by Bhadrayu Vachhrajani | Sep 27, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

માનવજીવનની એક સંપૂર્ણ યાત્રા ભર્તૃહરિ રચિત ત્રિ શતકો કરાવે છે.
આપણે વાત કરી રહ્યા છીએ રાજા ભર્તૃહરિની.. સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિ તરીકે તેઓ જાણીતા છે. તેમના નામે પ્રચલિત ત્રણ “શતક”ને સામૂહિક રીતે ‘શતકત્રય’ કહેવામાં આવે છે. દરેક શતકમાં પરંપરાગત રીતે આશરે ૧૦૦ શ્લોકો છે. આ શતકોમાં જીવનના ત્રણ જુદા પાસાં અંગે માર્ગદર્શક વાતો કહેવામાં આવી છે.
“નીતિશતક”માં જીવનવ્યવહાર અને સદાચાર, તો “શૃંગારશતક”માં પ્રેમ અને સૌંદર્ય અને “વૈરાગ્યશતક”માં ત્યાગ અને આત્મચિંતનનું જ્ઞાન સમાયેલું છે. આવો, આપણે એક પછી એક ત્રણેય શતક અંગે વિગતોથી જ્ઞાત થઈએ: .
નીતિશતકમાં મુખ્ય વિષય છે: નીતિ, સદાચાર, વિદ્યા, પુરુષાર્થ અને માનવીય ગુણો છે.
સજ્જન અને દુર્જનનો સ્વભાવ, મૂર્ખતા-વિદ્વત્તા, ધન, દાન, સ્વાભિમાન, મિત્રતા વગેરેનું ચિંતન અહીં ઉત્કૃષ્ટ શૈલીમાં મળે છે. શ્રી ભર્તૃહરિ વિદ્યાને મનુષ્યનું સાચું અને ગુપ્ત ધન ગણાવે છે. માત્ર સંપત્તિ કરતાં ચારિત્ર્ય, જ્ઞાન અને સજ્જનતાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જીવનમાં કેવી રીતે વર્તવું અને કયા ગુણો કેળવવા તેની વ્યવહારુ સમજ આપે છે.
નીતિશતકનો પ્રસિદ્ધ ભાવ: “विद्या नाम नरस्य रूपमधिकम्…” — વિદ્યા મનુષ્યનું વિશિષ્ટ સૌંદર્ય અને ગુપ્ત ધન છે.
શૃંગારશતકનો મુખ્ય વિષય પ્રેમ, યૌવન, સૌંદર્ય અને સ્ત્રી-પુરુષ આકર્ષણ છે.
પ્રેમમાં મિલન, વિરહ, કામના, મોહ અને માનવીય લાગણીઓનું કાવ્યાત્મક નિરૂપણ છે તો યૌવન અને સૌંદર્યની મોહકતા સાથે તેની ક્ષણભંગુરતા પણ દર્શાવવામાં આવી છે. અહીં એ સ્પષ્ટ કહેવાયું છે કે, પ્રેમનો આનંદ છે, પરંતુ તેની સાથે આસક્તિ, ચંચળતા અને દુઃખ પણ જોડાયેલાં છે.
કેટલાક શ્લોકોમાં શૃંગારની મસ્તી છે, તો કેટલાકમાં તેમાંથી જન્મતી વૈરાગ્યની ઝાંખી પણ દેખાય છે. તેથી શૃંગારશતક માત્ર પ્રેમકાવ્ય નથી; તે માનવમન અને ઈન્દ્રિયોના આકર્ષણનું નિરીક્ષણ પણ છે.
વૈરાગ્યશતક નો મુખ્ય વિષય છે : ત્યાગ અને આત્મચિંતન જેમાં સંસારની અનિત્યતા, તૃષ્ણાનો ત્યાગ અને આધ્યાત્મિક શાંતિનો સમાવેશ થાય છે. આજે આપણને જેને ભરડો લીધો છે તે ધન, સત્તા, યૌવન, ભોગ અને પ્રતિષ્ઠા કાયમી નથી, એવો આ વિચાર વારંવાર આવે છે.
અહીં મનુષ્ય ભોગોને ભોગવે છે એવું લાગે છે, પરંતુ અંતે ભોગો જ મનુષ્યને ક્ષીણ કરે છે એવો ઊંડો સંદેશ છે.
આ શતકનો બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે :
“भोगा न भुक्ता वयमेव भुक्ताः तपो न तप्तं वयमेव तप्ताः।
कालो न यातो वयमेव याताः तृष्णा न जीर्णा वयमेव जीर्णाः॥”
તેનો ભાવાર્થ આપણને સત્યનું ભાન કરાવે છે : ભોગોને આપણે ભોગવ્યા નથી, આપણે જ ભોગવાઈ ગયા; સમય પસાર થયો નથી, આપણે જ પસાર થઈ ગયા; તૃષ્ણા વૃદ્ધ થઈ નથી, આપણે જ વૃદ્ધ થઈ ગયા.
વૈરાગ્ય, આત્મજ્ઞાન અને આંતરિક શાંતિ…વૈરાગ્ય શતક નો અંતિમ સંદેશ છે.
ટૂંકમાં, ભર્તૃહરિ રચિત આ શતકત્રયનો જીવનક્રમ આવો બાંધી શકાય :
નીતિશતક → કેવી રીતે જીવવું ? તે કહે છે,
શૃંગારશતક → માનવી શું ઇચ્છે અને અનુભવે છે ? તેનો સાર કહે છે,
વૈરાગ્યશતક → અંતે શું છોડવું અને શું શોધવું ? તેનો દિશાનિર્દેશ કરે છે.
આ ત્રણેયને સાથે વાંચીએ તો ભર્તૃહરિનું કાવ્ય જાણે કહે છે કે, વ્યવહાર → ભોગ/પ્રેમ → વૈરાગ્ય એમ માનવજીવનની એક સંપૂર્ણ છે.
