by Bhadrayu Vachhrajani | Sep 27, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

માનવજીવનની એક સંપૂર્ણ યાત્રા ભર્તૃહરિ રચિત ત્રિ શતકો કરાવે છે.
આપણે વાત કરી રહ્યા છીએ રાજા ભર્તૃહરિની.. સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિ તરીકે તેઓ જાણીતા છે. તેમના નામે પ્રચલિત ત્રણ “શતક”ને સામૂહિક રીતે ‘શતકત્રય’ કહેવામાં આવે છે. દરેક શતકમાં પરંપરાગત રીતે આશરે ૧૦૦ શ્લોકો છે. આ શતકોમાં જીવનના ત્રણ જુદા પાસાં અંગે માર્ગદર્શક વાતો કહેવામાં આવી છે.
“નીતિશતક”માં જીવનવ્યવહાર અને સદાચાર, તો “શૃંગારશતક”માં પ્રેમ અને સૌંદર્ય અને “વૈરાગ્યશતક”માં ત્યાગ અને આત્મચિંતનનું જ્ઞાન સમાયેલું છે. આવો, આપણે એક પછી એક ત્રણેય શતક અંગે વિગતોથી જ્ઞાત થઈએ: .
નીતિશતકમાં મુખ્ય વિષય છે: નીતિ, સદાચાર, વિદ્યા, પુરુષાર્થ અને માનવીય ગુણો છે.
સજ્જન અને દુર્જનનો સ્વભાવ, મૂર્ખતા-વિદ્વત્તા, ધન, દાન, સ્વાભિમાન, મિત્રતા વગેરેનું ચિંતન અહીં ઉત્કૃષ્ટ શૈલીમાં મળે છે. શ્રી ભર્તૃહરિ વિદ્યાને મનુષ્યનું સાચું અને ગુપ્ત ધન ગણાવે છે. માત્ર સંપત્તિ કરતાં ચારિત્ર્ય, જ્ઞાન અને સજ્જનતાને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જીવનમાં કેવી રીતે વર્તવું અને કયા ગુણો કેળવવા તેની વ્યવહારુ સમજ આપે છે.
નીતિશતકનો પ્રસિદ્ધ ભાવ: “विद्या नाम नरस्य रूपमधिकम्…” — વિદ્યા મનુષ્યનું વિશિષ્ટ સૌંદર્ય અને ગુપ્ત ધન છે.
શૃંગારશતકનો મુખ્ય વિષય પ્રેમ, યૌવન, સૌંદર્ય અને સ્ત્રી-પુરુષ આકર્ષણ છે.
પ્રેમમાં મિલન, વિરહ, કામના, મોહ અને માનવીય લાગણીઓનું કાવ્યાત્મક નિરૂપણ છે તો યૌવન અને સૌંદર્યની મોહકતા સાથે તેની ક્ષણભંગુરતા પણ દર્શાવવામાં આવી છે. અહીં એ સ્પષ્ટ કહેવાયું છે કે, પ્રેમનો આનંદ છે, પરંતુ તેની સાથે આસક્તિ, ચંચળતા અને દુઃખ પણ જોડાયેલાં છે.
કેટલાક શ્લોકોમાં શૃંગારની મસ્તી છે, તો કેટલાકમાં તેમાંથી જન્મતી વૈરાગ્યની ઝાંખી પણ દેખાય છે. તેથી શૃંગારશતક માત્ર પ્રેમકાવ્ય નથી; તે માનવમન અને ઈન્દ્રિયોના આકર્ષણનું નિરીક્ષણ પણ છે.
વૈરાગ્યશતક નો મુખ્ય વિષય છે : ત્યાગ અને આત્મચિંતન જેમાં સંસારની અનિત્યતા, તૃષ્ણાનો ત્યાગ અને આધ્યાત્મિક શાંતિનો સમાવેશ થાય છે. આજે આપણને જેને ભરડો લીધો છે તે ધન, સત્તા, યૌવન, ભોગ અને પ્રતિષ્ઠા કાયમી નથી, એવો આ વિચાર વારંવાર આવે છે.
અહીં મનુષ્ય ભોગોને ભોગવે છે એવું લાગે છે, પરંતુ અંતે ભોગો જ મનુષ્યને ક્ષીણ કરે છે એવો ઊંડો સંદેશ છે.
આ શતકનો બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે :
“भोगा न भुक्ता वयमेव भुक्ताः तपो न तप्तं वयमेव तप्ताः।
कालो न यातो वयमेव याताः तृष्णा न जीर्णा वयमेव जीर्णाः॥”
તેનો ભાવાર્થ આપણને સત્યનું ભાન કરાવે છે : ભોગોને આપણે ભોગવ્યા નથી, આપણે જ ભોગવાઈ ગયા; સમય પસાર થયો નથી, આપણે જ પસાર થઈ ગયા; તૃષ્ણા વૃદ્ધ થઈ નથી, આપણે જ વૃદ્ધ થઈ ગયા.
વૈરાગ્ય, આત્મજ્ઞાન અને આંતરિક શાંતિ…વૈરાગ્ય શતક નો અંતિમ સંદેશ છે.
ટૂંકમાં, ભર્તૃહરિ રચિત આ શતકત્રયનો જીવનક્રમ આવો બાંધી શકાય :
નીતિશતક → કેવી રીતે જીવવું ? તે કહે છે,
શૃંગારશતક → માનવી શું ઇચ્છે અને અનુભવે છે ? તેનો સાર કહે છે,
વૈરાગ્યશતક → અંતે શું છોડવું અને શું શોધવું ? તેનો દિશાનિર્દેશ કરે છે.
આ ત્રણેયને સાથે વાંચીએ તો ભર્તૃહરિનું કાવ્ય જાણે કહે છે કે, વ્યવહાર → ભોગ/પ્રેમ → વૈરાગ્ય એમ માનવજીવનની એક સંપૂર્ણ છે.
આપણે પ્રત્યેક શતકમાંથી કેટલાક ચૂંટેલા શ્લોકો અને તેનો ભાવાર્થ જાણવાનો પ્રયત્ન કરીશું. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 19, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

રાજા ભર્તૃહરિના પગ નીચેથી ધરતી સરકતી હોય એવું લાગ્યું. તેની આંખો મીંચાઈ ગઈ, પણ આંતરચક્ષુ ખૂલી ગયાં.
આપણે ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ એવા ત્રણ શતકોના રચયિતા રાજા ભર્તૃહરિના જીવન અને તેમના પ્રદાન વિશે વિગતે વાત કરી રહ્યા છીએ.
બહુ ખ્યાલ છે એ પ્રમાણે, રાજા ભર્તૃહરિનાં પત્ની અને રાણીનું નામ પિંગળા. રાજાને એવો વહેમ કે રાણી મને પ્રેમ કરે છે, પણ પિંગળાને રાજાના અશ્વપાલ સાથે પ્રેમ. રાણીને એમ કે અશ્વપાલ મને પ્રેમ કરે છે, પણ અશ્વપાલને તો વળી નર્તકી સાથે પ્રેમ અને નર્તકીને એમ લાગે કે આ મારી સાથે પ્રેમ કરે છે, પણ નર્તકી ખુદને રાજા ભર્તૃહરિ સાથે પ્રેમ.
આ પ્રેમનું એક આખું ચક્ર પૂરું થતું આપણે જોયું છે.
આપણને ખ્યાલ છે કે રાજાને જ્યારે ખબર પડી કે મને મળેલું અમરફળ પિંગળાને મેં આપ્યું, પિંગળાએ અશ્વપાલને આપ્યું, અશ્વપાલે નર્તકીને આપ્યું અને નર્તકી ફરીવાર રાજા ભર્તૃહરિ સામે તાસકમાં એ ફળ મૂકીને હાજર થઈ, ત્યારે તેમને બરાબર ધક્કો પહોંચ્યો.
રાજતેજની સામે નર્તકી, અશ્વપાલ અને પિંગળાનું અસત્ય ટકી શક્યું નહીં. સત્યનો એકરાર કરવો પડ્યો.
પિંગળાએ કહ્યું કે, તે અશ્વપાલને પ્રેમ કરે છે અને બેવફા છે. આ બધું જોયા અને સાંભળ્યાથી રાજા વિચલિત થયા. કોઈપણ સામાન્ય વ્યક્તિના પગ નીચેથી પણ ધરતી ખસી જાય, તો આ તો રાજા હતા. રાજાના પગ નીચેથી ધરતી સરકતી હોય એવું લાગ્યું. તેની આંખો મીંચાઈ ગઈ, પણ આંતરચક્ષુ ખૂલી ગયાં.
પરિણામે સંસારના તમામ ભોગને તેઓ તુચ્છ માનવા લાગ્યા અને આ તુચ્છતાને કારણે કેટલાક ઉત્તમ સાહિત્યનું સર્જન થયું.
એક દંતકથા એવી પણ છે કે, ભર્તૃહરિ શિકાર કરવા ગયા ત્યારે એને થયું કે, ચાલો, રાણી સાથેના પ્રેમસંબંધની કસોટી કરું. એટલે એમણે ત્યાંથી દૂતને મોકલ્યા ને કહેવરાવ્યું કે, “રાજા આજે શિકાર કરતા હતા, એ દરમિયાન હિંસક પશુએ તેમને ફાડી ખાધા છે.”
ભર્તૃહરિને એમ હતું કે, જો ખરેખર મને પ્રેમ કરતી હશે, તો એના પ્રાણ ટકશે નહીં; પણ ચકાસી તો જોઈએ કે, ખરેખર શું છે?
જેવા આ સમાચાર અંતઃપુરમાં રાણીએ સાંભળ્યા કે, પળનાય વિલંબ વિના પ્રિયતમાના પ્રાણે પ્રયાણ કરી દીધું. અઘટિત ઘટના બની ગઈ. રાજાએ આવી કલ્પના પણ કરી ન હતી, એટલે પાગલ જેવો બની ગયો અને વનમાં ભટકવા લાગ્યો.
એ શોકસંતપ્ત વિરહી જીવનને ક્યાંય નિરાંત નહોતી. વળી એવી રાણીના મૃત્યુ માટે પોતે જવાબદાર છે એવા અપરાધભાવથી તે અથડવા-પછડવા લાગ્યો.
કહેવાય છે કે, એ વખતે નાથ સંપ્રદાયના પ્રખર યોગી ગુરુ ગોરખનાથનાં તેને દર્શન થયાં. પોતાની યોગશક્તિથી તેમણે રાજાનો શોક દૂર કર્યો.
આપણને ખ્યાલ છે કે આવી જ વાત ‘ગીતગોવિંદ’નું સર્જન કરનાર જયદેવના જીવન સાથે પણ જોડાયેલી છે.
પ્રેમી પાત્રો વચ્ચે કેવો પ્રેમ હોવો જોઈએ, એનું એક રસિક મુક્તક ભર્તૃહરિએ ‘શૃંગારશતક’માં આપ્યો છે. તે અત્યારે આપણે જોઈએ—
“કિં ગતેન યદિ સા ન જીવતિ, પ્રાણિતિ પ્રિયતમા તથાપિ કિમ્?
ઇત્યુદીક્ષ્ય નવમેઘમાલિકાં ન પ્રયાતિ પથિકઃ સ્વમંદિરમ્.”
લાંબા પ્રવાસે ગયેલો પ્રિયતમ વિચારે છે, જો પ્રિયતમા જીવતી ન હોય તો ઘરે જવાથી શું? અને જો જીવતી હોય તો પણ ઘેર જવાથી શું? કારણ કે જો પ્રિયનો વિયોગ થાય અને તો પણ પ્રિયાનું જીવન ટકે, તો એવા પ્રેમશૂન્ય જીવન માટે શું કામ જવું?
