ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com 

કેટલાંક વ્યક્તિત્વો અનેક ક્ષેત્રોને સર કરતાં હોય છે અને પ્રત્યેકમાં તેઓ માહિર બની રહેતા હોય છે. શ્રી મલ્લિકા વિક્રમ સારાભાઈ એવું જ એક વિશેષ વ્યક્તિત્વ છે. તે બોલ્ડ છે, એકદમ સુસ્પષ્ટ છે, તે ભારતીય પરંપરાનો વારસો જાળવી રહ્યા છે તો વળી વિદેશ સુધી કલા-નૃત્યની અભિવ્યક્તિમાં મોખરે રહ્યા છે. આવો, શ્રી મલ્લિકા સારાભાઈ સાથેના સચોટ સંવાદના થોડા અંશો જાણીએ : 

“જિંદગીમાં ઉતાર ચડાવ બહુ આવ્યા.  પહેલા પહેલા હંમેશા લોકો પૂછતાં કે,  તને શું દબાવ છે ?  તારા મમ્મી પપ્પા બંને જણા તો એટલા બધા જાણીતા છે, આટલા મહાન છે, તને એનું બહુ પ્રેશર હશે… કોઈ દિવસ પ્રેશર ન હતું, કારણ કે અમ્મા અને પપ્પાએ કોઈ દિવસ એમ નહોતું પૂછ્યું કે એમ નહોતું કહ્યું કે,  તું નૃત્ય જ કરજે,  તું સાયન્સ જ કરજે,  તું અમારું નામ ડુબાડી ન દેતી.. એવું કોઈ દિવસ હતું નહીં. 

એક બહુ જ સહજ પાર્ટનરશીપ હતી, અમારા  ચાર જણાંની. અમે જયારે મોટા થયા હતા ત્યારે અને સામુહિક કોઈ નિર્ણય લેવાનું હોય તો એમાં બાળકો ગમે તેટલા નાના હોય પણ ઇન્વોલ્વ કરવાના, એમનો અભિપ્રાય લેવાનો, એમને અભિપ્રાય લેતા શીખવાડવાનું અને પછી જો ચારેચાર જણ માને તો આગળ ચાલવાનું, નહીં તો..? .. ત્યાં સુધી ચર્ચા કરવાની. એટલે ત્રણ ચાર વર્ષે અભિપ્રાય ઉભો કરીને અભિપ્રાય વ્યક્ત કરવાનું શીખવું પડ્યું અને અભિપ્રાય જુદો હોય શકે અને છેવટે પપ્પા એમ કહી શકે કે, મલ્લિકા, તું નથી સમજતી,  અત્યારે તું નથી માનતી પણ હું તારાથી મોટો છું એટલે તું ચૌદ વર્ષ કે અઢાર વર્ષની જે પણ પ્રશ્ન હોય ત્યાર સુધી તારા વાલી તરીકે મારે આમ નિર્ણય લેવો  પડશે. હું ઈચ્છું છું કે કોઈ દિવસ તું મને સમજે. આજે તને ભલે ગુસ્સો આવે. પણ હું આ પગલું જો તને ભરવા દઈશ તો મારા સામાજિક અનુભવને કારણે હું એમ કહું છું કે આગળ જતા તું પસ્તાઈશ અને ત્યારે તું મને કહીશ કે પપ્પા અમ્મા,  ત્યારે તમે મને કેમ ન રોકી ? પણ એવું કોઈ દિવસ નહીં કે, મેં કીધું ને કરો. મેં કીધું ને કરો એવું કોઈ દિવસ નહીં. પૂછો, ચર્ચા કરો, ઘણી વાર એવું બનતું કે મારે કઈ સ્ટેન્ડ લેવું હોય ને  અમ્મા કહે કે ના,, પણ ના એટલે ના નહીં બેસીને સમજાવે કે કેમ ના ?”

“ચર્ચા થાય અને પછી જે વડીલ તરીકે એમણે સજેસ્ટ કરવાનું હોય તે થઇ જાય પછી તે સ્વીકારાઈ જાય ખરું ?”

“સહજતાથી નહીં, બહુ ગુસ્સો કરીને, છણકા કરીને પણ સ્વીકારાઈ જાય એ પણ માન્ય હતું. પછી બે વર્ષ પછી જયારે અમ્મા કે પપ્પાને એમ લાગે કે હવે એ સમજશે તો એ ચર્ચા ફરીથી ખુલે. તો પણ હું જો disagree કરતી હોઉં તો પાછું બે ત્રણ વર્ષ પછી ફરીથી ખુલે અને એવું એક પણ discussion નહોતું કે જ્યાં મેં એન્ટી  પોઝિશન લીધી હોય અને પછી હું સમજી ના હોઉં, એ પણ ખરું. એમાં સૌથી મોટું હું તમને કહું ને અમને છોકરા અને છોકરી તરીકે કે પુરુષ અને સ્ત્રી તરીકે ન ઘરમાં ટ્રીટ જ નહીં  કરેલા. 

મારું પહેલું જો એન્કાઉન્ટર હોય તો હું સાડા ચૌદ વર્ષે SSC કરીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગઈ અને પહેલી વાર ક્લાસમાં છ કે આઠ બાળકો કે જેને તમે હંમેશા ઓળખ્યા છે એને બદલે ૧૦૦ વ્યક્તિઓનો ક્લાસ અને પહેલેથી છોકરીઓ આગળ બેસે અને છોકરાઓ પાછળ બેસે. છોકરીઓ છોકરાઓ સાથે વાત ન કરે. લગભગ ૬૦% થી ૭૦% ઝેવિયર્સ માઉન્ટ કાર્મેલોથી આવેલા એટલે ઝાડની પાછળ પ્રેમ ચાલે પણ ખુલ્લામાં કરવાનું નહીં, એટલે સમજ જ ના પડે કે, આ શું ચાલી  રહ્યું છે ??  એમાં અનંગ દેસાઈ એક્ટર અને હું બંને શ્રેયસમાંથી આવેલા. અમે એકબીજાના સામે જોઈને કહીએ. થાય છે શું આ ? કેમ આવું વર્તન કરવાનું ? અને ઇકોનોમિક્સ લીધેલું અને નવું નવું મેં બેડમિન્ટન રમવાનું શરૂ કરેલું અને ઝેવિયર્સના કોર્ટમાં રમું. હવે ઝેવિયર્સના કોર્ટ અને કેન્ટીનની વચ્ચે એક જાળી ખાલી. હવે નાના શોર્ટ્સ પહેરીને રમું. આજુબાજુના બધા છોકરાઓ મને જોવા કેન્ટીનમાં આવે. અને મારો ક્લાસ પણ કંઈ ગજબ હતો. મારા ક્લાસમાં પરવીન બાબી, મારા ક્લાસમાં કવિતા ભાંભાણી કે જે મિસ ઇન્ડિયા બની એ વર્ષે. મારા ક્લાસમાં ખુર્શીદ રાવજી, એમ. રાવજી જે પહેલું આપણું ડિપાર્ટમેન્ટ સ્ટોર હતું એની દીકરી ખુબ સુંદર એટલે અમે કીધું આપણે કેમ કેન્ટીનમાં ન જઈએ,  અમને પણ દાળવડા ખાવા છે એટલે ઝેવિર્યસ ની હિસ્ટ્રીમાં પહેલીવાર પાંચ છ ખુબ સુંદર છોકરીઓએ જઈને અડ્ડો જમાવ્યો. એટલે આજે પણ મને એવી  વ્યક્તિઓ મળે છે અને કહે છે કે, જે અમને HK માં હતા એ વખતે અને  HL માં હતા એ વખતે અમે તમને જોવા જ આવતા હતા એટલે અમે આ જેન્ડરનું થોડું ચેન્જ કરવા માંડ્યા. પહેલી મીડ ટર્મ પતી એટલે અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાબુભાઇ પટેલ કે જેમની ગાઈડ યુનિવર્સીટીમાં વાંચવી પડે, નહીં તો તમને ફર્સ્ટ ક્લાસ ન મળે. મેં કીધું, આવું કેવું ? ગાઈડ વાંચવી પડે ? હું તો ટેક્સબુક વાંચું છું. મને બહુ જ ખરાબ માર્ક્સ મળ્યા એટલે હું એમની પાસે ગઈ. એટલે મને કહે કે, આવા કપડાં પહેરીને ફરો છો, તો ફર્સ્ટ ક્લાસ ક્યાંથી મળે એટલે મેં કીધું કે, બાબુભાઇ તમે મારા માર્ક્સ જોવો છો કે મારા ટાંટિયા ? અને ફાધર પાસે લઇ ગયા તો રસ્ટીકેટ કરી નાખી ત્રણ અઠવાડિયા. તો બધા જોવા આવ્યા કે પહેલી છોકરી છે ઝેવિયર્સની હિસ્ટ્રીમાં  કે રેસ્ટિકેટ કરી છે !! એટલે ત્યારથી મારું તો યુદ્ધ શરૂ થઇ ગયું…”