આપણે પ્રત્યેક શતકમાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો અને તેનો ભાવાર્થ જાણવાનો પ્રયત્ન કરીશું. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 19, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

રાજા ભર્તૃહરિના પગ નીચેથી ધરતી સરકતી હોય એવું લાગ્યું. તેની આંખો મીંચાઈ ગઈ, પણ આંતરચક્ષુ ખૂલી ગયાં.
આપણે ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ એવા ત્રણ શતકોના રચયિતા રાજા ભર્તૃહરિના જીવન અને તેમના પ્રદાન વિશે વિગતે વાત કરી રહ્યા છીએ.
બહુ ખ્યાલ છે એ પ્રમાણે, રાજા ભર્તૃહરિનાં પત્ની અને રાણીનું નામ પિંગળા. રાજાને એવો વહેમ કે રાણી મને પ્રેમ કરે છે, પણ પિંગળાને રાજાના અશ્વપાલ સાથે પ્રેમ. રાણીને એમ કે અશ્વપાલ મને પ્રેમ કરે છે, પણ અશ્વપાલને તો વળી નર્તકી સાથે પ્રેમ અને નર્તકીને એમ લાગે કે આ મારી સાથે પ્રેમ કરે છે, પણ નર્તકી ખુદને રાજા ભર્તૃહરિ સાથે પ્રેમ.
આ પ્રેમનું એક આખું ચક્ર પૂરું થતું આપણે જોયું છે.
આપણને ખ્યાલ છે કે રાજાને જ્યારે ખબર પડી કે મને મળેલું અમરફળ પિંગળાને મેં આપ્યું, પિંગળાએ અશ્વપાલને આપ્યું, અશ્વપાલે નર્તકીને આપ્યું અને નર્તકી ફરીવાર રાજા ભર્તૃહરિ સામે તાસકમાં એ ફળ મૂકીને હાજર થઈ, ત્યારે તેમને બરાબર ધક્કો પહોંચ્યો.
રાજતેજની સામે નર્તકી, અશ્વપાલ અને પિંગળાનું અસત્ય ટકી શક્યું નહીં. સત્યનો એકરાર કરવો પડ્યો.
પિંગળાએ કહ્યું કે, તે અશ્વપાલને પ્રેમ કરે છે અને બેવફા છે. આ બધું જોયા અને સાંભળ્યાથી રાજા વિચલિત થયા. કોઈપણ સામાન્ય વ્યક્તિના પગ નીચેથી પણ ધરતી ખસી જાય, તો આ તો રાજા હતા. રાજાના પગ નીચેથી ધરતી સરકતી હોય એવું લાગ્યું. તેની આંખો મીંચાઈ ગઈ, પણ આંતરચક્ષુ ખૂલી ગયાં.
પરિણામે સંસારના તમામ ભોગને તેઓ તુચ્છ માનવા લાગ્યા અને આ તુચ્છતાને કારણે કેટલાક ઉત્તમ સાહિત્યનું સર્જન થયું.
એક દંતકથા એવી પણ છે કે, ભર્તૃહરિ શિકાર કરવા ગયા ત્યારે એને થયું કે, ચાલો, રાણી સાથેના પ્રેમસંબંધની કસોટી કરું. એટલે એમણે ત્યાંથી દૂતને મોકલ્યા ને કહેવરાવ્યું કે, “રાજા આજે શિકાર કરતા હતા, એ દરમિયાન હિંસક પશુએ તેમને ફાડી ખાધા છે.”
ભર્તૃહરિને એમ હતું કે, જો ખરેખર મને પ્રેમ કરતી હશે, તો એના પ્રાણ ટકશે નહીં; પણ ચકાસી તો જોઈએ કે, ખરેખર શું છે?
જેવા આ સમાચાર અંતઃપુરમાં રાણીએ સાંભળ્યા કે, પળનાય વિલંબ વિના પ્રિયતમાના પ્રાણે પ્રયાણ કરી દીધું. અઘટિત ઘટના બની ગઈ. રાજાએ આવી કલ્પના પણ કરી ન હતી, એટલે પાગલ જેવો બની ગયો અને વનમાં ભટકવા લાગ્યો.
એ શોકસંતપ્ત વિરહી જીવનને ક્યાંય નિરાંત નહોતી. વળી એવી રાણીના મૃત્યુ માટે પોતે જવાબદાર છે એવા અપરાધભાવથી તે અથડવા-પછડવા લાગ્યો.
કહેવાય છે કે, એ વખતે નાથ સંપ્રદાયના પ્રખર યોગી ગુરુ ગોરખનાથનાં તેને દર્શન થયાં. પોતાની યોગશક્તિથી તેમણે રાજાનો શોક દૂર કર્યો.
આપણને ખ્યાલ છે કે આવી જ વાત ‘ગીતગોવિંદ’નું સર્જન કરનાર જયદેવના જીવન સાથે પણ જોડાયેલી છે.
પ્રેમી પાત્રો વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ, એનું એક રસિક મુક્તક ભર્તૃહરિએ ‘શૃંગારશતક’માં આપ્યો છે. તે અત્યારે આપણે જોઈએ—
“કિં ગતેન યદિ સા ન જીવતિ, પ્રાણિતિ પ્રિયતમા તથાપિ કિમ્?
ઇત્યુદીક્ષ્ય નવમેઘમાલિકાં ન પ્રયાતિ પથિકઃ સ્વમંદિરમ્.”
લાંબા પ્રવાસે ગયેલો પ્રિયતમ વિચારે છે, જો પ્રિયતમા જીવતી ન હોય તો ઘરે જવાથી શું? અને જો જીવતી હોય તો પણ ઘેર જવાથી શું? કારણ કે જો પ્રિયનો વિયોગ થાય અને તો પણ પ્રિયાનું જીવન ટકે, તો એવા પ્રેમશૂન્ય જીવન માટે શું કામ જવું?
