ઓછી મૃદુ વાણી, ઝીણું કાંતી શકતી આંખ, યથાવત બત્રીસી, અણિશુદ્ધ ચારિત્ર્ય

ખાદી કમિશનના વિરલ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈની વિદાય પર કલમ-અંજલિ

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

દેવેન્દ્રભાઈ જસદણ તાલુકાના દડવા (મોટા) મતવિસ્તારમાં જનતાદળના ઉમેદવાર હતા. સામેના ઉમેદવાર કોંગ્રેસના તાલુકા પ્રમુખ. લેઉવા પટેલ. દેવેન્દ્રભાઈ નાગર જ્ઞાતિના. આ મતવિસ્તારમાં એક પણ નાગર કુટુંબ નહીં. લેઉવા પટેલ બહુ મોટી સંખ્યામાં. જિલ્લા પંચાયતની આ બેઠકમાં તાલુકા પંચાયતના મોટા દડવા વિસ્તારમાં આ ચૂંટણી પૂરી થઈ ત્યારે દેવેન્દ્રભાઈ જંગી બહુમતીથી ચૂંટાયા હતા. બીજી વખત ચૂંટણી લડ્યા વિંછિયા મતવિસ્તારમાંથી. એંશી ટકાથી વધુ મતદારો કોળી પટેલ અને માલધારી. નાગર મતદારે શૂન્ય! બહુમતીથી જીત્યા દેવેન્દ્રભાઈ! રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ ચૂંટણી એમના સમયમાં થઈ. ત્રણમાં બિનહરીફ તો બેમાં સામાં પૂરે જંગી મતોથી વિજયી થયા. દેવેન્દ્રભાઈ દેસાઈએ પેલી બે ચૂંટણીમાં કુલ રૂપિયા ૮૦૦ થી ૧૦૦૦નું જ ખર્ચ કરેલું! એ ખર્ચ પણ મતદાર સ્લીપ અને ટેક્સીનું. બાકીનું બધું ખર્ચ સ્થાનિક લોકોએ ઉઠાવ્યું. હવે દેવેન્દ્રભાઈ સક્રિય રાજકારણમાં નથી, તેનું કારણ એ છે કે તે સમયે લડ્યા તેવી રીતે આજે ચૂંટણી લડવી એ પરિકથા જેવું લાગે છે!

દેવેન્દ્રભાઈ દેસાઈ ઢેબરભાઈ અને વજુભાઈ શાહના હાથ નીચે ઘડાયા છે. કોંગ્રેસમાં એમણે ઘણા હોદા ભોગવ્યા અને કોંગ્રેસના ભાગલા થયા તો ય એમણે કદી પક્ષ છોડ્યો નહોતો. પંચાયતી રાજ આવ્યું અને એમાં એ ચૂંટાયા. રાજકોટ જિલ્લા પંચાયતમાં અણનમ પચ્ચીસ વર્ષ ચૂંટાયા અને લગભગ દરેક હોદ્દા પર રહ્યા. દેવેન્દ્રભાઈને ધારાસભા અને લોકસભાની ચૂંટણી લડવાની પણ ઓફર થઈ હતી. દેવેન્દ્રભાઈ કહે છે : ધારાકીય કે સંસદીય રાજકારણમાં હું ન ગયો. હું જોતો હતો કે રાજકીય સ્તર નીચું ને નીચું જતું હતું. ડગલે ને પગલે સમાધાન કરવાં પડે છે. જ્ઞાતિવાદ અને નાણાંની બોલબાલા છે. આમાં હું ક્યાંય ફિટ થતો નહોતો એટલે મેં દૂર રહેવાનું પસંદ કર્યું.

