


શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા પ્રકાશિત “શ્રી રામકૃષ્ણ જ્યોત” માસિક પ્રકાશનના જૂન:૨૦૨૬ ના અંકમાં પ્રકાશિત પરિચયાતમક લેખ.
શ્રદ્ધેય સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીના અહોભાવ ને સાદર પ્રણામ સાથે… જય ઠાકુર
પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની શ્રી રામકૃષ્ણ આશ્રમ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. તેમનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો. ૧૯૭૫માં બી.એસ.સી.; ૧૯૭૮માં બી.એડ.; ૧૯૮૩માં એમ.એડ.; અને ૧૯૮૮માં પીએચ.ડી. કર્યું અને આ બધામાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડી શિક્ષણની કેડીએ વળ્યા છે. પ્રાથમિક શિક્ષણથી લઈને છત્રીસ વર્ષની સફર બાદ તેઓ ઉચ્ચ શિક્ષણના ટોચના સ્થાન પરથી સ્વૈચ્છિક નિવૃત્ત થયા. કે.જી.થી પી.જી. સુધીની તેમની આ શિક્ષણયાત્રા બહુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહી છે.
ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક, જાતીય-શિક્ષણના ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક છે. ૧૨ જેટલા સ્કોલર્સ તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી ચૂક્યા છે. તેઓ ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષક, નવ વર્ષ માધ્યમિક શિક્ષક, ચોવીસ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યા છે. બાર વર્ષ તેઓ યુ.જી.સી.ની ઇન્ટર યુનિ. ઇન્સ્ટિટ્યુટના પ્રૉફેસર અને ડાયરેક્ટર રહ્યા, ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા નિયામક તરીકેનો વધારાનો હવાલો સંભાળી ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીએ વિક્રમજનક Examination Reforms કરેલ છે, જેની સમગ્ર દેશે નોંધ લીધી છે. તેમણે અદાણી ફાઉન્ડેશન, અમદાવાદના Advisor-Education તરીકે પણ રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કરેલ છે. તેઓ લોકભારતી યુનિવર્સિટી, સણોસરા, (જિલ્લો : ભાવનગર) ના પ્રથમ કુલપતિ રહ્યા છે.
ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પ્રભાવક શૈલીથી વાતને રજૂ કરનાર લેખક અને ઉત્તમ વક્તા છે. તેમનાં પાંત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. “હૈયું-મસ્તક-હાથ” પુસ્તક ૨૦૧૦નું બેસ્ટ-સેલર પુસ્તક રહ્યું છે, જયારે “મુઠ્ઠી ઊંચેરાં ૧૦૦ માનવ-રતો” ૨૦૧૫નું બેસ્ટ સેલર માઈલસ્ટોન પુસ્તક છે. તેઓ ગુજરાતી વર્તમાનપત્રો ‘દિવ્ય ભાસ્કર’, ‘ફૂલછાબ’ અને ‘કચ્છમિત્ર’ના પ્રખ્યાત કટાર લેખક છે.
છેલ્લાં ૬૦ વર્ષથી દર વર્ષે સ્વામી વિવેકાનંદ વાર્ષિક સ્પર્ધાઓ આશ્રમ દ્વારા યોજવામાં આવે છે. તેમાં તેઓ જયારે ચાર વર્ષના હતા, ત્યારે પહેલી વાર ભાગ લીધો હતો. એ સ્પર્ધા હતી મુખપાઠની. એમાં એક ફકરો આપવામાં આવતો, જે મુખસ્થ કરીને સ્પર્ધામાં બોલવાનો રહે છે. તેમને આપવામાં આવેલ ફકરો સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વ-ધર્મસભામાં જે પ્રવચન આપ્યું હતું, તેમાંથી લેવામાં આવ્યો હતો. તેમાં તેઓ પ્રથમ આવ્યા અને આશ્રમના નિયમ મુજબ તેમને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો આપવામાં આવ્યાં. ત્યારથી એટલી નાની ઉંમરે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાથી તેમની વાંચનની યાત્રા શરૂ થઈ. દર વર્ષે સ્પર્ધાઓમાં ભાગ લેવો અને નંબર લાવીને પુસ્તકો લાવવાં એ જાણે એમનો ક્રમ બની ગયો. તેમની આ વાંચન-યાત્રા યુવાનીમાં પણ ચાલુ રહી. શ્રીરામકૃષ્ણ આશ્રમના પુસ્તકાલયનો તેમણે ભરપૂર લાભ લીધો છે.
એક વખત પ્રો. જનાર્દનભાઈ વૈદ્ય, કે જેમણે કેટલાંયે વર્ષો સુધી આશ્રમના પ્રકાશન વિભાગમાં નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક સેવાઓ આપી હતી, ઉંમરના કારણે તેમની આંખો નબળી બની જતાં ભદ્રાયુભાઈ તેમની મદદ માટે આવતા, તેમને તેમાંથી પણ પ્રેરણા મળતી. શ્રી વૈદ્યને સ્વામીજીનાં ઉદ્ધરણો મુખસ્થ હતાં. તેમનાથી ડૉ. ભદ્રાયુભાઈ પ્રભાવિત થયા. તેઓ વૈદ્ય સાહેબને પુસ્તકો વાંચી સંભળાવતા અને એ બહાને ભદ્રાયુભાઈને પણ વાંચન થઈ જતું.
આમ, સ્વામીજી વિશે વધુ ને વધુ વાંચન થતું રહ્યું. હજી પણ તેમની આ વાંચનયાત્રા ચાલુ જ છે. તેમના પર સ્વામીજીના પ્રભાવ વિશે તેઓ ચાર કારણો આપે છે.
(1) સ્વામીજીના પુસ્તકોમાંથી તેમને મળ્યો આત્મવિશ્વાસનો અસીમ પાઠ. એ કારણે જ તેમના જીવનનાં બે-ત્રણ કપરાં કાર્યો અને તેનો બોજ તેઓ વહન કરી શક્યા.
(2) વિચારોની સ્પષ્ટતા — જે કંઈ પણ કહો, ચોખ્ખું કહો, જે શ્રી ભદ્રાયુભાઈએ અપનાવ્યું છે.
(૩) ગરીબો પ્રત્યે સંવેદના – આ બાબતે તેઓ અત્યંત પ્રભાવિત થયા છે. અને
(4) સ્વામીજીએ સ્થાપેલી સંસ્થા આજે પણ એ જ આદર્શ સાથે કાર્ય કરી રહી છે, જે માટે તેઓ સ્વામી વિવેકાનંદજી પ્રત્યે અખૂટ અહોભાવ ધરાવે છે. સમગ્ર વિશ્વમાં વ્યાવહારિક ક્ષેત્રોમાં એ જ આદર્શો મૂર્તિમંત થઈ રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલ અનેક કાર્યક્રમોમાં અને સેમિનારોમાં વિવિધ વિષયો પર તેમનાં પ્રવચનો પ્રભાવશાળી રહ્યાં છે.
રામકૃષ્ણ મઠ-મિશનના ગુજરાતમાં આવેલાં કેન્દ્રોમાં પણ તેમની વિનંતીને માન આપી ભદ્રાયુભાઈ આનંદપૂર્વક આવે છે અને યુવાનોને માર્ગદર્શન આપે છે અને આને તેઓ પોતાનું સૌભાગ્ય માને છે. એ જ છે તેમને આશ્રમ પ્રત્યેનો ભાવ અને સંબંધ.
ભગવાન શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજી તેમના પર આશીર્વાદો વરસાવતાં રહે એ જ તેઓનાં ચરણોમાં પ્રાર્થના.
