉપર પગ ચડાવી દીધો હોય અને બે હાથને પોતાની ટાલમાં ફેરવતા ફેરવતા એમને માથા પાછળ ટેકવી દીધા હોય. ઊંધી અદબ એણે વાળી લીધી હોય અને પછી લાખ લાખની વાતો, હસી મજાક, હળવી ફૂલ જેવી… પણ એ વાતમાં ક્યારેય ભગવાન કોઈની નબળી વાત ન કરે. એમને ભૂલથી પણ આપણાથી કહેવાય જાય કે, કોઈ ભાઈ આવા છે, તો એ પોતાનો જમણો હાથ ઉંચકાવે, પોતાની ટાલમાં ફેરવે, પોતાના નાક પાસે બરાબર રાખે અને પછી લાંબી દાઢી ઉપર ફેરવી અને પાછો મૂકી દે. આપણને એમ લાગે કે, એણે ભાઈને ઉપરથી લીધા, એને વંદન કરી અને દાઢી ઉપર ફેરવી અને એ વાતને એણે નીચે મૂકી દીધી.
ભગવાનને ક્યારેય કોઈનું વિવેચન કરતા અમે સાંભળ્યા નહીં. અથવા ભગવાનને કોઈની ટીકામાં પોતાનો સુર પૂરાવતા અમે સાંભળ્યા નહીં. હા, ઘણાબધા મિત્રો ભેગા થયા હોય અને કોઈ કોઈનું કશીક કૂથલી કરવાનું કામ પણ ચાલે તો એમાં ભગવાન વાંધો ન લે પણ એ એકબાજુ બેઠા બેઠા ખડખડાટ હસ્યા કરતા હોય. હવે અમને એમ સમજાય છે કે, એ આપણી આ અવસ્થા ઉપર હસી કાઢતા હતા.!!
એક બીજો નાનકડો પ્રસંગ કહું. માનો કે તમારે ઘરે આવ્યા અને એણે સાઈકલ અંદર લીધી એટલે તમારે સમજવાનું કે એ તમારે ઘરે રોકવાના છે. પછી તમારા ડ્રોઈંગરૂમમાં આવીને પહેલો પ્રશ્ન પૂછે : ‘કંઈ પ્રોગ્રામ ? ઘરે જ છો કે બહાર જવાનું છે ?’ એટલે મારા પત્ની રસોડામાંથી કહે કે, ‘આજે અમારે મામાને ત્યાં જમવાનો પ્રોગ્રામ છે’, એટલે જય ભગવાન જવાબ આપે, ‘કેટલા વાગે ?’ તો કહે, ‘સાડા બાર – એક વાગ્યે.’ ‘ઓહો..સાડા બાર – એક ને ! હજી તો ત્રણ કલાક છે.’ અમે એવો આગ્રહ કરીએ કે, કંઈ વાંધો નહીં અમે નહિ જઈએ. તો કહે, ‘ના ના, તમારે તમારો પ્રોગ્રામ ચાલુ રાખવાનો. હું તો નવરો હતો એટલે આંટો મારવા આવ્યો હતો.’ હવે આ જેવી ખબર પડે તો ભગવાન પોતાનું પેન્ટ ઉતારે નહીં, પોતાનું શર્ટ ઉતારે નહીં કારણ કે ભગવાન અમારી સાથે બે ત્રણ કલાક વાતો કરી છાશ કે ચા કે બન્ને પી ને અમારી સાથે જ અંદર ઝાંપામાંથી સાઈકલ બહાર કાઢી સાઈકલના ટેકે ટેકે ચાલતા ચાલતા શેરીના નાકા સુધી આવી પોતાને ઘરે પાછા ચાલ્યા જાય. એમને જરાય એવું ન લાગે કે, આ લોકોને ત્યાં મારે રહેવું હતું ને રહી ન શક્યો અને હા, અમને પણ જરા જેવો ય ભાર ન લાગે કે ભગવાનને આપણે ના પાડી.
