પડછંદ કાયા અને ઘેઘુર અવાજ : ગુજરાતનું પ્રભાવક વ્યક્તિત્વ

શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી જન્મશતાબ્દિ 

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

હું ત્યારે જુવાન હતો અને જુવાનીમાં એક નાગર કુટુંબના દીકરા તરીકે જીવનના બધા રસક્ષેત્રોમાં હું થોડો થોડો રસ લઈને ઊંડો ઉતરી રહ્યો હતો. ત્યારે રાજકારણ ઘણું બધું રાજનીતિનું કામ કરતું અને બહુ થોડું રાજકારણ થતું,, એ વખતે જેમને જોઈને અને વિધાનસભામાં બોલ્યા છે એના અંગે વાંચીને અથવા કોઈ નાની મોટી સભાઓમાં કે સંમેલનોમાં તેઓને સાંભળીને રાજકારણમાં જવું હોય  તો રોલમોડેલ કોણ  હોઈ શકે એવો જયારે મેં વિચાર કર્યો ત્યારે એક જ નામ હતું અને એ હતું શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી. 

એક વાત એવી પણ મનમાં એ વખતે બેઠી કે હું જેના પ્રભાવક વ્યક્તિત્વની  પુરેપુરી પ્રછાયામાં હતો એવા શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટી પણ ફૂલ ટાઈમ રાજકારણમાં નહોતા. એ ધારાસભ્ય  કરતા ધારાશાસ્ત્રી તરીકે વધુ ખ્યાતનામ હતા. હું એ વખતે આ વાત દૂર દૂરથી દિવ્યકાંતભાઈને જોઈને સાંભળીને તારવતો થયો હતો એનો અર્થ એટલો કે મારી યુવાનીથી મારા ઉપર જે કેટલાક ત્રણ ચાર  વ્યક્તિત્વની ગહેરી અસર પડી તેમાં અવલ્લ નંબરે શ્રી દિવ્યકાંત નાણાવટી હતા. ઘણી વખત જ્ઞાતિના સંમેલનમાં મળવાનું થાય, ઘણી વખત હું શિક્ષક થયો હોવાથી કોઈ શિક્ષણ અંગેના કાર્યક્રમમાં તેઓના પ્રમુખ પદે કોઈ વાત ચર્ચાતી હોય તેમાં ભાગ લેવાનું થાય અને એમ હું એમની નજીકમાં પહોંચતો  ગયો. 

કાળવા ચોકથી એક બાજુ રસ્તા ઉપર હું ભૂલતો ન હોઉં તો ‘ત્ર્યંમ્બકમ’  બહુ મોટું હવેલી જેવું મકાન હતું, એમાં પણ હું ઘણીવાર જઈ આવ્યો અને દિવ્યકાંતભાઈ અને સૌદામિનીબેનના પ્રસન્ન દામ્પત્યને  નીરખવાનો મને ખુબ સારો લાભ પણ મળ્યો. 

એક એવા ધારાશાસ્ત્રી કે જે ધારાસભામાં કોઈ વાત રજૂ કરવા ઉઠે ત્યારે  સભાગૃહની  દરેકે દરેક દિવાલના કણે કણ પણ તેને  કાન મૂકીને સાંભળે એવી વિનમ્ર છતાં મક્કમ, ચુસ્ત છતાં સ્પષ્ટ રજુઆત મેં કોઈની માણી હોય તો દિવ્યકાંતભાઈની હતી. એમનું પ્રેસકવરેજ જયારે આવતું ત્યારે પણ મુખ્યમંત્રી કરતા કાયદામંત્રી દિવ્યકાંત નાણાવટીએ ગૃહને કઈ માહિતીથી અવગત કરાવ્યા તેનું કવરેજ મેં વધુ છપાતું જોયું હતું. આમ, શિક્ષણ અને સાહિત્ય સાથેનો મારો નાતો આજીવન રહ્યો પરિણામે શિક્ષણની તેઓની સહાયક પ્રવૃતિઓમાં મારે ઘણી જગ્યાએ સાથે રહેવાનું બન્યું. પણ હું આજે એટલું ચોક્કસ જાહેરમાં સ્વીકારું કે હું હંમેશા તેઓના પ્રભાવ હેઠળ રહ્યો. એકેય ક્ષણ એવી ગઈ નથી કે જયારે મેં દિવ્યકાંતભાઈને એક સામર્થ્યવાળા વ્યક્તિત્વથી નીચે ક્યારેય જોયા હોય અથવા જાણ્યા હોય. ત્રણેક અવસરે કોર્ટમાં જઈને વકીલો માટેના કોર્ટરૂમમાં પણ એમને મળવાનું બન્યું, એ સમયે પણ એના સાથી ધારાશાસ્ત્રીઓ જે રીતે દિવ્યકાંતભાઈની વાતને કાન ધરીને સાંભળતા હોય કે તેઓને જે ગૌરવ અને માન આપતા હોય તેની  પણ મારા મન પર ઊંડી છાપ પડી  છે. એ ઊંડી છાપે  મને દિવ્યકાંતભાઈનો ચાહક બનાવી દીધો હતો. 

બન્યું એવું કે મેં  ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ કર્યો જૂનાગઢથી. જૂનાગઢની બીએડ કોલેજના અધ્યાપક તરીકેના ઈન્ટરવ્યૂમાં મારે જવાનું થયું અને ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે મેં ઇન્ટરવ્યૂ લેનાર પેનલમાં  શ્રી દિવ્યકાંતભાઈ નાણાવટીને  બેઠેલા જોયા અને મને અંદરથી આનંદ થયો. એક કોઈ વ્યક્તિ એવી પણ ત્યાં હતી કે જે જ્ઞાતિ વડીલ એ કોલેજનું સંચાલન કરતી હતી તે જ્ઞાતિના હતા અને બહાર એવું બોલાતું હતું કે, એ ભાઈ આ ઈન્ટરવ્યૂમાં પસંદ થવાના છે, બાકીના લોકો નિરાશ થવાના છે. પણ ઇન્ટરવ્યૂ માટેના રૂમમાં દિવ્યકાંતભાઈની પડછંદ કાયા મેં પ્રવેશતી જોઈ ત્યારે મને ઊંડે ઊંડે એવું લાગ્યું કે, ના, પસંદગી તો યોગ્ય ઉમેદવારની જ થશે. આપણે સમજી શકીએ કે આ ભરોસો એમ ને એમ તો ન બંધાણો હોય. અગાઉની કેટલીક મુલાકાતો અથવા તો પારદર્શીતાભર્યા નિર્ણયોના આપણે સાક્ષી બન્યા હોઈએ  એટલે આવો ભરોસો બંધાયો હોય !!. ઇન્ટરવ્યૂ લાંબા ચાલ્યા. જે વ્યક્તિ લેવાશે એવી વાત હતી એનો ઇન્ટરવ્યૂ પણ ખાસ્સો લાંબો ચાલ્યો અને મારી સાથે પ્રશ્નોત્તરી કરવામાં મુખ્ય દિવ્યકાંતભાઈ હતા .એણે વ્યાપક્તાથી મને  પ્રશ્નો પૂછ્યા અને એકદમ હકારાત્મક રીતે સામે બેઠેલા ઉમેદવારને જરા પણ એમ ન લાગે કે, મારું કોઈ મૂલ્યાંકન કરી રહ્યું છે એટલી સાલસતાથી તેઓ બધાના ઇન્ટરવ્યૂ લઇ રહ્યા હતા. ઇન્ટરવ્યૂના રૂમની અંદર દૂર એક આરામ ખુરશીમાં એક પ્રચંડ મોભાદાર  વ્યક્તિત્વ આરમ ફરમાવી રહ્યું હતું અને તેઓ બધાને શાંતિથી સાંભળી રહ્યા હતા. પછીની પ્રક્રિયા મને સીધી ખબર નથી, પણ પછીથી મને જે જાણવા મળ્યું તે એવું છે કે, ઈન્ટવ્યુ પૂરો થયો ત્યારે એ આરામ ખુરશીમાં આરામ ફરમાવનાર  વ્યક્તિત્વ એ દિવ્યકાંતભાઈને પૂછ્યું કે, ‘નાણાવટી, તમે શું કહો છો ? કોને પસંદ કરીએ ?’ અને ત્યારે દિવ્યકાંતભાઈએ જવાબ આપ્યો, ‘તમે જેનું નામ લેતા હતા એ ભાઈ તો પસંદ થાય એમ નથી.’ એટલે તરત જ સામેથી જવાબ મળ્યો કે, ‘ના એ ભૂલી જાઓ ને તમારો મત શું છે એ મને કહો.’ એટલે એમણે  મારું નામ આપ્યું એટલે પેલા સંચાલક વ્યક્તિત્વ (જે પણ એક ધુરંધર વ્યક્તિ હતા) એમણે કહ્યું કે,  ‘પેલો એક જાડિયો ગુલાબી ગાલવાળો છોકરો આવ્યો હતો, નાગર હતો ને એને લઈએ, એવું મને લાગે છે તમે શું કહો છો ?’ એટલે દિવ્યકાંતભાઈએ કહ્યું કે, ‘આપે કહ્યું ન હોત તો હું એનું જ નામ આપવાનો જ હતો.’ આ વાત જયારે ઈન્ટરવ્યૂમાં કમિટીમાં સામેલ થયેલા બે મેમ્બરોએ મને કહી ત્યારે પણ એમાંથી મને એક પાસું જાણવા મળ્યું કે, તમે કમિટીમાં બેસીને તમારો  ધારેલો નિર્ણય સીધો જાહેર કરો એને બદલે મુખ્ય સંચાલકને વિશ્વાસમાં લઈને એના મુખેથી બોલાવો અને એ નામ જો તમારું જ નીકળતું હોય તો એ સમિતિ દ્વારા લેવાયેલો સર્વાંગ સંપૂર્ણ નિર્ણય બની રહે. નાગરોની મુત્સદીગીરી નો આ સાદર નમૂનો છે. 

મારી પસંદગી થઇ અને હું એ સંચાલક વ્યક્તિત્વને રૂબરૂ મળવા ગયો, એમના આશીર્વાદ લીધા અને પછી હું દિવ્યકાંતભાઈને મળવા પણ ગયો અને એમને મેં વિનંતી કરી કે, ‘મારું મૂળ તો રાજકોટ છે, પણ હું કોલેજમાં આવી જાઉં તો મને યુનિવર્સીટીમાં જવામાં રસ્તો સીધો પડે એટલે હું અહીંયા આવ્યો છું. મારું ફેમેલી રાજકોટ છે. મારે ભવિષ્યમાં જૂનાગઢ શિફ્ટ થવું નથી. તો મને અપડાઉન કરવાની મંજૂરી મળે એવું આપ કરી શકશો ?’ એમણે સામે પ્રશ્ન પૂછ્યા વગર બાજુમાં પડેલો ફોન ઉપાડ્યો, નંબર ડાયલ કરીને  સામે એક વ્યક્તિને સ્પષ્ટ નિખાલસ છતાં સૌમ્યતા ભરી જબાને પોતાની વાત કરી અને એવું કહ્યું કે, ‘આ ઉમેદવારને આપણે જતો કરવા માંગતા નથી અને એ પોતાનું આપેલું વચન પાળે એવો છે. એટલે આપણે નિયમ ભલે ન હોય પણ આમને અપ ડાઉન કરવાની છૂટ આપીશું.’  સામેથી એવું કદાચ કહેવાયું હશે એવું મને લાગ્યું કે, આપણો નિયમ છે કે, કોઈ અપ ડાઉન કરતું નથી, ત્યારે દિવ્યકાંતભાઈએ થોડા મક્કમ ઘેરા અવાજે કહ્યું, ‘માણસ માટે નિયમ છે, નિયમો માટે માણસ નથી. આપણને એક ઉત્તમ માણસ મળતો હોય તો એ નિયમમાં આપણે બાંધછોડ કરીએ છીએ અને એ પ્રમાણે તમે એનો અમલ કરશો..’  આટલું કહીને એમણે ફોન મૂકી દીધો. પ્રાસંગિક જે વાત કરવાની હતી તે કહી મેં મારા તરફથી સ્પષ્ટ  બાંહેધરી આપી કે, ‘ હું સમયથી રોજ વહેલો પહોંચીશ અને સમય પૂરો થયા પછી જ નીકળીશ, કોઈ પણ પ્રકારની ફરિયાદ ન આવે એ મારી ખાતરી છે.’ અને હું આભાર માનીને નીકળ્યો. મારી કોલેજમાં પહોંચ્યો ત્યારે મારા આચાર્યે મને બોલાવ્યો અને પોતાના ચહેરા ઉપરની નારાજગીને છુપાવતા છુપાવતા એમણે મને અપ ડાઉન કરવાની હા પાડી. એમને એ કદાચ નહીં ગમ્યું હોય કારણ  આ આદેશ એમને કોઈએ ઉપરથી આપ્યો હતો !!. જો કે ત્રણેક વર્ષના અનુભવ પછી ખ્યાલ આવ્યો કે એ આચાર્ય માટે આવો આદેશ ન મળ્યો હોત તો તેઓ મારા એ ઉચ્ચ શિક્ષણના પ્રવેશને એટલો  મીઠો  ન રહેવા  દેત.!!!!

કોલેજના અનેક કાર્યક્રમોના સંચાલનમાં મારે અગ્રેસર રહેવાનું બન્યું ત્યારે દિવ્યકાંતભાઈના ઘરે જવાનું થાય, કોઈ કાર્યક્રમોની ચર્ચા સંદર્ભે, કોઈ સ્પીચ લખવાના સંદર્ભે એમને મળવાનું થાય અને ત્યારે હું એ ચુસ્ત નાગરી નિવાસમાં એકદમ ધીર ગંભીર દંપતીને દૂરથી માણતો રહેતો. એક નાનકડી વાત નોંધું. મને બરાબર યાદ છે કે કોર્ટે જવાનો સમય હતો, એ પહેલા અડધી કલાકે મને બોલાવ્યો હોય અને દિવ્યકાંતભાઈ  તૈયાર થઇ ગયા હોય  અને ઊંચી  ખુરશી ઉપર બેઠા હોય  અને મારી સાથે વાત કરી રહ્યા હોય  એ દરમિયાન સૌ. સૌદામિનીબેન આવ્યા અને એમના હાથમાં એક નાનકડી ડબ્બી હતી, એમાં રહેલું કાજળ  એમણે પોતાની જમણા હાથની ત્રીજી આંગળીથી બરાબર ઘસ્યું  અને એને કાજળ  ઘસતા જોઈને દિવ્યકાંતભાઈ પોતાનું મુખ જરા અધ્ધર કરીને શાંતિથી બેસી ગયા. મારી વાત અટકાવી દીધી અને તેઓની બંને આંખમાં કાજળ  આંજવાનું કામ ત્યારે સૌદામિનીબહેને કર્યું. નાગરોના અનેક લક્ષણો વિષે લોકો વાત કરતા હોય છે પણ આટલી ઉંચાઈ પર પહોંચ્યા પછી અને એક શીર્ષસ્થ સ્થાને પહોંચ્યા પછી પણ નાગર ગૃહિણી પોતાના પતિને વ્યવસાય ઉપર જાય તે પહેલા આંખમાં કાજળ આંજી દેવાની વિનમ્રતા ચૂકતી નથી. એ કદાચ આપણા દેશમાં  એકમાત્ર નાગરોમાં શક્ય હશે એવું ગૌરવ ત્યારે મને થયેલું. હું એ સમયે બહુ ખુશ થયેલો અને મનોમન એવું વિચારતો હતો કે દરેક કુટુંબની અંદર પતિ અને પત્નીની વચ્ચે આવા મીઠા સબંધો હોવા જોઈએ. 

ત્રણ વર્ષ પછી મને રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એક ભવનમાં નિમણુંક થવાની તક મળી અને મારે તરત જ હાજર થવું પડે એમ હતું, જે મારા આચાર્યશ્રી માની શકે એમ નહોતા એટલે મેં ફરી એકવાર દિવ્યકાંતભાઈને ફોન કર્યો અને એને મળવા જવાનું નક્કી કર્યું, એમણે મને કોર્ટ ઉપર બોલાવ્યો/ જૂનાગઢમાં વકીલો માટેની ચેમ્બરમાં તેઓ હતા ત્યાં મારે મળવાનું થયું. એ સમયે એક ખૂણામાં બેસીને મેં એમને કહ્યું કે, ‘મને આ તક મળી રહી છે, હું યુનિવર્સીટીમાં સ્થાન પ્રાપ્ત કરીશ એ આનંદનો વિષય છે અને હું આપનો ઋણી રહીશ, પણ મારે રિલિવ થવું પડે એમ છે.’  જ્યારે  આ લખું છું ત્યારે મને એમની દૂરંદેશી ઉપર, એમની દીર્ઘદ્રષ્ટિ ઉપર ભારોભાર માન થાય છે. એમણે કહ્યું કે, ‘ભદ્રાયુ, તમને સુંદર સ્થાન મળે છે એ બહુ સારી વાત છે, પણ યુનિવર્સીટી એ રાજકારણનો અખાડો છે. એટલે હું એવું માનું છું કે, તમે આ પરમેનન્ટ જગ્યા ઉપર છો ત્યારે તમે સરકારમાંથી લિયન મેળવો અને તમે અહીંયા લિયન રાખીને યુનિવર્સીટીમાં જાઓ, જેથી કરીને શરૂઆતના  એકાદ વર્ષમાં તમને એવું લાગે કે, આમાં તો  બધી ગડબડ છે, તો તમે અહીંયા પાછા આવી જઈ શકો.’  એ દૂરંદેશીએ મને એટલો બધો મદદગાર થવાનો રસ્તો ચીંધ્યો કે જેનો અહેસાસ મને ઘણા સમય પછી થયો.  એમનું કહ્યું માનીને હું મારા આચાર્ય પાસે ફોર્માલિટી પુરી કરીને ગાંધીનગર દોડ્યો અને ગાંધીનગર દોડીને મેં એક વર્ષ માટેનું લિયન લીધું, જે લિયન માટેનો કાગળ મારી કોલેજમાં સબમિટ કરી અને હું જયારે કોલેજમાંથી મુક્ત થઈ યુનિવર્સીટી પહોંચ્યો ત્યારે ખરેખર યુનિવર્સીટીના રાજકારણી અધિકારીઓએ  મને એક પત્ર પકડાવ્યો અને તેમાં એવા શબ્દો લખ્યા હતા કે, અમારી ટેક્નિકલ ભૂલને કારણે તમારી નિમણૂંક  થઇ છે તેથી આ નિમણૂંકને રદ કરવામાં આવે છે. મને હુકમ મળ્યો અને રદ થયો એની વચ્ચે અઠવાડિયા દસ દિવસનો ગાળો ગયો અને એ દરમિયાનમાં હું લિયન લઈને ગાંધીનગરથી આવી ગયો હતો એટલે મેં આ યુનિવર્સીટીના નિર્ણય સામે કોર્ટમાં જવાનો ફેંસલો કર્યો. એમાં પણ મને દિવ્યકાંતભાઈએ બહુ મદદ કરી. અને ચાર મહિના પછી કોર્ટે મારી બધી જ રજાઓને ફરજ પર ગણીને પુરા  પગાર સાથે યુનિવર્સીટીમાં નિયુક્ત જગ્યા પર હાજર કરવાનો યુનિવર્સીટીને આદેશ આપ્યો. અત્યારે હું વિચાર છું કે, મેં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં  ચોવીસેક વર્ષ શાનદાર કામ કર્યું અને પછી તો યુનિવર્સીટીમાં હું એક આવશ્યક પરિબળ બની ગયો એ  ત્યારે જ શક્ય બન્યું હતું કે, જયારે મને દિવ્યકાંતભાઈના એક નાનકડા વાક્યએ પ્રેરિત કર્યો હતો કે. ‘તમે લિયન લઇ અને પછી જોડાજો.’ 

આજે દિવ્યકાંતભાઈનું સ્મરણ કરતા જયારે મારે મારા શબ્દોને કાગળ ઉપર મુકવાના છે ત્યારે મારું  હૃદય આ વાતથી ભરાઈ આવે છે અને મને એમ લાગે છે કે મારે એમની સાથે કોઈ પૂર્વ જન્મનો નાતો હશે એટલે એમણે મને મારા જીવનની ઘણી  કપરી પળે બચાવી લીધો હતો. આમ પણ દિવ્યકાંતભાઈના પુત્ર કે જે દિવ્યકાંતભાઈની નાની આવૃત્તિ જેવા લાગે એ જ ભરાવદાર શરીર, એ જ ઘેઘુર અવાજ, એ જ શોખ અને એ જ ઠાવકાઈથી પોતાનું જીવનારા હેમંતને મારી સાથે લોકો સરખાવે છે, ત્યારે અમને એકબીજાના ભાઈ ગણે છે. અસ્મિતા પર્વમાં પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં એક સોફા ઉપર અમે બે જણા બેઠા હતા ત્યારે એક ખ્યાતનામ ફોટોગ્રાફરે અમારો ફોટો લઈને એને પબ્લિશ કર્યો સોશિયલ મીડિયા ઉપર અને લખ્યું: બે ભાઈઓ એક સોફા ઉપર !!. અમને ખબર છે કે અમે સગાભાઈઓ નથી. દિવ્યકાંતભાઈનો મારા પ્રત્યેનો સહજ  પ્રેમ કે જે તેઓ  દરેક વ્યક્તિ માટે વરસાવતા હતા પણ મારા પર્ફોમન્સને તેઓએ ઈન્ટવ્યુ દરમિયાન માણ્યું હતું અને પછીથી મારા વ્યવહારમાં, મારા લેખનમાં, મારા વક્તૃત્વમાં તેઓ જે એક પ્રકારની પ્રબળતા જોતા હતા તેના આધારે હું તેનો માનસ પુત્ર હોઉં એવી રીતે મને એમણે જોડ્યો હતો. પછીના વર્ષોમાં પણ ઘણી વખત દિવ્યકાંતભાઈને મળવાનું થયું અને બધા જ સ્મરણનો એક સાથે એમના પડછંદ શરીરની જેમ જ આપણી સામે એક પછી એક ઉપરથી નીચે સુધી પસાર થાય એવું મેં અનેક વખત અનુભવ્યું છે. 

દિવ્યકાંત નાણાવટી જેવી વ્યક્તિ આપણા ગુજરાતને ભાગ્યે જ મળે. દિવ્યકાંત નાણાવટી જેટલી મુત્સદી અને ગુણવત્તાને વળગી રહેનરી વ્યક્તિ રાજકારણને પણ ભાગ્યે જ મળે છે. આપણે નસીબદાર છીએ કે, દિવ્યકાંતભાઈ નાણાવટી આપણા જૂનાગઢના  નાગર કુટુંબના અને પોતાની પાછળ નિરૂપમભાઈ, હેમંતભાઈ જેવી એક લેગસી મૂકી જનાર વ્યક્તિત્વ તરીકે આપણને મળ્યા છે. હા મને મોટો થયો પછીથી સતત એવું લાગ્યા કરે છે કે, ગુજરાતમાં દિવ્યકાંત નાણાવટીને જે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થઇ શકતું હતું તે આપણો સમાજ એમને આપી શકેલ નથી. ઘણા બધા રાજ્યોમાં, બહુ જ વામણા રાજ્યપાલોને જોઉં છું ત્યારે એમ લાગે છે કે, રાજ્યપાલ તો દિવ્યકાંત નાણાવટી જેવા શોભે. 

હું તેઓની દિવ્ય  ચેતનાને વંદન કરું છું અને તેઓના આશીર્વાદ આપણને તેઓના માર્ગે ચાલવા સામર્થ્ય બક્ષે તેવી પ્રાર્થના કરું છું.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback