સદાકાળ આંખેથી સ્મિત વેરતા હેમરાજ શાહ

હલચલ – મુંબઈ આવૃત્તિ – માર્ચ ૨૦૨૪

લેખક: ભદ્રાયુ વછરાજાની,  પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી, સણોસરા, ભાવનગર 

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

વિશ્વ વંદીય નરસિંહ મહેતા એ ગાયું છે : નામરૂપ ઝૂઝવા, અંતે તો હેમનું હેમ હોય !

અહીં હેમનો અર્થ સોનુ એવો થાય છે. અને એવો અર્થ અભિપ્રેત છે કે તમે સોનામાંથી જાતજાતના અને ભાતભાતના દાગીનાઓ બનાવો અને એ પ્રત્યેકને જુદું જુદું અલંકૃત નામ આપો પણ અંતે તો એ સોનુ છે. તમે એમ કહો કે મને સોનુ કાઢીને દાગીના આપો તો કશું મળે નહીં. 

આ પંક્તિઓ અત્યારે એટલે યાદ આવી છે કે મારે વિશ્વના એક એવાં વ્યક્તિત્વ વિશે વાત કરવાની છે જેના નામમાં જ નહીં પણ જીવનમાં પણ  ‘હેમ’ શબ્દ મુખ્ય છે. એ વ્યક્તિ ખુબ નસીબદાર છે. ઈશ્વરના ચોતરફના આશિર્વાદોથી તરબતર થઈ જાય એટલી સભર છે અને એટલા માટે એમ કહેવાય કે ‘હેમ’ ઉપર  ‘રાજ’ કરી શકે, સુવર્ણ ઉપરથી  પણ ઉઠીને જે માણસ પોતાનું વ્યક્તિત્વ અસ્તિત્વ સાથે ભેળવી દઈ શકે એનું નામ હેમરાજ શાહ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, ભારત એવાં રાજ્ય કે દેશો નહીં પરંતુ સમગ્ર વિશ્વ જેમને હેમરાજ શાહના નામે ઓળખે છે એમને મળવાનું પ્રમાણમાં ઓછું બન્યું છે. પણ કેટલાક માયાળુ માનવી એવાં હોય છે કે જેને ખુબ ઓછાં મળ્યા હોઈએ  છતાં એ તમારા દિલમાં જગ્યા બનાવી લે. હેમરાજભાઈના કિસ્સામાં મારા માટે આવું થયું છે, મને બરાબર યાદ છે કે મુંબઈનું  કોઈ થિયેટર હોય અને એમાં  ગુજરાતી જલસો કાર્યક્રમ હોય, કે વિદેશની ધરતી ઉપર ગુજરાતીઓનો કોઈ સુંદર મજાનો સમારંભ થયો હોય પણ બધાની સામે જે હોઠથી અને આંખથી સ્મિત સાથે હળતા મળતા હોય એવાં માણસ શોધો તો તે હેમરાજ શાહ નીકળે. આપણને એમ લાગે કે આ માણસને તો સુગંધી ગુલાબ, ચમેલી એવાં અનેક પુષ્પોનું વાવેતર કરવાની ટેવ છે. જ્યાં જાય છે, જયારે જાય છે, જેટલું જાય છે એ પોતાનું નામ વાવીને આવે છે. એવું પણ બન્યું છે કે હેમરાજ શાહને ઘણા લોકોએ સંકટ સમયની સાંકળ તરીકે પણ મદદ કરવા ટહેલ નાખી હોય અને હેમરાજભાઈએ એમાં પાછી પાની ન કરી હોય. મારે કોઈ યાદી નથી આપવી. આ બધી સ્ટેટિક બાબતો કહેવાય કે જે આપણને ગુગલ દેવતા પાસેથી મળી રહે. પણ મારે તો વાત કરવી છે એક સ્વચ્છ હૃદયના એક કરુણાસભર આંખવાળા અને જેમનો સમગ્ર ચહેરો ચોવીસેય કલાક સ્મિતમય હોય છે એવા હેમરાજભાઈ શાહ વિશેની. 

કચ્છને લઈને અમારું મળવાનું થયું પણ પછી એ કચ્છમાંથી ક્યારે સમગ્ર ગુજરાત સુધી અમે પહોંચ્યા અને ક્યારે વિશ્વના અનેક દેશો સુધી અમે મળતા રહ્યા એની યાદી  અત્યારે મારે યાદ કરવી પણ નથી. એક સરસ વાત છે : કોઈ પનિહારીએ પૂછ્યું કે તું તારા વાલમનું નામ કેટલી વાર લે છે ? દિવસમાં પાંચ વાર, દસ વાર, પંદર વાર ? તો પેલી પનિહારીએ સરસ જવાબ આપ્યો કે,  વાલમનું નામ લેવાનું હોય તો ગણવાની શું જરૂર ? વાલમનું નામ લેવાય એ જ ઘણું છે એની કાંઈ ગણતરી ન કરાય..એમ જ હેમરાજભાઈ શાહના સિદ્ધિદાયક કાર્યોની યાદી કરવાની શું જરૂર ? એ તો સ્થૂળ પરિચયમાં ખપી જાય. આપણે તો વાત કરવી છે સૂક્ષ્મજીવ માટે પણ સદા ચિંતા સેવનારા હેમરાજ શાહની. 

મારી સાથે એના બે ત્રણ કિસ્સાઓ છે એમાંથી એક સુંદર મજાનો કિસ્સો હું વર્ણવું. કચ્છની ધરતી માટે જેમણે કોઈ ખાસ પ્રદાન કર્યું છે, એમને એ પોતે લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપે. કોણ જાણે શું થયું હશે ? કે ૨૦૧૭ ની સાલમાં એમણે મારું નામ એ એવોર્ડ માટે નક્કી કર્યું. મને ખબર હતી કે આ બધું નક્કી કરવાનું હેમરાજભાઈ શાહના હાથમાં છે. એટલે જયારે મને ઇમેઇલ આવ્યો કારણકે એ વખતે હું ઓટ્રેલિયા હતો અને ઈમેલ ઉપર એમ કહેવામાં આવ્યું કે કે તમને આ એવોર્ડ મળે છે અને એ એવોર્ડ લેવા માટે મુંબઈ આવવાનું છે. એ વખતના શિવસેનાના મોભીઓ દ્વારા એ એવોર્ડ અપાવાનો હતો. કચ્છ શક્તિ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ. હેમરાજભાઈ એટલા બધા કુણા દિલના કે એમને ફોન કરીને મારે જે કહેવું હતું તે કહી શકાય કે નહીં એવું મેં ત્રણ ચાર દિવસ સુધી વિચાર્યું અને અંતે થોડી ઘણી હિંમત એકઠી  કરીને મેં હેમરાજભાઈને ઇમેઇલ લખ્યો. પરદેશથી ફોન કરવો મને થોડો મોંઘો પડે એટલે મેં નિઃશુલ્ક સેવા ઈમેઈલની વાટ પકડી. મેં વર્ણન કર્યું કે હું ખુબ આનંદ અનુભવું છું કે તમે મને આ એવોર્ડ માટે પસંદ કર્યો છે, પણ સાચું કહો તો કચ્છ માટે મારું એવું કોઈ પ્રદાન નથી. હું અદાણી ફાઉન્ડેશનમાં એડવાઈઝર હતો એ નાતે મેં કચ્છમાં ઘણું બધું પ્રદાન કર્યું છે પણ એ તો મારી ફરજના ભાગરૂપે કર્યું છે એટલે ખરેખર આ કચ્છ શક્તિ એવોર્ડનો હું હકદાર નથી અને બીજું હેમરાજભાઈ, મેં જીવનમાં એક વખત સન્માન પ્રાપ્ત કર્યું છે એ પણ બેસ્ટ રિસર્ચ પેપર માટે મને ‘પૂજ્ય શ્રી મોટા’ના નામથી સન્માન મળ્યું તે. પૂજ્ય શ્રી મોટાના નામથી મળેલા એ સન્માન પછી હું એટલો બધો ધરાઈ ગયો કે મને એમ થયું કે આમાં નોબલ પારિતોષિક પણ સમાઈ ગયું છે. એટલે ત્યાર પછી કોઈ પણ પ્રકારના સન્માન કે એવોર્ડ ન સ્વીકારવાનો મેં નાનકડો સંકલ્પ કર્યો છે. આમાં મારી કોઈ મોટાઈ નથી પણ અંગત રીતે હું એમ માનુ છું કે મારા જેવા માણસે જે કંઈ કર્યું છે એ ફરજના ભાગરૂપે કર્યું છે અને બદલામાં એને સરકાર દ્વારા પગાર મળ્યો છે. પગાર મળે એણે પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી કામ કરવું પડે, કરવું જ જોઈએ. પગાર એનો તો મળે છે એટલે આપણે બહુ મોટું પ્રદાન કર્યું છે એવો ક્યારેય અહમ ન રાખવો. હું તો ત્યાં સુધી માનુ છું કે ઈશ્વરે આપણને પૃથ્વી ઉપર મોકલ્યા ત્યારે હોમવર્ક આપીને મોકલ્યા છે કે આ હોમવર્ક તારે નીચે જઈને પૂરું કરવાનું છે. એ હોમવર્કમાં કંઈ કાચું રહી જાય ત્યાં સુધી ઈશ્વર આપણને ઉપર ન લઈ જાય. અને જો કાચું રાખીને લઈ જાય તો મારો વ્હાલો ઈશ્વર નારાજ થઈ જાય,  એટલે હું આપની લાગણીને માથા ઉપર ચડાવીને આપે નક્કી કરેલા એવોર્ડને ન સ્વીકારનો નિર્ણય આપને જાણ કરું છું. હું ઓસ્ટ્રેલિયા હતો પણ થોડા જ સમયમાં મારો ફોન નંબર મેળવીને હેમરાજભાઈનો મીઠો ફોન આવ્યો. અને એમણે કહ્યું કે હું તમારો ઇમેઇલ વાંચીને બહુ જ પ્રસન્ન થયો પણ મારી તમને વિનંતી છે કે તમે આ એવોર્ડ સ્વીકારો પછી કોઈ ન લ્યો તો ચાલશે. પણ મેં કીધું કે હું માનુ છું કે હેમરાજભાઈ એટલા મોટા દિલના છે કે મારા સંકલ્પને પણ ઠેસ પહોંચાડવાનું પસંદ નહીં કરે. એમણે અંતે કહ્યું કે હું તમારા સંકલ્પનો આદર કરું છું અને તમને એક નાનકડી વિનંતી કરું છું કે અમારી આ એવોર્ડ વખતે પ્રસિદ્ધ થનારી એક સુંદર મજાની પુસ્તકમાં તમે જે મને ઇમેઇલમાં લખ્યું છે તે મને લખી મોકલો. મારા આશ્ચર્ય વચ્ચે એ પુસ્તક મારી પાસે આવ્યું ત્યારે તેના છેલ્લા પૃષ્ઠ ઉપર મારા ફોટોગ્રાફ સાથે નીચે એવું લખેલું હતું કે, હું આદર સાથે કચ્છ શક્તિ એવોર્ડ ન સ્વીકારવાનું નક્કી કરું છું,  કારણકે હું માનુ છું કે મેં જે કંઈ કર્યું છે એ તો ઈશ્વરે સોંપેલા હોમવર્ક પુરા કરવાનું કામ કર્યું છે. 

