ભારત પણ ઝેન ભૂમિ છે, આપણે ઓળખીએ તો..

ભારત પણ ઝેન ભૂમિ છે, આપણે ઓળખીએ તો..

જો મારો આશ્રમ હોય તો તમારે શું? અને જો કોઈકનો આશ્રમ હોય તો મારે શું?”

એક મહાપુરુષને દૂર-દૂર દેખાતા  એવા એક પર્વત ઉપર રોજ જવાનું અને રોજ પાછા આવવાનું.  એક લાકડાની પાટ ઉપર જેણે જિંદગી કાઢી નાખી,  નહીં પ્રવચનો કર્યા, નહીં કથાઓ કરી, કશું જ નહીં કર્યું. કોઈ પૂછે તો  અડધો જવાબ આપે તે શ્રી  રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું કે,  આ પક્ષી, આ નદી, આ પર્વતો, એ ક્યાંથી આવે છે?”,  મહર્ષિએ થોડીવાર પછી જવાબ આપ્યો ::તમારા પ્રશ્નો ક્યાંથી આવે છે ?” ‘સાક્ષાત્કાર’ નામનું પુસ્તક છે, ક્યારેક વાંચવા જેવું છે. હું માનું છું કે શ્રી રમણ  મહર્ષિને  કદાચ ભારતના ‘ધ બેસ્ટ  ઝેન માસ્ટર’ કહી શકાય.

વિનાયક ભાવે તે આપણા સૂફી ફકીર વિનોબાજી. વિનોબાજી પોતે સંસાર છોડી અને હિમાલય તરફ જવા નીકળી ગયા હતા અને ત્યાં એમણે એક ન્યુઝ પેપરમાં વાંચ્યું કે, ગાંધીજીએ એની બેસન્ટની હાજરી માં બેધડક જાહેરમાં કહ્યું કે, આ મારું  ભારત છે અને જે કાંઈ અહીંયા થશે એ હિન્દીમાં થશે અથવા તો   માતૃભાષામાં થશે. એની બેસન્ટે એમ કીધું કે,  This is international conference, you can’t say  like that.  બાપુએ  કહ્યું કે,  You can maintain your stand,  equally i have a right to maintain my stand. એ વાંચ્યું અને વિનોબાજીને થયું કે, આ કોણ છે? અને એને મળવા માટે ઉપડ્યા. અને વિનોબાજીને લાગ્યું કે, ‘મારે હિમાલય જવાની જરૂર નથી કારણ મને બાપુમાં હિમાલયના દર્શન થાય છે.’

પોતાના પહેલા સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ પસંદ કર્યા એ વિનોબા ભાવે.  આ વિનોબા ભાવેના ઘરની અંદર  મોટું ફણસનું ઝાડ, જેના મોટાં ફળ અને એની પેશી મોટી મોટી હોય. એ ફળ જોઇને રોજ બધા બાળકો ચિંતા કરતા હોય કે આ ફળ ક્યારે ખાવા મળે. હવે ફળ પાક્યું છે, રોજ સવારે ઊઠીને જોવે ત્યાં  એક દિવસ જોવે તો પોતાની મા નીચે ફળ લઈને બેઠી છે અને પેશીઓ કાઢે છે. બધા બાળકો માની ફરતે ગોઠવાઈ ગયાં. મા એક વાટકી ની અંદર એક પેશી મૂકીને આપે કે,  ‘બેટા જા, પહેલો ભાગ તો પાડોશીનો હોય ને !!. તું દેતો આવ એને. જા વિનીયા જા.. દેતો આવ બાજુમાં’. બીજીવાર આવ્યા ત્યારે કીધું, “બેટા જમણી બાજુ દેતો આવ. એણે ફળને રોજ જોયું છે. જોયું છે એટલે એનો અધિકાર છે.” વિનોબાજીને કોઈએ ભૂદાન વખતે એવો  પ્રશ્ન પૂછ્યો હતો કે તમને  આ ભૂદાનનો વિચાર આવ્યો ક્યાંથી? એમાં એમણે  આ વાત કરેલી કે, મારી માએ મને ત્યારે શીખવ્યું છે કે, બેટા યાદ રાખજે જે દે તે દેવ, અને રાખે તે રાક્ષસ. વિનોબાજીએ કહ્યું કે ત્યારથી નક્કી કર્યું કે, “મારી પાસે જે કંઈ  છે તેમાંથી  સમાજને અર્પણ કરવું..બસ, એમાંથી મને ભૂદાનનો પહેલો વિચાર આવ્યો.”

આચાર્ય રજનીશ તે ઓશો વહેલા જન્મ્યા એટલે આપણને ઓળખતા બહુ વાર લાગી. હજી ઘણા લોકોને ઓળખાણા નથી. પણ ખરેખર એમ કહેવાય કે,  ઓશો એટલે નિજાનંદમાં જીવનારો ભારતીય ઝેન ફકીર. ઈચ્છા થાય કે રોલ્સ રોય્સ ગાડીનો ખડકલો હોવો જોઈએ તો ખડકલો હોય, એમને ઈચ્છા થાય કે મારે કાંડે વિશ્વની મોંઘામાં મોંઘી બે ઘડીયાલ હોવી જોઈએ તો બે ઘડિયાળ હોય, અને એમને ઈચ્છા થાય કે આ ઘડિયાળનું કાંઈ નથી કરવું તો એ નાખીને ચાલતો પણ થઈ જઈ શકે.. કેવો વિચાર કે જે વિચાર આજે વર્ષો પછી, 1991માં તેઓની વિદાય પછી પણ એટલો જ પ્રભાવક છે. તેઓ પોતાની જાતને ધર્મગુરુ માનતા  ન હતા. કારણ એ પોતે જ બધાને રોબ  પહેરાવે અને માળા પહેરાવે ને પછી અચાનક કહે કે, કાલથી બધા રોબ  કાઢી નાખજો ને માળા કાઢી નાખજો !!!  પોતે પોતાનું નામ પાડે ને પોતે પોતાનું નામ ભૂંસી નાખે. ‘કાલથી હું આચાર્ય રજનીશ ની બદલે ઓશો કહેવાઈશ’ એમ તેઓ કહી દે ! તેમના આશ્રમ વિશે ઘણી બધી વાતો આવે  અને કોઈએ ફરિયાદ કરતાં-કરતાં કીધું કે, ઓશો, આ બધું શું ચાલે છે આશ્રમમાં? શું ચાલે છે આ બધું?” ઓશો એ જવાબ આપ્યો, “પણ એમાં  મારે શું ?”, તરત જ પેલા એ કહ્યું, ‘આ બધું તમારાં આશ્રમમાં ચાલે છે..ઓશોએ તરત  જવાબ આપ્યો, “તો પછી તમારે શું? જો મારો આશ્રમ હોય તો તમારે શું? અને જો કોઈકનો આશ્રમ હોય તો મારે શું?” ઓશો  જેવો  ચિંતક કે  વિચારક કે જેના પ્રભાવમાંથી આજે કોઈ મુક્ત રહી શક્યું નથી.

पंखी पानी पीनेसे घटे सरिता नीर,  धरम किये धन ना खुटे, सहाय करे रघुवीर. આ નાનકડી પંક્તિમાં મોટો બોધ આપણને આપનાર શ્રી  રણછોડદાસજી બાપા વારંવાર કહેતા : સેવા અને સ્મરણ કરવાના છે બે કામ, સેવા તો જનસેવા ને લેવું હરિનું નામ”. આ બે પંક્તિની અંદર બધાં ઝેન સૂત્રો આવી જાય કે નહીં ?.

 

 ….સરદારસાહેબની વિદાયના અમૃત વર્ષે સ્મરણોની અટારીએથી ….

 ….સરદારસાહેબની વિદાયના અમૃત વર્ષે સ્મરણોની અટારીએથી ….


કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે ગણાધી  સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.”..જવાહરલાલ નહેરુ 

                     વલ્લભભાઈ પરનો મહાદેવ દેસાઈનો પત્ર (01)

પંડિત મોતીલાલનો સ્વર્ગવાસ

આનંદભવન,

અલ્લાહાબાદ,

તા. ૬-૨-૧૯૩૧

પૂજ્ય વલ્લભભાઈ,

ડોસા (પંડિત મોતીલાલ નેહરુ; તા. ૬-૨-૧૯૩૧ને દિવસે લખનૌમાં અવસાન પામ્યા હતા.)

આખરે ગયા ………. છેલ્લે દિવસે બહુ શુદ્ધિ હતી. ખુબ વાતો કરી હતી એટલે ડોક્ટરને લાગ્યું કે તબિયત સુધરવા લાગી છે. એટલે લખનૌ લઈ જવાનો ઠરાવ કર્યો. બાપુની ઈચ્છા નોહતી પણ ડોક્ટરનો વિરોધ ન કર્યો.  લખનૌમાં જોયું કે ઈલાજ કરી શકાય એવી સ્થિતિ જ નથી. જો કે ત્યાં પણ છેલ્લે દિવસે સાવધાન તો બહું જ હતા. કેવી ચમત્કારની વાત છે કે આખરી રાત્રે ડોસાએ રામનામ લીધું અને ડોસીને ( પંડિત મોતીલાલનાં ધર્મપત્ની સ્વરૂપરાની નેહરુ)  કહ્યું કે ગાયત્રી જિંદગીભર ભૂલી ગયો હતો તે આજે યાદ આવી છે. આ કહ્યા પછી ચાર કલાકે ઊઠી ગયા. લોકમાન્ય અસહકારના આરંભને દિવસે ગયા. ડોસા સપ્રુ (સર તેજબહાદુર સપ્રુ; સુપ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી, બંધારણીય બાબતને લગતી વાતચીતો) સાથેની મહત્વની વાતચીતના આરંભને દિવસે ગયા. બાપુ કહે: “ભગવાન મારી કઠણ કસોટી કરી રહ્યા છે.” રાત્રે ગંગા કિનારે પ્રયાગમાં  હજારો  માણસો ની આગળ બાપુએ સુંદર ભાષણ આપ્યું, જે ટોળાં ઘોંઘાટ કરતાં હતાં તે બાપુ ઊઠવાની સાથે અપાર શાંતિ રાખીને બેઠાં.

જવાહરલાલની હિંમત અને ધીરજનાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. ડોસીને બાપુ સોડમાં લઈ બેઠા હતા. એમને આશ્વાસનની ખાતર થોડા દિવસ માટે બાપુની હાજરી જરૂરની હોય. હાલ તુરત બાપુને ઈરાદે ઓછામાં ઓછા ચારેક દિવસ અહીં રોકાવાનો  છે. ત્યાં સુધી જવાહરલાલ સ્વસ્થ થયા હશે. એટલે એમને પૂછશે કે કેંગ્રેસ કારેબારીની બેઠક ક્યાં રાખવી? તે પ્રમાણે રાખીશું.

સપ્રુ આજે દશ વાગે પહોંચે છે. પછી શું થાય તેની ખબર મને પડશે તે તમને જણાવીશ.

મહાદેવના પ્રણામ

[સરદાર વલ્લભભાઈ પટેલ]

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

વલ્લભભાઈ પરનો મહાદેવ દેસાઈનો પત્ર (02)

જવાહરના કાગળમાંથી

વર્ધા,

તા. ૬-૧૦-૧૯૩૫

પૂજ્ય વલ્લભભાઈ,

જવાહરલાલના સ્વિટ્ઝર્લૅન્ડથી કાગળો આવ્યા કરે છે. તેમાં ઘણુંખરું શ્રી કમલા નેહરુની બીમારી વિષે હોય છે. પણ એક કાગળ બહુ મહત્વનો આવ્યો છે. એગથા હેરિસને એમને વિલાયત જવાનું નોતરું આપેલું અને ત્યાં સંબંધો  વધારવા માટે આગ્રહ કરેલો. તેને એમણે સજજડ જવાબ વાળ્યો છે. કાગળ એમને અને મહાસભાને શેભાવે એેવો છે. એ અહીં આવીને જોશો. પણ એમનો થોડો ભાગ આપને માટે ટાંકું છું:

“રાજ્યકર્તાઓમાંથી હું કોને શું કહી શકું? હું કોઈના પ્રતિનિધિ તરીકે આવ્યો નથી અને હાલમાં બનેલી ઘટનાઓ સાથે મારો કશો સંપર્ક રહ્યો નથી. જેને ભારતનો પ્રતિનિધિ કહેવાય અને જેણે કોઈથી પણ વધારે ભારતની સેવા કરી છે અથવા તે કરવા સમર્થ છે એવો માણસ તો એકમાત્ર ગાંધી છે. કેટલીય બાબતોમાં હું એમની સાથે સંમત થાઉં, પરંતુ તે વાત તો અમારી બંને કે અમારા સાથીઓ વચ્ચેની કહેવાય. મારા પૂરતું કહું તો તેઓ વિશિષ્ટ અર્થમાં ભારત છે અને સાચે મારા દેશના તેઓ સર્વોપરી આગેવાન છે. ભારત શું ઈચ્છે છે વિષે કોઈ જાણવા આતુર હોય તે તેણે ગાંધી પાસે જવું જેઈએ. પરંતુ બ્રિટનની સરકારે તેમને જાણીબૂજીને અવમાનવાના કે અવગણવાના ચાળા કર્યા છે. તેમને કે ભારતને લાગેવળગે છે ત્યાં સુધી આ વાતની અમે દરકાર કરી નથી. તે છતાં અમારા વહાલા નેતા સાથે આવો વ્યવહાર ઘણાય ભૂલશે નહીં. કારણ કે એમનું અપમાન તેઓ ભારતના અપમાન સમું લેખે છે. પરંતુ જો  ગાંધીનું એવું અપમાન થતું હોય તો અમારી સાથે વાત કરવાનો પ્રશ્ન ઊઠી શકે નહીં. શું અમને એમનાથી ઉપરવટ થઈને આગળ ધપવું છે? કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે એમની સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.

આ બધું વાંચીને અહીંના કહેવાતા “સોસ્યાલિસ્ટો” તો સળગી ઊઠશે. પણ એમને આ કાગળથી ચોખ્ખું દેખાય છે કે,  એ અને આ કહેવાતા “સેશ્યાલિસ્ટો” વચ્ચે આસમાન જમીનનું અંતર છે. એ લોકોનું ભેગું ન ચાલી શકે.

તમારો   પ્રવાસ સફળ થયો  હશે એવી આશા છે. નવમીએ નીકળો  તે પહેલાં આ પહેોંચશે એવી આશા છે.

મહાદેવના  પ્રણામ

સરદાર વલ્લભભાઈ પટેલ, મુંબઈ

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

પુસ્તકનું શીર્ષક છે :: બાપુ, સરદાર અને મહાદેવભાઈ, જે પુસ્તકના કોપી રાઇટ્સ મણિબેન વલ્લભભાઈ પટેલના છે, તે 1977 માં નવજીવન પ્રેસ, અમદાવાદ માં છપાયેલું પુસ્તક લાંબા સમયથી વંચાતું રહ્યું. આ સમય મળ્યો તે જાણે  સૌભાગ્ય પ્રાપ્ત થયું. સરદાર જન્મશતાબ્દી ગ્રંથમાળાનું સંપાદન શ્રી ગ. મા. નાંદુરકરે કર્યું  છે. આ ચોથો ગ્રંથ છે. આ પુસ્તકમાં પહેલા ભાગમાં મહાદેવભાઈના સરદારશ્રીને લખેલા કુલ એકસો પચાસ પત્રો છે. ભાગ બીજામાં સરદારશ્રીએ મહાદેવભાઇને લખેલા અઠ્યાવીશ પત્રો છે. ભાગ ત્રીજામાં સરદારશ્રીએ પૂજ્ય બાપુને લખેલા ચોસઠ પત્રો છે અને ચોથા ભાગમાં બાપુના દેહોત્સર્ગ પછી લખાયેલા કુલ બાર પત્રો છે. આમ આ ચોથો ગ્રંથ બસો ચોપન પત્રોને  ત્રણસોને પાંસઠ પાનામાં સમાવી લે છે.

આ એક ઐતિહાસિક ગ્રંથ છે અને ઘણા સંશોધકોએ તેનું  ઊંડાણથી અભ્યાસ કાર્ય કર્યાનું મારી જાણમાં છે. પેઢીની બહુ મોટી દેણ છે કે તેઓનું દસ્તાવેજીકરણ અદભુત છે. તેઓ સૌએ અતિ નિખાલસતાથી પોતાના મનની વાતોને સુસ્પષ્ટ રીતે અન્યોન્યને  પત્રોમાં વ્યક્ત કરી છે. આજના રાજકીય માહોલમાં આ ગ્રંથ બહુ જ ઉપયોગી નીવડે તેમ છે, જો આપણે ઇતિહાસને મારી મચોડીને વ્યક્ત ન કરવો હોય તો.. ગાંધીજી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ વચ્ચેના સંબંધોને આ ગ્રંથમાંથી ચોખી રીતે તારવી શકાય છે.

અહીં તો કેવળ 1931 અને 1935 માં લખાયેલા બે પત્રો જ ઉદાહરણરૂપે જેમ છે તેમ ઉતારેલ છે. એકમાં નહેરુના પિતાના અવસાન સમયે બાપુની ભૂમિકા ઉડીને આંખે વળગે છે, તો બીજા પત્રમાં જવાહરલાલે વિલાયતના નોતરાંને કેવો જવાબ આપ્યો તે રસપ્રદ બની રહે છે. જવાહરલાલ નહેરુ પોતે ગાંધીજીને ભારત માટે શું ગણે છે તેનું નિખાલસતા ભરેલું સ્વરૂપ અહીં સ્પષ્ટ થાય છે. નેહરુના કેટલાક વાક્યો ફરી તારવીએ તો..

જેને ભારતનો પ્રતિનિધિ કહેવાય અને જેણે કોઈથી પણ વધારે ભારતની સેવા કરી છે અથવા તે કરવા સમર્થ છે એવો માણસ તો એકમાત્ર ગાંધી છે. કેટલીય બાબતોમાં હું એમની સાથે સંમત થાઉં, પરંતુ તે વાત તો અમારી બંને કે અમારા સાથીઓ વચ્ચેની કહેવાય. મારા પૂરતું કહું તો તેઓ વિશિષ્ટ અર્થમાં ભારત છે અને સાચે મારા દેશના તેઓ સર્વોપરી આગેવાન છે. ભારત શું ઈચ્છે છે વિષે કોઈ જાણવા આતુર હોય તે તેણે ગાંધી પાસે જવું જેઈએ.” 

અને 

અમારા વહાલા નેતા સાથે આવો વ્યવહાર ઘણાય ભૂલશે નહીં. કારણ કે એમનું અપમાન તેઓ ભારતના અપમાન સમું લેખે છે. પરંતુ જો  ગાંધીનું એવું અપમાન થતું હોય તો અમારી સાથે વાત કરવાનો પ્રશ્ન ઊઠી શકે નહીં. શું અમને એમનાથી ઉપરવટ થઈને આગળ ધપવું છે? કેટલાય તો શિખરના ટોચે પહોંચવાને બદલે એમની સાથે દફનમાં દટાઈ જવાનું પસંદ કરશે.

આ બે પત્રો અને તેમાંથી તારવેલા બે અવતરણો આપીને હું અટકી જવાનું પસંદ કરીશ, કારણ કે હાલ જે વિદ્યમાન નથી તેના વિષે જે ગ્રંથસ્થ  વાતો છે તેને એમ જ મૂકીને ખસી જવું તેમાં સારપ છે. સમજદારકો ઈશારા કાફી હૈ !! 

 

શ્રી રામકૃષ્ણદેવ માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે..

શ્રી રામકૃષ્ણદેવ માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે..

‘મહર્ષિ ક્યાં રહે છે?’  તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને  ધ મધર ગુરુ પાસે  પહોંચ્યા.

પ્રથમ તો  શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’ (Empathy).  એક બહુ જ મોટી  ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી  માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે,  “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.”  ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે,  “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે,  આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?”

સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ  પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ  સમાનુભૂતિ એટલે શું? આવો, શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ.  શ્રી રામકૃષ્ણદેવ એક  નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા  અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા  ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,,  ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું  કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે  દેવની  આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે  કે, નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ  દોરડા વીંઝતો હતો  અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel,  i also feel’.  જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ,  દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !!  જ્યાં પોલ સાર્ત્ર  નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે,  ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે,  તમે હિંસા શરુ કરી. 

મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું  કે,  ‘તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે,  અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે??’  મહાવીર સ્વામીએ કહ્યું કે,  ‘તમે યાદ રાખો છો કે, કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે,  હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું.’ આ સમાનુભૂતિ છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય  સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં  બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય ::વિધવાના આંસુ  લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી. સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા  વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”

ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother.  કોણ છે આ મધર? એક  ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી  મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં  તકલીફ પડી. થાકી હારીને શ્રી  મધરે એક માળીને પૂછ્યું કે,  ‘મહર્ષિ ક્યાં રહે છે?’  તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે  પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે,  “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને  એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!”  કોઈકે કહ્યું કે, એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું.શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું  કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે,  હું તો એટલું  યાદ રાખું છું કે,  “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે. શ્રી માતાજીને  કોઈકે પૂછ્યું  કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી  મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના  ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે,  હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં…  આ મારું  ધ્યાન છે.”

સમાનુભૂતિ તો શ્રી રામકૃષ્ણદેવ અને  મહાવીર સ્વામીની, ધ્યાનની એકાગ્રતા તો ધ મધરની…

 

‘વિજય’ની સદભાવના દ્વારા  બે ગંગા પૃથ્વી ઉપર ઉતરશે: વૃક્ષ ગંગા અને વૃદ્ધ ગંગા.

‘વિજય’ની સદભાવના દ્વારા બે ગંગા પૃથ્વી ઉપર ઉતરશે: વૃક્ષ ગંગા અને વૃદ્ધ ગંગા.

આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છેએટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે.”  

કહેવાય છે કે રાજા ભગીરથના પ્રયાસોથી ગંગા મૈયા ધરતી ઉપર ઉતર્યા અને તેને પ્રવાહમાંથી શાંત બનાવવાનું કામ ભગવાન શ્રી શંકરની જટાએ  કર્યું અને એટલા માટે એને ભાગીરથી ગંગા પણ કહેવાય છે.  જે શ્રેય ભગીરથજીને મળ્યું તેવું અને કદાચ તેનાથી બમણું શ્રેય  રાજકોટના વિજય ડોબરીયા નામના એક સહજ યુવાનની સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ ને ફાળે જાય છે.  કદાચ અતિશયોક્તિ લાગે તો પણ હું કહેવાનું પસંદ કરીશ કે,  વિજય અને સદભાવના દ્વારા  બે ગંગા ને પૃથ્વી ઉપર ઉતારવાની શરૂઆત થઇ ગઈ છે,  પહેલી છે  વૃક્ષ ગંગા અને બીજી છે  વૃદ્ધ ગંગા..!  કદાચ રાજકોટનો આ યુવાન ભારત વર્ષ માટે બે મૂંઝવતી  ભગીરથ સમસ્યાઓના સમાધાન માટે ખરેખર બે ગંગા ને ભારતની ધરતી ઉપર ઉતારવા માટે ભગીરથ બન્યો છે એમ કહેવામાં કોઇ જ નાનપ  અનુભવવાની જરૂર નથી.

એક સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું અને રાજકોટ તેની રાજધાની..  આજે ભૂગોળની દ્રષ્ટિએ રાજકોટ ગુજરાતનું એક સતત પ્રગતિ કરતું શહેર છે અને આ રાજકોટ ગુજરાતના ચાર મેટ્રો માહીનું  એક મેટ્રો નગર છે.  મેટ્રો નગર નો અર્થ માત્ર તેની ભૌગોલિક વ્યાપકતા અને વસ્તીને ધ્યાનમાં લઈને કરવો એ ખોટનો સોદો  છે.  રાજકોટ ખેતીમાં,  ઉદ્યોગમાં,  સંસ્કૃતિમાં,  સાહિત્યમાં અને સંત દાતારીમાં સમગ્ર ગુજરાતમાં નોખી ભાત પાડનાર એક રંગીલુ નગર રાજકોટ છે, માટે એમ કહેવાય છે કે,  તેમાં એક દિવસમાં બે દિવસ ઉગે છે કારણ કે રાજકોટવાસીઓ બપોરના એક દોઢ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ફરી ઊંઘવાનું પસંદ કરે છે અને ચાર વાગ્યાથી રાજકોટ વાસીઓનો બીજો દિવસ શરૂ થાય છે.  આમ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો,  એક દિવસમાં રાજકોટ બમણું થાય છે,  બમણું ખાય છે અને બમણું ખવડાવે અને બમણી મોજ મજા પણ કરે છે.

જયારે  રાષ્ટ્રને કે રાજ્યને કોઈ પ્રકારની મદદ કરવાની હોય ત્યારે આ શાંતિ પ્રિય નગર પરમ શાંતિથી પોતાના હજારો હાથ લંબાવે છે અને વિપત્તિ કાળમાં સહાયની સરવાણી ગંગા નદીની વિશાળતા થી વહેતી  કરે છે.  આ રાજકોટ છેલ્લા દસેક વર્ષથી એવા પ્રકારનો એક સંકલ્પ લઈ બેઠું છે કે,  11માં વર્ષે તો રાજકોટનું કણ કણ અને જણ જણ એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જાણે કે રાત દિવસ લાગી પડ્યા છે.  સમજી શકાય એવી વાત છે કે,  નિરાધાર,  નિઃસંતાન,  અસાધ્ય બીમારીમાં પડેલા વૃદ્ધોને કોણ સાચવે એવો રામ પ્રશ્ન છે.. આ પ્રશ્નનો જવાબ રાજકોટમાં શ્રી વિજય ડોબરીયા નામના એક યુવાને આજથી દસ વર્ષ પહેલાં શોધી કાઢીને સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરી અને તેમાં 600 થી વધુ નિરાધાર નિઃસંતાન અસાધ્ય બીમારી વાળા અને જેમની પાછળ વધતી ઉંમરમાં સેવા કરનારું કોઈ નથી એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ ઊભું થયું છે. વિજયભાઈએ  તેની 10 વર્ષમાં ત્રણથી ચાર જગ્યાએ મકાનો ભાડે રાખીને 600 થી વધુ વૃદ્ધોને પોતાને આંગણે આધાર આપ્યો છે.  આ 600 વૃદ્ધોમાંથી લગભગ  200 પથારીવશ  છે,  ડાયપરવશ  છે અને કોઈકના ટેકાવશ  છે.  આ બધું જ કામ સદભાવના વૃદ્ધાશ્રમની પરિશ્રમનો પરસેવો પાડતી ટીમ માટે હવે સહજ થઈ ગયું છે.

વૃદ્ધાશ્રમ ચલાવવું એમાં કસોટી તો છે પણ તેમ છતાં ઈશ્વરે જેનું કોઈ રાખ્યું નથી તેવા વૃદ્ધો માટે એક પણ પૈસો લીધા વગર કરુણાભરી સેવા કરવાનો વિચાર પોતે જ ભગીરથ વિચાર છે.  એમાં પણ એવું નક્કી થયું કે ભારત વર્ષ માંથી આવા વૃદ્ધો આપણે આંગણે આવે તો આપણે કોઈને ના ન પાડવી પડે તેથી અંદાજે 5,000 વૃદ્ધો  રહી શકે તેવું 1,400 રૂમ વાળું અને આને માટે આનુસંગિક બધી જ સેવાઓ કરી શકાય તેવી સગવડતા વાળુ ભવ્ય સદભાવના વૃદ્ધાશ્રમ નું નિર્માણ કરવું.  આ સંકલ્પ લઈને વિજયભાઈ ડોબરીયા જેવો યુવાન રાજકોટની ધરતી ઉપર એટલે મક્કમતાથી ચાલી રહ્યો છે કે,  આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર ગુજરાત નહીં કદાચ ભારત પણ નહીં વિશ્વજન અવશ્ય નોંધ લેશે કે તેવું વૃદ્ધાશ્રમ રાજકોટમાં બનશે,  જે 30 એકર જમીનમાં 300 કરોડના ખર્ચે સમાજના લોકોના દાનથી ઊભું થઈ રહ્યું છે અને તેમાં પોતાના સત્ય, પ્રેમ અને કરુણાને સાથે જોડવા ત્રિભુવનીય  રામકથાના ગાયક સંતવર્ય  શ્રી મોરારીબાપુએ એક રામ કથા ‘માનસ સદભાવના’  રાજકોટની ધરતી ઉપર ગાવા માટે સંકલ્પ કર્યો અને તે સંકલ્પ એકદમ ઉત્સાહ પૂર્વક ભવ્ય રીતે લોકોના ઉછળતા હૃદય સાથે અને દાનની વહેતી ગંગા સાથે પૂર્ણ થયો.  અંદાજે બસો  કરોડ જેવું દાન સદભાવના વૃદ્ધાશ્રમને પ્રાપ્ત થઈ ગયું છે અને હજુ વધુ દાન માટેની પોતાની મનોકામના દાતાઓ વ્યક્ત કરી રહ્યા છે.

વૃદ્ધાશ્રમમાં  વૃદ્ધો પછી બીજું ઉત્તમ કાર્ય સદભાવના હાથમાં લઈને સતત પ્રગતિ કરી રહ્યું છે અને તે કાર્ય છે ધરતીના પટ ઉપર લીલી છમ ચાદર ઓઢાડવા માટે વૃક્ષોનું રોપણ કરવું,  તેને પાણીનું સિંચન કરવું અને ત્રણ વર્ષની અંદર 20 ફૂટ જેટલા વૃક્ષો ઉગાડી આપવાનો સંકલ્પ વિજય ડોબરીયાએ કર્યો છે.  આ જુવાન નો ઉત્સાહ  જોતા એમ લાગે છે કે,  તેમણે સમગ્ર ભારત વર્ષમાં 150 કરોડ વૃક્ષો આ રીતે મોટા કરી આપવાનો જે સંકલ્પ કર્યો છે તેને પાર ઉતરતા પણ ખાસ્સો સમય નહીં લાગે.  વિજયભાઈ તો ઈચ્છે છે કે,  આકાશમાંથી જ્યારે કોઈ પ્લેન નીકળે ત્યારે નીચે જ્યાં લીલી ચાદર ઓઢાડેલો પ્રદેશ દેખાય તે આપણું ભારત છે,  એટલી લીલોતરી આ ધરતી ઉપર આપણે ઉગાડવી છે. આપણે વિચાર કરીએ કે કેટલો મોટો વિચાર છે,  કેવો ભગીરથ વિચાર છે,  આવો વિચાર આ જુવાનને આવ્યો ક્યાંથી?

એવું લાગે છે કે, જ્યાં આપણી  વિચારવાની શક્તિ પૂરી થાય છે ત્યાંથી વિજય ડોબરિયાના બે સંકલ્પો શરૂ થયા છે.  આપણે આપણા ઘરમાં આપણા સગા મા-બાપને પથારીવશ થાય ત્યારે તેમના ડાયપર બદલવા,  તેમને સ્નાન કરાવવા કેર ટેકર રાખતા હોઈએ છીએ,  આપણી પાસે સમય નથી અને કાં  એટલી આપણી તૈયારી નથી. કારણ ગમે તે હોય પણ આપણી સગી  મા માટે પણ માણસ રાખીએ છીએ કે  જે એને બેસાડે,  એને નવરાવે,  જેના ડાયપર બદલી આપે,  જે એને ચમચી ભરીને મોઢામાં આપે. આ બધું આપણે આપણા માવતર માટે જ નથી કરી શકતા તે સદભાવના વૃદ્ધાશ્રમ અન્ય ના માવતરો માટે કરવાની ટહેલ  નાખ્યા કરે છે.  ગુજરાતના બધા શહેરોમાં વીજળીના થાંભલા ઉપર સદભાવનાના નામથી બોર્ડ લટકે છે અને એમાં લખ્યું છે કે,  ‘અમારે માવતર જોઈએ છે’,  હું અને તમે કલ્પના ન કરી શકીએ એવો આ વિચાર છે પણ દસ વર્ષથી આ બંને સંકલ્પોને પાળી પોષીને  તરુણાવસ્થા સુધી પહોંચાડનાર વિજય ડોબરિયાને  પાકો ભરોસો છે કે, આપણે બંને ભાગીરથી ગંગાને ધરતી ઉપર ઉતારીશું.

સદભાવના વૃદ્ધાશ્રમનાનવા ભવન માં લગભગ 700 વૃદ્ધો  માટેની વ્યવસ્થા સાથેનો 11 માળનો એક ટાવર ઉભો થઈ ચૂક્યો છે અને એ ટાવરમાં અતિ આધુનિક ગણી શકાય તેવી સુવિધાઓ છે.  હવા અને ઉજાસ સતત આ વૃદ્ધોને મળતા રહે તેની કાળજી સાથેનું રાજકોટ અને ગુજરાતના વિશ્વકક્ષાએ નામ ધરાવતા સ્થપતિ  શ્રી કિશોરભાઈ ત્રિવેદીએ કર્યું છે.  કિશોરભાઈ આ પ્રકારના યુનિક ભવનો બનાવવા માટે નામાંકિત છે.  આ સદભાવના વૃદ્ધાશ્રમના નવા ભવનનું બાંધકામ રાજકોટ,  સૌરાષ્ટ્ર,  ગુજરાત અને ભારતના  એક સમર્થ કોન્ટ્રાક્ટર માલાણી કન્સ્ટ્રક્શન દ્વારા થઈ રહ્યું છે. વળી આ બધા માટે  ચિંતન અને મનન કરવા માટેની  એક સક્ષમ ટીમ વિજય ડોબરીયા પાસે છે અને એમનો સ્વભાવ એટલો સારો છે કે,  સાચા કામ માટે તે  સાચી વ્યક્તિને શોધી  શકે છે અને પછી તેના ઉપર પૂર્ણપણે વિશ્વાસ મૂકે છે.  રાજકોટમાં પૂર્ણ થવા જઈ રહેલી શ્રી રામ કથા એમનું સાદર ઉદાહરણ છે.  જે માણસના સંકલ્પો ઉપર આવી વિશાળકાય  કથા થતી હોય તે માણસને ઉદ્વેગ ન હોય, ઉત્પાત ન  હોય એવું તો ભાગ્ય જ બને છ..

નવા ભવન ના એક ટાવર ની અંદર નિરાંતે પૂરો સમય આપીને સ્વૈરવિહાર કર્યા પછી અને એટલું કહેવામાં અતિ ગૌરવ છે કે,  આ ભવનમાં જે વૃદ્ધો આવીને વસસે તેઓ  વૃદ્ધાશ્રમમાં નહીં હોય,  પણ એક ફાઈવ સ્ટાર કક્ષાની હોટેલ જેટલી સુંદર અને આધુનિક સુવિધાઓની વચ્ચે પોતાનું બાકીનું જીવન વિતાવશે.  ઝીણી ઝીણી બાબતો અને નાની નાની કાળજી ચિંતા ઉપજાવે તેવા પ્રશ્નોને અગાઉથી વિચારીને  તેને પૂર્ણ કરવાની માવજત અને કોઈ વૃદ્ધ આપણે આંગણે આવ્યો છે તોય આપણું માવતર છે અને એને શું શું જોઈશે એ  ખૂબ લાંબુ વિચાર્યા પછી આખું આયોજન થઈ રહ્યું છે.  તેમાં ભોજનાલય,  બધા જ પ્રકારના મેડિકલ ટેસ્ટ થઈ શકે તેવી હોસ્પિટલ,  રીક્રીએશન માટે પણ સુંદર મજાના વિચારોથી ભરપૂર બહુ પરિમાણીય સંકુલ પણ અહીં છે. હાલ બે થી ત્રણ મકાનો ભાડે અને એક મકાન દાતાશ્રી તરફથી બક્ષીશમાં મળેલું છે, એમાં જે વૃદ્ધો અગવડતા વચ્ચે રહી ગયા છે,  ત્યારે ખરેખર સદભાવના વૃદ્ધાશ્રમના જામનગર રોડ વાળા રામપર ગામમાં ઉભા થઇ રહેલા ભવનમાં જાણે નવી જિંદગીઓનો વિહાર એપ્રિલ 2025થી શરૂ થશે, ત્યારે રાજકોટના કપાળમાં એક કાયમી યશ કલગીનું તિલક થશે.

‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’

‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’

 

 

 

બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે.!!! 

રાજકોટને આંગણે બાર વર્ષ પછી શ્રી રામકથા થઇ રહી છે ત્યારે જિજ્ઞાસાવશ ઘણા ભાવકો પ્રશ્નો પુછાતા હોય છે. પ્રિય બાપુનો અનુગ્રહ છે કે તેઓએ આપણને પોતાની કરુણા સાથે સાંકળ્યા છે એટલે પૂછનારની પણ અપેક્ષાઓ હોય તે સમજી શકાય. સદભાવના સંસ્થા જે રીતે કથા યોજે છે તે તો બરાબર છે પણ બાપુ કેટલીક કથાઓ કોઈ ઉદેશ્યને લાભાર્થે કરતા હોય છે. ઉદાહરણ તરીકે, ગત વર્ષાન્તે બાપુએ લોકભારતી સણોસરા ખાતે જે કથા કરી તે એવી કથા હતી કે જેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડી લેનાર કોઈ યજમાન હતા. હવે તે તો અમેરિકા નિવાસી હતા. એમ જ આદિતીર્થવાસીઓ માટે બાપુએ કરુણા સાથે કથા ખાંડા ખાતે યોજવાનો સંકલ્પ કર્યો તે કથાનું ખર્ચ પણ અમેરિકાવાસી યજમાને માંગ્યું  હતું.

પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય  અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં  તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે.

જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં  ગણિકા માટેની  કથા,  કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની  કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા,  લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો  યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો પચાસ  હજાર  લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત  એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ  દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે, એવો અંદાજ છે.

પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે પચાસ હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ  બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં  આવે છે. જેમાં યથાર્થ સાબિત થાય  એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે.

બાપુ રોજ યજ્ઞ કરે છે, બાપુને હિંડોળો પ્રિય છે, બાપુને ઉતારે પણ એને મળવા બહુ મોટો ધસારો હોય છે, બાપૂ જ્યારે મળવાનું નક્કી કરે ત્યારે જે કોઈ મળવા આવે એના માટે ચા-નાસ્તાની બાપુ સલાહ કરે છે. આ બધી જ નાનામાં નાની વાતોને કથાના આયોજકો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે.

બાપુ પોતે ઘણીવાર કહે છે કે,મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય. કેટલું બધું કરવું પડતું હોય છે એવું બાપુ  વારંવાર કહે છે. એ કહે  ત્યારે આપણને વિચાર ન આવે કે,  આ બાપુ શું કહે છે, એટલે અંદાજ પ્રાપ્ત થાય તે માટે થઈને આ બધું  વર્ણન કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો ત્યાં આવે છે કે, બાપુએ જે પરિવારને લોક્ભારતીની કથાના અને ખાંડા ની કથાના યજમાન તરીકેની  જવાબદારી જેમના શિરે મૂકી તેમણે જે તે કથા પૂર્ણ થાય તે પહેલા બીજી કથા બાપુ ક્યારે આપો છો, એવું પૂછીને વિનંતી કરી !! એક ત્રીજા પુરુષ એક વચન તરીકે હું આ વિગત જાણું છું ત્યારે મને ચોક્કસ લાગે છે કે, બાપુને જેવા યજમાન કે મનોરથી મળે છે તેવા અન્ય કથાકારોને ભાગ્યે  જ મળતા  હશે. 

કથાના આયોજનની આટલી વિગ તો કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે,  આયોજન કરનાર કે મનોરથ વ્યક્ત કરનાર એ સૌને એક વાતનો ભરોસો હોય છે કે, બાપુની કોઈપણ વાતને આપણે જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.

કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું નાટક: ‘કોશેટો’

કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું નાટક: ‘કોશેટો’

આપણાકવિવર શ્રી રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે…..

કોરોના કરતા પણ કોઈ રોગ વધુ દર્દનાક અને જીવલેણ હોય તો તે છે કેન્સર !! વર્ષ 2022માં ભારતમાં કેન્સરના  દર્દીઓની સંખ્યા ચૌદ લાખ, એકસઠ  હઝાર ચારસોને સત્યાવીશ હતી , જેમાં સાત લાખ ઓગણપચાસ હઝાર બસો  એકાવન કેવળ સ્ત્રીઓ હતી !! અરે, 2025માં આ સંખ્યા વધીને પંદર લાખ સિતેર હઝાર થવાની સંભાવના છે. !!

આપણે કેન્સરના દર્દીને મીઠાં વચનો કહીએ, ‘કેન્સર એ કેન્સલ નથી’, તેવી હકારાત્મક વાતો કરીએ પણ વાસ્તવમાં કેન્સરના દર્દીઓ દસ ઘરમાંથી ચાર થી પાંચ ઘરમાં છે, તે હકીકત સ્વીકારવી પડે તેમ છે. તબીબી વિજ્ઞાન અનેક મથામણો કરી રહેલ છે, પરંતુ દિવસનો સુરજ આથમે ત્યારે પ્રત્યેક દર્દીને પોતાનો સુરજ આથમતો દેખાય છે,  એ મનોવ્યથાને કેમ અવગણી શકાય ?? ‘મને કેન્સર છે’, એવું જાણવાથી જ મને આજે નહિ તો કાલે દુઃખદ ટ્રીટમેન્ટનો રાજમાર્ગ દેખાવા લાગે છે અને સતત એક ભયની તલવાર લટકતી હોય છે કે, પ્રયાસ કરીએ પણ અંત તો આ કેન્સર લાવશે.!!

બહુ બધી શોધો થઇ રહી છે, કીમો થેરાપી હવે થોડીક સહ્ય બની છે, પણ સર્જરી-કીમો થેરાપી-એડવાન્સ્ડ થેરાપી-રેડિએશન- એમ એક પછી એક સારવારનો હુમલો તમારા પર તબીબી જગત કરે છે અને તમે તેના મૂક પ્રેક્ષક બની રહો છો..!! મધ્યમ વર્ગના માણસની જિંદગીભરની કમાણી  ધોવાય જાય એટલી મોંઘીદાટ સારવાર ભલભલાના હાંજા ગગડાવી નાખે છે. અરે, સમજદાર વ્યક્તિ તો આ દવાખાનાના વાતાવરણને જોઈને જ હારી  જાય છે.  અને એમાંય કોઈ ભણેલ ગણેલ સંગીત કે સાહિત્ય કે સંસ્કૃતિનો ચાહક કેન્સરના ખાટલે પડે પછી તો તેની દશા અસહ્ય બની જાય છે, અન્ય માટે જ નહિ પણ ખુદને માટે પણ…બસ, આ દશાને તાદ્રશ્ય કરતું  નાટક તે ‘કોશેટો’.

રાજકોટમાં ચાલીશ ટકા ખાલી બેઠકો વચ્ચે ભજવાયું નાટક ‘કોશેટો’. પ્રિતેશ સોઢા દિગ્દર્શિત અને લેખક મંથન જોશીનું અદ્ભુત ગુજરાતી નાટક `કોશેટો` હેમુ ગઢવી થિયેટરમાં ભજવાયું. આવા સંવેદના થી સભર વિષય પર કોઈ નાટક બનાવવાનું  વિચારે તે જ હું વિચારી નથી શકતો. કવિતા અને કેન્સર વચ્ચેની મધુર ક્ષણોને જીવંત કરતું આ નાટક જીવનની છેલ્લી ઘડીને મહેંકાવવાની મથામણ કરે છે. ખાસ તો રમેશ પારેખની અદભૂત કવિતાઓ જે નાટકના શ્વાસમાં વણાયેલી છે તેવા આ નાટકને અભિનેતા દર્શન જરીવાલા અને સેજલ પોન્દા તેમ જ અન્ય કલાકારોનાં આગવા અભિનય સાથે ઉપસ્થિત પ્રેક્ષકોએ માણ્યું અને મનભરીને ઝીલ્યું.

કોઇ એક વ્યક્તિને કેન્સર ડીટેકટ થાય ત્યારથી લઈને એ વ્યક્તિ પોતાને કેન્સર છે એ સિવાયનું બધુ જ ભૂલી જાય પણ એને યાદ રહે, ફક્ત રમેશ પારેખની કવિતાઓ.! નાટકની શરૂઆતથી અંત સુધી જેમણે  રમેશ પારેખ તરીકે મંચ પર જોવા અને સાંભળવા ગમે એવું કાસ્ટીંગ એટલે અત્યંત અનુભવી છતાં ખૂબ સરળ અભિનેતા એવા દર્શન જરીવાલા. પ્રોફેસર પરિમીતી શાસ્ત્રીનું મુખ્ય પાત્ર ભજવતા અભિનેત્રી સેજલ પોંદા પોતાના અભિનયથી પોતાની અને પ્રેક્ષકની આંખોમાં આંસુ અને હ્રદયમાં ભીનાશ મૂકી જાય છે.

રમેશ પારેખ કેવી હસ્તી હશે કે જેની કવિતાઓ કોઈ દર્દીને સધિયારો આપવામાં ઉપયોગ થઇ શકે તે આ નાટકમાં ફળીભૂત થયું. પ્રિય મોરારીબાપુ તો ર.પા.નેકશુંક ભાળી ગયેલો કવિકહેતા. બાપુનું આ કથન શબ્દે શબ્દે અને દ્રષ્યે દ્રષ્યે અનુભવાયું ‘કોશેટો’ નાટકમાં !! ઓપરેશન થિયેટર ના લીલા પડદા પર ર. પા. ના શબ્દો વંચાય અને પડદો ખુલે….

બંધ હોઠમાં સોળ  વરસની કન્યા આળસ મરડે રે, વરસાદ ભીંજવે,

લીલ્લો ધમ્મર નાગ જીવ ને અનરાધાર કરડે  રે, વરસાદ ભીંજવે !!

ગુજરાતી હો અને ગુજરાતી સાહિત્ય સાથે ટીપાં જેટલો નાતો હોય તો આપણને રમેશની કવિતા અચૂક ભીંજવે.  રમેશ પારેખની કવિતાના  શબ્દો દર્શન જરીવાલા કે જેને   છેલ્લે તો કેન્સરની  દર્દી પ્રા. ડો. પરિમિતા શાસ્ત્રીમાં પોતાની કાવ્યરાણી  ‘સોનલ’ દેખાય, ત્યારે હલી જવાય  !! કવિતાના શબ્દો  અને જીવાતું પાત્ર એકમેકમાં ભળી જાય ત્યારે સર્જાય એક એવું આકાશ કે, જેમાં કેન્સરના વિષાણુઓનું નૃત્ય દેખાય !!

કવિતાપ્રેમી  અધ્યાપક પરિમિતા શાસ્ત્રી કેન્સરની પેશન્ટ બને ત્યારે રમેશ પારેખની કવિતાઓ  તેને સતત લડી લેવાના મૂડમાં રાખે છે,,પણ જીવનને  અંતિમ વાસ્તવિકતાથી સહેજ પણ દૂર ખસેડી શકાતું  નથી. અને એ જ સત્ય  છે. મન પાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને કોઈ રાત લઈને આવ્યા છે..આ સર્જનની ફિલસુફી તો કવિ અને કવિની સોનલ  જ  સમજી શકે. અનેક ટ્રિટ્મેન્ટ  અને અનેક ટ્રીટમેન્ટના નામે અખતરાઓથી કંટાળી જનાર દર્દીને જાણે  કંટાળી જવા તબીબી જગત પ્રેરતું હોય તે વાસ્તવિકતાને રંગમંચ પર બહુ જ સૂક્ષ્મતાથી પ્રસ્તુત કરવામાં આવેલ છે. ડોક્ટરને મન તો પરિમિતા એના રિસર્ચનું એક પાત્ર છે અને કવિને મન જીવનનું એક જીવંત સર્જન. બંને વચ્ચેની વણકથી લડાઈ દર્દીને હંફાવી મૂકે છે ત્યારે રમેશ પારેખ પોતાની કવિતા એક અદભુત કંઠથી  બોલે છે…

આ થાશે, તે થાશે, શું થાશે ?

થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.

આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે

એ જ ક્ષણે કોઈ ચીજ, કોઈ વાત, કોઈનો સંબંધ નહીં આપણને બાંધે

જેટલું હયાતી વિશે સોચશોને તમે, મોત એટલું જ તમને સમજાશે…

થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે…

કવિશ્રી રમેશ પારેખની લગભગ દસ કવિતાઓનો સહારો લઇ જન્મ-જીવન-વેદના અને વિદાયની કેડી સર્જતું નાટક ‘કોશેટો’ દર્શકોને આંગળી  પકડીને વાસ્તવિકતાની કેડી પર દોરી જાય છે. તખ્તાનાં માહિર બે પાત્રો દર્શન જરીવાલા અને સેંજલ  પોનદા કોશેટોને તોડી બતાવવામાં સફળ રહે છે અને નાટકને મૌનના સાનિધ્યમાં મૂકી આપે છે. કોશેટો બહુ પોતીકું લાગ્યું કારણ કે, સભાખંડની આગલી હરોળમાં જ કવિ રમેશ પારેખના ધર્મપત્ની રસીલા પારેખ અને દીકરો નીરજ પારેખ ઉપસ્થિત હતાં. બોલો, આ ભાવાવરણમાં રમેશના ભણકારા જ વાગે ને !?!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે !!”

“મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે !!”

સમાનુભૂતિ તો શ્રી રામકૃષ્ણદેવ અને  મહાવીર સ્વામીની, ધ્યાનની એકાગ્રતા તો ધ મધરની

ભારત વર્ષ માટે સંવત 2081 નો આરંભ થઇ રહ્યો છે ત્યારે પરમ પિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે, સમગ્ર વિશ્વ શાંતિ માર્ગે વળે અને સર્વે જીવોનું કલ્યાણ થાય.

નવલ વર્ષનો પ્રથમ લેખ આપણને  ભારત વર્ષના બુદ્ધ પુરુષો તરફ ખેંચી જાય છે. પ્રથમ પ્રભાત તો બુદ્ધ પુરુષના સાનિધ્યમાં જ વિતાવીએ ને !!

પ્રથમ તો  શ્રી રામકૃષ્ણ પરમહંસ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે જોડાયેલા બે શબ્દો ‘સહાનુભૂતિ’ (Sympathy) અને ‘સમાનુભૂતિ’ (Empathy).  એક બહુ જ મોટી  ઝેન પ્રતિભા કે જેણે પોતે કાલી  માતાજીની મૂર્તિ સામે ઊભા રહીને એમ કહ્યું કે,  “આ બધું મને ફાવતું નથી. તારા પૂજા અર્ચન રોજ કર્યા કરવા એ મને બહુ ફાવતું નથી.”  ‘મારા ગુરુદેવ’ નામના પુસ્તકમાં સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે,  “પોતે માથું પછાડીને કાલીની મૂર્તિ પાસે રડ્યા છે કે,  આવું કેટલી વખત મારી પાસે કરાવીશ તું? આમાંથી કાંઈ નિચોડ બહાર આવશે કે મારે આ જ કરવાનું છે?”

સહાનુભૂતિ તો સરળ છે. મને તમારા પ્રત્યે લાગણી છે એમ કહીએ એટલે સહાનુભૂતિ દર્શાવી ગણાય.. કોઈકને ઘરે ખરાબ  પ્રસંગ બન્યો ને આપણે હાજરી પુરાવીએ તે સહાનુભૂતિ, પણ  સમાનુભૂતિ એટલે શું? આવો, શ્રી રામકૃષ્ણ દેવના જીવનની એક ઘટના જાણીએ.  શ્રી રામકૃષ્ણદેવ એક  નદીમાંથી હોડીમાં બેસી પસાર થતા હતા  અને હલેસા મારીને એના શિષ્યો લઈ આવતા હતા  ને અચાનક રામકૃષ્ણદેવ રાડો નાખવા લાગ્યા,,  ‘મને બચાવો… મને બચાવો… મને બચાવો’ અને લોકોને એમ થયું  કે, શું થયું છે? ગુરુદેવને શું થયું? કોઈ કળી ન શકે તેવી રીતે  દેવની  આંખમાંથી પાણી ચાલ્યા જાય, એમના પીઠ ઉપરથી લોહી નીકળતું હોય, બધાને આશ્ચર્ય થાય કે, થયું શું? એટલે બધા ગભરાઈને એક કિનારા ઉપર જ્યારે નાવને લઈ જાય છે ત્યારે જુએ છે  કે, નાવ પાસે એક ખલાસી ઉપર એનો મુકાદમ  દોરડા વીંઝતો હતો  અને ખલાસી તરફડતો હતો. એના વાંસામાં જેવી લોહીની ભરોળ ઉઠી છે, એવી જ ભરોળ શ્રી રામકૃષ્ણ પરમહંસના વાંસામાં પણ જોવા મળે છે !! . સ્વામી વિવેકાનંદે લખ્યું છે કે આ છે ‘સમાનુભૂતિ’, ‘What you feel,  i also feel’.  જ્યાં હું અને તમે અલગ થઇ જઈએ છીએ અને જે અનુભૂતિ ચાલે છે એ સહાનુભૂતિ. પણ જ્યાં હું અને તમે બંને ભેગા જ છીએ,  દ્વૈત નથી, ત્યાં સમાનુભૂતિ છે !!  જ્યાં પોલ સાર્ત્ર  નામનો અસ્તિત્વવાદી એમ કહે છે, ‘The other is hell’ તમે એમ કહ્યું કે,  ‘બીજો’, એટલે તમારી હિંસા શરૂ થઈ. કારણ કે તમે એને ‘બીજો’ ગણ્યો એટલે તમે એને તમારાથી નોખો ગણ્યો અને નોખો ગણ્યો એનો અર્થ જ એવો કે,  તમે હિંસા શરુ કરી. 

મહાવીર સ્વામીને કોઈકે પૂછ્યું  કે,  ‘તમે ચાલો ને અમે ચાલીએ તેમાં ફેર શો ? અમે બહુ કાળજી રાખીએ છીએ કે,  અમારા પગ નીચે કોઈ જીવ ન કચરાય, પણ આપ તો સહજ રીતે ચાલો છો અને છતાં ખરેખર કોઈ કચડાતું નથી. અને અમારાથી કાળજી રાખ્યા છતાં ય આવું કેમ થઈ જાય છે??’  મહાવીર સ્વામીએ કહ્યું કે,  ‘તમે યાદ રાખો છો કે, કોઈ જીવ પગ નીચે ન કચડાય. હું યાદ રાખું છું કે,  હું પોતે મારા પગ નીચે ન કચડ઼ાઉ. એ નાનકડા જીવમાં હું મારી જાતને જોઉં છું.’ આ સમાનુભૂતિ છે.

શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય  સ્વામી શ્રી વિવેકાનંદ. વિશ્વનાં બધા જ ધર્મોને એક સૂત્રમાં  બાંધી દેવા હોય તો એ સ્વામી વિવેકાનંદના એક વાક્યમાં બાંધી શકાય ::વિધવાના આંસુ  લૂછી ન શકે અને ભૂખ્યા જનોનું પેટ ન ભરી શકે એવા ધર્મને હું ધર્મ કહેવા માટે તૈયાર નથી. સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું, “તમારે અત્યારે ગીતા  વાંચવાની જરૂર નથી, ઉભા થાઓ અને ફૂટબોલ રમવા જાઓ. ફૂટબોલ નું ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે. Go and play there, that is your right religion at this time.”

ભારતીય ઝેન પરંપરાની વાત કરવી હોય તો તે છેક નરસિંહ મહેતાથી શરુ થાય. ભારત આવેલ કોઈપણ વિદેશી એક વખત પોન્ડિચેરીની મુલાકાત લે અને એક નામ ગુંજતું સાંભળે અને તે The Mother.  કોણ છે આ મધર? એક  ફ્રેંચ લેડી જેમણે મહર્ષિ અરવિંદને મળ્યા પછી કાયમ માટે ફ્રાન્સ છોડી દીધું !! અને અહીં આવ્યા પછી પોન્ડિચેરીની બહાર તેણે ચાલીસ-ચાલીસ વર્ષ સુધી પગ ન મુક્યો. શ્રી  મધર પહેલી વખત શ્રી અરવિંદને મળવા આવ્યાં ત્યારે શ્રી અરવિંદનું નિવાસસ્થાન શોધવામાં  તકલીફ પડી. થાકી હારીને શ્રી  મધરે એક માળીને પૂછ્યું કે,  ‘મહર્ષિ ક્યાં રહે છે?’  તે માળી કશું સમજ્યો નહિ પણ એણે આંગળી ચીંધી અને તેઓ ગુરુ પાસે  પહોંચ્યા . શ્રી મધરનું બુદ્ધત્વ જોઈએ તો, તે દિવસની ઘડીથી એ માળી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક મહિને છાના હાથો દ્વારા ધ મધરે એ માળીને એનું પોષણ મળતું રહે એવી વ્યવસ્થા ગોઠવી અને જ્યારે જ્યારે દર્શન ડે હોય ત્યારે બધી જ લાઈનને તોડીને એ માળી જેવો અલગારી માણસ બહાર આવે અને એને બધી જ લાઇનમાંથી આગળ લઈ જવામાં આવે અને તેને દર્શનનો પ્રથમ લાભ મળે !! કોઈકે પૂછ્યું કે,  “આ કોણ છે આવો નકામો? (ઘણી વખત આપણે આઉટર સેલ્ફ ઉપરથી માણસનું ઈવેલ્યુએશન કરી લેતા હોઈએ છીએ અને  એમાં બહુ ભૂલ ખાઈ જઈએ છીએ.) કોણ છે આ? અમે અડધી રાતથી લાઈનમાં ઉભા છીએ, અને આ માણસને આવો આવકાર મળે છે !?!”  કોઈકે કહ્યું કે, એ પહેલો માણસ છે જેણે ધ મધરને મહર્ષિનું નિવાસસ્થાન બતાવ્યું.શ્રી માતાજીને કોઈએ પૂછ્યું કે, આવું  કેમ ? શ્રી માતાજીએ કહ્યું કે,  હું તો એટલું  યાદ રાખું છું કે,  “મારા ગુરુના ઘર તરફ આંગળી એણે મને ચીંધી છે. શ્રી માતાજીને  કોઈકે પૂછ્યું  કે, “ધ્યાન ની વ્યાખ્યા શું?” શ્રી  મધરે સરસ જવાબ આપ્યો, “એક ગરીબ માણસના  ઘરનો રૂમ સાફ કરવાનું મને કહેવામાં આવે તો હું એટલી કાળજીથી રૂમ સાફ કરવાનું પસંદ કરું કે,  હું કોઈ મોટી હોસ્પિટલનું એક ઓપરેશન થિયેટર સાફ કરી રહી હોઉં…  આ મારું  ધ્યાન છે.”

આજથી સમાનુભૂતિ અને ધ્યાન સહજતાથી પામીએ તેવી શુભકામના.

ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠ પહોંચી હઝારો ગામડાઓમાં !!

ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠ પહોંચી હઝારો ગામડાઓમાં !!

 ‘ગાંધી ગ્રામજીવન પદયાત્રાએટલે… વિદ્યાપીઠના અધ્યાપકો+સેવકો+છાત્ર છાત્રાઓ:: 1843 પદયાત્રીઓની  151 ટુકડીઓરાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓ !!!

મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થપાયેલ રાષ્ટ્રીય શાળા તે અમદાવાદ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠ. ખુદ ગાંધીજી ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદ પર જીવનના અંતિમ દિન સુધી એટલે કે સત્યાવીશ વર્ષ રહ્યા. ત્યારબાદ સરદાર પટેલ પોણા  ત્રણ વર્ષ અને ડો. રાજેન્દ્રપ્રસાદજી પોણા  બાર વર્ષ ચાન્સેલર રહ્યા…એ વિદ્યાપીઠ પોતાની સ્થાપનાના એકસો પાંચમા વર્ષમાં પ્રવેશી છે ત્યારે ફરી એકવાર વિદ્યાપીઠે સર્વાંગ રૂપે નવા અને રચનાત્મક કલેવર ધારણ કરી રહેલ  છે, તેનો આનંદ સૌએ લેવા જેવો છે.

જેમ માણસને ઉમર લાગે તેમ સંસ્થાને પણ વૃદ્ધાવસ્થા આવતી હોય છે અને સંસ્થા પોતાના ભારથી જ બંધ થવાની અણી  પર હોય છે અથવા મરવા વાંકે જીવતી હોય તેવો સમય આવે છે. વિદ્યાપીઠ આ બાબતમાં બાકાત ન રહી શકી. ગાંધી અને ગાંધીના મૂલ્યોની વારંવાર દુહાઈ દેનારા શાસકો જ પઠાર (stagnation)નો ભોગ બન્યા અને પોતાની કુંઠિત સત્તા માટે ચોટડુક બની રહ્યા ત્યારે ઈશ્વરે વિદ્યાપીઠનો કાયાકલપ કરવાનું નક્કી કર્યું. જેઓ ગાંધીથી દૂર સુદૂર છે તેવો જેના પર આક્ષેપ કરવામાં આવતો હતો તે સરકારી શાસકોના હાથમાં વિદ્યાપીઠનું સુકાન સોંપાયું. દલીલ એવી થઈ  કે, વિદ્યાપીઠ આંચકી લેવામાં આવી, પણ હકીકત તો સદંતર ઉલ્ટી હતી. ગાંધીના લૂગડાં પહેરી ગાંધીજન કહેવડાવતા હતા તેઓ જ ચાંદીના થાળમાં મૂકીને વિદ્યાપીઠનું નાળિયેર હાલના રાજ્યપાલશ્રીને અર્પણ કરતા આવ્યા !!

જે થાય તે સારા માટે કે, વ્યક્તિગત રીતે હાલના રાજ્યપાલશ્રી પ્રાકૃતિક ખેતી, ગામડા, ગાય, ગામ પોશાક વ્યવસાય અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિના પ્રખર હિમાયતી છે. એટલે ગુજરાત વિદ્યાપીઠના બારમા કુલાધિપતિ તરીકે આચાર્ય દેવવ્રતજીએ સુકાન સંભાળ્યું . ગાંધીજીને ગમી જાય  તેવા આચાર્યજી ગુરુકુળ સ્થાપના અને સંચાલનમાં માહિર છે. હા, તેઓ ગઈકાલના ગાંધીજનોની જેમ કેવળ ‘ગાંધી ગાંધી’ માળા  જપી પોતાનો રસ્તો સુંવાળો કરનાર નથી, પણ પાયાના કર્યો  કરીને ગાંધીજીના આત્માને શાતા આપનાર છે.

સોનામાં સુગંધ ભળે  તેમ વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ તરીકે  જેનું લોહી કશુંક દોડતું કરવા થનગને છે તેવા  યુવા શિક્ષક ડો. હર્ષદ પટેલની પસંદગી થઈ. ગુજરાત વિદ્યાપીઠ એ રાષ્ટ્રીય સંસ્થા હોવાથી ઉપરના લોકોએ સીધો હસ્તક્ષેપ કર્યો હોવાથી આ બધું ‘ગોઠવી શકાયું’. ‘દોડવું હતું ને ઢાળ મળ્યો’, જેવો સુમેળ સધાયો અને  કેવળ આઠ જ મહિનાના કાર્યકાળમાં ગુજરાત વિદ્યાપીઠે સંપૂર્ણપણે નવાં ને રૂપકડા અને છતાંય પાયાના ગાંધી મૂલ્યોનો માર્ગ પકડ્યો. અગાઉ વિદ્યાપીઠ કાર્યાલયમાંથી વડીલો ચલાવતા  એટલે કોઈના સુઝાવને સ્થાન ન હતું, હવે તો કુલાધીપતિથી લઈને નાનામાં નાનો વિદ્યાર્થી પણ કાર્યરત બનેલ છે અને વિદ્યાપીઠનું કણેકણ ધબકતું બનેલ છે. હૃદય રોગના દર્દીને બાયપાસ કરાવીએ અને પછી જે સ્ફૂર્તિથી એ જીવવાનું શરુ કરે છે, બસ એવું જ વિદ્યાપીઠના કિસ્સામાં બન્યું છે. સંસ્થાની પણ સમય આવે બાયપાસ સર્જરી કરતા રહેવું પડે. ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓ બાયપાસ પછી પુર્જીવિત થયાના ઉદાહરણો આજે પણ છે. અને જે અંગત રીતે ‘જીવી જવાશે ને હું એકલો સંસ્થાને જીવાડી શકીશ’ એવા ભ્રમમાં જે રહે છે તેની પાસે  તો ભગવાન પણ લાચાર  !!!

ગુજરાત વિદ્યાપીઠના એકસોને પાંચમાં  સ્થાપના દિવસે વિદ્યાપીઠના પ્રાણ સમાન શ્રી પ્રાણજીવન છાત્રાલયના  ધ્વજદંડ પરથી ધ્વજ લહેરાયો અને વિદ્યાપિઠીય પ્રતિજ્ઞા સૌએ ખુલ્લા અવાજે લીધી ત્યારે પિસ્તાળીશ વર્ષ પછી આ કાર્યક્રમ ફરી થઈ  રહ્યાનો આનંદ સૌના ચહેરા ઉપર છલકતો હતો. વિદ્યાપીઠ પરિસરમાં  હકીકતે  હેરિટેજ વોક કરવા જેવું છું, એવો અછડતો ઉલ્લેખ અગાઉ કુલપતિ પાસે થયેલો અને સ્થાપના દિને એક ઈલેકટ્રીક   ઓપન કારમાં  બેસીને વિદ્યાપીઠના ત્રેવીસ પવિત્ર સ્થળોની વોક ગોઠવાઈ ગયાનું જાણ્યું. હા, આ કાર  અને બીજી બે કાર પણ વિદ્યાપીઠમાં જ એસેમ્બલ થશે.!!