આમ વિચારી, આકાશમાં છવાયેલી મેઘમાળા જોવા છતાં પથિક સ્વગૃહે જવાનું માંડી વાળે છે.
પ્રેમ આટલો અમર છે અને પ્રેમની આટલી બધી ઊંડી અસર ખરેખર છે, એ અહીં સ્પષ્ટ થાય છે. સંસ્કૃત સાહિત્યના કેટલાય પ્રાચીન કવિઓ ક્યારે થયા, એ અંગે બહુ મતભેદ છે, કારણ કે આત્મપ્રશંસાના ડરથી કવિઓ પોતાની કૃતિઓમાં પોતાના વિશેનો ઉલ્લેખ કરવાનું ટાળતા આવ્યા છે.
ભર્તૃહરિ નામના ત્રણ જાણીતા કવિઓ સંસ્કૃત સાહિત્યમાં છે, એવું આપણે જાણ્યું છે. તેમાં ત્રણ શતકોના સર્જક ભર્તૃહરિ કોણ? એ જ્યાં સુધી આધાર સાથે નિર્ણય ન થાય, ત્યાં સુધી તેનો કાળનિર્ણય થઈ શકતો નથી.
અહીંયા બહુ રસિક ઘટના બને છે. ચીનના યાત્રાળુ ઇત્સિંગની નોંધ છે અને એણે કહ્યું છે કે તેની નોંધ પૂર્વે 40 વર્ષે ભર્તૃહરિનું અવસાન થયું હતું. હવે ઇત્સિંગની નોંધનો સમય કયો છે? ઈસવીસન 691નો. તો ભર્તૃહરિનો સમય ઈસવીસન 651નો ગણાય.
આ ભર્તૃહરિ સંસ્કૃતના પ્રસિદ્ધ ગ્રંથ ‘વાક્યપદીય’ના લેખક હતા. જો આ ભર્તૃહરિ ત્રણેય શતકોના કર્તા ભર્તૃહરિથી અભિન્ન હોય, તો જ આ સમય તેમને લાગુ પાડી શકાય, એવું આપણે સ્વીકારીએ.
આપણે વધુ અભિપ્રાયો કે વિવાદમાં જવાને બદલે ભર્તૃહરિની કૃતિઓ ઉપર ઝડપથી જવું છે, કારણ કે એનું વિહંગાવલોકન આપણે કરવા માંગીએ છીએ.
ભર્તૃહરિએ રચેલી ત્રણ કૃતિઓ—‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’—ખૂબ પ્રસિદ્ધ છે. અનેક સંતો-મહંતો પોતાના આધ્યાત્મિક પ્રવચનોમાં બહુ સુંદર રીતે આ ત્રણ શતકનો ઉલ્લેખ કરે છે.
ગુજરાતી ભાષામાં એવું લોકગીત પણ પ્રચલિત છે કે, જે રાજા ભર્તૃહરિને બચાવવા માટે નીકળેલી રાણીની લોકવાયકા આપણી સામે રજૂ કરે છે.
કેટલાક વિદ્વાનો એવું માને છે કે ‘નીતિશતક’ પહેલાં રચાયું હશે, પછી ‘શૃંગારશતક’ અને અંતે ‘વૈરાગ્યશતક’ની રચના થઈ હશે. આમાં પણ મતભેદ છે. કેટલાક લોકો એવું પણ વિચારે છે કે આનો કાળક્રમ જુદો હશે. પરંતુ આપણે જો થોડા ઊંડાણથી વિચારીએ, તો ‘શૃંગારશતક’ને જ પ્રારંભિક કૃતિ માનવાનું થોડું કારણ થાય છે, કારણ કે શૃંગાર જ પ્રથમ અવસ્થા છે. એ યૌવનનો રસ છે. પછી જેમ જેમ મનુષ્ય પ્રૌઢ થતો જાય, ઘડાતો જાય, ભોગવિલાસની થાપટો ખાતો જાય, તેમ તેની દૃષ્ટિ સંસારના સુવાળા વિષયો ઉપરથી હટીને નીતિ, ધર્મ કે વ્યવહાર તરફ વળે અને અંતે વૈરાગ્યના ખોળામાં તે ઢળે.
આ રીતે ‘શૃંગારશતક’ને ભર્તૃહરિની યૌવનકાળની પ્રથમ કૃતિ માનવાનું સૌએ નક્કી કર્યું છે.
આ પ્રત્યેક શતકમાં ઝળહળતા પાણીદાર મોતી જેવા મુક્તકો ગૂંથવામાં આવ્યા છે. સંસ્કૃત વાગ્દેવીના સુશોભિત કંઠમાં આ સૂક્તિરત્નોની માળા કોઈ જુદા જ પ્રકારનું લાવણ્ય પ્રગટાવે છે, એવું પ્રિન્સિપાલ શ્રી મનસુખભાઈ સાવલિયા પોતાના પુસ્તકમાં ભારપૂર્વક લખે છે.
(આ પુસ્તક પ્રવીણ પ્રકાશન, પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ તરફથી 1989માં પહેલી આવૃત્તિ તરીકે પ્રકાશિત થયેલું છે.) (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 13, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી ભર્તૃહરિ ‘નીતિશતક’, ‘વૈરાગ્યશતક’ અને ‘શૃંગારશતક’ના રચયિતા છે. આ ત્રણેય શતકો વિશે વિગતે આપણે વાત કરવી છે.
આપણે ત્યાં સાહિત્યમાં ઘણી બધી દંતકથાઓ સાહિત્યની સાથોસાથ દોડતી રહી છે. એવી અનેક દંતકથાઓ જેમના નામે છે, એ કવિ ભર્તૃહરિ—‘નીતિશતક’, ‘વૈરાગ્યશતક’ અને ‘શૃંગારશતક’ના રચયિતા છે, એ તો નક્કી છે.