આમ વિચારી, આકાશમાં છવાયેલી મેઘમાળા જોવા છતાં પથિક સ્વગૃહે જવાનું માંડી વાળે છે.
પ્રેમ આટલો અમર છે અને પ્રેમની આટલી બધી ઊંડી અસર ખરેખર છે, એ અહીં સ્પષ્ટ થાય છે. સંસ્કૃત સાહિત્યના કેટલાય પ્રાચીન કવિઓ ક્યારે થયા, એ અંગે બહુ મતભેદ છે, કારણ કે આત્મપ્રશંસાના ડરથી કવિઓ પોતાની કૃતિઓમાં પોતાના વિશેનો ઉલ્લેખ કરવાનું ટાળતા આવ્યા છે.
ભર્તૃહરિ નામના ત્રણ જાણીતા કવિઓ સંસ્કૃત સાહિત્યમાં છે, એવું આપણે જાણ્યું છે. તેમાં ત્રણ શતકોના સર્જક ભર્તૃહરિ કોણ? એ જ્યાં સુધી આધાર સાથે નિર્ણય ન થાય, ત્યાં સુધી તેનો કાળનિર્ણય થઈ શકતો નથી.
અહીંયા બહુ રસિક ઘટના બને છે. ચીનના યાત્રાળુ ઇત્સિંગની નોંધ છે અને એણે કહ્યું છે કે તેની નોંધ પૂર્વે 40 વર્ષે ભર્તૃહરિનું અવસાન થયું હતું. હવે ઇત્સિંગની નોંધનો સમય કયો છે? ઈસવીસન 691નો. તો ભર્તૃહરિનો સમય ઈસવીસન 651નો ગણાય.
આ ભર્તૃહરિ સંસ્કૃતના પ્રસિદ્ધ ગ્રંથ ‘વાક્યપદીય’ના લેખક હતા. જો આ ભર્તૃહરિ ત્રણેય શતકોના કર્તા ભર્તૃહરિથી અભિન્ન હોય, તો જ આ સમય તેમને લાગુ પાડી શકાય, એવું આપણે સ્વીકારીએ.
આપણે વધુ અભિપ્રાયો કે વિવાદમાં જવાને બદલે ભર્તૃહરિની કૃતિઓ ઉપર ઝડપથી જવું છે, કારણ કે એનું વિહંગાવલોકન આપણે કરવા માંગીએ છીએ.
ભર્તૃહરિએ રચેલી ત્રણ કૃતિઓ—‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’—ખૂબ પ્રસિદ્ધ છે. અનેક સંતો-મહંતો પોતાના આધ્યાત્મિક પ્રવચનોમાં બહુ સુંદર રીતે આ ત્રણ શતકનો ઉલ્લેખ કરે છે.
ગુજરાતી ભાષામાં એવું લોકગીત પણ પ્રચલિત છે કે, જે રાજા ભર્તૃહરિને બચાવવા માટે નીકળેલી રાણીની લોકવાયકા આપણી સામે રજૂ કરે છે.
કેટલાક વિદ્વાનો એવું માને છે કે ‘નીતિશતક’ પહેલાં રચાયું હશે, પછી ‘શૃંગારશતક’ અને અંતે ‘વૈરાગ્યશતક’ની રચના થઈ હશે. આમાં પણ મતભેદ છે. કેટલાક લોકો એવું પણ વિચારે છે કે આનો કાળક્રમ જુદો હશે. પરંતુ આપણે જો થોડા ઊંડાણથી વિચારીએ, તો ‘શૃંગારશતક’ને જ પ્રારંભિક કૃતિ માનવાનું થોડું કારણ થાય છે, કારણ કે શૃંગાર જ પ્રથમ અવસ્થા છે. એ યૌવનનો રસ છે. પછી જેમ જેમ મનુષ્ય પ્રૌઢ થતો જાય, ઘડાતો જાય, ભોગવિલાસની થાપટો ખાતો જાય, તેમ તેની દૃષ્ટિ સંસારના સુવાળા વિષયો ઉપરથી હટીને નીતિ, ધર્મ કે વ્યવહાર તરફ વળે અને અંતે વૈરાગ્યના ખોળામાં તે ઢળે.
આ રીતે ‘શૃંગારશતક’ને ભર્તૃહરિની યૌવનકાળની પ્રથમ કૃતિ માનવાનું સૌએ નક્કી કર્યું છે.
આ પ્રત્યેક શતકમાં ઝળહળતા પાણીદાર મોતી જેવા મુક્તકો ગૂંથવામાં આવ્યા છે. સંસ્કૃત વાગ્દેવીના સુશોભિત કંઠમાં આ સૂક્તિરત્નોની માળા કોઈ જુદા જ પ્રકારનું લાવણ્ય પ્રગટાવે છે, એવું પ્રિન્સિપાલ શ્રી મનસુખભાઈ સાવલિયા પોતાના પુસ્તકમાં ભારપૂર્વક લખે છે.
(આ પુસ્તક પ્રવીણ પ્રકાશન, પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ તરફથી 1989માં પહેલી આવૃત્તિ તરીકે પ્રકાશિત થયેલું છે.) (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 13, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી ભર્તૃહરિ ‘નીતિશતક’, ‘વૈરાગ્યશતક’ અને ‘શૃંગારશતક’ના રચયિતા છે. આ ત્રણેય શતકો વિશે વિગતે આપણે વાત કરવી છે.
આપણે ત્યાં સાહિત્યમાં ઘણી બધી દંતકથાઓ સાહિત્યની સાથોસાથ દોડતી રહી છે. એવી અનેક દંતકથાઓ જેમના નામે છે, એ કવિ ભર્તૃહરિ—‘નીતિશતક’, ‘વૈરાગ્યશતક’ અને ‘શૃંગારશતક’ના રચયિતા છે, એ તો નક્કી છે.
કોઈક એવું કહે છે કે ભર્તૃહરિ ઉજ્જૈન-માળવાના રાજા હતા. તેમના પિતા ગાંધર્વ અને માતા સુશીલા. સુશીલા જંબુદ્વીપના રાજાની એકની એક પુત્રી હતી. તેથી તે રાજાએ પોતાનું રાજ્ય તેના દોહિત્ર ભર્તૃહરિને આપ્યું.
ભર્તૃહરિ ત્રણ ભાઈઓ અને એક બહેનના પરિવારમાં સૌથી મોટા. બીજા બે ભાઈઓનાં નામ પણ આપણને જાણવા મળે છે—વિક્રમાદિત્ય અને સુભટવીર્ય. બહેનનું નામ મેનાવતી. કોઈ વળી એવું નોંધે છે લોકકથામાં કે, આ મેનાવતી એટલે પ્રસિદ્ધ રાજા ગોપીચંદની માતા.
ભર્તૃહરિ વિશે એવું કહેવાય છે કે, તેઓ પ્રથમથી જ નિઃસ્પૃહી હતા. તેથી તેમણે પોતાના સમૃદ્ધ રાજ્યનો અધિકાર જતો કરીને નાનાભાઈ વિક્રમાદિત્યને યુવરાજ પદે બેસાડ્યા અને મોસાળ તરફથી વારસામાં મળેલું જંબુદ્વીપનું રાજ્ય પણ તેમને અર્પણ કરી દીધું.
આ ત્રણ શતકો જે એમણે લખ્યાં છે—નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતક—એના રચયિતા ભર્તૃહરિ છે. તો સાથે સાથે એક વાત એવી પણ છે કે ‘વાક્યપદીય’ નામના પ્રખ્યાત વ્યાકરણગ્રંથના રચયિતા વ્યાકરણશાસ્ત્રી ભર્તૃહરિ છે. તો લોકજીભે ચડેલી પિંગળા અને રાણી પિંગળાનું જે પ્રચલિત ભજન છે, એ પિંગળાના પતિ પણ ભર્તૃહરિ છે.
આમ, એ નિશ્ચિત નથી; પણ એટલું નિયત મળી આવે છે જુદા જુદા સાહિત્યોમાંથી કે, ત્રણ શતકના રચયિતા ભર્તૃહરિ છે. આપણો ઈરાદો આ ત્રણેય શતક વિશે એક પછી એક વિગતો મેળવવાનો છે.
મોટાભાગની દંતકથાઓ એમ જણાવે છે કે, ભર્તૃહરિની પ્રિય પત્ની અત્યંત રૂપવતી હતી અને તેનું નામ પિંગળા હતું. તો કેટલાક વળી પદ્માક્ષી એ જ પિંગળા, એવું કહે છે. જોવાની ખૂબી એ છે કે કવિએ કોઈ જગ્યાએ પોતાની પત્ની અંગે વિગત આપી નથી. હકીકતમાં તેની એક જ પત્ની હતી કે શું, એનો પણ નિર્ણય કરવો મુશ્કેલ પડે છે.
આટલી પૂર્વભૂમિકા એટલા માટે બાંધી કે આપણે ભર્તૃહરિ રચિત આ ત્રણેય શતકો વિશે વિગતે વાત કરવી છે, ત્યારે એના રચયિતાને આપણે ઓળખી લેવા જરૂરી બને છે.
નીતિશતકની કેટલીક હસ્તપ્રતોમાં એક શ્લોક આપણને જોવા મળે છે. પહેલવહેલું આ નીતિશતકનું પ્રકાશન મુંબઈના નિર્ણયસાગર પ્રેસે કર્યું અને એ આવૃત્તિમાં શ્રી રામચંદ્ર બુધેન્દ્રે આ શ્લોક મૂક્યો નથી. એટલે એ પણ ખરેખર ભર્તૃહરિનો નથી, એવો એક વિચાર ચાલે છે. પણ આપણને આ શ્લોક કામ લાગશે, કારણ કે રાજા ભર્તૃહરિની કથાનો પાયો આ શ્લોકમાં છે. રાણી પિંગળાની કથા આ શ્લોકની આસપાસ ઘૂમે છે.
આપણે શ્લોકનું ભાષાંતર જોઈએ તો—
જે પિંગળાનું હું સતત ચિંતન કરું છું, તેને મારા ઉપર પ્રેમ નથી. તે તો વળી બીજા પુરુષને—અશ્વપાલને—ઈચ્છે છે. આ અશ્વપાલ વળી એક નર્તકીમાં આસક્ત છે અને નર્તકી અશ્વપાલને નથી ચાહતી, પરંતુ અમને પ્રેમ કરે છે.
તેથી ધિક્કાર છે તે પિંગળાને, જેણે અમરફળ ખાધું નહીં અને અશ્વપાલને આપ્યું. અશ્વપાલને ધિક્કાર છે કે જેણે નર્તકીને ફળ આપ્યું. નર્તકીને ધિક્કાર છે, જેણે એ ફળ મને આપ્યું અને મને પણ ધિક્કાર છે કે પ્રેમમાં અંધ બની મેં બેવફા પિંગળાને આપ્યું.
આ શ્લોકના ભાવાર્થ પરથી આપણને ખ્યાલ આવશે કે ભર્તૃહરિ કામદેવ સામે બહુ મોટો વિદ્રોહ કરે છે, કારણ કે એને આવા અનુભવો થયા છે.
શ્લોકમાં જે દંતકથા કહી છે, તેની વિગત ટૂંકમાં જાણવા જેવી છે.