વિદ્યાપીઠ જીવનનો એક ઉમદા અનુભવ તે ગાંધી ગ્રામજીવન પદયાત્રા. 2007માં પૂર્વ કુલાધિપતિ અને ગાંધીના ખોળે  મોટા થનાર શ્રી નારાયણભાઈ દેસાઈ દ્વારા આનો આરંભ થયો. છાત્રોનું પાયાનું ઘડતર આ  એક સપ્તાહમાં  થાય છે. પૂર્વ વિદ્યાર્થીઓ પણ જયારે એકબીજાને મળે ત્યારે પદયાત્રાને વાગોળે છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંગત રસ લઈને વિદ્યાપીઠના ધ્યેયો અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ગામે  ગામ પ્રાકૃતિક ખેતીની  વાતને પહોંચતી કરવાનું આયોજન કર્યું. તા. 21 થી 26 ઓક્ટોબર દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકો, સેવકો  અને છાત્રો મળીને 1843 પદયાત્રીઓની 151 ટુકડીઓ ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 18000 ગામડાઓમાં ગ્રામ સંપર્ક કરી પ્રાકૃતિક ખેતી-તેના ફાયદાઓ-તેની યોગ્ય પદ્ધતિઓ અને તેમાં ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ વિષે નિદર્શન કરી સમજાવે, એવું સુંદર આયોજન થયું. વિજ્ઞાનીઓ અને અધ્યાપકોએ સાથે મળી તૈયાર કરેલ ‘અન્નધેનુ કીટ’ નું વિતરણ પણ કરી રહ્યા છે.

કેન્સરના દર્દી હવે દર ત્રણ ઘરે એક છે, તેવું તબીબી જગત કહે છે ત્યારે, કેમિકલયુક્ત કશું પણ આપણા શરીરમાં ન જાય તેની કાળજી તરફ આપણે સૌએ વળવું પડશે અને વિદ્યાપીઠની પદયાત્રા તે માટેની જાગૃતિ લાવવા માટેનું અભિયાન છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુજરાતી સાહિત્યની દુનિયામાં પણ કચ્છડો બારે માસ !!

ગુજરાતી સાહિત્યની દુનિયામાં પણ કચ્છડો બારે માસ !!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ધૂમકેતુ નવલિકા પુરસ્કાર પ્રાપ્ત કરનાર સાતમાંથી ત્રણ સર્જકો કચ્છના !! અરે, પુરસ્કૃત  બે યુવાનો તો સોનીકામ કરે છે ને ઉત્તમ સર્જક છે !!

તાજેતરમાં અમદાવાદ ખાતે એક વિશિષ્ટ સન્માન સમારોહમાં સાક્ષીભાવે જવાનું થયું. પ્રસંગ હતો ધૂમકેતુ નવલિકા-પુરસ્કાર પ્રદાન કરવાનો. જ્ઞાનપીઠ સર્જક શ્રી રઘુવીર ચૌધરીની વરિષ્ટ નિશ્રામાં આ કાર્યક્રમનું આયોજન ધૂમકેતુ  પરિવાર અને ગુર્જર પરિવાર દ્વારા થયું. 2016 થી 2023 સુધીના સાત વર્ષો દરમ્યાન ગુજરાતી સાહિત્યને મળેલ નવલિકાઓમાંથી વર્ષવાર ઉત્તમ નવલિકાઓને પુરસ્કૃત કરવામાં આવી. ધૂમકેતુ જી ના પુત્રી અને પૌત્રીની હાજરી સ્મરણ માર્ગે દોરી ગઈ. પ્રત્યેક સર્જકનો અને તેમની પુરસ્કૃત નવલિકાનો પરિચય પ્રખર વાર્તાકાર શ્રી કિરીટ દુધાતે આપેલ.

નોંધવા જેવી ત્રણ  બાબતો અંગે ખાસ ધ્યાન દોરવું છે :

આ કાર્યક્રમના આયોજક ગુર્જર પરિવાર છે એટલે ખાસ સ્પષ્ટતા કરવામાં આવી કે, આજે સન્માન પ્રાપ્ત નવલિકાઓના પ્રકાશકોમાં એક પણ પુસ્તક ગુર્જર  પ્રકાશનનું નથી, તે સાદર નોંધવું રહે. સાહિત્યના ક્ષેત્રમાં પારદર્શકતા ગુર્જરે આચરી બતાવી, કારણ ગુર્જર સાહિત્ય પ્રકાશન ક્ષેત્રમાં શતાબ્દી વટાવી  ગયેલ છે.

પુરસ્કૃત સાત સર્જકોમાંથી ત્રણ કચ્છના સર્જકો હતા. અંજારના અજય સોની (તેંત્રીસ વર્ષ), અંજારના જ જયંત રાઠોડ ( અઠઠાવન વર્ષ) અને ભુજ કચ્છના રાજેશ અંતાણી (પંચયોતેર વર્ષ). કચ્છમાંથી યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ એમ માનવજીવનની ત્રણેય અવસ્થાઓ ધૂમકેતુ પુરસ્કારથી નવાજવામાં આવી તે દર્શાવે છે કે સાહિત્ય સર્જનને ઉંમરનો કોઈ બાદ નથી.

સાતમાંથી બે સર્જકો વ્યવસાયે સોની કામ કરે છે અને તેઓ ઉત્તમ સર્જક તરીકે પુરસ્કૃત થયા છે. મૂળ અંજારના અજય સોની અર્થશાસ્ત્રના સ્નાતક છે. તેમણે વાર્તા, નિબંધ, કોલમ, નવલકથા અને સંપાદનો પણ કર્યાં  છે. અમદાવાદના વિજય સોની ઇન્સ્ટ્રુમેન્ટશન એન્ડ કંટ્રોલમાં ઇજનેરીનો ડિપ્લો મેળવીને સોનાના  દાગીના બનાવવાનો કૌટુંબિક વ્યવસાય કરે છે. સોનીકામ કરતાં કરતાં વિજયે વાર્તાઓ અને નવલિકાઓમાં અનેક પુરસ્કૃત પ્રદાન કરેલ છે. શ્રી રમણલાલ સોની ગુજરાતી સાહિત્યનું ગુરુવર્ય નામ પણ તેઓ વ્યવસાયે સોની ન હતા. સાહિત્ય સર્જનને વ્યવસાયના બંધનો રોકી શકતા નથી, તે આનું નામ.

સામાન્ય રીતે કચ્છ રણપ્રદેશ તરીકે ઓળખાતો રહ્યો છે. કોઈ સમયે કચ્છના સાહિત્ય રણપ્રદેશનું  સાહિત્ય કહેવામાં આવતું. જેમ કચ્છ પાસે રણ છે એમ દરિયો પણ છે. દરિયા સાથે જીવતી પ્રજાનો લાંબો ઇતિહાસ છે.

ગુજરાતી સાહિત્યમાં કચ્છનું પહેલું પ્રદાન દરિયાઈ સાહિત્ય છે. ગુજરાતી ભાષામાં દરિયાઈ પરિવેશનું સાહિત્ય સૌ પ્રથમ કચ્છમાંથી આવ્યું. ગુણવંતરાય આચાર્ય દરિયાઈ કથાઓને કારણે જાણીતા બન્યા. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટર જેટલો દરિયો હોવા છતાં જે પ્રમાણમાં કચ્છમાંથી દરિયાઈ સાહિત્ય આવ્યું એટલું ગુજરાતના અન્ય સાગરકાંઠેથી નથી આવ્યું. જેમ દરિયાઈ પરિવેશનું સાહિત્ય કચ્છમાંથી આવ્યું એમ રણનું સાહિત્ય પણ કચ્છની જ ભેટ છે. આમ દરિયાઈ અને રણ પરિવેશ ધરાવતું ગુજરાતી સાહિત્ય કચ્છ પ્રદેશની ઓળખ છે. અને આથી ઉપર ઉઠીને, વૈશ્વિક માનવીય સંકુલતાઓ અને મૂલ્યો ધરાવતું સાહિત્ય પણ આ પ્રદેશે આપ્યું છે. ડૉ. ધીરેન્દ્ર મહેતા  અને વીનેશ અંતાણીએ માનવમનના તળિયે પડેલાં પડોને ફંફોસ્યાં છે. તો ડૉ. જયંત ખત્રીએ ટૂંકી વાર્તા દ્વારા કચ્છના રણપ્રદેશને ઉજાગર કર્યો.

આજની પેઢીને કદાચ ખબર ન પણ હોય કે ગુજરાતી ભાષામાં સૌથી વધુ રહસ્યકથાઓ કચ્છમાંથી આવી છે. કચ્છના ગૌતમ શર્માએ ૧૦૦ જેટલી રહસ્યકથાઓ લખી છે. રહસ્યકથા જેવો જ લોકપ્રિય સાહિત્ય પ્રકાર પ્રણય કથાનો છે. પોતાના સમયમાં કચ્છના રસિક મહેતા ગુજરાતના સૌથી લોકપ્રિય નવલકથાકાર હતા. રસિક મહેતાની સંસ્કૃત પ્રચૂર શૃંગારિક ભાષા અને રતિરાગનાં અલંકારિક વર્ણનો એ સમયે ચર્ચાનો વિષય બન્યાં હતાં. કચ્છ દ્વિભાષી વિસ્તાર છે. એક આશ્ચર્ય જગાવે એવી બાબત એ છે કે મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો કચ્છી ભાષી પશ્ચિમ કચ્છમાંથી આવ્યા છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારને ઘડતાં તત્વોમાં કચ્છી ભાષાનોય ફાળો છે. કચ્છના ગુજરાતી સાહિત્યકારો બહુધા ટૂંકી વાર્તા અને નવલકથા દ્વારા વ્યક્ત થયા છે.

કચ્છના લેખક ડૉ. જયંત ખત્રી ટૂંકી વાર્તાની નવી દિશા ચીંધનાર સર્જક ગણાય છે. ટૂંકી વાર્તામાં ડૉ. જયંત ખત્રીનું એક જુદી જાતનું પ્રદાન પણ છે જેના તરફ હજી કોઈનું ધ્યાન ગયું નથી. ગુજરાતી સાહિત્યને પહેલી પ્રાણીકથા આપવાનું શ્રેય કચ્છને જાય છે. ડૉ. જયંત ખત્રીની ‘હીરોખૂટ’નો નાયક પશુ છે અને સહનાયક પણ પશુ છે. કથાનો નાયક વિકલાંગ હોય એવી પ્રથમ નવલકથા પણ કચ્છમાંથી આવી. ડૉ. ધીરેન્દ્ર મહેતાની ‘ચિહ્ન’ નવલકથાનો નાયક વિકલાંગ છે. આજે આખું વિશ્વ આતંકવાદથી થરથરે છે, પરંતુ આ વિષયની પહેલી નવલકથા કચ્છના લેખકે લખી છે. વીનેશ અંતાણીની ‘ધૂંધભરી ખીણ’ આતંકવાદના વિષયવસ્તુ પર આધારિત ગુજરાતી ભાષાની પહેલી નવલકથા છે.

૨૦૦૧ માં થયેલા ભૂકંપ વિષયક સાહિત્ય પણ કચ્છના સર્જકે પહેલ કરી છે. ભૂકંપનું કથાવસ્તુ ધરાવતી ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા ‘છાવણી’ ડૉ. ધીરેન્દ્ર મહેતાએ આપી. અહીંનો એકેય સર્જક એવો નથી જેણે એકાધિક વખત વરસાદની કે પાણીની કે અન્ય સમસ્યાની વાત ન કરી હોય. કચ્છના સર્જકે કથા દ્વારા વ્યક્ત થવાનું પસંદ કર્યું છે. અત્યાર સુધીમાં કચ્છમાં રસિકલાલ જોશી, રસિક મહેતા, ગૌતમ શર્મા, ડૉ. ધીરેન્દ્ર મહેતા, નિરંજન અંતાણી, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી, મૂળરાજ રુપારેલ, વનુ પાંધી, વીનુ કેશવાણી, રજનીકાન્ત સોની, જટુભાઈ પનિયા, નારાણ દામજી ખારવા, નલીન ઉપાધ્યાય, નારાયણ વસનજી ઠક્કુર, પ્રિતમલાલ કવિ, ઉમિયાશંકર અજાણી, પુષ્પદંત ભટ્ટ, હરેશ ધોળકિયા, આનંદ શર્મા, વ્રજલાલ અબોટી, માવજી સાવલા, અરુણા ઠક્કર તથા ઉત્તમ ગડા અને અજય સોનીએ ગુજરાતી નવલકથા લખી છે.

કચ્છમાં ટૂંકી વાર્તાનું સર્જન આઝાદી પૂર્વેનું છે. તત્કાલીન ટૂંકી વાર્તાઓ અને તેના લેખકો લોકપ્રિય રહ્યા છે. એવા લેખકોમાં ચંદ્રશંકર બુચ ‘સુકાની’ અને બકુલેશ પછી  ડૉ. જયંત ખત્રી અને નાનાલાલ જોશી. એ પછીના ગાળામાં ડૉ. મનુભાઈ પાંધીથી અજય સોની સુધી ઘણા લેખકોએ ટૂંકી વાર્તા લખી છે, પરંતુ ગુજરાતી સાહિત્યમાં ડૉ. ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણી, વનુ પાંધી, ડૉ. મનુભાઈ પાંધી, રાજેશ અંતાણી અને અજય સોનીની વાર્તાઓની વિશેષ નોંધ લેવાઈ છે.  ડૉ. ધીરેન્દ્ર મહેતાથી કચ્છની વાર્તામાં આધુનિકતાનો સ્પર્શ આવ્યો એવું જણાય છે.

બાલવાર્તા લેખનમાં તો મૂળ કચ્છના આજીવન શિક્ષક ઈશ્વર  પરમારનું પ્રદાન દિલ્હી સાહિત્ય  અકાદમી દ્વારા પણ પોંખાયું છે અને હજુ પણ એ દ્વારિકાવાસી ઈશ્વર ઝીણું ઝીણું કાંત્યા જ કરે છે. ૧૯૮૦ પછી સાગરકથાઓનાં વળતાં પાણી થયાં. લખાવાની જ બંધ થઈ ગઈ એમ કહીએ તોય ચાલે. સાગર સાહિત્યને પુનર્જીવિત કરવાનું કામ હસમુખ અબોટી ‘ચંદને’ કર્યું. તેમણે સાગરખેડૂઓની સફરોનું ઊંડાણપૂર્વક સંશોધન કરીને સત્યઘટનાઓ લખી છે.

સાતમાંથી ત્રણ કચ્છી સર્જકો સનમાન પામ્યા તે જાણી ઉમળકો આવ્યો એટલે સાહિત્ય વિહાર કર્યો તો જાણવા મળ્યું કે, સાહિત્યમાં પણ કચ્છડો બારે માસ  છે !!

તમારું પોતાનું ટેરેસવાળું મકાન હોય તો…..

તમારું પોતાનું ટેરેસવાળું મકાન હોય તો…..

રાજકોટમાં બોતેર  કલાકમાં ચાલીશ ઇંચ વરસાદ પડ્યો, તે પાણી ગયું ક્યાં ??… અમેરિકાથી એક રાજકોટીયનનો પત્ર !!

શિકાગો, અમેરિકાથી રાજકોટના એક નિવૃત્ત અધ્યાપક  શ્રી વિનોદ માંગુકિયાનો દીર્ઘ મેસેજ  આવ્યો, તા. 28, ઓગસ્ટ, 2024 ના રોજ..જયારે રાજકોટ ધમધોકાર વરસાદથી પાણી પાણી થઇ ગયું હતું અને તે ટનબંધ પાણી રસ્તા અને ગટરોમાં વેડફાઈ જઈ  રહ્યું હતું !! એક સંનિષ્ટ અધ્યાપક દંપતી તરીકે રાજકોટમાં સાત્વિક જીવન જીવનાર વિનોદભાઈ અને શ્રીમતી સુદર્શન મંગુકિયા પોતાના  હાર્ટ સર્જન તરીકે માતબર ખ્યાતિ પ્રાપ્ત દીકરાના ઘરે હાલ શિકાગો છે.

આવો, તેમના જ શબ્દો વાંચીએ…

“રાજકોટમાં પાંચ દિવસમાં અધધ–32 ઈંચ વરસાદ ! પાણી ક્યાં ગયું ? ગટરમાં ?

આ તો પાંચ દિવસમાં આટલો વરસાદ પડયો પણ આખી સીઝનનો જો 50 ઈંચ ગણીએ તો 120 ચોરસ કિલોમીટરમાં પથરાયેલાં રાજકોટ સીટી ઉપર પડેલા અધધધ વરસાદનું પાણી આખરે ગયું ક્યાં ? ગટરમાં ? રાજકોટની ગંધારી ગોબરી આજી નદીમાં ગયું ?

આકાશેથી વરસેલું અમૃત આખરે ગટરોમાં વહી ગયું ? આજી નદીમાં ભેગી થયેલી રાજકોટની ગંદી ગટરોની તમામ ગંદકી લઈને નદીને સાફ કરીને એ પાણી ક્યાં ગયું ? એ ગયું આજી ડેમ નંબર 2 માં. પણ આજીડેમ 2 નું પાણી તો પીવા લાયક નથી રહ્યું. તો એ પાણીનું શું થાય છે ? જે પાણી પીવાલાયક નથી તે પાછું ખેતીમાં વપરાય છે ?એ ઝેરી કેમિકલ સાથેનું અનેક પ્રકારનું પ્રદૂષિત પાણી પાછું શાકભાજી ઉગાડવામાં વપરાય છે અને એ શાકભાજી પાછા રાજકોટવાસીઓ હોંશે હોંશે ખાય છે ! તે પાણીમાં ઊંધિયું બનાવીને ખાય છે,બોલો !

આટલો બધો વરસાદ થયો પણ પછી ઉનાળામાં પાણીના ટાંકા મગાવવાના ! ઘેર બેઠાં ગંગા જેવું અમૃત સમાન પાણી આપણે ગટરોમાં જવા દીધું અને હવે આજી,ભાદર અને ન્યારી ડેમનાં પાણી ફીલ્ટર કરી કરીને પીવાનાં. આજી,ભાદર અને ન્યારી ડેમમાં ભેગું થતું પાણી શુદ્ધ હોય છે, તેવું જો માનતા હો તો એ એક ભ્રમ છે.ગામેગામના ઉકરડાઓ, ગામેગામની ગટરો, ખેતરોમાં નાખેલાં રાસાયણિક ખાતરો અને પાકમાં છાંટેલી જંતુંનાશક દવાઓ, મરેલાં પ્રાણીઓ, પ્રાણીઓનાં છાણમૂતર અને બીજી અનેક ગંદકીઓ આવાં ડેમોમાં ભેગી થાય છે, તેથી હું આવા ડેમોને એક પ્રકારની કચરો સંગ્રહ કરતી કચરાપેટી કહું છું. કોઈ એમ કહે કે “ડેમનું પાણી એ વરસાદનું પાલર પાણી કહેવાય.તેમાં પ્રદૂષણ ન હોય.” તો તેમની એ માન્યતા ભૂલભરેલી છે. જો પાલિકાઓ ડેમનું પાણી ફીલ્ટર કરીને ન આપતી હોત તો તેવું પાણી આપણે પી શકતા હોત ? તેમ છતાં પાલિકાના નળનું ફીલ્ટર થયેલું પાણી આપણે જે ટાંકામાં ભરીએ છીએ તે ટાંકો છ મહિને એક વાર સાફ કરો ત્યારે તળિયેથી કેવો કદડો નીકળે છે ? કેટલી ધૂળ પાણીમાં મળેલી જોવા મળે છે ? આપણે હવે ઘરેઘરમાં R.O.પ્લાન્ટ  એટલે જ ફીટ કરવા પડે છે. RO ની કેન્ડલ કેટલી ખરાબ થઈ જાય છે ? નહિતર પાલિકા તો ફીલ્ટર કરીને જ આપણને પાણી આપે છે,  છતાં તે 100% શુદ્ધ થતું નથી.

હવે ROની મર્યાદા પણ જાણી લો.પશ્ચિમના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે RO નાં પાણીમાંથી શરીરને ઉપયોગી એવા બે તત્વો મેગ્નેશ્યમ અને કેલ્શયમ બંને નીકળી જાય છે,  જેથી ROનું પાણી પણ 100% પીવા લાયક ન ગણી શકાય.તો હવે પીવાનું શુદ્ધ પાણી મેળવવા શું કરવું જોઈએ ? શુદ્ધ પાણી મેળવવાનો રામબાણ ઈલાજ એક માત્ર વરસાદી પાણીનો સંગ્રહ છે.એ જ અમૃત છે અને એ જ ગંગાજળ છે એમ માનજો.

તમારી પાસે તમારું પોતાનું ટેરેસવાળું મકાન હોય તો તમે  ફળિયામાં ભૂગર્ભ ટાંકો બનાવીને વરસાદી પાણીનો સંગ્રહ કરી લો.આખું વરસ અમૃત પીઓ અને આર.ઓ.ની  જરૂર જ નહીં રહે ! મારાં જૂનાગઢનાં ઘરે 25000 લીટર અને રાજકોટનાં કરણ પાર્કમાં આવેલાં મકાનમાં 10,000 લીટરના વરસાદી પાણીના ટાંકા અમે બનાવ્યા હતા.

તમારી 10 બાય 10 ની નાની ટેરેસ હોય અને જો તમારા ગામમાં 12 ઈંચ વરસાદ પડે તો તમારી ટેરેસમાં કેટલું પાણી પડે ? તમારી ટેરેસ કુલ 100 ચોરસ ફૂટ થાય છે તો તેમાં એક ચોરસ ફૂટમાં 27 લીટર પાણી મળે અને 100 ચોરસફૂટે 27,00લીટર પાણી મળે જે પાંચ છ વ્યક્તિના એક પરિવારને માટે આખું વરસ પીવા માટે પૂરતું થાય છે. પણ કોઈ પણ મકાન ઉપર ફક્ત 100 ફૂટની ટેરેસ ન હોય. નાનું મકાન હોય તો પણ 500 ફૂટ ટેરેસ હોય તો ફક્ત 12 ઈંચ વરસાદે તમારા ભૂગર્ભ ટાંકામાં 13,500 લીટર પાણી હિલોળા લેતું થઇ જાય. તમે તો આખું વરસ પીવો અને બીજાને પણ પાવ તોય નહીં ખૂટે.

બીમાર માટે અમારા ઘરેથી વરસાદી પાણી  લેવા ઘણા લોકો આવતા ત્યારે અમને પરબ માંડી હોય તેવો આનંદ થતો… હવે જુઓ ! રાજકોટમાં કેટલાં મકાનો હશે ? એ બધાં મકાનો ઉપર 50 ઈંચ લેખે કેટલું પાણી પડયું હશે ? એ પાણી ક્યાં ગયું ? ભારત દેશમાં સેંકડો નાનાં મોટાં નગરો અને લાખો ગામડાઓમાં કુદરત ઘેર બેઠાં  ટેરેસ ઉપર સીધી અમૃતધારા વરસાવે છે,  જેથી એ પાણી પ્રદૂષિત થયા વિના શુદ્ધ સ્વરૂપે જ આપણને મળે, પણ આપણે દેશભરના લોકો વરસાદનું અબજો અબજો લીટર પાણી ગટરોમાં વહેતું જોઈએ છીએ ! અને તાળીઓ પાડીએ છીએ !! મોટાં નગરોમાં ઘરઘરનું પાણી રોડ ઉપર આવી જાય છે અને ગટરો ચોકઅપ થઇ જાય છે. ગાડીઓ અને બાઈક ડૂબી જાય છે અને બસ અંડર બ્રીજમાં સલવાઇ જાય છે !!  જો દેશનાં તમામ મકાનોના ટેરેસનું પાણી ભૂગર્ભ ટાંકાઓમાં ઉતારી દેવામાં આવે તો રોડ ઉપર થતા જળભરાવની અનેક સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ વિનામૂલ્યે થઇ જાય, પણ આવો વિચાર કરવો જ નથી, એટલે  પ્રદૂષિત પાણી પીધાં વિના છૂટકો જ નથી.

આ વખતે તો કચ્છમાં પણ ધોધમાર પડયો છે.ત્યાં પણ વરસાદનું પાણી ઝીલીને ભૂગર્ભ ટાંકીઓમાં ભરી લેવાય તો દૂરદૂર સુધી પાણી ભરવાં બેડાં લઈને જવું ન પડે. બજારમાં 20 રૂપિયાની એક બોટલ મળે છે, જે એક લીટર હોય છે. તમારા ઘરે 10,000 લીટર વરસાદી પાણી ભરી લો  તો તે 2,00,000 (બે લાખ રૂપિયા)નું થાય.એક જ ચોમાસે તમને કુદરત 20 લાખ રૂપિયાનું શુદ્ધ અમૃત જેવું પાણી સાવ મફત આપે છે અને પછી દર વર્ષે તમને 20 લાખનું શુદ્ધ પાણી સાવ મફતમાં મળશે અને તે પણ 50થી લઈને 100 વરસ સુધી ! ત્રણ ત્રણ પેઢી આ અમૃત પીશે,  પણ કમનશીબી કે  આપણે તેવું અમૃત નથી લેવું. વેચાતું લઈને પીવું છે !પૈસા હોય એટલે વેચાતું લઈશું.પણ વેચાતા ટેન્કરનું પાણી ક્યાંથી ભરી લાવે છે તે ક્યારેય તમે જોયું છે?

વરસાદી પાણીને પણ ટાંકા ઉપર કપડું મૂકીને ગાળીને ભરો. ઢાંકણું એરટાઈટ રાખશો તો પાણી બગડશે નહીં.અંદર કોઈ ટીકડીઓ નાખવાની જરૂર નથી,  તેમ છતાં તમને એવું લાગે તો કપડાના એક ટૂકડામાં 50 ગ્રામ ચૂનો બાંધીને પોટલીને ટાંકાના તળિયે મૂકી દો.કોઈ જીવાત નહીં થાય. રાજકોટના મારા વરસાદી પાણીના ભૂગર્ભ ટાંકાનો એક લેખ લોકલ ન્યુઝ પેપરમાં વાંચીને તત્કાલીન મ્યુ.કમિશનર શ્રી વિજયકુમાર નેહરાએ મારા ઘરે મહાનગર પાલિકાના ત્રણ સીવીલ એન્જીનીયર્સને રૂબરૂ સીસ્ટમ જોવા મોકલ્યા હતા. તેઓએ સીસ્ટમના ફોટા પાડયા અને એક લીટર પાણીની બોટલ ભરી ગયા.એક સપ્તાહ પછી મને એક એન્જીયર રૂબરૂ આવીને લેબોરેટરીનો રીપોર્ટ આપી ગયા, જેમાં લખ્યું હતું કે, “100% શુદ્ધ પીવા લાયક પાણી મારી પાસે હજી એ લેટર છે.

આ તો અહીં અમેરિકામાં બેઠા બેઠા હું જોઉં છું કે રાજકોટ અને બીજા નાનાં મોટાં કેટલાં શહેરોનું અધધધ અબજો અબજો લીટર પાણી ગટરોમાં ચાલ્યું જાય છે, પછી ઉનાળામાં એક એક બેડાં માટે આપણે કેવાં હવાતિયાં મારીએ છીએ? અમે તો ઘણાં વરસ વરસાદનું પાણી પીધું છે,  જેનો અમને ખૂબ સારો અનુભવ છે, પણ મારા  જેવા નાના માણસની આ અતિ ઉપયોગી વાત સમજીને લોકો અપનાવે તો તો દેશની પ્રજા સુખી ન થઇ જાય ?

તેનાં બદલે જેમ સાલે (ચાલે ) એમ જ સાલશે (ચાલશે )! માતાજી સૌને સુખી રાખે !!

મારી  આ લઘુલેખ જેવી વિગતો વાંચીને જો ફક્ત એક વ્યક્તિ પણ વરસાદી પાણીનો ભૂગર્ભ ટાંકો બનાવશે, તો મારી મહેનત લેખે લાગશે…”

કહે છે કે, ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે લડાશે ત્યારે, આપણી સરકારો અને જળક્રાંતિ માટે જોર પૂર્વક લાગી પડેલા કાર્યકરો વિનોદભાઈની આ વાતને કાને ધરશે તો  ‘મેરા ભારત મહાન’ તે વખતે આપણે કહી શકીને બચી જઈશું.

ચાર દિવસની જિંદગી હોય , તો પછી પાંચમાં  દિવસે ??

ચાર દિવસની જિંદગી હોય , તો પછી પાંચમાં દિવસે ??

જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે.

ઘણા લોકોને ઘણીવાર એવું બોલતાં સાંભળીએ છીએ કે, આ જીંદગી ચાર દિવસની છે. ‘ચાર દિન કી ચાંદની’ એવું લોકો કહેતા હોય છે. મનમાં ક્યારેક પ્રશ્ન થાય કે, ચાર દિવસની જીંદગી છે એનો ખરેખર વ્યાપક અર્થ શો કરવો? ચાર પછી આવતો પાંચમો દિવસ શું છે ? અને વાસ્તવમાં આ પાંચમો દિવસ ચાર પછી જ આવે  કે ?

મન છે એટલે એને પ્રશ્નો થવાના. અને પ્રશ્ન થશે તો એના ઉત્તર શોધવા માટે ગડમથલ કરવાની. ચાલો,  આજે થોડી ગડમથલ કરીએ.

ખરેખર આ ચાર દિવસમાં જ જિંદગી છે અને પછી શું મૃત્યુ છે? ના, આ ગૂઢ વાત છે. ઊંડાણ વાળી વાત છે. ઝડપથી મનમાં ઉતરી જાય એવી વાત નથી. પાંચમા દિવસનો અર્થ જ એ છે કે, જ્યારે તમારી ચાર દિવસની જિંદગી પૂરી થઈ અને પરમાત્મા સાથે મિલનની ઘડી આવી તે પાંચમો દિવસ છે. ચાર દિવસમાં ઈશ્વર સાથે મિલન થતું નથી. કારણ કે જિંદગી આપણી છે એટલે એમાં અહંકાર છે. અહંકારમાં ક્યારેય  મિલન શક્ય નથી. મિલન તો અહંકાર છૂટી જાય પછીના મૃત્યુમાં છે. જે મટી જાય છે, જે ઓગળી જાય છે, તેનું મિલન શક્ય છે. અને એ મિલન શક્ય બને તે દિવસ એ પાંચમો દિવસ છે. જે જીંદગીની બહાર હોઈ શકે. એનો અર્થ એવો થયો કે,  આપણે જીવતા શીખીએ કે ન શીખીએ પણ આપણે મરતા શીખવું પડે. અને તો જ પાંચમો દિવસ આપણે જોઈ શકીએ.

હકીકતમાં મરવાની કળાનું નામ ધર્મ છે. એવી રીતે મરવાની કળા કે ફરી તમારે જન્મ લેવો પડે. એવી રીતે મરવાની કળા કે જેમાં મર્યા એટલે મર્યા, કાયમ માટે મર્યા. જેમ આપણે ફના થઈ ગયા એમ કહીએ, એટલે કે ભસ્મ થઈ ગયા, એમ શૂન્ય થઈ ગયા. તો અસલી જીંદગી જો મેળવવી હોય તો ફના થઈ જવું પડે. અસ્તિત્વ સાથે મેળાપ કરવો હોઈ, વાસ્તવિક અસ્તિત્વ સાથે ભળી જવું હોય તો આપણે મરણની કળા શીખવી જોઈએ. વાત તો જરા ઉલ્ટી થઈ કે તમારે જીવનનું રહસ્ય સમજવું હોય તો મૃત્યુનું રહસ્ય પહેલાં સમજવું પડે. જીંદગીની ચાવી મૃત્યુમાં રાખેલી છે. આપણે  જીવનભર એની શોધ કરીએ છીએ.  એટલે આપણને એનું રહસ્ય મળતું નથી.પરંતુ રહસ્ય એને મળે છે, જે મૃત્યુમાં તેને શોધે છે.

આપણે  પેલી જૂની પુરાણી વાર્તાઓ યાદ કરીએ. બાળકોની કહાનીઓમાં એવું કહેવામાં આવતું કે,  કોઈ રાજા એવો હતો કે જેને કોઈ મારી ન શકે, એટલે પોતાની જીંદગી એક પોપટમાં, પોપટની ગરદનમાં રાખી દે. રાજા ઉપર ગમે તેટલા ઘા કરો પણ તે મરે નહિ. પણ તમે જેવું જઈને પોપટની ગરદન મરડી દો, તે તરત જ રાજા મરી જાય.!! ત્યારે તો આ વાર્તા ક્ષુલક લાગતી હતી. આજે હવે અર્થપૂર્ણ લાગે છે. આમ જો કે બાળકોની જ વાર્તા છે, વૃદ્ધો સમજી ન શકે. પણ નાનપણમાં આપણને એ રહસ્ય સમજાવવા તરફ ઈશારો કરતી એ કહાની છે. એમ કહેવા માંગે છે કે જ્યાં તમને જીંદગી દેખાય છે,  ત્યાં જીંદગી નથી. જીંદગીનું રહસ્ય કોઈ બીજી જગ્યાએ  પડ્યું છે. તમે જેના વિશે વિચારી પણ નથી શકતા એ જગ્યાએ છુપાયેલું છે. હું અને તમે જેની કલ્પના ન કરી શકીએ એવી જગ્યાએ એ પડ્યું છે. અને તેથી જે  હોશિયાર છે તે લોકો એવી જગ્યાએ વસ્તુને સંતાડી દે છે કે જેના વિશે કોઈને કશો વિચાર ન આવે.

એક ઉદાહરણ લઈએ. મારી પાસે કેટલાક અસલી હીરા છે. હવે એને હું મારા ઘરમાં રહેલી કચરો ભરવાની બાલ્ટીમાં નીચે સંતાડીને રાખી દઉં છું. આમ કરવાથી ઘરમાં ઘૂસીને ચોર કશું પણ મેળવવા માંગે તો એને હીરા સુધી પહોંચવામાં તકલીફ પડવાની. કારણ કે કોઈ ચોર આવીને કચરા ટોપલી નથી જોવાનો. એ તિજોરીમાં શોધશે. જેની ઉપર બહાર તાળું લટક્યું છે, તેની અંદર હશે એમ માનશે. ક્યાંક જમીનમાં ટાઇલ્સ ઉંચી થઈ ગઈ હશે તો એ ખોલીને જોશે. કોઈ એવું વિચારી પણ નથી શકતું કે જે હીરો છે એ બહાર પડેલી કચરા ટોપલીમાં હશે. જે ઘરનો કચરો બહાર ફેંકી દેવાનો હોય એની અંદર હીરા છુપાયેલા પડ્યા છે. બસ આવું જ છે. જીંદગીનું રહસ્ય મૃત્યુમાં છુપાઈને પડ્યું છે, જેના વિશે કોઈ વિચાર નથી કરી શકતું .

મૃત્યુ એ જિંદગીથી ઉલ્ટી પ્રક્રિયા છે. એવી રીતે જીવો કે તમારું સરનામું ખોવાઈ જાય. અને એવી રીતે મરો કે તમારું નિશાન પણ ન રહે. એક જ ઉપાય છે, પાંચમો દિવસ. ચાર દિવસની જિંદગી અને પછી પાંચમો દિવસ. આ ચાર દિવસની જિંદગી તો એવી રીતે વીતી જાય છે,’ દો આરઝૂ મેં બીતે, દો ઇંતઝાર મેં’.  બે દિવસ માંગવામાં ગયા અને બે દિવસ પ્રતીક્ષામાં ગયા. બહુ કંઈ હાથ લાગ્યું નહીં.

હવે પાંચમો દિવસ મહત્વનો છે. જ્યારે મને ને  તમને ખબર પડે કે, મારું હોવું એ મારું હોવામાં જ અડચણ બરાબર છે. કારણ કે મારા હોવાનો મતલબ છે, હું પરમાત્માથી અલગ છું. હું છું એમ માનું છું ત્યારે જ હું પરમેશ્વરને આઘો  મુકું છું. મારું હોવાનો મતલબ જ એ કે હું એક નથી, સંયુક્ત નથી. એ પરિપૂર્ણની સાથે હું એકરસ નથી. આ જ મોટું સ્પીડબ્રેકર છે. આ જ દુઃખ છે અને આ જ નરક છે.

જો દીવાલ હટી જાય, મારા હોવાપણાનો ખ્યાલ જતો રહે, તો જે મળે છે એ મૃત્યુ છે. ફરી એકવાર મૃત્યુનો અંત એ કે જેમાં હું છું ‘આઈ એમ સમથીંગ’ એ અહંકારને આપણે કાપીને ફેંકી દઈએ. હું તારાથી અલગ નથી, હું તારી અંદર છું. મારી અંદર જેવી સાગરની લહેરો ઊઠે છે એવી જ લહેરો તારી અંદર છે. મોજા સમુદ્રથી અલગ નથી હોતા. ગમે તેટલા ઉછળે, ગમે તેટલી ઊંચાઈ ઉપર જાય, જહાજોને ડુબાડી શકે છે, પહાડોને ડુબાડી શકે છે. પરંતુ એ લહેર સાગરની છે, સાગરથી અલગ નથી.

પોતાની જાતને અલગ માનવી એ આપણાં  જીવનની મોટામાં મોટી અડચણ છે. ત્યાંથી જ પરમાત્મા અને આપણી વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે. અને એ જ ક્ષણ જો આપણને ખબર પડે તો ખ્યાલ આવે કે જિંદગીના ચાર દિવસ પછીનો દિવસ વીતવાની શરૂઆત થઈ. એવું નથી પાંચમે દિવસે બધું પૂરું થાય. પાંચમાં  દિવસ પછી પણ આપણે જીવી શકીએ. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી આવ્યો. ભગવાન બુદ્ધનો પાંચમો દિવસ આવ્યો તે પછી તો એ 40 વર્ષ વધુ જીવ્યા. પરંતુ એ જીંદગી પહેલા જેવી ન હતી, અલગ હતી. એ જીંદગીનો રસ કોઈ જુદો હતો, ઉત્સવ કોઈ જુદો હતો. એના પછી તો તેઓ સાચું જીવ્યા. બુદ્ધ પોતાના શિષ્યોને કહેતા, ‘તમે તમારી જિંદગી એ દિવસથી ગણજો, તમારું જીવન એ દિવસથી ગણજો, જે દિવસે તમે સંન્યાસ લો. એના પહેલાની જીંદગીને  ગણતરીમાં લેતા નહીં.

એ સમયનો એક સમ્રાટ હતો ‘પ્રસ્યેનજીત ‘. એ બુદ્ધના દર્શન માટે આવતો. આવીને એક વખત બાજુમાં બેઠો ત્યારે એક ભિક્ષુ  આવ્યા. જેની ઉંમર લગભગ 75 વર્ષ હશે. એ વૃદ્ધ હતાં. એમણે ઝૂકીને બુદ્ધને નમસ્કાર કર્યા. બુદ્ધે પૂછ્યું, ‘ભિક્ષુ તમારી ઉંમર કેટલી?’ એ ભિક્ષુએ વિનમ્રતાથી જવાબ આપ્યો કે, ‘ચાર વર્ષ પ્રભુ.’  પ્રસ્યેનજીત તો હેરાન થઈ ગયો. એને થયું કે,  હદ થઈ, ચાર જ વર્ષ ! એકાદ-બે વર્ષ આઘા પાછા હોત તો ચલાવી લેત, પણ આ દેખાઈ છે તો 75 વર્ષનો. કદાચ 65 કહ્યા હોત કે 70 કહ્યા હોત તોય વાંધો ન હ્તો. એને આમ થયું કે કદાચ મને બરાબર સંભળાણું નથી.  એ વૃદ્ધને પ્રસ્યેનજીતે  કહ્યું કે,  ‘મહાનુભાવ, હું બરાબર સાંભળી ન શક્યો આપે શું જવાબ આપ્યો. જરા જોરથી કહેશો? કેટલી ઉંમર છે આપની?’ તે વૃદ્ધે કહ્યું, ‘મહારાજ ચાર વર્ષ’. પ્રસ્યેનજીતે બુદ્ધની તરફ જોયું. બુદ્ધ હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘તમને કદાચ ખબર નહિ પડે કે અમે ઉંમર કઈ રીતે ગણીએ છીએ. આ વ્યક્તિ ચાર વર્ષ પહેલા સંન્યાસી થયા છે તો એની ઉંમર પણ ચાર વર્ષની જ ગણાય ને. એના પહેલા તો તે સુતા હતા. ધ્યાનની કોઈ પ્રકારની ઝલક પ્રાપ્ત થઇ ન હતી તો એ નીંદરના વર્ષોને કેમ  ગણાય?? એ તો અંધારું હતું, એ રાત હતી, એની ગણતરી તો નકામી કહેવાય, કચરો કહેવાય. અને તેથી એ દિવસથી ગણતા આ વ્યક્તિને ચાર વર્ષ થયા છે. જે દિવસથી વ્યક્તિ શ્રોતાપન્ન થયો, જે દિવસથી એણે સત્યની ખોજની તલાશનું પહેલું કદમ ઉઠાવ્યું, એ દિવસથી અમારે ત્યાં હંમેશા ઉંમર ગણાય છે.’

બુદ્ધનો પાંચમો દિવસ ચાલીસ વર્ષ પછી શરુ થયો. પછીના ચાલીસ વર્ષ એ જીવ્યા. પરંતુ આ જે ચાલીસ વર્ષ હતાં એ જુદા જ  મહિમાનાં હતાં, જુદી ગરીમાના હતા, જુદા જ પરમાત્મમય અને ભગવત્તા પૂર્ણ  હતાં. એમાં સીમા ન હતી. ચાલીસ વર્ષ સુધી લહેરની તરફ જીવ્યા. પરંતુ પાંચમો દિન આવ્યો અને પછીના  ચાલીસ સાલ સાગરની જેમ  જીવ્યા. આપણી જીંદગી ભલે ચાર દિવસની રહી, આપણે સ્વાગત તો પાંચમા દિવસનું કરવાનું છે.

 

 

 

 

 

 

દાન સમાજના અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે.

દાન સમાજના અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે.

જે દાન આપે તેને આપણેદાનવીરકેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું સાહસ છે ? જવાબ છે હા‘. 

”માણસ તું તારા શુદ્ધાત્માને ઓળખ, પામ, તું તારા કર્મ અંગે જાગૃત થા, તું તારા વિચાર અંગે, તારા ચૈતન્ય સાથે સંવાદ કરી જરૂરી મેલને દૂર કર, તું તારા મૈત્રી ભાવનો વિસ્તાર કર, તું તારી પ્રમોદ ભાવના બળવાન કર, તારી કરુણામાં શંકા ભેળવી એને મલિન ના કર. એ માણસ, તું સર્વ શક્તિમાન છે, તને જગતના નાથે સર્વસ્વ આપ્યું છે, તેનો યોગ્ય દિશામાં ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેને તું સતત ચિંતન કર”.

આપણે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પ્રવૃત્તિઓ અને સંઘ દ્વારા પ્રકાશિતપ્રબુદ્ધ જીવનના દાન ધર્મ વિશેષાંક વિષે ભૂમિકા ગત લેખમાં બાંધી છે. આજે તે અંકની મદદ લઈને દાન મહિમાનું ગાન કરીએ.

અનુકંપા, દાન, સહકાર, સાથ અને હાથ લંબાવવાની ભાવના આપણામાં ઉઘડે એવી આ વાત આપણને સ્પર્શી જાય છે. એક સરસ મજાના ઉદ્યાનમાં હજારો કમળ ખીલતા હોય ત્યારે એ સુંદર દેખાય એ તો સ્વાભાવિક છે. પણ અમુક કમળ ખીલે અને અમુક ન ખીલે ત્યારે એનું પાલનપોષણ કરનારના મનમાં વિશાદ થાય. વિશાદ છવાઈ જાય અને મનુષ્યને ઘેરી વડે. અને એને સતત એવી ઈચ્છા થાય કે હું પણ કોઈ એવું કામ કરું કે મારી બાજુવાળું કમળ ખીલે. આ અન્યનો વિચાર કરવાની વૃત્તિ સાથે જ્યારે કરુણા ભળે છે ત્યારે દાન નો જન્મ થાય છે.

વીતરાગ જિનેશ્વર માનવના ઉદ્ધાર કરનાર જે ધર્મ કહે છે તેમાં દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકાર છે. દાન અને તપ, શીલ અને ભાવની શ્રેણીમાં પહેલા સ્થાને મુકેલ છે.  दान, शीलो, तपो, भवये. ખરેખર દાન વિશેના આપણા વિચારો વ્યક્તિએ વ્યક્તિએ જુદા છે. અને આ જુદા વિચારોને લઈને દાન કરતી વખતે આપણે થોડા અસમંજસમાં હોઈએ છીએ. સંસ્થાના પરિચય મેળવ્યા પછી કંઈક કરવું એવો નિર્ણય લેતા હોઈએ છીએ. વ્યક્તિને આજે દાન આપીશું અને કાલે એ યોગ્ય નહિ નીકળે તો ? એવો વિચાર કરીને આપણે અટકી જતા હોઈએ છીએ.

કહ્યું છે એવું  કે,  દાન સમાજના અંધારા ખૂણામાં જીવનની આશાને જીવંત રાખે છે. આપણે ત્યાં કહેવતોમાં વર્ષોથી કહેવામાં આવ્યું તે છે કે,  જમણો હાથ આપે તેની ડાબા હાથને ખબર પડે. આપણને મનમાં ચોંટી ગયેલું આ વાક્ય છે. જગતના સર્વ ધર્મોમાં દાનની હુંફ વિશે લખ્યું છે. આપણા ગ્રંથોમાં  દાનનો ઉદેશ્ય છે અને એના લક્ષણો પણ છે. આપણો સ્વાર્થ એટલે ‘મારે શું, અને મારું શું ?’  આ સ્વાર્થમાંથી મુક્તિ મળે એને દાન કહેવાય. આપણે ‘હું’ માટે જીવીએ છીએ. ‘મારું’, ‘મારા’ એવું આપણે કહેતા હોઈએ છીએ. તો આપણા ‘હું’ ના કેન્દ્રને થોડું વિસ્તૃત કરવું અને વસુધૈવ કુટુંમ્બક્મ ની ભાવનામાં પ્રવૃત થવું એ દાન છે.

દાનનો હેતુ સદગતિનો છે. સદગતિના મૂળ વિચારમાં સદવિચાર, સદવર્તન, અને સદ હેતુ રહેલા છે.  હેતુ પહેલા, પછી વિચાર, અને પછી વર્તન.  ‘મારા થકી કોઈનું સારું કરવું,’  એવું નહીં પણ ‘મારા સુખમાં સૌને સમાવવું,’  એમ જ્યારે કહેવાય ત્યારે દાન દાન બને છે’. સમાજ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, શાસન પ્રત્યે મારી ફરજ છે. અને મને એ ફરજમાંથી ઋણ મુક્તિનો અવસર કોઈ આપતું હોય તો એ વહેંચતા રહેવાની, આપતા રહેવાની આવડત મને બધું આપે છે.

એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે,  દાનમાં મૌન ભાવનું આગવું મહત્વ છે. આપણને સૌને વ્હાલી એવી એક કથા આપણે વારંવાર સાંભળીએ છીએ અને કોઈને કહીએ છીએ. કૃષ્ણ અને સુદામાની મૈત્રીની એ અપ્રતિમ ઘટના છે. સુદામા અકિંચન અવસ્થામાં સાત્વિક જીવન જીવે, પરંતુ તેની ઈશ્વર સાથેની મૈત્રી અતૂટ. એ કોઈ દિવસ  કશું માંગે નહિ. અને મિત્ર પાસે પોતાની જે સ્થિતિ છે એને છતી ન થવા દે. પણ પત્નીનાં આગ્રહથી દ્વારકા જવા માટે નીકળેલા સુદામા પત્નીએ આપેલા તાંદુલ લઈને સંતાડતા-સંતાડતા દ્વારકા પહોંચ્યા. સુદામા માંગી નથી શકતા અને શ્રી કૃષ્ણ એમને ભેટ સોગાદો આપી નથી શકતા !!  સતત ભય રહે છે માંગનારને કે,  માંગવું કે નહિ. અને સતત ભય રહે છે આપનારને કે,  આપું ને મિત્રને ઓછું આવી જાય તો ? પરિણામે કૃષ્ણ એમને મુલાકાત દરમિયાન કશું આપતા નથી. પરંતુ ઘરે પહોંચે છે ત્યારે ઝૂંપડાની જગ્યાએ સમૃદ્ધિ ભરાઈ ગઇ છે. મિત્રપ્રેમ અને ખુમારીનાં સન્માનનું આ કેટલું અદ્ભૂત રૂપ છે !!  પણ આપી દેવાનો તણખલા જેટલો ભાર મિત્રનાં ખભ્ભે ન લાગે તેની કેવી કાળજી છે !!

કહેવાય છે કે જે આપે છે તેને  ચિંતામુક્ત અને રોગનાશક વરદાન પ્રાપ્ત થાય છે. કારણ કે આપવાથી અન્યના ચહેરા ઉપર સુખ, સંતોષ જોઈને જે મળે છે તે અમૂલ્ય છે. જે માણસ પરોપકાર નથી કરી શકતો તેના  હૃદયનું કરુણાનું ઝરણું સુકાઈ જાય છે અને તે જળ બની જાય છે. યાદ રાખવા જેવું છે કે માત્ર ધન એ દાન નથી. પરંતુ વિચાર, જ્ઞાન, સમય, સ્થાવર મિલકત, અન્ન, એમ અનેકાનેક રીતે દાન આપી શકાય.  શાસ્ત્રોમાં આહાર દાન, અભય દાન, ઔષધ દાન, જ્ઞાન દાન એવા ચાર પ્રકાર છે. 

‘પ્રબુદ્ધ જીવન’ ના અંકમાં પોતાના વિચાર વ્યક્ત કરતાં માનદ તંત્રી શ્રી  સેજલ શાહ કહે છે કે,  આ સર્વેમાં ઉત્તમોત્તમ જ્ઞાન દાન છે.કારણ કે એ અજર, અમર અને ક્ષુધાથી મુક્ત અને નિર્ભય બનાવવા સમર્થ છે. જ્ઞાન દાનથી આત્મ વિકાસ થાય છે અને આત્માના ગુણ ખીલવવાનું શક્ય બને છે. જ્ઞાન જીવનનું એક અત્યંત મહત્વનું સત્ય સમજાવે છે કે જે છે તે સદાકાળ નથી. પોતે નષ્ટ થાય પહેલા તું સર્વમાં વહેંચીને સફળ બન. જે નથી તે તારું નથી એટલે તેના મોહમાં વ્યર્થ સમય બગાડવાને બદલે તે નથી તેના અભાવથી તું મુક્ત બન. આ અભય દાનનું ઉદાહરણ છે

લક્ષ્મીની ત્રણ અવસ્થા છે : દાન, ભોગ, અને નાશ. એમાં છેલ્લી બે દુઃખદાયી છે. જયારે દાન એ ઉત્તમ અવસ્થા છે.  એક પ્રશ્ન વિચારવા જેવો છે કે, જે દાન આપે તેને આપણે દાનવીર કેમ કહીએ છીએ ? વીર શા માટે ? શું દાન આપવું એ સાહસ છે ? જવાબ ‘હા’ છે. આપણી પોતાની કમાયેલી સંપત્તિને આપવા માટે હૃદયની ઉદારતા જોઈએ, વૈશ્વિક વિસ્તૃતતા જોઈએ અને મનની તત્પરતા જોઈએ. જે મમત્વ, આસક્તિ, લોભ, લાલચ આદિ છોડીને નિર્લેપ  બનીને પ્રસન્ન રહી જીવી શકે છે, આપ્યાના ભાર વગર આપી શકે છે, તે વીર છે. અને એ દ્રષ્ટિએ દાન આપનારો વીર કહેવાયો છે.

આપણા હિન્દુ શાસ્ત્રોમાં પણ ભગવતગીતામાં દૈવી સંપત્તિ અને આંસુરી સંપત્તિની યાદી ભગવાને ગણાવી છે. અને એમાં દાનને પણ સ્થાન છે. સાત્વિક, રાજસિક, અને તામસિક, એવા દાનના  ત્રણ પ્રકાર પડે છે. (1) ઉપકારનો બદલો વાળવા, અથવા ફળની આશાએ જો દાન આપો તો એને રાજસ  દાન કહેવાય. (2) જ્યારે મનના ભાવ વિના પરાણે અપાતું દાન એને તામસ દાન કહેવાય. પરંતુ (3) કશું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિશે વિચારીને અપાતું દાન એ સાત્વિક દાન ગણાય. આપણે કોઈનો ઉપકારનો બદલો નથી વાળવો, આપણે કોઈ ઉપર અહેસાન નથી કરતા, પરંતુ હકીકતમાં તો આપણી ઉપર લેનારો અહેસાન કરી રહ્યો છે કે ઈશ્વરે એને આપણી પાસે મોકલ્યો છે અને એ મોકલવામાંથી આપણે એને આપવા માટે યોગ્ય બન્યા છીએ.

પ્રબુદ્ધ જીવનનાં દાન વિશેષાંકમાં શ્રીમતી ભારતી દિપક મહેતાએ આપણો પરિચય એક સુપેરા દાનવીર શ્રેષ્ઠી  સાથે કરાવ્યો છે. એ સુપેરા દાનવીર કે જેમણે પિતાની વિદાય પછી નવ જ વર્ષની વયે પેનની નિબ, ચોપડા  વગેરે નાની-નાની વસ્તુ વેંચીને પોતાના ભણવાની ફી ભરી અને વીસમે વર્ષે એ ‘સોનેરૂ સપનું જોનાર યુવાન ઉદ્યોગપતિ’ બની ગયા. 45મે વર્ષે કેમિકલની દુનિયાનાં બેતાજ બાદશાહ બન્યા. પરંતુ ગુરુના પરિચયમાં આવ્યા. અને ગુરુના પરિચયમાં આવ્યા પછી મંગલ કાર્યો કરતા-કરતા એવા સ્થાન ઉપર તેઓ પહોંચ્યા કે એમણે  ‘अहं करोमि’ એવું કહેવાને બદલે ‘मया क्रियते’ એવું હંમેશા કહેવાનું પસંદ કર્યું. ‘હું કરતો નથી, મારા વડે કરાય છે’ એવી વિભાવના મનમાં બેસે ત્યારે આપણને ગુરુદેવ તરફથી આશીર્વાદ મળે ‘करिष्ये वचनं तव’. એમણે એક વખત ગુરુદેવને પ્રશ્ન પૂછેલો. સાહેબજી, મુંબઈમાં સિગ્નલ આવે ત્યાં  ભિક્ષુકોનો હાથ લંબાય. તો નાણું આપીને ભીખની એ ટેવને પોષવી જોઈએ કે નહિ? ગુરુ મહારાજે ઉત્તર આપેલો, ‘સી કે, (સી. કે. મહેતા) કોઈ હાથ લાંબો થાય ત્યારે તે ક્યારેય ખાલી પાછો જવા ન દેવો. એમ વિચાર કરવો કે,  એક તો દાન દેવા મળે છે અને બીજું આપણો  કરુણાભાવ પોષાય છે. વળી દાન દેતી વખતે યાદ રાખવું કે,  આપણો હાથ ઊંધો રાખવો કે જેથી યાદ ન રહે  કે,  કેટલું આપ્યું છે.’  કદાચ એટલા માટે જ કહેવાય છે કે,  દાન દેનારનો ચહેરો ન જોશો, દાન દેનારની સ્થિતિ જોશો.

આપણા શ્રી રામચરિત માનસને વિશ્વભરમાં ખૂણે-ખૂણે લઈ જનાર શ્રી મોરારીબાપુ જયારે સાંધ્ય ગોષ્ઠિમાં બેઠા હોય અને હિંડોળે હિંચકતા હોય ત્યારે કેટલાક આત્મીય લોકો સી.કે. મહેતાની જેમ જ એમને ઉદ્દભવતા પ્રશ્નો બાપુને પૂછી લેતા હોય છે. એક વખત આ સમયે હાજર રહેવાનો મને લ્હાવો મળ્યો ત્યારે,  એક નિમિત્ત માત્ર યજમાને પૂછ્યું કે,  ‘બાપુ અવિવેક ન થાય તો એક વાત આપને કહેવી છે.’  તરત જ સામેથી હકારાત્મક ઈશારો થયો  અને એમણે કહ્યું કે,  ‘બાપુ,  આપ અહીંયા જે આપની પાસે આવે છે,  એવા કેટલાક લોકોને એમની સ્થિતિને જોઈને કંઈકને કંઈક હાથમાં મૂકો છો, કોઈ ને કોઈ રકમ એના હાથમાં આપો છો, કોઈ ને કોઈ વસ્તુ એને પકડાવો છો, પણ બાપુ આપને ખ્યાલ છે કે એવા લોકો બહાર જઈને આપે આપેલા પૈસાથી નશો કરે છે ?  વસ્તુ કે રકમનો સાચો ઉપયોગ નથી કરતા.’  થોડીવાર સુધી આકાશ સામું જોઈ રહેલા મોરારીબાપુએ જે જવાબ આપ્યો એ આજના લેખનું સમાપન કરવા માટે યથાયોગ્ય છે. ‘સાંભળો, તમારી વાત સાચી છે. એવું નથી કે, આની મને ખબર નથી. પણ એવું  હું ધ્યાનમાં રાખીને આપતો  નથી. જુઓ ભાઈ, આપણે તો કુદરત સામું જોવાનું. પ્રકૃતિ નક્કી કરીને હેત વરસાવે છે ?? એક વાદલડી વરસે ત્યારે એ જોવે છે કે નીચે મારું  પાણી ખાબોચીયામાં જાય છે કે સરોવરમાં જાય છે? વાદલડીનું કામ વરસવાનું છે. જેવી જેની પાત્રતા તેવો તેનો ઉપયોગ.’

 

 

 

 

 

 

 

માનવતાની મિશાલ દાન ધર્મ:: ‘પ્રબુદ્ધ જીવન’નો દાન વિશેષાંક

માનવતાની મિશાલ દાન ધર્મ:: ‘પ્રબુદ્ધ જીવન’નો દાન વિશેષાંક

 

શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આચાર્ય રજનીશ પણ વક્તવ્ય આપી ચુક્યા છે !!

શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જ્ઞાન પ્રદાન કરવામાં અને ધર્મ શાસ્ત્રોના પ્રચાર પ્રસારમાં મોખરે કામ કરતી લગભગ શતાબ્દીના આરે ઉભેલી સંસ્થા છે.

‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ની સ્થાપના 1929માં થઈ. પણ એનું પ્રદાન નોંધવા જેવું રહ્યું છે. આ સંસ્થા દ્વારા પ્રતિમાસ પ્રબુદ્ધ  જીવન નામથી એક અતિ ચીવટ પૂર્વક સંપાદિત થયેલ માસિક કે  જેને  ગ્રંથ કહીએ એટલી ઊંચાઈ ધરાવતું હોય, તેનું પ્રકાશન થાય છે. છેલ્લા 97 વર્ષથી ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’નું માસિક પ્રબુદ્ધ જીવન પ્રગટ થઈ રહ્યું છે.

પ્રબુદ્ધ જીવનની સમૃદ્ધ ધારા સાથે જોડાયેલા વિદ્વાનોમાં પંડિત સુખલાલજી, મણિલાલ મૂકમચંદ શાહ, પરમાનંદ કુંવરજી કાપડિયા, ચીમનભાઈ ચકુભાઇ શાહ, ડો. રમણલાલ શાહ અને ડો. ધનવંત શાહને આપણે યાદ કરવા પડે. આ 97 વર્ષથી પ્રકાશિત થઈ રહેલા પ્રબુદ્ધ જીવનમાં અત્યાર સુધીમાં લગભગ દસ  તંત્રી મહાશયો સેવા આપી ચુક્યા છે.  અને હાલ 2016થી ‘પ્રબુદ્ધ જીવન’ નાં માનદ તંત્રી તરીકે મુંબઈના ગુજરાતીના અધ્યાપિકા, જૈન શાસ્ત્રનાં ઊંડા અભ્યાસી અને અનેક લોકો સાથે સહજતાથી અને મિઠાશથી નાતો બાંધનાર ડો. સેજલ શાહ છે. તેમણે હવે અધ્યાપકની કારકિર્દી માંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી છે. એટલે એવું માની શકાય કે ‘પ્રબુદ્ધ જીવન’ ને એક લાંબા ગાળાના તંત્રી હવે મળી ગયા છે. દીર્ઘ દ્રષ્ટિવાન આ તંત્રીએ અનેક કર્યો કર્યા છે પણ એની વાત કરીએ તો એમને ગમશે નહિ. એટલે આપણે વાત કરીએ જૈન યુવક સંઘનાં પર્યુષણ વ્યાખ્યાન માળાની.

1929 માં સંઘની સ્થાપના થઈ ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે, વૈચારિક પ્રવૃત્તિ થાય એવું આપણે કશું કરવું. અને એ ત્યારનાં સ્થાપક મહાનુભાવોનો વિચાર હતો. પરંતુ ધીમે ધીમે કરતાં આ વિચારને નક્કર આકાર આપવામાં આવ્યો 1931થી. જ્યારથી વાર્ષિક પર્યુષણ વ્યાખ્યાન માળનો પ્રારંભ થયો. એમાં એક પછી એક અનેક ક્ષેત્રના વક્તાઓ, મુનિશ્રીઓ, સંતો, મહંતો, ડિપ્લોમેટ્સ વગેરે આવતા રહ્યા અને પર્યુષણ વ્યાખ્યાન દરમિયાન  જૈન અને જૈન શાસ્ત્રોની તથા  જીવન અને કૌશલ્યને સ્પર્શતા અનેક વિષયો ઉપર પોતાની છણાવટ કરતાં રહ્યાં. આચાર્ય રજનીશ પણ અહીં વ્યાખ્યાન આપી ગયા છે. 1931થી આજે 2024 સુધી આ પર્યુષણ વ્યાખ્યાન માળા અવિરત ચાલે છે. એમાં એક સરસ મજાનું મોરપીંછ ઉમેરાયું.

સંઘને વિચાર આવ્યો અને એમણે અનુકંપા પ્રોજેક્ટ શરુ કર્યો. છેલ્લા 39 વર્ષથી મુંબઈ જૈન યુવક સંઘ ગુજરાત રાજ્યના પછાત વિસ્તારમાં આવેલી કોઈ એક સંસ્થાને દર વર્ષે  દત્તક લઈ તેને આર્થિક સહાય કરે છે. બનતું હોય છે એવું કે, પર્યુષણ દરમિયાન જૈન શ્રેષ્ઠીઓ ઠેર-ઠેર દાન કરતા હોય છે. પણ એનું સારી રીતે વિતરણ ન થાય તો એ દાનનો ઉપયોગ યથાર્થ ન થાય તેની બદલે ‘શ્રી મુંબઈ જૈન યુવક મંડળ’  મધ્યસ્થી બન્યું અને એમણે આ છેલ્લા 39 વર્ષમાં દર વર્ષે એક-એક સંસ્થાની મુલાકાત લઈ, તેની સ્થિતિ જાણી, તેની આવશ્યકતાઓની નોંધ કરી, અને યથાર્થ  વિગત પર્યુષણ વ્યાખ્યાન માળા પહેલા અને દરમ્યાન જૈનો સુધી પહોંચાડી અને તેમને વિનંતી કરી કે, આ વર્ષનું પર્યુષણ પર્વ દરમિયાનનું આપનું દાન આ અનુકંપા પ્રોજેક્ટમાં આપો. એની બહુ ધારી અસર થઈ. ઘણીવાર એવું બને છે કે,  દાન આપવું હોય પણ ક્યાં આપવું, દાન પાત્ર કોણ છે, એ જાણવું મુશ્કેલ હોય છે. સહજતાથી જેણે જાજી પિષ્ટપિંજણમાં પડ્યા વગર દાન આપવું છે તેને કોઈ આંગળી ચીંધે કે આ રહી એ સંસ્થા,  તો એ દાતાનો માર્ગ સરળ બની જાય છે. એમાં અનુકંપા પ્રોજેક્ટ બહુ જ ઉપયોગી નીવડ્યો.  દર વર્ષે સંઘ દ્વારા આશરે 40 લાખ જેટલી માતબર રકમ સંસ્થાઓને પહોંચાડવામાં આવી. આજ સુધીમાં અંદાજ ગણીએ તો લગભગ  37 જેટલી સંસ્થાઓને આ સંઘ દ્વારા સાડા સાત  કરોડની રકમ દાન સ્વરૂપે આપવામાં આવી છે.

પ્રબુદ્ધ જીવન માનવીય જીવનનો સંવાદ છે, એવી એની ટેગ લાઈન કહે છે.  એનો અર્થ એવો  છે કે,  એ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત થતું હોવા છતાં આ માસિકનો ઉદેશ્ય માનવ જીવનને સ્પર્શવાનો છે. માનવ જીવનનનાં ઉત્તમ પાસાઓને ઉજાગર કરવાનો છે. તો માનવ જીવનના તામસિક પાસાઓ તરફ આંગળી ચીંધીને તેને ધીમે-ધીમે ઘટાડવાનો છે. અને તેથી જ એની ટેગલાઈન માનવીય જીવનનો સંવાદ એવું આપવામાં આવ્યું છે. બહુ સહજ છે કે,  તે અંકને કોઈ ને કોઈ જૈન અગ્રણી સૌજન્ય પૂરું પાડે છે અને પરિણામે આ પ્રબુદ્ધ જીવન દ્વારા અનેક વિશેષાંકો પણ  થયા છે. આપણને એ વાતનું આશ્ચર્ય થાય કે, આજે જયારે દૈનિક પત્રો ચલાવવામાં પણ કસોટીનો સમય આવ્યો છે અને  સામયિકો બંધ કરવા પડે અથવા સમાજની મદદ માંગવી પડે એવો સમય આવ્યો છે ત્યારે પ્રબુદ્ધ જીવન છેલ્લા 97 વર્ષથી અણનમ આપણી વચ્ચે આવી રહ્યું છે એ એક બહુ મોટી સિદ્ધિ છે અને સિદ્ધિની સમગ્ર સમાજે નોંધ લેવા જેવું છે.

આપણે ઘણીવાર ફરિયાદ કરતાં હોઈએ છીએ કે સાત્વિકતા ક્યાંય બચી નથી. મને એમ લાગે છે કે પ્રબુદ્ધ જીવન આપણા સૌ માં સાત્વિક્તાનાં ઝીણા-ઝીણા બીજ રોપવાની એક પ્રક્રિયા છે. પ્રબુદ્ધ જીવનનો દાન વિશેષાંક એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો સંયુક્ત અંક છે અને એ પ્રબુદ્ધ જીવનનાં આ અંકનું ટાઇટલ છે, માનવતાની મિશાલ દાનધર્મ‘. દાન એકત્ર કરીને અનુકંપા પ્રોજેક્ટ ચલાવ્યા પછી સેજલ અને તેની ટીમને એવો વિચાર આવ્યો કે,  આ દાન વિશેની ગ્રંથસ્થ અને વ્યવહારસ્થ સ્પષ્ટતા લોકો સુધી પહોંચે તો ઘણું સારું  અને એમાંથી જન્મ થયો આ ‘માનવતાની મિશાલ દાન-ધર્મનો’. આપણી પાસે આ અંક આવ્યો તે શ્રવણ સુદ 11 અને વીર સંવત 2550નો અંક, આપણને દાન ઉપરનાં એકદમ તળથી લઈને શીર્ષ સુધીના વિચારોને પ્રસ્તુત કરી આપે છે. ભગવતગીતા શું કહે છે, ઇસ્લામ ધર્મમાં દાન શું છે, ખ્રિસ્તી ધર્મમાં દાનની ભૂમિકા શું છે, ગૌતમ બુદ્ધનાં દાનના વિચારો ક્યા છે, આટલું જ નહિ પણ એવા કેટલાક માતબર દાનવીર લોકો કે જેણે પોતાનાં જીવનમાં આંખો મીંચીને દાન કર્યું છે એવા શ્રેષ્ઠીઓના જીવન વૃતાંતને નહિ પણ કર્તવ્યવૃતાંતને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. આ એકસો પચાસ  પાનાંનો અંક આપણને દાન વિશેનું તલસ્પર્શી જ્ઞાન આપે છે એમ કહું તો અતિશયોક્તિ નથી.

જૈન મુનિઓ, જૈન સાધ્વીઓ, અને જૈન અભ્યાસના ધુરંધરો પોતાના લેખ દ્વારા અને કેટલાક દાન-ધર્મ સાથે સીધા વર્ષોથી જોડાયેલ વ્યક્તિઓ દ્વારા લગભગ 60 લેખ આ દાન વિશેષાંકમાં આપણને મળે છે. હું માનું છું કે,  આ દાન વિશેષાંક ભલે પર્યુષણ પર્વમાં આપણી સામે આવ્યો પણ આપણા હિન્દુ  શાસ્ત્ર મુજબ આપણા મકર સંક્રાંતિ  કે દિવાળી કે કોઈ તહેવાર ઉપર દાન કરીએ છીએ તે દાનની ભૂમિકા શું છે અને દાન કોને, ક્યારે, કેટલું, કેવી રીતે આપવું જોઈએ તેની ખુબ જ ઊંડાણથી માહિતી જાણવી હોય તો આ અંક બહુ  ઉપયોગી નીવડશે. આપણે દાન વિશેના કેટલાક વિચારો પણ આ અંકમાંથી જાણવા છે પણ અત્યારે ઝડપથી પર્યુષણ પર્વ વીતી રહ્યું  છે ત્યારે અને વરસાદ આપણી ઉપર હેતનું દાન કરી રહ્યો છે ત્યારે આપણા હૃદયની અંદર તેવા કોઈ અંકુરણ ફૂટે અને આપણે પણ દાન આપવામાં કંજુસાઈ ન કરીએ પણ આભ ફાટે એટલું દાન આપણે આપતા થઈએ એવી શુભ ભાવનાથી આ પરિચય અહીં  મુક્યો છે.

હાથીની અંબાડી પર ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ !!

હાથીની અંબાડી પર ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથ !!

મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ ગ્રંથનું ભવ્યસ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી.

જયસિંહ સિધ્ધરાજ માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. વિદ્વત્તાપ્રેમી રાજા જયસિંહ સિધ્ધરાજ સેંકડો ગાડાંઓ ભરીને એ ગ્રંથો પાટણમાં લાવ્યા. આ જ્ઞાનભંડારને જોઈને એ આશ્ચર્યચકિત થતો હતો ત્યાં જ  એમાં ભોજરાજ વિરચિત ‘સરસ્વતીકંઠાભરણ’ નામના વ્યાકરણગ્રંથ પર નજર પડી. પંડિતોને પૂછ્યું કે આ ગ્રંથનું મહત્તમ કેટલું ? તો જાણવા મળ્યું કે,  પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજરાજનું આ વ્યાકરણ છે અને  તે એના રાજ્યમાં ભણાવાય છે. પંડિતોએ ભોજરાજની વિદ્વત્તાની પ્રશંસા કરી અને તેથી જયસિંહ  સિધ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતાનું સ્મરણ થયું. એ સમર્થ રાજા હતા એટલે એમને થયું કે, રાજા ભોજ અને માળવા દેશ નથી, કિંતુ વિદવાનોના  હૃદયમંદિરમાં તો એ બંનેની ઉપસ્થિતિને શાશ્વત રાખનારું આ વ્યાકરણ તો છે.!!

રાજા સિધ્ધરાજને મંથનના અંતે  વિચાર આવ્યો કે, તલવારથી મેળવેલા વિજય તો આજે છે અને કાલે ભૂંસાશે. પરંતુ  વિદ્વત્તા તો  વહેંચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. રાજાએ જાણ્યું કે,  જ્ઞાનોપાસના માટે માળવાના વિદ્યાર્થીઓને ક્યાંય જવું ન પડે એ માટે જુદી જુદી વિદ્યાના ગ્રંથો ત્યાં રચાયા, જેમાં ચિકિત્સાશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્ર છે. આ જાણીને તો બાર બાર વર્ષની મહેનત પછી મેળવેલો માળવાના વિજયનો આનંદ જાણે  ઝાંખો પડી ગયો. રાજાએ સંકલ્પ કર્યો કે,  સરસ્વતીના તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનાં વહેણ વહેતાં કરવાં.

વિ. સં. ૧૧૯૩માં સિધ્ધરાજે આ વ્યાકરણ લખવાનું કાર્ય હેમચંદ્રાચાર્યને સોંપ્યું અને સકારણ માનભેર કાર્ય સોંપતાં કહ્યું કે, “હે મુનિનાયક ! મને થશ મળશે અને આપને પ્રસિધ્ધિ અને પુણ્ય — બંને મળશે, તેથી વિશ્વના લોકો ઉપર ઉપકાર થાય તે માટે આપ નવીન વ્યાકરણની રચના કરો.” જયસિંહ સિધ્ધરાજે ઠેર ઠેરથી રાજચિહ્ન સાથે પત્રો પાઠવીને હસ્તપ્રતો મંગાવી. રાજદૂતોને તત્કાળ કાશ્મીર મોકલી  ત્યાંના ભારતીદેવી પુસ્તકાલયમાંથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણ મોકલવા ઉપરાંત ઉત્સાહ નામના પંડિતને પણ હેમચંદ્રાચાર્યને વ્યાકરણ રચનામાં મદદ કરવા માટે મોકલ્યા.

મહારાજ સિધ્ધરાજની માનસસૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું. યુધ્ધનાં દુંદુભિ નાદોનું શ્રવણ કરનારા રાજાના કાનમાં વ્યાકરણનાં સૂત્રો અને મધુર દૃષ્ટાંતો ગુંજવા લાગ્યાં. હવે રાજ્યોનો  વિસ્તાર નહીં પણ વિદ્યાવિસ્તાર અંગેનું  ચિંતન શરુ થયું. સમય મળે કે તરત  મહારાજ સિધ્ધરાજ ઉપાશ્રયમાં આવીને શાંતિથી એક ખૂણે બેસે  અને વિદ્યા- યજ્ઞમાં સામેલ થાય. સિધ્ધરાજની ઉપસ્થિતિએ સાધુઓ અને વિદ્વાનોના ઉત્સાહમાં ઉલ્લાસનો રંગ પૂર્યો.

હેમચંદ્રાચાર્યનો જન્મદિન કાર્તિક પૂર્ણિમા ! એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણસર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ બરાબર એક વર્ષે પૂર્ણ થયું. એક વર્ષમાં તો સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ, પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના કરી, જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું. વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિધ્ધરાજ અને રચનાર હેમચંદ્રાચાર્યનું સંયુક્ત સ્મરણ જાળવવા માટે સિધ્ધહેમશબ્દાનુશાસનરાખવામાં આવ્યું. જયસિંહ સિધ્ધરાજે ત્રણસો લહિયાઓ રોકીને “સિધ્ધહેમ’ વ્યાકરણની પ્રતિલિપિ તૈયાર કરાવવાનું શરુ કર્યું. થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો તૈયાર થઈ. મહારાજ સિધ્ધરાજે દેશવિજયની જેમ ગ્રંથનું ભવ્યસ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી. ભારતના જુદા જુદા પ્રદેશોમાં કંકોતરીઓ મોકલવામાં આવી. આ વિદ્યાના ઉત્સવમાં કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યાં. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો. છેલ્લે દિવસે ગ્રંથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી-સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી. પાછળ સૂર્યમુખી ફૂલ ને કૂકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એમની પાછળ ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ  ચાલવા લાગ્યા. અને ત્યારબાદ સ્વયં મહારાજ સિધ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્ર ચાલતા નજરે પડ્યા… આ સમગ્ર પ્રસંગોનું નખશીખ વર્ણન જૈન સાહિત્યના પ્રખર વિદ્વાન અને અભ્યાસુ પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ તેમના લેખમાં સુપેરે કર્યું છે, તેની નોંધ સાદર લેતા ઉપકૃત છું.

અંબાડી પર ગગનભેદી નાદોની વચ્ચે સિધ્ધહેમ વ્યાકરણ મૂકવામાં આવ્યું. બે પટ્ટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી. હજારો સ્ત્રીપુરુષો એ ગ્રંથની સ્વાગત યાત્રામાં જોડાયાં. ભારત વર્ષમાં હાથીની અંબાડી પર આજ સુધી માત્ર રાજા-મહારાજાઓ બિરાજમાન થયા હતા. વિજયી રાજવી અંબાડી પર બેસીને પ્રજાનું અભિવાદન ઝીલતા  હતા. આજે પહેલીવાર હાથીની અંબાડી પર સિધ્ધહેમશબ્દાનુશાસનગ્રંથ બિરાજમાન હતો અને એની સાથે વિદ્વત્તાના ભંડાર સમા આચાર્યશ્રી અને વીરતાના પ્રતીક સમા રાજા સિધ્ધરાજ ચાલતા હતા. આચાર્ય હેમચંદ્રના મુખ પર અચલ શાંતિ અને સાધુસુલભ નમ્રતા વિલસી રહ્યાં હતા. આજુબાજુ પંડિતો અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા  હેમચંદ્ર શોભાયાત્રાની મધ્યમાં તેજરાશિ જેવા શોભતા હતા. ભારતના ઇતિહાસમાં વિદ્યાની ક્યારેય આવી ભવ્ય પ્રતિષ્ઠા થઈ નહોતી.

જુઓ, મહાન ગ્રંથની રચના કરીને સંતોષ ન માનનાર રાજાએ રાજસભામાં પંડિતોની સમક્ષ એનું વાચન કરાવ્યું અને પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવીને પાટણના કાયસ્થ વૈયાકરણ કક્કલને ‘સિધ્ધહેમશબ્દાનુશાસન’ના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. આ વ્યાકરણનું અધ્યાપન કરનારા વિદ્યાર્થીઓની જ્ઞાનપંચમીને દિવસે પરીક્ષાઓ લેવાતી. ત્રણસો લહિયાઓને બેસાડી આ વ્યાકરણની નકલ કરાવી, અંગ, બંગ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઈરાન, લંકા એમ સઘળે ઠેકાણે એની નકલો મોકલી આપવામાં આવી. શ્રી કુમારપાળ લખે છે કે, ગુજરાતમાં સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી.

શબ્દાનુશાસન’ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે

કવિશ્રી નિરંજન ભગતને મળવા આવેલા એક ફ્રેન્ચ અભ્યાસીએ એમને પૂછ્યું કે, ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ઘટના કઈ ? પાટણમાં નીકળેલી ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની શોભાયાત્રા કે ગાંધીજીએ કરેલી દાડીકૂચ.

ત્યારે નિરંજન ભગતે જવાબ આપ્યો કે આજથી આશરે હજાર વર્ષ પહેલાં પાટણમાં થયેલી આ સરસ્વતી યાત્રા એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય.

હિંદુઓ માટે  ‘લલ્લેશ્વરી’ કે  ‘લલ્લા યોગીની’  અને મુસ્લિમો માટે  ‘લાલ આરીફા’ !!!

હિંદુઓ માટે ‘લલ્લેશ્વરી’ કે ‘લલ્લા યોગીની’ અને મુસ્લિમો માટે ‘લાલ આરીફા’ !!!

તમે ઘર વગરના થઈ જાઓ છો એનો અર્થ એવો છે કે, તમે આખા વિશ્વનાં થઈ જાઓ છો.”..જાબાલ  ઉપનિષદ 

હિન્દૂ અને મુસ્લિમ બંને જેને સાદર ભજે છે તે યોગીની લલ્લેશ્વરી કહે છે…

તમે આમ અંધની જેમ બહાર લટાર શું મારો છો? જો તમે શાણા હો તો અંદરની યાત્રા શરૂ કરો. શિવા ત્યાં છે, બીજે ક્યાંય નથી. સીધા સાદા મારા શબ્દો ઉપર વિશ્વાસ રાખો.

આજના સમયમાં જે ખાના-ખરાબી, મુશ્કેલીઓ, માનવજાત માટે વધી રહી છે એના સામે ભૂતકાળમાંથી જો આપણી સમક્ષ શ્રદ્ધા, પ્રેમ, અને સૌહાર્દનો  સંદેશો લઈને કોઈ આવ્યું હોય તો એ યોગીની લલ્લેશ્વરી છે.લોકો એને પ્રેમથી  ‘લલ્લા’ કહેતા.

હકીકતમાં એ લાલ દેવી 14 મી સદીમાં કાશ્મીરમાં થયા. એ સમય હતો સંસ્કૃતિ અને માન્યતાઓના સંમિશ્રણનો. લલ્લાને મહાન મધ્યકાળના સુધારાવાદી સંતો પહેલાની પેઢીના ગણવામાં આવે છે. જેમ કે,  રામાનંદ અને કબીરદાસ એ ભક્તિ પરંપરાના પૂર્વ અને પશ્ચિમ ભારતમાંથી 15મી સદીમાં થયા. લલ્લા એ ભગવાન શિવની આરાધક હતી. પરંતુ એ માત્ર પૂજા-અર્ચના કે આરાધનાનો વિષય નહોતો. એ સમયના ધાર્મિક દર્શનોની તેના ઉપર બહુ મોટી અસર હતી.

લલ્લાનું જે કથન છે અથવા લલ્લાના જે સુવિચારો છે તેમાં ભારતીય હિન્દુ ભક્તિ પરંપરા અને સુફીઝમનો   એક સાથે સુમેળ  જોવા મળે છે. આશ્ચર્યની અને આંનદની વાત એ છે કે, એ હિંદુ અને મુસ્લિમ બંનેની અંદર સમાન માન પ્રાપ્ત દેવી હતાં. હિંદુઓ તેને ‘લલ્લેશ્વરી’ અથવા ‘લલ્લાયોગીની’ કહેતા, અને મુસ્લિમો તેને ‘લાલ આરીફા’ કહેતા. એવું કહેવાય છે કે લલ્લાને કોઈ એક વિચારની શાખા સાથે જોડવી એ તેમના આધ્યાત્મિક સ્વભાવથી વિપરીત ગણાય. લલ્લાનો જન્મ શ્રીનગર પાસેના એક નાનકડા ગામમાં કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં થયો. જો કે તેમની જન્મ તારીખ માટે હજુ એકવાકયતા નથી સધાણી. પરંતુ જે અભ્યાસુઓ છે એ એવું માને છે કે,  તે 1317 થી 1320 ની વચ્ચે જન્મ્યા હતા. બાળક તરીકે જ લલ્લાએ પોતે આધ્યાત્મિક અર્થો, શાસ્ત્રો, વગેરેનો સઘન અભ્યાસ કર્યો હતો. પોતાના પિતાના ઘરમાંથી જ તેણે  કેટલાક ધાર્મિક ગ્રંથોમાંથી અધ્યયન કરેલું. એ સમયના જ્ઞાતિના રિવાજ પ્રમાણે 12 વર્ષની ઉંમરે  લલ્લાનું  લગ્ન  સોનાભાટ એ દ્રંગબાલના એક બ્રાહ્મણ છોકરા સાથે થયું હતું. જોકે, આ લગ્ન પરિણય એટલો સુખદ નહોતો કારણ કે, એમના પતિ અને તેમના સાસુ એમને સારી રીતે સાચવતા નહોતા. એમના સાસુ એમની જમવાની થાળીમાં મોટો પથ્થર મૂકીને તેના ઉપર ભાતનું એક થર ચડાવીને જમવા આપતા હતા. લાગતું તો એવું કે, તેઓ ભાવપૂર્વક ભરચક થાળી લલ્લાને આપી રહ્યા છે.

લલ્લાએ એક વખત બરાબર નોંધ કરી કે,  મને મારા પતિ અને કુટુંબ તરફથી જે કંઈ વાનગી આપવામાં આવે છે તેમાં સતત પથ્થર હોય છે. પરંતુ લલ્લાએ કોઈ દિવસ ફરિયાદ ન કરી. એમને બહુ જ હેરાન કરવામાં આવ્યા અને તેને અર્ધ ભૂખ્ય અવસ્થામાં જીવવું પડ્યું, પણ તો પણ તેમણે પ્રાર્થના, ધ્યાન અને એકાંતમાં પોતાની જાતનો ખોરાક પ્રાપ્ત કર્યો. એમનું આ મુશ્કેલી ભરેલું લગ્નજીવન એમને ભૌતિક જગતમાંથી દૂર કરવામાં કારણભૂત બન્યું. અને પરિણામે લલ્લા બહારની યાત્રા બંધ કરીને અંદર ઉતરવા લાગી. એમને  પોતાના કુટુંબના એક ધર્મ પુરુષ દ્વારા અને એ સમયના બહુ જ મોટા સ્કોલર ‘સિદ્ધા શ્રીકાંતા’ દ્વારા કેટલીક આધ્યાત્મિક સાધના પદ્ધતિઓનો પરિચય મળ્યો અને એમાંથી તેની અંદરની  ખોજ શરૂ થઈ. એમની શિખામણે એમનું જીવન બદલી નાખ્યું.

“મારા ગુરુએ એક વખત કહ્યું, ‘અંદર તરફ પાછી વળ… અંદર તરફ પાછી વળ’ અને આ લલ્લાનું કેવળ શિક્ષણ હતું કે, જેમાં એણે પોતાની નજરને પોતાની જાતની અંદર વાળવાની હતી. લલ્લા કહે છે કે,  મેં જૂઠી માન્યતાઓને ફગવી  દીધી અને મેં  મારી અંદરના અવાજને એકલાને અનુસરવાનું નક્કી કર્યું. અંતે હું મારી જાતને મારી અંદર ઊંડાણથી જોતા અનુભવી રહી હતી. અને મને ખ્યાલ આવ્યો કે,  એ તું છો, જે ઈશ્વર સર્વત્ર છે.”  ત્યાર પછી લલ્લાની આખી યાત્રા આધ્યાત્મિક આત્મ સંશોધન માટે થઈ અને તે એકદમ ઝડપથી થઈ. એ પોતે કુટુંબી કુટુંબ તરીકે ન રહી શકી અનેક આધ્યાત્મિક પુરુષો સાથે તેમણે ઘરેલુ જીવનને આધ્યાત્મિક ક્રાંતિ માટેની  સાધનામાં ફેરવી નાખ્યું. કહેવાય છે કે,  જ્યારે તમારો  નાતો બહારની દુનિયા સાથે  કપાય છે ત્યારે તમે વધુ તેજસ્વી બનો છો. અને તેનામાં બહુ મોટો ફેરફાર થયો.

જેમ જાબાલા ઉપનિષદ કહે છે, કોઈએ એક ક્ષણે પોતાનું ઘર છોડી દેવું જોઈએ, જ્યારથી તેની અંદરના ભાગમાં નવો દિવસ ઉગવા લાગે. તમે ઘર વગરના થઈ જાઓ છો એનો અર્થ એવો છે કે,  તમે આખા વિશ્વનાં થઈ જાઓ છો. કોઈ એક નિશ્ચિત તમારું સ્થાનક હોતું  નથી. લલ્લાએ ઘર છોડી દીધું એ ઉંમરે, લગભગ વીસેક વર્ષની હશે. તે એક સૂફી બિંદાસ્તની જેમ પોતાના વસ્ત્રો ત્યાગી દઈને નાચતી-કુદતી ફરવા લાગી, આ એના માટે સ્વાતંત્ર્ય  હતું અને આશીર્વાદ સમાન સાચી ક્રાંતિ હતી. યોગિનીએ બરાબર જાણ્યું, પામ્યું કે,  ભગવાન શિવ અને બીજા કોઈને સામાજિક માન્યતાના કોઈ  રીતિરિવાજમાં પડવાની જરૂર નથી. આવી રીતે તે ભટકવા લાગી. પોતાના શરીરથી પૂર્ણત: અજાણ અને માત્ર ને માત્ર પોતાની અંદર રહેલા આત્મા સાથે જોડાણ સાધીને એણે ઘૂમવાનું શરૂ કર્યું. એમના રખડપટ્ટીના એ દિવસોમાં કવિતાઓ, સૂત્રો ને શ્લોકો એનામાંથી નીકળવા માંડ્યા, જેને લલ્લાના વાખ કહેવામાં આવ્યા. એ બહુ જ ઊંડાણ ભર્યા, વ્યક્તિગત, લગભગ પહેલા પુરુષમાં લખાયેલા અને પરંપરાની રીતે ચાર લીટીઓમાં હોય. આ સ્તોત્રોએ એમનો અનુભવ એકદમ આનંદપ્રદ ને  એકદમ શાંતિપ્રદ બનાવી દીધો.

લલ્લાની જન્મ તારીખની જેમ જ તેમની વિદાયની તારીખ પણ સ્પષ્ટ જાણી શકાયેલ નથી. પરંતુ એમ કહેવાય છે કે, 1387 થી 1390 ની વચ્ચે દક્ષિણ કાશ્મીરમાં આવેલ બિજબેહરા ગામ તે ગયેલ અને ત્યાં લલાએ સમાધિ લીધી. કહાની એવું કહે છે કે, હિંદુઓ તેના શરીરને અગ્નિદાહ આપવા માટે માંગણી કરી અને મુસ્લિમોએ તેના શરીરને દફનાવવા  માંગણી કરી, પરંતુ  લલ્લાનાં શરીરમાંથી એક જ્યોત પ્રગટી અને કોઈ કશું સમજે તે પહેલા તો એ જ્યોતિ અસ્તિત્વમાં વિલીન થઇ ગઈ !!

લલ્લાએ બહુ જ સઘન સાધના કરીને કાશ્મીરી સૈવીઝમ, તંત્ર, યોગ વગેરેનો  બરાબર સ્વાધ્યાય કર્યો, અને પોતાના વાખની અંદર એને ઉતાર્યા. કહેવાય છે કે, આ વાખ કબીર અને રહીમના દોહાને મળતા આવે છે. તેમના વાખ વાંચીએ ત્યારે લાગે છે કે,  એમને કોઈએ સીધું કંઈ શીખવ્યું હોય અને બહાર આવ્યું હોય એવું કશું નથી. પરંતુ એમની અંદર જાણે દિવ્ય આત્માએ કશુંક પ્રગટાવ્યું છે. “હું જે વાંચું છું તેને અમલમાં મુકું છું, અને શીખું છું જે શીખવાયું નથી. આ આખા જંગલમાંથી હું એક સિંહને નીચે લઈ આવું છું અને એક જંગલના  એક શિયાળ તરીકે મારા મનને નીચે લઈ આવું છું. હું જે અનુભવ છું અને જે સાધું  છું તે જ કહું છું અને એ ઉદ્દેશને પહોંચવા મથું છું.’ લલ્લા છે એ ‘ત્રિકા સ્કૂલ ઓફ કાશ્મીરી સૈવીઝમ’ ની માનવામાં આવતી હતી. આ સ્કૂલની માન્યતા એવું કહે છે કે,  બધા જ સર્જનો એ હકીકતમાં આપણી સભાનતામાંથી એટલે કે શિવમાંથી થયા છે. માણસ માત્ર જો કે, એ સમજી નથી શકતો કે એક ભગવાન જે સ્વરૂપ, નામ, કે ઓળખથી પર છે તેના જુદા-જુદા સ્વરૂપમાં આપણે અટવાણા હોઈએ છીએ.

લલ્લેશ્વરી દેવીના એક વાખથી વિસ્તૃત લેખનું સમાપન કરીએ :

“Let them abuse me with a thousand mouths

In my heart there is no hurt nor pain

If a true devotee of Sankara I am 

My mirror will not be stained by ashes.” 

ભગવાનના જન્મ અને તેના કર્મ દિવ્ય જ કેમ હોય છે?

ભગવાનના જન્મ અને તેના કર્મ દિવ્ય જ કેમ હોય છે?

 

સગુણ સાકાર કે નિર્ગુણ નિરાકારની વાતો વિગતે જાણવાકર્મનો સિદ્ધાંતઆપણને સમજાવનાર શ્રી હીરાભાઈ ઠક્કરના પુસ્તક વેદાંત વિચારમાં નિરાંતે ડોકિયું કરવા જેવું છે.

પરમાત્મા વિશે સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર, દ્વૈત-અદ્વૈત એવા અનેક વિશેષણો વાપરવામાં આવે છે અને દરેક વિશેષણને પોતાની એક નિજી સમજ છે.

વિનોબાજી એમ કહે છે કે, સગુણે  નિર્ગુણ થવું પડે છે અને નિર્ગુણે  સગુણ થવું પડે છે. તો સાકાર પણ નિરાકાર થયા વગર રહેતો નથી અને નિરાકાર પણ સાકાર થઈને જંપે છે.

છે શું ખરેખર? ઈશ્વરના મામલામાં વાત કરવા માટે આપણે નાના પડીએ પણ કેટલીક વાતો આપણને મૂંઝવ્યા કરતી હોય છે. એટલે વિચાર આવ્યા કરે અને એમાંથી પ્રશ્ન જન્મે. પ્રતિ વર્ષ ઈશ્વરનો જન્મ થાય અને જન્મનો ઉત્સવ આપણે મનાવીએ. એમાંથી એક વિચાર આવ્યો કે ભગવાનના જન્મ હમેશા દિવ્ય કેમ હોય? ઈશ્વર જે કર્મ કરે તે પણ દિવ્ય કર્મ કહેવાય એવું કેમ? આના કારણો શું છે ?

આમ જુઓ તો ભગવાન ગીતામાં કહે છે કે, હું અજન્મા, અવિનાશી, પરમાત્મા તથા તમામ દૂત માત્ર નો ઈશ્વર હોવા છતાં મારી પોતાની પ્રકૃતિને સ્વાઘીન રાખીને, મારી શક્તિથી, સ્વેચ્છાથી સગુણ સાકાર સ્વરૂપે વિવિધ શરીરોમાં પ્રગટ થાઉં છું. ગૌસ્વામી તુલસીદાસજી આ વાતને માનસ રામાયણમાં જુદી રીતે સમજાવે છે. बिप्र धेनु सुर संत हित लीन्ह मनुज अवतार। निज इच्छा निर्मित तनु माया गुन गो पार॥ એટલે કે માયા, માયાના ગુણો અને ગૌ એટલે કે ઇન્દ્રિયોથી પર એવા પરાત્પર બ્રહ્મ પોતે જ નિજ ઈચ્છાથી, પોતાને જરૂરિયાત હોય તેવા શરીરનું પોતે નિર્માણ કરીને તેમાં પ્રગટ થાય છે. હવે આપણે એ જાણવું છે કે ઈશ્વરનું બધું દિવ્ય કેમ? એના ત્રણ કારણો સ્પષ્ટ રીતે મળે છે શાસ્ત્રોમાંથી. ભગવદ  ગીતામાં કહે છે, जन्म कर्म मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः એમ કહે છે કે ત્રણ કારણો છે.

એક પહેલું તો એ કે હું તમારી માફક માતાના ગર્ભમાં નવ મહિના સુધી ઉંધે મસ્તકે લટકીને પછી જન્મ લેતો નથી. પરંતુ હું કૌશલ્યાના સૂતિકા ગૃહમાં કે દેવકીજી સમક્ષ કારાગૃહમાં, દિવ્ય ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયો અને પછી તેમની વિનંતીથી હું નાનો બાળક થઈ ગયો.

બીજું – શુભ અશુભ કર્મોનું મને બંધન નથી. તમારી માફક હું મારા આગળના જન્મના સંચિત કર્મો જે પાકીને પ્રારબ્ધ થાય તે ભોગવવા તેને અનુરૂપ શરીર પરવશ થઈને પ્રાપ્ત કરતો નથી. પરંતુ મારી સ્વેચ્છાએ, મને યોગ્ય લાગે તેવું શરીર ધારણ કરું છું. મારા ગત જન્મના કોઈપણ સંચિત કર્મો મારી પાછળ પડેલા નથી. જે મને તમારી માફક પરવશ બનાવીને પ્રારબ્ધવસાત ગમે તેવું શરીર પકડાવે.

અને ત્રીજું કારણ મારા જીવનકાળ દરમિયાન હું જે કાંઈ કર્મો કરું છું તે નિષ્કામ ભાવે કોઈ પણ પ્રકારની સ્પૃહા, આસક્તિ કે રાગ-દ્વેષ રહિત માત્ર સમષ્ટિના કલ્યાણ માટે કરું છું તેથી મારા કર્મો ખરા અર્થમાં લીલા માત્ર છે. અને તે કર્મનું શુભ અગર અશુભ ફળ ભોગવવા તમારી માફક મારો કોઈ પણ પુનર્જન્મ થતો નથી. હું મારા કોઈ કર્મોમાં તમારી માફક ફસાતો નથી.

मां कर्माणि लिम्पन्ति मे कर्मफले स्पृहा |

इति मां योऽभिजानाति कर्मभिर्न बध्यते || ગૌસ્વામી તુલસીદાસજી પોતાનો ભાવ પ્રગટ કરતા કહે છે चिदानंदमय देह तुम्हारी। बिगत बिकार जान अधिकारी॥ नर तनु धरेहु संत सुर काजा। कहहु करहु जस प्राकृत राजा॥ શુદ્ધ ચૈતન્ય, પરાત્પર બ્રહ્મ જે નિર્ગુણ-નિરાકાર છે. તે માયાના ગુણોનો સ્વીકાર કરીને અથવા તેમાં માયાના ગુણો પ્રગટ થાય ત્યારે સગુણ નિરાકાર ઈશ્વર હોય છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે, ભગવાનના અવતારની વાત આપણે સાચી માનવી કે ન માનવી? પરંતુ શાસ્ત્રો નોંધે છે કે ભગવાનના અવતારની વાત ખરી માનવાની છે. ઘણા ને પ્રશ્નો છે કે, પરમાત્મા ગોકુળમાં આવ્યા તો પછી વૈકુંઠનું શું? શ્રીરામ અયોધ્યામાં અવતર્યા તો પછી ગોલોકનો ચાર્જ કોને  આપ્યો હશે? ભગવાનને હાથ-પગને માથું ખરા? જેને જેનું જ્ઞાન ન હોય એવો બખવાસે ચડેલો માણસ ગમે તે બકે. પણ ભગવાનના અવતારની વાત ખરી છે.

દરેક વસ્તુને બે રૂપ હોય છે. એક સામાન્ય રૂપ અને બીજું વિશેષ રૂપ. એક નિર્વિશેષ રૂપ અથવા બીજું વિશેષ રૂપ. જે સર્વ જગ્યાએ વ્યાપક હોય તે સામાન્ય રૂપ અને અમુક જગ્યાએ પ્રગટ થાય તે વિશેષ રૂપ. દાખલા તરીકે અગ્નિ, વીજળી વગેરે… અગ્નિ દરેક સ્થાનમાં વ્યાપક છે. એટલે તે વાયુમાં, સમુદ્રમાં, પૃથ્વીમાં, પૃથ્વીના ગર્ભમાં અને આપણા ઉદરમાં પણ છે. ગીતામાં ગોવિંદ કહે છે કે, વૈશ્વાનરૂપે હું તમામ પ્રાણીઓના ઉદરમાં છું. અરણીના બે લાકડા ઘસાય તો તેમાંથી અગ્નિ પ્રગટે. ચકમકના પથ્થર અથડાય તો તેમાંથી અગ્નિ પ્રગટે. જે અગ્નિ પ્રગટે, નજરે દેખાય તે સવિશેષ અગ્નિ. અને સર્વત્ર વ્યાપીને રહ્યો છે તે નિર્વિશેષ અગ્નિ. અગ્નિ એક ઠેકાણે પ્રગટ થયો માટે બીજે ઠેકાણે નથી એમ કહેવાય નહિ. વળી દઝાડવાનું, દાહનું કામ સવિશેષ અગ્નિ કરે છે. તેવી રીતે સગુણ-સાકાર સ્વરૂપે પ્રગટેલા શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે જેઓનું કલ્યાણ કરે, દયા કરે, અનુગ્રહ કરે, વરદાન આપે, આશીર્વાદ આપે અને યોગ્ય લાગે તો સજા પણ કરે.

ઉદ્ધવજીએ ગોપીઓને પૂછ્યું કે, પરમાત્મા તો સર્વ વ્યાપક છે તો પછી, તે ગોકુળમાંથી મથુરા ચાલ્યા ગયા, તેમાં તમે આટલું બધું રડો છો કેમ? ત્યારે ગોપીઓએ સુંદર જવાબ આપ્યો: શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા ત્યારે અમારા માટે કૃપાસાધ્ય હતા અને હવે તે ક્રિયાસાધ્ય બન્યા, તેથી અમે રડીએ છીએ. શબરીને શ્રી રામ કૃપાસાધ્ય બન્યા અને રૂબરૂમાં તાત્કાલિક સદગતિ પ્રાપ્ત કરી. જે સદ્દગતિ પ્રાપ્ત કરવા માટે ઋષિમુનિઓ, યોગીઓને અનેક વર્ષ તપશ્ચર્યા કરવી પડે, ઉપાસના વગેરે ક્રિયા સાધનો કરવા પડે. ત્યારે તે ક્રિયાસાધ્ય બને છે. અને એટલા માટે પરમાત્માના નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ કરતાં તેમના સગુણ સાકાર સ્વરૂપની ગોપીઓ અને શબરી જેવા પ્રેમી ભક્તો ઝંખના કરે છે. ભગવાન કહે છે કે,  હું ખાસ કરીને તો મારા પ્રિય ભક્તો માટે જ સગુણ સાકાર દેહ ધારણ કરું છું. કંઈ રાવણ કંસ જેવા મચ્છર મગતરાને મારવા માટે નહીં. આ વિગતે થતી વાત બહુ જ વિસ્તારથી જાણવા માટે કર્મનો સિદ્ધાંત આપણને આપનાર શ્રી હીરાભાઈ ઠક્કરના પુસ્તક ‘વેદાંત વિચાર’માં નિરાંતે ડોકિયું કરવા જેવું છે.

અદ્વૈતનું ખરું રહસ્ય દારાશિકોહને  ઉપનિષદોમાંથી સાંપડ્યું છે.

અદ્વૈતનું ખરું રહસ્ય દારાશિકોહને ઉપનિષદોમાંથી સાંપડ્યું છે.

સત્ય કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ  માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું  નથી.

મુગલ સમ્રાટ શાહજહાં નો મોટો દીકરો એટલે દારાશિકોહ. દારાશિકોહને સનાતન હિંદુ ધર્મના ઉપનિષદો કેવી પ્રેરણા આપી ગયા છે, તે આપણે જાણ્યું છે. એમને જે ફકીરો મળ્યા, જે ગુરુઓ મળ્યા, એમાં અનેક ગુરુઓ પાસેથી એણે ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી છે. પરંતુ મિયા જીવ અને મુલ્લા શાહ આ બે મહાનુભાવોએ અથવા પ્રબુદ્ધ વ્યક્તિઓએ દારાશિકોહને એવું કહેતા ટાંક્યો છે કે, ઉપનિષદો ‘એસીર -ઇ-અકબર’ નામે ફારસી માં ભાષાંતર છે. અને એવું પણ કહેવામાં આવ્યું અને સમજાવ્યું કે, અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું છે

દારાશિકોહ પોતે જ લખે છે કે, એમનું હૃદય ઉપનિષદોમાં શમી ગયું છે. મુલ્લા શાહ ઉપરાંત હિન્દુ તત્વજ્ઞાનનું કેટલું રહસ્ય દારા એક બાબાલાલ નામના સાધુ પાસેથી પામેલો. બાબાલાલ પંજાબના હતા અને તેમને લાલ દયાળ પણ કહેતા હતા. આ લાલ દયાલ મિયા જીવના મિત્ર હતા. દારા એમને મળવા ઇચ્છતો હતો, એવામાં દયાલ પોતે લાહોર આવ્યા અને દારા અને તેમનો ભેટો થયો. દારાએ ‘હસરત-ઉલ-આરિફિન’ એ નામના પોતાના એક પુસ્તકમાં લાલ દયાળ વિશે સરસ ઉલ્લેખ કર્યો છે. બાબાલાલ એક આરૂઢ  યોગી છે. એમના જેવો પ્રભાવશાળી અને ઉંચી કોટી નો બીજો કોઈ મહાત્મા મેં હિન્દુઓમાં જોયો નથી. બાબાનું કહેવું છે કે, દરેક ધર્મમાં ઊંચી કોટીના મહાત્માઓ છે, જેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર હોય છે. લોક સમૂહના ઉપર ઉપકાર કરવા પ્રભુ સર્જે છે, એવું દારા માને છે. બાબાલાલ કયા પંથના હતા તે સ્પષ્ટ નથી. પરંતુ દારા પોતાના પુસ્તકમાં એમને કબીર પંથી  માને છે. આ સમર્થ હિંદુ તપસ્વી માટે અંગ્રેજ લેખક બિનીયલ આ પ્રકારે શબ્દો ઉચચ્ચારે છે:: લાલ સ્વામી ક્ષત્રિય હતા. જહાંગીરના રાજ્ય સમયમાં તેઓ માળવામાં જન્મ્યા હતા. નાનપણમાં યોગ દીક્ષા પામી તેઓ પંજાબ ચાલ્યા ગયા અને સરહિંદ આગળ આશ્રમ સ્થાપી ગયા. તેમની પાસે મનુષ્યની ધારા ચાલી આવતી. તેમના અનેક શિષ્યો હતા. શાહજાદા  દારાશિકોહ પણ તેમની પ્રતિભા અને યોગ શક્તિથી ખેંચાઈ તેમના શિષ્ય થયા હતા.

ઉપનિષદો ઉપરાંત દારાએ ઘણા પુસ્તકો રચ્યા અને રચાવ્યા. શ્રીમદ્ ભગવત ગીતાનું તથા યોગ વાશિષ્ટનું એમ બે ભાષાંતરો તેણે પોતે ફારસીમાં કરાવ્યા. કેટલાકના મતે ગીતાનું ભાષાંતર દારાએ પોતે જ કર્યું છે. ગીતાનું ભાષાંતર ઉપનિષદોના ભાષાંતરના સમયનું  છે એટલે કે હિજરી સંવત 1067 ની આસપાસનું હોઈ શકે છે. દારાના ધાર્મિક વિચારોના સંબંધમાં ઘણો ઉહાપો થયો છે. એનું વલણ સૂફી મત તરફ હતું. અને મીયાં જીવ તથા મુલ્લા શાહના સંપર્ક પછી તે પાક્કો સૂફી બન્યો હતો. આ સમય હિજરી સંવત 1043 થી 1050 ની આસપાસ ગણી શકાય. એને બચપણમાં જે ધાર્મિક સંસ્કારો ચુસ્ત ઇસ્લામના મળેલાં તે વિશાળ  વાંચન અને અનુભવના પરિણામે મોળા  પડ્યા. અને તેની દૃષ્ટિ સંકુચિત અને સાંપ્રદાયિક મટી જઈને ઉદાર અને વ્યાપક બની ગઈ. આ ફેરફારનું માન મીયાં જીવ, મુલ્લા શાહ અને લાલ સ્વામીને ફાળે જાય છે. દારા પોતે જ આ વાતનો સ્વીકાર કરે છે અને બીજા ધર્મોના અભ્યાસ તરફ વાળનાર મુલ્લા શાહની ‘ઉપનિખત’ નામના પુસ્તકની પ્રસ્તાવનામાં મુક્ત કંઠે  સ્તુતિ કરે છે.

બાબા લાલના તત્વજ્ઞાન વિશેના એ  પુસ્તકમાં તે ઉચ્ચારે છે કે, સત્ય કોઈ પણ એક ધર્મનો ઈજારો છે એવું જેઓ  માને છે તથા મનાવે છે તેઓએ સત્યને પીછાણ્યું  નથી. આ એક જ વાક્યથી દારા પોતાના જમાનાથી ઘણો આગળ ગયો સિદ્ધ થઇ શક્યો છે. એનું છેલ્લું અને પ્રસન્ન ગંભીર શૈલીનું પુસ્તક ‘મજંમ્બૂમબહરે’ એનો અર્થ બે સાગરોનું મિલન થાય છે. આ પુસ્તક હિજરી સંવત 1065 નું છે. દારાના અભ્યાસના પરિપાકનું એક ફળ છે. વિચારો એટલાં તો ગહન, વ્યાપક અને ઉન્નત છે કે દારાને આપણે ભારતના એક મહાન વિચારકની કક્ષામાં મૂકી શકીએ. દારા કહે છે કે, ‘ચેતનાની ઉન્નત અનુભૂતિના વિષયમાં સત્યના નિતાંત શુદ્ધ દર્શન પણ હિન્દુ ધર્મ અને ઇસ્લામ એક જ છે.’  જે યુગમાં તેણે આ સત્ય ઘોષણા કરી તે યુગનો કોઈ પણ હિન્દુ કે મુસલમાન વિચારક આ અવાજને સાખી શકે તેમ હતો નહિ. જમાનો ધર્મથી નહીં પણ ધર્મજનુનોથી ભરેલો હતો. દારાના અવાજથી પંડિત વર્ગ અને મુલ્લા વર્ગ બંને ખળભળ્યા. હિન્દુઓને તેના વિચારો વસમા  લાગ્યા. મુસ્લિમોને પણ કારમાં લાગ્યા. કોઈની દ્રષ્ટિમાં સમન્વય તરફ એ સમયે સદ્ભાવ ન હતો. આ ભય  તેની દ્રષ્ટિની બહાર ન હતો. દારા પુસ્તકમાં લખે છે કે, આ કિતાબ નથી હિન્દુ માટે કે નથી મુસ્લિમ માટે. આ કિતાબ મારા મિત્રો અને કુટુંબીજનો માટે છે. જનસમૂહની માન્યતાઓ સાથે મારે કશી  લેવા દેવા નથી.

દારા આખર સુધી મુસલમાન હતો. તેણે ઇસ્લામમાં જ શાંતિ જોઈ હતી. અલ્લાહનું સ્મરણ શ્વાસેશ્વાસે કર્યા કરતો. પોતાના દરેક પુસ્તકમાં ઈશ્વર મહાન છે એ વાક્ય ને એ અગ્રે રાખતો. પયગંબર સાહેબને એ સૌથી આગળ મુકતો. ઇસ્લામમાં એણે  કદી અશ્રદ્ધા ધરાવી ન હતી. એના કોઈપણ પુસ્તકમાં ઇસ્લામ છોડ્યાનો એક શબ્દ પણ લખાયેલો નથી. એટલું જ નહીં પરંતુ પોતે એ શુદ્ધ મુસલમાન છે એવા તેના એકરાર છે. તેણે  ફક્ત એટલું જ કહ્યું કે, વેદો પણ પરમાત્માની વાણી છે. પોતાની શ્રદ્ધા કુરાનમાં જ હતી. તેણે  તો ફક્ત એટલું જ કહ્યું કે, ‘વેદો કુરાનના વિરોધી નથી, સહાયક છે. કુરાન ઉપરના જાણે  વિવરણો છે.’  આટલું કહેવાથી જ દારાની ગણના  મુલ્લાઓએ જો કાફરમાં  કરી હોય તો તેમાં ધર્મજનુન  સિવાય બીજું કશું નહોતું. બ્રાહ્મણોએ માન્યું કે, દારા મ્લેચ્છ છે, માટે વેદો અભડાઈ  ગયા. આ સંત પુરુષ લખે છે,  પરમાત્માએ અત્યંત કરુણાથી વિશ્વનો ઉપકાર કરવા વેદોની વાણી ઉચ્ચારી છે. વેદને અનુસરનારો હિન્દુ ધર્મ એક અનંત અને સર્વ શક્તિમાન ઈશ્વરને માનનારો છે. દારાશિકોહ જેવા મહાનુભાવને એ જમાના ના રાંક દેશોએ ગરદનથી માર્યો. એમ પણ કહી શકાય કે દારા શિકોહ પછી જમાનો લગભગ એક સૈકો આગળ વધી ગયો. રાગ-દ્વેષો ઘટ્યા. હિન્દૂ મુસલમાનોની આંતરિક એકતા મજબુત બનવા લાગી.

જો કે, ધર્મજનુન  વિચિત્ર વસ્તુ છે. સૂફી સંત મન્સૂરનો વધ થયો. શાહબુદ્દીન સુરાવર્દી પણ વધ ને માંચડે ચડ્યો. એવી રીતે દરશિકોહ પણ દેહાંત પામ્યો. સાચી હકીકત એ છે કે દારાસિકોહનો કુનેહ ધર્માંધતાનો એટલો જ ઔરંગઝેબની ઈર્ષાનો ભોગ બન્યો. ઇસ્લામને નામે પોતાનો અર્થ સારવા ઔરંગઝેબે જે કર્યું તેવું આપણે નહિ કરીએ એવી કોઈ પણ વિચારકને પાક્કી ખાતરી નથી. અહિંસા, સત્યને એ બધા મહાન સિદ્ધાંતોના પાલનમાં જો જનુન ઉમેરાશે, સ્વતંત્ર વિચારને ગરદન મારવાની તામસી વૃત્તિ પ્રગટશે તો આપણા યુગની પણ આ દશા થશે. ઔરંગઝેબના જમાના કરતા આપણે બહુ આગળ છીએ તેવી આપણી માન્યતા સાચી પડે એવી આપણે પ્રાર્થના કરીએ.

વહીવટ શિક્ષણ અને શાસ્ત્રોનો ત્રિવેણીઘાટ : કુલીનચંદ્ર યાજ્ઞિક

વહીવટ શિક્ષણ અને શાસ્ત્રોનો ત્રિવેણીઘાટ : કુલીનચંદ્ર યાજ્ઞિક

સૌરાષ્ટ્રની ધારાસભાની એ છેલ્લી બેઠક. પ્રેક્ષક ગૅલરીમાં એક યાજ્ઞિક ઉપસ્થિત… બે પ્રસંગો આજે પણ એ યાજ્ઞિક આંખ બંધ કરે છે ત્યારે નજર સમક્ષ તાદૃશ્ય થાય છે. (૧) ગિરાસદારી ઍબૉલિશન ઍક્ટ અંગે કશ્મકશ ટોચ પર હતી. બે કલાકની જબરી માથાકૂટ પછી ગરાસિયાઓ સાથે સમાધાન થયું ને શ્રી ઢેબરભાઈ હસતા હસતા ધારાસભામાં દાખલ થયા! (૨) સૌરાષ્ટ્રની ધારાસભાની છેલ્લી બેઠકમાં શ્રી બાબુભાઈ વૈદ્ય ઊભા થયા અને શાકુન્તલમાંથી શ્લોક બોલ્યા : શ્રેયમ્ યાતિ શકુંતલા.. આપણે જેને પાળી પોષીને મોટી કરી તે શકુંતલા જેવી આપણી સૌરાષ્ટ્ર ધારાસભા’ નામધારી કન્યાને આજે આપણે મુંબઈ રાજ્યને સોંપવાની છે. આ કન્યાવિદાયનો પ્રસંગ છે.’ સભાગૃહમાં સન્નાટો હતો અને પ્રેક્ષકગૃહમાં ઉપસ્થિત યાજ્ઞિકની આંખમાં પાણી… સ્વયં સ્પષ્ટ, મૃદુ પણ મક્કમ શ્રી કુલીનચંદ્ર યાશિક આજે ૮૭ વર્ષની ઉંમરે પણ આ વાતો વાગોળતાં લાગણીવશ થઈ જાય છે. લગાવ છે અકબંધ તેઓનો જિવાયેલી વિરલ યાદગાર પળ સાથેનો…
ગુજરાત જેમનું સદૈવ ઋણી છે અને રહેશે તે શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકના ચર્ચરાભાઈ શ્રી કુલીનચંદ્ર યાશિક, વતન નડિયાદ. જન્મ મોસાળ પેટલાદમાં. પિતાશ્રી અંગ્રેજી અને સંસ્કૃતના આદર્શ શિક્ષક, સરકારી મૉડલ હાઈસ્કૂલ ગોધરામાં. જિલ્લા દીઠ એક હાઈસ્કૂલ ત્યારે એટલે કલેક્ટરશ્રી પણ માન આપતા હાઈસ્કૂલના શિક્ષકને! પ્રાથમિકનાં છ વર્ષ ગોધરાની મિશનરીઓની સ્કૂલમાં કુલીનચંદ્ર ભણ્યા. માતૃભાષા અને સંસ્કૃત ત્યાં ઉત્તમ ભણાવે. વર્ગમાં બે જ સવર્ણ બાકી ખ્રિસ્તી અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ છતાં ભેદભાવ લગીરે ભાસતો નહીં. રોજ સાંજે છેલ્લો પિરિયડ વાડીકામનો. દરેક વિદ્યાર્થીને ૪૪૪ની ક્યારી આપેલી તેમાં ઉગાડવાનું, લણવાનું! બળદગાડીમાં નિશાળે જવાનું ને ૧૯૩૩-૩૪માં રૂ. ૪૫માં ખરીદેલી હરક્યુલસ નાની સાઇકલ પર આંટા માર્યા કરવાના! હાઈસ્કૂલ નડિયાદમાં, સરદાર વલ્લભભાઈ પટેલ ભણેલા તે સ્કૂલમાં. પિતાજી વલ્લભભાઈના વર્ગસાથી. પોતે મિડલ સ્કૂલથી પહેલો નંબર તે છેલ્લે સુધી… તેથી સ્કૉલરશિપ સળંગ મળતી રહી. રોજ છેલ્લો પિરિયડ ગેમ્સનો. અઠવાડિયે એક પિરિયડ એસ. આર. (સ્પેશિયલ રીડિંગ)નો અને અઠવાડિયે બે પિરિયડ ચિત્રકામના! (આજે આ બધા પિરિયડ ક્યાં ખોવાય ગયા છે? તેની શ્રી યાશિકને મૂંઝવણ છે.)
શાસ્ત્રોનો બહુ ઊંડો અભ્યાસ નથી, પણ આજે જીવન શાસ્ત્રરત છે, કારણ કુટુંબ અને ઉછેર અવૈધિક રીતે શાસ્ત્રોક્ત વિધિપૂર્ણ! રોજની દિનચર્યા જ શાસ્ત્રમય. માતા જાગે ત્યારથી બુલંદ અવાજે અસ્ખલિત શ્લોકો બોલ્યા જ કરે અને રાત્રે જમ્યા પછી નવાં નવાં આખ્યાનો રોજ ગાય. પિતાજી સવારે પાઠશાળામાં સંસ્કૃત અધ્યયન કરે, બપોરે શાળામાં સંસ્કૃત ભણાવે અને જમતાં પહેલાં સંધ્યાટાણે છોકરાંઓ સાથે શ્લોકોનું પઠન કરે. અંધારાં પહેલાં ઘરમાં ઘૂસી જવાનું. મા રાંધે ત્યાં સુધીમાં ત્રણ ભાઈબહેન હીંચકા પર હીંચકે, પિતા પરસાળમાં આંટા મારે, એક શ્લોક હીંચકા પરથી તો સામે એક શ્લોક પરસાળમાંથી! આમ, અજાણતાં જ કેટલાય સુભાષિતો-શ્લોકો- આખ્યાનો કુલીનચંદ્ર યાજ્ઞિકને કંઠસ્થ છે. કુટુંબ ભાવના પ્રબળ. કાકાના દીકરાને ટાઇફૉઇડ થયો. કાકા ન્યાયાધીશ. શિક્ષક પિતાશ્રીએ કહ્યું, દર્દી દીકરાની સંભાળ લેવા હું રજા લઈશ કા૨ણ મારો પગાર ઓછો છે એટલે (ઓછો) પગાર કપાય તો કુટુંબને આર્થિક સંકટ ઓછું આવે. દીકરા માટે ‘ન્યાયાધીશ’ પિતાએ રજા ન લીધી, ‘શિક્ષક’ કાકાએ રજા લીધી. કાકીએ કહ્યું : ઘરમાં એક દીકરો કેરી નથી ખાય શકવાનો એટલે હું ય કેરી નહીં ખાઉં… જો કે, એ સિઝનમાં ઘરમાં કેરી આવી જ નહીં!! મોટાભાઈ લૉનું ભણ્યા ને નડિયાદમાં પ્રેક્ટિસ શરૂ કરી. પ્રેક્ટિસ જામતાં વાર લાગે એટલે કુલીનચંદ્ર યાજ્ઞિકના પિતાશ્રીએ શિક્ષકની નોકરી લઈ લીધી. શૉ મસ્ટ ગૉ ઑન’ તો કુટુંબની ભાવનાએ શીખવ્યું.
એક વર્ષ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછી M.A. સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ભણવાનું થયું. ઑગસ્ટ ક્રાંતિની ચળવળ વખતે ગુજરાત કૉલેજમાં (સાક્ષરવર્ય) શ્રી ધીરુભાઈ ઠાકરના માથામાં લાઠી ફટકારેલી તે દૃશ્ય કૉલેજની અગાશીમાંથી યાજ્ઞિકજીએ જોયેલું. શહીદ કિનારીવાલાના ક્લાસમાં જ કુલીનચંદ્ર ભણતા. સરદાર પટેલનાં બે યાદગાર ભાષણો સાંભળ્યાનું પાક્કું સ્મરણ છે. જો કે, ગુજરાત કૉલેજમાં ત્યારે અશિસ્ત અને ટીખળ બહુ. કોઈને વર્ગમાં કોઈ સાંભળતું નહીં. એક શ્રી દાવ૨સાહેબના વ્યાખ્યાનમાં પિન ડ્રૉપ સાઇલન્સ. ગુજરાતીના પ્રખર પ્રાધ્યાપક અનંતરાય રાવળના વ્યાખ્યાનમાં પણ ઘોંઘાટ, વાતો, ઘાંટો પાડવા, ગોકીરો!! વિલ્સન કૉલેજ, મુંબઈમાં આનાથી સાવ જ ઊલટું. ત્યાં ગુજરાત કૉલેજના વિદ્યાર્થીને પ્રવેશ ન મળતો કારણ ચળવળિયાની છાપ! કુલીનભાઈને માંડ માંડ પ્રવેશ મળ્યો. ત્યાં પૂર્ણ શિસ્ત-શાંતિ-અભ્યાસનું વાતાવરણ… તે વખતે વૉકેશનલ ગાઇડન્સ જેવું કંઈ નહીં, અને પોતે સૅલ્ફ મોટિવેટેડ નહીં એટલે અવલંબનનો આધાર જરૂરી બને. સંસ્કૃતની સ્કૉલરશિપ જતી કરીને ઇકૉનૉમિક્સમાં આવ્યા. બસ, ઇકૉનૉમિક્સ હોય તો નોકરી જલ્દી મળે તેવો ભ્રમ! M.A. સાથે LL.B. કર્યું. બન્નેમાં ધ્યાન અપાયું નહીં. અધ્યાપકો ધૂરંધર સી. એન. વકીલ, જે. જે. અંજારીઆ, દાંતાવાલા. જુનિયરમાંથી સિનિયરમાં આવ્યા ત્યારે કુલીનચંદ્ર યાજ્ઞિકજીએ ડ્રામેટિક્સમાં ઝંપલાવ્યું. ‘કાકાની શશ’ નાટક કર્યું. કાકાનો રોલ કર્યો અને દિગ્દર્શન પણ. વિનોદ અધ્વર્યુ સાથે મળીને આ નાટકનો બીજો શૉ પણ કર્યો ને ફંડફાળો ઉઘરાવી વિલ્સન કૉલેજમાં લાઇબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો ઉમેરી ત્યાં ગુજરાતી વિષય પણ દાખલ કરાવ્યો! ૧૯૫૦માં IASમાં બેઠા, પાસ પણ થયા પરંતુ M.A.ની પરીક્ષાના કારણે ઇન્ટરવ્યૂમાં નાપસંદ થયા. IASમાં ત્રણ વાર બેઠા. મેઇન્સમાં પાસ પણ થતા રહ્યા. બે વાર ઇન્ટરવ્યૂમાં સફળ ન થયા અને ત્રીજીવાર વધુ ઉંમરને કારણે બોલાવ્યા જ નહીં !
આમ છતાં કુલીનચંદ્ર યાજ્ઞિક IAS થયા. ૧૯૫૧માં મામલતદાર તરીકે જોડાયને કોઈ IAS થાય અને સેક્રેટરી કક્ષા સુધી પહોંચે એવું ભાગ્યે જ બને! જો કે પોતે તો આ બાબતને બહુ ગૌણ ગણે છે, સનદી સેવામાં આ કાંઈ બહુ મોટું પરાક્રમ નથી. સરકારમાં કાંઈ ભૂલ ન કરો તો પ્રમોશન મળ્યા જ કરે. ૧૯૫૧માં પ્રોબેશનરી મામલતદારનો બીજો જ બેચ હતો. ઉપર જગ્યા પડવા લાગી અને ૧૯૫૮માં ડેપ્યુટી કલેક્ટર થયો. નાની ઉંમર, પ્રમોશન, જગ્યાઓ વધુ પડવા લાગી તેથી ૧૯૬૮માં IASમાં બઢતી મળી. ૧૯૬૮માં ભરૂચમાં કલેક્ટર થયો. બે વર્ષ રહ્યો. ૧૯૭૦માં ૬.૫નો ધરતીકંપ થયો. મારી ડાંગ બદલી થઈ ગયેલી. ગવર્નરશ્રીએ ચાર્જ ન છોડવા કહ્યું અને ભરૂચમાં પુનઃસ્થાપનનું કામ કરી શક્યો. બે વર્ષ ડાંગ અને પછી ચાર વર્ષ વડોદરા. વડોદરાનો કાર્યકાળ સ્મરણીય. બે રાષ્ટ્રપતિશાસન, ત્રણ સરકાર, કટોકટીની ઘોષણા અને નવનિર્માણનું આંદોલન! જીવનની ક્રાઇસિસમાં અદ્ભુત શીખવાનું મળ્યું. વિદ્યાર્થીઓ બધી કોમના આગેવાનો-પદાધિકારીઓ સાથેના મારા માનવીય સંબંધોએ મને મદદ કરી. નવનિર્માણ આંદોલનમાં વડોદરા ઘણું મોડું જોડાયું, પ્રમાણમાં ઓછી ખાનાખરાબી થઈ. ગયા વર્ષે નવનિર્માણ સમયના પ્રોફેસરોનું સન્માન એ સમયના વિદ્યાર્થીઓએ કર્યું ત્યારે તે સમારંભના અધ્યક્ષસ્થાને શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકને ખાસ આમંત્રણ હતું. કારણ એવું અપાયેલું કે એ વખતે વડોદરાના કલેક્ટર તરીકે શ્રી યાજ્ઞિકસાહેબ હતા એટલે બહુ ઓછી જાનહાનિ થઈ! અમદાવાદ પોળ સામેની દરગાહ કોમી રમખાણોમાં તૂટેલી તે ફરી બાંધવાનો આદેશ હતો. યાજ્ઞિકસાહેબે મેમણ અગ્રણી ગુલામ મહંમદને બોલાવી પૂછ્યું : દરગાહ ફરી બંધાશે તો તમે સાચવી શકશો ખરા? તેના બદલે ત્યાં ટ્રાફિક આઇલૅન્ડ કરી ફૅશનેબલ થોર વાવીએ તો? શ્રી યાજ્ઞિકસાહેબ કહે છે કે, મુસ્લિમો વતી ગુલામ મહંમદે અને હિન્દુઓ વતી મેયર ડૉ. ઠાકોરભાઈએ લીલી ઝંડી આપી અને અમે રાત્રે ૧૨થી સવારે ચારની વચ્ચે તે જગ્યા પર ટ્રાફિક આઇલૅન્ડ બનાવ્યો! વડોદરામાં પછી રમખાણો થયાં છે, પણ આ જગ્યાને લઈને નહીં.
ગવર્નરશ્રીના સેક્રેટરી અને મુખ્યમંત્રીશ્રીના સેક્રેટરી બન્ને પદે એક જ વ્યક્તિ રહી હોય તેવું ભાગ્યે જ બને. યાજ્ઞિકસાહેબે સુપેરે એ નિભાવ્યું. નિવૃત્તિ પછી બે વખત એક્સટેન્શન મળ્યું. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઍક્ટનું ડ્રાફ્ટિંગનું પાયાનું કામ સંભાળ્યું. જિંદગીની મોટામાં મોટી ચૅલેન્જ તે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું (પ્રથમ) કુલપતિપદ. જે બધું શીખેલા તે યાજ્ઞિકસાહેબે પાટણમાં ખર્યું. ગામડા જેવું શહેર અને ત્યારે લોકલ ખટપટ નહીં. અભણને પણ વિદ્યા માટે પ્રેમ! જમીન સરકારે આપવાની હતી, પણ પંચાયત પ્રમુખ કબજો ન આપે. યાજ્ઞિકસાહેબે માનવીય સંબંધોનો સેતુ જબરો રચેલો. તેમણે એલાન કર્યું લોકો સમક્ષ : યુનિવર્સિટીને જમીન નહીં મળે ત્યાં સુધી પાટણમાં રાંધેલી રસોઈ નહીં જમું!’ પાટણે હડતાલ પાડી. સજ્જડ બંધ. યુનિવર્સિટીના કર્મચારીઓને ચા પણ ન મળી, કારણ એક પણ રેંકડી ચાલુ નહીં. અસ૨ થઈ. જમીન મળી અને કલિકાલ સર્વજ્ઞની ચિર સ્મૃતિ બની. યાજ્ઞિકસાહેબે વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠિ માટે બુધવારિયું’ શરૂ કર્યું. એમાં ચૌદ મહિના સુધી દર ગુરુવારે ગીતા વાચન કર્યું; વિદ્યાર્થીઓને સમજાવ્યું કે પરીક્ષામાં જનરલ ઑપ્શન તમારું ભાવિ બગાડશે; ગુજરાતમાં બંધ થઈ ગયેલ યુવક મહોત્સવ શરૂ કરાવ્યા. કુલપતિ તરીકે વર્ષમાં એકવાર દરેક કૉલેજમાં ગયા, સમારંભ રાખીને નહીં. વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને માત્ર મળવા, વાતો કરવા. યાજ્ઞિકસાહેબે એક જ કારકુનને સાથે રાખી યુનિવર્સિટીનું મુખપત્ર ઉદ્દીચ્ચ’ શરૂ કર્યું. પહેલા જ વર્ષે ઉદ્દીચ્ચ’ના બાવીસ અંકો તો સહકારી મંડળીઓએ સ્પોન્સર કર્યા. વહીવટ, શિક્ષણ અને શાસ્ત્રની ત્રિવેણીમાં આનંદથી જીવતા કુલીનચંદ્ર યાજ્ઞિક પાસેથી વિલ્સન કૉલેજ, મુંબઈના ગૃહપતિ ડૉ. ટેલરની સ્મૃતિઓ પેટભરીને સાંભળવી એક લહાવો છે!

કુરાનને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે.

કુરાનને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે.

શાહજહાંનો મોટો દીકરો દારા શિકોહ લખે છે કે, “અદ્વૈતનું ખરું રહસ્ય મને ઉપનિષદોમાંથી સાંપડ્યું. મારું  હૃદય ઉપનિષદોમાં સમી ગયું.”

શાહજહાંના મોટા દીકરાનું નામ દારા શીકોહ. એ બહુ મશહૂર હતો, પોતાના ઉદાર અને સ્વતંત્ર ધાર્મિક વિચારો માટે. કમનસીબે તેનું શિરચ્છેદ કરી એનું મૃત્યુ ઔરંગઝેબે કર્યું. પરંતુ આ દારાને વિશેષ વ્યક્તિત્વ તરીકે ઓળખવા જેવો છે.

દારાનો જન્મ અજમેરમાં થયો. બચપણથી જ તેનામાં તત્ત્વદ્રષ્ટિ હતી. લગભગ 17-18 વર્ષની ઉંમરે તે બહુ બીમાર પડ્યો હતો. અજમેરમાં તે વખતે એક મિયાં જીવ નામના મશહૂર ઓલિયા  રહેતા હતા. શાહજહાં ખુદ પોતે પોતાના દીકરાને લઈ ઓલિયાની પાસે ગયા. કહે છે કે આ મુલાકાતના પરિણામે તેની બીમારી દૂર થઈ. આ વાત  દારાએ પણ નોંધી છે. થોડા દિવસ પછી બાદશાહ પોતાના પુત્રને લઈને ઓલિયાની પાસે બીજી વાર ગયા. એ વખતે પિતા-પુત્ર બંને ખુલ્લા પગે ગયેલા અને અત્યંત વિનમ્ર ભાવે ગયેલા. ઓલીયા પોતાની મેડી ઉપર ખુદાની આરાધના કરતા મગ્ન થઈને બેઠા હતા. એ સંતના મોઢા ઉપર આધ્યાત્મિકતાની આભા પ્રકાશતી હતી. બાદશાહે અને શાહજાદાએ ઓલિયાની કદમબોસી કરી.  ઓલિયાએ પોતે ચાવેલું એક લવિંગ જમીન ઉપર થૂંક્યું. દારાએ એ લવિંગ પોતાના મોઢામાં મૂકી દીધું. શાહજાદના હૃદયમાં આનંદનું એક અદ્ભૂત ઝરણું આ લવિંગ ખાધા પછી વહેવા લાગ્યું. એના અંગે અંગમાં અપૂર્વ ચેતના દોડવા લાગી. અને આ વિચિત્ર અનુભૂતિથી તે સદંતર પલટાઈ ગયો. તેનું હૃદય ઓલિયામય બની ગયું.એમના દર્શનની તૃષ્ણા એને રાત અને દિવસ રહેવા લાગી.

ત્રીજી વખત પોતે એકલો ગયો. આ મુલાકાતમાં મિયાં જીવે દારાના હૃદય ઉપર હાથ ફેરવ્યો. જોતજોતામાં શાહજાદો ચેતનાનાં  મનોનિત પ્રદેશમાં જાણે કે ઉડવા લાગ્યો. એમને ઇન્દ્રિયાતીત વસ્તુની ઝાંખી થઈ. જયારે તેણે આંખો ખોલી ત્યારે પેલા  સંત પુરુષ તેના તરફ કોમળ દૃષ્ટિથી જોઈ રહ્યા હતા.

‘બેટા, મારું દિલ અને મારી નજર તેં  કબજે કરી દીધા છે.’ ઓલિયાનાં શબ્દો સાંભળી દારાએ પોતાનું માથું એના ચરણમાં મૂકી દીધું અને આનંદના અશ્રુ ઓલિયાનાં ચરણે ઢાળ્યાં. આ બનાવ પછી શાહજાદો અભેદ માર્ગનો જાણે કે પ્રવાસી બની ગયો. ‘બાદશાહનામા’, અને ‘સકીનત ઉલ ઓલિયા’ એવા બે પુસ્તકોમાં હમણાં કહી તે વિગતો છે. ‘સકીનત ઉલ ઓલિયા’માં  દારાના ગુરુ તથા પોતાના ગુરુબંધુ અને શિક્ષક મુલ્યાશાહનું  વૃતાંત દારાએ આપ્યું છે. દારાને સુફી માર્ગનું, અને ઉપનિષદનું ગુઢ  જ્ઞાન આપનાર આ મુલ્લાશાહ એક અદભુત વ્યક્તિ હતા. દારાની આધ્યાત્મિક દૃષ્ટિ માટે મુલ્લા શાહ પોતે ઘણો ઊંચો અભિપ્રાય ધરાવતા હતા, તેનો ખ્યાલ મુલ્લાશાહે દારા માટે રચેલી ગઝલો ઉપરથી આવી શકે છે. દારા પોતે ગુરુ થઇ શકે એટલો આગળ વધ્યો હતો છતાં પોતાનો જરા પણ અધિકાર નથી એવું તે વિનમ્રતાપૂર્વક જણાવી કોઈને પણ સુફી મત નું શિક્ષણ આપવા તૈયાર થતો ન હતો.

એક સરસ પ્રસંગ છે. કોઈ એક પ્રસંગે દારા કાશ્મીર જતો હતો. ત્યારે મુલ્લાશાહે વિનંતી કરી કે, ‘યારોમાં જો કોઈ જ્ઞાની હોય તો તે તમે છો. તો યારો ને બોધ આપવો એ તમારી ફરજ છે.’ જવાબમાં દારા હસ્યો અને મુલ્લાશાહને એટલું કહ્યું, ‘મારી મુક્તિ માટે ખુદાતાલા ને વીનવજો’. યોગ માર્ગમાં દારા કેટલો આગળ વધ્યો હતો તેની જાણ દારાના સ્વમુખેથી એક હકીકત ઉપરથી થાય છે. આ હકીકત પ્રાણનિરોધની છે.

‘એકવાર મુલ્લાશાહે મને કહ્યું કે, આપણા કાદરી સંપ્રદાયમાં પ્રાણનિરોહ મુખ્ય વસ્તુ છે, ઇસ્લામનાં બીજા સંપ્રદાયોમાં આ વસ્તુ નથી. હું તમને પ્રાણનિરોધનું રહસ્ય સમજાવીશ’. અને દારા કહે છે કે, મુલ્લાશાહે મને પ્રાણનિરોધ શીખવ્યું. હું  પ્રાણનિરોધ કરવા માંડ્યો, અને આરંભમાં ઘણી મુશ્કેલીઓ પડી. લાંબા સમયના અભ્યાસ પછી મને યાદ છે કે હું આખી રાત ફક્ત બે શ્વાસથી પુરી કરી શકતો. કેટલીક વાર મને એવી તો મુશ્કેલી પડતી કે જાણે મારી જિંદગીનો ચિરાગ બુજાઈ જશે. દારા એ પણ કહે છે કે, મુલ્લાશાહે પોતાને સ્વપ્નની અંદર દીક્ષા આપેલી, અને સ્વપ્ન પછી પોતાને જ્ઞાનનો પ્રકાશ થયેલો.

દારાને ઉપનિષદો પ્રત્યે કેવી રીતે આકર્ષણ થયું એ વાત પણ રસિક છે. એમણે ઉપનિષદોનું ‘ સિર-ઈ-અકબર’ એ નામે ફારસી માં ભાષાંતર કર્યું છે. આ ભાષાંતર એવું તો સરળ અને રસથી છલકાતું છે કે ફારસી ગદ્યમાં તેનું સ્થાન બહું ઉંચુ છે. દારા એક તત્વ શોધક હતો. જીવનનું અંતિમ તત્વ, અંતિમ આધાર શું છે તેની શોધમાં તે રચ્યો પચ્યો રહેતો. તે લખે છે કે, બીજા અનેક ધર્મ પુસ્તકો પોતે વાંચી ગયો,પરંતુ આખરી તત્વ પામી શક્યો નહિ. અદ્વૈતનું ખરું રહસ્ય તેને ઉપનિષદોમાંથી સાંપડ્યું. તેનું હૃદય ઉપનિષદોમાં સમી ગયું. એ કાશ્મીરમાં પોતે હતો ત્યારથી મુલ્લાશાહની અસર હેઠળ આવેલો. કુરાને શરીફના ગુઢ રહસ્યો તેને મુલ્લાશાહે સમજાવેલા, અને સાથે સાથે ઉપનિષદના રહસ્યો પણ ઠસાવેલા. બાઈબલનાં બંને કરારોનો પોતે અભ્યાસ કરેલો. પરંતુ અદ્વૈત સિદ્ધાંતનું ઊંડું જ્ઞાન ઉપનિષદોમાંથી પામ્યો. કાશ્મીરના પ્રવાસ દરમિયાન તેણે હિન્દુ તત્વદર્શનનો અથ થી ઈતિ  અભ્યાસ શરૂ કર્યો. વેદોની અંદરની ગુપ્ત વાતો તેણે ઉપનિષદ દ્વારા સમજી, જાણી અને આખરે પોતે  ઉપનિષદોનું ફારસી ભાષાંતર કરવા લાગ્યો. ભાષાંતર કરવામાં તેણે ફારસીના પંડિતોની તથા સંન્યાસીઓની મદદ લિધી. દારા નોંધે છે, ‘આધ્યાત્મિક વસ્તુનાં અગમ્ય અંકોડાઓ મને ઉપનિષદોમાંથી જડ્યાં છે. એ અગમ્ય બાબતો મને કોઈ પણ બીજા ધર્મ પુસ્તકોમાંથી મળી નહિ. કુરાને શરીફ સમજવા માટે ઉપનિષદો ચાવીરૂપ ગ્રંથો છે. ઉપનિષદો કુરાનનું સમર્થન કરે છે. કુરાનનાં 56 માં પ્રકરણમાં 77, 78, 79 સૂત્રો જે ગુઢ  પુસ્તકનો આડકતરો નિર્દેશ છે તે મારી સમજ પ્રમાણે ઉપનિષદને લગતો છે. ઉપનિષદો એ ગુઢ  વિદ્યાઓ છે. અને કુરાનનો એકેશ્વરવાદ એમાં આદિથી અંત સુધી ભર્યો  પડ્યો છે. તેથી હું માનું છું કે જે ગુઢ  પુસ્તક ‘કિતાબે મકનુન’ બાબત કુરાનમાં ઉલ્લેખ છે, એ ગુઢ  પુસ્તક એટલે ઉપનિષદ છે. આનું ભાષાંતર કરવામાં ખ્યાતિનો લોભ નથી પરંતુ જ્ઞાનના પ્રચારની તમન્ના છે. જેઓના હૃદયમાં મતમતાંતરની ધૂન નથી, જેઓને સાંપ્રદાયિક રાગ-દ્વેષો નથી, જેઓ માત્ર ઈશ્વરના દર્શનનાં  જ ભૂખ્યા છે, તેવા મુમુક્ષોઓ અર્થે ઈશ્વરની વાણી સમાન આ પુસ્તકનો  હું અનુવાદ કરું છું. તે જેના હૃદયમાં ઉતારશે તેના રાગ, ભય અને ક્રોધ એ તમામ દુશ્મનો તારાજ થઈ જશે. (ક્રમશ:)

અગમ દેશનો પથિક

અગમ દેશનો પથિક

નાથ પરંપરાના શિષ્ય નાથાલાલ ગોહિલનાં માતાપિતાએ જીવતા સમાધિ લીધી !!

ઈ.સ. ૧૯૪૮માં તા.૧૫ ડિસેમ્બર સંવત ૨૦૦૫ માગશર સુદ પાંચમને રવિવાર સવારના આઠ કલાકે સિલોદર (તા.કેશોદ, જિ.જૂનાગઢ) ગામે મેઘવાળ-વણકર સમાજમાં પ્રજ્ઞાચક્ષુ પિતાશ્રી ઉકાભગત અને માતાશ્રી વીરબાઈમાને કૂખે નાથાલાલનો જન્મ થયો. ખોટનો દીકરો હોવાથી જન્મતાંની સાથે નાક વીંધી ખંડિત કરવામાં આવ્યું ને નામ ‘નાથો’ રાખવામાં આવ્યું.

ઈ.સ. ૧૯૫૧માં માત-પિતાના મુખેથી સાંભળેલું કે, ભાઈ ! તું વરસ સવા વરસનો થયો હતો, ત્યારે તાવ અને ઝાડાથી શરીર સાવ નંખાઈ ગયેલું, લગભગ બચવાની આશા જ નહોતી રહી, દેશી ઓસડિયાંથી જાણે કે થાકી-હારી ગ્યાં’તાં. ત્યારે અમારી આસ્થાનું થાનક હતું એના શરણે ગયાં’તાં. અમે બંને જૂનાગઢ-ગિરનાર સવરામંડપની જગ્યામાં નાથજોગી સેવાનાથ મહારાજ અને તેમના શિષ્ય વેજનાથ મહારાજ પાસે ગયાં. નાથજોગીને ચરણે ધૂણા પાસે તને મૂકીને કહ્યું : ‘જોગી આને જીવતો રાખો; ભલે એ નાથજોગી થતો હોય.” સેવાનાથ મહારાજ ઉભા થયા, ધૂણાની ભભૂતિ નાથાને લલાટે લગાડી દીધી. બોલ્યાં : “માઈ! આ નાથાનું રક્ષણ કાલભૈરવ કરશે.” ને આ બાળક એવા કોઈ અલખની આસ્થાના આશિષથી જીવી જાય છે.

ઈ.સ. ૧૯૫૪માં સિલોદર પ્રાથમિક શાળામાં પ્રવેશ, જ્યાં એમણે છ ધોરણ સુધી અભ્યાસ કર્યો. તે સમયે રતિભાઈ માસ્તર અને શ્રી બાલુભાઈ જોશી (જે હાલમાં ઈતિહાસવિદ, પુરાતત્ત્વવિદ તરીકે ખ્યાત છે અને સોમનાથ-પાટણમાં રહે છે.) જેવા નિષ્ઠાવાન શિક્ષકોથી પ્રાથમિક શિક્ષણનો પાયો બંધાયો. ઈ.સ. ૧૯૫૬માં સંવત ૨૦૧૨ વૈશાખ સુદ અગિયારસને દિવસે નાથાભાઈના પિતા ઉકાભગતે સિલોદર મુકામે “સવરોમંડપ’ કર્યો. આ ધ લોકોત્સવ કે જે, તપ, શ્રદ્ધા અને ભારે જહેમત માગી લે છે. સવરામંડપ વિશે લેખકે તેમના “જ્યોતે ને પાટે પ્રગટયા અલખધણી’ પુસ્તકમાં વિગતે નોંધ મૂકી છે. તે સમયે મંડપની સ્થાપના એક મહિના અગાઉ કરવામાં આવતી હતી. તે સમયે મંડપમાં ગિરનાર જૂનાગઢ સવરામંડપના નાથજોગી વેજનાથ મહારાજ ધૂણો ચેતાવીને સિલોદર બેઠા હતાં.

જ્યોતપાટની ઉપાસના સમયે મોટેભાગે રાત્રિના બાર વાગ્યા પછી નાથજોગી ગાદીએ પધારતા હતા. આ તકનો લાભ લઈને ઉકાભગતે અને વિરબાઈમાએ આઠ વર્ષના દીકરાને નવડાવી, નવાં કપડાં પહેરાવી, હાથમાં નાળિયેર સાથે નાથજોગી વેજનાથ બાપુના ચરણમાં બેસી જવાનું કહ્યું. પઢાવ્યા પ્રમાણે નાથાએ તેમ કર્યું. આ સમયે, જ્યોતનું અજવાળે આવનારને શિષ્ય તરીકે સ્વીકારે આવી પરંપરા હતી. વેજનાથ મહારાજ નાથનાં માતા- પિતા સામે જોઈને હસ્યા ઃ ભલે.. વિધિવત્ નાળિયેર સ્વીકાર્યું. ને સવરામંડમાં પછીથી નાથપરંપરા પ્રમાણે નાથાનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. પરંતુ, અહીં તેનો અર્થ એમ થતો નથી કે, તેમણે ભવિષ્યમાં નાથજોગી થાવું.

ઈ. સ. ૧૯૮૦માં માતાશ્રી વીરબાઈમાને ગર્ભાશયનું કેન્સર થયું. સિવિલ હોસ્પિટલ અને વી.એસ.-અમદાવાદમાં સારવાર લીધી, પતિ- પત્નીએ વીરબાઈમાની ખૂબ સેવા કરી, પણ નિષ્ફળતા જ હાથ લાગી.

દરમ્યાન વીરબાઈની હાલત દિવસે ને દિવસે બગડતી ચાલી. પિતા ઉકાભગતે સમાધિ લેવાની તૈયારી કરી. મરણપથારીએ સૂતેલી વિરબાઈમાએ આ જોયું. કોલેજથી દીકરો આવ્યો, એટલે તેને બોલાવી માએ પૂછ્યું : ‘દીકરા ! આ તારો બાપ શું કરે છે? દીકરાએ કહ્યું : “મા! મારા બાપનો અહીંનો સમય પૂરો થયો છે એટલે સમાધિની તૈયારી કરે છે ને આવતી કાલે સવારે એ સમાધિ લેવાના છે.” મા બોલી: ‘દીકરા ! તારા બાપને ના પાડી દે. એનાથી સમાધિ-બમાધિ કાંઈ લેવાશે નહીં, કારણ કે હું હજી જીવું છું.’ વીરબાઈમા પથારીમાંથી ઊઠ્યાં, આકાશ ભણી આંખ માંડી… અલખધણીનો આછેરો પણ મૂંગો સહજ આરાધ થઈ ગયો, ‘હે અલખના ધણી ! બારબીજના ધણી ! મેં સાચે દિલે તારા બારબીજના ઉપવાસ કર્યા હોય, મજૂરી કરીને સાધુ-સંતોને જમાડ્યા હોય, આંધળા ધણીને દેવ માનીને એને સેવ્યા હોય, તારા ધૂપ, દીવો, અગરબત્તી કર્યાં હોય, તો મારી માથે સૌભાગ્યની ચૂંદડી હોય, હું વિધવા બનીશ નહીં.” આ જાણી ઉકાભગતને થયું કે મારાથી સમાધિ લેવાશે નહીં… તેમની વિધિ અટકાવી દીધી.

નાથાભાઈએ ગીતાજીના પાઠ કર્યા. ઈ. સ. ૧૯૮૦માં તા.૧૨ જાન્યુઆરીના દિવસે શનિવારે માતાશ્રી વીરબાઈમાએ સાંજે દીકરાને હાથે પાણી પીને જીવતા સમાધિ સાથે દેહ છોડયો. ઈ. સ. ૧૯૮૦માં વીરબાઈમાના નિર્વાણ બાદ, બરોબર બે મહિને ઉકાભગતે કુટુંબ-પરિવારનાં સૌને બોલાવીને તા.૧૨ માર્ચના રોજ વહેલી સવારે જીવતા સમાધિ લઈ દેહ છોડયો.

આ અગમ દેશનો પથિક તે ગુજરાતીના ગહન અભ્યાસુ પ્રાધ્યાપક શ્રી નાથાલાલ ગોહિલ . ભજન સાહિત્ય  અને સંત સાહિત્યમાં  અનેક પરંપરાઓ વિષે  ઊંડાણથી સંશોધન કરીને ગુજરાતી સાહિત્યમાં અગમનો એક ખજાનો ઉમેરનાર શ્રી નાથાલાલ ગોહિલ વર્ષોથી જૂનાગઢ પાસેના એક નાનકડા ગામ કેશોદમાં પલાંઠી મારીને બેઠા છે.

બાપુએ મોંઘીદાટ કારનાં નાણાં દાનમાં આપી દીધાં!!

બાપુએ મોંઘીદાટ કારનાં નાણાં દાનમાં આપી દીધાં!!

 

 

 

 

 

 

લોકભારતી ,સણોસરાને રૂપિયા એક કરોડ બાપુએ અર્પણ કર્યા!

ગુરુપૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિની બહુ જ પૂણ્ય તિથિ છે. વર્ષોથી ગુરુ મહિમા આ દિવસે ગણાતો આવ્યો છે.   હકીકતમાં જેમના તરફથી એક નવો વિચાર, નવું ડગલું ભરવાં માટે મળે તે આપણો ગુરુ હોઈ શકે. જ્યાં સુધી જગતને સંબંધ છે ત્યાં સુધી વિશ્વના લોકો કોઈ બુદ્ધ પુરુષને, કોઈ સંતને, કોઈ સાધુને પોતાના ગુરુ માનતા હોય છે. પ્રિય શ્રી મોરારીબાપુ ના કિસ્સામાં એવું માનવામાં આવે છે કે અનેક શિષ્યોના ગુરુ છે. આ જો કે સાચું નથી. કારણ કે “બાપુ પોતે કહે છે કે હું ગુરુ નથી, સદગુરુ નથી, બુદ્ધ પુરુષ નથી, હું એક સાદો સીધો તમારા જેવો માણસ છું.” આ વાત તેઓ ખાનગીમાં કહે છે એવું નથી, વ્યાસપીઠ ઉપરથી વારંવાર ઉચ્ચારીને સાવચેત કરે છે કે, ના મને ગુરુ પદ આપશો નહીં. નોર્વેમાં ત્રોમસોમાં થઈ રહેલી કથા દરમિયાન ફરી એકવાર ગુરુપૂર્ણિમાનો ઉલ્લેખ થયો ત્યારે પોતાના ભૂતકાળને સ્પષ્ટ રીતે શ્રાવકો સામે રાખીને બાપુએ ફરી એકવાર ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટતા કરી કે, ગુરુપૂર્ણિમા ઉત્સવ હવે હું ઉજવતો નથી, હું મારા ગુરુની પાદુકાનું પૂજન કરું છું, પણ મારા પૂરતું જ. ચિત્રકૂટ ધામ તલગાજરડા, કે કૈલાશ ગુરુકુળ, મહુવા ખાતે કોઈ વિશેષ કાર્યક્રમ થતો નથી. એટલે તેમણે વિશ્વભરના અપાર ચાહકોને વિનંતી કરી કે, આ કારણ માટે તમે તલગાજરડાનો ધક્કો ન ખાશો.

મોરારી બાપુ માટે ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હોય છે. એમ કહીએ કે હવે એવી વાતો કરવી એ ફેશનનો વિષય થઈ ગયો છે. અને મોરારીબાપુ શું કરે છે અને શું નથી કરતા અથવા કેમ કરે છે, અને કેમ નથી કરતા, એના વિશે ચર્ચા સત્રો પણ ક્યાંક-ક્યાંક ખાનગીમાં યોજાતા હોય છે. કોઈ એવી વાતો પણ ચલાવે છે કે બાપુ પોતાના શિષ્યો પાસેથી પોતાને જોઈએ તે બધું જ મેળવી લેતા હોય છે. પરંતુ આ બાબતને સ્પષ્ટ કરતા  બે પ્રસંગો બાપુએ સૌની સમક્ષ અભિવ્યક્ત કર્યા તે વાતને અહીં નોંધતા હું આનંદ અનુભવું છું.

નોર્વેમાં સાતમા દિવસની કથા શુક્રવારે થઈ રહી હતી ત્યારે ગુરુપૂર્ણિમાના ઉલ્લેખ કરીને બાપુએ બહુ સ્પષ્ટતાપૂર્વક કહ્યું કે, શરૂઆતના વર્ષોમાં મારી આવશ્યકતા હતી એટલે હું ગુરુપૂર્ણિમાના એક દિવસે ગુરુદક્ષિણા સ્વીકારતો હતો, અને એ વખતે જો એક લાખ રૂપિયા મળતા દિવસને અંતે તો એમાંથી પણ હું 10 ટકા જુદા મૂકતો કારણ કે હું સૌને કહેતો હું કે દશાંશ જુદો કાઢો તો મારે પણ કાઢવો જોઈએ. જ્યારે આ રકમ વધવા માંડી અને ચાર, પાંચ, છ લાખ થવા લાગી ત્યારે પછી મેં 90 ટકા જુદા મુકવાનું શરૂ કર્યું. કારણ કે 10 ટકા પૈસામાંથી મારો જીવન વ્યવહાર ચાલતો હતો. પણ આ આંકડો જેમ-જેમ મોટો થવા લાગ્યો તેમ-તેમ મને થોડું અસુખ થવા લાગ્યું અને મેં એક દિવસ અચાનક જ ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાની મનાઈ કરી દીધી. આની પાછળનું બીજું કોઈ કારણ નથી. મારો આદર ગુરુ પ્રત્યેનો એમનેમ છે, અકબંધ છે. અને જીવું ત્યાં સુધી રહેવાનો છે. પરંતુ ઉદ્દેશ એક જ છે કે, હું કોઈનો ગુરુ થવા તૈયાર નથી, મારે કોઈને શિષ્યો બનાવવા નથી, જે જે લોકો જે ઈશ્વરમાં માનતા હોય, કે જે વ્યક્તિત્વને પૂજતા હોય એ એના ગુરુ એમને મુબારક.

બાપુએ બે ઉદાહરણો  વ્યાસપીઠ ઉપરથી જ્યારે રજૂ કર્યાં ત્યારે એ ઉદાહરણોના ભાવકો એ સભાખંડની અંદર હાજર હતા. થોડા સમય પહેલા ધરમપુર પાસેના ખાંડા ગામે  આદિવાસી વિસ્તાર માટેની પહેલી રામકથા નું આયોજન થયું અને એના મનોરથી પરિવાર તરીકે જગુમામા, મામી અને પુત્ર મહેશનો  સમગ્ર પરિવાર હતો. તેઓ અમેરિકા વસે છે અને આ કથાનો મનોરથ એમણે બહુ સુપેરે પાર પાડ્યો. જગુમામાના દીકરાએ બાપુ પહેલી વખત ગાડીમાં બિરાજે એવી રીતે બાપુ ધરમપુર પધાર્યા ત્યારે એક નવી નકોર ગાડી લીધી, અને એ ગાડીમાં બાપુને લઈ આવવાનું કામ બારડોલીના સેવક નરેન્દ્રભાઈ પટેલ કરતા હતા. એ ગાડીની કિંમત લગભગ 1 કરોડ 46 લાખ રૂપિયા જેવી થતી હતી. એ કથાના દિવસો દરમિયાન બાપુએ એ રથ જેવી ગાડીમાં આવવા-જવાનું રાખ્યું. કથા પૂર્ણ થઈ પછી જગુમામા ના દીકરાએ મહેશભાઈએ સારથી નરેન્દ્રભાઈ ને કહ્યું કે, આ ગાડી તલગાજરડા મુકી આવો કારણ  બાપુને એ ગાડી અમે એમણે અર્પણ કરીએ છીએ. બાપુએ તરત ના પાડી, પણ મનોરથી પરિવારનો  અતિ આગ્રહ હતો  તેથી બાપુએ કહ્યું કે, હું એક મહિનો વાપરું. પણ બાપુ પોતે એક મહિના દરમિયાન પણ અસુખ અનુભવતા હતા કે આ બોજો ખોટો છે. એટલે એમણે જગુમામા અને મહેશને પૂછીને કહ્યું કે મારે આ ગાડી નથી જોઈતી. તો એમણે કહ્યું, બાપુ આપને જે ઈચ્છા થાય તે ગાડીનું કરો. અને તરત જ બાપુએ એ ગાડી વેચવા કાઢી નાખી. બાપુએ પોતે બે-ત્રણ લોકોને કહ્યું કે, ભાઈ ગાડી આપણે ઝડપથી વેચી નાખીએ એટલે મારી ઉપરથી એક ભાર ઉતરી જાય. ખાંડાની કથાના આયોજનમાં રહેલ પરેશભાઈ ને જવાબદારી બાપુએ સોંપી કે આ મોંઘીદાટ ગાડી જેને જોઈએ તેને વહેંચી દો. પાંચ-પંદર લાખ ઓછા આવે તો ચિંતા ન કરશો. અને બાપુએ વ્યાસપીઠ ઉપરથી પૂછીને પરેશભાઈના ખુદના મોઢેથી બોલાવ્યું કે, 1 કરોડને 26 લાખમાં એ ગાડી વેચી દેવામાં આવી. તાત્કાલિક પ્રશ્ન થાય કે આટલા બધા પૈસા નું શું કર્યું હશે? પણ બીજી જ મિનિટે બાપુએ કહ્યું, 1 કરોડને 46 લાખમાંથી એક કરોડ રૂપિયા લોકભારતી સણોસરાની સંસ્થાને કે જેની સાથે મારો આત્માનો સંબંધ બંધાયેલો છે એને અર્પણ કર્યા, અને બાકીના પૈસા જરૂરિયાતમંદને વહેંચી દીધા.

એક બીજી ઘટના પણ બાપુએ સાથે જોડી. નોર્વેની કથા જે હોટેલમાં હતી તેના યુરોપિયન મેનેજર બાપુની હાજરીથી બહુ અભિભૂત છે. બાપુના આગમન પહેલાથી એ લોકો ‘જય સીયારામ’ બોલતા શીખી ગયા છે. એ લોકોના કાઉન્ટર ઉપર ‘સત્ય-પ્રેમ-કરુણા’ નોર્વેજયન ભાષામાં લખાઈ ગયેલું છે. એવા કેટલાક યુરોપિયન ભાઈઓ ને બહેનો  બાપુને વંદન કરવા વ્યાસપીઠ સુધી આવ્યા અને બાપુને વંદન કરીને એમણે એક નાનકડી ડબ્બી ભેટ આપી. બાપુએ રામનામી આપીને એ સૌનું સન્માન અને આદર કર્યો. બાપુએ તરત જ પેલી નાનકડી ડબ્બી જે સવારના પ્રાર્થના સમયે એક બાજુ નિલેશભાઈએ મૂકી હતી તેને મંગાવી. એ ડબ્બી બધાની હાજરીમાં ખોલી, એની અંદરથી એક નાનકડી કોથળી, અને કોથળીની અંદર એક સૂર્યનું ચિન્હ સાથેનો બેઝ, જેને આપણે ટાઇ ઉપર લગાડી શકીએ એવું સુંદર મજાનું બેઝ નીકળ્યો. બાપુએ બે ક્ષણ માટે એને પોતાની રામનામી સાલ ઉપર બરાબર લગાડ્યો અને સૌને આનંદ થયો બાપુએ કંઈક તો સ્વીકાર કર્યું. પણ ત્યાં જ બાપુએ હાકલ પાડી, કે લાલો ક્યાં છે? લાલો એ સંગીતની દુનિયાનો સીધો સાદો કેમેરામેન છે. પણ બાપુ સૌને નામથી ઓળખે છે. દિલથી પ્રેમ કરે છે એટલે એણે લાલાને બોલાવ્યો, જે  દૂર-દૂર કેમેરા ઉપર વ્યસ્ત હતો. એ દોડમદોડ વ્યાસપીઠ ઉપર આવ્યો ત્યારે બાપુએ એના હાથમાં એ ડબ્બી મૂકીને કહ્યું, લે લાલા તારે ઘરે જઈને તારા દીકરાને આપી દેજે.,

આપણે સામાન્ય રીતે એવું માનતા હોઈએ છીએ કે બધું બધા લોકો ગ્રહણ કરીને જ જીવતા  હોય છે. પણ બાપુના કિસ્સામાં આ વાત સાચી નથી. આ બે ઉદાહરણો આપણને એવું કહી જાય છે કે બાપુ માટેની ઘણી બધી માન્યતાઓ આપણા મનમાં ભરાયેલી છે એ સાચી છે કે ખોટી એનો જરાક અભ્યાસ કરવા જેવો છે. આ વાત એટલા માટે નોંધવાનું થયું છે કે  બાપુ કથા કરવાનાં, પધરામણી કરવાનાં, કે ભિક્ષા લેવા આવવાનાં કોઈ પ્રકારમાં કોઈ પણ રીતે કશું જ લેતા નથી. કોઈ કવર બાપુને આપવાનું થતું હોતું નથી, એટલે એ બાબતની વાત ફેલાવનાર લોકો માટે આ બે ઉદાહરણો પર્યાપ્ત ખજાનો પૂરો પાડે એમ છે એટલે મેં અહીં રજૂ કર્યા છે.

નોર્વેમાં ત્રોમસોમાં સમગ્ર કથા દરમિયાન હું સદેહે ઉપસ્થિત હતો અને આ ઘટના સંગીતની દુનિયાની ચેનલ ઉપર પણ ઝડપવામાં આવી છે. મને એ બાબતનો આનંદ છે કે જે વ્યક્તિ સંગીત, સાહિત્ય, શિલ્પ, નૃત્ય, કલા, ગાયન અરે બોલો એટલી કલાનાં ઉપાસક રહ્યાં છે અને આ કલાઓ માટે યુનિવર્સિટીઓ ન કરી શકે એટલું પ્રદાન જેમણે કર્યું છે તે શ્રી મોરારી બાપુ પોતાના શ્રાવકો પાસેથી, પોતાનાં યજમાનો પાસેથી, પોતાનાં મનોરથીઓ પાસેથી ખરેખર કશું લેતા નથી. મળે તો પણ તે અર્પણ કરી દેતા હોય છે. એ વાત ભારત દેશ માટે નહિ, વિશ્વભરે નોંધવા જેવી  છે. જય સિયારામ…

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જીભે છે નામ “માંકડભાઈ” !!

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જીભે છે નામ “માંકડભાઈ” !!

અંદરથી કોઈએ કહ્યું: ‘તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે થાય એવી સેવાએ તું  લાગી જા.’  અને તેઓ લાગી ગયા !!! 

ખુદને થયેલી દિલની વ્યથા સેવા તરફ માર્ગ ચીંધે છે. રાજકોટમાં એક સાત્વિક સમારંભ થયો. અને આ સમારંભના સાક્ષી બનવાનો  લાભ મળ્યો ત્યારે ગદગદ થઈ જવાયું  અને સમગ્ર સમારંભ દરમિયાન એવું લાગ્યું કે, જાણે કોઈ સત્કર્મના મસીહાની સામે આપણે બેઠા છીએ.

માણસ તો એ સાદો સીધો છે. ઓડિટર જનરલ ની ઓફિસમાં એ નિયમિત નોકરી કરે. પરંતુ તેમના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો કે, જે પ્રસંગે એને માત્ર નોકરી પૂરતો ન રાખ્યો. આનું નિમિત્ત બની પોતાની દીકરી વ્હાલનો દરીયો. એવું નિદાન થાય છે કે, એના હૃદયમાં કાણું છે. નાની ઉંમર, બાલ્યાવસ્થા અને આવું મોટી વ્યાધિ !! , આ વાત  40-50 વર્ષ પહેલાની. એટલે એ વખતે તો તબીબી જગત એટલું આગળ વધેલું નોહ્તું એટલે વધુ ચિંતાનો વિષય હતો. પણ એ હોસ્પિટલ સુધી પહોંચે છે અને એક માંથી બીજી હોસ્પિટલ, એક ડોક્ટર થી બીજા ડોક્ટર, એમ એનાં ચક્કરો શરુ થાય છે. વ્યથા છે દિલની અંદર, કરુણા છે દીકરી પ્રત્યે, પણ ઈલાજ તો ઈશ્વર કરશે એવી એની શ્રદ્ધા પાકી છે. મુંબઈ સુધી જાય છે, પૈસાનો  મેળ કરીને, મુંબઈમાંથી પણ જોઈએ એવું કોઈ નિદાન મળતું નથી. કોઈ સધિયારો  મળતો નથી. અને ત્યારે એના મનમાં એવો વિચાર આવે છે કે, ઈશ્વર સહાય કરે તો હવે આમાં કશુંક ફળશે.

મુંબઈથી પાછા આવીને નિરાશ થઈને બેઠેલા એ નોકરિયાત સજ્જનને કોઈએ સમાચાર આપ્યા કે આપણા શહેરમાં સર્વરોગ નિદાન કેમ્પ થવાનો છે અને એમાં મુંબઈના મોટા-મોટા ડોકટરો નિઃશુલ્ક નિદાન કરવાના છે. જેમ ડૂબતો માણસ તરણું  શોધે, એમ એમણે પણ એ નિદાન યજ્ઞની અંદર પોતાની દીકરીનું નામ લખાવી નાખ્યું. ત્રણ-ચાર વર્ષ સુધી પોતાના દીકરીનાં  દર્દનું નિદાન અને તેના ઉપચાર માટે ભટકનારા એ સાદા, સીધા, સજ્જન નોકરીયાતને એવો ખ્યાલ આવ્યો કે, દીકરીના હૃદયમાં કાણું નથી.!! જે કંઈ  થોડી અસર છે તેના માટે કોઈ સર્જરીની જરૂર પણ નથી. હાશકારો તો થયો, પણ પોતે જે  રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાયા, વિચિત્ર હોસ્પિટલોના ચિત્ર વિચિત્ર જવાબો સાંભળ્યા, કેટલાએ તબીબો દ્વારા એક નાના માણસને અવગણવાની જે દશાઓ અનુભવી તેણે  તેમના અંતર આત્માને જગાડી મૂક્યો.  અને એણે ઈશ્વરનો આભાર કઈ રીતે માનવો એ વિચાર્યું અને એમાંથી જવાબ મળ્યો કે, તારી દીકરી સાથે જે થયું તે અન્ય કોઈ સાથે ન થાય એવી સેવાએ તું  લાગી જા. અને એ લાગી ગયા !!!

બે, પાંચ, દસ વર્ષ નહીં, પરંતુ લગભગ છેલ્લા  છ દશકાથી સમગ્ર દર્દીઓની દુનિયામાં, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા ગામે ગામના લોકોની જીભ ઉપર એનું નામ ચડી ગયું. માત્ર દર્દીઓ નહિ, પણ આ હોસ્પિટલના અનેક કાર્યકરો, તબીબો, લેબોરેટરી વગેરેના સૌ નોકરીયાતો, એ બધાના નામે એક જ નામ. કોઈ ડોક્ટર પાસે પેલાં ન જાય, પણ માંકડ સાહેબ પાસે પહેલા જાય. આ માંકડ સાહેબ એ હોસ્પિટલના કોઈ સાહેબ નહોતા, પણ આપણે જેનો પહેલેથી ઉલ્લેખ કર્યો છે તે માંકડ સાહેબ નોકરિયાત હતા સરકારનાં. પણ રોજ સવાર પડે અને નોકરી સિવાયનાં બધા કલાકો એ સિવિલ હોસ્પિટલમાં હોય. કામ તો પાયાથી શરુ કર્યું એમણે. દર્દીને સામાન્ય માહિતી આપવાથી અને ડોક્ટર સુધી ઝડપથી પહોંચાડવાનું શરુ કર્યું. કોઈ કેસ ઇમર્જન્સી છે અને એને જો હોસ્પિટલનું તંત્ર ઇમર્જન્સી  ગણતું નથી તો એને ઇમર્જન્સી ગણાવીને ઝડપથી સારવાર તરફ પહોંચાડવું ત્યાંથી સેવાયજ્ઞ શરુ થયો. અને પછી તો ઘણી સેવાઓ  સામે આવતી ગઈ. તબીબો દ્વારા જે દવા લખી આપવામાં આવે એ દવા લેવાના દર્દી  પાસે પૈસા ન હોય, પણ એ માંકડ સાહેબ પાસે જાય ત્યારે માંકડ સાહેબ દવા મંગાવી આપે !!  ક્યાંથી આવી છે એનો દર્દીને તેના સગાઓને ખ્યાલ ન હોય.

કેટલાક દર્દીઓ એવા હોય કે જેને સારવાર શરૂ થઈ ગઈ હોય પણ એને રોજ ખાવાના ફળ કે નાળિયેર પાણી એવું કશું ન મળતું હોય તો  મૂંગે મોઢે માંકડભાઈ હોસ્પિટલના ખાટલે-ખાટલે માત્ર ઝીણી નજર કરીને ફરતા રહે અને નોંધતા રહે અને એકાદ કલાકની અંદર જે તે  દર્દીના ખાટલા પાસે તેની  જરૂરિયાત પહોંચતી થઈ ગઈ હોય. પણ હા, અનેકોના દર્દને શાંત્વના આપતા આ માંકડભાઈ એવા સોગિયા માણસ નથી. એક હસમુખા માણસ છે. તમે એની સાથે ઉભા હો તો દસ મિનિટમાં તમારું વાતાવરણ એકદમ જીવંત કરી શકે એવા માણસ છે. એમના લગભગ આઠમા દાયકાના આયુષ્યમા પણ તેઓ આવું સ્વાસ્થ્ય જાળવી શક્યા છે, એનું કારણ એ છે કે, તેઓએ અનેકના સ્વાસ્થ્યને ડૂબી જતું ઉગારી લીધું છે. એમને છેલ્લા પાંચેક વર્ષમાં રાજકોટે બહુ ઓળખ્યા છે. એમને કેટલાય સન્માનો મળ્યા છે. અને એ સન્માનો પણ એમણે એકદમ નિસ્પૃહી થઈને પરાણે સ્વીકાર્યા છે. ક્યારેય સ્ટેજ ઉપર આવીને બોલવું એને ફાવ્યું નથી. એટલે માંકડભાઈ દ્વારા લખાયેલી સુંદર મજાનું  પુસ્તક હરિને હાથ તાળી જ્યારે લોકાર્પિત થયું, ત્યારે પણ માંકડભાઈ માત્ર બેઠા રહ્યા અને વચ્ચે વચ્ચે પોતાની વાત ટાપસી પુરાવતા રહ્યાં. એમણે ભાષણ ન કર્યું. એમને ભાષણ આવડતું નથી. કારણ કે જે ભાષણ કરે છે એ દર્દીના ખાટલા સુધી પહોંચી શકતા નથી. માંકડભાઈને તો એક-એક હમદર્દ સાથે પોતાની લાગણીઓ વહેંચવી હતી. કારણ કે નાનપણમાં તેમણે આવા જ દર્દી બનીને ખાટલે ખાટલે ભટકવાનો પ્રસંગ બન્યો હતો.

માંકડભાઈના  દીકરી અને  દીકરાએ આ સુંદર મજાનો પ્રસંગ યોજ્યો હતો. નાનો નમણો એવો સમૂહ એમની સાથે ભાવકોનો બેઠો હતો, અને એમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટથી લઈને બ્લડ બેન્કના વ્યવસ્થાપક થી લઈને, નાનામાં નાના ફળની રેકડીવાળાથી લઈને, બધા લોકો આતુરતાપૂર્વક આ હિમાંશુ માંકડ દ્વારા લખાયેલું પુસ્તક હરિને હાથ તાળીનું  લોકાર્પણ નિહાળવા અને એમાં પોતાની તાળીના ગડગડાટ ઉમેરવા હાજર હતા.

પુસ્તક લખવું જોઈએ એવો એમને બહુ ખ્યાલ નોહ્તો. પણ પોતના બે સંતાનોએ બરાબર હામ ભીડી અને વિનંતી કરી કે, આપણે એવા પ્રસંગોથી પુસ્તક લખીએ કે જે પ્રસંગો તમે જીવનમાં અનુભવ્યા હોય, તમે કોઈને મદદ કરી હોય એ ન લખજો, પણ દર્દીઓને કેવી જરૂરિયાત પડે છે, માંદગી કેટલી બધી ખરાબ ચીજ છે, જ્યારે સ્વાસ્થ્યની સેવા ન મળે ત્યારે ગરીબ માણસ કેટલો વામણો બની જાય છે, આ બધું દર્શાવતા જે પ્રસંગો છે એ પ્રસંગોને તમે વર્ણવો, અને નાના નાના પ્રસંગોમાંથી એક સરસ પુસ્તક બનાવીએ, એને નામ આપીએ ‘હરિને હાથ તાળી. હિમાંશુભાઈ માંકડ નાગર ગૃહસ્થ છે. એ જ્ઞાતિમાં ‘ચ’ ભાઈના નામથી ઓળખાય છે. ‘ચ’ ભાઈ શા માટે કહેવાયું  એની બહુ ભાળ  ઝડપથી મળતી નથી. પણ એ નામ વહાલનો ટહુકો છે.  હિમાંશુ માંકડને ‘ચ’ ભાઈ કહેવું  લોકોને હૃદયથી ગમે છે. દુબળું પાતળું એક કાંઠીનું આ શરીર ‘ચ’ ભાઈ નામનાં પોતાના ઉપનામને હસતાં-હસતાં આવકારે છે. એમણે પોતાની પ્રસ્તાવના, પોતાની વાત, આ પુસ્તકમાં લખી છે. એમાં એમણે ખરેખર પોતાની વાત નથી લખી. પણ એમણે આ કાર્યોમાં જેનો સહકાર મળ્યો છે તે નાના-નાના લોકોની ઋણ સ્વીકારની ભાવના વ્યક્ત કરી છે. તેમણે પોતાના ઇષ્ટદેવ અને પોતાના ઇષ્ટ દેવીનો આભાર વ્યક્ત કર્યો છે, કારણ કે દરિદ્ર નારાયણ સુધી પહોંચવામાં ઈશ્વરનો સાથ તો પહેલો જોઈએ ને !! એ.જી. ઓફિસના મિત્રો  અને એ.જી. ઓફિસના  સૌને તેઓએ યાદ કર્યા છે. આ પુસ્તકનું સંપાદન કરવાનું થયું ત્યારે સંપાદક શ્રી ને તેઓએ સ્પષ્ટ સૂચના આપી કે, આખા પુસ્તકમાં ક્યાંય હું, મેં, અથવા મારા દ્વારા, એવા કોઈ શબ્દો ન આવે એમ તમે જોજો. અને ખરેખર પુસ્તકની અંદર ‘અમારા’ દ્વારા, ‘અમને’ સમાચાર મળ્યા, ‘અમારી’ સંસ્થાને સંદેશો મળ્યો, આવા વાક્યો થી એમણે પોતાની જાતને અહમથી દૂર રાખી છે.

એમ કહેવાય છે કે આપણા બધા જ પ્રકારના જ્ઞાન, બધા જ પ્રકારના કૌશલ્યો, કે બધા જ પ્રકારની આપણી ક્ષમતાઓનો બરાબર નાશ કરનાર કોઈ શબ્દ હોય તો હું, મેં, મારું, છે. ‘ચ’ ભાઈએ કાળજી રાખીને આ વાત યાદ રાખીને ક્યાંય પણ મેં કર્યું છે, મારા દ્વારા થયું છે, એમ કહેવાને બદલે અમારા દ્વારા થયું, અમને મેસેજ મળ્યો, એ ઉપર આધાર રાખ્યો છે. નાના-નાના કેટલાય  પ્રસંગો બહુ જ પ્રવાહી ભાષામાં, વાતચીતની ભાષામાં, તેઓએ અહીં રજૂ કર્યા છે. આવા 36 પ્રસંગોમાં કેટલીય વાત આવે છે. કોઈને લોહી જોઈએ તો શું, કોઈને પૈસા જોઈએ તો શું, તે બધું જ કામ તેઓ પોતે કેવી રીતે કરતા હતા, કોના સાથીદાર બનીને કરતા હતા, એ તેમણે વર્ણવ્યું છે. ક્યાંય આત્મશ્લાઘા કે  ક્યાંય  પોતાના કામને મોટું દેખાડવાનો પ્રયાસ નથી. સારું છે કે તેઓ સાહિત્યના માણસ નથી. સાહિત્યનો માણસ હોત તો કદાચ એણે વિશેષણોની ભરમાળ સર્જી નથી. આ પુસ્તક જે વાંચશે  તે પોતાની  જિંદગીમાં  દાસ પંદર  સારા સેવાકાર્યોમાં પોતે પ્રવૃત થવાનું નક્કી કરશે  તેની હું ખાતરી આપી શકું.

પુસ્તકનાં છેલ્લાં ટાઇટલ પાન પર લખ્યું છે ::

આશ ધબકે એમના હો  શ્વાસ બાકી, હરિને હાથતાળી

દ્રોણાગિરીથી જીવંત પ્રાણ લાવી, હરિને હાથતાળી

ચિત્રગુપ્તના ચોપડેથી નામ ફાડી, હરિને હાથતાળી

જલારામ નરસૈયાને રણછોડદાસજી, હરિને હાથતાળી

સેવા કરુણાથી સમર્પિત જાત થાતી, હરિને હાથતાળી

હું ભૂલીને જનસેવામાં સૌની વારી, હરિને હાથતાળી

મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું !!

મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું !!

અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી, ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”

આજે અષાઢી બીજ. આજે કચ્છી નવું વર્ષ.

કચ્છના નગર કુટુંબની વહુઓ આજે માથે ઓઢીને પોતાની સાસુજીના ચરણ વંદન કરે એવો પવિત્ર દિવસ. જ્યોતિષીને પૂછ્યા વગર શુભ કાર્યો  આજે કરીએ તો મંગલ થાય તેવી પવિત્ર તિથિ તે અષાઢી બીજ.

આજે બે ‘ક’ યાદ આવ્યા વગર ન રહે..

‘ક’ કાલિદાસનો ‘ક’ અને ‘ક’ કચ્છનો ‘ક’….

મહાકવિ કાલિદાસનું સ્મરણ કરાવતી તિથિ. મેઘ રાજા હાર્યે વાત્યું માંડનાર સમર્થ કવિ !! તો કુદરતનો કોપ અને કુદરતની કૃપા બન્ને સાથે કચ્છડો બારે માસ !! આપણી દેવ ભાષા સંસ્કૃતની રુડી પેશકશ કરનાર કાલિદાસ, તો એવી જ મીઠડી બોલી તે ‘કચ્છી’…

સંસ્કૃત ઉચ્ચારીએ તો મોં ભર્યું ભર્યું લાગે, તો કચ્છી બોલી કાને પડે તો કાનમાં સળવળાટ  થવા લાગે..

મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માડું

મીઠી અસાન્જી ગાલીયું, અને મીઠી અસાન્જી પ્રીત

અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું !

લોક જીભે ચડેલી આ ઉક્તિ ગાગરમાં સાગર સમાવીને કચ્છની લાક્ષણિકતાઓ કહી જાય છે. અમારો કચ્છ મીઠડો, કારણ એના માણસો મીઠા,,અરે એની ગાળ્યું ય મીઠી અને એની પ્રીત પણ મીઠી !!

બારેમાસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં કચ્છીઓની ઓળખ અનેરી છે. ‘મેઠા માડું ને મેઠી ભાષા’ વિવિધતામાં એકતા એટલે કચ્છી. દેરાવાસી, સ્થાનકવાસી, દશા ઓસવાલ, વીસા ઓસવાલ, વાગડ, પાટીદાર સમાજ, લેવા પટેલ, રાજગોર સમાજ, ક્ષત્રિય, બ્રાહ્મણ, લોહાણા, ભાનુશાલી, સુમરા, લંઘા વગેરે અનેક જુદો-જુદો લહેજો ધરાવનાર અનેક જ્ઞાતિઓની એકમાત્ર ભાષા એટલે કચ્છી, જેણે વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે.

કચ્છમાં ય પાછું જિબો અમારું ભુજ્જજજ્જ.. ‘ભુજ’ બોલે ત્યાં તો કચ્છી માડું હરખઘેલા અને એટલે ‘ભુજ’ શબ્દ નહીં પણ સંગીત બનીને જજ્જજજ્જ  ગળચટું લંબાણ ઉચ્ચારે .

અગાઉ ભુજ શહેર પાંચ નાકાં અને છઠ્ઠી બારી વચ્ચે સીમિત હતું..

અઢી કાંગરા, એક કટારી, પાંચ નાકા ને છઠ્ઠીબારી,

ત્રણ આરા, ચોથી પાવડી, બજાર વચ્ચે કરી ચાવડી.”

આ પંક્તિઓ ભુજનો સુપેરે પરિચય કરાવે છે.

ભુજનો ક્રમશ: નાકાં બહાર વિસ્તાર થતો ગયો.આજે આ શહેર ૫૬ કિમી.ના રસ્તા ધરાવે છે. ભુજ હકીકતમાં ૫૬ની છાતી ધરાવે છે એમ હવે  ગૌરવપૂર્વક છાતી ઠોકીને કહી શકે  તેમ છે. ૩૦૦ વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જુની ટંકશાળ હતી. (ટંકશાળ એટલે જ્યાં ચલણી નાણું છાપવામાં આવે એ જગ્યા) ત્યાં કચ્છરાજનું તત્કાલિન ચલણી નાણું છપાતું. એક સદી પહેલાં મહાદેવ નાકાં પાસે નવી ટંકશાળ શરુ કરવામાં આવી હતી પછી ત્યાં મામલતદાર ઓફિસ અને તિજોરી કચેરી બેસતી. આજે અહી બોર્ડર વીંગની કચેરી અને પેન્શનર્સ એશો.ની ઓફિસ આવેલી છે.

કચ્છી-કાઠીયાવાડી બીસ્કીટ એટલે બાજરાનો રોટલો. પરદેશમાંથી બાજરો લાવનાર ગિરાસદાર યદુવંશી રાજપુત રાજા લાખા ફુલાણી..

સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશેની લોકવાર્તા પ્રસિદ્ધ છે.

ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા તે સાથીઓ સાથે ભુલા પડતા અંધારીયા ખંડમાં પહોંચી ગયા  હતા . ઘણા દિવસોથી શિકાર પાછળ રઝળપાટ કરતા લાખા ફુલાણીના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયા હતા , ત્યારે સતત ભાગદોડથી થાકેલા ઘોડાઓ નદી કિનારે ઉગેલા અજાણ્યા ઉંચા છોડના ડૂંડાઓનો ચારો ચરી રહ્યા હતા.અજાણ્યા છોડનો ઉત્સાહથી ચારો ચરતા ઘોડાઓને જોઈ ભૂખની પીડાથી હેરાન લાખા ફુલાણીને નવાઈ લાગી હતી. લાખા ફુલાણીએ ઘોડાઓની નજીક જઈ છોડ ઉપર આવેલા ડુંડાને દબાવી તેના લીલાછમ દાણા પોતાના મોઢામાં મુકતા તેના અનેરા સ્વાદ સાથે શરીરમાં તાજગી અનુભવતા બોલી ઉઠ્યો હતો.

લોકસાહિત્યમાં એવું બોલાય છે કે,

બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખુ આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

બાજરો ખાતા જ થાકેલા ઘોડા તરોતાજા દેખાવા લાગ્યા હતા, એ  સાથીઓ સાથે લાખા ફુલાણીએ અજાણ્યું જંગલી ધાન ખાતા તેમનામાં પણ નવી તાજગી સાથે શક્તિનો સંચાર થયો હતો. લાખા ફુલાણીને આ જંગલી ધાન ગમી જતા આશરે એક હજાર વર્ષ પહેલા કચ્છમાં બાજરાનું આગમન થયું હતું. ઓછા વરસાદ, ઉંચા તાપમાન સાથે ઓછી ફળદ્રુપ, રેતાળ કે સામાન્ય ક્ષારવાળી જમીન ધરાવતો પ્રદેશ બાજરાના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે.

કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે. કહેવાય છે કે,  કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.

કચ્છની મુખ્ય બોલી એવી ભાષા છે કે જેની જુદી લિપિ નથી.. એટલે ભાષા જ કચ્છી છે, એકદમ અંતરિયાળ ગામડાઓને બાદ કરતા મોટાભાગના લોકો ગુજરાતી પણ બોલી અને સમજી જાણે છે. આ ઉપરાંત અહીં ઘણા લોકો સિંધી, હિંદી અને અંગ્રેજીની પણ જાણકારી ધરાવે છે.

દેશ વિદેશમાં વસતા કચ્છીઓ આજે હરખભેર અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અષાઢી બીજ દીવાળીના ઉત્સવની જેમ ઉજવાય છે અને ઘરે ઘેર લાપસીના આંઘણ મૂકાતા હોય છે. ગુજરાતમાં વસતા કચ્છીઓ વર્ષોથી તેમના ખમીર અને આગવી કળાને લીધે દેશ વિદેશમાં જાણીતા બન્યા છે તે પછી સ્વતંત્રતા સેનાની શ્યામજી કૃષ્ણજી વર્મા હોય કે જામ લાખો ફુલાણી અને આજના સમયમાં લોકગાયિકા ગીતાબેન રબારી હોય કે પછી ગાયક ઓસમાણ મીર, કચ્છી પ્રજા તેના ખમીર અને ભાતીગળ પ્રદેશની આગવી ઓળખને લીધે દેશવિદેશમાં પ્રસિદ્ધ છે. મરૂ,મેરુ અને મહેરામણની ભુમિ તરીકે ઓળખાતા કચ્છમાં નવા વર્ષ પણ બે ઉજવાય છે.  

સંવત 1231માં જામ રાયધણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી ત્યારથી અષાઢી બીજે નવું વર્ષ મનાવાય છે. કચ્છમાં પહેલો વરસાદ એ ઉત્સવ છે. લોકો જેઠ મહિનામાં વરસાદની વાટ ભલે ન જુએ, પરંતુ અષાઢી બીજ કોરી ન જાય તેવું દરેક કચ્છી ઇચ્છે છે.

એક કથા એવી છે કે,  કેરાકોટને પોતાની રાજધાની બનાવનાર જામ લાખા ફુલાણી તેજસ્વી, ચતુર અને શૂરવીર રાજવી હતા. એક દિવસ તેમને વિચાર આવ્યો કે, આ ધરતીનો છેડો ક્યાં હશે ? મનમાં આવેલા વિચારને અમલમાં મૂકીને તેઓ ધરતીનો છેડો શોધવા માટે નીકળી પડયા. મહિનાઓની રઝળપાટ પછી તેઓ નિરાશ થઈને પાછા ફર્યા. તે પાછા આવ્યા ત્યારે ચોમાસું બેસી ગયું હતું, વરસાદ પડી ગયો હતો. વન ફૂલ્યુંફાલ્યું હતું, જળાશયો પાણીથી ભરેલાં હતાં. પોતાની માભોમને લીલીછમ્મ જોઈને લાખા ફુલાણીને ખૂબ જ આનંદ થયો. તે કેરાકોટ પહોંચ્યા દિવસ અષાઢી બીજનો હતો. તેથી જામ લાખા ફુલાણીએ દિવસને નવા વર્ષ તરીકે ઊજવવાનું ફરમાન બહાર પાડયું. ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઊજવવાનું શરૂ થયું. આ દિવસે સવારથી સૌ એકબીજાને  અષાઢી બીજના રામ- રામ કહીને શુભેચ્છા પાઠવે છે.

કચ્છના દરિયાખેડુઓ આજે દિવસે દરિયાદેવની પૂજા કરે છે. વેપારી પેઢીઓ વહાણોની પૂજા કરાવે છે. તેમ જ જો અષાઢી બીજ ગાજે, આભમાંથી અમી છાંટણાઓ વરસે અને રાત્રે વીજ ચમકારા થાય તો અષાઢ માસ મેઘરાજાની કૃપાથી તરબતર રહે છે, તેવી માન્યતા પણ છે. દાયકા પહેલા આ દિવસને અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા, નવું પંચાગ બહાર પડતું અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી, દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા. જો કે રાજાશાહી સમયની ઉજવણી આજે બંધ છે. પરંતુ લોકો આજે પણ વડીલોના શુભ આશિષ લઇ ઘરે લાપસીનું આંધણ મુકી નવા વર્ષેને ખાસ બનાવે છે. તેમાંય અષાઢી બીજના દિવસે વરસાદના બે છાંટા આ ઉજવણીને વર્ષોથી વિશેષ બનાવે છે.

વીસમી સદીના શરૂઆતના દાયકામાં જ્યારે કચ્છ જિલ્લાના માધાપર ગામથી પાટીદાર સમુદાયના લોકોએ મહેનત મજૂરી અને રોજીરોટી માટે વહાણવટાથી આફ્રિકાની વાટ પકડી હશે ત્યારે તેમની આગામી પેઢીઓ તેમના ગામને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ અપાવશે તેનો કોઈને ભાગ્યે જ અંદાજ હશે. આજે ભારતના સૌથી અમીર ગામડાંમાંથી એક ગણાતું માધાપર લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાની બૅન્ક ડિપૉઝિટ ધરાવે છે.

ગુજરાતના લગભગ 18 હજાર ગામડાંમાં સૌથી અલગ ઓળખ ધરાવતા માધાપરની બીબીસીએ મુલાકાત લઈને વિશેષ ડોક્યુમેન્ટરી બનાવેલી છે, જે વિશ્વભરને કચ્છની ભાતીગળ ઓળખ આપી રહેલ છે. .માધાપર ગામનો ઇતિહાસ લગભગ 550 વર્ષ જૂનો છે. એક સમયે કચ્છના રાજવીઓનાં સંતાનોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી દરબારી શાળા માધાપરમાં છે. જે લગભગ 128 વર્ષ જૂની છે અને હવે ત્યાં પોલીસ સ્ટેશન છે.

આ  60 હજારની વસ્તીના આ ગામમાં 16 બૅન્ક કાર્યરત છે, અને કદાચ એટલા માટે અનેક સમાચારપત્રો આ ગામને દેશના સૌથી ધનાઢય ગામમાંના એક તરીકે ઓળખાવે છે. માધાપર દેશનું અને કદાચ એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ બની શક્યું તેની પાછળ અહીં શિક્ષણને શરૂઆતથી જ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાય છે. કામ માટે આફ્રિકા ગયેલા માધાપરના વતનીઓએ એ સમજી લીધું હતું કે વિદેશમાં કામ કરવા માટે ત્યાંના લોકો સાથે વાત કરતા આવડવું જરૂરી છે અને એટલે લગભગ 1946ના વર્ષમાં જ નવા વાસમાં સ્કૂલ બનાવવા માટે આફ્રિકામાં એ સમય છ હજાર શિલિંગનો ફાળો કરીને સ્કૂલ બનાવી. એટલું જ નહીં, 1952માં વાંચનાલય બની ગયાં હતાં અને પરિવાર સાથે વિદેશ જનારી મહિલાઓ ઘરે રહીને પણ કામ કરી શકે તે માટે ત્યાં સીવણકામ શીખવાના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા.

આ તો એક માધાપર ગામની સાવ થોડીક વાત થઈ , અરે એવાં અનેક ક્ષેત્રો છે કે, જેમાં કચ્છ પાવરધું પુરવાર થયું છે. કેસર કેરી તો તલાલ ગીરની ખવાય એવી અમારી કાઠીયાવાડીઓની માન્યતા હતી, આ માન્યાતાને કચ્છે  તોડી નાખેલ છે અને હવે કચ્છી કેસર કેરીએ વિદેશો સુધી પોતાનો રસ પીવડાવાનું શરુ કર્યું છે. પીળી અને લાલ ખારેક તો લગભગ આખા ગુજરાતને કચ્છ જ ખવડાવે છે. અહીંનું સંગીત, કળા , સાહિત્ય, સ્થાપત્ય, સંસ્કૃતિ અને અહીંના માડુઓ વિષે તો દસ દસ પાનાના એક એક લેખ કરવા પડે ત્યારે આખું કચ્છ વર્ણવી શકાય.

‘આપણા મલકના માયાળુ માનવી’ એ પંક્તિ આજે સમગ્ર ગુજરાતમાં કેવળ કચ્છને સર્વાંગ રીતે લાગુ પડે છે.  માયાળુ માડુઓને આપણા સૌની જાજેરી વધાઈઉ.. 

સમર્પણનું જીવંત પ્રતીક બંસી !

સમર્પણનું જીવંત પ્રતીક બંસી !

પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા  હૃદયમાં મધુર પડઘો પાડે છે!

બંસી આજે પણ બજે છેગ્રંથની અનુભૂતિઓની વાત આપણે કરી રહ્યા છીએ. પ્રશ્ન એ છે કે આ ચૈતસિક બંસી ની સહજ ઓળખ શી ? બંસીની કોઈ એક ઓળખ તો હોય ન શકે, કારણ આપણે સ્થૂળ બંસીની વાત નથી કરતા પરંતુ અનુભૂતિની બંસીને પિછાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણને એમ તો આ બંસીની ઓળખ નહીં મળે, પણ ઓગસ્ટ, 1963 ના એક પત્ર દ્વારા  મહાનામવ્રત બહ્મચારીજીએ દિશા નિર્દેશ કર્યો છે અને તેને નામ આપ્યું છે : સમર્પણનું જીવંત પ્રતીક બંસી !!  આવો, આપણે એમાંથી માર્ગ પામવાની પામર કોશિશ કરીએ.

અશેષ સમર્પણનું જીવંત પ્રતીક તે બંસી. શ્રી રૂપ ગોસ્વામીએ કૃપાની જાદુઈ બંસીને સંબોધીને સુંદર કાવ્ય લખ્યું છે:

સખિ મુરલિ ! વિશાલછિદ્રજાલેન પૂર્ણા,

લઘુરતિકહિના ત્વમ્ નીરસા ગ્રંથિલાશિ !

તદપિ ભજતિ શાશ્વચુંબનાનંદ સન્દ્રમ

હરિકર-પરિરમ્ભમ્ કેન પુણ્યોદયેન?

હે સખી મુરલી ! તું મોટાં મોટાં છિદ્રોનાં જાળાંથી ભરેલી છે, નાનકડી છે, અતિ કઠોર છે, નીરસ છે, ગાંઠાવાળી છે, છતાં એવાં તારાં ક્યાં પુણ્યના પ્રતાપે તું હરિના હાથમાં રમે છે અને એમના શાશ્વત ચુંબનનો  આનંદ માણે છે?

બંસી કાયમ બજ્યા કરે છે ! બંસી સાદ દઈ દઈ આ૫ણને બેલાવે છે ! બંસી પ્રભુના સુધામય શ્વાસને પોતાના અંતરમાં ભરે છે અને પછી આનંદનાં મોજાં ઉછાળી એને દશે દિશાએ પ્રસારે છે.

જેને સાંભળવાના કાન છે તે બંસીરવ સાંભળે છે. જેનાં હૃદય પ્રફુલ્લ છે તેઓ અંદર રોમાંચ અનુભવે છે. માત્ર જેઓ દુનિયાના ઘોંઘાટમાં ડૂબેલા છે તેઓ જ એ બંસીનું નિમંત્રણ સાંભળતા નથી. પણ જેમણે એકવાર પણ બંસીનાદ સાંભળ્યો છે તેમને માટે દુનિયા મરી ગઈ છે!

આજ્ઞા માત્ર તમારા ગુરુની માંગો, બીજા કોઈની નહિ !

ધ્યાન માત્ર ગુરુચરણે કરો-મનમાંથી તમામ વિચારોને વાળી- ઝૂડીને સાફ કરી નાંખો, કોઈ વાતે શંકા ન રાખો ! न कंचिदपि चिन्तयेत् ।

બંસી બધી કલા જાણે છે- પ્રભુના પ્રકાશને કેવી રીતે વરવું તે !

બંસી તો અનાથ વાંસ-કન્યા, એ કદી ગોપાલની પ્રિયતમા બની શકે ખરી ?

હા, બની શકે, અને તેથી તો એેવો કોઈ પ્રેમનો સ્વપ્નદૃષ્ટા નથી જે એના હાથની બંસી થવાનું સ્વપ્ન ન જોતો હોય ! પરંતુ જેમણે પોતાની તમામ ઇચ્છાઓનું એના ચરણમાં સમર્પણ ન કર્યું હોય એવું કોઈ એની બંસી બની શકતું નથી. બધું ખોઈને, એના સુધારસથી પરિપૂર્ણ બની તેઓ બધું મેળવે છે.

સંત જયદેવ આવી બંસી બન્યા હતા, જેમણે પ્રભુનું મધુ પી “ગીતગોવિંદ’ ગાયું હતું.

અને પ્રભુના હાથની એવી બીજી બંસી હતી બાઈ મીરાં ! એનાં ભજનો આજે પણુ આપણા  હૃદયમાં મધુર પડઘો પાડે છે!

૫ણ આજે આવું બની શકે ખરું ? – આપણાં જમાનામાં ?

હા, જરૂર બને ! ચમત્કારો આજે પણ બને છે, અને સર્વકાળ બનતા રહેશે. પૂનામાં એક મંદિર છે. હરિકૃષ્ણ મંદિર ! ત્યાં ઈંદિરા- દેવી એના ગુરુચરણે બેસી ગાય છે- ગીતનો અવિરત પ્રવાહ છૂટે છે ! એ બંસી છે ઈંદિરાદેવી. સૌને એ સાદ દઈ બોલાવે છે!

મેં હજી આ જીવતી બંસીને જોઈ નથી, પણ દૂરથી મેં એના સૂર સાંભળ્યા છે એની ના નહિ. મને એ મધુર લાગ્યા છે, મારા બાહ્ય કર્ણને અને મારા અંદરના આત્માને પણ !

તમે પણ એ સૂર સાંભળો ! જય જગદબંધુ હરિ ! (ઓગસ્ટ,1963 મહાનામવ્રત બ્રહ્મચારીજી)

આપણે સ્વૈરવિહાર કરતા કરતા ગૂઢ અનુભૂતિઓના દેશમાં લટાર મારી છે. ત્રણ સળંગ લેખ દ્વારા આપણે કશુંક જાણવાનો પ્રયત્ન કરેલ છે. અલબત્ત, એ પ્રયાસ  લેશ માત્ર પર્યાપ્ત નથી. એકદમ સ્થૂળ માંથી આપણે અનુભવી શકીએ, અનુભૂતિ તો જોજનો દૂરની યાત્રા છે. છતાં આપણે કિનારો દેખાય એટલા દુરથી કશુંક જાણ્યું, આ ત્રણેય લેખોને સળંગ વાંચતા રહેવાથી કદાચ હજુ વધુ નવું જાણી શકીએ, એ નિશ્ચિત.  ગૂઢ શાસ્ત્રો સુધી પહોચવામાં તો ભવના ભવ નીકળે પરંતુ એના બિંદુઓને સ્પર્શવાનો પ્રયાસ તો કરતા જ રહેવો જોઈએ.

હું પુના ખાતે દિલીપકુમાર રોય અને ઈન્દિરા દેવીની પાસપાસે રહેલી સમાધિઓના દર્શન કરી આવ્યો છું. એ હરિકૃષ્ણ મંદિરમાં રવિવારે ભજન અને ધ્યાન સત્રમાં હાજર રહી થોડું અનુભવી આવેલ છું, તેથી આ વિગતને આટલી વિસ્તારથી ત્રણ લેખમાં અહીં પ્રસ્તુત કરેલ છે. રસ ધરાવનાર મિત્રો તો બંસી આજે પણ બજે છે’, પુસ્તક મેળવવા પ્રયત્ન કરશે તો જીવન ભાથું બાંધી શકાશે. આપણે એ યાદ રાખીએ કે, ધાર્મિકતાના રિચ્યુઅલ એક બાજુ મુકીએ પછી જ આ માર્ગે વળી શકાય. કારણ આ અનુભૂતિઓની  દુનિયા દિવ્ય  છે, પાવક છે, સાત્વિક છે અને આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જનાર છે. પ્રયાણ કરીએ અને સ્વયંને કહીએ : શિવાસ્તે પંથાન: સંતુ.. 

“ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.”

“ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.”

સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી આખુંયે ગીત મને લખાવે !! આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે.”

ભદ્રાયુ વછરાજાની                                      bhadrayu2@gmail.com 

અવસર: દોલપૂર્ણિમા  એટલે કે ઈન્દિરાનો જન્મ દિવસ અને તા. સત્તાવીશ ફેબ્રુઆરી, 1964.

પ્રસ્તુતિ: દિલીપકુમાર રાય, હરિકૃષ્ણમંદિર, ઈંદિરાનિલય, પૂના-૧

શીર્ષક : ગુરુની કેફિયત

સંદર્ભ : બંસરી આજે પણ બજે છે.

આ ગ્રંથનું મુખ્ય પાત્ર ઈન્દિરા દેવી છે, ઈન્દિરાને કૃષ્ણનો  બંસીનાદ કેવી રીતે સંભળાયો, અને એ સાદ સાંભળી એ કેવી રીતે દોડી આવી અને મહાત્મા શ્રી મહાનામવ્રતજી કહે છે તેમ, એ પોતેજ પ્રભુના હાથની બંસી કેવી રીતે બની ગઈ એ કહેવાનો મેં અહીં નમ્ર પ્રયત્ન કર્યો છે. હું એનો ગુરુ છું ખરો, પણ પ્રભુની સાક્ષીએ કહું છું કે, એણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેના યશનો મેં કદી દાવો કર્યો નથી. ઊલટું, એના આવ્યા પછી, ઘણી વાર મને લાગ્યું છે કે, એ શીખવા માટે  આવી છે એ કરતાં શીખવવા માટે વધારે આવી છે. એણે હંમેશા  મારી આવી સમજનો વિરોધ કર્યો છે ને એક જ વાત કહી છે કે, ભગવાને એને આગળ લઈ જવા માટે મને એનો ગુરુ નીમેલો છે.એની દ્રષ્ટિએ એનું કથન સાચું છે,તો  મારી દૃષ્ટિએ મારું કથન પણ એટલું જ સાચું છે. હું એટલું સ્વીકારું છું કે ઇન્દિરાની  યોગશક્તિઓને જાગૃત કરવા એને જેની જરૂર હતી એવું કંઈક એને ગમે તે પ્રકાશ કહો, બળ કહો, કે પ્રેરણા કહો- મારામાં થઈને ઊતર્યું છે. જાણકારોને જેને ‘ગુરુશક્તિ’ કહે છે. હું આ સ્વીકારું છું કારણ કે,  મેં એક વાર નહિ, પણ અનેક વાર એ નજરે જોયું છે. પણ મારા દ્વારા એ શકિતએ કેવી રીતે કામ કર્યું, અથવા તો  અજાણ્યા મહાસાગરમાં પ્રકાશે કેવી રીતે એને ઘરને રસ્તો ચીંધ્યો એ હું કદી સમજી શક્યો નથી, હમેશાં મને ખાતરી માત્ર એક વાતની રહી છે કે ઈશ્વરની કૃપાએ દેવી હેતુ માટે અમારા બન્નેનો ફરીફરીને ઉપયોગ કર્યો છે, અને અમે બન્ને પ્રભુના હાથમાં માનવ-ઓજાર બની સંવાદથી સાથે કામ કરીએ એવો એ દૈવીકૃપાનો જ આદેશ  હતો. બાકી ઈન્દિરાને એની સિદ્ધિમાં કંઈકે મદદ કર્યાના જશનો હું ઇન્કાર કરું છું. એનું એક બીજું પણ મજબૂત કારણ છે.ઈન્દિરાનો વીજળીવેગે થતો આત્મિક  વિકાસ જોઈ કઠોપનિષદનો આ મંત્ર મને ઘણી વાર યાદ આવ્યો છે :

यमेवैष वृणुते तेन लम्यः

तस्यैष आत्मा विवृणुते तनूं स्वाम् ।।

( આ આત્મા જેનું વરણ કરે છે એટલે કે જેના પર કૃપા કરે છે, એને જ એની પ્રાપ્તિ થાય છે—આત્મા એને જ પોતાનું સ્વરૂપ દેખાડે છે.)

૧૯૪૯માં ઈન્દિરાદેવી પહેલી વાર પોન્ડિચેરી આવી અને મને એણે એના ગુરુ થવાનું કહ્યું. મેં ઘસીને ના પાડી. પણ એણે એની હઠ છોડી નહિ, ત્યારે મેં મારા ગુરુદેવને મારી મદદે ધાવા અરજ કરી. પણ સામેથી ગુરુદેવે તો મને ઈન્દિરાને શિષ્યા તરીકે સ્વીકારવાની આજ્ઞા કરી ! મેં ગુરુ-આજ્ઞા માથે ચડાવી અને ઈન્દિરાને મેં મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણનો નામમંત્ર આપ્યો. પછી એક પછી એક અદભુત અનુભવો થતા ગયા. એ વિશે મેં મારા ગ્રંથ “શ્રી અરવિંદ પધાર્યા’ (Shri Aurobindo Came to Me)માં કેટલુંક લખ્યું છે. આમાંનો એક અનુભવ ‘એ મીરાં–ભજનો’ છે. દીક્ષા લીધા પછી ઈંદિરા જ્યારે હું કૃષ્ણનું ભજન કીર્તન કરું ત્યારે સમાધિમાં પડી જતી, અને કેટલીકવાર તો  કલાકો સુધી એ સમાધિ ચાલતી. પાષાણની પ્રતિમાની પેઠે એ સ્થિર થઈ જતી ! ન હાલે, ન ચાલે, પણ હોઠ પર મધુર સ્મિત અને ગાલ પર થઈને વહેતો અશ્રુનો પ્રવાહ ! એક વખત તો એ પૂરા આઠ કલાક સુધી આમ સમાધિમાં રહેલી. શ્રી અરવિંદે એની સમાધિનેસવિકલ્પ સમાધિકહી છે.

એ પછી ઈન્દિરાને મીરાંબાઈ દેખાવા માંડ્યાં. સમાધિમાં ઈન્દિરા મીરાંબાઈને ગીત ગાતાં સાંભળે અને સમાધિમાંથી જાગ્યા પછી એ આખુંયે ગીત મને લખાવે. આવાં આઠસો ગીતો એણે લખાવ્યાં છે, જેમાંનાં છસો ગ્રંથાકારે પ્રસિધ્ધ થઈ ચૂક્યાં છે. કેટલાકને નવાઈ લાગે છે કે ઇન્દિરા  આ ગીતો યાદ રાખીને કેવી રીતે લખાવી શકતી હશે ! કેટલાંક ગીતો તો ખાસ્સા લાંબાં પણ છે. આપણા વેદને શ્રુતિ કહે છે. શ્રુતિ એટલે સાંભળેલું. ઋષિમુનિઓએ દિવ્ય લોકમાંથી આવતા સંદેશાઓ  જે સાંભળ્યા તે આ શ્રુતિ, તેથી તો વેદો અપૌરુષેય કહેવાય છે. એવી રીતે ગુરુ-ગ્રંથ સાહેબમાં સામેલ કરેલાં કેટલાંક ભજનો ગુરુ નાનકે  ધ્યાનમાં સાંભળીને શિષ્યો પાસે લખાવેલાં છે. શ્રી ગુરુદયાલ મલ્લિકે સૂફી સંતો વિષે એક ગ્રંથ (Divine Dwellers in the Desert) લખ્યો છે. તેમાં સુફી સંત શાહ લતીફ વિશે લખ્યું છે કે, તેઓ જ્યારે મસ્ત અવસ્થામાં હોય ત્યારે  કંઠમાંથી ગાન પ્રગટ થતું. તેઓ ગાવા માંડતા અને તેમના સાથીદારો એ ગીતો લખી લેતા. શાહ લતિફ આ ગીતોને પોતાનો  નુસખો કહેતા. નુસખો એટલે દવા-જિંદગીના રોગની જ તો !

છેલ્લે આ વિષે શ્રી અરવિંદના પત્રોમાંથી થોડુંક ઉતારું છું. પ્રાચીન કે અર્વાચીન રહસ્યવાદ વિષે બોલવા શ્રી અરવિંદ સૌથી મોટા અધિકારી છે એનો ઈનકાર થઈ શકે તેમ નથી. તેઓ કહે છેઃ

“ઈન્દિરાની ધ્યાનાવસ્થામાં મીરાંબાઈ આ રીતે પ્રગટ થાય એમાં કંઈ અસંભવિત નથી. કારણ, મીરાંબાઈ હજી પણ આ દુનિયાની સાથે પૂરતા સંપર્કમાં હોઈ શકે છે, જેથી કરીને તે કૃષ્ણ જ્યાં પ્રગટ થાય ત્યાં કૃષ્ણની સાથે ને સાથે રહી શકે ! એટલે ઇન્દિરા સમક્ષ એ પ્રગટ થાય અને  ભજન ગાય એમાં કંઈ અસંભવિત નથી. ઈન્દિરા સામાન્ય રીતે હિંદીથી પરિચિત નથી અને હિંદીમાં લખવાની એને ટેવ નથી. એ જેતાં ઈન્દિરાએ હિંદીમાં લખ્યું  એ મીરાંબાઈની અસર હેઠળ જ લખ્યું છે. અને મીરાંબાઈની હાજરીનો તથા ઇન્દિરા પર તેમણે પાડેલા પ્રભાવનો એ ઠીકઠીક મજબૂત પુરાવો છે એ વિશે શંકા નથી.”

“ઇન્દિરા સમક્ષ મીરાબાઈ પ્રગટ થાય છે, અને ઇન્દિરાને હિંદી ભજનોની પ્રેરણા મીરાંબાઈ પાસેથી જ મળે છે એ સ્પષ્ટ છે. ઇન્દિરાની ચેતના અને મીરાંબાઈની ચેતના, સાધારણ માનવીનું મન ન પહોંચી શકે એવી કોઈક ભૂમિકા પર સહકાર સાધી રહેલ છે. વળી આ ભ્રમણા નથી, પણ સત્ય છે. જો ભ્રમણા હોત તો જે રીતે બને છે તે રીતે કશું બની શકયું ન હોત. યોગ- ભૂમિકા પર આવા બનાવો બને જ છે, એમાં કંઈ નવું નથી કે અપૂર્વ નથી.”

“ઇન્દિરા દ્વારા મીરાંબાઈએ જ આ ભજનો લખ્યાં છે. એટલું તો ચોખ્ખું દેખાય છે. ગમે તેમ, પણ ભજનો સુંદર છે. અને પોતાને જે ભાષા બરાબર આવડતી નથી તે ભાષામાં ઇન્દિરા લખે એ આખોયે ચમત્કાર ખરેખર નેંધપાત્ર છે, અને આખીય વાત પર વિશ્વાસ બેસે એેવો છે.”

હવે તો ઈન્દિરા  સમાધિમાં સાંભળેલાં મીરાં-ભજનો મને લખાવે છે તેની સાથે મીરાંબાઈના કંઠે સાંભળેલો તેને અસલ રાગ પણ તે ગાઈ બતાવી શકે છે. કેટલાક રાગ તો એવા નવીન હોય છે કે હું તે બરાબર ગાઈ શકું તે માટે મારે તેને સ્વરલિપિમાં ઉતારવા પડે છે. ઇન્દિરા પોંડીચેરી આવી ત્યારે એને ગાતાં બિલકુલ આવડતું જ નહોતું, અને હવે તેનામાં આ સિધ્ધિ આવી છે, એ પણું એક નવો ચમત્કાર જ છે !

જય રાધા  ગોવિંદ જય ગુરુ જય ! (ક્રમશ:)

 

બંસી આજે પણ બજે છે…

બંસી આજે પણ બજે છે…

તમે એના થાઓ, પછી તમારો થશે ! તનમનથી ગિરધરના બની જવાનું છે, તો તમારો  થઈને જવાબ  દેશે.’

ભદ્રાયુ વછરાજાની                                bhadrayu2@gmail.com

ચાલો, થોડી વિરલ અનુભૂતિઓના સાક્ષી બનીએ. હા, ચમત્કારો આજે પણ બને છે , એવો સધિયારો એક પુસ્તકથી આપનાર અદ્ભુત સંગીતજ્ઞ શ્રીદિલીપકુમાર રાય નું એક વધુ અનુભૂત પુસ્તક આપણને મળ્યું તે :બંસી આજે પણ બજે છે

દિલીપકુમાર રાય અને ઇન્દિરા દેવી તેનાં મૂળ લેખક છે અને તેને સંક્ષેપ કરી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે આપણા  ચહિતા મુરબ્બી રમણલાલ સોનીએ. આજે જયારે આપણે વિડંબણાઓથી ઘેરાયેલ છીએ ત્યારે પ્રકૃતિની કોઈ ગૂઢ વાતને જણાવી આપણને શાતા આપી શકે તેવું આ પુસ્તક છે. આજથી પીસ્તાલીશ વર્ષ પહેલાં મુંબઈથી તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી શ્રીપ્રવીણ  અઢિયા સ્મૃતિ પ્રકાશને.

પુસ્તકનું પહેલું જ પૃષ્ઠ ખુલે ત્યાં લખ્યું છે :ભગવાનની બંસી આજે પણ બજે છે અને હું સાંભળું  છું.’ આપણે આ અનુભૂતિઓના દેશમાં લટાર લગાવવી છે. ચાલો, ડગ માંડીએ.

સોળ, નવેમ્બર, ૧૯૬૭ ના રોજ દાદા (દિલીપકુમાર રાય) પોતાની લાગણીને “ઈશ્વરની કૃપાના પ્રતીક રૂપ સંતના આશીર્વાદ” એવું શીર્ષક આપીને લખે છે કે,,,

“તા- 18-2-1967 ના રોજ સાંજે અચાનક એક અજાણ્યા સાધુ આવી ચડયા. તેમણે ભગવાં વસ્ત્ર ૫હેર્યા હતાં. હાથમાં દંડ હતો અને સાથે થોડા શિષ્યો હતા. એમની પ્રતિભા એવી હતી કે એમને જોઈ માન આપવા અમે બધા એકદમ ઊભા થઇ ગયા. પણ સાધુજીએ તો અમારી સામે જોયું સુદ્ધાં નહિ. તેમણે સીધો  મંદિરમાં પ્રવેશ કર્યો.

મંદિરમાં પ્રવેશી કૃષ્ણ અને રાધારાણીની મૂર્તિઓ સામે આવી ઉભા રહેતા તેઓ આનંદથી પુલકિત થઈ ગયા, થોડીવાર પ્રતિમાઓ સામે સ્થિર નજરે જોઈ રહ્યા — પછી એકદમ લાંબા થઈને તેમણે પ્રણામ કર્યા. પ્રણામ કરીને ઊભા થતાં મનમનથી તેઓ ગણગણ્યા કે આવું મંદિર  ભગવાનની કૃપા વિના ઊભું થાય જ નહિ ! બસ આટલું જ !  ન એમણે અમારી સામે નજર કરી કે ન વિવેકમાં અમને માથું હલાવ્યું ! અમે જાણે મીણનાં પૂતળાં ન હોઈએ ! મેં દોડીને એમનો રસ્તો રોક્યો અને ઇંદિરાને આગળ કરીને કહ્યું : “સંતજી, અમારા મંદિરની આ પુજારણને આશીર્વાદ આપો !  થોડીવાર ઈંદિરાની સામે જોઈ રહી સાધુ હિંદીમાં બેલ્યા: ‘ઈશ્ક(પ્રેમ) ઔર મુશ્ક (સુગંધ) છીપા નહીં જાતા હૈ!’

પછી મેં એમને વિનંતિ કરી કે અમારા આશ્રમની ગાડી આપને જ્યાં જવું હશે ત્યાં લઈ જશે ! આટલી વારે તેઓ હસ્યા, કહે : “ના, આ દંડના ટેકાથી ચાલવાની મજા પડે છે ! ઘડ૫ણનો એ વફાદાર દોસ્ત છે !” ત્યાં એમનો એક શિષ્ય અમારા પર છાપ પાડવા બોલી ઊઠ્યો કે ગુરુજી સો વર્ષના છે ! તરત સંતે એને બોલતો અટકાવી કહ્યું: “ઉં હ ! હું હજી તો પંચાણું વરસનો છું.” બધા એક સાથે હસી પડ્યા!

હસવું શમ્યા પછી, મેં હિંમત કરી કહ્યું: ‘સંતજી, એક પ્રશ્ન પૂછવો છે. આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય ?’

એક પળ તેઓ મારી સામે તાકી રહ્યા, પછી એકદમ મધુર હાસ્ય કરી કહે :   ‘મગર આનંદ તો આપકા સ્વરૂપ હૈ જી ! લાલાની કૃપાએ તો તમારા માટે આ મંદિર ઊભું કર્યું છે !’

પછી મેં એમને કહ્યું કે ‘દર રવિવારે સવારે અમે મંદિરમાં ભજન કરીએ છીએ. કાલે રવિવાર છે. આપ પધારવા કૃપા કરશો ?” તેમણે મારી વિનંતિને સ્વીકાર કર્યો.

એ સાંજ મને કાયમ યાદ રહી જશે. સાધુના ગયા પછી મારાં અંગેઅંગમાં ગાઢ શાંતિનો મને અનુભવ થયો. વર્ષો પહેલાં શ્રી રમણ મહર્ષિનાં ચરણમાં હું ધ્યાન કરવા બેઠો ત્યારે મેં આવો સુખદ અનુભવ કર્યો હતો !

બીજે દિવસે તેઓ સમયસર આવી પહોંચ્યા. મેં એક મીરાં ભજન ગાયું. ભજન સાંભળતાં તેઓ ડોલતા હતા, તેમની આંખોમાંથી આંસુ વહી જતાં હતાં.

ભજન પછી ઇંદિરાએ એમને પ્રાર્થના કરી કે અમને કંઈક કહો ! આંખો બંધ કરી તેઓ થોડી વાર બેસી રહ્યા, પછી એકદમ ગાવા લાગ્યા: મૈ ગિરધર કી !’ પછી તેમણે અમને કહ્યું કે, હવે તમે બધા બોલો  :ગિરધર મેરે !’ આમ એક બાજુ સંત અને બીજી બાજુ અમે વારાફરતી ગાવા માંડયું. એ એકલા બોલે, અને અમે બધા સાથે બોલીએ ! આમ કેટલોક વખત ચાલ્યું. પછી એમણે ગાવાનું બંધ કર્યું અને અમારી સામે જોઈ કહ્યું : ‘આ મારે કહેવાનું છે, તમે એના થાઓ, પછી તમારો થશે ! પણ જુઓ, તમારે પહેલું પગલું ભરવાનું છે, તનમનથી ગિરધરના બની જવાનું છે, તો જ એ તમારો  થઈને જવાબ  દેશે. સમજ્યા ?’ (ક્રમશ:)

“મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ.”

“મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ.”

જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવા માટેનું નક્કર કામ કરીશ.” 

ભદ્રાયુ વછરાજાની                                                   bhadrayu2@gmail.com 

જાણવા મળ્યું કે કોઈ એક યુવાન એવો છે કે જે પાણીનીનું સંસ્કૃત ઊંડાણપૂર્વક શીખ્યો છે. આશ્રમ પરંપરા માટે બરાબર પોતાની જાતનું એણે બલિદાન કર્યું છે અને એમાંથી બહાર આવ્યા પછી એમણે વ્યક્તિગત ધોરણે પોતાના માતા-પિતાના વારસાને સાચવી રાખવા માટે ‘વૈદિક તપોવન’ નામની એક સંસ્થા ભરૂચની આજુબાજુ શરૂ કરી છે. આ વાત બે વર્ષથી છૂટી છવાઈ સાંભળવા મળતી હતી એટલે એક પાયાના શિક્ષણજીવ તરીકે ખૂબ શોધખોળ કરી.

આ એક એવો પ્રકલ્પ છે કે, જેમાં એક કુટુંબ જ બધું અર્પણ કરી રહ્યું છે. આ વાત જ્યારે વાંચશો ત્યારે આપને એવો પ્રશ્ન પણ થશે કે, આવું શક્ય ન હોઈ શકે. પણ શક્ય છે. મારા મનમાં પણ એ જગ્યા ઉપર જઈને, એક દિવસ રોકાઈને મેં બધું જાણ્યું, સમજ્યું, જોયું, પછી આ વાત બેઠી છે. ત્યાં સુધી હું પણ અંગત રીતે એવું માનતો હતો કે, આવું કોઈ કરી ન શકે.

મારે વાત કરવી છેવૈદિક તપોવન વચ્છનાદજે ભરૂચ થી લગભગ 30 થી 40 કિલોમીટર દૂર. જે યોજના વર્ષો પહેલા એક યુવાનનાં મા-બાપના મનમાં સ્વપ્ન તરીકે આવી અને એમણે સંકલ્પો કર્યા. ફતેહસિંહભાઈ ગોહિલ,એક એવા વ્યક્તિ છે કે જેમણે પરણતી વખતે એવું નક્કી કર્યું કે, જયારે મારી ઉમર 50 વર્ષની થશે, ત્યારે હું જે કોઈ શહેરમાં હોઈશ ત્યાંથી ઉઠી જઈશ અને કોઈ ગામડાંની અંદર બેસી જઈશ અને ત્યાં વૈદિક પરંપરાને આગળ ધપાવવાં માટેનું નક્કર કામ કરીશ. બીજો સંકલ્પ એમણે એવો કર્યો કે, મારે પહેલું સંતાન થશે તેને હું સંસ્કૃતિને અર્પણ કરીશ. તેઓને બે દીકરાઓ છે.  મોટો દીકરો પાર્થ વૈદિક તપોવનનો આધારસ્તંભ આજે બન્યો છે. તેઓએ ખરેખર 50 વર્ષ થયા પછી વચ્છનાદ નામની જગ્યામાં ખેતીની અને સંસ્થાની જમીન પોતાના ખર્ચે લીધી, મનમાં આયોજન વિચાર્યું, અને પોતે દંપતી ત્યાં જઈને બેસી ગયા.

વૈદિક તપોવનનો મુખ્ય આધારસ્તંભએવા પાર્થે શરૂઆતમાં ગોવા પાસે જઈને એક આશ્રમમાં અભ્યાસ કર્યો અને સાતેક વર્ષ પાંડુરંગ શાસ્ત્રીજીના મુંબઈનાં તપોવનમાં એમણે સઁસ્કૃત અને વૈદિક પરંપરાનો બરાબર અભ્યાસ કર્યો. પાર્થ  મા-બાપે લઈ રાખેલી જમીન અને વાવી રાખેલા લગભગ 5000થી વધુ  વૃક્ષોની વચ્ચે જઈને પોતાનાં માતા-પિતાનાં સ્વપ્નને સાકાર કરવાનું વિચારવા લાગ્યો. તમે એમને મળો પછી તમને ખબર પડે કે બ્રાહ્મણ ન હોય તેને આ બધી વૈદિક પરંપરાઓ શીખવા -સમજવામાં આજે પણ કેટલી તકલીફ પડે છે!! આપણે હજી એટલા ખુલ્લા મનના નથી થયા  કે બ્રાહ્મણ સિવાયના લોકો આ કશું જાણી જાય એને આપણે સહન કરી શકીએ. આ વાતનું બહુ લંબાણ  નથી કરવું. આ પરિવાર તો કોઈ પણ જ્ઞાતિ માટે ખુલ્લો છે. વ્યાપક રીતે વિચારી શકે એવો છે. પરંતુ દીકરાને જ્યારે ભણવાનો વારો આવ્યો ત્યારે એ બ્રાહ્મણ પુત્ર ન હોવાથી એમને પોતાનું અધ્યયન કરવામાં બહુ તકલીફો વેઠવી પડેલી !!.

પાર્થ નામનો આ જુવાન અહીંયા બેઠો ત્યાર પછી એમણે પિતાના માર્ગદર્શન હેઠળ અને પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને સંગોપીને નક્કી કર્યું કે, આપણે એવું વિશિષ્ટ તપોવન બનાવીએ કે જ્યાં નિયમિત શિક્ષણ તો મળે, પણ જીવનમાં કેળવણીને પ્રાધાન્ય આપવામાં આવે, જ્યાં ગૌશાળા હોય, જ્યાં ખેતી હોય, જ્યાં શસ્ત્ર વિદ્યા હોય, જ્યાં અસ્ત્ર વિદ્યા હોય, જ્યાં ઘોડેસવારી હોય, જ્યાં સંસ્કારનું બરાબર વાવેતર થઈ શકે તેવી પ્રત્યેક પ્રવૃત્તિ હોય અને અહીંયા આવતો છાત્ર 24 કલાક એકાગ્રતાથી એમાં જોડાઈ શકે એવું આપણે આયોજન કરીએ. 3 વર્ષ પહેલા લગભગ-લગભગ 1000 દિવસો પહેલા, આ સ્વપ્નને સાકાર કરવામાં આવ્યું. આપ વડોદરાથી નડિયાદ તરફથી આવો અને ભરૂચ જાઓ, તો જે નવો હાઇવે  જે દિલ્હી તરફ લઈ જાય છે, એમાં આમોદ નામની જગ્યા આવે ત્યાંથી આપણે ઉતરી જઈને જમણી બાજુ જઈએ તો ‘વચ્છનાદ’ એવું લખેલું ગામ આવે છે. એમાં આગળ જતાં આ ‘વૈદિક તપોવન’ નામની સુંદર, રમણીય જગ્યા આજે વિકાસ પામી રહી છે.

ટૂંકમાં વાત કરું તો નક્કી કરવામાં આવ્યું કે દર વર્ષે 11 વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપવો, પ્રવેશ કોઈ પ્રવેશ કસોટી લઈને ના આપવો, પણ ખૂબ બધા પાંચ સાત જેટલા જુદા-જુદા સેશન્સ કરીને આખી પદ્ધતિ સમજાવીને, મા-બાપને ગળે  ઉતરે તો, અને જે આવવા આતુર છે એવું દેખાય એ વિદ્યાર્થીને આપણે તપોવનમાં દાખલ કરીશું. મા-બાપને પહેલેથી શું કરવાના છીએ બધી જ વિગત આપી દેવામાં આવી અને એવી રીતે તેઓએ 11 વિદ્યાર્થીઓથી શરૂઆત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, આ 11 વિદ્યાર્થીઓ સંપૂર્ણ નિઃશુલ્ક અહીં રહે છે, ભણે છે, વિવિધ વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. શરત એવી છે કે, નવ વર્ષનું  બાળક થાય ત્યારે એને આમાં પ્રવેશ મળે અને પછી સાત વર્ષ અહીંયા રહે, એટલે સોળમે  વર્ષે જ્યારે તે ધોરણ 10 ની પરીક્ષા આપે ત્યારે આ વૈદિક તપોવન માંથી એને બહાર જવાની છૂટ મળે. સાત વર્ષમાં અહીંનો વિદ્યાર્થી ક્યારેય પોતાને ઘરે પાછો જવાનો નથી. એના માતાપિતા પણ વારંવાર અહીંયા આવીને એને મળ્યા કરે એવું પણ અહીંયા શક્ય નથી. આ વૈદિક તપોવનમાં સરસ કુટિર બનાવી છે અને કુટીરમાં  એક વાલી એટલે કે કોઈ એક વિદ્યાર્થીના માતા-પિતા એક અઠવાડિયું રહી શકે. એ અઠવાડિયા પછી બીજા વિદ્યાર્થીના માતા-પિતા બીજું અઠવાડિયું આવે, એમ કરતાં કરતાં માતા-પિતા બદલાતા રહે અને એમ  પુરા વર્ષ દરમ્યાન કોઈને કોઈ પેરન્ટ તરીકે આ તપોવનમાં હાજર હોય, પણ એક જ વિદ્યાર્થીના માતા-પિતાને આવો વારો મળે જ એવું જરૂરી નથી.

આ આખી વાતને હજુ વધુ સરળ કરવા માટે ફતેસિંહભાઈ અને તેમના દીકરા પાર્થે  ત્રણ પ્રકારના વાર્ષિક વન-ડે કાર્ય શિબિર યોજ્યા છે, જેમાં માતા-પિતા માટે તમારું સંતાન નવ વર્ષનું ન થયું હોય તો થાય ત્યાં સુધીમાં તમે એને કેટલું-કેટલું આપી શકો, શું કરાવી શકો, એના માટેનો એક કાર્યશિબિર થાય છે. બીજું, કુટુંબ વ્યવસ્થા કેમ જળવાય, જેથી કરીને અહીંથી બહાર આવેલો યુવાન કુટુંબમાં ફરી એકવાર એવું જ વાતાવરણ પ્રાપ્ત કરે એના માટેના કાર્યશિબિર થાય છે. અને ત્રીજો કાર્ય શિબિર, એક કુટુંબે રાષ્ટ્રને શું અર્પણ કરવાનું છે, નાગરિક તરીકે આપણી શું ફરજો છે, એના માટેનો એક દિવસનો કાર્ય શિબિર થાય છે. વર્ષમાં જુદા-જુદા સમયે આ ત્રણ કાર્ય શિબિર દ્વારા વર્તમાન માતા-પિતાને ઘડવાનું, અને ભવિષ્યના માતા-પિતાને પોતાના સંતાનને તપોવન યોગ્ય કરવાનો  સરસ મજાનો લહાવો મળે છે. આ આખું આયોજન અંગે જયારે પિતાશ્રી અને યુવાન ચર્ચા સાથે કરી ત્યારે એમણે કહ્યું કે, પહેલાં સાત વર્ષમાં જેટલું ખર્ચ થાય તેની જવાબદારી અમે અત્યારથી નક્કી કરી લીધી છે. ‘સાત વર્ષ પછી શું કરશો, નિ:શુલ્ક જ રહેશો?’ એવા પ્રશ્નનો સુંદર જવાબ મળ્યો કે, અત્યારના અમે લગભગ સાડા પાંચ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે. જેમાં ફળના વૃક્ષો છે, આંબાઓ છે, અને અત્યારથી એ ફળ આપવા લાગ્યા છે. અમે એમ માનીએ છીએ કે સાત વર્ષ પછી આ પાંચ હજાર વૃક્ષો એ અમારા ભગવાન બનશે અને એમાંથી જે પ્રાપ્ત થશે એમાંથી આ વૈદિક તપોવન ચાલતું રહેશે.’ જુવાન કસાયેલ પાર્થ સાથે ચર્ચા કરતા એ જાણીને આનંદ થયો કે, કોઈપણ બાબતનો ઉલ્લેખ પાણીની સંસ્કૃતમાં ન હોય એવું નથી, એમણે મને સહજતાથી સામે પ્રશ્ન પૂછયો કે, તમારું નામ ‘ભદ્રાયુ’ છે એના કેટલા અર્થ તમને ખબર છે? મેં મને જાણમાં હતા એવા ત્રણ-ચાર અર્થ કહ્યા. અને પછી એમણે મને કહ્યું કે, તમે સવારથી સાંજ સુધી બેસો તો હું ‘ભદ્રાયુ’ શબ્દના પાણીની સંસ્કૃત પ્રમાણે કેટલા અર્થ-ભાવાર્થ થાય એ વર્ણવી શકું એવું શક્ય છે.!!

મેં ત્યાંના લગભગ 19 કે 21 જેટલા વિદ્યાર્થીઓને તલવારબાજી કરતા જોયા, મલખમ કરતા જોયા, સુંદર મજાની અસ્ત્ર વિદ્યા અમલમાં મુકતા જોયા અને સરસ મજાની ચોટી રાખીને ટકો કરેલી હાલતમાં એકદમ પ્રફુલિત મનથી તેઓને મેં નજરે નિહાળ્યાં છે. તેમને મળ્યા પછી મેં ઘણા વખત સુધી આ બાબત અંગે કશું ન લખવાનનો નિર્ણય કર્યો, પણ હમણાં મને જાણવા મળ્યું કે, નવમી જૂનના રોજ તેઓ 1000 દિવસ પૂરા કરે છે અને એ અવસરે તેઓ  તૃતીય વાર્ષિક ઉત્સવ યોજી રહ્યા છે. તૃતીય વાર્ષિક ઉત્સવમાં ગયા પછી ફરી એક એપિસોડ આ વૈદિક તપોવન માટે હું લખીશ, પણ અત્યારના હું એવું કહેવા માગું છું કે, જે કામ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020’ તક હોવા છતાં વિચારી પણ ન શકી તે એક નાનું કુટુંબ, સંસ્કારી કુટુંબ, પોતાના દ્વારા સમાજને અર્પણ કરવાનું વિચારી ચૂક્યો છે એટલું જ નહીં પણ  તેને અમલમાં મૂકી ચૂક્યો છે. આપણે નજરે તેના ફળ જોઈ શકીએ એટલો આપણને સંતોષ થાય એવું સ્થાન એમણે  વૈદિક તપોવનને આપ્યું છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણે ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, વગેરેના જે આશ્રમ સમયના કિસ્સાઓને આજે પણ મન ભરીને યાદ કરીએ છીએ, તેમ આ વૈદિક તપોવન પણ સમાજની અંદર એક ઘડેલી સંસ્કૃત અને પૂર્ણત: નાગરિકત્વ પ્રાપ્ત કરે એવી પેઢીનું નિર્માણ  કરે.

‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે

**********************************************************************************

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં  વર્ષો જૂનાં  એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ અગમનિગમ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ  કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!

જીવ, જગત, અને ઈશ્વર અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ  સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથીએનો અર્થ શું?

એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ  જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે,  આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ  પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા  પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી.

આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’  ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી.

ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો  વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ  નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી.

આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે  કરાવેલું. તેઓ કહેતા કે,  “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી  માટે વધુ બહેતર છે.”  જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને  મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ.

યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી  સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ  પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે.  શ્રી યશોધર  મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને  યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે.  મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.

‘જીવ, જગત, અને ઈશ્વર એ અનાદિ ત્રિકોણ છે.’

ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે

ભદ્રાયુ વછરાજાની                                       bhadrayu2@gmail.com 

ગહન વિષયોની સરળતાથી ચર્ચા કરતાં  વર્ષો જૂનાં  એક પુસ્તકની પહેલી આવૃત્તિ હાથમાં આવી ગઈ છે. 1959માં ડિસેમ્બર મહિનામાં એ પુસ્તકની પહેલી આવૃત્તિ બહાર પડી. આ પુસ્તક હકીકતમાં કટાર લેખક યશોધર મહેતાના લેખો ઉપરથી તૈયાર થયું, અને એટલું નહીં પણ પુસ્તકનું નામ અગમનિગમ રાખવામાં આવ્યું, તે જ અગમ-નિગમ નામનું એક મંડળ પણ અમદાવાદમાં સ્થાપવામાં આવ્યું.!! પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૬૬-૬૭માં પ્રગટ કરવાની ઈચ્છા હતી, પણ કાળક્રમે શક્ય ન બન્યું અને ૧૯૮૦માં એની બીજી આવૃત્તિ તૈયાર થઈ. બહુ ગૂઢ  કહી શકાય તેવા વિષયોને શક્ય તેટલી સરળતાથી આપણી સમક્ષ મુકવાનો પ્રયાસ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાંથી એક સુંદર વિચાર પકડીને આજની વાત કરવી છે. વાત થોડી અઘરી ચોક્કસ છે પણ અગમ નિગમનો માર્ગ આરંભે તો કઠિન જ હોય ને !!

જીવ, જગત, અને ઈશ્વર અનાદિ ત્રિકોણ છે. આ વાક્ય ઉપર વિચાર કરીએ તો આપણે અનેક તરંગો ઉપર ચડી જઈએ. દેખાતી લીલા મનુષ્યની સમજણના પ્રમાણમાં હોય છે, છતાં ‘હું કહું છું તે જ સાચું’, ‘બીજાઓ કહે તે જૂઠું’ એવા વિચિત્ર આગ્રહો વધતા-ઓછા પ્રમાણમાં સૌને વળગેલા હોય છે. શાંતવૃત્તિ પામ્યા પછી આપણે વધુ તટસ્થ બનવા પ્રયત્ન કરીએ છીએ. આપણને ઝટ  સમજાઈ જાય છે કે જે અપૂર્ણતાઓ કે ખોડખાંપણો આપણને સામામાં દેખાય છે, તે આપણા પોતાના અનેક વૃત્તિ તરંગો છે. ત્યારે આપણને ચોક્કસ થાય છે કે કોઈ પૂર્ણ નથી. આ ઉદ્દગાર મનુષ્યને જ્ઞાનનો અધિકારી બનાવે છે, અંતર્મુખ બનાવે છે, નિર-અહંકારી બનાવે છે. પરંતુ સાથેસાથે એનું મગજનું ચકડોળ ફરવા લાગે છે. ‘કોઈ પૂર્ણ નથીએનો અર્થ શું? 

એક ઉપનિષદનું નામ છે ‘ઈષાવાસ્ય ઉપનિષદ’. એ ઉપનિષદ યજુર્વેદનો આખરી ભાગ છે.એટલે કે પાંચેક હજાર વર્ષ  જેટલું પ્રાચીન હશે. એની અંદરનો શાંતિપાઠ પૂર્ણ વસ્તુ શી છે એનો ધીરગંભીર મનોહર લલકાર કરતાં સમજાવી આપે છે. ઈષાવાસ્ય ઉપનિષદ કહે છે કે,  આ વિશ્વ એક અને અદ્વિતીય એવી કોઈ સવિશેષ  પૂર્ણ સત્તાના આધારે છે. એ સત્તા  પૂર્ણ છે એનો અર્થ એટલો છે કે, એને કોઈના આધારની જરૂર નથી. એટલું જ નહીં પરંતુ એનાથી સ્વતંત્ર એવી કોઈ પણ વસ્તુ નથી. ટૂંકમાં, એ અદ્વિતીય છે. એ સત્તા એવા પ્રકારની છે કે એમાંથી કશું બાદ થઈ શકતુ નથી અને કશું ઉમેરી શકાતું પણ નથી. 

આમ જોઈએ તો યોગીજનો મૌન સેવે છે. તત્વજ્ઞો દલીલ કરે છે કે જગતનો અનુભવ દ્વૈત ભાગથી ભરેલો છે. એટલે કે બહુરંગી તક્તો છે. દ્વૈતને અંત જ નથી, અને અદ્વૈત તો આપણી પકડની બહાર છે. એનું વર્ણન ઉપનિષદ આમ કરે છે. ‘તે નિશ્ચળ છે, એક છે, મનથી પણ વધારે વેગીલું છે, આ રહ્યું, આ રહ્યું, એમ લાગે છે છતાં એ ઇન્દ્રિયોને પકડી શકતું નથી, તે ચંચળ છે અને દૂર પણ છે છતાં અત્યંત નજીક છે. તે સર્વના અંતરમાં છતાં સર્વની બહાર છે.’  ઇષાવાસ્ય ઉપનિષદ સ્થૂળ જીવનનું, વિષયોપભોગનું, વિરોધી નથી. સંસારને ભલે સો વર્ષ સુધી ભોગવો એવું કહી એ ઉપનિષદ આગળ કહે છે કે મુખ્ય વસ્તુ દૃષ્ટિના પરિવર્તનની છે. દૃષ્ટિ જો આત્મમાર્ગી હોય તો ઇન્દ્રિયોની લીલા આપણા ઉપર કશું કરી શકે નહીં. શરીરની અંદર જે ગુપ્ત ચક્રો છે એ બધા એક સીડી જેવા છે. સીડીના પગથિયાં તો ઉપર ચડવા માટે કે નીચે ઉતરવા માટે હોય છે. પોતાના શરીરને જે મનુષ્ય આ રીતે ઓળખે છે તે ક્યારેય પણ મોહ પામતો નથી. 

ઇષાવાસ્યના જે દૃષ્ટા જે ઋષિ છે , તેમનું નામ છે ‘દીર્ઘતમસ’. પોતે આ નામ પોતાની મશ્કરી અર્થે ધારણ કર્યું હોય કે જન્મથી પોતે અંધ છે તેનું સૂચક હોય, તેનો ખ્યાલ આવતો નથી. પરંતુ ઇષાવાસ્યમાં તેમના ઉદ્દગારોની મસ્તીની પ્રચંડ છોળો  વાચકના હૃદયને તરબોળ કરી મૂકે છે. પડછાયો ભલે સત્ય નથી, પરંતુ અસત્ય પણ નથી. ઋષિ એમ પણ કહે છે કે, ઇન્દ્રિયો છે જ નહિ, એવી રીતે વર્તવાથી પણ પુરી માહિતી મળી શકે તેમ નથી. સંસાર, એની અંદરના વિષયો, અને તેનો પ્રવાહ સત્ય નથી, તો અસત્ય પણ નથી. ઋષિના શબ્દોનો ધ્વનિ શો છે? ઋષિ તો કદાચ એમ કહેવા માંગે છે કે, સંસારનો રાગ અને સંસારનો ત્યાગ એ બંને છેડાઓની વચ્ચે જે મધ્યસ્થ વૃત્તિ છે તે જ્ઞાનનિષ્ઠા છે. આત્મા ઇન્દ્રિયોની પકડની બહાર છે, પરંતુ ઇન્દ્રિયો પોતે આત્માની અંદર ઓતપ્રોત છે. ઇન્દ્રિયોની ઉપેક્ષા એ જ્ઞાનમાર્ગ  નથી. ઇન્દ્રિયો એ જ પોતાના ને એ જ પરમાત્મા એવું માનવું એ પણ જ્ઞાનમાર્ગ નથી. 

આરૂઢ યોગી ‘નૃસિંહાચાર્ય’ના પટ્ટશિષ્ય અને ‘યોગિની કુમારી’ ના જાણીતા લેખક છોટાલાલ જીવણલાલ માસ્તર યોગાભ્યાસી પુરુષ હતા. તેમને ઓપરેશન કરાવવાનું હતું. ઘણું કરીને પગનું ઓપરેશન હતું. તેમણે ક્લોરોફોર્મ કે એનેસ્થેટિકની ના પાડી. પ્રાણ નિરોધ કરીને વૃત્તિ નિરોધ કરેલો અને એ રીતે આખું ઓપરેશન એમણે  કરાવેલું. તેઓ કહેતા કે,  “જ્ઞાનતંતુઓને બહારથી બેહરા કરવા તેના કરતાં વૃત્તિનિરોધ કરીને મન તેમાંથી કાઢી નાખવું એ યોગાભ્યાસી  માટે વધુ બહેતર છે.”  જો કે શ્રી છોટાલાલ માસ્ટર જેવા પ્રૌઢ યોગાભ્યાસીને  મન એ વસ્તુ સહેલી હશે. પરંતુ આપણા માટે એ એટલી સહેલી નથી. આ માહિતી જે સ્થાનેથી મળી છે તે આધારભૂત હોવાથી અત્યારે આપણે એને વિશ્વાસપાત્ર માની લઈએ. 

યોગીજનો સુખનો જ અનુભવ કરે છે, દુઃખનો અનુભવ કરતા નથી. યોગી તો સંસારની સાથે સુખ પૂરતી  સગાઈ રાખે છે. પોતાના મનના સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. મૃત્યુ અને તે પોતે નચાવે છે મૃત્યુના કહ્યા યોગી તો સંસારની સાથે સુખ પૂરતી જ સદાઈ રાખે છે. પોતાના મનનાં સઘળા તારો હૃદયમાં મક્કમતાથી પકડી રાખે છે. વૃત્તિઓને તે પોતે નચાવે છે, વૃત્તિઓના કહ્યા મુજબ  પોતે નાચતો નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય છે, ત્યાં સુધી માણસ પોતાને સંસારમાં પડેલો માને છે.  શ્રી યશોધર  મહેતાનું એવું માનવું છે કે, શ્રદ્ધાનું બીજ માણસના હૃદયમાં કુદરત પોતે રોપે છે. કોઈના કહ્યાથી કે દેખાદેખીથી રોપાતું નથી. એ જ બીજ રોપાય છે પછી જ માણસને  યોગમાર્ગની જિજ્ઞાસા પેદા થાય છે. માત્ર કુતુહલવૃત્તિથી જીવ્યા કરવું એ જિજ્ઞાસા નથી. યોગ માર્ગ એ સાધ્ય માર્ગ છે એવું યોગીજનોના જીવન સાખ પુરે છે.  મનોવિજ્ઞાનની પદ્ધતિથી આત્માનો અનુભવ થાય છે, એટલે એમ પણ કહી શકાય કે યોગ એક મનોવિજ્ઞાન છે.

‘કભી કભી ન લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા’

‘કભી કભી ન લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા’

જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે”  ત્યારે ભારતના એકોએક નાગરિકની છાતી ગર્વથી ફુલતી હતી

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com

કભી કભી લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા , આ સૂત્ર છે એક ફિલ્મના અંતમાં સ્ક્રીન ઉપર હિન્દી અને ઇંગ્લીશમાં લખાયેલા એક વાક્યનું. એ ફિલ્મ છે ‘Pippa‘. 

આજની પેઢીએ 1971ની સાલ જોઈ નથી. કારણ કે, મેં પણ જ્યારે 1971ની સાલ જોઈ ત્યારે હું માત્ર ૧૬ વર્ષનો હતો. અને મારા સ્મરણમાં પાકે પાકું છે કે ત્યારે પાકિસ્તાનના બે ટુકડાઓ, વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન ભારત દેશની બે બાજુએ બરાબર નાકા દબાવીને બેઠા હતા. ત્યારે  જેને સૌ ‘ઈસ્ટ પાકિસ્તાન’ કહેતા હતા ત્યાંનું  પાકિસ્તાનનું  આખું લશ્કર ભારત દેશના  લશ્કરને શરણે આવ્યું હતું !! આ વિરલ ઘટના બહુ જ શાંતિથી નિર્માણ પામી હતી.  એ સમયની ઘટનાઓને બહુ ઊંડાણથી વાગોળીએ તો  અત્યારનો માહોલ ખિન્ન થઈ જાય એવું પણ બને અને કદાચ એના અર્થઘટનો પણ બદલાઈ જાય.!! કલ્પના તો કરો કે, એક દેશનું આખું ને આખું લશ્કર વિધિવત તમારા દેશના  સૈન્યને શરણે થતું હોય તે ઘટના  કેટલી રોમાંચક હશે, એ પળ રાષ્ટ્ર માટે કેટલી એક્સાઈટેડ હશે !!  

પણ જેણે 1971ની પળોને શ્વસી જ નથી તેને તો ઘરમાં ઘૂસીને મારવાના હાકલા પડકારા જ અભિભૂત કરે તેમાં ખાસ નવું નથી. 1971માં એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એ સમયનાં સૈન્યનાં વડાઓએ જે રીતે સ્ટ્રેટેજીક પ્લાનિંગ કરીને ઇસ્ટ પાકિસ્તાનમાં પાકિસ્તાનનાં લશ્કરને શરણે આવવા માટે મજબૂર કર્યું હતું એ અદ્વિતીય ક્ષણો હતી. ઓછું બોલીને, નક્કર કામ કરીને, પાકિસ્તાની લશ્કરનો ખાત્મો કરવાનું કામ એ સમયનાં ભારતીય લશ્કરે કર્યું હતું. 

બહુ જ આદર સાથે કહેવું પડે કે જેને અટલ બિહારી વાજપાઈએ ‘મા દુર્ગા’નું સ્વરૂપ કહ્યા હતા એ ઇન્દિરા ગાંધી એ વખતે ખરેખર રણચંડી બનીને સૈન્યનાં સૌ વડાઓને અને પોતાના સુરક્ષા સલાહકારોને કહી રહ્યા હતા કે, હવે લડાઈ કરવી આપણા માટેનો કોઈ વિકલ્પ નથી. જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે” ત્યારે ભારતના એકો-એક નાગરિકની છાતી ગર્વથી ફુલાતી હતી. યાદ એ રાખવા જેવું છે કે, આજે જે બાંગ્લાદેશના શરણાર્થીઓનો પ્રશ્ન આપણે ઢોલ વગાડીને કહી રહ્યા છીએ તે જેમાંથી ઉભો થયો એ ક્ષણના સાક્ષી બનવાની જરૂર છે. કેવી હાલત ઢાકા યુનિવર્સીટીના યુવા વિદ્યાર્થીઓની  કરવામાં આવી અને  કત્લેઆમ પાકિસ્તાનના યાહ્યાખાને કરાવી, તે દર્શાવતી ફિલ્મ ‘Pippa’ આપણા રુંવાડા ખડા કરી શકે એમ છે.

આજના યુવાનો, આજના તરુણો, આજના વયસ્કોએ  પણ આ ફિલ્મ જોઈને રાષ્ટ્રને સલામ ઠોકવાનું મન થાય એમાં કોઈ બે મત નથી. અત્યારના આ વાત કરવી બહુ જ કસમયનું ગણાશે, પણ એટલું તો ચોક્કસ છે કે ભારતીય સૈન્ય અને એનું શાસન કરનાર રાજનેતાઓમાં કેટલી વિચક્ષણ બુદ્ધિ અને કેટલો શાર્પ ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ, તે જો જાણવું હોય તો 1971ના યુદ્ધમાં જવું જોઈએ. 

મને યાદ છે, કે ત્યારે હું એસ.એસ.સી.માં ભણતો હતો  ત્યારે અગિયારમું ધોરણ એટલે SSC ગણાતું હતું. પણ દસમાં-અગિયારમાંનાં વર્ષોમાં અમે લડાઈ થતી જોઈ છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ જે રાજકોટના કાશીવિશ્વનાથ પ્લોટના એક ખૂણામાં આવેલી હતી, ત્યાં અંદર બૉમ્બ પડે તો કેવી રીતે ખાઈમાં ઊંડા ઉતરી જવું એની ખાઈઓ અમે ખોદી હતી અને એની અંદર ઉતરી જવાની કવાયત  પણ અમે કરી હતી. બરાબર યાદ છે કે ત્યારે જામનગર ઉપર અને આપણી હવાઈ પટ્ટીઓ ઉપર પાકિસ્તાનના વિમાનોનો બોમ્બમારો થતો હોય એટલે રાતનું અંધારું થાય ત્યારથી ઘરમાંથી કોઈ પણ પ્રકાશનો લીસોટો પણ બહાર ન પડે એની વ્યવસ્થા માટે નાગરિકો ચોકી-પહેરામાં લાગ્યા હતા. સ્વંભૂ જુવાળ હતો. એ પણ યાદ છે કે એ વખતે જાન્યુઆરી,1971માં, તાસ્કંદ ખાતે આપણા વામન છતાં વિરાટ વડાપ્રધાન ‘શ્રી લાલબહાદુર શાસ્ત્રી’એ જ્યારે પ્રાણ  આપી દીધા તે  લાલબહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન અને જય કિસાન’નું સૂત્ર આપ્યું. એ વખતે નાનકડો એક રેડિયો જ પ્રચાર પ્રસારનું માધ્યમ હતો, જે ઘર-ઘર સુધી પહોંચતો હતો. શાસ્ત્રીજીએ એલાન કર્યું કે, “ભારતને, ભારતના સૈન્યને, અત્યારના ખૂબ મદદની જરૂર છે.  હું અઠવાડિયામાં એકવાર સોમવારે  ભાત ન ખાવાની  પ્રતિજ્ઞા લઉં છું.” મને યાદ છે ત્યારે ઘર-ઘરની અંદર સોમવારે ભાત રંધાતા ન હતા. અમે સૌ શાળાના વિદ્યાર્થીઓ જ્યારે ટ્રકમાં ઊભા રહીને બધા પાસે ફાળો માંગવા જતાં ત્યારે કેટલાક ઘરમાંથી ગૃહિણીઓ આવે અને પોતાના હાથમાંની સોનાની વીંટી, પોતાના ગળામાંથી સોનાની ચેઈન કે બુટ્ટી કાઢીને એ ફાળામાં આપી દે એવું પણ બનતું હતું. આ બધાનું  આજે ‘Pippa’ નામની ફિલ્મ એમેઝોન પ્રાઈમ ઉપર જોઈને મને યાદ આવ્યું એટલે મને ઈચ્છા થઈ કે આપ સૌની સાથે વહેંચુ. રોની સક્ર્યુવાલા અને સિદ્ધાર્થ બાસુ દ્વારા નિર્માણ પામેલ આ ફિલ્મ 1971 પછી જન્મેલ પ્રત્યેક ભારતવાસીએ જોવી જ રહી.

હકીકતમાં ન લડવું એ જ્યારે વિકલ્પ ન રહ્યો હોય ત્યારે લડવું હોય તો કેવી ખુલ્લી છાતીએ લડવું જોઈએ, ઓછું બોલીને જાજુ કરવું જોઈએ, તે ફિલ્મમાં તાદૃશ્ય કરવામાં આવેલ છે.  ભારત દેશ જેના ઉપર વર્ષો સુધી ગૌરવ કરશે કે, એક એક સૈનિક કરીને એક  સૈન્ય આખેઆખું  ભારતના સૈન્યની સામે શરણાગતિ સ્વીકારી હતી અને લશ્કરી વડાએ સરેન્ડરના ડ્રાફ્ટ ઉપર સહી કરી હતી.   આપણી બે બાજુએ આપણું બરાબર નાક દબાવીને બે પાકિસ્તાન બેઠા હતા, એમાંથી પશ્ચિમ બંગાળની ઉપરના પાકિસ્તાનને એક જુદો દેશ બનાવીને આપણી સાથે દોસ્તી કરવાનું કામ આ લડાઈથી થઈ શક્યું હતું, એ સંતોષપ્રદ પળોને આજે સ્મરણ કરતા મને ખૂબ ગૌરવ થાય છે.

પાકિસ્તાનથી અલગ થઈને બાંગલાદેશ બનાવવા માટે લડી રહેલા બંગલાભાષીઓને ભારતે તન, મન , ધનથી ટેકો આપ્યો અને પાકિસ્તાનને તેર દિવસમાં ઢીલુઢફ કરી નાખ્યું.  ભારતીય લશ્કરે 16, ડિસેમ્બર, 1971ના રોજ ઢાકા પર કબજો કરીને પાકિસ્તાની લશ્કરને માથે કદી ના ભુંસાયેલ એવી હારની કાળી ટીલી લગાવી દીધી. પાકિસ્તાની લશ્કરના કમાન્ડર જનરલ નિયાઝીએ ભારતના જનરલ જગજીતસિંગ અરોરા સામે 93 હઝાર સૈનિકો સાથે નાકલીટી તાણીને શરણાગતિ સ્વીકારી હતી.

પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ યાહ્યાખાનની ધીરજ ખૂંટતા તેમને 1971ના ડિસેમ્બરમાં ભારત પર હુમલો કરવાની મોટી ભૂલ કરી પછી ભારતીય લશકરે પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા. ભારતે જડબેસલાક જવાબ આપીને પાકિસ્તાનના આક્રમણને છિન્નભિન્ન કરી નાખ્યું પછી પાકિસ્તાન પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ ન હતો. 93 હઝાર સૈનિકોને ભારતે બંદી બનાવ્યા. Pippa ફિલ્મ આપણી બહાદુરીનો દસ્તાવેજ છે. જેમના પરથી બનેલી ફિલ્મ સેમ બહાદુર બની છે એ સેમ માણેકશા 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધના હીરો હતા. ભારતના ઇતિહાસમાં કેવળ બે જ લશ્કરી વડાને ફિલ્ડ  માર્શલ રેન્ક મળેલ છે. ભારતના પહેલા લશ્કરી વડા  જનરલ કરીઅપ્પા અને જનરલ માણેકશા.

 

 

…દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો..

…દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો..

લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને ભીંસ વરસો સુધી ઢીલી પડી.

ભદ્રાયુ વછરાજાની                                         bhadrayu2@gmail.com 

મકબૂલ ફિદા હુસૈન,,, ‘એમ. એફ. હુસૈન’,,, તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર હતા. હુસૈન આધુનિક ચિત્રશૈલી અને વૈશ્વિક સ્તરે ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિત્વ હતા. તેઓ સાથે ગાઢ નાતો હતો તેવા રંગકર્મી ગુજરાતના શ્રી અનિલ રેલીયાના સંપાદનમાં હુસૈનની જીવની આપણને મળી. હુસેને પોતે લખેલ પોતાની આત્મકથાનું ગુજરાતી થયું  શ્રી જગદીશ સ્માર્ત દ્વારા. આપણને આકર્ષે તેવું તેનું શીર્ષક છે: દાદાનો ડંગોરો લીધો તેનો તો મેં ઘોડો કીધો.. એમ.એફ.હુસેન વર્લ્ડ લેવલ સુધી પ્રખ્યાત થયા તેની સાથે જ ગુજરાતને તેમણે  બહુ પ્રેમ કર્યો, અહીં ઘણું પ્રદાન પણ કર્યું અને અહીંથી તેઓની સામે વિવાદો પણ ઉભા થયા…એ હુસેનના જીવનની એક સ્મરણીય ઘટના તેઓના જ શબ્દોમાં આજે માણવી છે અને જાણવું છે કે એક જન્મજાત કલાકારના દિલમાં લાગણીઓનું પૂર કેવી રીતે વહેતું  હોય છે ?? 

‘……ઓક્ટોબર મહિનો છે, માલવી ઘઉં ખેતરમાં ઊભાં છે, તડકો ગમવા લાગ્યો છે. સાંજ પડતાં દાદા છોકરાના ગળા પર ભૂરું મફલર લપેટી દેતા અને તે દોડતો ફળિયાની રામલીલા જોવા પહોંચી જતો. આ કોઈ નાટક કંપની નથી, જયાં ટિકિટ લેવી પડે.

એક પ્રાથમિક શાળાનું આંગણ. આમલીના ઝાડ નીચે માગી આણેલાં કેટલાંક ફાનસ અને ધોબણ પાસેથી લાવેલી સાડીઓનો ‘બેક ડ્રોપ’. થાળી-વેલણ વાગતાં જ ખેલ શરૂ થયો. પેલા પાનવાળા શંકરનો ભાઈ સ્કૂલના ડ્રીલ માસ્ટરની ચડ્ડી પહેરીને હનુમાન બની જતો, માત્ર મોઢા પર થોડી ધૂળ ચોળીને. હા, રાવણજી તો તે જાડો મીઠુ લાગે, જે ઘઉં દળવાની ઘંટી પર બેસે છે. કૈકેયી ક્યો છોકરો બન્યો તે ઓળખી ન શક્યો. એક તો સ્ત્રી બને ને ઉપરથી કાળા મોઢા પર રાખ ચોપડીને નખરાં કરે. કાસીમમિયાં, ઈન્દોર છાવણીના લગન-વિવાહના બેંડ માસ્ટર, પરંતુ રામલીલા માટે ઢોલ અને વાંસળીના સૂર બજવે છે.

આ રામલીલામાંથી પાછી ફરતી ભીડમાં ઘેરાયેલો છોકરો ચાલતાં ચાલતાં આ નાટકના કોઈ પણ એક પાત્રમાં પોતાની જાતને શોધે છે. ઘેર પહોંચવામાં જાણી જોઈને મોડું કરે છે, જેથી જેટલાં પાત્રો છે એની સાથે કાલ્પનિક મંચ પર થોડો થોડો અભિનય કરી લેવાય. પરંતુ આજે જયારે એ જ રામલીલા દિલ્હીના ઝગમગતા સ્ટેજ પર જુએ છે ત્યારે ઘેર પાછા ફરતી વેળાએ એને શંકર પાનવાળાનો ભાઈ, ઘંટીવાળો જાડો મીઠુ અને કાસિમ બેંડમાસ્ટર યાદ આવે છે.

ઈન્દોરની રામલીલાને જોઈ, ડોક્ટર રામમનોહર લોહિયાને મળી, આ છોકરો કેવી રીતે વાલ્મીકિ અને તુલસીદાસ સુધી પહોંચે છે! આ સમય છે, પાંચમા દસકાના અંત ભાગનો. હૈદરાબાદના ધનવાન પન્નાલાલ પિત્તીનું રાજભવનની બાજુમાં મોતીભવન. એમનો દીકરો બદરીવિશાલ, ભવનના ઉપરના માળે ગોળ તકિયા વચ્ચે વિરાજમાન. બપોરના ભોજન વખતે ડૉક્ટર રામમનોહર લોહિયાજીનું આગમન. ગોળ તકિયાની ચારે તરફ ખાદીધારીઓ બંડીઓ પર સમાજવાદી બિલ્લા લગાડી, અદબથી ઊભા છે. એ છોકરો બદરીવિશાલના કલમદાનમાંથી એક કલમ કાઢી આ દૃશ્યને રેખાંકિત કરે છે. ડોક્ટર લોહિયાનો સ્કેચ એમના અસ્તવ્યસ્ત ઊભા વાળથી શરૂ થઈને પટપટાવતી તોફાની આંખો શોધતો નસકોરાંથી બહુ જ નીચે હોઠો પર આવીને અટકે છે. લોહિયાજી છોકરાને અને એના સ્કેચને જોઈ ખીલી ઊઠ્યા, છોકરાને જોરથી ભેટી પડ્યા. અને એ ભીંસ વરસો સુધી ઢીલી ન પડી.

એક સાંજે એ છોકરો લોહિયાજીને જામા મસ્જિદ પાસેની કરીમ હોટલમાં લઈ ગયો કારણકે એમને મુગલાઈ ખાણું, શીરમાલ વગેરે ખૂબ જ ભાવતું હતું. લોહિયાજીને જવાહરલાલ નહેરુનો એક પોર્ટ્રેટ યાદ આવી ગયો જે છોકરાએ નહેરુજીને ઘેર જઈને ચીતર્યો હતો. લોહિયાજીએ કુરમાની પ્લેટમાં ચમચાને હળવે હાથે રણકાવતાં છોકરા તરફ જોયું અને કહ્યું: ‘આ તને શું સૂઝયું કે નહેરુનું પોર્ટ્રેટ બનાવવા બેસી ગયો? હા, એક પોર્ટ્રેટ જે ‘ઈલસ્ટ્રેટેડ વિક્લી’માં છપાયું છે એ થોડુંક સારું લાગે છે કારણકે એમાં નહેરુ ડૂબતા દેખાય છે, જાણે પાણી ગળા સુધી ચડી ગયું છે.

‘લોહિયાજી’, છોકરાએ સ્મિત કરતાં જવાબ દીધો ‘મોડર્ન આર્ટનું મજાનું પેચીદું પાસું એ છે કે જોવાવાળાને પોતાની મરજી અને સ્વભાવ મુજબ ચિત્રને ઢાળવાનો હક્ક આપે છે, જયારે ફોટોગ્રાફીની સ્થિરતામાં કલ્પનાની વધારે ગુંજાઈશ નથી. એક રીતે મૉડર્ન આર્ટનો મિજાજ શાહી નહીં પરંતુ ડેમોક્રેટિક છે. જેવી રીતે જોવામાં વ્યક્તિત્વ શાહી હોય પરંતુ રેખાઓનો તનાવ સ્વાભિમાનને પ્રગટ કરતો હોય. રંગોનો ઉજાસ સ્વાભિમાનથી સંપૂર્ણ હોય.

લોહિયાજીએ છોકરાની પીઠ થાબડી જાણે કે શાબાશી આપી અને વિષય બદલતાં એને પૂછ્યું: ‘આ તું બિરલા અને ટાટાના ડ્રોઈંગરૂમમાં લટક્નારાં ચિત્રોમાં ઘેરાયેલો છે એમાંથી જરા બહાર નીકળ. રામાયણને ચીતર, જે આ દેશની સદીઓ જૂની રસપ્રદ કથા છે, ગામેગામ ગુંજતું ગીત છે, સંગીત છે. અને પછી એ ચિત્રોને ગામેગામ લઈ જા. શહેરના બંધ ઓરડાઓ, જેને આર્ટ ગેલેરી કહેવામાં આવે છે, જ્યાં લોકો માત્ર પાટલૂનના ખીસામાં હાથ નાંખીને ઊભા રહે છે. ગામવાળાઓની જેમ ચિત્રોના રંગમાં મળીભળીને નાચવા ગાવા નથી લાગતા.’

લોહિયાજીની આ વાત છોકરાને તીરની જેમ વાગી ગઈ અને વરસો સુધી એનો સણકો રહ્યો. છેલ્લે, લોહિયાજીના મૃત્યુ પછી તરત એમની યાદમાં રંગો અને કલમ લઈ બદરીવિશાલના મોતીભવનને ‘રામાયણ’નાં લગભગ દોઢસો ચિત્રોથી ભરી દીધું. દસ વરસ લાગ્યાં એ ચિત્રો કરતાં. એનો એક પણ પૈસો ન લીધો, ફક્ત લોહિયાજીના શબ્દોનું માન રાખ્યું….’ હાય રે કિસ્મત, કમનશીબી એ છે કે લોહિયાજીના શબ્દોનું માન  રાખનાર આ શખ્સિયત સામે વિરોધનો વંટોળ અહીંથી શરુ થયો ત્યારે કોઈએ અહીં રજુ કરી તે વાત કદાચ વાંચવાની કે જાણવાની કોશિશ નહોતી કરી !!!!

 

“આ કળિયુગ નથી, પણ કથાયુગ છે.”

“આ કળિયુગ નથી, પણ કથાયુગ છે.”

બાપુની કોઈપણ વાતને કોઈ  જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે.

ભદ્રાયુ વછરાજાની                                        bhadrayu2@gmail.com 

ધરમપુર તાલુકાનું અંતરિયાળ આદિવાસીઓનું ગામ તે ખાંડા. ત્યાં યોજાઈ ગઈ  પ્રિય મોરારિબાપુ દ્વારા ગવાયેલ 934મી શ્રી રામ કથા. આપણે તે કથાને સંદર્ભ લઈને કથાના આયોજન અને વ્યવસ્થા અંગે વાત કરી રહ્યા છીએ. આવો, આગળ વધીએ. 

ભોજન પ્રસાદની રોજની વ્યવસ્થામાં  કેટલીક કાયમી વાનગીઓ હોય અથવા વસ્તુઓ હોય, દાખલા તરીકે પાણી,  છાસ, રસોઈ માટે વપરાતું દહીં, વગેરે દૂર દૂરથી મંગાવ્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો. અને એ એવા ઈન્સ્યુલેટેડ વાહનની અંદર આવે કે જેમાં એ યોગ્ય રીતે  જળવાઈ રહે તેવું આયોજન થયું. ખાંડાની કથામાં જમવામાં સવારે અને સાંજે કથા શ્રાવકોને ઠંડી ભરપેટ છાશ પીવાનો લ્હાવો મળ્યો. આ છાશ અમરેલી પાસેના ‘શીતલ’ દ્વારા એવા વાહનની અંદર આવતી હતી કે જે ઠંડી રહી શકે. લગભગ-લગભગ દરેક વ્યક્તિએ નોંધ્યું કે, કથામાં આટલી ગરમી વચ્ચે આપણું અમૃત પીણું છાશ સૌને મળી રહે તે અતિ આનંદનો વિષય હતો. કથાના પુરા આયોજન દરમિયાન કેરીનો રસ વાનગી તરીકે પીરસવામાં આવ્યો, ઉપરાંત લાડુ, મોહનથાળ, બુંદી, વગેરે જેવી વાનગીઓ પણ પીરસવામાં આવી. અને એ પણ દૂર દરાજથી સરસ રીતે બનીને અહીંયા આવે એવું આયોજન કરવામાં આવ્યું. 

કથા સ્થળે બાપુનો ઉતારો એ ટ્રિકી  વાત હતી. કારણ કે આ વિસ્તાર એ બહુ જ દૂરનો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર સરીસૃપ વર્ગના પ્રાણીઓ બહુ નીકળે છે. કેટલાક ઝેરી સાપો પણ અહીંયા નીકળે છે. અહીંયા ક્યારેક જંગલી ભૂંડ પણ દોડી આવતા હોય છે અને હાની પહોંચાડતા હોય છે. એટલે એવો એક સલામત નાનકડો ભાગ શોધાયો અને ત્યાં બાપુ માટે સુંદર મજાની કુટીયા બનાવવામાં આવી. આ કુટીયા પણ સાદા નાનકડા સ્ટ્રક્ચર ઉપર એક પ્રીફ્રેબ સ્ટ્રક્ચર મૂકીને બનાવવામાં આવે. બાપુની કુટિયાની સાવ જ નજદીકમાં તેઓનું રસોઈ ઘર અને તેના સેવકોના નિવાસનું પણ નિર્માણ કરવામાં આવ્યું. ખાંડા ની કથાના મનોરથી પરિવાર તો યુ.એસ. રહે છે અને તેઓ કથા અર્થે અહીં વસેલા એટલે તેઓના નિવાસની વ્યવસ્થા પણ ખંડમાં જ કરવાનું યથાર્થ હતું. ત્યાંના એક શિક્ષકનું  કે  ખંડમાં  તેનું ઘર રિનોવેટ થઇ રહ્યું હતું. તેમને વિનંતી કરવામાં આવી અને મનોરથી પરિવાર માટે ઉપર અને નીચે સુંદર બધી જ સગવડતા સાથેનું મકાન ચણીને તૈયાર કરવામાં આવ્યું. કથા દરમ્યાન મનોરથી પરિવાર માટે અને કથા પછી શિક્ષક પરિવાર માટે સુંદર સગવડતા ઉભી થઇ, કથા પ્રતાપે..!! વળી,   બાપુ રોજ યજ્ઞ કરે છે, બાપુને હિંડોળો પ્રિય છે, બાપુને ઉતારે પણ એને મળવા બહુ મોટો ધસારો હોય છે, બાપૂ જ્યારે મળવાનું નક્કી કરે ત્યારે જે કોઈ મળવા આવે એના માટે ચા-નાસ્તાની બાપુની ઈચ્છા હોય છે, આ બધી જ નાનામાં નાની વાતોને કથાના આયોજકો દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે. એવું કહેવું પડે કે ખાંડા જેવા ખૂબ દૂરના વિસ્તારની અંદર આ બધી વ્યવસ્થા એટલી સુપેરે રહી અને ગામવાસીઓ દ્વારા એટલો સંતોષપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો કે બાપુએ વ્યાસપીઠ પરથી એવું કહેવું પડ્યું કે,  જેને પીનડ્રોપ સાઈલેન્સ કહીએ એવા સાઈલેન્સથી કથાનું શ્રવણ સૌએ કર્યું. કોઈએ વચ્ચે કોઈ જ પ્રકારની અવ્યવસ્થા  અથવા તો કોઈના માટે પ્રશ્ન ઉભો ન કર્યો. સૌ સહજ રીતે જોડાયા. 

ભોજન ની લાઇનમાં ઊભા રહેવામાં આ આદિવાસી વિસ્તારના લોકોને કોઈ જ શરમ નહિ કે કોઈ ધક્કામુક્કી નહીં. એ ભોજન કરે ત્યારે જોઈએ તેટલું લે અને નહીંવત બગાડ કરે એ તેમની લાક્ષણિકતા હતી. પોતાની થાળીને એવી રીતે સાફ કરીને તે મૂકે કે જેને જુઓ તો એમ લાગે કે આ થાળીમાં જાણે કોઈ જમ્યું  જ નથી. આ વિસ્તારના લોકોએ બાપુને પુષ્કળ પ્રેમ આપ્યો. બાપુ સવાર અને સાંજ જ્યારે કથામાં આવે અને જાય એ દરમિયાન રસ્તે પોતાને ત્યાં  ઉગેલ  ફળ, ફૂલ, કેટલી બધી વાનગી, મીઠાઈઓ લઈને બાપુને ધરવા માટે  કતાર બંધ આદિતીર્થવાસીઓ ઊભા હોય. બાપુ પણ બહુ આદરપૂર્વક તેમને ન્યાય પણ આપતા જતા હોય. બાપુએ રોજ એક કરુણામય ઉપક્રમ રાખેલો. રોજ સાંજે એક- એક ફળિયામાં જવાનું, ત્યાં જઈને એમની વાતો સાંભળવાની અને એમણે પોતે બનાવેલી રસોઈમાંથી  ભિક્ષા ગ્રહણ કરવાની. આ ઉપક્રમ તો એટલો બધો હૃદય સુધી પહોંચ્યો છે કે, ખાંડાના ગ્રામવાસીઓ હજુ પણ આ વાત કરતા-કરતા પોતે રડવા લાગે છે. એક નાનકડો માણસ હોય જેને એમ જ છે કે હું સાવ  તુચ્છ વ્યક્તિ છું, એને જઈને બાપુ મળે છે  અને પૂછે  છે  કે, બધું બરાબર છે ને ?? એ એટલું શાતાદાયક હોય છે કે, એના ભરોસે કે તેઓ  ઘણું લાંબુ જીવન જીવી જાય  છે. આ બહુ જ ઉમદા અને નાનામાં નાના માણસ સુધી પહોંચવાનું કામ ખાંડાની કથાએ કર્યું છે. 

કથાનો કેન્દ્રસ્થ વિચાર ‘માનસ સંવત્સર’ હતો. એટલે એક વર્ષ એટલે એક સંવત્સર. પણ આ કથા એ એક વર્ષ સુધી તો પોતાની ઊંડી છાપ છોડી જશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી. અને એક વર્ષે પણ પૂર્ણ નહીં થાય કારણ કે, પ્રિય બાપુએ પ્રતિ વર્ષ આવા વિસ્તારોની અંદર દૂરદરાજમાં આવીને એક રામકથા ગાવાનો પોતાનો મનોરથ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પરંતુ આવતા વર્ષની કથા સોનગઢના અંતરિયાળ વિસ્તારમાં ગાવાની જાહેરાત પણ કરી દીધી છે. એટલે કે આદિતીર્થક્ષેત્રના વાસીઓ માટે વર્ષો-વર્ષ ઈશ્વરનો ભરોષો ઊભો થઈ ગયો છે. 

એક કથાના બહાને અહીંયા બહારથી કેટલા લોકો આવ્યા, પત્રકારો આવ્યા, મીડિયાની બધી ટીમ આવી, કેટલીય બાબતોની નોંધ લેવાણી, અને એ નોંધ એટલી સુંદર રીતે લેવામાં આવી છે, કે આપણને એવું લાગે કે ઠેર-ઠેર સુધી ભારતના નકશામાં અને વિશ્વના લગભગ પોણા બસ્સો દેશના નકશામાં ખાંડા નામ આજે ગુંજતું થયું છે. ખરેખર કથા કરવી એ ખાંડાના ખેલ બરાબર છે, એ આ કથા પુરવાર કરી આપે છે. ત્યાંના લોકો સ્વયંસેવક તરીકે, કેટલાય કામની અંદર પીરસનાર તરીકે, માંગ્યો તેટલો સહયોગ નહીં પણ દિલમાં ઉગ્યો તેટલો સહયોગ આપતા રહ્યા છે. અને એમણે કથાને ચાર ચાંદ લગાવ્યા છે. શરૂઆતમાં જ એક કથા પાછળ થતા ખર્ચની વાત કરી છે, તે તો અંદાજ આપવા માટે કરી છે. એટલે બાપુ પોતે ઘણીવાર કહે છે કે, ‘મોરારીબાપુની કથા કરાવાય નહીં, પણ સંભળાય.’  કેટલું બધું કરવું પડતું હોય છે એવું બાપુ  વારંવાર કહે છે. એ કહે  ત્યારે આપણને વિચાર ન આવે કે,  આ બાપુ શું કહે છે, એટલે અંદાજ પ્રાપ્ત થાય તે માટે થઈને આ સાંખ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કથાના મનોરથી અને તેનો પરિવાર  અમેરિકા વસે છે, એમણે દૂર બેઠા-બેઠા બધી જ સત્તા, બધી જ જવાબદારી લોકલ ડો. પ્રજ્ઞાબેન કલાર્થી ને અને સુરત વસતા મૂળ મહુવાના યુવાન પરેશ ફાફડાવાળા ને સોંપી દીધી.  બંનેની ટીમે રાત-દિવસ જોયા વગર લગભગ સળંગ સાઠ  દિવસના સતત ત્યાંના નિવાસ પછી આ કથાનું આયોજન શક્ય બન્યું. 

કથાના આયોજનની આટલી વિગતે કહેવાનો એટલો જ ભાવાર્થ છે કે,  આયોજન કરનાર કે મનોરથ વ્યક્ત કરનાર એ સૌને એક વાતનો ભરોસો હોય છે કે, બાપુની કોઈપણ વાતને આપણે જ્યારે પરીપૂર્ણ કરવા નીકળીએ છીએ ત્યારે અસ્તિત્વનો આપણને ચારે તરફથી ટેકો હોય છે. 

ખાંડા ની  કથા વખતે ગુજરાતભરમાં  હીટવેવ ની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા બે-ત્રણ દિવસ તો ગરમી મંડપમાં પણ લાગતી હતી. પણ જ્યાં જનસામાન્ય બેસીને કથા સાંભળે એ કથામાં પંડાલની અંદર ઉપર નાનકડા નાનકડા પાઇપમાંથી ઠંડા પાણીનો છંટકાવ સતત થતો રહેતો હતો એ આપણે ટીવીના સ્ક્રીન ઉપર પણ જોઈ શકતા હતા. ગ્રામવાસીઓ માટે આ નવાઈ હતી કે, આપણને ઠંડક મળે એવી  વ્યવસ્થા કોઈ કરી રહ્યું છે. કારણ કે તેઓ કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે જંગલમાં ફરીને પોતાની  આજીવિકા રળતા  હોય છે. એ ગ્રામવાસીઓને શીતળતા મળે, ઠંડક પ્રાપ્ત થાય અને તેના જીવનમાં આપણી સંસ્કૃતિના બીજ રોપાય, એની પરિકલ્પના માટે યોજાયેલી આ ખાંડાની રામકથા આ વિસ્તારના લોકો માટે  અને ગુજરાતભર માટે માઈલસ્ટોન સાબિત થઇ છે. અ-હેતુ હેતથી થતી કથાને માણતાં  બાપુએ અહીં કહ્યું કે, કળિયુગ નથી, પણ કથાયુગ છે.”

આપણે પ્રાર્થના કરીએ કે  આદીતીર્થવાસીઓ માટેની પ્રત્યેક કથાને આટલી જ સુંદર મજાની સફળતા અને સાર્થકતા પ્રાપ્ત થાય.  

“કથા એ પ્રેમયજ્ઞ છે.”… શ્રી મોરારિબાપુ

“કથા એ પ્રેમયજ્ઞ છે.”… શ્રી મોરારિબાપુ

બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે

ભદ્રાયુ વછરાજાની                                  bhadrayu2@gmail.com 

ધરમપુર પાસેના ખાંડા ગામમાં નવ દિવસ માટેની ‘માનસ સંવત્સર  શ્રી રામકથા’ વિરામ પામી. વિશ્વમાં શ્રીરામના નામને અત્ર,તત્ર, સર્વત્ર પહોંચાડનાર સર્વપ્રિય સંત શ્રી મોરારીબાપુ દ્વારા એક મનોરથ થયો કે દૂર દરાજના વિસ્તારમાં રહેતા છેવાડાના માણસની વચ્ચે જઈને કથાનું ગાન કરવું. 

પ્રિય બાપુના કિસ્સામાં એમના યજમાનો બેજોડ છે. બાપુનો એક નાનકડો ઈશારો એમના માટે કાફી છે. બાપુ જરા કોઈ મનોરથ કરે ત્યાં તો અનેક યજમાન પોતાને એ સેવા મળે એના માટે બાપુને વિનંતીઓ કરવા લાગે છે. આવું અગાઉ ઘણી વખત બન્યું છે. વ્રજ ચોર્યાસી ની કથા દરમિયાન રોજ વ્યાસપીઠ એક નવા સ્થાન ઉપર હોય  અને નવે-નવ દિવસ સ્થાન બદલીને ચોર્યાસી પૂર્ણ થાય એના માટે બાપુએ સવિનય ના પાડવી પડી એટલા યજમાનોએ પોતાના નામ નોંધાવ્યા અને જિંદગીનો રાજીપો લીધો. આવા જ કિસ્સા અનેક વખત બન્યા છે. બાપુ કોઈ એક કથા માટે મનમાં વિચારે ત્યાં  તો એના માટે અનેક યજમાનો સામે આવીને ઊભા રહી જાય છે. 

જાણવા જેવું એ છે કે બાપુના આવા વિશિષ્ટ મનોરથો જેમાં  ગણિકા માટેની  કથા,  કિન્નરો માટે કથાની કથા, વિચરતી જાતિના લોકો માટેની  કથા, સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ માટે કથા,  લોકભારતીમાં સહાય થઈ શકે એટલા માટે કથા કે અન્ય કોઈપણ બાપુના મનમાં ઊગેલા મનોરથો માટે યજમાન તૈયાર હોય છે. એનો અર્થ એવો કે એમાં અથઃ થી ઈતિ સુધીનો જે ખર્ચ થાય તે યજમાન જેને બાપુએ ‘મનોરથી’ કહે છે, એ ભોગવે છે. કથાનું સ્થળ જેનું હોય અથવા કથા જ્યાં થવાની હોય એ લોકોએ તો બહુ થોડી લોકલ વ્યવસ્થા કરવાની હોય છે. બાકીનું બધું જ તંત્ર, બધું એટલે બધું જ તંત્ર એ યજમાન મનોરથી અને તેની ટીમ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. જેમાં શ્રમ, પરિશ્રમ, અને પૈસો એ દરેક બાબતો  યજમાનોના શિરે હોય છે. સામાન્ય રીતે એક સાદો હિસાબ લગાવીએ તો ચાલીસેક હાજર લોકો જેમાં બેસી શકે તેવો બહુ મોટો કથાનો ડોમ, અને તેની આસપાસ વિસ્તરેલા મંડપો, વિશાલ અને મુક્ત  એવી વ્યાસપીઠ, એની આજુબાજુના વિશિષ્ટ ખંડો, વગેરે ઊભા કરવામાં અને તેને દસ દિવસ માટે રાખવા માટે થઈને પ્રતિકરૂપ ગણીએ તો પણ  દોઢ-બે કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. આ અંદાજ છે. 

પ્રિય બાપુ કથા સ્થાને પ્રસાદ મળે એવો પ્રેમાગ્રહ રાખે છે. અને ત્યાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેયની વ્યવસ્થા મનોરથી પરિવાર દ્વારા થાય છે. આપણે એવી કલ્પના કરીએ કે 35 થી 40 હજાર લોકો જે કથામાં શ્રવણ માટે ઉપસ્થિત રહેતા હોય એ સૌ માટે ત્રણેય સમયના ભોજન અથવા પ્રસાદની વ્યવસ્થાની પાછળ લઘુત્તમ બે થી ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ જતો હશે. કારણ એ છે કે, આ ત્રણેય વખતના પ્રસાદમાં એક માનવને શોભે તેમ  બહુ જ શુદ્ધ રીતે તૈયાર કરેલો પ્રસાદ પીરસવામાં  આવે છે. જેમાં બ્રેકફાસ્ટ, લંચ, અને ડિનર આ ત્રણેય નામને યથાર્થ સાબિત કરે એ પ્રકારની વાનગીઓ તેમાં મૂકવામાં આવે છે. આ તો થઈ આવશ્યક બાબતોની યાદી, પણ આ કથામાં દૂર-દૂરથી આવીને વસવા માગતા લોકો માટે પણ નિવાસ વ્યવસ્થા થાય છે. કથા સ્થળ માટે થઈને અનેક ગાડીઓની વ્યવસ્થા થાય છે, સંગીતની એક ટીમ છે, એમના ઉતરવાની અને સઘળી વ્યવસ્થા થાય છે, સાઉન્ડ વગેરેને સાચવનાર સંગીતની દુનિયાની એક ટીમ છે, એમના ઉતારા વગેરેની પણ બધી જ વ્યવસ્થા થાય છે. 

ખાંડા જેવા ગામની અંદર પણ સામાન્ય રીતે ઉતરવાનું કથા શ્રાવકો ઉપર હોવા છતાં લગભગ 1200 થી 1500 લોકો માટે પાંચ થી છ કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરેક સ્થળ ઉપર પાણી અને જીવન જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા કરવા માટે જે ખર્ચ થાય તે પણ યજમાન મનોરથી ભોગવતા હોય છે. બાપુનું આવવું જવું અને બાપુનું કથા દરમિયાન નિવાસ એ પણ યજમાન દ્વારા  બાપુને પસંદ પડે એવી રીતે સાદાઈ થી પણ થાય  છે. એક વાત નક્કી કે બાપુ જે સ્થળેથી આવતા હોય, ત્યાંથી કથા સ્થળ સુધી મોટરકાર દ્વારા, હેલિકોપ્ટર દ્વારા કે ચાર્ટર પ્લેન દ્વારા એ બધું જ કોઈ બાપુના પરમ ભક્તો ઉપાડે છે અને આ પરિવહન સેવા માટે પણ યજમાનો સેવાની સતત પ્રતીક્ષામાં હોય છે.  

આ આખી વ્યવસ્થા દરમિયાન જો ખૂબ મહેનત માંગી લે તેવી વાત હોય તો… આપણે ઉદાહરણ તરીકે ખાંડામાં થયેલી કથાને ઉદાહરણ લઈને વાત કરીએ. આ સ્થળ એવું હતું કે જ્યાં ગામની અંદર પાકા રસ્તાઓ ન હતા. ત્યાંના પ્રત્યેક  નિવાસી પાસે દોઢથી બે વીઘાથી વધુ જમીન ન હતી. એટલે કથા નો પંડાલ જ્યાં બનાવી  શકાય એવી જમીન અથવા એટલો ભૂભાગ નક્કી કરવા માટે લગભગ 57 લોકો, એટલે કે ખાંડાવાસીઓએ પોતાની જમીન તેમાં અર્પણ કરી ત્યારે એનો સરવાળો થયો અને એ જમીન ઉપર કથાનો ડોમ બનાવામાં  આવ્યો. આ 57 લોકોની જમીન જે અવસ્થામાં મળી હોય એ અવસ્થામાં એને કથા પૂર્ણ થયા પછી પરત કરવાની જવાબદારી પણ આયોજક મનોરથીઓની હોય છે. એટલે કે, એમાં ખેતરના સેઢા હોય કે કોઈ જગ્યાએ પાળી  હોય કે કોઈ જગ્યાએ કશીક નાની ઝૂંપડી કે બોરની કોટડી કે  એ બધુ જ કરીને પરત આપવાની વ્યવસ્થા થતી હોય છે. અને એ પ્રિય બાપુનો પણ સમજણનો ઈશારો હોય છે કે કોઈને કશું નુકસાન જાય એવું નહીં થવું  જોઈએ, અગવડતા ઊભી થાય એવું નહીં કરવું જોઈએ. ખાંડા ગામની અંદર રસ્તાઓ બનાવવામાં આવ્યા. રસ્તાઓ બનાવ્યા એ ઉપર ટ્રાફિકજામ ન થાય અને આવન-જાવનમાં બે કાર સામ-સામે નીકળી શકે એવા કેટલાક રોડ નિર્માણ પામ્યા  અને છેલ્લા લગભગ છએક મહિનાથી  આ નિર્માણ કાર્ય ત્યાંના સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા, આયોજક ટીમ દ્વારા, અને યજમાન મનોરથી પરિવાર દ્વારા સતત ફોલોઅપ  લઈને પૂર્ણ કરવામાં આવ્યું. અહીં પાણીની તંગી અને એમાં પણ એપ્રિલ મહિનો કે જેમાં જોરદાર ગરમી પડે, એ પાણીની તંગીને ખ્યાલમાં લઈને પહેલેથી ફોરેસ્ટ વિભાગને વિનંતી કરીને અને આજુબાજુના કેટલાક સોર્સને વિનંતી કરીને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરવામાં આવ્યું હતું. કૂવામાં પાણી ખૂટવા લાગ્યું  ત્યારે કુવામાં રોજના 25 થી 30 ટેન્કર પાણી ઠલવાતું રહ્યું. 

આ વિસ્તાર એવો હતો કે ત્યાં દસ-પંદર નાનકડા ઘર હોય અને 10-15 ઘરનું એક ફળિયું હોય, એ ફળિયું  એટલે એક વિસ્તાર એવું આપણે કહી શકીએ. એનાથી પછી પાછું દૂર આવું એક બીજું ફળિયું હોય, એનાથી દૂર આવું ત્રીજું ફળિયું હોય, તો આવા કથા મંડપની આજુબાજુ રહેલા લગભગ 10 કે 15 ફળિયામાં જે લોકો હતા એ બધા લોકોને જીવન જરૂરી જે વાતોની જરૂરિયાત હતી એ પણ કથાના મનોરથી દ્વારા સેવાભાવથી પૂર્ણ કરવામાં આવી. ઉદાહરણ તરીકે, એક જૂનું અપુજ જેવું મંદિર અધુરું હતું, તો એ મંદિર પૂર્ણ કરવામાં આવ્યું અને એમાં ગ્રામ વાસીઓની  ઈચ્છા હતી તેવા ભગવાનને એમાં સ્થાન આપવામાં આવ્યું. નજીકમાં એક બીજું હનુમાનજીનું મંદિર હતું,  એને બહુ સુંદર કરી આપવામાં આવ્યુ. 

આ કથામાં ચાલીસેક હજાર લોકો આવે એના દિવસ દરમિયાન વોશરૂમ અને ટોયલેટની વ્યવસ્થા એ બહુ મોટો પડકારનું કામ હોય  છે. એ કામ સુપેરે પાર પાડવામાં આવ્યું. આ વિસ્તારમાં ઘણા વર્ષોથી પાયાનું કામ કરનાર ‘મુકુલ ટ્રસ્ટ, બારડોલી’ના ડોક્ટર પ્રજ્ઞા કલાર્થી  અને તેની ટીમે આ કામ બહુ  જહેમત ઉઠાવીને પૂરું કર્યું. એમાં તેઓની સુઝ  પણ કામ લાગી. કથા મંડપની ફરતે આવેલા આવા ફળિયાઓ હોય, એક-એક ફળિયા ઉપર તેઓએ પાક્કા સિમેન્ટના ટોયલેટ બનાવ્યા અને એ ટોયલેટમાં પાણી પૂરું થાય એટલે પાઇપલાઇન બિછાવવામાં આવી અને પાણી ઉપરથી મળી રહે તે પ્રમાણેની ટેન્ક બનાવવામાં આવી. આવા લગભગ ત્રીસેક ટોયલેટનું નિર્માણ થયું, જેથી કરીને કથા મંડપમાંથી  નીકળીને જેને પ્રાકૃતિક હાજત જવું હોય તેના માટે વોશરૂમ-ટોયલેટ ત્યાં જ નજદીકમાં મળી રહે. બીજો ફાયદો એ થયો કે કથા પૂર્ણ થયા પછી એ એક-એક ફળિયા માટે આવા વ્યવસ્થિત ટોયલેટ ની કાયમી સગવડતા ઊભી થઈ ગઈ. આનંદ સાથે એ પણ જોયું કે કથા પહેલા ત્યાં કથાનો પંડાલ પડે તે પહેલાં ગામવાસીઓએ કથાના પૂરા પંડાલને છાણ અને ગારથી લીપવાનું પસંદ કર્યું, અને એની ઉપર પછી ડોમ બનાવવામાં આવ્યો. (ક્રમશ:½)

 

ઈશ્વર અથવા અસ્તિત્વ પ્રત્યેક ઘટનાનો હંમેશા સંકેત આપે જ છે.

ઈશ્વર અથવા અસ્તિત્વ પ્રત્યેક ઘટનાનો હંમેશા સંકેત આપે જ છે.

ઈમોશનલ બર્થને જાળવી લે તેમનું પેરેન્ટીંગ પરમાત્માનું પેરેન્ટીંગછે.

ભદ્રાયુ વછરાજાની                                         bhadrayu2@gmail.com 

આપણે આપણા સંતાનોને ઘરના નાના નાના કામોમાં જોડતા શીખવાની જરૂર છે. આથી ઉલટું આપણે તો તેઓને કશું જાતે કરવા દેતા જ નથી. બીજા દેશની અંદર તમારાં  કામો તમારે તમારી રીતે કરવા પડે, તમારે ત્યાં પ્લમ્બર ન આવે, તમારે ત્યાં માળી ન આવે, પ્લમ્બર ને બોલાવો તો મહિનાનો પગાર તેને દેવો પડે, એટલો કોસ્ટલી હોય. તો શું કરવાનું? Do it yourself. D.I.Y. આવું લખેલો  મોટો-મોટો મોલ, મોલમાં જાઓ ત્યાં બધી જ વસ્તુ, લેતા જાઓ, કેમ કરવું તે વીડિયોમાં શીખતાં જાઓ, ઘરે જઈને ફિટિંગ કરી લેજો. પરિણામે,ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જેવા દેશની અંદર હાયર એજ્યુકેશનમાં કોઈ ભણવા જતું જ નથી સાહેબ, અને આપણે  બિનજરૂરી બધાને હાયર એજ્યુકેશનમાં ધબેડયા જ કરીએ છીએ. 

પણ ત્યાં કેમ નથી જતું? Skill is developed. કૌશલ્ય એવા વિકાસ પામે છે કે છોકરો દસમું, અગિયારમું પાસ કરે ત્યાં એને જોબ માટે કોઈ  હાયર કરી જ લે. નવી શિક્ષણનીતિ 2020 માં આ જોગવાઈ છે. કૌશલ્ય આધારિત શિક્ષણની, પણ એ કૌશલ્ય  સ્કૂલ કરાવશે તો નહિ થાય.  આપણે ઘરમાં કરાવવું પડશે. ઘરમાં કરાવવામાં આટલું જ કરવાનું છે, જ્યાં તમે જે કામ કરો, ત્યાં બાળકને  ભેગું થોડુંક કામ આપવાનું.  તમે ભજીયા બનાવવાનું  જેવું શરુ કરશે, એટલે સંતાન  આવીને કહેશે, મને ખાવા આપ. તો તરત જ તમે કહો કે, એક કામ કર, આ બટેટા છે ને એ તારા હાથમાં  જરાય ઇજા ન થાય એમ નાના-નાના સુધારી દે. ત્રણ સુધારી દે એટલે એક તને ખાવા આપું. તમને એમ થાય કે આતો મુશ્કેલ પડે, ભલે મુશ્કેલ પડે.  એને છરી વાગી જાય તો  વાગી જવા દો. એની મેળે વાગી જાય એવું થવા દો. એ પણ એક અનુભવ છે. એમાં તમારે રડવા જેવા થવાની  જરૂર નથી, ‘હાય, બિચારાને વાગ્યું…’  તમે પોપલાં બનશો તો સંતાન પણ પોપડું જ થશે. 

ઘણા મા-બાપ એવું કહે  કે,  સાહેબ આજની તારીખ સુધી અમે એને રડવા દીધું નથી. એ રડે ને તો કાં હું કે એના પપ્પા, દોડીએ  સાહેબ. છોકરાને તે રડવા દેવાય? હવે આવા માતા પિતાને  કેમ સમજાવાય? રડવું એ જન્મેલા બાળક માટે જરૂરી છે, તો જ એના ફેફસાં ડેવલપ થાય છે. નહીંતર ભવિષ્યમાં કોરોના આવશે ત્યારે પહેલો દા  એનો લેશે.  આપણી  એવી કેટલીક માન્યતાઓ છે, જે માન્યતાએ આપણને ખોટા માર્ગે વાળ્યાં છે. મારું  અને  તમારું બાળક હકીકતમાં ચાર વખત જન્મ લે છે. આ થિયરી જરા સમજવા જેવી છે. હું પણ ચાર વખત જન્મ્યો છું,  અને તમે પણ ચાર વખત જન્મ્યા છો. પહેલો જન્મ છે એ ‘સેલ’ માં થાય છે, ‘કોષ’ માં થાય છે, જેની મને ને તમને ખબર નથી હોતી, એવું આપણે કહીએ છીએ. પણ  જરાક  ઊંડા ઉતરીને, સ્વસ્થતાથી, પવિત્રતાથી તમારા જાતીય આવેગોને અમલમાં મુકતા તમે ઓબઝર્વ કરશો, તો તમને ખ્યાલ આવશે કે હવે મારે ત્યાં જન્મનારા બાળકનો સેલ્યુલર બર્થ થઇ રહ્યો છે.

ઈશ્વર અથવા અસ્તિત્વ દરેક વસ્તુનો હંમેશા સંકેત આપે છે. દરેક બાબતનો સંકેત આપે છે. ઓશો તો એવું કહે છે કે, જેમ જન્મતા પહેલા 9 મહિનાનો ગાળો છે. અને 9 મહિના પછી તમે જન્મો છો એમ મરતાં પહેલા પણ 9 મહિનાનો ગાળો હોય છે. જો તમે ઝીણવટથી નોંધ લો  તો તમને ખબર પડી જાય કે, હવે મારે વિથડ્રો થવાનો સમય આવી રહ્યો છે. અને બરાબર નવ – સવાનવ મહિને તમારું ડેથ થાય. ઓશોએ  પોતાના ઉપર આ પ્રયોગ કર્યો, અન્ય કેટલાયની વાતમાં સાચું પડ્યું. બસ, એમ જ તમને ખબર પડે કે my wife is going to conceive now. she is conceiving. એને ખબર પડે. ખબર પડે ત્યારથી તમારું વાતાવરણ બદલાવું જોઈએ. યાદ એ રાખવાનું છે કે એ સેલ્યુલર બર્થ છે. કોષ તરીકે બાળક જનમ્યું. પછી એનો વિકાસ થયો. પછી એ ફર્ટિલાઇઝડ એગ થયું. પછી પછી પછી  સેકન્ડ એ તમારો  ફિઝિકલ બર્થ. જયારે પ્રેગનન્સીનો પૂરો સમય થયો. અને ગાયનેકોલોજિસ્ટના હાથમાં બાળક જનમ્યું એને ફિઝિકલ બર્થ કહેવાય. ત્રીજો જન્મ તે છે ઈમોશનલ બર્થ. શેરીમાં તમારું બાળક આંટા મારતું હોય, સ્કૂલે જતું હોય, મિત્રોને મળતું હોય, સમ-વયસ્કો સાથે, પિયર્સ સાથે જયારે ટ્રાન્ઝેક્શન કરતું  હોય ત્યારે એના ઈમોશન ઘડાય છે. જરા વિચારીએ  કે આપણને ગાળો કોણ શીખવાડે છે? ગાળો બધાને થોડી વધુ આવડે તો છે જ. આ  ક્યા સિલેબસ માં આવી? તો શીખવી કોણે? ઘરમાં કોઈએ લેશન આપ્યું? – નથી આપ્યું. સ્કૂલમાં તો આપે જ નહિ. તો પછી કોણ શીખવે છે? જવાબ છે,  “ઈમોશનલ બર્થ”..  પણ એ જ ઈમોશનલ બર્થમાં આપણું બાળક શેરીમાં આવતા કુતરીના ગલુડિયાઓને સાચવવા માટે પણ પ્રવૃત થાય છે. મમ્મી સાથે ઝગડે છે, મમ્મી થોડોક લોટ આપ, શિરો બનાવ, ગલૂડિયાને આપવો  છે. ઘરમાંથી એક શણીયું લઇ જાય છે, એને ટાઢ લાગે છે, ઓઢાડી દે છે. – આ પણ ઈમોશનલ બર્થ છે . એ વખતે આપણે જો  કહીયે કે,  શું કુતરા પાછળ પડ્યો છે? ઘરભેગો થા. તો આપણે  એ ટાણે ટ્રેન ચુકી જઈએ છીએ.  છે.  એ ઈમોશનલ બર્થ આગળ વધે ત્યારે તમે કોઈના માટે ઉપયોગી  બની શકો. રાજકોટમાં એક અનુપમ  દોશી નામના માણસ છે. કોઈપણ ને કાંઈ તકલીફ હોય, વૃદ્ધાશ્રમ હોય, ગરીબ લોકો હોય, અનાથ હોય, અનાજ પહોંચાડવું હોય  તો અનુપમ દોશી  ને ફોન કરો એટલે તમારું કામ થઇ જાય. એમનો ઈમોશનલ બર્થ એટલો જોરદાર છે કે એને કોઈ પદ નથી જોઈતું, છતાં ઉપયોગી થવું જ છે, આ સોશિયલ બર્થ છે. 

આપણા  બાળક નો સેલ્યુલર બર્થ આપણ  હાથમાં છે. ફિઝિકલ બર્થ તો ઓલરેડી આપણા હાથમાં જ છે.  જો ઈશ્વરે  કેવું કર્યું કે મહેનત પતિ અને પત્નીની. અને  જન્મે બાળક કોઈના સહારે. કોઈનો હાથ આવે, ગાયનૅકોલૉજિસ્ટનો હાથ આવે, નર્સનો સપોર્ટ આવે. પહેલા જ પગલે થી ઈશ્વર કહેવા માંગે છે કે દોસ્ત, તારે આ દુનિયામાં જીવવું હોય ને તો અન્યના સહયોગથી જીવાશે. એકલા- એકલા નહિ જીવાય. ઈશ્વર સંકેત આપે છે, એ સંકેત ને ઉકેલવા કે સમજવા એ આપણી જવાબદારી. તો આ ચાર બર્થમાંથી આપણે જેને ન જાળવી શકીએ તેવો હોય તો એ છે  ઈમોશનલ બર્થ છે. સંતાન સ્કૂલમાં જાય, જે શીખવા જેવું ના હોય તે પણ સહજતાથી ભલે શીખે. એ હું અને તમે નહિ શીખવી શકીએ. જરૂર પડે ત્યારે કોઈ નો કાંઠલો પકડવો પડે, – એ પણ સ્કૂલ જ શીખવશે. ચિંતા ન કરવી. પણ જો રોજ કોઈક ના કાંઠલા પકડીને આવે તો આપણે ચિંતા શરુ કરવી કે ભવિષ્યના ટેરેરિસ્ટના લિસ્ટ માં આવે એવી શરૂઆત થઇ છે આની. આ સમજી જવું. પછી આપણે એનું બહુ અભિમાન ન કરવું. ઘણાં મા-બાપ અભિમાન કરે છે અને કહે છે કે,  “કોઈ સામે મળ્યો નથી કે બે જીકી દે, રાહ જ ન જોવે.”  ઘણા બધા કાઉન્સેલિંગમાં આવે ત્યારે પોતાના સંતાનનું વર્ણન આવું કરે છે :  સાહેબ, બહુ જ જોરદાર છોકરો છે. એક વખત એણે  ટીચરને કહી દીધું કે, “ટીચર, તમને શું ભાન પડે?” બહુ જોરદાર છોકરો છે….. હવે આપણે એને  કહેવાય કે થોડોક સમય જાવા દે દોસ્ત, એ  તને ય કહી દેશે કે,  તમને શું ભાન પડે… બસ,આ ઈમોશનલ બર્થને આપણે  જાળવી લઇ શકીએ  તો આપણા  બાળકનું પેરેન્ટીંગ એ પરમાત્માનું પેરેન્ટીંગ છે. (સંપૂર્ણ)

સ્વામી સમર્થ રચિત ” શ્રી મનાંચે શ્લોક”

ગાગરમાં સાગર ભરીને અપાયેલ  સાર્થક જીવન બોધ !

ભદ્રાયુ વછરાજાની                          bhadrayu2@gmail.com 

મહા પ્રતાપી શ્રી શિવાજી મહારાજના ગુરુ સમર્થ સ્વામી રામદાસ રચિત ‘શ્રી મનાંચે શ્લોક’નું  મરાઠીમાંથી ગુજરાતીમાં સરળ સમશ્ર્લોકી કર્યું વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે એ.

બાર વર્ષોનું તપ હતું એમનું, કારણ કુલ ૨૦૫ શ્લોકોમાંથી શરૂઆતના દસ-પંદર સરળ શ્લોકોનો ભાવાનુવાદ ગણતરીના દિવસોમાં થઈ ગયો, પણ પછી તો આગળ જતાં શ્લોકોના અર્થો અને તેના ભાવવિશ્વો ગહન થતા ચાલ્યાં. કેટલાક તજજ્ઞો – સંદર્ભ ગ્રંથો અને પુસ્તકોની મદદ લઈને જે શ્લોકો ગુજરાતીમાં ઊતર્યા તેનું પુસ્તક થયું ‘શ્રી મનના શ્ર્લોક.’ 

બીજા જ શ્લોકમાં ‘ચતુર્વાણી’ નાં માતાનું નમન થયું. વાણીના ચાર પ્રકાર : પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી…માત્ર નમન જ નહીં, પરંતુ મા શારદાને પ્રણામની સાથે વિનંતી કે : મારું ગમન સદા રામપંથે થાય !’

ચતુર્વાણી મા શારદાને નમન હો 

સદા રામપંથે મારું ગમન હો

મનને સૂચના આપી કે શું છોડી દેવું ને શું સ્વીકારવું ?

જગે નિંદ્ય હો સર્વ તે છોડી દેવું,

અને વંદ્ય તે સર્વ સ્વીકારવાનું.’

મન જાણે વિદ્યાર્થી છે અને સમર્થ સ્વામી તેના ગુરુ..બસ, એ જ અદાથી મન ને ઉદ્દેશીને કહે છે :

કદી સારી નીતિને ત્યાગો મનવા, હજો અંતરે સદ્દવિચારો મનવા.

હવે પાપસંકલ્પ  ત્યાગો રે મનવા, અને સત્યસંકલ્પ ધારો રે મનવા.

વિષય વાસનાથી રહો દૂર મનવા, વિકારોથી મુક્તિ મળી જાય પળમાં.

‘મનુષ્ય ‘ શબ્દમાં મન છે તો ‘માનવ’ શબ્દમાં પણ મન તો છે જ. ‘માણસ’ તે જે ‘મનધારી’ છે. એટલે કામ-ક્રોધ-લોભ-મત્સર અંતે તો મનના જ તરંગો છે અને એ તરંગો જ માનવજીવનના અવરોધો છે. મન સાથેના સંવાદમાં સમર્થ સ્વામી મનને સકારણ સમજાવે છે કે આ દોષોથી કેમ અને શા થી દૂર રહેવું. એટલું જ નહીં પણ મન જ સૌને શાંતિ સંદેશ આપે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરે છે.

કર ક્રોધ મન ક્રોધ છે શોકકારી, અરે કામની વાસના છે વિકારી.

મના બધાંને તો અંગિકારો, તો દંભ મત્સરને મોટો થવા દો.

સદા ધૈર્યથી મન તમે કામ લેજો, મના કોઈ અપશબ્દ બોલે તો સહેજો.

મુખે સર્વદા નમ્ર વાણી રેજો, મના સર્વને શાંતિ સંદેશ દેજો.

નાના શ્લોકોમાં કેટલું ઊંડાણથી કહી શકાય છે, તેની અદભુત પ્રતીતિ આ ‘શ્રી મનના શ્લોકો’ કરાવે છે. સાહિત્યમાં શબ્દ છે ‘લાઘવ’. આ ‘લાઘવ’ શબ્દને પળે પળે કે પ્રતિ શ્લોક ચરિતાર્થ થતો માણવો હોય તો શ્રી મનના શ્લોકો વિરલ ઉદાહરણ છે. અખાના છપ્પા કે ભોજાભગતના ચાબખામાં જે કંઈ ધક્કા સાથે ટકોરાયું છે તે અહીં સમર્થ સ્વામી રામદાસ દ્વારા ધૈર્ય સાથે બોધાયું છે.

પારકાનું ધન ન ખપે એટલું જ નહીં પરંતુ અતિલોભ કરશો તો પાપ લાગશે પણ ભોગને ત્યાગી દેશો તો જીવને સુખ જ સુખ મળશે, આવી ગદ્યમાં સરળતમ લાગતી વાતોને સહજતમ રીતે પદ્યમાં કહી દેવાનું એટલું સરળ નથી !

ખપે દ્રવ્ય ના મન કદી પારકાનું, અતિલોભ હો પાપ ત્યાં લાગવાનું.

સદા સર્વદા રામને પ્રેમ કરવો, મના ભોગ ત્યાગી સુખે જીવ કરવો.

પડે કષ્ટ તેને સુખ માનવાનું, વિવેકી બની અંતરે ઝીલવાનું !

મનોવિજ્ઞાન એને ‘સેલ્ફ ટૉક’ કે ‘ઑટો સજેશન’ કહે છે. સ્વામી સમર્થે વર્ષો પહેલાં આપણાં વતી આ મન – સંવાદ કરી આપ્યો છે.

આપણી સંસ્કૃતિના એક એક શાસ્ત્ર કે સર્જન કેવાં ગહન અને બોધદાયક છે તેની આ તો ઝલક છે. સુરદાસ, કબીર, મીરાં, નરસિંહ, ભોજા ભગત, અખાની યાદી કેટલી લાંબી થઈ શકે. આપણાં રાષ્ટ્ર તરફ પશ્ચિમી લોકો ઠાલાં જ નહીં આકર્ષાયાં હોય ને !. આપણે આપણામાં ડોકિયું કરવું હોય તો આ સહજ-બોધ ગ્રંથોમાં દિલથી વિહાર કરવો પડશે.

 

બાળકો જે જીવે છે તે શીખે છે

બાળકો જે જીવે છે તે શીખે છે

બાળકને તમે જે શીખવો છો તે નહિ, પણ બાળક તમે જે જીવો છો તે શીખે છે.

ભદ્રાયુ વછરાજાની                                                        bhadrayu2@gmail.com

બાળ ઉછેર વખતે વારંવાર સંભળાતો એક  શબ્દ છે,,,મૂલ્ય. સૌ કહેશે કે બાળકોમાં સારા મૂલ્યો ઉચ્છેરવાના રહેશે. પ્રશ્ન સૌને થાય કે આ મૂલ્યો એટલે શું ?? એ ક્યાંથી આવે અને કેમ કરીને બાળકમાં દાખલ થાય ?? થોડીવાર આ શબ્દને ભૂલી જઈએ કારણ ઘણી વાર આપણે શબ્દોમાં અટવાઈ જઈએ છીએ અને પછી એ શબ્દ આપણે આચરણમાં મુક્યા  વગર કેવળ ઉચ્ચારીને સંતોષ માનીએ છીએ. યાદ એ રાખીએ કે, મૂલ્યોનું પોટલું માથે ઉચકીને  બાળક જન્મ લેતું નથી કે મૂલ્યનું પોટલું માતા પિતાની કાંખમાં ય હોતું નથી.

આપણે બાળકના ઉછેરની સાથોસાથ તેને મૂલ્યો દર્શાવીએ છીએ અને તેને બાળક ઝીલે તેવી શક્યતા ઉભી થાય છે. એ ભૂલવા જેવું નથી કે માતા પિતાની વાણી-વર્તન, આસપાસનું પર્યાવરણ અને રોજ્બરોજના વ્યવહારમાંથી મૂલ્યો બાળક સુધી પહોચે છે. હવે એ હકારાત્મક હોય તો તેની છાપ બાળકમાં હકારાત્મક પડે છે અને અન્યથા તેથી ઉલટું પણ બને છે. ભાવાર્થ એટલો કે માતા પિતા એ બાળ ઉછેર દરમ્યાન બહુ જ સજગ રહીને ડગલા ભરવા જોઈએ. આપણે જે જીવીશું તેને અનુસરવાની બાળકની વૃત્તિ રહે છે, એવું તો આપણે સૌએ પણ નોંધ્યું છે.

૧૯૭૪ માં દસ + દસ નાનાં નાનાં વાક્યો ડોરોથી લૉ નોલ્ટે દ્વારા લખાયાં.

‘જો અને તો’ થી શરૂ થતાં એ વાક્યો ‘બાળક કેમ શીખે છે’ તેની બારાક્ષરી સરીખાં છે.જો બાળક…. જીવશે તો બાળકશીખશે,’ બસ આવાં આખાં દસ વિધાનો માત્ર છે. પણ એમ કહો ને કે બાળઉછેરનું આખું ઉપનિષદ આમાં સમાય ગયું છે ! આપણે એ દસ વિધાનોને વાંચી જઈએ…

જો બાળક ‘નિંદાભર્યા વાતાવરણમાં જીવશે તો તે’ ‘વખોડવાનું’ શીખશે.

જો બાળક ‘વેર કે વિરોધ’ વચ્ચે ઉછરશે તો તે ‘લડતાં’ શીખશે.

જો બાળક ‘મશ્કરી કે મજાક’ બનીને મોટું થશે તો તે ‘તાકીને પ્રહાર’ કરતાં શીખશે.

જો બાળક ‘શરમ’ અનુભવતું ઉછેર પામશે તો તે પોતાને ‘દોષો કે દુષ્ટ’ ગણતાં શીખશે.

જો બાળક ‘સહનશક્તિ કે સહિષ્ણુતા’ વચ્ચે મોટું થશે તો તે ‘ધીરજ’ કે ‘ધૈર્ય’ નો ગુણ ગાંઠે બાંધશે.

જો બાળક ‘પ્રેરણા અને ઉત્તેજન’ મેળવતાં મેળવતાં વૃદ્ધિ પામશે તો તેનામાં આપમેળે ‘દ્રઢ વિશ્વાસ’ ઉમેરાશે.

જો બાળક ‘પ્રશંસા’ ના પુષ્પો વચ્ચે ખીલશે તો તે પણ જીવનનું ઉંચુ મૂલ્ય કરતાં શીખી જશે.

જો બાળક ‘ઔચિત્ય’ જળવાતું હોય તેવા વાતાવરણમાં મોટું થશે તો તે બાળક ‘ન્યાય અને પ્રામાણિક વ્યવહાર’ થી જીવી જવું જોઈએ તેવું આત્મસાત કરશે.

જો બાળક ‘પ્રમાણસરની સલામતી’ વચ્ચે ઉછરશે તો તેનામાં ‘જીવન પ્રત્યેની શ્રદ્ધા’ ઊભી થશે.

જો બાળક ‘સંમતિ’ ના માહોલમાં સહજતાથી મોટું થતું જશે તો તે પોતાને અને પોતાનાં વ્યક્તિત્વને પસંદ કરશે ને જીવંતતાથી આગળ વધશે.

હકીકતમાં આ દસ પગથિયાંવાળી બાળઉછેરની સીડી દરેક માતા પિતાએ પોતાનાં હૈયામાં વસાવી લેવા જેવી છે. પેલા મોટિવેશનલ ટ્રેનરોની ભાષામાં કહું તો આ ‘જો અને તો’ ની દસપદી પ્રત્યેક મમ્મી પપ્પાએ સુંદર  રીતે કોમ્પ્યુટરમાં મોટા ટાઈપમાં કાગળ પર ઉતારી તેને પોતાના બેડરૂમમાં લગાડી રાખવી જોઈએ કે જેથી જયારે જયારે બાળક સાથે બોલે કે બાળક સાથે કશો પણ વ્યવહાર કરે ત્યારે ઘડીક થોભે ને પછી આ દસપગલાં સામે જુએ ને પછી આગળ વધે. ઉછેર જેવો થશે, બાળક  તેવું થશે.. યાદ રાખીએ : ‘બાળકને તમે શીખવો તે નહીં, પણ બાળકને જે શીખવું હોય તે જ તે શીખે છે…’ તમે ‘કહેશો’ તે  નહીં, પણ તમે જેમ ‘કરશો’ તેમ બાળક અનુસરશે. મારું તમારું એટલે કે મમ્મી પપ્પાનું કે શિક્ષકનું વર્તન એ બાળક માટે અનુકરણીય બને છે. સંતાન ક્યાંથી શું શીખી જશે એ આપણી સમજ બહારનો પ્રશ્ન છે. ત્રીજા ધોરણમાં પરાણે ભણતા રામ નામના બાળકે તેની મોટી માને સવારમાં ફોન કરીને પોતાનાં મમ્મી પપ્પાની ફરિયાદ આ શબ્દોમાં કરી : ‘મા, મારાં મમ્મી પપ્પા અત્યારે સવારના પહોરમાં નિષ્ઠુર થઈ મને હોમવર્ક કરાવે છે…’ હવે આ ફરિયાદમાં બહુ જ ઓછો વપરાતો ‘નિષ્ઠુર’ શબ્દ રામને કોણે શીખવ્યો હશે તે જરા વિચારીએ. આપણે પણ જે પ્રયોગ ભાગ્યે જ કરતાં હોઈએ તે બાળક ક્યાંથી કરતો થયો હશે, કહો જોઈએ !!

મહાત્મા ગાંધીએ  પુત્રો અને પુત્રવધૂઓને લખાયેલા પત્રોમાં એક સરસ તથ્ય કહેવાયું છે કે, અપૂર્ણ બાપની સોડમાં હૂંફ શોધવાને બદલે બાપના બાપ પૂર્ણ પરમેશ્વરની સોડની હૂંફ શોધ એટલે તું બળવાન થશે. આ જ મારું તને શિક્ષણ છે.’ કેટલી બધી ઊંચી વાત મહાત્મા કહે છે, પ આપણે તેને કેમ ચરિતાર્થ કરવી ?? બસ, એ જ પેરેન્ટીંગ છે. (ક્રમશઃ)

બાળક સાથેની જીણી-જીણી વાતોનો  સરવાળો એટલે  ‘પેરેન્ટીંગ’.

બાળક સાથેની જીણી-જીણી વાતોનો સરવાળો એટલે ‘પેરેન્ટીંગ’.

ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો  તો બાળકની લાગણી  ઘવાય  છે. 

ભદ્રાયુ વછરાજાની                          bhadrayu2@gmail.com 

બાર વર્ષ પછીનો પિરિયડ એવો છે કે, બાળકમાં  જે કંઈપણ ઇનપુટ અંદર ગયા હતાં, એ ઇનપુટનું એનાલિસિસ કરીને બેસ્ટ ઓફ ધ લોટ સિલેક્ટ કરવાનું અને એને અમલમાં મુકવાનું બાળક શરુ કરે છે. અમલમાં મૂકીને એ જોશે. ઇઝ ઈટ સક્સેસફુલ ? તો હું પણ અમલમાં મુકું.  

જરા સેન્સિટિવ વાત કરું, કુટુંબની અંદર તમે સ્ત્રીનું માન ન રાખતા હો, તો યાદ રાખજો તમારું સંતાન ભવિષ્યની અંદર તેને જ અનુસરવાનું.  આપણા ઘણા કુટુંબો એવા છે કે બાપ બહાર બાલ્કનીમાં બેઠો-બેઠો રાડ પાડે, ‘પાણી લઈ લેજે’,આમ કહેવું તે  અસ્થાને કહેવાય. બાળક બધુ  બાળક બરાબર નોંધે છે. બાલ્કનીમાંથી રાડ પાડે , પાણી લઇ લેજે, બાળક ક્યાંય રમતું હોય ને જોવે તો- પપ્પાએ રાડ પાડી, મમ્મી દોડમદોડ હાથ સાફ કરીને પાણી લઈને આવી. ઉભી રહી પપ્પાની સામે. પપ્પા છાપું જ વાંચ્યા કરતા હતા. બે ત્રણ મિનિટ પછી એણે કીધું, પાણી, જવાબ મળ્યો તોછડાઈથી ‘મુકી દે ત્યાં.’ આ નાનકડી ઘટના એના માઈન્ડમાં રજીસ્ટર થાય, થાય, અને થાય. એને ખબર પડી જાય કે ઘરની અંદર એકબીજા સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આ જ વાત ઉલ્ટી થઈ શકે. હસતા-હસતા કહી  શકે, ‘તું બાલ્કનીમાં બેસવા આવને, ક્યારની શું કામકાજ કરે છે? અને આવ ત્યારે બે ગ્લાસ પાણી લેતી આવજે આપણે  બેય સાથે પીશું.’ જુઓ,  પીવું છે તો મારે જ પાણી હો, પણ કહેવાની સ્ટાઈલ મેં બદલી નાખી. અને જેવી પાણી લઈને આવી,એવું છાપું મેં સંકેલી લીધું, ‘આવ-આવ બેસ-બેસ. રાખી દે પાણી રાખી દે. રવિવાર છે, સવારના પહોરમાં શું કામે લાગી જાય છે? બેસને બાલ્કનીમાં.’  બાળક આ વાત પણ ઓબઝર્વ કરે છે. પહેલી વાત અને બીજી વાત, બેય ઇનપુટ અંદર ગયા. હવે એ મોટું થશે ત્યારે જોશે કે આમાં  સાચું શું? 

એક નાનકડી એક ટીપ ,, આપણે  પતિ પત્નીને બહુવચનમાં બોલાવતા શીખએ  જરા. આ આપણે  તુંકારા ઉપર આવી ગયા  છીએ  ને, એમાં ક્યારે  તુંકારામાથી  ‘તારો બાપ ને મારો બાપ’ ઉપર  આવી જઈએ એ ખબર નથી પડતી. ભારતીય  સમાજ એ પુરુષ પ્રધાન સમાજ છે, એ આવા નાના ઈનપુટમાંથી પુરુષ પ્રધાન બને છે. ‘પપ્પા ક્યાં ગયા છે?’ એવું કોઈ મહેમાન આવીને મારી મમ્મીને પૂછે તો મારી મમ્મી કહે, ‘ખબર નથી, કહીને ગયા નથી.’   That means it is a tradition of the family . એનો અર્થ એવો છે કે આપણે કહીને જવાની રીત રાખેલ નથી. આ જેના પપ્પા કહ્યા વગર જતા હોય, એનો એ દીકરો મોટો થઇ ને ક્યાં જવાનો હોય એ  કીધા વગર જાય, તો એણે ફરિયાદ ન કરવી. કારણ કે ઇનપુટ તમે આપ્યો છે. આતો બહુ જીણી વાત છે,  પરંતુ ધ્યાન રાખીએ કે, જીણી-જીણી વાતનાં  સરવાળાને જ ‘પેરેન્ટીંગ’ કહેવાય છે.  

તમારે ત્યાં બાળક જન્મે ત્યારથી જ તમે બરાબર સાવચેત રહેવા જોઈએ. બાળક સુઈ ગયું હોય ત્યારે વધારે ધ્યાન  રાખવું. હું તો એમ કહું કે ઝઘડવાનું મન થાય તો બહાર  નીકળી ને ઝઘડવું, રેસકોર્સની પાળી એ બેસીને ઝઘડવું. રેસકોર્સમાં અંદર બેસીને ધડાધડી કરી લેજો , ગાળાગાળી કરી લેશો તો પણ વાંધો નહીં , પછી પાછા હસતાં-રમતાં થઈને ઘરે આવતા રહેવું. ભૂલેચૂકે પણ તમારા સંતાનની હાજરીમાં દલીલ ઉપર ઉતર્યા, તો મુશ્કેલી થવાની. તમારા ઘરનું વાતાવરણ જેવું હશે, તેવું તમારું સંતાન ઘડાશે. ઘરમાં જેમ જીવાતું હશે, તેમ સંતાન પોતે જીવશે. 

ઘર પછી કોનો વારો આવે? સ્કૂલનો વારો આવે. સ્કૂલનો બહુ મોટો રોલ છે સાહેબ. માતા-પિતાએ એ સમજી લેવાની જરૂર છે, આ બાળક મારી પાસે આખો દિવસ સચવાતું નથી, ત્યારે જે સાચવે એવી વ્યક્તિ છે, એને હું સોંપું છું. Where i fail, teachers are successful. હું તમને એમ કહેવા માંગુ છું, તમે જેને ટીચરને સોંપો છો, એના પ્રત્યે તમારો અહોભાવ અને આદર ભરચક હોવો જોઈએ. યાદ રાખવા જેવું છે, બાળક જરાક મોટું થાય, ચોથા,પાંચમા ધોરણમાં આવે, અને ઘરની અંદર તમે એના ટીચર અથવા તેની સ્કૂલ વિષે જો ભૂલેચૂકે કોઈ એડવર્સ રીમાર્ક આપો  તો બાળકની લાગણી  ઘવાય  છે. બાર વર્ષની ઉમર સુધીનો જે ગાળો છે, એ હીરોવર્શીપનો ગાળો છે. એના ટીચર એના માટે હીરો છે. અને તમે એમ કહો, ‘તારા ટીચરને શું ખબર પડે?’ ત્યારે અત્યારના બાળકો બહુ સારા છે. નવી સદીના, એ બોલતા નથી સાહેબ, પોતાના રૂમમાં જતાં રહે છે અને પોતાની સાથે વાત કરે કે, ‘ટીચરને બધી ખબર પડે છે મમ્મી,તને જ નથી ખબર પડતી.’ પણ એ બિચારા એકબાજુ જઈને બોલે. એ એટલું શીખી ગયા છે આપણે  હજી બાકી છે. 

બીજી એક વાત , દરેક કામ તમે જ કરવાના હો, તો તમે ભૂલ કરો છો. દરેક કામની અંદર તમારા બાળકને હસતાં-રમતાં ઇન્વોલ્વ કરવું જરૂરી છે. કેટલીક માતાઓ એમ માને છે કે, આપણી દીકરી સાસરે જવા જેવડી થશે ત્યારે બધું શીખવશું,અત્યારે એને કોલ્ડસ્ટોરેજમાં રાખો. આ માતાઓએ નક્કી કરવું કે આ દીકરી અહિયાંતો હેરાન થવાની, ત્યાં જઈને પારકાં છોકરાંએ હેરાન કરવાની,. આ નક્કી છે. અને એટલા માટે અત્યારના સમાજમાં તમે સાંભળો છો, કે સાસરે ગયેલી દીકરીના મા રોજ સવારે ફોન કરે, ‘બેટા શું રાંધ્યું? ભાત મુક્યા છે, ત્રણ સીટી વગાડજે હો,’ કારણ કે કહેવાનું હતું ત્યારે ન કીધું, હવે તમારે ફોન કરીને કહેવું પડે છે કે ત્રણ સીટી વગાડજે. That is also habit formation.તમે એને ઇન્વોલ્વ કરો, ભીંડા કેમ સુધારાય? ગોળ સુધારાય કે લાંબા સુધારાય. ભીંડાનું રસાવાળું શાક કરાય કે ન કરાય, આ બધી પ્રકિયા જો તમે એને ભેગી જ આપી હશે તો દીકરી સ્વસ્થ થઈને સાસરે જીવશે. કેવળ દીકરીને જ ન જોડો, દીકરાને પણ જોડો. બાપ તરીકે રવિવાર હોય ત્યારે તમે તમારા બગીચામાં જતા રહો . ભેગો દીકરાને લેતા જાઓ. ‘હાલ તને મજા આવશે.’  અને તમે પોતે જરા પાણીની પાઇપ લઈને ઉભા રહો , તમે જો જો દીકરો તરત કહેશે કે,  પપ્પા મને આપો ને , When you involve them, they are eager to work . જયારે તમે એને ભેગા જોડો છો, ત્યારે જ એને કામ કરવાની મજા છે. અને ખરેખર કેળવણી એ છે. ‘કોગ્નિટિવ’ એટલે ‘જ્ઞાનનો ડબ્બો’  આપણું શિક્ષણ રોજ જ્ઞાનનાં ડબ્બામાં રોજ માહિતીનો ઢગલો ભરી, ડબ્બો બંધ કરે છે. બાળકને કહી દે છે કે, તને જરૂર પડે ને અનુકૂળતા હોય ત્યારે ખોલજે. જે લગભગ કોઈ  ખોલતું નથી. તો શું કરવું જોઈએ? જે શીખવવું છે, જે એની પાસેથી જોઈએ  છે, એ એને એકવાર કરવા માટે આપો.કરતાં-કરતાં જે શીખાય એને  કેળવણી કહેવાય. (ક્રમશ:)

‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

‘બાળક શું શીખે છે?’.. ‘એ જે પસંદ કરે છે તે શીખે છે.’

અંદર બાળક જીવે છે. બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. તેથી  જન્મ પૂર્વેનાં મહિનાઓની કાળજી લેવી જોઈએ

ભદ્રાયુ વછરાજાની                                    bhadrayu2@gmail.com 

વિશ્વ માનવી શ્રી મોરારીબાપુ સરસ મજાની વાત કરે છે કે, શિક્ષક છે એ ગર્ભવતી માતા છે. કારણ કે જેના પેટમાં એક ગર્ભ છે એ માતા જેટલું સાચવીને સંભાળીને પગલું ભરે છે, કે પડખું ફરે છે, ત્યારે શિક્ષકના ગર્ભ ની અંદર સામે બેઠેલા 40 બાળકો જન્મ લેતા હોય છે. એટલી કાળજી એણે  લેવી પડે, કારણ કે શિક્ષક એ 40 બાળકોને જન્મ આપનારી માતા છે…પ્રસુતાએ તો ઊંચે સાદે બોલવું નહિ, સારામાં સારું વાંચવું, એ ટાણે જેટલા આપણા અભરખા હોય ખાવા- પીવાના કે નાચવા  કુદવાના  એને થોડા સીમિત કરવા. 

રોજ સાંજે જે ફૂડ પ્રોવાઇડર્સ હોય છે એને આપણે ઘરે બોલાવાનું બંધ કરવું જોઈએ, આપણને આવડતું હોય એવું દેશી સરસ મજાનું ખાવું જોઈએ, મને શું પચે છે એની તો મને ખબર હોવી જોઈએ ને ! ઘણાને ખબર નથી હોતી, પછી જ ખબર પડે કે આ ફાવ્યું નહીં.  તો આ બધી જ  ઝીણી-મોટી કાળજી લેવાની જ. દાદા-દાદી કે નાના નાની માટે એક વાત કરું. ઘરની અંદર મારા મમ્મી પપ્પા હોય, મારી પત્નીના મમ્મી પપ્પા હોય, તો એનું આદરપૂર્વક સ્થાન નિશ્ચિત છે.પણ જ્યારથી મારી વાઈફ પ્રેગ્નેન્ટ થાય ત્યારથી, સલાહ સૂચનાઓ આપવાનું કામ આ  વડીલોએ કરવાનું નથી. ફુલ સ્ટોપ. આ બહુ  ક્લિયર કરવા  માંગુ છું. ‘ધ્યાન રાખજે હો’, આપણે દરેક વાક્ય આમ જ શરૂ કરતાં  હોઈએ  છીએ. ‘પછી કહેતી નહીં હો’,  ‘વાંધો પડે તો કે’તી નઈ હો’, આવી દરેક બાબત આપણે વોર્નિંગ સ્ટાઇલમાં બોલવા ટેવાયેલા છીએ. No words like this… 

અંદર બાળક જીવે છે. એ બહારની  સંવેદનાને બરાબર ઝીલી રહ્યું છે. આ જન્મ પૂર્વેનાં મહિનાઓની આટલી કાળજી લેવી. આ જાણવું જરૂરી છે કારણ કે, સામાન્ય રીતે આપણે પ્રેગ્નેન્ટ થઈ જઈએ, ત્યારથી લગભગ લગભગ ડ્યુ ડેટ આવે ત્યાં સુધી મસ્તીમાં આનંદ કરતા હોઈએ છીએ. આનંદ મસ્તી  ચોક્કસ કરવાનો છે, But to remember, there is someone with me, who can understand, who can smell, who can get some emotions, to be careful. નાગર કોમ્યુનિટીમાં નવરાત્રી દરમ્યાન શ્રી  માતાજીનું સ્થાપન કરવામાં આવે છે. એટલે એવો ભાવ હોય કે માતાજી અમારે ઘરે 10 દિવસ રોકાવા આવ્યા છે. અને ત્યારે એટલી બધી ડિસિપ્લિન હોય કે, ‘માતાજી બેઠા છે ધીમે બોલો’, કોઈ જોરથી બોલે તો કહેવાય,  ‘અરે માતાજીને ડિસ્ટર્બ થશે’. એવું યાદ રાખીએ કે,  આ નાગર જ્ઞાતિમાં ભલે નવરાત્રીમાં સ્થાપન થાય, પરંતુ તમારે ઘરે બાળક જન્મવાનું છે એવી ખબર પડે ત્યારથી યાદ રાખજો કે માતાજી બેઠા છે. શાંતિ જળવાય, સરસ મજાનું હળવું સંગીત ચાલતું રહે, હસી મજાકની વાતો થતી રહે, કદાચ બહુ ઉગ્ર વાતાવરણ થાય તો ગર્ભવતી સ્ત્રીએ ઊઠીને બીજે જતા રહેવું અને તે સ્થાન છોડી દેવું , આટલી કાળજી એ સમયે લેવામાં આવે તો પછી નું કામ સરળ બને છે. 

એક બાબત બહુ ચોખ્ખી કહેવામાં આવે છે કે, બાળક શું શીખે? જવાબ ચોખ્ખો, બાળક જે જીવે તે શીખે. સાયકોલોજીનો એક સિદ્ધાંત છે. ‘Child chooses to learn.’  બાળક શું શીખે છે? જેને પસંદ કરે છે તે શીખે છે. તમારે શીખવવું છે તે શીખે તે જરૂરી નહીં. તમે જેટલા ઈનપુટ એની સામે મૂક્યા, એમાંથી એને જે પસંદ પડ્યું તે એ શીખશે. બાળકો વિશે આપણે કહીએ છીએ કે, મેં કેટલો પ્રયાસ કર્યો પણ એને મનમાં ચડ્યું જ નહિ, કર્યું જ નહિ એણે, એનો અર્થ એવો કે, એણે પસંદ નહોતું કર્યું. એનો થોડોક અર્થ એવો પણ ખરો કે, એની પાસે વસ્તુની રજૂઆતનો માર્ગ તમારો થોડોક નબળો બન્યો છે. Give them the choice. એને ચોઈસ આપો કે આમાંથી તું કર, તારે જે કરવું હોય તે કર. પણ મા-બાપ તરીકે આપણે એમ કહીએ છીએ કે આમ કર, હું કહું તેમ કર. યાદ રાખીએ કે, જ્યારે તમે બાળકને એમ કહો કે હું કહું તેમ કર, ત્યારથી જ શિક્ષણનું નિકંદન નીકળે છે. મનમાં ઉગેને કોળે કરે તે બાળકએવી વ્યાખ્યા છે.

મિત્રો ડેવલોપમેન્ટલ સાયકોલોજી એટલે ‘વિકાસલક્ષી મનોવિજ્ઞાન’. એમના એક ભીષ્મપિતામહ  છે ‘એલિઝાબેથ હાર્લોક’, એ એમ કહે છે કે, બાળક તરુણ થાય ત્યાં સુધીનો અવસર તેનો હેબિટ ફૉર્મેશનનો અવસર છે. બાળક જન્મી ગયું અને એ ટીનેજ બને ત્યાં સુધીમાં  એટલે કે 0 થી  12. ટીન એઈજ એટલે  13,14,15,16,18,19. જે ઉંમરમાં છેલ્લે ટીન ટીન બોલાય તે ટીન એઈજ એટલે  ‘તરુણાવસ્થા’ એટલે  ‘એડોલેસન્સ’. આ  સમય છે એ હેબિટ ફોર્મેશનનો પિરિયડ છે. હેબિટ ફોર્મેસન એટલે શું? ટેવ પાડવાનો સમય. ટેવ ક્યાંથી પડે છે ??  મમ્મી શું કરે છે,? પપ્પા શું કરે છે,? આપણું  બાળક  બેસ્ટ ઓબઝર્વર છે. તમે માનતા હોવ કે એને ખબર નથી પડતી એવું નથી, તમે અહીંયા કંઈક  તમારામાં પડયા હો અને તમારું બાળક રમતું હોય, ત્યારે યાદ રાખવું કે એના કાન તમારી ઉપર જ છે. આ હકીકત છે. 

હવે તો મનોવિજ્ઞાનના હાલનાં સંશોધનોએ સાબિત કર્યું છે કે,  ત્રણ થી સાડા ત્રણ મહિનાનું બાળક તમારા વાઇબ્રેસન્સની  નોંધ કરી શકે છે. માનો કે માતા-પિતાને એવી ઈચ્છા થઈ કે આપણી અંગત પળ  આપણે માણવી છે, અને બાજુના બેડરૂમમાં હોય અને એને એમ હોય કે, બાળક સુઈ ગયું છે, Then also the child is  able to feel  the vibrations at that time. યાદ રાખવું, બાળક જન્મી જાય ને પછી એ જ તમને  છેતરી શકે, તમે એને છેતરી જ ન શકો. પ્રયાસ કરજો. બે-ત્રણ દિવસ તમે રાજી થાવ તો પછી ખબર પડે આ તો એને આપણને બનાવ્યા છે. આ રિયાલિટી બને છે. બાર વર્ષની ઉંમર સુધી હેબિટ ફોર્મેશન પિરિયડ એટલે આ પિરિયડ દરમિયાન બાળક વિચારે છે કે, મમ્મી શું બોલી? પપ્પા શું બોલ્યા? સામસામે કેવી વડચડ થઈ? એકબીજા સામે કેવા હાવભાવ કર્યા?  એકબીજા સામે આંખો કાઢી? એકબીજાને ટેકો કર્યો? આ લોકોમાં કરુણા છે? આ ખોટાબોલા છે, આ બધું નોંધ્યા કરે છે. આ બાળક છે ને એ બોલ્યા વગર નોંધે બધું જ. યાદ રાખો, બધું જ નોંધે, બાર વર્ષ પછી… તેરમાં  વર્ષથી એ શરુ કરે મૂલ્યાંકન, નોંધેલામાંથી કયું વધુ સારું? અને જે વધુ સ્પર્શી ગયું હોય એને અમલમાં મૂકે. છ-સાત વર્ષના દીકરાને તમે બેઠાં હોવ ને ફોન આવ્યો તો તમે કહો કે, કહી દે,  ‘પપ્પા ઘરે નથી,’ 13 વર્ષના બાળકને તમે કહો કે કહી દે કે,  પપ્પા નથી, એટલે એ કહેશે કે,  ‘પપ્પા કહે છે કે એ ઘરે પપ્પા નથી’. એને ખબર પડી ગઈ કે,  આ લોકો  મારી પાસે ખોટું બોલાવી અને પોતે છુપાઈ જાય છે. તમે એવું માનો છે કે શું બાળક આવું બધું વિચારે? પણ હા, એનાથી પણ ઘણું બધું વિચારે… સાહેબ. (ક્રમશ:)

મા બાપ બનવું એટલે ઉત્સાહપૂર્વકની મથામણ કરવી

મા બાપ બનવું એટલે ઉત્સાહપૂર્વકની મથામણ કરવી

તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો

ભદ્રાયુ વછરાજાની                                          bhadrayu2@gmail.com 

એ કહેવું ન જ ગમે  પણ કહેવું પડે તેમ જ છે કે, હકીકતમાં કુટુંબોની વ્યથાઓ એટલી વધતી જાય છે કે કદાચ 2030 સુધીમાં શેરીએ-શેરીએ જે બ્યુટીપાર્લર્સ છે એની જગ્યાએ કાઉન્સેલિંગ સેન્ટર્સ શરુ કરવા પડે એવી સ્થિતિ આવશે. એનું મુખ્ય કારણ એ છે કે, ઘરમાં પાંચ માણસો હોય તો પાંચે પાંચ બહારના પાંચ માણસો સાથે વાત કરવા ટેવાયેલાં છે, પરંતુ  અંદરો અંદર એકબીજા સાથે વાત કરવા ટેવાયેલા નથી !!! 

આપણી પાસે બે પ્રકારના સંતાનો છે. એક સંતાન એવું છે કે, જે નીચે કૂવો છે કે નહીં એ જોયા વગર નીચે  ભૂસકો મારે છે, બીજું સંતાન એવું છે કે જેને ખાતરી હોય કે કુવો નથી, તો પણ હળવે-હળવે થઈને આગળ વધે છે. આ બંને સંતાનને કેમ ઉછેરવા, એનું નામ ‘પેરેન્ટિંગ’ છે. 

કયું સંતાન મારા ફાળે આવશે એ મને ખબર નથી.  કારણ કે આપણને  જે સંતાન પ્રાપ્ત થયું છે એ આપણા  નિર્ણય આધારિત પ્રાપ્ત થયું નથી. એમ કહેવાય છે કે, ગર્ભ સંસ્કાર દ્વારા તમે ઈચ્છો તેવા બાળકો પ્રાપ્ત થઈ શકે. પણ એના માટે બહુ જ અઘરી પ્રક્રિયામાંથી હસબન્ડ અને વાઈફે પસાર થવું પડે.  બહુ સ્પષ્ટ  માનસિકતા કેળવવી પડે. ‘હવે આપણને એક સંતાન જોઈએ છીએ’, તેવું બંને એક મતે નક્કી કરે અને બંનેની જ્યારે વેવલેન્થ (ફ્રિકવન્સી) પરફેક્ટલી મેચ થાય ત્યારે જો પવિત્ર વિચારો સાથે સેક્સુઅલ ઈન્ટરકોર્સ થાય તો જે બાળક જન્મી શકે એ કદાચ સંસ્કારી હોઈ શકે. આ થિયરી બહુ સ્પષ્ટ છે. અન્યથા,  આપણને જે બાળક મળે છે એ ઈશ્વરે આપણને આપેલી ભેટ છે. આ વાત આપણે પહેલા એટલા માટે સ્વીકારી લઈએ છીએ કે, વી શુડ નોટ કંમ્પ્લેઇન. આપણા બાળક માટે ફરિયાદ ન કરવી રહે,,, કેમ ન કરવી? કારણ કે એ આપણી ફરિયાદ ઈશ્વર સામેની ફરિયાદ છે. 

કોઈ કહે કે,  મારું બાળક છે એ દિવ્યાંગ છે તો શું એ પણ ઈશ્વરની જ ભેટ ? જવાબ હા છે, તમારું બાળક દિવ્યાંગ છે તેનો અર્થ એવો કે, ઈશ્વરને તમે વધુ ગમો છો. ઈશ્વરના લિસ્ટમાં ‘બેસ્ટ ઓફ ધ લોટ’ની યાદીમાં તમે પહેલા છો. એટલા માટે એણે  અઘરો દાખલો તમને સોંપ્યો છે.  શિક્ષકો પણ આવું કરતા હોય છે. અઘરામાં અઘરો દાખલો હોય એ હોશિયાર છોકરાને જ આપે છે. એટલે આપણે ઈશ્વરનો આભાર માનીએ કે આપણને  એમણે ખાસ પસંદ કર્યા છે.  કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું કે, બાળક એ ઈશ્વરના હસ્તાક્ષર છે, ઈશ્વરનો ઓટોગ્રાફ છે, એટલે આપણે ત્યાં જો સંતાન જન્મે તો સમજવાનું કે ઈશ્વરે આવીને આજે પોતાના ઓટોગ્રાફ આપણને આપ્યા છે.   કોઈ સેલિબ્રિટી ના ઓટોગ્રાફને આપણે કેટલા સાચવીએ છીએ, એક નાનકડી પુસ્તિકા ની અંદર. એનાથી ચડિયાતા એક સેલિબ્રિટીએ  મોકલેલો પોતાનો ઓટોગ્રાફ મારા અને તમારા ઘરમાં રમે છે. 

વિચારવાનું એ છે કે, આપણે ત્યાં આજના સમયમાં આપણે પુરા પતિ કે પુરા પત્ની બનીએ તે પહેલા આપણે માતા અથવા પિતા થઈ જતા હોઈએ છીએ. ગાયનેકલોજીસ્ટનો એવો ડેટા છે  જે એમકહે છે કે,  પહેલી પ્રેગનેન્સી માટે અમારી પાસે આવનાર જે કપલ હોય એમાંથી 70 થી 78 ટકા કપલ એવું કહે છે કે, ‘અમારે આ પ્રેગ્નન્સી ને ચાલુ ન રાખવી હોય તો કોઈ રસ્તો છે?’  એનો અર્થ એવો છે કે, માતા પિતાને  ખબર નથી પડી કે બાળક કન્સીવ થયું છે. આવું બન્યું છે,  તો એવા કિસ્સાની અંદર આપણે નેગેટિવ બન્યા અને મનથી એનો પુરો સ્વીકાર ન કરો, તો સંતાનના  પેરેન્ટિંગના  પ્રશ્નો જ પ્રશ્નો રહેવાના છે. ભારત દેશની અંદર લગભગ લગભગ 87 પર્સન્ટ ઓફ ધ ચાઈલ્ડ બર્થ, એક્સિડેન્ટલ બર્થ છે. અકસ્માતે જન્મેલું બાળક છે, ઈચ્છા વગર જન્મેલું બાળક છે. હવે એ પ્રકારના બાળકને કેવી રીતે વેલકમ કરી શકીશું ? અને જો વેલકમ નહીં કરી શકીએ  તો તેનું પેરેન્ટિંગ કેમ કરી શકીશું ? તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય, અને મહેમાન આવે છે એવો સંદેશો આવે અને ઘરમાં કકળાટ  થઈ જાય કે, ‘ભારે કરી આ ક્યાં  આવે છે?’,  ‘જો જો હો બે દિવસમાં નીકળે એવું કરજો, એને રોકાઈ જવાની ટેવ છે’, એટલે મહેમાન આવ્યા પહેલાના ષડયંત્રો મનમાં ઘડાણા હોય, એ મહેમાન આવે ત્યારે એને  મજા આવી ખરી ? શાણો  મહેમાન હોય તો એને  ખબર પડી જાય અડધા દિવસમાં કે હું અનવોન્ટેડ છું. આવું જ આપણા બાળકનું બને છે, બાળક મહેમાન છે આપણા  ઘરનું. 

હવે  જેને આપણે રેડ-કાર્પેટ વેલકમ આપવા તૈયાર નહોતા, એવા સંતાન માટે તો મુશ્કેલી છે. તેથી જ પહેલી વાત કે,  બાળક આવે છે, તેનું આપણે સૌથી પહેલા ઉત્સાહથી, હર્ષથી સ્વાગત કરવાનું છે. બાળક એટલે દીકરી-દીકરો નહીં હો, જે  બાળક છે એનું સ્વાગત કરવાનું છે. સ્વાગત કરવાનું  એટલે શું?  જ્યારથી મારી વાઈફે મારા સંતાનને કન્સિવ કરવાનું શરૂ કર્યું ત્યારથી મારો ગોલ્ડન પિરિયડ શરૂ થાય છે, ‘ગોલ્ડન પિરિયડ’. 

એમ કહેવાય છે કે બાળકના ઘડતરની અંદર ચાર પરિબળો જવાબદાર છે. એમાંનું પહેલું પરિબળ એ છે  પૂર્વ જન્મ, હવે  આપણે પૂર્વ જન્મમાં ન માનતા હોઈએ તો જન્મ પૂર્વેના મહિના, હું એવું અર્થઘટન કરું છું. કોઈ એમ કે અમે  પૂર્વજન્મમાં  નથી માનતા , તો કોઈ વાંધો નહિ. જન્મ પૂર્વેના મહિના Round about nine months…એ જન્મ પૂર્વેના મહિના છે. એ જન્મ પૂર્વેના મહિનામાં તમારા દ્વારા ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વાંચવામાં, ઇન્ટરેક્ટ કરવામાં, ગુસ્સે થવામાં, સુઈ જવામાં, કોઈ વ્યસન કરવામાં, જે જે થયું છે તે તે અંદર ગયું છે. આ માત્ર કોઈ થીયરી નથી, મેડિકલ સાયન્સે ડેવલપ કરેલું છે. અને આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરનાર લોકો, શિવાજીની વાત કરીએ ત્યારે માતા જીજાબાઈ ની વાત કરીએ છીએ. કે માતા જીજાબાઈએ ઘોડિયામાં ઉછેર્યો હતો બાળકને. એ વખતે શૂરવીરતાના ગીતો  ગાયાં હતા. જ્યારે મેન્ટલી, ફિઝિકલી, ઈમોશનલી, મમ્મી અને પપ્પા એટલે કે પતિ અને પત્ની, બંને હર્ષોલ્લાસથી છલકે છે  કે, અમારે ત્યાં એક મહેમાન પધારે છે, ઈશ્વરે મોકલેલ મહેમાન આવે છે, એનું સ્વાગત કરવું છે, અને એના માટે થઈ શકે એ કરવું છે. (ક્રમશ:)

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું, ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું, ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું

ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા માત્ર મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું નથી,” પૂજ્ય શ્રી મોટા

ભદ્રાયુ વછરાજાની                                                 bhadrayu2@gmail.com 

બે વિગતોની ચર્ચા થઇ છે. શ્રી સમર્થ રામદાસના મરાઠી ભાષામાં કહેવાયેલા  ‘મનાચે શ્લોક’ અને પૂજ્ય શ્રી મોટા દ્વારા ગુજરાતીમાં કહેવાયેલ ‘મનને’ ના શ્લોકો. 

પૂજ્ય શ્રી મોટા ખુદ કહે છે કે, “શ્રી સમર્થ રામદાસ દ્વારા કહેવાયેલ ‘મનાચે શ્લોક’ તો તેઓશ્રીના જ્ઞાનના અનુભવના પરિણામની  પરાકાષ્ઠાની પ્રસાદીરૂપે હતા. `મનાચે શ્લોક’ની ને આ  मनने ની  સરખામણી જ શક્ય નથી. બંનેની ભૂમિકા જ જુદા પ્રકારની છે.” સમજુ વાંચકો આનો યોગ્ય વિચાર કરીને આ मननेનું મૂલ્યાંકન આંકે એવી તેઓની  વિનંતી છે.”

“મન પણ અનંત છે ને એનાં પણ અનેક પાસાં છે, ને મનને જીવનવિકાસના ક્ષેત્રમાં આપમેળે રંગાઈ જવાનું કર્મ તે કંઈ નાનુંસૂનું નથી. મન માની  જતું ભલે લાગતું હોય, તેમ છતાં એને પાછું છટકી જતાં વાર પણ લાગતી નથી. મનનો દંભનો પડદો તો હિમાલય પર્વત કરતાં પણ મોટો હોય છે, ને દંભ તો સત્યની નજીકમાં નજીક સુધીની મર્યાદા સુધીનો ભાગ ભજવી શકે છે. એવાં મનનાં વલણોને પારખવાં ને જીવન-વિકાસમાં તે રચનાત્મક છે કે નકારાત્મક છે, એ પિછાણવું  સહેલું નથી. ‘ઉત્કટ ધગધગતી જિજ્ઞાસા જેની  સંપૂર્ણપણે ચેતનાત્મક ભાવવાળી છે, તેવા જ માત્ર, તેવાં મનનાં પાસાંમાં તટસ્થ રહી શકે છે, બાકીનાનું તો ગજું જ નથી,” એવું પૂજ્યશ્રી મોટા કહે છે, તે આપણા સૌનો અનુભવ છે. 

આપણે ‘મનને’ માંથી ચૂંટેલા શ્લોકોનું હાર્દ  સમજવાનો પ્રયાસ કરીએ:

ભુજંગી છંદમાં મનને રીતસર ધમકાવતા ને મૂર્ખ સંબોધનથી ઠપકારતા પૂજ્યશ્રી મોટા કહે છે:

ત્હને કેટલી વાર હે મૂર્ખ ! કેવું ?

ત્હને કેટલી વાર કો રીત ટેવું ?

નથી ઊંઘતો તે જીવે છે, ત્હને તે

 નથી એટલુંયે અરે ! ભાન શાને ?..

આપણા આશ્ચર્ય વચ્ચે તરત જ શ્રી મોટા મનને ‘બાપુ’ સંબોધનથી હળવાશભરી વાત કરે છે : 

ચઢાશે બે ઘોડલે તુંથી બાપુ,

ત્હને તે વધારે કઈ શીખ આપું ?

અજાણ્યું અને ભોટ જો હોય સારું,

કરે તે કહ્યું, લક્ષ આપે રૂપાળું.

મ્હને છેતરી છેતરી જાય ઊંધું,

ત્હને કેટલી વાર તે બાપ, ચીંધું,

હતે બાળ તો આંગળી આપીને મ્હેં,

ચલાવ્યું ત્હને હોત ધીમેથી પ્રેમે.

તું બાળક નથી એટલે તને કેટલી ય વાર હું ચીંધુ છું અને છતાં ય તું તો ઊંધું જ ચાલે છે. બાળક હોત ને તો તને પ્રેમથી તારી આંગળી પકડી ચલાવ્યું હોત ! પરંતુ કાશ, તું બાળક હોત ! 

હવે આ જ મન ઘડીકમાં પોતાનો મુડ બદલે છે અને ઘડીકમાં રિસાય છે, ફસાય છે અને ઘડીમાં આકાશે ઉડે છે !! આ ઘડીક ઘડીકની  રમત રમતું મન કેવું વિચિત્ર છે તેનો ચિતાર પૂજ્યશ્રી મોટા આબેહૂબ આપે છે : 

ઘડીમાં મનાતું ઘડીમાં રિસાતું,

ઘડીમાં સીધું ને ઘડીમાં ફસાતું,

ઘડીમાં ઊડી વ્યોમ તું જાય ભાગ્યું,

તેહને તે ખીલે કેવી રીતે હું બાંધું ?

ઉચાળા ભરાવી ઘડીમાં નસાડે,

ઘડીમાં ચઢાવે, ઘડીમાં પછાડે,

ઘડીમાંહી આકાશગંગે ન્હવાડે,

ઘડીમાં નવાઈ નવાઈ પમાડે.

ઘડીમાં હસાવે, ઘડીમાં નચાવે,

ઘડીમાં હુલાવે, ઘડીમાં ફુલાવે,

ઘડીમાં અહીંથી ત્યહીં તું ફગાવે,

તણાયા કદી તો બૂરા હાલ આવે.

 હે મન ! તું તો અતિ વિચિત્ર છે. કોઈ વાર મારું  કામ સીધું તું કરી આપે છે અને એ વિશ્વાસ લઈને હું તારા આધારે રહું  કે તરત જ તું તો મને પછાડે છે.  હવે તો તને હુલાવી ફુલાવીને હું કામ લઉં ને તો પણ મને તારો વિશ્વાસ હજુ બેસતો જ નથી. 

કરે કેટલી વાર તું કામ ચીંધ્યું,

બતાવેલ પંથે ઊડ્યું જાય સીધું

તું વિશ્વાસમાં એમ લૈને મ્હને રે

પછાડી કરે ખોખરાં હાડકાં રે. 

હુલાવી ફુલાવી લઉં કામ તોયે,

વિશ્વાસ મ્હારો હજી બેસતોયે,

કરે જીદ ભારે ઘડીયે ઘડીયે,

શાને શીખે તું, પડે છે છતાંયે? 

જતો પંથ સીધો ત્હને મ્હેં બતાવ્યો,

વળી આંગળી ચીંધીને જે કપાવ્યો,

પૂરા તે ઉમંગે કરી કૈં વટાવ્યો,

ત્યહાં વેવલો વેશ ક્યાં હૈં જણાવ્યો ?

શ્રી મોટા સર્વ માર્ગેથી મનનો જાણે કે એક્સ રે લઇ રહ્યા હોય તેમ જ ફેરવી ફેરવીને મનના  સર્વાંગી તરંગોથી આપણને અવગત કરાવે છે : 

ત્હને ધૈર્ય હું કેટલી વાર આપું ?

નિરાશા થતાં, પંથ પાછું હું સ્થાપું,

છતાં ચૂકવે કાં તું મ્હારું દાપું ?

ફજેતી થતાં લાજ આવે કાં શું ?

 સદા સર્વની સાથ રૈ નમ્ર ભાવે,

સદા સર્વને પ્રેમથી રીઝવી લે,

નકામા નકામા તરંગે ચઢ્યું તો,

ગુમાવીશ તું મેળવેલુંરળેલું. 

મ્હને છોડશે તું, છતાં કેમ છોડું

ત્હને ! સંગ રાખીશ ભાવે મથી હું,

ત્હને, ચિત્ત એકાગ્ર થૈ એકમેળ,

તદાકાર રેવા મથાવીશ, બાપ.  

હે મન ! તને વારંવાર ધૈર્યનાં પાઠ હું શીખવું છું, છતાં નિરાશ થાઉં એટલે તને ફરી સાચા માર્ગે હું લાવું છું. હું તારી આટલી ચાકરી કરું છું તો પણ તું લાજ શરમ વગરનું હોય તેમ મારું  લાગું એટલે કે મારું  વેતન તો આપતું નથી.!! તને હજુ સમજાવું છું કે,  સૌની સાથે નમ્રભાવે રહેજે અને સૌને પ્રેમથી રીઝવી લેવા પ્રયાસ કરજે . તું બિનજરૂરી તરંગે ચડીશ ને તો બધું તું ગુમાવીશ. 

છેવટે શ્રી મોટા ચરમ સીમા પર પહોંચીને વિનવે છે કે, મારા મન, તું મને છોડે તો પણ હું તને નહિ છોડું. તને ભાવથી મારા સંગે રાખીશ. ઉલટું હું તને એકાગ્ર ચિત્ત રાખી ને તદાકાર રહેવા હું મથામણ  કરાવીશ.  

‘શ્રી મનાંચે શ્લોકો’ અને ‘મનને’ :: બે અદભુત સર્જનો

‘શ્રી મનાંચે શ્લોકો’ અને ‘મનને’ :: બે અદભુત સર્જનો

સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્યશ્રી મોટા દ્વારા મન સાથેનો નિજી સંવાદ માર્ગ ચીંધનારો છે

ભદ્રાયુ વછરાજાની                            bhadrayu2@gmail.com 

સ્વામી શ્રી સમર્થ રામદાસ કે જે મહાપ્રતાપી શિવાજી મહારાજના ગુરુ હતા. તેના જીવન અને તેના ‘શ્રી મનાંચે  શ્લોકો’ વિશે આપણે વિગતો મેળવી છે.

મનને કોઈ કે માંકડું કહ્યું છે, તો કોઈએ મનને બહુ મોટો આદર્શ પણ ગણ્યો છે. સ્વામી સમર્થ રામદાસ મનને સજ્જન કહીને બોલાવે છે, જ્યારે પૂજ્ય શ્રી મોટા મનને જરૂર પડે તો ફટકારે છે અને જરૂર પડે તો એને વાસામાં હાથ ફેરવીને કામ લેવાનું કહે છે.

આજે એક વાત એ કરવી છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંને દ્વારા માનવના આ  મન માટે કોઈ વ્યવસ્થિત વાત કરવામાં આવી હોય તેવા શ્લોકો મળી આવે છે. ‘શ્રી મનના શ્લોકો’ એવો  ગુજરાતી ભાવાનુવાદ આપણને વડોદરાના કવિ શ્રી મકરંદ મુસળે  દ્વારા મળ્યો છે. પૂજ્ય શ્રી મોટા તો ગુજરાતીમાં લખવા ટેવાયેલા હતા, કારણ કે પાક્કા ગુજરાતી હતા. એટલે એમણે વર્ષો પહેલાં આપણને આશ્ચર્ય થાય એટલા વર્ષો પહેલા લગભગ 1928 ના ગાળા દરમ્યાન તેમણે પોતાના મન સાથે જે વાત કરી તે વાત ઉપરથીમનને એવી  એક સુંદર મજાની નાનકડી પુસ્તિકા આપણને પ્રાપ્ત થઈ છે.

‘મનને’ શીર્ષકધારી આ  નાનકડી લગભગ 24 પાનાંની પુસ્તિકામાં આપણને થોડું  આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે સ્વામી સમર્થ રામદાસ અને પૂજ્ય શ્રી મોટા એ બંનેએ મન માટે લખેલી વાતોમાં કેટલીક પંક્તિઓની સમાનતા જોવા મળે છે. આ ‘મનને’ નામની નાનકડી પુસ્તિકા ની પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યના કવિવર ઉમાશંકર જોશી એ લખી છે. અને ઉમાશંકરભાઈએ એક-બે પંક્તિઓ એવી તારવી આપી છે કે જે આ બંને સમર્થોના મન સાથેના સંવાદમાં સરખી-સરખી જોવા મળે છે. ઉમાશંકરભાઈ એ પણ નોંધે છે કે, મનાંચે શ્લોક એ ભુજંગ પ્રયાતના છંદો ગાનનું એક સ્વરૂપ છે અને એ મરાઠી ભાષી બંધુઓની એક મંડળી પ્રભાતફેરીમાં ગાતી-ગાતી નીકળે ત્યારે આપણી ચેતના ઉપર અકળ સંસ્કાર મૂકી જાય છે. એવી જ રીતે પૂજ્ય શ્રી મોટા દ્વારા રચાયેલ મનને ના ભુજંગ પ્રયાત  છંદો રામદાસ સ્વામીના મનોબોધ ની કશી જ જાણકારી વિના લખાયા છે, અને છતાં બંનેમાં રહેલા એક-બે શાબ્દિક સામ્યો 40 વર્ષ ઉપર કોઈ મિત્રએ પૂજ્યશ્રી મોટાને બતાવેલા પણ ખરા.

ઉમાશંકરભાઈને બે ઉદગારોનું સામ્ય પોતાના ધ્યાન ઉપર આવ્યું અને એણે  તારવ્યું. ક્રિયા વીણ વાચાળતા છે નકામી  લગભગ એ જ શબ્દો મનોબોધમાં સામે સમર્થ રામદાસે ક્રિએવિણ વાચાલતા વ્યર્થ આહે લખ્યું છે, તો શ્રી સમર્થે બીજી એક જગ્યાએ પણ ક્રીએવીણ  વાચાલતાનો ઉલ્લેખ કર્યો છે. વિવેકે સદા સ્વસ્વરૂપે રહીને નું વિવેકે સદા સ્વસ્વરૂપી મરાવે સાથેનું સામ્ય પણ ઉમાશંકરભાઈને તરત ધ્યાનમાં આવ્યું છે. પણ મોટું સામ્ય તો એ છે કે બંને કૃતિઓ મનને ઉદ્દેશીને ઉદ્દગારાયેલી છે અને બંનેમાં ભુજંગ પ્રયાત છંદ દ્વારા રચનાઓ આકાર પામી છે. કવિ શ્રી ઉમાશંકરભાઈની નજરે આ આશ્ચર્યકારક આકસ્મિક સામ્યનું મૂળ બંને કૃતિઓ પાછળની અધ્યાત્મ સાધનાનો  એક સરખો અભિગમ છે. તેઓ કહે છે કે, આત્મયાત્રીને પહેલે કે બીજે પગલે જ મનની મુલાકાત થાય જ છે અથવા કહો કે મનનો મુકાબલો થાય છે. મનની સાથે પતાવટ કર્યા વગર આગળ વધવું મુશ્કેલ છે, બલ્કે એવી પતાવટ નો પ્રયત્ન કરતા-કરતા જ આગળ વધાય છે.

ભક્ત કવિ કહે છે, पहले मनको मुंडो, फिर आतम को ढूंढो, આ બંને કૃતિઓમાં ભિન્નતા પણ છે. શ્રી સમર્થના શ્લોકો કાવ્ય દ્રષ્ટિએ તરત ધ્યાન ખેંચે છે, ખાસ કરીને એનું નાદ તત્વ અનેક ને મુખપાઠ  કરવા પ્રેરે છે. પ્રજાએ એને એ રીતે જ સ્વીકારેલ છે. જો કે, પૂજ્ય શ્રી મોટા ના મનને ના શ્લોકમાં એકસૂત્રતા વર્તાય છે. મનને માં  બોલચાલની ભાષાનાં લહેકા છે, કેટલાક વિશિષ્ટ ક્રિયાપદો છે, તો કેટલાક વિશિષ્ટ શબ્દ પ્રયોગો પણ છે. આવી કેટલીક બાબતો મનોબોધમાં એટલે કે સ્વામી સમર્થના મનાંચે શ્લોકમાં પણ છે.

અહીં ધ્યાન એ દોરવાનું કે આત્મજ્ઞાન માટે અથવા આત્મસાધના માટે કાર્યરત બે સંન્યાસીઓ કે બે સાધુ-ફકીરો સમાન માર્ગે વિચારતા હોય છે, એવું આપણે સ્વીકારવાયુ રહે. આમ જોઈએ તો આ બંને મહાનુભાવો કદાચ પોતાના જીવનકાળમાં ભેગા નહીં થયા હોય, પરંતુ એટલું ચોક્કસ કે બંનેના ચૈતન્યને ક્યાંક મુલાકાત થઈ છે અને તેમાંથી બંનેએ પોતાના મનને ઉદબોધીને સુંદર મજાની શ્લોક રચના કરી છે. 1922 ની શરૂઆતની  પૂજ્યશ્રી મોટાની સાધનાકાળની મનોદશા અહીં ઉતારી આવી છે. પૂજ્યશ્રી મોટા જ લખે છે કે,  ‘શ્રી પ્રભુ કૃપાથી જીવનના ઉચ્ચતમ ભાવનાના વિકાસ અંગે દિલમાં દિલથી દિલની અભિમુખતા પ્રગટી અને ત્યારથી મનની અનેક પ્રકારની આડી અવળી મથામણો, મંથનો અને કેટલાં ય  સંગ્રામના અવનવા દર્શન થયા. આ દર્શનનું ક્રિયાશીલ, જાગ્રત, ગતિશીલ, તટસ્થ પૂર્વક પૃથ્થકરણ થયા કરતું હતું અને મનનું સંઘર્ષણ અનેક પ્રકારે, અનેક પાસાઓમાં અને ક્ષેત્રમાં, કર્મમાં અને જીવન વ્યવહારમાં પ્રગટતું જતું હતું. તે કાળે પૂજ્ય મોટા ને એક ભારે સંગ્રામ નો સામનો કરવો પડ્યો હતો. મનનો ગુરુ મન બને અને તે પણ યથાર્થ પણામાં તો જીવન વિકાસના ભાવમાં ભારે વેગ પ્રગટ્તો  જાય, અને જીવન વિકાસ પરત્ત્વનો ઝૉક આપમેળે ઊગીને, તેને  ગતિશીલ, ક્રિયાશીલ, અને સર્જનશીલ થવામાં પ્રેરણા આપે એવું અનુભવાતું હતું. એવા એ જીવનનાં તબક્કામાં પૂજ્ય શ્રી મોટાને આ ‘મનને’ નામનું જોડકણું મનને સમજાવવા જડ્યું અને પછી તો તે મનને કેળવવા, તો ક્યારેક ચેતવવા, ક્યારેક જાગ્રત કરવા અને જીવન વિકાસ પરત્વેની  મનની સાચી ઉત્કટમાં ઉત્કટ અભિમુખતા  પ્રગટે તેવો તેનો હેતુ હતો, જે જ્ઞાન ભક્તિપૂર્વકનો હતો.

‘મનને’ નામની નાનકડી પુસ્તિકામાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો લઈને તેનું સાદું વિશ્લેષણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણા મનને કશુંક ભાથું બંધાવીશું.

‘શ્રી મનાચે શ્લોક’ ના સર્જક સ્વામી સમર્થ રામદાસ

‘શ્રી મનાચે શ્લોક’ ના સર્જક સ્વામી સમર્થ રામદાસ

મૂળ નામ નારાયણ ઠોસર. શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ સ્વામીનો !

ભદ્રાયુ વછરાજાની                                                bhadrayu2@gmail.com

‘શ્રી મનાચે શ્લોક’  અને તેના સમશ્લોકી અનુવાદનો લેખ અનેક વાચકોની જિજ્ઞાસાને જન્માવી ગયો અને આ સ્વામી સમર્થ રામદાસ વિષે  વધુ જાણવાની માંગણી આવી. આવો, આજે સ્વામી સમર્થનના  જીવનનું વિહંગાવલોકન કરીએ.

મનને આપણે બહુ વખોડયું છે. શાસ્ત્રોએ પણ મનની ચંચળતાને અનેક અનર્થોનું કારણ સાબિત કરેલું છે. કહે છે કે, જે મન ઉપર વિજય મેળવે તેને જ સિદ્ધિ વરે! કારણ જો મન વિહાર શરૂ કરે તો ત્રણેય ભુવન ઓછાં પડે. મનને ‘માંકડું’ પણ કહી દીધું, પરંતુ એક વિશ્વ સંતે તો ‘મના સજ્જના’ એટલે ‘મનને સજ્જન’ કહીને જીવન પ્રત્યેના એમના સકારાત્મક દૃષ્ટિકોણનો પરિચય આપ્યો. સમર્થ સ્વામી રામદાસે તો મનની આગળ ‘શ્રી’ મૂકીને મનને ગરિમા બક્ષી. તેઓએ ‘મન’ને મીઠડું મરાઠી ભાષી સંબોધન કરીને ‘શ્રી મના’ કહ્યું!

સમર્થ રામદાસ એટલે છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. મૂળ નામ તો નારાયણ ઠોસર. મહારાષ્ટ્રના જાલના જિલ્લાના જામ્બ ગામે શક સંવત 1530ની રામનવમીએ શ્રી રામજન્મના મુહૂર્ત મધ્યાહૂને બાર વાગે જન્મ! સૂર્યાજી પંત અને શણુંબાઈનાં આ સંતાનને બાર વર્ષની ઉંમરે ‘સાવધાન’ શબ્દ સંભળાયો અને તેઓ પોતાના લગ્નમંડપમાંથી દોટ મૂકીને ભાગ્યા. બાર વર્ષની તપશ્ચર્યા દરમ્યાન વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શરીરને સુદૃઢ બનાવી પછીનાં બાર વર્ષ ભારત-ભ્રમણ કર્યું. મુગલોના શાસનનો એ સમય. હિંદુ ધર્મમાં ભય હતો ને પ્રજા નિર્માલ્ય બની ગઈ હતી. રામદાસજીએ નબળા લોકમાનસને ધર્મની સાથે રાષ્ટ્રધર્મ પણ સમજાવ્યોને સમાજને ઢંઢોળ્યો. આ જ ભાવના તેઓએ છત્રપતિ શિવાજીમાં જાગૃત કરી. આ એકમાત્ર સંત ‘રાષ્ટ્રગુરુ’નું સન્માન પામ્યા.

સમર્થ શ્રી રામદાસે ગણેશ અને સરસ્વતી વંદનાથી શરૂ કરી, ભક્તિ, શક્તિ, મુક્તિ, વિશ્વાસ, સમર્પણ, ‘સ્વ’ની શોધ, અહમ, વાદ-સંવાદ, સંગ-કુસંગ, વિવેકબુદ્ધિ જેવા વિવિધ માનવીય સંવેદનોને ઉઘાડી આપ્યાં અને છેલ્લે ફલશ્રુતિ તો અદ્દભુત રચના ‘શ્રી મનાચે શ્લોક’થી થઈ. એ મરાઠી આધ્યાત્મિક સાહિત્યનું મોરપીંછ છે. છેલ્લાં 400 વર્ષમાં મહારાષ્ટ્રમાં એક પણ એવું ઘર નહીં મળે કે જે ઘરમાં એક વાર પણ ‘શ્રી મનાચે શ્લોક’નું પઠન ન થયું હોય. મરાઠી માણસનું એ સંસ્કાર-સિંચન છે. શ્રી વિનોબાજીએ શ્રી સમર્થ રામદાસની કૃતિનેસોનાની લગડીગણાવી છે. તેઓ સંત તુકારામના સમકાલીન છે. તત્ત્વજ્ઞાનના ખજાના સમાન ‘શ્રી મનના શ્લોક’નું સમશ્લોકી કરતાં પણ બાર વર્ષનું તપ થયું.

‘શ્રી મનાચે શ્લોક’ રચાયા કઈ રીતે? રોમાંચક ઘટના છે. શક સંવત 1570. મહારાષ્ટ્રનું ચાકળ ગામ. રાષ્ટ્રગુરુએ શ્રી રામમંદિરની સ્થાપના કરી. દર વર્ષે રામનવમી ઊજવાય. ચોતરફના ગામોમાંથી ભિક્ષા દ્વારા ધાન્ય અને રોકડ આવે અને ઉજવણી થાય. પછીથી છત્રપતિ શિવાજી મહારાજે સરકાર તરફથી આર્થિક મદદ રાજકોષમાંથી મળતી રહીને ઉત્સવ ઊજવાતો રહ્યો. ભિક્ષા માંગવાની જરૂર ન રહી. થોડાં વર્ષો આમ ચાલ્યું. કોઈ એક વર્ષે રામનવમીના એકાદ અઠવાડિયા પહેલાં સુધી રાજકોષ તરફથી સીધુસામાન ઉત્સવ માટે ન આવ્યું. શિષ્યોએ સમર્થશ્રીને જાણ કરી. કોઈએ સૂચવ્યું કે શિવાજી મહારાજને જ્ઞાત કરીએ, પરંતુ સમર્થશ્રીએ શિષ્યોને  કહ્યું, ‘ચિંતા છોડીને પોતપોતાના કક્ષમાં જઈને સૂઈ જાઓ…’ અને પોતે કલ્યાણ નામના પ્રિય શિષ્યને લઈને એક ઝાડ નીચે બેઠા. શિષ્યને કહ્યું :  “હું જે કંઈ બોલું તે તું લખ…’ અને શ્રી સમર્થે મન સંવાદ સાધ્યો! સમર્થ શ્લોક બોલતા જાય ને શિષ્ય કલ્યાણ બોલાયેલ શ્લોક લખતા જાય. આખી રાત સંવાદ ચાલ્યો ને પરોઢ થયું ત્યાં બધું મળીને 205 શ્લોક અવતર્યા, તે જ ‘શ્રી મનાચે શ્લોક’!! સવારે શિષ્યોને એકત્ર કરી દરેકને પાંચ-પાંચ શ્લોક આપી શ્રી સમર્થે કહ્યું : ‘પ્રત્યેક શિષ્ય ગામમાં જઈને કોઈ એક ઘર આગળ ઊભા રહી આપેલા શ્લોકમાંથી એક શ્લોક બોલે અને પછી જય જય રઘુવીર સમર્થનો ઘોષ કરે ને જે ભિક્ષા મળે તે લઇ બીજા ઘર આગળ જઈ બીજો શ્લોક બોલે!’ બધા શિષ્યો નીકળી પડ્યા. ‘શ્રી મનાચે શ્લોક’નો એવો તો પ્રભાવ પડ્યો કે રાજકોષમાંથી આવતાં સીધુસામાન કરતાં વધુ એકત્ર થયું અને આ વર્ષે વધુ ધામધૂમથી રામનવમીનો ઉત્સવ ઊજવાયો!

મના ક્રોધને વ્હેંત છેટો રાખો, મના વિદ્વજન સાથ સંવાદ સાધો.’

 “મના સત્વરે દુષ્ટનો સંગ છોડો, મના છૂટશે જન્મજન્મોનો ફેરો.’

મના શબ્દ નહીં કર્મને બોલવા દો, વિવાદો મટાડે સંવાદ સાચો.”

 

એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા

એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા

જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. 

ભદ્રાયુ વછરાજાની                   (66)            bhadrayu2@gmail.com 

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે છેલ્લા ત્રણ અધ્યાયોનું  સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

સોળમાં અધ્યાયમાં આપણને ઈંગિત મળે છે કે : 

+ કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણને જુદાં પાડવાની જરૂર નથી. + જીવન એટલે કેવળ કર્મ, કેવળ ભક્તિ કે કેવળ જ્ઞાન એ કેવળવાદ સાચો નથી. + કર્મ, ભક્તિ અને જ્ઞાન એ ત્રણ નો સરવાળો કરવાનો સમુચ્ચયવાદ પણ યોગ્ય નથી. + થોડી ભક્તિ, થોડું જ્ઞાન અને થોડું કર્મ એવો ઉપયોગીતાવાદ પણ વિનોબાજીનાં ગળે ઉતરતો નથી. + પહેલું કર્મ, પછી ભક્તિ અને તે પછી જ્ઞાન એવો ક્રમવાદ પણ સ્વીકાર્ય નથી. + ત્રણે ય નો મેળ બેસાડવાના સામંજસ્યવાદ ની પણ વિનોબાજી ના કહે છે. + ….પરંતુ કર્મ તે જ ભક્તિ અને તે જ જ્ઞાન એવો સૌને અનુભવ થાય તેવું વિનોબાજીનું ચિંતન છે !!. + સોળમાં અધ્યાયમાં સદગુણોની દૈવી સેના અને દુર્ગુણોના આસુરી લશ્કરને સામસામા ખડાં કર્યાં છે. + સદગુણો ના આગળનાં મોરચે નિર્ભયતા છે અને પાછળનો મોરચો નમ્રતા સાચવે છે.+ અહિંસાનો વિકાસ કેમ થાય ?? આસુરી સંપત્તિને ટાળવી, અળગી કરવી અને દૈવી સંપત્તિને પોતાની કરી તેને વળગવું. + એક જ વસ્તુ પૂર્ણ છે અને તે છે પરમાત્મા. ભગવદગીતામાં દર્શાવેલ પુરુષોત્તમયોગ પૂર્ણ છે. +  માંસાહાર-પરિત્યાગ એ અહિંસાનો એક મહાન પ્રયોગ હતો, છે અને રહેશે. + દૈવી સંપત્તિનો વિકાસ કરવાનો છે અને આસુરી સંપત્તિથી અળગા રહેવાનું છે. અસુરોના ચારિત્રનો સાર “સત્તા, સંસ્કૃતિ અને સંપત્તિ” એ ત્રણ વાતોમાં સમાઈ જાય છે ! + આસુરી સંપત્તિ એટલે ટૂંકમાં કામ, ક્રોધ અને લોભ. ક્રોધ અને લોભ કામમાંથી ઉત્પન્ન  થાય છે. કામને અનુકૂળ સંજોગો મળે તો લોભ પેદા થાય છે અને પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તો ક્રોધ ઉતપન્ન થાય.. +  કામ, ક્રોધ અને લોભ એ નરકના ત્રણ દરવાજા છે. + સંસારસમુદ્રથી દૂર તેના તીર પર ઉભા રહી સમુદ્રની લીલા જોવામાં આનંદ છે. સંતો સમુદ્રને તીરે ઉભા રહી આનંદ લૂંટે છે. + સારાંશ, ભગવાને આ અધ્યાયમાં આસુરી સંપત્તિને દૂર રાખી દૈવી સંપત્તિને વળગવાનું ઊંડી લાગણીથી કહ્યું છે.

સત્તરમાં અધ્યાયનું  સારતત્ત્વ તારવતા આપણને આ પ્રમાણેની શીખ મળે છે :  

+ આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈપણ એક નક્કી કરેલી ભૂમિકા પરથી ચળવો ન જોઈએ. + આ અધ્યાયમાં ભગવાન એ કાર્યક્રમ બતાવી રહ્યા છે. આપણાં જન્મ સાથે ત્રણ સંસ્થાઓ આપણો ધર્મ બને છે: ૧) આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર. ૨) આપણી આસપાસ ફેલાયેલ વિશાળ સૃષ્ટિ. ૩) જે સમાજમાં જન્મ્યા તે સમાજ. આપણો અહંકાર અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને    જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ. + આ કર્તવ્ય અદા કરવા માટેની યોજના શી ?? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. સ્પષ્ટ કરી લઈએ: ૧) સૃષ્ટિને જે ઘસારો આપણા દ્વારા વેઠવો પડે છે તે ભરી કાઢવો તેનું નામ યજ્ઞ છે. ૨) આપણો સમાજ એટલે માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે. ૩) આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિ માટે તપ કહ્યું છે. + ખરું જુઓ તો યજ્ઞ, દાન અને તપમાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ જુદી સંસ્થાઓ નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ-સંસ્થા બને છે. જે દાન કરવાનું છે અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાય. + યજ્ઞ સાત્વિક બને તે માટે બે વસ્તુની જરૂર : નિષ્ફળપણાનો અભાવ અને સકામપણાનો અભાવ. યજ્ઞમાં સકામપણું હોય તો તે રાજસ યજ્ઞ થાય અને નિષ્ફળપણું હોય તો તે તામસ યજ્ઞ થાય. + યજ્ઞ સાત્ત્વિક થાય તે માટે જરૂરી શું ? : ૧) નિષ્ફળતાનો અભાવ ૨) સકામપણાનો અભાવ. સકામપણું હોય તો રાજસ યજ્ઞ થાય ને નિષ્ફળપણું હોય તો તામસ યજ્ઞ થાય. + કર્મમાં મન હોય તો આત્મા હોય અને તો કર્મ ઉત્તમ બને. કર્મમાં ફળહીનતા ન આવે તેટલા સારું આંતરિક મેળનું આ વિધિયુક્તપણું  હોવું જોઈએ. + બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો. + જેવો આહાર તેવું મન. આહાર પરિમિત અને માપસરનો હોવો જોઈએ. જાનવરો અને આપણી વચ્ચે ફેર છે. એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. + આહારશુદ્ધિથી ચિત્તશુદ્ધિ કાયમ રહેશે. શરીરમાં તાકાત આવશે. સમાજસેવા સારી રીતે કરી શકાશે. ચિત્તમાં સંતોષ રહેશે. સમાજમાં પણ સંતોષ ફેલાશે. + સર્વત્ર અદ્વૈતનો અનુભવ થાય, દ્વૈત અને અદ્વૈત આથમી જાય અને આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે. + વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. અંતઃ શુદ્ધિનો કાનૂન પાળો તો વ્યક્તિહિત અને સમાજહિતની વચ્ચે વિરોધ પેદા નહીં થાય ને એકબીજાનાં હિતને બાધા નહીં આવે, એમ ગીતા સમજાવે છે. + જેનું જીવન યજ્ઞમય હોય તે સર્વનો થાય છે. જીવનને એવું કરવાની યુક્તિ ગીતાએ આપી છે. + યજ્ઞમય જીવન કરીને તે પાછું આખુંયે ઇશ્વરાર્પણ કરવું એવું ગીતામાં વધારામાં કહે છે. + સેવાકર્મ પૂરેપુરું સેવામય થવું કઠણ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. તેથી દિવસે દિવસે વધારે ને વધારે નિષ્કામ, વધારે ને વધારે નિ:સ્વાર્થ સેવા આપણે હાથે થાઓ એવું ઇચ્છતા જવું. + સેવા ઉત્તરોત્તર વધારે શુદ્ધ થાય એવી ઈચ્છા હોય તો ક્રિયામાત્ર ઇશ્વરાર્પણ કરો.+ ભગવદ્દ ગીતાના જમાનામાં પરમેશ્વરનું જે નામ પ્રસિદ્ધ હતું તે ગીતામાં સૂચવ્યું છે અને તે છે : ૐ તત સત..ૐ = હા..તત = તે..સત = શુભ-મંગળ-પરમેશ્વર + પુણ્યવાનને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમકે તે પુણ્યવાન છે. પાપીને ઈશ્વરસ્મરણનો અધિકાર છે, કેમ કે તે પાપી છે.

અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં ઉપસંહાર રૂપે સાર  મળે છે કે : 

+ ગીતાની આખી શીખ જોઈએ તો ઠેકઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવાનું અને ફળનો ત્યાગ પણ કરતા રહેવાનું. + ગીતા એમ કહે છે કે કેટલાંક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાંકનો ત્યાગ કરવાનો છે. આ બન્ને વાત અંગે સ્પષ્ટતા માંગતો પ્રશ્ન અર્જુન અહીં પૂછે છે. + ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે ફળત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. ફળત્યાગપૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે કેટલાંક કર્મો છોડવાં જ પડે. + જે કર્મોના મૂળમાં કામના રહેલી છે તે ફળત્યાગપૂર્વક કરો એમ કહેતાંની સાથે જ ખરી પડે છે. આમ કર્મોને ફળત્યાગની કસોટી પર કસી લેવાં. +  ત્રણ વાત સમજી લઈએ : ૧) જે કર્મો કરવાનાં છે તે ફળત્યાગપૂર્વક કરવાનાં છે. ૨) રાજસ અને તામસ કર્મો, નિશિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતાંવેંત આપમેળે ખરી પડે છે. ૩) એવો જે ત્યાગ થાય તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવવી. + સાત્વિક સ્વધર્મરૂપ કર્મમાં પણ દોષ દાખલ થઈ જાય છે, તો પણ તે અવશ્ય કરવાનાં તો છે જ. + કર્મ સ્વરૂપત: બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. + ક્રિયા અને કર્મ એ બંને વચ્ચે ફેર છે. જેમજેમ ચિત્તશુદ્ધિ થતી જશે તેમ તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય થતી જશે. એમ ક્રમે ક્રમે જ ક્રિયાશૂન્યત્વ આવી મળશે. + કર્મ જુદું છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કે કર્તાને જે ઇષ્ટતમ હોય તે કર્મ. જ્ઞાની પુરુષ લેશમાત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. + રજ અને તામસ કર્મો સમૂળગાં છોડવાં અને સાત્વિક કર્મો કરવાં, અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. +  ….અને જે કર્મ પ્રવાહપતિત નહીં હોય તે હું સારું કરી શકીશ, એમ આપણને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવું નહીં. આપમેળે આવી મળે તેટલું જ કરવું. + સ્વધર્મમાં સ્વદેશી ધર્મ, સ્વજાતીય ધર્મ અને સમકાલીન ધર્મ સમાઈ જાય છે. એ ત્રણે થઈને સ્વધર્મ બને છે. + માણસને વર્ણધર્મ હોય છે અને આશ્રમધર્મ હોય છે. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે. + પ્રકૃતિ વહેતી રહેવી જોઈએ. ઝરણું વહેતું નહીં હોય તો તેમાંથી  દુર્ગંધ છૂટશે. તેવું જ આશ્રમધર્મનું સમજવું. + જયાં સાધનાની પરાકાષ્ઠા છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઉભી રહે છે. જીવનનું ફલિત હાથમાં આવે છે તેમ લાગતું હોય તો ફળત્યાગનો ચિંતામણિ હાથમાં રાખો. તે તમને રસ્તો બતાવશે. + જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે. એ મોક્ષ, એ અકર્મવસ્થા, તેનો પણ લોભ ન હોવો જોઈએ. એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે આપણને આવી મળશે. + સાધના જ એવી તન્મયતાથી થવા દેવી કે મોક્ષની યાદ સરખી ન રહે. મોક્ષ આપણને શોધતો શોધતો આપણી સામે આવીને ઉભો રહે !! સાધના પુરી કરીએ, દરિયો ઓળંગી જઈએ. મોક્ષ આપોઆપ આવી મળશે. + આમ થશે તો અંતિમ અવસ્થામાં જે થશે તે બધું કેવળ સાત્ત્વિક કર્મ જ થશે. આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે:: ભાવાવસ્થા, ક્રિયાવસ્થા, જ્ઞાનાવસ્થા. આવી ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષદશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં સંભવે છે.+ …પણ આ જે છેવટની અક્રિયાવસ્થા છે તેને પોતાની કેવી રીતે કરવી ?? આપણે જે જે કર્મ કરીએ તેનું કતૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો પાડવો. એક જ મનન : હું કેવળ નિમિત્ત માત્ર છું. +   હું નથી, બધુંયે તું છે એમ થઈ રહેવું જોઈએ. +  હવે બધું જ બધું : તુ હી,,તુહી,,તુહી.. શ્રીમદ ભગવદ ગીતાજી ને આપણી શક્તિ અને મતિ મુજબ સમજવાનો આપણે નિષ્કામ પ્રયાસ કર્યો છે. આપણી આંગળી પકડનાર અનેક ભાશ્યોના રચયિતાઓ અને ખાસ કરીને આપણા ઋષિ સંત શ્રી વિનોબાજીનો અંત:કરણપૂર્વક અહોભાવ સાથે આભાર માનીએ, અસ્તિત્વનો રુન્સ્વીકાત્ર કરીએ કે આપણું સ્વાધ્યાય નિર્વિઘ્ને પૂર્ણ થઇ રહ્યું છે. આપણે નતમસ્તકે કહીએ :: ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ

                       (અથ શ્રી ભગવદ ગીતા સ્વાધ્યાય સંપૂર્ણમ )

સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે.

સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે.

બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે.

ભદ્રાયુ વછરાજાની                    (65)               bhadrayu2@gmail.com

આપણા ક્રમાનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સમાપને ગીતાના તેર થી અઢાર સુધીના અધ્યાયો માંથી આજે તેર, ચૌદ અને પંદરનું સારદોહન  હૃદયસ્થ કરી લઈએ.:

તેરમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ સ્વધર્માચરણ માણસના જીવનનો મોટો પાયો છે. જીવનની આખીયે ઈમારત આ સ્વધર્માચરણરૂપ પાયા પર ઊભી કરવાની છે. + કર્મ કરવું અને ફળની આસક્તિ છોડવી, એ જે પૃથ્થકરણ છે તેને ઉપયોગી એવું બીજું મહાન પૃથ્થકરણ દેહ ને આત્માનું છે એ પૃથ્થકરણ આ તેરમા અધ્યાયમાં કર્યું છે. + બહારનો દેહ અને અંદરનો આત્મા એવું હરેક ચીજનું બેવડું રૂપ હોય છે. કર્મનું પણ એવું જ છે. બહારનું ફળ એ કર્મનો દેહ છે. કર્મ વડે જે ચિત્તશુદ્ધિ થાય છે તે એ કર્મનો આત્મા છે. +  દેહમાં અથવા મનમાં રહેલા દોષોનું ભાન હોય તેમાં કશું ખોટું નથી. એથી એ દોષો દૂર કરવામાં મદદ થાય છે. પણ હું એટલે દેહ નથી એ વાત સાફ સમજાવી જોઈએ. + દેહ મને મળેલું એક સાધન છે એવું પાકું ધ્યાનમાં ઊતરશે ત્યારે જ જીવન સુધારો થશે. + દેહાસક્તિને લીધે જીવન નકામું થઈ જાય છે. જેમ જેમ તકલાદી શરીરને સંભાળવાનો પ્રયાસ થાય છે તેમ તેમ તેનો નાશ થતો જાય છે, તેવી પ્રતીતિ થવા છતાં દેહને સંભાળવા માણસોના પ્રયાસો ચાલુ છે. + દેહ સાધ્ય નથી, સાધન છે એવી બુદ્ધિ કેળવાય ને મજબૂત થાય તો જે નાહકનો આડંબર માણસ વધારતો જાય છે તે વધારશે નહીં. +  “તું દેહ નથી, તું આત્મા છે,” “તે આત્મરૂપ તું છે”,,, એ બહુ મોટો પવિત્ર ઉદગાર છે. +  “આ ઉપરનું ઓઢણું, ઉપરની છાલ તું નથી, પેલું નિર્ભેળ અવિનાશી જે ફળ છે તે તું છે.” + જ્યાં સુધી આ દેહનું કામ છે ત્યાં સુધી તેને આપણે રાખીશું, સંઘરીશું. જે દિવસે એની પાસેથી કામ મળતું બંધ થશે તે દિવસે આ દેહરૂપી કપડાંને ઉતારીને ફેંકી દઈશું. + માના ખોળામાં બાળક સુખેથી નિરાંતે ઊંઘી જાય છે, તે જ રીતે આ વિશ્વંભર માતાને ખોળે તમારે, મારે પણ એવી રીતે પ્રેમથી, વિશ્વાસથી અને જ્ઞાનપૂર્વક ઊંઘતાં શીખવું જોઈએ.+ ઉપદ્રષ્ટા એટલે આત્મા શાંતિથી બધી ક્રિયાઓ જોયા કરે તે. + આત્મા શાંતિથી જુએ માત્ર નહીં પણ અંદરથી શાબાશ એવો ધન્યવાદનો અવાજ ઉઠે એટલે તે અનુમંતા બને છે. + ત્રીજી ભૂમિકામાં પરમાત્મા વધુ નજીક આવી જાય છે. તે શાબાશ કહીને અટકી ન જતાં સહાય કરવાને દોડી આવે છે. ત્યારે તે ભર્તા બને છે. +  ઉપદ્રષ્ટા , અનુમંતા અને ભર્તા એ બધાં સ્વરૂપોએ પ્રતીત થનાર એ પરમાત્મા હવે ભોક્તા બને છે. + સાક્ષીમાત્ર, અનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર એવે સ્વરૂપે આપણે પરમેશ્વરનો વધારે ને વધારે અનુભવ કરવાનો છે. + આત્માથી દેહને અળગો કરતાં કરતાં સૌ કોઈએ આખુંય જીવન પરમેશ્વરમય કરવાના પ્રયત્નમાં મંડ્યા રહેવું.