આ સહજ વ્યક્તિત્વ એ અમારા જય ભગવાન. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 19, 2024 | Uncategorized, શતરંગ for www.gstv.in |
‘અસ્તિત્વએ સૌને ઘરે ઘરે જઈને જાણે કહી દીધું કે ‘આજે તમે ન જશો, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
પોતાનાં જીવનના પૂર્વકાળમાં સખ્ત પરિશ્રમ કરી સમૃદ્ધ થયેલ એક ઉદ્યોગવીરને ઓશો નામધારી જડીબુટ્ટી જડી અને તેમણે જીવનને આનંદોત્સવમાં પલટી નાખ્યું. જીવનની જહોજલાલી જે પૂર્ણતઃ પામે છે ને માણે છે તે જ ઈચ્છે ત્યારે સહજ થઈ સઘળું છોડી પોતાનો નોખો – અનોખો માર્ગ કંડારી શકે છે ! એ ભરચક્ક જીવન જીવ્યા. સંઘર્ષ કર્યો. કમાયા, વાપર્યું,બચાવ્યું. સ્વ થી લઈને સર્વ સુધી પ્રત્યેકને હળ્યા, મળ્યા, ભળ્યા અને જે જેવા હતા તેવા તેને સ્વીકાર્યા. બસ, આ જ ઓશોમાર્ગ છે. જે પોતે શાંત થતો જાય અને અન્ય સૌને અપાર શાંતિનો માહોલ બક્ષે તે જ તે સાચો ઓશોપ્રેમી છે.
આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટથી વીસેક કિલોમીટર દૂર વાગુદળ ગામ પછી બાલસરનાં પાદરમાં આવેલ ‘ઓશો વાટિકા’ના સ્વામી સંજય ભારતીની… સંજય સ્વામી અને કમુ મા ચહેરા પર સ્મિત અને આંખમાં પ્રેમસભર દંપતી છે, અને તેમના દ્વારા થયેલ સર્જન ‘ઓશો વાટિકા’ પરમ તત્ત્વની સતત હાજરી પુરાવતું પ્રશાંત સ્થાન છે, પણ આપણે એમનાં જીવનની ગઇકાલ કે આજની વાત નથી ક૨વી. આપણે તો વાત કરવી છે, જગતની દ્રષ્ટિએ એક દુર્ઘટનાની પણ સંજય સ્વામીની નજરે તો એ સુખદ પળ હતી કે જ્યારે અસ્તિત્વએ હાજરી પુરાવી હતી !
દુર્ઘટના અને સુખદ પળ ?? હા, આવું બને એક સાથે ? ચર્મચક્ષુથી જુએ તેના માટે તો એક અકસ્માત, કારણ ઓશો વાટિકાનો ધ્યાનખંડ ધરાશાયી થયો, પણ દિવ્યચક્ષુથી નિહાળે તેના માટે દિવ્ય પળ ! કારણ અસ્તિત્વએ એક જ પળમાં દૂર સુદૂરથી આવનાર ઓશોપ્રેમીઓને સંકેત કરીને ગેરહાજર કરી આપ્યા !!
હા, વાત જરા વિગતથી જાણીએ. સ્વામી સંજય ભારતી ભાવવિભોર થઈને એ પળને ફૂલડે વધાવતાં વર્ણવે છે : રોજના નિયત ક્રમ મુજબનાં ધ્યાન અહીં થતાં રહે છે અને અમે સદગુરુને સાથે રાખી ધન્ય થઈએ છીએ. ધ્યાનખંડમાં સો થી દોઢસો સન્યાસીઓ નિજ મૂડમાં નાચે, ગાય ને ધ્યાનસ્થ બને. સવારના છ વાગ્યે ડાયનેમિક મેડિટેશન શરૂ થાય અને રાજકોટથી, મેટોડાથી, સન્યાસીઓ પોણા છ સુધીમાં ગાડી પાર્ક કરી ખંડમાં ગોઠવાય જાય.
સંજય સ્વામી ને કમુ મા આગોતરા પહોંચી જાય ખંડદ્વારે.. તે દિવસે કમુ માની આંખ દુઃખવા આવી સવારમાં ને એમણે સંજય સ્વામીને કહ્યું, હું આજે નહીં આવું. એક ઈનોવામાં છ મિત્રો સાથે આવે, એમાંના ગાડી માલિકના પત્નીએ રાત્રે પતિદેવના એલાર્મને બંધ કરી દીધો ! એક દંપતિ નિયમિત આવે. પતિ ટૂરમાં હોય તો પણ પત્ની આવે જ, એ પ્રભાતે એમને આળસ આવ્યું ! ત્રણ મિત્રોને પરિવારના ઈમરજન્સી કામ માટે વહેલી સવારે બહારગામ જવાનું થયું ! આમ પચ્ચીસથી ત્રીસ નિયમિત સન્યાસીમાંથી કોઈ ન ફરકયું !
‘હશે, જેવી ગુરુની ઈચ્છા.’ એમ મન વાળી સંજય સ્વામી હવે ધ્યાનખંડમાં પ્રવેશ્યા. રોજ તો એ મધ્યમાં બેસે, પણ આજે પ્રવેશદ્વાર પાસે રહેલ મ્યુઝિક સિસ્ટમની નજીક બેઠા અને ધ્યાનમગ્ન થયા. નિયત દોર પૂરો થયો ને એકાદ કલાક પછી આંખો ખોલીને ઊભા થવા જાય ત્યાં જ મોટો ધડાકો થયો અને સંજય સ્વામી નજીકના દ્વારથી બહાર કૂદ્યાને ધ્યાનખંડ ધબાય નમઃ !! આગળની આખી રાત વરસાદ પડયો હતો, ખંડમાં પીઓપી સજાવટ હતી તેમાં કદાચ પાણી લીક થયું હોય,,,, જે થયું તે પણ એક માત્ર સંજય સ્વામીની ઉપસ્થિતિ અને એક જ પળમાં અસ્તિત્વએ હાજરી પુરાવી પણ એ જ અસ્તિત્વએ અનેકને સંકેત આપી કહી દીધેલું કે, ‘જ્યાં છો ત્યાં રહો.’ સંજય સ્વામી તો પરમની હાજરી માણતા હસવા લાગ્યા, કમુ મા પણ બહાર દોડી આવ્યા, વાટિકામાં રહેતા કાર્યકરો પણ આવી ગયા ! સૌને આનંદ અને આશ્ચર્ય બંને હતા કે આજે કોઈ સન્યાસી ન હતા !! ધ્યાનખંડે ભૂમિ પર આળોટવાનું નક્કી કર્યું. આ બધા તો ઓશોપ્રેમી એટલે આ ઘટના માટે ‘ઉત્સવ’ ઉજવાયો અને એ વખતે નિયમિત ડાયનેમિક એટેન્ડ કરનાર સૌ પોતે તે જ સવારે કેમ ન આવી શક્યા તે વર્ણવતા હતા, સૌ નાચ્યા, ગળે મળ્યા, ખુબ હસ્યા ને અશ્રુથી પરમને અભિષેક કર્યો !!
વો ચાહે સો હોઈ !! એમ આપણે બોલીએ છીએ પણ આ ઓશોપ્રેમીઓએ અનુભવ્યું. રોજની જેમ પચ્ચીસ-ત્રીસ પ્રેમીઓ આવ્યા હોત અને ધ્યાનખંડમાં જ બેઠા હોત તો ??…. આ ‘તો’ નો જવાબ અસ્તિત્વએ ઝીલી લીધો અને સૌને-બધાને ઘરે ઘરે જઈને જાણે કહી દીધું કે ‘આજે જશો નહીં, કારણ મારે ધ્યાન ધરવાનું છે !!’
by Santulan | Dec 21, 2023 | Uncategorized |
by Santulan | Apr 1, 2023 | Uncategorized |
by Santulan | Aug 14, 2022 | Uncategorized, પ્રશ્ન વિશેષ - દિવ્ય ભાસ્કર |
ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા, તેનો મને ખ્યાલ જ નથી !!’
ભદ્રાયુ વછરાજાની bhadrayu2@gmail.com
આપણે એ જાણ્યું કે જે ઈનપુટ સગર્ભાવસ્થા દરમ્યાન અપાશે તે જ ઈનપુટ જન્મ લેનાર બાળક માટે પ્રિ ડેટા બની રહેશે. અવતરનારું બાળક આપણે મોકલેલા ઈનપુટ અને નવ માસના ગર્ભકાળ દરમ્યાનના ભાવાવરણનો પાસ્ટ ડેટા લઈને જ આવશે. આપણે એ સમયને જ પૂર્વજન્મ ગણીએ તો ય ચાલે. એ સમયગાળામાં Maximum positive inputs to yourself will go to the child and will develop the mind accordingly. આથી એક ફાયદો થશે કે તમે આ નવ મહિના જે પોઝિટિવિટી તમારામાં ઉમેરતા રહ્યા તેનો અને બાળક જન્મ્યું ત્યારે જે તમારો આનંદ છે એ બંનેનો સરવાળો થશે, કે જે બાળકના ઉછેરમાં તમને બહુ આનંદથી જોડશે.
વિચારોની કેળવણી માટે બહુ જ મહત્વનો મુદ્દો તે તમે કેટલા વિસ્તારો છો !..તમે કેટલા ખુલો છો ? તમે કેટલા વિસ્તરો છો, તમારો વિસ્તાર કેટલો વધે છે. વિસ્તાર એટલે કોઈને મળવાનો, કોઈને સાંભળવાનો, કોઈની સાથે સંવાદ કરવાનો, કોઈને એકાગ્રતાથી જોયા કરવાનો, નદી પાસે બેસીને ખળખળ વહેતી નદીને જોયા કરવાનો, પર્વત સામે આશ્ચર્યથી જોયા કરવાનો, પક્ષીઓના કલરવને બહુ વિસ્મયથી સાંભળવાનો અને વિચારવાનો કે ‘કોણ છે આ બધું કરનાર?’ ગઈકાલે જ મને કોઈએ કહ્યું કે ‘આ લીલી પાંખવાળું કબૂતર છે’, તો મારા માટે એ વિસ્મયનો વિષય બને છે, કારણ મેં કોઈ દિવસ નથી જોયું!! વિસ્મય છે, એ મારા માટે. એવે ટાણે મને થાય કે હવે આ શું પક્ષીની વાત કરે છે, હવે મૂકને પક્ષી, ભાઈ ? than i will not gain … I will not gain that it will not go inside. આપણા ઘરમાં બહારથી કોઈને કોઈ આવતું રહે છે. વિક્રમ સારાભાઈએ કહ્યું હતું કે, ‘મારા ઘરમાં એટલા બધા સ્ટાલવર્ટ લોકો આવ્યા કરતા હતા પિતાશ્રીની પાસે કે હું તો એની સામું ફરી ફરીને જોયા જ કરતો. અને મારી મા મને પરિચય કરાવતી કે આ સાયન્ટિસ્ટ છે, આ લીડર છે.’ વિક્રમ સારાભાઈને ઘરે જ બેસાડીને ભણાવવામાં આવ્યા હતા, એ સ્કૂલે નહોતા ગયા. એના લીધે એક બાળક તરીકે એમ તો થાય જ કે હું આના જેવો થાઉં. હવે ‘એના જેવો થઉં’ એવો વિચાર આવે કે તરત જ તમે એના લક્ષણ સામે જોશો. કોઈ વ્યક્તિ આપણને ગમી જાય એટલે આપણે આપણા માથાની સ્ટાઇલ એમના જેવી કરી નાખીએ કે માથામાં વેણી એમની જેમ લગાવીએ છીએ..‘કેમ એના જેવું થવું?’ આ ‘એના જેવું થવું’ એ સંકલ્પના અંદર ગઈ કે તરત જ It will add value to yourself.
કુલચંદ્ર યાજ્ઞિકસાહેબ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પહેલા કુલપતિ હતા. વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ યાજ્ઞિકસાહેબ નડિયાદમાં છે. તમે જે ગુજરાતી સામાયિક ખોલો એમાં પહેલા કુલીનચંદ્ર યાજ્ઞિક સુભાષિતો સમજાવતા હાજર હશે. મેં એને પૂછ્યું કે, સાહેબ આટલા બધા શ્લોક તમને કેવી રીતે આવડે ? તમને કોણે શીખવ્યા ? તો સરસ જવાબ આપ્યો કે, ‘અમારા ઘરનું વાતાવરણ જ એવું હતું, મારા દાદા સવારના ઉઠે ત્યારથી એ કશુંક ગણગણ્યા કરતા.’ હવે જુઓ, કેટલી અસર થાય છે. દાદા એટલે ત્રીજી પેઢી થઇ કુલીનચંદ્ર યાજ્ઞિકની. ‘પછી મારા માતા અને પિતા પણ એકદમ ધાર્મિક હતા, બીજું કઈ નહીં પણ દીવો કરે, અગરબત્તી કરે એટલે અમે સુતા હોઈએ અને અમને ઉઠાડે ત્યાં અગરબત્તીની સુગંધ આવતી હોય. એટલે ઉઠીએ ત્યાં બધું આહલાદક હોય. કોઈ જાતની ચિંતા ન હોય. આપણને એમ થાય કે, વાહ સરસ સુગંધ આવી.. પછી બીજું કઈ ન કરે પણ એ પૂજાપાઠ કરતા હોય અને અમે તૈયાર થતા હોઈએ. એ દરમિયાન એ મૉટે થી શ્લોક બોલતા હોય. રાત્રે અમે જમી લઈએ પછી અમે ભાઈ અને બહેન હીંચકા ઉપર બેઠા હોઈએ. મારા પિતાશ્રી ઘરમાં જમ્યા પછીનું ચાલતા હોય અને મા રસોડામાં બધું સમેટતી હોય. મારા પિતાશ્રી બહારથી શ્લોકની એક પંક્તિ બોલે એટલે એની પછીની પંક્તિ મારા માતુશ્રી બોલે. અને પછીની પંક્તિ અમારે બે જણાએ બોલવાની. એમાં અમને ન આવડે તો માતુશ્રી અને પિતાશ્રી બંને બાજુમાં આવી જાય અને બોલાવડાવે અને કહે હવે બીજી વાર બોલો, ત્રીજી વાર બોલો, અને પાછા જતા રહે. પછી બીજો શ્લોક બોલે. ખરું કહું, નાનપણમાં મને ખબર નથી કે આ ચાર પાંચ હજાર શ્લોક મારામાં કેમ ઉમેરાઈ ગયા છે ?’