કોઈક એવું કહે છે કે ભર્તૃહરિ ઉજ્જૈન-માળવાના રાજા હતા. તેમના પિતા ગાંધર્વ અને માતા સુશીલા. સુશીલા જંબુદ્વીપના રાજાની એકની એક પુત્રી હતી. તેથી તે રાજાએ પોતાનું રાજ્ય તેના દોહિત્ર ભર્તૃહરિને આપ્યું.
ભર્તૃહરિ ત્રણ ભાઈઓ અને એક બહેનના પરિવારમાં સૌથી મોટા. બીજા બે ભાઈઓનાં નામ પણ આપણને જાણવા મળે છે—વિક્રમાદિત્ય અને સુભટવીર્ય. બહેનનું નામ મેનાવતી. કોઈ વળી એવું નોંધે છે લોકકથામાં કે, આ મેનાવતી એટલે પ્રસિદ્ધ રાજા ગોપીચંદની માતા.
ભર્તૃહરિ વિશે એવું કહેવાય છે કે, તેઓ પ્રથમથી જ નિઃસ્પૃહી હતા. તેથી તેમણે પોતાના સમૃદ્ધ રાજ્યનો અધિકાર જતો કરીને નાનાભાઈ વિક્રમાદિત્યને યુવરાજ પદે બેસાડ્યા અને મોસાળ તરફથી વારસામાં મળેલું જંબુદ્વીપનું રાજ્ય પણ તેમને અર્પણ કરી દીધું.
આ ત્રણ શતકો જે એમણે લખ્યાં છે—નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતક—એના રચયિતા ભર્તૃહરિ છે. તો સાથે સાથે એક વાત એવી પણ છે કે ‘વાક્યપદીય’ નામના પ્રખ્યાત વ્યાકરણગ્રંથના રચયિતા વ્યાકરણશાસ્ત્રી ભર્તૃહરિ છે. તો લોકજીભે ચડેલી પિંગળા અને રાણી પિંગળાનું જે પ્રચલિત ભજન છે, એ પિંગળાના પતિ પણ ભર્તૃહરિ છે.
આમ, એ નિશ્ચિત નથી; પણ એટલું નિયત મળી આવે છે જુદા જુદા સાહિત્યોમાંથી કે, ત્રણ શતકના રચયિતા ભર્તૃહરિ છે. આપણો ઈરાદો આ ત્રણેય શતક વિશે એક પછી એક વિગતો મેળવવાનો છે.
મોટાભાગની દંતકથાઓ એમ જણાવે છે કે, ભર્તૃહરિની પ્રિય પત્ની અત્યંત રૂપવતી હતી અને તેનું નામ પિંગળા હતું. તો કેટલાક વળી પદ્માક્ષી એ જ પિંગળા, એવું કહે છે. જોવાની ખૂબી એ છે કે કવિએ કોઈ જગ્યાએ પોતાની પત્ની અંગે વિગત આપી નથી. હકીકતમાં તેની એક જ પત્ની હતી કે શું, એનો પણ નિર્ણય કરવો મુશ્કેલ પડે છે.
આટલી પૂર્વભૂમિકા એટલા માટે બાંધી કે આપણે ભર્તૃહરિ રચિત આ ત્રણેય શતકો વિશે વિગતે વાત કરવી છે, ત્યારે એના રચયિતાને આપણે ઓળખી લેવા જરૂરી બને છે.
નીતિશતકની કેટલીક હસ્તપ્રતોમાં એક શ્લોક આપણને જોવા મળે છે. પહેલવહેલું આ નીતિશતકનું પ્રકાશન મુંબઈના નિર્ણયસાગર પ્રેસે કર્યું અને એ આવૃત્તિમાં શ્રી રામચંદ્ર બુધેન્દ્રે આ શ્લોક મૂક્યો નથી. એટલે એ પણ ખરેખર ભર્તૃહરિનો નથી, એવો એક વિચાર ચાલે છે. પણ આપણને આ શ્લોક કામ લાગશે, કારણ કે રાજા ભર્તૃહરિની કથાનો પાયો આ શ્લોકમાં છે. રાણી પિંગળાની કથા આ શ્લોકની આસપાસ ઘૂમે છે.
આપણે શ્લોકનું ભાષાંતર જોઈએ તો—
જે પિંગળાનું હું સતત ચિંતન કરું છું, તેને મારા ઉપર પ્રેમ નથી. તે તો વળી બીજા પુરુષને—અશ્વપાલને—ઈચ્છે છે. આ અશ્વપાલ વળી એક નર્તકીમાં આસક્ત છે અને નર્તકી અશ્વપાલને નથી ચાહતી, પરંતુ અમને પ્રેમ કરે છે.
તેથી ધિક્કાર છે તે પિંગળાને, જેણે અમરફળ ખાધું નહીં અને અશ્વપાલને આપ્યું. અશ્વપાલને ધિક્કાર છે કે જેણે નર્તકીને ફળ આપ્યું. નર્તકીને ધિક્કાર છે, જેણે એ ફળ મને આપ્યું અને મને પણ ધિક્કાર છે કે પ્રેમમાં અંધ બની મેં બેવફા પિંગળાને આપ્યું.
આ શ્લોકના ભાવાર્થ પરથી આપણને ખ્યાલ આવશે કે ભર્તૃહરિ કામદેવ સામે બહુ મોટો વિદ્રોહ કરે છે, કારણ કે એને આવા અનુભવો થયા છે.
શ્લોકમાં જે દંતકથા કહી છે, તેની વિગત ટૂંકમાં જાણવા જેવી છે.
રાજા ભર્તૃહરિને પિંગળા નામની અત્યંત રૂપવતી અને જાજરમાન કહી શકાય એવી રાણી હતી. કેટલાક લોકો એમ કહે છે કે તેનું અનંગસેના નામ મૂક્યું છે. આ નામ ઉપરથી પણ એવો અર્થ ફલિત થાય છે કે પિંગળા અતિશય વિષયી અને વિલાસી હશે.