આ એક જ પ્રસંગ એવો હતો કે જયારે હું અને હેમરાજભાઈ એકબીજા સાથે  આવી રીતે ઈન્ટરેક્શનમાં આવ્યા અને એકબીજા સાથે સંવાદ કર્યો. અનેક વખત અનેક સેવાના કાર્યોમાં હેમરાજભાઈની સાથે એમના હાથ નીચે કામ કરવાની નાની મોટી  તક મળી ત્યારે એમનો મૃદ સ્વભાવ, એમનું કરુણામય જીવન અને  સૌને પોતાનાં કરી લે તેવો  દિવ્ય પ્રભાવનો અનુભવ મેં હંમેશ કર્યો છે.

હેમરાજભાઈ ૮૨ વર્ષ પુરા કરે છે અને ૮૩ માં પ્રવેશ કરે છે. ત્યારે  બહુ સુંદર વિચાર  છે કે ૮૨ વ્યક્તિઓ પાસે હેમરાજભાઈ વિશે નાનામોટા લેખ લખાવવા  અને તેના ગ્રંથનું વિમોચન થશે. હું આ ગ્રંથમાં મારા થોડા શબ્દોનું અર્ધ્ય તેઓના જીવન વિશે અર્પણ કરી શક્યો છું એ મારા માટે ભાગ્યની વાત  છે. 

છેલ્લી વાત એ કહું કે પૃથ્વી ઉપર વિપથગામી પરિબળો ધીમે ધીમે કબ્જો કરતાં જાય છે. મને અને તમને ખ્યાલ છે કે શાંતિ, અહિંસા, ભાઈચારો, સૌહાર્દ આ બધા શબ્દો હવે પાતાળ તરફ ધકેલાતા જાય છે. એને લઈને પૃથ્વી વધુને વધુ જોખમમાં આવી રહી છે. આમ પણ ભૂગોળ એમ કહે છે કે પૃથ્વી તો ત્રાસી ઊભી છે પણ એને સીધી કરવાનું કામ એક ધરી કરે છે. હું તો હેમરાજ શાહને પૃથ્વીને ટેકો કરનાર પેલી સીધી ધરીના રૂપથી નવાજું છું અને પ્રાર્થના કરું છું કે હેમરાજભાઈ ઘણું જીવો..હેમરાજભાઈને ઈશ્વર અપાર શક્તિ, બળ અને લક્ષ્મી આપે કે જે તેઓ અન્યના લાભાર્થે અનેક ક્ષેત્રોમાં તેનો સુંદર મજાનો દિવ્ય ઉપર્યોગ થાય તેવી ઈશ્વર તેમણે ક્ષમતા બક્ષે એવી મારી પ્રાર્થના. હેમરાજભાઈએ ૮૨ વર્ષ પુરા કર્યા છે ત્યારે નજદીક હોય તો તેઓને ૮૨ પ્રણામ કરવાની ઈચ્છા મને છે. દૂર હશે તો પણ હું માનસી સેવાની જેમ માનસ પૂજાની જેમ હું તેમને ૮૨ સ્મરણ વંદન કરું છું. 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback