મથુર,  તારી જમીનદારી જગદંબાની થાપણ માત્ર છે, તેઓ જગદંબાના સંતાન છે. તેમના અપાર દુઃખ દૂર કરવા માટે જગદંબાની મૂડી વાપરવી જોઈએ.

શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની નવમી પંક્તિમાં કહ્યું છે,

”ભંજન દુઃખ ગંજન કરુણાધન કર્મ કઠોર”.

હે કરુણાધન, તમે જીવોના દુઃખો નાશ કરો છો અને એ માટે કઠોર કર્મ કરો છો.

આપણા કરુણા મૂર્તિ શ્રી રામકૃષ્ણદેવ હંમેશા વ્યાકુળ રહેતા,,,(એક) સંસારના તાપથી તપ્ત અગણિત નરનારીના દુઃખ દૂર કરવા માટે… (બે)  ફક્ત તેઓના ભવ બંધનનું દુઃખ દૂર કરવા માટે નહિ,  તેઓના લૌકિક દુઃખો દૂર કરવા માટે પણ તત્પર રહેતા… (ત્રણ) પોતાના શરણે આવેલા લોક સમુદાયના વ્યક્તિગત દુઃખ દૂર કરીને તેઓ અટકતા નહિ. પરંતુ સામુહિક રીતે પણ તેઓના દુઃખ દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેતા.

એકવાર શ્રી રામકૃષ્ણ દેવ રાણી રાસમણીના જમાઈ શ્રી માથુરનાથ વિશ્વાસની સાથે તેમની નદિયા જિલ્લામાં આવેલ જમીનદારીની જાગીર જોવા રાણીઘાટ ગયા. તે સમયે પ્રજાગણ પાસેથી વેરો વસૂલ કરવાનો સમય હતો પરંતુ સતત બે વર્ષથી પાક ન થવાથી લોકો દુર્દશાની ચરમસીમાએ પહોંચી ગયા. કોકના દુઃખે દીનદુર્બળ લોકોના જર્જરિત શરીર જોઈ શ્રી રામકૃષ્ણ દેવનું હૃદય કરુણાથી આદ્ર બની ગયું. તેમણે મથુરબાબુને બોલાવીને તે દુર્ભાગી લોકોની મહેસુલ માફ કરવા માટે અને તેઓને પેટ ભરીને ખવડાવી વસ્ત્રદાન કરવા માટે કહ્યું. મથુરબાબુ બોલ્યા, બાપુ તમને ખબર નથી કે પૃથ્વી પર કેટલા બધા દુઃખ, કષ્ટ છે. એ કારણસર પ્રજાનો મહેસુલ માફ નહી થાય. રામકૃષ્ણદેવે આદ્ર ભાવે કહ્યું, મથુર તારી જમીનદારી જગદંબાની થાપણ માત્ર છે, તેઓ જગદંબાના સંતાન છે. તેમના અપાર દુઃખ દૂર કરવા માટે જગદંબાની મૂડી વાપરવી જોઈએ. મથુરબાબુને શ્રી રામકૃષ્ણ દેવના દુઃખીઓને સહાયરૂપ થવાના સદાગ્રહ આગળ નમતું જોખવું પડ્યું. આજ તો છે, ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટ !!  જે  શ્રી રામકૃષ્ણદેવે કેટલાય વર્ષો પહેલા મથુરબાબુના માધ્યમથી અમલમાં મુકેલ. આ કદમને આપણે અનુસર્યા હોત તો ટ્રેડ યુનિયન અને મેનેજમેન્ટની વચ્ચેના ઘર્ષણો ઓછા થવાથી દેશની ઉત્પાદકતામાં વધારો થયો હોત, એ નક્કી.

શ્રી રામકૃષ્ણદેવ મથુરબાબુ સાથે તીર્થ ભ્રમણ કરી રહ્યા હતા. ત્યાં બિહાર રાજ્યના દેવધર વૈદ્યનાથ પાસે આવી જ એક ઘટના ઘટી. ગામના સંથાલ આદિવાસી જાતિના લોકો ભૂખના દુઃખથી પીડિત અને વસ્ત્રહીન અવસ્થામાં હતા. એ પ્રદેશમાં બે વર્ષથી દુકાળ પડ્યો હતો. ગામવાસીઓના દુઃખ-દારિદ્ર જોઈને શ્રી રામકૃષ્ણદેવનું હૃદય એકદમ કરુણાથી ભરાઈ ગયું. તેમણે મથુરબાબુને કહ્યું, તમે તો મા ના દીવાન છો. આ બધાને માથાદીઠ તેલ અને એક પહેરવાનું વસ્ત્ર આપો, અને એક દિવસ ભરપેટ જમાડી દો. મથુરબાબુ બોલ્યા, બાબા તીર્થોમાં ઘણો ય ખર્ચ થશે. આ લોકો તો આટલા બધા છે. આમ કરવા જતા પૈસા ખૂટી પડશે. આ વાત સાંભળી શ્રી રામકૃષ્ણ દેવ વ્યથિત  થયા. ગ્રામ વાસીઓની દશા જોઈને તઃફૂરની આંખમાંથી અશ્રુની ધાર ચાલવા લાગી. હૃદયની અપૂર્વ કરુણાના આવેગ સાથે તેઓ બોલી ઉઠ્યા,  ‘જા, તારી કાશીએ મારે નથી જવું,  હું તો બધાની સાથે જ રહીશ.  એમનું કોઈ નથી એમને છોડીને હું નથી જવાનો’. આવું બોલીને બાળકની જેમ રિસાઈ જઈને તેઓ કંગાળોની વચમાં જઈને બેસી ગયા. હવે શું થાય ? ન છૂટકે મથુરબાબુએ કોલકતાથી વસ્ત્રો મંગાવ્યા અને શ્રી રામકૃષ્ણ દેવની ઈચ્છા પૂર્ણ કરી. ગ્રામવાસીઓને આનંદિત જોઈને રામકૃષ્ણદેવ રાજી-રાજી થઈ ગયાં અને તીર્થયાત્રા કરવા આગળ વધ્યા.

સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી લખે છે  કે, આજે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સમસ્ત દેશમાં દર વર્ષે કરોડો રૂપિયાનાં ખર્ચે અનેક રાહતકાર્યો થાય છે. પણ તેનો પ્રેરણાસ્ત્રોત શ્રી રામકૃષ્ણ દેવ પોતે હતા.

એકવાર કોઢથી પીડાતા માણસે આવી શ્રી રામકૃષ્ણદેવને અત્યંત કાલાવાલા કરીને કહ્યું કે,  તેઓ જો એકવાર હાથ ફેરવી દે તો તેના રોગમાંથી છુટકારો થઈ જાય. એના તરફ કૃપાવશ થઈને રામકૃષ્ણદેવે કહ્યું, હું તો કશું જાણતો નથી ભાઈ, પણ તમે જ્યારે એવું કહો છો તો લાવો હાથ ફેરવી દઉં. મા ની ઈચ્છા હશે તો મટી જશે. એમ બોલીને હાથ ફેરવી દીધો. એ દિવસે એમના હાથમાં આખો દિવસ એવી તો પીડા  થઈ કે આકુળ-વ્યાકુળ થઈને તેઓ જગદંબાને કહેવા લાગ્યા, ‘મા, ફરી કોઈ દિવસ આવું કામ નહીં કરું’. પેલા રોગીનો રોગ તો મટી ગયો પણ એનો ભોગ શ્રી રામકૃષ્ણદેવને પોતાના દેહમાં ભોગવવો પડ્યો. આમ છતાં કરુણામય શ્રી રામકૃષ્ણ દેવ સંસ્પર્શથી દુઃખીઓ પર કૃપા વરસાવતા રહ્યાં. પાપીઓના પાપની પીડા પોતે ભોગવતા રહ્યા. એટલું જ નહિ, અંતે ગળાના કેન્સરની પીડા ભોગવવાની પડી ત્યારે પણ વેઠ્યું. ‘सर्वजिना हताय, सर्वजिना सुखाय, सर्वजिना मोक्षाय’.

એકવાર દક્ષિણેશ્વરના મંદિરમાં રામકૃષ્ણ દેવે જોયું કે,  એક વૃદ્ધા નિઃશુલ્ક ભોજનાલયમાંથી પ્રસાદ મેળવવા માટેની કતારમાં ઉભી હતી. તે ધક્કા-મુક્કીમાં  નીચે પડી ગઈ અને રડવા લાગી. વૃદ્ધાની નિઃસહાય દશા વિચારતા રામકૃષ્ણ દેવ કરુણાથી વિચલિત થઈને રડવા લાગ્યા. જ્યાં સુધી એ અજાણી વૃદ્ધાને શોધીને તેને ભરપેટ ભોજન આપવામા ન આવ્યું ત્યાં સુધી રામકૃષ્ણદેવ બેચેન રહ્યા. એકવાર એક વૃદ્ધા દક્ષિણેશ્વરના ઓરડાના પગથિયાં ચડતી વખતે પડી ગઈ. રામકૃષ્ણદેવને જ્યારે ખબર પડી કે, એકાદશીનો ઉપવાસ કરવાથી અશક્તિને કારણે આમ બન્યું ત્યારે તેમણે કરુણાપૂર્ણ શબ્દોમાં વૃદ્ધાને કહ્યું, જુઓ, સ્ત્રીઓ ઉપવાસનું દુઃખ વેઠે એ હું સહન કરી શકતો નથી. તમારે ફળ વગેરે કંઈક લેવું અને સાવ નિરાહાર ન રહેવું. શ્રી રામકૃષ્ણદેવ કહેતા, કળિયુગમાં જીવ અન્નગત છે. નિર્જળા ઉપવાસ, કઠોર તપસ્યા પાલવે નહિ. એટલે જ તો કેટલાક ભક્તો કહેતા કે,  આપણા ઠાકુર બહુ મજાનાં કઠોર તપસ્યા કરવાનું કહેતા નથી.

શ્રી રામકૃષ્ણ દેવનું હૃદય અત્યંત કોમળ હતું. ઘોડાગાડીમાં જતી વખતે જો કોચમેન ઘોડાઓને ચાબુક મારતો હતો તો તેઓ વ્યાકુળ થઈને પોકારવા લાગતા, ‘ એ મને મારે છે… એ મને મારે છે…’ એમનો દેહ અત્યંત કોમળ હતો.  અતિ ઉચ્ચ ભાવાવસ્થામાં નિરંતર રહેવાથી દેહ એટલો કોમળ થઈ ગયો હતો કે એકવાર એમની આંગળી કપાઈ ગઈ. ચાલીને જવું એમના માટે શક્ય નોહ્તું,  તેથી ઘોડાગાડીમાં જવું પડ્યું. તેઓ રડતાં-રડતાં કહેતા હતા, નીતાઈ એટલે કે ચૈતન્ય મહાપ્રભુની જેમ હું ઘેર-ઘેર જઈ હરિ  નામ લેવડાવી શકતો નથી. ઘોડાગાડી વગર ક્યાંય  જઈ શકતો નથી. આટલા કઠોર કર્મો જીવોના કલ્યાણાર્થે કરવા છતાં તેમને સંતોષ ન હતો.

શ્રીરામ કે શ્રીકૃષ્ણની જેમ શ્રી રામકૃષ્ણ દેવે બાહ્ય શત્રુઓનો સંહાર નહોતો કર્યો પણ અંતરના શત્રુઓના વધ કરવા કેવી કઠોર સાધના બાર  વર્ષો સુધી કરી હતી. આજે વિશ્વ દુઃખની જવાળાથી બળી રહ્યું છે. ભૌતિક સુખના સાધનોમાં આશ્ચર્યજનક વધારો થવાની સાથે-સાથે માનસિક અશાંતિમાં એટલો જ વધારો થયો છે. આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, માનસિક રોગીઓનું પ્રમાણ વધ્યું છે. આ યુગના અવતાર શ્રી રામકૃષ્ણદેવને આપણે પ્રાર્થના કરીએ, ‘હે કરુણામય પ્રભુ આ યુગમાં તમારો અવિર્ભાવ જીવોના દુઃખ દૂર કરવા થયો છે. વિશ્વમાં સમસ્ત લોકોના દુઃખ દૂર કરી  તેઓના મનમાં શાંતિ અર્પણ કરો…હરિ ૐ