લક્ષ્મણની ભક્તિ સગુણ હતી, જયારે  ભરત નિર્ગુણ ભક્તિ કરનાર હતા.

ભદ્રાયુ વછરાજાની                     (48)               bhadrayu2@gmail.com 

શ્રી ગીતાનો બારમો અધ્યાય ભક્ત અને ભક્તિને ચોતરફથી સ્પષ્ટ કરે છે. ભગવાન કહે છે, ‘ખરેખર યોગી પુરુષ કે ભક્ત પુરુષને કશું ભાન હોતું નથી.. તે બધા કર્મો મને સમર્પણ કરીને મારું ધ્યાન કરતા કરતા અનન્ય યોગથી મારી ઉપાસના કરે છે. તે મને ખુબ ગમે છે. માત્ર ભક્તિમાં લીન થઇ જવાનું. હે પાર્થ, મારામાં જ જેમનું ચિત્ત લાગેલું હોય છે તેમનો મૃત્યુરૂપી સંસાર સાગરથી હું ઉદ્ધાર કરું છું.’ 

ભગવાનના ગુણ કેવા છે ? આપણામાંથી કોઈ એક ગુણ તમસ, રજસ, કે સત્વમાંથી ચળી જાય તો તેનું સંતુલન રહેતું નથી. ભગવાન કહે છે કે, “ મારામાં જ મન લગાડ, મારામાં જ બુદ્ધિને સ્થિર કર એમ કરવાથી તું મારામાં જ નિવાસ કરીશ એ બાબતમાં કોઈ સંદેહ રાખ નહીં.” એને ખબર છે કે અર્જુન સંદેહ કરનારો છે એટલે ખાસ આદેશાત્મક રીતે કહે છે, “હે ધનંજય, જો તું મારામાં તારું ચિત્ત સ્થિર ન કરી શકતો હો તો મને અભ્યાસયોગ દ્વારા પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. મારે માટે કર્મ કરવાથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ.”  જે કંઈ કરીએ એ ભગવાનને માટે કરવાનું છે અને એમ કરશું તો એ પાપ નહીં થાય. એક વાત સતત ગીતામાં કહેવાણી છે કે, ‘કર્મ કરવું  એ આપણો ધર્મ છે પણ એનું ફળ છોડતા રહેવું  એ ધર્મ સાચો છે.’

ધીમે ધીમે કરતા એક એક શ્લોકની અંદર અર્જુનને અહેસાસ કરાવતા જાય છે કે ભક્તિયોગ શું છે ? ભક્ત કેમ બનાય ? કહે છે,  

  1. સદા સંતુષ્ટ યોગનો અભ્યાસ કરનાર સંયમી અને દ્રઢ નિશ્ચયી છે અને જેણે પોતાના મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધા છે તે મારો ભક્ત મને પ્રિય છે.

પૂર્ણતઃ  શરણે જવાની વાત અહીં ભગવાન કરે છે. 

  1. જે મારો ભક્ત ઈચ્છા રહિત, પવિત્ર, દક્ષ, ઉદાસીન, વ્યથારહિત અને સકામ કર્મોનો આરંભ નહીં કરનારો છે એ મને પ્રિય છે. 
  2. જે હર્ષ પામતો નથી, દ્વેષ પણ કરતો નથી, જે શોક પણ કરતો નથી, કોઈની આશા કરતો નથી એ શુભ તથા અશુભ બંનેનો ત્યાગ કરે છે એવો જે ભક્તિમય છે તે મને પ્રિય છે. 
  3. જે શત્રુ અને મિત્રની બાબતમાં, માન અને અપમાનની બાબતમાં સમભાવ રાખે છે. શીત-ઉષ્ણ, સુખ-દુઃખની બાબતમાં પણ સમભાવ ધારણ કરે છે જેને ભોગો ઉપર આસક્તિ નથી તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. 
  4. જે સ્તુતિ અને નિંદાની બાબતમાં સમાન છે. જે મૌન ધારણ કરે છે, જે કઈ મળે તેનાથી સંતુષ્ટ રહે છે, જેને પોતાનું કોઈ સ્થાન નથી, જેની બુદ્ધિ સ્થિર છે એવો જે ભક્તિમાન મનુષ્ય છે તે મને પ્રિય છે. 
  5. ભગવાન છેલ્લે બહુ દ્રઢપણે કહે છે કે જે શ્રદ્ધા રાખનારા અને  મને પરમ શ્રેષ્ઠ માનનારા ભક્તો અહીં ધર્મયુક્ત અમરજ્ઞાનનું સેવન કરે છે તે મને અત્યંત પ્રિય હોય છે. 

ભક્તિયોગમાં પ્રવેશેલા અર્જુનને સતત રીતે ભક્તના એક પછી એક લક્ષણો જે ભગવાન શ્રી કૃષ્ણે દર્શાવ્યા છે એ આમ જોઈએ તો અગાઉના બધા જ બે થી અગિયાર અધ્યાય સુધીમાં કહેવાઈ  ગયા છે. અહીં પ્રશ્ન બહુ બુદ્ધિપૂર્વક પુછાયો છે, એટલે એનો જવાબ વિસ્તૃત રીતે આપણને મળ્યો છે. 

માછલી જેમ પાણીથી અળગી રહી શકતી નથી તેવું જ લક્ષ્મણનું હતું. રામથી અળગા રહેવાની તેનામાં શક્તિ નહોતી. તેના રોમરોમમાં સહાનુભૂતિ ભરેલી હતી. રામ સૂતા હોય ત્યારે પોતે જાગતા રહી તેમની સેવા કરવામાં જ તેનો બધો આનંદ સમાયેલો હતો. આપણી આંખને તાકીને કોઈ આપણા પર પથરો ફેંકે ત્યારે હાથ આગળ પડીને જેમ તે પથ્થરનો ઘા ઝીલી લે છે તેવી રીતે લક્ષ્મણ રામનો હાથ બન્યો હતો. રામ પર થનારો ઘા આગળ પડીને લક્ષ્મણ ઝીલી છે. તુલસીદાસે લક્ષ્મણને માટે બહુ મજાનો દાખલો આપ્યો છે. પેલો ઝંડો ઊંચે ફરકે છે, બધાં ગીત તે ઝંડાનાં ગવાય છે. તેનો રંગ, તેનો આકાર, એ બધાનું વર્ણન કરવામાં આવે છે. પણ સીધી, સ્ટાર ઊભી રહેનારી ઝંડાની લાકડીની વાત કોઈ કરે છે કે ? રામના યશની પતાકા ફરકતી હતી તેનો લક્ષ્મણ ધ્વજના દંડની માફક આધાર હતો. તે કાયમ સીધો, ટટાર ઊભો હતો. ધ્વજનો દંડ જેમ વાંકો વળતો નથી તેમ રામના યશની પતાકા બરાબર ફરકતી રહે તે સારુ લક્ષ્મણ હંમેશ ટટાર રહ્યો છે. કદી વાંકો વળ્યો નથી. યશ કોનો? તો કે રામનો. પતાકા દેખાય છે. દંડ વિસારે પડે છે. શિખર પરનો કળશ દેખાય છે, નીચેનો પાયો નજરે પડતો નથી. રામનો યશ ફરકી રહ્યો છે, લક્ષ્મણનો ક્યાંયે પત્તો નથી. ચૌદ વરસ સુધી આ દંડ જરાયે વાંકો થયો નથી. પોતે પાછળ રહી, અણછતા રહી રામનો યશ તેણે ફરકાવ્યો. રામ કઠણમાં કઠણ એવાં કામો લક્ષ્મણ પાસે કરાવે. સીતાને વનમાં મૂકી આવવાનું કામ પણ છેવટે તેમણે લક્ષ્મણને જ સોંપ્યું. લક્ષ્મણ બિચારો સીતાને વનમાં મૂકી આવ્યો. લક્ષ્મણની પોતાની એવી હયાતી જ રહી નહોતી. તે રામની આંખો, રામનો હાથ, રામનું મન બન્યો હતો. નદી સમુદ્રમાં મળી જાય તેમ લક્ષ્મણની સેવા રામમાં મળી ગઈ હતી. તે રામની છાયા બન્યો હતો. લક્ષ્મણની આ સગુણ ભક્તિ હતી.

ભરત નિર્ગુણ ભક્તિ કરનારો હતો. તેનું ચિત્ર પણ તુલસીદાસજીએ મજાનું દોર્યું છે. રામચંદ્ર વનમાં ગયા ત્યારે ભરત અયોધ્યામાં નહોતો. ભરત પાછો આવ્યો ત્યારે દશરથનું અવસાન થયું હતું. વસિષ્ઠ ગુરુ તેને રાજ્ય કરવાને કહેતા હતા. ભરતે કહ્યું, “મારે રામને મળવું જોઈએ.” રામને મળવાની તેના અંતરમાં તાલાવેલી થતી હતી. પણ રાજનો બંદોબસ્ત તે ગોઠવતો જતો હતો. આ રાજ રામનું અને તેની વ્યવસ્થા કરવી એ રામનું જ કામ છે એવી તેની ભાવના હતી. બધી સંપત્તિ સ્વામીની હતી અને તેની વ્યવસ્થા કરવાનું તેને પોતાનું કર્તવ્ય લાગ્યું. લક્ષ્મણની માફક ભરતથી માથા પરનો ભાર ફેંકી દઈ છૂટા થવાય તેવું નહોતું. આવી ભરતની ભૂમિકા હતી. રામની ભક્તિ એટલે કે રામનું કામ કરવું, જોઈએ, નહીં તો તે ભક્તિ શા કામની? બધો બંદોબસ્ત બરાબર ગોઠવીને ભરત વનમાં રામને મળવાને આવ્યો છે. “હે રામ, તમારું આ રાજય છે. તમે…” એટલું તે બોલે છે ત્યાં જ રામે વચ્ચે પડીને તેને કહ્યું, “ભરત, તું જ રાજ ચલાવ.” ભરત સંકોચથી ઊભો રહે છે ને કહે, “તમારી આજ્ઞા મને કબૂલ છે.” રામ કહે તે કબૂલ, તેણે બધું જ રામને સોંપી દીધું હતું.

પછી તે ગયો ને રાજ ચલાવવા લાગ્યો. પણ હવે આ વાતમાંની મજ જુઓ. અયોધ્યાથી બે માઈલ પર તે તપ કરતો રહેવા લાગ્યો. તપસ્વી રહીને તેણે રાજ ચલાવ્યું. આખરે રામ જ્યારે ભરતને મળ્યા ત્યારે વનમાં ગયેલો અસલ તપસ્વી કયો એ ઓળખવાનું બને તેવું નહોતું. બંનેના ચહેરા સરખા, થોડો ઉંમરનો ફેર, તપનું તેજ પણ સરખું. બેમાંથી રામ કયા ને ભરત કયો તે ઓળખાતું પણ નથી. એવું ચિત્ર કોઈ દોરે તો બહુ પાવન ચિત્ર થાય. આમ, ભરત દેહથી રામથી આઘો હતો પણ મનથી તે રામથી ક્ષણભર પણ અળગો થયો નહોતો, એક બાજુથી તે રાજ ચલાવતો હતો તો પણ મનથી તે રામની પાસે હતો. નિર્ગુણમાં સગુણ ભક્તિ ઠાંસીને ભરેલી હોય છે. ત્યાં વિયોગની ભાષા શી બોલવી ? તેથી ભરતને વિયોગ લાગતો નહોતો. ઈશ્વરનું કામ તે કરતો હતો.

જગતમાં એક જ લક્ષ્યની સાધના કરવાના બે માર્ગ છે. કોઈ સાધક પરમાત્માના સગુણ સાકાર વ્યક્તરૂપની આરાધના ઉપાસના કરે છે, એને ખબર છે કે એક મૂર્તિ છે, મૂર્તિમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, તેની પૂજા કરે છે, તેને જમાડે છે, તેને સુવાડે, તેને ઉઠાડે છે,, જયારે બીજા સાધકો નિર્ગુણ નિરાકાર અવ્યક્તનું ધ્યાન કરે છે. એને મન કોઈ મૂર્તિની જરૂર નથી, એને મન કોઈ મંત્ર કે ભજનની જરૂર નથી, એ આંખ બંધ કરે છે, પોતાનામાં ઊંડા ઉતરે છે અને તેને જે શાંતિ પ્રાપ્ત થાય છે એના આધારે તે ઈશ્વરની પૂજા કરે છે. યાદ એ રાખવાનું છે કે બંને નિષ્ઠાવાળા છે અને પોતપોતાના માર્ગ પર આગળ વધે છે પણ અર્જુન અહીં પૂછે છે કે આ બંનેમાં શ્રેષ્ઠ કોણ ? આપણે અગાઉ પણ કહેલું છે કે જયારે સરખામણી આવીને ઉભી રહે છે ત્યારે એ સરખામણી ઘણી બધી રીતે આપણને વ્યગ્ર કરે છે. ભગવાન વ્યગ્ર થયા વગર સતત એવું કહે છે કે, તમારે સાચા ભક્ત થવું હોય તો ત્રણ ગુણ જરૂરી છે. પરમ શ્રદ્ધા, ઉપાસનામાં સાતત્ય અને ધ્યેય સ્વરૂપમાં મનની એકાગ્રતા. આ યુકતતમ વાત સાથે બારમા અધ્યાયનું સમાપન થઇ રહ્યું છે.