ખ્રિસ્તી સાધુ પ્રભુ દયાલ મિશ્ર, વિલિયમ્સ અને શીખ સિપાહી કુંવરસિંહ, ગેરાતલા મસ્જીદનાં મુસ્લિમ ફકીર, સર્વ ઉપર શ્રી ઠાકુરની સમાન કૃપા વરસે છે.

રસિક મહેતર ભલે દારૂડિયો હતો પણ શ્રી રામકૃષ્ણ દેવ નો ચાહક હતો. એ જોતો કે શ્રી રામકૃષ્ણ દેવ પાસે અનેક લોકો આવજા કરે છે. રોજબરોજના ઈશ્વરીય પ્રસંગો, કથા-વાર્તા, ભજન-કીર્તનથી ગુંજતા શ્રી રામકૃષ્ણ દેવના ઓરડાને જોઈને એક મુક વેદના રસિક ના મોમાં ઘુમરાયા કરતી. એને થતું એના એવા નસીબ ક્યાંથી કે તે શ્રી રામકૃષ્ણ દેવની કૃપા પામે અથવા એમનો ચરણસ્પર્શ કરે. એક દિવસ રામકૃષ્ણદેવ શૌચક્રિયા પતાવી પોતાના ઓરડા ભણી પાછા ફરી રહ્યા હતા. હજુ પંચવટી પાસે પહોંચ્યા જ હતા ત્યાં તો રસિક લાંબો થઈ ભોય ઉપર આળોટી  પડ્યો અને શ્રી રામકૃષ્ણ દેવના પવિત્ર ચરણ પકડી આદ્ર સ્વરે પોતાના મનની વ્યથા વ્યક્ત કરવા લાગ્યો. મારું શું થશે? મારું શું થશે? રામકૃષ્ણદેવ અચાનક આ જોઈને ચમક્યા પણ એ તો દેવ એ જ પળે  સમાધિષ્ઠ થઈ ગયા. રસિકની આંખોમાંથી તો આંસુની  ધાર.. સમાધિ અવસ્થામાંથી સહજ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી શ્રી રામકૃષ્ણ દેવે શાંત્વના આપતા કહ્યું, ‘ચિંતા કરીશ નહીં, તારું બધું જ થઈ ગયું છે. અંત સમયે હું તને તેડી જઈશ.’ અને એવું જ બન્યું. મૃત્યુની થોડીવાર પહેલા રસિકે પોતાની પથારી ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે લઈ જવાનું કહ્યું. મૃત્યુની પળે રસિક પોકારી ઉઠ્યો, ‘બાબા તમે અહીં  સાચે જ આવ્યા છો બાબા?,’ એમ કહેતા-કહેતા રસિકે છેલ્લો શ્વાસ લીધો.  ઘણા યાત્રિકો દક્ષિણેશ્વરના દર્શને જાય ત્યારે આ સ્થળ જોવા માટે આજે પણ જાય છે. શ્રી રામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજ રસિક મહેતરનો પ્રસંગ સંભળાવતા કહે છે કે જે કોઈ વ્યક્તિ શ્રી રામકૃષ્ણદેવ ને શરણાગત થશે તે અવશ્ય મુક્તિ પામશે.

ઈશ્વર અહૈતુક કૃપાસિંધુ છે. નાત-જાતના ભેદભાવ વગર શરણાગતોની રક્ષા કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘माम ही पार्थ व्यापाशित्य येपि शिव पप्योःनाहया स्त्रीओ, वैश्या तथा शूद्रा  तदपि यान्ति परागतिम.’ હે અર્જુન સ્ત્રી, વૈશ્ય, શુદ્ર અને પાપ યોનીમાં જન્મેલ વ્યક્તિ પણ જો મારે શરણે આવે છે તો તેને પરમગતિ મળે છે. શ્રી રામકૃષ્ણ અવતારમાં તો જાણે ઈશ્વરની શરણાગત વત્સલતા  ચરમસીમાએ પહોંચે છે. અહૈતુક કૃપાસિંધુ શ્રી રામકૃષ્ણ કોઈપણ જાતના ભેદભાવ વગર ભક્તો પાસેથી સાધનની કોઈપણ અપેક્ષા રાખ્યા વગર કૃપા વરસાવ્યા કરે છે.

निष्करण भक्तशरण त्यजि जाती कुल माँ’. હે પ્રભુ, તમે જાતિ, કુળ, માન વગેરે કોઈ પણ જાતના ભેદભાવ વગર શરણાગતો ઉપર અહૈતુક કૃપા કરો છો તેથી અમને દૃઢ નિશ્ચય થઈ ગયો છે કે અમારી રક્ષા થશે. અમે શંસયરહિત, ભયરહિત, થઈ ગયા છીએ…. આરતીની આ પંક્તિ નો ભાવાર્થ આમ છે.

નરેન્દ્ર, બાબુરામ, વગેરે શુદ્ધ નિર્મળ ત્યાગી સંતાનો પર તેઓ પોતાના પ્રેમનો વરસાદ કરે છે. ગિરીશ ઘોષ, પદ્મ વિનોદ, કૃષ્ણ દત્ત, બિહારી, વગેરે દારૂડિયાઓ મનમત જેવા ગુંડાઓ, તેલો, ભેલો, વગડાના વાળુ, ડાકુ જેવા પર પણ કૃપા કરે છે. ગૌરીમા, યોગીનમા, ગુલાબમા, વગેરે ઉચ્ચ કોટીની સાધિકાઓ પર પોતાની કૃપા વરસાવે છે અને સમાજમાં તિરસ્કાર પામેલ લક્ષ્મીબાઈ અને રમણી જેવી ગણિકાઓ ને નટી વિનોદિની જેવી અભિનેત્રીઓને, વૃંદા અને ભગવતી જેવી દાસીઓને પણ તેઓ શરણ આપે છે. દાયણ, ધની લુહારણ, ખેતીની મા, વગેરે નિમ્ન કુળની સ્ત્રીઓ પર પણ પોતાનો પ્રેમ અપાર વરસાવે છે. રાણી રાસ મણીના જમાઈ મથુરબાબુ, લક્ષ્મીનારાયણ મારવાડી, એવા કેટલાય ધનાઢ્યો તેમની કૃપાના પાત્ર બન્યા છે. તો દેવઘરના કંગાલો, રાણાઘાટના દરિદ્ર ખેડૂતો, શ્રી દેવેન્દ્રનાથ મજુમદાર જેવા ગરીબ ભક્તો પણ તેમની કૃપા પામ્યા છે. વૈશ્રવણચરણ, ગૌરીપંડિત, નારાયણશાસ્ત્રી, પદ્મલોચન જેવા પંડિતોને કેશવચંદ્ર સેન, શિવનાથ શાસ્ત્રી જેવા બ્રહ્મસમાજના નેતાઓને, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ શ્રી અધરલાલ સેન, કેપ્ટ્ન જેવા સરકારી અમલદારોને, અનેક દાક્તરોને અને સમાજમાં સુપ્રતિષ્ઠ વ્યક્તિઓને શ્રીરામકૃષ્ણદેવ જેટલો પ્રેમ કરતા એટલો જ પ્રેમ રસિક મહેતર, દક્ષિણેશ્વર મંદિરના દરવાન હનુમાનસિંહ, માળી ભાત્રાભારી, રસોયા ઈશ્વર ચાટુજય, કામરપુકુરના શંભુ કુમાર, મધુ જુંગી, ચંડા ઓઝો, કાશીપુરના રસોયા ગાંગુલી, મીઠાઇવાળા ફાગુ, ઘોડિયાવાળા વેણી શાહ,  વગેરેને પણ તેઓ એટલો જ પ્રેમ કરતા. સર્વ ધર્મના અનુયાયીઓ પર તેમની કૃપા સમાન રૂપે વરસતી. ખ્રિસ્તી ધર્મના સાધુ પ્રભુ દયાલ મિશ્ર અને વિલિયમ્સ અને શીખ સિપાહી કુંવરસિંહ, ગેરાતલા મસ્જીદનાં મુસ્લિમ ફકીર, સર્વ ઉપર દેવની સમાન કૃપા વરસે છે.

એકવાર રામકૃષ્ણ મઠ અને મિશનના દસમાં પરમાધ્યક્ષ શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજીને કેટલાક બ્રહ્મચારીઓએ વિનંતી કરી કે મહારાજ આપે તો શ્રી મા શારદા દેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવવી છે. અમને આપના મુખેથી એમની વાતો સાંભળવી છે. પહેલા તો પૂજ્ય મહારાજે વાત નકારતા કહ્યું,  એ બધી વાતો તમને શ્રી મા વિશે પ્રકાશિત પુસ્તકોમાંથી મળી આવશે. તો પણ તમે આટલો આગ્રહ કરો છો તો શ્રી મા એ કહેલી અત્યંત મૂલ્યવાન એક વાત તમને કહી દઉં. શ્રી મા શારદાદેવી કહેતા કે આ વખતે શ્રી રામકૃષ્ણ દેવે આવી કૃપાના દરવાજા ખોલી નાખ્યા છે. એનો અર્થ સમજવા જેવો છે. આ પહેલા ગર્ભ મંદિરમાં સ્થપાયેલ ઈશ્વરની મૂર્તિના દર્શન કરવા દરવાજા ઉઘાડવા પડતા, તાળું ખોલવું પડતું, પણ શ્રી રામકૃષ્ણ દેવના આગમનથી હવે આ દર્શન અત્યંત સુલભ થઇ ગયા છે. તાળું ખુલી ગયું છે, દરવાજા માત્ર વાસેલા છે, માત્ર એક ધક્કો દેવાથી ખુલી જશે. એકવાર એક ભક્તે  શ્રી મા શારદા દેવીને કહ્યું, ‘મા મને બહુ ડર લાગે છે.’  મા એ કહ્યું, દીકરા,  તે શ્રી રામકૃષ્ણ દેવનું શરણ લીધું છે પછી ભય શેનો?  જો શરણાગતની રક્ષા તેઓ ન કરે તો તો એ તેમનો મહા અપરાધ થશે. તો પછી હવે આપણને ભય શેનો?

ચાલો શંસયરહિત થઈએ, ચિંતા મુક્ત થઈએ, અને શ્રી રામકૃષ્ણ દેવના શરણમાં જતા રહીએ.