ચૌદમાં અધ્યાયમાં કહેવાયું કે : 

+ ગમે તે ઉપાયે દેહ અને આત્માને  આપણે અલગ પાડી શકીએ તો પ્રગતિ કરવાનું બની શકે. + જે પોતાની જાત પર રાજ્ય કરે છે તે વિશ્વનો સમ્રાટ બને છે. દેહની આત્મા પરની સત્તા દૂર કરીએ કારણ દેહનાં સુખદુઃખ વિદેશી છે, તે પારકાં છે, તેમનો આત્માની સાથે જરાય સંબંધ નથી. + તમોગુણનું મુખ્ય પરિણામ છે આળસ. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણેય વાતોને જીતતાં આવડ્યું એટલે તમોગુણને જીત્યો જાણવો. +  મુખ્ય દુઃખ આળસને લીધે છે. અંગમહેનત કરવાનો સૌ કોઈ નિશ્ચય કરે તો આ દુઃખ દૂર થાય. + સમાજમાં બે ભાગ પડી ગયા છે. એક મરી જવાય ત્યાં સુધી મજૂરી કરનારાઓનો અને બીજો અહીંથી સળી ઉપાડીને ત્યાં પણ ન મૂકનારાઓનો. + આળસ છોડવી એટલે અંગમહેનત કરવી આળસને જીતવાનો એ જ એક ઉપાય છે. + ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે.  ઊંઘ થોડી હોય પણ ઊંડી હોય તો તેનું કામ સારામાં સારી રીતે પાર પડે છે. + દેહનો વપરાશ એકધારો ચાલુ રાખવો જેથી પથારીમાં પડતાંવેંત માણસ જાણે મડદું થઈ જાય. + ઊંઘ એટલે નાનકડું મૃત્યુ સમજવું ! + જે જીવનમાં પરમ પુરુષાર્થ સાધવાનો છે તે જીવનને જો ઊંઘ ખાઈ જાય તો પછી પુરુષાર્થ સંપાદન ક્યારે થશે ?? + ઘણો વખત ઊંઘમાં જાય એટલે તમોગુણનું ત્રીજું લક્ષણ પ્રમાદ સહેજે આવે છે. ઊંઘથી આળસ અને આળસથી ભુલાકણા થઈ જવાય છે. વિસ્મરણ મોટો રોગ છે. તેનાથી બુદ્ધિમાં સડો પેસી જાય છે ને જીવન ખવાઈ જાય છે. +  ક્ષણે ક્ષણનો હિસાબ રાખો કે જેથી આળસને પગપેસારો કરવાની જરાયે તક ન મળે. આવી રીતે તમોગુણને જીતવાનો એકધારો પ્રયાસ કરવો જોઈએ. + રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે, એમ કહી શકાય. + ફૂટબોલનો જન્મ લાતો ખવાને સારુ થયો છે, તે જ પ્રમાણે રાજોગુણની અને તમોગુણની વારાફરતી લાતો ખાવામાં માણસનો જન્મારો નીકળી જાય છે. + તરેહતરેહના કામો કરવાનો ચડસ એ રજોગુણનું પ્રધાન લક્ષણ છે. રજોગુણની બીજી અસર એવી થાય છે કે માણસમાં સ્થિરતા રહેતી નથી. માણસને સ્વધર્મ જેવું કશું રહેતું નથી. + સ્વધર્મનું સતત ચિંતન કરતા રહી માત્ર તેમાં બધી શક્તિ વાળવી અને બીજી ચીજો તરફ ધ્યાન જ ન દેવું, સ્વધર્મની એ કસોટી છે. + સ્વધર્મ સ્વાભાવિક હોય છે ને સહજ હોય છે. તેને શોધવાનો નથી. જ્યાં સ્વધર્મની શોધ ચાલે છે ત્યાં કંઈક પરધર્મ અથવા અધર્મ ચાલે છે એમ ચોક્કસ જાણવું. + માણસને હંમેશ દૂરનું આકર્ષણ રહે છે, પાસેનું ખૂણામાં રહે છે અને આઘેનું સમણામાં દેખાય છે !! + સ્વધર્મમાં મગ્ન રહેવાથી રજોગુણ ફીકો પડી જાય છે, કારણ કે ચિત્ત એકાગ્ર થાય છે. સ્વધર્મ છોડીને તે બીજે ક્યાંય ભટકવા નીકળતું નથી. તેથી ચંચળ રજોગુણનું બધુંયે જોર ગળી જાય છે. + સ્વધર્મમાં બધી શક્તિ રેડો એટલે રજોગુણની દોડધામ કરવાની વૃત્તિ નાબૂદ થશે, ચંચલપણું ચાલ્યું જશે, આ રીતે રજોગુણને જીતવો જોઈએ. + સત્વગુણને જીતવો એટલે તેને માટેનું અભિમાન, તેને વિષેની આસક્તિ દૂર કરવી. સત્વગુણ પાસેથી કામ લેવું જ છે, પણ સાવધ રહીને યુક્તિથી લેવું છે. સત્વગુણને નિરહંકારી કરવો છે. + સત્વગુણને એકદમ સ્વાભાવિક વસ્તુ બનાવી દઈએ તો તેનો અહંકાર થતો નથી. સત્વગુણ રોમેરોમમાં ઊતરી જવો જોઈએ. સત્વગુણનો આવો સ્વભાવ બની જશે પછી તેનું અભિમાન નહીં થાય. સત્વગુણને જીતવાની આ એક યુક્તિ છે. + બીજી એક યુક્તિ: સત્વગુણની આસક્તિ સુદ્ધા છોડી દેવી. અહંકાર અને આસક્તિ બન્ને છૂટે એટલે પાર ઉતરી જવાય. + જો કે, આ બધું છૂટે તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી ત્યાં સુધી જોખમ તો છે જ. અને આ પ્રાપ્ત કરવા માટે ભગવાનનો અર્જુનને એક જ જવાબ છે: અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર.

પંદરમાં અધ્યાયમાં સારતત્ત્વ કૈક આવું છે

+ અત્યાર સુધી જીવનનું જે શાસ્ત્ર કહ્યું, જીવનના જે સિદ્ધાંત કહ્યા, તેની પૂર્ણતા આ અધ્યાયમાં કરી છે. આ અધ્યાયમાં પરમાર્થની વાત પૂરી થાય છે. + પરમાર્થનું ભાન માણસને કરાવવું એ જ વેદનું કામ છે અને તે આ અધ્યાયમાં છે. તેથી આ અધ્યાયને “વેદોનો સાર” એવી પદવી મળી છે. + ભક્તિમાર્ગ પ્રયત્નમાર્ગથી જુદો નથી. બંને મળીને એક માર્ગ બને છે. ઘાસ નીંદી કાઢવું અને બી રોપવું એ બે કામ એક જ ક્રિયાનાં બે અંગો છે, તેવું જ આ છે. + ભક્તિતત્વ જીવનૌકાને પાણીની માફક સરળપણું મેળવી આપે છે. ભક્તિમાર્ગથી સાધના સહેલી થાય છે. + હું સેવક, ભક્ત છું ; તે સેવ્ય એવો ઈશ્વર સ્વામી છે ; બાકી રહેલી આખી સૃષ્ટિ તેનાં પૂજાના સાધનો છે. + સૃષ્ટિનું નાશવંતપણું એ જ તેનું અમરપણું છે. સૃષ્ટિનું રૂપ ખળખળ વહ્યા કરે છે. સૃષ્ટિનું નાશવંતપણું રોજેરોજ નવાં ફૂલો ખીલવતું રહે છે. જૂનાં માણસો જાય છે અને નવાં બાળકો જન્મે છે. + સારાંશ કે સૃષ્ટિનું ક્ષરપણું, નાશવંતપણું છે એટલે જ સાધનોની નવીનતા છે. પેલો પરમ પુરુષ પુરુષોત્તમ જુદાં જુદાં સેવાસાધનો પૂરાં પાડી મારી પાસેથી પ્રેમમૂલક સેવા લઈ રહેલો છે. + પુરુષોત્તમયોગ બતાવી ગીતા કર્મમય જીવનને પૂર્ણતા આપે છે. પેલો સેવ્ય પુરુષોત્તમ, હું તેનો સેવક અને સેવાનાં સાધનો આ સૃષ્ટિ છે. +  આ વાતનું એકવાર દર્શન થાય પછી બીજું શું જોઈએ ?? + સર્વત્ર એક જ ચૈતન્ય વિલસી રહ્યું છે. આ દ્રષ્ટિ આવી એટલે આપણા કર્મમાં જ્ઞાન પણ આવ્યું જાણવું. + આખી સૃષ્ટિમાં ત્રણ પુરુષો ઉભા છે, જ્ઞાન-કર્મ-ભક્તિ.એક જ પુરુષોત્તમે એ ત્રણે રૂપો લીધાં છે. ત્રણે મળીને એક જ પુરુષ છે. કેવળ અદ્વૈત છે. કર્મ, ભક્તિ અને જ્ઞાન એકરૂપ થયાં. જીવ, શિવ અને સૃષ્ટિ એકરૂપ થયાં. + આ સર્વ વેદોનો સાર છે. વેદ અનંત છે પણ અનંત વેદનો ટૂંકમાં ચોખ્ખોચટ સાર આ પુરુષોત્તમ યોગ છે. + વેદ સંસ્કૃતમાં નથી, સંહિતામાં નથી, તે સૃષ્ટિમાં છે. સેવા કરશો એટલે નજરે પડશે.

અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે

અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે

અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’

ભદ્રાયુ વછરાજાની                     (64)                       bhadrayu2@gmail.com 

અઢારમો અને છેલ્લો અધ્યાય શ્રીમદ ભગવદ ગીતાનો એટલે સમગ્ર ગીતાનો ઉપસંહાર..આપણને  જીવનમાં ગીતા બોધનું માર્ગદર્શન આપે છે. 

સાચો ભક્ત તો ઈશ્વરને હંમેશા એમ જ કહેશે કે,  આ ભક્તિ મારે માટે પૂરતી છે. પેલો મોક્ષ કે  જેને જીવનનું  અંતિમ ફળ માનવામાં આવે છે તે મારે નથી જોઈતું. કારણ મુક્તિ એટલે એક જાતની ભક્તિ જ નથી શું ?  મોક્ષ એ પણ એક ભોગ છે, ફળ છે. ‘આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવ’, એવું ભગવાન કહે છે. 

પ્રેમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી.  મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો. ‘તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે. અને મોક્ષ તને શોધતો-શોધતો તારી સામે આવીને ખડો થાય.’ સાધકે સાધનામાં જ રંગાઈ જવું, माते संगोध्व कर्मणि माहो राग अकर्ममा , અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલાં જ કહ્યું છે. હવે ફરીથી છેવટે પણ ભગવાન આપણું ધ્યાન દોરે છે. ‘अहं त्वां सर्वपापेभ्यो मोक्ष ईष्यामि मा सुच:  હું તને સર્વ પાપોથી છોડાવીશ, તુ નચિંત થઈજા. મોક્ષ આપવા વાળો હું સમર્થ બેઠો છું. તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર કર. મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે, અને મોક્ષ જ બિચારો મોહિત થઈને તારી પાસે આવશે.’ 

નિરપેક્ષ વૃતિથી જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો છે, તેના ગળામાં મોક્ષ લક્ષ્મી વરમાળા પહેરાવે છે. સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા’. હું કંઈક કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી. નાનો છોકરો સાચું બોલે છે, પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી. કારણ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી. અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ છે. સિદ્ધાવસ્થામાં જે નિસિદ્ધ છે, તે ત્યાં નામનુંય ફરકતું નથી. જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી નથી, જે થવું જોઈએ તે હાથથી કરવું પડતું નથી. જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું, પણ આપમેળે ટળી જાય છે.આવી એ નીતિશૂન્ય અવસ્થા છે, આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધના ની સહજાવસ્થા, તે નીતિનો પરમ ઉત્કર્ષ છે. 

આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ હોય છે. એક પેલી વામદેવની દશા, તેનો પહેલો પ્રસિદ્ધ ઉદગાર છે ને! ‘આ વિશ્વમાં જે-જે કંઈ છે તે હું છું’. જ્ઞાની પુરુષ નિરંકાર હોય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે, એવે વખતે તેને ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે. એ અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી. ભાવાવસ્થા એ ક્રિયા અવસ્થા નથી. ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતા ની અવસ્થા છે. જ્ઞાની પુરુષ પણ ભાવનાની ઉત્કટતાને આખા જગતના દોષ પોતાની માથે લે છે. ત્રણે ભુવનના પાપથી પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે, અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ પુણ્યથી જરા સરખો સ્પર્શતો નથી. 

આ ભાવાવસ્થા ની માફક જ્ઞાની પુરુષની ક્રિયા અવસ્થા પણ હોય છે. જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે,? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે. હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખોય દેહ, એની બધી ઇન્દ્રિયો, એ બધા સાત્વિક થયેલા હોવાથી તેની અંદર તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે. ભાવાવસ્થા અનેક ક્રિયા અવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી એક સ્થિતિ છે, જેને જ્ઞાન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાપ પણ સહન કરતો નથી, પુણ્ય પણ સહન કરતો નથી. ખંખેરીને બધું ફેંકી દે છે. આ ત્રિભુવનને દીવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર થાય છે. પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી, તેનો સ્પર્શ સરખો તે સહી શકતો નથી, આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં સાધનાની પરાકાષ્ટાની દશામાં સંભવે છે.

આ જે અક્રિયા અવસ્થા છે, છેવટની દશા છે, તેને પોતાની રીતે કેવી રીતે કરવી? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહાવરો કરવો પડે. હું કેવળ નિમિત માત્ર છું, કર્મનું કર્તુત્વ મારી પાસે નથી, એ મનન કરતા રહેવું. આ  અકર્તુત્વ  વાતની ભૂમિકા પહેલા નમ્ર પણે સ્વીકારવી. પછી પણ ય  બધું એ કર્તુત્વ ચાલ્યું જાય એવું નહીં બને. આમ થતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાની ની અવસ્થા પ્રાપ્ત થશે.

એ અવસ્થામાં પાછી અગાઉ કહેલી ત્રણ અવસ્થા છે. એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમજ આદર્શ ક્રિયા તેને હાથે થશે. બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે. પણ, તેમનો તેને લેશમાત્ર સ્પર્શ નહીં થાય. અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશમાત્ર કર્મ તે પોતાની પાસે રહેવા દેશે નહીં, બધાય કર્મોને ભસ્મસાત કરશે. એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરુષનું વર્ણન કરી શકાશે.

અઢારમાં અધ્યાયના અંતમાં એક સરસ મજાની વાત ભગવાન કરે છે. ભગવાને શરૂઆતમાં અર્જુનને એક વખત કહ્યું કે, ‘હે અર્જુન, આજે મેં બધું તને કહ્યું તે તું બધુ બરાબર સમજ્યો હોઈશ, હવે તારો વિચાર કરીને તને જે સુજે તે કર. ભગવાને અર્જુનને મનની મોટાઈથી છૂટ આપી છે. ભગવદ ગીતાની આ વિશેષતા છે. પણ આ વિશેષતામાં પછી લાગણી ઉમેરાઈ ગઈ, એટલે એમને આપેલું ઈચ્છા નું સ્વાતંત્ર ભગવાને પાછું ખેંચી લીધું. અને અર્જુન તારી ઈચ્છા, તારી સાધના બધું ફેંકી દે, મારે શરણે આવ. मामेकं शरणं व्रजः|’ પોતાને શરણે આવવાનું કહી  આપેલું ઈચ્છા સ્વાતંત્ર ભગવાને પાછું લઈ લીધું, એનો અર્થ સમજવા જેવો છે, કે ‘તને સ્વતંત્ર એવી ઈચ્છા થવા જ ન દઈશ,’ પોતાની ઈચ્છા ચલાવવાની જ નથી, તેની જ ચલાવવાની છે, એવું કહેવાય. 

અંતે શ્રી વિનોબાજીએ કરેલું ઉત્તમ સમાપન યાદ કરીએ : જેમ બકરું જીવતું હોય ત્યારે ‘મેં-મેં’ કરે, મરી ગયા પછી તેની તાંત પીંજણ ને ચડાવે છે ત્યારે દાદુ કહે છે, ‘તુંહી…તુંહી…તુંહી…’ એટલે કે ‘તુંજ… તુંજ… તુંજ…’ એવું બોલે છે. અર્જુન છેલ્લે તારી અવસ્થા ‘તુંજ… તુંજ… તુંજ…’ ઉપર થાય, એવી મારી પ્રાર્થના છે. આવો, આપણે સૌ પણતું હી, તું હીનું નામ સ્મરણ કરતા કરતા જ અમર ગતિ પામીએ. 

‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે  કર્મ’

‘કર્તા ને જે ઈષ્ટતમ હોય તે કર્મ’

બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

ભદ્રાયુ વછરાજાની                          (63)                bhadrayu2@gmail.com 

શ્રીમદ ભગવદ ગીતાના છેલ્લા અને અઢારમાં અધ્યાયમાં આપણને કહે છે કે, ‘ક્રિયા’ અને ‘કર્મ’ એ બન્ને વચ્ચે ફેર છે. જેમ જેમ ચિત્ત શુદ્ધિ થતી જશે તેમ-તેમ ક્રિયાની તીવ્રતા ઓછી થતી જશે. તીવ્ર માંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ, અને સૂક્ષ્મ માંથી શૂન્ય થતી જશે. 

કર્મ જુદુ છે અને ક્રિયા જુદી છે. કર્મની વ્યાખ્યા જ એ છે કેકર્તા ને જે ઈષ્ટતમ હોય તે  કર્મ’. કર્મની પહેલી બીજી વિભક્તિ હોય છે, જ્યારે ક્રિયાને માટે એક સ્વતંત્ર ક્રિયાપદ વાપરવું પડે છે. જ્ઞાની પુરુષ લેશ માત્ર ક્રિયા કરતો નથી, પણ કર્મ અનંત કરે છે. તેની માત્ર હયાતિ  જ પાર વગરનો લોકસંગ્રહ કરી શકે છે. જ્ઞાની પુરુષનું કેવળ અસ્તિત્વ હોય એટલે થયું, તેના હાથ-પગ કાર્ય નહીં કરતા હોય તો પણ તે કામ કરે છે. ક્રિયા સૂક્ષ્મ થતી જાય છે અને ઊલટું, કર્મ વધતું જાય છે. આ વિચારનો પ્રવાહ હજુ વધારે આગળ ચલાવીએ તો ચિત્ત  પરિપૂર્ણ શુદ્ધ થાય છે ત્યારે ક્રિયા શૂન્ય રૂપ થઈ જાય છે. અને અનંતકર્મ થતું રહે છે એમ કહી શકાશે. પહેલા તીવ્ર, પછી તીવ્રમાંથી સૌમ્ય, અને પછી સૌમ્ય માંથી સૂક્ષ્મ, અને છેલ્લે સૂક્ષ્મ માંથી શૂન્ય, એમ ક્રમે- ક્રમે ક્રિયાશૂન્યત્વ આવી મળશે. આ પછી અનંતકર્મ આપોઆપ થતું રહેશે. નિષ્કામતાપૂર્વક કર્મ કરતા-કરતા ધીરે-ધીરે તેનો અનુભવ થતો જશે. ’બ્રાઉનીંગ’ નામના અંગ્રેજ કવિએ ‘ઢોંગી-પોપ’ નામની એક કવિતા લખી છે. તે પૉપ ને એક માણસ પૂછે છે, ‘તું વેશ શું કામ કરે છે આ બધા ઝભ્ભા શાને સારું? આ ઉપરનો ડોળ શા માટે,? આ ગંભીર મુદ્રા કેમ છે?’ ત્યારે તેણે કહ્યું, ‘આવું બધું હું શું કામ કરું છું તે જાણવું છે? તો સાંભળ, આ નાટક કરતાં-કરતાં શ્રદ્ધાનો સ્પષ્ટ ખબર ન પડે એ રીતે પ્રવેશ થઈ જવાનો  સંભવ છે. તેથી નિષ્કામ ક્રિયા કરતાં રહેવું, ધીરે ધીરે નિષ્ક્રિયત્વ પચતું જશે.’ 

સારાંશ એટલો કે ‘રજ’ અને ‘તમસ’ કર્મો સમૂળગા છોડવા, અને સાત્વિક કર્મો કરવા. અને એટલો વિવેક કરવો કે જે સાત્વિક કર્મો સહેજે પ્રવાહપતિત આવી મળે છે, તે સદોષ હોય તો પણ છોડવાની વાત ન કરવી. સાત્વિક કર્મો સદોષ હશે તો પણ તે પ્રવાહપ્રાપ્ત છે માટે છોડવાના નથી  તે કરવાના પણ તેના ફળનો ત્યાગ કરવાનો. જે કર્મ પ્રવાહપ્રાપ્ત નહીં હોય કે હું સારું કરી શકીશ, એમ તને ગમે તેટલું લાગતું હોય તો પણ કરવાના  નહીં . ‘આપમેળે આવી મળે એટલું જ કર. દોડધામ કરી બીજું નવું વ્હોરી ના લઈશ. જે કર્મ ખાસ ધાંધલ કરી ઊભું કરવું પડે તે ગમે તેટલું સારું હોય, તોય તેને આઘુ રાખ, તેનો મોહ ન રાખ. જે પ્રવાહપતિત આવી મળેલું કર્મ છે, એટલે કે પ્રવાહમાં આવીને આપણી પાસે ઉભું રહેલું જે કર્મ છે, તેની બાબતમાં જ ફળ ત્યાગ સંભવે.’  આ કર્મ સારું છે, પેલું કર્મ સારું છે, એવા લોભમાં પડીને માણસ ચારે કોર દોડાદોડ કરે તો ફળ ત્યાગની વાત ક્યાંથી આવે ?

ફળત્યાગની કલ્પનાનો આપણે જે વિકાસ કરતા આવ્યા તેમાંથી નીચેના અર્થ નીકળે છે

1 રાજસ્ અને તામસૂ કર્મોનો સમૂળગો ત્યાગ.

2 એ ત્યાગનો પણ ફળત્યાગ. તેનો પણ અહંકાર ન હોય.

3 સાત્ત્વિક કર્મોનો સ્વરૂપતઃ ત્યાગ ન કરતાં ફક્ત ફળત્યાગ.

4 સાત્ત્વિક કર્મો જે ફળત્યાગપૂર્વક કરવાનાં હોય તે સદોષ હોય તો પણ કરવાં.

5 સતત ફળત્યાગપૂર્વક એ સાત્ત્વિક કર્મો કરતાં ચિત્ત શુદ્ધ થશે ને તીવ્રમાંથી સૌમ્ય, સૌમ્યમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી શૂન્ય એ રીતે થતાં થતાં ક્રિયામાત્ર ખરી જશે.

6 ક્રિયા ખરી પડશે પણ કર્મ, લોકસંગ્રહરૂપ કર્મ ચાલુ રહેશે.

7 સાત્વિક કર્મ પણ જે કુદરતી રીતે પ્રાપ્ત હોય તે જ કરવું. જે સહજ પ્રાપ્ત નથી તે ગમે તેટલું સારું લાગે તો પણ આવું જ રાખવાનું છે. તેનો મોહ ન હોવો જોઈએ.

8 સહજ પ્રાપ્ત સ્વધર્મ પણ વળી બે પ્રકારનો છે. બદલાતો અને ન બદલાતો. વર્ણધર્મ બદલાતો નથી. આશ્રમધર્મ બદલાય છે.

શ્રી વિનોબાજી ચોક્કસાઈ પૂર્વક કહે છે કે, સ્વધર્મમાં ‘સ્વદેશી ધર્મ’, ‘સ્વજાતીય ધર્મ’, અને ‘સમકાલીન ધર્મ’ સમાઈ જાય છે. આ ત્રણેય થઈને ‘સ્વધર્મ’ બને છે. મારી વૃત્તિને  શું અનુકૂળ અને અનુરૂપ છે? કયું કર્તવ્ય મને આવી મળેલું છે? એ બધું સ્વકર્મ નક્કી કરવા નીકળો એટલે તેમાં આવી જાય. તમારામાં ‘તમે’ પણું જેટલું કંઈક છે, તેથી તમે-તમે છો. હર એક જણની કંઈકને કંઈક  ખાસિયત હોય છે. બકરીનો વિકાસ બકરી રહેવામાં છે. પેલી બળદને દેડકી ની વાર્તા છે ને ! દેડકી વધી-વધીને કેટલું વધે? તેના શરીરના વધવાને પણ હદ હોય. તે બળદ જેવડી થવા જાય તો મરી જાય. બીજાના રૂપની નકલ કરવી તે યોગ્ય નથી, તેથી પર ધર્મનેભયાવહકકહેવામાં આવ્યો છે.

સ્વધર્મમાં પણ બે ભાગ છે. એક બદલાય તેવો ભાગ, અને બીજો ન બદલાય તેવો ભાગ. આજે જે હું છું એ કાલે નથી, કાલે જે હું હોઈશ તે પરમદિવસે નહીં હોઉં, હું હંમેશ બદલાતો રહીશ. નાનું  બાળક હોઉં તે વખતે મારો સ્વધર્મ કેવળ ‘સંવર્ધન’. જુવાનીમાં મારામાં કાર્યશક્તિ ભરપૂર હશે તો તે મારફતે હું સમાજ સેવા કરીશ. પ્રૌઢ થઈશ ત્યારે તે અવસ્થામાં મારા જ્ઞાનનો બીજાઓને લાભ મળશે. આમ કેટલોક સ્વધર્મ બદલાવનારો છે, તો બીજો કેટલોક ન બદલાવનારો છે. બદલાનારો સ્વધર્મ બદલાતો રહેવો જોઈએ. તેથી પ્રકૃતિ વિશુદ્ધ રહે છે.

સારી વસ્તુની પણ આસક્તિ ન હોવી જોઈએ. આસક્તિને લીધે ઘોર અનર્થ નીપજે છે. ફેફસામાં ક્ષયના જંતુ અજાણતા દાખલ થઈ જશે, તો પણ આખા જીવનને કોરી નાખશે. સાત્વિક કર્મોમાં જો આસક્તિના જંતુ બેસાવધ પણે પણ પેશવા દઈએ, તો સ્વધર્મ સડવા માંડશે. તે સાત્વિક સ્વધર્મમાંથી પણ ‘રાજસ’ તેમજ ‘તામસ’ની  બદબો છૂટવા લાગશે.

કુટુંબ એ બદલાવનારો સ્વધર્મ છે. તે યોગ્ય વખતે છૂટી જવો જોઈએ. એવું જ રાષ્ટ્રીય ધર્મનું સમજવું. રાષ્ટ્રધર્મમાં આસક્તિ થઈ જાય, આ આપણું રાષ્ટ્ર છે, તેથી તેનું જ ફક્ત સંભાળવું એમ આપણે નક્કી કરી બેસીએ તો રાષ્ટ્રભક્તિ ભયંકર વસ્તુ થઈ બેસે. તેથી આત્મવિકાસ અટકી જશે, ચિત્ત માં આસક્તિ ઘર કરી જશે, અને સરવાળે અધઃપતન થશે. આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે,  આપણે જે જોઈએ તે તરફ નજર રાખીએ તોય આવી મળે છે. 

ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે

ભદ્રાયુ વછરાજાની                 (62)              bhadrayu2@gmail.com   

આપણે ગીતાજીના અઢારમાં અને છેલ્લા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ. વિનોબાજી આ અધ્યાયને સમગ્ર ગીતાનો ઉપસંહાર કહે છે. વળી તેઓ આ અધ્યાયને ‘ફળત્યાગની પૂર્ણતા એટલે કે ઈશ્વર પ્રસાદ’ એવું શીર્ષક  આપે છે. કુલ અઠયોતેર શ્લોકોમાં વિસ્તૃત રીતે સ્પષ્ટતા કરીને ભગવાન અર્જુનના છેલ્લા પ્રશ્નનો ઉત્તર આપે છે. 

ચૌદ માં અધ્યાયમાં સાત્વિક, રાજસ, અને તામસ એવા જીવનના અથવા કર્મના ત્રણ પ્રકાર પાડ્યા છે. તે પૈકી રાજસ ને અને તામસને છોડી સાત્વિક નો સ્વીકાર કરવાનો છે, એ આપણે જોયું છે. ત્યારબાદ સત્તરમાં  અધ્યાયમાં તે જ વાત જરા જુદી રીતે જોઈ. યજ્ઞ, દાન, અને તપ, (અથવા એક જ શબ્દમાં કહેવાનું હોય) તો ‘યજ્ઞ’ એ જીવનનો સાર છે. 

આપણી સાધનામાં સાતત્ય, અલિપ્તતા અને સાત્વિકતા હોવા જોઈએ. એ હોય તો જ તે સાધના પરમેશ્વરને અર્પણ કરી શકાય. આ બધી વાતો પરથી એમ લાગે છે કે, કેટલાક કર્મો ટાળવાના હોય છે, તો કેટલાક કર્મો કરવાના હોય છે. ગીતાની આખી શીખ જોઈએ તો ઠેક ઠેકાણે કર્મનો ત્યાગ ન કરવો એવો બોધ છે. ફળનો ત્યાગ કરવાનું ગીતા કહે છે. કર્મ સતત કરવું, અને ફળનો ત્યાગ કરવો, એ જ ગીતાની શીખ છે એ બધે જોવા મળે છે. કેટલાક કર્મોનો સ્વીકાર કરવાનો છે અને કેટલાકનો ત્યાગ કરવાનો છે. એટલે છેવટે અઢાર  માં અધ્યાયના આરંભમાં અર્જુને સવાલ કર્યો કે, ‘કોઈપણ કર્મ ફળત્યાગ પૂર્વક કરવું એ એક બાજુ થઈ. વળી કેટલાક કર્મો બરાબર કરીને છોડવા, અને કેટલાક કરવા એ બીજી બાજુ થઈ. આ બે વાતનો મેળ કેમ બેસાડવો,? તે મને કહો ભગવાન!’  

કર્મનું જે આપણી સમક્ષ સ્વરૂપ છે તેનો ત્યાગ કરવાનો હોય છે. આ પ્રશ્નના જવાબ આપતાં  ભગવાને એક વાત સાફ કહી દીધી કે,  ફળ ત્યાગની કસોટી સાર્વભૌમ વસ્તુ છે. કેટલાક કર્મોનું સ્વરૂપ જ એવું હોય છે કે ફળત્યાગની યુક્તિ વાપરતા વેત તે કર્મો આપમેળે ખરી પડે છે. ફળત્યાગ પૂર્વક કર્મો કરવાની વાતનો અર્થ જ એવો થાય છે કે, કેટલાક કર્મો છોડવા જ પડે. જે કર્મોના મૂળમાં કામના રહેલી છે, તે ફળત્યાગ પૂર્વક કરો એમ કહેતા ની સાથે જ તે ખરી પડે છે. કેટલાક લોકો કહે છે કે ગીતા ફળત્યાગ પૂર્વક કર્મ કરો એટલું જ સૂચવે છે. કયા કર્મો કરવા તે સૂચવતી નથી. ચોક્કસ આવો ભાસ થાય ખરો, પણ વસ્તુત્ એ સાચું નથી. કારણ કે ફળત્યાગ પૂર્વક કર્મ કરો એમ કહેવામાંથી જ ક્યું કરવું અને કયું ન કરવું, તે સમજાઈ જાય છે. 

હિંસાત્મક કર્મો, અસત્યમય કર્મો, ચોરીના કર્મો, ને એવા બધા કર્મો ફળત્યાગ પૂર્વક કરી શકાતા જ નથી. ફળત્યાગની કસોટી લગાડતા ની સાથે જ એ કર્મો ખરી પડે છે. કર્મોને ફળ ત્યાગની કસોટી પર કસી લેવાના હોય છે. ‘જે કર્મ હું કરવા ધારું છું, તે અનાસક્તિપૂર્વક ફળની લેશમાત્ર પણ અપેક્ષા ન રાખતા હું કરી શકીશ ખરો કે?’  એવું આપણે વિચારવું છે એ પહેલા જોઈ લેવાનું છે. ફળત્યાગ એ જ કર્મ કરવાની કસોટી છે.

આપણે ત્રણ વાતો જોઈ, પહેલી વાત એ કે જે કર્મો કરવાના છે તે ફળત્યાગ પૂર્વક કરવાના છે, બીજી વાત એ કે રાજસ અને તામસ કર્મો ને સિદ્ધ અને કામ્ય કર્મો ફળત્યાગની કાતર લાગતા વેત આપમેળે ખરી પડે છે. અને ત્રીજી વાત એ કે એવો જે ત્યાગ થાય, તે ત્યાગ પર પણ ફળત્યાગની કાતર ચલાવે. આટલો ત્યાગ ‘મેં કર્યો’ એવો અહંકાર પેદા ન થાય તેની કાળજી લેવી. 

વિનોબાજી કહે છે કે, મધ્યયુગમાં એવો ખ્યાલ જાગ્યો કે ખેતીના કામમાં હિંસા થાય છે તેથી અહિંસક લોકોએ ખેતી કરવાનું માંડી વાળવું, તેણે  વેપાર કરવો. અનાજ પકવવું એ પાપ છે, પણ અનાજ વેચવામાં કહે છે કે પાપ નથી. પણ આવી રીતે ક્રિયા ટાળવાથી હિત થતું નથી. આવી રીતે કર્મ સંકોચ કરતો-કરતો માણસ વર્તે તો છેવટે તો આત્મનાશ વ્હોરી લે. કરવામાંથી છૂટવાનો માણસ જેમ જેમ વિચાર કરશે, તેમ તેમ કર્મનો ફેલાવો વધતો જશે. તમારા અનાજના વેપારને માટે કોઈકને કોઈકે ખેતી તો નહીં કરવી પડે? તે ખેતીમાં થનારી હિંસામાં તમે ભાગીદાર થતા નથી? કપાસને પકવવો એ જો પાપ છે, તો નીપજેલો કપાસ વેંચવો એ પણ પાપ છે. કપાસ પેદા કરવાનું કામ સદોષ છે. માટે તે કર્મ છોડી દેવાનું સુજે એ બુદ્ધિની ખામી છે. ઝાડને ફુટેલો નવો પાલવ ચૂંટી કાઢવાથી ઝાડ મરતું નથી, ઉલટું ફાલે છે. 

ક્રિયાનો સંકોચ કરવામાં આત્મસંકોચ થાય છે. ગોરખનાથને મચ્છન્દરનાથે કહ્યું, ‘આ છોકરાને ધોઈ લાવો.’ ગોરખનાથે છોકરાના પગ પકડીને બરાબર ઝીંક્યો, અને તેને વાળ પકડી તાર પર  સૂકવવા નાખ્યો. મચ્છન્દરનાથે કહ્યું, ‘છોકરાને ધોઇ આણ્યો કે?’ ગોરખનાથ બોલ્યા, ‘તેને ઝીંકી ને ધોઈને સુકવવા નાખ્યો છે.’ છોકરાને ધોવાની આ રીત! કપડાં ધોવાની ને માણસોને ધોવાની રીત એક નથી, તે બે રીતમાં ફેર છે. તે જ પ્રમાણે રાજસ અને તામસ કર્મોનો ત્યાગ, અને સાત્વિક કર્મોનો ત્યાગ, એ બે માં ફેર છે. સાત્વિક કર્મો છોડવાની રીત જુદી છે. વિનોબાજી બેધડક કહે છે  કે લંગોટી પહેરીને બધો વિલાસ તેની ફરતે ઉભો કરવો, તેને બદલે પહેરણ અને બંડી પહેરવા વધારે સારા. તેથી ભગવાને સાત્વિક કર્મોનો જે ત્યાગ કરવાનો છે, તેની રીત જુદી બતાવી છે. તે બધા સાત્વિક કર્મો કરવાના ખરા, પણ તેમના ફળને તોડી નાખવાના છે. કેટલાક કર્મો સમૂળગા છોડી દેવાના હોય છે. કેટલાકના ફળ તોડી નાખવાના હોય છે.

એક માણસ હતો. તેને પોતાનું ઘર અમંગળ લાગ્યું એટલે તે એક ગામમાં  જઈને રહ્યો. તે ગામમાં પણ તેણે ગંદવાડ જોયો એટલે તે જંગલમાં ગયો. ત્યાં જઈ એક આંબા નીચે બેઠો. ઉપરથી એક પંખી તેના માથા પર ચરક્યું. એટલે આ જંગલ પણ અમંગળ છે એમ કહીને તે નદીમાં જઈને ઊભો રહ્યો. નદીમાં મોટાં માછલાં નાનાં માછલાંને ખાતાં હતાં એ જોઈને તો તેને ચીતરી જ ચડી. આખી સૃષ્ટિ જ અમંગળ છે, મર્યા વગર હવે અહીંથી છૂટકો નથી એવું મનમાં નક્કી કરી પાણીમાંથી બહાર નીકળી તેણે ચિતા સળગાવી. ત્યાંથી એક ગૃહસ્થ જતા હતા. તેમણે કહ્યું, “અલ્યા કેમ આપધાત કરે છે ?” પેલાએ કહ્યું, “આ દુનિયા અમંગળ છે તેથી.” પેલા ગૃહસ્થ કહ્યું, “તારું આ ગંદવાડથી ભરેલું શરીર, આ ચરબી એ બધું અહીં બળવા માંડશે એટલે કેટલી બધી બદબો છૂટશે? અમે અહીં નજીક જ રહીએ છીએ. અમારે ક્યાં જવું? એક વાળ બળે છે તોયે કેટલી બધી દુર્ગધ ફેલાય છે ! તારી તો જેટલી હશે તેટલી બધી ચરબી બળશે ! અહીં કેટલી દુર્ગધ મારશે તેનો તો કંઈ વિચાર કર !” પેલા માણસે ત્રાસીને કહ્યું, “આ દુનિયામાં જીવવાની સગવડ નથી ને મરવાની પણ સગવડ નથી. કરવું કેમ?”

સારાંશ, અમંગળ કહીને બધું ટાળવા જશો તો ચાલવાનું નથી. એક પેલું નાનું કર્મ ટાળવા જશો તો બીજું મોટું બોચી પર આવીને બેસશે. કર્મ સ્વરૂપતઃ બહારથી છોડયે છૂટતું નથી. જે કર્મો પ્રવાહપતિત આવી મળ્યાં છે તે કર્મોની વિરુદ્ધ જવામાં કોઈ પોતાની શક્તિ વાપરવા જશે તો આખરે થાકી જશે ને પ્રવાહ સાથે ઘસડાઈ જશે. પ્રવાહને અનુકૂળ હોય તેવી ક્રિયા કરતા રહીને તેણે પોતાનો તરણોપાય શોધવો જોઈએ. તેથી મન પર ચડેલો લેપ ઓછો થતો જશે અને ચિત્ત શુદ્ધ થતું જશે. આગળ ઉપર ક્રિયાઓ આપોઆપ ખરી જવા માંડશે. કર્મનો ત્યાગ ન થતાં ક્રિયા ખરી જશે. કર્મ કદી છૂટે એમ નથી, પણ ક્રિયા ખરી પડશે.

ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે

ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે

બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય.

ભદ્રાયુ વછરાજાની           (61)             bhadrayu2@gmail.com

ગીતાજીના સત્તરમાં અધ્યાયમાં દર્શાવ્યા પ્રમાણે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણે સંસ્થાનું કામ સારામાં સારી રીતે  ચાલે એ મુજબ  વર્તવાની આપણી ફરજ છે. આપણે યોગ્ય અથવા અયોગ્ય અનેક સંસ્થા ઊભી કરીએ છીએ. પણ આ ત્રણ સંસ્થા આપણી ઊભી કરેલી નથી. તે સ્વભાવતઃ આપણને આવી મળી છે. એ સંસ્થાઓ કૃત્રિમ નથી. એવી એ ત્રણે સંસ્થાઓને લાગેલો ઘસારો યજ્ઞ, દાન અને તપ એ સાધન વડે ભરી કાઢવાનો આપણો  સ્વભાવપ્રાપ્ત ધર્મ છે. આ પ્રમાણે આપણે વર્તવું હોય તો આપણી જે હશે તે બધીયે શક્તિની એમાં જરૂર પડશે. આ ત્રણ સંસ્થા સુંદર રીતે ચાલે તેટલા ખાતર આપણી બધીયે શક્તિ વાપરવી પડશે. કબીરની માફક આપણે પણ જ કહી શકીએ કે “હે  ઈશ્વર ! તેં  મને જે ચાદર આપી હતી તે જેવી ને તેવી પાછી આપી, આ હું ચાલ્યો, એ તારી ચાદર બરાબર તપાસી લે.” તો કેવડી મોટી સફળતા ગણાય ! પણ એવી – સફળતા મળે તે માટે યજ્ઞ, દાન અને તપનો ત્રિવિધ કાર્યક્રમ અમલમાં મૂકવો જોઈએ.

યજ્ઞ, દાન અને તપ એ ત્રણેમાં ખરું જોતાં ભેદ નથી. કારણ કે સૃષ્ટિ, સમાજ અને શરીર એ ત્રણ તદન જુદી સંસ્થાઓ નથી. આ સમાજ સૃષ્ટિની બહાર નથી. આ શરીર પણ સૃષ્ટિની બહાર નથી. ત્રણે મળીને એક જ ભવ્ય સૃષ્ટિ – સંસ્થા બને છે. તેથી જે ઉત્પાદક શ્રમ કરવાનો છે, જે દાન કરવાનું છે, અને જે તપ આચરવાનું છે તે બધાંયને વ્યાપક અર્થમાં યજ્ઞ જ કહી શકાશે. 

આ ત્રણે સંસ્થાને માટે જે જે સેવા આપણે કરીશું તે સેવા યજ્ઞરૂપ જ હશે. માત્ર એ સેવા નિરપેક્ષ હોય એટલે થયું. આ સેવામાં ફળની અપેક્ષા રાખી શકાશે જ નહીં. કેમ કે ફળ આપણે આગળથી લઈ લીધેલું છે. પહેલાંનું દેવું માથે છે. જે લીધું છે તે પાછું આપવાનું છે. યજ્ઞથી સૃષ્ટિ-સંસ્થામાં, દાનથી સમાજમાં અને તપથી શરીરમાં સામ્યવસ્થા રહે છે. આમ, આ ત્રણે સંસ્થાઓમાં સામ્યવસ્થા રાખવાને માટેનો આ કાર્યક્રમ સત્તરમાં અધ્યાયમાં દર્શાવેલ છે.

આપણા જન્મ સાથે જોડાયેલી ત્રણ સંસ્થાઓ માટે કશોક ભોગ પણ આપવાનો છે. ભોગ આપવો એ પણ યજ્ઞનું જ એક અંગ છે. આ ભોગને ગીતા આહાર કહે છે. આ શરીરરૂપી યંત્રને ખોરાક રૂપી કોલસો પૂરો પાડવો પડશે. દેહ ને આહાર આપીએ તો જ એ કામ કરે. આ બધી વાતોના મૂળમાં વળી શ્રધ્ધા જ હોય છે. બધી જ સેવા પરમેશ્વરને અર્પણ કરવાની છે. પણ આપણે ક્રિયાઓ ઈશ્વરને ક્યારે અર્પણ કરી શકીએ ? તે સાત્વિક હોય તો જ અર્પણ કરી શકીએ. આપણા બધા કર્મો જ્યારે સાત્વિક થાય ત્યારે તે ઈશ્વરને અર્પણ કરી શકાય. યજ્ઞ, દાન, તપ બધું સાથે જ થવું જોઈએ. ક્રિયાઓને સાત્વિક કેમ કરવી તેનું રહસ્ય આપણને 14 માં અધ્યાયમાં બતાવવામાં આવ્યું હતું. 17માં અધ્યાયમાં ગીતા તે તત્વોનો અમલ શી રીતે  કરવો તે બતાવે છે. આ સત્વિકતાની યોજના કરવામાં ગીતાનો બે પ્રકારનો ઉદ્દેશ છે. બહારથી યજ્ઞ,દાન, તપની મારી જે વિશ્વ સેવા ચાલે છે, તેને જ અંદરની આધ્યાત્મિક સાધનાનું નામ આપી શકાય. બંનેને માટે એક જ પ્રયત્ન, એક જ કર્મ છે. તેવું જે કર્મ કર્યું હોય, તે આખરે ઈશ્વરને અર્પણ કરવાનું છે. 

કહેવાય છે કે યજ્ઞ સાત્વિક થાય તે માટે બે બાબતો જરૂરી છે. એક નિષ્ફળ પણાંનો અભાવ, અને બે, સકામ પણાંનો અભાવ. યજ્ઞમાં સકામ પણું હોય તો એ ‘રાજસુ  યજ્ઞ’ બને છે. અને નિષ્ફળ પણું હોય તો ‘તામસ યજ્ઞ’ બને છે. સાથે-સાથે એ પણ યાદ રાખવું પડે કે, આ બધાએ કર્મોમાં મંત્ર પણ જોઈએ. મંત્રહિન કર્મ વ્યર્થ છે. કેવળ પરાર્થ સંભવતો નથી. લેસ માત્ર પણ મારો સ્વાર્થ  જેમાં ન હોય, એવું કામ લગભગ-લગભગ કરી શકાતું નથી. તેથી દિવસે-દિવસે  વધારે ને વધારે નિષ્કામ, વધારેને વધારે નિસ્વાર્થ સેવા, આપણે હાથે થાય એવું ઈચ્છતા રહેવું જોઈએ. આપણા કર્મોમાં અનાસક્તિ રાખીએ, અલિપ્તતા આણીએ. ‘ઓમ-તત્સત’ એ વૈદિક નામ લઇ ગીતાએ બધી ક્રિયાઓ પરમેશ્વરને અર્પણ કરવાનું શીખવ્યું છે. ઈશ્વરના કોઈપણ નામમાં અસત્યમાંથી સત્ય તરફ લઈ જવાની શક્તિ છે. પાપમાંથી નિસ્પાપતા તરફ લઈ જઈ શકે. જીવનની આસ્તે-આસ્તે  શુદ્ધિ કરવી જોઈએ, પરમાત્મા જરૂર એમાં મદદ કરતો હોય છે. અને આપણી નિર્બળતામાં તે આપણો હાથ પકડતો હોય છે.

જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે

જેવું સત્ત્વમય જીવન તેવી જ શ્રદ્ધાથી દેહ ઘડાય છે

સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે.

ભદ્રાયુ વછરાજાની           (60)          bhadrayu2@gmail.com 

       સત્તરમાં  અધ્યાયને વિનોબાજી ‘પરિશિષ્ટ બે’ કહે છે અને તેને ગીતાજીએ દર્શાવેલ  “સાધકનો કાર્યક્રમ” કહે છે. કુલ અઠ્યાવીશ શ્લોકો  સાથેના આ અધ્યાયમાં અર્જુનના એક જ પ્રશ્નને વિગતે સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ સત્યાવીશ શ્લોકોમાં પૂર્ણ સમજૂતી સાથેની સ્પષ્ટ વાતો કહીને સત્ત્વ, રજસ અને તમસ ત્રિગુણો અંગે અર્જુનને જ્ઞાત કરે છે. શ્રી ભગવાન દેહદારી લોકોના સ્વભાવથી ત્રણ પ્રકારની શ્રદ્ધા માટે એટલું જ કહે છે કે, જેવું સત્ત્વમય જીવન તેવી શ્રદ્ધાથી દેહ ઘડાય છે. દેવને સાત્ત્વિકો પૂજે છે, યક્ષ અને રાક્ષસોને રાજસિક લોકો પૂજે છે, તો તામસીઓ ભૂત-પ્રેતને પૂજે છે. આપણા ગુણોથી ક્રિયાઓમાં ભેદ આવે છે તે સમજી લેવા જેવું છે. 

શ્રી વિનોબાજી આપણા જન્મ સાથે જ ઈશ્વર દ્વારા સોંપાતાં હોમવર્ક અંગે વિગતે માર્ગદર્શન કરે છે, તે જોઈએ. આપણે  જન્મીએ છીએ ત્યારે ત્રણ સંસ્થાઓ સાથે લઈને જન્મીએ છીએ. એ ત્રણ સંસ્થાઓનું કામ સારામાં સારી રીતે ચલાવી સંસાર આપણે સુખમય કરીએ તેટલા ખાતર ગીતા કાર્યક્રમ બતાવે છે. એ ત્રણ સંસ્થા કઈ ? 

આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર એ એક સંસ્થા; 

આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, આ અપાર સૃષ્ટિ, જેના આપણે એક અંશ છીએ તે બીજી સંસ્થા; 

અને જે સમાજમાં આપણે જમ્યા તે સમાજ, આપણા જન્મની વાટ જોઈ રહેલાં આપણાં માબાપ, આપણાં ભાઈબહેન, આપણી આસપાસના આપણા આડોશી-પાડોશી એ ત્રીજી સંસ્થા છે. 

આ ત્રણે સંસ્થાઓને આપણે રોજ વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. ગીતાની એવી ઈચ્છા છે કે, આ સંસ્થાઓ આપણે માટે જે ઘસારો વેઠે છે તે ઘસારો ભરી કાઢવાને આપણે સતત પ્રયત્ન કરી આપણું જીવન સફળ કરીએ. અહંકારને અળગો રાખી આ સંસ્થાઓને લગતું જન્મથી આપણને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે, તે આપણે અદા કરવું જોઈએ.

આ કર્તવ્ય અદા કરવાનું છે એ વાત સાચી, પણ તે માટે યોજના શી ? યજ્ઞ, દાન અને તપ એ ત્રણ મળીને એ યોજના બને છે. આ શબ્દો આપણા પરિચયના હોવા છતાં, તેમાં રહેલો અર્થ આપણે બરાબર સમજીએ છીએ એવું નથી. એ અર્થ બરાબર સમજી લેવાય અને એ ત્રણે વાતો જીવનમાં ભરેલી રહે તો ત્રણે સંસ્થા સાર્થક થાય અને આપણું જીવન પણ પ્રસન્ન તેમજ મોકળું રહે.

આ અર્થ સમજવાને સારુ પહેલાં યજ્ઞ એટલે શું તે આપણે જોઈએ. સૃષ્ટિ સંસ્થાને આપણે રોજ વાપરીએ છીએ. સૌ માણસ એક ઠેકાણે રહે તો બીજે દિવસે ત્યાંની સૃષ્ટિ બગડેલી દેખાય છે. ત્યાંની હવા આપણે બગાડીએ છીએ, ત્યાંની જગ્યા ગંદી કરી નાખીએ છીએ. અનાજ ખાઈએ છીએ અને સૃષ્ટિને ઘસારો પહોંચાડીએ છીએ. સુષ્ટિ-સંસ્થાને પહોંચતો ઘસારો આપણે ભરી કાઢવો જોઈએ. એટલા ખાતર યજ્ઞ-સંસ્થા નિર્માણ થઈ. યજ્ઞનો ઉદ્દેશ શો છે? સૃષ્ટિને જે ઘસારો વેઠવો પડે છે તે ભરી કાઢવો, તેનું નામ યજ્ઞ છે. આજે હજારો વરસથી આપણે જમીન ખેડતા આવ્યા છીએ. એથી જમીનનો કસ ઓછો થતો જાય છે. આપણે તેને ઘસારો પહોંચાડીએ છીએ. યજ્ઞ કહે છે, “પૃથ્વીનો કસ તેને પાછો મેળવી આપ, તેમાં ખેડ કર, સૂર્યની ગરમી તેમાં સંઘરાય એવો બંદોબસ્ત કર, તેમાં ખાતર પૂર.” પહોંચેલો ઘસારો ભરી કાઢવો એ યજ્ઞનો એક હેતુ છે. બીજો હેતુ વાપરેલી ચીજનું શુદ્ધિકરણ કરવાનો છે. આપણે કૂવાનો ઉપયોગ કરીએ છીએ. તેથી તેની આજુબાજુ ગંદવાડ થાય છે. પાણી ભરાઈ રહે છે. કૂવાની પાસેની જે આ સૃષ્ટિ બગડી તેને શુદ્ધ કરવાની છે. ત્યાં ભરાયેલું પાણી ઉલેચી કાઢવાનું છે. કાદવ પડ્યો હોય તો સાફ કરવાનો છે. ઘસારો ભરી કાઢવો, શુદ્ધિ કરવી એ વાતોની સાથે પ્રત્યક્ષ કંઈક નિર્માણ કરવું, એ ત્રીજી વાત પણ યજ્ઞમાં સમાયેલી છે. કપડું વાપર્યું તો રોજ ફરી સૂતર કાંતી તે પેદા કરવાનું છે. કપાસ પકવવો, અનાજ પેદા કરવું,  સુતર કાંતવું, એ બધી પણ યજ્ઞક્રિયાઓ જ છે. યજ્ઞમાં જે પેદા કરીએ તે સ્વાર્થને ખાતર પેદા કરવાનું નથી. આપણે જે ઘસારો પહોંચાડ્યો, તે ભરી કાઢવાની કર્તવ્યભાવના એમાં હોવી જોઈએ.આ કંઈ પરોપકાર નથી. આપણે આગળથી જ દેવાદાર છીએ. જન્મથી દેવું માથે લઈને આપણે આવ્યા છીએ. એ દેવું ફેડવાને સારુ જે નવું પેદા કરવાનું છે, જે નિર્મિતિ કરવાનું  છે તે યજ્ઞ એટલે સેવા છે. પરોપકાર નથી. એ સેવા મારફતે ઋણ ફેડવાનું છે. ડગલે ને પગલે સૃષ્ટિ-સંસ્થાને આપણે વાપરીએ છીએ. તેને વેઠવો પડતો ઘસારો ભરી કાઢવાને ખાતર, તેની શુદ્ધિ કરવાને સારુ અને નવું પેદા કરવાને માટે યજ્ઞ કરવાનો છે.

બીજી સંસ્થા માણસનો સમાજ છે. માબાપ, ગુરુ, મિત્ર એ બધાં આપણે માટે મહેનત કરે છે. એ સમાજનું ઋણ ફેડવાને માટે દાન બતાવ્યું છે. સમાજનું ઋણ ચૂકવવાને કરેલો પ્રયોગ તે દાન છે. દાન એટલે પરોપકાર નથી. સમાજ પાસેથી પાર વગરની સેવા મેં લીધી છે. હું આ જગતમાં અસહાય અને દૂબળો હતો. આ સમાજે મને નાનેથી મોટો કર્યો. એટલા ખાતર મારે સમાજની સેવા કરવાની છે, કરવી જોઈએ. સામા પાસેથી કશું ન લેતાં તેની હું જે સેવા કરું તે પરોપકાર છે. પણ અહીં તો સમાજ પાસેથી આગળથી ભરપૂર લીધેલું છે. સમાજના આ ઋણમાંથી છૂટવાને માટે જે સેવા કરવાની છે તે દાન છે. મનુષ્યસમાજને આગળ જવાને માટે જે મદદ કરવાની છે તે દાન છે. સૃષ્ટિને પહોંચેલો ઘસારો ભરી કાઢવાને કરેલી મહેનત તે યજ્ઞ છે. સમાજનું ચડેલું ઋણ ફેડવાને શરીરથી, ધનથી અથવા બીજાં સાધનથી કરેલી મદદ તે દાન છે.

આ ઉપરાંત ત્રીજી એક સંસ્થા છે, તે આ શરીર. શરીર પણ રોજરોજ ઘસાય છે. આપણે મન, બુદ્ધિ, ઈંદ્રિય એ બધાંને વાપરીએ છીએ અને તેમને ઘસારો પહોંચાડીએ છીએ. આ શરીરરૂપી સંસ્થામાં જે વિકાર, જે દોષ પેદા થાય તેમની શુદ્ધિને માટે તપ કહ્યું છે.

માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.!!

માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.!!

જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ કે મોક્ષ નથી મળતો.

ભદ્રાયુ વછરાજાની          (59)       bhadrayu2@gmail.com 

શ્રીમદ્ ભગવત ગીતાના 16 માં અધ્યાયના કુલ 24 શ્લોકોમાં આપણને દૈવી અને આસુરી સંપત્તિ વિશે વિગતે સમજાવવામાં આવ્યું છે. આપણને ગણાવવામાં આવ્યું છે કે દૈવી બાબતો કઈ અને આસુરી બાબતો કઈ છે? મહાત્મા ગાંધીએ ગીતા શિક્ષણ જેવો  એક સુંદર આયોજિત કાર્યક્રમ કર્યો હતો અને એ ગીતા શિક્ષણ દરમ્યાન તેમણે કેટલાક મુદ્દાઓ નોંધ્યા હતા. એ મુદ્દાઓની નોંધમાંથી આપણને ઘણું બધું તથ્ય જાણવા મળે છે. એ સમયે ગુજરાત વિદ્યાસભા અમદાવાદ દ્વારા એ શબ્દબદ્ધ જે વાત હતી તેનું પ્રકાશન કરવામાં આવ્યું. જેના સંપાદક હતા નરહરી દ્વારકાદાસ પરીખ. ગાંધીજી દરેક શ્લોકની સાથે પોતાની વિગત આપતા આપતા, તેઓ જ્યાં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દૈવી અને આસુરી સંપત્તિની વાત કરી છે, ત્યાં ત્યાં આ જીવનની  કેટલીક બાબતોને વણી લઈને આપણને  મુદ્દો સમજાવે છે.

‘આજે મેં આટલું મેળવ્યું, કાલે આટલું મેળવીશ,’ ‘આટલું તો મારી પાસે છે જ અને બીજું ધન પણ મારું જ થવાનું છે.’ ‘આ શત્રુને મેં માર્યો છે, બીજાને હવે હણવાનો છું.’ ‘હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ છું, હું બળવાન છું, હું સુખી છું, જુઓ જુઓ હું કેટલો  ધનવાન છું! કેટલા ઊંચા કુટુંબનો છું!  મારા જેવો બીજો કોણ છે?’ ‘હું યજ્ઞ કરીશ, દાન આપીશ, આનંદ માણીશ.’.. અજ્ઞાનથી આંધળા થયેલા માણસો આવી આવી વાતો કર્યા કરે છે.  આમ કરીને માણસ રત્નચિંતામણી દેહનો સટ્ટો કરે છે.  યુધિષ્ઠિર પણ આવો સટ્ટો કરીને દ્રૌપદીને હારી ગયો હતો. પાંડવો અને કૌરવો કે આપણે બધા ક્યારેક ને ક્યારેક આવા કોઈ દંભમાં અથવા તો મોહમાં આવી જતા હોઈએ છીએ. આપણે તો સૌ મિશ્રણથી ભરેલા છીએ. પણ ગમે તેમ કરીને ગીતા આપણને ઉર્ધ્વ ગતિ તરફ આગળ જવાનું સૂચવે છે. અનેક પ્રકારની વૃત્તિ મનમાં ઉછળ્યા  જ કરે એટલે વિભ્રાન્ત  થયેલા, મોહની જાળમાં વીંટળાયેલા, કામ ભોગમાં આસક્ત રહેલા અત્યંત અપવિત્ર એવા નરકમાં પડે છે. કેટલાક પોતાની બડાશ મારનારા હોય છે. અક્કલ , ધન, માન અને મદથી ઘેરાયેલા હોય છે, દંભથી વિધિ વિનાના, કેવળ નામના યજ્ઞ કર્યા કરે છે. યજ્ઞ કરવાનું નામ રાખે  પણ ઈચ્છા તો પોતાનો સ્વાર્થ સાધવાનો આવી રીતે કેટલાક જીવો જીવતા હોય છે. ભગવાન ધ્યાન દોરે છે કે અહંકાર, બળ, ઘમંડ, કામ અને ક્રોધનો આશ્રય લેનારા, નિંદા કરનારા અને તેમના તથા બીજાઓમાં રહેલા હું નો તેઓ દ્વેષ કરનારા, એ પણ આસુરી શક્તિઓ અથવા સંપત્તિઓના પ્રતિનિધિઓ છે. આવી રીતે જે દ્વેષ કરે છે એવા ક્રૂર-નરાધમોને અને અશુભોને હું નિરંતર આસુરી યોની માં નાખી દઉં છું – એવું ભગવાન સ્પષ્ટ કરે છે. આવા મૂઢ માણસો જન્મો-જન્મ આસુરી યોનિને પામીને, મને મેળવ્યા વિના અધમ-યોનિમાં જતા રહે છે.

આત્માનો  નાશ કરવાનું ત્રણ પ્રકારનું નરકનું દ્વાર છે. એ ત્રણ છે – કામ, ક્રોધ અને લોભ. એટલા માટે આ ત્રણેયને ત્યજવાનું આપણને કહેવામાં આવ્યું છે. આવો માણસ પ્રેયને નથી આચરતો પણ શ્રેયને આચરે છે. કામ, ક્રોધ, લોભ – એ પ્રેય તરફ ખેંચી જાય છે. આ ત્રણેય તમોદ્વારથી વિમુક્ત થયેલો માણસ જ પોતાનું શ્રેય આચરીને પરાગતિને પામે છે. જે માણસ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને કામેચ્છાથી વર્તે છે, તે માણસને સિદ્ધિ નથી મળતી, મોક્ષ નથી મળતો અને સુખ પણ નથી મળતું. એટલે જ કાર્ય અને અકાર્ય ઠરાવવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. એમ માનીને શાસ્ત્રમાં ઠરાવેલા વિધિ જાણીને આપણે કર્મ કરવું જોઈએ, એવો બોધ આપણને આપવામાં આવ્યો છે. 

આપણે આ વ્યવસ્થિતિમાં અંતરનાદને વશ થશું એમ કહેવું જોઈએ. પણ એમ તો રાવણ પણ કહે છે કે હું અંતરનાદને વશ હતો. જે માણસનું ચિત્ત  શાસ્ત્ર જ્ઞાનથી સંસ્કારી થયેલું છે, તે જ માણસ આમ કહી શકે. ત્યારે પ્રશ્ન થાય છે કે શાસ્ત્ર શું છે? વેદ, ઉપનિષદ, ઇતિહાસ, પુરાણાદિ  બધું જ શાસ્ત્ર છે. પણ એમાં ઘણી વાતો એકબીજાથી વિરુદ્ધ છે. ગાંધીજી નોંધે છે કે, ગીતા જેવાના પ્રતિ તેવા થવાનું કહે છે એમ કોઈએ નોંધ્યું છે અને પોતાના પ્રમાણમાં શેખ સાદીને ટાંકે છે, ‘જે નઠારા પ્રતિ જે સારો થશે તે સારા પ્રતિ નઠારો થવાનો.’  શાસ્ત્ર સત્ય-અહિંસા ને આધીન છે. શાસ્ત્ર રાજ્ય ચલાવે છે. અરાજકતા  પાથરવાનું એમનું કામ નથી. પણ એ શાસ્ત્રનો આપણે વધુ વિચાર કરીને ઊંડાણથી એને અનુસરવું રહ્યું. ભગવત ગીતાના 16 માં અધ્યાયનું જો સાર તત્ત્વ  આપણે મેળવવું હોય તો એ સાર તત્ત્વ  બહુ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ આવે છે. એમ કહેવાય છે કે હિંસા છે તો તેની સામે અહિંસાની એક સેના પણ છે. આપણા અંતઃકરણમાં એક બાજુ સદગુણ છે તો બીજી બાજુ દુર્ગુણો ઊભા છે. બંને એ પોતપોતાની વ્યવસ્થા બરાબર ગોઠવી છે. લશ્કરમાં જેમ સેનાપતિ જોઈએ છે તેમ અહીં પણ સદગુણોએ પોતાનો સેનાપતિ નિમ્યો છે, જેનું નામ છે અભય. 16 માં અધ્યાયમાં અભયને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે. અભય વિના કોઈ પણ ગુણ વધતો નથી. ખરાપણા વગર સદગુણની કિંમત નથી. નિર્ભયતા સર્વ સદગુણોનો નાયક છે. પણ લશ્કરને આગળની ને પાછળની બંને બાજુ સંભાળવી પડે છે. સીધો હુમલો સામેથી થાય અને પાછલી બાજુથી છુપો હુમલો થવાનો સંભવ છે. સદ્ગુણોને આગળને મોરચે નિર્ભયતા પોતાનું થાણું જમાવીને ખડી છે, તો પાછળનો મોરચો નમ્રતા સાચવે છે. આવી બહુ સુંદર રચના થયેલી છે. એકંદરે જોઈએ તો બધા મળીને 26 ગુણો આ 16માં અધ્યાયમાં ગણાવ્યા છે. એમાંના 25 ગુણ આપણામાં બરાબર કેળવાયા હોય, પણ એ વાતનો અહંકાર વળગ્યો, તો એકદમ પાછળથી હલ્લો આવ્યો જાણવો અને મેળવેલું બધું એળે ગયું જાણવું. તેથી પાછળની બાજુએ નમ્રતા નામના સદ્દગુણને રાખ્યો છે. નમ્રતા નહીં હોય તો જીત હાર માં પલટાઈ જશે.

5478 5471