પરમેશ્વર અવિનાશી છે, પણ તેને આપણે નાશ પામનાર ભૂતોમાં પણ નિહાળવાનો છે.

ભદ્રાયુ વછરાજાની           (51)           bhadrayu2@gmail.com

શ્રીમદ ગીતાના તેરમા અધ્યાય ક્ષેત્રક્ષેત્રજ્ઞયોગ માં વિવિધ વિભાગો તારવીને આપણે તેની સમજૂતી મેળવી રહ્યા છીએ. વિભાગ જ્ઞાનનું ફળ અઢારમો શ્લોક છે, જેમાં ભગવાન કહે છે કે મને ઓળખી રહેશે એનો નિવાસ મારી પાસે થવાનો છે.
વિભાગ પુરુષ અને પ્રકૃતિમાં ઓગણીસ, વીસ અને એકવીસમાં ક્રમના શ્લોકોનો સમાવેશ થાય છે. આપણે જાણવાના છે બે અનાદિને અને તે છે પ્રકૃતિ (જડ ) અને પુરુષ (ચૈતન્ય). આ બંને ઈશ્વરની મોટી શક્તિ છે, કારણ કે આ બંનેમાંથી તો સૃષ્ટિની ઉત્પત્તિ થયેલ છે. પુરુષ બે : ઈશ્વર અને પરમેશ્વર તો પ્રકૃતિ પણ બે : પરા અને અપરા. દેહ રૂપી નગરી એ પ્રકૃતિ અને તેમાં વસનાર એ પુરુષ. પ્રકૃતિ જ કાર્ય અને કારણનો હેતુ કહેવાય છે અને પુરુષ સુખ દુઃખના ભોગનો હેતુ મનાય છે. પુરુષ પ્રકૃતિમાં રહીને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે. આ ગુણો એટલે સત્ત્વ, રજસ અને તમસ.
વિભાગ પરમાત્મામાં બાવીસ અને ત્રેવીસમો શ્લોક સમાવિષ્ટ છે. આપણા દેહની અંદર બીજો પુરુષ એ જીવાત્માથી પર છે અને બીજા પરમ પુરુષને પરમાત્મા કહે છે. જે ભોક્તા છે, ભર્તા છે, મહેશ્વર છે, અનુમંતા છે અને ઉપદ્રષ્ટા પણ છે. શ્રી ભગવાન અહીં અભય વચન ઉચ્ચારતાં કહે છે કે, અગાઉ કહ્યું તેમ પુરુષને તથા ગુણો સાથે રહેનારી પ્રકૃતિને બરાબર જે જાણે છે, તે ગમે તે પ્રકારે રહે, તો પણ તેને પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી.
ત્યારબાદ વિભાગ છે આત્મદર્શન અને ઉપાસના જેમાં ચોવીસ, પચ્ચીસ બંને શ્લોકનો સમાવેશ છે. પરમેશ્વર ચોતરફ છે પણ કેટલાક સાધકો જ્ઞાનયોગથી તેને જુએ છે તો કેટલાક સાધકો કર્મયોગથી ઈશ્વરને અનુભવે છે. ભગવાન અહીં અતિ સરળ થઈને કહે છે કે, જેઓ જ્ઞાન કે કર્મનો માર્ગ જાણતા નથી તેઓ અન્ય વિદ્વાનો પાસેથી સાંભળીને ઉપાસના કરે છે અને તેમાં તલ્લીન થનાર પણ મૃત્યુને ઓળંગી જાય છે.
પછી આવે છે સમદર્શનનું ફળ, જેમાં છવ્વીસ, સત્યાવીસ, અઠ્ઠાવીસ એમ ત્રણ શ્લોક આવે છે.અહીં સમદર્શી બનવા માટેની અર્જુનને પ્રેરણા આપે છે. આ જગતની ઉત્પત્તિ જડ અને ચેતન મળવાથી થાય છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ જ બધું નિર્માણ કરે છે. પરમેશ્વર અવિનાશી છે પણ તેને આપણે નાશ પામનાર ભૂતોમાં પણ નિહાળવાનો છે. જે સર્વમાં અને સર્વને સમભાવથી ઈશ્વરને જુએ છે, તે સ્વયં પરમ ગતિ મેળવે છે.
અકર્તા આત્મા વિભાગમાં ઓગણત્રીસ અને ત્રીસ બે શ્લોકનો સમાવેશ થાય છે. પ્રકૃતિ દ્વારા જ બધા કામ થાય છે અને આત્મા તો અકર્તા છે તેમ માને છે તે સત્ય જુએ છે. સાધક તરીકે મારે એક જ આધારમાં પ્રાણીઓના ભેદને સ્થિત અને વિસ્તરેલ જોવાનો છે અને તો જ હું બ્રહ્મને પ્રાપ્ત કરીશ.
આત્માની નિર્લેપતા એ એકત્રીસ, બત્રીસ, તેત્રીસ એ ત્રણ શ્લોકનો સમાવેશ કરે છે . કુન્તીપુત્રને ભગવાન યાદ અપાવે છે કે, હું અનાદિ છું, નિર્ગુણ છું અને તેથી અવિનાશી છું. તે શરીરમાં છે છતાં તે કશું કરતો નથી અને કોઈથી લિપ્ત થતો નથી.
પરમપદ-પ્રાપ્તિ એવા વિભાગમાં એક છેલ્લો ચોંત્રીસમો શ્લોક છે. અહીં પરબ્રહ્મને પામવાનો રાજમાર્ગ ફરી નિર્દિષ્ટ કર્યો છે. હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષ્રેત્રજ્ઞ એ બે વચ્ચેના ભેદને તથા ભૂત, પ્રકૃતિ અને મોક્ષ આ બધું જ્ઞાન ચક્ષુથી જે જાણે છે એ પ્રમાણે પરમાત્માને જાણી શકે છે અને પરમગતિ પામે છે.
આમ વિભાગવાર શ્લોકોની વહેંચણી અને તેની સમજૂતી એ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજની ગીતાજ્ઞાન આપનાવાની એક રીત છે, જેનો આપણે રસાસ્વાદ કર્યો.
શ્રીમદ ભગવદ ગીતાના આ તેરમા અધ્યાયને શ્રી વિનોબાજીએ શીર્ષક આપ્યું છે ‘આત્મા વિવેક.’ આત્મા અને અનાત્મા આ બંને સમજવું અને એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ આ તેરમો અધ્યાય છે, એવું વિનોબાજી કહી રહ્યા છે. શરીર એક ક્ષેત્ર છે અને જે શરીરને સાચવીને જાણી શકે છે એને ક્ષેત્રજ્ઞ કહ્યો. એમનો યોગ કરવા માટેની આ તેરમા અધ્યાયની જે મથામણ છે એમાં ભગવાન સ્પષ્ટ કહે છે કે, જે એક પરમેશ્વર સિવાય બીજો કોઈ નથી એવા અનન્ય ભાવથી મારામાં જોડાયેલો રહે, જેને મારામાં પ્રેમ છે, ભક્તિ છે પણ તે સ્વાર્થવાળી નથી, ‘મારું અમુક કામ થશે તો હું તારા દર્શન કરવા આવીશ’ એવી ભક્તિ નહીં પરંતુ ‘તેં મને તારી ભક્તિ કરવા માટે જ જન્મ આપ્યો છે,’ એવી ભક્તિ ખપે છે. મા છોકરાને ઉછેરે છે, પોષે છે. છોકરાને ખબર નથી કે કોણ દુશ્મન છે અને કોણ મિત્ર એ તો મા કહે તેમ કરે,, તેમ જ ઈશ્વર આપણી મા છે અને એ જેમ કહે છે તેમ આપણે કરવાનું છે એ આપણી ભક્તિ છે.
સેવા કરવાની વાત આવે કે સેવવાની વાત આવે ત્યારે પવિત્ર એકાંત સ્થળની વ્યાખ્યા અહીં આપી છે. એકાંત એટલે બહારનું નહીં પણ માણસના દિલમાં રહેતું એકાંત. એકાંત માટે જંગલમાં જવું જરૂરી નહીં, આપણી પાસે અનેક માણસો બેઠા હોય, ખોટી વાતો કરતા હોય તો તે ન સાંભળવી અને સારી વાત જ સાંભળવી એ એકાંત છે. એક સુંદર દ્રષ્ટાંત ગાંધીજીના જીવનમાંથી શ્રી રવિશંકર મહારાજ ટાંકે છે. મદ્રાસમાં ગાંધીજીનું હજારો લોકો સ્વાગત કરવા આવ્યા હતા. ગાંધીજીને યંગ ઇન્ડિયાનો લેખ લખવાનો બાકી રહી ગયો હતો. ગાંધીજી બહાર આવ્યા અને કહ્યું કે, મારે લેખ લખવાનો બાકી રહી ગયો છે એટલે લખી નાખું છું, એમ કહીને એક બાજુ બેસીને લેખ લખવાનું શરૂ કરી દીધું. મહાદેવભાઈ દેસાઈએ એ લેખ વાંચીને કહ્યું કે, ગાંધીજીએ સુંદર લેખ લખી નાખ્યો હતો. ગાંધીજીએ એ લેખ લખવામાં લીન થવાનું નક્કી કર્યું હતું. લેખ લખવા સિવાય એ સમયે બીજી કોઈ ચીજ એના મનમાં નહોતી. આમ એક જ કામમાં લીન થઇ જવું એ એકાંત સેવવાની વાત છે.
અહીં જનસમૂહમાં ભળવાનો અણગમો એવું પણ આપણને કહ્યું છે, તો આપણને ચેતવ્યા છે. ટોળામાં પ્રેમ ન હોય. ટોળામાં ભળવું હોય તો પણ એકલા એકલા ભળવું. જે ધમાલિયા ટોળાં છે એની સાથે ક્યારેય સબંધ ન રાખવો. આનો ઉપાય શો ? તમે ટોળાને ન સુધારી શકો પણ એ ટોળાથી તમે તો દૂર થઇ શકો ને ? ભગવાન કહે છે કે, નિત્ય હંમેશા અધ્યાત્મ જ્ઞાનનો વિચાર કરવો. તત્વજ્ઞાનનો વિચાર કરવો એ જ જ્ઞાન છે આ બધાથી જે ઉલટું છે તે અજ્ઞાન છે. ગીતા આપણને કહે છે કે, સ્થિર નિષ્ઠા અંગેનું જીવાત્માનું જ્ઞાન એ અધ્યાત્મ. આત્માનું જ્ઞાન એ અધ્યાત્મ. જેને જાણવાથી જીવ અમરપણું પામે તે જ્ઞેય, તે અનાદિ પરમબ્રહ્મ, તેને સત અથવા અસત કઈ કહેવામાં આવતું નથી એવા જ્ઞેયની અહીં વાત કરી છે. અર્જુન, તને જ્ઞાનની વાત તો કરી પણ આ જ્ઞેય શું છે ? જાણવા જેવું છે. જ્ઞેય એટલે જાણવા યોગ્ય વસ્તુ છે તે. તું જ્ઞેય ને જાણીશ તો તને અમૃત મળશે. એને તું જાણતો થઇ ગયો તો અમૃત જાણતો થઇ ગયો. ભગવાન એમ કહે છે કે તે જ્ઞેય આત્મા અવિભક્ત હોવા છતાં પણ ભૂત માત્રમાં વિભક્ત જેમ રહે છે. છૂટો ન પડી શકાય એવો છે, છતાં છૂટો જ હોય, એમ રહે છે. ભગવાન આપણને સીધા રસ્તા બતાવે છે. ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. બધાના હૃદયમાં છે જ તું શોધી કાઢ.