by Bhadrayu Vachhrajani | Jun 22, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ઈસુએ કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ.
શ્રીમદ ભાગવત (11.3.27)ના વચનો પ્રમાણે,
શ્રવણમ કીર્તનમ ધ્યાનમ હરેરદભુતકર્મણ: I
જન્મકર્મગુણાનમ ચ તદર્થડખિલચેષ્ટીતમ II
અસાધારણ કર્મો કરનારા શ્રી હરિ ના જન્મ, કર્મ અને ગુણોનું શ્રવણ, કીર્તન તથા ધ્યાન કરવું શ્રીહરિ નિમિત્તે જ સર્વ કર્મો કરવાં.
શ્રીમદ્દ ભાગવતજીના કથન પ્રમાણે આપણે શ્રી હરિ નિમિત્તે જ શ્રી રામકૃષ્ણ દેવની પ્રશસ્તિ સમાન શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ સ્તવનનું રસપાન કરી રહ્યા છીએ.
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:
जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय ની વિગતે ચર્ચા કરેલ છે.
ચોથી કડીની આઠમી પંક્તિ છે …
નિરોધન, સમાહિત મન, નિરખિ તવ કૃપાય ||….
અર્થ એવો કે,
(એક) હે પ્રભુ, તમે નિરોધિત અને સમાહિત મનવાળા છો, એવું તમારું દર્શન હું તમારી કૃપાથી કરું છું.
અથવા
(બે) હે પ્રભુ, તમારી કૃપાથી હું જોઉં છું કે મારું મન નિરોધિત અને સમાહિત થઈ ગયું છે.
સ્વામીશ્રી નિખિલેસ્વરાનંદજી સમજાવે છે કે, હકીકતમાં બંને અર્થ સાચા છે. આ વાતનું એમનું ઊંડાણ જાણવા માટે સ્વામીશ્રી આપણને ગોસ્વામી તુલસીદાસજીએ રચેલ વિનયપત્રિકા નામના અદભુત ભક્તિ પૂર્ણ ગ્રંથમાંથી એક રસપ્રદ વાત કરે છે. એકવાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને પોકારવા લાગ્યો, ‘રામના પ્રેમને ખાતર મને એક હત્યારાને કંઈક ભિક્ષા આપો’. પોતાના ઇષ્ટ રામનું નામ સાંભળીને તુલસીદાસજીએ એ માણસને પોતાની ધેર બોલાવ્યો અને તેને પ્રસાદ આપ્યો. પછી ઘોષણા કરી કે, એ પરિશુદ્ધ થઈ ગયો છે. ત્યાંના રૂઢિચૂષ્ત બ્રાહ્મણોએ વાંધો ઉઠાવ્યો કે, હત્યારાનું પાપથી વિમોચન કઈ રીતે થઈ શકે? તુલસીદાસજી એ જવાબ આપ્યો, તમારા પોતાના શાસ્ત્રોનું અધ્યયન કરો અને દિવ્ય નામના પ્રભાવ વિશે જાણી લો. બ્રાહ્મણોને આ ઉત્તરથી સંતોષ ન થયો. બ્રાહ્મણોએ તો પ્રમાણ માંગ્યું. તરત જ તુલસીદાસજી સંમત થયા કે, જો વિશ્વનાથ મંદિરના નંદી આ હત્યારાના હાથેથી ખાય તો તેઓ સૌ તુલસીદાસજી ની વાત સ્વીકારી લેશે. સૌ સંમત થયા. તે માણસને મંદિરમાં લઈ જવામાં આવ્યો અને હકીકતમાં નંદીએ તેના હાથેથી ખાધું પણ ખરું. આમ તુલસીદાસજીએ પ્રમાણ આપ્યું કે, આંતરિકતા પૂર્વક પ્રાયશ્ચિત કરવાથી ઈશ્વર ભક્તિનો સ્વીકાર કરે છે.
ઈસુ એક સરોવરને કિનારે ચાલતા હતા. તેમના બે માછીમાર ભાઈઓ સીમપેન પીટર અને તેના ભાઈ અન્દ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ. તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈએ માણસરૂપી માછલાં પકડવામાં ઈસુની પાછળ ચાલ્યા. આ વાત બાઈબલના ‘નવો કરાર’માં મેથ્યુના નામથી લખેલી છે.
શ્રી રામે મિથિલાવાસીના મન મોહી લીધા હતા. શ્રી કૃષ્ણ ફક્ત માખણચોર નોહતાં ચિત્ત ચોર પણ હતાં. ઉદ્ધવજી જયારે ગોપીઓને સમજાવે છે કે, શ્રી કૃષ્ણ તો ભગવાન છે તેમનું ધ્યાન ધરો, ત્યારે ગોપીઓ કહે છે ‘उद्धो मन होत ना दस विस्’, ‘હે ઉદ્ધવ, મન તો એક જ હોય છે, દસ-વિસ નથી હોતા.’ જે ચિત્તમાં ધ્યાન કરવાનું કહો તે ચિત્ત તો કનૈયો ચોરી ગયો છે. શ્રી રામકૃષ્ણ કથામૃતનાં લેખક માસ્ટર મહાશય એટલે કે શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત જેને વહાલથી રોજ લોકો ‘મ’ કહેતા તેઓ સંસારના દુઃખોથી આક્રાંત થઈને તેઓ ઘરેથી નીકળ્યા હતાં. આત્મહત્યા કરવાનો તેમનો ઈરાદો હતો. ફરતાં-ફરતાં તેઓ દક્ષિણેશ્વરના બગીચામાં આવ્યા અને પહેલી જ વાર દર્શન કર્યા શ્રી રામકૃષ્ણ દેવના અને કુશળ માછીમારની જાળમાં સપડાઈ ગયા. નવું જીવન મળ્યું. આત્મહત્યાનો ઈરાદો બદલાઈ ગયો અને પછી તો કથામૃત ગ્રંથ લખી અસંખ્ય લોકોને આ દિવ્ય માછીમારની જાળમાં સપડાવ્યા. આજે પણ તે કથામૃત અનેક લોકોને સપડાવી રહ્યું છે. કેટલાય ને આ કથામૃત ગ્રંથના વાંચન દ્વારા આત્મહત્યા રુપી મહાપાપમાંથી બચાવવાનું બન્યું છે.
શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત આ સ્તવન માટેના સુંદર પુસ્તકમાં અધ્યક્ષ સ્વામીશ્રી વર્ણવે છે કે, અદભુત સંયોગ છે કે માસ્ટર મહાશયને પ્રથમ મુલાકાતમાં શ્રી રામકૃષ્ણ દેવનું દર્શન ભવસાગરના દિવ્ય માછીમારરૂપે થયું. પ્રથમ દર્શનનું વર્ણન કરતાં તેઓ કથામૃતમાં લખે છે: ઓરડામાં શ્રી રામકૃષ્ણ એકલા પાટ ઉપર બેઠેલા છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે અને બારણા બંધ છે. માસ્ટરે હાથ જોડીને પ્રણામ કર્યા. પરમહંસ દેવે બેસવાનું કહ્યું એટલે માસ્ટર જમીન પર બેઠા. શ્રી રામકૃષ્ણએ પૂછ્યું, ક્યાં રહો છો?, શું કરો છો?, અહીં શા માટે આવ્યા છો? માસ્ટરે પરિચય આપ્યો. પણ તેમણે જોયું કે, ઠાકુર વચ્ચે-વચ્ચે બેધ્યાન બની જાય છે. પાછળથી તેમણે સાંભળ્યું કે, એવી અવસ્થા નું નામ ભાવ. પછી તો આ દિવ્ય માછીમાર શ્રી રામકૃષ્ણ દેવની પ્રેમરૂપી જાળમાં એવા તો સપડાઈ ગયા કે, તેમનું સમસ્ત જીવન બદલાઈ ગયું. સાધારણ માસ્ટરમાંથી આધુનિક યુગના વ્યાસ બની ગયા.
જાળ નાખીને માછલાને પકડી લાવવા માટે મનની એકાગ્રતા કેવી હોવી જોઈએ તે વિશે શ્રી રામકૃષ્ણ દેવ એક માછીમારનું ઉદાહરણ આપે છે. એક જણ એકલો તળાવને કાંઠે બેસીને માછલાં પકડે છે. હાથમાં માછલાં પકડવાની સોટી કેટલીકવાર પછી ઉપરનું બરું હાલવા લાગ્યું. વચ્ચે-વચ્ચે થોડું આડું થવા લાગ્યું, ત્યારે તે માણસ સોટીને ઉપર ખેંચવાની તૈયારીમાં છે. એ વખતે એક વટેમાર્ગુ તેની નજીક આવીને પૂછે છે કે, ભાઈ અમુક બ્રાહ્મણનું ઘર ક્યાં છે, બતાવી શકશો? કશો જવાબ નથી મળતો. વારંવાર પૂછવા છતાં ઉત્તર ન મળવાથી વટેમાર્ગુ નારાજ થઈને ચાલ્યો જાય છે. આ તરફ બરુ ડૂબ્યું અને સાથે જ આ માણસે આંચકો મારીને માછલું બહાર ખેંચી લીધું. એ પછી અંગુઠાથી મોઢા પરનો પરસેવો લૂછીને બૂમ મારીને વટેમાર્ગુને બોલાવવા લાગ્યો. એ વટેમાર્ગુ અનિચ્છાએ પાછો ફર્યો ત્યારે આ માણસે કહ્યું, શું પૂછતાં હતા તમે? એ વખતે બરુ ડુબતું હતું એ વખતે હું કાંઈ સાંભળી શક્યો નહિ….બસ, ધ્યાનમાં આવી એકાગ્રતા થાય કે બીજું કશું દેખી ન શકાય, સાંભળી ન શકાય, સ્પર્શનું પણ જ્ઞાન ન રહે. (શ્રી રામકૃષ્ણ કથામૃતનાં ભાગ ત્રીજામાં એકાવનમાં પૃષ્ઠ પર આ પ્રસંગ લખેલો છે.) શ્રી રામકૃષ્ણ દેવ જેમનો સ્વીકાર કરતાં તે ભક્તોનાં મનમાં પણ આવી જ એકાગ્રતા લાવી દેતાં.અને તેથી સ્વામી વિવેકાનંદે તેમને નીરોહિત અને સમાહિત મન વાળા કહ્યા છે. અને પ્રાર્થના કરી કે, અમારું મન પણ નિરોધીત અને સમાહિત થઈ જાય એવી આપ કૃપા કરો.
વેદાંતની સાધના પછી શ્રી રામકૃષ્ણદેવને અવારનવાર સમાધિ લાગી જતી. લગભગ નિરંતર છ મહિના સુધી તો એ સાધના પૂરી થયા પછી તેઓ નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં રહ્યા. અને આ પછી જગનમાતાનો આદેશ થયો, ‘ભાવ મુખે જ રહેજે’. આ સમાધિ અવસ્થામાં શ્રી રામકૃષ્ણ દેવનું દેવજ્ઞાન એટલું લુપ્ત થઈ જતું કે, એકવાર ચોખાના થોડા દાણા તેમની લાંબી જટામાં ગમે તે રીતે પડી ગયા અને અંકુરયુક્ત થઈ ગયા.
સ્વામી વિવેકાનંદજી કહેતા કે મનની બહારની જડ શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર બતાવો એમાં કશી મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પિંડાની જેમ જે રીતે ભાંગતો ટિપતો, ઘડતો, અને સ્પર્શ માત્ર થી નવા બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો તેનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં બીજે ક્યાંય દીઠો નથી. ( શ્રી રામકૃષ્ણ લીલા ભાગ-3, પૃષ્ઠ-75)
સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ દેવને મળવા બીજીવાર દક્ષિણેશ્વર મંદિરમાં ગયા ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ તેમને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરવવા તત્પર થયા. આ ઘટનાનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદજીએ પોતે કહ્યું હતું કે તેમણે અચાનક પાસે આવીને પોતાનો જમણો પગ મારા અંગ ઉપર મૂકી દીધો અને એના સ્પર્શથી ક્ષણભરમાં મને એક અપૂર્વ અનુભૂતિ પ્રાપ્ત થઈ, ઉઘાડી આંખે જોવા લાગ્યો કે ભીંત સુદ્ધા, ઓરડાની સમસ્ત વસ્તુઓ વેગ ભરી ચક્કર-ચક્કર ફરતી ક્યાંય લીન થઈ જાય છે અને સમગ્ર વિશ્વની સંગાથે-સંગાથે મારું હું પણું જાણે કે સર્વગ્રાસી મહા શૂન્યમાં એકાકાર થવાને ધસમસી રહ્યું છે. ત્યારે ભયંકર ભય મને ઘેરી વળ્યો. મનમાં થયું કે હું પણાનો નાશ તે જ તો મૃત્યુ છે. એ જ મૃત્યુ સન્મુખે સાવ પાસે ધીરજ ખોઈ બેસીને ચીસ પાડીને બોલી ઉઠ્યો, અરે તમે મને આ શું કરી નાખ્યું? મારે તો મા-બાપ છે. અદભુત પાગલ મારા એવા શબ્દો સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને હથેળીથી મારી છાતીને સ્પર્શ કરતા કહેવા લાગ્યા, તો પછી હમણાં રહેવા દે, એકી સામટુ જરૂરી નથી. સમય આવે થશે. નવાઈ ની વાત તો એ છે કે એમણે સ્પર્શ કરીને એવું કહ્યું હતું તેની સાથે જ મારો એ અપૂર્વ અનુભવ એકાએક આલોપ્ થઈ ગયો. અને ઓરડાની અંદરનાં અને બહારનાં બધા પદાર્થો પહેલા હતા તેમ જ રહેલા. મને દેખાવા લાગ્યા.
શ્રી મા શારદા દેવી કહેતા કે, આધુનિક લોકો બુદ્ધિમાન છે. ઈશ્વરનાં અવતારને કેમેરામાં બંધ કરી દીધા છે. તેઓ કહેતા છાયા અને કાયા સમાન છે. શ્રી રામકૃષ્ણ દેવના કેમેરા દ્વારા લીધેલ ત્રણ ફોટાઓ ઉપલબ્ધ છે. ત્રણેય વખતે તેઓ ઉચ્ચ સમાધિ અવસ્થામાં હતા. બેઠેલો ફોટો જોઈને રામકૃષ્ણ દેવે કહ્યું હતું, આ અત્યંત ઉચ્ચ અવસ્થાનો ફોટો છે. પછીથી ઘેર-ઘેર આની પૂજા થશે. ભક્ત મહિલા શ્રી મતિ નિસ્તારિણી ઘોષને શ્રી રામકૃષ્ણદેવે પોતાના ફોટા વિશે કહ્યું કે, આ ફોટો ટ્રેનમાં મુસાફરી કરશે, સ્ટીમરમાં ફરશે, લોકો પોતાનાં ગજવામાં ઘડિયાળની ચેઈનમાં રાખશે. ખરેખર આજે એ જ બની રહ્યું છે. આપણે પણ સ્વામી વિવેકાનંદજીએ જે કહ્યું તેમાં સુર પુરાવીને કહીએ, ‘હે પ્રભુ તમારી કૃપાથી અમે જોઈએ છીએ કે તમારું મન સમાહિત થયેલું છે. અમારું મન પણ કૃપા કરીને સમાહિત કરી દો’. હરિ: ૐ…
by Bhadrayu Vachhrajani | Jun 15, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી અરોબિંદોએ લખ્યું કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા.
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:
‘ जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय’
તેનો અર્થ : ‘હે જગદીશ્વર, હે યોગના સહાયક, તમે આ યુગના અવતાર રૂપે પ્રાગટ્યા છો.
શ્રીમદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેમ જગતના ઈશ્વર ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે યુગના પ્રયોજન પ્રમાણે પોતે ધરતી પર અવતરે છે. આપણી સમાજ માટે એવું યાદ રાખીએ કે, આપણા આ યુગમાં શ્રી રામકૃષ્ણ સ્વરૂપે ઈશ્વર આવ્યા છે અને તેનો મુખ્ય હેતુ છે યોગમાં સહાયરૂપ થવું.
સ્વામી શારદાનંદજી દ્વારા લખાયેલ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ના પ્રથમ ભાગમાં કહેવામાં આવ્યું છે તે મુજબ ગદાધરના શુભ જન્મ મુહૂર્ત સંબંધે શાસ્ત્રજ્ઞ ખુદીરામજીએ નવજાત શિશુની જન્મકુંડળી માંડવા જતાં જોયું કે, વિશેષ શુભ ક્ષણે આ બાળકે સંસારમાં પ્રવેશ કરેલો છે. બીજા વિદ્વાન જોષીઓ દ્વારા બાળકના જન્મ સમયની પરીક્ષા કરીને ખુદીરામને કહ્યું કે, બાળકે જે ઉચ્ચ લગ્નમાં જન્મ ગ્રહણ કરેલો છે તે સંબંધિત જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે, આવી વ્યક્તિ ધર્મજ્ઞ અને માનનીય થાય અને સર્વદા પુણ્ય કર્મના અનુષ્ઠાનમાં રત રહે. ઘણા શિષ્યોથી વીંટળાયેલ રહીને એ વ્યક્તિ દેવ મંદિરે વાસ કરે અને નવીન સંપ્રદાય પ્રવર્તાવીને નારાયણના અંશ ભુત મહાપુરુષ તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામી બધે ઠેકાણે લોકોમાં પૂજાય. શ્રીયુક્ત ખુદીરામનું મન આ હકીકત જાણવાથી એકદમ વિસ્મય પૂર્ણ બન્યું !!
આપણા પતંજલિ યોગસૂત્રમાં કહ્યા મુજબ ઈશ્વર પ્રાચીન ગુરુઓના પણ ગુરુ છે, કારણ કે એ કાળની મર્યાદાથી પર છે. શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરના રૂપોમાં ગુરુઓના ગુરુ છે, પણ મનુષ્યના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે પણ આ ગુરુભાવ તેમના જીવનમાં પ્રકાશિત થયો છે. તેમના અવતારની વિશિષ્ટતા એ છે કે, તેઓ માત્ર કોઈ એક પથના સાધકો માટે જ જન્મ્યા નથી. પણ વિભિન્ન ધર્મના, પંથોના,વિભિન્ન ભાવોના, વિભિન્ન યોગોની સાધનાઓના, સાધકો માટે સહાયરૂપ બનવા શ્રી ઠાકુર પધાર્યા છે. એમણે પોતાની પ્રયોગશાળામાં અનેક ધર્મોની, અનેક મતોની, અને અનેક ભાવોની સાધના કરી છે, અને પછી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાંથી નિર્વિકલ્પ સમાધિમાંથી પાછા આવી શ્રી જગનમાતાના આદેશ પ્રમાણે ભાવમુખ અવસ્થામાં રહેતા હતા, તેથી જ આ શક્ય બન્યું છે.
ગુરુના સંબોધનથી તેઓ નારાજ થતા, તેમ છતાં અપૂર્વ ગુરુભાવ તેમના જીવનમાં પ્રગટ થયો હશે તેનું વિશદ વર્ણન અને સાત્વિક મીમાંસા સ્વામી શારદાનંદજી મહારાજે રામકૃષ્ણ લીલા પ્રસંગોમાં કરેલી છે. શ્રી રામકૃષ્ણ દેવના આગમનથી એક નવા યુગનો પ્રારંભ થયો. આ વાતને પોન્ડિચેરીનાં મહર્ષિ અરોબિંદોએ સ્વીકારી છે. શ્રી અરોબિંદોએ એક શિષ્યને લખ્યું કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મારા પૂરતી વાત કરું તો જાતે આવીને મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા. આપણી સાધનાના પાયામાં જે જ્ઞાન રહેલું છે તે અલીપુર જેલમાં મને સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. આ વિગત ‘શ્રી અરવિંદ બર્થ સેન્ટ્રલ લાઇબ્રેરી’ના વોલ્યુમ 27ના પૃષ્ઠ 435 ઉપર લખેલી છે. આ વાતનો સહર્ષ સ્વીકાર કરતા મહર્ષિ અરવિંદ લખે છે કે, આ બધા આત્માઓમાં શ્રી રામકૃષ્ણ સૌથી છેલ્લા અને સૌથી મહાન હતા, કારણ કે બીજાઓ ઈશ્વરને એના એક માર્યાદિત અંશમાં અનુભવી શક્યા હતા. ત્યારે ઈશ્વરની અનંત વિવિધતાના સરવાળા રૂપે, એની અનંત એકતામાં શ્રી રામકૃષ્ણ દેવે ઈશ્વરાનૂભુતિ કરી હતી.
સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી પોતાના પુસ્તકમાં આધારો ટાંકીને અનેક વાતો કહે છે, શ્રી ઠાકુરના અવતારથી એક નવા યુગનો પ્રારંભ થયો છે. આ યુગમાં આધ્યાત્મિકતાનો સુર પ્રધાન સુર બની રહ્યો ! ખ્રિસ્તી ધર્મ જે કરવામાં નિષ્ફળ નીવડ્યો. ઇસ્લામે પણ કોશિશ કરી. મર્યાદિત લોકો પૂરતું બૌદ્ધ ધર્મ જે હાંસલ કરી શક્યો છે તે શ્રી રામકૃષ્ણ સમગ્ર જગત માટે સિદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિશ્વનાં વિખ્યાત વિદ્વાનો, ઈતિહાસકારો, ધર્માચારીઓ, શ્રી રામકૃષ્ણ દેવને સમન્વયના મસીહા વિશ્વના આદર્શ માની રહ્યા છે. ક્લાઉન એલન સ્ટાર્ક પોતાના પુસ્તક ‘ગોડ ઓફ ઓલ’માં શ્રી રામકૃષ્ણદેવને સૌના ઈશ્વરરૂપે નિરૂપણ કરે છે.
શ્રી રામકૃષ્ણદેવને ભારતનું સંવાદી સંગીત એમ વર્ણવીને પ્રખ્યાત ફ્રેન્ચ મનીષી રોમા રોલા લખે છે કે, યુરોપ સમક્ષ હું રજુ કરું છું નવી પાનખર નું ફળ, આત્માનો એક નવો સંદેશ, ભારતનું સંવાદી સંગીત, આ સર્વ ઉપર શ્રી રામકૃષ્ણનું નામ અંકિત થયેલું છે. જે માણસની મૂર્તિનું હું અત્રે આવાહન કરું છું તે 2000 વર્ષના ગાળા ઉપર પથરાયેલા 30 કરોડ લોકોના આધ્યાત્મિક જીવનનો અર્ક હતો. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. આર્નોલ્ડ ટોએલબી કહે છે કે, શ્રી રામકૃષ્ણ દેવ પૃથ્વી પર એવા સમયે અવિર્ભૂત થયા જ્યારે તેમના જ જીવન અને સંદેશની આવશ્યકતા હતી.
સાર તારવતા સ્વામીજી કહે છે કે, સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતોમાં અને શ્રીકૃષ્ણની સર્વધર્મ સમન્વયની અનુભૂતિમાં આપણને એ વલણ અને આદર્શ સાંપડે છે જે સમસ્ત માનવ જાતને એક પરિવારની જેમ પાંગરવા સહાયરૂપ થાય છે.
આજે વૈશ્વિકીકરણ નો યુગ છે. પરંતુ આ યુગમાં માનવ-માનવ વચ્ચે અંતર વધી રહ્યું છે.. આ યુગની આવશ્યકતા છે એવો ધર્મ જે વિજ્ઞાન સંમત હોય, તર્ક સંમત હોય, સંપ્રદાય કે નાત-જાતના ભેદભાવથી પર હોય, સર્વ પ્રત્યે સંવાદિ સુર વાળો હોય, એવા વિશિષ્ટ અને સર્વનું મંગલ પ્રેયસ અને શ્રેયસ સાધનારા ધર્મની આવશ્યકતા છે. આ યુગની આવશ્યકતા પૂર્ણ કરવા માટે જ જગદીશ્વર શ્રી રામકૃષ્ણ રૂપે અવતાર્યા છે.
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, શ્રી રામકૃષ્ણના જન્મ સાથે સત્યયુગ નો પ્રારંભ થયો છે. આ અનેક વિદ્વાનોના અનુભૂતિના શબ્દો આપણને એ સ્વીકારવા પ્રેરે છે કે, આ પ્રાર્થનાની પંક્તિમાં કહેવાયું તેમ તેઓ યોગના મહાસહાયક છે, અને આ યુગના અવતાર રૂપે પ્રગટેલા જગદીશ્વર છે. આપણે સૌ શ્રી રામકૃષ્ણદેવના ચરણોમાં પ્રાર્થીએ, ‘ હે પ્રભુ, તમે આવીને આ નવા યુગનો સત્યયુગનો પ્રારંભ કર્યો છે પણ અમને એ અનુભવ થાય તે માટે અમારી યોગ સાધનામાં સહાયરૂપ થાઓ કે જેથી અમે સત્યયુગનો અનુભવ કરી શકીએ.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 8, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ કહે, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’.
વિવેકાનંદજી કહે છે કે, ‘भक्तार्जन युगलचरण तारण भव पार’ ભક્તનાં સંપદરુપ તમારા ચરણ યુગલ સંસાર સમુદ્રમાંથી પાર કરનાર છે.
શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ અને વિવેકાનંદ વિચારધારાના સાધક સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજના પુસ્તક “શ્રી રામકૃષ્ણ આરાર્તિકમ” માં ભક્ત હૃદયને સ્પર્શે તેવી વિગતો આપતા લખાયું છે કે,
1 જાન્યુઆરી 1886 શ્રી રામકૃષ્ણદેવને ગળામાં કેન્સર થવાથી કોલકતામાં કાશીપુરનાં બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. બપોરનાં લગભગ ત્રણ વાગે તેઓ ઉપરનાં ઓરડામાંથી નીચે આવી ગયાં અને બગીચાના ફાટક સુધી ટહેલવા લાગ્યાં. ઘણા દિવસો પછી આજે કંઈક સ્વસ્થ હોવાથી નીચે ઉતાર્યા છે એટલે ભક્તો ખુશ છે. રજાનો દિવસ હોવાથી લગભગ ત્રીસેક જેટલા ભક્તો તેમની પ્રતીક્ષામાં છે. તેઓ પણ શ્રી રામકૃષ્ણ દેવની પાછળ પાછળ ચાલ્યા કરે છે. ફાટકથી લઈને રહેવાનાં ઓરડા તરફ જતા અધવચ્ચે એક ઝાડ તળે શ્રી રામકૃષ્ણ દેવે શ્રી ગિરીશ ઘોષ, રામચંદ્ર દત્ત, વગેરે ભક્તોને બેઠેલા જોયા. તેમણે ઓચિંતા શ્રી ગિરીશ ઘોષને સંબોધીને કહ્યું, ‘ગિરીશ આ તું સૌને આટલી વાતો કરતો કરે છે જેમાં અવતાર તત્વની વાત હોય છે. તો તે મારામાં શું જોયું છે? તું શું સમજ્યો છો ? બોલ’. સાંભળીને જરાં ગિરીશ ઘોષ તો અચકાયા પણ એમણે જાજો વખત ન લીધો એમણે તાત્કાલિક કહ્યું, કે ગિરીશ ઘોષ તેમના ચરણોમાં જમીન પર માથું ટેકવીને બેસી ગયા. અને મોઢું ઉંચુ કરીને હાથ પકડીને ગદગદ સ્વરે બોલી ઉઠ્યા, ‘ વ્યાસ, વાલ્મિકી જેમનો પાર પામી નથી શક્યાં એમને વિશે હું તે વળી વધારે શું કહી શકું?’ ગિરીશ ઘોષના અંતરમાં રહેલો સરળ વિશ્વાસ એકેએક શબ્દમાં ટપકી રહેલો જોઈને શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ ગયાં. અને એમની તરફ જોઈને ભેગા મળેલા સૌ ભક્તોને કહ્યું, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’. ભક્તો પ્રત્યેના પ્રેમ અને કરુણાથી સુધ-બુધ વિસરી જઈને તેઓ એટલા શબ્દો બોલતા વેત જ ભાવસમાધિમાં ચાલ્યા ગયા. આજે ગયેલા સૌ ભક્તોને લાગ્યુ જાણે કે એમના દુઃખોથી દુઃખી થઈને એક અપૂર્વ દેવતા પોતાના પ્રેમપૂર્ણ પાલવમાં આશ્રય દેવા માટે સ્વર્ગમાંથી ઉતરી આવીને એમને વ્હાલથી યાદ કરી રહ્યા છે. આવી રીતે ઘણાં ભક્તોને દિવ્ય અનુભવ થયા છે. ઘણા લોકો આવી ઘટનાઓને શ્રી રામકૃષ્ણ દેવનું કલ્પતરુ બનવું એમ કહીને વર્ણવે છે. 1 જાન્યુઆરીને ‘કલ્પતરુ દિવસ’ રૂપે ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે. કાશીપુરના બગીચામાં દર વર્ષે પહેલી થી ત્રીજી જાન્યુઆરી સુધી ત્રણ દિવસો માટે આ નિમિત્તે મહોત્સવ યોજાય છે અને લાખો ભક્તો જોડાય છે. 1 જાન્યુઆરીએ શ્રી રામકૃષ્ણદેવ જે ઓરડામાં રહેતા તેમાં રાખેલ તેમની છબીના દર્શન કરવા લોકો સવારના ચાર વાગ્યાથી કતારમાં ઊભા રહે છે. શ્રી રામકૃષ્ણય પ્રસંગમાં સ્વામી શારદાનંદ મહારાજ લખે છે કે, આ ઘટનાને ઠાકુર ‘અભયપ્રકાશ અથવા આત્મપ્રકાશ’ કહીને સૌને કીધેલું અભયદાન એમ કહીને ઓળખાવવું વધારે તર્કસંગત છે. કારણ કે કલ્પતરુ તો માંગનારને વાંછિત વસ્તુ આપે સારી હોય કે નરસી હોય. પણ શ્રી રામકૃષ્ણદેવે તો એવું નહોતું કર્યું. એમણે તો એ ઘટનાથી પોતાના દેવ માનવત્વનો અને સર્વજનોને વિના ભેદભાવે દીધેલા અભયઆશ્રયનો સ્પષ્ટ પરિચય આપેલો. સ્વામી શ્રી વિવેકાનંદજી દ્વારા રચિત શ્રી રામકૃષ્ણ આરાર્તિકમના પદમાં એક વિશેષ પ્રયોગ કરે છે ‘भक्तार्जन युगलचरण’. ભક્ત ચરણની વાત આ રીતે સાંકળી લેવમાં આવેલ છે.
શ્રી રામકૃષ્ણ દેવ કલ્પતરુ વિશે એક મજેદાર વાર્તા કહેતા. એક માણસ વનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે થાકીને એક ઝાડ તળે બેસીને વિચારવા લાગ્યો કે સુવામાટે પથારી હોય તો કેવું સારું? તેને શું ખબર કે તે કલ્પતરુની નીચે બેઠો છે. મનમાં વિચાર આવતા જ ત્યાં સુંદર પથારી થઈ ગઈ. પછી તે માણસે વિચાર્યું હવે ભૂખ લાગી છે. કંઈક ખાવાનું મળી જાય તો કેટલું સારું. તરત જ ભાતભાતની વાનગીઓ હાજર થઈ ગઈ. કોઈ પગ દબાવવાવાળું હોય તો કેવું સારું. વિચારતા જ એક સુંદર સ્ત્રી હાજર થઈ ગઈ જે પગ દબાવવા માંડી અને તે માણસ ઘસઘસાટ ઊંઘી ગયો.થોડીવાર પછી ઉઠીને પછી તેણે વિચાર કર્યો, ‘ લાવ નજર તો નાખું કે કઈ જગ્યાએ આવ્યો છું.’ ચારે તરફ ગાઢ જંગલ જોતા જ તેના મનમાં વિચાર આવ્યો ‘ઓહ, આવું ગાઢ જંગલ, અહીં વાઘ આવી જશે તો?’ અને આમ વિચારતાં ત્યાં એક વાઘ દેખાયો. વાઘને જોતા જ તે ડરી ગયો અને વિચારવા લાગ્યો, ‘જો વાઘ મને ખાઈ જશે તો’? આ વિચાર ઉપર વાઘે તરાપ મારી અને માણસને ખાઈ ગયો. આ વાર્તા સંભળાવી શ્રી રામકૃષ્ણ દેવ કહેતા કે, ભગવાનને પ્રાર્થના કરતી વખતે સાવધાન રહેવું જેથી લૌકિક કામનાઓ મનમાં ન આવે. કારણ કે ભગવાનતો કલ્પતરુ છે જે માંગો તે મળશે. પણ જો લૌકિક કામનાઓ માટે પ્રાર્થના કરશો તો તે પુરી થશે પણ સાથે-સાથે તેમાંથી ઉત્પન્ન થતી વિપત્તિઓ પણ તમારી પાસે આવશે. માટે ભગવાન પાસે કેવળ નિષ્કામ ભક્તિ માટે જ પ્રાર્થના કરવી જોઈએ.
એક ભક્ત પ્રાર્થના કરે છે ‘ હે પ્રભુ, તમે તો અહૈતુક દયાસિંધુ છો, વારંવાર મારા ઉપર અહૈતુક કૃપા વરસાવો છો. તમે જાણે કે મારા માટે કલ્પતરુ બની ગયા છો. હે પ્રભુ, હવે આટલી કૃપા કરી કલ્પતરુ બનશો નહિ કારણ કે મારું મન હજુ પૂર્ણ શુદ્ધ થયું નથી. અજાણતા જો તેમાં કોઈ અનિચ્છનીય લૌકિક કામના આવી જશે અને તમે તેને પૂર્ણ કરશો તો હું તમારા ચરણોથી દૂર થઈ જઈશ. માટે ‘ હે પ્રભુ, મારા માટે આપ કલ્પતરુ બનશો નહી.’
શ્રી રામકૃષ્ણ દેવ અહૈતુક દયાસિંધુ છે. તેમનો આ આશીર્વાદ હોય છે કે ‘ચૈતન્ય થાઓ’. શ્રી રામકૃષ્ણદેવના ઘણા ભક્તોને લૌકિક દુઃખોનો સામનો કરવો પડે છે શું તેનું કારણ આ જ હશે? કુંતીમાતાએ તો ભગવાનને પ્રાર્થના કરી હતી. ‘હે જગતગુરુ, ચારે તરફથી અમને વિપતિઓ આપો કારણ કે ત્યારે જ તમારું સ્મરણ કરવાથી તમારા દર્શન થાય છે જે જન્મ મરણના બંધનમાંથી છોડાવે છે’. બસ, એ જ રીતે અશ્રુપૂર્ણ નયનોથી પ્રેમથી ઉભરાતા હ્રદયે મૃદુ સ્વરમાં સ્વામીજી પણ કહે છે કે , ‘જ્ઞાનીઓ જે જ્ઞાનની પૂર્ણતા શોધી રહ્યા છે તે જ્ઞાન તેના શ્રી ચરણોમાં જ છે. પ્રેમીઓ જે પ્રેમની પૂર્ણતા શોધી રહ્યા છે તે પ્રેમ પેલા શ્રી ચરણોમાં જ છે. કહો, આ ધન્ય ચરણો સિવાય અન્ય ક્યાં સ્થળે માનવીઓ શરણું લેવા જશે?
સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણદેવની વિશિષ્ટતા ગણાવતા લખે છે કે, શ્રેય ઠાકુર તો ભવસાગરથી પાર ઉતારે છે. અને એટલે છઠ્ઠી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી લખે છે ‘वक्तार जेने युगल चरणं तारण भवपार’ આપણી સામે યુગલ ચરણો છે અને એમાંથી આશીર્વાદ મેળવીને આપણે ભવપાર કરવાનો છે.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 31, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

કાકા સાહેબ કાલેલકર તો કહેતા કે, ગુરુ ઘેલા શિષ્યોની વાતો આપણે ઘણી સાંભળી છે પણ શિષ્ય ઘેલા ગુરુ તો શ્રી રામકૃષ્ણ માં જ જોવા મળે છે.
સ્વામી શ્રી વિવેકાનંદજી સર્જિત આરાર્તિકમની પાંચમી પંક્તિમાં છેલ્લે એક શબ્દ પ્રયોગ છે ‘પ્રેમ પાથાર’. અને એનું ગુજરાતી આપણે સમજ્યા છીએ ‘પ્રેમનાં વારિધિરૂપ’. એમાં કહેવાયું છે કે, તમે સદા ઉન્મત્ત પ્રેમનાં વારિધિરૂપ છો. આ પ્રેમ પાથાર એટલે કે રામકૃષ્ણ દેવનો પ્રેમ કેવા પ્રકારનો હતો એનકવિધ પ્રસંગો આપણને મળે છે, તેમાંથી બે-ત્રણ આપણે ટૂંકમાં જોઈએ.
16મી એપ્રિલ 1886, શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા. ગળામાં ભયાનક પીડા છે, શરીર અત્યંત ધૃષ્ટ થઇ ગયું છે, ઉપરના ઓરડામાં પથારીમાં સૂતા છે, ભક્તો સાથે અતિ પરિશ્રમ પૂર્વક વાતો કરી રહ્યા છે. તેમાના એક છે ગિરીશઘોષ. પ્રખ્યાત કવિ, નાટ્યકાર, જેઓ પોતે કહેતા કે, તેઓ અતિ પતિત હતા. પણ શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી ભક્ત બન્યા છે. ઘણા લોકો માને છે કે, શિષ્યોમાં વિશેષરૂપે ગિરીશ ઘોષના પાપોના કર્મો પોતાના શરીર ઉપર લેવાથી શ્રી રામકૃષ્ણદેવને આટલી પીડા સહન કરવી પડી હતી. શ્રી મા શારદા દેવી પણ કહેતા કે, ગિરીશઘોષના પાપો પોતાના પર લેવાથી શ્રી રામકૃષ્ણદેવને ગાળામાં કેન્સર થયું. આમ છતાં શ્રી રામકૃષ્ણ દેવનો પ્રેમ બધા પ્રત્યે અબાધિત રહેતો. કદાચ પતિતો અને દુઃખીઓ પ્રત્યે વધુ જોશથી પ્રેમ વહેતો. ગિરીશ ઘોષ ર તો ઠાકુરના પ્રેમ સાગરમાં મોટું મોજુ બનીને આવ્યા ન હોય !?.
ગિરીશ ઘોષ સાથે સ્નેહપૂર્વક વાતચીત કરે છે તેથી એમને સંતોષ મળે છે. અન્ય ભક્તોને તેમના માટે હુક્કો અને પાન લેવાનું કહ્યું. આથી પણ સંતોષ ન થયો તો થોડીવાર પછી અન્ય ભક્તને કહ્યું, ‘કંઇક ખાવાનું લાવી દે’. કોલકાતામાં વારા નગરમાં ફાગુની દુકાન પ્રખ્યાત. ત્યાંથી ગરમાગરમ કચોરી, પૂરી, અને બીજી મીઠાઈ આવી. શ્રી રામકૃષ્ણ દેવે પોતે પોતાને હાથે ગિરીશના હાથમાં આપીને કહ્યું, ‘મજાની કચોરી છે ખા…’ ભક્તોએ તેમને જે માળાઓ પહેરાવી હતી તેમાંથી બે માળા કાઢીને ગિરીશના ગળામાં નાખી દીધી અને પ્રેમપૂર્વક ખાવાનું કહ્યું. હવે પીવાનું પાણી આપવાનું છે. શ્રી રામકૃષ્ણ દેવની પથારીને અગ્નિખૂણે કુંજામાં પાણી રહે છે. શ્રી રામકૃષ્ણ દેવ બોલ્યા, તે કહે છે કે આમ મજાનું પાણી છે. હવે ભક્તો આશ્ચર્યથી જોઈ રહ્યાં. જેઓ અતિ દુર્બળ, જેનામાં જરા ખસવાની શક્તિ નથી તેઓ બાળકની પેઠે પથારીમાંથી આગળ ખસતાં જાય છે પોતે પોતાના હાથે પાણી લેવા માટે.!!! ભક્તોનો શ્વાસ અધર થઈ ગયો. શ્રી રામકૃષ્ણ દેવે પ્યાલામાં પાણી રેડ્યું, પ્યાલામાં જરાક પાણી હાથમાં લઈને જોયું કે ઠંડુ છે કે નહીં. તેમણે જોયું કે, પાણી બહુ ઠંડુ નથી. પણ આખરે એથી વધુ ઠંડુ પાણી બીજું મળે એમ નથી એમ સમજીને અનિચ્છાએ એમણે ગિરીશને એ પાણી પાયું.
શ્રી રામકૃષ્ણ દેવના ભક્તો પ્રત્યેના પ્રેમને દર્શાવતા આવા અનેક પ્રસંગોને લઈને સ્વામી વિવેકાનંદે ‘પ્રેમ પાથાર’ એવો શબ્દ વાપર્યો છે. કાકા સાહેબ કાલેલકર તો કહેતા કે, ગુરુ ઘેલા શિષ્યોની વાતો આપણે ઘણી સાંભળી છે પણ શિષ્ય ઘેલા ગુરુ તો શ્રી રામકૃષ્ણ માં જ જોવા મળે છે.
દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ દેવ સાથેની પહેલી મુલાકાતનું વિસ્તૃત વર્ણન નરેન્દ્રનાથ એટલે કે સ્વામી વિવેકાનંદે પોતે કર્યું છે. તેમના જ શબ્દોમાં અદભુત પ્રેમ પ્રસંગનું વર્ણન “શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ” માં સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ રસસભર કરેલ છે. શ્રી રામકૃષ્ણ બોલ્યા કે, ગીત તો ગાયું પણ એ પછી તરત જ તેઓ ઉભા થઈ ગયાં અને મારો હાથ પકડીને મને એમના ઓરડાની ઉત્તરે જે ઓસરી છે ત્યાં લઈ ગયા. વરંડામાં પેસતાની સાથે જ ઠાકુરે બારણું બંધ કરી દે, અમે વિચાર્યું કે લાગે છે મને એકાંતમાં કંઈક ઉપદેશ દેશૅ. પણ એમણે જે કહ્યું અને કર્યું તે તો તદ્દન જ કલ્પના બહારનું હતું. એકદમ મારો હાથ પકડીને દરદર ધારે આંસુએ રડવા લાગ્યા અને જાણે કે કેટલાય દિવસથી ઓળખતા હોય એમ મને પરમ સ્નેહથી સંબોધીને કહેવા લાગ્યા, આટલે દિવસે આવવાનું હોય? હું તારે માટે કેવી તો રાહ જોઈ રહ્યો છુ. તેનો એકવાર પણ વિચાર નહિ કરવાનો ? વિષયી માણસોની નકામી વાતો સાંભળી સાંભળીને મારા કાન ભૂંજાઈ જવા આવ્યા, દિલની વાત કોઈને ન કઈ શકવાથી મારું પેટ ઢમઢોલ થઈ ગયું, આવી આવી તો કેટલીએ વાતો કરતા જાય અને રડતા જાય. વળી બીજી જ ક્ષણે મારી સામે હાથ જોડીને ઉભા રહ્યાં. અને દેવતાની માફક મારી સામે આદર દાખવીને કહેવા લાગ્યાં, ‘જાણું છું પ્રભુ..જાણું છું હું પ્રભુ, તમે એક જ પુરાતન ઋષિ નરરૂપી નારાયણ જીવોની દુર્ગતિના નિવારણને કાજે ફરીવાર શરીર ધારણ કરેલું છે વગેરે વગેરે…’ હું તો તેમના આવા વર્તનથી એકદમ અવાચક થઇ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે, આ હું કોને જોઉં છું?, આ તો ઠર્યો પાગલ નહિ તો વિશ્વનાથ દત્તનો પુત્ર! મને વળી આ બધું શું કહે છે? પણ તેઓ હાથ ઝાલીને બોલ્યા, ‘તું જલ્દી મારી પાસે અહીંયા એકલો આવી જા’ એમની આગ્રહ ભરી વિનવણીને ઠેલી ન શકાતા ‘ના ઈલાજે આવીશ’ એમ હું બોલ્યો. રામકૃષ્ણ દેવ પહેલી જ મુલાકાતમાં નરેન્દ્રનાથ ને સાવ પોતીકા ગણવા લાગ્યા. કશાય કારણ વગર એક જણ બીજા જણને એટલી હદે ચાહી શકે એની અમને આના પહેલાં ખબર નહોતી એવું શારદ નંદજી કહે છે. નરેન્દ્રનાથ પ્રત્યે શ્રી રામકૃષ્ણના પ્રેમને જોઈને સમજી શક્યા છીએ કે, વખત જતાં દુનિયામાં એવો દિવસ ઉગશે કે, જ્યારે માણસ માણસની અંદર ઈશ્વરનો આવિષ્કાર અનુભવીને સાચેસાચ જ આવી રીતે અકારણ પ્રેમ પ્રસરાવી કૃતકૃત્ય બનશે.
નરેન્દ્રનાથના પિતાના મૃત્યુ પછી તેમની આર્થિક સ્થિતિ અત્યંત કરુણ થઈ ગઈ. ઘેર ખાવાના પણ સાંસાં પડવા લાગ્યા. આટલા પ્રતિભાવાન નરેન્દ્રનાથને નોકરીની શોધ માટે દ્વારે-દ્વારે ભટકવું પડ્યું. શ્રી રામકૃષ્ણ દેવે એકવાર એક ભક્તને કહ્યું, ‘નરેન્દ્ર ની આ સ્થિતિમાં જો કોઈ તેની સહાયે આવી ચડે તો સારું.’ નરેન્દ્ર ને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ નારાજ થયા અને શ્રી રામકૃષ્ણ દેવને એમ જ ઠપકો આપ્યો. શ્રી રામકૃષ્ણ દેવે આંખમાં આંસુ લાવીને કહ્યું, ‘તારા માટે હું ઘેર-ઘેર ભીખ માંગવા તૈયાર છું.’
શ્રી રામકૃષ્ણદેવના સંબંધમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, તેઓ તો હતા LOVE PERSONIFIED (પ્રેમનું મૃત સ્વરૂપ) સમસ્ત માનવ જાત માટે અને પ્રાણીઓ સુદ્ધા ઉપર પણ રામકૃષ્ણ દેવને પ્રેમ રહેતો. દક્ષિણેશ્વરમાં એક બિલાડીએ તેમના બીછાનામાં શરણ લીધું. જ્યાં સુધી તેને એક ભક્ત મહિલા લઈ ન ગયા ત્યાં સુધી તેઓ તેના વિશે ચિંતિત રહ્યા. ભક્ત મહિલાએ તેની સાર સંભાળ રાખવાનું વચન આપ્યું પછી એમને નિરાંત વળી. કામાર પુકુરમાં એકવાર તેઓ ચાલીને જતા હતા ત્યારે ક્યાંકથી એક માછલી આવીને એના પગ પાસે ફરવા લાગી. શ્રી રામકૃષ્ણદેવે તેને તરત જ તળાવમાં નાખવાનું કહ્યું. અન્ય લોકો તો એને આરોગવાની ઈચ્છા ધરાવતા પણ શ્રી રામકૃષ્ણ દેવના પ્રેમ સામે કોનું ચાલે ? તેઓનું મન સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત રહેતું ત્યારે કોઈના ઘાસ પરથી ચાલવાથી પણ તેમને છાતીમાં પીડા થતી.
શ્રી ઠાકુરની પ્રત્યેક અવસ્થાના લીલા સમાન પ્રસંગો બહુ જ ઝીણવટથી “શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ” (ભાગ એક)માં શ્રધ્ધેય શ્રી સારદાનંદજીએ વર્ણવેલ છે. આ ગ્રંથના ત્રણ ભાગોનું પ્રકાશન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તૃતીય સંસ્કરણ રૂપે 2014 માં થયેલ છે. અભ્યાસુઓ માટે આ ત્રણેય ભાગ એક જ્ઞાન ભંડાર સમાન છે.
પ્રેમની પરાકાષ્ઠામાં પુષ્પોમાં પણ જીવંત ઈશ્વર દેખાતો હોવાથી તેમના માટે પુષ્પો ચૂંટવાનું કાર્ય અશક્ય બની જતું. દરરોજ સાંજે આરતીના સમયે તેઓ દક્ષિણેશ્વરમાં બાબુઓની કોઠીની અગાસી પર ચડીને રડતા રોતા પોકારીને કહેતા, ‘ક્યાં છો ભક્તો?, આવો, તમારા વગર હું રહી શકતો નથી.’ આ પ્રેમનો પોકાર વિફળ ન ગયો. એક પછી એક અનેક ભક્તો આવ્યા. નરેન, રાખાલ, યોગી, બાબુરામ, નિરંજન, તારક, શશી, કાલી, લાટુ, હરી, શારદા પ્રસંદ, ગંગાધર, સુબોધ, કેટલા નામ ગણાવી દઉં. અને તેઓના પ્રેમ પાસમાં સદાય માટે બંધાઈને કેટલા લોકો સન્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદ, બ્રહ્માનંદ, યોગાનંદ, પ્રેમાનંદ, નિરંજાનંદ, શિવાનંદ, સારદાનંદ, રામકૃષ્ણાનંદ, અભેદાનંદ, અદભુતાનંદ્, સૂર્યાનંદ્દ, ત્રિગુણાતીતા નંદ, અખંડાનંદ, સુબોદાનંદ કેટલા નામ! અને કેટલા એના પ્રેમના સ્પર્શથી કૃતાર્થ થયા. પૂર્ણ ચંદ્રઘોષ, મથુરાનાથ વિશ્વાસ, શંભુ ચરણ મલિક, નાગમહાશય, બલરામ બસુ, લેખક શ્રીમ, અધરલાલ સેન, ગિરીશચંદ્ર ઘોષ, સુરેન્દ્રનાથ મિત્ર, આજે પણ શ્રી રામકૃષ્ણ દેવના આ સાદ પ્રેમનું આવાહન ચાલુ છે. આ બાબત ઉપરથી ખ્યાલ આવશે કે ‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’. શ્રી રામકૃષ્ણરૂપી આ પ્રેમ પાથાર એટલે કે પ્રેમ સાગર પાસે એકાદ લહેરનો સ્પર્શ પણ આપણને મળી જાય તો ધન્ય ધન્ય થઈ જવાય. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 24, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ગદાઈ શિવનાં ઊંડા ચિંતનમાં મુગ્ધ થઈ ભાવાવેશમાં આવી બેભાન થઈ ગયા !! કહેવાય છે કે ત્રણ દિવસ એ આમ ભાવાવેશમાં રહેલા !!
‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’
‘તમે જ્ઞાનમય ભાવ સમુદ્ર છો, સદા ઉન્મત પ્રેમનાં વારીઘી રૂપ છો.’
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની આ પાંચમી પંક્તિ છે.
ભાવ સમાધિમાં જતા રહેવું કે ભાવ અવસ્થાઓની અસર નીચે જીવવું એ શ્રી રામકૃષ્ણ દેવ માટે અતિ સહજ હતું. શ્રી રામકૃષ્ણ દેવનું જીવન એટલે અસંખ્ય ભાવાવસ્થાઓની અમર કહાની. શ્રી રામકૃષ્ણદેવ જાણે કેટકેટલીયે ભાવાવસ્થાનાં વિશાળ સાગર જોઈ લ્યો. બાળપણમાં ઈશ્વરના ભાવાવેશમાં વિભિન્ન ભવોથી મત બની જતા. પછી 12 વર્ષની સાધનાના ગાળામાં વિભિન્ન સાધનાઓમાં, વિભિન્ન દેવ દેવીઓના દર્શનોમાં, અને અનુભૂતિઓમાં જાણે નિમગ્ન બની ગયા. અને છેલ્લા 12 વર્ષ લોક કલ્યાંણર્થે દિવ્યભાવમાં આરૂઢ થયા.
શ્રી રામકૃષ્ણદેવ કહેતા, ‘શું ચૈતન્ય પર ધ્યાન કરવાથી કોઈ અચેતન્ય થાય?’ જ્ઞાનમય ભાવોના સમુદ્રરૂપ શ્રી રામકૃષ્ણ દેવને ઉદ્દેશીને સ્વામી વિવેકાનંદજી આ પંક્તિ લખે છે કે, ‘તમે જ્ઞાનમયી ભાવસમુદ્ર છો, સદા ઉન્નત પ્રેમના વારીઘી છો.’
જેઠ કે અષાઢ મહિનાની વાત છે. ગદાધરની ઉંમર ત્યારે છ કે સાત વર્ષની. કામાર પુકુરનાં એ રમ્ય ગ્રામના ખેતરના પાળા ઉપરથી હાથની છાબડી માંથી મમરા ખાતો-ખાતો ગદાધર જઈ રહ્યો છે. આકાશમાં તેને દેખાય છે એક સુંદર જળવાળું કાળું વાદળું. ત્યાં જ હારબંધ સફેદ દૂધ જેવા બગલા ત્યાંથી પસાર થાય છે. એક અજબનું વાતાવરણ જામી ગયું. આમ જોતા જોતા અપૂર્વ ભાવમાં તન્મય થઈ જવાથી ગદાધર બેભાન થઈને ઢળી પડ્યો. મમરા બધા વેરવિખેર થઈ ગયાં. લોકો તેને ઊંચકીને ઘરે લઈ ગયા. આ હતી શ્રી રામકૃષ્ણ દેવની પ્રથમ ભાવ સમાધિ. એમ કહેવાય છે કે પછી આ ભાવ સમાધિનો સિલસિલો સતત ચાલતો રહ્યો.
કામાર પુકુર થી એક કોશ દૂર આનુડ ગામમાં આવેલ વિશાલાક્ષી દેવીના મંદિરના દર્શન માટે કામાર પુકુરથી કેટલીક સ્ત્રીઓ જતી હતી. આઠ વર્ષના ગદાધરે હઠ લીધી એટલે તેને સાથે લીધો. વિશાલક્ષી દેવીનું માહત્મ કીર્તન કરતા-કરતા ખેતર વટાવતા પહેલા જ ગદાધર ગાતા-ગાતા થંભી ગયો. તેના અંગ પ્રત્યાંગો અકડ થઈ ગયા, આંખોમાંથી અવિરત આંસુની ધાર વહેવા લાગી, આંખે-માથે પાણી છાંટવાથી પણ બાળ ગદાધરને હોશમાં ન આવતો જોઈને સ્ત્રીઓ તો ચિંતામાં પડી ગઈ. પ્રસન્નમયી નામની એક વિધવાની પુત્રી ગદાધરને ખુબ વ્હાલ કરતી અને તેનામાં ભગવત બુદ્ધિ રાખતી. અચાનક એના મનમાં ઝબકારો થયો કે, સરળ મનનાં શ્રદ્ધાવન બાળકમાં દેવી તો નથી આવ્યા ને ! હવે બધી સ્ત્રીઓ મળીને પ્રસન્નમયી ના કહેવાથી મા વિશાલાક્ષા દેવીનું નામ સંકીર્તન કરવા લાગી. અને ગદાધરને સંબોધીને કહેવા લાગી ‘ મા વિશાલાક્ષી પ્રસન્ન થાઓ મા, રક્ષા કરો’. આમ કરતાં થોડી જ વારમાં ગદાઘરનું મુખ મંડળ સુમધુર હાસ્યથી ખીલી ઉઠ્યું.
શિવરાત્રીની રાત કામાર પુકુરના સીતાનાથ ભાઈએ પોતાના ઘર પાસેના ગામની મંડળીના નાટકનો બંદોબસ્ત કર્યો. જેથી ગામવાસીઓને વ્રત જાગરણનો આનંદથી પ્રાપ્ત થાય. પણ સાંજના સમાચાર મળ્યા કે, શિવનો પાઠ ભજવવાનો હતો તે વ્યક્તિ બીમાર પડી ગયો છે તેથી નાટક નહીં થાય. લોકો નિરાશ થઈ ગયા. એમાં કેટલાકને એવો વિચાર આવ્યો કે, ગદાઈ એટલે કે ગદાધર તો શિવ પૂજામાં મગ્ન રહે છે, શિવ સ્ત્રોત ગાય છે, તેને આ પાઠ ભજવવા આપ્યો હોય તો !!! નાટક મંડળી વાળા રાજી થઈ ગયા. સૌના આગ્રહથી ગદાઈ પણ સંમત થયો. રાત્રે નાટક શરૂ થયું. ગદાઈ જ્યારે મંચ પર હાજર થયો ત્યારે લોકો તેના જટાજુટ વાળો વિભૂતિથી શોભતો વેશ જોઈને આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. પણ ગદાઈ શિવનાં ઊંડા ચિંતનમાં મુગ્ધ થઈ ભાવાવેશમાં આવી બેભાન થઈ ગયો. કહેવાય છે કે ત્રણ દિવસ એ આમ ભાવાવેશમાં રહેલા !!
નાનપણથી જ શ્રી રામકૃષ્ણ દેવ ભાવસાગરમાં મગ્ન રહેવાનું શીખ્યા હતા. શ્રી રામકૃષ્ણ દેવમાં સ્ત્રી અને પુરુષ બંને ભાવોનો અદભુત સમાવેશ થતો. મધુર ભાવની સાધના વખતે તેઓ પોતાનામાં રાધા રાણીનું આરોપણ કરતા ત્યારે સ્ત્રીનો વેશ ધારણ કરતાં. છ માસ સુધી તેમનું હલન-ચલન, હસવું-બોલવું, કટાક્ષ, અંગમરોડ શરીરની એકે એક ચેષ્ટા બધું નારી સુલભ બની જતું. આ ભાવમાં તેઓ એવા તન્મય થયેલા કે તેમના શરીરમાં પણ નારીના બધા લક્ષણો પ્રગટ થયેલા.
શ્રીમતી રાધા રાણીની કૃપા વગર શ્રીકૃષ્ણના દર્શન પામવા અશક્ય છે, એમ જાણીને તેઓ તેમની પ્રેમ ઘનમૂર્તિના સ્મરણ, મનન અને ધ્યાનમાં નિરંતર મગ્ન રહેતાં. આ પછી તેમને રાધા રાણીના દર્શન થયા અને દરેક દર્શનની જેમ આ વખતે પણ તેમની મૂર્તિ શ્રી રામકૃષ્ણ દેવના દેહમાં સમાઈ ગઈ.
એમના શરીરના રુવાડાના છિદ્રોમાંથી ઘણીવાર ટીપે ટીપે લોહી ટપકતું. શરીરના સાંધાઓ લગભગ ભાંગી જ ગયા હોય તેવા ઢીલા-ઢીલા જણાતા હતા અને હૃદયની અપાર યંત્રણાને લીધે ઇન્દ્રિયો પોતપોતાના કાર્યો કરતી સાવ અટકી પડવાથી દેહ ક્યારેક-ક્યારક મડદા જેવો નિશ્ચેતન અને ભાન રહિત બની જતો. આ મહાભાવનો ઉલ્લેખ કરીને શ્રી રામકૃષ્ણે કહેલું કે, ઓગણીશ પ્રકારના ભાવો એક આધારે પ્રગટ થાય તેને મહાભાવ કહેવાય, એવી વાત ભક્તિ શાસ્ત્રમાં છે. સાધના કરીને એક-એક ભાવમાં સિદ્ધ થવામાં લોકોની પૂરેપૂરી જિંદગી વીતી જતી હોય છે. અને પોતાના શરીર સામું જોઈને કહ્યું કે, અહીંયા એક આધારે એક સાથે એ જાતના 19 ભાવોનો પૂર્ણ પ્રાદુર્ભાવ થયો છે. આ મહાભાવની ચરમ સીમાએ તેમને શ્રી કૃષ્ણનાં પાવન દર્શન થયા અને શ્રીકૃષ્ણની મૂર્તિ પણ તેમના શ્રી અંગમાં ભળી ગઈ !!
કાશીમાં શ્રી રામકૃષ્ણ દેવને અનેક દિવ્ય દર્શનો પ્રાપ્ત થયા. તેવી જ રીતે વૃંદાવનમાં પણ તેમને અનેક અદભુત દર્શનો થયા. બાકે બિહારીની મૂર્તિના દર્શન કરીને ત્યાં તેમને અદભૂત ભાવાવેશ થયો. સુધબુધ ભૂલી જઈને તેમને આલિંગન કરવા દોડી ગયા. ધ્રુવ ઘાટ પર તેમને વસુદેવ જમુના પાર કરી રહ્યા છે તેવું એમને દેખાય છે. શ્રી રામકૃષ્ણ દેવનું મન સદા ઉચ્ચતમ ભાવાવસ્થામાં અવસ્થિત રહેતું હતું. એકવાર કોલકાતામાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોવા ગયાં પણ સિંહ તો મા દુર્ગાનું વાહન છે એમ વિચારે ચડતાં મા ના ધ્યાનમાં નિમગ્ન બની ગયા. સમાધિ અવસ્થામાં ચાલ્યાં ગયા. સિંહનાં દર્શન તેઓ કરી ન શક્યા.
કોલકતામાં મેદાનમાં એક વૃક્ષ તળે એક યુરોપિયન છોકરાને એક ત્રિભંગ મુદ્રામાં જોયો. તેમને શ્રી કૃષ્ણનાં ભાવનું ઉદ્દીપન થયું અને તરત જ તેઓ સમાધિમાં ચાલ્યા ગયાં. એક વેશ્યાને નિલરંગની સાડી પહેરીને જતી જોઈ તેમને લાગ્યું જાણે સીતા રાવણનાં સકંજામાંથી છૂટીને રામને મળવા જઈ રહી છે. સીતાના આ ભાવથી વિહ્વળ થઈ તેઓ સમાધિમાં ચાલ્યા ગયા. દક્ષિણેશ્વરમાં મા કાલીની પૂજા કરતી વખતે જોયું કે રમણી નામની એક વેશ્યા જઈ રહી છે તેમાં પણ તેમને જગન માતાનાં દર્શન થયા. ‘ઓ મા આજે તું રમણીનું રૂપ ધારણ કરીને આવી છો. ભલે તો આજે આ રૂપમાં પૂજા સ્વીકાર કરજે.’ આમ કહીને મા ના ચિંતનમાં નિમગ્ન થઈ સમાધિમાં ચાલ્યા ગયા.
રામકૃષ્ણ દેવના અનુભવો આધુનિક મનોવિજ્ઞાનને શોધકાર્ય માટે ઘણી સામગ્રી આપે એમ છે. એકવાર ગંગા કાંઠે તેઓ ઉભા હતા ત્યારે દૂર ગંગા પર એક નાવમાં બે નાવિકોને તેમણે ઝઘડતા જોયા. એક નાવિકે બીજા નાવિકની પીઠ પર થપાટ મારી શ્રી રામકૃષ્ણ દેવ ત્યારે અદ્વૈત ભાવમાં હતા. તેમણે ચીસ પાડી. તેમનો સેવક એટલે કે ભાણેજ હૃદય દોડતો-દોડતો આવ્યો. જોયું તો શ્રી રામકૃષ્ણદેવની પીઠ લાલચોળ થઈ ગઈ છે. ‘મામા કોણે તમને માર્યું ? જલ્દી બતાવો તેને હું મજા ચખાડું’. શ્રી રામકૃષ્ણદેવ તો ત્યારે સમાધિ અવસ્થામાં હતા. સહજભાવમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે પેલા નાવિકે બીજા નાવિકની પીઠ પર માર્યું તેથી તેમને દુઃખ થયું. તેમની પોતાની પીઠ લાલચોળ થઈ ગઈ. કેવી અદભુત અદ્વૈતાનૂભુતિ !!
ઇસ્લામ ધર્મની સાધના વખતે શ્રી રામકૃષ્ણદેવ અલ્લાહ મંત્રનો જાપ કરતા અને મુસલમાનોની માફક ખુલ્લી કાછડીએ ધોતિયું પહેરતા. દિવસમાં પાંચ વખત નમાજ પઢતા. આ સાધનાના અંતે તેમને લાંબી દાઢીવાળા અશુંગંભીર જ્યોતિર્મય પુરુષનું દિવ્ય દર્શન થયું. પછી સગુણ વિરાટ બ્રહ્મની ઉપલબ્ધિ કરીને સૂર્ય નિર્ગુણ બ્રહ્મમાં તેમનું મન લિન થઈ ગયું. ખ્રિસ્તી ધર્મની સાધનાને અંતે તેમને પંચવટી તળે ઈસુ ખ્રિસ્તના દર્શન થયા. ઈસુ શ્રી રામકૃષ્ણ દેવને આલિંગન કરી તેના શરીરમાં ભળી ગયાં.
બાહ્ય જ્ઞાન ગુમાવીને શ્રી રામકૃષ્ણ દેવનું મન સગુણ વિરાટ બ્રહ્મની સાથે ઘણીવાર એકાકાર થતું રહ્યું. સ્વામી વિવેકાનંદ કહેતા કે, મનની બહારની જડ શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર કરી શકે એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પીંડાની જેમ ભાંગતો, ટિપતો, ઘડતો અને સ્પર્શ માત્રથી નવાં બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો. એનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં મારા જગતમાં જોયો નથી. આ અનેક ભાવ દશાઓ અને ભાવ સમુદ્રને જાણ્યાં પછી આપણે સંમત થઈશું કે સ્વામી વિવેકાનંદે આરતીની પાંચમી પંક્તિમાં જે કહ્યું છે કે પરમ સત્ય છે, ‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 17, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી રામકૃષ્ણ દેવે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે કેમેરાની શોધ થઈ એ સંસાર માટે અત્યંત સદ્ભાગ્યની ઘટના હતી.
શ્રી રામકૃષ્ણ દેવના અદ્વિતીય ગુણોનું વર્ણન કરતી આરતી સ્તવન ‘શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિ કમ’ સ્વામી શ્રી વિવેકાનંદે બંગાળીમાં લખી છે. એમની ચોથી પંક્તિમાં એક સુંદર વાત કહેવામાં આવી છે.
‘ग्नानांजल विमलनयन विक्षणेमोहजाय’ એટલે કે તમારા વિમલ નયનો જ્ઞાનરૂપી અંજન થી આંજેલા છે. જેની દૃષ્ટિ માત્રથી જ મોહ દૂર થાય છે. આખા એક વ્યક્તિત્વનું પૂર્ણપણે નયનમાં સમાઈ જવું એવો ભાવ આપણે કરી શકીએ. આ વિમલનયનની જે વાત થઈ એના અંગે થોડું વિગત થી જાણવું પડે.
શ્રી રામકૃષ્ણ દેવે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે કેમેરાની શોધ થઈ એ સંસાર માટે અત્યંત સદ્ભાગ્યની વસ્તુ હતી. શ્રી રામકૃષ્ણ દેવના કેમેરા દ્વારા લીધેલ ફોટા માનવ જાતને ઉપલબ્ધ છે એ આ યુગાવતારની વિશેષતા કહી શકાય. તેમના જીવનકાળ દરમિયાન કેમેરા દ્વારા તેમના ત્રણ ફોટા લેવામાં આવ્યા છે જે ઉપલબ્ધ છે. જો કે આ સિવાય તેમની મહા સમાધિ પછી તેમના દેહના બે ફોટા લેવાયા હતા, પણ ભક્તોની ભાવનાને માન આપીને તે પ્રકાશિત કરવામાં આવતા નથી.
પહેલાં લેવાયેલા ત્રણ ફોટામાંથી પહેલો ફોટો 21 સપ્ટેમ્બર 1879 ના રોજ કોલકાતામાં શ્રી કેશવચંદ્ર સેનના ઘરમાં લેવાયો. આ ફોટામાં શ્રી રામકૃષ્ણ દેવ સમાધિ અવસ્થામાં ઉભેલા નજરે પડે છે.
બીજો ફોટો 10 ડિસેમ્બર 1881 ના રોજ બેંગાલ ફોટોગ્રાફર્સના સ્ટુડિયોમાં લેવાયો હતો. જ્યાં તેઓ ફોટોગ્રાફી વિશે જાણવા ગયા હતા. આ ફોટામાં તેઓ એક સ્તંભ પર હાથ રાખીને સમાધી અવસ્થામાં ઉભેલા નજરે પડે છે.
ત્રીજો ફોટો દક્ષિણેશ્વરમાં રાધાકાન્ત મંદિરની પરસાળમાં દેવ સમાધિ અવસ્થામાં બેઠેલા હતા ત્યારે લેવાયો છે, 1983માં અથવા તો 1984માં. શ્રી રામકૃષ્ણ દેવમાં અહમ તો લેશમાત્ર નોહ્તો. તેઓ ફોટો પડાવવાનું પસંદ કરતા નહીં એટલે જ કદાચ બધા જ ફોટા જ્યારે તેઓ સમાધિસ્થ અવસ્થામાં હતા ત્યારે જ તેમની જાણ વગર લેવાયા હતા. તેમ છતાં ત્રીજો ફોટો જોઈ અને તેઓએ પોતે આ ફોટાની પૂજા કરીને ઉદગાર કાઢ્યો કે, “અત્યંત ઉચ્ચ સમાધિ અવસ્થાનો ફોટો છે. પછીથી એ ઘેર આની પૂજા થશે.”
ફ્રેન્ક ડોરેક એ હકીકતમાં ઑસ્ટ્રિયન ચિત્રકાર હતાં. અને એને સ્વપ્નલોકમાં કોઈ ભારતીય સંત આવતા હતા. પરંતુ જ્યારે તેઓએ મેક્સમુલરનું એક પુસ્તક ‘એક સાચા મહાત્મા’ વાંચ્યું ત્યારે એને શ્રી રામકૃષ્ણ દેવના દર્શન પ્રાપ્ત થયા. રામકૃષ્ણ દેવનો ફોટો જોઈને તેમને યાદ આવ્યું કે, મને સ્વપ્નમાં આવતા હતા તે ભારતીય સંત આ જ હતા. પછીથી તો તેઓ રામકૃષ્ણ દેવનાં ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યાં. આ ફ્રેન્ક ડોરેક ને ત્રણે ફોટા મળ્યાં. તેમને પહેલો ફોટો અત્યંત પ્રભાવક લાગ્યો. તેમણે આ ફોટા પરથી ચિત્ર દોરવાનો પ્રારંભ કર્યો. તેમની ઈચ્છા શ્રી રામકૃષ્ણ દેવના ખુલ્લા નયનો દોરવાની હતી. પણ કદાચ ફોટાઓમાં તેઓ સમાધિસ્થ અવસ્થામાં હોવાથી તેમના નયનો અર્ધ બીડાયેલા હતા. ખુલ્લા નયનો કેવી રીતે દોરવા? આવી મૂંઝવણમાં ડોરેક દિવસો પસાર કરી રહ્યાં હતા ત્યાં આશ્ચર્યજનક ઘટના બની. તેઓ શ્રી રામકૃષ્ણ દેવના ગહન ધ્યાનમાં નિમગ્ન હતાં ત્યારે તેમણે જોયું કે, શ્રી રામકૃષ્ણ દેવ તેમની સામે સાક્ષાત ઉપસ્થિત થઈ ગયા છે. બન્ને નયનો ઉઘડેલા હતાં અને તેમાંથી અદભુત કરુણા, પવિત્રતા, અને આનંદ નીતરતા હતા. તેઓ આનંદના અતિરેકમાં આવી ગયા અને તરત જ શ્રી રામકૃષ્ણ દેવના એ અદ્ભૂત નયનોના મનોહરકારી રૂપનું ચિત્ર દોરવાં લાગ્યા. આમ વિશ્વને પ્રાપ્ત થયું આ દિવ્ય દર્શનનાં પરિણામે શ્રી રામકૃષ્ણ દેવનું એક અનન્ય ચિત્ર.
થોડા વર્ષો પૂર્વે કોલકાતાના અદ્વૈત આશ્રમનાં વેચાણ વિભાગમાં એક દિવસ સવારે એક અમેરિકન યુવતી આવી. તેને શ્રી રામકૃષ્ણ દેવનો ફોટો ખરીદવો હતો. ઘણા ફોટા દેખાડવામાં આવ્યા પણ તેને એકેય પસંદ ન આવ્યો. છેવટે તેણે પોતાના ગજવામાંથી એક અમેરિકન સમાચાર પત્રનો કટકો કાઢ્યો, જેમાં શ્રી રામકૃષ્ણ દેવ નો ફોટો છાપેલો. તેને આવો જ ફોટો જોઈતો હતો. એ ફોટો એ ઉઘાડા નયનો વાળો ફ્રેન્ક ડોરેકે દોરેલ ચિત્ર નો ફોટો. શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી અખંડાનંદજી જ્યારે હિમાલયનો પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે તેમણે મુસલમાનની ચા ની દુકાનમાં શ્રી રામકૃષ્ણ દેવ નો ફોટો જોયો. તેમણે આશ્ચર્યથી આ વિષે પૂછ્યું ત્યારે વૃદ્ધ મુસલમાને જવાબ આપ્યો, ‘મને ખબર નથી કે આ કોનો ફોટો છે. જે કાગળ માં વસ્તુ વીંટાયેલી હતી તેને ખોલ્યો તો તેમાંથી આ ફોટો નીકળ્યો. પણ તેમના અદભુત નયનોથી હું મુગ્ધ થઈ ગયો છું. મને લાગ્યું કે તેઓ અમારા પૈગંબર જેવા જ હોવા જોઈએ. એટલે આ ફોટો ફ્રેમ કરીને દુકાનમાં રાખ્યો છે.’
આપણે શરૂઆતમાં જે ‘ग्नानांजल विमलनयन’ એવા શબ્દ પ્રયોગો સાંભળ્યા તેની આ પૂર્તતા કરે છે. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદજી સંન્યાસ વ્રત ગ્રહણ કરી પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કરવા લાગ્યા. આ ભ્રમણ દરમિયાન તેઓ ગાઝીપુર આવ્યાં. તેમણે પરહરી બાબાની યોગશક્તિ વિશેની અદ્ભૂત વાતો સાંભળી. આ પહેલા એકવાર તેમની મુલાકાત પણ લીધેલી. ત્યાં રહેતાં હતા ત્યારે તેમને વિચાર આવ્યો હતો કે, શ્રી રામકૃષ્ણ દેવ સાથે આટલા વર્ષો રહ્યા છતાં આ દુર્બળ શરીરને સબળ બનાવવાનો કોઈ કીમિયો હાથ લાગ્યો નથી. તેમણે પરહરી બાબા પાસેથી હઠયોગ શીખવાનો નિર્ણય કર્યો. જે દિવસે તેઓ દીક્ષા લેવાના હતા તેની આગલી રાત્રે બિછાનામાં પડ્યા-પાડ્યા વિચાર કરતા હતા. બરાબર એ વખતે તેમણે તેમની જમણી બાજુએ શ્રી રામકૃષ્ણ દેવની આકૃતિ ઉભેલી જોઈ. તેઓ જાણે કે શોકપૂર્ણ ભાવથી, અનિમેષ નયને તેમની તરફ જોઈ રહ્યા હતાં. તેમણે પણ તેમની સામે જોયા કર્યું. આમ બે થી ત્રણ કલાક પસાર થઈ ગયા પણ સ્વામીજીના મોઢામાંથી શબ્દ સરખો ન નીકળ્યો. આ ઘટના બે-ત્રણ વખત પુનરાવર્તિત થઈ.
સ્વામીજીએ પાછળથી એક કાવ્યની રચના કરી. ‘ગાઉ હું ગીત તમને જ સુનાવવાને’ તેઓ એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે, જેટલી વાર તેઓ દીક્ષાનો નિશ્ચય કરે છે તેટલી વાર તેમને આ દર્શન થાય છે. તેથી આ દીક્ષાથી શુભ નહીં થાય પણ અશુભ થશે એ વિચારથી તેમણે દીક્ષા લેવાનો વિચાર સદંતર માંડી વાળ્યો. એક વિમલ નયનની આટલી પ્રગાઢ અસરને કારણે કદાચ આપણને એવું લાગે કે આપણે રામકૃષ્ણ દેવને જ્ઞાની ગણીએ, ભક્ત ગણીએ, શું ગણીએ? કોઈ કહેશે શ્રી રામકૃષ્ણ ભલા જ્ઞાની ક્યાંથી? તેઓ તો અભણ હતાં ! ના..ના.. તેઓ સાચા અર્થમાં જ્ઞાની હતા. શાળાનું ઔપચારિક શિક્ષણ ભલે ઝાઝુ પ્રાપ્ત ન કર્યું પણ અનૌપચારિક રીતે તેમણે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવી તીક્ષ્ણ તેની બુદ્ધિ, ! કેવી અદ્ભૂત મેધાશક્તિ, ! પરાવિદ્યામાં તો પારંગત, અપરાવિદ્યામાં પણ ઓછા ન હતા. કોઈ કહેશે કે, તેઓ ભક્ત હતાં તો જ્ઞાની કેમ કહો છો? ત્યારે સ્વામી વિવેકાનંદ કહેતા, ‘શ્રી રામકૃષ્ણ બહારથી ભક્ત દેખાતા જ્યારે ભીતરમાં તે જ્ઞાનથી પૂર્ણ હતા. જયારે હું બહારથી જ્ઞાની દેખાઉં છું પણ ભીતરમાં હું ભક્ત છું.’ જાણવા જેવું એ છે કે સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા કે, શ્રી રામકૃષ્ણ દેવની કૃપા દૃષ્ટિથી હજારો-હજારો વિવેકાનંદ તૈયાર થઈ શકે છે. આવો છે એમના વિમલ નયનોનો અદ્ભૂત પ્રભાવ…(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 13, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

મા શારદાદેવી શ્રી ઠાકુરની વિદાય પછી હાથમાંથી બંગડી કાઢવા લાગ્યા ત્યારે શ્રી ઠાકુરે દર્શન આપી ના પડી અને કહ્યું : ‘હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’
સ્વામી શ્રી વિવેકાનંદે જે પદ લખ્યું છે અને સાંજની આરતી તરીકે આજે પણ મઠ અને મિશનના મંદિરોમાં ગુંજી રહ્યું છે, તેનો ગુઢાર્થ જાણવાનો આપણે નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ.
ત્રીજી પંક્તિ અથવા ત્રીજું પદ કહે છે,
मोचन अगतृषण जगभूषण चितघनकाय’
હે પ્રભુ, તમે મનુષ્યને પાપ-દોષોથી મુક્ત કરનાર છો, જગતના ભૂષણ રુપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો.
સમજવાનો પ્રયાસ કરીએ. मोचन अगतृषण એટલે શું? પ્રસંગથી સમજીએ. 14 ડિસેમ્બર 1984 ના રોજ શ્રી રામકૃષ્ણદેવ કોલકત્તા ના સ્ટાર થિયેટરમાં ‘પ્રહલાદ ચરિત્ર’ નાટક જોવા આવ્યા. નાટક પૂરું થયા પછી તેમને બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષને ત્યાં વાર્તાલાપના પ્રસંગમાં કહ્યું, મા ના નામમાં શ્રદ્ધા રાખો એટલે બધું થઈ જશે. ગિરીશે કહ્યું, હું તો પાપી છું. દેવ બોલ્યા, ‘એ આખો દિવસ હું પાપી છું… હું પાપી છું એવું વિચાર કર્યા કરે છે તે આખરે પાપી થઈ જાય છે.’ ગિરીશે કહ્યું, મહારાજ હું તો એવો પાપી છું કે જ્યાં બેસુ ત્યાંથી સાત હાથ જમીન ખોદી નાખવી પડત. શ્રી રામકૃષ્ણ દેવ થોડા ચિંતિત થઈને બોલે છે, ‘એવું શું બોલો છો? ઓરડામાં ભલેને હજાર વર્ષનો અંધકાર હોય છતાં દીવો કરતા જપટ દઈને અંધકાર જતો રહે છે. હજાર વર્ષનો અંધકાર છે તેથી તો કંઈ ધીમે ધીમે જતો નથી.’ શ્રી રામકૃષ્ણદેવના સુસ્પષ્ટ જવાબથી ગિરીશ ઘોષમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તેની વાતો બહુ રસપ્રદ છે, વાંચવા જેવી છે.
ગિરીશ ઘોષ તો કહેતા કે, ‘મેં દારૂની એટલી બધી બોટલો પીધી છે કે જો તે ઉપરા ઉપર મૂકવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આંબી જાય.’ એક રાત્રે ગિરીશ દારૂ પી નશામાં મસ્ત થઈ વારાંગનાઓને ત્યાં મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હતા. એવામાં એમના હૃદયમાં ન સમજાય એવું તીવ્ર આકર્ષણ થવા લાગ્યું અને તેમને યાદ આવ્યા શ્રી રામકૃષ્ણ દેવ. ગાડી કરીને આવી પહોંચ્યા સીધા દક્ષિણેશ્વર. રાત્રિનું ઘોર અંધારું, મંદિરનો ફાટક બંધ, ગિરીશનો અવાજ સાંભળતા જ રામકૃષ્ણ દેવે પોતે ફાટક ખોલ્યું. લથડિયાં ખાતા ગિરીશનો હાથ પકડીને સંભાળથી અંદર લાવ્યા અને તેમના હાથ પકડીને નૃત્ય કરવા લાગ્યા. નશો ઉતર્યો ત્યારે રામકૃષ્ણ દેવની આ અપ્રતિમ સ્નેહવર્ષાથી ગિરીશનું હૃદય દ્રવિત થઈ ગયું. તેમને લાગ્યું, ખરેખર શ્રી રામકૃષ્ણ દેવ પતિતપાવન છે. મારા જેવા પતિત ને પણ આટલો પ્રેમ આપે છે !
એકવાર થિયેટરમાં ગિરીશ ઘોષ રામકૃષ્ણદેવને ક્રોધમાં ભાન ભૂલીને ફાવે તેમ ગાળો આપવા લાગેલા. ભક્ત્તો તો વિચલિત થઈ ગયેલા પણ કરુણા મૂર્તિ રામકૃષ્ણ દેવે ચુપચાપ બધું સાંભળી લીધું અને દક્ષિણેશ્વર જવા રવાના થઈ ગયા. બધા ભક્તોએ રામકૃષ્ણદેવને સમજાવ્યા. ‘હવે આ દારૂડિયાની પાસે ના જશો હો…’ શ્રી રામકૃષ્ણ દેવે રામચંદ્ર દત્તને આ વિશે પૂછ્યું તો તેમને જવાબ આપ્યો કે, શ્રી ભગવાન કૃષ્ણ કાલીયા નાગને કહે છે કે, ”હે પ્રભુ, તમે જ મને ઝેર આપ્યું છે તો અમૃત ક્યાંથી લાવું? માટે ગિરીશનો વાંક નથી. શ્રી રામકૃષ્ણ દેવ આ સાંભળી પ્રસન્ન થયા અને કહ્યું, ચાલો રામ, તમારી જ ગાડીમાં હમણાં જ ગિરીશ ને ત્યાં જઈએ. ધોમધખતાં તડકામાં શ્રી રામકૃષ્ણ દેવ ગિરીશ ઘોષના ઘરે આવી પહોંચ્યા અને કહ્યું, ‘ગિરીશ, હું આવી ગયો છું.’ ગિરીશ ત્યારે પશ્ચાતાપથી રડી રહ્યાં હતા. શ્રી રામકૃષ્ણદેવને આવેલા જોઈને સીધા ચરણમાં પડ્યા અને રડતા-રડતા બોલ્યા, ‘આજે જો તમે ન આવ્યા હોત ને તો હું માની લેત કે તમે પણ નિંદા સ્તુતિમાં સમાન નથી. તમે સાચા અર્થમાં પરમહંસ નથી પણ આજે હું ઓળખી ગયો કે તમે એ જ છો. હવે તમે મને છેતરી નહિ શકો. હવે તમારે મારો ભાર ઉપાડવો જ પડશે. કહેવાય છે કે ગિરીશ ઘોષે શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં આત્મસમર્પણ કર્યું, વકીલાત નામું આપ્યું, શ્રી રામકૃષ્ણ દેવે તેની સાધનાનો અને તેના પાપોનો ભાર ઉપાડવાની શરૂઆત કરી. એમણે સ્વામી પ્રેમાનંદને કાશીથી એક પત્રમાં ખુદ રામકૃષ્ણ દેવે લખ્યું, ‘ગિરીશ બાબુ અહીં છે. અહાહા.. એમનો સ્વભાવ કેવો મધુર થઈ ગયો છે… જેવો ઉદારભાવ એવી જ શ્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા. અહંકાર તેમને મન તુચ્છ છે. પારસમણિના સ્પર્શથી જાણે લોઢું સોનુ બની ગયું છે. હું નજરે જોઈ રહ્યો છું. ગિરીશ ઘોષ પોતે પણ કહેતા કે તમારે રામકૃષ્ણ દેવ નો મહિમા સમજવો હોય ને તો સ્વામી વિવેકાનંદ તરફ ન જોતા. એ તો શુદ્ધાત્મા બુદ્ધિશાળી કોલેજીયન. એટલે એને નરેનમાંથી સ્વામી વિવેકાનંદનું સર્જન કરવું એ બહુ મોટો ચમત્કાર નથી. પણ મારા જેવા પતિતને ભક્ત બનાવી દેવો એ જ શ્રી રામકૃષ્ણ દેવનો અપાર મહિમા છે.
ગિરીશ ઘોષ સાથે સંકળાયેલ કેટલાક નટનટીઓ પતિતોના તારણહાર બન્યા હતા શ્રી રામકૃષ્ણદેવ. 21 સપ્ટેમ્બર 1884 ના રોજ શ્રી રામકૃષ્ણદેવ ગિરીશ ઘોષનું શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશેનું નાટક જોવા સ્ટાર થિયેટરમાં ગયા. ભક્તોએ વાંધો ઉઠાવ્યો કારણ કે તે દિવસોમાં સમાજમાં અભિનય કરનારી સ્ત્રીઓનું સ્થાન હલકું હતું. તો પણ શ્રી રામકૃષ્ણ દેવ ગયા અને કહ્યું, ‘હું તેઓને પણ મારી મા આનંદમયરૂપે જોઇશ’. નાટક પૂરું થયા પછી શ્રી રામકૃષ્ણ દેવે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું, અસલ નકલ એક લાગ્યું. આ પછી નટનટીઓએ એ રામકૃષ્ણ દેવના આશીર્વાદ મેળવ્યા. શ્રી ચૈતન્યના પાત્રનો અભિનય કરનાર વિખ્યાત એક્ટ્રેસ વિનોદીનીના મસ્તક પર પોતાના બંને હાથ રાખી આશીર્વાદ આપતાં શ્રી રામકૃષ્ણદેવે કહ્યું, ‘ચૈતન્ય થાઓ’. આ એક્ટ્રેસ વિનોદીનીએ પોતાની આત્મકથામાં લખ્યું કે, સંસારી લોકો મારા પાપમય જીવનને ઘૃણાથી જોવે એની હું પરવાહ કરતી નથી. મને શ્રી રામકૃષ્ણ દેવના આશીર્વાદ મળ્યા છે, એમનો પ્રેમમય આજ્ઞા પૂર્ણ સંદેશ મને ટકાવી રાખશે. વિનોદીનીના જીવનમાં પરિવર્તન આવ્યું અને તે શ્રી રામકૃષ્ણ દેવની કાયમ માટે ભક્ત બની ગઈ.
દક્ષિણેશ્વર મંદિરમાં શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ વખતે કેટલીક ખરાબ ચરિત્ર વાળી સ્ત્રીઓ આવે. આથી ઘણા લોકો વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવા લાગ્યા. આ વિશે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈ શ્રી રામકૃષ્ણાનંદજીને 23 ઓગસ્ટ 1896 ના પત્રમાં અમેરિકાથી લખ્યું. આજે રામદયાળ બાબુનો પત્ર મળ્યો છે, તેઓ લખે છે કે, દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ દેવના જન્મોત્સવ વખતે ઘણી વેશ્યાઓ પણ આવે છે. તેથી ઘણાને તેમાં જવું ગમતું નથી. વળી તેમના મતે એક દિવસ પુરુષો માટે રાખવો જોઈએ અને બીજો દિવસ સ્ત્રીઓ માટે. આ બાબતમાં મારો નિર્ણય આ પ્રમાણે છે. ‘જો દક્ષિણેશ્વર જેવા મહાન યાત્રાના સ્થળે વેશ્યાઓને જવા દેવામાં ન આવે તો બીજે ક્યાં જાય તેઓ? ઈશ્વર ખાસ તો પાપીઓ માટે જ પ્રગટ થાય છે નહીં કે પુણ્યશાળીઓ માટે. મંદિરમાં પણ જે લોકો એવા વિચાર કરે કે આ સ્ત્રી વૈશ્યા છે, આ તો ગરીબ છે, આ તદ્દન સામાન્ય છે, એવા જેમને તમે સજ્જનો કહો છો તેવા લોકો જેટલા ઓછા આવે ને એટલું વધું સારું. જેઓ ભક્તોની જ્ઞાતિ, લિંગ કે ધંધા વગેરેનો વિચાર કરે તેઓ આપણા પ્રભુ શ્રી રામકૃષ્ણદેવને શું સમજી શકવાના? હું તો ઈશ્વરને પ્રાર્થું છું કે સેકડો વેશ્યાઓ આવે અને તેમના ચરણોમાં પોતાનું માથું ઝુકાવે. સજ્જન એક પણ ન આવે તો તેનો કોઈ વાંધો નહીં. ગણિકાઓને આવવા દો, દારૂડિયાઓને આવવા દો, ચોર અને બીજા બધા આવી જાઓ પ્રભુના દરવાજા બધા માટે ખુલ્લા છે.’ આવી અનેક ઘટનાઓને લઈને ડો. આર્નોલ્ડ ટો. એન. બી., રોમા રોલા, પ્રો. મેક્સ મુલર, વગેરે સંસારના ઇતિહારકારો અને વિદ્વાનો શ્રી રામકૃષ્ણ દેવને સમસ્ત જગતનાં આભૂષણ રૂપે આલેખે છે. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી શ્રી મા શારદાદેવી જયારે હાથમાંના સોનાની બંગડીઓ કાઢી નાંખતા હતાં ત્યારે રામકૃષ્ણ દેવે દર્શન આપીને તેમને આમ કરતા અટકાવ્યા અને કહ્યું, ‘ હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’ આ પછી કેટલાય ને દર્શન થયાં છે, થઈ રહ્યાં છે.
ઈશ્વર તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેનો સૂક્ષ્મ દેહ ચિન્મય હોય છે. તેમના ભૌતિક દેહમાં પણ અલૌકિક તત્વ હોય છે. એટલે જ તો સ્વામી વિવેકાનંદજી શ્રી રામકૃષ્ણ દેવનાં દેહનાં અવશેષને જે તાંબાના પાત્રમાં સાચવી રાખેલા તેને આત્મારામનું પાત્ર કહેતા. આ પાત્રની સાચવણીની તેમણે ઘણીવાર પરીક્ષા કરી. તેને અનન્ય શ્રદ્ધાથી તેઓ જોતા. તેથી ત્રીજી પંક્તિમાં લખ્યું છે, ‘હે પ્રભુ, તમે મનુષ્યને પાપ દોષોથી મુક્ત કરનાર છો, જગતનાં ભૂષણરૂપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો.’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 6, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

‘અરે નરેન્દ્ર, તને હજી ખાત્રી નથી થતી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણ રૂપે આ દેહમાં બિરાજે છે.
શ્રી રામકૃષ્ણ આરતીની પહેલી પંક્તિમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ खंडन भवबंधन जगवंदन वन्दित्वोमाय એવું લખીને પહેલી જ પંક્તિમાં કહ્યું કે, ‘હે ભવબંધનનું ખંડન કરનાર, જગતનાં વંદનીય હું આપને વંદન કરું છું’. કે ભવબંધનનું ખંડન કરે છે એમ કહેનાર સ્વામી વિવેકાનંદ્દ બહુ જ સમજપૂર્વક અથવા વિચક્ષણતાથી આ આરતીની બીજી પંક્તિમાં કહે છે, ‘निरंजन नररूपधर निर्गुण गुणमय’ એટલે કે તમે નિરંજન છો, તમે નરરૂપ ધારણ કરેલ છે, નિર્ગુણ છતાં તમે સગુણોના આશ્રયી છો.
નિર્ગુણ, નિરાકાર સચ્ચિદાનંદ્દ બ્રહ્મ અનંત હોવા છતાં સમય, સ્થિતિ અને કાળની સીમાથી આવૃત થઈ ઈશ્વર થાય છે અને એ જ ઈશ્વર અવતરણ કરે છે, શ્રી રામરૂપે, શ્રીકૃષ્ણરૂપે, શ્રી રામકૃષ્ણરૂપે. નિરંજન હોવા છતાં નરરૂપ ધારણ કરે છે. નિર્ગુણ હોવા છતાં ગુણોનો આશ્રય લે છે. શ્રી રામ અને શ્રીકૃષ્ણના આવિર્ભાવની જેમ શ્રી રામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો.
પિતા ખુદીરામ ચટ્ટોપાઘ્યાયને ગદાધર વિષ્ણુ ભગવાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, ‘હું તારે ત્યાં જન્મ લઈશ.’ માતા ચંદ્રમણી દેવીને જુગીના શિવમંદિરમાં વિચિત્ર દિવ્ય અનુભવ થયો. શિવલિંગમાંથી જ્યોતિ તેમના ઉદરમાં પ્રવેશી. બાળક ગંગાધરની બાળલીલા શ્રી કૃષ્ણની વૃંદાવનલીલા જેટલી જ મધુર, દિવ્ય અને અલૌકિક હતી. શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં સ્વામી શારદાનંદ મહારાજે શ્રી રામકૃષ્ણદેવની દિવ્ય લીલા નું વર્ણન કરતા પહેલા જાતે હકીકતોની ચકાસણી કરી હતી તે નોંધવા જેવું છે. એમ કહેવાય છે કે ઈશ્વર જ્યારે અવતરે છે, મનુષ્ય લીલા કરે છે, ત્યારે એવો તો આબેહૂબ અભિનય કરે છે કે લોકો સંશયગ્રસ્ત થઈ જાય છે. ઈશ્વર જયારે નરરૂપ ધારણ કરે ત્યારે પોતે માયાનો આશરો તો લે છે, પણ માયાથી પ્રભાવિત થતા નથી. નિરંજન રહે છે. શ્રી રામકૃષ્ણદેવ સુંદર ઉદાહરણ આપી આ વાત સમજાવે છે.
સાપના મુખમાં ઝેર હોય છે. આથી અન્ય લોકો આ ઝેરથી પ્રભાવિત થાય છે. પણ સાપને પોતાને કંઈ થતું નથી. આ જ રીતે સાધારણ જીવ કર્મોના બંધનને લીધે જન્મ ગ્રહણ કરે છે.પણ ઈશ્વર કાર્માધ્યક્ષ હોવાથી બંધનોથી પ્રભાવિત થતા નથી અને નિરંજન રહે છે. નિર્ગુણ હોવા છતાં ત્રિગુણાત્મિકા માયાનો આશ્રય લે છે અને ગુણમય બને છે. શ્રી રામકૃષ્ણ દેવમાં કેટલા બધા દિવ્ય ગુણોનો વિકાસ થયો હતો તે ગણવા બેસીએ તો યાદી ટૂંકી પડે. શ્રી રામકૃષ્ણ દેવને બહુ ઓછા લોકો અવતારરૂપે જાણી શક્યા. સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ દેવનાં અનુયાયીઓ પાસે તેમને અવતાર રૂપે સ્વીકારવા જોઈએ એવો આગ્રહ રાખતા ન હતા.
એકવાર સ્વામીજીના એક શિષ્યે તેમને કહ્યું, કે ઘણા લોકોને હજી એવો વિશ્વાસ નથી કે, રામકૃષ્ણ દેવ ઈશ્વરનો અવતાર છે. ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘તમે એમ માનો છો કે આમ માનવું સહેલું છે? અમારા પ્રભુનાં પોતાના પવિત્ર મુખેથી જ આ વાત વારંવાર સાંભળવા છતાં અમને હજુ પૂર્ણ શ્રદ્ધા બેઠી નથી. અને અવાર-નવાર શંકા અને નિરાશાથી અમારા મન ખળભળી ઉઠે છે. તો બીજાઓની આમ શ્રદ્ધા મંદ હોય તો તેમને શું કહીએ? આપણા જેવા જ શરીર વાળો એક માણસ સાક્ષાત ઈશ્વર છે એ વાત કહેવી અને માનવી ખરેખર કઠિન છે. આપણે તેને પૂર્ણ માનવ કે બ્રહ્મજ્ઞાની હદ સુધી જઈ શકીએ. ભલે, તમે તેને સંત કહો, બ્રહ્મજ્ઞાની કહો કે બીજું ગમે તે કહો તેનો કશો વાંધો નથી. મારી પાસેથી એટલું જાણી લેજો કે શ્રી રામકૃષ્ણ જેવો પરમ પૂર્ણ માનવી આ પૃથ્વી ઉપર કદી અવતર્યો નથી. જગતનાં ગાઢ અંધકારમાં આજના યુગ માટે મહાપુરુષ પ્રકાશનો ઉજ્જવળ સ્તંભ છે. હવે તે પ્રકાશ વડે જ માનવ સંસાર સાગર તરી શકશે.’ સ્વામીજીની આ ઉક્તિ તેમની ગુરુ પ્રત્યેની અંધભક્તિનું દ્યોતક નથી. તેને વિભિન્ન રૂપે શ્રી રામકૃષ્ણ દેવની પરીક્ષા કરી હતી અને પછી જ તેમને સ્વીકાર્યા હતા.
શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સરનો રોગ થયો ત્યારે તેમને કોલકતાના કાશીપુરનાં બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા. 16 મી ઓગસ્ટ 1986 ના રોજ તેમણે આજ બગીચામાં મહાસમાધિ લીધી, તેના બે દિવસ પહેલાની વાત છે. કોલેજના કેટલાક યુવકો તેમની રાત-દિવસ સેવા કરી રહ્યા હતા, તેમાંના એક હતા નરેન્દ્રનાથ. જેને પછીથી આપણે સ્વામી વિવેકાનંદના નામથી ઓળખ્યા. શ્રી રામકૃષ્ણદેવની પથારી પાસે ઊભા હતા ત્યારે એક ભયંકર સંશય તેમના મનમાં જન્મ્યો. લોકો તો શ્રી રામકૃષ્ણને ઈશ્વરનો અવતાર માને છે. તેઓ પોતે ઈશ્વરનો અવતાર છે એવું અનેક વાર બોલી ચૂક્યા છે. પરંતુ તો પછી આવી શારીરિક પીડા અને અસહ્ય વેદના તેઓ કેમ ભોગવી રહ્યા છે? આ અવ્યવસ્થામાં પણ જો તેઓ કહી શકે કે, હું ઈશ્વરનો અવતાર છું તો જ હું એને સાચો માનું. નવાઈની વાત, નરેન્દ્રનાથનો વિચાર પૂરો થયો ન થયો કે તરત જ શ્રી રામકૃષ્ણદેવ એમનાં તરફ ફર્યા અને પૂર્ણ શક્તિથી સ્પષ્ટ રીતે બોલ્યા. ‘અરે નરેન્દ્ર, તને હજી ખાત્રી નથી થતી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણ રૂપે આ દેહમાં બિરાજે છે અને એ પણ તારી વેદાંતની દૃષ્ટિથી નહીં.’ નરેન્દ્ર નાથ તો આ સાંભળીને ભોંઠા પડી ગયા. અને આવી શંકા કરવા માટે પસ્તાવો કરવા લાગ્યા. એટલે જ સ્વામીજીએ શ્રી રામકૃષ્ણની આરાર્તિક સ્તવનની બીજી પંક્તિમાં લખ્યું,.. ‘તમે નિરંજન છો, તમે નરરૂપ ધારણ કરેલ છે, અને નિર્ગુણ છતાં તમે સદગુણોના આશ્રયી છો’. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Apr 28, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી શકો.
વિશ્વભરના અનેક ઘર અને મંદિરોમાં પાવનકારી સંધ્યાની વેળાએ શ્રી રામકૃષ્ણ દેવની આરતીનો પ્રારંભ થાય છે. સૌ તેમાં તલ્લીન થઈને ગાય છે. જેને શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન કહેવામાં આવે છે.
આ અમર સ્તવનના રચયિતા બીજા કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદજી પોતે હતા. એમાં પારંપરિક સંગીતની ધ્રુવ શૈલી છે. અને પરિણામે આ સ્તવન લયબદ્ધ, અને તાલબદ્ધ બન્યું છે. વાત એવી છે કે સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા ફર્યા તે પછી બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષે સ્વામીજીને રામકૃષ્ણ દેવ વિશે ગ્રંથ લખવાનો અનુરોધ કર્યો. આ વાત સાંભળીને સ્વામીજી થોડા મુશ્કેલીમાં મુકાયા હોય એવી રીતે કંપિત સ્વરે કહેવા માંડ્યા કે, “ એ વાત મારાથી શક્ય નથી. તમે આગ્રહ કરો તો હું સાગરને સુકવી નાખવાનું પસંદ કરું, તમે આગ્રહ કરો તો પર્વતોના ચુરે ચુરા કરી શકું, પણ શ્રી રામકૃષ્ણદેવનું જીવન ચરિત્ર લખવું મારા માટે શક્ય નથી. અરે, ગુરુદેવની અનંત મહિમાને હું સમજ્યો છું જ કેટલો?” એમણે તો ત્યાં સુધી કહ્યું કે, “તમે શું એવું ઈચ્છો છો કે શિવની મૂર્તિ ઘડવાનું મને કહેવામાં આવે અને હું વાનરની મૂર્તિ ઘડી બેસું? ના ના.. મારાથી તો એ નહીં બને.” થોડો સમય સન્નાટો છવાઈ ગયો. આપણે એમ માનીએ કે રામકૃષ્ણ દેવને સૌથી વધુ ઓળખનાર કોઈ હોય તો એ સ્વામી શ્રી વિવેકાનંદ હોઈ શકે. અને એ વાત ખોટી ન હતી, એ વાત સાચી હતી.
અને ખરેખર સ્વામીજીએ શ્રી રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર ન લખ્યું. પણ એમના મનની અંદર એવું રહેતું હશે કે, મારા ગુરુના જીવનને વર્ણવવાને બદલે ગુરુની શીર્ષસ્થ પ્રતિભા અને બહુ મોટી દૈવી આભાને વર્ણન કરતું હોય તેવું કશુંક હું રચું. એમ વિચારીને તેમણે હકીકતમાં વિશ્વને જે પ્રદાન કર્યું તે શ્રી રામકૃષ્ણ મિશન ને મઠમાં સાંધ્ય કાળે ગવાતી આ આરતી છે.
શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન માં સ્વામી શ્રી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ દેવ વિષે લગભગ-લગભગ બધું કહી દીધું. આ સ્તવન અવતારવરિષ્ઠ શ્રી રામકૃષ્ણ દેવના સર્વ શ્રેષ્ઠ ભક્ત, શિષ્ય, સ્વામી વિવેકાનંદજીની તેમના પ્રત્યેની સર્વશ્રેષ્ઠ ભાવાંજલિ છે. આ સ્તવન શ્રી રામકૃષ્ણદેવના અનંત ભાવો ને અનંત ગુણોને, અનંત લીલાને ભક્તો સમક્ષ પ્રગટ કરે છે. અને તેઓના મનને ઉચ્ચ ભાવસ્થિતિમાં પ્રસ્થાપિત કરે છે. આ સ્તવનમાં ભાવ, સંગીત, લય, તાલ, બધું અનન્ય છે. સ્વામી શ્રી નિખીલેશ્વરનંદજી મહારાજ તો એવું કહે છે કે, “શ્રી રામકૃષ્ણ દેવનાં દિવ્ય ચરિત્રને તત્વથી સમજવાની ગુરુચાવી આ સ્તવનમાં છે. શ્રી રામકૃષ્ણ દેવના જીવન દર્શનની, ભાવોની, સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા પણ આ સ્તવનમાં સાંપડે છે.”
સમજવાનું એ છે કે, સ્વામી વિવેકાનંદ ધર્મ સંકીર્ણતા અને સંપ્રદાયિકતાના વિરોધી હતા. રામકૃષ્ણ દેવ વિશે લખાયેલ હોવા છતાં આ સ્તવનમાં કોઈપણ જગ્યાએ રામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ નથી. આમ જાણે કે, આપણને એમ લાગે કે આ એક પરમ તત્વ માટેની સાર્વભૌમિક પ્રાર્થના છે. દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે. કારણ કે એમણે જે ગુણોનું વર્ણન કર્યું છે તે ગુણો એક અવતારને, ઈશ્વરના કોઈપણ રૂપને, આપણી સમક્ષ ખડું કરે છે. આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી શકો.
કહેવાય છે કે આ સ્તવન જયારે પહેલી વાર ગવાયું ત્યારે એ સ્થળ હતું નીલાંબર મુખર્જીનું મકાન કે જ્યાં મઠની સ્થાપના થયેલી. ગંગાને કાંઠે આવેલ આ જગ્યા ત્યારે નિર્માણાધીન થઈ રહેલ બેલુર મઠની પાસે એટલે કહો કે તે પછી બેલુર મઠનો એક ભાગ બની ગઈ. અને પ્રસંગ હતો 22 ફેબ્રુઆરી 1898નો શ્રી રામકૃષ્ણ દેવની જન્મતિથિનો. એ ભોગ આરતીનાં સમયે જયારે આ સ્તવન ગવાયું ત્યારે સ્વામી વિવેકાનંદ પોતે તેમના ગુરુભાઈઓની સાથે ભાવવિભોર થઇ નૃત્ય કરવા લાગ્યા. સ્વામી વિવેકાનંદ પોતે પખવાજ લઈ આ સ્તવન ગાતા હતા ત્યારે કેવું અનેરું આધ્યાત્મિક ભાવભીનું વાતાવરણ સર્જાઈ ગયું હશે એ બધું કલ્પનાતીત લાગે છે.
આજે તો સંધ્યા આરતી ટાણે રામકૃષ્ણ મઠ અને મિશનનાં દેશ-વિદેશમાં આવેલ શાખા કેન્દ્રોમાં અને દેવના પ્રભાવ હેઠળ ચાલી રહેલ અનેક અનૌપચારિક કેન્દ્રોમાં, તો ક્યારેક ભક્તોના ઘરમાં સમૂહ સ્તવન ગવાય છે. ક્યાંક હાર્મોનિયમનો ઉપયોગ થાય છે, ક્યાંક ઓરગનનો ઉપયોગ થાય છે, તો ક્યાંક વળી પ્રિ-રેકોર્ડેડ કેસેટનો ઉપયોગ થાય છે. શ્રી રામકૃષ્ણ દેવ માટેના આ આરતી સ્તવનમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ એક પછી એક પંક્તિમાં રામકૃષ્ણ દેવની કેવી પ્રતિષ્ઠા કરી છે !!
દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે એ રીતે એમાં ઈશ્વરીય દિવ્યતાનું વર્ણન છે તેથી આપણે તેની એક એક પંક્તિને સદૃષ્ટાંત સમજીશું. એ બહાને આપણે ઈશ ગુણોનું ચિંતન કરી શકીશું. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Apr 19, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

તક આપો, ટક ટક નહીં; જો રોકટોક તો સામે મળશે ધૂત્કાર….;જેવો ધ્વનિ તેવો પડઘો; અને પરિણામે જેવા મમ્મી–પપ્પા, તેવું તેનું સંતાન !!
હવે એવા તબક્કાઓની વાત કરવાની છે કે જેમાં કેવળ માતા પિતાના વર્તન વ્યવહારો જ બાળકને ઘડશે અને ફલત: મમ્મી પપ્પાને એવું જ સંતાન મળશે જેવા તેઓ બંને હશે. જરા વધુ ગંભીરતાથી વિકાસમાં ઊંડા ઉતરીએ.
સમવયસ્કો તરફ ઝોક)
એને એમના મનની અંદર જે પ્રશ્નો છે એ એમને કોઈકને પૂછવા છે પણ એ માતા પિતા ને વડીલ ગણીને પૂછતો નથી. શિક્ષકોને પૂછી શકાય એવું વાતાવરણ કમનસીબે આપણે શાળાઓમાં બનાવી શક્યા નથી, એટલે આ સમય દરમિયાન આ સંતાન પોતાના સમવયસ્કો એટલેકે Peer Group તરફ વળે છે. અનફોર્ચ્યુનેટલી સમવયસ્કો પણ એના જેટલું જ ઓછું જાણે છે.
આપણી જવાબદારી ત્રણ ગણી )
તારુણ્યવસ્થાનો આ ગાળો જે બાર થી ઓગણીસ વર્ષ સુધીનો છે એ દરમિયાન આપણને આપણા દીકરા કે દીકરીનું બિહેવિયર થોડું વિચિત્ર લાગે છે. હવે તે સામા પ્રશ્નો વ્યક્ત કરે છે, હવે તે અણગમો વ્યક્ત કરે છે, હવે તેને ભાઈબંધ અથવા બહેનપણીના મમ્મી પપ્પા વધુ સારા લાગે છે. તેને ભણવું ગમે છે કે નથી ગમતું એ આપણને ખ્યાલ નથી આવતો અને તેથી આ સમયમાં આપણી જવાબદારી ત્રણ ગણી વધે છે
અહીં સાચવવું જ પડશે)
એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે આ છઠ્ઠો, સાતમો અને આઠમો તબક્કો એ હકીકતમાં તરુણાવસ્થાના જ તબક્કા છે. જેની અંદર પૂર્વપુખ્તાવસ્થા પણ આવે છે અને મધ્યપુખ્તાવસ્થા આવે છે. એટલે કે તમે પુખ્ત થવા તરફ આગળ વધી રહ્યા છો અને બીજા તબક્કામાં તમે પુખ્તાવસ્થાના મધ્યાહન ઉપર છો. બરાબર યાદ રાખવા જેવું છે કે આ તબક્કાઓ સાચવવા જ પડશે.
તક આપો, ટક ટક નહીં)
આપણને પ્રશ્ન થાય કે આ વિકાસના આઠ તબક્કા તો જાણ્યા પણ એ દરમ્યાન માતા પિતા તરીકે અમારે વિશેષ કઈ કાળજી રાખવી ? ઉદાહરણ તરીકે વાત કરું, બાળકોને વાસ્તવિક ધ્યેય નક્કી કરવાની અને તે દિશામાં કામ કરવાની તક આપો. તમારું ધ્યેય એની ઉપર થોપી ન બેસાડો. નાના નાના task થી શરૂઆત કરો અને ત્યારબાદ લાંબા task માં આગળ વધો.
આપણે જ રોપનાર…)
આપણા બાળકમાં કેટલાક ગુણો અથવા કેટલાક દોષ આપણે પોતે રોપી રહ્યા છીએ. યાદ રાખવા જેવું છે કે આપણું જીવન, આપણા જીવનવ્યવ્હારો, એકબીજા સાથે વાતચીત કરવાની પદ્ધતિઓ અને જીવનને હકારાત્મક કે નકારાત્મક લેવાની આપણી રીત આપણે આપણા બાળકને આપી રહ્યા છીએ.
જો રોકટોક તો ધૂત્કાર….)
જો આપણું બાળક રોકટોકમાં જીવશે તો તે સૌને ધૂત્કારતા શીખશે.
જો વિરોધ કે અવગણના તો લડાઈ કે ઝઘડા..)
જો આપણું બાળક સતત વિરોધ અને અવગણનાની વચ્ચે જીવશે તો તે સૌની સાથે, દરેક પ્રસંગે લડતા ઝઘડતા શીખવાનું છે.
…મેણાંટોણાં શંકાશીલતા…)
જો બાળક મેણાં ટોણાંમાં જીવશે તો સદા શંકાશીલ બનશે. કોઈના માટે કશું બોલવું એ બાળકમાં એક પ્રકારની શંકાને જન્મ આપતું હોય છે.
શરમજનકની અસર દોષિતની લાગણી)
આપણે ઘરના લોકો એકબીજાને વારંવાર શરમજનક પરિસ્થિતિમાં મૂકવા ટેવાયેલા હોઈએ તો આપણને જોઈને આપણું બાળક પોતાની જાતને દોષિત માનવા લાગશે.
સહનશીલતા આપે ધીરજ)
જો બાળક સતત સહનશીલતાના વાતાવરણમાં ઉછરશે તો બાળક ધીમે ધીમે ધીરજ એટલે કે ધૈર્યવાન બનવા તરફ અવશ્ય પ્રયાણ કરશે.
પ્રોત્સાહન + પ્રેરણા = આપશે આત્મવિશ્વાસ)
જો મમ્મી અને પપ્પા બાળકને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહે તો બાળકમાં આત્મવિશ્વાસ ખુબ વધશે.
પ્રોત્સાહક ટેકો કરવાથી તે કદર સુધી…)
બાળક જો ઉત્તેજન વચ્ચે જીવશે તો તે પોતે પણ અન્યની કદર કરતા શીખશે.
પ્રામાણિક વ્યવહારથી ન્યાય)
બાળક પ્રામાણિક વ્યવહારની વચ્ચે જીવશે તો તે પોતે પણ ધીમે ધીમે ન્યાય તરફ વળશે
સપોર્ટ અને કદરથી ભરોસો )
જો સંતાન સતત અનુમોદન/સપોર્ટ/કદર/અપ્રીશિએશનની વચ્ચે જીવતું હોય તો તે પોતાના ઉપર ભરોસો કરતા શીખી જશે.
મૈત્રી ને આવકાર..તો .. પ્રેમ )
સંતાન મૈત્રી અને આવકારના વાતાવરણમાં સતત જીવતું રહે તો જગતને પ્રેમ કરતા શીખશે
જેવો ધ્વનિ તેવો પડઘો)
તમે જેમ જીવવાના છો, તમે જે ધ્વનિ આપવાના છો એનો જ પડઘો તમારું સંતાન કે વદ્યાર્થી તમને પાછો પાડી આપવાનો છે.
જેવા મમ્મી–પપ્પા, તેવું તેનું સંતાન)
મારું સંતાન કેવું થશે એ હું નક્કી કરીશ.
મારું સંતાન ભવિષ્યમાં કેમ વર્તન કરશે તે મારા વર્તન ઉપરથી નક્કી થશે.
ઈશ્વરના અંશનું હૃદયના પુરા ઉમળકાથી સ્વાગત–સ્વીકાર–સત્કાર…
by Bhadrayu Vachhrajani | Apr 13, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

સંતાનના તારુણ્યને જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.
આપણે આપણા બાળકના સંવેદનશીલ પૂર્વ પુખ્તાવસ્થા થી લઈને તેના તારૂણ્ય ની તાસીરની આજે વાત કરવાના છીએ.
સબંધો માટે લાગણી)
સંતાનના વિકાસનો છઠ્ઠો તબક્કો એને પૂર્વ પુખ્તાવસ્થા કહે છે. એટલે પ્રિ મેચ્યોરિટીનો સમય. જો વ્યક્તિ પોતાના નજીકના સંબંધની લાગણી પ્રાપ્ત કરી શકે આ ગાળા દરમિયાન તો એમાંથી એને એવું શીખવા મળે છે કે હું પણ અન્ય વ્યક્તિઓ સાથે નજીકના સબંધો કેળવી શકું તેમ છું.
જેવો ઈનપુટ તેવો જ આઉટપુટ )
એનો અર્થ એવો થયો કે એમને સંબંધની જેવી લાગણી આપણે input તરીકે આપીશું તેવી જ સંબંધની લાગણી એ બીજા પ્રત્યે પણ દર્શાવવાનો પ્રયાસ કરશે અને અન્ય સગા સંબંધીઓ સાથે લાગણીનો વિનિયોગ કરશે. જો એમાં નિષ્ફ્ળતા મળે તો પછી સંતાન એકલતાવાદી થઈ જાય છે, પોતાનું કોઈ નથી કે જેના ઉપર આધાર રાખી શકે એવી ભાવના અહીં વિકસે છે.
એકલતાનો અહેસાસ એકલતા જ )
આપણે સમજી શકીએ છીએ કે બહુ નાની નાની અને ઝીણી ઝીણી વાતો પણ આપણા સંતાન ઉપર અસર કરવાની છે. મારી લાગણી હું કેમ વ્યક્ત કરું છું એ પ્રમાણે શીખીને જોઈને અવલોકન કરીને મારું સંતાન પણ પોતાની લાગણી અભિવ્યક્ત કરતા શીખશે. મને જો એકલતા સાલતી હોય તો એ એકલતા હું મારા સંતાનમાં પણ ટ્રાન્સફર કરું છું અને એના ઉપર એવી ભાવનાનો વિકાસ થવા દઉં છું.
સર્જનશીલતા અથવા સ્થગિતતા)
વિકાસનો સાતમો તબક્કો એ મધ્યપુખ્તવાસ્થાનો છે. એટલે કે મેચ્યોરિટી મધ્યાહન ઉપર પહોંચી છે આ બહુ disturbing તબક્કો છે. એક તરફથી સર્જકતા ઉછાળા મારે છે તો બીજી તરફથી સ્થગિતતા એટલે કે સ્ટેગનેશન પણ ભાર દઈ રહ્યું છે. આ વયે સમાજ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ સ્થિર થયું હોય છે, અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારવા તે તૈયાર થાય છે.
જવાબદારી સ્વીકારે તો પ્રોડક્ટિવ બને )
સાતમા તબક્કામાં જે મધ્યપુખ્તાવસ્થાનો સમય છે જેમાં અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારનાર જે સંતાન બને જે વધુમાં વધુ પ્રોડક્ટિવ બને છે અને ભવિષ્યમાં સુખી બને છે. અને એમાં જે નિષ્ફ્ળ જાય છે એ સંતાન self-centered એટલે કે સ્વ કેન્દ્રી બનવા લાગે છે. એ માત્ર પોતાનું વિચારીને જીવવાનો માર્ગ પસંદ કરે છે.
પરિપૂર્ણતાનું ટાણું )
વિકાસનો આઠમો તબક્કો એ ઉત્તરપુખ્તાવસ્થાનો છે અને આ આપણા સંતાનની વિકાસની છેલ્લી કળી છે. અહીં પરિપૂર્ણતા છે, ફુલફિલમેન્ટ છે પણ એની સામે જો ફુલફિલમેન્ટ ન મળે તો નિરાશાનો બહુ મોટો ભય રહેલો છે. આપણે અહીં વિશેષ કાળજી લેવાની જરૂર છે.
જીવન સંતોષપ્રદ તો આનંદ આનંદ)
Post maturity એટલે કે પુખ્તાવસ્થા પૂર્ણ થયા પછીના ગાળામાં વ્યક્તિનું જીવન જો સંતોષપ્રદ હોય અને પોતાની તથા બીજાની સાથે એકાત્મકતાની લાગણી પ્રાપ્ત કરી હોય તો તેની વૃદ્ધાવસ્થા આનંદપૂર્ણ પસાર થાય છે. પરંતુ જો તે અનુભવે કે તેનું જીવન નિષ્ફ્ળતાઓથી ભરેલું છે તો તે જીવનભર નિરાશામાં ગરકાવ થાય છે.
તારુણ્યની તાસીર)
આ તબક્કો બહુ મહત્વનો છે કારણ કે અહીંથી બાળકની તરુણાવસ્થાનો આરંભ થાય છે. તારૂણ્ય એ શારીરિક , માનસિક અને સાંવેગિક ઘોડાપુરનો સમય કહેવામા આવે છે. અને પરિણામે આ સમય જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.
તારૂણ્ય Teen age )
તરુણાવસ્થા એક જુદી માટીનો સમય છે જેને તારુણ્યની તાસીરનો સમય કહેવાય છે એને અંગ્રેજીમાં Teen age કહેવાય છે કે જયારે આપણા સંતાનની ઉંમરમાં અંગ્રેજી સ્પેલિંગમાં પાછળ ટીન આવે છે. થર્ટીન, ફોર્ટીન, ફિફટિન, સિક્સટીન, સેવન્ટિન, એઈટીન, નાઈન્ટીન. આ ટીન એ સંવેગોની ઘંટડી છે.
જાતીય પરિપક્વતાનો આરંભ)
તરુણાવસ્થા એટલે બાર વર્ષથી અઢાર, ઓગણીસ વર્ષ સુધીનો સમયગાળો એટલે કે તારૂણ્ય એટલે Teen age આ સમયગાળામાં સંતાન જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે એટલે કે સેક્સ્યુઅલી મેચ્યોરેશનનો આ ગાળો ગણવામાં આવે છે. તરુણ પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. આ ગંભીર તબક્કો છે.
અભિવ્યક્તિની ગૂંગળામણ)
તારૂણ્ય એ ગંભીર તબક્કો એટલા માટે છે કે આ સમય દરમિયાન એટલે કે બાર વર્ષ પછી આપણને એમ લાગે છે કે આપણું સંતાન આપણાથી દૂર જવા લાગ્યું છે. ધીમે ધીમે ઈન્ટ્રોવર્ટ થવા લાગ્યું છે કારણ એ છે કે એના શરીરમાં એવા ફેરફારો થઈ રહ્યા છે કે જે બાળક અનુભવી શકે છે પણ એ કોઈને અભિવ્યક્ત કરી શકતો નથી. અભિવ્યક્તિની ગૂંગળામણનો આ સમય છે.
કોમ્યુનિકેશન ક્યારેય બંધ ન જ કરશો.)
પેરેન્ટ્સ તરીકે આપણે એ ચિંતા કરવાનો સમય છે કે આ ગાળા દરમિયાન આપણા સંતાન સાથે પ્રો – એક્ટિવ કોમ્યુનિકેશન આપણે બંધ ન કરીએ. એમને પ્રશ્નો ન પૂછીએ, એમને આ કેમ થયું ને શું થયું, તે કેમ કર્યું એવું કશું ન પૂછીએ પરંતુ એને ‘હાય હેલો’ કહીએ અને એમને જે કંઈ ગમે છે એવી વાતોથી પ્રત્યાયન જાળવી રાખીએ.
પૂછવું કે કહેવું કોને ?)
હા, આપણી જવાબદારી બને છે કે આપણા સંતાન સાથે આત્મીયતાનો દોર બરાબર બાંધીને રાખીએ. આ સમય છે કે તે એવા ફેરફારો અનુભવી રહ્યો છે કે જેના માટે તેને બધી વિચિત્રતા લાગે છે. એને ખ્યાલ આવે છે કે મારો અવાજ ઘાટો થઈ રહ્યો છે. દીકરી હોય તો એને થાય છે કે અવાજ તીણો થઈ રહ્યો છે. મારા ખભ્ભા ગોળ અથવા ચોરસ થઈ રહ્યા છે પણ આ બધું એ પૂછે અથવા કહે કોને ? (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Apr 6, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

દોઢ વર્ષ સુધી બાળક અન્ય પર આધારિત છે પણ તરુણ થતાં સુધીમાં તો તે પોતાની ઓળખ સ્પષ્ટ કરવા મથે છે.
આપણે આપણા આંગંણે ભર્યું ભર્યું કરવા પધારનાર દેવદૂત સમાન સંતાનનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. મમ્મી અને પપ્પા બંનેનું આ સંતાન અનેક વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે તેની ટૂંકમાં પણ મુદ્દાસર વિગતો મેળવવા માટે આહોનો અને હવેના બે લેખો ખુબ ઉપયોગી સિદ્ધ થનાર છે, એટલે આપણે સ્વસ્થ ચિત્તે તેનું ગ્રહણ કરીએ તેવી અપેક્ષા છે.
આવો, આપણે વિકાસના તબક્કાઓ તરફ વળીએ..
આંતરક્રિયાથી આગળનું જીવન)
બાળકના જન્મના સમયથી ૧૮ માસ સુધી એટલે કે બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધીમાં એમને ખોરાક, કપડાં પહેરવા, બહાર જવું વગેરે બાબતમાં બીજા પર આધારિત રહેવાનું હોય છે. માતા પિતા તેને ઝુલાવે છે, તેની સાથે વાતો કરે છે, રમે છે આ આંતરક્રિયા તેના આગળના જીવનના વલણો નક્કી કરે છે.
વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ )
બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધીમાં જો શિશુની શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો સંતોષાય તો તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ મૂકતા શીખે છે અને જો ન સંતોષાય તો તેની આસપાસના લોકો અને વસ્તુઓ ઉપર અવિશ્વાસ ઊભો થાય છે અને બાળક ભયભીત બને છે એટલે કે આ તબક્કો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો છે.
પ્રોત્સાહન અને શિસ્તપાલનનું સાતત્ય )
વિકાસનો બીજો તબક્કો એ અઢાર માસથી ત્રણ વર્ષની ઉંમરના સમયગાળાનો છે. એટલે કે દોઢ વર્ષનું બાળક ત્રણ વર્ષનું થાય એ દરમિયાન બાળક ચાલતા, બોલતા શીખે છે અને પોતાની જાતે કામ કરે છે. ત્યારે માતા પિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્તપાલનના આગ્રહમાં સાતત્ય બાળકના સ્વાયતતા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.
સ્વાયતતા વિરુદ્ધ શરમ )
પણ હા, આ દોઢ વર્ષથી ત્રણ વર્ષ સુધીના ગાળામાં જો માતા પિતા વધુ પડતું રક્ષણ આપનારા કે શિસ્ત પાલનના આગ્રહમાં અસાતત્ય દર્શાવનારા કે પછી ઓછી સ્વીકૃતિ આપનારા હોય તો બાળક શંકાશીલ બને છે અને પોતાને માટે શરમ અનુભવે છે. આ બીજો ગાળો એ સ્વાયતતા વિરુદ્ધ શરમનો ગાળો છે તે જરા મનમાં રાખી લઈએ.
પ્રોત્સાહનની અપેક્ષા)
બાળકના વિકાસનો ત્રીજો તબક્કો ત્રણ વર્ષથી છ વર્ષ સુધીનો છે અને આ તબક્કાને પહેલ કરવી એટલે કે પ્રપોઝ કરવું, આગળ વધવું વિરુદ્ધ અપરાધભાવનો તબક્કો કહેવામાં આવે છે. આ સમયગાળામાં બાળક અજાણી જગ્યા શોધે છે, નવા લોકોને ઓળખે છે, રખડવું તેને ગમે છે અને આ બધા માટે એને મા બાપ તરફથી પ્રોત્સાહનની અપેક્ષા છે.
પહેલ કરવી વિરુદ્ધ અપરાધભાવ)
ત્રીજા તબક્કામાં જો મા બાપ તરફથી બાળકની શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેનામાં પહેલ કરવાની વૃત્તિ વિકાસ પામે છે. પરંતુ માતાપિતા તેને તેમાં અવરોધ કરે તો બાળક જયારે જયારે સ્વતંત્ર કામ કરવાના પ્રયત્ન કરે ત્યારે ત્યારે પહેલા અપરાધભાવ અનુભવે છે. આ અસર જીવનના છેલ્લા તબક્કા સુધી રહે છે અને બાળક ઈન્ટ્રોવર્ટ બનતું જાય છે.
ઉદ્યમની ભાવનાનો વિકાસ)
બાળવિકાસનો ચોથો તબક્કો એ છ થી બાર વર્ષ વચ્ચેનો છે. છ થી બાર વર્ષ સુધીમાં બાળક પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતા શીખી જાય છે. જો તેને પ્રોત્સાહન મળે તો બાળકમાં પરિશ્રમની કે ઉદ્યમની ભાવના વિકસે છે, સમસ્યા ઉકેલવામાં અને કાર્ય પૂર્ણ કરવામાં આનંદ અનુભવે છે.
પરિશ્રમ વિરુદ્ધ લઘુતા)
છ થી બાર વર્ષનું બાળક પરિશ્રમ વિરુદ્ધ લઘુતા માટે કામ કરી રહ્યું છે. એ પરિશ્રમને જો તમે મહત્વ આપશો તો એ જીવનની અંદર ઉદ્યમ અને પરિશ્રમનું મૂલ્ય બરાબર સમજી શકશે. બુદ્ધિપૂર્ણ ઉદ્વિપકો બાળક આ સમયે શોધતું હોય છે જો એમ ન થાય તો તેનામાં લઘુતાગ્રંથિ , નિષ્ફ્ળતા અને બિનકાર્યક્ષમતા વિકસતી જાય છે.
તારણ બાંધવા તરફ..)
આ પાંચમા તબક્કામાં તરુણ અથવા તરુણી પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. એમને અગાઉ થયેલા અનુભવોના આધારે એ પોતાના અહમની ઓળખને નિશ્ચિત કરવા માંગે છે કે મારો અહમ સાચો છે કે ખોટો છે. એ પ્રશ્નો નથી પૂછતાં પણ એનું ઓબ્ઝર્વેશન, એનું અવલોકન, બારીક નિરીક્ષણ આ સમયગાળા દરમિયાન વધે છે, એમાંથી તારણ બંધાય છે.
મળેલા ઈનપુટ નું ટેસ્ટિંગ)
બાર તેર વર્ષ સુધી એમણે પ્રશ્નો પૂછીને પોતાની કેટલીક પ્રવૃતિઓ રજૂ કરીને તમારી સાથે અનુબંધ બાંધ્યો છે એમાંથી તેને ઘણા inputs મળ્યા છે. એમણે મમ્મી પપ્પાને કશુંક કરતા, કશુંક ન કરતા, ક્યારેક સાચું બોલતા, ક્યારેક સાચું ન બોલતા વિચિત્ર રીતે અનુભવ્યા છે. હવેનો ગાળો એ બધો જ ડેટા પોતાની રીતે એનાલિસિસ કરી અને પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનો છે.
એક માંથી અનેક રોલ )
હવે જો તરુણ કે તરુણી પોતાની એક ઓળખમાં તમામ ભૂમિકાઓને સુગ્રથિત નહીં કરી શકે તો પોતે ભજવવાની ભિન્ન ભૂમિકાઓ વચ્ચે ગૂંચવણ અનુભવશે એટલે કે અત્યાર સુધી એણે પોતાનો એક રોલ ભજવ્યો છે પણ હવે એને અનેક roles ભજવવાના છે અને એ રોલ માટે એ પૂર્વાનુભવ past experience નો ઉપયોગ કરે છે.
ઓળખ વિરુદ્ધ ભૂમિકા )
આપણે જે વિકાસના તબક્કાઓની વાત કરી રહ્યા છીએ તેમાં પાંચમો તબક્કો એ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અથવા તો મૂંઝવણનો તબક્કો છે. એમને પોતાની ઓળખ સ્પષ્ટ કરવી છે અને એની સામે છે પોતે અત્યાર સુધી ભજવેલી ભૂમિકા. આ બંનેની વચ્ચે એની મૂંઝવણ વધવાની છે અને એ મૂંઝવણ વધવામાંથી એણે પોતે એક નિર્ણય ઉપર પહોંચવાનું છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Mar 29, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

બાળકના જન્મથી લઈને પુખ્તતા સુધીના વિકાસના તબક્કાઓ ટૂંકમાં જાણીએ
મમ્મી અને પપ્પાએ એક મત ઉપર પહોંચ્યા પછી નક્કી કર્યું છે કે અમારે કુટુંબમાં બાળક જોઈએ છીએ. બંનેએ નક્કી કર્યું કે હવે ચાલો “આપણે આપણું કુટુંબ બનાવીએ”. એટલે આજ પછી પૂરા જીવનમાં આ સંતાન મારું કે તારું નથી આપણું છે, બંનેનું છે, સહિયારું છે તેથી સ્વાગત છે.
બાળક અવતરશે મમ્મીના ગર્ભમાંથી પણ એ વાત ન ભુલાય કે મમ્મી અને પપ્પાનો બંનેનો મનોરથ હતો કે આપણે આંગણે કલબલાટને આમંત્રણ આપીએ અને એટલા માટે બાળક મમ્મી દ્વારા જન્મવાનું છે પણ છે તો બંનેનું ! મમ્મી અને પપ્પા સહિયારી જવાબદારી નિભાવવાની આજથી શરૂઆત કરશે.
આ બાળક આપણાં આંગણે અવતરશે એ કોઈ અકસ્માત નથી. અસ્તિત્વનું બહુ મોટું આયોજન છે, પ્રકૃતિની બહુ મોટી વ્યવસ્થા છે, નિયતિની બધી ગોઠવણ છે એટલે આ સંતાન અવતરી રહ્યું છે, આજે આખું અસ્તિત્વ, પૂરી પ્રકૃતિ અને સમગ્ર નિયતિ આવી રહી છે.
એ દેવનો દૂત છે. બાળક દેવની હાજરી છે. ઈશ્વરની આપણા ઘરની અંદર સતત સતત હાજરી બાળક પૂરાવે છે. મેં અને તમે આપણું બાળપણ કેવી રીતે વિતાવ્યું તે ખબર નથી એ બાળપણને આપણી સમક્ષ રજૂ કરવા માટે બાળક અવતરી રહ્યું છે.
પૂજ્યશ્રી ડોંગરે મહારાજ તો બહુ વ્હાલથી કહે છે કે “લાલો પડખું ફર્યો ઉત્સવ ઉજવો.” લાલો કશુંક પણ કરે તો ઉત્સવ ઉજવવાનો હોય કારણ કે લાલો અમારે આંગણે છે એ જ બહુ મોટો ઉત્સવ છે. આપણા આંગણે આ લાલો એ ભગવાનનું પ્રતીક છે. એ રીતે એનું સ્વાગત કરીએ, એ રીતે એનો આદર કરીએ, એ રીતે એના પર પ્રેમ વરસાવીએ.
આધુનિક મનોવિજ્ઞાન એવું નોંધે છે કે બાળક જન્મ્યા પહેલાથી બધા જ પ્રકારના vibrations વાઈબ્રેશન્સ અનુભવતું હોય છે. હા, બાળકમાં જ્યારથી જીવ અને અંગ ઉપાંગનો વિકાસ થવા લાગે છે ત્યારથી તે બહારની દુનિયાનો અનુભવ અંદર ધીમે ધીમે લેતું રહે છે. બહાર મમ્મી રાજી થાય તો અંદર બાળક પણ રાજી થાય, બહાર મજાનું સંગીત વાગતું હોય તો અંદર બાળક પણ રાજી રાજી થઈને પ્રસન્ન હોય.
આપણી ઈતિહાસકથાઓમાં કહેવામાં આવ્યું હતું કે, જીજાબાઈએ શિવાજી માટે હાલરડું ગાયું એમાંથી એમને શૌર્યના પાઠ મળ્યા, આ વાત ખોટી નથી. આજના વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે, મા જે કાંઈ ખાય છે, પીવે છે, વાંચે છે, લખે છે, જીવે છે તેના બધાનો પ્રતિઘોષ બાળકમાં જાય છે અને એ પ્રતિઘોષ લઈને બાળક અવતરે છે.
પ્રતિઘોષ લઈને બાળક આવ્યું છે એનો અર્થ એવો છે કે બાળક મમ્મી પપ્પા બંનેને ઓળખે છે. મમ્મી પપ્પા સાથેનો એનો પરિચય છે, ગયા ભવનો પરિચય અને છેલ્લા નવ મહિનાનો ગાઢ પરિચય છે. પણ હા, હવે કાળજી પણ લેવી પડશે. જો બાળક ગર્ભમાં હતું ત્યારે બધું સમજતું હતું અને બધા vibration વાઈબ્રેશન્સ પકડી રહ્યું હતું તો એ બાળક હવે તો અવતરી ગયું છે અને બહાર અવતરીને આપણી સમક્ષ આવેલું બાળક તો અંદર રહેલા બાળક કરતા વધુ ઝડપથી vibrations વાઈબ્રેશન્સ પકડી લેવાનું છે એટલે આપણો કોઈપણ પ્રકારનો નેગેટિવ પ્રતિભાવ એ પકડી જ લેશે.
માતાપિતા બનવું એ થોડું હવે અઘરું બની ગયું છે. પણ આ અઘરું જે છે એને સહેલું બનાવવું હોય તો બે મુદ્દા બરાબર યાદ રાખજો.
૧) બાળક મારું છે અને બાળકમાં ઈશ્વર છે એ સદા યાદ રાખજો.
૨) હું જે કાંઈ કરીશ, હું જે કાંઈ બોલીશ, હું જે કાંઈ વર્તન કરીશ તેની અસર બાળક ઉપર થશે, થશે ને થશે.
તમે બંને ગઈ કાલ સુધી husband and wife હતા, પતિ અને પત્ની હતા. બાળકના અવતરવાથી તમે upgraded થયા છો. તમારો દરજ્જો મોટો થયો છે. તમે મમ્મી – પપ્પા બન્યા છો. Happy moments છે આ તમારી.. કારણ કે તમારા પોતાના અરમાનોથી તમે પોતે પદોન્નતિ પ્રાપ્ત કરી છે…
સંતાનના જન્મ પછી તરત જ તબીબો માતા સાથેનો નાળ સબંધ કાપી નાખે છે. જ્યારથી નાળ સબંધ કપાય છે ત્યારથી બાળકનો માતા સાથે પાળ સબંધ શરૂ થાય છે. એટલે કે પાલન માતા કરશે અને પિતા સાથે ભાળ સબંધ શરૂ થાય છે એટલે કે એની ભાળ – સંભાળનું કામ પિતાનું રહેશે.
આપણા સંતાન માટે અત્યારે જે કરીશું તે વર્ષો સુધી કામ લાગવાનું છે. અત્યારે જે હૂંફ આપીશું, લાગણી આપીશું, આપણો પોતાનો પ્રેમ આપીશું એ બધું એનામાં ક્યાંક ક્યાંક સમાઈ જવાનું છે અને એ જ હૂંફ એ આપણને પાછી આપશે, એ જ લાગણી એ આપણને પરત કરશે, એ જ પ્રેમ આપણી વધતી ઉંમરમાં એ વરસાવશે.
મનોવૈજ્ઞાનિક સત્ય યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિ વિકાસના કટોકટીકાળને કેટલી સ્વસ્થતાથી ઉકેલી શકે છે તેની અસર વ્યક્તિની સ્વપ્રતિમા એટલે કે self image ઉપર થતી હોય છે અને આ સમય દરમિયાન જ એ વ્યક્તિનું સમાજ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ પણ બંધાતું હોય છે. આવો આપણે બાળકના વિકાસના તબક્કાઓને ટૂંકમાં જાણીએ.
(ચિલ્ડ્રેન્સ યુનિ. ખાતે શ્રી નરેન્દ્ર મોદી ઈન્સ્પિરેશનલ લેક્ચર સિરીઝનું પ્રથમ વક્તવ્ય આપતી વખતે કરેલું ગૃહ કાર્ય )
by Bhadrayu Vachhrajani | Mar 22, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

“આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે મતદાન દ્વારા જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી.”
કન્યાકુમારીના એ દિવ્ય રોક પરની સાધનાના ફળરૂપે સ્ફુરેલા વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા ચિત્ત ઝડપથી ક્રિયાશીલ બન્યું અને સ્વામીશ્રી વિવેકાનંદજીએ શ્રી મઠ અને મિશનના ગઠનને આખરી ઓપ આપ્યો. છેવટે એ શુભ ઘડી આવી પહોંચી.
તારીખ પહેલી મે 1897 ના રોજ શ્રી રામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણદેવના ગૃહસ્થ અને સન્યાસી ભક્તોની સભાનું આયોજન કર્યું. એ દિવસનું વર્ણન કરતાં ગંભીરાનંદજી લખે છે: એ દિવસે બપોરે ત્રણ વાગ્યા પછી અનેક ભક્તો આ મકાનના બીજા માળે ભેગા થયા. બધા બેસી ગયા પછી સ્વામીજીએ બોલવાનું શરૂ કર્યું. “જુદા-જુદા દેશોમાં ફર્યા પછી હું એવી માન્યતા પર આવ્યો છું કે સંઘ વગર કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી. પરંતુ આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે મતદાન દ્વારા જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી. એ પશ્ચિમના દેશોના સ્ત્રી પુરુષો વધારે શિક્ષિત છે અને આપણા જેવા ઈર્ષાળું નથી. તેઓએ ગુણોને આદર આપવાનું શીખી લીધું છે. જુઓ ને હું તો એક સામાન્ય માણસ છું તો પણ એ લોકોએ મારો કેટલો બધો આદર સત્કાર કર્યો !! આ દેશમાં પણ શિક્ષણના પ્રસારની સાથે સાથે જ્યારે સામાન્ય લોકો પણ સુહૃદયી બની જશે, જ્યારે પોતાની માન્યતાઓની બહાર જઈને પણ પોતાના વિચારોનો વિસ્તાર કરવાનું શીખશે, ત્યારે લોકશાહી પદ્ધતિથી સંઘને ચલાવી શકાશે. આ કારણને લઈને આ સંઘ માટે એક સરમુખત્યાર અથવા તો મુખ્ય સંચાલક હોવો જોઈએ. બધાએ તેના આદેશ પ્રમાણે વર્તવાનું રહેશે. અમે લોકો જેમના નામ પર સન્યાસી થયા છીએ, આપ બધા જેમને પોતાના જીવનનો આદર્શ માનીને ગૃહસ્થાશ્રમરૂપ કર્મક્ષેત્રમાં રહેલા છો અને જેના દેહાવસનના 12 વર્ષની અંદર જ પૂર્વ અને પશ્ચિમના જગતમાં જેમના પવિત્ર નામ અને અદભુત જીવનનો આશ્ચર્યકારક રીતે પ્રસાર થયો છે, એમના નામ પર આ સંઘ સ્થપાશે. અમે બધા પ્રભુના દાસ છીએ. આપ લોકો આ કાર્યમાં સહાયક બનો.” ત્યાં હાજર રહેલા ગિરીશચંદ્ર ઘોષ અને અન્ય લોકોએ આ પ્રસ્તાવને અનુમોદન આપ્યું અને રામકૃષ્ણ સંઘની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો.
પાંચમી મેના રોજ ભરાયેલી દ્વિતીય સભામાં આ વિષયની કાર્ય પદ્ધતિ ઉપર ચર્ચા વિચારણા થઈ અને તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. તેનું નામ આપ્યું રામકૃષ્ણ પ્રચાર સમિતિ અથવા તો રામકૃષ્ણ મિશન એસોસિએશન તે સમયે નક્કી કરવામાં આવ્યું. કાર્યપદ્ધતિ પ્રમાણે ઉદ્દેશ હતો: મનુષ્ય માત્રના કલ્યાણ માટે શ્રી રામકૃષ્ણે જે સત્યનો ઉપદેશ આપ્યો અને પોતાના જીવન વ્યવહાર દ્વારા તેનું પ્રત્યક્ષ આચરણ કરી બતાવ્યું એ સત્યનો ઉપદેશ કરવો અને એ સત્ય મનુષ્યની શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કઈ રીતે સહાયક બને એ માટે પ્રચાર કરવો એ આ મિશનનો ઉદ્દેશ રહેશે. વિશ્વના બધા ધર્મો એ એક જ અખંડિત સનાતન ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે એવું જાણીને બધા ધર્મોના અનુયાયીઓ વચ્ચે આત્મીયતા સ્થાપવાના શ્રી રામકૃષ્ણદેવે શરૂ કરેલા કાર્યને વેગ આપવાનું આ સંઘનું કાર્ય રહેશે. કાર્ય પદ્ધતિ લોકોના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે વિદ્યા આપી શકે તે માટે લોકોને શિક્ષણ આપવું, કળા અને ઉદ્યોગોને ઉત્તેજન આપી આગળ વધારવા, શ્રી રામકૃષ્ણજીના જીવનના દ્વારા વ્યક્ત થયેલા વેદાંત અને અન્ય ધર્મના વિચારોનો સમાજમાં પ્રસાર કરવો. ભારતના દરેક શહેરમાં આશ્રમોની સ્થાપના કરવી. તેમાં સન્યાસીઓ અને ગૃહસ્થોને કેળવી આપવાના કાર્યમાં જીવન સમર્પણ કરનાર ગૃહસ્થીઓને તાલીમ આપવી કે જેથી તેઓ દૂર સુદૂર જઈને લોકોને શિક્ષણ આપી શકે. ભારતની બહાર દીક્ષિતોને મોકલવા, જે એ દેશોમાં સ્થપાયેલા આશ્રમો તથા ભારતીય આશ્રમો વચ્ચે ઘનિષ્ઠતા અને પરસ્પર સમજણ વધારવા તેમજ સાથે સાથે નવા આશ્રમોની સ્થાપના પણ કરવી.
સ્વામીજી પોતે જ આ પ્રચાર સમિતિના મુખ્ય અધ્યક્ષ બન્યા. સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી યોગાનંદ કોલકત્તા કેન્દ્રના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા. શરદચંદ્ર ચક્રવર્તીને શાસ્ત્રોનું વાંચન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે નિયમ પણ બનાવવામાં આવ્યો કે, દર રવિવારે સાંજે ચાર વાગ્યે બલરામ બાબુના એ જ 57 નંબરના રમાકાંત બાસુ સ્ટ્રીટના મકાનમાં સમિતિની બેઠક યોજવી. સ્વામીજી જ્યારે પણ કોલકત્તામાં હોય ત્યારે આ બેઠકમાં ભાગ લેતા ઉપદેશ આપીને તેમજ પોતાના મધુર કંઠે ભજન સંભળાવીને તેઓ શ્રોતાઓને મુગ્ધ કરી દેતા. એ પછી ઘણા સમય બાદ 1909 ના એપ્રિલમાં, 1860 એક્ટના 21 પ્રમાણે કાયદાકીય રીતે રામકૃષ્ણ મિશનના નામે રજિસ્ટ્રેશન કરાવીને તેને પુનર્જીવન અને સ્થાયિત્વ આપવામાં આવ્યું (સંદર્ભ: આ વિગત “યુગનાયક” ના 277 થી 281 પાન ઉપર આપવામાં આવેલ બાબતોનો સાર છે.)
by Bhadrayu Vachhrajani | Mar 15, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

