“જે સુખને આવકારે છે, તેણે દુઃખને પણ આવકારવું જ પડે છે.” (18)

 

 

 

 

 

સુખ જો સરવાળાકારે વધે, તો દુઃખ ગુણાકારની માત્રામાં વધે છે. સુખ અને દુઃખ એક સિક્કાના બે પાસા છે. સુખનો સ્વીકાર કરવાથી દુઃખનો સ્વીકાર કરવો જ પડશે.

૧૬ ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ શ્રી રામકૃષ્ણદેવે મહાસમાધિ લીધી. ભક્તો ઊંડા શોકમાં ડૂબી ગયા. શ્રીમા શારદાદેવીનો શોક કેમેય જતો નહોતો. કાશી, વૃંદાવન વગેરે તીર્થસ્થળોની તેમણે યાત્રા કરી. પંચતપાની તપસ્યા કરી; પણ તેમને પોતાના શરીર ધારણ કરવાનો ઉદ્દેશ હજુ સમજાયો નહોતો. એક અપૂર્વ દર્શનથી તેમને આ વિશે સ્પષ્ટતા મળી.

શ્રી રામકૃષ્ણદેવની મહાસમાધિના ચાર-પાંચ વર્ષ પછીની વાત છે. શ્રીમા શારદાદેવી બેલુરમઠમાં નીલાંબર મુખર્જીના મકાનમાં નિવાસ કરી રહ્યા હતા, જે હાલ બેલુરમઠ સાથે સંલગ્ન છે. તે દિવસે પૂનમની રાત હતી. બગીચામાંથી ઉતરી ઘાટના પગથિયા પર બેસી માતાજી મુગ્ધ નયને ગંગાની અપૂર્વ શોભા નિહાળી રહ્યા હતા. મન નિશ્ચિંત હતું.

એકાએક તેમણે જોયું કે શ્રી રામકૃષ્ણદેવ ઉતાવળે પગે પાછળથી આવીને ગંગામાં ઉતર્યા અને સાથોસાથ તેમનો ચિન્મય દેહ ભાગીરથીના પવિત્ર જળમાં ભળી ગયો.

એવામાં ક્યાંકથી સ્વામી વિવેકાનંદજી આવ્યા અને “જય રામકૃષ્ણ!” કહેતા કહેતા બે હાથની અંજલિઓમાં એ બ્રહ્મવારિ લઈને આજુબાજુના અગણિત સ્ત્રી-પુરુષો ઉપર છાંટવા માંડ્યા. માતાજીએ જોયું કે અસંખ્ય લોકો આ પાણીના સ્પર્શથી સદ્યોમુક્તિ પામ્યા.

આ દર્શન એટલી સ્પષ્ટ રીતે એમણે જોયું હતું કે કેટલાક દિવસો સુધી એમની આંખો સામે એ દૃશ્ય તરવર્યા કરતું રહ્યું. તેથી રખેને શ્રી રામકૃષ્ણદેવના દિવ્ય દેહને પગ અડી જશે, તે બીકે તેઓ કેટલાક દિવસો સુધી ગંગામાં ઉતરીને નાહી શક્યા નહીં.

આ અલૌકિક દર્શનથી માતાજીને આ યોગાવતારની લીલા પૂરેપૂરી સમજાઈ અને તેમને વિશ્વાસ બેઠો કે આ લીલાની પુષ્ટિ માટે તેમનો મનુષ્યદેહ ધારણ કરવામાં પણ સાર્થકતા છે.

જગતના દુઃખોથી વિચલિત થઈને સ્વામી વિવેકાનંદજી કર્મયોગમાં સમજાવે છે કે ખરેખર તો આવું નથી. સુખ જો સરવાળાકારે વધે, તો દુઃખ ગુણાકારની માત્રામાં વધે છે. સુખ અને દુઃખ એક સિક્કાના બે પાસા છે. સુખનો સ્વીકાર કરવાથી દુઃખનો સ્વીકાર કરવો જ પડશે.

સ્વામી વિવેકાનંદજીના શબ્દોમાં, “સુખ પોતાના મસ્તક ઉપર દુઃખનો કાંટાળો મુગટ પહેરીને મનુષ્ય પાસે આવે છે. જે સુખને આવકારે છે, તેણે દુઃખને પણ આવકારવું જ પડે છે.”

આ સંબંધમાં એક મજાની વાર્તા છે.

એકવાર સીતાજીએ રામચંદ્રજીને કહ્યું, “તમારા રાજ્યમાં કોઈ પણ ગરીબ ન હોવા જોઈએ. કોઈ પણ દુઃખી ન હોવા જોઈએ. તમારી પાસે અઢળક ખજાનો છે, બધાને પૂરતું ધન આપી દો.”

રામચંદ્રજીએ કહ્યું, “તથાસ્તુ.”

બીજે દિવસે રાજ્યનો ખજાનો સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યો. બધા લોકો માલામાલ થઈ ગયા. બધા પોતપોતાનો કામધંધો છોડીને આનંદ-પ્રમોદમાં મગ્ન થઈ ગયા.

વરસાદના દિવસો આવ્યા. લોકોના મકાનોની છતોમાંથી પાણી આવવા માંડ્યું. પણ મરામત કેવી રીતે કરવી? કડીયા તો બધા ધનવાન બની ગયા હતા. કોઈને કડીયા ન જડ્યા. રાજમહેલમાં પણ આજ સમસ્યા ઊભી થઈ. કડીયા જડતા નહોતા.

છેવટે સીતાજીએ રામચંદ્રજીને કહ્યું, “પહેલાં જે હતું તેવું કરી દો. આમ તો કેવી રીતે જીવાશે?” રામચંદ્રજીએ હસતાં હસતાં કહ્યું, “તથાસ્તુ.” ફરી જેમ હતું તેમ થઈ ગયું.

વાર્તાનો મર્મ એ છે કે માયાના સાપેક્ષ જગતમાં, સ્થળ, કાળ અને કારણની સીમાની અંદર આ દ્વંદ્વો — સુખ અને દુઃખ, દિવસ અને રાત, સારું અને નરસું — તો રહેવાના જ.

કર્મયોગમાં સ્વામી વિવેકાનંદજી કૂતરાની વાંકી પૂંછડી અને ભૂત વિશેની વાર્તા દ્વારા સમજાવતા કહે છે કે આ જગત કૂતરાની વાંકી પૂંછડી જેવું છે. સેંકડો વર્ષ થયા, લોકો એને સીધી કરવાની મથામણ કરી રહ્યા છે; પણ જ્યારે એને છૂટું મૂકે છે, ત્યારે પાછી વાંકી થઈ જાય છે.

તો શું જગતના દુઃખો દૂર કરવાના પ્રયત્નો છોડી દેવાના? આ પ્રશ્નના જવાબમાં સ્વામીજી કહે છે કે, “ના, આપણે પ્રયત્નો તો ચાલુ જ રાખવાના; કારણ કે કૂતરાની પૂંછડી વાંકી જ રહેશે. પણ નિઃસ્વાર્થ સેવા કરવા જતાં આપણો અહંકાર નિર્મૂળ થાય છે. આપણે મુક્તિ તરફ પ્રયાણ કરી રહ્યા હોઈએ છીએ. એટલે સેવા આપણો ધર્મ છે.”

“સંપદ તવ શ્રીપદ, ભવ ગોષ્પદ-વારિ યથાય |

(તમારાં ચરણો જેઓની સંપદા છે, તેઓ માટે ભવસાગર ગોષ્પદના જળ તુલ્ય થઇ જાય છે.)

પ્રેમાર્પણ, સમદરશન, જગજન-દુઃખ જાય ||…08

હે પ્રેમાર્પણ, તમે સમદર્શી છો તેથી જગતના લોકોનાં દુઃખ દૂર થઇ જાય છે.”…આ આઠમી પંક્તિનો પૂર્ણાર્થ અહીં ઈંગિત છે.

સર્વજનોના દુઃખો હંમેશા માટે દૂર થાય, તે માટે સર્વજનોની મુક્તિ — સર્વમુક્તિ માટે સ્વામી વિવેકાનંદજી કેટલા પ્રયત્નશીલ હતા, તે તેમના પત્રો અને વાર્તાલાપો વાંચવાથી ખ્યાલ આવે છે.

એકવાર પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, “જે આધ્યાત્મિક અભ્યાસ કે અનુભવ બીજાને લાભદાયી નથી થતો, અજ્ઞાન અને બ્રહ્મમાં ડૂબેલા લોકોનું કલ્યાણ નથી કરતો, કામ અને કાંચનની જાળમાંથી તેમને મુક્ત કરવામાં મદદરૂપ નથી બની શકતો, તે વળી શું કામનો?”

“શું તમે એમ માનો છો કે જ્યાં સુધી એક પણ જીવ બદ્ધ છે, ત્યાં સુધી તમને મુક્તિ મળશે? જ્યાં સુધી તે મુક્ત ન થઈ જાય, પછી તેને ભલે ઘણા જન્મો લાગે, ત્યાં સુધી તારે તેને મદદ કરવા અને બ્રહ્મસાક્ષાત્કાર કરાવવા જન્મ લેવો પડશે.”

સ્વામીજીના આ શબ્દો સાંભળી શરદચંદ્ર ચક્રવર્તી અચરજથી બોલી ઊઠ્યા, “સ્વામીજી! બધાની મુક્તિ વિના એકેય વ્યક્તિની મુક્તિ ન થઈ શકે — એ એક અતિ જબરદસ્ત વિધાન છે.”

સ્વામીજીએ જવાબમાં કહ્યું, “થિઓસોફિસ્ટોનો એક વર્ગ આ મત ધરાવે છે. તેઓ એમ કહે છે કે વ્યક્તિની મુક્તિ તે સાચો અને સંપૂર્ણ મોક્ષ નથી; પણ સર્વવ્યાપી અને સામુદાયિક મોક્ષ તે જ મુક્તિ છે. બેશક, એ મતમાં ગુણ અને દોષ બંને બતાવી શકાય; પરંતુ જે એમ માને છે કે પોતે આખા વિશ્વને પોતાની સાથે મુક્તિમાં લઈ જશે, તેના હૃદયની મહત્તા કેવી હશે તેનો જરા ખ્યાલ કરજો.”

 

“આત્મનો મોક્ષાર્થમ્ જગત હિતાય ચ” (17)

 

 

 

 

 

શ્રીમા શારદાદેવીને આ પછી ખરેખર ૩૪ વર્ષો સુધી સંઘમાતાની જવાબદારી સ્વીકારવી પડી.

આરતી સ્તવનમાં કહ્યું છે કે, જગ જન  દુઃખ જાય. પણ આ કેવી રીતે તેની વિગતે વાત કરીએ.

મિસ્ટર વિલિયમ્સ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી હતા. સંભવતઃ ૧૮૭૬માં, ગુડ ફ્રાઈડેના દિવસે મિસ્ટર વિલિયમે શ્રી રામકૃષ્ણદેવની મુલાકાત લીધી અને શ્રી રામકૃષ્ણદેવમાં તેમણે ઈશુ ખ્રિસ્તના સાક્ષાત્ આવિર્ભાવ જોયો.

શ્રી મિશ્રાએ કહ્યું કે, “અત્યારે મને રામકૃષ્ણદેવમાં, તમે જુઓ છો તેથી ઉલટું પણ  તેઓ જ સ્વયં ઈશ્વર છે. તમે લોકો તેમને ઓળખી શકતા નથી. અત્યારે હું પોતાની આંખોથી તેમને સાક્ષાત્ જોઈ રહ્યો છું, પણ મેં તેમને દિવ્ય દર્શનમાં પહેલાં જોયા જ હતા. મેં એક બગીચો જોયો, જેમાં એક ઊંચી જગ્યા પર તેઓ બેઠા હતા. નીચે એક અન્ય વ્યક્તિ બેઠેલી હતી, પણ તે એટલી આગળ વધેલી ન હતી.”

વાતચીત કરતી વખતે શ્રી મિશ્રે પાટલુન  નીચે પહેરેલું ભગવા રંગનું વસ્ત્ર બતાવ્યું અને પોતાની વ્યક્તિગત વાતો કરી. તેઓ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. પછી ઈશુ ખ્રિસ્તને પોતાના ઈષ્ટરૂપે સ્વીકારી ક્વેકર સંપ્રદાયમાં જોડાયા. પોતાના એક ભાઈના લગ્નના દિવસે લગ્નમંડપ ભાંગી પડતા, જેમના લગ્ન થવાના હતા તે તથા તેમના બીજા એક ભાઈ ત્યાં જ મૃત્યુ પામ્યા. તે જ દિવસે તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો.

થોડીવાર પછી શ્રી રામકૃષ્ણદેવે ભાવાવસ્થામાં મિશ્રને કહ્યું, “તમે જેના માટે પ્રયત્ન કરો છો, તે અવશ્ય મળશે.” શ્રી મિશ્રે શ્રી રામકૃષ્ણદેવમાં પોતાના ઈષ્ટ ઈશુ ખ્રિસ્તને જોયા અને હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા. પછી ભક્તોને તેમણે કહ્યું, “તમે લોકો તેમને ઓળખતા નથી, પરંતુ તેઓ જ ઈશુ ખ્રિસ્ત પોતે છે.”

પ્રખ્યાત ઇતિહાસકાર ડૉક્ટર આર્નોલ્ડ ટોયનબીના કથન પ્રમાણે, જો વિશ્વને સંપૂર્ણ વિનાશમાંથી બચવું હોય, તો તેણે ભારતીય આદર્શોને અપનાવવા જ પડશે. શ્રી રામકૃષ્ણદેવના જીવન દ્વારા પ્રતિપાદિત સર્વધર્મ સમન્વયનો સંદેશ અને મહાત્મા ગાંધી તથા સમ્રાટ અશોકના અહિંસાના સિદ્ધાંત અપનાવવા જ પડશે.

શ્રી રામકૃષ્ણદેવના દિવ્ય પ્રેમથી આકર્ષિત થઈ વિભિન્ન ધર્મોના, વિભિન્ન સંપ્રદાયોના તથા વિભિન્ન દેશોના કેટલાય લોકો શ્રી રામકૃષ્ણદેવના પુસ્તકો વાંચી રહ્યા છે.

દેશ-વિદેશમાં તેમના સંદેશ **”શિવજ્ઞાને જીવસેવા“**ને વ્યવહારમાં મૂકવા અનેક કેન્દ્રોનો આરંભ થઈ રહ્યો છે.**”આત્મનો મોક્ષાર્થમ્ જગત  હિતાય ચ“**ના મંત્રથી પ્રેરિત થઈ લોકો આધ્યાત્મિક વિકાસ કરી રહ્યા છે. શ્રી રામકૃષ્ણદેવના પ્રેમના વિતરણનું માધ્યમ સૌ બની રહ્યા છે.

સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી દ્વારા શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ પરના પુસ્તકમાં જણાવાયા મુજબ…૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રી રામકૃષ્ણદેવને સારવાર માટે કોલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સર થયું છે. ભયંકર પીડા થઈ રહી છે, છતાં બધું હસતે મોઢે સહન કરી રહ્યા છે.

વિષાદના સાગરમાં ડૂબેલા ભક્તોને સંબોધીને શ્રી રામકૃષ્ણદેવે કહ્યું,

“હું શું જોઉં છું, કહું? ઈશ્વર જ સર્વ કંઈ થઈ રહ્યો છે. મનુષ્ય અને બધા જીવો જે દેખાય છે, તે બધાં જાણે કે ચામડાથી મઢેલા છે. એની અંદરથી ઈશ્વર હાથ, પગ, માથું વગેરે હલાવી રહ્યો છે. જેમ એકવાર જોયું હતું કે જાણે કે મીણનું મકાન, મીણનો બગીચો, મીણનો રસ્તો, માણસો, જાનવરો — બધાં એક જ વસ્તુના બનેલા છે. હું જોઉં છું કે ઈશ્વર જ બલિદાન દેનાર થયો છે; એ જ બલિદાનનું વધ્ય પશુ થયેલ છે, ને એ જ બલિદાન દેવાનું શસ્ત્ર થઈને આવેલ છે.”

આ શબ્દો બોલતા બોલતા તેઓ ભાવમાં વિભોર થઈને બોલી ઊઠ્યા, “આહા! આહા! અરે વાહ!” અને ભાવસમાધિમાં ચાલ્યા ગયા.

ઋગ્વેદના પુરુષસૂક્તમાં વર્ણન આવે છે કે સૃષ્ટિ કરનાર પરમપુરુષે આ સૃષ્ટિ માટે કેવું બલિદાન આપ્યું છે. જગતના કલ્યાણ માટે વારંવાર જગતમાં અવતરણ કરી ઈશ્વર લોકોના દુઃખદર્દ પોતે સહન કરે છે અને પોતાના જીવનનું બલિદાન આપે છે.

શ્રી રામકૃષ્ણદેવે પોતે જ શ્રીમા શારદાદેવીને પોતાના રોગનું તાત્પર્ય સમજાવતાં કહ્યું હતું, “આ યાત્રા મેં જ ભોગવી લીધી. તમારે કોઈને એ ભોગવવી નહીં પડે. જગતના બધા લોકોના વતી મેં આ ભયંકર યાતના સહી લીધી છે.”

પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી શ્રી રામકૃષ્ણદેવ જગતના દુઃખો દૂર કરવામાં રત રહ્યા. તેમના તિરોધાન પછી પણ આ જગજનનાં દુઃખો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી. તે માટે શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદજી અને અન્ય શિષ્યોને આ મહાન કાર્ય માટે તૈયાર કરતા ગયા. રામકૃષ્ણ સંઘની પૃષ્ઠભૂમિ તેઓએ તૈયાર કરી.

એકવાર કાશીપુરના બગીચામાં શ્રી રામકૃષ્ણદેવે શ્રીમા શારદાદેવીને કહ્યું, “જુઓ, કોલકાતાના લોકો કીડાઓની માફક અંધકારમાં સબડે  છે. તમે એને સંભાળજો.”

માતાજીએ દલીલ કરતાં કહ્યું, “હું તો સ્ત્રી છું. હું કેવી રીતે કરી શકું?”

શ્રી રામકૃષ્ણદેવે પોતાના તરફ આંગળી કરીને કહ્યું, ” આખરે આ શરીરે શું કર્યું? તમારે  આનાથી વધારે કરવું પડશે.”

શ્રીમા શારદાદેવીને આ પછી ખરેખર ૩૪ વર્ષો સુધી સંઘમાતાની જવાબદારી સ્વીકારવી પડી.

અસંખ્ય લોકો દેશ-વિદેશથી “મા… મા…” કહીને તેમની પાસે દોડી આવતા. મનની શાંતિ પ્રાપ્ત કરતા, નવું જીવન પામતા. કેટલાય લોકો પોતાના પાપનો બોજો તેમના શ્રીચરણોમાં ઢાળી દેતા.

મંત્રદીક્ષા આપ્યા પછી અનેક વાર માતાજીને પગમાં ભયંકર બળતરા થતી. ગંગાજીમાં ચરણોને ડૂબાડી રાખવા પડતા. આમ છતાં, તેમના કૃપાના દ્વાર ક્યારેય  બંધ ન થયા.

સંસારમાં જેટલા પ્રકારના દુઃખ-કષ્ટો છે, તે બધાને પોતાના જીવનમાં ભોગવી સહનશક્તિનું અદભુત ઉદાહરણ શ્રીમાએ સંસાર સમક્ષ મૂકી ગયા છે.

સમષ્ટિ મુક્તિ માટે આહ્વાન કરતાં તેમણે કહ્યું હતું કે, “દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મભોગ તે કાયદો હતો અને અફસોસ કે યુગો સુધી રહેવાનો છે. બહુજન હિતાય, બહુજન સુખાય દુનિયાના શુરવીરોમાં શુરવીરને, શ્રેષ્ઠમાં એ સર્વશ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે.”

જગતમાં દુઃખોથી વિચલિત થઈ ભગવાન બુદ્ધના કરુણાપૂર્ણ હૃદયે, સ્વામી વિવેકાનંદજીએ હાકલ કરી હતી,

“જાગો, ઓ મહાનુભાવો, જાગો! દુનિયા દુઃખમાં બળી રહી છે. તમારાથી સૂઈ કેમ રહેવાય? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલા દેવ જવાબ ન આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા કરજો. જીવનમાં બીજું વધારે શું છે?”

 

“થોડાક થોભો અને હું પુકારું ત્યાં સુધી તમે ધ્યાન ધરો.” (16)

 

 

 

 

 

‘જો કોઈ બીજો વિવેકાનંદ હોત તો તે જાણી શકત કે આ વિવેકાનંદે શું કર્યું છે.  પણ સમય આવ્યે આવા સેંકડો વિવેકાનંદો જન્મ લેશે.’