રાજા ભર્તૃહરિને પિંગળા નામની અત્યંત રૂપવતી અને જાજરમાન કહી શકાય એવી રાણી હતી. કેટલાક લોકો એમ કહે છે કે તેનું અનંગસેના નામ મૂક્યું છે. આ નામ ઉપરથી પણ એવો અર્થ ફલિત થાય છે કે પિંગળા અતિશય વિષયી અને વિલાસી હશે.
રાજાને પિંગળા ઉપર એકધારો વિશ્વાસ અને અમાપ પ્રેમ, પરંતુ પિંગળા રાજાને ચાહતી ન હતી. તે ઉપરછલ્લો પ્રેમ દર્શાવતી હતી, પરંતુ તેના અંતરનો સ્નેહ તો રાજાના એક સામાન્ય, પણ શરીરસૌષ્ઠવમાં અસામાન્ય એવા અશ્વપાલ ઉપર હતો. તેઓ એકાંતમાં એકબીજાને મળતા, પરંતુ અશ્વપાલ રાજા ભર્તૃહરિના ભયથી પિંગળાને સાચો પ્રેમ કરી શકતો ન હતો. પ્રેમનું નાટક કરવાનું એણે પસંદ કર્યું હતું. તે વળી રાજનર્તકીને ચાહતો હતો અને રાજનર્તકી તો સદગુણ અને શૌર્યના સાગર સમા સમ્રાટ ભર્તૃહરિને સ્નેહ કરતી હતી.!!!
આમ જુઓ તો આ પ્રણયત્રિકોણ આજના જેવો નથી, પણ આ પ્રેમનું એક વિશ્વવર્તુળ આખું રચાયું હોય એવું લાગે છે. ભર્તૃહરિથી શરૂ થઈને એ વર્તુળ ભર્તૃહરિ ઉપર પૂરું થાય છે, જેનો આરંભ અને અંત બહુ સ્પષ્ટ જાણી શકાતો નથી. આ પ્રણયવર્તુળ આમ ઘૂમ્યા કરે છે અને આપણને આંચકો આપીને અટકાવી દે એવી ઘટના એમાં બને છે.
એકવાર રાજદરબારમાં સુમંત નામનો એક યોગી આવે છે. તેણે રાજા ભર્તૃહરિને એક અદ્ભુત અમરફળ આપ્યું અને કહ્યું કે એ ફળ આરોગવાથી રાજા અમર બની જશે.
રાજાએ કોઈ બહાનું બતાવીને એ વખતે અમરફળ ખાધું નહીં અને તેની પ્રાણપ્યારી પિંગળા માટે રાખી મૂક્યું. તે જ્યારે રાણીવાસમાં રાણીને મળ્યો ત્યારે આ અમરફળ તેણે રાણીને ભેટ આપ્યું. પોતાની નજર સામે જ આરોગી જવાનો આગ્રહ કર્યો.
………પરંતુ પિંગળાનું પ્રેમપાત્ર તો પહેલેથી અશ્વપાલ હતો. તેથી તેણે પણ અમરફળ ખાધું નહીં અને મનના માનેલા માટે મૂકી રાખ્યું. તે જ્યારે છુપાઈને અશ્વશાળામાં અશ્વપાલને મળી ત્યારે એણે અમરફળ અશ્વપાલને આપી દીધું.
હવે આપણે જાણ્યું એ પ્રમાણે અશ્વપાલ નર્તકીનો આશિક હતો, એટલે એણે રાજનર્તકીને આ દિવ્ય નજરાણું ભેટ ધર્યું. રાજનર્તકી ચતુર હતી. તે તો પ્રેમ રાજા ઉપર રાખતી હતી. એટલે એણે વિચાર્યું કે તેનું જીવન તો દેહ વેચીને પુરુષોને રીઝવવાના અધમ કાર્યમાં વીતે છે. આવા જીવનને અમર બનાવીને શું લાભ? અમર તો એવું જીવન બનવું જોઈએ કે જે લાખો સંતપ્ત લોકોનું તારણહાર બનતું હોય.
રાજા ભર્તૃહરિ આવા લોકકલ્યાણનાં કાર્યો કરનાર મહાપુરુષ છે. આથી રાજદરબારમાં મુજરા માટે આવી ત્યારે એક સુવર્ણ તાસકમાં રૂપેરી વસ્ત્રથી ઢાંકીને એ અમરફળ મહારાજાના ચરણોમાં અર્પણ કર્યું.
જોવા જેવી વાત એ છે—એ વસ્ત્રનું આવરણ હટ્યું. રાજાની નજર અમરફળ પર પડી. આંખ માનવા તૈયાર ન થાય કે, આ કેવું? આ તો એ જ અમરફળ હતું, જે તેણે પ્રાણથી પ્યારી પિંગળાને આપ્યું હતું! તે રાજનર્તકીની પાસે ક્યાંથી આવ્યું હશે?
આ પ્રશ્ને રાજાને વ્યથિત કરી દીધો. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Sep 7, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

‘બ્રહ્મના પ્રકાશિત થવાથી જ સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે.’
સ્વામી વિવેકાનંદજીએ એકવાર વાતચીતના પ્રસંગમાં કહ્યું હતું:
“હકીકતમાં સામાન્ય અનુયાયીઓ શ્રીરામકૃષ્ણને જેટલા સમજ્યા છે, તેટલા જ માત્ર તેઓ નથી. તેમના ચરિત્રની અનેક બાજુઓ હતી અને માનસિક વલણો પણ અનંત હતા. બ્રહ્મજ્ઞાનીની, નિર્વિશેષ તત્ત્વજ્ઞાનની મર્યાદાનો પણ કદાચ તમે ખ્યાલ કરી શકો; પણ તેમના મનના અગાધ ઊંડાણની કલ્પના કરી શકાય નહીં! તેમની કરુણાપૂર્ણ આંખોની એક દૃષ્ટિથી હજારો વિવેકાનંદ ઉત્પન્ન થાય!”
“નમો નમો પ્રભુ, વાક્ય-મનાતીત, મનોવચનૈકાધાર।
બ્રહ્મનાં બે સ્વરૂપ છે — પર (Transcendental) બ્રહ્મ
અને અપર (Immanent) બ્રહ્મ.
પરબ્રહ્મ ‘વાક્યમનાતીત’ છે, પરંતુ અપર બ્રહ્મ દરેક જીવમાં અવસ્થિત છે. મન અને વાણીનો આધાર તે જ છે — ‘મનોવચનૈકાધાર’:
श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यद्
वाचो ह वाचं स उ प्राणस्य प्राणः ।
चक्षुषश्चक्षुरतिमुच्य धीराः
प्रेत्यास्माल्लोकादमृता भवन्ति ॥
(केन उपनिषद् १/२)
“જે મનનો મન છે, પ્રાણનો પ્રાણ છે, વાક્ ઇન્દ્રિયનો વાક્ છે, શ્રોત્રેન્દ્રિયનો શ્રોત્ર છે, ચક્ષુ ઇન્દ્રિયનો ચક્ષુ છે — એવા એ બ્રહ્મને જાણીને ધીર લોકો જીવનમુક્ત બની, મૃત્યુ પછી અમર થઈ જાય છે.”
આ બ્રહ્મ (પરમાત્મા) વિશે બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે: ‘જ્યોતિનાં જ્યોતિ’ — તે પ્રકાશને પણ પ્રકાશ દેવાવાળો છે. ચંદ્ર પ્રકાશિત થતો દેખાય છે, પરંતુ તેનો પોતાનો કોઈ પ્રકાશ નથી. એ તો સૂર્ય પાસેથી ઉછીનો લીધેલો પ્રકાશ છે. તો પછી સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવ્યો?
ઉપનિષદના કથન પ્રમાણે દરેક પ્રકાશનો પ્રકાશક તે જ બ્રહ્મ (પરમાત્મા) છે.
કઠોપનિષદમાં આ વિશે સુંદર શ્લોક છે :
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं, नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति ॥
(कठ उपनिषद् २/२/१५)
‘ત્યાં ન તો સૂર્ય પ્રકાશિત થાય છે, ન તો ચંદ્રમા અથવા તારાઓ પ્રકાશિત થાય છે, ન વીજળી પ્રકાશિત થાય છે; તો પછી અગ્નિ કેવી રીતે પ્રકાશિત થઈ શકે? તેના (બ્રહ્મના) પ્રકાશિત થવાથી જ સર્વ વસ્તુઓ પ્રકાશિત થાય છે.’
આવો પ્રજ્જવલિત આત્મા, અથવા બ્રહ્મ, દરેક જીવની હૃદયરૂપી ગુફામાં અવસ્થિત છે. તેમ છતાં આપણને દેખાતો નથી, કારણ કે તે છુપાઈને બેઠેલો છે. તો પછી તેનો પુરાવો શો? કેટલાક લોકોએ તેનાં દર્શન કર્યા છે, એ જ તેનો પુરાવો છે. કોણ તેનાં દર્શન કરી શકે? જેઓની બુદ્ધિ અત્યંત એકાગ્ર અને શુદ્ધ છે, જેઓ સૂક્ષ્મદર્શી છે, તેઓ જ તેનાં દર્શન કરી શકે.
હવે આ અજ્ઞાનનો અંધકાર દૂર કેવી રીતે થાય?
જવાબ એક જ ,,,ઈશ્વરને પ્રાર્થના કરવાથી. તેઓ માત્ર ‘જ્યોતિનાં જ્યોતિ’ જ નથી, પરંતુ ‘તમોભંજનહાર’ (અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર) પણ છે. માટે સ્વામી વિવેકાનંદજી આ આરતી સ્તવનમાં કહે છે: ‘ઉજ્જ્વલ હૃદિકંદર, તુમિ તમોભંજનહાર।’ ‘હે પ્રભુ! તમે અમારા હૃદયની ગુફામાં પ્રજ્જવલિત થાઓ, અમારો અજ્ઞાનાંધકાર દૂર થાય.’
તૈત્તિરીયોપનિષદમાં બ્રહ્મ વિશે કહેવામાં આવ્યું છે :
“सत्यं ज्ञानमनन्तं ब्रह्म” — ‘બ્રહ્મ સત્ય, જ્ઞાનસ્વરૂપ અને અનંત છે.’
એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ સગુણ સાકાર થાય છે, પૃથ્વી પર અવતરિત થાય છે, જીવો પર દયા કરવા માટે. આ વખતે તેમણે શ્રીરામકૃષ્ણરૂપ ધારણ કર્યું છે. આપણા અંતરમાં રહેલા અજ્ઞાન અંધકારને દૂર કરવા માટે. એટલા જ માટે શુદ્ધ સાત્વિક ગુણનું ઐશ્વર્ય લઈને તેઓ આવ્યા છે.
‘ભવબંધન’નું ખંડન કરનાર એ ‘જ્યોતિનાં જ્યોતિ’ સ્વરૂપ શ્રીરામકૃષ્ણદેવની આરતી આપણે આંતરિકતાથી નિત્ય કરીશું, તો અવશ્ય આપણા અંતરમાં રહેલો અજ્ઞાનાંધકાર દૂર થશે, આપણે દરેક પ્રકારનાં બંધનથી, દરેક પ્રકારનાં દુઃખોથી મુક્ત થઈ જઈશું. બસ, પછી તો કેવળ આનંદ જ આનંદ!
સ્વામી વિવેકાનંદજી કેવળ પોતાની વ્યક્તિગત મુક્તિથી સંતુષ્ટ નથી. તેઓ તો ચાહે છે , ‘સમષ્ટિ મુક્તિ’ — આ વિશ્વના દરેક જીવની મુક્તિ. વિશ્વના દરેક જીવનો અજ્ઞાનાંધકાર દૂર થઈ જાય તો!
આપણે તો એટલું જ સતત પ્રાર્થીએ કે, ‘હે પ્રભુ, તમારી આરતી થાઓ, તમારી જય હો, તમારી આરતી થાઓ હર હર. (પીડાહરણ કરવાવાળા) તમારી આરતી થાઓ, શિવ શિવ (મંગલકારી) તમારી આરતી થાઓ.’
(લેખમાળાના સમાપને પૂર્ણાદર સાથે પ્રણામ કરી ઋણ સ્વીકાર એ ગ્રંથો અને ગ્રન્થકારોનો જેમાંથી આ વીસ લેખોને ભાથું મળ્યું અને આપણે સૌ સ્વામીશ્રી રામકૃષ્ણ દેવની આરતી સ્તવનને થોડી ઘણી સમજી શક્યા: (1)શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ …સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદ (2) સ્વામી વિવેકાનંદ્દ : ગ્રંથમાલા સંચયન…શ્રી રામકૃષ્ણ આશરામ, રાજકોટ. (3) શ્રી રામકૃષ્ણ કથામૃત (સંપૂર્ણ)…શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ.(4) શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ગ્રંથ: 1, 2, 3 …સ્વામી સારદાનંદ
IIૐ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણેI
અવતારવરિષ્ઠાય શ્રી રામકૃષ્ણાય તે નમઃII
by Bhadrayu Vachhrajani | Aug 30, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

“વાક્ય અને મનથી પર, મન અને વચનના એક આધારરૂપ હે પ્રભુ! તમને વારંવાર પ્રણામ છે. તમે અમારી હૃદયગુફા ઉજ્જ્વળ કરનારા અને અમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છો.”
ઈશ્વરના ચરણોમાં શરણ લેવાથી મુક્તિનો માર્ગ વધુ સરળ બને છે. સ્વામી વિવેકાનંદજી સમસ્ત જગતના લોકોને ઈશ્વરના ચરણોમાં શરણ લેવાનું જાણે કે આહ્વાન આપતા રામકૃષ્ણ આરતીની આઠમી કડીમાં કહે છે,
“સંપદ તવ શ્રીપદ, ભવગોષ્પદ વારી યથાય।
પ્રેમાર્પણ સમદર્શન, જગજન દુઃખ જાય॥”
એટલે કે, તમારા શ્રીચરણ અમારી સંપદા છે. તેથી ભવસાગર ગોષ્પદ સમાન છે. તમે સમદૃષ્ટિથી સૌને પ્રેમ આપો છો, જેથી જગતના લોકોના દુઃખ દૂર થાય છે.
પોતાની રીતે શ્રી રામકૃષ્ણદેવના જીવનસંદેશમાંથી પ્રેરણા લઈ સમસ્ત જગતના સૌ લોકો, સર્વ ધર્મોના અનુયાયીઓ, પોતપોતાના ધર્મનું પાલન કરે અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે, મુક્તિ મેળવે તથા શાશ્વત સુખ અને શાંતિ મેળવે — એવો આ આરતીનો બૃહદ્ સમન્વય કરતો સૂર છે.
એક અત્યંત પ્રેરણાદાયી પત્રમાં પોતાના ગુરુભાઈઓને સ્વામી વિવેકાનંદજીએ લખ્યું હતું કે, “શ્રી રામકૃષ્ણનું સાચું સંતાન એ છે કે જે બધા પ્રાણીઓ પ્રત્યે દયાળુ છે અને પોતાની જાતની અધોગતિનું જોખમ વ્હોરીને પણ જે તેમના માટે શ્રમ કરે છે.”
આવું વિશાળ હૃદય ધરાવતા સ્વામી વિવેકાનંદજીએ ભાવનાના આવેગમાં ચિરકાળ સુધી જગત માટે પ્રેરણારૂપ બની રહે તેવી રીતે કહ્યું હતું, “એવું કદાચ બની શકે કે આ દેહને હું જૂના વસ્ત્રની માફક ત્યાગી દઉં; પણ હું અવિરત કાર્ય કરતો રહીશ. જ્યાં સુધી સમસ્ત માનવજાત દિવ્યતાને પામે નહીં, ત્યાં સુધી સૌને પ્રેરણા આપતો રહીશ.”
૨૨મી ફેબ્રુઆરી, ૧૮૯૮. પાવન સલીલા ગંગાના કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવિરત મઠમાં શ્રી રામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી.
આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે તાજેતરમાં પોતે રચેલું રામકૃષ્ણદેવનું આરતી સ્તવન — “ખંડન ભવબંધન” ગાવાનું શરૂ કર્યું. સ્વામીજી પોતે જ મૃદંગ વગાડવા લાગ્યા. કેવું અદભુત હશે એ વાતાવરણ!
ત્યારે આ સ્તવનની પહેલી અને છેલ્લી કડી જ ગવાતી. બાકીની કડીઓ સ્વામીજીએ પાછળથી ઉમેરી છે. “સંપદ તવ શ્રીપદ…” આ કડી પૂરી થયા પછી બધા આનંદમાં ભાવવિભોર થઈ નૃત્ય કરતાં કરતાં ગાવા લાગ્યા—
“નમો નમો પ્રભુ, વાક્ય-મનાતીત, મનોવચનૈકાધાર।
જ્યોતિર જ્યોતિ, ઉજ્લ હૃદિકંદર, તુમિ તમો ભંજનહાર॥
પ્રભુ, તુમી તમો ભંજનહાર॥
ઘે ઘે ઘે લંગ, રંગ ભંગ, બાજે અંગ સંગ મૃદંગ।
ગાઈ છે છંદ, ભક્તિવૃંદ, આરતી તોમાર।
જય જય આરતી તોમાર।
હર હર આરતી તોમાર।
શિવ શિવ આરતી તોમાર॥”
અર્થ તો એકદમ ઉત્સાહ પ્રેરનારો છે.
“વાક્ય અને મનથી પર, મન અને વચનના એક આધારરૂપ હે પ્રભુ! તમને વારંવાર પ્રણામ છે. તમે જ્યોતિના પણ જ્યોતિ છો, પ્રકાશ આપનાર છો. તમે અમારી હૃદયગુફા ઉજ્જ્વળ કરનારા અને અમારા અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારા છો.
ભક્તો છંદ સાથે તમારી આરતી ગાય છે. સાથે સાથે “ઘે ઘે ઘે લંગ,” એવા અવાજથી મૃદંગ અને બીજા વાદ્યો વાગે છે. તમારી આરતીનો જય હો! હે હર! હે શિવ! તમારી આરતી થઈ રહી છે.”
આ એક સાર્વભૌમિક પ્રાર્થના છે; કારણ કે સંપૂર્ણ સ્તવનમાં ક્યાંય પણ સ્વામીજીએ શ્રી રામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ કર્યો નથી. સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે પોતપોતાના ઈષ્ટની આરતી કરી શકે.
બંગાળીમાં રચાયેલ હોવા છતાં, બંગાળી ભાષા ન જાણનારા પણ સરળતાથી સમજી શકે એવા શબ્દોનો ઉપયોગ આ સ્તવનમાં સ્વામીજીએ કર્યો છે.
અનંત ભાવોથી ભરપૂર આ સ્તવન પર ગહન ચિંતન કરતાં કરતાં દર વખતે નવા અર્થો સાધકોના મનમાં પ્રગટ થાય છે. માટે જ આ સ્તવનની વ્યાખ્યા કરવી કે સમજવી અત્યંત દુષ્કર છે અને સાધના સાપેક્ષ છે.
શ્રી રામકૃષ્ણ કથામૃતમાં એક સુંદર પ્રસંગ આવે છે.
૫મી ઓગસ્ટ, ૧૮૮૨ના રોજ શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળવા ગયા હતા. વાતચીતના પ્રસંગમાં રામકૃષ્ણદેવે કહ્યું, “બ્રહ્મ શું એ મુખેથી બોલી શકાય નહીં. બધું, બધી વસ્તુ એઠી થઈ ગઈ છે. વેદ, પુરાણ, તંત્ર, ષડ્દર્શન — એ બધાં એઠાં થઈ ગયા છે. મોઢેથી બોલવામાં આવ્યા છે, મોઢેથી ઉચ્ચાર થયા છે; એટલે જાણે કે એઠાં થઈ ગયા છે. પરંતુ માત્ર એક વસ્તુ એઠી નથી થઈ શકતી. એ વસ્તુ છે બ્રહ્મ. બ્રહ્મ શું, તે આજ સુધી કોઈ મુખેથી બોલી શક્યું નથી.”
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આ વાતથી એવા પ્રભાવિત થઈ ગયા કે બોલી ઊઠ્યા, “વાહ! આ તો બહુ સરસ વાત. આજે એક નવી વાત શીખ્યો છું.”
શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગમાં સ્વામી સારદાનંદજી મહારાજ લખે છે કે અનેક પ્રયત્નો કરવા છતાં શ્રી રામકૃષ્ણદેવ પોતાના બ્રહ્મદર્શન વિશે કંઈ બોલી નહોતા શકતા; કારણ કે, તેઓ લખે છે તેમ, બ્રહ્મ તો વાક્ય-મનાતીત છે.
એક દિવસ રામકૃષ્ણદેવે કહ્યું કે, “આજે તો તમને બધી વાત કહી દઈશ. જરા પણ છુપાવીશ નહીં.”
એમ કહીને શરૂઆત કરી. હૃદય અને કંઠ સુધીના તમામ ચક્રો વિશે સારી રીતે સમજાવ્યું. પછી ભ્રૂમધ્યસ્થળ દેખાડીને કહ્યું, “આ સ્થળે મન ચડતાં જ પરમાત્માના દર્શન થાય છે અને જીવને સમાધિ થાય છે. ત્યારે પરમાત્મા અને જીવાત્મા વચ્ચે કેવળ એક સ્વચ્છ, પાતળા પડદાની આડશ બાકી રહે છે. ત્યારે તે એમ જુએ કે…”
એમ કહીને જેવા પરમાત્મદર્શનની આ વાત વિગતે વર્ણવવા લાગ્યા, ત્યાં તેઓ સમાધિમાં લીન થઈ ગયા.
સમાધિ તૂટતાં ફરીવાર કહેવાનો પ્રયત્ન કર્યો અને ફરીવાર સમાધિમાં તલ્લીન થઈ ગયા. એ પ્રમાણે અનેક વાર પ્રયત્ન કર્યા છતાં સજળ નયને ઉપસ્થિત ભક્તોને કહ્યું, “અરે! મન તો હતું કે બધી વાત કહી દઈશ. લગીરે તમારાથી છાનું નહીં રાખું; પણ માએ કેમે કરીને કહેવા દીધું નથી. મોઢું જ દબાવી દીધું.”
સ્વામી સારદાનંદજી મહારાજ લખે છે કે તેઓ વિચારવા લાગ્યા, “આ એક એવી વાત નજરે જોઈએ છીએ કે વાત કહેવા માટે તેઓ આટલી કોશિશ કરે છે અને કહી ન શકવાથી એમને કષ્ટ થાય છે, તે સમજી શકીએ છીએ; પણ કેમે કરીને તેઓ કહેવા પામતા નથી? આ મા પણ કેવી છે!”
પાછળથી એમને સમજાયું કે જેની મદદથી બોલવા-ચાલવાનું બને છે, તે મન-બુદ્ધિની દોડ બહુ લાંબે નથી પહોંચતી; અને જેટલી હદ સુધી તે દોડી શકે છે, તે હદની બહાર ગયા વગર પરમાત્માના પૂર્ણ દર્શન થતા નથી.