સ્વામીશ્રી વિવેકાનંદજીના ચિંતનનો વિષય હતો:: “ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ છે.”
શ્રી રામકૃષ્ણદેવ અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અદ્વૈતની સાથે કર્મ પણ જોડાયેલું છે, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદજી ના જીવનમાં પણ એવું જ બન્યું છે. બધાના જીવનમાં વત્તા ઓછા પ્રમાણમાં જ્ઞાન,ભક્તિ, સત્કર્મની ઈચ્છા અને નિરવ ધ્યાનની અભિપસા હોય છે. સ્વામીજીએ આપેલા કર્મ માર્ગને કર્મયોગ સમાન માની શકાય નહીં કારણ કર્મયોગમાં કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરવાની વાત છે, પરંતુ સ્વામીજીના વ્યવહારિક વેદાંતમાં પોતાના માટે ફળ પ્રાપ્ત કરીને ભગવાનને અર્પણ કરવાનો પ્રશ્ન જ ઉઠતો નથી કેમ કે, તેમાં તો શરૂઆતથી તે અંત સુધીનો સઘળો પ્રયાસ ઈશ્વરને માટે જ છે. ફળ ઉત્પન્ન થયા પહેલા પણ તે ભગવાનનું છે. મધ્યાવસ્થામાં પણ એ ભગવાનનું છે અને પૂરું થયા પછી પણ એ ભગવાનનું જ છે. શિવજ્ઞાનથી જીવ સેવાની મૂળ વાત જ આ છે એમાં સ્વાર્થને કોઈ જ સ્થાન નથી.
સ્વામીજીની સંકલ્પના મુજબનો નવસન્યાસી સંઘ વેદાંત અને શ્રી રામકૃષ્ણજીની વાણીનો પ્રચાર તો અવશ્ય કરતો રહે, પણ સાથે જ નરેન્દ્રના અંતરમનમાંથી એક અસ્ફૂટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો કે, શ્રી રામકૃષ્ણદેવ અભિનવ પ્રકાશના વાહક છે અને એમનો સંઘ પણ પૃથ્વી ઉપર એક નવો જ સંદેશ પ્રસારિત કરશે. “શું હતો આ સંદેશ ?” જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન મળે ત્યાં સુધી હૃદયમાં આ પ્રજ્વલિત અગ્નિવહન કરીને સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક રૂપે ઉત્તર ભારતથી શરૂ કરી રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ, તામિલનાડુમાં ભ્રમણ કર્યું. તેઓ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય અને બહુવિધ નાગરિકો સાથે પરિચિત બન્યા. રાજાથી લઈ રંકના ઘરમાં નિવાસ કર્યો. ઉચ્ચથી ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિઓના સોપાનો સર કર્યા અને છેવટે મા કન્યાકુમારીના આંચળ તળે ભારતના અંતિમ કિનારે સમગ્ર ભારત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.
“યુગનાયક”માં લખાયું છે કે, કન્યાકુમારીનું મંદિર ભારતની દક્ષિણ દિશાના અંતિમ છેડે આવેલું છે. એના પછી તરત ત્રણે દિશાઓમાં મોજા ઉછાળતો દરિયો, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર સમુદ્રની અંદર નાના મોટા કેટલાક પથરાળ બેટ મંદિરમાં મા કુમારી શિવના ચિંતનમાં બેઠેલા છે, એ મૂર્તિ અત્યંત સુંદર દર્શન કરતાની સાથે જ હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. સ્વામીજીએ માતાના દર્શન કાજે બાળ ની માફક વ્યાકુળ ચિત્તે મંદિરના આંગણામાં પ્રવેશ કર્યો અને દેવી કુમારીની સન્મુખે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. દર્શન અને પૂજા પૂરા થઈ જતાં તેઓ ત્યાં બેસીને માતૃભૂમિના કલ્યાણ અંગે વિચારવા લાગ્યા. એમના ચિંતનનો વિષય હતો ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ.
ભારતનો ગૌરવભર્યા અધ્યાત્મ મહિમાથી ઉજ્જવળ ભૂતકાળ છતાં દુઃખ દારિદ્રમાં ડૂબાડૂબ, વીર્ય વિનાનો, ગૌરવ ગુમાવી બેઠેલો, અધ્યાત્મ સંપત્તિથી વિહોણો બનેલો વર્તમાન સમય અને ગાઢ અંધકારથી ઘેરાયેલું અનિશ્ચિત ભવિષ્ય !! ભારતના અલુપ્ત ગૌરવને શું ફરી એકવાર સુપ્રતિષ્ઠિત કરવાનું સંભવિત છે ?? જો સંભવિત હોય તો તેનો ઉપાય શું?
સ્વામીજીએ ભાવિ ભારતને ધર્મ અને સંસ્કૃતિથી પરિપુષ્ટ અને અનેકવિધતાની અંદર એકત્વ સાથે બિરાજતી અખંડ સત્તા રૂપે દીઠું. એમને સમજાઈ ગયું કે, ધર્મ જ અગણિત ભારતીય સંતાનોનો મેરુદંડ છે. એમના શાંત સમાહિત વિશુદ્ધ ચિત્તમાં દિવ્ય વાણી ગુંજી ઉઠી, જે પ્રગાઢ આધ્યાત્મિક અનુભૂતિના પ્રભાવે ભારત વર્ષમાં એક વખત વિભિન્ન સંસ્કૃતિ અને વિભિન્ન ધર્મોની જન્મભૂમિ અને મિલન ક્ષેત્ર બની ઉઠેલું. એકમાત્ર એ જ અનુભૂતિના જોરે એનો પુનરુત્થાન અને પુનઃ પ્રતિષ્ઠા સંભવિત છે. ધર્મને પૂરેપૂરો અનુસરીને અને જીવનમાં એને ઉતારીને કોઈપણ જાતિ ક્યારેય અનદહ પતિત થાય નહીં, ઉલટાનું ઇતિહાસની સાક્ષી લેતાં જણાય છે કે, જાતીય જીવનમાં જે બધી શક્તિઓ સફળતા મેળવવા માટે સમર્થ નીવડે છે એ બધામાં સક્રિય ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. એ દિવસે તેઓએ એક પત્રમાં લખ્યું, આ બધું જોઈને અને તેમાં ય ખાસ કરીને દ્રારિદ્ર અને અજ્ઞાન નિહાળીને મને ઊંઘ નથી આવતી.
એક વિચાર પાકો કર્યો કે, કુમારિકા ભુશિર ઉપર મા કુમારિકાના મંદિરમાં બેસીને ભારતવર્ષની છેક છેવાડા ની પાષાણની ટોચ ઉપર બેસીને ઠરાવ્યું કે, આ જે આપણે આટલા બધા સન્યાસીઓ છીએ તે બધા રજળપાટ કરતાં અહીંથી ત્યાં ફરતા રહીએ છીએ, લોકોને દર્શનશાસ્ત્ર શીખવાડીએ છીએ એ બધું પાગલપણું છે. ખાલી પેટે ધર્મ ન થાય ગુરુદેવ કહેતા હતા: આ બધા ગરીબ ગુરબાં જાનવરની જેમ જીવે રાખે છે, એનું કારણ મૂર્ખતા છે. પાજી પુરોહિત બેટાઓ ચાર ચાર યુગથી એમનું લોહી ચૂસતા રહ્યા છે અને પગ તળે કચડી રહેલા છે. આપણી જાતિ પોતાનું હીર હારીને બેઠી છે. નીચ જાતિને ઉપર ઉઠાવવી પડશે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સૌએ એમને પગતળે કચડેલા છે અને એમની ઉઠીને ઊભા થવાની તાકાત આ પોતાની અંદરથી જ આણવી રહેશે. કટ્ટર હિન્દુઓએ જ આ કામ કરવું પડશે. (સંદર્ભ :: “યુગનાયક” પુસ્તકના પહેલા ભાગમાં 429 થી 431 ઉપરની વિગતનો આ સાર છે.)
by Bhadrayu Vachhrajani | Mar 14, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ભાવસમાધિમાં શ્રી રામકૃષ્ણદેવે કહ્યું : “નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન… જે નામ તે જ ઈશ્વર.. નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું.”
“સ્વામી શ્રી વિવેકાનંદ ગ્રંથમાળા” ના ભાગ આઠના પૃષ્ઠ 410 ઉપર એક વિગત છે.
શ્રી રામકૃષ્ણદેવ કેટલીક વાર કહેતા, “ઈશ્વર પર આધાર રાખજો, પવનની દયા પર રહેતા સુકા પાંદડાની જેમ રહેજો, તેની કૃપાનો પવન તો સતત ફૂકાય જ રહ્યો છે, જરૂર છે માત્ર તમારા સઢને ચઢાવવાની.”
“સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા” ના ભાગ આઠના પૃષ્ઠ 407 ઉપર થી એક અવતરણ આપણે વાંચીએ.
વિવેકાનંદને જોવા માટે શિકાગોની શેરીઓમાં હૈયે હૈયું દળાય તેટલું માણસ ઉભરાતું હતું ત્યારે જે સન્માનનો સોમો ભાગ પણ બીજા સામાન્ય માણસને તો ગાંડો જ બનાવી દે એવું સન્માન હું મુશ્કેલી વિના પચાવી શક્યો, તેનું કારણ શું? કારણ તેમની એટલે કે શ્રી રામકૃષ્ણદેવની કૃપા અને તેમની કૃપાને લીધે જ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો છે, આવું સ્વામી શ્રી વિવેકાનંદજીનું કહેવાનું છે.
“આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ” ના આદર્શે પોતાના જીવનનું ગઠન કરી શકે એવા અગ્નિ મંત્રે દીક્ષિત યુવા સન્યાસીઓને એકત્ર કરી એમને દિવ્ય પ્રેમની દોરીએ બાંધી એક એવા સંઘનું નિર્માણ કે, જે યુગ પ્રયોજન હેતુ હજારો વર્ષ સુધી માનવ સભ્યતા માટે પથ પ્રદર્શક બની રહે. આ સંઘનો પાયો નાખનાર ઠાકુરના પ્રધાન શિષ્ય હતા નરેન્દ્ર અર્થાત ભવિષ્યના સ્વામી વિવેકાનંદ.. લીલા પ્રસંગકાર વર્ણિત કરે છે કે, કેવી રીતે નરેન્દ્રે ઠાકુરની પાસેથી “શિવજ્ઞાને જીવસેવા” નો મંત્ર મેળવ્યો. 1884 ની સાલમાં એકવાર ક્યારેક સંઘના એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું કે શ્રી રામકૃષ્ણદેવ પોતાના ખંડમાં ભક્તોથી વિટળાઈને બેઠેલા છે. શ્રીયુત નરેન્દ્ર પણ ત્યાં હાજર છે. અનેક પ્રકારના સદબોધક વાર્તાલાપ તેમજ વચમાં વચમાં વળી નિર્દોષ ગમ્મત મજાકની વાતચીત પણ ચાલી રહી છે. વાતો કરતાં કરતાં વૈષ્ણવ ધર્મની વાત નીકળી અને મતનો સાર ત્યાં બેઠેલા સૌને ટૂંકમાં સમજાવી દઈને ઠાકુર બોલ્યા :: ત્રણ વસ્તુનું પાલન કરવા માટે હર હંમેશ પ્રયત્ન કરતા રહેવાનો ઉપદેશ એ મતમાં કરવામાં આવે છે. નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન. જે નામ તે જ ઈશ્વર નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું. ભક્ત અને ભગવાન કૃષ્ણ અને વૈષ્ણવ અભેદ જાણીને હંમેશા સાધુ ભક્તો પર શ્રદ્ધા તેમની પૂજા અને વંદના કરવી અને શ્રીકૃષ્ણનો જ આ જગત સંસાર એ વાતની હૃદયમાં ધારણા કરીને સર્વ જીવો ઉપર દયા દાખવવી. સર્વજીવો પર દયા એમ કહેતા જ તેઓ અચાનક સમાધિસ્થ થઈ પડ્યા. કેટલીક વાર પછી અર્ધબાહ્ય દશામાં આવીને કહેવા લાગ્યા, જીવ ઉપર દયા, જીવ ઉપર દયા, હટ સાલા મગતરામાં મગતરૂ તું કે જીવ પર દયા કરવાનો?? દયા કરનારો તું વળી કોણ ?? ના ના જીવ ઉપર દયા નહીં, “શિવજ્ઞાને જીવની સેવા” ભાવાવિષ્ટ શ્રી રામકૃષ્ણદેવના એ વચનો ભલે બધાએ સાંભળ્યા, પરંતુ એનો ગુઢ મર્મ ત્યારે કોઈ ન સમજી શક્યા કે ન તો પકડી શક્યા. ફક્ત એક નરેન્દ્રનાથે જ એ દિવસે ઠાકુરનો ભાવાવેશ સમી ગયા પછી બહાર આવીને કહેલું: શું અદભુત પ્રકાશ આજે ઠાકુરના વચનોમાં હું જોવા પામ્યો છું. શુષ્ક કઠોર અને નિર્મમ રીતે પ્રસિદ્ધ એવા વેદાંત જ્ઞાનને ભક્તિની સંગ સાથે ભેળવી દઈને કેવા તો સહજ રસીલા અને મધુર અજવાળે એને ઉજમાળું કરીને બતાવી દીધું પરંતુ ઠાકુર આજે ભાવાવેશમાં જે બોલ્યા તેના પરથી સમજાઈ ગયું કે, વનના વેદાંતને ઘરમાં લાવી શકાય. સંસારના સઘળા કામકાજમાં એનું અવલંબન લઈ શકાય. માણસ જે કાંઈ કરી રહેલો છે તે બધું ભલે કરે, એમાં નુકસાન કાંઈ નથી. માત્ર સૌથી પહેલા આટલી વાત ઉપર પૂરેપૂરા દિલથી વિશ્વાસ મૂકીને એને ગાંઠે બાંધી લે એટલે ઘણું થયું અને તે એ કે, ઈશ્વર જ જીવ તથા જગત રૂપે એની સન્મુખ પ્રગટ થઈ રહેલા છે. જીવનની પળેપળ એ જેના સંપર્કમાં આવી રહ્યો છે, જે જે બધાને પ્રેમ કરી રહ્યો છે, જેમના પ્રત્યે શ્રદ્ધા સન્માન અથવા દયા દાખવી રહ્યો છે તેમાંના એકે એક એમના જ અંશ છે. તેઓ પોતે જ છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને અગર જો માણસ એ પ્રમાણે શિવ સ્વરૂપ જાણી શકે તો પછી પોતાને મોટો માનીને એમના પ્રત્યે રાગ, દ્વેષ, દંભ કે દયા બતાવવાનો અવસર જ એને માટે ક્યાં રહ્યો? એ રીતે “શિવ જ્ઞાને જીવોની સેવા” કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થતાં એ બહુ થોડા જ વખતમાં પોતાને પણ ચિદાનંદમય ઈશ્વરના અંશ તરીકે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ વાળા તરીકે નક્કી જાણી શકશે.
ઠાકુરની એ વાત વડે ભક્તિ પથ ઉપર પણ વિશેષ પ્રકાશ પડેલો જણાય છે. જ્યાં સુધી સર્વભૂતોમાં ઈશ્વરને જોઈ શકાય નહીં ત્યાં સુધી સાધકને માટે ખરેખરી ભક્તિ એટલે કે પરાભક્તિ પામવાનું આકાશ કુસુમવત રહે છે. શિવ અને નારાયણ જ્ઞાને જીવોની સેવા કરવાથી સકળજનમાં ઈશ્વરના દર્શન કરીને યથાર્થ ભક્તિ પ્રાપ્ત કરીને ભક્ત સાધક થોડાક જ વખતમાં કૃતાર્થ થશે, એ વાત કહેવાની જરૂર નથી. જે હોય તે પણ જો ભગવાન કદીક એ દિવસ આપશે તો આજે મેં જે સાંભળ્યું છે તે અદભુત સત્યનો પ્રચાર સંસારને ચારે ખૂણે કરીશ. પંડિત, મૂર્ખ, ધની, દરિદ્ર, બ્રાહ્મણ, ચંડાળ સૌને એ સંભળાવીને મુગ્ધ કરી દઈશ.”
શ્રી ગંભીરાનંદજી લખે છે કે, સ્વામીજીએ ધર્મની ભૂમિકા પર ત્યાગ અને સેવાના આધારે નવજાગૃતિનો પ્રારંભ કરવા ઈચ્છ્યું હતું. આ નવજાગરણના આંદોલનના અગ્રેસરોના રૂપમાં સન્યાસીઓનું મંડળ રચવાની ઈચ્છા સેવી હતી. આ સન્યાસીઓ નવા યુગના સંદેશ વાહક અને આદર્શના પ્રસ્થાપક બનશે કે જેવો મન મુખ એક કરીને સ્વાર્થથી પર બનીને અદ્વૈત જ્ઞાનને પાલવમાં બાંધીને મૂર્ખ નારાયણ, દરિદ્ર નારાયણ, દુઃખી નારાયણ તથા દરેક સ્થિતિમાં રહેલા મનુષ્યોની સર્વ પ્રકારની ઉન્નતિ માટે જીવન પર્યંત પ્રયત્ન કરશે અને આ રીતે એમની ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગ સરળ અને સુગમ બનશે. આથી તે પોતાની મુક્તિના દ્વાર પણ ખોલશે એટલે કે “આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ” જીવન જીવશે.
by Bhadrayu Vachhrajani | Mar 6, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ઈતિહાસ ગવાહ છે છે કે, ‘હું-તું કરનારા હણાયા છે, પરંતુ ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે અને હજુ જીતશે.
“નિષેધ કોઈનો નથી, સર્વનો સમાસ છે.”…આ પંક્તિ નવા ભારતનો રાજધર્મ છે.
આફ્રિકાના એક ખોબા જેવડા પણ પ્રકૃતિસભર રમણીય દેશ રવાન્ડામાં પચીસ-ત્રીસ વર્ષો પહેલાં બે જાતિઓની આંખો વઢી. એક જાતિ “હૂતી” નિર્દય બની તૂટી પડી બીજી જાતિ “તુત્સી” પર ને થયો જાતિસંહાર એટલે કે જિનોસાઈડ.
ત્યાંનું ‘હુ તુ’ એટલે આપણું “હું ને તું’ ને ‘તુત્સી’ એટલે ‘તું ત્વં અસિ’
હું-તું એટલે દ્વૈત, બે, અલગ, જુદારો, હુંસાતુંસી, દ્વેષ, વેર ને છેવટે વિનાશ,
પણ ‘તું ત્વં અસિ’ એટલે તત્ત્વમસિ, તું તે જ હું, હું તે જ તું, પ્રેમ, સમાસ, સ્વીકાર, એકત્વ ને છેવટે વિજય!
ઈતિહાસ ગવાહ છે કે, ‘હું-તું’ કરનારા હણાયા છે ને ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે. કાળચક્ર કોઇપણ રીતે ફરે અંતે તો સર્વનો સમાસ કરનાર જ જીતશે, એ વિધિ નિર્માણ છે. જિનોસાઈડના પચીસ વર્ષથી હવે રવાન્ડામાં કોઈપણને પૂછો કે ‘તમારી જાતિ કઈ?” તો એક ને માત્ર એક જવાબ મળશે, ‘રવાન્ડિયન’! રવાન્ડામાં જે વસે છે તે બધા ‘રવાન્ડિયન’. આપણે પણ જો મોટા જાતિસંહાર કે નરસંહાર તરફ ન જવું હોય તો જ્ઞાતિ-જાતિના લેબલ તોડી એકમાત્ર ‘ઈન્ડિયન’ બનવું પડશે. હિન્દુસ્તાનમાં જે વસે તે બધા માત્ર ને માત્ર ‘હિન્દુસ્તાની’. નામ અનેક, પૂજા અનેક પણ જાતિ તો કેવળ ‘ઇન્ડિયન’ જ!..
1988માં મનુભાઈ પંચોલી ‘દર્શક’ એ ‘સાચો હિન્દુ ધર્મ’ પુસ્તિકાના પ્રવેશમાં લખ્યું છેઃ ‘કોઈ પણ લોકશાહીમાં તેના મતદારો કેળવાતા રહે તે બહુ મહત્ત્વની વાત છે. બંદૂક આપવાથી જ કામ પતતું નથી. બંદૂક કેમ વાપરવી તેની પણ તાલીમ આપવી અનિવાર્ય છે. નહીંતર એ જ બંદૂક નરહત્યા કે આત્મહત્યામાં વપરાય. તેવું જ આપણા મતનું છે. આ અગત્યનું કામ આપણે કર્યું નથી ને કરવા ગયા તેમણે પ્રચાર કર્યો છે. કેવળ તટસ્થતા, કડવી કે મીઠી પણ હકીકતોને જ પોતાના સાધન તરીકે વાપરે છે. ગમાઅણગમાને તે બાજુ પર મૂકે છે. આ નિયમ ન સમજાય ત્યાં પ્રચાર રહે અને પ્રચાર એટલે કોઈકના મગજનો કબજો લેવાનો પ્રયાસ.’ મતદારો ચૂંટણી વખતે મત આપનારા છે, પણ પછી તો તેઓ ઉત્પાદકો અને ઉપભોક્તાઓ છે, તેઓ માતા-પિતા છે તો મિત્ર પણ છે. આવો સ્વીકાર એ બહુ મોટું ચઢાણ છે અને આવું મોટું ચઢાણ રાષ્ટ્રપ્રેમનો ઓક્સિજન માગે છે. રાષ્ટ્રપ્રેમ એટલે હું કેવળ ભારતીય, ન હિન્દુ ન મુસ્લિમ, ન ગુજ્જુ કે ન મલ્લુ, ન હું ન તું… રાષ્ટ્રપ્રેમ એટલે તું તે જ હું‘.
મોહમ્મદ ગઝની સાથે એક વિચક્ષણ અભ્યાસી અલબેરૂની આવેલો. તેણે તે વખતના હિન્દુ ધર્મનો અને હિન્દુઓનો સારો અભ્યાસ કર્યો હતો. તેણે બે ભારે લાક્ષણિક વાત કરેલી. તે કહેઃ ‘હિન્દુઓ ભલા ને આતિથ્યશીલ લોકો છે, પણ તેમનામાં બે એબ છેઃ એક એ કે તેઓ એવું માને છે કે તેમણે બીજા પાસેથી કશું શીખવાનું જ નથી, તેમના વડવાઓએ બધું જાણી લીધું છે અને બીજું તેઓ પોતાને ઊંચા માની કોઇની જોડે ભળતા જ નથી. તેમના પૂર્વજો આવા નહોતા.’ તે વખતના ધર્મ દ્વારા આ બે એબ વિકસાવવામાં આવી છે અને આપણે આજ સુધી પોતાના કોચલામાં જ પુરાઈ રહેવામાં આપણું રક્ષણ માન્યું છે ! ધર્મના અધિપતિઓ આવ્યા ને તેમણે ‘ધર્મમાં રાજ્ય દખલ ન કરે તો…” એટલું સ્વીકારી બધું થવા દીધું. પરિણામે મંદિરો રહ્યાં, પણ દેશ ગયો, દેશ નિચોવાયો, દેશ વગોવાયો, પણ ત્યારે રામકૃષ્ણ પરમહંસે બધા ધર્મોનો સાર અનુભવ્યો અને બતાવ્યું કે, ‘બધા ઝઘડા નામના ને સ્થળકાળના છે. ધાર્મિક માણસ બધે જો ભગવાન છે તેમ કહેતો હોય તો તે બધાને માટે ઘસાય, કશાય ભેદભાવ વિના ઘસાય!’
તેમના અંતકાળે વિવેકાનંદે સમાધિસુખ માગ્યું તે ચપટીક દર્શાવ્યું ને ચોવીસ કલાક પછી તેમને જગાડ્યા ત્યારે વિવેકાનંદે કહ્યું: ‘મને શા સારું જગાડયો? હું કેવા અપૂર્વ સુખમાં હતો?’ રામષ્ણદેવે તેને ઠપકો આપ્યો: ‘અલ્યા સ્વાર્થી, આટલા આટલા લોકો ઘોર તમસમાં છે અને તને એકલપેટું સુખ ભોગવતા શરમ નથી આવતી? હવે આ સમાધિસુખ હું તાળા કૂંચીમાં મૂકી દઉં છું. તારે જવાની વેળા આવશે ત્યારે ઉઘડશે.’ અને સમાજનું ધારણપોષણ કરવાની રીત બતાવે તેવા ધર્મનું પુનઃસંસ્થાપન થયું.
એક વિશાળ ધર્મ કે જેમાં સંસાર છે, ત્યાં કર્મ છે, પણ બોજ નથી; ભક્તિ છે, પણ વેવલાઈ નથી; જ્ઞાન છે, પણ આડંબર કે ઈજારો નથી; પરંપરા મજબૂત છે છતાં સૌમ્ય છે. જ્યાં નિષેધ–વિરોધ–તિરસ્કાર કોઈનો નહીં, પણ સર્વનો આવકાર–સ્વીકાર ને સમાસ માત્ર છે ! પ્રજા અને રાજા વચ્ચે અદ્વૈતનો અનુબંધ રહે તેવા રાજધર્મનું પ્રભાત ખીલી રહે તેવી ઉદાત્ત ભાવના હતી, પરમહંસ શ્રી રામકૃષ્ણદેવની. શ્રી ઠાકુર ફરી ભારતવર્ષને આશિષો આપે તેવી વિનમ્ર પ્રાર્થના.
by Bhadrayu Vachhrajani | Feb 23, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે.
શ્રીમદ ભગવત ગીતા અંગે આપણે તાત્વિક ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયોક્તિક છે કે, યુદ્ધક્ષેત્રમાં આટલા લાંબા સુધી એ પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે? બુદ્ધિવાદીઓ પુરાતનપંથીના દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. એમના ભાષ્યમાં તેઓ કહે છે કે, કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કેમ કર્તવ્ય મૂઢ બની ગયો, પછી શ્રીકૃષ્ણએ તેને કેટલાક પ્રભાવિત સલાહ, શિખામણ અને ઉપદેશ આપ્યા. એમના આ સલાહ શિખામણને વ્યાસ ઋષિએ સાતસો શ્લોકોમાં નિબદ્ધ કર્યા. શંકરાચાર્યનો આ મત છે અને એ મત પૂરતા પ્રમાણમાં યુક્તિ સંગત લાગે છે તેવું સ્વામી શ્રી રંગનાથાનંદજી કહે છે.
પ્રાચીન કાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડિય ધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ અને તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીય ધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદી ના રૂપે આવ્યા. વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે, જે માણસ આ લોકની સારી-સારી ચીજો મર્યા પછી સતલોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞ યાગ કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે, નચિકેતા પોતાના પ્રથમ વરદાન ‘આ જગતનું ઐક્ય’ એવું કંઈક માંગે છે. બીજા વરદાન દ્વારા ‘સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે’ તે જાણવા માંગે છે. પરંતુ તેને આનાથી સંતોષ નથી થતો. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા જ આ સમસ્યાનું સમાધાન સંભવિત છે. આ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. ઉપનિષદોનો આદર્શ છે ધ્યાન દ્વારા પરમતત્વનો સાક્ષાત્કાર. તેમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની અને ચિંતનની આવશ્યકતા વચ્ચે
શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરિત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવ પરિપૂર્ણ ન બની શકે. જે વ્યક્તિ કહે છે, હું ચિંતન વિના જ કર્મ કરીશ તે સફળ નથી. અને જે વ્યક્તિ કર્મથી વિછિન્ન બનીને કેવલ ચિંતનમાં જ મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. એટલે કે એક સામંજસ્યપૂર્ણ દર્શન યુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં તેનું પ્રદાન કર્યું. ગીતાનો ઉદ્દેશ મનુષ્યને જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચ સ્તર સુધી ઉન્નત કરી આપવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ.
ઈ.સ. પૂર્વે 1400 વર્ષ પહેલાના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એનું લગભગ ઈસુ પહેલાના 900 વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. ગીતાનું સુત્રીકરણ બુદ્ધની પહેલા શતાબ્દીઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે, પરંતુ એને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા. અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું. જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે. ઈ.સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દીમાં બુદ્ધ અવતર્યા. પછી ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં શંકરાચાર્યનું આગમન થયું. આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ 19મી શતાબ્દીમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજે આપણે એમના અને એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જે કોઈપણ ભારતનાં ઇતિહાસનું વાંચન કરે છે. અહીં પ્રત્યેક યુગપૂર્વે વિચારોનો એક પ્રબળ આદર્શ અને જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળની પ્રેરણાના કેન્દ્ર બિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે. આ અદ્ભૂત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે. આપણી પાછળ 5000 વર્ષોનો ઇતિહાસ છે. આપણે એ જ પ્રાચીન જાતિ છીએ. અને એ જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરી રહ્યો છે. ભારત પ્રાચીન ગ્રીસ અને રોમ એકબીજાની સામે- સામે હતા. તે ભારત જરાય બદલાયા વિના વિશ્વમંચ ઉપર નવા આગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઉભું છે. અને ભવિષ્યમાં આવનારા અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઈતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતા રૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરીક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિના મૂળ અને ઉદ્દગમ સંબંધિત જીજ્ઞાશા તરફ દોરી જાય છે.
(સાદર સ્વીકૃતિ અને સંદર્ભ: વંદનીય સ્વામી શ્રી રંગનાથાનંદજી લિખિત “ગીતા દર્શન” ના ત્રણ ગ્રંથો)
by Bhadrayu Vachhrajani | Feb 16, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે.
કોઈ એમ કહે કે, ગીતા એક મૌલિક ગ્રંથ નથી, તો એ વાંચીને આપણને જરા આંચકો પહોંચે. પણ એ કહેનાર સ્વામી રંગનાથાનંદજી હોય તો આ કથન પાછળનો ગુઢાર્થ પણ એમણે સ્પષ્ટ કર્યો જ હોય. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી. પણ જેને ઓલ્ડસ હક્સ્લીએ ‘શાશ્વત દર્શન’ કહ્યું છે, એ પરમ તત્વનું પરમ મૌલિક વક્તવ્ય ગીતા છે.
સદાચાર ઉપરાંત ગીતામાં એક બીજું તત્વ પણ છે, અને એ છે ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ. પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ. આ એક એવું તત્વ છે કે જે ગીતામાં નિરૂપિત ભક્તને એક સાથે નિર્ભયતા અને સૌમ્યતાની પ્રતિમૂર્તિ બનાવી દે છે. આ બધા કારણોને લીધે આપણા જીવનમાં ગીતાને મહત્વ મળ્યું છે. ચાલ્સ વિલ્કિલ્સ દ્વારા અનુદિત ગીતાના અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે આવી ઘોષણા કરી હતી. ‘જ્યારે ભારતમાં અંગ્રેજોનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયા પછી સારો એવો સમયગાળો વિતી ચૂક્યો હશે અને એમનો સંપત્તિ તથા સત્તાનો ઉદગમ સ્ત્રોત માત્ર સ્મૃતિનો વિષય બની ગયો હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખક જીવિત રહેશે.’ જ્યારથી આ વાક્ય લખાયા ત્યારથી ગીતા પૂર્વ અને પશ્ચિમ જગતના બંને વિભાગના સ્ત્રી-પુરુષોના હૃદયમાં અસીમ વર્ધમાન સામ્રાજ્ય સ્થાપિત કરી રહેલ છે.
ગીતાના સંદેશની બે મહત્વપૂર્ણ વિશેષતાઓ છે. તેની યૌતિકતા અને તેની સાર્વભૌમિકતા એટલે કે વૈશ્વિકતા, આ બંનેમાં એની શક્તિનો સ્ત્રોત નિહિત છે. આજે હિન્દુ શબ્દનો પ્રયોગ એક વિશિષ્ટ વર્ગના લોકોનું અન્ય વર્ગોથી અલગપણું બતાવવા માટે થાય છે. પરંતુ ગીતાના સંદર્ભમાં જ્યારે સ્વામી શ્રી રંગનાથાનંદજી હિંદુ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે તે અલગપણાનું અસ્તિત્વ એટલા માટે નથી કે ઋષિઓએ આ ઉદ્ધાત વિચાર કોઈ વર્ગ વિશેષને, બીજા લોકોને છોડીને, કેવળ હિન્દુઓને જ નથી આપ્યો, પરંતુ કોઈ પણ સમુદાય કે જાતિનો ભેદ કર્યા વિના માર્ગદર્શન ઇચ્છનાર બધા લોકોને આ વિચારો આપવામાં આવ્યા છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રાચીન ગ્રંથો અને એમાં રહેલા ઉપદેશોને ગ્રહણ કરવા પડશે. એ વર્ગ વિશેષ માટે નથી, પરંતુ વ્યાપકતાથી એને ઈચ્છનાર સૌ માટે છે. એમાં અમુક-તમુક સમુદાયનો નહીં પરંતુ માનવ માત્રનો ધર્મ બતાવવામાં આવ્યો છે અને એટલે એ વૈશ્વિક દર્શન છે. માત્ર સમાજના કેટલાક વર્ગોને માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણ હેતુ માટે નીતિ, સદાચાર અને દર્શન આપણા શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યા છે.
આપણા આધ્યાત્મિક સંત શ્રી રંગનાથાનંદજી નોંધ્યા પ્રમાણે :: સ્મૃતિકાર મનુએ માત્ર હિંદુઓને નહિ પરંતુ પુરેપુરી માનવજાતિને ધ્યાનમાં રાખીને પોતાના નિયમોની સંરચના કરી હતી એ માનવ ધર્મશાસ્ત્ર છે. એ માનવરૂપી પોતાના સંતાનો માટે મનુએ આપેલું સંવિધાન છે. આપણે અત્યારના મનુસ્મૃતિને મનુવાદ કરીને જાહેરમાં વખોડીએ છીએ ત્યારે એ જાણી લેવાની જરૂર છે કે, એ પ્રત્યેક મનુષ્ય માટે છે. પછી ભલે વિશ્વનાં કોઈપણ ભાગમાં એ રહેતો હોય, કોઈપણ દેશ કે જાતિનો હોય. જો મનુષ્ય સુખ તથા પોતાનું હિત ઇચ્છતો હોય તો તેણે કેટલાક આદર્શો અને વિધિ-વિધાનોનું પાલન કરવું પડશે. આ આદર્શ તથા વિધિ-વિધાન સાર્વભૌમિક છે અને તે બધાનો ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતાનું વાંચન કરતી વખતે આપણને સ્પષ્ટરૂપે જણાય છે કે, તેના ઉપદેશો સમગ્ર માનવજાતિ માટે છે. એવા બધા સ્ત્રી-પુરુષો માટે છે જે પોતાના અંતરાત્માની ઉચ્ચતર અભિવ્યક્તિઓની અનુભૂતિ કરવાનાં હેતુથી સંઘર્ષ કરી રહ્યા છે.
આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્જુનને નર અથવા મનુષ્ય અને શ્રીકૃષ્ણને નારાયણ અર્થાત પરમાત્માના અવતાર ગણવામાં આવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે. આ રીતે ગીતામાં ઈશ્વર તથા મનુષ્ય નારાયણ તથા નર સામસામે ઉભા છે. અને એ જ શ્રીમદ ભગવદ્ ગીતાની ભવ્યતા છે અને ઉદ્દાત પૃષ્ઠભૂમિ છે. શ્રીકૃષ્ણ એક સાર્વભૌમિક વૈશ્વિક આચાર્ય છે. તેમણે વૈષ્ણવ, શૈવ, કે બીજા કોઈ સંપ્રદાયોનો ભેદભાવ કર્યો નથી. આજે આપણને વૈશ્વિકતાના આ સ્પંદનની આવશ્યકતા છે કે જે બધા સંપ્રદાયો તથા વર્ગોથી પર થઈને સૌ કોઈને પોતાનામાં સમાવી દઈને પ્રત્યેકને એક જ પ્રકારની પ્રેરણા આપે. એટલા માટે ગીતાને તેની પોતાની પૃષ્ઠભૂમિમાં જ એટલે કે સાક્ષાત શ્રીકૃષ્ણરૂપી એક વૈશ્વિક વ્યક્તિ દ્વારા કરેલી વેદાંતની વ્યાખ્યાના રૂપમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ. ગીતા એની પોતાના જ મતપંથમાં ની શ્રદ્ધા સુદ્રઢ બનાવે છે. તેની સાર્વભૌમિકતા એક વિશિષ્ટ પ્રકારની છે. તે કોઈના પર લાદવામાં આવતી નથી, સૌને આમંત્રણ છે. ગીતાને હર કોઈ માણસ પોતાની નિજી રીતે અપનાવી શકે છે. આજના યુગમાં પ્રચલિત વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સુ સંવાદિતા રચવા માટે, મેળ-મિલાપ કરાવવા માટે આપણને સૌને એક એવા જ સાર્વભૌમિક સંદેશની આવશ્યકતા છે. બાઇબલ એવું કહે છે કે, શબ્દ વિનાશકારી છે, પણ ભાવ જીવનદાયી છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Feb 10, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

નીટ અને જીની એક્ઝામમાં કટઓફ માર્ક માયનસ 40 સુધી માન્ય ગણાશે??!!!
વહેલી સવારે એક પ્રતિષ્ઠિત હોસ્પિટલના આઈસીયુ માંથી મને ફોન આવ્યો. એક યુવાન કમળાના દર્દથી પરેશાન હતો અને તેને આઈસીયુમાં ખસેડવો પડે તેવી સ્થિતિ હતી. એવા આગલા દિવસના વાવડ હતા. એ યુવાનનો ફોન મારા નંબર ઉપર જોતાં થોડીવાર મુંજાઈ ગયો. ફોન ઉપાડ્યો ત્યારે એમણે મુંજાતા એવું પૂછ્યું કે, સર, મને એ જાણવું છે કે, “આયુર્વેદ અને હોમિયોપેથીમાં બેચલર કરનાર ડોક્ટર હોય એ આઈસીયુમાં પણ આપણને ટ્રીટમેન્ટ આપી શકે?” મને એમ થયું કે અત્યારે આ માથાકૂટમાં આ જુવાન ન પડે તો સારું. એટલે મેં કીધું કે, “અત્યારે તું સાજો થઈ જા અને સાજો થઈ જા. પછી આવીને મળજે, નિરાંતે આપણે ચર્ચા કરીશું.” થોડા દિવસો પછી એમનો ફોન આવ્યો કે, હવે હું સ્વસ્થ છું અને તમને મળવા આવું છું. આવીને એમણે જે વાત કરી તે વાત મારા માટે પણ અજાણી હતી અને વાત સાંભળીને કદાચ સૌ ચોંકી જાય એવી વાત હતી.
એ યુવાને કહ્યું કે, મને કમળો થયેલો અને કમળામાં વધુ ખરાબ હાલત થઈ એટલે મને આઈસીયુમાં દાખલ કર્યો. એક દિવસ રાત્રે એક ડોક્ટર આવ્યા અને એમણે બધું તપાસીને એની સાથે જે કોઈ હોય એને સૂચના આપી કે, આમને એક ગ્લાસ દૂધ આપી દયો.. એટલે મેં મારી જાણકારી મુજબ કહ્યું કે, સર, દૂધ પીવાય ?? મને તો કમળો થયો છે… તો એણે જરા ઉડાવ જવાબ આપીને એમ કીધું કે, “ડોક્ટર હું છું કે તમે છો? દૂધ આપી દયો ભાઈને અને પીવરાવી દયો…” એટલું કહીને જતા રહ્યા. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહતો. બીજે દિવસે સવારના એક બીજા એટેન્ડન્ટ ડોક્ટર આવ્યા અને એમણે મારા ડાયટનો ચાર્ટ જોઈને ઠપકાના સ્વરમાં કીધું કે, “તમે એક દિવસ દૂધ પીધા વગર રહી ન શકો? કાલે રાત્રે તમે દૂધનો ગ્લાસ ઠપકારી દીધો.” એટલે મેં કહ્યું કે, મેં નથી કહ્યું, રાત્રે ડોક્ટર આવ્યા હતા એમણે આ સૂચન કર્યું છે. એ કહે, બને જ નહીં, એટલે મારા બેડ ઉપર રહેલો ચાર્ટ એમણે જોયો અને જોઈને તેઓ અચંબિત થઈ ગયા. મેં એમને પૂછ્યું કે, સર શું પ્રોબ્લેમ છે? તો એમણે બહુ જવાબ અથવા ચોખવટ ના આપી, પછી મેં આઈસીયુમાં જે કેરટેકર નર્સ હતી એને પૂછ્યું કે, ગઈકાલે જે ડોક્ટર આવ્યા હતા એની ડિગ્રી શું ? તો એણે કહ્યું, “બીએચએમએસ’ અને આજે આવ્યા તેની,, તો એણે કહ્યું “બીએચએમએસ”… એનો અર્થ એવો કે આયુર્વેદમાં અને બીજા હોમિયોપેથીમાં ગ્રેજ્યુએશન કરેલા ડોક્ટર આઈસીયુમાં મને દૂધ પાવું કે ન પાવું એની માથાકૂટમાં પડ્યા હતા. આ પ્રસંગ પછી મનમાં એ નર્સને પણ પ્રશ્ન થયો અને મને પણ થયો કે શું આયુર્વેદ અને હોમિયોપેથી વાળા લોકો આઈસીયુ સુધી ટ્રીટમેન્ટમાં પરવાનગી ધરાવતા હશે?
એ જુવાનની વાત સાંભળી મને પણ ધક્કો પહોંચ્યો..મેં રાજકોટના બે ચાર જાણીતા એવા ફિઝીશિયન્સને પૂછ્યું અને મિત્ર દાવે ગંગારામ હોસ્પિટલ, દિલ્હીના એક પ્રખ્યાત મિત્ર સર્જન, જે ગુજરાતની મુલાકાતે વારંવાર આવે છે એની સાથે પણ આ પ્રશ્નની ચર્ચા કરી. રાજકોટના ડોક્ટર એમ કીધું કે, હા હવે “એમબીબીએસ’ મળતા જ નથી, એટલે આપણે કોઈ પણ ચાલે છે અને ગંગારામના ડોક્ટરે તો એવું કહ્યું કે, સરકારનો પરિપત્ર આવી ગયો છે કે, “એમબીબીએસ” નથી મળતા એટલે “બીએએમએસ” ને “બીએચએમએસ” ને ડોક્ટર તરીકે સ્વીકારી લેવા. આ વાત અહીયા પૂરી થઈ ગઈ.
જે કાંઈ ધક્કો લાગ્યો હતો તે લાગી ગયો.. ત્યાં થોડા દિવસો પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, નીટ અને જીની એક્ઝામની અંદર કટઓફ માર્ક માયનસ 40 સુધી માન્ય ગણાશે. આ વાત ઝડપથી કોઈને સમજાય એમ નથી કારણ કે, કટઓફ તો હાઈએસ્ટ માર્કમાં કરવાનું હોય, લોએસ્ટ માર્ક એટલે કે નીચામાં નીચા માર્ક ગણીએ એને કટઓફ ન કહેવાય. ઊંચામાં ઊંચા માર્કમાં તમે ક્યાંક બાંધણું કરો તો એને કટઓફ કહેવાય.. પણ સરકારના અને પ્રચાર મીડિયા પર બધી દલીલો સાંભળી ત્યારે એટલું બધું આંકચકો લાગ્યો કે, ભારત દેશની અંદર હવે એવો કાયદો બન્યો છે કે નીટ અને ઝી ની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી બેસે અને બીજું કાઈ ન કરે અને 40 પ્રશ્નોના ખોટા જવાબ આપી આવે તો એના માઇનસ 40 માર્ક થાય અને તેમ છતાં એ ડોક્ટર થવાના લિસ્ટમાં પસંદગીની યાદીમાં ગોઠવાઈ જઈ શકે..!!!! બહુ જ આંચકો લાગે એવા સમાચાર છે. મેડિકલ એજ્યુકેશન સદંતર તૂટી ગયું છે, ભાંગી ગયું છે, એવું તો ઘણા વખતથી સાંભળતા હતા. શિક્ષણમાં જિંદગી કાઢી છે એટલે આવી બાબતો ન ઈચ્છીએ તો પણ આપણા કાને પડી જતી હોય છે એટલે મને થયું કે, સરકારે શું વિચાર કર્યો છે ?? ભવિષ્યમાં ડોક્ટરો જિંદગી બચાવે એની બદલે ડોક્ટરો જિંદગી પતાવે એવો આઈડિયા એસ્ટાબ્લિશ કરવાનો ખ્યાલ છે કે શું ?? કારણ કે જેને માયનસ 40 આવે એટલે કે ઝીરો થી પણ નીચે પરીક્ષાના ગુણનું તાપમાન જાય, 40 સુધી નીચું જાય તો પણ એને પ્રવેશ મળી શકે!!! આવો કાયદો અમલમાં મુકવાની ઘોષણા થઇ છે..
એવું લાગે છે કે, સરકાર ડોક્ટરોની કમીને દૂર કરવા માટે પોતાની બગડેલી સિસ્ટમને સુધારવાને બદલે નાપાસ થતા અથવા તો માઇનસમાં જતા વિદ્યાર્થીઓને પણ ડોક્ટર બનાવી દઈને આપણી સમક્ષ ધાબડી દેવા માંગે છે.!! આ બાબતે બહુ હોબાળો મચાવ્યો છે, ચર્ચાઓ ચાલી છે, ટીવી ચેનલો અત્યારના ભરચક છે આ મુદ્દાથી.. પણ મને તો એક જ પ્રશ્ન છે કે, સરકાર કોઈ નિર્ણય લેતા પહેલા ગંભીરતાથી વિચારતી હશે કે નહી વિચારતી હોય ?? રાજ્યની કે કેન્દ્રની ચૂંટણી વખતે જેટલી ચાયત આપણા સ્વાસ્થ્ય પ્રધાન કે ગૃહ પ્રધાન કે આપણા વડાપ્રધાન કે આપણા શિક્ષણ પ્રધાન ચૂંટણી જીતવા માટેની રાખતા હોય છે, એટલી ચાયત એ આવા બોગસ જેવા નિર્ણયો લેતી વખતે નહીં રાખતા હોય, નહિતર આવો નિર્ણય લેવાય જ કેવી રીતે ??
ધર્મના નામે હોબાળો કરવાને બદલે આ મુદ્દો આંદોલનનો મુદ્દો બની શકે એટલું પોટેન્શિયલ એમાં છે. એ દ્રષ્ટિએ જોઈએ તો આપણને સ્પષ્ટ લાગે છે કે ભારત દેશમાં તબીબી શિક્ષણને ઊંડી ખાઈમાં નાખી દેવા માટે થઈને પ્રયાસો થઈ રહ્યા છે. ડોક્ટરોની ઘટ છે એટલે જીલ્લે જીલ્લે મેડિકલ કોલેજ ખોલો, મેડિકલ કોલેજની સીટ વધારો અને સીટ વધારીને એટલી સીટ વધારી કે બત્રીસ કે છત્રીસ હઝાર બેઠકો ખાલી રહેવા માંડી !! ખાલી રહે તો એ વિચાર કરવો જોઈએ કે, આપણે કેમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ તરફ નથી વાળી શક્યા ? એના ગુણ કેમ ઓછા આવે છે ? વ્હેર ધ શુ પિન્ચીઝ ? એ ચેક કરવાને બદલે આપણે નક્કી એવું કર્યું કે, સ્તરમાં નીચે ઉતરી જાવ અને નીચે ઉતરીને જવાય એટલા નીચે જાવ અને નપાસ થયેલાને પણ પ્રવેશ આપી અને એમને મેડિકલની એવી ડિગ્રી અપાવી દયો કે, પછી એ ડોક્ટરો કમળાના દર્દીને પણ દૂધ પાઈ દે !! ઓસ્ટ્રેલિયા જેવો એક ગુજરાત જેવડો દેશ ભારતને પ્રવેશ માટે ભયજનકની યાદી મૂકે દે છે ત્યારે ખ્યાલ આવે છે કે, ભારતમાં ચાલતી આવી વાત કોઈ વિદેશમાં તો આપણું નાક કપાય એવી આ સ્થિતિ કરે છે. જે બેઠક નક્કી છે એ ન ભરાય એટલે તમે જો તમે તમારું ગુણવત્તાનું ધોરણ તળીએ લઈ જવા માંગતા હો તો, તમને બીજું શું કહીએ ? તમને તમારી ફિલસુફી મુબારક…
by Bhadrayu Vachhrajani | Feb 1, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

”કિશોરાવસ્થાની મૂંઝવણ અને મારગ” પુસ્તક લઈને આવ્યા છે એક ગ્રામ પરિવેશના શિક્ષક.
અખિલ એમનું નામ.
ચાર વર્ષ એમણે હાઈસ્કૂલના તરુણોને ભણાવ્યા છે. અને 14 વર્ષથી વધુ સમય તેઓ પ્રાથમિક શાળામાં ગાળી ચુક્યા છે.
શ્રી સણોસરા પ્રાથમિક શાળા, સણોસરા, અમરેલીના એક સતત જીવંત શિક્ષક શ્રી અખિલ દવે.
આ અખિલ દવે શિક્ષકોને માટે રેડી-રેકનર જેવું એક પુસ્તક આપી રહ્યા છે.
પુસ્તકનું શીર્ષક ”કિશોરાવસ્થાની મૂંઝવણ અને મારગ” દર્શાવે છે કે, ભાઈ અખિલે પોતાના ધોરણ 6 થી 8 વચ્ચેના કિશોરાવસ્થામાં રહેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના કેટલાક પાયાના પ્રશ્નોને સ્પર્શ કર્યો છે.
આ પુસ્તક થોડું નોખું છે. કારણ કે આ પુસ્તક લેખક તરીકે અખિલ દવે લખી રહ્યા નથી, પરંતુ એક શિક્ષકે વર્ગખંડમાં તાદાત્મ્ય સાધીને ભણાવતા ભણાવતા જે અનુભવ થયો છે તેને અહીં ઉકેલરૂપે માર્ગ દેખાડીને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે.
સાચો શિક્ષક એ છે કે, જેને માણસ પણ ગમતા હોય છે.
સાચો શિક્ષક એ છે કે, એને ભણાવવું ગમતું હોય છે.
સાચો શિક્ષક એ પણ છે કે, માણસોને ભણાવતા ભણાવતા જે નાના-મોટા પ્રશ્નો શિક્ષક પોતે ફેસ કરી રહ્યા છે તેના અંગે તે મંથન કરે, આ પ્રશ્ન શા માટે ઉદ્ભવે છે તેનો વિચાર કરે અને પછી પોતાને તેના ક્યા ઉકેલો સૂજે છે તેની વાત પણ વિચારીને આપણી સમક્ષ મૂકે.
ખાસ આપણે શીખવાનું કે, શિક્ષક માત્ર પ્રશ્નો મેળવનારો નથી, પણ રોજબરોજની ઘટનાઓમાં પોતાની સમક્ષ જે પ્રશ્નો આવતા હોય અથવા જે વિદ્યાર્થીઓને જોઈને કે તેમના વર્તન વ્યવહારો અનુભવીને મૂંઝવણો પોતે અનુભવતા હોય તેના અંગે થોડું ચિંતન કરે. ચિંતન કરીને એમાં દોષપાત્ર તરીકે વિદ્યાર્થીને ન રાખે, પરંતુ મારા વર્ગખંડમાં આવો પ્રશ્ન કેમ ઉભો થયો? અથવા કોઈ એક વિદ્યાર્થી મારા શિક્ષણ કાર્ય દરમિયાન કેમ મુશ્કેલી અનુભવે છે? એને ક્યાં શું ખૂંટે છે? એને કોઈનું, ક્યાં, શું ખૂંચે છે?…તે જે વિચારે છે તે સાચો શિક્ષક છે.
…..અને એ નજરે અખિલ દવે આપણી સમક્ષ એક સર્વાંગ શિક્ષક થઈને ઉભરી આવ્યા છે. એમણે વર્ગખંડમાં જે પ્રશ્નો અનુભવ્યા તેની યાદી બનાવી, તે પ્રશ્નો થવા માટેના કારણો કયા હોઈ શકે તેનું મંથન કર્યું, અને પછી એ પ્રશ્નો અને તેના મંથનમાંથી આ પ્રશ્ન માટે આપણે શું કરી શકીએ? એક શિક્ષક તરીકે આપણે કેવી રીતે વિચારવું જોઈએ? એવો એક ઉપક્રમ પોતાના પ્રત્યેક લેખમાં તેમણે સર્જ્યો. પરિણામે……
કિશોરાવસ્થામાં અનુભવાતી મૂંઝવણો એક શિક્ષકની નજરે સમસ્યા તરીકે મળી, એક ચિંતકની નજરે આ સમસ્યાના કારણો મળ્યા, અને એક નિદાન કરનાર વ્યક્તિત્વ તરીકે એ મૂંઝવણમાં આપણે શું કરી શકીએ એવા ત્રણ ભાગમાં પ્રત્યેક લેખને તેમણે વહેંચ્યો છે. પુસ્તકના લેખોની એક ખૂબી એ છે કે, એ વર્ણનાત્મક નથી, પરંતુ તે વાતચીત કરતા હોય તેવા સ્વરૂપમાં લખેલ છે. દરેક લેખ કોઈ એક પાત્રનું નામ લઈને આવે છે. એનાથી એક ફાયદો એ છે કે, આપણને કોઈ વિદ્યાર્થી નથી દેખાતો, પણ આપણને કાં તો રેન્સી દેખાય છે, કાં તો તરંગ દેખાય છે અથવા તો આપણને કૃતિ સામે મળે છે, અને આપણે કૃતિ, તરંગ કે રેન્સીના મૂંઝવણના મુદ્દાઓ જાણે જાણતા હોઈએ એવો અહેસાસ આપણને થાય છે.
હું આ પુસ્તકને “શોધ યાત્રા” કહું છું, કારણ આ અવિરત ચાલતી યાત્રાનો આરંભ છે અને હજુ કોઈ અખિલ કે કોઈ નિખિલ દ્વારા આમ ખેડાણ થતું જ રહેશે.
અખિલ દવે આ એક નવા પ્રકારનું પુસ્તક લઈને આપણી સમક્ષ આવ્યા છે. એમ કહેવાય છે કે આપણે બાળકોની વૃદ્ધિની અવસ્થા અને તેમના વિકાસના તબક્કાઓને જો જાળવી લઈએ તો બાળકો આપણી વૃદ્ધાવસ્થાને પણ જાળવી લેશે. આ વાતને માત્ર જાળવી લેવાથી નહીં પણ કેટલો ઊંડાણથી વિચારી શકાય તે ખ્યાલ રાખીને અખિલે કુલ પચીસ લેખોમાં પોતાની વાત રજૂ કરી આપી છે.
આનંદ એ વાતનો છે કે પોતે શિક્ષક છે એટલે પોતે અનુભવ્યું છે. પોતે જાગૃત શિક્ષક છે એટલે અનુભવ્યુ તેના વિશે ચિંતન કર્યું છે. અને પોતે સમાજની સાથે જીવે છે, સમાજની સાથે અનુબંધ જાળવનાર બાબાપુર ગામની ‘શ્રી સર્વોદય સરસ્વતી મંદિર’ નામની સંસ્થામાં તેઓ મોટા થયા છે અને ત્યાં આજે પણ જોડાયેલા છે તેથી સમાજની સમક્ષ આનો ઉકેલ શું હોઈ શકે એવું એમણે દરેકે દરેક મૂંઝવણ માટે વિચાર્યું છે અને આપણને એક નાનકડું પણ અતિ મહત્વનું પુસ્તક પ્રાપ્ત થયું છે.
ગમવા જેવી વાત એ છે કે સમગ્ર પુસ્તકની અંદર ક્યાંય ફીલોસોફી અથવા તો જ્ઞાન છાંટવાની પ્રક્રિયા થઈ નથી. આજકાલના શિક્ષણના પુસ્તકોમાં મોટી તકલીફ એ છે કે, લખનારો તરત જ ચિંતક થઈ જાય છે અને જ્ઞાન ઉપાસના કરવા લાગે છે. અખિલના આ પુસ્તકમાં આ વાત ક્યાંય જોવા મળતી નથી એ આનંદનો વિષય છે. એમણે બહુ સાહજીકતાથી છેલ્લે કેટલાક પુસ્તકો પણ સૂચવ્યા છે કે, જો આપણે શિક્ષકોએ અને વાલીઓએ બાળ વિકાસ માટે કંઈ ચિંતા કરવી હોય તો કયા પુસ્તકો પહેલે હાથે વાંચવા જોઈએ. આવા ગાગરમાં સાગર સમાવી લેવાના અખિલ દવેના નાનકડા પ્રયાસને હું સમાજ સમક્ષ મુકતા ખૂબ આનંદ અનુભવું છું અને એક શિક્ષક તરીકે મને એ વાતનો આનંદ છે કે, આપણી પાસે એવા શિક્ષકો ક્યાંક ક્યાંક છે કે જે કેવળ અભ્યાસક્રમ અને મધ્યાહ્ન ભોજન વિષે જ ના વિચારે, પણ શિક્ષકોની સાચુકલી મૂંઝવણ વિશે વિચારે.
આજે જયારે શિક્ષણ વિપથગામી પ્રવાહની વચ્ચે ટકી રહેવા મથે છે ત્યારે અખિલ દવે જેવા “જીવથી શિક્ષક”ની અખિલાઈ પણ ટકી રહે તે જોવાની જવાબદારી આપણી છે.
by Bhadrayu Vachhrajani | Jan 25, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને, યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા, એ ગાંધી કેવા હશે!!?
(ભાવિ શિક્ષકો સાથેના સાત્વિક સંવાદને આજે આગળ વધારી પૂર્ણ કરીએ.)
પ્રશ્ન: શિક્ષકને સત્ય માનવો કે સત્યને શિક્ષક માનવો? બન્ને વચ્ચે ઘણો ભેદ રહેલો છે અને એ ભેદ મને સમજાતો નથી.
ઉત્તર: પહેલી વાત એ છે કે વિદ્યાર્થી તરીકે હંમેશા માનવું કે શિક્ષક એ સત્ય છે, પણ જ્યારે તમે વિદ્યાર્થી મટી જાઓ ત્યારે વિશ્લેષણ કરવું. શિક્ષક અને સત્ય વચ્ચે ભેદ લાગે ત્યારે બહુ મન ઉપર ન લેવું. ઈશ્વરે આપણને અહીં પૃથ્વી પર અનુભવો લેવા જ મોકલ્યા છે. પ્રભુએ કહ્યું છે કે, સારું હોય એ લેતો આવજે અને નરસું હોય તેને ત્યાં ને ત્યાં પડ્યુ રાખજે. ગાંધીજીને સમજ્યા વિના આચરણમાં મૂકશો તો તમને નહિ સમજાય. ગાંધીજીનું પહેલું સૂત્ર હતું ‘ ઈશ્વર સત્ય છે’ પણ પછી એમને સમજાયું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ આપણને જ્યાં સત્ય દેખાય ત્યાં ઈશ્વર, બાકી બીજી કોઈ માથાકૂટમાં ન પડવું.
પ્રશ્ન: આજના સમયમાં મૂલ્ય શિક્ષણનો હ્રાસ જોવા મળે છે ત્યારે તેને શિક્ષણ દ્વારા પુનઃસ્થાપિત કેમ કરી શકાય?
ઉત્તર: મારી દૃષ્ટિએ ‘મૂલ્ય શિક્ષણ’ જેવો કોઈ વિષય જ નથી. એ તો ઠોકી બેસાડેલો વિષય છે. મૂલ્યનું શિક્ષણ જ ન હોય. આપણા ગુરુકુલોમાં મૂલ્યો ભણાવાયા નથી પણ મૂલ્યને જીવ્યા છે. ગુરુ જેમ જીવતા હોય તેમને જોઈને ઋષિકુમારો શિખતા. આજનો પ્રશ્ન એ છે કે, મહત્તમ ગુરુઓ જ ઉંધા માર્ગે છે. આપણે જાત તપાસની જરૂર છે કે, આપણે શિક્ષક તરીકે કેટલા તૈયાર છીએ. આપણે નાહકની બૂમો પાડીએ છીએ કે, આજના વિદ્યાર્થીઓ ઉત્પાત્ કરે છે, પણ શિક્ષકોએ અપગ્રેડ થવું રહ્યું. મને વ્યક્તિગત ફાયદો એ થયો કે, મેં KG થી શરૂ કરી PG સુધીના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. એટલે જ હું બાલમંદિરના બાળક સાથે બેસીને વાતો કરી શકુ છું એટલો હળવો છું. જો આપણે પ્રાથમિક શાળામાં છીએ તો આપણે પ્રાથમિક શિક્ષક જેટલા વિકસીએ તે સંતોષ માની લઈએ છીએ, માધ્યમિક શાળામાં શિક્ષક છીએ તો માધ્યમિક શિક્ષક સુધી આપણે સંતોષ માની લઈએ છીએ અને જાતને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરતા.
મૂલ્ય શિક્ષણના કિસ્સામાં કેવું થાય છે આપણે બોલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જાણે છે કે ‘આ બોલે છે એ પ્રમાણે કરતો નથી‘ એની નોંધ કરે છે. એટલે એને બોલવા દો. તમે વિચાર કરો કે, જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા એ ગાંધી કેવા હતા? આજની દૃષ્ટિએ જોવા જઈએ તો એનામાં કોઈ ‘પર્સનાલિટી’ નહોતી, કોઈ વ્યક્તિત્વ નહોતું. એ બોલે તો કોઈને સાંભળવું ન ગમે એવા હતા, પણ પોતે જે જીવતા હતા એવું એ કહેતા હતા! એટલે મારી દૃષ્ટિએ મૂલ્ય શિક્ષણ જેવો કોઈ વિષય નથી. મૂલ્ય એ જીવનની અને જીવવાની બાબત છે અને એ જોઈને મારા કુટુંબના સભ્યો કે મારી શાળાના વિદ્યાર્થીઓ કરે એ સાચું.
પ્રશ્ન: મારો પ્રશ્ન વ્યક્તિગત છે. આપ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કૉલેજમાં હતા ત્યારે આપે નિવૃત્તિના ઘણા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી, તો તે પાછળનું કારણ શું હતું?
ઉત્તર: મને જ્યારે એવું લાગે કે અહીં આપણા વિચારોનો વ્યય કરી રહ્યા છીએ ત્યાંથી મને નીકળી જવાની ટેવ છે. યુનિવર્સીટીમાંથી નીકળીને હું અદાણી ફાઉન્ડેશનમાં ગયો. મારી એક જ જિજ્ઞાસા હતી કે, કોર્પોરેટ એવું શું કઈ રીતે કરે છે કે એમના પરિણામો ધાર્યા મળે છે, પણ આપણી સરકાર કે અન્ય સંસ્થાઓ કરે છે તેમાં દમ નથી હોતો. મારે તેઓની સિસ્ટમમાં રહીને જાણવું હતું એટલે હું જોડાયો.
જ્યારે હું બેંકમાં નોકરી કરતો હતો ત્યારે બે થી અઢી વાગે અમે બધા ફ્રી થઈ જતા. ત્યારે મને પ્રશ્ન થતો કે, હું અહીં શા માટે આવ્યો છું? કામ પૂર્ણ થયા પછી બેસી રહેવા? બેસી રહેવાનું કામ મને નથી ગમતું. યુનિવર્સિર્ટીમાં શૈક્ષણિક ક્ષમતાઓને બદલે બીજી કોઈ ક્ષમતાઓ જોઈને નિયુક્તિ થવાનો માહોલ રચાયો હતો. આવા માહોલમાં આપણે સમયનો વ્યય કરીએ તેના કરતાં નીકળી જઈએ તો સારું એવું મને લાગતું હતું તેથી મેં દસ વર્ષ વહેલા નિવૃત્તિ લઈ લીધી.
પ્રશ્ન: વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ત્યારે શિક્ષક પાસે સાચો અથવા પૂરતો જવાબ ન હોય ત્યારે શિક્ષકે શું કરવું? – જેથી વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે કોઈ ગેરસમજ ન થાય.
ઉત્તર: ફ્રેન્કલી કહી દેવું કે, દોસ્ત મને ખ્યાલ નથી. એક કામ કરીએ, કાલે તુંય તપાસ કરી લાવ ને હું ય તપાસ કરી લાવું, એમ કહી દેવું. શિક્ષક છીએ એટલે બધું જ આવડે એવો અભરખો રાખવાની જરૂર નથી. જેટલું જીવતા હોઈએ એ આવડે તો ય ઘણું છે જિંદગીમાં જ્યાં, જ્યારે, જેમ ન આવડતું હોય તે, ત્યારે, તેમ કહી દેવું!
પ્રશ્ન: આજે સવારથી સાંજ સુધી કાર્યક્રમ દરમિયાન તમને મેં જોયા. તમે સતત સ્મિતસભર છો. આજના સમયમાં એક શિક્ષક તરીકે નાના–મોટા અનેક સંઘર્ષો આવે છે. ત્યારે અમારું મોરલ ડાઉન થઈ જાય છે. તો આ સમયમાં સેલ્ફ મોટીવ કેવી રીતે રહી શકાય?
ઉત્તર: હું એવું માનું છું કે, આપણને કોઈ અન્ય પ્રેરણા ન આપી શકે. એટલે આજના જેટલા ‘મોટિવેશનલ સ્પીકર’ છે તે મારી દૃષ્ટિએ ‘ખોટીવેશનલ સ્પીકર’ છે. હું કોઈ પણ પ્રવૃત્તિ મારા સંતોષ ખાતર કરું છું. કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી’ જે કામ આપણું છે એને પુરા આનંદથી કરવું. આપણું નથી એને માથે ન લેતાં, જેનું હોય તેને સોંપી દેવું. બીજી એક આદત કેળવવાની જરૂર છે, સવારે વહેલા ઉઠીશું તો આપણે સ્ફૂર્તિવાન રહીશું. સૂર્યોદય પછી જાગશું તો આપણી સ્ફૂર્તિ ઓછી રહેશે. અને મહત્વની વાત જ્યાં જરૂર નથી ત્યાં આપણા શબ્દનું વાવેતર ન કરવું!
પ્રશ્ન: શિક્ષણ જગતમાં ૨૯ જુલાઈ ૨૦૨૦ પછી ઘણા પરિવર્તનો આવ્યા છે. આ વિવિધ પરિવર્તનોની વચ્ચે ભાષા ફસાઈ ગઈ છે. એટલે એમ કહીએ તો ૧૯૮૬થી આજ દિન સુધી એનો કોઈ નિવેડો નથી આવ્યો. આ વિશે આપનું શું મંતવ્ય છે?
ઉત્તર: હું બહુ જ સહજતાથી કહીશ કે, આપણી પાસે વિચારવા જેવા મહત્ત્વના અન્ય મુદ્દાઓ છે જ નહીં, જેથી આપણે આવા વિષયો પર ચર્ચા કરીએ છીએ. કઈ ભાષા ચાલવી જોઈએ? એ બધું મહત્વનું છે જ નહીં. સરળ વસ્તુ એ છે કે ‘હું જે બોલું છું તે સામેવાળાને પહોંચે છે કે નહીં? સામેવાળાને સમજાય એ ભાષા સાચી‘. બે વ્યક્તિઓ વચ્ચે કે સમુદાયો વચ્ચે ભાષા અંતરાય રૂપ બનતી હોય તો તે ભાષા નકામી! મને લાગે છે કે, જે સમન્વયકારી વાત છે એ જ કરવી જોઈએ.
પ્રશ્ન: પોતાની અને બીજાની જિજ્ઞાસાને કેમ ટકાવી રાખવી?
ઉત્તર: પહેલો મુદ્દો એ કે જીવતી ન રહે એ જિજ્ઞાસા જ નથી. જિજ્ઞાસા એ છે કે જ્યાં સુધી તમે એને જાણી ન લો કે એના મૂળ સુધી ન પહોંચો ત્યાં સુધી એ જીવતી રહે છે.
બીજો મુદ્દો તમે બીજાની જિજ્ઞાસાની પણ વાત કરી. તો તમારા જીવનની દરેક શરૂઆત કે અંત કંઈક ઇનોવેટિવ વાતથી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે ગુજરાતીના શિક્ષક છો તો તમે આજે દિનકરની કવિતાથી વાત શરૂ કરો. બીજા દિવસે વર્ગમાં જાઓ અને અંગ્રેજી ભાષાના જોક્સથી વાત શરૂ કરો. ત્રીજા દિવસે ટાગોરની વાત કરો. આનાથી એ થશે કે, હવે પછી શું નવું આવશે એવી વિદ્યાર્થીઓમાં સતત જિજ્ઞાસા રહેશે. આ મુદ્દા દ્વારા હું એવું કહેવા માગું છું, નવાચારી પ્રવૃત્તિઓ આપણી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને ટકાવી શકે છે. આપણે આપણી ઘરેડમાંથી બહાર નીકળવું એ જ જિજ્ઞાસાને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે!
by Bhadrayu Vachhrajani | Jan 17, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શિક્ષકનું કામ ભણાવી દેવાથી પૂરું થતું નથી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓને બહાર લાવવાનું કામ એ જ શિક્ષકનું મુખ્ય કામ છે.
[૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ‘શિક્ષકદિન’ની ઉજવણી નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા ભાવિ શિક્ષકોએ પ્રો. ભદ્રાયુ વછરાજાની (પૂર્વ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન, સણોસરા) સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં પ્રો. ભદ્રાયુ વછરાજાનીએ સંવાદ પૂર્વે કરેલી ભૂમિકા તેમજ ભાવિ શિક્ષકો સાથે થયેલી પ્રશ્નોત્તરીને વિદ્યાપીઠના અધ્યાપકો શ્રી નીતિનકુમાર ઢાઢોદરા અને મનુભાઈ રબારીએ લિપિબદ્ધ કરી છે. શિક્ષણક્ષેત્રમાં અનુભવાતા કેટલાક પ્રશ્નોના ઉકેલ તેમાંથી આપણને મળી આવે છે.]
ભૂમિકા:
મને શિક્ષક થવાનો તમારી જેમ એક દિવસનો નહીં પણ જિંદગીભરનો અનુભવ છે. મારા જીવનમાં મેં બેંકની કાયમી નોકરી છોડીને મેં પ્રાથમિક શિક્ષક બનવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષક બન્યા પછી મને શિક્ષણ ક્ષેત્રના સૌથી ઉચ્ચ હોદ્દા પર કામ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે, કારણ કે શિક્ષણક્ષેત્રમાં પ્રાથમિક શાળાના શિક્ષકથી માંડીને વિશ્વવિદ્યાલયના કુલપતિ સુધી મને સ્વયં વિકસવાની અને વિદ્યાર્થીઓને વિકસાવવાની તક મળી છે. આજે મને અનુભવાય છે કે હું શિક્ષક થયો તેથી મને આત્મસંતોષ પ્રાપ્ત થયો છે. હું જ્યારે બેંકમાં નોકરી કરતો હતો ત્યારે રોજ સાંજે નિરાશ થઈને ઘેર પાછો ફરતો હતો, કારણ કે મારો આખો દિવસ બીજાઓના રૂપિયા ગણવામાં પસાર થતો હતો. તે સમયથી જ મને શિક્ષક બનવામાં એટલા માટે રસ પડ્યો કે શિક્ષક બનવાથી મને જીવંત લોકો સાથે કામ કરવાની તક મળશે એવું મને લાગતું હતું. વિદ્યાર્થીઓ આપણને અહીં નિર્વ્યાજ પ્રેમ આપે છે. મને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેના મારા દિવસો હજુ પણ યાદ છે. શિક્ષકના વ્યવસાયે મને જીવંત રાખ્યો છે. મને લાગે છે કે પૂર્વ જન્મમાં મેં ખૂબ જ પૂણ્ય કર્યા હશે તેથી હું શિક્ષક બન્યો હોઈશ. આપ સૌને શિક્ષક અને શિક્ષણક્ષેત્રના પ્રશ્નો-ચર્ચા માટે હું આવકારું છું. આપના પ્રશ્નોના મને જેવી સમજ છે તે પ્રમાણે ઉત્તર આપવાનો હું પ્રયત્ન કરીશ.
પ્રશ્ન: વિદ્યાર્થીઓની ક્ષમતાઓને કેવી રીતે બહાર લાવવી?
ઉત્તર: શિક્ષકનું કામ ભણાવી દેવાથી પૂરું થતું નથી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓને બહાર લાવવાનું કામ એ જ શિક્ષકનું મુખ્ય કામ છે. આપણી સામે બેસેલા વિદ્યાર્થીઓ જીવંત છે અને આ વિદ્યાર્થીઓમાં પૂર્ણત્વ છે તેમ આપણે માનવું જોઈએ. હું ભણાવું છું તેથી તે ભણે છે અથવા તો શીખે છે તે તો આપણો ભ્રમ છે. આપણે વિદ્યાર્થીઓને મંચ આપવાનું અને તક આપવાનું કામ કરવાનું છે. જે રીતે મૂર્તિકાર મૂર્તિમાં રહેલો વધારાનો ભાગ દૂર કરે છે તે જ રીતે આપણે આપણા વિદ્યાર્થીઓની ક્ષમતાઓને અવરોધક વધારાનો ભાગ દૂર કરીને તેને બહાર લાવવાની છે. આપણે તેના રખેવાળ બનવાને બદલે આત્મીયજન બનીએ તો વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખવાની તેમ જ બહાર લાવવાની પ્રક્રિયા થઈ શકે!
પ્રશ્ન: શિક્ષણકાર્ય કર્યા પછી વિદ્યાર્થીઓ જવાબ ન આપે ત્યારે શું કરવું?
ઉત્તર: એક શિક્ષક તરીકે આપણું કામ વિદ્યાર્થીઓ પાસે માત્ર જવાબો તૈયાર કરાવવાનું નથી, પણ વિદ્યાર્થીઓએ જે બાબતનું અધ્યયન કર્યું છે તેમાંથી તેઓ સમજ સાથે કશુંક બોલે, આત્મવિશ્વાસ સાથે કશુંક બોલે તે પણ મહત્વનું છે. તે માટે આપણે એક શિક્ષક તરીકે બાળકના સ્તર સુધી પહોંચવું જોઈએ. બાળકને જે સ્તરે છે તે સ્તરે જઈને સમજ આપવી અને તેને સતત પ્રોત્સાહન આપવું તે આપણી ભૂમિકા છે. આપણો વર્ગ જ્યારે પૂરો થાય અને આપણે બહાર નીકળીએ ત્યારે આપણી સાથે ચર્ચા કરતા કરતા પાંચ-સાત વિદ્યાર્થીઓ પણ બહાર નીકળે તે જ શિક્ષક તરીકેની આપણી સફળતા સૂચવે.
પ્રશ્ન: કાર્ય કે વર્ગમાં આદર્શ અને વ્યવહાર બંનેને એકસાથે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણીવાર ધર્મસંકટમાં મુકાઈએ છીએ ત્યારે એક શિક્ષક તરીકે આપણે ભૂમિકા શું?
ઉત્તર: આ જ પ્રશ્ન હું જ્યારે વર્ષો પહેલા રાજકોટમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતો ત્યારે ફાધર વાલેસને મેં પૂછ્યો હતો. ફાધર વાલેસ મુક્ત જવાબ આપી શકે એવા જાણીતા વ્યક્તિ હતા. મેં ત્યારે તેમને પૂછેલું કે ‘શિક્ષક તરીકે હંમેશા આપણે વર્ગમાં સાચું જ કહેવું જોઈએ, પણ કેટલીક બાબતો એવી હોય છે જે આપણે વર્ગમાં કહી શકતા નથી ત્યારે શું આપણે એનો જવાબ ન આપવો જોઈએ કે વર્ગમાંથી નીકળી જવું જોઈએ? શું કરવું જોઈએ?’ ત્યારે ફાધર વાલેસે જવાબ આપેલો કે ‘વર્ગખંડની અંદર હંમેશા સારું અને સાચું જ કહેવું જોઈએ. જ્યારે નિશ્ચિત કરેલ વિષયનું શિક્ષણકાર્ય પૂર્ણ થાય ત્યારે વાસ્તવિકતા બાબતે આપણે વિદ્યાર્થીનું ધ્યાન ચોક્કસ દોરવું જ જોઈએ. સમાજ સારા સભ્યોનો બનેલો હોય છે, સમાજમાં બધા સારા હોય છે, શિક્ષણમાં સારા લોકો હોય છે – આવી સમજ આપ્યા પછી પણ વર્ગની બહાર નિકળતા પહેલા આપણે વાસ્તવિકતા તરફ નિર્દેશ કરતા કહેતા જવું કે, બધે હંમેશા આવું હોતું નથી, ક્યાંક ક્યાંક આનાથી તદ્દન જુદું પણ હોઈ શકે છે. આવું કરવાથી જ્યારે વિદ્યાર્થી તમે આપેલા જવાબથી સમાજમાં અલગ જોશે ત્યારે એ તમને જુઠ્ઠા નહીં માને! જ્યારે વિદ્યાર્થીની સામે શિક્ષક જુઠો સાબિત થાય ત્યારે વિદ્યાર્થીનો વિશ્વાસ તૂટે છે તેવું મને લાગે છે.
હું માનું છું કે એક શિક્ષક તરીકે તમારે આદર્શની વાત ચોક્કસ કરવી અને આદર્શની વાત કર્યા પછી કહેવું કે સમાજમાં બધી જગાએ આવું જ જોવા મળતું નથી. જીવનમાં તમે તકલીફ અનુભવશો, જ્યારે તમે નોકરી માટે જશો ત્યારે નોકરીદાતા તમારી પાસેથી રૂપિયા ન માગે, પણ કોઈ અધિકારી એવો હોઈ શકે કે જે તમારી પાસેથી રૂપિયા માગે. આ બધી વાસ્તવિકતાઓ વિદ્યાર્થીઓને કહી દેવાથી ફાયદો એ થશે કે જ્યારે આવું બનશે ત્યારે તમે એને યાદ આવશો અને તમને એ જુઠ્ઠા નહીં ગણે.
પ્રશ્ન: આજના વિદ્યાર્થીઓને ગાંધી વિચારધારા તરફ કેવી રીતે પ્રેરિત કરી શકાય?
ઉત્તર: આ પ્રશ્નનો જવાબ મારે તમારી પાસે લેવો રહ્યો. ગાંધી વિચારને વિદ્યાર્થીઓ સુધી લઈ જવાનો એકમાત્ર ઉપાય ગાંધી વિચારને આચરણમાં મૂકવાનો છે. તમારા આચરણમાં જે ગાંધીવિચાર જોવા મળે તે જોઈને વિદ્યાર્થીઓ તેનું આચરણ કરતા થાય તે શિક્ષક સાચો, બાકી બધા તો સાવ જુઠ્ઠા!
પ્રશ્ન: શિક્ષકને સત્ય માનવો કે સત્યને શિક્ષક માનવો? બન્ને વચ્ચે ઘણો ભેદ રહેલો છે અને એ ભેદ મને સમજાતો નથી.
ઉત્તર: પહેલી વાત એ છે કે વિદ્યાર્થી તરીકે હંમેશા માનવું કે શિક્ષક એ સત્ય છે, પણ જ્યારે તમે વિદ્યાર્થી મટી જાઓ ત્યારે વિશ્લેષણ કરવું. શિક્ષક અને સત્ય વચ્ચે ભેદ લાગે ત્યારે બહુ મન ઉપર ન લેવું. ઈશ્વરે આપણને અહીં પૃથ્વી પર અનુભવો લેવા જ મોકલ્યા છે. પ્રભુએ કહ્યું છે કે, સારું હોય એ લેતો આવજે અને નરસું હોય તેને ત્યાં ને ત્યાં પડ્યુ રાખજે. ગાંધીજીને સમજ્યા વિના આચરણમાં મૂકશો તો તમને નહિ સમજાય. ગાંધીજીનું પહેલું સૂત્ર હતું ‘ ઈશ્વર સત્ય છે’ પણ પછી એમને સમજાયું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ આપણને જ્યાં સત્ય દેખાય ત્યાં ઈશ્વર, બાકી બીજી કોઈ માથાકૂટમાં ન પડવું.
પ્રશ્ન: આજના સમયમાં મૂલ્ય શિક્ષણનો હ્રાસ જોવા મળે છે ત્યારે તેને શિક્ષણ દ્વારા પુનઃસ્થાપિત કેમ કરી શકાય?
ઉત્તર: મારી દૃષ્ટિએ ‘મૂલ્ય શિક્ષણ’ જેવો કોઈ વિષય જ નથી. એ તો ઠોકી બેસાડેલો વિષય છે. મૂલ્યનું શિક્ષણ જ ન હોય. આપણા ગુરુકુલોમાં મૂલ્યો ભણાવાયા નથી પણ મૂલ્યને જીવ્યા છે. ગુરુ જેમ જીવતા હોય તેમને જોઈને ઋષિકુમારો શિખતા. આજનો પ્રશ્ન એ છે કે, મહત્તમ ગુરુઓ જ ઉંધા માર્ગે છે. આપણે જાત તપાસની જરૂર છે કે, આપણે શિક્ષક તરીકે કેટલા તૈયાર છીએ. આપણે નાહકની બૂમો પાડીએ છીએ કે, આજના વિદ્યાર્થીઓ ઉત્પાત્ કરે છે, પણ શિક્ષકોએ અપગ્રેડ થવું રહ્યું. મને વ્યક્તિગત ફાયદો એ થયો કે, મેં KG થી શરૂ કરી PG સુધીના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. એટલે જ હું બાલમંદિરના બાળક સાથે બેસીને વાતો કરી શકુ છું એટલો હળવો છું. જો આપણે પ્રાથમિક શાળામાં છીએ તો આપણે પ્રાથમિક શિક્ષક જેટલા વિકસીએ તે સંતોષ માની લઈએ છીએ, માધ્યમિક શાળામાં શિક્ષક છીએ તો માધ્યમિક શિક્ષક સુધી આપણે સંતોષ માની લઈએ છીએ અને જાતને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરતા.
મૂલ્ય શિક્ષણના કિસ્સામાં કેવું થાય છે આપણે બોલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જાણે છે કે ‘આ બોલે છે એ પ્રમાણે કરતો નથી‘ એની નોંધ કરે છે. એટલે એને બોલવા દો. તમે વિચાર કરો કે, જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા એ ગાંધી કેવા હતા? આજની દૃષ્ટિએ જોવા જઈએ તો એનામાં કોઈ ‘પર્સનાલિટી’ નહોતી, કોઈ વ્યક્તિત્વ નહોતું. એ બોલે તો કોઈને સાંભળવું ન ગમે એવા હતા, પણ પોતે જે જીવતા હતા એવું એ કહેતા હતા!. એટલે મારી દૃષ્ટિએ મૂલ્ય શિક્ષણ જેવો કોઈ વિષય નથી. મૂલ્ય એ જીવનની અને જીવવાની બાબત છે અને એ જોઈને મારા કુટુંબના સભ્યો કે મારી શાળાના વિદ્યાર્થીઓ કરે એ સાચું.
પ્રશ્ન: મારો પ્રશ્ન વ્યક્તિગત છે. આપ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કૉલેજમાં હતા ત્યારે આપે નિવૃત્તિના ઘણા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી, તો તે પાછળનું કારણ શું હતું?
ઉત્તર: મને જ્યારે એવું લાગે કે અહીં આપણા વિચારોનો વ્યય કરી રહ્યા છીએ ત્યાંથી મને નીકળી જવાની ટેવ છે. યુનિવર્સીટીમાંથી નીકળીને હું અદાણી ફાઉન્ડેશનમાં ગયો. મારી એક જ જિજ્ઞાસા હતી કે, કોર્પોરેટ એવું શું કઈ રીતે કરે છે કે એમના પરિણામો ધાર્યા મળે છે, પણ આપણી સરકાર કે અન્ય સંસ્થાઓ કરે છે તેમાં દમ નથી હોતો. મારે તેઓની સિસ્ટમમાં રહીને જાણવું હતું એટલે હું જોડાયો.
જ્યારે હું બેંકમાં નોકરી કરતો હતો ત્યારે બે થી અઢી વાગે અમે બધા ફ્રી થઈ જતા. ત્યારે મને પ્રશ્ન થતો કે, હું અહીં શા માટે આવ્યો છું? કામ પૂર્ણ થયા પછી બેસી રહેવા? બેસી રહેવાનું કામ મને નથી ગમતું. યુનિવર્સિર્ટીમાં શૈક્ષણિક ક્ષમતાઓને બદલે બીજી કોઈ ક્ષમતાઓ જોઈને નિયુક્તિ થવાનો માહોલ રચાયો હતો. આવા માહોલમાં આપણે સમયનો વ્યય કરીએ તેના કરતાં નીકળી જઈએ તો સારું એવું મને લાગતું હતું તેથી મેં દસ વર્ષ વહેલા નિવૃત્તિ લઈ લીધી.
પ્રશ્ન: વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ત્યારે શિક્ષક પાસે સાચો અથવા પૂરતો જવાબ ન હોય ત્યારે શિક્ષકે શું કરવું? – જેથી વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે કોઈ ગેરસમજ ન થાય.
ઉત્તર: ફ્રેન્કલી કહી દેવું કે, દોસ્ત મને ખ્યાલ નથી. એક કામ કરીએ, કાલે તુંય તપાસ કરી લાવ ને હું ય તપાસ કરી લાવું, એમ કહી દેવું. શિક્ષક છીએ એટલે બધું જ આવડે એવો અભરખો રાખવાની જરૂર નથી. જેટલું જીવતા હોઈએ એ આવડે તો ય ઘણું છે જિંદગીમાં જ્યાં, જ્યારે, જેમ ન આવડતું હોય તે, ત્યારે, તેમ કહી દેવું!
પ્રશ્ન: આજે સવારથી સાંજ સુધી કાર્યક્રમ દરમિયાન તમને મેં જોયા. તમે સતત સ્મિતસભર છો. આજના સમયમાં એક શિક્ષક તરીકે નાના–મોટા અનેક સંઘર્ષો આવે છે. ત્યારે અમારું મોરલ ડાઉન થઈ જાય છે. તો આ સમયમાં સેલ્ફ મોટીવ કેવી રીતે રહી શકાય?
ઉત્તર: હું એવું માનું છું કે, આપણને કોઈ અન્ય પ્રેરણા ન આપી શકે. એટલે આજના જેટલા ‘મોટિવેશનલ સ્પીકર’ છે તે મારી દૃષ્ટિએ ‘ખોટીવેશનલ સ્પીકર’ છે. હું કોઈ પણ પ્રવૃત્તિ મારા સંતોષ ખાતર કરું છું. કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી’ જે કામ આપણું છે એને પુરા આનંદથી કરવું. આપણું નથી એને માથે ન લેતાં, જેનું હોય તેને સોંપી દેવું. બીજી એક આદત કેળવવાની જરૂર છે, સવારે વહેલા ઉઠીશું તો આપણે સ્ફૂર્તિવાન રહીશું. સૂર્યોદય પછી જાગશું તો આપણી સ્ફૂર્તિ ઓછી રહેશે. અને મહત્વની વાત જ્યાં જરૂર નથી ત્યાં આપણા શબ્દનું વાવેતર ન કરવું!
પ્રશ્ન: શિક્ષણ જગતમાં ૨૯ જુલાઈ ૨૦૨૦ પછી ઘણા પરિવર્તનો આવ્યા છે. આ વિવિધ પરિવર્તનોની વચ્ચે ભાષા ફસાઈ ગઈ છે. એટલે એમ કહીએ તો ૧૯૮૬થી આજ દિન સુધી એનો કોઈ નિવેડો નથી આવ્યો. આ વિશે આપનું શું મંતવ્ય છે?
ઉત્તર: હું બહુ જ સહજતાથી કહીશ કે, આપણી પાસે વિચારવા જેવા મહત્ત્વના અન્ય મુદ્દાઓ છે જ નહીં, જેથી આપણે આવા વિષયો પર ચર્ચા કરીએ છીએ. કઈ ભાષા ચાલવી જોઈએ? એ બધું મહત્વનું છે જ નહીં. સરળ વસ્તુ એ છે કે ‘હું જે બોલું છું તે સામેવાળાને પહોંચે છે કે નહીં? સામેવાળાને સમજાય એ ભાષા સાચી‘. બે વ્યક્તિઓ વચ્ચે કે સમુદાયો વચ્ચે ભાષા અંતરાય રૂપ બનતી હોય તો તે ભાષા નકામી! મને લાગે છે કે, જે સમન્વયકારી વાત છે એ જ કરવી જોઈએ.
પ્રશ્ન: પોતાની અને બીજાની જિજ્ઞાસાને કેમ ટકાવી રાખવી?
ઉત્તર: પહેલો મુદ્દો એ કે જીવતી ન રહે એ જિજ્ઞાસા જ નથી. જિજ્ઞાસા એ છે કે જ્યાં સુધી તમે એને જાણી ન લો કે એના મૂળ સુધી ન પહોંચો ત્યાં સુધી એ જીવતી રહે છે.
બીજો મુદ્દો તમે બીજાની જિજ્ઞાસાની પણ વાત કરી. તો તમારા જીવનની દરેક શરૂઆત કે અંત કંઈક ઇનોવેટિવ વાતથી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે ગુજરાતીના શિક્ષક છો તો તમે આજે દિનકરની કવિતાથી વાત શરૂ કરો. બીજા દિવસે વર્ગમાં જાઓ અને અંગ્રેજી ભાષાના જોક્સથી વાત શરૂ કરો. ત્રીજા દિવસે ટાગોરની વાત કરો. આનાથી એ થશે કે, હવે પછી શું નવું આવશે એવી વિદ્યાર્થીઓમાં સતત જિજ્ઞાસા રહેશે. આ મુદ્દા દ્વારા હું એવું કહેવા માગું છું, નવાચારી પ્રવૃત્તિઓ આપણી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને ટકાવી શકે છે. આપણે આપણી ઘરેડમાંથી બહાર નીકળવું એ જ જિજ્ઞાસાને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે! (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jan 11, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

એકત્ર ફાઉન્ડેશન અને શ્રી અતુલ રાવલ
ગુજરાતી ભાષા માટે આર્કાઇવલ અને એક્સેસિબિલિટીનો અદભૂત સફળતા પામેલો ભાવનામંત્ર
શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા આજે પૂજ્ય શ્રી મોરારીબાપુના વરદ હસ્તે શ્રી ઉમાશંકર જોશી વિશ્વગુર્જરી સાહિત્ય સન્માન-2026 શ્રી અતુલ રાવલ અને શ્રી રાજેશ મશરૂવાળા અને એકત્ર ફાઉન્ડેશનને અર્પણ થઈ રહ્યું છે, ત્યારે ઝડપથી ઓળખી લઈએ એ વ્યક્તિવિશેષોને અને તે સંસ્થાને કે જે આપણી માતૃભાષાને અમેરિકામાં બેસીને સંવર્ધિત કરી તાહ્ય છે.
મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી અમેરિકા જઈને વસેલા યુવાન શ્રી અતુલ ગોવિંદભાઈ રાવલ. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ના શ્રી ગોવિંદભાઈ રાવલ અને વિશ્વમંગલમ, અનેરાના સુમતીબેન રાવલના પુત્ર તે અતુલ રાવલ. ત્યાં વિચારો તો સ્વદેશ અને સ્વભાષાના જ આવે એટલે તેમની માન્યતા બંધાણી કે, માનવીના જીવનનું કોઈ સ્વપ્નું, ખૂબ નિષ્ઠાભર્યા અથાગ પરિશ્રમ બાદ સાકાર થાય ત્યારે માનવીના મનમાં જે આનંદનો આવિર્ભાવ થાય તે અવર્ણનીય હોય છે. આ આનંદ, ખુશી અને સંતોષ તો આપે જ છે પરંતુ જીવનને નવા ઉત્સાહ અને ઉમંગથી પણ ભરી દે છે. આ ઉત્સાહ એને નવા સ્વપ્નાં આપે છે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે દોરી જાય છે.
એકત્ર ફાઉન્ડેશનના તંત્ર-સંવાહક અતુલભાઈ રાવલ સાથે વાત કરતા બસ મને લાગ્યું કે, એમના જીવનમાં પણ આવો જ એક મુકામ આવ્યો છે કે, જેના કારણે એમનું જીવન સંતોષ અને ખુશીઓથી ભરાઈ ગયું છે. જેમના મૂળિયાં ગુજરાતમાં છે પણ કર્મભૂમિ અમેરિકા છે તેવા અતુલભાઈ રાવલ જ્યારે વાત કરતા હતા ત્યારે એમના ચહેરા ઉપર તેમના મનોભાવને સ્પષ્ટ વાંચી શકાતા હતા. એમના સ્વપ્નાં અને સિદ્ધિઓની વાત એમના મુખેથી જ સાંભળીએ:
‘‘માનવીનું જીવન માતૃભૂમિ, માતૃસંસ્થા, અને માતૃભાષા સંયોજનથી ઘડાય છે. માતૃભાષામાં રચાયેલું સાહિત્ય આપણા વિટંમણાઓથી ભરેલાં જીવનમાં સમજ અને આનંદને ટકાવી રાખવા માટેનું બળ પૂરું પડે છે. આપણી ગુજરાતી ભાષા વિશ્વમાં બોલાતી અસંખ્ય ભાષાઓમાં પ્રથમ ત્રીસ માં ઊંચા સ્થાને છે. પરંતુ આજે ગુજરાતમાં મોટા ભાગે બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાનો માહોલ બની ગયો છે અને પરદેશમાં તો ત્યાં જન્મેલી પેઢી માટે ગુજરાતી જાળવી રાખવું મુશ્કેલ બની ગયું છે. સમયાંતરે આપણા સાહિત્યનો પ્રસાર સંકોચાતો જાય છે. આ અંગે હું વિચારતો હતો ત્યારે સ્મૃતિપટ ઉપર દેખાયું કે આપણી પુરાણી અગણિત હસ્તલિખિત પ્રતો તો નાશ પામી છે પરંતુ આજે આપણા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય કૃતિઓ પણ આપણે સાચવીને ઓનલાઇન લાવી શક્યાં નથી. ગુજરાતના ગ્રંથાલયોમાં તમને પુસ્તકો મળશે પણ મોટા ભાગના જૂના અને સમૃદ્ધ પુસ્તકોના પાના પીળા પડી ગયેલાં છે. વળી, બધું સાહિત્ય એક સાથે મેળવવું લગભગ અશક્ય છે. એક બાજુ આવી સ્થિતિ છે અને બીજી બાજુ ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ ‘અને ગૂગલે દુનિયાભરના અપ્રાપ્ય અને જૂના, લાખ્ખો પુસ્તકો સ્કેન કરી દુનિયાભરના લોકો માટે વિજાણુ માધ્યમથી વિના મૂલ્યે વાંચવા મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. ૧૨ વર્ષ પહેલાં મને વિચાર આવ્યો કે આપણે ગુજરાતી પુસ્તકો માટે આવું કેમ ના કરી શકીએ? આ સ્વપ્નું મારો સંકલ્પ બની ગયો. આ વિચારને મૂર્તિમંત કરવા મિત્રો સાથે મળી અમે ૨૦૧૨મા ‘એકત્ર ફાઉન્ડેશન’ની સ્થાપના અમેરિકામાં કરી અને નોન-પ્રોફિટ ટ્રસ્ટનું રજિસ્ટર કરાવ્યું.”
અતુલભાઇનો સંકલ્પ હતો કે ગુજરાતી સાહિત્યના દુર્લભ અને પ્રશિષ્ટ રસપ્રદ પુસ્તકોને વિજાણુ – ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરના ગુજરાતી વાચકોને પોતાના મોબાઇલ, આઇપેડ કે કોમ્પ્યુટરમાં વાંચી શકાય તેવી સુવિધા આપવી. ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ, સ્નેહ અને મમતાને કારણે ૨૦૦ વર્ષથી પણ જુના અને સાથે સાથે તદ્દન નવા સંપાદનો પણ આંગળીના વેઢે હાથવગાં બનાવ્યાં છે. આ સિવાય દુર્લભ પુસ્તકો કાયમ માટે ઉપલબ્ધ રહે એ એમનો બીજો હેતુ પણ અગત્યનો છે.
એમણે પુષ્પોના ગજરાની જેમ, ગુજરાતી સાહિત્યનો ગજરો બનાવી જગતભરના ગુજરાતી લોકો માટે જાણે કે એક અદભૂત ખજાનો ખોલી આપ્યો છે. તેમના સંગ્રહમાં નવલિકાઓ, નવલકથાઓ, કાવ્યો, અનુવાદો, મુલાકાતો, સ્મરણો, જીવનચરિત્રો, આત્મકથાઓ, ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ગાંધી સાહિત્ય, વિવેચન, નાટક, નિબંધ, પ્રવાસ અને બાળ સાહિત્ય પણ સમાવિષ્ટ છે. આ બધું તમારી હથેળીમાં મળી જાય એવી એપ બનાવી છે જે તમે તમારા ગેઝેટમાં ડાઉનલોડ કરી લો અને મન થાય ત્યારે, અને સમયની અનુકૂળતા હોય ત્યારે મનભરીને માણી શકો. અનેક પ્રશ્નોના ઉત્તરનો સાર એમના શબ્દોમાં માણીએ:
“મારી પાસે વિચાર હતો પણ શરૂઆતમાં સાથીદારોની સંખ્યા ઓછી હતી એટલે મુશ્કેલી પડતી હતી પરંતુ હવે ઘણાં મિત્રો અને સાહિત્ય રસિકો સહાય માટે આગળ આવ્યા છે એટલે સરળતા વધી છે. અમે જે પુસ્તકો કોપીરાઇટ ના ધરાવતાં હોય કે લેખકની મંજૂરી મળે તેવાં પુસ્તકોનું નવેસરથી ટાઈપિંગ અને સ્કેનિંગ કરીએ છીએ. આ સ્કેન પુસ્તકોને Optical Character Recognition technology ના માધ્યમથી મૂળ સ્વરૂપે મૂકીએ છીએ. ઓનલાઇન કરવા જુદા જુદા પ્લેટફોર્મની સહાય લઈએ છીએ. હું ટેકનોલોજીમાં રસ ધરાવતો માણસ છું એટલે કળા અને ટેકનોલોજીનો જ્યાં મેળાપ થાય એવી ભૂમિ મને ગમે છે. જેમ કે પાંચ જુદા જુદા પુસ્તકોમાં પડેલી ૨૫ વર્ષોની સામયિક લેખ સુચિની વિગતોને રિલેશનલ ડેટાબેઝની મદદથી શીર્ષક, કર્તા, સમીક્ષક, વિભાગ અને સામયિક પ્રમાણે મળી રહે તે પ્રમાણે ઓન લાઇન મૂકી છે.
અત્યાર સુધીમા ૫૦૦૦થી વધુ ઉત્તમ સાહિત્યમાંથી પસાર થઈ ૫૦૦ જેટલાં પુસ્તકો અમારી એપ અને વેબસાઈટ પરથી વાંચી શકાય છે. અમારો આશય વેચવાનો નથી પરંતુ વહેંચવાનો છે એટલે ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોની પસંદગી ચાખી ચાખીને કરીએ છીએ. અમે સાહિત્યની જૂથબંધી અને વિવાદોથી પર રહી કામ કરીએ છીએ કારણ કે અમારે આપણી માતૃભાષાના પુસ્તકોને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવી છે. મેં કહ્યું તેમ અમારો ભાવમંત્ર છે ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસરાવવી. અમારા પ્રેરકબળ છે: આર્કાઇવલ અને એક્સેસિબિલિટી. અત્યારના ચાલી રહેલાં થોડાં પ્રકલ્પોની વાત કરું. ગુજરાતી નવલકથા પરિચયકોશમાં આપણી નોંધપાત્ર નવલકથાઓમાંથી ૨૫૦ પસંદગીની નવલકથાઓનો પરિચય આપવાનું કામ હમણાં જ આટોપાયું. ઉપરાંત ગુજરાતી ટૂંકીવાર્તાનો ઈતિહાસ, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, કાવ્ય-આચમન શ્રેણી, અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા, શક્ય એટલાં સાહિત્યિક સામયિકોને સ્કેન કરી સૂચિઓ બનાવવી, વડોદરાના યુવાનો દ્વારા ગુજરાતી વાર્તાઓ અને નિબંધોનું ઓડિયો રેકોર્ડિંગ, તથા ‘ગ્રંથસાર’– વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કેલીડોસ્કોપ તૈયાર કરવો વગેરે…
ગુજરાતી સાહિત્યના મૂળ પ્રશિષ્ટ પુસ્તકોનાં ઈ-રૂપાન્તરો એ અમારી સતત ચાલતી પ્રવૃત્તિ છે. ઈ. ૨૦૧૧માં અમે પહેલો ઈ-ગ્રંથ મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘અરધી સદીની વાચનયાત્રા’ પ્રકાશિત કર્યો હતો ત્યારથી લઈને આજ સુધીમાં અમે ઉત્તમ સર્જકોનાં ૫૦૦ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એ ઉપરાંત ૩૦૦ ઉપરાંત પુસ્તકો હાલ પ્રકાશન-પ્રક્રિયામાં છે. અમને હવે સમજાયું છે કે, the future of books lies in audio. એટલે ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઉપરાંત, અમે હવે ગુજરાતી વાચકો માટે વાર્તા, બાળ-વાર્તા, નિબંધ, પ્રવાસનિબંધ અને અંગત નિબંધો ઑડિયોના માધ્યમથી લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભાસંપન્ન વાચકો તેમના મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ સાહિત્યને પ્રસ્તુત કરે છે. ગુજરાતી ઑડિયોબુક્સની દુનિયામાં પણ આપનું સ્વાગત છે. હવે આગળની સફરમાં ગુજરાતી સાહિત્યનું સંરક્ષણ, ડિજિટાઈઝેશન અને વધુ વાચકો અને શ્રોતાઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. હવે, અમે તેમાં ઇન્ટરએક્ટિવ તત્વો ઉમેરવા, નાની ઉંમરના શ્રોતાઓ સુધી પહોંચવા અને આ સાહિત્યિક કામોને ઑડિયો, વિડિયો અને અન્ય મીડિયા પર ઉપલબ્ધ બનાવવા તરફ આગળ વધવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.”
અતુલભાઈની આટલી લાંબી યાત્રા પ્રેરક છે. એમને પરિશ્રમનો થાક નથી, કારણ કે અસંખ્ય વિદ્યાર્થીઓ, સાહિત્ય રસિકો એકત્ર ફાઉન્ડેશન દ્વારા પુસ્તકો વાંચી અનહદ પ્રસન્નતા વ્યક્ત કરે છે. અભ્યાસુ માટે અહીં અપાર સામગ્રી છે. આપણા વિશાલ સાહિત્યના બધાં જ વિભાગોમાંથી નોંધપાત્ર સામગ્રી અહીં મળી રહી છે. અતુલભાઈ જાણે છે કે છપાયેલું પુસ્તક દૂરના વાચક સુધી નહીં પહોંચે એટલે ઇન્ટરનેટના માધ્યમથી પુસ્તકો લોકો સુધી પહોંચાડે છે. એકત્ર ઉપર પ્રીતિ સેનગુપ્તાનું પુસ્તક ‘આમંત્રિત ‘વાંચી શકો કે જે કદાચ બજારમાં લેવા જઈએ તો ન મળે!
અતુલભાઈનું કાર્ય મોટો ખર્ચ માંગી લેનારું છે પણ અહી એક નવતર વાત બની છે. પહેલા કહેવાતું હતું કે સરસ્વતી અને લક્ષ્મીજીનો વાસ સાથે સાથે નથી હોતો પરંતુ અહીં સરસ્વતી પૂજક અતુલભાઈને કિશોરલાલ મશરૂવાળાના કુટુંબીજન રાજેશ મશરૂવાળાનો જબરજસ્ત સાથ મળ્યો છે. કેલિફોર્નયામાં વસતા રાજેશભાઈએ એકત્રનો ખર્ચ ઉપાડી લીધો છે. લક્ષ્મીજી ખુદ સરસ્વતીની સાથે વસી ગયા છે. ધન્ય છે ગુજરાતીને જીવંત રાખવા અને લોકોપયોગી બનાવવાના અતિ પરિશ્રમ કરનાર અતુલભાઈ અને એમના સખાવતી રાજેશભાઇને…. સંપર્ક: અતુલભાઈ રાવલ: atulraval@ektrafoundation.org : https://www.ekatrafoundation.org
by Bhadrayu Vachhrajani | Jan 4, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

“હું કહું તે તું સાંભળ, તે તું મનમાં ગોખી લે પછી હું પૂછું ત્યારે તે ગોખેલું શબ્દશઃ લખી દે તો તું હોશિયાર ગણા.” આવી વ્યાખ્યા એ આપણી એજ્યુકેશન સિસ્ટમ છે.
માણસ જ્યારથી કશુંક શીખતો થયો ત્યારથી એ કેળવાતો થયો. “શીખવું એટલે કેળવવું”. એવો અર્થ ઘણા વર્ષો સુધી વિશ્વના શિક્ષણમાં રહ્યો. આજે પણ પશ્ચિમના દેશો ભણાવવું એટલે to teach શબ્દને સ્વીકારતા નથી. એક વાક્ય ત્યાં બહુ પ્રચલિત છે કે teacher is a senior learner. શિક્ષક એ એક ડગલું આગળ શીખનારો છે. અને એ શીખ્યા પછી પોતે જે શીખ્યો તે બાળકોને શીખવવાનું છે, ભણાવવાનું નથી. ભણાવવું એ to study છે. શીખવવું એ to learn છે. Learn ની અંદર વ્યક્તિ ખુદ સામેલ થાય છે. જ્યારે study માં જે માણસ કોઈ વાતને સામે પહોંચાડવા મથે છે તે જ પૂરેપૂરો અંદર ઉતરે છે. સામેની વ્યક્તિ શાંત, શિસ્તબદ્ધ બેઠી રહે છે તેથી એનામાં બધું ઉતરતું નથી.
એક બીજી પણ વાત નોંધવા જેવી છે કે, આપણા ઋષિમુનિઓએ, મનીષીઓએ શિક્ષણ શબ્દ વાપર્યો નથી. સ્વામી શ્રી વિવેકાનંદ “કેળવણી” વિશેના વિચારો વ્યક્ત કરે છે. શ્રી માતાજી “કેળવણી” માં કઈ પાંચ સાધનાઓ છે એ એનું વર્ણન કરે છે. પણ એમાં શબ્દ કેળવણી છે. શિક્ષણ નથી. કેળવણી નો અર્થ એવો કે, મને અંદર કોળે છે. મને અંદર ઇચ્છા થાય છે. મને અંદર આત્મસફૂર્ણા થાય છે. ત્યારે હું જે કરું છું તેમાં હું કેળવાઉ છું. મને ધમકાવીને કે હાથ કે ધોકો ઉગામીને જે કરવાનું કહેવામાં આવે તે કેળવણી નથી. તે શિક્ષણ નથી, વ્યક્તિને પરતંત્ર બનાવવાની એક પદ્ધતિ છે. આટલી વાત સમજ્યા પછી આપણે એ જાણવું જોઈએ કે આપણી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મનીષીઓએ તો કેળવણી ની વાત કરી છે. એટલે કે બાળકને ઘડવાની વાત કરી છે. પણ આપણે શિક્ષણ પદ્ધતિમાં બાળક અઢી – ત્રણ વર્ષનું હોય ત્યારથી તેને આપણે ઈચ્છીએ તે શીખવા માટે જોરઝુલમ કરવા લાગ્યાં છીએ. “હું કહું તે તું સાંભળ, તે તું મનમાં ગોખી લે પછી હું પૂછું ત્યારે તે ગોખેલું શબ્દશઃ લખી દે તો તું હોશિયાર ગણા.” આપણી આવી વ્યાખ્યા એ આપણી એજ્યુકેશન સિસ્ટમને લર્નિંગ સિસ્ટમ રાખી નથી. આપણી સામે બેઠેલો વર્ગખંડનો બાળક એક કઠપૂતળી છે. આપણે આપણા હાથની અંદર તેની બધી જ દોર બાંધીને બેઠા છીએ. એવી પરિસ્થિતિ આપણે ત્યાં છે.
2020 માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી. એમાં એક બહુ જ મહત્વનો ફેરફાર એ થયો કે બાળકના જન્મ પછીના ત્રણ વર્ષ પછી બાળકને શાળાકીય વાતાવરણ અથવા વિદ્યાકીય પર્યાવરણ અથવા તો શીખવા અને આનંદવાના એક માહોલમાં શાળા તરફ લેવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલાં પાંચ વર્ષ પૂરા થાય ત્યારે જ બાળક શાળાનું મુખ દર્શન કરતું
હતું. પરંતુ હવે જન્મ પછીના ત્રણ વર્ષ પૂરા થાય કે તરત બાળક પ્રિ-સ્કૂલ કે બાલ વાટિકામાં દાખલ થાય છે અને ત્યાં એને જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેના માટે બહુ પ્રયાસો સાથે અભ્યાસક્રમ બનાવવામાં આવી રહ્યો છે. આ અભ્યાસક્રમ આપણે જે બનાવી રહ્યા છીએ, તે અભ્યાસક્રમમાં આપણને બહુ જ સારી રીતે મદદ કરી શકે એવી એક પદ્ધતિ વર્ષો પહેલા ભારત દેશે સ્વીકારેલી છે. પણ એ પદ્ધતિના મૂળ હાર્દ ને એક બાજુ મૂકી દેવાનું કામ પણ આપણે જ કર્યું છે.
સમગ્ર પૂર્વ પ્રાથમિક પદ્ધતિએ મોન્ટેસોરીના સિદ્ધાંત ઉપર ચાલે છે. મેડમ મોન્ટેસરી એ નાના બાળકો, ભૂલકાઓ, ૩-૪-૫ વર્ષના જે બાળકો છે એના માટે શીખવા ઉપર ભાર આપ્યો. કેળવવા ઉપર ભાર આપ્યો. વિદ્યાર્થી પોતે પ્રવૃત રહે એના ઉપર ભાર આપ્યો. અને પ્રવૃત્ત રહેવા માટે તેમણે પોતે એક પદ્ધતિ વિકસાવી અને એ પદ્ધતિમાં પણ તેમણે પ્રવૃત્તિઓ આપણી સમક્ષ મૂકી આપી, પ્રવૃત્તિ માટેના સાધનો મૂકી આપ્યા અને સાધનો દ્વારા બાળકોને કેમ પ્રવૃત્તિ કરીને શિક્ષિત કરવું તેની આખી એક પરિપાટી ઘડી આપી. શરૂઆતમાં વર્ષોમાં ક્યાંક ક્યાંક આવા પ્રયોગો થયા. આપણા ગુજરાતમાં ભાવનગરના ગિજુભાઈ બધેકા જેને સૌ વહાલ થી “મુછાળી મા” કહેતા હતા. એમણે મેડમ મોન્ટેસરીની આ પદ્ધતિ ગુજરાતમાં પૂરજોશમાં વ્યાપક બનાવી. થયું એવું કે, એના સાધનો અને સાધનો દ્વારા પ્રવૃત્તિની વાત ધીમે ધીમે પાછળ પડવા લાગી. અને આપણે પદ્ધતિ ઉપર ભાર મૂકવા માંડ્યા. ગિજુભાઈ બધેકા એ મોન્ટેસરીની સંકલ્પનાઓને બરાબર સમજી, પચાવી અને આપણા વાતાવરણમાં ઢાળી આપી. ભાવનગરની અંદર જ પોતાની સંસ્થામાં તેમણે બૃહદ પ્રયોગો કર્યા અને ખૂબ સફળતા મળી. આજે સો વર્ષ પછી પણ ગિજુભાઈ દ્વારા શરૂ થયેલું બાલમંદિર એટલું જ ખ્યાત છે અને એટલી જ ફળશ્રુતિ આપનારું સંસ્થાન છે.
મેડમ કહેવાતાં મોન્ટેસોરી કહે છે કે, “અત્યાર સુધી માણસે બાળકોને શું ભણાવવું જોઈએ અને કેમ ભણાવવું જોઈએ તેનો વિચાર કરેલો છે. પણ કોને ભણાવવાનું છે તે વાત આ બંને વિચારો કરતી વખતે લક્ષ બહાર ગએલી છે. વિષયનું નિર્માણ કરતી વખતે માણસની દૃષ્ટિ સંકુચિત રહેલી છે. કારણ કે માણસ પોતાનાથી વધારે તેજસ્વી માણસની કલ્પના કરી શકયો નથી અને તેથી આજે જે પ્રજા છે તેનાથી વધારે પ્રાણવાન પ્રજા બનાવવાનો તેના મનમાં વિચાર સરખો યે આવ્યો નથી. માણસે સ્વભાવથી જ ભાવી મનુષ્યને પોતાના જેવો બનાવવાનું ચાહ્યું છે અને તે પ્રમાણે કર્યું છે. આથી જ આપણી વચ્ચે એક જ ગાંધી, એક જ ટાગોર અને એક જ લેનિન જ છે. બાળકો પોતે કેમ શીખે છે તેના સૂક્ષ્મ અવલોકનને અંતે આ પદ્ધતિના સાધનો બનાવ્યાં છે”.
મોન્ટીસોરી પદ્ધતિ માણસની આંખ કેળવી તેને રૂપ અને રંગનું રહસ્ય સમજવાનું દ્વાર ઉઘાડી આપે છેઃ સ્પર્શની કેળવણી આપી કુદરતની અપ્રતિમ કવિતા સમજવાની શક્તિ આપે છેસ કાનને કેળવી સંગીતદેવીનું મંદિર ખુલ્લું કરી આપે છે. આ રીતે માણસની શક્તિઓ ખીલવી માણસને પોતે જે કાંઈ છે તે થવાની તક આપે છે. મોન્ટીસોરી સાધનોની વપરાશથી માણસ સીધો ચિતારો કે ગાયક નથી બની જતો સીધો લેખક કવિ કે ગણિતશાસ્ત્રી પણ નથી બની જતો પરંતુ કોઈ પણ દિશામાં જવાને માટે સરલમાં સરલ માર્ગ ઊઘડે છે. આથી જ આ સાધનો માત્ર સાધન છે સાધ્ય નથી”.
વર્તમાન સ્થિતિમાં શિક્ષણ ચિંતા નો વિષય બન્યો છે. એનું એક કારણ એ છે કે, આપણે માત્ર માર્ક્સ અને ટકા અને CGPA માં વધુ રત થયાં છીએ. શિક્ષણનો ઉદ્દેશ્ય માણસ ઘડવાનો છે. સ્વામી શ્રી વિવેકાનંદે શિક્ષણને “મેન મેકિંગ એજ્યુકેશન” બનાવવાની હિમાયત કરી છે. માણસને ઘડી ન શકે તો એ શિક્ષણ કામનું નથી. મને એવું લાગે છે કે આપણે સાધનોમાં વધુ પ્રવૃત્ત થઈ ગયા. આપણા વર્ગખંડમાં 56 ઇંચ નું ટીવી મૂકી દઈએ એટલે આપણે સમૃદ્ધ થઈ ગયા છીએ અને આપણી શાળા ઉત્તમોત્તમ છે એવું આપણે માનવા લાગ્યા. પણ આપણે ભૂલી જઈએ છીએ કે, 56 ઇંચ ના ટીવીના સ્ક્રીન ઉપર તમે પોપટ અને પક્ષીઓને બોલતા દેખાડો છો એને બદલે તમારા જ મોટા વિશાળ મેદાનમાં જઈને સાચા વૃક્ષો ઉપર બોલતા પોપટ અને પક્ષીઓનો અવાજ, એમનું દર્શન જો વિદ્યાર્થીઓને થશે તો તેઓ ખૂબ જ રાજી થશે. 56 ઇંચ ના ટીવી પર દેખાડવું એ શિક્ષણ છે અને વૃક્ષોની નીચે બેસીને પોપટ અને ચકલીઓને માણવા એ ખરેખર કેળવણી છે.
by Bhadrayu Vachhrajani | Dec 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |


ગુજરાતીમાં અથ થી ઈતિ સુધીનું જ્ઞાન પીરસનાર “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ”ની ચાલીશીયે શબ્દાવલોકન !!
અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે,
અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે
શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે, તર્ક-કર્મના સહજ વિકાસે,
જ્ઞાનામૃતક નિર્જરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે.
ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોષની એવી સૃષ્ટિ,
તમસ-તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે.
રેવા-જળ-શી શક્તિદાયિની, સત્ય-સંમુદા-મુક્તિદાયિની
‘વિશ્વવિહાર’ જ કરે… શીલ-સત્ત્વ સંભરે.
ગુર્જરી વિશ્વરૂપ ને વરે!!
ગુજરાતીમાં અથ થી ઈતિ સુધીનું જ્ઞાન પીરસનાર “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ” ની ચાલીશીયે શબ્દાવલોકન કરવું હોય તો સૌ પ્રથમ આ વિશ્વકોશ ગીત સ્મરવું જ પડે. વિશ્વકોશમાં જિંદગીના અંતિમ વર્ષો અર્પનાર કવિવર શ્રી ચંદ્રકાન્ત શેઠની આ અદભુત રચના વિશ્વકોશના પ્રત્યેક કાર્યક્રમ પહેલા ગવાતી રહે એવો સિલસિલો છે. અને આ ગીત ગવાય એટલે ભવનના સભાખંડમાં જાણે સરસ્વતીદેવી અવતરે તેવું દિવ્ય ભાવાવરણ બંધાય જાય. આ દિવ્ય હવાના સાક્ષી બનવાનો મને વારંવાર લ્હાવો મળ્યો છે.
કોઈ પૂછે કે, વિશ્વકોશ શું કરે છે?? તો તેમની સમક્ષ આ ગીત પેશ કરીએ એટલે સઘળું સ્પષ્ટ થઇ જાય કે અહીં તો ગુર્જરી વિશ્વ રૂપને વરે છે.
વિશ્વકોષ નો એક અર્થ બંને શબ્દોને અલગ પાડીને પણ આપણે કરી શકીએ.
વિશ્વ એટલે વ્યાપક અને કોષ એટલે આપણો નાનામાં નાનો અંશ. આમ, નાનામાં નાના અંશને વ્યાપક રીતે અસ્તિત્વ સમક્ષ રજૂ કરનાર કોઈ હોય તો તે વિશ્વકોષ છે.
ચાલીસ વર્ષ પહેલાં ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરે એવું એક સંસ્થાન શરૂ થયું, જેને આપણે સૌ “ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ” કહીએ છીએ. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરવા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ ગુજરાતી વિશ્વકોશ(encyclopedia)ની રચનાના 1985ની 2જી ડિસેમ્બરે એના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા કુમારપાળ દેસાઈ જેવા સાથીમિત્રોથી આરંભાયો.
24 વર્ષના પુરુષાર્થ પછી ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના 26,000 પૃષ્ઠોમાં માનવવિદ્યાના 8,360, વિજ્ઞાનના 8,083, સમાજવિદ્યાના 7,640 – એમ કુલ 24,083 અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં 11,660 ચિત્રો અને આકૃતિઓ, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિ-લેખો અને 246 અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે 1,593 જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.
અવલોકન કરી લઈએ તો. 1987 થી 2009 સુધીના 22 વર્ષમાં ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોનું પ્રકાશન થયું કે જેમાં, 24,083 અધિકરણો, 8,360 માનવવિદ્યા, 8,083 વિજ્ઞાન,
7,640 સમાજવિદ્યા, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિલેખો, 246 અનૂદિત લેખો, 11,660 ચિત્રો અને આકૃતિઓ, 1,593 જેટલા લેખકો દ્વારા તૈયાર થયેલાં લખાણો
170 જેટલાં વિષયોને આવરી લેતો 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વિશ્વકોશ!! રાષ્ટ્રની દસેક ભાષા વિશ્વવિદ્યાપીઠો જે કામ ન કરી શકે તે કામ કેવળ માનદ સેવા આપનાર અધ્યાપકો, શિક્ષણવિદો, અનેક ક્ષેત્રના ધુરંધરો દ્વારા થયું છે. આજના વિપથગામી પરિબળોથી ઘેરાયેલા સમાજમાં માતૃભાષા માટે આવું સંવર્ધિત કાર્ય પ્રદાન કેમ થયું હશે તે અકલ્પનીય છે. આજે દર મહિને સાડા ત્રણ લાખ લોકો વિશ્વકોષનો ઓનલાઈન લાભ લે છે કે જેમાં વિશ્વના દસેક દેશોના જિજ્ઞાસુઓ પણ સામેલ છે.
ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ એક એવું સંસ્થાન બન્યું કે જેની નોંધ વિશ્વ સ્તરે લેવામાં આવી રહી છે. આપણી યુનિવર્સિટીઓ અને તેના ગુજરાતી ભાષા ભવનો ગુજરાતી ભાષાનું શૈક્ષણિક કાર્ય કરે છે પરંતુ ગુજરાતી ભાષાના મૂળ સુધી પહોંચવાનું શક્ય બન્યું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ થકી. વિશ્વકોષ ગુજરાતી ભાષાના મૂળ સુધી આપણને લઈ જાય છે અને વિશ્વની કોઈપણ ઘટના, પદાર્થ કે હકીકત ક્યાંથી કેવી રીતે ઉદભવી તેના છેડા સુધી આપણને મૂકી આપે છે. તેથી જ તો આ લેખને ખાસ શીર્ષક અપાયું છે. શૂન્યને વ્યાપક કરી આપવાનું કામ “ગુજરાત વિશ્વ કોસ્ટ ટ્રસ્ટ” કરી રહેલ છે.
આપણી માતૃભાષા માટે એક વિરલ સ્વપ્ન જ્યારે વંદનીય શ્રી ધીરુભાઈ ઠાકરને આવ્યું ત્યારે તે સ્વપ્નને સાકાર કરવામાં મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિના જનક અને ઉત્તર ગુજરાતના અગ્રણી લોકસેવક શ્રી સાંકળચંદભાઈ પટેલની પ્રેરણા ભળી અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પ્રારંભ થયો. સમાજના કચડાયેલા અને ખાસ કરીને પછાત ગણાતી કોમોના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તેમણે કરેલું કાર્ય યાદગાર બની રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના સમયે એમણે આપેલા આર્થિક સહયોગને પરિણામે જ ગુજરાતી વિશ્વકોશનું સર્જન થઈ શક્યું. મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં મહત્ત્વનો ફાળો આપનાર કર્મયોગી સાંકળચંદભાઈ પટેલે એમના મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે વિશ્વકોશનો કરેલો જ્ઞાનયજ્ઞ ગુજરાતની અસ્મિતા પ્રગટાવનારો બની રહ્યો. એ સહયોગ આજે એક યુનિવર્સિટી કક્ષાનું કાર્ય કરી રહેલ છે. શ્રદ્ધેય ધીરુભાઈ તથા તેમના અનુગામી તરીકે સમર્થ સાક્ષર શ્રી કુમારપાળભાઈ દેસાઈ દ્વારા એવું માળખું રચાયું છે કે, જે દ્વારા વર્ષો સુધી ગુજરાતી ભાષા એટલે કે આપણી માતૃભાષા નું સંવર્ધન થતું રહેવાનું છે.
માતૃભાષાના એક સંતાન તરીકે આનાથી વધુ આનંદ અને ગૌરવ બીજું શો હોઈ શકે?
કેટલા કોષો બહાર પડ્યા, કેટલા ઓનલાઇન થયા, કેટલા શબ્દકોષોનો દેહ ઘડાયો એ તો ગણતરીમાં લેવું મુશ્કેલ છે, પરંતુ સાથોસાથ વિશ્વકોષ દ્વારા માત્ર ગ્રંથલક્ષી કાર્યક્રમોને બદલે સમાજ સુધી પહોંચી શકાય એ માટે એવોર્ડ્સ આપવાની શરૂઆત થઈ, વિવિધ સ્મૃતિઓમાં મળેલ દાનમાંથી રસપ્રદ વ્યાખ્યાનોની શ્રેણીનું આયોજન થયું. અનેક ભાવકો સુધી વિશ્વકોશ પહોંચી શકે એટલે ટૂંકું અને ટચૂકડું એવું “વિશ્વવિહાર” સતત પ્રદાન કરતું રહ્યું.
સ્થાપનાકાળથી આજ સુધી જેમની સસ્મિત સેવા અવિરત પ્રાપ્ત થઇ છે તેવા વિશ્વકોશના મુખ્ય સંવાહક શ્રી અને અચ્છા મેનેજમેન્ટ ગુરુ શ્રી કુમારપાળ દેસાઈના શબ્દોમાં આ વિશ્વકોશ ટ્રસ્ટ પાંચ પરિમાણોથી ભાષા સેવા કરી રહેલ છે.
એક) ભાષા, મૂલ્ય, સંસ્કૃતિ અને અસ્મિતાની કટોકટી વચ્ચે આવું ભગીરથ કાર્ય કરવું એ એક સાહસ છે.
બે) ગુજરાતી વિશ્વકોશ એ પ્રજાકીય અને વિદ્યાકીય સાહસ છે, ભાષાપ્રેમીઓની એક ‘મુવમેન્ટ’ છે.
ત્રીજું) જ્ઞાન પ્રત્યેનો આદર અને જ્ઞાનીઓનું સન્માન વિશ્વકોશનું આભૂષણ છે.
ચાર) વિશ્વકોશએ ગુજરાતી ભાષામાં કરેલો પરિભાષા માટેનો પુરુષાર્થ.
પાંચ) માતૃભાષા ગુજરાતી માટેની ફનાગીરી.
આ પ્રત્યેક પરિમાણને વિસ્તારથી કહેવા બેસું તો વર્ષોના વરસ લાગે.
સમજદારકો ઈશારા કાફી હૈ!!
આપણે પ્રાર્થના કરીએ કે અહીં ‘ગુર્જરી વિશ્વરૂપ ને સદા વરતી રહે’!!
by Bhadrayu Vachhrajani | Dec 22, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

મહાકવિ સુમિત્રાનંદન પંતજી સાથે ઓશોનો સ્મરણીય સંવાદ
“ભારતના ધર્મ આકાશમાં એવા કયા બાર વ્યક્તિત્વ છે કે, જે સર્વ દ્રષ્ટિએ સૌથી વધુ ચમકતા સિતારા ગણી શકાય?”
આપણે ઓશોના જીવનના રોમાંચક વળાંકો અનેક પરિમાણોથી જોયા, જાણ્યા અને આપણે ધન્ય થયા. ઓશોનું જીવન અને ઓશોનું ચિંતન બંને ભરપેટ મમાણવા યોગ્યછે. જીવન તો આપણે જાણ્યું પણ તેમના ચિંતનને તો દીર્ઘ કાલીન સત્રોમાં જ માણી શકાય અને આત્મસાત કરી શકાય. આમ છતાં, કોઈ એકાદ ચમકારો મેળવવો હોય તો…? ઓશોના ચિંતનનું ઉત્તુંગ શિખર સ્પર્શવું હોય તો…? આ પ્રશ્નના ઉત્તરરૂપે મહાકવિ સુમિત્રાનંદન પંતજી સાથેના ઓશોના એક ઉત્કૃષ્ટ સંવાદને અહીં પેશ કરી સંતોષ લઈએ અને આ દીર્ઘ શ્રેણીને વિરામ આપીએ.
“મહાકવિ સુમિત્રાનંદન પંતે મને એકવાર પુછ્યુ કે, ભારતના ધર્મ આકાશમાં એવા કયા કયા બાર વ્યક્તિત્વ છે કે જે સર્વ દ્રષ્ટિએ સૌથી વધુ ચમકતા સિતારા ગણી શકાય. મેં તેમને એક યાદી આપી: કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર, નાગાર્જુન, શંકર, ગોરખ, કબીર, નાનક, મીરાં, રામકૃષ્ણ, કૃષ્ણમૂર્તિ. સુમિત્રાનંદન પંતે યાદી વાંચીને આંખો બંધ કરી અને વિચાર માં પડી ગયા.
યાદી બનાવવી સરળ કામ ન હતું. કારણ કે ભારતના આકાશમાં બહુ મોટા નક્ષત્રો ભરચક રહેલા છે, કોને છોડીએ અને કોને ગણીએ? બહુ જ વ્હાલા લાગે તેવા વ્યક્તિઓ છે, અતિ કોમળ છે, અતિ માધુર્યપૂર્ણ છે અને સ્ત્રૈણ છે.
વૃદ્ધાવસ્થા સુધી પણ એમના ચહેરા ઉપર તાજગી એવી કાયમ રહી છે, જેવી કાયમ રહેવી જોઈએ. તેઓ સુંદરથી સુંદરતમ થતાં ગયા છે. હું તેમના ચહેરા ઉપર આવ જા કરી રહેલા ભાવ ને નિરખી રહ્યો હતો. તેમને અડચણ પણ થઈ હતી, કેટલાક નામ જે સ્વભાવત: હોવા જ જોઈએ તે ન હતાં! નથી રામનું નામ ન હતું! તેઓએ આંખ ખોલી અને મને કહ્યું, રામનું નામ છોડી દીધું છે આપે? મેં કહ્યું મને બાર જ વ્યક્તિઓ પસંદ કરવાની સુવિધા આપે આપેલી એટલે ઘણા બધા નામ છોડી દેવા પડ્યા છે. પછી મેં બાર નામ એવા પસંદ કર્યા કે, જેમની કોઈ મૌલિક દેણ હોય, રામની કોઈ મૌલિક દેણ નથી. કૃષ્ણનું કોઈ મૌલિક પ્રદાન નથી, તેથી હિન્દુઓએ પણ તેમને પૂર્ણાવતાર ગણ્યા નથી.
તેમણે ફરી મને પુછ્યું, તો પછી એવું કરીએ કે મને આમાંથી સાત નામ આપો. હવે વાત થોડી વધુ કઠિન થઇ રહી હતી. થોડા વિચાર પછી મેં તેઓને સાત નામ આપ્યા. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર, શંકર, ગોરખ, કબીર. તેઓએ કહ્યું: આપે જે પાંચ નામ છોડી દીધા એ કયા આધાર ઉપર છોડ્યા છે? મેં કહ્યું: નાગાર્જુન બુદ્ધ માં સમાય જાય છે. તેઓ બુદ્ધમાં બીજ રૂપ હતા અને તેમાંથી જ નાગાર્જુન પ્રગટ થયા હતા. તેથી નાગાર્જુનને છોડી દઈ શકાય અને જ્યારે બચાવી લેવાની વાત આવે તો વૃક્ષને છોડી દઈ શકીએ, બીજને નહીં છોડી શકાય, કારણકે બીજ માંથી તો ફરી વૃક્ષ બનવાનું છે, નવું વૃક્ષ બનવાનું છે. જ્યાં બુદ્ધ પેદા થશે ત્યારે અનેક નાગાર્જુન પેદા થઈ જશે, પરંતુ કોઈ નાગાર્જુન બુદ્ધને પેદા નહીં કરી શકે. બુદ્ધ તો ગંગોત્રી છે, નાગાર્જુન તો આમ પણ ગંગા ના રસ્તા ઉપર આવેલું એક તીર્થસ્થળ છે. તેમ છતાં જો છોડવું હોય તો તીર્થસ્થળ છોડી દઈ શકાય, ગંગોત્રી ને છોડી ન શકાય.
એ જ રીતે કૃષ્ણમૂર્તિ પણ બુદ્ધમાં સમય જાય છે. કૃષ્ણમૂર્તિ બુદ્ધના નવીનતમ સંસ્કરણ જેવા છે, નૂતનતમ; આજની ભાષામાં! પર ભાષાનો જ ભેદ છે. બુદ્ધનું જે પરમસૂત્ર હતું: “અપ્પ દીપો ભવ” કૃષ્ણમૂર્તિ બસ તેની જ વ્યાખ્યા છે. આ એક સૂત્ર ની વ્યાખ્યા ગહન, ગંભીર, અતિ મહત્વપૂર્ણ! પરંતુ ‘પોતાના દિપક પોતે બનો’ એની તો વ્યાખ્યા છે. આ બુદ્ધનું અંતિમ વચન હતું. પૃથ્વી પરથી શરીર છોડતાં તે પહેલાં તેઓએ સાર સૂત્ર કહ્યાં હતાં, જાણે કે આખા જીવનની સંપતિ, જાણે કે આખા જીવનના અનુભવ ને એક નાનકડા સૂત્ર માં સમાહિત કરવામાં આવ્યું હોય!! રામકૃષ્ણ કૃષ્ણમાં સરળતાથી લીન થઈ જાય છે. મીરા અને નાનક કબીરમાં લિન થઈ જાય છે, જાણે કે કબીરની જ અનેક શાખાઓ ન હોય! જેવી રીતે કબીર માં જે એકત્ર હતું તેમાંથી અડધું નાનકમાં પ્રગટ થયું છે અને અડધું મીરામાં. નાનકમાં કબીરના પુરુષરૂપનું પ્રગટીકરણ થયું છે, તેથી શીખ ધર્મ જો ક્ષત્રિયનો બની જાય તો આશ્ચર્ય ન કહેવાય. મીરાંમાં કબીરના સ્ત્રૈણ રૂપને પ્રગટ થતું જોઈ શકાય છે, તેથી પૂર્ણમાધુર્ય, બધી જ સુગંધ, પુલકીત કરતી સુવાસ, સઘળું સંગીત મીરાના પગના ઝાંઝર બનીને ઝણકી રહ્યાં છે. મીરાના એક તારા પર કબીરની નારી ગાઈ રહી છે અને નાનકમાં કબીર નો પુરૂષ બોલી રહ્યો છે. બંને કબીરમાં સમાહિત થઈ જાય છે. મેં આવી રીતે કહ્યું કે, મેં આ સાત નામની યાદી બનાવી છે.. હવે તેઓની ઉત્સુકતા બહુ જ વધી ગઈ. તેમણે કહ્યું કે, જો હું પાંચ નામની સૂચી બનાવવાનું કહું તો?? મેં કહ્યું, મારું કામ એકદમ કઠીન થઈ જશે.
મેં એ સૂચિ એને બનાવી આપી. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર અને ગોરખ. કારણકે કબીર ને ગોરખ માં લીન થતા જોઈ શકાય છે. ગોરખ મૂળ છે તેથી ગોરખને છોડી શકાય તેમ નથી અને શંકર તો કૃષ્ણમાં સરળતાથી લિન થઇ જઈ શકે છે. કૃષ્ણના જ એક અંગની વ્યાખ્યા છે, કૃષ્ણના જ એક અંગનું દાર્શનિક વિવેચન છે, ત્યારે તેઓ તરત જ બોલ્યા; બસ, એકવાર ફરીવાર માત્ર ચાર જ નામ રાખીએ તો…??
મેં તરત જ નાની સૂચિ આપી દીધી. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, ગોરખ, કારણ કે મહાવીર બુદ્ધિથી બહુ જુદા નથી, થોડાક ભિન્ન છે, થોડો નાનો ભેદ છે અને તે પણ અભિવ્યક્તિનો ભેદ છે. બુદ્ધની મહિમામાં મહાવીર મહિમા થઈ જઈ શકે છે.
તેઓ કહેવા લાગ્યા: હજુ એક વાર બસ, મને ત્રણ નામ શોધી આપશો? મેં કહ્યું, હવે તે અસંભવ છે. હવે આ ચાર માંથી કોઈને પણ છોડી શકાય એમ નથી. મેં તેઓને કહ્યું, જાણે ચાર દિશા છે એવા આ ચાર વ્યક્તિત્વ છે, જેવી રીતે કાળ અને ક્ષેત્રના ચાર આયામ છે, એવા આ ચાર આયામ છે, જેવી રીતે પરમાત્માની બાજુઓ આપણે ચાર વિચારીએ છીએ એવી રીતે આ ચાર ભુજાઓ છે, આમ તો એક જ છે પરંતુ એ એક ને ચાર ભુજા છે. હવે આમાંથી કંઈ છોડવું હોય તો હાથ કાપવા જેવું લાગશે અને તે હું નહીં કરી શકું.
અત્યાર સુધી હું આપની વાત માનીને ચાલતો હતો અને સંખ્યા ધીમે ધીમે ધીમે ઘટાડતો જતો હતો. કારણ કે અત્યાર સુધી જે અલગ કરવું પડતું હતું તે વસ્ત્ર હતું, હવે તો અંગ તોડવા પડે એમ છે અને એ અંગ ભંગ હું નહીં કરી શકું, એવી હિંસા આપ પણ ન કરાવો તો તેવી પ્રાર્થના છે.”
–ઓશો, મરો હે જોગી મરો …………………………
ઓશો,
જેનો ક્યારેય જન્મ નથી થયો અને ક્યારેય મૃત્યુ થયું નથી.
જેમણે.
૧૧ ડિસેમ્બરે, ૧૯૩૧ થી ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ સુધી પૃથ્વી નામના
આ ગ્રહનો પ્રવાસ કર્યો.
બસ, બધું મળીને આ જ છે ભારતના આ સદીઓ માટેના મનીષી અને નોખા અનોખા ગુરુની વાત.
by Bhadrayu Vachhrajani | Dec 20, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’
કોઈ ઓશો પ્રેમી કે ઓશો વિરોધી પ્રશ્ન પૂછે કે,
ઓશો કોણ છે?
ઓશો શું છે?
ઓશો ક્યાં છે?
ઓશો ઓશો કેમ છે?
ઓશો ક્યારે ક્યારે છે?
આ બધા જ પ્રશ્નના જવાબ એક જ લેખમાંથી મળે તો?? હા, તે જવાબ મળી શકે. બધા જ પ્રશ્નોના જવાબ છે, સ્વામીશ્રી સત્ય વેદાંતજીએ પૂર્વાશ્રમના નામ વસંત જોશી બનીને લિખિત પુસ્તક “વિદ્રોહી ઋષિ: ઓજસ્વી ઓશો”. માં….
આવો આપણે ઓશોને તાત્વિક માર્ગે ઓળખીએ.
“તિબેટન બુદ્ધિઝમ સંપ્રદાયના કર્ગ્યુપ્ત (અથવા રેડ હેટ) ના સદ્ગત મુખી, લામા કારમાપાએ કહ્યું છે કે ‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’ સાચે જ, ઓશોએ નૂતન માનવજીવન તેમ જ નૂતન વિશ્વ માટે દૃષ્ટાનું પ્રબુદ્ધ દર્શન અને પ્રતિભાવંત રચનાત્મક નકશો એમ બંને આપ્યાં છે.
ઓશો એ કોઇ વ્યક્તિ નથી, ઓશો એક વિલક્ષણ ઘટના છે. કોઇ એમના હોવાપણાનો અર્થબોધ કરી શકે તેમ નથી અને તેઓને શબ્દોમાં વર્ણવવા પણ અસંભવ છે. ઓશો એટલે કે સૂર્ય – પ્રકાશમાન, શક્તિમાન, ઓજસ્વી અને પોષણ કરનારા. જેમ કે આપણે ~ આપણી આંખોથી સૂર્યને ન જોઇ શકીએ પણ સૂર્ય દ્વારા પ્રકાશિત કિરણોમાં આપણે સઘળું જોઇ શકીએ. એવી જ રીતે ઓશોના તેજથી આપણે જીવનની વાસ્તવિકતાઓને જોઇ શકીએ પણ સ્વયં ઓશોને ન જોઇ શકીએ.
ઓશો એક એવા ‘જાગ્રત વ્યક્તિ’ છે, એક એવો પ્રબુદ્ધ પુરુષ છે કે જેઓએ જે છે તે જોયું, એમના શુદ્ધ ચૈતન્ય દ્વારા જોયું, નહીં કે કોઇ માનસિક પ્રક્ષેપણ દ્વારા. તેઓ બતાવે છે કે દુ: ખ એ મનનું સર્જન છે અને એ મનને અતિક્રમી શકાય છે.
ઓશો એક વિદ્રોહી છે, નહીં કે ચુસ્ત રૂઢિવાદી. તેઓ એવા પ્રત્યાઘાતી પણ નથી કે જે એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરતા હોય. તેઓ હંમેશાં સંતુલિત અવસ્થામાં રહ્યા છે. ઓશો એવા વિદ્રોહી નથી, જેનો શબ્દકોષમાં વ્યાખ્યાતિત કરવામાં આવેલા અર્થો – ‘વળતો પ્રહાર કરવો’ કે ‘કોઇની સામે લડવું’ એવો ભાવ દર્શાવતા હોય. જો કે ઓશો સ્વભાવગત રીતે વિદ્રોહી હતા પણ ‘વળતો પ્રહાર કરવો’ એ અડધું ચિત્ર બતાવે છે, જે સંપૂર્ણ નથી. ઓશો માત્ર જે કંઇ ખોટું છે તેની સામે લડ્યા નથી, કે જેણે જે કંઇ જૂનું, અપરિપક્વ કે અપ્રસ્તુત હોય તેને ફગાવી દીધું હોય. પણ તેઓએ એક નૂતન દૃષ્ટિ પણ આપી છે, એક નવો પ્રકાશ આપ્યો છે, જેનાથી આપણે આપણને અને આપણી આસપાસના વિશ્વને વધુ સ્પષ્ટતાથી અને વધુ સમજણથી જોઇ શકીએ. તેઓએ વિદ્રોહીના બીજા અડધા ભાગને સંપન્ન કર્યો છે; તેઓએ સમગ્ર માનવજાત માટે એક નૂતન દૃષ્ટિ આપી છે કે જેનાથી એક બહેતર જિંદગી જીવી શકાય. એટલા માટે જ ઓશો એક સ્વ-વ્યાખ્યાયિત ઘટના છે, તેઓ ખુદ પોતાની વ્યાખ્યા છે.
તેઓની પાસે કોઇ નકશો નથી, કોઇ માર્ગદર્શિકા નથી, પ્રત્યેક ક્ષણ તેઓ માટે નવી છે. દરેક ક્ષણે તેઓ નૂતન અવકાશમાં, એક નવા અનુભવમાં, પોતાના આગવા સત્યમાં અને પોતાના આગવા દર્શનમાં પ્રવેશે છે. ખરેખર તેઓનું જીવન અને કાર્ય એક લીલા છે. આ લીલાનો કોઇ તર્કસંગત અર્થ કાઢી શકાય તેમ નથી. તે તર્ક અને બુદ્ધિથી પર છે, એ સહજ, અસ્તિત્વગત અને શુદ્ધ ચેતનાનો પાર-બોદ્ધિક દિવ્ય ખેલ છે.
ઓશો એક વિદ્રોહી છે કારણ કે તેઓએ એમના સમયમાં, એમની પોતાની રીતે અને જે જગ્યા પસંદ કરી હોય ત્યાં સમાજ દ્વારા માનવજાત માટે પ્રતિબંધિત પરંપરાગત રૂઢિઓ અને ખ્યાલો સામે પડકાર ફેંક્યો છે. વિદ્રોહી કદી ડરતો નથી કેમ કે કંઇ પણ પ્રતિબંધિત છે તેને બદલાવવામાં તે માનવજાતના ભવિષ્યના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. વાસ્તવમાં વિદ્રોહી દર્શાવે છે, જેમ ઓશોએ એમના દર્શનની શક્તિ દ્વારા બતાવ્યું, કે તેઓ જ માનવજાતનું ભવિષ્ય છે.
એક વિદ્રોહી, પાખંડ અને જીવનની નકારાત્મકતા અને અસત્ય સામે લડવામાં હંમેશાં એકલો જ હોય છે. ઓશો કહે છે, “હું એકલો રહીને પણ બહુમતમાં છું.” આપણે તેઓને કોઇ જ શ્રેણીમાં વિભાજિત કરી શકીએ તેમ નથી. તેઓ ઘોષિત કરે છે કે, “હું સ્વયં એક શ્રેણી છું, જેને વિભાજિત ન કરી શકાય.” સર્વ વિદ્રોહીઓ સ્વયં પોતે જ પોતાની એક શ્રેણી છે – બુદ્ધ, સૉક્રેટિસ, જિસસ, કબીર, મીરાં – આ સર્વ રહસ્યવાદીઓ તેઓની ક્રાંતિ અને દર્શનમાં અદ્વિતીય છે. ઓશો આવા વિદ્રોહીઓને, ‘ધરતી પરનું અસલી સત્ત્વ’ કહે છે.
ઓશો વાસ્તવમાં આત્માના વિજ્ઞાની છે. ઓશો એ ‘ધર્મ’ના માણસ નથી પણ તેઓનું અસલી હોવું એ ધાર્મિકતાનું પ્રતિબંધ છે. આપણે ઇશ્વરની શોધમાં જઇએ તેમ તેઓ નથી સૂચવતા પણ કદાચ ધ્યાન, પ્રેમ અને સજગતા દ્વારા આપણે આપણી આસપાસ ભગવત્તાને ફેલાવી શકીએ, તેમ સૂચવે છે. એટલે, તેઓનો સંદેશ છે: ભૂતકાળના બંધનમાંથી મુક્ત થાઓ, તમારો માર્ગ ખુદ શોધો તેમ જ હિંમત અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધો.
જ્યારે સાંઇઠના દાયકાના પાછળનાં વર્ષોમાં તેઓ મુંબઇમાં (તે સમયનું બૉમ્બે) કૃષ્ણ પર પ્રવચન આપવા જતા હતા. જો તેઓ સાચેસાચ કૃષ્ણ પર પ્રવચન કરવાના છે તો તે જાણીને દરવાને આશ્ચર્યચકિત થઇને પૂછ્યું કે, ‘બે વર્ષ પહેલાં તો તમે કૃષ્ણ વિરુદ્ધ બોલવા માટે અહીં આવ્યા હતા.’ ઓશોએ જવાબ આપ્યો કે, ‘હા, જો હું કૃષ્ણ વિરુદ્ધ બોલું તો કોઈ ન આવે, માટે હું કૃષ્ણના પક્ષમાં બોલું છું. અને જો તમે આ વાતને દોહરાવશો તો હું તેનો ઇનકાર કરીશ!’
જે. કૃષ્ણમૂર્તિ સંદેહને સાથે રાખતા હતા, પણ તેને બદલે, ઓશોએ યથાર્થ બુદ્ધિપૂર્વકના સંદેહને પ્રથમ પાયાના વિશ્વાસ તરીકે રાખીને શરૂઆત કરી. આ સમયનું હાર્દ બતાવતાં તેઓ કહે છે: ‘હવે હું જે સત્ય બોલું છું તે મારું સત્ય છે કારણ કે હવે મને વિશ્વાસ છે કે તમે સમજશો, કારણ કે હવે તમને જિસસ, મહાવીર, બુદ્ધ કે કૃષ્ણ જેવાં માધ્યમોની જરૂર નથી. હું તમારી સામે સીધી અને ચોખ્ખી વાત કરી શકીશ. હવે મારે |શબ્દોની રમત રમવાની જરૂર નથી… મારે જે રમત રમવી પડી તે અનિવાર્ય અનિષ્ટ બિનઇશ્વરીય અને અધાર્મિક વ્યક્તિ પાસે આવ્યા હોત? જો તમે તમારી જાતને આ પ્રશ્ન હતો; તો એ વગર તમને શોધી શકવાનું શક્ય ન હતું. શું તમે એક નાસ્તિક, પારનૈતિક છો? એવું પૂછશો તો તમને સમજાશે કે મેં ધર્મ અને ધાર્મિક પરિભાષાનો ઉપયોગ કેમ કર્યો હતો. હું મારી વિરુદ્ધ તેનો તમારા માટે ઉપયોગ કરતો હતો. જેનો માત્ર તમારે ખાતર જ એક નાટક તરીકે ઉપયોગ કરતો હતો, પણ હવે તેની જરૂર નથી.’
વ્યક્તિત્વથી વ્યક્તિમતા તરફમાંથી સદ્ગુરુની ભૂમિકા ભજવતા, કેટલીક વખત રેલવે સ્ટેશનો પર પણ શિષ્યોને દીક્ષા આપીને, ‘ભગવાન’ નામનો સ્વીકાર કરીને, સંન્યાસ માટેની આપણી પરંપરાગત માન્યતાઓ સામે કટાક્ષ કરીને લોકોને ક્રોધિત કર્યા. અને એક દિવસ સહજ કહી દીધું કે, ‘મજાક પૂરી થઈ.’ જો કે ઓશોએ હંમેશાં ભારપૂર્વક કહ્યું છે કે તેઓના કોઇ અનુયાયીઓ નથી, માત્ર સહયાત્રીઓ છે, પણ અનુસરવું જ સરળ અને સગવડયુક્ત હોય છે. પછી આપણું કોઇ ઉત્તરદાયિત્ત્વ નથી રહેતું. કોઇ પોતાની જવાબદારી બીજા કોઇપણ ઉપર, ભગવાન, ગુરુ, બુદ્ધ, જિસસ કે કોઇ અન્ય ઉપર પણ મૂકી શકે છે. જેમ પક્ષી પોતાના પાલ્યને માળામાંથી બહાર કાઢવા માટે પ્રોત્સાહન આપે છે તેમ ઓશોએ ધીમેથી અને સાતત્યપૂર્ણ રીતે પોતાનો આધાર આપણી માન્યતાઓ પાસેથી સેરવી લીધો. આ એક તેજાબી કસોટી હતી. ઓશોની ઉપસ્થિતિમાં કશુંક બનવું એ એક વાત છે. પણ કોઇ બહારના આધાર વગર પોતાના જ આંતરિક સ્ત્રોતો પર આધાર રાખીને સ્વનું પુનઃ નિર્માણ કરવું અને પોતાનો વિકાસ કરવો એ એક અલગ વાત નથી શું? કોણે એવું ધાર્યું હશે કે આ શક્ય છે! પણ એમણે ભાખ્યું હતું તે પ્રમાણે આજે એમનું કાર્ય ‘આપણું મગજ બહેર મારી જાય એ રીતે’ વિસ્તરી રહ્યું છે.
અને એક દિવસ અચાનક એ છોડીને ચાલ્યા જાય છે. એ એક સમય હતો અલગ ઊભા રહેવાનો. એમની દ્રષ્ટિ એ શું કહે છે તેના કરતાં તેઓ શું સૂચિત કરી રહ્યા છે તેની સાથે વધુ સંબંધિત હતી. તેઓ આપણને એકલા છોડી દે છે. બિલકુલ એકલા, જેથી આપણે કોઇની સહાય ન લઇએ, કોઇ પયગંબરને વળગી ન પડીએ અને એથી આપણે એમ ન વિચારવા લાગીએ કે કોઇ ગૌતમ બુદ્ધ કે જિસસ આવીને આપણને બચાવી લેશે.
સાવ એકલા છોડી દેવાયેલા, આપણે સ્વયંનાં આંતરજગતનું કેન્દ્ર તો અનિવાર્યપણે શોધવું જ રહ્યું. તેઓ સ્પષ્ટ કરે છે કે:
‘બીજો કોઇ માર્ગ નથી, ક્યાંય જવાનું નથી, કોઇ સલાહકાર નથી, કોઇ શિક્ષક નથી, કોઈ ગુરુ નથી. તમને કદાચ એવું લાગતું હશે કે આ બધું હું કહું છું તે સખત છે. કઠોર છે, પણ હું આ કરી રહ્યો છું કેમ કે હું તમને ચાહું છું અને જે લોકોએ આમ નથી કર્યું તેઓએ તમને પ્રેમ કર્યો નથી. તેઓએ તેમને પોતાને જ પ્રેમ કર્યો છે અને પોતાની આસપાસ એક મોટી ભીડ ઇચ્છી છે.’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Dec 7, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“મૃત્યુ – એ સૌથી વધુ સુંદર ઘટના છે અને સૌથી વધુ રહસ્યમય પણ…કોઇએ તેને ગુમાવવી જોઈએ નહીં.”
ઓશો માટે નદી એક આશ્ચર્યસ્થાન પણ હતું. જ્યારે પણ તેમને ખૂબ ઊંડા દુ: ખની લાગણી થતી ત્યારે તેઓ નદી પાસે આવી જતા અને ધ્યાનમાં બેસી જતા. તેમના મિત્રો ખાસ કરીને બે પ્રસંગો નોંધતા. તેમના કિશોરાવસ્થાની સાથી શશીનું અવસાન અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં જ્યારે ગાંધીજીની હત્યા થઇ, ઓશોએ તેમના મિત્રોને કહ્યું હતું કે એમને એટલું બધું લાગી આવ્યું હતું કે તેઓ રડી પણ શકતા ન હતા. એ સાંજે તેઓ અને તેમના મિત્રો નદીએ આવ્યા અને ધ્યાનમાં બેઠા.
ઓશોએ મૃત્યુનો ખુલ્લંખુલ્લા સામનો કરવા માટે નદીનો ઉપયોગ કર્યો. તેમના કાકા, મિત્રો અને સંબંધીઓએ વર્ણવ્યું છે કે તેઓ ભયાનક રીતે વહેતી નદીમાં કેવા ભૂસ્કા મારતા હતા અને સામે કિનારે તરીને જતા હતા અથવા સિત્તેર ફૂટ ઊંચો પુલ ચડીને ત્યાંથી પૂરમાં ભરપૂર વહેતી નદીમાં કેવા ભૂસ્કા મારતા હતા. રૂંવાડાં ઊભાં કરી દે એવા અનુભવોમાંનો એક તો એ છે કે, તેઓ વમળમાં કૂદકા મારતા હતા. તેઓ માટે વમળમાં પડવું, “સુંદરતમ અનુભવોમાંનો એક અનુભવ હતો.” ઓશો પોતે વમળના સ્વભાવ અને તેના અનુભવ વિશે જણાવતાં કહે છે કે “વિશેષ કરીને વરસાદમાં પૂરમાં વહેતી નદીઓમાં. પ્રચંડ શક્તિશાળી અને તાકતવર, ઘણાં વમળો સર્જાય છે. પાણી સ્કૂની જેમ ગોળગોળ ફરે છે. જો તમે એમાં જકડાઈ જાઓ, તમને તળિયે ખેંચી જવા માટે ધક્કો લગાડવામાં આવે અને જેમ જેમ તમે વધુ નીચે જાઓ, વમળ વધુ તાકતવર બનતું જાય. અહંની સ્વાભાવિક વૃત્તિ એ હોય કે તેની સાથે લડીએ, ચોક્કસ, કેમ કે એ મૃત્યુ જેવું ભાસતું હોય અને અહં મૃત્યુથી ખૂબ જ ડરતો હોય. અહં વમળ સાથે લડવાનો પ્રયાસ કરે અને તમે પૂરમાં વહેતી નદી અથવા ધોધની નજીક જ્યાં ઘણાં જ વમળો સર્જાતા હોય. તેમાં ખોવાઈ જાઓ કેમ કે વમળો ખૂબ જ શક્તિશાળી હોય છે. તમે તેની સાથે ન લડી શકો. ‘અને વમળનું આ એક લક્ષણ છે, સપાટી પરથી તે મોટું લાગે, પણ જેમ જેમ ઊંડા જાઓ તેમ તેમ નાનું અને નાનું થતું જાય- વધુ તાકતવર પણ નાનું. અને જ્યારે લગભગ તમે વમળના તળિયે જતા રહો ત્યારે તે એટલું નાનું થઇ ગયું હોય કે તમે એમાંથી સરળતાથી લડ્યા વગર જ બહાર આવી શકો. વાસ્તવમાં, તળિયાની નજીક, વમળ જ તમને જાતે બહાર ફેંકી દે. પણ તમારે તળિયા માટે રાહ જોવી પડે. જો તમે સપાટી પરથી જ લડવાનું શરૂ કરી દો, તો તમે પતી ગયા, તમે બચી ન શકો. મેં ઘણી વખત ઘણા વમળો સાથે પ્રયત્નો કર્યા છે; જે અનુભવો ખૂબ જ સરસ છે.’
આ વિવરણ ઓશોની મૃત્યુ વિશે આંતરસૂઝને વર્ણવે છે. જેમ જેમ મૃત્યુ સાથે લડો, તેમ તેમ તમે વિખેરાઇ જાઓ અને તેનાથી ચહેરાઇ જાઓ; પણ તેનો પ્રતિકાર કરવાને બદલે, કોઇ તેમાં ધ્યાનપૂર્વક ઊંડા જવાની પરવાનગી આપે, તો તે/તેણી જબરદસ્ત રોમાંચક અનુભવમાંથી બહાર આવી શકે. જો કોઇ રહસ્યોને વીંધીને જવાની કોશિશ કરે અને તેના પાયા સુધી પહોંચી શકે, તો તે નુકસાન વગર તેમાંથી સ્વયંભૂ બહાર આવી શકે અને ભયથી પણ મુક્ત થઇ જાય.
એક બાળક તરીકે, ઓશોનું મૃત્યુ સાથેનું અનુસંધાન અસાધારણ હતું. મૃતદેહને ઊંચકીને અગ્નિસંસ્કાર માટે લોકો લઇ આવતા એ એમનો સામાન્ય અનુભવ હતો. જ્યારે એમનાં માતા-પિતા એમને પૂછતાં કે એ અવારનવાર અજાણ્યા લોકોના અગ્નિસંસ્કાર માટે શા માટે સ્મશાન ગૃહે જાય છે, તો તેઓ કહેતાઃ “માણસ મારી ચિંતાનો વિષય નથી. મૃત્યુ – એ સૌથી વધુ સુંદર ઘટના છે અને સૌથી વધુ રહસ્યમય પણ. કોઇએ તેને ગુમાવવી જોઇએ નહીં.” એને વધુ વર્ણવતાં ઓશો કહે છે કે: એટલે જે ક્ષણે મને ખબર પડે છે કે કોઇનું અવસાન થયું છે, ત્યાં શું બની રહ્યું છે તે જોવા માટે, તેનો સાક્ષી બની રહેવા અને તેનું અવલોકન કરવા માટે હું જતો. લોકો મૃત્યુને કેવી રીતે શાસ્ત્રીય અર્થ આપતા અને શાસ્ત્રોમાં લખાયેલાં ટાંચણોને જે રીતે રજૂ કરતા તેને તેઓ ધ્યાનથી સાંભળતા અને અવલોકતા. આ પ્રકારની મૂર્ખતા ઓશોને ઉશ્કેરતી. ‘મને લાગતું કે તેઓ એને અવગણી રહ્યા છે, જે ઘટના બની રહી છે તેને જોવાને બદલે ચર્ચામાં વ્યસ્ત રહીને તેને અવગણી રહ્યા છે. તેઓ મૃત વ્યક્તિ તરફ જોતા નહોતા. અને એ ત્યાં જ હતું, મૃત્યુ સામે જ હતું અને તમે તેની ચર્ચા કરી રહ્યા છો, કેવા મૂર્ખ લોકો!!
ઓશોની મૃત્યુ જંખનાને લઈને પરિવારના સૌ લોકોને તેની ચિંતા થવા લાગી. ઓશો ભલે ભૌતિક રીતે મૃત્યુ માંથી બચી ગયા પરંતુ એમણે ચેતના સ્તરે મૃત્યુનો એક વખત વધુ સામનો કર્યો. તેમણે પરિવાર ને કહ્યું કે જો જ્યોતિષે જે કહ્યું હોય તે મુજબ મૃત્યુ નિશ્ચિત જ હોય તો તેઓ એના માટે પહેલે થી તૈયાર થઈ જાય એ હિતાવહ છે. પરિવારના લોકો આ સાંભળીને આઘાત પામ્યા. પણ એમના આયોજનમાં હસ્તક્ષેપ કોઈએ ન કર્યો. ઓશો એમના આયોજનને આગળ ધપાવવા મક્કમ હતા. તેઓ શાળાના આચાર્યને મળવા ગયા અને સાત દિવસની રજા માટે વિનંતી કરી. તેઓએ આચાર્યને કહ્યું કે તેઓ મૃત્યુ પામવા જઇ રહ્યા છે. આચાર્યને એમના કાન પર જ વિશ્વાસ પડ્યો નહીં. એમણે વિચાર્યું કે, ઓશો આપઘાત કરવા જઈ રહ્યા છે, એટલે વધુ સમજાવટ માટે પૃચ્છા કરી. ઓશોએ એમના ચૌદમાં વર્ષે મૃત્યુની શક્યતા વિશે જ્યોતિષીએ કરેલી ભવિષ્યવાણી વિશે આચાર્યને જણાવ્યું. તેઓએ આચાર્યને એ પણ કહ્યું કે, “હું સાત દિવસ માટે મૃત્યુની રાહ જોવાના આનંદ માટે જઇ રહ્યો છું, જો મૃત્યુ આવે અને હું તેને ચેતન અવસ્થામાં મળી શકું તો એ સારો અનુભવ કહેવાય.”
આચાર્ય સ્તબ્ધ બની ગયો અને રજા પણ મંજૂર થઇ ગઇ. પછી ઓશો એમના ગામની નજીક એક જીર્ણશીર્ણ એવા એકાંત અને પુરાણા મંદિરે ચાલ્યા ગયા. એક પૂજારી પોતે જેટલી દેખભાળ રાખી શકતા હતા તેટલી રાખતા હતા. ઓશોએ પૂજારીને સૂચના આપી દીધી કે કોઇ એમને વિઘ્ન ન પહોંચાડે અને એમ પણ કહ્યું કે એમને દિવસમાં એક જ વખત ખાવા પીવા માટે કંઇક પૂરું પાડે, જ્યારે તેઓ મંદિરમાં મૃત્યુની રાહ જોઇ રહ્યા હોય. ઓશો માટે એ ખૂબ સુંદર અનુભવ રહ્યો. હા! સાચેસાચ મૃત્યુ તો કદાપિ ન આવે, પણ ‘મૃત્યુ પામવા માટે‘ શક્ય હોય તેટલું બધું જ કરી છૂટ્યા. તેઓ અસાધારણ અને વિચિત્ર લાગણીઓમાંથી પસાર થયા. ઘણી બધી બાબતો એમની સાથે બની, પણ ઓશો જેમ કહે છે તેમઃ “પાયાની વાત એ છે કે જો તમને એમ લાગતું હોય કે તમે મૃત્યુ પામી રહ્યા છો, તો તમે શાંત અને મૌન બની જશો.”
એમના કેટલાક અનુભવો તો ઘણા આશ્ચર્યચકિત કરનારા હતા. મૃત્યુના ભયના સંબંધમાં એક વાત આ પ્રમાણે કરે છે: ‘હું ત્યાં પડી રહ્યો હતો. ત્રીજા કે ચોથા દિવસે મંદિરમાં એક સાપ આવ્યો. મને દેખાતું હતું, હું સાપને જોઇ રહ્યો હતો. પણ ભય નહોતો. અચાનક મને બહુ અચરજ જેવું લાગ્યું, સાપ નજીક અને નજીક આવતો હતો અને મને ઘણું જ નવાઇભર્યું લાગતું હતું. ભય બિલકૂલ નહોતો. તો મેં વિચાર્યું કે જ્યારે મૃત્યુ આવવાનું જ હોય તો, એ સાપ દ્વારા પણ આવી શકે, તો ભય કેમ પામવાનો? રાહ જુઓ! સાપ મારી ઉપરથી પસાર થઇને ચાલ્યો ગયો. ડર અદ્રશ્ય થઇ ગયો હતો. જો તમે મૃત્યુને સ્વીકારી લો તો પછી ભય નથી રહેતો. જો તમે જિંદગીને વળગેલા રહો તો પછી ત્યાં દરેક પ્રકારનો ભય રહે છે.’
એક વખત મૃત્યુને વાસ્તવિકતા તરીકે સ્વીકારી લો, એ સ્વીકાર તરત જ એક અંતર સર્જે છે. એ બિંદુ જ્યાંથી જિંદગીમાં બનતી ઘટનાઓના પ્રવાહને એક દ્રષ્ટા તરીકે નિહાળી શકાય. સામાન્ય રીતે ઘટનાઓની સાથે આવતાં દુ: ખો, યાતનાઓ, ચિંતાઓ અને વિડંબનાઓને આ સઘળું પરે લઇ જાય છે. ઓશો આ પ્રકારની અલગાવની સ્થિતિના સંબંધમાં એમના અનુભવને વર્ણવતા કહે છેઃ ‘ઘણી વખત માખીઓ મારી આજુબાજુ ઉડતી, મારી આસપાસ મંડરાતી, મારા ચહેરાની આસપાસ. ઘણી વખત હું ઉશ્કેરાઈ જતો, અને તેમને ઉડાવી દેવાનું ચાહતો, પણ મેં વિચાર્યું, આનો શો ઉપયોગ છે? વહેલા કે મોડા હું મરી જવાનો છું પછી આ શરીરને બચાવવા માટે કોઇ રહેવાનું નથી. તો તેઓને તેમનો રસ્તો કરવા દો. જે ક્ષણ મેં એમ વિચાર્યું કે, તેઓને તેમનો રસ્તો કરવા દો, કે તરત ઉશ્કેરાટ જતો રહ્યો. તેઓ શરીર ઉપર હતી પણ જાણે મને એમની પરવા નહોતી. તેઓ ફરતી હતી, જાણે કોઈ બીજાના જ શરીરની આસપાસ ફરતી હતી. તરત જ એક અંતર નિર્માણ થઈ ગયું. જો તમે મૃત્યુને સ્વીકારો તો અંતર નિર્માય જાય છે. જિંદગી એની બધી જ ચિંતાઓ, ઉશ્કેરાટો અને બધાંથી દૂર, આગળ નીકળી જાય છે.'(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Dec 1, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“જીવન માટેની તૃષ્ણા શરૂ થાય તે પહેલાં જ મૃત્યુએ મારી સામે તાકીને જોયું.”
ઓશોને મૃત્યુનો પહેલો અનુભવ નાની બહેન કુસુમના અવસાન સમયે થયો. ઓશોને એ ખૂબ વહાલાં હતાં. એમના અવસાનથી ઓશો ખૂબ વ્યથિત થયા અને ભોજનનો ઇનકાર કરી દીધો અને પારંપરિક જૈન સાધુની જેમ વર્તવાનો આગ્રહ કર્યો, પંચિયું પહેરીને ભિક્ષાપાત્ર લઇ લીધું. તેઓની માતાએ એ દૃશ્યનું વર્ણન કરતાં આ પ્રમાણે કહ્યું- ‘‘તે એમને એક પંગતમાં ભોજન લઇને બેસવાનું કહેતા. સાધુ જેવાં વસ્ત્રો પહેરીને એક છેડેથી બીજા છેડે હાથમાં ભિક્ષાપાત્ર લઇને ભોજન માગતા.”,
મૃત્યુ સાથેના આવા અનેક સામનાઓ એમના પોતાના જ અનુભવોનો એક ભાગ હતા. એમાંના મહત્ત્વના ત્રણ પ્રસંગો વિશે એક જ્યોતિષીએ આગાહી પણ કરી હતી. ઓશોના દાદાએ એક અતિ નામાંકિત જ્યોતિષીની સલાહ લીધી હતી, જેમણે ઓશોના જન્માક્ષર જોઇને આગાહી કરી હતી કે, આ બાળક સાત વર્ષ પછી જીવિત નહીં રહે. તેઓએ એ વાતને નોંધપાત્ર ગણી નહીં, માટે આટલું અલ્પ જીવન નિયત થયેલી વ્યક્તિ માટે બીજી કુંડળી તૈયાર કરાવી. જ્યોતિષીના અવસાન પછી, એમના દીકરાએ ઓશોની જન્મપત્રિકા પર કાર્ય કરવાનું ચાલું રાખ્યું. પુત્ર પણ મૂંઝવણમાં મુકાયા અને છેવટે જાહેર કર્યું કે, આ બાળક દરેક સાત વર્ષ પછી મૃત્યુનો સામનો કરશે અને એકવીસ વર્ષની ઉંમરે લગભગ મૃત્યુ પામશે. આ ભવિષ્યવાણીએ સ્વાભાવિક રીતે જ ઓશોનાં માતા-પિતા અને કુટુંબીજનોને ચિંતામાં મૂક્યાં. પણ, ઓશો નોંધે છે તેમ, જ્યોતિષીઓ એક રીતે સાચા હતા, સાત, ચૌદ અને એકવીસ એ વર્ષો હતાં જેમાં એમણે મૃત્યુનો ઊંડાથી પણ ઊંડો સામનો કર્યો.
ઓશો મૃત્યુના એમના પ્રથમ સૌથી ગહન અનુભવ વિષે બોલતાં કહે છે : સાત વર્ષની ઉંમરે હું બચી ગયો, પણ મને મૃત્યુનો ગહન અનુભવ થયો, મારો પોતાનો નહીં પણ મારા નાનાના અવસાનનો. હું એમની સાથે એટલો બધો જોડાયેલો હતો કે, એમના મૃત્યુમાં મને મારું જ મૃત્યુ દેખાયું. મારા નાનાએ મૃત્યુ પહેલા આઘાતમાં જ એમની બોલી ગુમાવી દીધી. ચોવીસ કલાક તો અમે ગામમાં રાહ જોઈ કે કોઈને કોઈ ઘટના તો બનશે, જો કોઈ સુધારો થયો નહીં. મને યાદ છે, એ કૈંક બોલવા માટે મથામણ કરી રહ્યા હતા, પણ કંઇ કરી શક્યા નહીં. એમને કંઇક કહેવું હતું, પણ કહી શક્યા નહીં. એટલે અમારે એમને બળદગાડામાં ગામ તરફ લઇ જવા પડ્યા. ધીમે ધીમે એમની ઇન્દ્રિયોએ એક પછી એક એમ કામ કરવાનું છોડી દીધું. તેઓ એક જ ઝાટકે મૃત્યુને ન પામ્યા, પણ ધીમે ધીમે અને દર્દપૂર્ણ રીતે. પ્રથમ તેઓનું બોલવાનું બંધ થયું. પછી સાંભળવાનું. પછી તેઓએ એમની આંખો પણ બંધ કરી. બળદગાડામાં હું આ બધું ખૂબ નજીકથી જોતો રહ્યો અને બત્રીસ કિલોમીટરની લાંબા અંતરની મુસાફરી હતી. જે કંઇ બની રહ્યું હતું એ એ સમયે મારી સમજની બહાર હતું. આ પહેલું મૃત્યુ હતું જેને હું મારી નજરે જોઈ રહ્યો હતો અને તેઓ ગુજરી રહ્યા છે તે પણ હું સમજી શકતો નહોતો. ઇન્દ્રિયોને ધીમે ધીમે ગુમાવતાં છેવટે એમનું મરી જવું, એણે મારી સ્મૃતિ પર ખૂબ ઊંડી છાપ અંકિત કરી.’ એવું લાગ્યું, જાણે એમના વહાલા નાના અદૃશ્ય થઇ જવાથી ઓશોની આખી દુનિયા જ અલગ થઇ ગઇ હોય.
ઓશો એમના નાનાના અવસાન વખતે એમને કેવું લાગી આવ્યું હતું એ વર્ણવતાં કહે છે.
“જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે મને લાગ્યું કે, ખાવું એ એક વિશ્વાસઘાત થઇ પડશે. હવે, મારે જીવવું નથી. જો કે એ નાદાની હતી, પણ એ દ્વારા કશું ગહન ઘટી ગયું. ત્રણ દિવસ હું પડી જ રહ્યો. હું પથારીમાંથી બહાર નહોતો નીકળતો. હું કહેતો, જો એ મરી ગયા છે તો હું જીવવા નથી ઇચ્છતો.’ હું જીવી ગયો પણ એ ત્રણ દિવસો મૃત્યુનો અનુભવ બની ગયા. હું એક રીતે મરી ગયો હતો. અને મને એ સમજમાં આવ્યું હતું કે – હવે, એ વિશે હું કહી શકું એમ છું કે-એ સમયે એ એક અસ્પષ્ટ અનુભવ જ હતો. મને એ લાગી રહ્યું હતું કે મૃત્યુ અસંભવ છે.”
ઓશો એ વાતને આ રીતે મૂકે છે: ‘જીવન માટેની તૃષ્ણા શરૂ થાય તે પહેલાં જ મૃત્યુએ મારી સામે તાકીને જોયું. મારા જીવનના પ્રથમ તબક્કે જ કોઇપણ મારા જીવનનું કેન્દ્ર બને એ શક્યતા જ મારા માટે નાશવંત થઇ ગઇ. સાત વર્ષની ઉંમરે એકાંતની હકીકતે મારો કબજો લઇ લીધો. એકલતા મારો સ્વભાવ બની ગઇ. એ મૃત્યુએ
મને બધા સંબંધોમાંથી હંમેશાં માટે મુક્ત કરી દીધો. એ મૃત્યુ મારા માટે તમામ વળગણોનું મૃત્યુ બની રહ્યું. એ પછી હું કોઇની પણ સાથે બંધન પ્રસ્થાપિત ન કરી શક્યો. જયારે પણ કોઈની સાથેનો સંબંધ પ્રગાઢ બને કે મૃત્યુ મને તાકી રહેતું.’
ઓશો સમજાવે છે કેઃ ‘એ એકલતાની પ્રથમ લાગણી ઊંડીને ઊંડી બનતી ગઈ, જીવનમાં કશુંક નવું જ ઘટી રહ્યું હતું. પ્રથમ તો એ એકલતાએ મને દુ: ખી જ કર્યો, પણ ધીમે ધીમે એ સુખમાં પરિવર્તિત થતી ગઇ. એ પછી, મેં કદી અસુખને સહન કર્યું નથી.’
એમને એ દેખાવા લાગ્યું કે એ એકલતા વાસ્તવમાં પોતાની જાતના જ કેન્દ્રમાં રહેવાની એક અવસ્થા છે, એવી અવસ્થા જેમાં બીજા પર અવલંબિત રહેવાનું બહુ ન લાગે. અવલંબનમાંની આ મુક્તિએ વાસ્તવમાં તેઓને કાયમી સુખી બનાવી દીધા. તેઓ નોંધે છે: ‘પોતાની જાત તરફ પુનઃ પાછા વળવા સિવાય બીજો કોઇ માર્ગ જ નથી. આ કહેવા, હું મારી જાતમાં પાછો ફેંકાયો. ધીમે ધીમે તેણે મને વધુને વધુ સુખી બનાવ્યો. પાછળથી મને એ લાગ્યું કે એ નાજુક ઉંમરમાં મૃત્યુનું એ અવલોકન મારા માટે અભિશાપમાં આશીર્વાદ બની રહ્યું.’ આ ઘટનાની નાના બાળકના વિકાસમાં બહુ ગહેરી અસર હતી. ઓશો તેને પોતાના શબ્દોમાં મૂકે છે. ‘આ ઘટનાને હું પ્રથમ ગણું છું કે જેણે મારા પર ઊંડી અસર અને છાપ છોડી હોય. એ દિવસથી, પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ, જીવનની સજગતા અચૂકપણે મૃત્યુની સજાગતા સાથે જોડાઇ ગઇ. ત્યારથી હોવું કે ન હોવું મારા માટે સરખાં મૂલ્યવાન બની ગયાં.’
ઓશો એક એવી વ્યક્તિ શોધવામાં નસીબદાર હતા જે નદીના પ્રેમમાં ગરકાવ હતી. આ માણસે યુવાન ઓશોને તરવાના પ્રથમ પાઠો આપ્યા, નદીનો સ્પર્શ કરાવી આપ્યો. આ તરવૈયા ગુરુએ જે રીતે તરવાનું શીખવ્યું કે તે થકી યુવાન ઓશોને સંપૂર્ણ રીતે સમગ્ર હોવાના રહસ્યમાં અત્યંત આંતરસૂઝપૂર્વકના અનુભવો આપ્યા. ઓશો એને આ રીતે વર્ણવે છેઃ ‘મારા બાળપણમાં મને તરવૈયા ગુરુ પાસે મોકલાવ્યો. તેઓ ગામમાં સૌથી સરસ તરવૈયા હતા અને હું કોઇ એવી વ્યક્તિના સંપર્કમાં કદી ના આવ્યો જે પાણીના આટલા ગહેરા પ્રેમમાં હોય. પાણી એમના માટે ઇશ્વર હતો. એમણે એની ભક્તિ કરી હતી – અને નદી એમનું ઘર હતી. સવારે વહેલા ત્રણ વાગ્યે તમે એમને નદીમાં જૂઓ અને રાત્રે તમે એમને નદી પાસે ધ્યાનમાં બેઠેલા પણ જૂઓ. એમની આખી જિંદગી નદીની સાથે રહેવાનો સરવાળો હતો.’
“જ્યારે મને એમની પાસે લાવવામાં આવ્યો—મારે કેવી રીતે તરવું એ શીખવું હતું-એમણે મારી સામે જોયું, એમને કંઇક લાગ્યું. એમણે કહ્યું, ‘કેવી રીતે તરવું એ શીખવાનો કોઇ રસ્તો નથી. હું તને બસ પાણીમાં ફેંકી દઉં અને તરવું તો એમાંથી જ નીકળશે. એને શીખવાનો કોઇ માર્ગ નથી – એ શીખવી પણ શકાય નહીં. એ કુનેહ છે, જ્ઞાન નહીં.’ અને એમણે એ જ કર્યું – એમણે મને પાણીમાં ફેંક્યો અને તેઓ કિનારે ઊભા રહ્યા. બેથી ત્રણ વખત હું નીચે સરકી ગયો અને મને લાગ્યું કે હું લગભગ ડૂબી રહ્યો હતો. તેઓ ત્યાં ઊભા જ રહ્યા હતા. તેઓ મને બચાવવાનો પણ પ્રયાસ કરતા નહોતા! અને ચોક્કસ જ્યારે જિંદગી દાવ પર લાગી હોય, ત્યારે તમે જે કરી શકતા હો તે બધું જ કરો. અને મેં મારા હાથ ફેંકવા માંડ્યા, ગમે તેમ, ઉતાવળા, ઉતાવળા પણ ધીમે ધીમે કુશળતા આવવા માંડી. જ્યારે જિંદગી દાવ પર લાગી હોય, ત્યારે તમે જે કરી શકતા હો તે બધું જ કરો – અને જ્યારે પણ તમે કંઇ સમગ્રતાથી કરો, ઘટના ઘટી જાય છે.” “હું તરી શક્યો! હું અચંબિત હતો! ‘ફરી વખત,’ મેં કહ્યું, ‘તમારે મને પાણીમાં નાખવાની જરૂર નથી, હું જાતે જ કૂદીશ. હવે મને ખબર છે કે શરીરની કુદરતી શક્તિ છે. આ તરવાનો પ્રશ્ન નથી. આ પાણીરૂપી તત્ત્વ સાથે તાલ મેળવવાનો પ્રશ્નન છે. એક વખત તમે પાણીરૂપી તત્ત્વ સાથે તાલ મેળવી લો છો પછી પાણી તમારું રક્ષણ કરે છે.
ઓશોએ મૃત્યુનો ખુલ્લંખુલ્લા સામનો કરવા માટે નદીનો ઉપયોગ કેવી રીતે કર્યો, એ જાણવું રોચક બની રહેશે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Nov 26, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“બસ, મને જવા દો. અસ્તિત્ત્વ પોતાનો સમય નક્કી કરે છે.”
રજનીશ જે સવારે ૪.૦૦ વાગ્યે પૂના પહોંચ્યા અને મજાની વાત એ બની કે તેના ચાર કલાક પછી રજનીશ તેમની પથારીમાં જ હતા ત્યારે પોલીસે આવીને તેમને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપી દીધો. આ ઘટના રજનીશની સમજ બહારની હતી, કેમ કે તેમણે એવો કોઇ ગુનો કર્યો ન હતો જેને કારણે તેમને તેમના પોતાના જ દેશના, પોતાના જ ઘરની બહાર નીકળી જવાનું કહેવામાં આવે પણ પોલીસના શબ્દોમાં “તમે એક વિવાદાસ્પદ વ્યક્તિ છો અને પોલીસ કમિશનર એમ માને છે કે તમારી હાજરી શહેરમાં હિંસા ફેલાવી શકે છે.” બીજા દિવસે રજનીશના વકીલે પોલીસ કમિશનરને મળીને પરિસ્થિતિની જાણ કરી ત્યારે મામલો શાંત પડયો.
જો કે હજી વાત પુરી થઈ ન હતી અને ઘટનાક્રમ જારી હતો. ફેબ્રુઆરીની એક રાત્રે અચાનક પોલીસ આવી અને ૧૧ આશ્રમવાસીને લઈને જેલમાં પૂરી દીધા. આશ્રમના ટેલિફોનના વાયર કાપી નાખવામાં આવ્યા. સવારે પોલીસની વાન આવી. કથિત ‘ગેરકાયેદસર બાંધકામ ધરાવતા’ આ આશ્રમને તોડી નાખવા માટે, પણ ભલું થાય નગર યુવા કોંગ્રેસના નેતા બાબાસાહેબ બોરાડેનું જે આ તમાશો જોઈ રહ્યા હતા અને જાણી ગયા હતા. તેમણે જાહેરાત કરી કે ‘અમે તમારા માટે લડીશું’ પાછળથી આ ખોટા કામ માટે પૂનાના મેયરે તેમને મળીને તથા તેમને પત્ર લખીને માફી માગતાં કહ્યું કે “પૂના શહેરમાં તમારું સ્વાગત છે અને હું ઇચ્છું છું કે તમે હંમેશાં અહીં જ રહો.” અને આમ જ બન્યું. રજનીશે પોતાના છેલ્લા શ્વાસ આ જ પૂના શહેરમાં પોતાના કમ્યુનમાં લીધા.
આ દરમિયાન કમ્યુનનો વ્યાપ વધતો રહ્યો. તેની પ્રવૃત્તિઓ પણ પોતાની રીતે આગળ વધતી રહી પણ સૌથી ચિંતાજનક બાબત એ હતી કે, ઓશોનું આરોગ્ય સતત કથળતું રહ્યું હતું. ૧૯૮૭નો ઓક્ટોબર આવતા સુધીમાં તો તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા. ૧૯૮૭ની છઠ્ઠી નવેમ્બરે તેઓ પ્રવચન આપવા આવ્યા અને એ વખતે તેમણે પોતાના આરોગ્ય વિશે વિગતવાર વાત કરી હતી. એ પ્રવચનનો આ ભાગ માત્ર ઓશોની ગંભીર તબિયતની જ જાણકારી આપતો નથી, પરંતુ તેમની વિરુદ્ધમાં રચાયેલા કાવતરા તથા તેમ છતાં તેમની હિંમતનો પણ પરિચય આપે છે. ઓશોએ પોતાના આ પ્રવચનમાં કહ્યું હતું કે, “હવે ડો. અમૃતોને લાગે છે કે, મને ઝેર આપવામાં આવ્યું છે. કદાચ તેમણે મને એ તમામ છ જેલમાં ઝેર આપ્યું હતું. આ જ કારણ હતું કે તેમણે (અમેરિકા) મને જામીન આપ્યા ન હતા અને આ જ કારણ હતું કે છ કલાકની મુસાફરી ૧૨ દિવસમાં પૂરી કરવામાં આવી. આ એક ધીમે ધીમે ઝેર આપવાની રીત હતી જેથી મારું તરત જ મૃત્યુ થાય નહીં, જેથી ધીરે ધીરે હું નબળો પડતો જાઉં અને તેનાથી જ હું નબળો પડી ગયો છું.”
“અમેરિકાની જેલમાં ગાળેલા એ ૧૨ દિવરાના સમયગાળા પછી જ મારી ઊંઘ ઊડી ગઈ છે. શરીરમાં એવું ઘણું બધું થાય છે જે પહેલાં ક્યારેય થતું ન હતું. ભૂખ પૂર્ણ રીતે સમાપ્ત થઈ જવી, ખોરાકમાં સ્વાદ લાગે નહીં, પેટમાં ગરબડ રહેવી, શ્વાસ રૂંધાવો, ઊલટી-ઉબકા આવવા, તરસ લાગવી. એક એવી લાગણી થવી કે જાણે મૂળમાંથી જ કાંઈક ઉખડી ગયું હોય. નર્વસ સિસ્ટમમાં પણ લાગતું હતું કે કાંઈક અસર થઈ ગઈ છે. ઘણીવાર આખા શરીરમાં ઝણઝણાટી આવી જતી હતી જે એટલી તીવ્ર હોય છે કે બંને હાથ અને પગમાં ખેંચ આવી જાય છે.”
“જે દિવસે હું જેલમાં પ્રવેશ્યો, એ દિવસે મારું વજન ૧૫૦ પાઉન્ડ હતું. આજે મારું વજન માત્ર ૧૦૦ પાઉન્ડ છે. મારો ખોરાક એવોને એવો જ છે પણ કોઈ કારણ વિના વજન ઘટી રહ્યું છે અને એક સૂક્ષ્મ નબળાઈ ઘર કરી ગઈ અને ત્રણ મહિના પહેલાં મારા જમણા હાથના હાડકામાં દર્દ શરૂ થઈ ગયું. આ તમામ લક્ષણ ઝેરનાં છે. મારા વાળ ઘટી રહ્યા છે, મારી દ્રષ્ટિ નબળી પડી ગઈ છે, મારી દાઢી સફેદ થઈ ગઈ છે. જેવી ૭૫ વર્ષના મારા પિતાની હતી. અમેરિકાએ મારા જીવનનાં લગભગ ૨૦ વર્ષ આંચકી લીધાં છે”.
“ડોક્ટર અમૃતોએ તરત જ તમામ ડૉક્ટરોને જાણ કરી જેઓ મારા સંન્યાસી હતા. તેમણે તમામને કહ્યું કે, તેઓ વિશ્વના તમામ ઝેર નિષ્ણાતોનો સંપર્ક કરે અને મારા ડોક્ટર્સમાંથી એક ડોક્ટર ધ્યાન યોગી તરત જ મારા લોહી અને વાળના નમૂના લઈને ઈંગ્લેન્ડ અને જર્મનીના નિષ્ણાતોને મોકલવા માટે રવાના થઈ ગયા.”
“યુરોપના તમામ નિષ્ણાતોનું માનવું છે કે, બે વર્ષ પછી શરીરમાં ઝેર શોધી કાઢવું શક્ય નથી પરંતુ તમામ લક્ષણ પરથી ખ્યાલ આવે છે કે ચોક્કસપણે ઝેર અપાયું છે.”
આમ છતાં ઓશોનાં પ્રવચનો જારી રહ્યાં. તેઓ થાક્યા હતા પણ હાર્યા ન હતા. ક્યારેક તો તેમનાં પ્રવચન લાંબાં ચાલતાં હતાં પણ આખરે ક્યાં સુધી આ બધું શક્ય બને, શરીરનું પણ પોતાનું વિજ્ઞાન હોય જ છે ને? અંતે ૧૯૮૯ની ૧૦મી એપ્રિલ એ દિવસ બની ગયો જ્યારે ઓશોએ પોતાનું છેલ્લું પ્રવચન આપ્યું. તેમના આ અંતિમ પ્રવચનના અંતિમ શબ્દો હતા. ‘જેને તમે ઓશોનો અંતિમ સંદેશો પણ કહી શકો છો કે “યાદ રાખો કે તમે બુદ્ધ છો –સમ્માસતિ.”
ઝેર તો ઝેર જ હોય છે. ઝેરે પોતાની અસર હવે દેખાડવા માંડી હતી. હવે પોતાના શિષ્યોના પ્રશ્નોના જવાબ આપવા માટે લાંબા પ્રવચન કરવાની રજનીશની સ્થિતિ ન હતી. તેમનું શરીર હવે જવાબ આપી રહ્યું હતું, થાકી રહ્યું હતું, તેમના બાવડામાં બળ રહ્યું ન હતું અને એટલો દુ: ખાવો થતો હતો કે તેમને હલાવવા કે અહીથી ત્યાં ખસેડવા પણ શક્ય ન હતું પરંતુ તેઓ ગમે તેમ કરીને ૧૯૯૦ની ૧૬મી જાન્યુઆરીએ તેમના પૂના આશ્રમના બુદ્ધા હોલમાં આવ્યા અને અહીંથી પોતાના શિષ્યોને અંતિમ દર્શન આપ્યા.
બીજા દિવસે એટલે કે ૧૭ મી જાન્યુઆરીએ ડૉ. અમૃતોએ આવીને ઓશોના એ સંદેશાની જાહેરાત કરી કે ઓશો હવે આવીને માત્ર “નમસ્તે” જ કહેશે. દેખીતી વાત હતી કે આ જાહેરાત ઓશોની તબિયત લથડતી હોવાનો પુરાવો હતો. ૧૮મી જાન્યુઆરીએ તો તેમણે સંદેશો પણ મોકલી દીધો કે “તેમની હાજરીનો એવો જ અનુભવ કરાશે જાણે કે તેઓ અહીં જ છે.” આ સંદેશાથી તમામ સંન્યાસીઓના ચહેરા પર ચિંતા પ્રસરી ગઈ. ઊંડી ચિંતા પ્રસરી ગઈ. બધા સમજી ગયા હતા પણ મૌન હતા અને અંદરથી ભગવાનને પ્રાર્થના કરતા હતા કે સૌ સારાં વાનાં થઈ જાય.
અને પછી આવી એ છેલ્લા દિવસની છેલ્લી ક્ષણ. જ્યારે ધરતી નામના ગ્રહ ઉપર ૫૯ વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી આ વિદ્રોહી, ક્રાંતિકારી અને પોતાની રીતના એક અનોખા સંતે અહીંથી કાયમ માટે વિદાય લઈ લીધી. ૧૯૯૦ની ૧૯મી જાન્યુઆરીએ સાંજે ૫.૦૦ વાગ્યાનો સમય અને સ્થળ પૂનાનો આશ્રમ. જયારે લોકો ઓશોનાં દર્શન માટે એકત્રિત થયા તો ડો. અમૃતો આવીને આ કડવા સત્યની જાહેરાત કરે છે કે “ઓશો હવે આપણી વચ્ચે રહ્યા નથી”. માત્ર આ શબ્દોએ ઓશોના ૫૯ વર્ષને સમેટીને તેની સમાપ્તિની જાહેરાત કરી દીધી.
શરીર છોડતા અગાઉ ઓશોએ જયેશને બોલાવીને કહ્યું કે “આનંદો મારું માધ્યમ હશે.” ઓશોએ નિવેદન આપ્યું હતું કે તેમણે પોતાના સંન્યાસીઓને મૃત્યુ ઉપર ઉત્સવ મનાવવાનું શીખવ્યું છે એ જ રીતે મારા મૃત્યુનો પણ ઉત્સવ મનાવવો.
પરિણામે પહેલાં તો તેમના મૃતદેહને દસ મિનિટ માટે બુદ્ધા હોલમાં ઉત્સવ માટે લાવવામાં આવ્યો અને પછી ભવ્ય સરઘસ સાથે સ્મશાને લઈ જવાયો જયાં આખી રાત ઉત્સવ મનાવાયો. ૨૧મી જાન્યુઆરીએ ઓશોનાં અસ્થિ તેમની સમાધિ સુધી લાવવામાં આવ્યાં. આ સમાધિ ચ્યાંગત્સુ ઓડિટોરીયમમાં છે. જેને તેમના બેડરૂમમાં બદલી નખાયો હતો. હવે આ સમાધિ સ્થળે મૌન—ધ્યાન ધરવામાં આવે છે.
રજનીશના મૃત્યુ અગાઉથી જ કેટલીક ઘટનાઓને જોઈને લાગે છે કે, રજનીશ ને પોતાના મૃત્યુનો આભાસ થઈ ગયો હતો. છ મહિના પહેલાં જ તેમણે પોતાની સમાધિ બંધાવી હતી. મૃત્યુના નવ મહિના અગાઉ તેમણે પ્રવચન આપવાનું બંધ કરી દીધું હતું અને કહ્યું હતું કે “મારા વિના જીવતાં શીખો.” ત્યાં સુધી કે તેમણે પોતાના પુસ્તકાલયમાં જઈને પોતાના પુસ્તકો ઉપર શીર્ષકો લખ્યાં, જેવા કે “થોડીવાર પોકાર કરીશ અને પછી ચાલ્યો જઈશ” અને “અહીંથી નીકળ્યો તો વિચાર્યુ કે સલામ કરતો જાઉં“ વગેરે…
મૃત્યુના એક દિવસ અગાઉ તો ઓશોએ પોતાની નિકટના અમૃતો અને જયેશને સ્પષ્ટ કહી દીધું હતુ કે “બસ, મને જવા દો. અસ્તિત્ત્વ પોતાનો સમય નક્કી કરે છે.” અને તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે “દસ મિનિટ માટે મને બુદ્ધા હોલમાં લઈ જવો અને પછી સીધો સ્મશાને અને ત્યાં લઈ જતાં પહેલાં મને ટોપી અને મોજા પહેરાવી દેવા.”
ઓશો વિશે પણ તેમણે કહ્યું હતું કે “મૃત્યુ પછી પણ હું મારા લોકો વચ્ચે અત્યારે છું એટલો જ હાજર રહીશ પણ એ તેમની ઉપર આધારિત છે તેથી હવે હું ધીરે ધીરે તેમની દુનિયામાંથી વિદાય લઇ રહ્યો છું જેથી હવે તેઓ પોતાના બળ પર ઊભા રહે.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Nov 20, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“અમે બાર થી સોળ કલાક કામ કરતા હતા. સવારે છ થી સાંજે છ સુધી ને વચ્ચે બે કલાકનો વિરામ રહેતો.”
સ્વામી: હું શિકાગોની કૉલેજમાં ડિરેક્ટર હતો. પણ સાન ફ્રાન્સિસ્કોમાં શ્રી અરવિંદના ભક્ત ડૉ. હરિદાસ ચૌધરી હતા. એમણે એક ઇન્સ્ટિટ્યૂટ ખોલ્યું હતું. એમના નિધન પછી એમના પત્ની તે સંભાળતાં હતાં. એમને એક એકેડેમિક ડીનની જરૂર હતી. એમણે મારો સંપર્ક કર્યો અને એ પદ માટે મને બોલાવ્યો. તેથી હું શિકાગોથી સાન ફ્રાન્સિસ્કો આવ્યો. 1976થી 1979 સુધી ત્યાં રહ્યો.
1979માં પૂનાથી સંદેશો આવ્યો કે, ભગવાન તમને પૂના બોલાવે છે. મેં એ સંસ્થામાંથી રાજીનામું આપ્યું અને 1979માં પૂના આવ્યો અને 1981 સુધી ત્યાં રહ્યો. 1981માં ઓશો અમેરિકા જવા રવાના થયા. એમને બેક પેઇનની તકલીફ હતી તે માટે અમેરિકામાં સારી સારવાર મળે એમ હતું. ઓશોએ એ વખતે ત્રણ જાહેરાત કરી. એક, પોતે મૌનમાં જશે. તેઓ દોઢ–બે વર્ષ સુધી મૌનમાં રહ્યા. બીજું, સંન્યાસ – દીક્ષા અને દર્શન નહીં આપે. ત્રીજું, હવેથી મા યોગ લક્ષ્મી, હું અને ત્રીજા એક સંન્યાસી હતા એ ત્રણ જ – દીક્ષા આપશે. આવી જાહેરાત કરીને તેઓ અમેરિકા જતા રહ્યા. મને તો કશી ખબર નહોતી કે દીક્ષા આપવામાં શું કરવાનું? દીક્ષા આપતી વખતે હું ઊભો થયો અને ઓશોની તસવીરને પગે લાગીને મેં તેઓ કરતા હતા એ રીતે કર્યું. ઓશોએ તે જાણ્યું ત્યારે કહેલું કે તમે કરો છે એ રીતથી હું ખુશ છું. 1981માં હું પૂનામાં રહ્યો પછી કેલિફોર્નિયા જતો રહ્યો.
રજનીશપુરમ્ 1981માં બન્યું. હું 1982થી 1985 સુધી રજનીશપુરમ્ ખાતે રહ્યો. 64,000 એકર જમીન હતી. તેમાં એક ઘાસનું તરણું નહોતું. ત્રણ વર્ષમાં અમે સૌએ મળીને આખું નગર ત્યાં વસાવ્યું. એમાં મોલ પણ બનાવ્યો. 50 ગાય, 25 ભેંસ હતી. ખેતી કરી, બગીચા બનાવ્યા. આખું રજનીશપુરમ્ ઊભું કર્યું. તેમાં એર રજનીશ પણ હતું, જેમાં તેર એરપોર્ટ હતા. અમે 12 થી 16 કલાક કામ કરતા હતા. સવારે છ થી સાંજે છ સુધી તો કરતા જ હતા. વચ્ચે બે કલાકનો વિરામ રહેતો. ઓશોને ડ્રાઇવ કરવાનો બહુ શોખ હતો. તેઓ ડ્રાઇવ પર નીકળતા અને અમે બધા ઊભા રહીને જોતાં રહેતાં. તેઓ નીકળી જાય પછી ફરી અમે કામે લાગી જતા. કદી થાક, ફરિયાદ, વ્યથા નહોતી. એવી રીતે કામ કરતા ઓશોએ શીખવ્યું હતું. જેને જે જોઇએ એ મળી રહેતું હતું. પૈસાની લેવડદેવડ વિના બધું ચાલતું હતું. દાન પર બધું જ નભતું હતું. ખાવા-પીવાનું, કપડાં વગેરે જરૂરિયાતની વસ્તુઓ મફત મળી રહેતી. ક્યાંક પૈસા આપવાના નહોતા. એ બધો ખર્ચ દાનમાંથી નીકળતો હતો. તેમાં ચારસો જેટલા વિભાગો હતા. દરેકની મુખ્ય વ્યક્તિ એક સ્ત્રી હતી. આ રીતે, ઓશોએ બે સ્તરે કામ કર્યું. એક કે, સ્ત્રીમાં પણ બધી ક્ષમતા છે, તેનો સ્વીકાર થયો. બીજું, પુરુષના અહંકારને દૂર કર્યો.
ઓશોએ કહ્યું એ રીતે કર્યું છે. એનું ઉદાહરણ આપું કે – ઓશોએ મને એક અનુવાદનું કામ સોંપ્યું હતું. મેં મૃત્યુ શીખાતા હૂં – એનો અંગ્રેજીમાં અનુવાદ કરી રહ્યો હતો. એ કામ કરતા થાકી જતો ત્યારે એમ થતું કે બહાર એક ચક્કર મારીને આવું. ત્યારે મારું ધ્યાન ગયું કે – મોલ પાસે સંન્યાસીઓ નાચતા હતા. મેં પૂછ્યું કે કેમ બધા નાચે છે? તો કહે – આજે આપણે હાઇકોર્ટમાં કેસ હારી ગયા છીએ, એટલે નાચીએ છીએ. આવું એક વાતાવરણ ઓશોએ ઊભું કરેલું કે જ્યાં કેવળ પ્રેમ, આનંદ, ઉત્સવ અને સહયોગથી સૌએ સાથે રહેવાનું હતું. અમે એમાં જીવતા હતા.
મારું એક ઉદાહરણ આપું. મને ગાર્ડ તરીકે કામ સોંપેલું, જેમાં સિક્યુરિટીનું કામ હતું. અમારી ચારે બાજુ ખૂબ શત્રુ હતા. અમારા જાહેર રસ્તા પર એ લોકો ગાડી પર ગન રાખીને નીકળતા. ગમે ત્યારે અમને શૂટ કરી નાખી શકે. એટલે અમે પણ તાલીમ લેતા હતા. મેં પણ ત્યાં શૂટિંગની તાલીમ લીધી હતી. તેઓ અમારા ચારને મારી નાંખે તો અમે પણ એમના ચારને મારી શકીએ એમ છીએ – એવું અમે એ લોકોને દેખાડતા હતા. કદી ગોળી ચલાવી નહોતી પણ હું બંદૂક લઈને એ કામ કરતો હતો. ત્યાં એક નદી હતી. એની બીજી બાજુ બીજા લોકોની હદ હતી. નદી પાર કરીને ઓશોને મારવા કોઈ ન આવી જાય એ માટે ત્યાં ગાર્ડ તરીકે મારે કામ કરવાનું હતું. નદી કિનારે એવી ઠંડીમાં આખી રાત જાગતા રહીને કારની અંદર હીટર ચાલુ કરીને, એક ધાબળો ઓઢીને બેસી રહીને મારે ચોકી કરવાની હતી. સાંજે સાતથી સવારે સાત સુધી હું એ કામ કરતો. એમ ત્રણ સપ્તાહ સુધી મેં એ કાર્ય કર્યું. કહેવાનો આશય એ છે કે જે કામ હોય એ અમે આનંદ, ઉત્સાહ, પ્રેમથી કરતા હતા.
એક ઘટના એવી ઘટી કે – રજનીશપુરમ્ શહેરને કાયદેસર બનાવવા 180 અમેરિકન નાગરિકોની સહીની જરૂર હતી. તો એ માન્યતા મળે. એ ક્યાંથી લાવવા? આમ તો ત્યાં વિશ્વભરના પાંચ હજાર સંન્યાસી રહેતા હતા. ગુરુપૂર્ણિમા, ઓશોના જન્મદિને 30-35 હજાર સંન્યાસીઓ દુનિયાભરમાંથી આવતા હતા. એમની બધી જ ઉત્તમ વ્યવસ્થા થતી હતી. પણ અહીં તો 180 અમેરિકનની જરૂર હતી. તો એવો વિચાર આવ્યો કે શેરીમાં રહેતા જેને આપણે ભિખારી કહીએ છીએ એમને લેતા આવીએ અને એમની સહી મેળવી લઈએ, તો કાયદેસર થઈ જાય. આ માટે અમે કામે લાગ્યા.
હું ન્યૂયોર્ક એક બસ લઈને પહોંચ્યો. ત્યાં ડાઉન ટાઉનમાં રસ્તે રહેલા લોકોને અમે ખાવા-પીવાનું આપ્યું. એ રીતે એમની સાથે વાત કરી અને ઓરેગન સ્ટેટમાં રજનીશપુરમ્ ખાતે ત્રણ હજાર માઇલ દૂર આવવાનું કહ્યું. તો એ લોકોને શંકા જતા ખાઈ-પીને ભાગી ગયા. હું એમના નાયકને મળ્યો અને બધી વાત કરી. એણે પૈસા માગ્યા એ આપ્યા. એણે બધાને તૈયાર કર્યા. બીજા દિવસે 55 લોકો અમારી સાથે બસમાં આવ્યા. એમાંથી દસ-બાર લોકો શિકાગોમાં ઉતરી ગયા. ચાર દિવસ અને ત્રણ રાતનો એ પ્રવાસ હતો. છેવટે રજનીશપુરમ્ પહોંચ્યા. એ રીતે બીજી પણ બસો હતી. એમ લગભગ પાંચેક હજારને અમે બધા લઈને આવ્યા. એમાંથી 1500 તો ત્યાં જ રહી ગયા. એ લોકોએ સહી કરી અને રજનીશપુરમ્ શહેર કાયદેસર બન્યું.
એકવાર રજનીશપુરમ્ ખાતે ઓશો એકલા બેઠા હતા અને મને સામે બેસાડીને 45 મિનિટ સુધી એમણે મારી સાથે શિક્ષણ-પદ્ધતિ વિશેના એમના વિચારો અંગે વાત કરી હતી. તેઓ પ્રૅક્ટિકલ શિક્ષણમાં માનતા હતા.
ઓશો રોજ ડ્રાઈવ પર નીકળતા. એક જાહેર રસ્તો હતો. એમાં ખૂબ ખાડા-ખબડા હતા. અમે વિચાર્યું કે રોડ બનાવીએ. તેના નિષ્ણાતોને બોલાવીને અમે શીખ્યા. એ રીતે બધા અમે સંન્યાસીઓએ ભેગા થઈને 22 માઇલનો રસ્તો બનાવ્યો, જેથી ઓશોની કાર સડસડાટ જતી રહેતી. અમે બોજ વિના, આનંદથી એ બધું કાર્ય કરતા હતા, જે જીવનમાં કદી કર્યું નહોતું.
પછી ખ્રિસ્તીઓએ અમારો વિરોધ કર્યો. પ્રેસિડેન્ટ રેગન સાથે મળીને પોપે ષડયંત્ર કર્યું. ઓશો અને અમારે ત્યાંથી નીકળવું પડ્યું. ઓશોની એક એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. એમને એક પછી એક 12 જેલમાં લઈ ગયા. ત્યાં જમવામાં એમને ઝેર આપવામાં આવતું હતું. ઓશો 1985માં ત્યાંથી બહાર નીકળીને વિશ્વમાં ઘણા સ્થળોએ જઇને અંતે 1987માં ફરી પૂના આવ્યા અને ત્યાં રહ્યા. હું 1985માં કેલિફોર્નિયામાં આવી ગયેલો. ત્યાં હું ફૂલ વેચવાનું કામ કરીને કમાણી કરતો હતો.
1989માં ઓશોનો સંદેશો આવ્યો કે બધું મૂકીને અહીં આવો, મોડું થઈ રહ્યું છે! બધું છોડીને હું પૂના જતો રહ્યો. 1989માં પૂના આશ્રમે પહોંચ્યો ત્યારે ઓશોએ કહ્યું કે, હવે આ જ તમારું ઘર છે. આ તમારો પરિવાર છે. અહીં જ રહો. કશે જવાનું નથી. ઓશોના ચરણ સ્પર્શ કર્યા ત્યારે એમણે કહ્યું કે – મારા કાર્યમાં સંપૂર્ણપણે ડૂબી જાવ. તમારા માટે વધુ જન્મ નથી. ઇનફ ઇસ ઇનફ! પછી હું ત્યા જ રહ્યો. ઓશો મલ્ટિવર્સિટીમાં મને કામ સોંપ્યું હતું. ઓશોએ 1990માં શરીર છોડ્યું. એ સમયે હું ત્યાં જ હતો. એમણે શરીર છોડતા પહેલા ચાર લોકોના નામ એમને કાંધ આપવા કહેલા એમાંથી એક નામ મારું હતું. મેં ઓશોને કાંધ આપી છે. વિશ્વભરમાંથી લોકો ત્યારે એકઠા થયેલા. 1990 પછીથી મારો પ્રવાસ દુનિયાભરમાં ચાલ્યા કર્યો.
ઓશોની ગીતા પ્રવચન શ્રેણી અમદાવાદમાં હતી. કોઈએ કહ્યું કે, તમે ગીતાનું ગહન અધ્યયન કર્યું હશે. તો ઓશો કહે – ના, મેં થોડા પાનાં વાંચ્યા અને મને થયું કે આ તો મારે કહેવું છે તે જ છે. તેઓ કોઈ પણ પુસ્તક હાથમાં લે તો સ્કેન થઈ જતું અને એમના મગજમાં એ સચવાઈ જતું. ત્રણ હજારથી વધુ એમણે ધ્યાનની વિધિઓ આપી છે. ઓશોએ જીવન નિષ્ઠાની પરંપરા આપી છે. બોધપૂર્વક હોવું અને જીવવું એ ઓશોએ શીખવ્યું છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Nov 10, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“દોઢ કલાક સુધી ઓશો બોલતા રહ્યા અને હું દોઢ કલાક સુધી રડતો હતો.!!”
આપણે હવે સ્વામી શ્રી સત્યવેદાંતજીને બરાબર ઓળખીએ છીએ. તેઓ પાસેથી ઓરેગોન સ્ટેટમાં રજનીશપુરમના નિર્માણની દિલધડક રોમાંચક કહાની સાંભળીને આશ્ચર્ય ચકિત થયા છીએ. એ સ્વામી શ્રી સત્યવેદાંતજીને પૂછ્યું કે,
પ્રશ્ન: આપે રજનીશપુરમના નિર્માણમાં આટલો મહત્વનો રોલ ભજવ્યો અને ઓશોએ આપને દીક્ષા આપવા સુધી આત્મીય ગણ્યા તો એક વાત જાણવી છે કે, આપ ઓશોના પરિચયમાં ક્યારથી આવ્યા અને ઓશોમય કેવી રીતે બની ગયા??
સ્વામી: ‘ભગવાન મહાવીર મેરી દૃષ્ટિ મેં’ – વિશે પહેલીવાર મેં ઓશોને સાંભળ્યા હતા. ત્યારથી જ મને થયું કે મારે ઓશોને મળવું છે. 1974માં શિકાગોની કૉલેજમાં નોકરી લીધી. પૈસા ભેગા કર્યા વિના પૂના કેવી રીતે જઈ શકું? એટલે એ વર્ષ ત્યાં રહીને કમાણી કરીને પછી 10 જાન્યુઆરી, 1975માં શિકાગો છોડીને પૂના આવ્યો.
સ્ટેશન પાસેની એક લૉજમાં સામાન મૂકીને હું આશ્રમમાં ગયો. ઓશો હજુ 1974માં જ મુંબઈથી પૂના શિફ્ટ થયા હતા. એટલે આશ્રમમાં બધું ગોઠવાતું હતું. મા યોગલક્ષ્મી ઓશોના સેક્રેટરી હતાં, એમની સાથે મારે અગાઉ શિકાગોથી પત્ર વ્યવહાર થયેલો. મેં એમને કહ્યું કે હું શિકાગોથી ભગવાનના દર્શન કરવા આવ્યો છું. તેઓ કહે નક્કી નહીં, દર્શન થાય કે નહીં. કાલે સવારે છ વાગે આવો, સક્રિય ધ્યાન કરો અને નવ વાગે ઓશો પ્રવચન કરશે એ સાંભળજો.
મને ખૂબ નિરાશા થઈ કે આટલે સુધી આવ્યો છું અને દર્શન થશે કે કેમ? ઠંડી ખૂબ હતી એટલે સવારે છ વાગે તો જઈ ન શક્યો. નવ વાગે પ્રવચનમાં ગયો. લાઓત્સે ખંડની ગેલેરીમાં 30-35 શિષ્યો બેઠા હતા. તે વખતે ઓશોએ કબીર પરની વ્યાખ્યાનમાળા ચાલુ કરી હતી. એમણે બોલવાનું શરૂ કર્યું અને મારું રડવાનું શરૂ થયું. દોઢ કલાક સુધી ઓશો બોલતા રહ્યા અને હું દોઢ કલાક સુધી રડતો હતો. ખબર નહોતી કે શા માટે રડવું આવતું હતું ! ઓશો ક્યારે ઊઠીને જતા રહ્યા એનો પણ મને ખ્યાલ નહોતો રહ્યો. દોઢ કલાક પછી હું ઊભો થયો. પછી બહાર હું ચક્કર લગાવતો હતો ત્યારે મને ઑફિસમાં બોલાવ્યો. મને કહ્યું કે આજે સાંજે દર્શન થઈ શકશે. લાઓત્સે ખંડમાં પહોંચી જજો, ત્યાંથી કોઈ અંદર લઈ જશે. અને ઓશોના દર્શન થશે.
11 જાન્યુઆરીની સાંજે ખંડમાં ગયો. ઓશો આવીને ખુરશી ઉપર બેસે. લોકો આવે અને આજુબાજુ બેઠા હોય. મને ઓશોના પગ પાસેની જગ્યાએ બેસાડ્યો. ઓશો આવ્યા અને મા લક્ષ્મી પણ બેઠાં હતાં. બધાના ખબરઅંતર પૂછતા-પૂછતા ઓશો આવ્યા. બે બહેનોના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ આપ્યો. પછી મારા પર નજર પડી. એમનો મધ જેવો મીઠો અવાજ, જેનું વર્ણન હું કરી જ નહીં શકું. રેશમ જેવા કોમળ અવાજમાં મને પૂછ્યું કે – આપ કો કુછ કહેના હૈ? મેં કહ્યું – હું શું કહું? મને તો ખબર જ નહીં કે શું થઈ રહ્યું છે! હું તો ફક્ત દર્શન કરવા ગયેલો. ખબર નહીં કેમ હું ચીસ પાડીને રડવા લાગ્યો અને મોટેથી બોલવા લાગ્યો કે – ભગવાન હવે મને કદી છોડતા નહીં! ઓશોએ કહ્યું કે – હું તમને કદી નહીં છોડું. હું તમારી સાથે જ રહીશ. શિકાગોમાં પણ તમારી સાથે રહીશ. બધું મારા ઉપર છોડી દો. કશી ફિકર કરો નહીં.
હું 45 વર્ષ ઓશો સાથે રહ્યો. એ દરમિયાન જ્યારે-જ્યારે મેં એમના ચરણ સ્પર્શ કર્યા છે ત્યારે એક જ વસ્તુ બને કે, હું કશું કહેવા જાઉં અને તેઓ એમ જ કહે – બધું મારા ઉપર છોડી દો, કશી ફિકર કરો નહીં – બસ એમ જ હંમેશાં કહ્યું છે. કદી મને કશું કહેવા દીધું નથી.
પછી હું બેસી ગયો. શ્વેત વસ્ત્રો બરોબર રહેશે? એમ મને પૂછ્યું. ઓશો શ્વેત વસ્ત્રોમાં દીક્ષા આપતા હતા. કેમ કે, લોકો કામકાજ કરતા હોય એટલે ભગવા પહેરવાનું અનુકૂળ ન આવે. શ્વેત વસ્ત્રોમાં દીક્ષિત થયાં હોય તે પુરુષને સાધુ અને સ્ત્રીને ‘સાધ્વી’ નામ આપતા હતા. એ રીતે મારું પહેલું નામ ‘સાધુ’ સત્યવેદાંત છે. પછી મને કહે – તમારે જલદી ભગવામાં આવવું પડશે. ત્યારે ખબર પડે કે તમે સંન્યાસી છો કે નહીં! આમ, ઓશોએ મને સંન્યાસની દીક્ષા આપી સાથે માળા પહેરાવી અને સર્ટિફિકેટ આપ્યું. પછી મને કહ્યું કે પાંચ દિવસ પછી ફરીથી મને મળવા આવો. ત્યારે કોઈ નવું ધ્યાન આપીશ.
આ મારું પહેલું દર્શન હતું. હું ત્રણ દર્શનની વાત કરવાનો છું.
ધ્યાનના દસ દિવસના કેમ્પ ત્યારે યોજાતા હતા. હું ત્યાં હતો એટલે મા લક્ષ્મી પાસે જઈને મેં કહ્યું કે મારે કોઈ પ્રદાન આપવું છે. મેં કહ્યું કે ઓશોના અંગ્રેજી પ્રવચનોનો હિન્દીમાં અનુવાદ કરવાનો વિચાર મને આવે છે. અને મેં ગીતા પરના ઓશોના પ્રવચનના અનુવાદ કર્યા. કદાચ એ અનુવાદ ભગવાન સુધી પહોંચ્યા હોય એમ મને લાગ્યું. કારણ કે, પાંચ દિવસ પછી ગયો ત્યારે એમણે પહેલા જ મને કહ્યું કે, “તમે અનુવાદ ખૂબ સરસ કર્યો છે. હવે તમારું એ જ કાર્ય રહેશે. મારા પ્રવચનોનો અંગ્રેજીમાંથી હિન્દી અને હિન્દીમાંથી અંગ્રેજી અનુવાદ કરો. અને મારા ઉપર એક પુસ્તક લખો. એ 350 પાનાંનું હોવું જોઇએ. એ તમારે અમેરિકામાં પ્રકાશિત કરવાનું છે.” એમ મારી સાથે ખૂબ પ્રેમથી વાત કરી. એમની પાસે એક નેપ્કિન કાયમ હોય. એ નેપ્કિન આપીને મને કહે – આ તમારી પાસે રાખો. તમને બહુ તકલીફ થાય ત્યારે આ નેપ્કિન હૃદય પર રાખીને સૂઈ જજો. પણ વધારે વાર એવું નહીં કરતા અને તેને કદી ધોવાનું નથી.
પછી મને કહે, વેદાંત પરમ દિવસે જે પ્રાર્થના-ધ્યાન કર્યું હતું એ કરીને દેખાડો. મેં ગોઠણભેર બેસીને ધ્યાન શરૂ કર્યું અને મારું શરીર હલવા મંડ્યું અને હું ધ્યાનમાં ઊંડે સરી ગયો. ઓશોનો દૂરથી અવાજ આવ્યો કે – “કમ બેક. બહુ સરસ રહ્યું. બહુ જલદી ઊંડાણમાં જતા રહ્યા. આવી જાવ હવે!” હું ભાનમાં આવ્યો ત્યારે તેઓ ઊઠીને ચાલ્યા ગયેલા. આ મારું બીજું દર્શન.
ત્રીજું દર્શન મારે પાછા જવાનું હતું એ વખતે થયું.
મારા દસ દિવસ ત્યાં પૂરા થઈ ગયેલા. મા લક્ષ્મી પાસે જઈને મેં કહ્યું કે, ઓશો સાથે એકાંતમાં વાત ન થઈ શકે? એમને પૂછી જુઓ. મને કહેવામાં આવ્યું કે તમે પાંચ વાગે સૌથી પહેલા પહોંચી જજો. એટલે એકલા વાત થશે. હું પાંચ વાગે પહોંચી ગયો. કોઈ આવ્યું નહીં. ત્યારે ધ્યાન શરૂ થતું હતું હું એમાં જઈને બેસી ગયો.
અચાનક જયંતીભાઈ મને બોલાવવા આવ્યા. હું ત્યાંથી ઊભો થયો અંદર ગયો. ત્યાં ખુરશી પર ઓશો બેઠા હતા. હું અંદર ગયો બે બાજુ દીવાલ હતી. એક બાજુની દીવાલ પર એક કપલ બેઠું હતું. એમની સાથે ઓશો વાત કરતા હતા. મને ઓશોએ કહ્યું કે વેદાંત આવો, બેસો. બીજી બાજુની દીવાલે હું બેસી ગયો.
કપલમાંથી મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, તેમાંથી તેનો પતિ બચાવીને લાવેલો. ઓશો કહેતા હતા કે, તારે આત્મહત્યા જ કરવી હોય તો અહીં ચિતા તૈયાર કરીએ અને પછી બધા નાચતાં-ગાતાં ઉત્સવ કરીશું અને તું ચિતા પર ચડી જજે. મરવું હોય તો આમ મરવું જોઇએ. પછી અચાનક કહે – મરવું કેવી રીતે એ તો વેદાંત પાસેથી શીખવું જોઇએ. પછી એ મહિલાને કહ્યું કે, તને ખબર છે તે પાછલા જન્મમાં પણ આવું જ કર્યું હતું! તું ક્યારે બંધ કરીશ? પછી પતિને કહ્યું કે આને અહીં રહેવા દે. ધ્યાન કરશે અને સારું થઈ જાય પછી બોલાવી લેજે.
મેં ચરણ સ્પર્શ કર્યા. કશું બોલવા ગયો તો કહે – બધું મારા ઉપર છોડી દો. મને બધી ખબર છે.
હું શું કહું? મેં કહ્યું મારે જવું છે. તો કહે ક્યાં જવું છે? અહીં બેસી જાવ. પછી લોકો આવવા લાગ્યા. એ વખતે શિષ્ટાચારનો મારાથી ભંગ થયો. ઓશો કોઈ સાથે વાત કરે છે અને મેં વચ્ચે કહ્યું કે, મારે એક વાત કરવાની રહી ગઈ. એ કહે બોલો શું થયું, વેદાંત?
મેં કહ્યું હું છેલ્લે પાંચમા દિવસે આવેલો અને બેઠો હતો ત્યારે બંધ આંખે એવું દૃશ્ય દેખાયું કે કોઈ એક બોક્સ રાખેલું છે. તેમાં કશું છે અને એમાં પાણી છે. પાણીમાં એક માછલી તરે છે. એક હાથ એ દરવાજો ખોલે છે અને કહે છે કે – પાણી વિના માછલી ન રહી શકે, એમ ભગવાન વિના તું નહીં રહી શકે. ઓશો કહે, હા વેદાંત, એવું જ છે. એ સાથે જ હું અભાન અવસ્થામાં જતો રહ્યો. ભાનમાં આવ્યો ત્યારે ઓશો ક્યારે જતા રહ્યા એ મને ખ્યાલ રહ્યો નહીં.!!!
પછી તો હું શિકાગો જતો રહ્યો. ટ્રેનમાં, પ્લેનમાં રડતો જ રહેતો – ઓશોને હું એટલા બધા મિસ કરતો હતો. એ વખતે હું ઇનલેન્ડ પત્ર એમને લખ્યા કરતો હતો. દોઢ મહિના સુધી મેં એમને પત્રો મોકલ્યા પછી છેક એક જવાબ આવ્યો. હિન્દીમાં એક લીટી જ લખેલી – પ્રવાહ મેં બહતે હુએ સુખે પત્તે કી તરહ બહો. મારી યાત્રા એ રીતે શરૂ થઈ. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Nov 2, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“ચાર દિવસ અને ત્રણ રાતની મુસાફરી હતી. ત્રણ રાત અને ત્રણ દિવસ હું સીટ પર બેઠો અને જરાપણ સૂતો જ નહીં …!!!”
(આપણે સ્વામી શ્રી સત્યબવેદાંતજી સાથે સંવાદ માણી રહ્યા છે. તેઓ ન્યૂયોર્કથી પેલા ભિખારીઓને માંડ માંડ સમજાવીને બસમાં બેસાડીને નીકળ્યા છે.)
સ્વામી સત્ય વેદાંતજી: ન્યૂયોર્કથી આગળ પેન્સિલવેનિયા આવે, તો પેન્સિલવેનિયાથી નીકળતા હતા ત્યારે વરસાદ પડ્યો હશે તો રસ્તો ચીકણો થઈ ગયો હશે. ડ્રાઈવર ઘણા સારા હતા એટલે કોઈ ચિંતા નહોતી. પણ એક ગાડી હતી એણે બસની આગળ જવા માટે કોશિશ કરી તો બસ ડ્રાઈવરે બ્રેક લગાવી. એટલે અમારી બસમાં પાછળ બેઠેલા બધા એકબીજા ઉપર પડયા. ગુસ્સે થયેલા બધાએ ડ્રાઈવરનું ગળું પકડ્યું અને કહે કે, “તને મારી નાખીશું. ફરી જો આવું થશે તો તને મારી નાખીશું.” એને બહુ ગુસ્સો આવ્યો કે, તમે આવી રીતે ગાડી કેમ ચલાવી? મેં એમનો હાથ પકડી કહ્યું: ‘સર, માફ કરી દો એને પ્લીઝ…હવે નહીં થાય એવું…’ તો મને ન ધક્કો મારી દીધો. પુનિત ખૂણામાં બેઠો હતો એ આ બધું જોઈને આવ્યો જ નહીં…! મેં એમને કહ્યું, ‘પ્લીઝ…પ્લીઝ…માફ કરી દ્યો અમને, સોરી…સોરી…’ પછી શાંત થયા અને કહ્યું જો ફરી આમ થયું તો મારી નાખીશું. પછી એ બેઠા અને અમે બીજે દિવસે શિકાગો પહોંચ્યા. હવે વાત ફેલાઈ ગઈ કે આવી રીતે એક બસ જાય છે, એમાં આવા વિચિત્ર લોકો છે. અને ડ્રાઈવર સાથે આવી ઘટના બની છે. હવે કોઈ ડ્રાઈવર તૈયાર નહોતો અમારી સાથે આવવા… એમાં એવું થયું કે ૧૦ – ૧૨ લોકો એવા હતા જેને શિકાગો જવું હતું એ ત્યાં ઉતરી ગયા… અમે રાહ જોતા હતા અને એ ગાયબ થઈ ગયા. પછી સવાલ એ કે, હવે પહોંચવું કેવી રીતે? ડ્રાઈવર વગર આગળ કેવી રીતે પહોંચવું? કોઈ ડ્રાઈવર આવે નહીં. મેં અમારી બ્રાન્ચમાં ફોન લગાવ્યો વકીલને, તો એણે કહ્યું વેદાંત, ચિંતા ન કરો., ડ્રાઈવર આવશે. પછી એમણે શું કહ્યું એ ખબર નહીં પણ ડ્રાઈવર આવવા માટે તૈયાર થયો અને એ આવ્યો પછી બસ આગળ ચાલી. જેવી બસ આગળ ચાલી એવો એક માણસ ઊભો થઈ ગયો અને બોલવા લાગ્યો: દરવાજો ખોલો મારે બહાર જવું છે… દરવાજો ખોલો મારે ઉતરી જવું છે! અમે કીધું અહીં હાઈવે છે તું ઉતરીને ક્યાં જશે? તો કહે દરવાજો ખોલો નહિતર હું દરવાજો તોડી નાખીશ. મેં ડ્રાઈવરને કહ્યું અહીં નજીકમાં કોઈ બસ સ્ટોપ છે? તો એણે કહ્યું હા, જરા ફરીને જઈ શકાય. તો મેં કહ્યું જેવી રીતે હોય તું ત્યાં બસ લઈ જા… પછી બસ એ તરફ વાળી. રાત થઈ ગઈ હતી એટલી વારમાં તો એ માણસ તો સુઈ ગયો હતો … વચ્ચે એક રેસ્ટોરાં પાસે બસ લીધી. એને ઉઠાડયો કહ્યું આ તમારું સ્ટેશન આવી ગયું .. એ ગાળો આપતા આપતા નીચે ઉતર્યો. પેલા રેસ્ટોરાંવાળાને મેં પૈસા આપી વિનંતી કરી કે ભાઈ, આને ન્યુયોર્ક જવું છે તો એની બસમાં બેસાડી દેજે.
અમને કહેવામાં આવ્યું હતું કે એમને માત્ર વેજ જમવાનું આપવાનું. અમે એને ચિઝ સેન્ડવીચ આપતા હતા, પીનટ બટર સેન્ડવીચ આપતા હતા, બ્રેકફાસ્ટમાં સેન્ડવીચ, લંચમાં સેન્ડવીચ, ડિનરમાં સેન્ડવીચ કોઈ પણ સમયે સેન્ડવીચ! ચાર દિવસ અને ત્રણ રાતની મુસાફરી હતી. ત્રણ રાત અને ત્રણ દિવસ હું સીટ પર બેઠો હતો અને જરાપણ સૂતો જ ન નહીં … હું કલ્પના નથી કરતો કે, હું ૩ રાત સુઈ શક્યો નહોતો. એ લોકો ક્યારે શું કરે એનો કોઈ ભરોસો નહોતો. અને ૪ દિવસ સેન્ડવીચ ખાઈને કોઈ પણ માણસ પાગલ થઈ જાય. પછી એ લોકોએ હોબાળો મચાવ્યો કે અમારે સેન્ડવીચ નથી ખાવી. અમે ઉતરી જઈએ. અમે એક રેસ્ટોરન્ટ પાસે ઉભા રહ્યા તો એને પણ ખબર પડી ગઈ કે આ બસ એ જ છે જેની ચર્ચા ચાલે છે એટલે એણે પણ ના પડી દીધી કે હું આ લોકોને અંદર નહીં આવવા દઉં. મેં આજીજી કરીને કહ્યું, તમે ડબલ પૈસા લઈ લો પણ આ લોકોને કંઈક જમવાનું આપો, એટલે આ લોકો શાંતિથી બેસે. એ માની ગયા અને જમવાનું આપ્યું તો એ બધાએ જે ખાવું હતું તે ખાધું ને નોનવેજ પણ ખાધું ને ફરીથી બસમાં બેઠા. હવે મારા પૈસા તો પૂરા થઈ ગયા. તો મેં ફોન કર્યો કે પૈસા પૂરા થઈ ગયા છે એટલે કહ્યું કે, ‘વેદાંત, ચિંતા ન કર. આગળના સ્ટેશને તને જોઈએ એટલા પૈસા મળી જશે. ત્યાંથી આગળ સ્ટેશને પહોંચ્યા તો એક સન્યાસી ત્યાં પૈસા લઈને આવ્યા. એ સન્યાસી તો મને દેવદૂત જેવા લાગ્યા… આ લોકોની ગાળો સાંભળીને અને એમના મોઢા જોઈને એટલો થાકી ગયો હતો કે જેવું એ સન્યાસીએ ‘વેદાંત’ એમ કહ્યું તો જાણે અમૃત વરસ્યું હોય એમ મને લાગ્યું અને હું જઈને એમને ભેટી પડયો. એણે મને કહ્યું ‘વેદાંત આ લે પૈસા તારી પાસે રાખ… આમ કરતા અમે ચોથે દિવસે રજનીશપુરમ પહોંચ્યા. અને સન્યાસીઓને કહ્યું હવે આને ઊતારો, સારા કપડાં પહેરાવો, નવડાવો અને કહો કે અહીં બાથરૂમ છે, અહીં રહેવાની વ્યવસ્થા અલગથી કરેલી છે. કહેવાનો અર્થ કે આ બધા ડિવાઈઝ છે જે માસ્ટરે મળીને બનાવ્યા છે. કુલ મળીને બધા સિટીમાંથી ૫૦૦૦ લોકો આવ્યા અને બધી વ્યવસ્થા જમવાનું, રહેવાનું બધું ફ્રી. પણ એ વાતાવરણમાં રહેવું એમના માટે બહુ મુશ્કેલ હતું કારણ કે તે તો રસ્તા ઉપર રહેતા હતા. તો છેલ્લે કુલ પાંચ હઝારમાંથી ૧૫૦૦ રહ્યા…અને બીજાને નહોતું જ રહેવું એમને અમે પૈસા આપ્યા કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અમે ટિકિટ માટે પૈસા આપી દીધા અને એ નીકળી ગયા….
પણ જ ૧૫૦૦ રહી ગયા એ બધામાંથી કોઈ ખેતરમાં કામ કરે છે, કોઈ બીજું કામ કરે છે અને પ્રેમથી રહે છે…. અશિક્ષિત લોકો છે, પણ કેટલા પ્રેમથી રહે છે…એ અમને અનુગ્રહિત થઈને કહે છે કે આટલું સન્માન કોઈએ નથી આપ્યું અમને, આટલો પ્રેમ કોઈએ નથી આપ્યો, ‘સર’ કહીને કોઈએ વાત જ નથી કરી અમારી સાથે, નામ લઈને કોઈએ બોલાવ્યા નથી, રસ્તા ઉપર કૂતરાની જેમ વ્યવહાર થતો હતો. પોલીસ મારતી હતી. સન્યાસીઓએ એ સૌને એટલો પ્રેમ આપ્યો કે ન પૂછો વાત! કારણ એ પંદરસો લોકો અમારા સાથીદાર બન્યા અને અમારા જીવનનો એક ભાગ બની ગયા! ઓશોએ આ અનુભવથી અમારામાં ‘ટ્રાન્સફોર્મેશન’ની શક્તિનો સંચય કર્યો…રજનીશપુરમ, ઓરેગોન એક અદ્વિતીય શહેર બન્યું અને ઓશોની ચેતનાએ વિશ્વ સમક્ષ એક અભૂતપૂર્વ ઉદાહરણ મૂકી આપ્યું. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Oct 28, 2025 | સ્વૈર વિહાર - મધુવન |
“રજનીશપુરમ સીટીને માન્ય કરવા માટે અમારે ૧૮૦ અમેરિકન લોકોની સહીની જરૂર હતી.”. સ્વામી સત્ય વેદાંતજી દિલધડક કહાની વર્ણવે છે.
સ્વામી શ્રી સત્યવેદાંત જી: એક રસપ્રદ વાત કહું.
ઓશો ડ્રાઈવ પર નીકળતા ત્યારે ખાડાવાળો રસ્તો હતો તો અમને થયું એમને જર્ક લાગશે. આ તો સારી વાત નથી, ઓશોને કેટલી મુશ્કેલી પડે છે તો રસ્તો બનાવવો જોઈએ આપણે. એક્સપર્ટને બોલાવ્યા ને પૂછ્યું, રસ્તો કેવી રીતે બનશે? કઈ મશીનરી જોઇશે? એક્સપર્ટે કહ્યું તે બધું અમે જાણી લીધું અને કહી દીધું: ‘ઓકે, થેંક્યુ.’ ત્યારબાદ બધા મશીન આવી ગયા અને અમે બધાએ મળીને ૨૧ માઈલ નો રસ્તો બનાવ્યો. એવો રસ્તો સુંવાળો બનાવ્યો કે પાણીનો છલકતો ગ્લાસ લઈને ડ્રાઈવ કરો તો પણ ટીપું ન છલકાય! કોઈ ટીચર હતું, કોઈ ડોક્ટર, કોઈ વકીલ કોઈને ખબર નહોતી કે રસ્તો કેમ બનાવવો તો પણ અમે બનાવ્યો. એટલે કહેવાનો અર્થ એ છે કે અમારી અંદરની જે સર્જનાત્મક્તા છે એને ઘણો સારો મોકો મળ્યો. કોઈ પણ આવે એની પાસે કોઈ નવો વિચાર છે? કાંઈ કરવું છે? તો ચાલો, લાગી જાઓ, ચિંતા ન કરો સફળ થશો કે નહીં? તમે ખાલી કામે લાગી જાઓ. મેં કહ્યું એ મુજબ જુદા જુદા ૪૦૦ ડિપાર્ટમેન્ટ હતા. દરેક વ્યક્તિને એની ક્રિએટિવિટીને બહાર કાઢવાનો મોકો મળ્યો હતો. કોઈ નાનું કે મોટું ન હતું. અને બધા ડિપાર્ટમેન્ટની હેડ સ્ત્રીઓ હતી. ગમે તેવો પુરુષ હોય એને એ સ્ત્રી કહે કે ‘હમણાં હું ફ્રી નથી’ તો એ પુરુષે ચાલ્યા જવું પડે. એમ ન ચાલે કે ‘તું કોણ છે મને ના પાડે છે?’ એવું કશું નહોતું. એક સરેન્ડર હતું. ઓશો અને સદગુરુ સાથે જે કઈ થયું તે બધા ઉપાય હતા. એ બધા આપણને મેચ્યોર બનાવવા માટે થાય છે. એ માણસ માટે સ્ત્રી સામે સરેન્ડર કરવું એક ડિવાઈસ હતું. પુરુષ સ્ત્રી સામે સરેન્ડર ન કરે પણ અમને શીખવાનો મોકો મળ્યો કે અહીં સરેન્ડર જરૂરી છે. અલગ અલગ લેવલ પર બધાની ક્રિએટિવિટીને મોકો મળતો અને બધાની આંતરિક શક્તિ બહાર આવતી. અમને અમારા કૌશલ્યને બહાર લાવવાનો અને તેને એક ડિવાઈસ બનાવવો લ્હાવો મળતો હતો.
પ્રશ્ન: આપના કહ્યા પ્રમાણે ત્યાં કોઈએ કોઈ પણ કામ કરવાનું હતું ને?? આપના આવા કોઈ કામ અંગેના અનુભવ વર્ણવશો??
સ્વામીશ્રી: મારા બે અનુભવ હું તમને કહું. શીલા મને કહે કે મેસેજ આવે કે તમારે ચોકીદારી કરવાની છે તો મારે ચોકીદારી કરવાની. અમે બધા તૈયાર હતા કારણ એવું હતું કે જે સ્ટેટ ગવર્નમેન્ટ અને ફેડરલ ગવર્નમેન્ટ હતી એને અમે બિલકુલ પસંદ નહોતા. તેઓ અમને તોડવા અને ઉખાડીને ફેંકી દેવા પ્રયાસો કરતા હતા. ચર્ચ સાથે રોનાલ્ડ રેગનની મીલી ભગત હતી કે અમને અહીંથી ઉખાડવાના છે. અમને મેસેજ મળ્યો હતો કે સરકારે પેરામિલેટ્રીને સૂચના આપી હતી કે, જો રજનીશપુરમમાં થોડી પણ ગરબડ થાય, ઝઘડો થાય તો એ લોકોને શૂટ કરી દેજો. અમે મીડિયાને કહી દઈશું એની ચિંતા ન કરશો. તમે બસ શૂટ કરો… તો અમારે પણ એને બતાવવું હતું કે જો તમે મારી શકો છો તો અમે પણ મારી શકીએ છીએ. મેં શૂટિંગની ટ્રેનિંગ લીધી છે, ત્યાં જ રજનીશપુરમમાં જ! એક પણ ગોળી નથી ચાલી, પણ એને એ ખબર પડી ગઈ કે આ લોકો લડવા માટે પણ તૈયાર છે. ઘણી વાર અમે રોડ પરથી નીકળતા હતા ત્યારે એ બંદૂક રાખતા હતા અમને બતાવવા માટે કે અમે તમને મારી શકીએ છીએ. આ બધું અમે પૂરું જોતા હતા. વોકીટોકી વાપરીને કે… આ એક ગાડી આવી છે. આ એનો નંબર છે, બીજી પોસ્ટ ઉપર એ જોતા હોય, એ નોંધ કરે કે આ ગાડી આવી આ નંબર છે. આ રીતે આખું વ્યવસ્થિત તંત્ર હતું જે સૌ પર નજર રાખતું હતું. આવી રીતે મને ચોકીદારી કરવાનો મોકો મળ્યો.
એકવાર મને રાત્રે એક કામ આપ્યું. કે ત્યાં એક નદી હતી જેને બાઉન્ડરી હતી એની પેલી બાજુ રેન્ચર્સ હતા. રેન્ચના લોકો જે અમને પસંદ નહોતા કરતા. એ નદીથી આ બાજુ કોઈ ક્રોસ કરીને ન આવે તે માટે ત્યાં ધ્યાન રાખવું પડે તે મારું કામ હતું. હું સાંજે ૭ વાગે ગાડી લઈને નદીકિનારે પહોંચી જતો અને આખી રાત ત્યાં બેસીને ધ્યાન રાખતો કે ત્યાંથી કોઈ આવી રહ્યું નથી ને? ઠંડી અને બરફની વચ્ચે કંબલ ઓઢીને ત્રણ અઠવાડિયા મેં ચોકીદારી કરી.
પ્રશ્ન: સ્વામી, આનાથી પણ પડકાર રૂપ અને અતિ કઠિન લાગ્યું હોય તેવું કોઈ કામ??
સ્વામીશ્રી: તમે મને રોમાન્ચક વાત તરફ ખેંચી જઈ રહ્યા છો, ભદ્રાયુ. વધુ અઘરું કામ એ હતું કે રજનીશપુરમ સીટીને માન્ય કરવા માટે અમારે ૧૮૦ અમેરિકન લોકોની સહીની જરૂર હતી. અમારી પાસે ૧૮૦ અમેરિકન નાગરિક નહોતા. નાગરિક ૫૦૦૦ હતા પણ કોઈ ઇટાલિયન, કોઈ જર્મન, કોઈ ઈન્ડિયન હતા. પણ ૧૮૦ ક્યાંથી લાવવા? તો કોઈએ સૂચન કર્યું કે આ જે ભિખારી હોય છે એને લઈ આવીને સહી કરાવો. હું અને સંન્યાસી પુનિત અમને બંનેને ન્યુયોર્ક લઈ જવામાં આવ્યા. ત્યાં એક ફ્લેટ હતો. ત્યાં બધી વ્યવસ્થા હતી. ત્યાં અમારું કામ હતું એ ભિખારીઓને સમજાવીને બસ ભરીને રજનીશપુરમ લાવવાનું. કામ અઘરું હતું કારણ કોઈ ઓળખાણ નહીં, કોઈ દારૂ પીને પડયા હતા, કોઈ રોડ પર સુતા હતા, કોઈ ગાળો આપતા હતા. વાત કરવા જઈએ તો વાત ન કરે. અમે પૂછીએ, તમે અમારી સાથે ઓરેગોન આવશો? તો કહે ઓરેગોન કેટલે દૂર આવ્યું છે? તો મેં કહ્યું ૩૦૦૦ માઈલ્સ દૂર. એણે કહ્યું હું ૩૦૦૦ માઈલ્સ આવું??! હું અહીંથી ૩ માઈલ દૂર નથી જતો અને તમે ૩૦૦૦ ની વાત કરો છો? એ ગભરાઈ જતા હતા કે આ લોકોનું કોઈ રેકેટ ચાલે છે. પકડીને લઈ જશે ને કંઈક કરી નાખશે. અમારી વાત સાંભળીને ભાગી જતા હતા. તો મને થયું આ લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી? અમને થયું એના માટે ખાવાની વ્યવસ્થા કરીએ. અમે સેન્ડવીચ રાખી, ચીઝ સેન્ડવીચ, પીનટ બટર સેન્ડવીચ અને સોફ્ટ ડ્રિન્ક… અમને સૂચના હતી કે ખાવાની વસ્તુમાં ખાલી વેજ વસ્તુનો જ ઉપયોગ કરવો. નોનવેજ તો ખવડાવવાનું ન હતું. એટલે સેન્ડવીચ અને સોટ ડ્રિન્ક આપવામાં આવતું. અમે રસ્તા ઉપર આવી રીતે એક એકને ખવડાવીને one to one વાતચીત કરતા તો સાંભળી લેતા હતા કારણ એમને ખાવાનું મળતું હતું. વાત સાંભળીને બધું ખાઈ લેતા અને પછી જતા રહેતા હતા. અમને લાગ્યું કે આવી રીતે વાત બનશે નહીં. પછી કોઈએ કહ્યું કે એમનો એક દાદો છે, મોટો અને કાળો. એ જો કહે તો એની વાત માને. અમે એની પાસે ગયા અને કહ્યું, ‘સર, અમે તમારા મિત્રોને ઓરેગોન લઈ જવા માંગીએ છીએ.’ એ આપણી સામે જુએ નહીં. એની પાસે એક પોકેટ વોચ હતી એને એ જોવે. અમારી સામે ન જુએ. અમે એને કહ્યું, ‘સર, અમે આ બધાને ઓરેગોન લઈ જવા ઈચ્છીએ છીએ. અમે એમનું ધ્યાન રાખીશું. ખાવા – પીવાનું, કપડાં, રહેવાનું બધું જ અમે ધ્યાન રાખશું. એમણે ત્યાં કામ નથી કરવાનું. એને ખાલી રહેવાનું છે ત્યાં અમારા મહેમાન બનીને…’ તો એ કહે હા, મારો ફોટો લઈ લ્યો. અમારી પાસે કેમેરો હતો નહીં. તો મેં પુનિતને કહ્યું અને માર્કેટમાંથી કેમેરો લીધો અને એ દાદાનો ફોટો લીધો. તો એમણે કહ્યું કે, હવે મને ૫૦ ડોલર આપો, મારો ફોટો લેવાના…! આપ્યા પણ ને એણે કંઈક ઈશારો કર્યો અને બધા અચાનક તૈયાર થઈ ગયા. અમે કહ્યું ગુરુવારે ૫ વાગ્યે બસ આવશે ગ્રેહામ બસ… તો તમે તૈયાર રહેજો. બધા ગંદા કપડાં અને વાળ, મોઢામાંથી બદબૂ આવે. આવા બધા ચાલીને આવે છે ને બસમાં બેસે છે. લગભગ ૬૦ લોકો હતા. એક માણસ હતો એના હાથમાં પીંજરું હતું. એમાં એક પક્ષી હતું. એ પક્ષી અને પીંજરું લઈને અંદર આવ્યો ને પક્ષીને પૂછે છે: “હે બડી… તારે ઓરેગોન જવું છે? નથી જવું ઓરેગોન? નહીં? ઓકે….” એટલું કહી તે બસમાંથી ઉતરી ગયો…! સો ફન્ની!! પણ અમે શું કરી શકીએ મજબૂર હતા, રોકી તો શકીએ નહીં. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Oct 19, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ઓશોએ જેમને ઓશો મલ્ટીવર્સીટીના ચાન્સેલર નિમ્યા હતા તે સ્વામીશ્રી સત્ય વેદાંતજી રોમાંચક ઘટના નું વર્ણન કરે છે….
શ્રી સત્ય વેદાંત સ્વામી, આમ તો એ પૂર્વાશ્રમના ડો. વસંત જોષી, બે વખત Ph. D. કર્યું અને તે પણ શિક્ષણમાં!! વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાંથી અને યુનિવર્સીટી ઓફ મિશિગન, યુ.એસ.એ. થી, એમનું કાર્યક્ષેત્ર ભારત અને અમેરિકા રહ્યું. વિશ્વ ઘુમ્યા અને અનેક પરિષદો તથા સંગોષ્ઠિમાં પ્રવચનો આપ્યા. તેઓના સદગુરુ શ્રી ઓશો. 1975 માં ખુદ ઓશોએ તેઓને સન્યાસ-દીક્ષા આપી અને ડો. વસંત જોશીનો ‘સ્વામી સત્ય વેદાંત’ ના નામથી નવો જન્મ થયો. ત્યારપછી સ્વયં ઓશોએ સત્ય વેદાંતજીને ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર પદે નિયુક્ત કર્યા.
ઓશોએ જયારે દીક્ષા આપવાનું બંધ કર્યું ત્યારે તે જવાબદારી સ્વામી સત્ય વેદાંતને સોંપી. બહુ ચર્ચિત અને વિશ્વના અદભુત સર્જન સમાં રજનીશપુરમ માટે અથાક પરિશ્રમ કરનાર શ્રી સત્ય વેદાંતજી ઓશોના નિર્વાણ પછી તેમના પાર્થિવ દેહને કાંધ આપનાર ચાર માંહેના એક હતા, કે જે નિયુક્તિ પણ ખુદ ઓશોએ પહેલેથી ઘોષિત કરેલ હતી. જીવનના નવમાં દશકમાં પણ સ્વસ્થતાથી આજે સત્ય વેદાંતજી સમગ્ર ભારતમાં ફરીને સદગુરુના સંદેશને વહેતો રાખવાનું અતુલ્ય કાર્ય કરી રહ્યા છે. તેઓશ્રો ઓશોધામ, દિલ્હી ખાતે કેન્દ્રસ્થ રહીને પરિભ્રમણ કરે છે. ગુજરાત પ્રત્યે તેઓને બહુ લગાવ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ‘ઓશો ચેર’ શરુ કરવાનું શ્રેય પણ તેઓને જાય છે.
રજનીશપુરમ એક સ્વપ્ન છે કે જે હતું-છે અને હશે. તેના વિષે ઘણી વાતો ચેનલો પર ચર્ચાણી છે, પણ આજે સત્ય વેદાંત સ્વામી રજનીશપુરમના સર્જનની પરિશ્રમ–કથા વિષે વાત કરી રહ્યા છે. દિલ્હીના ઓશોધામ કોમ્યુનમાં સત્ય વેદાંતજી સાથે રહેવાનું મળ્યું અને તેઓશ્રી મુક્તવિહાર કરતા અમારાં ‘પ્રેમમંદિરે’ વસ્યા ત્યારે ત્યારે ઓશોની અનેક વિશિષ્ટતાઓ તેઓશ્રી પાસેથી એક ચિત્તે સાંભળવાનો લ્હાવો મળ્યો છે. મારી સાથેના તેઓના સંવાદમાંથી રજનીશપુરમની રસપ્રદ કહાની અત્રે પ્રસ્તુત છે:
પ્રશ્ન: સ્વામી, પ્રણામ. આપને અંતરથી જેનો અપાર આનંદ છે તે રજનીશપુરમની વાતો સાંભળવી છે. વિવાદની વાત નથી કરવી પણ તેનું નિર્માણ કે જે દુનિયા માટે એક અજાયબી જેવું છે તેમાં આપ સ્વયં સદેહે પૂરો સમય હતા. આપ અમને આપની પરિશ્રમ–કથા કહેશો??
સ્વામીશ્રી: “સ્ટ્રગલ ઘણી હતી, ઘણી એક્સાઈટિંગ અને અદભુત હતી, ત્રણ વર્ષ સુધી રજનીશપુરમમાં એ સુંદર વાતાવરણમાં રહ્યા એ આખી વાત કરવા બેસું તો આખો દિવસ નીકળી જશે. પણ હું એ કહાની સંક્ષેપમાં કહીશ.
રજનીશપુરમ ઓરેગોન સ્ટેટમાં. શીલાએ જઈને જમીન ખરીદી હતી. ૬૪૦૦૦ એકર, ૧૨૬ માઈલ્સ, ઘાસ નું એક પત્તુ નહોતું. પુરેપુરી બંઝર જમીન. અને એ જમીન એણે ખરીદી લીધી હતી. એ વખતે ઓશો ન્યુયોર્કમાં કમ્મર દર્દની ટ્રીટમેન્ટ માટે હતા. એ ત્યાં જ હતા એટલે એને નિવેદન કરવામાં આવ્યું હતું કે તમે અહીં આવી જાઓ કદાચ તમારી સહીની જરૂર પડી જાય એટલે. એક અદભુત પ્રયોગ શરૂ થવા જઈ રહ્યો હતો! કોઈને ખબર નહોતી કે શું થવાનું છે પણ ૫૦૦૦ સંન્યાસીએ મળીને ૩ વર્ષમાં એક શહેર ઊભું કર્યું અને તે પણ માત્ર ત્રણ વર્ષમાં… બંજર જમીન પર અમે ખેતી કરી, કેટલાક પ્રયોગો કર્યા, ઈકોલોજિકલ પ્રયોગ કર્યા, રીક્રીએશન પ્રયોગ કર્યા, ફળ ફૂલ ઉગાડયા, ડેમ બનાવ્યો, મકાન બનાવ્યું. અમારી રજનીશપુરમ પોસ્ટ ઓફિસ હતી. અમેરિકાના મેપમાં એક સીટી હતું જેનું નામ ‘રજનીશપુરમ’ હતું. અમારું પોતાનું ફાયરબ્રિગેડ હતું અને ત્યાં ૫૦૦૦ સંન્યાસી રોજ ૧૪ કલાક કામ કરતા હતા. સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી!! વચ્ચે બે કલાક મળતા હતા, તો ઓશો લંચ લઈને જયારે ડ્રાઈવ પર નીકળતા હતા કારણ એમને ડ્રાઇવિંગનો બહુ શોખ હતો, એ વખતે અમે સડક ઉપર ઉભા રહેતા અને પ્રણામ કરતા હતા અને ઓશો જતા રહે પછી અમે ફરી કામ પર લાગી જતા હતા. બધા પોતપોતાને સોંપેલું કામ કરતા હતા. ત્યારે ચારસો ડિપાર્ટમેન્ટ્સ હતાં! ઓશો માત્ર વિઝન આપતા કે શું કરવાનું છે? પછી કેવી રીતે કરવું, કોણ કરશે એ બધું અમે, શીલા અને એની સાથે જે આસિસ્ટન્ટ કામ કરતા એનું કામ હતું. અને સૌએ એ કામ ખુબ સારી રીતે કર્યું. ત્રણ વર્ષમાં શહેર ઊભું કરવું એ કંઈ નાની વાત નથી. અમારી પાસે અમારું એરપોર્ટ હતું, ‘એર રજનીશ’ નામની ૧૩ ફ્લાઇટ હતી. કોઈ વસ્તુની કમી નહોતી. આપ બોલો અને તે ત્યાં હતું. મોલ પણ હતો, કેશલેસ સોસાયટી હતી. જેમ કે લંચ કરવું હોય, જમવું હોય તો જમી લેવાનું ને ‘થેન્ક યુ’ કહેવાનું, બસ! કોઈ પૈસાની લેવડદેવડ નહોતી. ઠંડી લાગે છે? જેકેટ જોઈએ છે? તો મોલમાં જઈને જેકેટ લઈ લેવાનું, સારું લાગ્યું જેકેટ તો લઈ લેવાનું ને ‘થેન્ક યુ’ કહેવાનું, બસ! ના કોઈ ટેગ જોવાનો, ના પૈસાની ચિંતા… જે જોઈએ તે લઈ લેવાનું…. Everything belongs to everyone, there is no personal property, યુટોપિયા જેવી સ્થિતિ હતી ત્યાં!
કોઈ વસ્તુ પર કોઈની માલિકી નહોતી બધી વસ્તુ બધાની હતી. લોકો ૧૪ કલાક કેટલી ખુશીથી કામ કરતા હતા, નાચતા, ગાતા, રમતા, કોઈ બોજ નહીં, કોઈ જબરજસ્તી નહીં કે અરે કેટલું કામ છે… એક મજાની વાત હતી કે બધાને અલગ અલગ કામ સોંપવામાં આવતું. કોને શું કરવાનું એ નક્કી ન હોય તમે ડોક્ટર પણ હો તો પણ કહેવામાં આવે કે ટોયલેટ સાફ કરવાનું કામ છે તો તમારે કરવાનું. ક્લિનિકમાં જરૂર નથી તો કિચનમાં સબ્જી કાપવાનું કામ કરવાનું. જે સમયે જે જરૂર હોય તે કરવાનું. નાના મોટાનો તો સવાલ જ નહોતો, કારણકે અમે બધા સન્યાસી હતા. બધા ઓશોના પ્રેમી હતાં.
પ્રશ્ન: સ્વામીશ્રી, ત્યાંનો માહોલ તો મુક્ત અને મસ્ત જ હશે ને??
સ્વામીશ્રી: હું તમને કહું ભદ્રાયુ, એકવાર હું ઓશોના વ્યાખ્યાન ‘મેં મૃત્યુ સિખાતા હૂં ‘નો અનુવાદ કરતો હતો. મારી સામે સ્વામી આનંદ બેઠા હતા. એ ‘જીનખોજા તીન પાઈયાં ‘નો અનુવાદ કરતા હતા. એ મને પૂછે, હું એને પૂછું એમ અમે સાથે મળીને અનુવાદ કરતા અને સહજતાથી એ વિચારતા અને કહેતા કે આ શબ્દનો અનુવાદ ઓશો અંગ્રેજીમાં કેવી રીતે કરશે? …
એક વાર હું એ કરતો હતો એટલામાં હું થાક્યો અને થયું હું જરા આંટો મારીને, રિલેક્સ થઈને આવું. તો બહાર નીકળીને જોયું તો મોલની સામે સન્યાસીઓ નાચતા હતા. મેં પૂછ્યું: શું થયું? કેમ નાચી રહ્યા છો? તો કહે, આજે આપણે હાઈકોર્ટમાં કેસ હારી ગયા! કોઈ ફર્ક નથી પડતો હારી ગયા તો હારી ગયા, નાચવાનું તો બને જ છે… અને બીજે દિવસે જીતીને આવ્યા તો પણ નાચી લેવાનું. અમારી પાસે ૧૩ એટર્ની હતા, જર્મન, કેનેડિયન, ઈન્ડિયન, ઈટાલિયન, અમેરિકન, બ્રિટિશ એવા ૧૩ અને બધાએ લાઈસન્સ લીધું હતું. કોર્ટમાં દલીલ કરી શકે. કારણ કે અમે બધું કાયદેસર કરી રહ્યા હતા બિનકાયદેસર કશું જ નહોતું. કહેવાનો અર્થ એ છે કે આવા પ્રકારની તૈયારી પણ હતી. અમારી પાસે ડોક્ટર હતા, વકીલ હતા, એન્જીનીયર હતા. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Oct 12, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ઓશો ગુનો કબૂલવા તૈયાર ન હતા. તેઓએ કહ્યું કે, “ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરીશ પણ એ ગુના નહિ કબૂલું જે મેં કર્યા જ નથી.”
એક દિવસ રજનીશ પોતાના મિત્રને ત્યાં આરામ કરવા જઈ રહ્યા હતા, ત્યારે કોઈ જ એરેસ્ટ વોરંટ વિના તેમની ઘરપકડ કરી દેવાઈ. તેમને ૧૨ દિવસ સુધી અમેરિકાની છ જેલોમાં રખાયા અને અલગ અલગ પ્રકારની તફલીફો, યાતનાઓ આપવામાં આવી. અમેરિકાના તમામ શિષ્યો અને વકીલ એ વાતથી દંગ હતા કે શા માટે ઓશોને જામીન અપાતા નથી. જયારે ખૂની અને હત્યારાઓને પણ જામીન અપાય છે. આ દરમ્યાન જેલમાં ઓશોને થેલિયમ નામનું ઝેર આપવામાં આવ્યું જે ધીમે ધીમે અસર કરે છે અને મોડેથી થયેલી તપાસમાં એ વાતને સમર્થન પણ મળ્યું કે, રજનીશના જીવનનો અંત આ ઝેરને કારણે આવ્યો હતો. જેલમાં રજનીશને રેડિયેશનમાંથી પણ પસાર કરાયા હતા.
જેલમાં ઘકેલ્યા પછી રજનીશ ઉપર એકસો છત્રીસ જેટલા મનઘડંત આક્ષેપો લગાવવામાં આવ્યા. રજનીશના શિષ્યોમાં કેટલાક વકીલો હતા. તેઓ સરકારની મેલી મુરાદ જાણી ગયા હતા. તેમણે અનુમાન લગાવ્યું કે ઓશોના જામીન મંજૂર થશે નહીં અને આ મામલે દસ વર્ષ અથવા વીસ વર્ષ સુધી દલીલબાજી ચાલતી રહેશે. અમેરિકામાં ઓશોના જીવનનું પણ જોખમ હતું. આવી પરિસ્થિતિમાં એવો ઉપાય વિચારવામાં આવ્યો કે ૧૩૬માંથી રજનીશ કોઈ પણ બે ગુના કબૂલી લે તો તેમને જામીન મળી જાય અને તેઓ અમેરિકાની બહાર નીકળી જાય.
ઓશો ગુનો કબૂલવા તૈયાર ન હતા. તેમનું કહેવુ હતું કે “ગોળી ખાઈને મરી જવાનું પસંદ કરીશ પણ એ ગુના નહિ કબૂલુ જે મેં કર્યા જ નથી.” પરંતુ તેમના શિષ્યો પગે પડી ગયા અને વિનંતી કરવા લાગ્યા કે અમને તમારી હાજરીની જરૂર છે. શિષ્યોની વિનંતી સામે ઓશો ઝુકી ગયા અને બે ગુના કબૂલી લીધા. પહેલો એ કે અમેરિકામાં તેમણે ઘણા શિષ્યોનાં બનાવટી લગ્નો કરાવ્યાં હતાં. બીજો ગુનો એ હતો કે તેઓ અમેરિકામાં કાયમી વસવાટનો ઈરાદો ઘરાવતા હતા અને મજાની વાત એ છે કે આ બંને ગુના માટે ઓશો ઉપર ૬૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. જે આ ગુનાઓને જોતાં ઘણો વધારે હતો પરંતુ તેમના શિષ્યો માટે વધારે નહતા. શિષ્યોએ ગણતરીની મિનિટોમાં ૬૦ લાખ રૂપિયા જમા કરાવી દીધા. આમ ૧૯૮૫ની ૧૭મી નવેમ્બરે ઓશો ભારત આવી પહોચ્યા. અહીં હજારો ભારતીય સંન્યાસીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ. પત્રકાર પરિષદ બાદ તેઓ પોતાના પ્રિય સ્થળ મનાલી પહોંચી ગયા.
રજનીશે આવી જ વિશાળ મશાલ પ્રગટાંવી હતી જેને કારણે તેમની ઉપર જીવલેણ હુમલા પણ થયા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બધું ત્યારે ના થયું જ્યારે રજનીશ તેમના વિરોધીની આંખમાં કણાની માફક ખૂંચતા હતા પંરતુ ત્યારે થયું જ્યારે તેઓ ફકત સાત વર્ષના બાળક હતા. તેમની સાથે બે વખત આમ બન્યું. બીજી વખત તેમના નોકર ભુરાએ હવામાં ગોળીબાર કરીને અપહરણકારોને ભગાડી મૂક્યા ત્યારે બન્યું હતું.
જે લોકોએ રજનીશની હત્યા કરવાનો પ્રયાસ કર્યો તેમાંની એક વ્યક્તિ પાછળથી તેમની સંન્યાસી બની ગઈ હતી. આ એ સમયની વાત છે જ્યારે રજનીશ મુંબઇમાં વુડલેન્ડના પોતાના રૂમમાં એકલા જ લોકોને સંન્યાસ લેવડાવતા હતા. ઓશોએ જ્યારે એ વ્યક્તિને પૂછ્યું કે “તું મને શા માટે મારવા માગતો હતો? તું મને તેનું કારણ જણાવી દે તો હું અત્યારે જ શ્વાસ લેવાનો બંધ કરી દઈશ.” આ સાંભળીને તે સંન્યાસી રજનીશના પગમાં પડી ગયો અને પોક મૂકીને રડવા લાગ્યો. તેણે એટલું જ કહ્યું કે “હું શું કહું ? કહેવા માટે કાંઈ નથી, હું પાગલ થઈ ગયો હતો.”
એવું ન હતું કે મૌખિક રીતે જ ઓશોનો વિરોધ થતો હતો. ઘણી વખત તેમની ઉપર જીવલેણ હુમલા પણ થયા હતા. એ તો આપણે જોઇ ચૂક્યા છીએ કે તેમના મૃત્યુનું કારણ પણ ઝેર જ હતું. જે સોક્રેટિસના મૃત્યુનું પણ એક કારણ હતું. જો કે આપણે ઓશોના જ વિચારોને આધાર બનાવીએ તો કહી શકીએ છીએ કે લગભગ તમામ બુદ્ધ પુરુષોએ સાચી વાત કહેવા માટે પોતાના પ્રાણની આહુતિ આપવી પડી છે. મહાવીર સ્વામીના કાનમાં ખીલા ભોંકવામાં આવ્યા હતા. બુદ્ધ પાછળ પાગલ હાથી દોડાવાયો હતો. ઈસા મસીહને શૂળીએ ચડાવી દેવાયા હતા, તો સરમદ અને મનસુરની ગરદન કાપી નખાઈ હતી. જ્યાં સુધી સોક્રેટિસનો સવાલ છે ત્યાં સુધી તેમનું મૃત્યુ તો ઝેર પીવાને કારણે થયું હતું. ફરક એટલો હતો કે સૉક્રેટિસ જાણતા હતા કે તેમને ઝેર આપવામાં આવી રહ્યું છે જ્યારે રજનીશ જાણતા ન હતા.
રજનીશના વિરોધનો પ્રારંભ ત્યારથી થઈ ગયો હતો જ્યારથી તેમણે જાહેરમાં બોલવાનું શરૂ કર્યુ. ૧૯૬૬ માં ફરીદાબાદના એક સર્વધર્મ સંમેલનમાં તો તેઓ શંકરાચાર્ય સામે સીધા જ ટકરાઈ ગયા હતા. પરિણામે તેમની ઉપર હુમલો કરવા માટે ત્રણ ગુંડા મોકલવામાં આવ્યા. કહેવાય છે કે, જૈન સમાજ ઉપર ઓશોની સરખામણીએ પોતાનો પ્રભાવ ઘટેલો જોઈને એક જૈન મુનિએ ઓશોના પ્રવાસ દરમિયાન તેમની હત્યા કરવા માટે ચાર ગુંડા મોકલ્યા હતા. ૧૯૬૯ની ૧૩મી ફેબ્રુઆરીએ વડોદરામાં વિશાળ જનમેદનીમાંથી કોઈ વ્યકિતએ ઓશો તરફ જૂતાં ફેંક્યાં હતાં જેની સામે રજનીશે જવાબ આપ્યો હતો કે “વ્યકિતએ ચંપલ ફેક્યું છે તેનો અર્થ એ છે કે તે મને કાંઈક કહેવા માગે છે. હું તેને સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપું છું અને તે મને તર્કમાં હરાવી દે તો હું મારી હાર કબૂલી લઈશ. તેમણે પોતાનું એક ચંપલ ફેંક્યુ છે તો સ્ટેજ પર બીજુ ચંપલ પણ ફેંકે અથવા આ ચંપલ પાછું લઈ જાય જેથી તેનો યોગ્ય ઉપયોગ તો થઇ શકે.”
૧૯૬૯માં જ પટણામાં… બીજું હિન્દુ ધર્મ સંમેલન થયું ત્યારે ઓશોએ હિન્દુ ધર્મનાં વર્ણ અને જાતિ વ્યવસ્થાનો વિરોધ કરતાં પુરીના શંકરાચાર્ય ગુસ્સા પર કાબૂ રાખી શક્યા ન હતા. ઓક્ટોબર ૧૯૭૦માં ઓશો ધ્યાન શિબિર માટે અમૃતસર ગયા તો ઘણા લોકોએ તેમની સામે કાળા વાવટા ફરકાવ્યા. ‘રજનીશ મુર્દાબાદ’ ના નારા પણ લગાવવામાં આવ્યા પણ ત્યાંના કેટલાક લોકોએ આ દેખાવકારોનો વિરોધ કર્યો તો તેઓ ભાગી ગયા.
૧૯૮૦ની ૨૨મી મેએ ઓશો ઉપર જીવલેણ હુમલો થયો. એ વખતે તેઓ બુદ્ધ હોલમાં પ્રવચન આપી રહ્યા હતા. તેમની સામે એક વ્યક્તિએ છૂરો ફેંક્યો હતો પરંતુ તે નિશાન ચૂકી ગયો અને રજનીશ બચી ગયા.
મુંબઈ પહોંચ્યાના બીજા દિવસથી ઓશોએ પોતાના દૈનિક પ્રવચન શરૂ કરી દીધા અને મીડિયામાં પણ તેમની મુલાકાતો પ્રકાશિત થવા લાગી. ઓશો અહીં લગભગ પાંચ મહિના રહ્યા અને સતત સરકારના દબાણ તથા કેટલાક અસામાજિક તત્ત્વોની ધમકીનો સામનો કરતા રહ્યા અને અંતે ૧૯૮૧ પછી ૧૯૮૭ની ચોથી જાન્યુઆરીએ ફરીથી પોતાના એ શહેરમાં આવી ગયા જયાં તેમણે પોતાના સૌપ્રથમ પ્રસિદ્ધ આશ્રમની સ્થાપના કરી હતી અને જે શહેર આજે પણ એક રીતે રજનીશના નામનો એક પર્યાય છે. આ શહેર છે પૂણે જેને લોકો વાતચીત અને બોલચાલમાં પૂના કહે છે.
રજનીશ સવારે ૪.૦૦ વાગ્યે પૂના પહોંચ્યા અને મજાની વાત એ બની કે તેના ચાર કલાક પછી રજનીશ તેમની પથારીમાં જ હતા ત્યારે પોલીસે આવીને તેમને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપી દીધો. આ ઘટના રજનીશની સમજ બહારની હતી, કેમ કે તેમણે એવો કોઇ ગુનો કર્યો ન હતો જેને કારણે તેમને તેમના પોતાના જ દેશના, પોતાના જ ઘરની બહાર નીકળી જવાનું કહેવામાં આવે પણ પોલીસના શબ્દોમાં “તમે એક વિવાદાસ્પદ વ્યક્તિ છો અને પોલીસ કમિશનર એમ માને છે કે તમારી હાજરી શહેરમાં હિંસા ફેલાવી શક છે.” બીજા દિવસે રજનીશના વકીલે પોલીસ કમિશનરને મળીને પરિસ્થિતિની જાણ કરી ત્યારે મામલો શાંત પડયો. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Oct 5, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“લગ્ન જે પ્રેમ ઉપર આધિપત્ય જમાવે છે અને પ્રેમ કોઈ પર શાસન જમાવતો નથી કે કોઈને પોતાની ઉપર શાસન જમાવવા દેતો નથી.” ઓશો
ઓશો માટે નોંધવા જેવી બાબત તો એ છે કે ઓશોએ પરિવાર નામની સંસ્થાની ટીકા કરી પણ તેનો અનાદર કર્યો નથી. ટીકા એટલા માટે કરી કે તે વ્યકિતની સ્વંતત્રતાને કચડી નાખે છે અને તેમણે ગૃહસ્થ સંન્યાસની વાત કરી તેનો અર્થ એ કે તેમણે પરિવારને સ્વીકાર્યો છે. આ જ રીતે રજનીશે સ્ત્રી-પુરુષના એકમેકના સંબંધોમાં પ્રેમ મહત્વનો માન્યો, લગ્ન નહીં. તેઓ લગ્નને એક એવું કર્મ માનતા હતા જે પ્રેમ ઉપર આધિપત્ય જમાવે છે અને તેમની નજરમાં પ્રેમ એવું તત્ત્વ છે જે કોઈ પર શાસન જમાવતો નથી કે કોઈને પોતાની ઉપર શાસન જમાવવા દેતો નથી.
રજનીશના આશ્રમમાં મોટાભાગના પશ્ચિમી લોકો રહેતા હતા. તેમની જીવનશૈલી અપેક્ષા કરતાં વધારે ઓપન હોય છે. ગોરા સંન્યાસીઓ અને સંન્યાસિનીઓ કથ્થઇ રંગના વરત્રોમાં આશ્રમમાં ફરતાં હતાં અને શહેરમાં પણ નીકળતાં હતાં. આ બધું જોઈને રજનીશના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે રજનીશના પૂના આશ્રમ અને ધ્યાન શિબિરમાં નગ્ન રહેવાય છે અને ખુલ્લેઆમ સેક્સની સવલત મળી રહે છે.
પરિણામ એ આવ્યું કે ઓશો હવે ઘર ઘરમાં ઉપેક્ષિત વ્યક્તિ બની ગયા. તેમનું ‘સંભોગ સે સમાધિ તક’ એકલું પુસ્તક જ નહિ પણ અન્ય પુસ્તકો પણ વાત્સ્યાયનના કામશાસ્ત્રની માફક નિષેધરૂપ થઈ ગયાં. એટલે સુધી કે રજનીશનું નામ લેવું એ પણ ચરિત્રહીનતા ગણાવા લાગી. જેઓ રજનીશના વિરોધી હતા તેમાંના ૯૯ ટકા લોકો એવા હતા જેમણે કયારેય રજનીશને વાંચ્યા કે સાંભળ્યા ન હતા અને કયારેય રજનીશને મળ્યા ન હતા, પરંતુ આ રાજકારણની વાત હતી પછી તે સત્તાનું રાજકારણ હોય કે ધર્મનું રાજકારણ બધા રજનીશનો વિરોધ કરતા હતા અને તેમને તો બસ વિરોધ જ કરવો હતો.
રજનીશની પોતાની જીવનશૈલી પણ પ્રભાવશાળી અને ઐશ્વર્યપૂર્ણ હતી. તેમના પૂના આશ્રમની ભવ્યતા જોતાં જ ખ્યાલ આવી જતો હતો કે તેઓ વૈભવશાળી છે. આ ઉપરાત અમેરિકામાં પશુઓને રહેવાના સ્થળ રેંચને જે રીતે એક આલિશાન સ્થળમાં ફેરવી નાખવામાં આવ્યું તેને કારણે રજનીશને અમીરોના ગુરુ નહીં પણ ‘અમીર ગુરુ’ તરીકે ઓળખવામાં આવ્યા. રજનીશપુરમ્ પાસે બધું જ પોતાનું હતું. તેમની પાસે પોતાનું એરપોર્ટ અને પોતાનું જ વિમાન હતું અને એ પણ પાંચ-પાંચ વિમાન. રજનીશપુરમ્માં ઓશો પાસે ૯૦ જેટલી રોલ્સ રોયસ કાર હતી. જોકે રજનીશે એમ જાહેર કર્યુ કે “એ તમામ કાર કમ્યુનની હતી. તેઓ માત્ર એક કલાક માટે જ મને આપે છે.” તેમણે ૯૦ રોલ્સ રોયસની જોગવાઈ કરી લીધી છે અને ૩૬૫ કાર રાખવાની ક્ષમતા ધરાવે છે.” આ રજનીશપુરમ્ ૧૨૬ ચોરસ માઇલમાં ફેલાયેલું હતું અને તેના જેવું વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને એશ્વર્યનગર ભાગ્યે જ ક્યાંય જોવા મળતું હતું.
સાથે સાથે એવું બન્યું કે રજનીશના શિષ્યોમાં સૌથી મોટી સંખ્યા પશ્ચિમી દેશોના લોકોની હતી જેમની પાસે ધનની કોઈ કમી ન હતી. ભારતમાં પણ ઘણા ધનવાનો તેમની તરફ આકર્ષાયા હતા. ખાસ કરીને જ્યારે ફિલ્મી દુનિયાના લોકો તેમની સાથે જોડાયા તો તેને કારણે રજનીશનું સેક્સ ગુરુ હોવાની વાત ભારતમાં વધારે પ્રસરી ગઈ અને તેમને અમીરોના ગુરુ માની લેવામાં આવ્યા.
રજનીશની આલોચનાત્મક શક્તિ માત્ર વાતોમાં જ વ્યક્ત થતી ન હતી પરંતુ ભાષામાં પણ વ્યક્ત થતી હતી. તેઓ પાખંડ અને પાખંડીઓ સામે જે ભાષાનો પ્રયોગ કરતા હતા તેનાથી લોકો ગુસ્સે થાય તે સ્વાભાવિક હતું. ખાસ કરીને બે વ્યક્તિઓની ટીકાએ રજનીશને સૌથી વધારે હેરાન કર્યા. પહેલો રાજકારણી વર્ગ અને બીજો ધાર્મિક વર્ગ. તેમની ટીકાની લપેટમાં માત્ર દેશના સૌથી આદરણીય મહાત્મા ગાંધી જ આવ્યા ન હતા પરંતુ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ તેમની લપેટમાં આવી ગયા હતા. આ કારણે રાજકારણીઓ તેમની વિરુદ્ધમાં બહાર આવ્યા અને તેમની પાસે ટેકેદારોની લાંબી ફોજ હતી. પરિણામે રજનીશ સામે એક ષડયંત્રકારી અભિયાન શરૂ થઇ ગયું.
૧૯૮૧ની ૩૧મી મેએ રજનીશ અમેરિકા જવા ચોક્કસપણે રવાના થયા હતા પરંતુ તેનું કારણ તેમનું આરોગ્ય હતું. અત્યાર સુધીમાં ઓશોને સ્લીપ ડિસ્ક અને અસ્થમાની તકલીફ ઘણી વઘી ગઈ હતી. લાંબા સમય સુધી ટ્રેનના પ્રવાસ કરવા, ગામડે ગામડે ફરવું, અલગ અલગ હવામાનમાં રહેવું અને સતત વ્યસ્ત રહેવાને કારણે આ બંને બીમારીએ વિકારાળ સ્વરૂપ લઈ લીધું હતું. તેમને સુંગધ, ધૂળ અને તીવ્ર ગંધની એલર્જી થઈ ગઈ હતી અને આ એલર્જીને કારણે ઉઘરસ, છીંક, શરદી અને અંતે અસ્થમાનો એટેક પણ આવી જતો હતો. તેઓ આખી રાત સૂઈ શક્તા ન હતા અને શ્વાસ લેવામાં પણ તકલીક પડતી હતી.
આ રજનીશપુરમાં વિવિધ દેશોના લગભગ પાંચ હજાર સંન્યાસીઓ એક સાથે રહેતા હતા અને એ તમામ માટે એક જ રસોડું હતું. અહીં બધા જ માલિક હતા અને બધા નોકર હતા. આ નગર આત્મનિર્ભર હતું. તેઓ પોતાની જરૂરિયાતની ચીજો જાતે જ પેદા કરતા અને જો વધારે હોય તો નજીકના પોર્ટલેન્ડ શહેરમાં જઈને વેચી આવતા. તમામ ચીજો પોતાની માલિકીની હતી. સમ્રગ રજનીશપુરમ્ સેન્ટ્રલી એ.સી. અને કમ્પ્યુટરાઇઝડ હતું. ત્યાં પાંચ એરપોર્ટ હતાં. ત્યાં ઉત્સવ તો સતત ચાલતો જ રહેતો હતો. લોકો ગાતાં-ગાતાં, નાચતાં-નાચતાં, અને મસ્તી કરતાં કરતાં કામ કરતાં હતાં. હકીકત તો એ છે કે આ એક સ્વપ્નનગરી હતી જે કલ્પનાના સ્વર્ગ જેવી હતી.
ઓશોને અમેરિકાની આબોહવા માફક આવી ગઈ. ત્યાં ના હવામાનમાં ઓશોની અસ્થમાની બીમારીમાં સુધારો થવા લાગ્યો. આવામાં અમેરિકન અનુયાયીઓએ નિર્ણય લીધો કે રજનીશને હવે અમેરિકામાં જ રાખવા જોઈએ. ઓશોએ પણ આ વિનંતીને યોગ્ય માની. કારણ કે તેમના જ શબ્દોમાં “આ ચાર વર્ષ દરમ્યાન મને ક્યારેય અસ્થમાનો એટેક આવ્યો નથી નહિતર લગભગ દર અઠવાડિયે ત્રણ-ચાર વખત એટેક આવતા હતા.” આ ઉપરાંત સ્લીપ-ડિસ્ક માં પણ ઘણો ફરક પડી ગયો અને અમેરિકામાં ફરીથી તેઓ કાર ચલાવવા માંડ્યા.
આ દરમિયાન ઓશોના પ્રવચન જારી રહ્યાં અને ધ્યાનની દીક્ષા પણ જારી રહી. તેઓ બોલવામાં કડવા હતા. ખ્રિસ્તી ઘર્મમાં પ્રેમ જેવાં તત્ત્વોની પ્રશંસા કરવાની સાથે સાથે તેમણે ઘણી બધી બાબતોની ટીકા કરવા માંડી. તેમણે પાદરીઓને પણ છોડ્યા નહીં. પરિણામે ચર્ચ અને ખાસ કરીને કેથોલિક ચર્ચમાં તેમનો વિરોધ થયો. એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન હતા. તેઓ કેથોલિક ખ્રિસ્તી હતા. અમેરિકન ચર્ચોએ દેશની સત્તા ઉપર દબાણ લાદવાનું શરૂ કરી દીધું કે રજનીશને દેશમાંથી હાંકી કાઢવામાં આવે. કારણ કે ચર્ચના પાયા નબળા પડી ગયા હતા. ચર્ચની તાકાત જોઈને રેગન સરકાર માટે તેમની માંગણી નજરઅંદાજ કરવી શક્ય ન હતી. પરિણામે અમેરિકન સરકાર સક્રિય બની ગઈ.
રજનીશ ટૂરિસ્ટ વિઝા લઈને અમેરિકા ગયા હતા અને તેની મુદ્દત લંબાવતા રહેતા હતા. હવે તેમણે અમેરિકામાં રહેવાનો નિર્ણય કરી લીધો હતો. રજનીશે ઈમિગ્રેશન ઑફિસમાં વિનંતી કરી. આ ઓફિસ મંજૂરી આપવામાં વિલંબ કરતી હતી અને એવો ખુલાસો કરતી હતી કે ઓશોએ આ દેશમાં પ્રવાસી તરીકે પ્રવેશ કર્યો હતો પરંતુ પ્રારંભથી જ તેમનો ઇરાદો અહીં કાયમ માટે રહેવાનો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે ઓશો એક ધાર્મિક નેતા હોઇ શકે નહિ કેમ કે તેઓ મૌનમાં છે. તેમણે રજનીશના ઘણા શિષ્યોને સંન્યાસી માનવાનો ઈન્કાર કરી દીધો હતો, કેમ કે ઓશોએ તેમાંથી ઘણા લોકોનાં લગ્ન કરાવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે અમેરિકા ગયા પછી ઓશો ત્રણ વર્ષ સુધી મૌન રહ્યા હતા અને ૧૯૮૪ની ૩૦મી ઓક્ટોબરે તેમણે મૌન તોડ્યું હતુ. એ પછી તેઓ દરરોજ સાંજે પોતાના નિવાસે જ એક નાનકડી સભાને સંબોધતા હતા. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“એ વ્યક્તિને હું સંન્યાસી કહું છું, જે પરમ સ્વતંત્રતામાં જીવવાનું સાહસ કરે છે.” ઓશો
હવે ઓશોએ સંન્યાસની એક નવી અને મૌલિક પરિભાષાની જાહેરાત કરી. તેમણે કહ્યું “મારા માટે સંન્યાસ એટલે ત્યાગ નહીં પણ આનંદ છે. સંન્યાસ એ એક ઉપલબ્ધિ છે. સંન્યાસીનો આત્મા સ્વતંત્ર છે આ માટે સંન્યાસ કોઇ મર્યાદા કે બંધન નથી. તેના માટે સંન્યાસ એ કોઈ નિયમ કે શિસ્ત નથી. તેના માટે સંન્યાસ એટલે સ્વતંત્રતાની શરૂઆત છે. એ વ્યક્તિને હું સંન્યાસી કહું છું, જે પરમ સ્વતંત્રતામાં જીવવાનું સાહસ કરે છે. તે કોઈ બંધન, શિસ્ત કે વ્યવસ્થા અપનાવતો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે તે ઉદંડ બની જાય છે. જે સ્વતંત્ર છે તે ક્યારેય ઉદંડ કે ઉચ્છંખલ હોતો જ નથી.”
ઓશોએ સંન્યાસની આ વ્યાખ્યા કરીને અત્યાર સુધીની માન્યતાઓ ખતમ કરી નાખી અને ભારતીય પરંપરાને પડકારી. દેખીતી વાત છે કે ભારતના સંન્યાસીઓનો એક મોટો વર્ગ અકળાઈ ગયો. જે ત્યાગ અને તપની મદદથી આ સંન્યાસીઓ ભારતીય પ્રજાની શ્રદ્ધાનો આધાર બનેલા હતા. તેને રજનીશે હલાવી નાખ્યા. પરિણામે આ વર્ગ સીધેસીધો જ રજનીશના વિરોધમાં ઉતરી પડ્યો અને આ વર્ગ સંન્યાસીઓની પરિભાષા તથા પોતાના શિષ્યોને ઉશ્કેરવામાં લાગી ગયો અને રજનીશ મોટા વિવાદનું કેન્દ્ર બની ગયા, પણ તેનાથી રજનીશને કોઈ ફરક પડતો ન હતો કે તેઓ પોતાની વ્યાખ્યા બદલી નાખે. તેઓ ત્યાં ને ત્યાં જ રહ્યા, એટલું જ નહીં પણ તેમના શિષ્યોએ રજનીશની વ્યાખ્યા, પરિભાષા મુજબ જીવન જીવીને તેમનો સાથ આપ્યો અને તેમણે પૂનાના આશ્રમની સ્થાપના કરી.
૧૯૭૪ ની ર૧ મી માર્ચે ઓશોએ પોતાના ‘સંબોધિ દિવસ’નો ઉત્સવ બે જગ્યાએ ઉજવ્યો. સવારે મુંબઇના વુડલેન્ડ એપાર્ટમેન્ટમાં અને સાંજે પૂનામાં. આ સાથે જ રજનીશના પૂના આશ્રમનો વિધિવત પ્રારંભ થયો. બુદ્ધત્વ પ્રાપ્ત કર્યાના બરાબર 21 વર્ષ પછી એટલે કે 1974ની 21 માર્ચે ઓશો કોરેગાંવ પાર્ક, પૂના આવી જાય છે અને ત્યાં કાયમી વસવાટ કરીને પોતાનાં કાર્યો તથા વિચારોને અંતિમ સ્વરૂપ આપવામાં લાગી જાય છે. આ એ કાર્યો અને વિચારો છે જેનું સ્વપ્ન તેમણે વર્ષોથી નિહાળ્યું હતું. પોતાના અગાઉના અનુભવને આધારે ઓશોએ પોતાની કાર્યપદ્ધતિમાં ઘણાં પરિવર્તન કર્યા. અગાઉ તેઓ કોઈ પણ વ્યક્તિને સરળતાથી મળતા હતા અને ઘણાં લોકોને મળતા હતા. ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે સરળતાથી મળી લેવાને કારણે તેઓ કોઈની મદદ કરી શકતા ન હતા. જે હંમેશાં ઉપલબ્ધ રહે છે તે હકીકતમાં કયારેય ઉપલબ્ધ હોતા નથી. આમ તેમણે લોકો માટે પોતાની મુલાકાત અઘરી બનાવી દીધી. હવે રજનીશને મળવા માટે તેમની શિષ્યા મુક્તા પાસે તારીખ અને સમય લેવો પડતો હતો. ખરેખર તો આમ કરવા પાછળ પણ રજનીશની એક સમજેલી -વિચારેલી યુક્તિ જ હતી. તેઓ માનતા હતા કે મળવાનો સમય નક્કી હોવાને કારણે મુલાકાતના સમય સુધી ખાસ્સો સમયગાળો મળી રહેતો હોય છે અને તેમાં જ ઘણી સમસ્યાનું સમાધાન જાતે જ મળી જાય છે. તેમનું માનવું હતુ કે મળવાની જિજ્ઞાસા જ ઘણું બધું મેળવી આપે છે.
ઓશો પૂના આશ્રમના લાઓત્સુ ભવનમાં રહેતા હતા. આ વર્ષના એપ્રિલમાં ગીતા ઉપર પ્રવચન આપવાની શરૂઆત કરી. ઓશોને કુદરતની વચ્ચે રહેવું વધારે પસંદ આવતું હતું. આથી તેમના આશ્રમમાં પક્ષીઓ અને વૃક્ષોની ભરમાર હતી. તે માત્ર બગીચો નહીં પણ એક રીતે જંગલ જ હતું. જે ઓશોને માફક આવતું હતું.
આ જ સમયે ઓશોએ જાહેર કરી દીધું કે તેઓ હવે તમામ માટે નહીં પણ કેટલાક પ્રમાણિક સાધકો માટે જ કાર્ય કરશે. ઓશોએ પહેલી વાર એક કામ કર્યુ અને તે એ કે ધ્યાનકક્ષમાં તેઓ ખુદ બેસતા ન હતા. તેમના સ્થાને તેમની ખાલી ખુરશી ૧૯૭૪ થી ૧૯૮૧ દરમિયાન લગભગ સાત વર્ષ સુધી રજનીશ દરરોજ સવારે આશ્રમમાં જ લોકોને પ્રવચન આપતા હતા. આ દરમિયાન તેમણે અનેક રહસ્યવાદી આધ્યાત્મિક સાધુઓ અને સંતો અંગે પ્રવચન આપ્યાં જેમણે બુદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું હતું. ઓશો બીજે દિવસે પ્રશ્નોના જવાબ આપતા હતા. આ ગાળામાં પ્રવચનની સંખ્યા એટલી બધી વધારે રહેતી હતી કે દર ૧૦ થી ૨૦ દિવસ વચ્ચે પ્રવચન અંગે એક પુસ્તક પ્રગટ કરાતું હતું. આ પ્રવચનોના સંકલન સ્વરૂપે લગભગ ૨૪૦ પુસ્તકો પ્રકાશિત થયાં.
ઓશો મનોવિજ્ઞાનની ત્રણ રીતમાં માનતા હતા. પહેલી રીત પશ્ચિમની છે. જે માનસિક રૂપના રોગીના મન પરના અધ્યયન અને વિશ્લેષણ પર આધારિત છે. બીજી પદ્ધતિ પૂર્વ દેશ એટલે કે ભારતીય પદ્ધતિ છે જે સ્વસ્થ, તંદુરસ્ત વ્યક્તિઓના મન પર આધારિત છે. ત્રીજી પદ્ધતિને ઓશો બૌદ્ધોના મન પર આધારિત માને છે. જે હજી સુધી થઇ શક્યું નથી. કેમકે તેના અધ્યયન માટે આટલા બધા બૌદ્ધો એક સાથે કયાંથી મળી શકે. ઓશોએ પોતાના ધ્યાનપ્રયોગને ‘બૌદ્ધોનું મનોવિજ્ઞાન‘ એવું નામ આપ્યું છે.
પૂના આશ્રમમાં ઓશો પોતાના સાધકોને સંન્યાસની દીક્ષા આપવા લાગ્યા. કોઈ પણ વ્યક્તિ તેમની પાસે સંન્યાસ લેવા આવે તો પહેલાં તો તેની ઉર્જાને પારખવામાં આવતી હતી. એ પછી તેઓ કોઈ એક પોઈન્ટને સ્પર્શ કરતા અથવા તો ઉર્જા ઉપર ફોકસ કરતા હતા. ક્યારેક ક્યારેક તેઓ તેના ત્રીજા નેત્રને પણ સ્પર્શ કરતા. તેના પરિણામે તે સંન્યાસીના શરીરમાં કંપન થવા લાગતું. ક્યારેક તો આ કંપન એટલી હદે વધી જતુ કે તે વ્યક્તિના મૂળમાંથી અલગ અને અસ્પષ્ટ અવાજો નીકળતા હતા. ક્યારેક તે સંન્યાસી પોક મૂકીને રડવા માંડતો હતો. જ્યારે આ ઉર્જા ચરમસીમાએ પહોંચી જતી તો સંન્યાસી બેભાન થઈને પડી જતો અને તેને સત્યના ટેકાની જરૂર પડતી હતી.
ધીમે ધીમે આ પૂના આશ્રમ દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયો. આ સાથે આશ્રમનો ફેલાવો કરવો પડયો. ૧૯૭૬ માં તેમાં ઘણાં ભવનો બની ગયાં અને આ ભવનોના નામ ઓશોએ બુદ્ધ પુરુષોના નામ પરથી રાખ્યાં. જેમકે આવાસ માટે ફ્રાન્સિસ, જીસસ, એકહાર્ટ ભવન, કૃષ્ણ ભવન, ધ્યાન માટે રાધા હોલ, ચ્યાંગત્સુ ભવન, ચૈતન્ય થેરાપી ચેમ્બર્સ, કૃષ્ણા, વૃંદાવન અને મરિયમ કેન્ટીન વગેરે. જોતજોતામાં આ આશ્રમે એક વ્યવસ્થિત ઓફિસનું રૂપ ધારણ કરી લીધું અને તેના વિભાગો અલગ પાડીને તેને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી. તમામ વિભાગ પ્રમાણિકતાથી કામગીરી કરવા લાગ્યા.
તો પછી પૂનાનો આશ્રમ ખરેખર શું છે? માનવીની પૂર્ણ સ્વતંત્રતાના ઓશો પ્રબળ હિમાયતી હતા અને આ ધરતી પર તેમણે એ જગ્યા બનાવી જ્યાં મનુષ્યને સંપુર્ણ સ્વંતત્રતા મળતી હતી અને દરેક પ્રકારની આઝાદી. અહીં આવીને કોઈએ પણ કોઈનાથી કાંઈ પણ છુપાવવાની જરૂર ન હતી. તમે જેવા છો તેવા જ રહો અને જે કરવા ઈચ્છો છો તે જ કરો. આથી જ અહીં એક જ સ્થળે કોઈ ગીત ગાતું, કોઈ પુસ્તકમાં ડૂબેલું હોય તો કોઈ ડાન્સ કરતું હોય. કોઈ વાંસળી વગાડતું હોય તો કોઇ વળી તિરંદાજીની પ્રેક્ટિસ કરતું હોય. આથી જ એ જોઈને આશ્ચર્ય થવું જોઈએ નહીં કે કયાંક વળી બે વ્યકિત આલિંગન આપીને બેઠેલી પણ જોવા મળે.
વાસ્તવમાં આ સ્થળ અત્યાર સુધીના પ્રચલિત અને પરંપરાગત આશ્રમથી અલગ જ નહીં પણ સાવ ઉલટો આશ્રમ જ હતો. આ આશ્રમ ભાષા, જાતિ, ધર્મ, પ્રાંત, દેશ કે નર-નારીનો ભેદ જાણતો જ ન હતો. અહીં કોઇ પણ પ્રકારની રોક-ટોક ન હતી. અહીં કોઈ માલિક નથી કે કોઈ નોકર નથી. અહીં કોઈ વ્યક્તિ કોઇની પાછળ ચાલતી નથી પણ બધાં પોતાની જ પાછળ, ચૂપચાપ ચાલે છે, કેમકે અહીંની મુખ્ય ભાષા મૌન છે. આથી જ આશ્રમમાં તમને નીરવ શાંતિનો આભાસ થશે. કદાચ એટલે જ અહીં આવનારી વ્યક્તિનું રુદન ગીતમાં અને તરફડાટ નૃત્યમાં ફેરવાઈ જાય છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 21, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“પહેલાં તો તાણ પેદા કરો, ખૂબ તાણ પેદા કરો અને તાણ (તનાવ) તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય એટલે સીધા વિશ્રામમાં જતા રહો.”
અહીંથી રજનીશના જીવનના એ કાળની શરૂઆત થઈ. જેણે પહેલાં તો રજનીશને ‘ભગવાન રજનીશ’ બનાવ્યા અને પછી ‘ઓશો રજનીશ’ બનાવ્યા. મગ્ગાબાબાએ તેમને બોલવાનું કહ્યું હતું અને રજનીશે આ આદેશનું પાલન કરવાનું જ હતું એટલે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કરીને બોલવાનો નિર્ણય લીધો. કેમ કે તેઓ જાણતા હતા કે ઘરે બેસી રહેવાથી કોઈ સાંભળવા નહીં આવે.
રજનીશના મનમાં સંપતિ અંગે બાળપણથી જ ઉપેક્ષાનો ભાવ રહ્યો હતો. જ્યારે હકીકત એ છે કે તેઓ પોતાના નાનાને ત્યાં વૈભવમાં મોટા થયા હતા. એ વાત અલગ છે કે તેઓ વૈભવથી દૂર ભાગતા રહ્યા અને વૈભવ તેમની પાછળ ભાગતો રહ્યો. એક રીતે તેઓ વૈભવની વચ્ચે રહીને વૈભવશાળી બન્યા નહીં. જો કે તેમણે પોતાનું જીવન ભવ્ય રીતે વિતાવ્યું. ઓશોએ એક એવા પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં તેમને અખૂટ સંપત્તિ મળી રહી હતી પરંતુ તેમણે ક્ષણભરમાં તેને ઠુકરાવી દીધી. આ પ્રસંગ મધ્યપ્રદેશના ભોપાલની રિયાસતની બેગમના મહેલનો પ્રસંગ છે.
રજનીશ જ્યાં મોટા થયા હતા તે ગાડરવાડા પણ ભોપાલની રિયાસતમાં આવતું હતું. એ વખતે ભોપાલ એટલે નાનકડું રજવાડુ હતું અને તે બ્રિટીશ સલ્તનતના તાબામાં હતું. ત્યાંની બેગમ રજનીશની નાનીને ખૂબ માનતી હતી અને આ જ કારણે રજનીશનો પણ આદર કરતી હતી. ઓશોએ કહ્યું હતું કે, આ પ્રસંગ એ દિવસોનો છે જ્યારે તેમણે હિમાલય જવાનું નક્કી કરી નાખ્યું હતું. એ જ દિવસે ભોપાલની બેગમના પુત્રનો રજનીશ પર ફોન આવ્યો અને કહ્યું કે તમે ઈચ્છો તો બેગમ તેમનો મહેલ તમને આપવા તૈયાર છે. રજનીશ માટે આ સમાચાર ચોંકાવનારા હતા. કેમ કે ત્યાં સુધી ભોપાલનું રજવાડું ભારતમાં ભળી જવાને કારણે બેગમ પાસે ખાસ કોઈ સંપતિ બચી ન હતી. તેમની પાસે એક હજાર એકર જમીન અને આ મહેલ જ રહ્યો હતો.
જો કે રજનીશે સ્પષ્ટ જવાબ આપી દીધો કે મેં હવે હિમાલય જવાનો નિર્ણય લઈ લીધો છે એટલે આ પ્રકારની ઓફરનો સ્વીકાર કરી શકું તેમ નથી. આ ઉપરાંત રજનીશના આ જવાબ પાછળનું બીજું કારણ કદાચ એ હતું કે તેઓ છેલ્લા સાત વર્ષથી મધ્યપ્રદેશમાં જમીન લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ કેટલાક રાજકારણીઓને કારણે તે શક્ય બનતું ન હતું. આમ આ કડવા અનુભવને કારણે પણ તેમણે ઓફર ફગાવી હોઈ શકે. તેમને ખબર હતી કે આ ઓફર તેમણે સ્વીકારી લીધી તો હજારો મુશ્કેલીઓ સામે આવશે. રજનીશની આ દહેશત સાચી પણ પડી, કેમ કે તેમણે ઈનકાર કર્યો એ પછી ઘણા લોકો આ મહેલ હડપવા તૈયાર થઈ ગયા હતા.
તેમનામાં હંમેશા એકાંતની ભૂખ સવાર થયેલી રહેતી હતી. કેમ કે એકાંત તો બાળપણથી જ તેમનો માનસિક અને આત્મિક ખોરાક હતો. આથી જ તેમને જ્યારે પણ સમય મળતો ત્યારે તેઓ સમય કાઢીને જબલપુર ભાગી જતા હતા. ૧૫-૨૦ દિવસ બહાર રહ્યા પછી ત્રણ-ચાર દિવસ જબલપુર પહોંચી જતા અને ફરીથી પ્રવાસ શરૂ થઈ જતો. હકીકતમાં જબલપુર તેમનું પ્રિય સ્થળ હતું. આમ તો તેઓ જબલપુરમાં ઘણાં વર્ષ રહ્યા હતા તેમ છતાં ત્યાં તેમને મળવા ભાગ્યે જ કોઈ જતું હતું. પરિણામે ત્યાં તેમને એકાંત મળી જતું હતું. જે તેમના માટે મહત્ત્વની બાબત હતી.
આ સમયમાં ઓશો સમગ્ર દેશમાં ‘આચાર્ય’ રજનીશ તરીકે ઓળખાતા હતા. એ સમયમાં તેમનાં પ્રવચનો પર આધારિત જે પુસ્તકો આવ્યાં તે પણ ‘આચાર્ય’ રજનીશના નામથી જ આવ્યાં હતાં. તેમણે નક્કી કર્યું કે ગામડે ગામડે જઈને ૧૦૦ લોકોને એકઠા કરશે. તેમને ધ્યાન અંગે એટલું શિક્ષણ આપશે કે તે તમામનો આત્મા એવરેસ્ટ જેટલો ઊંચો થઈ જશે. રજનીશના આ નિર્ણયના બે મુખ્ય આધાર હતા. પહેલું તો સ્વામી વિવેકાનંદનું એ વાક્ય જેમાં તેમણે કહ્યું હતું કે, “મને મારી સાથે કામ કરવા માટે ૧૦૦ લોકોની જરૂર છે.” તેમને વિશ્વાસ હતો કે જો તેમને એવા ૧૦૦ લોકો મળી ગયા તો તેઓ દુનિયાને બદલી નાંખશે. બીજો આધાર તેમની એ માન્યતા હતી કે બધા લોકો બદલાય તેનાથી દુનિયા બદલાતી નથી. આમ કોઈ ખાસ સમયમાં કેટલાક આત્મા જ ઉપર ઊઠે છે અને તેમનો એવો જબરદસ્ત પ્રભાવ હોય છે કે એ યુગ એક સુવર્ણયુગ બની જાય છે.
એ પછી પોતાના પ્રવાસો દરમિયાન તથા વિવિધ પ્રવચન દરમિયાન રજનીશ એ અનુભવ કરવા લાગ્યા કે “હું ૫૦ હજાર અથવા એક લાખ લોકોને સંબોધિત કરતો પણ મેં જોયું અને અનુભવ્યું કે લોકોનાં ટોળાં મારી વાતો સાંભળી તો લે છે પણ સમજી શકતાં નથી. તેઓ મને પ્રેમ તો કરે છે પણ મારી વાતો સમજી શકતાં નથી, કેમ કે તેમને મારી બોલવાની સ્ટાઈલ પસંદ છે પણ તેઓ જિજ્ઞાસુ નથી.” આનાથી રજનીશને ઘણી નિરાશા થઈ. તેમણે એક વખતના પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે, એ પછી તેમણે નહીં બોલવાનો નિર્ણય જ લઈ લીધો હતો.
એક વાર તેઓ કૃષ્ણ અંગે પ્રવચન આપી રહ્યા હતા. જ્યારે કૃષ્ણના રસપ્રદ પાત્ર અંગે વાત થતી હતી ત્યારે કેટલાક લોકો તેમની તરફ પીઠ ફેરવીને આરામથી ચાલ્યા જતા હતા. આ જોઈને રજનીશ અકળાયા. તેમને વિશ્વાસ બેસી ગયો કે આવી જગ્યાએ બોલવાનો કોઈ અર્થ નથી. તેમણે અધવચ્ચે જ પોતાની વાત અટકાવી દીધી અને સ્ટેજ છોડીને ચાલવા માંડ્યા. જ્યારે અધ્યક્ષે પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો તો આચાર્ય રજનીશે કહ્યું “હું હંમેશાં માટે જઇ રહ્યો છું, કાયમ માટે જઈ રહ્યો છું.” અને તેઓ ખરેખર ચાલી નીકળ્યા. પણ બધા લોકોથી નહીં. આવા લોકો સાથે વાત કરતી વખતે રજનીશને લાગતું હતું કે તેઓ દીવાલ સાથે વાત કરે છે. તેઓ સાંભળતા હતા પરંતુ તેઓ અર્થ પકડી શકતા ન હતા. તો હવે રજનીશ શું કરે ? તેઓ બોલવાનું તો બંધ કરી શકે તેમ ન હતા. આથી તેમણે નિર્ણય લીધો કે એક સ્થળે રોકાઈ જાય અને માત્ર એવા લોકો સાથે વાત કરે જે સમજવા માંગે છે અને માત્ર સમજવા જ નહીં પણ બદલાવા પણ તૈયાર છે. પરિણામે તેઓ આશ્રમ સ્થાપવાની દિશામાં આગળ વધ્યા.
ઓશો સતત ધ્યાન ઉપર પ્રયોગ કરતા આવ્યા હતા અને ૧૯૭૭ના એપ્રિલમાં તેમણે લોકોને ધ્યાનની એક ક્રાંતિકારી પ્રક્રિયાથી પરિચિત કરાવ્યા. આ વિધિને તેમણે ‘ઓશો સક્રિય ધ્યાન પ્રયોગ’ નામ આપ્યું. થોડા સમય પછી તેમણે કુંડલિની જાગ્રત કરવા માટે આ વિધિનો પ્રયોગ કર્યો. કુંડલિની જાગરણ સાથે સંકળાયેલો આ સૌ પ્રથમ ધ્યાન પ્રયોગ હોવાને કારણે વિવાદાસ્પદ પણ રહ્યો.
રજનીશનો આ પ્રયોગ મૂળ તો વિશ્રામમાં ચાલ્યા જવાનો પ્રયોગ છે. વ્યક્તિ કાં તો સીધી વિશ્રામમાં જાય અથવા તો અપ્રત્યક્ષ રીતે વિશ્રામમાં જાય. રજનીશ પહેલા સીધા જ વિશ્રામમાં જવાની તરફેણ કરતા હતા, કેમ કે એ તેમને સરળ માર્ગ લાગતો હતો, પણ ધીમે ધીમે તેમને ખ્યાલ આવ્યો કે તે ભ્રમ હતો. સામાન્ય વ્યક્તિ માટે આ બાબત કઠિન હતી. આ માટે તેમણે વિશ્રામમાં ચાલ્યા જવાની પરોક્ષ રીત જારી કરી. આ વિધિ મુજબ પહેલાં તો તાણ પેદા કરો, ખૂબ તાણ પેદા કરો અને તાણ (તનાવ) તેની પરાકાષ્ઠાએ પહોંચી જાય એટલે સીધા વિશ્રામમાં જતા રહો. ભૌતિક રીતે આ બાબત એ સિદ્ધાંત પર આધારિત છે કે પરાકાષ્ઠા પછી અથવા તો ચડાવની ચરમસીમા પછી ઉતારની શરૂઆત થાય છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 14, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

