શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ કહે, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’.

વિવેકાનંદજી કહે છે કે,  ‘भक्तार्जन युगलचरण  तारण भव पार’ ભક્તનાં સંપદરુપ તમારા ચરણ યુગલ સંસાર સમુદ્રમાંથી પાર કરનાર છે.

શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ અને વિવેકાનંદ વિચારધારાના સાધક સ્વામી  શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજના પુસ્તક “શ્રી રામકૃષ્ણ આરાર્તિકમ” માં ભક્ત હૃદયને સ્પર્શે તેવી વિગતો આપતા લખાયું છે કે,

1 જાન્યુઆરી 1886 શ્રી રામકૃષ્ણદેવને ગળામાં કેન્સર થવાથી કોલકતામાં કાશીપુરનાં બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. બપોરનાં લગભગ  ત્રણ વાગે તેઓ ઉપરનાં ઓરડામાંથી નીચે આવી ગયાં અને બગીચાના ફાટક સુધી ટહેલવા લાગ્યાં. ઘણા દિવસો પછી આજે કંઈક સ્વસ્થ હોવાથી નીચે ઉતાર્યા છે એટલે ભક્તો ખુશ છે. રજાનો દિવસ હોવાથી લગભગ ત્રીસેક જેટલા ભક્તો તેમની પ્રતીક્ષામાં છે. તેઓ પણ શ્રી રામકૃષ્ણ દેવની પાછળ પાછળ ચાલ્યા કરે છે. ફાટકથી લઈને રહેવાનાં ઓરડા તરફ જતા અધવચ્ચે  એક ઝાડ તળે શ્રી રામકૃષ્ણ દેવે શ્રી ગિરીશ ઘોષ, રામચંદ્ર દત્ત, વગેરે ભક્તોને બેઠેલા જોયા. તેમણે ઓચિંતા શ્રી ગિરીશ ઘોષને સંબોધીને કહ્યું, ‘ગિરીશ આ તું સૌને આટલી વાતો કરતો કરે છે જેમાં અવતાર તત્વની વાત હોય છે. તો તે મારામાં શું જોયું છે? તું શું સમજ્યો છો ? બોલ’. સાંભળીને જરાં ગિરીશ ઘોષ તો અચકાયા પણ એમણે જાજો વખત ન લીધો એમણે તાત્કાલિક કહ્યું, કે ગિરીશ ઘોષ તેમના ચરણોમાં જમીન પર  માથું ટેકવીને બેસી ગયા. અને મોઢું ઉંચુ કરીને હાથ પકડીને ગદગદ સ્વરે બોલી ઉઠ્યા, ‘ વ્યાસ, વાલ્મિકી જેમનો પાર પામી નથી શક્યાં એમને વિશે હું તે વળી વધારે શું કહી શકું?’ ગિરીશ ઘોષના અંતરમાં રહેલો સરળ વિશ્વાસ એકેએક શબ્દમાં ટપકી રહેલો જોઈને શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ ગયાં. અને એમની તરફ જોઈને ભેગા મળેલા સૌ ભક્તોને કહ્યું, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’. ભક્તો પ્રત્યેના પ્રેમ અને કરુણાથી સુધ-બુધ વિસરી જઈને તેઓ એટલા શબ્દો બોલતા વેત જ ભાવસમાધિમાં ચાલ્યા ગયા. આજે ગયેલા સૌ ભક્તોને લાગ્યુ જાણે કે એમના દુઃખોથી દુઃખી થઈને એક અપૂર્વ દેવતા પોતાના પ્રેમપૂર્ણ પાલવમાં આશ્રય દેવા માટે સ્વર્ગમાંથી ઉતરી આવીને એમને વ્હાલથી યાદ કરી રહ્યા છે.  આવી રીતે ઘણાં ભક્તોને દિવ્ય અનુભવ થયા છે. ઘણા લોકો આવી ઘટનાઓને શ્રી રામકૃષ્ણ દેવનું કલ્પતરુ બનવું એમ કહીને વર્ણવે છે. 1 જાન્યુઆરીને ‘કલ્પતરુ દિવસ’ રૂપે ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે. કાશીપુરના બગીચામાં દર વર્ષે પહેલી થી ત્રીજી જાન્યુઆરી સુધી ત્રણ દિવસો માટે આ નિમિત્તે મહોત્સવ યોજાય છે અને લાખો ભક્તો જોડાય છે. 1 જાન્યુઆરીએ શ્રી રામકૃષ્ણદેવ જે ઓરડામાં રહેતા તેમાં રાખેલ તેમની છબીના દર્શન કરવા લોકો સવારના ચાર વાગ્યાથી કતારમાં ઊભા રહે છે. શ્રી રામકૃષ્ણય પ્રસંગમાં સ્વામી શારદાનંદ મહારાજ  લખે છે કે, આ ઘટનાને  ઠાકુર ‘અભયપ્રકાશ અથવા આત્મપ્રકાશ’ કહીને સૌને કીધેલું અભયદાન એમ કહીને ઓળખાવવું વધારે તર્કસંગત છે. કારણ કે કલ્પતરુ તો માંગનારને વાંછિત વસ્તુ આપે સારી હોય કે નરસી હોય. પણ શ્રી રામકૃષ્ણદેવે તો એવું નહોતું કર્યું. એમણે તો એ ઘટનાથી પોતાના દેવ માનવત્વનો અને સર્વજનોને વિના ભેદભાવે દીધેલા અભયઆશ્રયનો સ્પષ્ટ પરિચય આપેલો. સ્વામી શ્રી વિવેકાનંદજી દ્વારા રચિત  શ્રી રામકૃષ્ણ આરાર્તિકમના પદમાં એક વિશેષ પ્રયોગ કરે છે ‘भक्तार्जन युगलचरण’. ભક્ત ચરણની વાત આ રીતે સાંકળી લેવમાં આવેલ છે.

શ્રી રામકૃષ્ણ દેવ કલ્પતરુ વિશે એક મજેદાર વાર્તા કહેતા. એક માણસ વનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે થાકીને એક ઝાડ તળે બેસીને વિચારવા લાગ્યો કે સુવામાટે પથારી હોય તો  કેવું સારું?  તેને શું ખબર કે તે કલ્પતરુની નીચે બેઠો છે. મનમાં વિચાર આવતા જ ત્યાં સુંદર પથારી થઈ ગઈ. પછી તે માણસે વિચાર્યું હવે ભૂખ લાગી છે. કંઈક  ખાવાનું મળી જાય તો કેટલું સારું. તરત જ ભાતભાતની વાનગીઓ હાજર થઈ ગઈ. કોઈ પગ દબાવવાવાળું હોય તો કેવું સારું. વિચારતા જ એક સુંદર સ્ત્રી હાજર થઈ ગઈ જે પગ દબાવવા માંડી અને તે માણસ ઘસઘસાટ ઊંઘી ગયો.થોડીવાર પછી ઉઠીને પછી તેણે વિચાર કર્યો, ‘ લાવ નજર તો નાખું કે કઈ જગ્યાએ આવ્યો છું.’ ચારે તરફ ગાઢ જંગલ જોતા જ તેના મનમાં વિચાર આવ્યો ‘ઓહ, આવું ગાઢ જંગલ, અહીં વાઘ આવી જશે તો?’ અને આમ વિચારતાં ત્યાં એક વાઘ દેખાયો. વાઘને જોતા જ તે ડરી ગયો અને વિચારવા લાગ્યો, ‘જો વાઘ મને ખાઈ જશે તો’? આ વિચાર ઉપર વાઘે તરાપ મારી અને માણસને ખાઈ ગયો. આ વાર્તા સંભળાવી શ્રી રામકૃષ્ણ દેવ કહેતા કે, ભગવાનને પ્રાર્થના કરતી વખતે સાવધાન રહેવું જેથી લૌકિક કામનાઓ મનમાં ન આવે. કારણ કે ભગવાનતો કલ્પતરુ છે જે માંગો તે મળશે. પણ જો લૌકિક કામનાઓ માટે પ્રાર્થના કરશો તો તે પુરી થશે પણ સાથે-સાથે તેમાંથી ઉત્પન્ન થતી વિપત્તિઓ પણ તમારી પાસે આવશે. માટે ભગવાન પાસે કેવળ નિષ્કામ ભક્તિ માટે જ પ્રાર્થના કરવી જોઈએ.

એક ભક્ત પ્રાર્થના કરે છે ‘ હે પ્રભુ, તમે તો અહૈતુક દયાસિંધુ છો, વારંવાર મારા ઉપર અહૈતુક કૃપા વરસાવો છો. તમે જાણે કે મારા માટે કલ્પતરુ બની ગયા છો. હે પ્રભુ, હવે આટલી કૃપા કરી કલ્પતરુ બનશો નહિ કારણ કે મારું મન હજુ પૂર્ણ શુદ્ધ થયું નથી. અજાણતા જો તેમાં કોઈ અનિચ્છનીય લૌકિક કામના આવી જશે અને તમે તેને પૂર્ણ કરશો તો હું તમારા ચરણોથી દૂર થઈ જઈશ. માટે ‘ હે પ્રભુ, મારા માટે આપ કલ્પતરુ બનશો નહી.’

શ્રી રામકૃષ્ણ દેવ અહૈતુક દયાસિંધુ છે. તેમનો આ આશીર્વાદ હોય છે કે ‘ચૈતન્ય થાઓ’.  શ્રી રામકૃષ્ણદેવના ઘણા ભક્તોને લૌકિક દુઃખોનો સામનો કરવો પડે છે શું તેનું કારણ આ જ હશે? કુંતીમાતાએ તો ભગવાનને પ્રાર્થના કરી હતી. ‘હે જગતગુરુ, ચારે તરફથી અમને વિપતિઓ આપો કારણ કે ત્યારે જ તમારું સ્મરણ કરવાથી તમારા દર્શન થાય છે જે જન્મ મરણના બંધનમાંથી છોડાવે છે’. બસ, એ જ રીતે અશ્રુપૂર્ણ નયનોથી પ્રેમથી ઉભરાતા હ્રદયે મૃદુ સ્વરમાં સ્વામીજી પણ કહે છે કે , ‘જ્ઞાનીઓ જે જ્ઞાનની પૂર્ણતા શોધી રહ્યા છે તે જ્ઞાન તેના શ્રી ચરણોમાં જ છે. પ્રેમીઓ જે પ્રેમની પૂર્ણતા શોધી રહ્યા છે તે પ્રેમ પેલા શ્રી ચરણોમાં જ છે. કહો, આ ધન્ય ચરણો સિવાય અન્ય ક્યાં સ્થળે માનવીઓ શરણું લેવા જશે?

સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણદેવની વિશિષ્ટતા ગણાવતા લખે છે કે,  શ્રેય ઠાકુર તો  ભવસાગરથી પાર  ઉતારે છે. અને એટલે છઠ્ઠી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી લખે છે ‘वक्तार जेने युगल चरणं तारण भवपार’ આપણી સામે યુગલ ચરણો છે અને એમાંથી આશીર્વાદ મેળવીને આપણે ભવપાર કરવાનો છે.(ક્રમશ:)