ઈસુએ  કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ.

 

શ્રીમદ ભાગવત (11.3.27)ના વચનો પ્રમાણે,

શ્રવણમ કીર્તનમ ધ્યાનમ હરેરદભુતકર્મણ: I

જન્મકર્મગુણાનમ ચ  તદર્થડખિલચેષ્ટીતમ II

અસાધારણ કર્મો કરનારા શ્રી હરિ ના જન્મ, કર્મ અને ગુણોનું શ્રવણ, કીર્તન તથા ધ્યાન કરવું શ્રીહરિ નિમિત્તે જ સર્વ કર્મો કરવાં.

શ્રીમદ્દ ભાગવતજીના કથન  પ્રમાણે આપણે શ્રી હરિ નિમિત્તે જ શ્રી રામકૃષ્ણ દેવની પ્રશસ્તિ સમાન શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ સ્તવનનું રસપાન કરી રહ્યા છીએ.

શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:

जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय ની વિગતે ચર્ચા કરેલ છે.

ચોથી કડીની આઠમી પંક્તિ છે …

નિરોધન, સમાહિત મન, નિરખિ તવ કૃપાય ||….

અર્થ એવો કે,

(એક) હે પ્રભુ,  તમે નિરોધિત અને સમાહિત મનવાળા છો, એવું તમારું દર્શન હું તમારી કૃપાથી કરું છું.

અથવા

(બે) હે પ્રભુ, તમારી કૃપાથી હું જોઉં છું કે મારું મન નિરોધિત અને સમાહિત થઈ ગયું છે.

સ્વામીશ્રી નિખિલેસ્વરાનંદજી સમજાવે છે કે, હકીકતમાં બંને અર્થ સાચા છે. આ વાતનું એમનું ઊંડાણ જાણવા માટે સ્વામીશ્રી આપણને  ગોસ્વામી તુલસીદાસજીએ રચેલ વિનયપત્રિકા નામના અદભુત ભક્તિ પૂર્ણ ગ્રંથમાંથી  એક રસપ્રદ વાત કરે છે.  એકવાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને પોકારવા લાગ્યો, ‘રામના પ્રેમને ખાતર મને એક હત્યારાને કંઈક ભિક્ષા આપો’. પોતાના ઇષ્ટ રામનું નામ સાંભળીને તુલસીદાસજીએ એ માણસને પોતાની ધેર બોલાવ્યો અને તેને પ્રસાદ આપ્યો. પછી ઘોષણા કરી કે, એ પરિશુદ્ધ થઈ ગયો છે. ત્યાંના રૂઢિચૂષ્ત બ્રાહ્મણોએ વાંધો ઉઠાવ્યો કે, હત્યારાનું પાપથી વિમોચન કઈ રીતે થઈ શકે? તુલસીદાસજી એ જવાબ આપ્યો, તમારા પોતાના શાસ્ત્રોનું અધ્યયન કરો અને દિવ્ય નામના પ્રભાવ વિશે જાણી લો. બ્રાહ્મણોને આ ઉત્તરથી સંતોષ ન થયો. બ્રાહ્મણોએ તો પ્રમાણ માંગ્યું. તરત જ તુલસીદાસજી સંમત થયા કે, જો વિશ્વનાથ મંદિરના નંદી આ હત્યારાના હાથેથી ખાય તો તેઓ સૌ તુલસીદાસજી ની વાત સ્વીકારી લેશે. સૌ સંમત થયા. તે માણસને મંદિરમાં લઈ જવામાં આવ્યો અને હકીકતમાં નંદીએ તેના હાથેથી ખાધું પણ ખરું. આમ તુલસીદાસજીએ પ્રમાણ આપ્યું કે, આંતરિકતા પૂર્વક પ્રાયશ્ચિત કરવાથી ઈશ્વર ભક્તિનો સ્વીકાર કરે છે.

ઈસુ એક સરોવરને કિનારે ચાલતા હતા. તેમના બે માછીમાર ભાઈઓ સીમપેન પીટર અને તેના ભાઈ અન્દ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ. તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈએ માણસરૂપી માછલાં પકડવામાં ઈસુની પાછળ ચાલ્યા. આ વાત બાઈબલના ‘નવો કરાર’માં મેથ્યુના નામથી  લખેલી છે.

શ્રી રામે મિથિલાવાસીના મન મોહી લીધા હતા. શ્રી કૃષ્ણ ફક્ત માખણચોર નોહતાં ચિત્ત ચોર પણ હતાં. ઉદ્ધવજી જયારે ગોપીઓને સમજાવે છે કે, શ્રી કૃષ્ણ તો ભગવાન છે તેમનું ધ્યાન ધરો, ત્યારે ગોપીઓ કહે છે ‘उद्धो मन होत ना दस विस्’, ‘હે ઉદ્ધવ, મન તો એક જ હોય છે, દસ-વિસ નથી હોતા.’ જે ચિત્તમાં ધ્યાન કરવાનું કહો તે ચિત્ત તો કનૈયો ચોરી ગયો છે. શ્રી રામકૃષ્ણ કથામૃતનાં લેખક માસ્ટર મહાશય એટલે કે શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત જેને વહાલથી રોજ લોકો ‘મ’ કહેતા તેઓ  સંસારના દુઃખોથી આક્રાંત થઈને તેઓ ઘરેથી નીકળ્યા હતાં. આત્મહત્યા કરવાનો તેમનો ઈરાદો હતો. ફરતાં-ફરતાં તેઓ દક્ષિણેશ્વરના બગીચામાં આવ્યા અને પહેલી જ વાર દર્શન કર્યા શ્રી રામકૃષ્ણ દેવના અને કુશળ માછીમારની જાળમાં સપડાઈ ગયા. નવું જીવન મળ્યું. આત્મહત્યાનો ઈરાદો બદલાઈ ગયો અને પછી તો કથામૃત ગ્રંથ લખી અસંખ્ય લોકોને આ દિવ્ય માછીમારની જાળમાં સપડાવ્યા. આજે પણ તે કથામૃત અનેક લોકોને સપડાવી રહ્યું છે. કેટલાય ને આ કથામૃત ગ્રંથના વાંચન દ્વારા આત્મહત્યા રુપી મહાપાપમાંથી બચાવવાનું બન્યું છે.

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત આ સ્તવન માટેના સુંદર પુસ્તકમાં અધ્યક્ષ સ્વામીશ્રી વર્ણવે છે કે, અદભુત સંયોગ છે કે માસ્ટર મહાશયને પ્રથમ મુલાકાતમાં શ્રી રામકૃષ્ણ દેવનું દર્શન ભવસાગરના દિવ્ય માછીમારરૂપે થયું. પ્રથમ દર્શનનું વર્ણન કરતાં તેઓ કથામૃતમાં લખે છે:  ઓરડામાં શ્રી રામકૃષ્ણ એકલા પાટ ઉપર બેઠેલા છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે અને બારણા બંધ છે. માસ્ટરે હાથ જોડીને પ્રણામ કર્યા. પરમહંસ દેવે બેસવાનું કહ્યું એટલે માસ્ટર જમીન પર બેઠા. શ્રી રામકૃષ્ણએ પૂછ્યું, ક્યાં રહો છો?, શું કરો છો?, અહીં  શા માટે આવ્યા છો? માસ્ટરે પરિચય આપ્યો. પણ તેમણે જોયું કે,  ઠાકુર વચ્ચે-વચ્ચે બેધ્યાન બની જાય છે. પાછળથી તેમણે સાંભળ્યું કે, એવી અવસ્થા નું નામ ભાવ. પછી તો આ દિવ્ય માછીમાર શ્રી રામકૃષ્ણ દેવની પ્રેમરૂપી જાળમાં એવા તો સપડાઈ  ગયા કે,  તેમનું સમસ્ત જીવન બદલાઈ ગયું. સાધારણ માસ્ટરમાંથી આધુનિક યુગના વ્યાસ બની ગયા.

જાળ નાખીને માછલાને પકડી લાવવા માટે  મનની એકાગ્રતા કેવી હોવી જોઈએ તે વિશે શ્રી રામકૃષ્ણ દેવ એક માછીમારનું ઉદાહરણ આપે છે. એક જણ એકલો તળાવને કાંઠે બેસીને માછલાં પકડે છે. હાથમાં માછલાં પકડવાની સોટી કેટલીકવાર પછી ઉપરનું બરું હાલવા લાગ્યું. વચ્ચે-વચ્ચે થોડું આડું થવા લાગ્યું,   ત્યારે તે માણસ સોટીને ઉપર ખેંચવાની તૈયારીમાં છે. એ વખતે એક વટેમાર્ગુ તેની નજીક આવીને પૂછે છે કે,  ભાઈ અમુક બ્રાહ્મણનું ઘર ક્યાં છે, બતાવી શકશો? કશો જવાબ નથી મળતો. વારંવાર પૂછવા છતાં ઉત્તર ન મળવાથી વટેમાર્ગુ નારાજ થઈને ચાલ્યો જાય છે. આ તરફ બરુ  ડૂબ્યું અને સાથે જ આ માણસે આંચકો મારીને માછલું  બહાર ખેંચી લીધું. એ પછી અંગુઠાથી મોઢા પરનો પરસેવો લૂછીને બૂમ મારીને વટેમાર્ગુને બોલાવવા લાગ્યો. એ વટેમાર્ગુ અનિચ્છાએ પાછો ફર્યો ત્યારે આ માણસે કહ્યું, શું પૂછતાં હતા તમે? એ વખતે બરુ ડુબતું હતું એ વખતે હું કાંઈ સાંભળી શક્યો નહિ….બસ,  ધ્યાનમાં આવી એકાગ્રતા થાય કે બીજું કશું દેખી ન શકાય, સાંભળી ન શકાય, સ્પર્શનું પણ જ્ઞાન ન રહે. (શ્રી રામકૃષ્ણ કથામૃતનાં ભાગ ત્રીજામાં એકાવનમાં પૃષ્ઠ પર આ પ્રસંગ લખેલો છે.) શ્રી રામકૃષ્ણ દેવ જેમનો સ્વીકાર કરતાં તે ભક્તોનાં મનમાં પણ આવી જ એકાગ્રતા લાવી દેતાં.અને તેથી સ્વામી વિવેકાનંદે તેમને નીરોહિત અને સમાહિત મન વાળા કહ્યા છે. અને પ્રાર્થના કરી  કે,  અમારું મન પણ નિરોધીત અને સમાહિત થઈ જાય  એવી આપ કૃપા કરો.

વેદાંતની સાધના પછી શ્રી રામકૃષ્ણદેવને અવારનવાર સમાધિ લાગી જતી. લગભગ નિરંતર છ મહિના સુધી તો એ સાધના પૂરી થયા પછી તેઓ નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં રહ્યા. અને આ પછી જગનમાતાનો આદેશ થયો, ‘ભાવ મુખે જ રહેજે’. આ સમાધિ અવસ્થામાં શ્રી રામકૃષ્ણ દેવનું દેવજ્ઞાન એટલું લુપ્ત થઈ જતું કે, એકવાર  ચોખાના થોડા દાણા તેમની લાંબી જટામાં ગમે તે રીતે પડી ગયા અને અંકુરયુક્ત થઈ ગયા.

સ્વામી વિવેકાનંદજી કહેતા કે મનની બહારની જડ  શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર બતાવો એમાં કશી મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પિંડાની જેમ જે રીતે ભાંગતો ટિપતો, ઘડતો, અને સ્પર્શ માત્ર થી નવા બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો તેનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં બીજે ક્યાંય દીઠો નથી. ( શ્રી રામકૃષ્ણ લીલા ભાગ-3, પૃષ્ઠ-75)

સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ દેવને મળવા બીજીવાર દક્ષિણેશ્વર મંદિરમાં ગયા ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ તેમને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરવવા તત્પર થયા. આ ઘટનાનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદજીએ પોતે કહ્યું હતું કે  તેમણે અચાનક પાસે આવીને પોતાનો જમણો પગ મારા અંગ ઉપર મૂકી દીધો અને એના સ્પર્શથી ક્ષણભરમાં મને એક અપૂર્વ અનુભૂતિ પ્રાપ્ત થઈ, ઉઘાડી આંખે જોવા લાગ્યો કે ભીંત સુદ્ધા, ઓરડાની સમસ્ત વસ્તુઓ વેગ ભરી ચક્કર-ચક્કર ફરતી ક્યાંય લીન થઈ જાય છે અને સમગ્ર વિશ્વની સંગાથે-સંગાથે મારું હું પણું જાણે કે સર્વગ્રાસી મહા શૂન્યમાં  એકાકાર થવાને ધસમસી રહ્યું છે. ત્યારે ભયંકર ભય મને ઘેરી વળ્યો. મનમાં થયું કે હું પણાનો નાશ તે જ તો મૃત્યુ છે. એ જ મૃત્યુ સન્મુખે સાવ પાસે ધીરજ ખોઈ બેસીને ચીસ પાડીને બોલી ઉઠ્યો, અરે તમે મને આ શું કરી નાખ્યું?  મારે તો મા-બાપ છે. અદભુત પાગલ મારા એવા શબ્દો સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને હથેળીથી મારી છાતીને સ્પર્શ  કરતા કહેવા લાગ્યા, તો પછી હમણાં રહેવા દે, એકી સામટુ જરૂરી નથી. સમય આવે થશે. નવાઈ ની વાત તો એ છે કે એમણે સ્પર્શ કરીને એવું કહ્યું હતું તેની સાથે જ મારો એ અપૂર્વ અનુભવ એકાએક આલોપ્ થઈ ગયો. અને ઓરડાની અંદરનાં અને બહારનાં બધા પદાર્થો પહેલા હતા તેમ જ રહેલા. મને દેખાવા લાગ્યા.

શ્રી મા શારદા દેવી કહેતા કે,  આધુનિક લોકો બુદ્ધિમાન છે. ઈશ્વરનાં અવતારને કેમેરામાં બંધ કરી દીધા છે. તેઓ કહેતા છાયા અને કાયા સમાન છે. શ્રી રામકૃષ્ણ દેવના કેમેરા દ્વારા લીધેલ ત્રણ ફોટાઓ ઉપલબ્ધ છે. ત્રણેય વખતે તેઓ ઉચ્ચ સમાધિ અવસ્થામાં હતા. બેઠેલો ફોટો જોઈને રામકૃષ્ણ દેવે કહ્યું હતું, આ અત્યંત ઉચ્ચ અવસ્થાનો ફોટો છે. પછીથી ઘેર-ઘેર આની પૂજા થશે. ભક્ત મહિલા શ્રી મતિ નિસ્તારિણી ઘોષને શ્રી રામકૃષ્ણદેવે પોતાના ફોટા વિશે કહ્યું કે,  આ ફોટો ટ્રેનમાં મુસાફરી કરશે, સ્ટીમરમાં ફરશે, લોકો પોતાનાં ગજવામાં ઘડિયાળની ચેઈનમાં રાખશે. ખરેખર આજે એ જ બની રહ્યું છે. આપણે પણ સ્વામી વિવેકાનંદજીએ જે કહ્યું તેમાં સુર પુરાવીને કહીએ, ‘હે પ્રભુ તમારી કૃપાથી અમે જોઈએ છીએ કે તમારું મન સમાહિત થયેલું છે. અમારું મન પણ કૃપા કરીને સમાહિત કરી દો’. હરિ: ૐ…