સ્ત્રી અને પુરુષનાં શરીર મળતાં જ એક વિદ્યુત વ્રત પૂર્ણ થઈ જાય છે.!!
૧૯૫૩ના માર્ચના એક વર્ષ અગાઉનો સમયગાળો રજનીશ માટે આંતરિક સંઘર્ષનો રહ્યો કેમ કે, તેમના ખુદના શબ્દોમાં, “એક વર્ષ સુધી મારી જાતને જીવિત રાખવી મારા માટે કપરું કાર્ય હતું”. આખરે આ એક વર્ષમાં એવું તો શું બની ગયું?
રજનીશને ભૂખ લાગવી બંધ થઈ ગઈ હતી. એટલે સુધી કે તરસ પણ લાગતી ન હતી. ખાધા-પીધા વિના ઘણા દિવસો પસાર થઈ જતા હતા. ક્યારેક તો એમ લાગતું હતું કે આ શરીર જ નથી રહ્યું. તેમણે પોતાની જાતને વિશ્વાસ અપાવવો પડતો હતો કે “હું જીવિત છું.” તેમણે પોતાનું મસ્તક દીવાલ સાથે ટકરાવવું પડતું હતું અથવા તો ચૂંટીયો ખણવો પડતો હતો કે, તેઓ જીવે છે. તેઓ દરરોજ સવારે અને સાંજે ૧૨ થી ૧૩ કિલોમીટર દોડતા હતા. તેમના માટે બોલવું પણ અઘરું થઇ જતું હતું. એટલે સુધી કે બોલતાં બોલતાં તેઓ બે વાક્યો વચ્ચે ભૂલી જતા હતા. પુસ્તક વાંચવા બેસે તો થોડીવાર પછી યાદ કરવું પડતું કે, તેઓ શું વાંચી રહ્યા છે. પરિણામ એ આવ્યું કે તેઓ વધુ ને વધુ સમય રૂમમાં જ વિતાવવા માંડ્યા. ઘરનાંને પણ સમજ પડતી ન હતી કે, આ શું થઈ રહ્યું છે. તેમના શુભચિંતકો પરેશાન થઈ ગયા હતા. તેઓ કાંઈ કરી શકતા ન હતા અને કાંઈ કરવા માટે રજનીશ પોતે પણ સક્ષમ ન હતા.
જેમ જેમ એક વર્ષનો સમયગાળો પૂરો થવાની નજીક આવવા માંડ્યો રજનીશની સ્થિતિ વધારે ખરાબ બની ગઈ. અંતે દસમા અને અગિયારમા મહિનામાં તો તેમને એમ લાગવા માંડ્યું કે તેમનું જીવન મગર જેવું બની ગયું છે. તેઓ હવે આંખ બંધ કરીને કલાકો સુધી બેસી રહેતા હતા. નદી કિનારે આખી રાત આકાશ તરફ મીટ માંડીને બેસી રહેતા હતા. રૂમમાં પણ છત સામે જોતા રહેતા. કોઈ નહાવાનું કહે તો કલાકો સુધી નહાતા રહેતા હતા. કોઈ યાદ કરાવે તો ખાઈ લેતા, નહિતર જમવાનું યાદ પણ આવે નહીં. તેમની સ્થિતિ એક રીતે, હોવા છતાં ના હોવા જેવી હતી. શરીરમાં હોવા છતાં, ઘરમાં હોવા છતાં તેઓ ના તો શરીરમાં હતા અને ના તો ઘરમાં હતા.
ધ્યાન પ્રત્યે રજનીશનું બાળપણથી જ આકર્ષણ હતું. તેઓ માત્ર જમીન પર બેસીને જ નહીં પણ ઝાડ ઉપર બેસીને પણ ધ્યાન ધરી શકતા હતા. હવે એ દિવસે જે કાંઈ બન્યું તે રજનીશના જ શબ્દોમાં વાંચવું યોગ્ય રહેશે. “એક દિવસ ધ્યાનમાં કેટલો લીન થઈ ગયો તેની મને જ ખબર નથી અને ક્યારે ઝાડ પરથી પડી ગયો ખબર નથી. નીચે પડ્યો અને મેં ચોકીને જોયું તો આ શું? હું તો વૃક્ષ પર જ હતો અને શરીર નીચે પડી ગયું. આ અનુભવ વિશે કહેવું કઠિન છે. હું તો વૃક્ષ પર જ બેઠો હતો અને મને દેખાતું હતું કે શરીર નીચે પડી રહ્યું છે. માત્ર એક ચાંદીની નાડ (દોરી) મારા સુધી જોડાયેલી હતી જે એકદમ ચમકદાર શુભ રેખા હતી. કાંઈ સમજાતું નથી કે હવે શું થશે? કેવી રીતે પાછો ફરીશ?” રજનીશે પોતાના આ પ્રસંગના વિશ્લેષણથી જીવનનું એક રાસાયણિક સૂત્ર આપ્યું છે જે આપણા બધા માટે ઘણું કામનું છે. તેને તેમણે પોતાના કાળના બીજા અનુભવનું નામ આપ્યું છે. તે રાસાયણિક સૂત્ર એ છે કે, પુરુષના શરીરમાં સ્ત્રી એક કીમિયા દ્વારા વિદ્યુત પરિવર્તન કરી શકે છે. આ જ રીતે પુરુષ પણ સ્ત્રીના શરીરમાં એક કીમિયા દ્વારા વિદ્યુત પરિવર્તન કરી શકે છે. સ્ત્રી અને પુરુષનાં શરીર મળતાં જ એક વિદ્યુત વ્રત પૂર્ણ થઈ જાય છે. રજનીશને આ ઘટના પછી એક વાત સમજાઈ ગઈ કે આ દેશમાં જે તાંત્રિકોએ સમાધિ પર અને મૃત્યુ પર પ્રયોગ કર્યા હતા તેમણે ઘણી સ્ત્રીઓને પોતાની સાથે બાંધી રાખી હતી.
આ પ્રસંગ પછી એક નવા રજનીશનો ઉદય થયો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, એ વખતે તેઓ હજી વિદ્યાર્થી જ હતા અને હજી તેમણે થોડા વર્ષ માટે પ્રોફેસરનું કાર્ય કરવાનું હતું. તેનો અર્થ એ થયો કે જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી તેઓ ભગવાન બુદ્ધ કે ભગવાન મહાવીરની માફક લોકો વચ્ચેથી ચાલ્યા જાય તે સ્થિતિમાં રજનીશ ન હતા.
રાત્રે ૧૨ની આસપાસ અચાનક ઊંઘ ઉડી ગઈ અને રૂમમાં ચારે તરફ તેમને દિવ્યતાનાં દર્શન થયાં. તેમને એમ લાગ્યું કે, એ નાનકડો ઓરડો પ્રકાશ અને જીવનના તરંગોથી ભરાઈ ગયો છે અને રૂમમાં આનંદની કિલકારી થઈ રહી છે. રજનીશ આ આનંદમાં ડૂબવા લાગ્યા. સાથે સાથે તેમને એમ લાગ્યું કે, તેમનો શ્વાસ રૂંધાય છે. આથી તેઓ દોડીને વૃક્ષની નીચે આવી ગયા. તેમનો શ્વાસ રૂંધાતો અટકી ગયો. તેઓ પોતાની જાતને બ્લેક હોલમાં પડતા જોઈ રહ્યા. તેમને એમ લાગ્યું કે, તેમના શરીરનો ભાર ઓછો થઈ રહ્યો છે અને તેઓ ઉપર ઉંચકાઇ રહ્યા છે. કોઈ એવી વસ્તુ છે જે તેમને ઉપર ખેંચી રહી છે. જો કે, તેઓ એકલા જ હતા પણ તેમને એમ લાગતું હતું કે, તેઓ એકલા નથી. રજનીશની અંદર એક એવી શક્તિ બની રહી હતી જેનાથી તેમને લાગતું હતું કે તેઓ કાંઇ પણ કરી શકે છે.
રજનીશ ચાલતા ચાલતા જબલપુરના ભ્રમરતાલ પાર્કમાં પહોંચી ગયા. જેવા તેઓ પાર્કમાં ગયા એ સાથે ત્યાં બધું પ્રકાશમય થઈ ગયું. તેમના જ શબ્દોમાં “ચારે તરફ પ્રકાશ જ પ્રકાશ હતો. મેં પહેલીવાર વૃક્ષમાં હરિયાળી અને તેની અંદર જીવનરસ નિહાળ્યો. આખો બગીચો સૂતેલો હતો. વૃક્ષો પણ સૂતેલાં હતાં પણ મને તે જીવંત લાગતો હતો. ઘાસનાં નાનકડા પાન પણ મને સુંદર દેખાતાં હતા.”
હવે તે અંતિમ ક્ષણ આવી ગઈ હતી. જેમાં બુદ્ધત્ત્વ પ્રાપ્તિ થવાની હતી, રજનીશના જ શબ્દોમાં આગળ વધીએ- “મેં ચારે તરફ નજર કરી. એક વૃક્ષ ઘણું જ પ્રકાશિત હતું. એ વૃક્ષે મને તેની તરફ આકર્ષિત કર્યો. મેં નહીં પણ પરમાત્માએ જ તેની પસંદગી કરી. હું તેની નીચે જઈને બેસી ગયો. જેવો હું બેઠો એ સાથે બધું શાંત થઈ ગયું. સમગ્ર વિશ્વની ભગવત્તા વરસવા લાગી.” અને અંતે એ ઘટના બની ગઈ, બાળપણથી રજનીશ જેની રાહ જોતા હતા અને તેમને સમજાતું ન હતું કે તેના માટે તેમણે શું કરવાનું છે.
શક્ય છે કે રજનીશ લગભગ ત્રણ કલાક સુધી એ ઝાડની નીચે બેસી રહ્યા હોય. પણ તેમને આ ત્રણ કલાક વીતી ગયાનો ખ્યાલ ના રહ્યો. આમ, રજનીશના જ શબ્દોમાં – “એક રાત્રે હું મરી ગયો અને મારો પુનર્જન્મ થયો પણ જે બીજી વખત જન્મ્યો તેનો આ મૃત્યુ પામનારા સાથે કોઈ સંબંધ રહ્યો નહીં.” કદાચ આ જ અનુભવના અનુસંધાનમાં રજનીશે પોતાના આ વાક્યની રચના કરી છે કે “ધર્મ આપણને સંપૂર્ણરૂપથી મારી નાખે છે.”
આ દિવસ એટલે ૨૧મી માર્ચ અને વર્ષ હતું ૧૯૫૩. એ પછી રજનીશમાં ઘણું પરિવર્તન આવી ગયું.
માત્ર ૨૧ વર્ષની વયે કૉલેજના ભણતા વિદ્યાર્થીને એક વૃક્ષ નીચે બુદ્ધત્ત્વ પ્રાપ્ત થયું. એ પછી રજનીશે જે પહેલું કામ કર્યું તે એ કે, તેઓ પોતાના ગામ તરફ ભાગ્યા પણ એ ગામ તરફ નહીં જ્યાં તેમના માતા-પિતા રહેતા હતા પણ એ ગામ તરફ જ્યાં તેમની નાની રહેતી હતી. હવે એ વાત અલગ છે કે, તેમની નાની અને માતા-પિતા એક જ ગામમાં રહેતા હતા, પણ રજનીશની આ માનસિક સ્થિતિ હતી.
આ સાથે જ રજનીશ એ ગામ તરફ પણ ભાગ્યા જ્યાં મગ્ગા બાબા રહેતા હતા. આ પણ યોગાનુયોગ હતો કે, જેમને વહેલામાં વહેલી તકે તેઓ જાણ કરવા માગતા હતા તે બંને એક જ ગામમાં રહેતા હતા જ્યાં રજનીશ પણ રહી ચૂકયા હતા અને એ ગામ એટલે ગાડરવાડા. રજનીશ પહેલાં તો મગ્ગા બાબાને મળ્યા અને તેમના ચરણસ્પર્શ કર્યા તથા રડવા માંડ્યા. મગ્ગા બાબાએ કહ્યું “શાબાશ બેટા, આખરે તેં એ કામ કરી જ દીધું. મને ખબર હતી કે તું આમ કરીશ.” રજનીશ તેમને જાણ કરવા ગયા હતા પણ તેમ કરવાની જરૂર જ ના પડી. એ પછી તેઓ નાનીના ઘરે ગયા અને નાનીને તેઓ કાંઈ કહે તે પહેલાં તો રજનીશને જોઈને નાનીએ કહ્યું “તને શું થયું છે? તું પહેલાં જેવો રહ્યો નથી.” આગળ જતાં નાની ખુદ જ રજનીશનાં પ્રથમ શિષ્યા બન્યાં. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 7, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી બેઠા થયા અને ઓશોનો જન્મ થયો….
નદી અંગેના અનુભવમાં રજનીશ ઉમેરે છે કે, ‘આ પહેલો પ્રસંગ હતો જયારે મને મારી જાત ‘શુદ્ધ’ હોવાનો તથા શરીર અંગેનો અહેસાસ થયો. તે નાભિથી નીચે, બરાબર બે ઈંચ નીચે એક ચાંદીની રસ્સી સાથે જોડાયેલું છે. તે પદાર્થ નથી પણ ચાંદીની માફક ચમકે છે. હું જેટલી વાર સામે કિનારે પહોંચતો, જે ક્ષણે કિનારે પહોંચતો ત્યારે મારી હાજરી અને તેની હાજરીનો મારા શરીરમાં પ્રવેશ થતો. પહેલીવાર તો આ બાબત ડરાવનારી લાગી પણ પછી તે આનંદદાયક લાગવા માંડી. તે ખતરનાક હતું, પુલ ઘણો ઊંચો હતો અને ત્યાંથી કૂદીને નદીના તળિયે પહોંચવું આસાન ન હતું. આ સમયે નદી અને પુલની વચ્ચે-એક ક્ષણ એવી આવતી જ્યારે મન અચાનક રોકાઈ જતું હતું.’ મારા ધ્યાનની આ પહેલી અનુભૂતિ હતી. આ રીતે હું ધ્યાન તરફ વધુને વધુ ખેંચાતો ગયો. મેં એ શોધવાનું શરૂ કરી દીધું કે પર્વત, નદી કે પુલ ઉપર ગયા વિના આ ક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. કેવી રીતે કોઈ વ્યક્તિ ક્યાંય ગયા વિના માત્ર આંખો બંધ કરીને આ ક્ષણમાં પ્રવેશ કરી શકે છે.’
સ્પષ્ટ છે કે રજનીશ માટે નદી એ અર્થમાં નદી ન હતી જે અર્થમાં આપણે બધા નદીને ઓળખીએ છીએ. આ નદી એ અર્થમાં નદી ન હતી જે અર્થમાં ગંગા, ગોદાવરી, નર્મદા આપણા માટે નદી છે. સકર નદી તો તેમના માટે જીવનની એક કુદરતી પ્રયોગશાળા બની ગઈ હતી.
આશ્ચર્ય થાય તેવી વધુ એક ઘટના.. માનવેન્દ્ર નિધિ રાયને લોકો એમ.એન. રાય તરીકે ઓળખતા હતા. તેઓ રશિયાની ક્રાંતિ વખતે લેનિન અને ટ્રોટસ્કીની સાથે હતા. તેઓ ઇન્ટરનેશનલ કમાન્ડિંગ બોડી ઓફ કમ્યુનિસ્ટના સદસ્ય બનવાનું સન્માન હાંસલ કરનારા એકમાત્ર ભારતીય હતા. ૧૯૧૭માં રશિયામાં ઝારશાહી સામે લેનિનની આગેવાની હેઠળ ક્રાંતિ સફળ થઈ તો આવી જ ક્રાંતિનું સ્વપ્ન લઈને એમ.એન. રાય ભારત આવ્યા.
એક સુખદ સંજોગ રચાયો કે રજનીશ જબલપુર જવા માટે ગાડરવાડા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા અને એમ.એન. રાય એ જ પ્લેટફોર્મ પર સિગારેટ પીતા પીતા આંટા મારી રહ્યા હતા. રાયને એ જોઈને આશ્ચર્ય થયું કે ૧૭ વર્ષનો એક છોકરો બેંચ ઉપર બેસીને આટલી તલ્લીનતાથી પુસ્તક વાંચી રહ્યો છે અને એ પુસ્તક પણ પાછું લેનિનનું હતું. તેમના મનમાં આ છોકરા સાથે વાત કરવાની ઇચ્છા થઈ અને પરિણામ એ આવ્યું કે, બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ અને એટલી ગાઢ મિત્રતા થઈ ગઈ કે, એમ.એન. રાય જ્યારે પણ જબલપુર આવતા ત્યારે રજનીશને અચૂક મળતા હતા. રજનીશે સ્પષ્ટતા કરી દીધી હતી કે, ‘હું સામ્યવાદનો અભ્યાસ કરી રહ્યો છું પણ હું સામ્યવાદી નથી. આ સ્પષ્ટતા છતાં એમ.એન. રાય રજનીશને મહત્ત્વ આપતા હતા. હજી તો મારે ઘણા વિષયનો અભ્યાસ કરવાનો છે. સમાજવાદ, મૂડીવાદ, અધ્યાત્મવાદ વગેરે વિશે મારે જાણવાનું છે તેમ રજનીશ ખુલાસો કરતા હતા. આ અગાઉ મારે કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. હજી તો હું જિજ્ઞાસુ છું.’
એમ.એન.રાયે રજનીશ સમક્ષ પોતાની નિરાશાને આ શબ્દોમાં રજૂ કરી હતી, “મેં રશિયાની ક્રાંતિમાં ભાગ ભાગ લીધો છે. હું લેનિનનો ગાઢ મિત્ર છું, પણ ભારતમાં તો હું કાંઈ નથી. મારી વાત સાંભળવા કોઈ તૈયાર જ નથી.”
એમ.એન. રાય માટે આ વાત ચોંકાવનારી હતી પણ રજનીશ માટે નહીં. રજનીશની પારખુ આંખ અને સચેત મગજે ભારતીય સમાજ અને ભારતીય માનસિકતાને સારી રીતે ઓળખી લીધી હતી. આ વાતને પોતાના નિષ્કર્ષનો આધાર બનાવીને જ રજનીશે પોતાની વાત રજૂ કરી. તેમનાં જે તારણો હતાં તે તેમણે એમ.એન. રાય સમક્ષ રજૂ કર્યા જેથી તેમની નિરાશા ઘટી શકે. રજનીશના શબ્દો હતા, “ભારતમાં સૌ પ્રથમ તો તમારે તમારી જાતને બદલવી પડશે. તમારે પાખંડી બનવું પડશે. બધાંની સામે, જાહેરમાં સિગારેટ ના પીઓ. બાથરૂમમાં સંતાઈને સિગારેટ પીઓ અને જાહેરમાં ધુમ્રપાનની ટીકા કરો. મહાત્મા ગાંધીની માફક ઢીંચણ સુધી ધોતી પહેરો. માથે મુંડન કરાવી નાંખો. આ દેશમાં મહાત્મા બન્યા વિના કોઇપણ વ્યક્તિ અન્યનું ધ્યાન ખેંચી શકતી નથી. અહીં તો ફક્ત દેખાવ જ કરવાનો હોય છે, સચ્ચાઇનું તો કોઇ મૂલ્ય જ નથી.” એમ.એન. રાયે રજનીશની આ સલાહ સામે તરત જ કહી દીધું કે, હું આમ કરી શકીશ નહીં. પછી પરિણામ પણ એ જ આવ્યું. ભારતીય પ્રજાએ પણ મૌન રહીને કહી દીધું કે, અમે તમને સાંભળવા માગતા નથી.
હવે રજનીશ જબલપુર વિશ્વવિદ્યાલયમાં ફિલોસોફીના પ્રોફેસર હતા પરંતુ અન્ય પ્રોફેસરો જેવા પરંપરાગત પ્રોફેસર ન હતા. પ્રોફેસર તરીકે પણ તેમણે પરંપરાથી અલગ હોવાનો પ્રયાસ કર્યો અને એ વખતની સ્થાપિત પરંપરાના છોતરાં કાઢી નાખ્યાં. દાખલા તરીકે વર્ગમાં એક પિરીયડની ૪૦ મિનિટને તેમણે બે ભાગમાં વહેંચી દીધી. ૨૦ મિનિટ સુધી તેઓ બોલતા અને બાકીની ૨૦ મિનિટ તેઓ વાર્તાલાપ અને તર્ક-વિતર્ક કરાવતા હતા. તેઓ પોતાના વિચારો પ્રગટ કરતા હતા અને વિદ્યાર્થીઓ તેમના વિચારો રજૂ કરતા હતા. આમ થતાં તેમના વર્ગો પ્રવચનના વર્ગને બદલે વાદ-વિવાદ અને ચર્ચાનું સ્થળ બની ગયા.
સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ માટે આ નવો અનુભવ હતો અને તેઓ આ પસંદ પણ કરતા હતા પરંતુ તેમને એ બાબત સ્વીકારવામાં અડચણ પડતી હતી કારણ કે, તેમને એ ચિંતા હતી કે આમ થશે તો અભ્યાસક્રમ ક્યારે પૂરો થશે અને આ ચિંતા વાજબી પણ હતી. વિદ્યાર્થીઓએ પોતાની આ ચિંતા રજનીશ સમક્ષ રજૂ કરી તો તેમણે એમ કહીને સમજાવી દીધા કે, “તેની ચિંતા કરશો નહીં. તમારી બુદ્ધિને કુશાગ્ર કરવાની જરૂર છે. અભ્યાસક્રમ તો ઘણી મામૂલી બાબત છે. એ તો તમે એક રાતમાં વાંચી શકો છો. તમારી બુદ્ધિ તીવ્ર છે તો વાંચ્યા વિના પણ તમે જવાબ આપી શકો છો પણ બુદ્ધિ તેજ નહીં હોય તો વાંચ્યા પછી પણ તમને આવડશે નહીં.’
એ જમાનામાં કલાસમાં છોકરા અને છોકરી અલગ અલગ બેસતાં હતાં. આગળની થોડી જગ્યા કદાચ પ્રોફેસરનો આદર કરવા માટે ખાલી રાખવામાં આવતી હતી. રજનીશને આ વિચિત્ર લાગતું હતું. તેમણે છોકરાઓને ચોખ્ખું ચોખ્ખું કહીને ચોંકાવી દીધા અને ડરાવી પણ નાખ્યા કે “બધા એક સાથે બેસો. મારા કલાસમાં તમે અલગ અલગ બેસી શકશો નહીં. તમે છોકરીને સ્પર્શી રહ્યા છો કે કોઇ છોકરી તમારું શર્ટ ખેંચે તેનાથી મને કોઈ વાંધો નથી. જે સાવ સ્વાભાવિક છે અને તેનો હું સ્વીકાર કરું છું. આથી જ હું નથી ઇચ્છતો કે તમે આમ સંકોચાઈને બેસો. મારા કલાસમાં આવું નહીં બને. મને ખબર છે કે તમે બધા એકબીજા તરફ કાગળ ફેંકો છો, અન્ય ચીજો ફેંકો છો પણ તેની જરૂર નથી. છોકરીની નજીક બેસો અને તેનો પત્ર તેને આપી દો. તમે બધાં શરીરથી વયસ્ક બની ગયાં છો, તમારે બધાએ તો આમ કરવું જ જોઈએ.”
1953ના 21મી માર્ચનો દિવસ હતો.આ દિવસને રાજનિસજના જીવનનો પ્રથમ દિવસ પણ કહી શકીએ. જે દિવસે અગાઉના રજનીશનું મૃત્યુ થયું અને ફિનિક્સ પંખીની જેમ તેઓ રાખમાંથી બેઠા થયા અને ઓશો રજનીશનો જન્મ થયો. એ વખતે તેઓ 21 વર્ષના હતા. જે પ્રસંગ ભગવાન બુદ્ધના જીવનમાં 35 માં વર્ષે બન્યો તે અહીં રજનીશ માટે 21માં વર્ષે બન્યો. જે બન્યા પછી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર 45 વર્ષ જીવિત રહ્યા. રજનીશના જીવનમાં આ પ્રસંગ ઘણો વહેલો એટલે કે ૨૧ મા વર્ષે બન્યો અને તેમને પોતાના અનુભવ પ્રજા સમક્ષ રજૂ કરવા માટે અન્ય કરતાં ઓછો એટલે કે ૩૭વર્ષનો સમય મળ્યો. આમ જોવા જઈએ તો ૩૭ વર્ષનો સમય ગમે તેટલાં મહત્ત્વનાં કામ પૂરાં કરવા માટે ઓછો કહી શકાય નહીં. મોહમ્મદ પયંગબર સાહેબને પણ અલ્લાહે આ બધા માટે ફક્ત આઠ વર્ષ આપ્યાં હતાં. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 1, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“મૃત્યુ એક પૂર્ણ પરિતૃપ્તિ હોઇ શકે છે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે જીવનને પૂર્ણ રીતે જાણવામાં આવ્યું હોય.”..ઓશોની અનુભૂતિ
જેમની સાથે રજનીશનાં પ્રારંભનાં કેટલાંક વર્ષ પસાર થયાં હતાં તે રજનીશના નાના ઇચ્છતા હતા કે, કોઈ મોટા જ્યોતિષીને રજનીશના જન્માક્ષર દેખાડવામાં આવે અને તે માટે ગમે તેટલી કિંમત ચૂકવવા તેઓ તૈયાર હતા. આ માટે તેઓ કુચવાડાથી લગભગ એક હજાર કિલોમીટર દૂર બનારસ સુધી ગયા હતા. તેઓ જ્યોતિષને મળ્યા અને હવે રજનીશના શબ્દોમાં ”મારા નાનાએ આપેલા જન્માક્ષર અને જન્મસ્થળ પર નજર રાખીને જ્યોતિષે નાનાને કહ્યું કે, મને દુઃખ છે કે હું આ જન્માક્ષર સાત વર્ષ પછી જ બનાવી શકીશ, આ બાળક જીવતો રહેશે તો તેના જન્માક્ષર વિનામૂલ્યે બનાવી આપીશ. પણ મને નથી લાગતું કે, તે જીવતો રહે. જો તે બચી જશે તો એક ચમત્કાર કહેવાશે અને પછી તો તે બુદ્ધ બની જાય તેવી શક્યતા છે.
અને પછી એક દિવસ એવો આવ્યો જયારે નાનાને પોતાની આંખ ઉપર વિશ્વાસ બેસતો ન હતો. કેમ કે બનારસમાં મળ્યો હતો તે જ જ્યોતિષ તેમના ઘરના દરવાજે આવીને ઉભો હતો ત્યાં સુધીમાં રજનીશ પણ સાત વર્ષના થઈ ગયા હતા. રજનીશને પણ આશ્ચર્ય થયું હતું કે, કોઈ જ્યોતિષ માત્ર જન્માક્ષર બનાવવા માટે આટલે દૂર સુધી સામે ચાલીને શા માટે આવે ?? જ્યોતિષે જન્માક્ષર બનાવીને ભવિષ્યવાણી કરી દીધી કે, “આ બાળકને દર સાત વર્ષે મૃત્યુના સંકટમાંથી પસાર થવું પડશે. અત્યારે તો તે બચી ગયો છે પણ હવે તે ૧૪ વર્ષનો થશે ત્યારે ફરીથી તેના મૃત્યુના યોગ છે. જો ફરીથી બચી જશે તો ૨૧ વર્ષની વયે મૃત્યુયોગ છે.”
તેનું પરિણામ શું આવ્યું ? શું રજનીશ આ ભવિષ્યવાણીને કારણે ભાંગી પડ્યા ? તેમના જ શબ્દોમાં- “જ્યોતિષની આ ભવિષ્યવાણીએ મારી ઘણી મદદ કરી, કેમ કે તેમણે અગાઉથી જ મને મોત અંગે ચેતવી દીધો હતો અને આ જ કારણથી હું જીવનમાં મૃત્યુનો સ્વીકાર કરી શક્યો અને ધ્યાન પણ ધરી શક્યો કે મૃત્યુ આવી રહ્યું છે.”
ગામમાં એક નાનકડા મંદિરમાં એક પૂજારી હતા. ઘણા સંત સ્વભાવના હતા. તેઓ ગુજરી ગયા. રજનીશ તેમના ઘેર પહોંચી ગયા. એ વખતે તેઓ બાળક જ હતા અને એ સમયે બાળકોને શબની નજીક કે સ્મશાને જવાની મનાઈ હતી. પણ રજનીશને કોણ રોકી શકે ? તેઓ ત્યાં ગયા ત્યાં સુધીની વાત હોત તો વાંધો ન હતો. વાત વિચિત્ર બની ગઈ કેમ કે, રજનીશ નામના આ બાળકે ત્યાંના ઉદાસ વાતાવરણમાં રડવાનું અથવા તો કમ સે કમ ચૂપ રહેવાનું પસંદ ના કર્યું પણ જોરજોરથી હસવાનું શરૂ કરી દીધું ત્યાં ઉપસ્થિત લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ બધું વ્યર્થ. અંતે તેમના પિતાએ રજનીશને આ રીતે હસવાનું કારણ પૂછ્યું તો રજનીશનો આ જવાબ હતો, “મને લાગ્યું કે મરતી વખતે તેઓ ખૂબ જ આનંદિત હતા અને શાંત હતા તેથી જ તેમના હાસ્યમાં સામેલ થવા માંગું છું. તેઓ હસી રહ્યા હતા અને તેમની વિદાય લઈ રહેલી ઉર્જા પણ હસી રહી હતી.” આ પૂજારીના મૃત્યુથી નીકળેલી હાસ્યયુક્ત ઉર્જા પરથી રજનીશે તારણ કાઢ્યું કે “મૃત્યુ એક પૂર્ણ પરિતૃપ્તિ હોઇ શકે છે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે જીવનને પૂર્ણ રીતે જાણવામાં આવ્યું હોય.”
બાળપણથી જ સમય પસાર કરવાના રજનીશના અનેક ઉપાયોમાં એક ઉપાય હતો કોઈની પણ સ્મશાનયાત્રામાં સામેલ થઈ જવું. તેઓ એ મૃત વ્યક્તિને ઓળખતા હોય કે ના ઓળખતા હોય તેનાથી કોઈ ફરક પડતો ન હતો. માત્ર એટલું જ પૂરતું હતું કે કોઈ મરી ગયું છે અને તેની સ્મશાનયાત્રા નીકળવાની છે.
મૃત્યુની ખરી અનુભૂતિ ક્યારે થાય છે ? જ્યારે આપણા પ્રિયજનનું નિધન થાય છે, આપણા કોઈ સૌથી નજીકના સ્વજનનું મૃત્યુ થાય છે. રજનીશ હજી યુવાન જ હતા ત્યારે તેમના એક મિત્રનું નિધન થયું. તે મિત્રનું નામ હતું શશી, જેને રજનીશ ગુડિયા કહેતા હતા. આ એ જ શશી હતી જેને રજનીશે પ્રેમ કર્યો હતો. એટલો બધો પ્રેમ કર્યો હતો કે, તેમને ક્યારેય એવું લાગ્યું ન હતું કે તેઓ અન્ય કોઇને આથી વિશેષ પ્રેમ કરી શકશે. કદાચ આ જ કારણથી રજનીશે આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય લીધો હતો. આધુનિક ભીષ્મ પિતામહના રૂપમાં. તેમના માટે અન્ય કોઈને શશીના સ્થાને જોઈ શકાય તેમ જ ન હતું અને તેમની પ્રિય સખી શશી તેમને છોડીને કાયમ માટે ચાલી ગઈ હતી. આમ એક રીતે રજનીશ માટે પોતાની જાતથી અલગ થવું, જાતે જ ખંડિત થવા બરાબર હતું.
શશીના મૃત્યુએ રજનીશના મૃત્યુ બોધને વધારે મજબૂત કરી દીધો. એટલો બધો મજબૂત કરી દીધો કે તેમના માટે જીવનનો અર્થ બદલાઈને મૃત્યુ બની ગયો. કેમ કે શશી હવે ‘વિવેક નિર્વાણો’ બનીને રજનીશ પાસે પરત આવી ગઈ હતી, તેમની દેખભાળ, સારસંભાળ લેવા માટે તો પછી શશી ક્યાં ગઈ હતી ? તે તો અહીં જ છે. થોડા રૂપ-રંગ બદલાઈ ગયા છે અને હા, નામ પણ બદલાઈ ગયું છે. આથી જ રજનીશે ક્યારેય મૃત્યુનો અસ્વીકાર કર્યો નથી અને મૃત્યુને ભયનું કારણ પણ માન્યું નથી, પણ તેમણે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે “હું મૃત્યુ શીખવું છું.”
રજનીશનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ભાવ સદા છલકતો રહ્યો. બાળપણમાં તેમણે નદીમાં પડ્યા રહેવાનું પસંદ હતું. તેમને જે ગૂઢ જ્ઞાની બાબા મળ્યા તે પણ નદીમાં તરતી વખતે મળ્યા !! નદી પર રજનીશે આપેલા પ્રવચનો સાંભળીએ તો ખ્યાલ આવે કે, રજનીશ જયારે અનુભવ વર્ણવે ત્યારે એક નાનકડી વાત કેટલી મોટી બની જાય છે. કેવી રીતે એક કણમાં, અણુમાં સંપૂર્ણ બ્રહ્માંડ વસે છે, તે રજનીશ શબ્દોમાં વણી આપે છે. ‘હું તેની સાથે વહેવા માંડયો, કેમ કે ધીમે ધીમે મને આખું અસ્તિત્ત્વ જ નદી જેવું દેખાવા લાગ્યું. તેણે તેની કઠોરતા ગુમાવી દીધી, એ તરલ બની ગયું.’
‘તમે જ્યારે પણ કોઈ વહેતી ચીજના પ્રેમમાં બંધાઈ જાઓ છો તો તમારા જીવનનું એક અલગ જ રૂપ જોવા મળે છે. આધુનિક માનવી સડક પર સિમેન્ટ અને કોન્ક્રીટના બનેલા ઘરમાં રહે છે. યાદ રાખો કે, આ બધી ‘સંજ્ઞા’ છે, ‘ક્રિયા’ નથી. ગગનચુંબી ઈમારત વહેતી નથી, સડક ત્યાં ને ત્યાં જ રહે છે. પરમાત્મા કોઈ વસ્તુ નથી પણ એક પ્રક્રિયા છે. હું નદીના છેક છેલ્લા કિનારા સુધી જતો હતો ફક્ત ત્યાં બેસવા માટે. ત્યાં કાંઈ કરવાની જરૂર જ ન હતી. ત્યાં માત્ર હાજરી જ પર્યાપ્ત હતી. ત્યાં હોવું એ જ સુંદર અનુભવ હતો. ત્યાં હું ફક્ત નદીની સાથે રહેતો હતો, કાંઈ કરતો ન હતો. માત્ર વસ્તુઓ નિહાળતો હતો, ક્રિયા થઈ રહી હતી પણ કોઈ ક્રિયા કરનારું ન હતું અને મારા પ્રારંભિક અનુભવ આ નદી પાસે જ શરૂ થયા, માત્ર ત્યાં હાજર રહેવાથી, ત્યાં લાખો ચીજો, પ્રસંગો બન્યા હતા. હું તેને ઘણો પ્રેમ કરતો. હું ચોમાસાની રાહ જોતો. તરતાં તરતાં એક એવી ક્ષણ આવતી જ્યારે હું અનુભવતો કે હું મરી રહ્યો છું. કેમ કે હું થાકી જતો અને મને બીજો કિનારો દેખાતો ન હતો. એ વખતે હું પાણીની ઉપર હતો અને મારું શરીર પાણીની અંદર હોતું. આમ પહેલીવાર બન્યું તો તે ડરાવી દેતો અનુભવ હતો. મેં વિચાર્યું કે હું મરી ગયો છું પણ મેં જોયું કે શરીર હજી પણ બીજા કિનારે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે અને મેં શરીરને સાથ આપ્યો.'(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Aug 24, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

રજનીશે કહ્યું: “આ હજારોમાંથી એક પુસ્તક સાથે લઈ લો.” આ એક માત્ર પુસ્તકના લેખકનું નામ ખલીલ જીબ્રાન અને એ પુસ્તકનું નામ ‘ધ પ્રોફેટ.’!!
૨૦૦૨માં ગાડરવાડામાં એક વૃદ્ધ વ્યક્તિ કે, જેમણે રજનીશને ભણાવ્યા હતા. તેઓ પોતાની ચમકતી આંખ અને રણકતા અવાજ સાથે કહે છે કે, રજનીશને નાની વયે જ શશી નામની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો પણ તે ગુજરી ગઈ. જો કે, રજનીશ આ સત્યને છુપાવતા નથી અને ખોટું પણ પાડતા નથી પણ છાતી ઠોકીને સ્વીકાર કરે છે કે, “એ વખતે હું યુવાન હતો અને તે મારી મિત્ર હતી. તેનું નામ શશી હતું. ૧૯૪૭માં તેનું નિધન થયું હતું. તે ગઈ પણ મૃત્યુશૈયા પર તેણે મને વચન આપ્યું હતું કે, તે પરત ફરશે. હું ડરી ગયો હતો. મારા ગામના કોઈ ડો. શર્માની એ પુત્રી હતી. હવે તે (વિવેક) નિર્વાણો’ બનીને આવી ને મારી કાળજી રાખે છે.”
રજનીશને નુરજહાંનું ગાયેલું એક ગીત ખૂબ જ ગમતું હતું. જેના શબ્દો હતા. “વો જો હમ મેં તુમ મેં કરાર થા, તુમ્હે યાદ હો કિ ન યાદ હો” આ ગીત ઓશો દરરોજ ગાતા હતા. આ ગીત વાસ્તવમાં નુરજહાંના અવાજમાં પણ તેમાં રજનીશના દિલના શબ્દો હતા. આ કરાર એ પ્રેમનો કરાર, એક તરફ રજનીશનો શશી પ્રત્યેનો સાથે હતો તો બીજી તરફ શશીનો રજનીશ પ્રત્યેનો સાથ હતો. અહીં મજાની વાત એ છે કે, ગયા પછી પણ તેમની પ્રેમિકા વચન નિભાવવા પાછી આવી. હવે એ વાત અલગ છે કે, આ વખતે તે ‘વિવેક’ બનીને આવી હતી અને તેને ઓળખવામાં રજનીશે કોઈ ભૂલ કરી ન હતી. રજનીશે આ જીવનમાં તેને ‘નિર્વાણો’ નામ આપ્યું હતું અને સાથે સાથે પોતાની કાળજી રાખવાની જવાબદારી પણ સોંપી દીધી. ઉલ્લેખનીય છે કે, રજનીશને પુનર્જન્મમાં વિશ્વાસ હતો. તેઓ પોતાનો પાછલો જન્મ જાણતા હતા, પાછલા જન્મમાં પોતાની માતા તથા પિતાના હત્યારાને પણ જાણતા હતા અને હવે તેઓ પોતાની ભૂતપૂર્વ પ્રેમિકાના પાછલા જન્મ વિશે પણ જાણે છે. રજનીશે પોતાના બાળપણથી યુવાવસ્થા સુધીના સ્મરણો ઘણીવાર યાદ કર્યા છે. જેમાં તેમણે શશીને પણ ઘણીવાર યાદ કરી છે. શશીને તેઓ ‘ગુડિયા’ કહેતા હતા.
રજનીશનો અર્થ છે ચંદ્ર અને શશીનો અર્થ પણ ચંદ્ર જ છે. એટલે કે, તેઓ બે હોવા છતાં બે ન હતા પણ એક જ હતાં. પ્રેમના ગણિતમાં હંમેશાં એક -વત્તા-એક એટલે એક જ થાય છે, બે નહીં. ઓશોને વિશ્વાસ હતો કે, ગુડિયા ફરીથી જન્મ લેશે અને હું તેને ઓળખી લઈશ.
પુસ્તક વાંચવાની ઓશોની ઝડપ ઘણી વધારે હતી. એમ કહેવાય છે કે તેઓ એક દિવસમાં ૬-૭ પુસ્તકો વાંચી કાઢતા હતા, જેનાં કુલ પૃષ્ઠ લગભગ ૩૦૦૦ જેટલાં થતાં હતાં. પોતે વાંચેલાં પુસ્તકો પર રજનીશ એટલા સુંદર હસ્તાક્ષર કરતા જાણે કે કોઈ પેઈન્ટિંગનો ટુકડો ચિપકાવ્યો હોય !! ઓશોને વાંચનની સાથે સાથે પોતાનાં પુસ્તકોની લાઈબ્રેરી બનાવવાનો પણ શોખ હતો. તેઓ પુસ્તકોને તેના રંગ, આકાર અને શીર્ષક મુજબ ગોઠવતા હતા. નવાં પુસ્તક આવે એટલે તેઓ એ પુસ્તકને અનુરૂપ ગોઠવણી કરતા હતા.
ઘણી નાનકડી વયે રજનીશે એ લેખકોનાં પુસ્તક વાંચી નાંખ્યાં હતાં, જેને ઘણા તો મોટી ઉંમરે પણ વાંચી શકતા નથી. કોઈપણ વ્યક્તિ ગમે તે ઉંમરે વાંચી શકે છે પણ સવાલ એ છે કે, તેમાંથી સમજાયું કેટલું અને તેથી પણ મહત્ત્વની બાબત એ છે કે તેનો આનંદ કેટલો ઉઠાવી શકાયો !! ઘણી નાનકડી વયે ઓશો આ બાબતમાં પાર ઉતરી ચૂક્યા હતા. તેમણે હજારો પુસ્તકો વાંચ્યાં અને તેમાંથી તેમણે એવાં પુસ્તકોનો ઉલ્લેખ પણ કર્યો છે જે તેમને પસંદ પડ્યાં હોય. રશિયન લેખક ટોલસ્ટોયના પુસ્તક ‘રિસરેક્શન’ને તો તેમણે પોતાનું બાઈબલ માન્યું છે. આ પુસ્તક તેમણે ઘણીવાર વાંચ્યું છે એટલું જ નહીં પણ તેઓ હંમેશાં પોતાની સાથે જ રાખતા હતા. રશિયન લેખક ઈવાન તુર્ગનેવના પુસ્તક ‘ફાધર્સ એન્ડ સંસ’ (પિતાઓ અને પુત્રો) વિશે તેમનું કહેવું હતું કે “આ પુસ્તક જેવું કોઈ પુસ્તક નથી.” આ પુસ્તક તો તેમણે પોતાના પિતાને પણ પરાણે વંચાવ્યું હતું જેનું પરિણામ એ આવ્યું કે રજનીશ અને તેમના પિતા વચ્ચેનું અંતર ઘટી ગયું અને બંને નજીક આવી ગયા. બંને પિતા-પુત્ર મટીને મિત્ર બની ગયા !!
આગળ જતાં રજનીશનો પુસ્તકપ્રેમ ખતમ થવાની વાત તો દૂર પણ ઘટ્યો પણ નહિ. હાઈસ્કૂલના દિવસોથી તો તેમણે પુસ્તકોનો સંગ્રહ કરવાનું શરુ કરી દીધું. અને અંતે તો તેઓ લાખ્ખો પુસ્તકોના માલિક બની ગયા. આજે પણ તેમનું અંગત પુસ્તકાલય એક જોવાલાયક સંગ્રહાલય છે. જ્યાં સંખ્યાબંધ વિષયો પર અગણિત પુસ્તકો છે. એવું નથી કે રજનીશ વિચારક હતા એટલે તેમણે માત્ર સૉક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને રસેલ જેવા મહાન લેખકોનાં જ પુસ્તકો વાંચ્યાં. તેમના વ્યાખ્યાનમાં તેઓ વૈદિક સાહિત્યથી લઈને નવા નવા લેખકોની રચનાનાં ઉદાહરણ આપતા હતા. તેમના વાંચન ક્ષેત્રની પકડમાંથી ભાગ્યે જ કોઈ બચ્યું હશે. આવી જ સ્થિતિ વિદેશી સાહિત્યની પણ હતી. કહેવાય છે કે રજનીશ માત્ર ત્રણ કામ કરતા હતાં. કાં તો પ્રવચન આપતા હતા અથવા તો સુતા હતા પણ સુવાનો સમય ઓછો રહેતો હતો. દમ અને એલર્જીને કારણે તેઓ લાંબો સમય સુઈ શકતા ન હતા અથવા તો વાંચન કરતા હતા. તેઓ એક આરામખુરશી પર લંબાવીને બસ વાંચન જ કરતા હતા. રજનીશના આ વાંચનની અસર તેમના પ્રવચન પર પણ દેખાઈ આવતી હતી.
રજનીશે અમેરિકાના પ્રવાસ દરમિયાન પોતાના ઘરે જ પોતાના દાંતની સારવાર કરાવી હતી. તેમના અંગત ડેન્ટિસ્ટ હતા ડૉ. દેવગીત, પણ રજનીશના દાંતના ડૉક્ટર હોવું આસાન ન હતું. કેમ કે સારવાર માટે ખુરશી પર બેસતાં જ તેમણે બોલવાનું શરૂ કરી દીધું હતું. આ દરમ્યાન જ તેમણે ત્રણ પુસ્તકો ‘બોલી’ નાખ્યાં હતા. ત્રીજા પુસ્તકનું નામ હતું ‘બુક્સ આઈ હેવ લવ”. આ પુસ્તકમાં રજનીશે પોતાનાં ૧૭૬ પ્રિય પુસ્તકોની વાત કરી છે. અહીં રસપ્રદ બાબત એ છે કે, રજનીશ આ પુસ્તકો વિશ્વવિદ્યાલયને સોંપી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના સેક્રેટરીને કહ્યું હતું કે, “આ હજારોમાંથી એક પુસ્તક સાથે લઈ લો.” આ એક માત્ર પુસ્તકના લેખકનું નામ હતું ખલીલ જીબ્રાન અને એ પુસ્તકનું નામ હતું ‘ધ પ્રોફેટ.’
૧૯મી સદીના અંતમાં જે ઘટના દયાનંદ સરસ્વતી સાથે બની હતી લગભગ એવી જ ઘટના રજનીશ સાથે પણ બની હતી. એ ખબર નથી કે આ કોઈ સંયોગ હતો કે નહીં. એમ પણ કહેવાય છે કે એક જડ વાચક હોવાને કારણે રજનીશે કદાચ આ પ્રંસગ કયારેક વાંચી લીધો હશે પણ એ સમયમાં તો રજનીશને અક્ષરજ્ઞાનનાં પણ ફાંફાં હતાં. આ ઘટના પોતાના પિતાને એ પુરાવો આપવાની ઘટના છે કે ભગવાન જેવી કોઈ ચીજ હોતી જ નથી. આ પ્રસગને રજનીશના જ શબ્દોમાં વાંચવાની મજા જ કાંઈક અલગ રહેશે.
“અમે શાળાએ પહોંચ્યા તો શિક્ષક ભણાવી રહયા હતા કે મહાવીર આ ગુણોથી સંપન્ન હતા. તેઓ સર્વશક્તિમાન, સર્વાંગ, સંર્પૂણ શકિતશાળી, બધું જ જાણનારા તથા સર્વવ્યાપી એટલે કે દરેક જગ્યાએ ઉપસ્થિત રહેનારા હતા. મેં કહ્યું કે, તમે સાંભળી લીધું, હવે તમે મારી સાથે મંદિરે આવો, હું તમને પુરાવો આપુ કે, મેં શું કર્યુ હતું. મેં મહાવીરની મૂર્તિના માથા ઉપર એક લાડુ મૂકી દીધો. સ્વાભાવિક છે કે, બે ઉંદર મહાવીરની મૂર્તિના માથા ઉપર બેસીને લાડુ ખાઈ રહ્યા હતા. મેં કહ્યું હતું કે, આ તમારા સર્વશક્તિમાન મહાવીર છે. એ બંને ઉંદર મહાવીરની મૂર્તિ ઉપર પેશાબ કરતા હતા. આ મૂર્તિ છે. આ ફક્ત મહાવીર છે જેને હું ઓળખું છું, તમે ઓળખો છો. એ શિક્ષકો જાણે છે અને જો તે સર્વવ્યાપી છે તો ચોકકસપણે આ પણ હશે અને આ ઉંદરોને જોઈ રહ્યા હશે જે તેમની મૂર્તિ સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે, હવે તમે મને એ પુરવાર કરી આપો કે, આ વ્યકિત સર્વવ્યાપી છે. તેઓ હશે સર્વવ્યાપી પણ હું તેમની શા માટે પરવા કરું? (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Aug 11, 2025 | Uncategorized, સ્વૈર વિહાર - મધુવન |