જેતપુરના પોલિટિકલ એજન્ટ કેવળરામ છબીલરામ ઓઝા તે દેવેન્દ્રભાઈના મામા. મોસાળે ૧૯૩૫માં જન્મ. વતનનું ગામ ગોંડલ તાલુકાનું વાસાવડ. પિતાશ્રી રમણિકશંકર લાભશંકર દેસાઈ સિનિયર મોસ્ટ તાલુકદાર. આખા દેશમાં કોઈ નાગર ગૃહસ્થ રાજકર્તા હોય તેવું એકમાત્ર સંસ્થાન વાસાવડ હતું. ઉચ્ચ સંસ્કારો અને તાલુકદારના રિયાસતનો વૈભવ. નોકરચાકર, વાહનોની સગવડમાં ઉછેર, પિતાશ્રીને લેખન-વાચનનો જબરો શોખ. પોતાની અંગત બધી જ ભાષામાં પુસ્તકોની લાઇબ્રેરી. તે વખતે તેમાં પાંચ હજારથી વધુ પુસ્તકો. પિતાશ્રીએ તુલસીદાસ કૃત રામાયણનું સમશ્લોકી અને બીજાં હસ્તલિખિત પુસ્તકો પ્રગટ કરેલાં. મુંબઈથી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ટપાલમાં ત્રીજા-ચોથા દિવસે આવતું. દેવેન્દ્રભાઈએ બાળપણમાં રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ના ચાર ભાગ વાંચ્યા. ગાંધી વિચારથી રંગાયેલ તેના પાત્ર અશ્વિન જેવી ગ્રામસેવાની ધૂન લાગી ત્યારથી. બ્રિટિશ સરકારની નીતિ મુજબ એમનો તાલુકો જામનગર રાજ્ય સાથે જોડાયેલો. તેથી ધોરણ ૬-૭ ની અંગ્રેજી પાઠમાળામાં એક પાઠ આવે. તેમાં એક વાક્ય હતું: ‘જામ ઇઝ રામ ઍન્ડ રામ ઇઝ જામ.’ દેવેન્દ્રભાઈના મનમાં સુષુપ્ત બંડ ઊભું થયેલું આ વાક્ય વાંચીને! વાચનનો જબરો શોખ એટલો કે રોજ ચાલીને લાખાજીરાજ લાઇબ્રેરી જાય. ‘હરિજન બંધુ’ નિયમિત વાંચે. તેમાં ગાંધી વિચાર મુજબનાં કામોમાં જોડાવાની ઉત્કંઠા જાગી. ૧૯૫૧-૫૨ની સાલ હતી. સત્તર વર્ષના દેવેન્દ્રભાઈને પિતાએ કોઈ કાગળ આપવા રાજકોટમાં ઢેબરભાઈ પાસે મોકલ્યા. સૌરાષ્ટ્ર રાજ્ય અને ગાંધી વિચારધારાને વરેલા પ્રજાનિષ્ઠ લોકસેવકો. ઢેબરભાઈ પાસે છગનભાઈ જોશી બેઠેલા. બન્નેને આ યુવાનમાં રસ પડ્યો. છગનભાઈએ હરિજન સેવકસંઘ અને ખાદી કામમાં જોડાવા યુવાન દેવેન્દ્રભાઈને સૂચન કર્યું. ત્યારે કોને કલ્પના હશે કે સમય જતાં આ. દેવેન્દ્ર દેસાઈ ભારતભરના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ બનશે? છગનભાઈનું સૂચન સ્વીકારી દેવેન્દ્ર દેસાઈ વીસ રૂપિયા શિષ્યવૃત્તિથી રેંટિયો કાંતવા લાગ્યા. થોડો સમય કનુભાઈ ગાંધી પાસે રાષ્ટ્રીયશાળા, રાજકોટમાં રહી તાલીમવર્ગમાં જોડાયને કતાઈ- વણાટ શીખ્યા. બસ, ત્યારથી ખાદીનું ધોતિયું અને ઝભ્ભો, ઉપર બંડી સાથે ‘સાદા- સાલીન દેવેન્દ્ર દેસાઈ’ આજ સુધીની ઓળખ બની રહી.