by Santulan | Jun 1, 2022 | Uncategorized |
આપણે ત્યાં દિવાળી વખતે અનેક વિશેષાંકો બહાર પડે છે. અખબારો દ્વારા પડે તો ગુજરાત રાજ્ય દ્વારા પણ પડે. પણ કોઈ સંસ્થા દ્વારા ચાર ચાર વિશેષાંકો અમૃત મહોત્સવની ઉજવણી તરીકે બહાર પડયા હોય તે જવલ્લે જ જોવા મળે તેવો દાખલો છે.
કોઈ સામાયિકને ૭૫ વર્ષ થાય અને તેની ઉજવણી થાય એ એક વિરલ ઘટના છે એટલા માટે કે આજના સમયમાં માસિક, સામાયિક કે વર્તમાનપત્ર પણ ચલાવવા એ બહુ કસોટીનો વિષય બન્યો છે. ત્યારે ૬૮ વર્ષથી કાર્યરત લોકભારતી સણોસરા અને તેની સમૂહ સંસ્થા દ્વારા પ્રકાશિત થતા ‘કોડિયું’ નામના સામાયિકને ૭૫ વર્ષ થયા અને તેનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો. વિશેષ પરિચયની જરૂર નથી કારણકે ગુજરાતમાં અને ભારતમાં બુનિયાદી શિક્ષણની સ્પષ્ટ સંકલ્પના આપનાર નાનાભાઈ ભટ્ટ, તેમની સાથે જોડાનાર મનુભાઈ પંચોલી ‘દર્શક’, મૂળશંકર મો. ભટ્ટ તથા ન. પ્ર. બુચદાદા,, આ ચાર મિત્રો દ્વારા જે ત્રણ સંસ્થાઓ કાર્યરત થઈ તે આજે પણ અનેક મુશ્કેલીઓની વચ્ચે સરકારના પ્રતિકૂળ નિર્ણયો છતાં પોતાનું પોત પોતાની રીતે જાળવી રહી છે. એમના દ્વારા પ્રકાશિત ‘કોડિયું’નો અમૃત મહોત્સવ ઉજવવામાં આવ્યો અને એ અમૃત મહોત્સવ યાદગાર રહી શકે એટલા માટે ‘કોડિયું’ સામાયિકના ચાર વિશેષાંકો બહાર પાડવામાં આવ્યા. આ ચાર વિશેષાંકો હકીકતમાં ચાર ધ્યેમંત્રોને સમાવીને બહાર પાડવામાં આવ્યા અને જુદા જુદા સંપાદકોને એમનું સંપાદન સોંપવામાં આવ્યું. પણ આપણે વાત કરવી છે લોકાભિમુખ નાઈ તાલીમની કેળવણી દ્વારા સંતુલિત વિકાસ સાધવા પ્રયત્નશીલ સંસ્થાના સામાયિક તરીકે ‘કોડિયું’ દ્વારા બહાર પડેલા ‘સૌંદર્ય વિશેષાંક’ની. આ સૌંદર્ય વિશેષાંકના સંપાદક છે શિક્ષણજગતમાં જેને તલસ્પર્શી ઊંડાણવાળો અભ્યાસ કરનાર વ્યક્તિત્વ અને અનેક વિદ્યાર્થીઓને સમાજની અંદર વાંચતા, વિચારતા અને ચિંતન કરતા કરી મુકનાર વલ્લભ વિદ્યાનગરના પ્રાધ્યાપક શ્રી મહેન્દ્ર ચોટલીયા.
તંત્રી સ્થાનેથી અરુણભાઈ દવે એક સુંદર વાત આ સૌંદર્ય વિશેષાંકમાં કરે છે કે, આ સૌંદર્ય વિષય સુઝ્યો ક્યાંથી ? આ સૌંદર્ય વિષય સૂઝવા પાછળ એક નાનકડી ઘટના તેઓ દર્શાવે છે. દર્શકદાદા અને અરુણભાઈ ઈંગ્લેન્ડમાં શેક્સપિયરનું ગામ જોવા ગયા. ત્યાં ફરતા ફરતા જોયું તો દર ૧૦૦ મીટરે એક ગાર્ડન, સુંદર મજાનો બગીચો, એમણે ત્યાંના સ્થાનિક લોકોને પૂછ્યું કે આટલા બધા ગાર્ડન કેમ છે અહીં, ભાઈ ? તો જવાબ બહુ સુંદર મળ્યો, ‘ભાઈ, શેક્સપિયરનું ગામ છે. લાગવું તો જોઈને !’ એ જવાબ આ દાદા અને દાદા માનસ પુત્રના મનમાં વસી ગયો ! ત્યારથી અરુણભાઈએ સંકલ્પ કરેલો કે, આપણે લોક્ભારતીને એવી સુંદર બનાવવી કે કોઈ આવીને પૂછે કે, તમારી સંસ્થા આટલી બધી રૂપાળી કેમ છે ? તો આપણે કહી શકીએ કે, ‘ભાઈ, આ નાનાભાઈ અને મનુભાઈની સંસ્થા છે, લાગવી તો જોઈએ ને !’
સંપાદક પ્રાધ્યાપક ડૉ. મહેન્દ્ર ચોટલીયાએ આ અંકમા લેખોને પાંચ વિભાગોમાં ગોઠવ્યા છે. ૧) સૌંદર્ય પ્રવેશ, જેમાં સૌંદર્ય શું છે તેનો પરિચય અને ઓળખ છે ૨) સાહિત્ય અને કળામાં સૌંદર્ય એટલે કે આ ક્ષેત્રમાં સૌંદર્યને કઈ રીતે પ્રગટાવવામાં આવે છે તેની ઉદાહરણ સહિત સમજ છે. ૩) જ્ઞાન ક્ષેત્રના વિષયોમાં સૌંદર્ય શામાં અને કેવી રીતે પ્રગટે છે તેની રજુઆત છે. ૪) સૌંદર્ય મીમાંસા વિભાગ કે જેમાં સૌંદર્યની વિભાવનાની તત્વચર્ચાઓ અને ચિંતકોના દ્રષ્ટિબિંદુઓનો સમાવેશ છે અને ૫) સૌંદર્યની કેળવણી માટેના વિભાગમાં બાળકો અને મોટેરાંઓમાં સૌંદર્યદ્રષ્ટિ કઈ રીતે કેળવી શકાય તેનું માર્ગદર્શન રજૂ કરવામાં આવ્યું છે.
કવિવર ટાગોરની વાત ગમી જાય એવી છે, “મનુષ્યને જો પૂર્ણ કરવો હોય તો સૌંદરચર્ચાને ઉડાવી દીધે ન ચાલે. રસગ્રહણના અધિકારી થતા પહેલાં કઠણ ખેતી જરૂરી છે. રસના માર્ગમાં ભોળવનારી ઘણી આડખીલી નડે છે. એ બધી અડચણોને દૂર કરીને જે પૂર્ણ થવા માંગે છે, તેને માટે નિયમ સંયમ ઘણા જરૂરી છે. રસને માટે આ નિરસતા સ્વીકારવી પડે છે.”
ટાગોર એક સુંદર વાત ઉમેરે છે, “વાઘ અને ગાય એક સાથે પાણી પી શકે પણ તે ક્યારે પીવે, જયારે વાઘ પણ પૂર્ણ થયો હોય અને ગાય પણ પૂર્ણ થઈ હોય ત્યારે. આ રીતે જે વ્યક્તિ સ્થિર ભાવે મોટાની સાથે નાનાને, સમગ્રની સાથે પ્રત્યેકને મેળવીને જોવાનું ન જાણે ત્યાં સુધી તે ઉત્તેજનાને જ આનંદ અને વિકૃતિને જ સૌંદર્ય માનવાના ભ્રમમાં પડે છે. સૌંદર્યબોધનો પૂર્ણભાવે અનુભવ મેળવવા અંતે ચિત્તની શાંતિ જોઈએ. તેમાં અસંયમને ક્યાંય સ્થાન નથી. ફૂલના સૌંદર્ય કરતા મનુષ્યનું મુખ આપણને વધારે આકર્ષે છે, કારણકે મનુષ્યના મુખમાં કેવળ આકૃતિનું લાવણ્ય નથી, પરંતુ એમાં ચેતનાની દીપ્તિ, બુદ્ધિની સ્ફૂર્તિ અને હૃદયનું લાવણ્ય છે; તે આપણા ચૈતન્યને, બુદ્ધિને અને હૃદયને અધિકૃત કરે છે. તે આપણી પાસેથી જલ્દી પૂરું થવા માગતું નથી.
જયારે સૌંદર્ય વ્યક્તિગત સ્વાર્થ દ્વારા બદ્ધ, ઈર્ષા દ્વારા વિદ્ધ કે ભોગ દ્વારા જીર્ણ થશે નહીં ત્યારે તે શાંતિમાં અને મંગળમાં નિર્મળભાવે સ્ફૂર્તિ પામશે. જ્યાં સુધી સૌંદર્યને આપણે આપણી વાસનાની કેદથી મુક્ત રીતે ન જોઈ શકીએ ત્યાં સુધી તેને પૂર્ણ જોયું ન ગણી શકાય. આપણી અશિક્ષિત, અસંયત, અસંપૂર્ણ દ્રષ્ટિથી જે કાંઈ જોઈએ છીએ તેમાં આપણને તૃપ્તિ મળતી નથી.
જ્યાં આપણે આરંભની સાથે અંતનું, પ્રધાનની સાથે ગૌણનું, એક અંશની સાથે બીજા અંશનું ગૂઢ઼તર સામંજસ્ય જોઈને આનંદ મેળવીએ છીએ ત્યાં આપણે દ્રષ્ટિભ્રમ ઉતપન્ન કરે તેવા સૌંદર્યના ગુલામીખતને માન આપતા નથી. જ્યાં ધૈર્ય, વીર્ય, ક્ષમા, પ્રેમ વગેરે પ્રકાશ પાડે છે ત્યાં રંગરોગાનના આડંબરની જરૂરિયાત આપણે બિલકુલ જોતા નથી. કુમારસંભવમાં મહાદેવે જયારે છુપા વેશે જઈને તાપસી ઉમાની પાસે શંકરના રૂપ, ગુણ, વય, વૈભવ વગેરેની નિંદા કરી ત્યારે ઉમાએ જણાવ્યું ममात्र भावेकरसम मनः स्थितं (તેમના તરફ મારું મન માત્ર ભાવનારસમાં તરબોળ છે) ભાવરસમાં અસુંદરનો કઠોર વિચ્છેદ ચાલ્યો જાય છે.”
ટાગોર સમાપનમાં સુંદર વાત કહે છે કે, ‘જ્ઞાન દ્વારા સમગ્ર જગતમાં વ્યાપ્ત કરવું, કર્મ દ્વારા સમસ્ત જગતમાં પોતાની શક્તિને વ્યાપ્ત કરવી અને સૌંદર્યબોધ દ્વારા સમસ્ત જગતમાં આપણા આનંદને વ્યાપ્ત કરવો એ જ મનુષ્યત્વનું લક્ષણ છે. એટલે કે જગતને જ્ઞાનરૂપે, શક્તિરૂપે અને આનંદરૂપે ઉપલબ્ધ કરવું એનું નામ જ મનુષ્ય થવું કહેવાય.’
જીવન આનંદના ત્રણ સ્ત્રોત છે. ૧) નિષ્કામ કર્મ ૨) અધ્યાત્મ અને ૩) કળા. આપણે જીવનમાં જે પણ કરતા હોઈએ એમાં જો સૌંદર્ય દ્રષ્ટિ કેળવાય તો કંટાળો જન્મતો જ નથી.અને ચારે બાજુ માત્ર સારપની જ ખેતી થવા લાગે છે.