મહેન્દ્રનાથ ગુપ્ત જેવો માસ્ટર મહાશય ‘મ’ તરીકે ઓળખાતા. તેમનો જન્મ જાણે શ્રી રામકૃષ્ણ કથામૃત લખવા માટે જ થયો હતો. આ કથામૃતની અમીધારાને  કેટલાએ નવજીવન આપ્યું છે. છઠ્ઠી જુન 1932 ના રોજ ફલહારીણી કાલી પૂજાને દિવસે માસ્ટર મહાશયે રાત્રે  9:00 વાગ્યા સુધી કથામૃતના પાંચમા અને છેલ્લા ભાગનું પ્રુફ જોયું. પ્રૂફ જોતા-જોતા જ તેમના હાથમાં સ્નાયુ શૂળની પીડા શરૂ થઈ. અને બીજે દિવસે સવારે માં, ગુરુદેવ, મને ખોળામાં લઈ લ્યો એવું કહેતા તેઓ ચીર નિંદ્રામાં પોઢી ગયા.

શ્રી રામકૃષ્ણ દેવ પાસેથી  મંત્રદીક્ષા મેળવેલ ગૌરી મા વિષે સ્વામી વિવેકાનંદજીએ લખ્યું છે કે, ગૌરી મા ક્યાં છે? હજારો ગૌરી મા ની આવશ્યકતા છે. જેમનામાં મહાન ચેતનદાયીની શક્તિ હોય તેમનું મહાપ્રયાણ પણ અદભુત હતું. 28 ફેબ્રુઆરી 1938ના રોજ શિવરાત્રીના દિવસે તેમણે કહ્યું, ઠાકુર દોરી ખેંચી રહ્યા છે. એ જ દિવસે બપોરે તેમણે આશ્રમની વિદ્યાર્થીનીઓને કહ્યું, મને સારી રીતે સજાવી દો. જુઓ, મારા માટે રથ આવી રહ્યો છે. અંતિમ રાત્રે તેમણે પોતાના આરાધ્ય દામોદરને મંગાવ્યા, તેમને અપલક નેત્રે જોતા રહ્યા, પછી થોડો સમય છાતી સરસા ચાંપ્યા, બીજે દિવસે પહેલી માર્ચે  તેઓ પોતાની પ્રિય મૂર્તિને દુર્ગાદેવીને સોંપી નિશ્ચિત થઈ ગયા. આખો દિવસ પ્રસન્નતાથી તેઓ શ્રી રામકૃષ્ણ દેવ વિશે વાતો કરતા રહ્યા. સાંજે તેઓ ત્રણ વાર ‘શ્રી રામકૃષ્ણ’ એમ બોલ્યા અને રાત્રે 8:15 વાગ્યે મંત્રનો જાપ કરતાં-કરતાં તેમણે મહાપ્રયાણ કર્યું. તેમના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કોલકાતાના એ કાશીપુર સ્મશાન ઘાટમાં જ કરવામાં આવ્યો જ્યાં શ્રી રામકૃષ્ણ દેવના પાર્થિવ દેહનો કરવામાં આવ્યો હતો.

4થી જુલાઈ 1902 ના રોજ માત્ર 39 વર્ષની વયે સ્વામી વિવેકાનંદજીએ  બેલુરમઠમાં મહાસમાધિમાં પોતાનો દેહ છોડ્યો. તે દિવસે સવારના 8 થી 11 વાગ્યા સુધી તેઓ મંદિરમાં ઊંડા ધ્યાનમાં મગ્ન રહ્યા. મંદિરમાંથી તેઓ નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્વામી પ્રેમાનંદજી ને અસ્પષ્ટ વાણી સંભળાઈ. ‘જો કોઈ બીજો વિવેકાનંદ હોત તો તે જાણી શકત કે આ વિવેકાનંદે શું કર્યું છે.  પણ સમય આવ્યે આવા સેંકડો વિવેકાનંદો જન્મ લેશે.’ તે પછી સ્વામી સિદ્ધાનંદજીને શુક્લ યજુર્વેદનો કેટલોક ભાગ પાશ્ય સાથે ભણાવ્યો. બપોર પછી બ્રહ્મચારીઓના સંસ્કૃત પાઠમાં ભાગ લીધો. સાંજે તેઓ સ્વામી શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથે બેલુર બજાર સુધી ફરવા ગયા. માર્ગમાં તેમણે વેદ વિદ્યાલય સ્થાપવાની ઈચ્છા પ્રગટ કરી કે જે ઈચ્છા હમણાં જ પૂર્ણ થઈ છે. પાછા ફરીને મઠમાં બધાના ક્ષેમકુશળ પૂછ્યા અને પછી પોતાના ઓરડામાં જઈ સેવક પાસેથી જપમાળા લીધી અને તેને બહાર જવા કહ્યું. પછી માં ગંગા તરફ મુખ રાખીને તેઓ ધ્યાનમગ્ન બની ગયા. એમના જીવનની આ અંતિમ પળો હતી. ખાલી દેહપિંજર પડી ગયું. ધ્યાનની આ પાંખો પર સવાર થઈ તેમના આત્માએ અનંતયાત્રા પ્રારંભ કરી. પોતાના સંન્યાસી શિષ્ય સેવકને તેમણે કહેલા અંતિમ શબ્દો હતા, ‘wait and meditate the i call you.’ થોડાક થોભો અને હું પુકારું  ત્યાં સુધી તમે ધ્યાન ધરો.

રામકૃષ્ણ મઠ અને મિશનનાં મુખ્ય મથક બૈલુર મઠમાં થોડા વર્ષો પહેલા એક હજામ રહેતો હતો. નામ એનું ‘મુરત રામ’ ઉત્તર પ્રદેશનો પણ તેના બાપ- દાદા કોલકત્તા આવીને વસેલા. 16-17 વર્ષની ઉંમરથી જ તેણે બૈલુર મઠ આવવાનું શરુ કરેલું. લગભગ 50 વર્ષો સુધી તેણે બૈલુર મઠમાં પોતાની સેવા આપી અનેક વરિષ્ઠ સંન્યાસીઓનો તે કૃપાપાત્ર બન્યા. બધા સાધુ-સંન્યાસીઓને મુંડન કરાવવા, હજામત કરાવવા, તેની પાસે લાઈન લગાવવી પડતી. મુંડન કરવામાં એટલો બધો પાવરફુલ હતો કે એકાદ કલાકમાં તો 50-60 બ્રહ્મચારીઓનું મુંડન કરી શકતો.  શ્રી રામકૃષ્ણ દેવનો તે અનન્ય ભક્ત હતો. નાની વયમાં જ તેણે શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનનાં છઠ્ઠા પાર્માધ્યક્ષ અને શ્રી મા શારદા દેવીનાં શિષ્ય સ્વામી શ્રી વિરજાનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા મેળવી. એ દીક્ષા વિશેની વાત પણ રસપ્રદ છે. મંત્ર દીક્ષા મેળવ્યા પછી પ્રેસિડેન્ટ મહારાજના ઓરડામાંથી બહાર આવ્યા પછી તે મંત્ર ભૂલી ગયો. મંત્ર ભૂલી ગયો એટલે રડવા લાગ્યો. પ્રેસિડેન્ટ મહારાજે કરુણાવશ થઈ તેને પાછો બોલાવ્યો, ફરી મંત્ર આપ્યો. મુરતરામ નિયમિતરૂપે સવારના દરરોજ ચાર વાગ્યે સ્નાન કરતો. જયારે તેનો દેહ જીર્ણ થઈ ગયો ત્યારે 15મી મે 1983 ના રોજ લગભગ 70 વર્ષની ઉંમરે તે પોતાને ગામડે ચાલ્યો ગયો. તેનું ગામ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં હતું. ત્યાં પણ તે દરરોજ નિયમિત જપ કરતો. 1986માં સપ્ટેમ્બરના મહિનામાં તેણે મહાપ્રયાણ કર્યું. ત્યાં સુધી તે આમ દરરોજ નિયમિત જપ કરતો. મૃત્યુ પહેલા તેણે પોતાના પુત્રને સરયૂ નદીના તીરે લઈ જવાનું કહ્યું. નદીમાં સ્નાન કર્યા પછી પોતાના ઇષ્ટ મંત્રનો જાપ કરતા-કરતા તે પોતાના ઇષ્ટદેવમાં વિલીન થઈ ગયો.

શ્રી રામકૃષ્ણદેવની અનેક સાથે જોડાયેલા એમના ભક્તોની આવી અનેક કથાઓ છે કે જેમાં આપણને એવો સંદેશ મળે છે કે રામકૃષ્ણ દેવ એ પ્રેમર્પણનું સમદર્શન કરનાર વ્યક્તિ વિશેષ હતા. અમારે તો સ્વામી વિવેકાનંદજી જે કહે છે તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા કરવી છે. ‘संपद तवश्री पद भव गौश्पद वारियथाय’. હે પ્રભુ કૃપા કરો જેથી આ વાત પર શ્રદ્ધા રાખી તમારા શ્રી પદનો આશ્રય લઈ સરળતાથી ભવસાગર તરી જઈ શકાય.

 સ્વામી વિવેકાનંદજી રાજસ્થાનના ખેતડી માં આવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજીતસિંહ એ એક દિવસ એક સંગીત સભા નું આયોજન કર્યું. એક ગાનારી બાઈને પણ એમાં બોલાવી. સ્વામીજી સંગીતના શોખીન છે,  એમ જાણીને મહારાજાએ તેમને પણ મહેફિલ માં આવવા માટે સંદેશો મોકલાવ્યો, પણ સ્વામીજીએ જવાબ મોકલાવ્યો કે,  એક સન્યાસી માટે આવા ઉત્સવ માં જોડાવું યોગ્ય નથી. ગાયિકાને આ સાંભળીને આઘાત લાગ્યો.  તેણે દુઃખી થઈ અત્યંત દર્દ ભર્યા કંઠે સૂરદાસનું સુપ્રસિદ્ધ ભજન ગાવાનું શરૂ કર્યું.. પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો, સમદર્શી હે નામ તિહારો ચાહે તો પાર કરો,  હે પ્રભુ મારા દોષ તરફ ધ્યાન ન આપશો. તારું નામ તો સમદર્શી  છે. મારો ઉદ્ધાર કરજે.. સ્વામીજીએ દૂરથી દર્દ ભર્યું ગીત સાંભળ્યું અને મનોમન પોતાને ધિક્કારવા લાગ્યા. શું હું સાચો  સંન્યાસી છું ? સન્યાસી હોવા છતાં પણ મેં મારી અને સ્ત્રી વચ્ચે ભેદ કેમ જોયો ? એમની આંખો ઉઘડી ગઈ. તેમને યાદ આવ્યું કે,  ભેદદ્રષ્ટિ અજ્ઞાનથી, માયાથી જ થાય છે.  બધામાં પેલી  એક સત્તા વિરાજમાન છે, તેથી તેઓ કોઇની ઘૃણા  કરી શકે નહીં તે જ ક્ષણે,  સ્વામીજી સંગીતની મહેફિલમાં હાજર થઈ ગયા.  ગીત પૂરું થયા પછી ગયાનારી બાઈ ને  માતાનું સંબોધન કરીને તેમણે તેની પાસેથી ક્ષમા માંગી.  સ્વામીજીને ત્યારે પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવ અવશ્ય યાદ આવ્યા હશે કારણ  પાછળથી તેમણે શ્રી રામકૃષ્ણ દેવની આરાત્રિકમ ની રચના કરી ત્યારે આઠમા પદમાં લખ્યું..

“પ્રેમાર્પણ સમદરશન  જગજન દુખ જાય”.

એક સંવાદમાં શ્રી રામકૃષ્ણદેવે કહેલું કે, “ એક રામ, તેના હઝાર નામ, ખ્રિસ્તીઓ તેને ગોડ કહે છે, તેને જ હિંદુઓ રામ, કૃષ્મ, ઈશ્વર અને અન્ય નામોથી બોલાવે છે.”

 

આવો, ઓશોને તાત્વિક માર્ગે ઓળખીએ..

 

 

 

 

 

 

 

 

 

“હું સ્વયં એક શ્રેણી છું, જેને વિભાજિત ન કરી શકાય.”

‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’

કોઈ ઓશો પ્રેમી કે ઓશો વિરોધી પ્રશ્ન પૂછે કે,

ઓશો કોણ છે?    ઓશો શું છે?  ઓશો ક્યાં છે?

ઓશો ઓશો કેમ છે? ઓશો ક્યારે ક્યારે છે?

આ બધા જ પ્રશ્નના જવાબ એક જ લેખમાંથી મળે તો?? હા, તે જવાબ મળી શકે. બધા જ પ્રશ્નોના જવાબ છે, સ્વામીશ્રી સત્ય વેદાંતજી પાસે.. એ પૂર્વાશ્રમના વસંત જોશી અને એ સમયે એમણે લખેલું પુસ્તક “વિદ્રોહી ઋષિ: ઓજસ્વી ઓશો”. ….

 આવો,  આપણે ઓશોને તાત્વિક માર્ગે ઓળખીએ.

 “તિબેટન બુદ્ધિઝમ સંપ્રદાયના કર્ગ્યુપ્ત (અથવા રેડ હેટ) ના સદ્ગત મુખી, લામા કારમાપાએ કહ્યું છે કે ‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’ સાચે જ, ઓશોએ નૂતન માનવજીવન તેમ જ નૂતન વિશ્વ માટે દૃષ્ટાનું પ્રબુદ્ધ દર્શન અને પ્રતિભાવંત રચનાત્મક નકશો એમ બંને આપ્યાં છે.

ઓશો એ કોઇ વ્યક્તિ નથી, ઓશો એક વિલક્ષણ ઘટના છે. કોઇ એમના હોવાપણાનો અર્થબોધ કરી શકે તેમ નથી અને તેઓને શબ્દોમાં વર્ણવવા પણ અસંભવ છે. ઓશો એટલે કે સૂર્ય – પ્રકાશમાન, શક્તિમાન, ઓજસ્વી અને પોષણ કરનારા. જેમ કે આપણે ~ આપણી આંખોથી સૂર્યને ન જોઇ શકીએ પણ સૂર્ય દ્વારા પ્રકાશિત કિરણોમાં આપણે સઘળું જોઇ શકીએ. એવી જ રીતે ઓશોના તેજથી આપણે જીવનની વાસ્તવિકતાઓને જોઇ શકીએ પણ સ્વયં ઓશોને ન જોઇ શકીએ.

ઓશો એક એવા ‘જાગ્રત વ્યક્તિ’ છે, એક એવો પ્રબુદ્ધ પુરુષ છે કે જેઓએ જે છે તે જોયું, એમના શુદ્ધ ચૈતન્ય દ્વારા જોયું, નહીં કે કોઇ માનસિક પ્રક્ષેપણ દ્વારા. તેઓ બતાવે છે કે દુ: ખ એ મનનું સર્જન છે અને એ મનને અતિક્રમી શકાય છે.

ઓશો એક વિદ્રોહી છે, નહીં કે ચુસ્ત રૂઢિવાદી. તેઓ એવા પ્રત્યાઘાતી પણ નથી કે જે એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરતા હોય. તેઓ હંમેશાં સંતુલિત અવસ્થામાં રહ્યા છે. ઓશો એવા વિદ્રોહી નથી, જેનો શબ્દકોષમાં વ્યાખ્યાતિત કરવામાં આવેલા અર્થો – ‘વળતો પ્રહાર કરવો’ કે ‘કોઇની સામે લડવું’ એવો ભાવ દર્શાવતા હોય. જો કે ઓશો સ્વભાવગત રીતે વિદ્રોહી હતા પણ ‘વળતો પ્રહાર કરવો’ એ અડધું ચિત્ર બતાવે છે, જે સંપૂર્ણ નથી.

ઓશો માત્ર જે કંઇ ખોટું છે તેની સામે લડ્યા નથી, કે જેણે જે કંઇ જૂનું, અપરિપક્વ કે અપ્રસ્તુત હોય તેને ફગાવી દીધું હોય. પણ તેઓએ એક નૂતન દૃષ્ટિ પણ આપી છે, એક નવો પ્રકાશ આપ્યો છે, જેનાથી આપણે આપણને અને આપણી આસપાસના વિશ્વને વધુ સ્પષ્ટતાથી અને વધુ સમજણથી જોઇ શકીએ. તેઓએ વિદ્રોહીના બીજા અડધા ભાગને સંપન્ન કર્યો છે; તેઓએ સમગ્ર માનવજાત માટે એક નૂતન દૃષ્ટિ આપી છે કે જેનાથી એક બહેતર જિંદગી જીવી શકાય. એટલા માટે જ ઓશો એક સ્વ-વ્યાખ્યાયિત ઘટના છે, તેઓ ખુદ પોતાની વ્યાખ્યા છે.

ઓશો એક વિદ્રોહી છે કારણ કે તેઓએ એમના સમયમાં, એમની પોતાની રીતે અને જે જગ્યા પસંદ કરી હોય ત્યાં સમાજ દ્વારા માનવજાત માટે પ્રતિબંધિત પરંપરાગત રૂઢિઓ અને ખ્યાલો સામે પડકાર ફેંક્યો છે. વિદ્રોહી કદી ડરતો નથી કેમ કે કંઇ પણ પ્રતિબંધિત છે તેને બદલાવવામાં તે માનવજાતના ભવિષ્યના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. વાસ્તવમાં વિદ્રોહી દર્શાવે છે, જેમ ઓશોએ એમના દર્શનની શક્તિ દ્વારા બતાવ્યું, કે તેઓ જ માનવજાતનું ભવિષ્ય છે.

એક વિદ્રોહી, પાખંડ અને જીવનની નકારાત્મકતા અને અસત્ય સામે લડવામાં હંમેશાં એકલો જ હોય છે. ઓશો કહે છે, “હું એકલો રહીને પણ બહુમતમાં છું.” આપણે તેઓને કોઇ જ શ્રેણીમાં વિભાજિત કરી શકીએ તેમ નથી. તેઓ ઘોષિત કરે છે કે, “હું સ્વયં એક શ્રેણી છું, જેને વિભાજિત ન કરી શકાય.” સર્વ વિદ્રોહીઓ સ્વયં પોતે જ પોતાની એક શ્રેણી છે – બુદ્ધ, સૉક્રેટિસ, જિસસ, કબીર, મીરાં – આ સર્વ રહસ્યવાદીઓ તેઓની ક્રાંતિ અને દર્શનમાં અદ્વિતીય છે. ઓશો આવા વિદ્રોહીઓને, ‘ધરતી પરનું અસલી સત્ત્વ’ કહે છે.

ઓશો વાસ્તવમાં આત્માના વિજ્ઞાની છે. આપણે ઇશ્વરની શોધમાં જઇએ તેમ તેઓ નથી સૂચવતા પણ કદાચ ધ્યાન, પ્રેમ અને સજગતા દ્વારા આપણે આપણી આસપાસ ભગવત્તાને ફેલાવી શકીએ, તેમ સૂચવે છે. એટલે, તેઓનો સંદેશ છે: ભૂતકાળના બંધનમાંથી મુક્ત થાઓ, તમારો માર્ગ ખુદ શોધો તેમ જ હિંમત અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધો.

 જે. કૃષ્ણમૂર્તિ સંદેહને સાથે રાખતા હતા, પણ તેને બદલે, ઓશોએ યથાર્થ બુદ્ધિપૂર્વકના સંદેહને પ્રથમ પાયાના વિશ્વાસ તરીકે રાખીને શરૂઆત કરી. આ સમયનું હાર્દ બતાવતાં તેઓ કહે છે: ‘હવે હું જે સત્ય બોલું છું તે મારું સત્ય છે કારણ કે હવે મને વિશ્વાસ છે કે તમે સમજશો, કારણ કે હવે તમને જિસસ, મહાવીર, બુદ્ધ કે કૃષ્ણ જેવાં માધ્યમોની જરૂર નથી. હું તમારી સામે સીધી અને ચોખ્ખી વાત કરી શકીશ. હવે મારે |શબ્દોની રમત રમવાની જરૂર નથી…

વ્યક્તિત્વથી વ્યક્તિમતા તરફમાંથી સદ્ગુરુની ભૂમિકા ભજવતા, કેટલીક વખત રેલવે સ્ટેશનો પર પણ શિષ્યોને દીક્ષા આપીને, ‘ભગવાન’ નામનો સ્વીકાર કરીને, સંન્યાસ માટેની આપણી પરંપરાગત માન્યતાઓ સામે કટાક્ષ કરીને લોકોને ક્રોધિત કર્યા. અને એક દિવસ સહજ કહી દીધું કે, ‘મજાક પૂરી થઈ.’

જો કે ઓશોએ હંમેશાં ભારપૂર્વક કહ્યું છે કે તેઓના કોઇ અનુયાયીઓ નથી, માત્ર સહયાત્રીઓ છે, પણ અનુસરવું જ સરળ અને સગવડયુક્ત હોય છે. પછી આપણું કોઇ ઉત્તરદાયિત્ત્વ નથી રહેતું. કોઇ પોતાની જવાબદારી બીજા કોઇપણ ઉપર, ભગવાન, ગુરુ, બુદ્ધ, જિસસ કે કોઇ અન્ય ઉપર પણ મૂકી શકે છે. જેમ પક્ષી પોતાના પાલ્યને માળામાંથી બહાર કાઢવા માટે પ્રોત્સાહન આપે છે તેમ ઓશોએ ધીમેથી અને સાતત્યપૂર્ણ રીતે પોતાનો આધાર આપણી માન્યતાઓ પાસેથી સેરવી લીધો. આ એક તેજાબી કસોટી હતી. કોણે એવું ધાર્યું હશે કે આ શક્ય છે! પણ એમણે ભાખ્યું હતું તે પ્રમાણે આજે એમનું કાર્ય ‘આપણું મગજ બહેર મારી જાય એ રીતે’ વિસ્તરી રહ્યું છે.

અને એક દિવસ અચાનક એ છોડીને ચાલ્યા જાય છે.

એ એક સમય હતો અલગ ઊભા રહેવાનો. તેઓ આપણને એકલા છોડી દે છે. બિલકુલ એકલા, જેથી આપણે કોઇની સહાય ન લઇએ, કોઇ પયગંબરને વળગી ન પડીએ અને એથી આપણે એમ ન વિચારવા લાગીએ કે કોઇ ગૌતમ બુદ્ધ કે જિસસ આવીને આપણને બચાવી લેશે.

તેઓ સ્પષ્ટ કરે છે કે:

‘બીજો કોઇ માર્ગ નથી, ક્યાંય જવાનું નથી, કોઇ સલાહકાર નથી, કોઇ શિક્ષક નથી, કોઈ ગુરુ નથી. તમને કદાચ એવું લાગતું હશે કે આ બધું હું કહું છું તે સખત છે. કઠોર છે, પણ હું આ કરી રહ્યો છું કેમ કે હું તમને ચાહું છું અને જે લોકોએ આમ નથી કર્યું તેઓએ તમને પ્રેમ કર્યો નથી. તેઓએ તેમને પોતાને જ પ્રેમ કર્યો છે અને પોતાની આસપાસ એક મોટી ભીડ ઇચ્છી છે.’

(લેખકના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક “ઓશોની આસપાસ” માંથી)

શ્રી ઠાકુર હળવાશથી કહેતા : હાજરા તો નરેન્દ્ર નો ફ્રેન્ડ છે. (15)

 

 

 

 

 

 

તમે ગમે તેટલી સાધના કરો પણ સાચી સફળતા તો તમે કેવી રીતે મરો છો તેના ઉપર આધારિત છે.

સ્વામીશ્રી વિવેકાનંદજી રચિત શ્રી રામકૃષ્ણ આરાર્તિકમના આઠમા પદ સુધી આપણી યાત્રા આવી પહોંચી છે. શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના હાલના અધ્યક્ષ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી પોતાના પુસ્તકમાં બહુ વિગતે આધાર સાથે વિહંગાવલોકન કરે છે.

સ્વામી વિવેકાનંદજી કહે છે, संपद तव श्री पद भव गौश्पद वरियथाय प्रेमार्पण समदर्शन जगजन दुखजाय. એટલે કે,   મારા ચરણો જેઓની સંપદા છે તેઓ માટે  ભવસાગર ગૌશપદનાં જળતુલ્ય થઈ જાય છે. હે પ્રેમાર્પણ, તમે સમદર્શી છો તેથી જગતના લોકોના દુઃખ દૂર થઈ જાય છે. શ્રી ના પતિ હોવાને કારણે ભગવાન વિષ્ણુના ચરણો શ્રીપદ કહેવાય છે. અને વિષ્ણુના અવતાર હોવાને કારણે શ્રી રામકૃષ્ણ દેવના ચરણો પણ શ્રીપદ છે. જે ભક્તો સાધારણ સંપદાની પરવાહ નથી કરતા શ્રી રામકૃષ્ણ દેવના શ્રીપદને જ પોતાની સંપદા ગણે છે તેમના શ્રી ચરણોમાં શરણ લે છે. તેમના માટે ભવસાગર તરવું એટલું જ સરળ બની જાય છે કે જેટલું ગૌશપદ એટલે કે ગાયના પગલાંમાંથી બનેલા ખાબોચિયાનું જળ પાર કરવું બને છે.

ભગવાન શ્રી રામે શરણાગત થયેલા વિભીષણનો સ્વીકાર કરતી વખતે કહ્યું, ‘कोटि विप्र लागहि जाहु आये शरण तजहु नाइ ताहू  सन्मुख होइ जिव मोहि जबहि जनमकॉपी अद ना सही तबहु’.  રામચરિત માનસમાંથી આ જે વિગત લીધી છે એનો અર્થ એવો થાય છે કે કરોડો બ્રાહ્મણોની હત્યા કર્યા પછી જો કોઈ મારે શરણે આવે તો પણ હું તેનો ત્યાગ નથી કરતો. મારી પાસે આવતા જ જીવના કરોડો જન્મોના પાપનો નાશ થઈ જાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને લક્ષ્ય  કરી સમસ્ત માનવજાતને કહે છે,  ‘सर्व धर्मान परित्यज्य मामेकं शरणं व्रजः अहं त्वाम सर्व पापेभ्य मोक्ष ईष्यामि मासूच.’  18 માં અધ્યાયના 66માં શ્લોકમાં આવું કહ્યું છે. અર્થ એટલો છે કે,  બધા ધર્મોનો ત્યાગ કરી તું માત્ર મારા એટલે કે સર્વ શક્તિમાન ઈશ્વરના શરણે આવી જા. હું તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું શોક છોડી દે. શ્રી મા શારદાદેવીએ અનેક વખત એવું આશ્વાસન આપ્યું હતું કે મને ઠાકુર કહેતા કે જેઓ મારી પ્રાર્થના કરે છે તેમના મૃત્યુ સમયે મારે તેમની પડખે ઊભું રહેવું પડશે. એ તેમના પોતાના શ્રીમુખના શબ્દો છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે, ‘જે વ્યક્તિ અંતકાળે મારું સ્મરણ કરતાં-કરતાં શરીરનો ત્યાગ કરે છે તે મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં કોઈ સંદેહ નથી.’

એકવાર રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજને એક ભક્તે આ વિશે સંદેહ વ્યક્ત કરતાં પૂછ્યું કે તેમનામાં તો હજી ઘણી કામનાઓ બાકી છે, તો તેઓ કેવી રીતે મુક્ત થઈ શકશે? પૂજ્ય મહારાજે સમજાવતા કહ્યું, માની લો અંતિમકાળે શ્રી રામકૃષ્ણ દેવ તમારી સમક્ષ હાજર થઈ ગયા તો તમે શું માંગશો? તેમના ચરણ કમળમાં ભક્તિ જ નહીં, તેમના દર્શન માત્રથી તમારી બધી કામનાઓ પોતાની મેળે દૂર થઈ જશે અને તમે મુક્ત થઈ જશો.