રજનીશજી કહે છે કે, “પાગલ બાબાની સાથે જ મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતા–ઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”
એક રોચક વાત જાણવાથી આશ્ચર્ય થશે.
જીસસ અને મોઝેઝ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસનને પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધા અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. આ અંગે રજનીશ કહે છે. “હું પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યા.”
મગ્ગા બાબા પછી અન્ય એક વિલક્ષણ વ્યક્તિએ રજનીશના જીવનમાં આગમન કર્યું તે હતા પગલા બાબા (પાગલ બાબા). તેઓ ખરેખર પાગલ જ હતા. તેઓ રજનીશને મળ્યા તે ઘટના પણ ઘણી વિચિત્ર હતી અને તે માટે નિમિત્ત બની હતી એ સાકર નદી જેમાં રજનીશ કલાકો સુધી તરતા રહેતા હતા.
એક દિવસ તેઓ નદીમાં તરતા હતા એવામાં પાગલ બાબા ત્યાંથી પસાર થયા અને રજનીશને જોઈને તેમણે નદીમાં છલાંગ લગાવી દીધી અને બંને સાથે સાથે તરવા લાગ્યા. એ વખતે પાગલ બાબા ઘરડા હતા અને રજનીશની ઉંમર ૧૨ વર્ષ જ હતી. પાગલ બાબા થાકી ગયા તો તેમણે કહેવું પડ્યું કે,આપણે અહીં જ અટકી જઈએ. રજનીશ તો થાકે તેમ જ ન હતા. રજનીશ ૧૨ વર્ષના હતા એટલા માટે નહીં પણ એટલા માટે કે, તે તો આ નદીની માછલી જ હતા.!!
પાગલ બાબા તેમના ગામમાં આંધીની માફક આવતા હતા અને ૧૨ વર્ષના આ છોકરાને લઈને ચાલવા માંડતા. રજનીશનાં નાની કે તેમનાં માતા-પિતા પાગલ બાબાને આમ કરતાં રોકી શકતાં ન હતાં. હકીકત તો એ હતી કે તેઓ રોકાવા પણ માગતાં ન હતાં, કેમ કે તેમને ખાતરી હતી કે પાગલ બાબા પાસે તેમનો પુત્ર સુરક્ષિત હતો, સલામત હતો.
રજનીશના જીવનમાં પાગલ બાબાની બે ભૂમિકા રહી છે. પહેલી તો એ કે તેમણે આ પાગલ બાબા સાથે ઘણાં સ્થાનોની મુલાકાત લીધી અને તેઓ ઘણા મોટા કલાકારો અને સંગીતકારોને મળી શક્યા. રજનીશના જ શબ્દોમાં, “તેમની સાથે જ મેં પહેલીવાર તાજમહેલ નિહાળ્યો કે અજંતા–ઇલોરાની ગુફા નિહાળી. હું તેમનો ઋણી છું.”
પાગલ બાબાનું બીજું યોગદાન હતું મસ્તી બાબા સાથે રજનીશની ઓળખાણ કરાવવી. પાગલ બાબા તેમના જીવનમાં અંતિમ દિવસોમાં થોડા ચિંતિત રહેવા માંડ્યા હતા અને રજનીશને એમ લાગવા માંડ્યું હતું કે, તેઓ ઘણી વ્યાકુળતાથી કોઈની રાહ જોઈ રહ્યા છે. આ વાત સાચી પણ હતી, કેમ કે તેઓ ખરેખર કોઈની રાહ જોતા હતા અને તે હતા મસ્તો બાબા એટલે કે મસ્તી બાબા. હકીકતમાં પાગલ બાબાને પોતાના જીવનના અંતનો આભાસ થઈ ગયો હતો અને તેઓ ઈચ્છતા હતા કે, મૃત્યુ અગાઉ તેઓ રજનીશને મસ્તી બાબાના હાથમાં સોંપી જાય. તેઓ આમ કરવાનું કેમ ઇચ્છતા હતા? આ અંગે પાગલ બાબાનું કહેવું હતું કે, “એવી પ્રથા છે કે કોઈ બાળક બુદ્ધત્વ પ્રાપ્ત કરવાનો હોય તો ઓછામાં ઓછા ત્રણ બુદ્ધ પુરુષ દ્વારા બાળપણમાં જ તેને માન્યતા મળી હોવી જોઈએ.” મગ્ગા બાબા પ્રથમ બુદ્ધ પુરુષ હતા જેમણે રજનીશના બુદ્ધત્ત્વને પારખી લીધું. પાગલ બાબા બીજા હતા અને હવે ત્રીજાની રાહ જોવાતી હતી જે હતા મસ્તી બાબા.
પાગલ બાબા આ દુનિયામાંથી વિદાય લે તે પહેલાં મસ્તી બાબા પહોંચી ગયા અને પાગલ બાબાએ રજનીશ સાથે તેમની ઓળખાણ કરાવતાં કહ્યું કે, “આ છોકરો (રજનીશ) મારે માટે સર્વસ્વ છે. કદાચ હું જે કરવા માંગું છુ તે આ કરી શકશે. તું તેના ચરણ સ્પર્શ કર. હું રાહ જોઈ રહ્યો હતો જેથી હું તારી ઓળખાણ કરાવી શકું.” અને આ સાથે ૩૫ વર્ષના એ મસ્તી બાબાએ ખરેખર રજનીશના ચરણસ્પર્શ કરી લીધા અને ભવિષ્યમાં પણ આમ કરતા રહ્યા.
મસ્તી બાબા યુવાન હતા અને ઘણા તેજસ્વી હતા. તેમનું વ્યક્તિત્ત્વ મહાન અને પ્રભાવશાળી હતું. બંને વચ્ચે ઉંમરમાં ૨૦ વર્ષનું અંતર હોવા છતાં બંનેનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહ્યો, કેમ કે ઉંમરનું અંતર રજનીશ માટે ક્યારેય મહત્ત્વનું રહ્યું ન હતું. જે બાળકની પોતાની નાની અને પોતાનાથી ૩૫ વર્ષ મોટા શંભુ બાબુ સાથે મિત્રતા રહી હોય તેની સરખામણીએ તો મસ્તી બાબા યુવાન હતા.
આ એ સમયની વાત છે જ્યારે રજનીશ માત્ર ૨૦ વર્ષના હતા. તેઓ મસ્તી બાબા સાથે વડાપ્રધાનના નિવાસ ત્રિમૂર્તિ ભવન ખાતે પંડિત નહેરૂને મળવા ગયા. પોતાનો વારો આવે તેની રાહ જોતા એક કેબિનેટ પ્રધાન પણ ત્યાં બેઠા હતા. હવે પછીની વાત રજનીશના જ શબ્દોમાં, “અમે અંદર ગયા અને ત્યાં પાંચ મિનિટને બદલે દોઢ કલાક સુધી રોકાયા. મસ્તી બાબાને વડાપ્રધાન સહિત બધા ઓળખે એટલે તેમને વડાપ્રધાને પહેલાં બોલાવી લીધા. આમ અમે દોઢ કલાક સુધી રોકાયા અને બહાર મોરારજી દેસાઇએ રાહ જોવી પડી. તેમના માટે આ સહન કરવું મુશ્કેલ હતું. તેમના મળવાના સમયે એક સાધુ અને એક નવયુવાન પહેલેથી ઘૂસી ગયા હતા જેને કારણે તેમને ૯૦ મિનિટ બહાર રાહ જોવી પડી.” ઉલ્લેખનીય છે કે રજનીશે પોતાના જીવનમાં જે રાજકારણીઓનો વિરોધ કરવો પડ્યો તેમાં મોરારજી દેસાઈનું નામ મોખરે હતું. મોરારજીભાઈ દેસાઈ આજીવન રજનીશના વિરોધી રહ્યા અને રજનીશ પણ ખુલ્લેઆમ મોરારજી દેસાઈની નીતિઓની ટીકા કરતા રહ્યા. ઈ.સ. ૧૯૭૭થી ૧૯૭૯ સુધી મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન હતા અને આ ગાળો રજનીશ માટે અપેક્ષાકૃત કપરો સમય રહ્યો, પરંતુ વડાપ્રધાનનો મજબૂત હોદ્દો પણ રજનીશને તેમનો વિરોધ કરતાં રોકી શક્યો નહીં પણ તે અગાઉ કરતાં પણ કટ્ટર વિરોધી બની ગયા. રજનીશનું માનવું છે કે, “ત્રિમૂર્તિ ભવનની મુલાકાતના એ દિવસથી જ તેઓ મારા દુશ્મન બની ગયા.”
હવે આપણે ફરીથી રજનીશનું એક વક્તવ્ય જોઈએ જે તેમણે પંડિત નહેરુ સાથેની મુલાકાત અંગે આપ્યું છે, “જીવનમાં પહેલીવાર હું આશ્ચર્યચક્તિ થઈ ગયો, કેમ કે હું તો ત્યાં એક રાજકારણીને મળવા ગયો હતો અને હું જેને મળ્યો તે રાજકારણી નહીં પણ કવિ હતા. જવાહરલાલ નહેરુ રાજકારણી ન હતા. અફસોસ છે કે તેઓ પોતાનાં સપનાં સાકાર કરી શક્યા નહીં. તેઓ ખરેખર મહાન હતા. તેઓ એક યુવાનને બહાર સુધી મૂકવા આવ્યા, જેની જરૂર ન હતી અને પછી હું કારમાં બેઠો એટલે તેમણે જાતે જ કારનો દરવાજો બંધ કર્યો તથા કાર રવાના થઇ નહીં ત્યાં સુધી પોતાની જગ્યાએ જ ઊભા રહ્યા અને બિચારા મોરારાજી દેસાઈ આ બધું જોતા હતા. તે તો કાર્ટુન છે, પરંતુ આ કાર્ટુન હંમેશાં માટે મારો દુશ્મન બની ગયો. તેમણે મને નુકસાન કરવાના ભરપૂર પ્રયાસ કર્યા પણ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહીં.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Aug 3, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”… મગ્ગા બાબા
ઓશો હોય છતાં ન હોય !! …એવું તે બને ?? હા, અવશ્ય બને, ઓશોના કિસ્સામાં બને જ.. એક વાર માતા તેની પાસે આવી અને કહ્યું કે, મને ઘરમાં કોઈ દેખાતું નથી. કોઈ વ્યક્તિ એવી જોઈએ જે બજારમાં જઈને શાકભાજી લાવી આપે.’ તેમની સામે બેઠેલા રજનીશે કહ્યું “મને કોઈ દેખાશે તો જાણ કરી દઈશ.” હવે વિચારીએ કે ૧૦-૧૧ વર્ષનું બાળક માતાને આવો જવાબ આપે તો માતા શું કરે.?? માતા તેમને શાક લેવા મોકલે તો સાંજે આવીને કહે કે, હું ભૂલી ગયો અથવા તો મંગાવે કાંઇક અને લાવે કાંઈક તેવો ઘાટ થતો હતો. આ સંજોગોમાં માતાએ રજનીશ અંગે એવું તારણ કાઢ્યું હતું કે, “એમાં તારો દોષ નથી. દોષ અમારો છે. આખો દિવસ અમે રાહ જોતા રહ્યા. અમારે તને કોઈ કામ સોંપવું જોઈએ નહીં.” રજનીશની માતાએ આ તારણને પોતાના વ્યવહારમાં અમલી બનાવ્યું. બીજી તરફ રજનીશે એવું તારણ કાઢયું કે, “મારી હાજરીને ગેરહાજરી માની લેવામાં આવી. હું જેવો છું તેવો તેનાથી કોઈ ફરક પડતો ન હતો.
રજનીશને બાબુનો સંપર્ક થયો. તે શાળામાં ગણિતના શિક્ષક હતા. જેમનું સાચું નામ તો ખબર નથી પણ બધા તેમને કંટર માસ્ટર કહેતા હતા. તેઓ તમામ બાળકને નિર્દયતાપૂર્વક ફટકારતા હતા અને મજાની વાત તો એ હતી કે આટલી બધી ફરિયાદ છતાં વાલીઓ તેમની વિરુદ્ધમાં એક શબ્દ પણ બોલી શકતા ન હતા. તેઓ ઘણા સિનિયર હતા અને આજે જેઓ વાલી બની ચૂક્યા હતા તેઓ એક જમાનામાં કંટર માસ્ટરના વિદ્યાર્થી રહી ચૂક્યા હતા. આ સંબંધને કારણે વાલીઓ ચુપ હતા. તેમના વિદ્યાર્થી ના હોય તેવા વાલીઓ એટલે ડરતા હતા કે કંટર માસ્ટર અંગે ફરિયાદ કરશે તો તેઓ પોતાના બાળકને નાપાસ કરશે. તેમની આ તાકાત સામે ત્યાંના પોલીસ કમિશનર પણ ડરતા હતા અને વિચારતા હતા કે, કદાચ મારા બાળકોને નાપાસ ના કરી દે.
કંટર માસ્ટર ગણિત શીખવતા હતા અને રજનીશનું ધ્યાન બારીની બહાર હતું. કંટર માસ્ટર ભડક્યા અને રજનીશને ઊભા કરીને પૂછ્યું. “હું ગણિત ભણાવું છું તો તું બારીની બહાર કેમ જોઈ રહ્યો છે ?” હવે આઠ-નવ વર્ષના બાળકનો જવાબ સાંભળો. “ગણિત સાંભળવા માટે છે, જોવા માટે નથી. હું તમારો સુંદર ચહેરો જોવા માંગતો નથી. હું તેનાથી બચવા માટે બારીની બહાર જોઈ રહ્યો છું.ગણિતનો સવાલ છે ત્યાં સુધી તમે મને ગમે તે પૂછી શકો છો. મેં સાંભળ્યું પણ છે અને હું સમજ્યો પણ છું.”
કંટર માસ્ટરે પૂછવાનું શરૂ કર્યું અને તેમના આશ્ચર્ય વચ્ચે તેમના દરેક પ્રશ્નનો ઉત્તર તેમને મળવા માંડ્યો. આમ છતાં તેમણે કહ્યું “તું સાચો જવાબ આપ કે ખોટો પણ હું તને સજા કરીશ, કેમ કે શિક્ષક ભણાવતા હોય ત્યારે બારીની બહાર જોઈ શકાય નહીં.” તેમણે રજનીશને સજા કરી અને એ પણ કડક સજા. રજનીશ સહન કરી શક્યા નહીં અને તેમણે નિર્ણય લીધો કે, કંટર માસ્ટરને આ માટે પરિણામ ભોગવવું પડશે. તેમની ફરિયાદ કરવા રજનીશ હેડ માસ્તર પાસે ગયા તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે, કંટર માસ્ટર સૌથી સિનિયર હોવાથી તેમની સામે કોઈ પગલાં ભરાશે નહીં. આમ છતાં રજનીશે પિતાને વાત કરી તો જવાબ મળ્યો કે “તું નાહકની પરેશાની ઊભી કરી રહ્યો છે.” હવે રજનીશ પોલીસ કમિશનર પાસે ગયા તો તેમણે પણ લાચારી દાખવી કે, કદાચ તેઓ મારા પુત્રોને નાપાસ કરી દેશે. આ શાળા નગરપાલિકાની હતી એટલે તેઓ ત્યાં ગયા તો નગરપાલિકાના પ્રમુખ તો સાવ બેકાર નીકળ્યા. અંતે તેઓ નગરપાલિકાના ઉપપ્રમુખ પંડિત શંભુ રતન દૂબે પાસે ગયા જેમની પાસેથી તેમને સમસ્યાનો ઉકેલ મળવાનો હતો અને તેઓ એવી પહેલી વ્યક્તિને મળવાના હતા જે તેમની મિત્ર હોય.
સમગ્ર વાત સાંભળીને શંભુ રતન દૂબેએ રજનીશનો હાથ પકડીને કહ્યું કે, “હું હંમેશાં વિદ્રોહી વ્યક્તિને પ્રેમ કરું છું પણ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તારી ઉંમરનો બાળક વિદ્રોહી બની શકે. હું તને અભિનંદન આપું છું.” બંને મિત્રો બની ગયા. એક અનોખી જોડીની મિત્રતા. આ મિત્રતા શંભુ બાબુના નિધન સુધી ચાલી. શંભુ બાબુએ પોતાનું વચન પાળ્યું કેમ કે તેમના માટે આમ કરવું આસાન હતું. કંટર માસ્તરની નિવૃત્તિમાં એક મહિનો બાકી હતો અને તેમણે આ સમયગાળો લંબાવવા માટે અરજી કરી હતી. યોગાનુયોગે આ અરજી શંભુ બાબુ પાસે હતી અને તેને મંજૂર કરવી કે નહીં એ બાબત તેમના અધિકારક્ષેત્રમાં આવતી હતી. તેમણે અરજી નામંજૂર કરી દીધી અને કંટર માસ્તરને રજા પર ઉતારી દીધા. બીજા દિવસે રજનીશ તેમની શાળામાં હીરો બની ગયા. આથી લોકોએ પણ તેમનો આદર કરવા માંડ્યો.
બાળપણથી જ રજનીશને ઉટપટાંગ વાતોમાં રસ હોવાને કારણે ઝડપી અને રહસ્યમય લોકો સાથે સંપર્ક વધારવાની તેમને લાલચ રહી છે જે સ્વાભાવિક છે આમ તો તેઓ આવા ઘણા ગૂઢ સંપ્રદાયોના સંપર્કમાં આવ્યા પણ તેમાં ત્રણ લોકોનો – ઉલ્લેખ ખાસ કરવામાં આવે છે. આ ઉલ્લેખ ઘણી શ્રદ્ધા સાથે વિસ્તારપૂર્વક કરવામાં આવ્યો છે. તેમાં પહેલી વ્યક્તિ હતા મગ્ગા બાબા.
મગ્ગાનો અર્થ થાય છે મોટો જગ. તેઓ પોતાના હાથમાં મોટો જગ (મગ્ગા) રાખતા હતા. આ જગ જ તેમની મિલકત-મૂડી અને સર્વસ્વ હતું. તેથી તેમનું નામ મગ્ગા બાબા પડી ગયું. એ જમાનામાં તમામ સાધુ સંતોનાં નામ તેમની કોઈ ને કોઈ વિશેષતા પરથી પડી જતું હતું. જેમ કે કાળો ધાબળો ઓઢનારા બાબાનું નામ કાલી કમલી વાલે બાબા. લીંબડાના (નીમ) ઝાડ નીચે રહેતા બાબાનું નામ નીમ બાબા. એક પગ ઉપર ઊભા રહેતા બાબાનું નામ ખડા બાબા વગેરે વગેરે…
તો તેમનું નામ હતું મગ્ગા બાબા. તેમની સામે કોઈ આવે એટલે તેઓ જગ ધરી દેતા. તેનો અર્થ એ ન હતો કે તેઓ લાલચુ હતા. તેઓ એક પાસેથી લઈને બીજાને આપી દેતા હતા. તેમાં પૈસા આવતા-જતા રહેતા હતા. તેમનો જગ હંમેશાં ખાલી રહેતો અને તેમને વારંવાર આ જગ સાફ કરતાં રજનીશે જોયા હતા. તેઓ ક્યાંથી આવ્યા અને તેમની જાતિ કઈ હતી તેની કોઈને ખબર ન હતી. એટલું જ કે એક દિવસ તેઓ ગામમાં આવ્યા અને લોકો તેમનાથી આફરીન થઈ ગયા. મોટાભાગે તેઓ મૂંગા રહેતા અને લોકો તેમને વધારે પરેશાન કરે તો અસ્પષ્ટ અવાજ કાઢતા હતા. આખો દિવસ લોકોની ભીડ જમા રહેતી હતી. આવામાં રજનીશ રાત્રે બે-ત્રણ વાગે તેમની પાસે જતા હતા, કેમ કે એ વખતે જ તેમને એકલા મળી શકાતું. રજનીશને તેમની વાત એટલે ગમતી હતી કે, તેઓ સુંદર હતા અને જીવંત હતા. રજનીશે પોતાની ઉપર મગ્ગા બાબાના પ્રભાવને આ શબ્દોમાં વ્યક્ત કર્યો છે. “તેઓ પહેલી વ્યક્તિ હતા જેમણે મને કહયું હતું કે, જીવન દેખાય છે તેના કરતાં ઘણું વધારે છે. આથી દેખાય છે તેના વિશે કોઈ નિર્ણય કરવો નહીં, પણ ઊંડી ખીણમાં જાઓ જ્યાં જીવનનાં મૂળિયાં છે. તેમણે મને ઘણો સહકાર આપ્યો. તેમણે ક્યારેય કોઈ આદેશ કર્યો નથી. તેમની હાજરીથી જ મારામાં છૂપાયેલી અજ્ઞાત શક્તિઓ જાગી ગઈ. હું મગ્ગા બાબાનો ઘણો આભારી છું.”
રજનીશને ખુદને આશ્ચર્ય થતું હતું કે, “મગ્ગા બાબા શા માટે તેને આટલો પ્રેમ કરતા હતા. બંનેની ઉંમરમાં ઘણો ફરક હતો. તેમના માટે એટલું પૂરતું હતું કે, તેમને ઘણી અદ્ભુત વ્યક્તિઓનો પ્રેમ મળ્યો અને રજનીશની આ યાદીમાં મગ્ગા બાબા ‘પ્રથમ’ હતા.
મગ્ગા બાબા ઉટપટાંગ અને ઓઘડ પ્રકારના વ્યક્તિ હતા. જે કદાચ રજનીશના વ્યક્તિત્ત્વ સાથે મેળ ખાતો હતો. રજનીશ ઉપર તેમનો ઘણો પ્રભાવ હતો. મગ્ગા બાબાની સૌથી મોટી વિશેષતા એ હતી કે, તેઓ ક્યારેય બોલતા ન હતા. ક્યારેક બોલે તો કાંઇક ઉટપટાંગ બોલતા હતા જે કોઈની સમજમાં આવતું ન હતું. તેઓ અડલ, ફડલ, શડલ આવા આવા શબ્દો બોલતા હતા. તેઓ ફક્ત રજનીશ સાથે જ વાતચીત કરતા હતા અને રજનીશ તેમને મળવા દરરોજ રાત્રે એક લીમડાના ઝાડ નીચે જતા હતા. મગ્ગા બાબા આ જગ્યાએ રાત્રે સૂતા હતા. તેઓ એક વખત દિવસે અને એક દિવસ રાત્રે તેમની પાસે જતા હતા. રજનીશ ક્યારેય મગ્ગા બાબાને મળવાથી પોતાની જાતને રોકી શકતા ન હતા. તેઓ બીમાર હોય તો પણ મળવા જતા હતા. રજનીશને ત્યાં આધ્યાત્મિકતાનો ખોરાક મળતો હતો. તેમણે ખુદે કબૂલ્યું હતું કે, “બાબાની હાજરીમાં જ મારી અંદરની અજ્ઞાત શક્તિઓ ખીલે છે.”
એક દિવસ ઓચિંતા જ કોઈએ આવીને ઓશોના ઘરનો દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે, મગ્ગા બાબાએ રજનીશને બોલાવ્યા છે. અડધી રાત્રે અને એ પણ મગ્ગા બાબા જેવી પાગલ વ્યક્તિએ રજનીશને બોલાવ્યા છે તે સાંભળીને રજનીશના પિતા ચિંતામાં પડી ગયા, પણ રજનીશ ક્યાં કોઈનું માને તેમ હતા. રજનીશ તો દોડતા દોડતા ત્યાં પહોંચી ગયા અને મગ્ગા બાબાની વાત સાંભળીને ચોંકી ગયા. બાબા કહી રહ્યા હતા કે “આ મારી અહીં અંતિમ રાત છે. કદાચ હું કાયમ માટે જઈ રહ્યો છું. તારા સિવાય એવું કોઈ નથી જેની હું વિદાય લઈ શકું.” તેમણે રજનીશને વહાલથી ગળે વળગાડ્યો અને તેમના માથા પર વહાલથી ચુંબન કરતાં પોતાના છેલ્લા શબ્દો કહીને હંમેશાં માટે વિદાય લઈ લીધી કે, “હું કદાચ તને ફૂલ બનીને ખીલતાં જોઈ શકીશ નહીં, પણ મારા આશીર્વાદ તારી સાથે છે.”
મગ્ગા બાબાએ વિદાય લેતાં લેતાં કહ્યું કે, તેઓ હિમાલય તરફ જઈ રહ્યા છે. એક વખત રજનીશ હિમાલયની યાત્રાએ હતા ત્યારે મગ્ગા બાબાની કબર હતી તે સ્થળે પહોંચી ગયા હતા. રજનીશ દંગ રહી ગયા કે, મગ્ગા બાબાની કબરની સાથે અન્ય બે વ્યક્તિની કબર હતી. મોઝેઝ અને જીસસ. રજનીશનું માનવું હતું કે, આ બંને મહાન આધ્યાત્મિક પુરુષોને પણ હિમાલયમાં જ દફન કરાયા હતા. જીસસ પોતાના પ્રિય શિષ્ય થોમસ સાથે કાશ્મીર ગયા ત્યારે તેમણે થોમસને પોતાના વિચારોના ફેલાવા માટે, વ્યાપ માટે ભારતમાં અન્ય સ્થળે મોકલી દીધો અને પોતે કાશ્મીરમાં મોઝેઝની કબર પાસે રોકાઈ ગયા અને જીવન પર્યંત ત્યાં જ રહ્યા. આ ગામનું નામ પહેલગામ છે અને પહેલગામમાં જ મગ્ગા બાબાની કબર છે. ‘આ અંગે રજનીશ કહે છે, “હું પહેલગામમાં હતો ત્યારે મને આ વિચિત્ર તાણા-વાણાના સમાચાર મળ્યા જે મોઝેઝથી શરૂ થઈને જીસસ અને મગ્ગા બાબાના માધ્યમથી મારા સુધી પહોંચ્યો.”(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 27, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“હું તેમને ‘મા’ કહી જ શકું નહીં, કેમ કે આમ કરવું તે એક રીતે મારી મૃત નાની પ્રત્યે વિશ્વાસઘાત કહેવાશે.”….ઓશો
રજનીશ પણ ક્યારેક એ પૈતૃક મંદિરમાં જતા હતા જ્યાં તેમના નાના જતા હતા પરંતુ તેમના નાના સાથે નહીં, પણ મંદિર બંધ હોય ત્યારે કારણ કે, એ વખતે તેઓ મંદિરમાં લગાવેલ ફાનસના કાચ કાઢી લેતા હતા. ધીમે ધીમે તેમણે મંદિરની તમામ ફાનસના કાચ કાઢી લીધા. લોકોએ તેમના નાનાને આ વાતની ફરિયાદ કરી તો આ કામને અધર્મ અને અનૈતિક માનીને રજનીશને ધમકાવવાને બદલે તેમના નાનાએ રજનીશની તરફેણ કરીને લોકોને કહ્યું કે “તો શું થઈ ગયું ?” આ ફાનસ મેં તો દાનમાં આપ્યાં છે. બીજાં ફાનસ આપી દઈશ. તે ચોરી નથી કરતો, આ તો તેના નાનાની જ મિલકત છે. આ મંદિર મેં તો બંધાવ્યું છે.” એ દિવસ પછી લોકોની સાથે સાથે પૂજારીએ પણ ફરિયાદ કરવાનું બંધ કરી દીધું, કેમ કે મંદિર ભલે કોઈ ભગવાનના નામથી જાણીતું હોય પણ તેના ભૌતિક માલિક તો રજનીશના નાના જ હતા ને? આ ઘટનાને રજનીશ પોતાના જીવનની મહત્ત્વપૂર્ણ ઘટના માને છે અને કહે છે “આ રીતે મેં ધામિર્કતા શીખી.” એમ કહેવું ખોટું નથી કે રજનીશના ભાવિ વિચારોમાં આ ઘટનાઓની ઝલક મેળવવા માટે ખાસ મહેનત કરવાની જરૂર નથી.
નાના સાથે સંકળાયેલી રજનીશની એક અન્ય મહત્ત્વની ઘટના તેમના નાનાનું નિધન. યોગાનુયોગ તેમનું નિધન રજનીશના ખોળામાં જ થયું હતું. નાના અચાનક બીમાર પડ્યા અને તેમને શહેરમાં લઈ જવા પડ્યા. એ વખતનું કોઈપણ શહેર કુચવાડાથી ૫૦ કિલોમીટરથી નજીક ન હતું. મોટરકાર તો હતી જ નહીં. એક માત્ર વાહન એટલે બળદગાડું. જેમાં તેમને શહેર લઈ જવાયા. એ પ્રવાસમાં ચાર વ્યક્તિ હતી. નાના-નાની, સાત વર્ષનો રજનીશ અને તેમનો નોકર ભૂરો જે રજનીશનો બોડીગાર્ડ પણ હતો.
વાતચીત જે આ સાત વર્ષના બાળકના મનમાં વસી જ નહીં પરંતુ જીવન અને મૃત્યુના દર્શનનો પાયો બની ગઈ. રજનીશના નાનાને ખ્યાલ આવી ગયો હતો કે મૃત્યુ નજીકમાં છે. આમ છતાં તેમના છેલ્લા શબ્દો હતા. “ચિંતા ના કરતો, કેમ કે હું મરી રહ્યો નથી.” અને હકીકત એ છે કે જે જીવન—મૃત્યુના અનંતચક્રને સમજે છે તે દરેક મૃત્યુ વખતે જાહેર કરે છે કે “હું મરી રહ્યો નથી.” મૃત્યુ શૈયા પર સૂતેલા નાનાએ રજનીશને વારંવાર આ જ કહ્યું કે “ચક્રને રોકો, ચક્રને રોકો” આ ચક્ર શું હતું ? આ ચક્ર એ બળદગાડીના પૈડાં ન હતાં જેમાં તેઓ શહેરમાં જઈ રહ્યા હતા. એ તો જીવનની ગાડીનાં પૈડાં હતાં. તેમના નાના જાણી ગયા હતા કે જીવનના ચક્રને રોકી શકાય તેમ નથી. તેને રોકવાનો અર્થ થયો મોક્ષ પ્રાપ્ત કરવો. જે સામાન્ય વાત ન હતી. મૃત્યુ તો માત્ર આ જીવનની સમાપ્તિ અને અન્ય જીવનની શરૂઆત હતી. આ ચક્ર તો ચાલતું જ રહેશે.
‘આ ચક્રને રોકો’ વાક્યનો ઊંડો પ્રભાવ રજનીશ ઉપર પડ્યો. પરિણામે પુનર્જન્મ તેમના વિચારોનું કેન્દ્રસ્થાન બની ગયો. તેમણે પોતાના પુનર્જન્મની વાત કરી અને બીજાને પણ કર્મના સંદર્ભમાં પુનર્જન્મની સત્યતા સમજાવી. તેમણે સ્પષ્ટ રીતે સમજાવ્યું કે, મૃત્યુ પછી આત્મા પોતાના માટે યોગ્ય ગર્ભની રાહ જુએ છે. યોગ્ય ગર્ભ મળતાં જ તે જન્મ લઇ લે છે. મૃત્યુ વખતે વ્યક્તિની અંદર જેવો ભાવ હોય છે તેવા જ ભાવને અનુરૂપ તેને આગલો જન્મ પ્રાપ્ત થાય છે.
પોતાના નાનાના મૃત્યુ અંગે રજનીશે હૃદયને સ્પર્શી જાય તેવી માર્મિક વાત કરી છે. બળદગાડું નદીના પટમાંથી પસાર થઈને ગાડરવાડા તરફ જઈ રહ્યું હતું. કુદરત શાંત છે અને તેમાં બેઠેલા ચારેય જણા પણ શાંત છે. કોઈ કાંઈ બોલતું નથી. એવી નીરવ શાંતિ હતી જેને સહન કરવી આસાન ન હતી. આવી સ્થિતિમાં બાળકે તેના નાનાને કહ્યું, “કાંઈક તો બોલો, ચૂપ ન રહો, સહન થતું નથી.” એ પછી તેમના નાનાએ શું કર્યું ? આવો રજનીશના શબ્દોમાં જાણીએ “શું આપણે વિશ્વાસ કરી શકીએ છીએ ? તેમણે એક ગીત ગાયું કે ‘મૃત્યુનો ઉત્સવ કેવી રીતે મનાવાય.’ આ મેં તેમની પાસેથી જ શીખ્યું. તેમણે એ જ ગીત ગાયું જે તેમણે પહેલીવાર નાની સાથે પ્રેમ થયો ત્યારે ગાયું હતું.”
બાળપણથી જ રજનીશ જે રીતે આખાબોલા હતા તેને સહન કરવું કોઈપણ વડીલ માટે આસાન ન હતું. દાખલા તરીકે તેઓ ક્યારેક દાદાના પગે માલિશ કરી આપતા હતા પરંતુ કોઈ બાળક માટે આમ કહેવું ઉદંડતા જ કહેવાશે કે આમ કરીને હું જવાબદારી નથી નિભાવતો અને આ જગતમાં મારી કોઈ માટે કોઈ જવાબદારી નથી. હું તમારા પગની માલિશ કરીશ પણ મને કોઈ તકલીફ નહીં પડે ત્યાં સુધી જ હું માલિશ કરીશ. હું અટકી જાઉં તો હજી થોડી વાર માલિશ કર તેમ ના કહેતા, હું નહીં કરું. હું પ્રેમથી આમ કરી રહ્યો છું. તમે મારા દાદા છો એટલે નથી કરતો. આવું તો હું કોઈ ભિખારી માટે કે કોઈ અજાણ્યા માટે પણ કરતો પરંતુ પ્રેમથી જ કરતો અથવા પ્રેમથી પ્રભાવિત થઈને કરતો.” તેના ઘરડા દાદાએ રજનીશની આ વાત સાંભળીને પોતાના માટે અલગ સલાહ લઈ લીધી કે જવાબદારી અને પ્રેમ અલગ અલગ ચીજ છે.
ઓશોનો પરિવાર એક પરંપરાગત જૈન પરિવાર હતો પરંતુ તેમના દાદા તો જરાય ધાર્મિક ન હતા. રજનીશના જણાવ્યા પ્રમાણે તો તેમના દાદા ‘ઝોરબા ધ બુદ્ધા’ની નજીક હતા. આ દર્શનનો સિદ્ધાંત આપણા ચાર્વાકના સિદ્ધાંતને મળતો આવે છે. ‘ખાઓ, પીઓ અને મોજ કરો‘. આ સિવાય અન્ય કોઈ વિશ્વ છે જ નહીં. બાકી બધું બકવાસ છે. કદાચ આ જ વિચારને કારણે તેમના દાદાને પરિવારથી દૂર કુદરત વચ્ચે સહજતાનો અનુભવ થતો હતો. દાદાના આ વિચારોનો પ્રભાવ રજનીશ પર પડ્યો. એક વખત રજનીશે કહ્યું પણ છે કે “હું ઘણા કારણોસર ઝોરબાને પ્રેમ કરું છું. એક કારણ એ હતું કે ઝોરબાના સ્વરૂપમાં મેં ફરીથી મારા દાદાને પ્રાપ્ત કર્યા હતા.”
રજનીશના પિતા એક સીધા-સાદા વણિક હતા અને કપડાની નાનકડી દુકાન ધરાવતા હતા. રજનીશ ક્યારેક જ દુકાને જતા હતા. એ સિવાય પોતાની આંખ બંધ કરીને દુકાન પાસેથી પસાર થઈ જતા હતા. પિતાને આ વાત ગમતી ન હતી અને જ્યારે પિતાએ આ વાતનો વિરોધ કર્યો તો રજનીશે સંભળાવી દીધું કે “હું માત્ર એટલું જ ધ્યાન રાખું છું કે તમારો નાશ કર્યો તે રીતે આ દુકાન મારો પણ નાશ કરી દે નહીં.” પોતાના જ આવડા નાના બાળક પાસેથી આવી વાત સાંભળીને કયો પિતા ચોંકી જાય નહીં કારણ પિતા આખરે પિતા હોય છે.
એક લપિયો માણસ હતો. જે અવારનવાર તેમના પિતાને મળવા આવતો હતો. એક વખત તે મળવા આવ્યો તો પિતાએ રજનીશને કહ્યું કે, તેને કહી દે કે પિતાજી બહાર ગયા છે. રજનીશ માટે પિતાની આ સલાહ ચોંકાવનારી હતી. કેમ કે સીધા—સાદા પિતા હંમેશાં સત્ય બોલવાનું જ શીખવે છે. રજનીશને આઘાત પણ લાગ્યો કેમ કે, આ પરસ્પર વિરોધી બાબત હતી. રજનીશે ખોટું બોલવાને બદલે એ માણસને કહી દીધું કે “તેઓ અંદર છે, પણ કહે છે કે બહાર ગયા છે.” દેખીતી વાત છે કે પિતાને નિરાશા થઈ અને વાત દલીલબાજી સુધી પહોંચી તો રજનીશે સ્પષ્ટ કહી દીધું કે “જો તમે એ માણસ અહીં આવે તેવું ઇચ્છતા નથી તો તમારે તેને કહી દેવું જોઈએ કે તમારી પાસે સમય નથી અને તમે તેની કંટાળાજનક વાતો પસંદ કરતા નથી. કેમ કે તેઓ એકની એક વાતનું રટણ કર્યે રાખે છે. તમે ડરો છો શા માટે ? તમારે ખોટું બોલવાની જરૂર જ ક્યાં છે ?
અને… સૌથી મજાની વાત તો એ છે કે એ માણસને આ વાતની ખબર પડી તો તેણે રજનીશને શાબાશી આપી અને ઈનામ આપતાં કહ્યું કે “મને કોઈએ ક્યારેય કહ્યું નથી કે હું લપિયો છું. એ ગામની તમામ વ્યક્તિ કોઈને કોઈ કારણસર એ વ્યક્તિના ઉપકાર તળે દબાયેલી હતી તેથી કોઈ તેને એમ કહેવાની હિંમત કરતું ન હતું કે તે લપિયો છે. આ ઘટનાને અંતે રજનીશને બીજુ એક ઇનામ પણ મળ્યું. આ વખતે ઈનામ તેમના પિતાએ આપ્યું હતું. અહીંથી રજનીશે એ શોધી કાઢ્યું કે “સત્યને હંમેશાં પુરસ્કૃત કરતા નથી તો તેનો અર્થ એ થયો કે તમે અસત્યનો સાથ આપી રહ્યા છો.”
રજનીશની માતાએ પોતાના પતિ સંન્યાસ લે તેનાં ચાર વર્ષ અગાઉથી સંન્યાસ લઈ લીધો હતો. આ દરમ્યાન તેમના પિતા ધ્યાન શિબિરમાં જવા લાગ્યા અને ધ્યાન પણ ઘરતા હતા. તેમના પિતાને સવારે લગભગ ત્રણ વાગે ઊઠી જવાની આદત હતી. તેઓ અગિયાર વાગે સૂતા હતા અને ત્રણ પછી સૂઈ શકતા ન હતા. સૂર્યોદય સુધીનો સમય તો આમ જ બેચેનીમાં જતો હતો. આથી રજનીશે તેમને સૂચન કર્યું કે, તેઓ આ સમયનો ધ્યાન ધરવામાં ઉપયોગ કરે. અહીં સુધીમાં તેમના પિતા વેપાર અને ભૌતિક જગતથી થોડા અકળાઈને રજનીશની વાત પર ધ્યાન આપવા લાગ્યા હતા. પરિણામે તેઓ ત્રણ વાગ્યાથી જ ધ્યાનમાં બેસવા લાગ્યા અને અહીંથી જ તેમના જીવનમાં નવા અધ્યાયની શરૂઆત થવા લાગી.
એક દિવસ. આ દિવસ ૧૯૭૫ના ઑક્ટોબરનો હતો જ્યારે રજનીશના પિતાને એક નવું નામ મળ્યું. એ નામ હતું સ્વામી દેવતીર્થભારતી. એ દિવસે સવારે લક્ષ્મીએ આવીને ઓશોને કહ્યું કે “તમારા પિતા તમને તાકીદે મળવા માંગે છે અને તેમણે એમ પણ કહ્યું છે કે સાથે માળા અને સંન્યાસ માટેનું ફોર્મ લેતા આવવું. મને ખબર નથી કે તેમને શું થયું છે.” રજનીશના પિતા છેલ્લા ત્રણ કલાકથી લક્ષ્મી રહેતી હતી તે રૂમમાં બેઠા હતા. એ રૂમ હતો પૂનાના આશ્રમનું લાઓત્સુ ભવન. રજનીશ જેવા એ રૂમમાં ગયા કે તેમના પિતાએ કહ્યું “હવે સમય આવી ગયો છે મને સંન્યાસ આપી દે.”
રજનીશે પોતાની માતાને હંમેશાં ‘ભાભી’ કહીને જ સંબોધ્યાં. તેમણે ક્યારેય પોતાની માતાને મા નથી કહી અને તેમણે સંન્યાસ લઈ લીધો ત્યારે પણ નહીં. તેનું કારણ એ હતું કે બાળપણમાં જ તેમણે પોતાની નાનીને ‘મા’ કહી હતી. માત્ર મા કહ્યું ન હતું પણ નાનીને મા સમજી હતી. ગાડરવાડા આવીને રજનીશને ખ્યાલ આવી ગયો હતો કે, જેને તેઓ મા કહે છે તે નાની છે અને અસલી માતા તો આ છે તેમ છતાં માતા પ્રત્યેનું સંબોધન તેઓ બદલી શક્યા ન હતા. નાનીનું અવસાન થઈ ગયું ત્યારે પણ તેઓ માતાનું સંબોધન બદલી શક્યા નહીં. આમ કેમ કર્યું રજનીશે ? ઓશોએ આ માટે જે જવાબ આપ્યો છે તેમાં પણ તેમના વ્યક્તિત્ત્વની જબરદસ્ત ઈમાનદારી દેખાય છે. તેમણે કહ્યું હતું “હું તેમને મા કહી જ શકું નહીં, કેમ કે આમ કરવું તે એક રીતે મારી મૃત નાની પ્રત્યે વિશ્વાસઘાત કહેવાશે. ના, હું આમ ના કરી શકું.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 21, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“નાનીની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. આ એવું જ હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”
રજનીશને ક્યારેય રમતોમાં રસ પડયો નથી, કેમ કે જેની સાથે તે રમી શકતા હતા એ બધા ૫૦ વર્ષ વટાવી ચૂક્યા હતા. પરિણામ એ આવ્યું કે રજનીશ નામનો બાળક બચપણ થી જ શાંત, એકાંત અને સરળ જીવન જીવવા લાગ્યું. એ જાણીને આશ્ચર્ય થાય અને કદાચ વિચિત્ર પણ લાગઈ કે જે બાળક આગળ જઈને પોતાના વિચારોથી દુનિયાભરમાં તોફાન મચાવી નાખવાનો હતો તે જીવનનાં પ્રથમ સાત વર્ષ સુધી તો અભણ હતો. એ વખતે તેની પાસે અક્ષરજ્ઞાન ન હતું અને ભાષા કે ગણિત સાથે તેને કોઈ લેવા-દેવા ન હતી. તેનું કારણ ગામની હાલત તો હતી જ, પણ મુખ્ય કારણ તેની નાની હતી.
નાની એટલે તેના બાળપણનું સર્વસ્વ. નાના તો પુરુષ હતા એટલે જ્યારે પણ તેઓ પોતાની પત્ની સમક્ષ રજનીશના ભણતરની ચિંતા વ્યક્ત કરતા નાની ચોખ્ખું ચોખ્ખું કહી દેતી કે “સાત વર્ષ પછી તે જે ઇચ્છે તે કરવા દો પણ સાત વર્ષ સુધી તો તેને સ્વાભાવિક સ્વરૂપમાં રહેવા દો.” નાની કડક સ્વભાવની હતી અને નાનામાં તેમની વાત ટાળવાની હિંમત ન હતી. આશ્ચર્ય નહીં થાય કે રજનીશ આજીવન તેમની આ સ્વાભાવિકતાનો સંદેશો આપતા રહ્યા. “જીવન જેવું છે, સુંદર છે, એવું જ રહેવા દો.” આ જ તેમના તર્કનું કેન્દ્ર બની ગયું. રજનીશ જાહેરમાં સ્વીકારતા હતા કે “ગમે તેમ હું સભ્યતાની પકડમાંથી બચતો રહ્યો.”
શરૂઆતનાં સાત વર્ષ જ શા માટે ? રજનીશ બાળપણની શરૂઆતનાં સાત વર્ષ તેમના ભવિષ્યના જીવનના પાયારૂપે જુએ છે. મને લાગે છે કે, આ બાબતે તેમના વિચારોને જેમના તેમ જ રજૂ કરવા યોગ્ય રહેશે. રજનીશ કહે છે, “જીવનમાં સાત સાત વર્ષનાં વર્તુળ હોય છે. સાત વર્ષ બાદ બાળક શક્તિશાળી બની જાય છે. હવે તેને ખબર છે કે ક્યાં જવાનું છે અને શું કરવાનું છે? તે દલીલ કરવા માટે સમર્થ બની જાય છે કે શું સાચું છે અને શું ખોટું છે અને તેની સ્પષ્ટતા એ વખતે ચરમસીમાએ હોય છે. જો તેને બાળપણનાં વર્ષોમાં વિચલિત કરાય નહીં તો તે સાતમા વર્ષે દરેક બાબતમાં સ્પષ્ટ હશે જેનાથી તેનું સમગ્ર જીવન કોઈપણ પસ્તાવા વિના પસાર થાય છે.”
રજનીશની નાની ૨૪ વર્ષની ઉંમર સુધી કુંવારી રહી હતી અને ખજૂરાહોનો રાજા પણ તેમની પાછળ દીવાનો હતો. પણ, નાની તો નાની હતી. એક વખત રજનીશે તેમને પૂછી લીધું હતું કે “આ તો આશ્ચર્યની વાત છે કે તમે છત્રપુરના રાજાને ઈનકાર કરી દીધો અને આ ગરીબ માણસના પ્રેમમાં પડી ગયાં. શા માટે ? ચોક્કસપણે તેઓ સુંદર નહતા અને કોઈ અસામાન્ય પણ ન હતા તો તેમના પ્રેમમાં કેવી રીતે ?” નાનીએ રજનીશે ભોળપણમાં પૂછેલા પરંતુ આટલા મહત્ત્વના પ્રશ્નનો જે જવાબ આપ્યો તે પણ એક મોટી ફિલોસોફી હતી. નાનીએ જવાબ આપ્યો હતો કે “તું ખોટો પ્રશ્ન પૂછી રહ્યો છે. પ્રેમમાં પડવા માટે ‘કેમ‘ હોતું નથી. મેં તેમને જોયા અને પ્રેમ થઈ ગયો. મેં તેમની આંખોમાં આંખ પરોવી અને એક વિશ્વાસ પેદા થઈ ગયો જે આજ સુધી ડામાડોળ થયો નથી.”
આવો વાંચીએ, નાની અંગે ઓશોએ કરેલાં કેટલાંક વક્તવ્ય જે ઓશોની હિંમત કરતાં પણ તેમની નાનીના સાહસનો પુરાવો રજૂ કરે છે.
– હું પીવા ઇચ્છતો હતો તો તે મને શરાબ લાવી આપતી હતી. તે કહેતી “જ્યાં સુધી તે પૂરેપૂરો નહિ પીવે ત્યાં સુધી તું તેનાથી મુક્ત થઇ શકીશ નહિ અને હું જાણું છું કે કોઈપણ વસ્તુથી છુટકારો મેળવવાનો આ જ એક ઉપાય છે.”
– મેં મારી નાનીને કહ્યું “મારે જુગાર રમવો છે” તેમણે પૂછ્યું “તારે કેટલા રૂપિયા જોઈએ ?” એ પછી તેમણે ૧૦૦ રૂપિયાની નોટ આપી અને કહ્યું “જાવ અને જ્યાં રમવું હોય ત્યાં રમો કારણ કે, અનુભવથી જ શીખવા મળે છે.”
– એકવાર હું વેશ્યા પાસે જવા માંગતો હતો એ વખતે હું ૧૫ વરસનો હતો. મારી નાનીએ કહ્યું “તું વેશ્યાનો અર્થ સમજે છે?” મેં કહ્યું “હું એકદમ તો નથી સમજતો.” તો તેમણે કહ્યું “તારે જઈને જોવું જોઈએ પણ પહેલાં માત્ર તેને નાચતાં અને ગાતાં જોવા જા !” ઓશો ગયા અને એ વેશ્યાની કદરૂપતાએ વેશ્યા પ્રત્યે તેમના આકર્ષણને કાયમ માટે ખતમ કરી નાંખ્યો.
– હું સિગરેટ પીવા માંગતો હતો. તેમણે કહ્યું “એક વાત યાદ રાખજે સિગરેટ પીવી બરાબર છે, પણ હંમેશાં ઘરમાં જ પીવી. જાણવાનો માર્ગ એ છે કે જાતે અનુભવ કરો.
રજનીશે જ્યારે કૉલેજમાં ફિલોસોફી ભણવા જવાની વાત કરી ત્યારે તેના પિતાએ તો આ ખર્ચ માટે દેવું કરવાનો ઈનકાર જ કરી દીધો હતો. એ વખતે તેમની નાનીએ આગળ આવીને આ જવાબદારી સંભાળી હતી અને એક “લોખંડી મહિલા’ની માફક જાહેરાત કરી હતી કે, “બેટા તું ચિંતા ના કર. તું જા અને જે કરવું હોય તે કર. હું જીવું છું. હું મારું બધું જ વેચીને તારી ઇચ્છા પૂરી કરીશ. હું તને ક્યારેય પૂછીશ નહિ કે તું ક્યાં જવા માંગે છે અને શું ભણવા ઇચ્છે છે.” નાનીએ પોતાનું આ વચન જીવનભર નિભાવ્યું. તે રજનીશ પ્રોફેસર બની ગયા પછી પણ તેમને પૈસા મોકલતાં રહ્યાં, જ્યારે રજનીશ ખુદ કમાવા માંડયા હતા. એ અગાઉ પણ રજનીશ શાળામાં ભણતા હતા ત્યારે તેમના ઘરમાં પુસ્તકો ભરેલાં રહેતાં હતાં અને કોઈના માનવામાં આવતું ન હતું કે આખરે આ પુસ્તક ખરીદવા માટે તેમને પૈસા ક્યાંથી મળે છે. એટલે અંદાજ લગાવી શકાય કે રજનીશ પાસે કયા અલાદ્દીનનો ચિરાગ હતો જે જરૂર પડે ત્યારે તેમના હાથમાં રૂપિયાની કોથળી આપી દેતો હતો. સ્પષ્ટ છે કે એ તેમનાં નાની હતાં.
પોતાની નાની સાથેના સંબંધની એક અત્યંત સંવેદનશીલ ઘટના અંગે ઓશોના જ શબ્દોમાં જાણવું વધારે રસપ્રદ રહેશે. ઓશોએ કહ્યું હતું કે “નાની મને પૈસા આપતાં રહ્યાં. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મહિને તેમનું મૃત્યુ થયું એ વખતે પણ તેમણે મને હંમેશાંની માફક પૈસા મોકલ્યા હતા !! જે દિવસે તેમનું મૃત્યુ થયું એ દિવસે સવારે જ તેમણે ચેક ઉપર સહી કરી હતી અને તમને જાણીને વધારે આશ્ચર્ય થશે કે, એ રકમ તેમના ખાતાની છેલ્લી રકમ હતી. કદાચ ગમે તે રીતે તેમને ખબર હતી કે હવે કોઈ કાલ પડવાની નથી.”
ઓશોનાં નાની ૮૦ વર્ષ જીવ્યાં. ૩૦ વર્ષ સુધી તે વિઘવા તરીકે જીવ્યાં. શરૂઆતનાં ૫૦ વર્ષ તેઓ કુચવાડામાં અને બાકીનાં ૩૦ વર્ષ ગાડરવાડામાં રહ્યા. ઓશોએ ઘર છોડયા પછી પોતાની નાનીને વચન આપ્યું હતું કે, “હું તમારા અંતિમ સંસ્કાર વખતે આવીશ.” આ વચન મુજબ તેમણે પોતાની નાનીની ચિતાને અગ્નિ સંસ્કાર આપ્યા. એ વખતની પોતાની લાગણીને ઓશોએ આ રીતે રજૂ કરી છે. “તેમની ચિતાને અગ્નિ આપવો મારા જીવનનું સૌથી મુશ્કેલ કાર્ય હતું. આ એવું જ હતું જાણે કોઇ લિયોનાર્ડો કે વિન્સેન્ટ વાન ગોગના ચિત્રને આગ લગાડી રહ્યું છે.”
“હું જ્યાં છું, ત્યાં પહોંચવામાં તેમણે મારી તમામ પ્રકારે મદદ કરી છે. તેમના વિના હું કાં તો સાવ કંગાળ હોત અથવા ડૉક્ટર કે એન્જિનિયર હોત.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 13, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

પોતાની દીકરીના આ દીકરાને તે જૈનધર્મી મંદિર જતી વખતે કહેતા કે ‘તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’
એકવીસમી સદીના વૈશ્વિક બુદ્ધપુરુષ ‘શ્રી રજનીશ’ એટલે ‘ભગવાન રજનીશ’ એટલે કે ‘ઓશો’ ના જીવનનું આપણે વિહંગવલોકન કર્યું. ઓશોનું જીવન અગાધ દરિયા સમાન હતું એટલે તેઓશ્રી વિષે માંડીને વાત કરવા બેસીએ તો તો પાર જ ન આવે. આપણે શ્રી રજનીશના બાળપણથી લઈને તેઓની વિદાય સુધીના જીવનમાં જે જે રોમાંચક ઘટનાઓ ઘટી તેમાંથી કેટલીક અગત્યની ઘટનાઓ જાણવાનો પ્રયત્ન કરીએ.
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં એ વખતે એક ખૂબ જ નાનકડું ગામ હતું. કુચવાડા નામના આ ગામની વસતી માંડ ૨૦૦ જેટલી હતી. એ વખતે ત્યાં થોડાં વૃક્ષો હતાં, ઝૂંપડીઓ હતી અને એક નાનું તળાવ હતું. ભારતનાં મોટાભાગનાં ગામડામાં હોય છે તેમ આ ગામમાં પણ એક મંદિર હતું. ગામના જ એક પ્રતિષ્ઠિત જૈન ધર્મીએ મંદિર બનાવ્યું હતું. આ મંદિર બંધાવનાર ૫૦ વર્ષની એ વ્યક્તિ જ્યારે પણ મંદિર જાય તો લગભગ સાતેક વર્ષનો તેનો પૌત્ર પણ તેની પાછળ પાછળ મંદિરે પહોંચી જતો. પોતાની દીકરીના આ દીકરાને તે જૈનધર્મી દર વખતે કહેતા કે ‘તું રમવા જા, મારી પાછળ પાછળ આવતો નહીં.’ નાનાના આ શબ્દો એ સાત વર્ષના નાના બાળકના અજ્ઞાત માનસમાં એટલી હદે ઘર કરી ગયા કે, તે તેના જીવન, કાર્યો અને વિચારોનું કેન્દ્રસ્થાન બની ગયા. જો કે, એ શબ્દો એટલા ઊંડા કે તાર્કિક ન હતા કે તેની આટલી જોરદાર અસર થવી જોઈએ. નાનાએ તો માત્ર એમ જ અમસ્તા કહી દીધું હતું પરંતુ આપણે જાણીએ છીએ કે, કમાલ તો લેનારો કરે છે, આપનારો નહીં. એ વખતે નાનાએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, “તું જઈ શકે છે. મનમાં આવે તો પૂજા–અર્ચના પણ કરી શકે છે પણ તારે એકલાએ જવું પડશે, મારી પાછળ પાછળ આવીને નહીં. કોઈની પાછળ ચાલવું એ ઘણો મોટો ગુનો કહેવાય છે.”
પોતાના માતા પિતા અંગે ઓશોનું કથન ભણેલી-ગણેલી અને સમજદાર વ્યક્તિને ભાગ્યે જ વિશ્વાસ બેસે કે, “મારા માતા પિતા તરીકે આ યુગલની મેં પસંદગી કરી.” ટૂંકમાં, આ સ્વરૂપમાં જન્મ લેવા માટે તેમણે જ એ વાતની પસંદગી કરી કે, કોણ તેમના પિતા હશે અને કોણ તેમની માતા હશે. ઓશોની આ વાત ઉપર વિશ્વાસ કરવો એટલા માટે અઘરો છે કે, આપણે ભારતીયોની ચેતના ‘જન્મ-મરણ વિધિ હાથ’ વાળી ચેતના છે. આમ, છતાં ઓશો આ વાત કહી રહ્યા છે તો તે સાવ ફાલતુ તો નહીં જ હોય !!
ઓશોએ પોતાના માતા-પિતા તરીકે જે દંપતીની પસંદગી કરી તે યુગલ સાવ સીધું, સાદું, સરળ અને ગામડામાં રહેનારું યુગલ હતું. તેઓ ભણ્યા-ગણ્યા ન હતા અને આધુનિક પણ ન હતા. પસંદગી શ્રી રજનીશના હાથમાં હતી તેથી તેમણે ઇચ્છયું હોત તો કોઇ રાજા-રાણીની પસંદગી પણ કરી શક્યા હોત, પરંતુ તેમણે જેની પસંદગી કરી તેઓ માત્ર ગ્રામીણ કે અભણ જ નહીં, પણ ગરીબ પણ હતા. એટલા ગરીબ હતા કે એમની કુલ મૂડી માત્ર ૭૦૦ રૂપિયા હતી. તો અહીં એક સામાન્ય પ્રશ્ન થાય છે કે તેમણે આમ કેમ કર્યું? તેઓ ખુદ બૌદ્ધિક વ્યક્તિ હતા. પાખંડના અત્યંત વિરોધી હતા. ખાસ કરીને તેમણે એ ધર્મનાં તો ચીંથરાં ઉડાવી દીધાં છે જે ધર્મમાં માનનારા દંપતીને ત્યાં તેમણે જન્મ લીધો. ઓશોનું જીવન પણ વૈભવશાળી હતું. તો પછી પસંદગીની સ્વતંત્રતા હોવા છતાં ઓશોએ આવી ખોટી પસંદગી કેમ કરી, તે પ્રશ્ન તો સાચો જ છે.
ઓશો ઇચ્છતા હતા કે, તેઓ એવા દંપતીનું સંતાન બને જેમની વચ્ચે ગાઢ પ્રેમ હોય. આ જ તર્ક સાથે તેઓ મોટાભાગનાં સંતાનો અંગે ટીકા કરે છે કે, તેઓ પ્રેમની નહીં પણ વાસનાની દેન (પરિણામ) છે. ઓશો સાથે આવું ન હતું. ઓશોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે, તેમણે ક્યારેય તેમના માતા-પિતાને પરસ્પર ઝઘડતાં જોયાં નથી. તેઓ એકબીજાને ક્યારેય હેરાન પણ કરતાં ન હતાં. આ એક ચમત્કાર છે, કેમ કે સદીઓથી પુરુષોએ હંમેશાં મહિલાનું શોષણ કર્યું છે અને એટલી હદે કે તેણે પરોક્ષ માર્ગ શીખી લીધો છે. મારી માતાએ ક્યારેય મારા પિતાને હેરાન કર્યા નથી. મહિલાઓ પુરુષનું માથું ખાઈ જાય છે અને માથું ખાવું એ હકીકતમાં હિંસા જ છે.
સૌથી મોટી વાત એ છે કે તેમના માતા-પિતા અંતે બુદ્ધત્વ પામ્યા. હવે આથી વધુ શ્રેષ્ઠ ગર્વ બીજો શો હોઈ શકે? બુદ્ધત્વ પામેલાં દંપતીએ એવા સંતાનને જન્મ આપ્યો જેને બુદ્ધત્ત્વ મળ્યું.!!
રજનીશનું ખુદનું કહેવું હતું કે, આ જન્મ ૭૦૦ વર્ષ અગાઉ તિબેટમાં થયો હતો. તિબેટમાં નવાણું શરીર સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેમાંથી સતાણુમું શરીર તેમનું હતું. રજનીશે કહ્યું છે કે, તેમના જન્મ પછી ત્રણ દિવસ સુધી તેમણે માતાનું દૂધ પીધું ન હતું. તેનું કારણ તેઓ જણાવે છે કે, ૭૦૦ વર્ષ અગાઉ તેમના મૃત્યુ પહેલાં તેમણે ૨૧ દિવસના ઉપવાસ રાખ્યા હતા, પરંતુ ત્રણ દિવસ બાકી હતા ત્યારે કોઈએ તેમની હત્યા કરી નાંખી. એ વખતે તેમની ઉંમર ૧૦૬ વર્ષની હતી. તેમનું માનવું છે કે, એ ત્રણ દિવસના ઉપવાસ પૂરા કરવા આ જન્મમાં તેમણે પ્રથમ ત્રણ દિવસ માતાનું દૂધ પીધુ નહીં અને ત્રણ ઉપવાસ પૂરા થઇ ગયા એટલે બધું બરાબર થઈ ગયું.
રજનીશ માટે ગામનાં બાળકો સાથે રમવાની મનાઈ હતી. આમ તેની સાથે માત્ર ત્રણ જ વ્યક્તિ રહે. નાના–નાની અને તેમનો નોકર, જેનું નામ હતું ભૂરો. ૨૦૦ લોકોની વસતીવાળી દુનિયા જ રજનીશ માટે સર્વસ્વ હતું. રજનીશે લખ્યું છે કે, “મારાં નાના-નાની ઇચ્છતાં ન હતાં કે, હું ગામનાં બાળકો સાથે હળી-મળીને રહું. તેઓ ગરીબ હતાં અને ઘણાં ગરીબ. આથી મિત્ર બનાવવાનો કોઈ ઉપાય ન હતો. આની મોટી અસર પડી કે જીવનભર હું કોઈ મિત્ર બનાવી શક્યો નહીં. મારાં પ્રારંભિક વર્ષોમાં હું એકલો હતો અને મે એકલા એકલા જ ખુશી મનાવવાનું શરૂ કરી દીધું અને આ પ્રસન્નતાની વાત હતી. અંતે આ બાબત મારા માટે અભિશાપને બદલે આશીર્વાદ પુરવાર થઈ. હું તેમાંથી જ આનંદ મેળવવા માંડ્યો અને મને લાગ્યું કે, હું મારામાં જ સંતુષ્ટ છું અને કોઈ પર આધારિત નથી.” (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jul 6, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“તમારું સત્ય હરિશ્ચંદ્ર પર અટકી જાય છે !! સત્ય તો હરિશ્ચંદ્રથી ક્યાંય મોટું છે.”
ઓશો મૃત્યુ અંગે બહુ ગંભીર હકીકત આપણી સામે મૂકે છે. તેઓ કહે છે :: “જયારે મારા નાના ગયા ત્યારે મારી નાનીને મૃત્યુ પાસે એક ગીત ગાતી મેં સાંભળી ત્યારે મને ખબર પડી કે, મૃત્યુ એ મંગળ છે. અને મંગળ છે એટલે કોઈ દુઃખ વ્યક્ત કરવાની જરૂર નથી.” એમના દાદા વખતે એવું બન્યું કે રજનીશ નાના હતા અને દાદાએ દેહ છોડ્યો ત્યારે એ મૉટે મોટેથી હસવા લાગ્યા. એના બાપે કીધું, શું કરે છે? મારા બાપ ગુજરી ગયા છે ને તું હસે છે ?? તો કહે, “એ તો તમને લાગે છે. હું તો એમ માનું છું કે અસ્તિત્વએ મોકલ્યા હતા ને પાછા સરસ રીતે બોલાવી લીધા એટલે હું હસું છું.” આ અંગે એમનું પુસ્તક બન્યું ” मैं मृत्यु सिखाता हूँ” આ બધા જ અનુભવો એમણે એમાં લખેલા છે.
સુરતમાં મોરારીબાપુએ ઓશો ચેરનું ઉદ્દઘાટન કર્યું. સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં ત્યારે મોરારીબાપુએ ઓશોનો સુંદર અર્થ આપ્યો.. એમણે કહ્યું ”osho” શબ્દ ઉપરથી હું એવું સમજું છું – ”Own silence and holiness own”.. સ્વયંની શાંતિ, સ્વયંનું ધ્યાન. ટૂંકમાં, પોતાની પવિત્રતા જે માણસ લઈને આવ્યો એનું નામ ઓશો છે.
ઘણા પૂછે છે કે, ઓશો નામ શા માટે રાખ્યું હશે ? તો કહે, એમાં પડવાની જરૂર નથી. એને કોઈ તર્કની જરૂર નથી હોતી. મારો ઓશો સાથેનો પરિચય હું 13 વર્ષનો હતો ત્યારે રાજકોટના રાષ્ટ્રીય શાળાના દરબાર ગોપાલદાસ હોલમાં પાંત્રીસ શ્રોતાઓની વચ્ચે થયો. હું આઠમું ધોરણ ભણતો હતો. ત્રણ દિવસના એના પ્રવચનો હતા, બે-બે કલાકનાં રોજ અને એ વખતે એમના વક્તવ્ય અંગે વિવાદ થયો હતો. બીજે દિવસે છાપામાં આવ્યું હતું. મને નોહ્તું સમજાણું કે એમણે વિવાદ શો કર્યો હતો ? હું તો બહુ નાનો હતો. જીજ્ઞાશાવશ ગયો હતો. ત્યારે એવું કહ્યું હતું કે तुम्हारा सत्य हरिशचंद्र पे अटक जाता है… हरिशचंद्र आपका कोई शिखर नहीं है कि जो सत्य की बात कहे, आप उससे भी आगे जा सकते हैं . અને બીજે દિવસે છાપામાં આવ્યું હતું કે, રજનીશે હરીશચંદ્ર રાજાનો વિરોધ કર્યો.!!
મોટી-મોટી આંખો અને સરસ સફેદ કપડાં પહેર્યા હતાં. તમને એમ લાગે કે, એમના ભાલ પ્રદેશમાંથી સૂર્ય ચમકતો હોય એટલો એનો પ્રકાશ. એ વખતથી લઈને એવા પણ અનુભવો અમને થયા છે કે, જેમાં તેમના વ્યાખ્યાન ડોમ ઉપર મચ્છરદાની રાખવામાં આવતી હતી. એક વક્તવ્ય શ્રેણી એમણે આખા ડોમમાં મચ્છરદાની ઢાંકીને કરી અને અમે બંન્ને જયારે સાંભળવા ગયા ત્યારે પૂછ્યું : કેમ આમ છે? તો કહે, એક મચ્છર ઓશોની નજદીક આવી ગયું હતું. એટલે એમણે કીધું ये तो disturb कर रहा है, मच्छर नहीं आना चाहिए. તો શિષ્યોએ નક્કી કર્યું કે, આખા ડોમને જ મચ્છરદાની બાંધી દ્યો. આખું ડોમ મચ્છરદાનીથી ઢાંકી દેવામાં આવ્યું !! એક વખત ગયા ત્યારે દરવાજા ઉપર સાધકો હોય અને એ તમને સૂંઘે… તમારી પાસે આવે અને પેલા સ્નિફરડોગની જેમ તમને સૂંઘે. પૂછ્યું કે, કેમ આવું કરો છો ? તો કહે, ભગવાનને સ્પ્રેની ઍલર્જી છે. એટલે જો સ્પ્રે લગાડ્યું હોય તો તમારે અંદર નહિ આવવાનું !!. આપણને એવું લાગે કે, આ બધી તો વર્ણાગી છે. પણ એ વખતે આવી વર્ણાગીમાં જોડાનારા બહુ જ મોટા લોકો હતા. વિનોદખન્નાને તમે ઑરેગોનની અંદર બગીચાનું કામ કરતા જોઈ શકો, બોલીવુડની અભિનેત્રીઓને તમે દરણા દળતી જોઈ શકો !!
વિશ્વના લક્ઝરીયસ સ્વામી તરીકે તેઓ પ્રખ્યાત હતા. એ ગાઉન પહેરે એમાં હીરા ટાંક્યા હોય, એ માથે ટોપી પહેરે એ હીરાઓથી બનેલી હોય. કોઈકે કહ્યું કે, તમારી પાસે રોલ્સરોય્સ કેમ છે? તો કહે છે, એમાં શો વાંધો? તો કહે, એક જ કેમ છે ? તો કહે, ઓછી જ છે એવું મને લાગે છે. અને બીજા દિવસે શીલાને ઓર્ડર કર્યો કે, બને એટલી વસાવી લ્યો. કુલ 93 રોલ્યરોય્સ ઉભી રાખી દીધી. અને એણે કહ્યું કે मैं जानता हूँ कि कुछ साथ में नहीं आना चाहिए, नहीं लेके जा सकूंगा, जब तक है, सामने कोई वस्तु है तो आनंद ले, तो मैं ने आनंद ले लिया.
આપણે કદાચ ઓશોના કાળમાં હોઈએ તો એમની ઘણી વાત આપણને એવી લાગે કે, જે આજે આપણે આજેના કાળમાં સ્વીકારી શકીએ છીએ પણ એ ત્યારે તો તે કાળમાં સ્વીકારાયેલ. ભક્તોએ ઓરેગોનમાં એવા રોડ બનાવ્યા હતા કે, એ વધુમાં વધુ સ્પીડમાં ગાડી ચલાવી લઈ શકે. આ સઘળું આયોજન કર્યું શીલાએ, કે જે એમની સેક્રેટરી હતી. જેમણે 1984માં પોતાની ટોળકી સાથે ભેગા થઈને જર્મની ભાગી જવાનું પસંદ કર્યું. અને બહાર નીકળીને એમણે ઓશો વિશેની એવી વાતો ફેલાવી કે જેથી એમના ગયા પછી એમના વિશે પ્રશ્નાર્થો રહ્યા. શીલાએ આવું કેમ કર્યું, એ આપણને એક ચેનલ ઉપરથી જાણવા મળે છે. કોઈ એમ કહે છે કે, she has been sold to that channel !! ઓશોની વિદાય વખતે શીલા ત્યાં નથી, 84-85 માં શીલા જર્મની ભાગી ગયેલ. પણ એવું કહેવાય છે કે, ખાસ કરીને ચર્ચના લોકોએ શીલાને પોતાની તરફ ખેંચી લીધું.
સાવ નજીકની વ્યક્તિ તમારી અંગતમાં અંગત બધું જ જાણતી હોય છે, એટલે તમારા વિશે વધુમાં વધુ ખરાબ અથવા ખોટું બોલી શકે. આ જીવનનું સત્ય છે.
કારણ કે, ‘જીવનની સમી સાંજે મેં જખ્મોની યાદી જોઈ હતી,
બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ અંગત–અંગત નામ હતા.’
એવું અંગત નામ એ કદાચ ઓશોના જીવનમાં શીલા હતી. પણ શીલા મેનેજમેન્ટની માસ્ટર હતી. આખું ઓરેગોન બન્યું એની સ્ટોરી જો આપણે જાણીએ તો એમ થાય કે, શીલા ના હોય તો એ ન બની શકે, એ પણ બહુ મહત્વનો મુદ્દો છે. ઓશો અંગેની કેટલીક પર્સનલ વાતો આપણે સાંભળીએ તો પણ આપણને આશ્ચર્ય થાય. મને એ અંગે જાણવાનો લાભ મળ્યો સત્યવેદાંત સ્વામી પાસેથી.. સત્ય વેદાંત સ્વામીને એક જીવન સંદેશ ઓશોએ લખીને આપ્યો એ હું ખાસ પેશ કરું. સત્યવેદાન્ત સ્વામી ઓશો મલ્ટીવર્સીટીનાં ચાન્સેલર હતા અને તેઓ અમેરિકા પરત જઈ રહ્યા હતા ત્યારે ઓશોએ તેમને જીવનનો એક સંદેશો આપ્યો. ત્યારે એમણે પોતાના હસ્તાક્ષરમાં લખી દીધું,
”बहते हुए पानी के ऊपर पड़े हुए सूखे पत्ते की तरह बहो”.
અર્થ કરીએ :: પાણી વહેતું હોવું જોઈએ, એની ઉપર પર્ણ થઈ એની મેળે પડવાનું છે, વળી પર્ણ સુકાઈ ગયેલું હોવું જોઈએ, એટલે તેમાં પોતાનો ભાર ન હોવો જોઈએ અને પછી એ પાણીની સાથે વહેતા રહો. ન આગળ જવાનો યત્ન કરો કે ન તો અટકી જવાનો પ્રયત્ન કરો… આ એમનો સંદેશ હતો. વારંવાર ભારથી જીવનારા લોકોને નિર્ભાર કરવાનું કામ ઓશોએ કર્યું. અને કદાચ એવું બન્યું છે કે, એના ગયા પછી એનું બહુ મોટું મહાત્મ અત્યારના યુવાનોને પણ સમજાઈ રહ્યું છે. આપણને ખુબ આશ્ચર્ય થશે કે ગુજરાતમાં ઓશોની વિદાય પછી ઘણા ઓશો કોમ્યુન શરુ થયાં છે. મેં મારી આજુબાજુમાં કેટલાયે ઓશોપંથી સગા- સંબંધીઓને જોયા છે કે કે જેના ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે વજ્રાસનમાં બેસીને ખડખડાટ હસતા હોય પણ એની આંખમાંથી પાણી ચાલ્યા જતા હોય. તમારી સાથે જયારે જે હોય ત્યારે આનંદમા જ રહેવું અને સમગ્ર જીવનને આનંદમાં રાખવું એ એકમાત્ર ધ્યેય ઓશોનો હતો. એમણે શું કર્યું એનું મૂલ્યાંકન કરનારા આપણે નથી. ઓશોનું એક વાક્ય છે never sit on a seat off a judge. ક્યારેય ન્યાયાધીશની ખુરશીમાં બેસશો નહિ.
હવેના લેખમાં ઓશો અને તેમના જીવનની રહસ્યભરી રોચક વાતો જાણીશું. (ક્રમશ:)