રાજાને પિંગળા ઉપર એકધારો વિશ્વાસ અને અમાપ પ્રેમ, પરંતુ પિંગળા રાજાને ચાહતી ન હતી. તે ઉપરછલ્લો પ્રેમ દર્શાવતી હતી, પરંતુ તેના અંતરનો સ્નેહ તો રાજાના એક સામાન્ય, પણ શરીરસૌષ્ઠવમાં અસામાન્ય એવા અશ્વપાલ ઉપર હતો. તેઓ એકાંતમાં એકબીજાને મળતા, પરંતુ અશ્વપાલ રાજા ભર્તૃહરિના ભયથી પિંગળાને સાચો પ્રેમ કરી શકતો ન હતો. પ્રેમનું નાટક કરવાનું એણે પસંદ કર્યું હતું. તે વળી રાજનર્તકીને ચાહતો હતો અને રાજનર્તકી તો સદગુણ અને શૌર્યના સાગર સમા સમ્રાટ ભર્તૃહરિને સ્નેહ કરતી હતી.!!!
આમ જુઓ તો આ પ્રણયત્રિકોણ આજના જેવો નથી, પણ આ પ્રેમનું એક વિશ્વવર્તુળ આખું રચાયું હોય એવું લાગે છે. ભર્તૃહરિથી શરૂ થઈને એ વર્તુળ ભર્તૃહરિ ઉપર પૂરું થાય છે, જેનો આરંભ અને અંત બહુ સ્પષ્ટ જાણી શકાતો નથી. આ પ્રણયવર્તુળ આમ ઘૂમ્યા કરે છે અને આપણને આંચકો આપીને અટકાવી દે એવી ઘટના એમાં બને છે.
એકવાર રાજદરબારમાં સુમંત નામનો એક યોગી આવે છે. તેણે રાજા ભર્તૃહરિને એક અદ્ભુત અમરફળ આપ્યું અને કહ્યું કે એ ફળ આરોગવાથી રાજા અમર બની જશે.
રાજાએ કોઈ બહાનું બતાવીને એ વખતે અમરફળ ખાધું નહીં અને તેની પ્રાણપ્યારી પિંગળા માટે રાખી મૂક્યું. તે જ્યારે રાણીવાસમાં રાણીને મળ્યો ત્યારે આ અમરફળ તેણે રાણીને ભેટ આપ્યું. પોતાની નજર સામે જ આરોગી જવાનો આગ્રહ કર્યો.
………પરંતુ પિંગળાનું પ્રેમપાત્ર તો પહેલેથી અશ્વપાલ હતો. તેથી તેણે પણ અમરફળ ખાધું નહીં અને મનના માનેલા માટે મૂકી રાખ્યું. તે જ્યારે છુપાઈને અશ્વશાળામાં અશ્વપાલને મળી ત્યારે એણે અમરફળ અશ્વપાલને આપી દીધું.
હવે આપણે જાણ્યું એ પ્રમાણે અશ્વપાલ નર્તકીનો આશિક હતો, એટલે એણે રાજનર્તકીને આ દિવ્ય નજરાણું ભેટ ધર્યું. રાજનર્તકી ચતુર હતી. તે તો પ્રેમ રાજા ઉપર રાખતી હતી. એટલે એણે વિચાર્યું કે તેનું જીવન તો દેહ વેચીને પુરુષોને રીઝવવાના અધમ કાર્યમાં વીતે છે. આવા જીવનને અમર બનાવીને શું લાભ? અમર તો એવું જીવન બનવું જોઈએ કે જે લાખો સંતપ્ત લોકોનું તારણહાર બનતું હોય.
રાજા ભર્તૃહરિ આવા લોકકલ્યાણનાં કાર્યો કરનાર મહાપુરુષ છે. આથી રાજદરબારમાં મુજરા માટે આવી ત્યારે એક સુવર્ણ તાસકમાં રૂપેરી વસ્ત્રથી ઢાંકીને એ અમરફળ મહારાજાના ચરણોમાં અર્પણ કર્યું.
જોવા જેવી વાત એ છે—એ વસ્ત્રનું આવરણ હટ્યું. રાજાની નજર અમરફળ પર પડી. આંખ માનવા તૈયાર ન થાય કે, આ કેવું? આ તો એ જ અમરફળ હતું, જે તેણે પ્રાણથી પ્યારી પિંગળાને આપ્યું હતું! તે રાજનર્તકીની પાસે ક્યાંથી આવ્યું હશે?
આ પ્રશ્ને રાજાને વ્યથિત કરી દીધો. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 7, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

‘બ્રહ્મના પ્રકાશિત થવાથી જ સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે.’
સ્વામી વિવેકાનંદજીએ એકવાર વાતચીતના પ્રસંગમાં કહ્યું હતું:
“હકીકતમાં સામાન્ય અનુયાયીઓ શ્રીરામકૃષ્ણને જેટલા સમજ્યા છે, તેટલા જ માત્ર તેઓ નથી. તેમના ચરિત્રની અનેક બાજુઓ હતી અને માનસિક વલણો પણ અનંત હતા. બ્રહ્મજ્ઞાનીની, નિર્વિશેષ તત્ત્વજ્ઞાનની મર્યાદાનો પણ કદાચ તમે ખ્યાલ કરી શકો; પણ તેમના મનના અગાધ ઊંડાણની કલ્પના કરી શકાય નહીં! તેમની કરુણાપૂર્ણ આંખોની એક દૃષ્ટિથી હજારો વિવેકાનંદ ઉત્પન્ન થાય!”
“નમો નમો પ્રભુ, વાક્ય-મનાતીત, મનોવચનૈકાધાર।
બ્રહ્મનાં બે સ્વરૂપ છે — પર (Transcendental) બ્રહ્મ
અને અપર (Immanent) બ્રહ્મ.
પરબ્રહ્મ ‘વાક્યમનાતીત’ છે, પરંતુ અપર બ્રહ્મ દરેક જીવમાં અવસ્થિત છે. મન અને વાણીનો આધાર તે જ છે — ‘મનોવચનૈકાધાર’:
श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद्
वाचो ह वाचं स उ प्राणस्य प्राणः ।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः
प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥
(केन उपनिषद् १/२)
“જે મનનો મન છે, પ્રાણનો પ્રાણ છે, વાક્ ઇન્દ્રિયનો વાક્ છે, શ્રોત્રેન્દ્રિયનો શ્રોત્ર છે, ચક્ષુ ઇન્દ્રિયનો ચક્ષુ છે — એવા એ બ્રહ્મને જાણીને ધીર લોકો જીવનમુક્ત બની, મૃત્યુ પછી અમર થઈ જાય છે.”
આ બ્રહ્મ (પરમાત્મા) વિશે બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે: ‘જ્યોતિનાં જ્યોતિ’ — તે પ્રકાશને પણ પ્રકાશ દેવાવાળો છે. ચંદ્ર પ્રકાશિત થતો દેખાય છે, પરંતુ તેનો પોતાનો કોઈ પ્રકાશ નથી. એ તો સૂર્ય પાસેથી ઉછીનો લીધેલો પ્રકાશ છે. તો પછી સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવ્યો?
ઉપનિષદના કથન પ્રમાણે દરેક પ્રકાશનો પ્રકાશક તે જ બ્રહ્મ (પરમાત્મા) છે.
કઠોપનિષદમાં આ વિશે સુંદર શ્લોક છે :
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं, नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति ॥
(कठ उपनिषद् २/२/१५)
‘ત્યાં ન તો સૂર્ય પ્રકાશિત થાય છે, ન તો ચંદ્રમા અથવા તારાઓ પ્રકાશિત થાય છે, ન વીજળી પ્રકાશિત થાય છે; તો પછી અગ્નિ કેવી રીતે પ્રકાશિત થઈ શકે? તેના (બ્રહ્મના) પ્રકાશિત થવાથી જ સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે.’
આવો પ્રજ્જવલિત આત્મા, અથવા બ્રહ્મ, દરેક જીવની હૃદયરૂપી ગુફામાં અવસ્થિત છે. તેમ છતાં આપણને દેખાતો નથી, કારણ કે તે છુપાઈને બેઠેલો છે. તો પછી તેનો પુરાવો શો? કેટલાક લોકોએ તેનાં દર્શન કર્યા છે, એ જ તેનો પુરાવો છે. કોણ તેનાં દર્શન કરી શકે? જેઓની બુદ્ધિ અત્યંત એકાગ્ર અને શુદ્ધ છે, જેઓ સૂક્ષ્મદર્શી છે, તેઓ જ તેનાં દર્શન કરી શકે.
હવે આ અજ્ઞાનનો અંધકાર દૂર કેવી રીતે થાય?
જવાબ એક જ ,,,ઈશ્વરને પ્રાર્થના કરવાથી. તેઓ માત્ર ‘જ્યોતિનાં જ્યોતિ’ જ નથી, પરંતુ ‘તમોભંજનહાર’ (અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર) પણ છે. માટે સ્વામી વિવેકાનંદજી આ આરતી સ્તવનમાં કહે છે: ‘ઉજ્જ્વલ હૃદિકંદર, તુમિ તમોભંજનહાર।’ ‘હે પ્રભુ! તમે અમારા હૃદયની ગુફામાં પ્રજ્જવલિત થાઓ, અમારો અજ્ઞાનાંધકાર દૂર થાય.’
તૈત્તિરીયોપનિષદમાં બ્રહ્મ વિશે કહેવામાં આવ્યું છે :
“सत्यं ज्ञानमनन्तं ब्रह्म” — ‘બ્રહ્મ સત્ય, જ્ઞાનસ્વરૂપ અને અનંત છે.’
એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સગુણ સાકાર થાય છે, પૃથ્વી પર અવતરિત થાય છે, જીવો પર દયા કરવા માટે. આ વખતે તેમણે શ્રીરામકૃષ્ણરૂપ ધારણ કર્યું છે. આપણા અંતરમાં રહેલા અજ્ઞાન અંધકારને દૂર કરવા માટે. એટલા જ માટે શુદ્ધ સાત્વિક ગુણનું ઐશ્વર્ય લઈને તેઓ આવ્યા છે.
‘ભવબંધન’નું ખંડન કરનાર એ ‘જ્યોતિનાં જ્યોતિ’ સ્વરૂપ શ્રીરામકૃષ્ણદેવની આરતી આપણે આંતરિકતાથી નિત્ય કરીશું, તો અવશ્ય આપણા અંતરમાં રહેલો અજ્ઞાનાંધકાર દૂર થશે, આપણે દરેક પ્રકારનાં બંધનથી, દરેક પ્રકારનાં દુઃખોથી મુક્ત થઈ જઈશું. બસ, પછી તો કેવળ આનંદ જ આનંદ!
સ્વામી વિવેકાનંદજી કેવળ પોતાની વ્યક્તિગત મુક્તિથી સંતુષ્ટ નથી. તેઓ તો ચાહે છે , ‘સમષ્ટિ મુક્તિ’ — આ વિશ્વના દરેક જીવની મુક્તિ. વિશ્વના દરેક જીવનો અજ્ઞાનાંધકાર દૂર થઈ જાય તો!
આપણે તો એટલું જ સતત પ્રાર્થીએ કે, ‘હે પ્રભુ, તમારી આરતી થાઓ, તમારી જય હો, તમારી આરતી થાઓ હર હર. (પીડાહરણ કરવાવાળા) તમારી આરતી થાઓ, શિવ શિવ (મંગલકારી) તમારી આરતી થાઓ.’
(લેખમાળાના સમાપને પૂર્ણાદર સાથે પ્રણામ કરી ઋણ સ્વીકાર એ ગ્રંથો અને ગ્રન્થકારોનો જેમાંથી આ વીસ લેખોને ભાથું મળ્યું અને આપણે સૌ સ્વામીશ્રી રામકૃષ્ણ દેવની આરતી સ્તવનને થોડી ઘણી સમજી શક્યા: (1)શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ …સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદ (2) સ્વામી વિવેકાનંદ્દ : ગ્રંથમાલા સંચયન…શ્રી રામકૃષ્ણ આશરામ, રાજકોટ. (3) શ્રી રામકૃષ્ણ કથામૃત (સંપૂર્ણ)…શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.(4) શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ગ્રંથ: 1, 2, 3 …સ્વામી સારદાનંદ
IIૐ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણેI
અવતારવરિષ્ઠાય શ્રી રામકૃષ્ણાય તે નમઃII
by Bhadrayu Vachhrajani | Aug 30, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

“વાક્ય અને મનથી પર, મન અને વચનના એક આધારરૂપ હે પ્રભુ! તમને વારંવાર પ્રણામ છે. તમે અમારી હૃદયગુફા ઉજ્જ્વળ કરનારા અને અમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છો.”
ઈશ્વરના ચરણોમાં શરણ લેવાથી મુક્તિનો માર્ગ વધુ સરળ બને છે. સ્વામી વિવેકાનંદજી સમસ્ત જગતના લોકોને ઈશ્વરના ચરણોમાં શરણ લેવાનું જાણે કે આહ્વાન આપતા રામકૃષ્ણ આરતીની આઠમી કડીમાં કહે છે,
“સંપદ તવ શ્રીપદ, ભવગોષ્પદ વારી યથાય।
પ્રેમાર્પણ સમદર્શન, જગજન દુઃખ જાય॥”
એટલે કે, તમારા શ્રીચરણ અમારી સંપદા છે. તેથી ભવસાગર ગોષ્પદ સમાન છે. તમે સમદૃષ્ટિથી સૌને પ્રેમ આપો છો, જેથી જગતના લોકોના દુઃખ દૂર થાય છે.
પોતાની રીતે શ્રી રામકૃષ્ણદેવના જીવનસંદેશમાંથી પ્રેરણા લઈ સમસ્ત જગતના સૌ લોકો, સર્વ ધર્મોના અનુયાયીઓ, પોતપોતાના ધર્મનું પાલન કરે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે, મુક્તિ મેળવે તથા શાશ્વત સુખ અને શાંતિ મેળવે — એવો આ આરતીનો બૃહદ્ સમન્વય કરતો સૂર છે.
એક અત્યંત પ્રેરણાદાયી પત્રમાં પોતાના ગુરુભાઈઓને સ્વામી વિવેકાનંદજીએ લખ્યું હતું કે, “શ્રી રામકૃષ્ણનું સાચું સંતાન એ છે કે જે બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ છે અને પોતાની જાતની અધોગતિનું જોખમ વ્હોરીને પણ જે તેમના માટે શ્રમ કરે છે.”
આવું વિશાળ હૃદય ધરાવતા સ્વામી વિવેકાનંદજીએ ભાવનાના આવેગમાં ચિરકાળ સુધી જગત માટે પ્રેરણારૂપ બની રહે તેવી રીતે કહ્યું હતું, “એવું કદાચ બની શકે કે આ દેહને હું જૂના વસ્ત્રની માફક ત્યાગી દઉં; પણ હું અવિરત કાર્ય કરતો રહીશ. જ્યાં સુધી સમસ્ત માનવજાત દિવ્યતાને પામે નહીં, ત્યાં સુધી સૌને પ્રેરણા આપતો રહીશ.”
૨૨મી ફેબ્રુઆરી, ૧૮૯૮. પાવન સલીલા ગંગાના કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવિરત મઠમાં શ્રી રામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી.
આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે તાજેતરમાં પોતે રચેલું રામકૃષ્ણદેવનું આરતી સ્તવન — “ખંડન ભવબંધન” ગાવાનું શરૂ કર્યું. સ્વામીજી પોતે જ મૃદંગ વગાડવા લાગ્યા. કેવું અદભુત હશે એ વાતાવરણ!
ત્યારે આ સ્તવનની પહેલી અને છેલ્લી કડી જ ગવાતી. બાકીની કડીઓ સ્વામીજીએ પાછળથી ઉમેરી છે. “સંપદ તવ શ્રીપદ…” આ કડી પૂરી થયા પછી બધા આનંદમાં ભાવવિભોર થઈ નૃત્ય કરતાં કરતાં ગાવા લાગ્યા—
“નમો નમો પ્રભુ, વાક્ય-મનાતીત, મનોવચનૈકાધાર।
જ્યોતિર જ્યોતિ, ઉજ્લ હૃદિકંદર, તુમિ તમો ભંજનહાર॥
પ્રભુ, તુમી તમો ભંજનહાર॥
ઘે ઘે ઘે લંગ, રંગ ભંગ, બાજે અંગ સંગ મૃદંગ।
ગાઈ છે છંદ, ભક્તિવૃંદ, આરતી તોમાર।
જય જય આરતી તોમાર।
હર હર આરતી તોમાર।
શિવ શિવ આરતી તોમાર॥”
અર્થ તો એકદમ ઉત્સાહ પ્રેરનારો છે.
“વાક્ય અને મનથી પર, મન અને વચનના એક આધારરૂપ હે પ્રભુ! તમને વારંવાર પ્રણામ છે. તમે જ્યોતિના પણ જ્યોતિ છો, પ્રકાશ આપનાર છો. તમે અમારી હૃદયગુફા ઉજ્જ્વળ કરનારા અને અમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છો.
ભક્તો છંદ સાથે તમારી આરતી ગાય છે. સાથે સાથે “ઘે ઘે ઘે લંગ,” એવા અવાજથી મૃદંગ અને બીજા વાદ્યો વાગે છે. તમારી આરતીનો જય હો! હે હર! હે શિવ! તમારી આરતી થઈ રહી છે.”
આ એક સાર્વભૌમિક પ્રાર્થના છે; કારણ કે સંપૂર્ણ સ્તવનમાં ક્યાંય પણ સ્વામીજીએ શ્રી રામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ કર્યો નથી. સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે પોતપોતાના ઈષ્ટની આરતી કરી શકે.
બંગાળીમાં રચાયેલ હોવા છતાં, બંગાળી ભાષા ન જાણનારા પણ સરળતાથી સમજી શકે એવા શબ્દોનો ઉપયોગ આ સ્તવનમાં સ્વામીજીએ કર્યો છે.
અનંત ભાવોથી ભરપૂર આ સ્તવન પર ગહન ચિંતન કરતાં કરતાં દર વખતે નવા અર્થો સાધકોના મનમાં પ્રગટ થાય છે. માટે જ આ સ્તવનની વ્યાખ્યા કરવી કે સમજવી અત્યંત દુષ્કર છે અને સાધના સાપેક્ષ છે.
શ્રી રામકૃષ્ણ કથામૃતમાં એક સુંદર પ્રસંગ આવે છે.
૫મી ઓગસ્ટ, ૧૮૮૨ના રોજ શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળવા ગયા હતા. વાતચીતના પ્રસંગમાં રામકૃષ્ણદેવે કહ્યું, “બ્રહ્મ શું એ મુખેથી બોલી શકાય નહીં. બધું, બધી વસ્તુ એઠી થઈ ગઈ છે. વેદ, પુરાણ, તંત્ર, ષડ્દર્શન — એ બધાં એઠાં થઈ ગયા છે. મોઢેથી બોલવામાં આવ્યા છે, મોઢેથી ઉચ્ચાર થયા છે; એટલે જાણે કે એઠાં થઈ ગયા છે. પરંતુ માત્ર એક વસ્તુ એઠી નથી થઈ શકતી. એ વસ્તુ છે બ્રહ્મ. બ્રહ્મ શું, તે આજ સુધી કોઈ મુખેથી બોલી શક્યું નથી.”
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આ વાતથી એવા પ્રભાવિત થઈ ગયા કે બોલી ઊઠ્યા, “વાહ! આ તો બહુ સરસ વાત. આજે એક નવી વાત શીખ્યો છું.”
શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગમાં સ્વામી સારદાનંદજી મહારાજ લખે છે કે અનેક પ્રયત્નો કરવા છતાં શ્રી રામકૃષ્ણદેવ પોતાના બ્રહ્મદર્શન વિશે કંઈ બોલી નહોતા શકતા; કારણ કે, તેઓ લખે છે તેમ, બ્રહ્મ તો વાક્ય-મનાતીત છે.
એક દિવસ રામકૃષ્ણદેવે કહ્યું કે, “આજે તો તમને બધી વાત કહી દઈશ. જરા પણ છુપાવીશ નહીં.”
એમ કહીને શરૂઆત કરી. હૃદય અને કંઠ સુધીના તમામ ચક્રો વિશે સારી રીતે સમજાવ્યું. પછી ભ્રૂમધ્યસ્થળ દેખાડીને કહ્યું, “આ સ્થળે મન ચડતાં જ પરમાત્માના દર્શન થાય છે અને જીવને સમાધિ થાય છે. ત્યારે પરમાત્મા અને જીવાત્મા વચ્ચે કેવળ એક સ્વચ્છ, પાતળા પડદાની આડશ બાકી રહે છે. ત્યારે તે એમ જુએ કે…”
એમ કહીને જેવા પરમાત્મદર્શનની આ વાત વિગતે વર્ણવવા લાગ્યા, ત્યાં તેઓ સમાધિમાં લીન થઈ ગયા.
સમાધિ તૂટતાં ફરીવાર કહેવાનો પ્રયત્ન કર્યો અને ફરીવાર સમાધિમાં તલ્લીન થઈ ગયા. એ પ્રમાણે અનેક વાર પ્રયત્ન કર્યા છતાં સજળ નયને ઉપસ્થિત ભક્તોને કહ્યું, “અરે! મન તો હતું કે બધી વાત કહી દઈશ. લગીરે તમારાથી છાનું નહીં રાખું; પણ માએ કેમે કરીને કહેવા દીધું નથી. મોઢું જ દબાવી દીધું.”
સ્વામી સારદાનંદજી મહારાજ લખે છે કે તેઓ વિચારવા લાગ્યા, “આ એક એવી વાત નજરે જોઈએ છીએ કે વાત કહેવા માટે તેઓ આટલી કોશિશ કરે છે અને કહી ન શકવાથી એમને કષ્ટ થાય છે, તે સમજી શકીએ છીએ; પણ કેમે કરીને તેઓ કહેવા પામતા નથી? આ મા પણ કેવી છે!”
પાછળથી એમને સમજાયું કે જેની મદદથી બોલવા-ચાલવાનું બને છે, તે મન-બુદ્ધિની દોડ બહુ લાંબે નથી પહોંચતી; અને જેટલી હદ સુધી તે દોડી શકે છે, તે હદની બહાર ગયા વગર પરમાત્માના પૂર્ણ દર્શન થતા નથી.
ભક્તોના સ્નેહને વશ થઈ શ્રી રામકૃષ્ણદેવ અસંભવિતને સંભવિત કરવાનો પ્રયત્ન સતત કરતા રહ્યા છે.