શ્રી રામકૃષ્ણ દેવના ભક્તોનો મૃત્યુના સમયનો અનુભવ અદભુત હતો. શ્રી રામકૃષ્ણ દેવના ગૃહસ્થ ભક્ત શ્રી નવગોપાલ ઘોષના પત્ની નિષ્કારીની ઘોષ પણ રામકૃષ્ણ દેવના પરમ ભક્ત. તેમણે એકવાર કહ્યું હતું,  તમે ગમે તેટલી સાધના કરો પણ સાચી સફળતા તો તમે કેવી રીતે મરો છો તેના ઉપર આધારિત છે.  તેમના પોતાના જીવનમાં તેમણે  આ પુરવાર કર્યું. 20મી માર્ચ 1932 ના રોજ તેમણે શ્રી રામકૃષ્ણ દેવ ના ફોટા ને છાતી સરસો ચાંપીને તેમનું નામ લેતા-લેતા ગાઢ ધ્યાનાવસ્થામાં દેહ ત્યાગ કર્યો.

હાજરા મહાશય શ્રી રામકૃષ્ણ દેવની દિવ્ય લીલાના ખંડનાયકની ભૂમિકા ભજવતા. મિથ્યાચાર અને મિથ્યાભાષણ જાણે તેની રગરગમાં  હતા. ક્યારેક તો શ્રી રામકૃષ્ણદેવને શિખામણ પણ આપતા. છ વર્ષો સુધી તેઓ દક્ષિણેશ્વરમાં રહ્યા. શ્રી રામકૃષ્ણ દેવના ઓરડાની સામેના વરંડામાં જપની માળ લઈને બેસી રહેતા અને શ્રી રામકૃષ્ણ દેવ પાસે જતા ભક્તોને પકડીને ધરાર પોતાના ઉપદેશ સંભળાવતા. એકવાર તો શ્રી રામકૃષ્ણ દેવ તેમને કપટ લીલાથી એટલા કંટાળી ગયા કે જગન માતાને પ્રાર્થના કરી. હે મા, જો હાજરા ઢોંગી  હોય તો એને અહીંથી કાઢી મૂકો. થોડા દિવસ પછી હાજરા મહાશયને આ વાતની ખબર પડી અને તેઓ શ્રી ઠાકુરની પાસે આવીને કહેવા લાગ્યા.. જુઓ, હું તો અહીં જ છું, પણ હાજરા મહાશયને નરેન્દ્ર એટલે કે આપણા સ્વામી વિવેકાનંદની સાથે સારું બનતું. શ્રી રામકૃષ્ણ દેવ મજાકમાં પોતાની ગામઠી ભાષામાં કહેતા, હાજરા તો નરેન્દ્ર નો ફ્રેન્ડ છે. 1લી જુલાઈ 1986 ના રોજ કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણ દેવે જાણે કે કલ્પતરુ બની ભક્તો ઉપર આશીર્વાદ વરસાવ્યા. હાજરા મહાશય ત્યારે  ગેરહાજર હતા. પાછળથી તેમને ખબર પડી ત્યારે તેઓ ખૂબ નિરાશ થઈ ગયા. અને તેમણે નરેન્દ્રનો સહારો લીધો. નરેન્દ્ર તરત જ તેમને રામકૃષ્ણ દેવના ઓરડામાં લઈ ગયા અને તેમના પર કૃપા વરસાવા કહ્યું. રામકૃષ્ણદેવ રાજી ન હતા. પણ નરેન્દ્રના દબાણથી તેમણે  કરુણાવશ  થઈને કહ્યું, ‘તેનો સમય હજુ પાક્યો નથી. મૃત્યુ સમયે તેને આશીર્વાદ મળશે.’ અને ખરેખર એ જ બન્યું. હાજરા મહાશય પોતાના ગામમાં રહેતા ત્યારે મૃત્યુના ત્રણ દિવસ પહેલા તેમને સાધારણ તાવ આવ્યો. આ સિવાય એમને કોઈ રોગ નહોતો. ત્રીજા દિવસના અંતે તેમણે પોતાની પત્નીને કહ્યું, ‘જો આવતીકાલે સવારે 9:00 વાગ્યે હું મરવાનો છું માટે ગામના લોકોને બોલાવી લે જે.’ તેમની પત્નીએ આ વાત ગંભીરતાથી લીધી નહિ. બીજે દિવસે સવારે ફરી હાજરા મહાશયે પોતાના મૃત્યુ વિશે ગામના લોકોને જણાવવા માટે કહ્યું. લોકોને જાણ થઈ, પણ કોઈએ આ વાત ગંભીરતાથી ન લીધી. થોડા લોકો હાજરા મહાશયના  નવા ખેલની મજા જોવા ભેગા થયા. સવારે 8:30 વાગ્યે હાજરા મહાશયે જપમાળા પોતાના હાથમાં લીધી અને જપ કરવા મંડયા. અચાનક લોકોએ હાજરા મહાશયના ચહેરા પર કંઈક પરિવર્તન જોયું. જાણે તેઓ કોઈને જોઈ રહ્યા હોય એમ લાગ્યું. થોડીવારમાં હાજરા મહાશય બોલી ઉઠ્યા આવો… પધારો… હે ગુરુદેવ, આટલા વખત પછી મને યાદ કર્યો. પછી તેમણે પોતાની પત્નીને કહ્યું, જલ્દીથી એક આસન લાવ, જોતી નથી પરમહંસ દેવ આવ્યા છે. તેમના પત્ની તો કંઈ સમજી ન શક્યા. વારંવાર કહેવાથી ના છૂટકે એક આસન લાવીને પાથર્યું. થોડીવાર પછી હાજરા મહાશયે શ્રી રામકૃષ્ણદેવને સંબોધી હાથ જોડીને કહ્યું, ‘ગુરુદેવ તમારી મારા પર આટલી બધી કૃપા છે,  હવે થોડી વધુ કૃપા કરો. મારી સાથે આંગણામાં તુલસીનાં ક્યારા સુધી આવો. હું ત્યાં જ મારો દેહ છોડવા માંગુ છું.’ શ્રી રામકૃષ્ણ દેવની સંમતિ મેળવી તેમણે પોતાની પત્નીને આસન તુલસીના ક્યારા સુધી લઈ જવા કહ્યું. તેઓ પોતે પણ ત્યાં પથારીમાં સુતા-સુતા જપ કરવા લાગ્યા. થોડીવાર પછી હરિ… હરિ… હરિ… એમ ત્રણ વાર બોલીને તેમણે છેલ્લો શ્વાસ લીધો.  ગામનાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક મહાત્માને છાજે તેવી રીતે તેઓએ તેમના અગ્નિસંસ્કારની તૈયારી કરી. શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી હાજરા મહાશય ખલનાયકમાંથી મહાત્મા બની ગયા.