વાસાવડમાં સાત ધોરણ, પછી મુંબઈની ગોકળીબાઈમાં એક વર્ષ. ત્યાંના આચાર્ય ત્રિકમભાઈ મરચન્ટ, શિસ્તના – વ્યાયામના-ખાનપાનની બાબતોના ચુસ્ત આગ્રહી. તેઓ કહેતા : ‘આપણું પેટ એ પૉસ્ટઑફિસનો ટપાલ ડબ્બો નથી કે આવતા જતા તેમાં ટપાલ નાખવામાં આવે. નિયમિત નક્કી સમયે જ મીતાહાર લેવો જોઈએ. ત્યારથી દેવેન્દ્રભાઈને આદત પડી ગઈ, ફરવાની-વ્યાયામની-મીતાહારની! ‘મેટ્રિક બીજી ટ્રાયલે ચૌધરી હાઈસ્કૂલ, રાજકોટથી ત્યાંની નાગર બોર્ડિંગમાં રહીને કર્યું. બી.એ. ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને રાજ્યનીતિશાસ્ત્ર સાથે કર્યું. હાઈસ્કૂલમાં ધૂરંધર શિક્ષકો મળ્યા. પ્રવીણ અને અધ્યાપન રુચિવાળા, એમ. જે. ભટ્ટ, આઈ. ટી. વસાવડા, હર્ષવંતભાઈ હાથી અને શુક્લસાહેબ… શુક્લસાહેબ સફેદ ખાદીના ધોતી- ઝભ્ભો પહેરતા અને તેમનાં કપડાં બગલાની પાંખ જેવા સફેદ, હાથે ધોયેલાં! એ મને સ્પર્શી ગયું. તે સ્પર્શ આજ સુધી જળવાયો છે. કૉલેજથી જ હું માથે બહુ ઓછા વાળ કે ટકો રાખતો. સફેદ ધોતી-જામો અને પગમાં ચાખડી પહેરતો. સ્કૂલ-કૉલેજે પેદલ ચાલીને જ જવાનું! કૉલેજ સવારની એટલે જમીને કોંગ્રેસ કાર્યાલયમાં, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિમાં અને ભૂદાન યજ્ઞ સમિતિના કામમાં મદદરૂપ થવા પહોંચી જતો. રાત્રે નવ વાગે ઢેબરભાઈ પાસે જવાનું. ઢેબરભાઈ ત્યારે મુખ્યમંત્રી, પંખા વિનાનું નળિયાંવાળું મકાન. એક રૂમમાં નીચે જાજમ અને તકિયો. ત્યાં મુલાકાતીને મળે. ત્યાં રાત્રે પ્રાર્થના થતી. સમયનો પાબંદ હું, એટલે મને આવતો જોઈને ભક્તિબા, વજુભાઈ, જયાબેન શાહ સૌ ઊઠે ને પ્રાર્થનાનો ઘંટ વગડાવે!” દેવેન્દ્રભાઈ ખૂબ ધીમું – હળવી ગતિએ છતાં સુસ્પષ્ટ બોલે છે. પણ તેમની તેજસ્વી આંખોમાં ગાંધીજન સુસ્પષ્ટ દેખાય છે.

સૌરાષ્ટ્ર સરકારના ભૂદાન બોર્ડના વહીવટી અધિકારી તરીકે દાખલારૂપ કામ કરનાર દેવેન્દ્રભાઈ જાહેરજીવનના આરંભકાળથી એકએકથી ચડિયાતી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે. અનેક નાની-મોટી જવાબદારીઓ વહન કરી છે. તેમના વર્તનમાં જે દઢતા અને સુરેખતા નજરે પડે છે, તેના મૂળમાં લાંબાં વર્ષો સુધી પ્રત્યક્ષ મેળવેલો અનુભવ કારણરૂપ છે. ત્રણેક વર્ષ રાજકોટમાં ‘ફુલછાબ’ દૈનિકમાં જયમલ્લભાઈ પરમારના તંત્રીપણા હેઠળ પત્રકારત્વનું પણ ખેડાણ કર્યું છે. લૉનો અભ્યાસ ચાલતો હતો ત્યારે ટર્મ ગ્રાંટ થવાનો પ્રશ્ન આવ્યો. ઢેબરભાઈ પાસે ગયા. એમ હતું કે ઢેબરભાઈ ફોન કરી આપે તો કામ થઈ જાય. ઢેબરભાઈએ પ્રશ્ન પૂછ્યો: ‘ભાઈ, આપણે લૉ ભણવું છે કે પછી લોકોની વકીલાત કરવી છે?’ દેવેન્દ્રભાઈએ લૉ અધૂરું છોડ્યું અને પૂર્ણકાલીન લોકસેવામાં જોડાયા!

સક્રિય રાજકારણ છોડ્યા પછી દેવેન્દ્રભાઈ ખાદી-રચનાત્મક-સહકારી ક્ષેત્રે આગળ વધ્યા. રાજકોટમાં દૂધની ડેરી શરૂ થઈ એમાં એમનો સિંહફાળો. ઘણાંય વર્ષો ચેરમેન રહ્યા. પોતાનો પ્લાન્ટ હોય તેવી સૌરાષ્ટ્રની આ એકમાત્ર સહકારી ડેરી. રાજકોટ જિલ્લા સહકારી બૅન્કમાં પણ સક્રિય ભૂમિકા. એમનું જાહેરજીવન ઉદાહરણરૂપ. કદી ખાનગી વ્યવસાય કર્યો નથી. ઓછી સગવડમાં જ ચલાવ્યું છે. રાજકોટમાં એક નવી સોસાયટીએ જાહેરજીવનની ત્રણ વ્યક્તિઓને વિનામૂલ્યે એક- એક પ્લૉટ આપવાનું નક્કી કર્યું. તેમાં દેવેન્દ્રભાઈનું પણ નામ. દેવેન્દ્રભાઈએ આભાર માનતો પત્ર સોસાયટીને લખ્યો ને કહ્યું: ‘આપનો આભાર, પણ હું એ સ્વીકારી ન શકું, કારણ કે અત્યારે મારી પાસે મારું મકાન છે જ. આ પ્લૉટ કોઈ બીજાને ફાળવો તેવી વિનંતી છે…’ આ નૈતિકતાના માલિક દેવેન્દ્ર દેસાઈ આજે ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચૅરમૅન છે અને આ ચેરમૅનશિપને તેઓ જીવનનો શ્રેષ્ઠ ઍવોર્ડ ગણે છે. સહકારશ્રી ઍવૉર્ડ પછી નેશનલ ઍવૉર્ડ અર્પણ કરવાના સમારંભમાં વડાપ્રધાન મનમોહનસિંહે દેવેન્દ્રભાઈને મંચ પર જતા રોકી ને પોતે નીચે ઊતરી દેવેન્દ્રભાઈનો આદર કર્યો.

અંગત જીવનમાં પણ નોખા તરી આવે. માતાની ઇચ્છા કે શાતિમાં જ લગ્ન થાય. કચ્છના કેળવણીકાર, હરિજનસેવક સંઘ, ગાંધી વિચારના અગ્રણી પ્રભુલાલ ધોળકિયાનાં પુત્રી હંસા સાથે સાવ જ સાદાઈથી શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન થયાં. સૌ. હંસાબેનનાં માવતરે ગાંધીજી ઊતરતા એટલે તેઓ જન્મથી ખાદી પહેરે છે. પત્નીને સાડી કે સાદો રૂમાલ કે ઘરેણું કશું જ આપેલું નહીં, પહેરામણી લીધેલી નહીં. નહીં કંકોત્રી, નહીં જાન, નહીં જમણવાર. રાજકોટ સત્યાગ્રહના ખાદીધારી વૈદ્યરાજ શ્રી બાલુભાઈ વૈદ્ય ભૂજ આવી આશ્રમ પદ્ધતિથી લગ્ન કરાવેલાં. દેશના સુપ્રસિદ્ધ શરણાઈવાદક રાષ્ટ્રપતિ ઍવૉર્ડ સન્માનિત સુલેમાન જુમ્માએ આંગણે શુકનના સૂર રેલાવેલા, એ પણ સસરાના સંબંધે! નાનપણથી આજ સુધી ૭૮ વર્ષે પણ રોજ સવારે ઘરની સફાઈ દેવેન્દ્રભાઈ જાતે કરે છે. સૌ. હંસાબેન જાતે કપડાં ધુએ છે. દેવેન્દ્રભાઈના માથાના વાળ કુદરતી રીતે જ આજે કાળા છે, આંખે મોતિયો ઉતારવાની જરૂર હજુ પડી નથી, બત્રીસી સલામત છે. સવારે સાદો નાસ્તો અને રાત્રે સાદું ભોજન. વ્યાયામ- પ્રાણાયામ-સ્વૈરવિહાર નિયમિત. દેશનાં ઘરે ઘરમાં ખાદી પહોંચાડવા સિવાય કોઈ અંગત ઇચ્છા નથી. નાનાભાઈ ભટ્ટની જેમ જ કહે છે : ‘આ ઊજળાં કપડાં અને વ્યક્તિત્વ પર ડાઘ ન પડે, મારી સાખ યથાતથ રહે અને લોકોની અપેક્ષાએ ખરો. ઊતરું તે જ માત્ર અંતિમ ઇચ્છા!’ અન્ય ગાંધીવાદી જેવા શુષ્ક નથી દેવેન્દ્રભાઈ. કારણ એ ખાદી કમિશનનું અમદાવાદની એન.આઇ.ડી. સાથે ડિઝાઇનિંગ ટાઇઅપ કરે છે અને ખાદી માટે યુવાન શોભે તેવી રેમ્પવૉક પણ કરે છે!

ખાદીની ખુદ્દારીથી છલકતા આ નવ દસકના ગંધીજનને
‘ અલવિદા ‘ કહીએ.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback