‘હે મા… હે મા… તું આવા લોકોને અહીં મોકલે છે કેમ ? મને પ્રલોભનમાં નાખી તારાથી અલગ કરી દેવા ?

એકવાર શ્રી રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠાં હતા ત્યારે લક્ષ્મીનારાયણ નામનાં એક મારવાડી શેઠ ત્યાં આવ્યા. બિછાના પરની મેલી ચાદર જોઈને તેમણે કહ્યું,  અહીં બંગાળમાં લોકો સાધુ સેવાનું મહત્વ સમજતા નથી એટલે આ મેલી ચાદર રાખેલ છે. અમારા દેશમાં તો અમે લોકો સાધુ સેવા માટે કાયમી વ્યવસ્થા કરીએ છીએ. મેં નક્કી કર્યું છે કે, આપના નામે 10,000 રૂપિયા જમા કરાવી દઈશ. આથી દર મહિને લગભગ રૂપિયા 40નું વ્યાજ આપને મળ્યા કરશે. અને આપની સેવા સારી રીતે થઈ શકે તેની કાયમી વ્યવસ્થા થઈ જશે. આ વાત સાંભળતા જ શ્રી રામકૃષ્ણ દેવ જાણે માથા પર લાકડીનો ફટકો પડ્યો હોય એમ બેશુદ્ધ થઈ ગયા. ભાનમાં આવતા ની સાથે તેણે શેઠજીને કહ્યું, ‘એવી વાત જો હવે ફરીથી બોલવી હોય તો અહીં આવશો નહીં . મારાથી રૂપિયાને અડી શકાતું નથી. તેમ પાસે રાખી શકાતો નથી. શેઠજી કુશાગ્ર બુદ્ધિવાળા હતાં. તેમણે કહ્યું, ત્યારે તો હજીયે આપને ત્યાજ્ય  ગ્રાહ્ય છે. શેઠજીએ ફરી એ રૂપિયા હૃદયરામ નામના એક રામકૃષ્ણદેવના ભાણેજ સેવક દ્વારા રાખીને મોકલ્યા અને રાખવાનું કહ્યું. શ્રી રામકૃષ્ણદેવે આ વાતનો અસ્વીકાર કરતા કહ્યું, ‘મારે એને કહેવું પડશે કે આને રહેવા દે, આને દે, પેલાને દે, એ મુજબ એ ન આપે તો મને ગુસ્સો ચડે. માટે એ બનવાનું જ નથી. રૂપિયા પાસે હોય એ ખરાબ છે. શેઠજી એ દિવસે પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ થઈ ગયા, પણ તેમણે એક નવી તરકીબ વિચારી. અન્ય એક દિવસે કોથળીમાં 10,000 રૂપિયા ભરીને રામકૃષ્ણ દેવ પાસે પહોંચ્યા અને રૂપિયા રાખી લેવા માટે વિનવણી કરી. રામકૃષ્ણ દેવે ફરી અસ્વીકાર કર્યો. ત્યારે શેઠજીએ પ્રસ્તાવ મૂક્યો કે આ રૂપિયા તેમના ધર્મ પત્ની શ્રી મા શારદા દેવીને દેવામાં આવે. શ્રી રામકૃષ્ણ દેવ મા શારદા દેવી ની પરીક્ષા લેવાના ઈરાદાથી શેઠજી સાથે નોબત ખાનામાં તેમની પાસે ગયા અને કહેવા લાગ્યા, ‘આ શેઠજી 10,000 રૂપિયા આપવા આવ્યા છે, મેં લેવાની ના પાડી, પણ તમારે રાખવા હોય તો રાખી શકો છો. સરસ મજાના ઘરેણા કરાવી શકો.’ શ્રી મા એ અંદરથી જવાબ આપ્યો,  ‘મારે ઘરેણાં વગેરે કઈ નથી જોઈતું. હું જો આ રૂપિયા રાખીશ તો તમારી જ સેવામાં લાગશે. મારું ગ્રહણ કરવું એ તમે ગ્રહણ કર્યા બરાબર જ દેખાશે. તમે જ્યારે આ રૂપિયાનો અસ્વીકાર કર્યો તો હું કેવી રીતે સ્વીકાર કરું?’ શેઠજી વિલે મોઢે શ્રી રામકૃષ્ણ દેવના ઓરડામાં પાછા ફર્યા. સાધુને દાન કરવાના સંકલ્પ સાથે લાવેલા રૂપિયાની કોથળી પાછી લઈ જતા તેમને સંકોચ થયો એટલે તેમણે શ્રી રામકૃષ્ણદેવને કહ્યું, ‘આ રૂપિયા હું દાન કરવાના ઉદ્દેશથી લાવ્યો છું, માટે મારાથી પાછા લઈ જવાય નહીં. આ કોથળી ભલે અહીંયા રહી. આ સાંભળતા જ શ્રી રામકૃષ્ણદેવ પોક મૂકીને રડવા મંડ્યા, અને જગતમાતાને પ્રાર્થના કરવા લાગ્યા. ‘ હે મા… હે મા… તું આવા લોકોને અહીં મોકલે છે કેમ ? મને પ્રલોભનમાં નાખી તારાથી અલગ કરી દેવા ?  આ તો મારા શત્રુ છે. આટલું કહેતા-કહેતા તો તેઓ સમાધિષ્ઠ થઈ ગયા. શેઠજી તો હતપ્રભ  થઈ ગયા. શ્રી રામકૃષ્ણદેવને જ્યારે બાહ્ય જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે શેઠ  બે હાથ જોડી વિનવવા લાગ્યા, ‘મહારાજ અપરાધ માટે ક્ષમા કરો. મારો ઉદ્દેશ આપને પ્રલોભનમાં નાખવાનો નહોતો. હવે આવું કદી નહિ કરું.’ આમ કહીને તેઓ રડ્યા. શ્રી રામકૃષ્ણદેવે આશ્વાશન આપીને તેમને શાંત કર્યા.

શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી તેમનાં સંન્યાસી શિષ્યો  સ્વામી વિવેકાનંદજી, સ્વામી અખંડાનંદજી વગેરે પરિવ્રજક  રૂપે ભ્રમણ કરવા લાગ્યા. 1889 ની વાત પોતાના પુસ્તક “શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ” માં સ્વામી શ્રી નિખિલેશ્વરા નંદજી કરે છે. સ્વામી અખંડાનંદજી કેદારબદ્રીના દર્શન માટે  હિમાલયના પંથે દિલ્હી પહોંચ્યા. એક સવારે ત્યાંના એક બગીચાની બેન્ચ ઉપર બેઠા હતા ત્યારે એક શેઠજીએ તેમને પ્રણામ કર્યા અને ભેટ રૂપે તેમના ચરણોમાં થોડા પૈસા મૂક્યાં. સ્વામી અખંડાનંદજીએ પૈસા નો અસ્વીકાર કરતા કહ્યું,  ‘મેં વ્રત લીધું છે, પૈસાનો સ્પર્શ કર્યા વગર જ ભ્રમણ કરીશ. મારા ગુરુદેવ પૈસાનો સ્પર્શ કે ધાતુનો સ્પર્શ કરતાં ન હતા.’  શેઠજીએ  ઉત્સુકતાથી પૂછ્યું,  ‘કોણ છે આપના ગુરુદેવ’?  સ્વામી અખંડાનંદજીએ કહ્યું, ‘શ્રી રામકૃષ્ણ પરમહંસ’. એકવાર એક મારવાડી શેઠ 10 હજાર રૂપિયા તેને દેવા આવ્યા પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો. શેઠજી તો આનંદમાં આવી ગયા. અને ફરી તેમને પ્રણામ કરી કહ્યું, ‘વાહ રે વાહ… જેસા ગુરુ વૈસા ચેલા…’ હું જ એ લક્ષ્મીનારાયણ છું. ત્યારે બળજબરીથી રૂપિયા આપવા જતા મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. સ્વામી અખંડાનંદજી પણ  અહીં દિલ્હીમાં અજાણી જગ્યાએ શ્રી રામકૃષ્ણદેવના ભક્તને મળીને આનંદિત થયા. શેઠજી તેમને વાતો કરતા -કરતા પોતાને ઘેર લઈ ગયા અને અતિથિ સત્કાર કર્યો. આજથી 100 વર્ષો પૂર્વે દસ હજાર રૂપિયાની કિંમત ઓછામાં ઓછી 10 લાખ હતી.  પણ આવડી મોટી રકમનો શ્રી રામકૃષ્ણ દેવે  તણખલાની જેમ ત્યાગ કર્યો. એવું નથી કે શ્રી રામકૃષ્ણદેવને આર્થિક તંગી ન હતી. કાલીમંદિરના પુજારીનાં કાર્ય માટે તેમને મહિને માત્ર સાત રૂપિયા વેતન મળતું. જો કે તેમણે ક્યારેય આ પગાર માટે હસ્તાક્ષર કર્યા ન હતાં. ક્યારેક તો દૂધના પૈસા પણ દેવાના બાકી હતા. એકવાર સિંધના મહેન્દ્ર વૈદ્ય રામલાલદાદાને પાંચ રૂપિયા આપી ગયેલા. રામલાલદાદાએ જ્યારે શ્રી રામકૃષ્ણ દેવને આ વાત કરી ત્યારે તેમને પૂછ્યું, ‘કોના માટે આપ્યા છે? તેમણે કહ્યું, ‘અહીને માટે…’  શ્રી રામકૃષ્ણદેવે પાછળથી આ વિષે કહ્યું હતું કે,  પહેલા તો મેં ધાર્યું કે દૂધના દેવાના બાકી છે તે દેવાઈ જશે. પણ હોય મા.. અઢી વાગ્યે જાગી ઉઠ્યો. છાતીમાં જાણે બિલાડી નોર મારી રહી હતી. એટલે રામલાલની પાસે જઈને મેં વળી પાછું પૂછ્યું, ‘એ પૈસા તારી કાકીને તો નથી આપી ગયો ને?, તેમણે કહ્યું ના.. ત્યારે મેં તેને કહ્યું, ‘તું અત્યારે ને અત્યારે પાછા આપી આવ.’  ત્યાર પછી રામલાલ તે રૂપિયા પાછા દઈ આવ્યો ત્યારે મનને શાંતિ થઈ.

એકવાર શ્રી મા શારદા દેવીએ શ્રી રામકૃષ્ણદેવને પૂછ્યું, તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો? શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, જે મા ત્યાં મંદિરમાં છે, એ જ મા ચંદ્રામણી દેવી એટલે કે તેમની ગર્ભ ધારિણી માતા નોબત ખાનામાં ઉપર રહે છે. તે જ મા હમણાં મારી સામે બેઠા છે. ખરું કહું છું, તમારામાં  અને જગત માતામાં હું કાંઈ ભેદ જોતો નથી. શ્રી રામકૃષ્ણદેવ આમ ફક્ત મોઢેથી જ બોલ્યા એટલું જ નહિ, કાલહારિણી  કાળી પૂજાની રાતે પોતાની પત્ની મા શારદા દેવીની સોળશી મહાવિદ્યાના રૂપમાં પૂજા કરી. સમસ્ત જીવન તેમની સાથે પવિત્ર સંબંધ રાખ્યો. વિશ્વના ઇતિહાસમાં ક્યાંય કાંચનકામીની નો આવો અદભુત ત્યાગ જોવા નથી મળ્યો. તેઓ ખરેખર ત્યાગીઓના બાદશાહ હતા. એટલે જ સ્વામી વિવેકાનંદજીએ શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની 11મી અને 12મી પંક્તિમાં  वंचन कामकांचन  अति निंदित इन्द्रिय राग त्यागेश्वर हे नरवर दैहो पदे अनुराग. તમે અતિ નિંદ્રિત ઈંદ્રિયાશક્તિ તથા કામકાંચનનો ત્યાગ કર્યો છે. હે ત્યાગીશ્રેષ્ઠ નરદેવ, મને તમારા ચરણોમાં ભક્તિ આપો.