ભક્તોના સ્નેહને વશ થઈ શ્રી રામકૃષ્ણદેવ અસંભવિતને સંભવિત કરવાનો પ્રયત્ન સતત કરતા રહ્યા છે.
by Bhadrayu Vachhrajani | Aug 23, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

સુખ જો સરવાળાકારે વધે, તો દુઃખ ગુણાકારની માત્રામાં વધે છે. સુખ અને દુઃખ એક સિક્કાના બે પાસા છે. સુખનો સ્વીકાર કરવાથી દુઃખનો સ્વીકાર કરવો જ પડશે.
૧૬ ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ શ્રી રામકૃષ્ણદેવે મહાસમાધિ લીધી. ભક્તો ઊંડા શોકમાં ડૂબી ગયા. શ્રીમા શારદાદેવીનો શોક કેમેય જતો નહોતો. કાશી, વૃંદાવન વગેરે તીર્થસ્થળોની તેમણે યાત્રા કરી. પંચતપાની તપસ્યા કરી; પણ તેમને પોતાના શરીર ધારણ કરવાનો ઉદ્દેશ હજુ સમજાયો નહોતો. એક અપૂર્વ દર્શનથી તેમને આ વિશે સ્પષ્ટતા મળી.
શ્રી રામકૃષ્ણદેવની મહાસમાધિના ચાર-પાંચ વર્ષ પછીની વાત છે. શ્રીમા શારદાદેવી બેલુરમઠમાં નીલાંબર મુખર્જીના મકાનમાં નિવાસ કરી રહ્યા હતા, જે હાલ બેલુરમઠ સાથે સંલગ્ન છે. તે દિવસે પૂનમની રાત હતી. બગીચામાંથી ઉતરી ઘાટના પગથિયા પર બેસી માતાજી મુગ્ધ નયને ગંગાની અપૂર્વ શોભા નિહાળી રહ્યા હતા. મન નિશ્ચિંત હતું.
એકાએક તેમણે જોયું કે શ્રી રામકૃષ્ણદેવ ઉતાવળે પગે પાછળથી આવીને ગંગામાં ઉતર્યા અને સાથોસાથ તેમનો ચિન્મય દેહ ભાગીરથીના પવિત્ર જળમાં ભળી ગયો.
એવામાં ક્યાંકથી સ્વામી વિવેકાનંદજી આવ્યા અને “જય રામકૃષ્ણ!” કહેતા કહેતા બે હાથની અંજલિઓમાં એ બ્રહ્મવારિ લઈને આજુબાજુના અગણિત સ્ત્રી-પુરુષો ઉપર છાંટવા માંડ્યા. માતાજીએ જોયું કે અસંખ્ય લોકો આ પાણીના સ્પર્શથી સદ્યોમુક્તિ પામ્યા.
આ દર્શન એટલી સ્પષ્ટ રીતે એમણે જોયું હતું કે કેટલાક દિવસો સુધી એમની આંખો સામે એ દૃશ્ય તરવર્યા કરતું રહ્યું. તેથી રખેને શ્રી રામકૃષ્ણદેવના દિવ્ય દેહને પગ અડી જશે, તે બીકે તેઓ કેટલાક દિવસો સુધી ગંગામાં ઉતરીને નાહી શક્યા નહીં.
આ અલૌકિક દર્શનથી માતાજીને આ યોગાવતારની લીલા પૂરેપૂરી સમજાઈ અને તેમને વિશ્વાસ બેઠો કે આ લીલાની પુષ્ટિ માટે તેમનો મનુષ્યદેહ ધારણ કરવામાં પણ સાર્થકતા છે.
જગતના દુઃખોથી વિચલિત થઈને સ્વામી વિવેકાનંદજી કર્મયોગમાં સમજાવે છે કે ખરેખર તો આવું નથી. સુખ જો સરવાળાકારે વધે, તો દુઃખ ગુણાકારની માત્રામાં વધે છે. સુખ અને દુઃખ એક સિક્કાના બે પાસા છે. સુખનો સ્વીકાર કરવાથી દુઃખનો સ્વીકાર કરવો જ પડશે.
સ્વામી વિવેકાનંદજીના શબ્દોમાં, “સુખ પોતાના મસ્તક ઉપર દુઃખનો કાંટાળો મુગટ પહેરીને મનુષ્ય પાસે આવે છે. જે સુખને આવકારે છે, તેણે દુઃખને પણ આવકારવું જ પડે છે.”
આ સંબંધમાં એક મજાની વાર્તા છે.
એકવાર સીતાજીએ રામચંદ્રજીને કહ્યું, “તમારા રાજ્યમાં કોઈ પણ ગરીબ ન હોવા જોઈએ. કોઈ પણ દુઃખી ન હોવા જોઈએ. તમારી પાસે અઢળક ખજાનો છે, બધાને પૂરતું ધન આપી દો.”
રામચંદ્રજીએ કહ્યું, “તથાસ્તુ.”
બીજે દિવસે રાજ્યનો ખજાનો સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યો. બધા લોકો માલામાલ થઈ ગયા. બધા પોતપોતાનો કામધંધો છોડીને આનંદ-પ્રમોદમાં મગ્ન થઈ ગયા.
વરસાદના દિવસો આવ્યા. લોકોના મકાનોની છતોમાંથી પાણી આવવા માંડ્યું. પણ મરામત કેવી રીતે કરવી? કડીયા તો બધા ધનવાન બની ગયા હતા. કોઈને કડીયા ન જડ્યા. રાજમહેલમાં પણ આજ સમસ્યા ઊભી થઈ. કડીયા જડતા નહોતા.
છેવટે સીતાજીએ રામચંદ્રજીને કહ્યું, “પહેલાં જે હતું તેવું કરી દો. આમ તો કેવી રીતે જીવાશે?” રામચંદ્રજીએ હસતાં હસતાં કહ્યું, “તથાસ્તુ.” ફરી જેમ હતું તેમ થઈ ગયું.
વાર્તાનો મર્મ એ છે કે માયાના સાપેક્ષ જગતમાં, સ્થળ, કાળ અને કારણની સીમાની અંદર આ દ્વંદ્વો — સુખ અને દુઃખ, દિવસ અને રાત, સારું અને નરસું — તો રહેવાના જ.
કર્મયોગમાં સ્વામી વિવેકાનંદજી કૂતરાની વાંકી પૂંછડી અને ભૂત વિશેની વાર્તા દ્વારા સમજાવતા કહે છે કે આ જગત કૂતરાની વાંકી પૂંછડી જેવું છે. સેંકડો વર્ષ થયા, લોકો એને સીધી કરવાની મથામણ કરી રહ્યા છે; પણ જ્યારે એને છૂટું મૂકે છે, ત્યારે પાછી વાંકી થઈ જાય છે.
તો શું જગતના દુઃખો દૂર કરવાના પ્રયત્નો છોડી દેવાના? આ પ્રશ્નના જવાબમાં સ્વામીજી કહે છે કે, “ના, આપણે પ્રયત્નો તો ચાલુ જ રાખવાના; કારણ કે કૂતરાની પૂંછડી વાંકી જ રહેશે. પણ નિઃસ્વાર્થ સેવા કરવા જતાં આપણો અહંકાર નિર્મૂળ થાય છે. આપણે મુક્તિ તરફ પ્રયાણ કરી રહ્યા હોઈએ છીએ. એટલે સેવા આપણો ધર્મ છે.”
“સંપદ તવ શ્રીપદ, ભવ ગોષ્પદ-વારિ યથાય |
(તમારાં ચરણો જેઓની સંપદા છે, તેઓ માટે ભવસાગર ગોષ્પદના જળ તુલ્ય થઇ જાય છે.)
પ્રેમાર્પણ, સમદરશન, જગજન-દુઃખ જાય ||…08
હે પ્રેમાર્પણ, તમે સમદર્શી છો તેથી જગતના લોકોનાં દુઃખ દૂર થઇ જાય છે.”…આ આઠમી પંક્તિનો પૂર્ણાર્થ અહીં ઈંગિત છે.
સર્વજનોના દુઃખો હંમેશા માટે દૂર થાય, તે માટે સર્વજનોની મુક્તિ — સર્વમુક્તિ માટે સ્વામી વિવેકાનંદજી કેટલા પ્રયત્નશીલ હતા, તે તેમના પત્રો અને વાર્તાલાપો વાંચવાથી ખ્યાલ આવે છે.
એકવાર પોતાના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, “જે આધ્યાત્મિક અભ્યાસ કે અનુભવ બીજાને લાભદાયી નથી થતો, અજ્ઞાન અને બ્રહ્મમાં ડૂબેલા લોકોનું કલ્યાણ નથી કરતો, કામ અને કાંચનની જાળમાંથી તેમને મુક્ત કરવામાં મદદરૂપ નથી બની શકતો, તે વળી શું કામનો?”
“શું તમે એમ માનો છો કે જ્યાં સુધી એક પણ જીવ બદ્ધ છે, ત્યાં સુધી તમને મુક્તિ મળશે? જ્યાં સુધી તે મુક્ત ન થઈ જાય, પછી તેને ભલે ઘણા જન્મો લાગે, ત્યાં સુધી તારે તેને મદદ કરવા અને બ્રહ્મસાક્ષાત્કાર કરાવવા જન્મ લેવો પડશે.”
સ્વામીજીના આ શબ્દો સાંભળી શરદચંદ્ર ચક્રવર્તી અચરજથી બોલી ઊઠ્યા, “સ્વામીજી! બધાની મુક્તિ વિના એકેય વ્યક્તિની મુક્તિ ન થઈ શકે — એ એક અતિ જબરદસ્ત વિધાન છે.”
સ્વામીજીએ જવાબમાં કહ્યું, “થિઓસોફિસ્ટોનો એક વર્ગ આ મત ધરાવે છે. તેઓ એમ કહે છે કે વ્યક્તિની મુક્તિ તે સાચો અને સંપૂર્ણ મોક્ષ નથી; પણ સર્વવ્યાપી અને સામુદાયિક મોક્ષ તે જ મુક્તિ છે. બેશક, એ મતમાં ગુણ અને દોષ બંને બતાવી શકાય; પરંતુ જે એમ માને છે કે પોતે આખા વિશ્વને પોતાની સાથે મુક્તિમાં લઈ જશે, તેના હૃદયની મહત્તા કેવી હશે તેનો જરા ખ્યાલ કરજો.”
by Bhadrayu Vachhrajani | Aug 23, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રીમા શારદાદેવીને આ પછી ખરેખર ૩૪ વર્ષો સુધી સંઘમાતાની જવાબદારી સ્વીકારવી પડી.
આરતી સ્તવનમાં કહ્યું છે કે, જગ જન દુઃખ જાય. પણ આ કેવી રીતે તેની વિગતે વાત કરીએ.
મિસ્ટર વિલિયમ્સ પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી હતા. સંભવતઃ ૧૮૭૬માં, ગુડ ફ્રાઈડેના દિવસે મિસ્ટર વિલિયમે શ્રી રામકૃષ્ણદેવની મુલાકાત લીધી અને શ્રી રામકૃષ્ણદેવમાં તેમણે ઈશુ ખ્રિસ્તના સાક્ષાત્ આવિર્ભાવ જોયો.
શ્રી મિશ્રાએ કહ્યું કે, “અત્યારે મને રામકૃષ્ણદેવમાં, તમે જુઓ છો તેથી ઉલટું પણ તેઓ જ સ્વયં ઈશ્વર છે. તમે લોકો તેમને ઓળખી શકતા નથી. અત્યારે હું પોતાની આંખોથી તેમને સાક્ષાત્ જોઈ રહ્યો છું, પણ મેં તેમને દિવ્ય દર્શનમાં પહેલાં જોયા જ હતા. મેં એક બગીચો જોયો, જેમાં એક ઊંચી જગ્યા પર તેઓ બેઠા હતા. નીચે એક અન્ય વ્યક્તિ બેઠેલી હતી, પણ તે એટલી આગળ વધેલી ન હતી.”
વાતચીત કરતી વખતે શ્રી મિશ્રે પાટલુન નીચે પહેરેલું ભગવા રંગનું વસ્ત્ર બતાવ્યું અને પોતાની વ્યક્તિગત વાતો કરી. તેઓ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. પછી ઈશુ ખ્રિસ્તને પોતાના ઈષ્ટરૂપે સ્વીકારી ક્વેકર સંપ્રદાયમાં જોડાયા. પોતાના એક ભાઈના લગ્નના દિવસે લગ્નમંડપ ભાંગી પડતા, જેમના લગ્ન થવાના હતા તે તથા તેમના બીજા એક ભાઈ ત્યાં જ મૃત્યુ પામ્યા. તે જ દિવસે તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો.
થોડીવાર પછી શ્રી રામકૃષ્ણદેવે ભાવાવસ્થામાં મિશ્રને કહ્યું, “તમે જેના માટે પ્રયત્ન કરો છો, તે અવશ્ય મળશે.” શ્રી મિશ્રે શ્રી રામકૃષ્ણદેવમાં પોતાના ઈષ્ટ ઈશુ ખ્રિસ્તને જોયા અને હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા. પછી ભક્તોને તેમણે કહ્યું, “તમે લોકો તેમને ઓળખતા નથી, પરંતુ તેઓ જ ઈશુ ખ્રિસ્ત પોતે છે.”
પ્રખ્યાત ઇતિહાસકાર ડૉક્ટર આર્નોલ્ડ ટોયનબીના કથન પ્રમાણે, જો વિશ્વને સંપૂર્ણ વિનાશમાંથી બચવું હોય, તો તેણે ભારતીય આદર્શોને અપનાવવા જ પડશે. શ્રી રામકૃષ્ણદેવના જીવન દ્વારા પ્રતિપાદિત સર્વધર્મ સમન્વયનો સંદેશ અને મહાત્મા ગાંધી તથા સમ્રાટ અશોકના અહિંસાના સિદ્ધાંત અપનાવવા જ પડશે.
શ્રી રામકૃષ્ણદેવના દિવ્ય પ્રેમથી આકર્ષિત થઈ વિભિન્ન ધર્મોના, વિભિન્ન સંપ્રદાયોના તથા વિભિન્ન દેશોના કેટલાય લોકો શ્રી રામકૃષ્ણદેવના પુસ્તકો વાંચી રહ્યા છે.
દેશ-વિદેશમાં તેમના સંદેશ **”શિવજ્ઞાને જીવસેવા“**ને વ્યવહારમાં મૂકવા અનેક કેન્દ્રોનો આરંભ થઈ રહ્યો છે.**”આત્મનો મોક્ષાર્થમ્ જગત હિતાય ચ“**ના મંત્રથી પ્રેરિત થઈ લોકો આધ્યાત્મિક વિકાસ કરી રહ્યા છે. શ્રી રામકૃષ્ણદેવના પ્રેમના વિતરણનું માધ્યમ સૌ બની રહ્યા છે.
સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી દ્વારા શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ પરના પુસ્તકમાં જણાવાયા મુજબ…૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રી રામકૃષ્ણદેવને સારવાર માટે કોલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સર થયું છે. ભયંકર પીડા થઈ રહી છે, છતાં બધું હસતે મોઢે સહન કરી રહ્યા છે.
વિષાદના સાગરમાં ડૂબેલા ભક્તોને સંબોધીને શ્રી રામકૃષ્ણદેવે કહ્યું,
“હું શું જોઉં છું, કહું? ઈશ્વર જ સર્વ કંઈ થઈ રહ્યો છે. મનુષ્ય અને બધા જીવો જે દેખાય છે, તે બધાં જાણે કે ચામડાથી મઢેલા છે. એની અંદરથી ઈશ્વર હાથ, પગ, માથું વગેરે હલાવી રહ્યો છે. જેમ એકવાર જોયું હતું કે જાણે કે મીણનું મકાન, મીણનો બગીચો, મીણનો રસ્તો, માણસો, જાનવરો — બધાં એક જ વસ્તુના બનેલા છે. હું જોઉં છું કે ઈશ્વર જ બલિદાન દેનાર થયો છે; એ જ બલિદાનનું વધ્ય પશુ થયેલ છે, ને એ જ બલિદાન દેવાનું શસ્ત્ર થઈને આવેલ છે.”
આ શબ્દો બોલતા બોલતા તેઓ ભાવમાં વિભોર થઈને બોલી ઊઠ્યા, “આહા! આહા! અરે વાહ!” અને ભાવસમાધિમાં ચાલ્યા ગયા.
ઋગ્વેદના પુરુષસૂક્તમાં વર્ણન આવે છે કે સૃષ્ટિ કરનાર પરમપુરુષે આ સૃષ્ટિ માટે કેવું બલિદાન આપ્યું છે. જગતના કલ્યાણ માટે વારંવાર જગતમાં અવતરણ કરી ઈશ્વર લોકોના દુઃખદર્દ પોતે સહન કરે છે અને પોતાના જીવનનું બલિદાન આપે છે.
શ્રી રામકૃષ્ણદેવે પોતે જ શ્રીમા શારદાદેવીને પોતાના રોગનું તાત્પર્ય સમજાવતાં કહ્યું હતું, “આ યાત્રા મેં જ ભોગવી લીધી. તમારે કોઈને એ ભોગવવી નહીં પડે. જગતના બધા લોકોના વતી મેં આ ભયંકર યાતના સહી લીધી છે.”
પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી શ્રી રામકૃષ્ણદેવ જગતના દુઃખો દૂર કરવામાં રત રહ્યા. તેમના તિરોધાન પછી પણ આ જગજનનાં દુઃખો દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી. તે માટે શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદજી અને અન્ય શિષ્યોને આ મહાન કાર્ય માટે તૈયાર કરતા ગયા. રામકૃષ્ણ સંઘની પૃષ્ઠભૂમિ તેઓએ તૈયાર કરી.
એકવાર કાશીપુરના બગીચામાં શ્રી રામકૃષ્ણદેવે શ્રીમા શારદાદેવીને કહ્યું, “જુઓ, કોલકાતાના લોકો કીડાઓની માફક અંધકારમાં સબડે છે. તમે એને સંભાળજો.”
માતાજીએ દલીલ કરતાં કહ્યું, “હું તો સ્ત્રી છું. હું કેવી રીતે કરી શકું?”
શ્રી રામકૃષ્ણદેવે પોતાના તરફ આંગળી કરીને કહ્યું, ” આખરે આ શરીરે શું કર્યું? તમારે આનાથી વધારે કરવું પડશે.”
શ્રીમા શારદાદેવીને આ પછી ખરેખર ૩૪ વર્ષો સુધી સંઘમાતાની જવાબદારી સ્વીકારવી પડી.
અસંખ્ય લોકો દેશ-વિદેશથી “મા… મા…” કહીને તેમની પાસે દોડી આવતા. મનની શાંતિ પ્રાપ્ત કરતા, નવું જીવન પામતા. કેટલાય લોકો પોતાના પાપનો બોજો તેમના શ્રીચરણોમાં ઢાળી દેતા.
મંત્રદીક્ષા આપ્યા પછી અનેક વાર માતાજીને પગમાં ભયંકર બળતરા થતી. ગંગાજીમાં ચરણોને ડૂબાડી રાખવા પડતા. આમ છતાં, તેમના કૃપાના દ્વાર ક્યારેય બંધ ન થયા.
સંસારમાં જેટલા પ્રકારના દુઃખ-કષ્ટો છે, તે બધાને પોતાના જીવનમાં ભોગવી સહનશક્તિનું અદભુત ઉદાહરણ શ્રીમાએ સંસાર સમક્ષ મૂકી ગયા છે.
સમષ્ટિ મુક્તિ માટે આહ્વાન કરતાં તેમણે કહ્યું હતું કે, “દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મભોગ તે કાયદો હતો અને અફસોસ કે યુગો સુધી રહેવાનો છે. બહુજન હિતાય, બહુજન સુખાય દુનિયાના શુરવીરોમાં શુરવીરને, શ્રેષ્ઠમાં એ સર્વશ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે.”
જગતમાં દુઃખોથી વિચલિત થઈ ભગવાન બુદ્ધના કરુણાપૂર્ણ હૃદયે, સ્વામી વિવેકાનંદજીએ હાકલ કરી હતી,
“જાગો, ઓ મહાનુભાવો, જાગો! દુનિયા દુઃખમાં બળી રહી છે. તમારાથી સૂઈ કેમ રહેવાય? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલા દેવ જવાબ ન આપે, ત્યાં સુધી પોકાર પાડ્યા કરજો. જીવનમાં બીજું વધારે શું છે?”
by Bhadrayu Vachhrajani | Aug 10, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

‘જો કોઈ બીજો વિવેકાનંદ હોત તો તે જાણી શકત કે આ વિવેકાનંદે શું કર્યું છે. પણ સમય આવ્યે આવા સેંકડો વિવેકાનંદો જન્મ લેશે.’
મહેન્દ્રનાથ ગુપ્ત જેવો માસ્ટર મહાશય ‘મ’ તરીકે ઓળખાતા. તેમનો જન્મ જાણે શ્રી રામકૃષ્ણ કથામૃત લખવા માટે જ થયો હતો. આ કથામૃતની અમીધારાને કેટલાએ નવજીવન આપ્યું છે. છઠ્ઠી જુન 1932 ના રોજ ફલહારીણી કાલી પૂજાને દિવસે માસ્ટર મહાશયે રાત્રે 9:00 વાગ્યા સુધી કથામૃતના પાંચમા અને છેલ્લા ભાગનું પ્રુફ જોયું. પ્રૂફ જોતા-જોતા જ તેમના હાથમાં સ્નાયુ શૂળની પીડા શરૂ થઈ. અને બીજે દિવસે સવારે માં, ગુરુદેવ, મને ખોળામાં લઈ લ્યો એવું કહેતા તેઓ ચીર નિંદ્રામાં પોઢી ગયા.
શ્રી રામકૃષ્ણ દેવ પાસેથી મંત્રદીક્ષા મેળવેલ ગૌરી મા વિષે સ્વામી વિવેકાનંદજીએ લખ્યું છે કે, ગૌરી મા ક્યાં છે? હજારો ગૌરી મા ની આવશ્યકતા છે. જેમનામાં મહાન ચેતનદાયીની શક્તિ હોય તેમનું મહાપ્રયાણ પણ અદભુત હતું. 28 ફેબ્રુઆરી 1938ના રોજ શિવરાત્રીના દિવસે તેમણે કહ્યું, ઠાકુર દોરી ખેંચી રહ્યા છે. એ જ દિવસે બપોરે તેમણે આશ્રમની વિદ્યાર્થીનીઓને કહ્યું, મને સારી રીતે સજાવી દો. જુઓ, મારા માટે રથ આવી રહ્યો છે. અંતિમ રાત્રે તેમણે પોતાના આરાધ્ય દામોદરને મંગાવ્યા, તેમને અપલક નેત્રે જોતા રહ્યા, પછી થોડો સમય છાતી સરસા ચાંપ્યા, બીજે દિવસે પહેલી માર્ચે તેઓ પોતાની પ્રિય મૂર્તિને દુર્ગાદેવીને સોંપી નિશ્ચિત થઈ ગયા. આખો દિવસ પ્રસન્નતાથી તેઓ શ્રી રામકૃષ્ણ દેવ વિશે વાતો કરતા રહ્યા. સાંજે તેઓ ત્રણ વાર ‘શ્રી રામકૃષ્ણ’ એમ બોલ્યા અને રાત્રે 8:15 વાગ્યે મંત્રનો જાપ કરતાં-કરતાં તેમણે મહાપ્રયાણ કર્યું. તેમના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કોલકાતાના એ કાશીપુર સ્મશાન ઘાટમાં જ કરવામાં આવ્યો જ્યાં શ્રી રામકૃષ્ણ દેવના પાર્થિવ દેહનો કરવામાં આવ્યો હતો.
4થી જુલાઈ 1902 ના રોજ માત્ર 39 વર્ષની વયે સ્વામી વિવેકાનંદજીએ બેલુરમઠમાં મહાસમાધિમાં પોતાનો દેહ છોડ્યો. તે દિવસે સવારના 8 થી 11 વાગ્યા સુધી તેઓ મંદિરમાં ઊંડા ધ્યાનમાં મગ્ન રહ્યા. મંદિરમાંથી તેઓ નીચે ઉતરી રહ્યા હતા ત્યારે સ્વામી પ્રેમાનંદજી ને અસ્પષ્ટ વાણી સંભળાઈ. ‘જો કોઈ બીજો વિવેકાનંદ હોત તો તે જાણી શકત કે આ વિવેકાનંદે શું કર્યું છે. પણ સમય આવ્યે આવા સેંકડો વિવેકાનંદો જન્મ લેશે.’ તે પછી સ્વામી સિદ્ધાનંદજીને શુક્લ યજુર્વેદનો કેટલોક ભાગ પાશ્ય સાથે ભણાવ્યો. બપોર પછી બ્રહ્મચારીઓના સંસ્કૃત પાઠમાં ભાગ લીધો. સાંજે તેઓ સ્વામી શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથે બેલુર બજાર સુધી ફરવા ગયા. માર્ગમાં તેમણે વેદ વિદ્યાલય સ્થાપવાની ઈચ્છા પ્રગટ કરી કે જે ઈચ્છા હમણાં જ પૂર્ણ થઈ છે. પાછા ફરીને મઠમાં બધાના ક્ષેમકુશળ પૂછ્યા અને પછી પોતાના ઓરડામાં જઈ સેવક પાસેથી જપમાળા લીધી અને તેને બહાર જવા કહ્યું. પછી માં ગંગા તરફ મુખ રાખીને તેઓ ધ્યાનમગ્ન બની ગયા. એમના જીવનની આ અંતિમ પળો હતી. ખાલી દેહપિંજર પડી ગયું. ધ્યાનની આ પાંખો પર સવાર થઈ તેમના આત્માએ અનંતયાત્રા પ્રારંભ કરી. પોતાના સંન્યાસી શિષ્ય સેવકને તેમણે કહેલા અંતિમ શબ્દો હતા, ‘wait and meditate the i call you.’ થોડાક થોભો અને હું પુકારું ત્યાં સુધી તમે ધ્યાન ધરો.
રામકૃષ્ણ મઠ અને મિશનનાં મુખ્ય મથક બૈલુર મઠમાં થોડા વર્ષો પહેલા એક હજામ રહેતો હતો. નામ એનું ‘મુરત રામ’ ઉત્તર પ્રદેશનો પણ તેના બાપ- દાદા કોલકત્તા આવીને વસેલા. 16-17 વર્ષની ઉંમરથી જ તેણે બૈલુર મઠ આવવાનું શરુ કરેલું. લગભગ 50 વર્ષો સુધી તેણે બૈલુર મઠમાં પોતાની સેવા આપી અનેક વરિષ્ઠ સંન્યાસીઓનો તે કૃપાપાત્ર બન્યા. બધા સાધુ-સંન્યાસીઓને મુંડન કરાવવા, હજામત કરાવવા, તેની પાસે લાઈન લગાવવી પડતી. મુંડન કરવામાં એટલો બધો પાવરફુલ હતો કે એકાદ કલાકમાં તો 50-60 બ્રહ્મચારીઓનું મુંડન કરી શકતો. શ્રી રામકૃષ્ણ દેવનો તે અનન્ય ભક્ત હતો. નાની વયમાં જ તેણે શ્રી રામકૃષ્ણ મઠ અને મિશનનાં છઠ્ઠા પાર્માધ્યક્ષ અને શ્રી મા શારદા દેવીનાં શિષ્ય સ્વામી શ્રી વિરજાનંદજી મહારાજ પાસેથી મંત્ર દીક્ષા મેળવી. એ દીક્ષા વિશેની વાત પણ રસપ્રદ છે. મંત્ર દીક્ષા મેળવ્યા પછી પ્રેસિડેન્ટ મહારાજના ઓરડામાંથી બહાર આવ્યા પછી તે મંત્ર ભૂલી ગયો. મંત્ર ભૂલી ગયો એટલે રડવા લાગ્યો. પ્રેસિડેન્ટ મહારાજે કરુણાવશ થઈ તેને પાછો બોલાવ્યો, ફરી મંત્ર આપ્યો. મુરતરામ નિયમિતરૂપે સવારના દરરોજ ચાર વાગ્યે સ્નાન કરતો. જયારે તેનો દેહ જીર્ણ થઈ ગયો ત્યારે 15મી મે 1983 ના રોજ લગભગ 70 વર્ષની ઉંમરે તે પોતાને ગામડે ચાલ્યો ગયો. તેનું ગામ ઉત્તર પ્રદેશમાં ગોરખપુર જિલ્લામાં હતું. ત્યાં પણ તે દરરોજ નિયમિત જપ કરતો. 1986માં સપ્ટેમ્બરના મહિનામાં તેણે મહાપ્રયાણ કર્યું. ત્યાં સુધી તે આમ દરરોજ નિયમિત જપ કરતો. મૃત્યુ પહેલા તેણે પોતાના પુત્રને સરયૂ નદીના તીરે લઈ જવાનું કહ્યું. નદીમાં સ્નાન કર્યા પછી પોતાના ઇષ્ટ મંત્રનો જાપ કરતા-કરતા તે પોતાના ઇષ્ટદેવમાં વિલીન થઈ ગયો.
શ્રી રામકૃષ્ણદેવની અનેક સાથે જોડાયેલા એમના ભક્તોની આવી અનેક કથાઓ છે કે જેમાં આપણને એવો સંદેશ મળે છે કે રામકૃષ્ણ દેવ એ પ્રેમર્પણનું સમદર્શન કરનાર વ્યક્તિ વિશેષ હતા. અમારે તો સ્વામી વિવેકાનંદજી જે કહે છે તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા કરવી છે. ‘संपद तवश्री पद भव गौश्पद वारियथाय’. હે પ્રભુ કૃપા કરો જેથી આ વાત પર શ્રદ્ધા રાખી તમારા શ્રી પદનો આશ્રય લઈ સરળતાથી ભવસાગર તરી જઈ શકાય.
સ્વામી વિવેકાનંદજી રાજસ્થાનના ખેતડી માં આવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજીતસિંહ એ એક દિવસ એક સંગીત સભા નું આયોજન કર્યું. એક ગાનારી બાઈને પણ એમાં બોલાવી. સ્વામીજી સંગીતના શોખીન છે, એમ જાણીને મહારાજાએ તેમને પણ મહેફિલ માં આવવા માટે સંદેશો મોકલાવ્યો, પણ સ્વામીજીએ જવાબ મોકલાવ્યો કે, એક સન્યાસી માટે આવા ઉત્સવ માં જોડાવું યોગ્ય નથી. ગાયિકાને આ સાંભળીને આઘાત લાગ્યો. તેણે દુઃખી થઈ અત્યંત દર્દ ભર્યા કંઠે સૂરદાસનું સુપ્રસિદ્ધ ભજન ગાવાનું શરૂ કર્યું.. પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો, સમદર્શી હે નામ તિહારો ચાહે તો પાર કરો, હે પ્રભુ મારા દોષ તરફ ધ્યાન ન આપશો. તારું નામ તો સમદર્શી છે. મારો ઉદ્ધાર કરજે.. સ્વામીજીએ દૂરથી દર્દ ભર્યું ગીત સાંભળ્યું અને મનોમન પોતાને ધિક્કારવા લાગ્યા. શું હું સાચો સંન્યાસી છું ? સન્યાસી હોવા છતાં પણ મેં મારી અને સ્ત્રી વચ્ચે ભેદ કેમ જોયો ? એમની આંખો ઉઘડી ગઈ. તેમને યાદ આવ્યું કે, ભેદદ્રષ્ટિ અજ્ઞાનથી, માયાથી જ થાય છે. બધામાં પેલી એક સત્તા વિરાજમાન છે, તેથી તેઓ કોઇની ઘૃણા કરી શકે નહીં તે જ ક્ષણે, સ્વામીજી સંગીતની મહેફિલમાં હાજર થઈ ગયા. ગીત પૂરું થયા પછી ગયાનારી બાઈ ને માતાનું સંબોધન કરીને તેમણે તેની પાસેથી ક્ષમા માંગી. સ્વામીજીને ત્યારે પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ દેવ અવશ્ય યાદ આવ્યા હશે કારણ પાછળથી તેમણે શ્રી રામકૃષ્ણ દેવની આરાત્રિકમ ની રચના કરી ત્યારે આઠમા પદમાં લખ્યું..
“પ્રેમાર્પણ સમદરશન જગજન દુખ જાય”.
એક સંવાદમાં શ્રી રામકૃષ્ણદેવે કહેલું કે, “ એક રામ, તેના હઝાર નામ, ખ્રિસ્તીઓ તેને ગોડ કહે છે, તેને જ હિંદુઓ રામ, કૃષ્મ, ઈશ્વર અને અન્ય નામોથી બોલાવે છે.”
by Bhadrayu Vachhrajani | Aug 8, 2026 | જનકલ્યાણ |


“હું સ્વયં એક શ્રેણી છું, જેને વિભાજિત ન કરી શકાય.”
‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’
કોઈ ઓશો પ્રેમી કે ઓશો વિરોધી પ્રશ્ન પૂછે કે,
ઓશો કોણ છે? ઓશો શું છે? ઓશો ક્યાં છે?
ઓશો ઓશો કેમ છે? ઓશો ક્યારે ક્યારે છે?
આ બધા જ પ્રશ્નના જવાબ એક જ લેખમાંથી મળે તો?? હા, તે જવાબ મળી શકે. બધા જ પ્રશ્નોના જવાબ છે, સ્વામીશ્રી સત્ય વેદાંતજી પાસે.. એ પૂર્વાશ્રમના વસંત જોશી અને એ સમયે એમણે લખેલું પુસ્તક “વિદ્રોહી ઋષિ: ઓજસ્વી ઓશો”. ….
આવો, આપણે ઓશોને તાત્વિક માર્ગે ઓળખીએ.
“તિબેટન બુદ્ધિઝમ સંપ્રદાયના કર્ગ્યુપ્ત (અથવા રેડ હેટ) ના સદ્ગત મુખી, લામા કારમાપાએ કહ્યું છે કે ‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’ સાચે જ, ઓશોએ નૂતન માનવજીવન તેમ જ નૂતન વિશ્વ માટે દૃષ્ટાનું પ્રબુદ્ધ દર્શન અને પ્રતિભાવંત રચનાત્મક નકશો એમ બંને આપ્યાં છે.
ઓશો એ કોઇ વ્યક્તિ નથી, ઓશો એક વિલક્ષણ ઘટના છે. કોઇ એમના હોવાપણાનો અર્થબોધ કરી શકે તેમ નથી અને તેઓને શબ્દોમાં વર્ણવવા પણ અસંભવ છે. ઓશો એટલે કે સૂર્ય – પ્રકાશમાન, શક્તિમાન, ઓજસ્વી અને પોષણ કરનારા. જેમ કે આપણે ~ આપણી આંખોથી સૂર્યને ન જોઇ શકીએ પણ સૂર્ય દ્વારા પ્રકાશિત કિરણોમાં આપણે સઘળું જોઇ શકીએ. એવી જ રીતે ઓશોના તેજથી આપણે જીવનની વાસ્તવિકતાઓને જોઇ શકીએ પણ સ્વયં ઓશોને ન જોઇ શકીએ.
ઓશો એક એવા ‘જાગ્રત વ્યક્તિ’ છે, એક એવો પ્રબુદ્ધ પુરુષ છે કે જેઓએ જે છે તે જોયું, એમના શુદ્ધ ચૈતન્ય દ્વારા જોયું, નહીં કે કોઇ માનસિક પ્રક્ષેપણ દ્વારા. તેઓ બતાવે છે કે દુ: ખ એ મનનું સર્જન છે અને એ મનને અતિક્રમી શકાય છે.
ઓશો એક વિદ્રોહી છે, નહીં કે ચુસ્ત રૂઢિવાદી. તેઓ એવા પ્રત્યાઘાતી પણ નથી કે જે એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરતા હોય. તેઓ હંમેશાં સંતુલિત અવસ્થામાં રહ્યા છે. ઓશો એવા વિદ્રોહી નથી, જેનો શબ્દકોષમાં વ્યાખ્યાતિત કરવામાં આવેલા અર્થો – ‘વળતો પ્રહાર કરવો’ કે ‘કોઇની સામે લડવું’ એવો ભાવ દર્શાવતા હોય. જો કે ઓશો સ્વભાવગત રીતે વિદ્રોહી હતા પણ ‘વળતો પ્રહાર કરવો’ એ અડધું ચિત્ર બતાવે છે, જે સંપૂર્ણ નથી.
ઓશો માત્ર જે કંઇ ખોટું છે તેની સામે લડ્યા નથી, કે જેણે જે કંઇ જૂનું, અપરિપક્વ કે અપ્રસ્તુત હોય તેને ફગાવી દીધું હોય. પણ તેઓએ એક નૂતન દૃષ્ટિ પણ આપી છે, એક નવો પ્રકાશ આપ્યો છે, જેનાથી આપણે આપણને અને આપણી આસપાસના વિશ્વને વધુ સ્પષ્ટતાથી અને વધુ સમજણથી જોઇ શકીએ. તેઓએ વિદ્રોહીના બીજા અડધા ભાગને સંપન્ન કર્યો છે; તેઓએ સમગ્ર માનવજાત માટે એક નૂતન દૃષ્ટિ આપી છે કે જેનાથી એક બહેતર જિંદગી જીવી શકાય. એટલા માટે જ ઓશો એક સ્વ-વ્યાખ્યાયિત ઘટના છે, તેઓ ખુદ પોતાની વ્યાખ્યા છે.
ઓશો એક વિદ્રોહી છે કારણ કે તેઓએ એમના સમયમાં, એમની પોતાની રીતે અને જે જગ્યા પસંદ કરી હોય ત્યાં સમાજ દ્વારા માનવજાત માટે પ્રતિબંધિત પરંપરાગત રૂઢિઓ અને ખ્યાલો સામે પડકાર ફેંક્યો છે. વિદ્રોહી કદી ડરતો નથી કેમ કે કંઇ પણ પ્રતિબંધિત છે તેને બદલાવવામાં તે માનવજાતના ભવિષ્યના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. વાસ્તવમાં વિદ્રોહી દર્શાવે છે, જેમ ઓશોએ એમના દર્શનની શક્તિ દ્વારા બતાવ્યું, કે તેઓ જ માનવજાતનું ભવિષ્ય છે.
એક વિદ્રોહી, પાખંડ અને જીવનની નકારાત્મકતા અને અસત્ય સામે લડવામાં હંમેશાં એકલો જ હોય છે. ઓશો કહે છે, “હું એકલો રહીને પણ બહુમતમાં છું.” આપણે તેઓને કોઇ જ શ્રેણીમાં વિભાજિત કરી શકીએ તેમ નથી. તેઓ ઘોષિત કરે છે કે, “હું સ્વયં એક શ્રેણી છું, જેને વિભાજિત ન કરી શકાય.” સર્વ વિદ્રોહીઓ સ્વયં પોતે જ પોતાની એક શ્રેણી છે – બુદ્ધ, સૉક્રેટિસ, જિસસ, કબીર, મીરાં – આ સર્વ રહસ્યવાદીઓ તેઓની ક્રાંતિ અને દર્શનમાં અદ્વિતીય છે. ઓશો આવા વિદ્રોહીઓને, ‘ધરતી પરનું અસલી સત્ત્વ’ કહે છે.
ઓશો વાસ્તવમાં આત્માના વિજ્ઞાની છે. આપણે ઇશ્વરની શોધમાં જઇએ તેમ તેઓ નથી સૂચવતા પણ કદાચ ધ્યાન, પ્રેમ અને સજગતા દ્વારા આપણે આપણી આસપાસ ભગવત્તાને ફેલાવી શકીએ, તેમ સૂચવે છે. એટલે, તેઓનો સંદેશ છે: ભૂતકાળના બંધનમાંથી મુક્ત થાઓ, તમારો માર્ગ ખુદ શોધો તેમ જ હિંમત અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધો.
જે. કૃષ્ણમૂર્તિ સંદેહને સાથે રાખતા હતા, પણ તેને બદલે, ઓશોએ યથાર્થ બુદ્ધિપૂર્વકના સંદેહને પ્રથમ પાયાના વિશ્વાસ તરીકે રાખીને શરૂઆત કરી. આ સમયનું હાર્દ બતાવતાં તેઓ કહે છે: ‘હવે હું જે સત્ય બોલું છું તે મારું સત્ય છે કારણ કે હવે મને વિશ્વાસ છે કે તમે સમજશો, કારણ કે હવે તમને જિસસ, મહાવીર, બુદ્ધ કે કૃષ્ણ જેવાં માધ્યમોની જરૂર નથી. હું તમારી સામે સીધી અને ચોખ્ખી વાત કરી શકીશ. હવે મારે |શબ્દોની રમત રમવાની જરૂર નથી…
વ્યક્તિત્વથી વ્યક્તિમતા તરફમાંથી સદ્ગુરુની ભૂમિકા ભજવતા, કેટલીક વખત રેલવે સ્ટેશનો પર પણ શિષ્યોને દીક્ષા આપીને, ‘ભગવાન’ નામનો સ્વીકાર કરીને, સંન્યાસ માટેની આપણી પરંપરાગત માન્યતાઓ સામે કટાક્ષ કરીને લોકોને ક્રોધિત કર્યા. અને એક દિવસ સહજ કહી દીધું કે, ‘મજાક પૂરી થઈ.’
જો કે ઓશોએ હંમેશાં ભારપૂર્વક કહ્યું છે કે તેઓના કોઇ અનુયાયીઓ નથી, માત્ર સહયાત્રીઓ છે, પણ અનુસરવું જ સરળ અને સગવડયુક્ત હોય છે. પછી આપણું કોઇ ઉત્તરદાયિત્ત્વ નથી રહેતું. કોઇ પોતાની જવાબદારી બીજા કોઇપણ ઉપર, ભગવાન, ગુરુ, બુદ્ધ, જિસસ કે કોઇ અન્ય ઉપર પણ મૂકી શકે છે. જેમ પક્ષી પોતાના પાલ્યને માળામાંથી બહાર કાઢવા માટે પ્રોત્સાહન આપે છે તેમ ઓશોએ ધીમેથી અને સાતત્યપૂર્ણ રીતે પોતાનો આધાર આપણી માન્યતાઓ પાસેથી સેરવી લીધો. આ એક તેજાબી કસોટી હતી. કોણે એવું ધાર્યું હશે કે આ શક્ય છે! પણ એમણે ભાખ્યું હતું તે પ્રમાણે આજે એમનું કાર્ય ‘આપણું મગજ બહેર મારી જાય એ રીતે’ વિસ્તરી રહ્યું છે.
અને એક દિવસ અચાનક એ છોડીને ચાલ્યા જાય છે.
એ એક સમય હતો અલગ ઊભા રહેવાનો. તેઓ આપણને એકલા છોડી દે છે. બિલકુલ એકલા, જેથી આપણે કોઇની સહાય ન લઇએ, કોઇ પયગંબરને વળગી ન પડીએ અને એથી આપણે એમ ન વિચારવા લાગીએ કે કોઇ ગૌતમ બુદ્ધ કે જિસસ આવીને આપણને બચાવી લેશે.
તેઓ સ્પષ્ટ કરે છે કે:
‘બીજો કોઇ માર્ગ નથી, ક્યાંય જવાનું નથી, કોઇ સલાહકાર નથી, કોઇ શિક્ષક નથી, કોઈ ગુરુ નથી. તમને કદાચ એવું લાગતું હશે કે આ બધું હું કહું છું તે સખત છે. કઠોર છે, પણ હું આ કરી રહ્યો છું કેમ કે હું તમને ચાહું છું અને જે લોકોએ આમ નથી કર્યું તેઓએ તમને પ્રેમ કર્યો નથી. તેઓએ તેમને પોતાને જ પ્રેમ કર્યો છે અને પોતાની આસપાસ એક મોટી ભીડ ઇચ્છી છે.’
(લેખકના તાજેતરમાં પ્રકાશિત પુસ્તક “ઓશોની આસપાસ” માંથી)
by Bhadrayu Vachhrajani | Aug 2, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

તમે ગમે તેટલી સાધના કરો પણ સાચી સફળતા તો તમે કેવી રીતે મરો છો તેના ઉપર આધારિત છે.
સ્વામીશ્રી વિવેકાનંદજી રચિત શ્રી રામકૃષ્ણ આરાર્તિકમના આઠમા પદ સુધી આપણી યાત્રા આવી પહોંચી છે. શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના હાલના અધ્યક્ષ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી પોતાના પુસ્તકમાં બહુ વિગતે આધાર સાથે વિહંગાવલોકન કરે છે.
સ્વામી વિવેકાનંદજી કહે છે, संपद तव श्री पद भव गौश्पद वरियथाय प्रेमार्पण समदर्शन जगजन दुखजाय. એટલે કે, મારા ચરણો જેઓની સંપદા છે તેઓ માટે ભવસાગર ગૌશપદનાં જળતુલ્ય થઈ જાય છે. હે પ્રેમાર્પણ, તમે સમદર્શી છો તેથી જગતના લોકોના દુઃખ દૂર થઈ જાય છે. શ્રી ના પતિ હોવાને કારણે ભગવાન વિષ્ણુના ચરણો શ્રીપદ કહેવાય છે. અને વિષ્ણુના અવતાર હોવાને કારણે શ્રી રામકૃષ્ણ દેવના ચરણો પણ શ્રીપદ છે. જે ભક્તો સાધારણ સંપદાની પરવાહ નથી કરતા શ્રી રામકૃષ્ણ દેવના શ્રીપદને જ પોતાની સંપદા ગણે છે તેમના શ્રી ચરણોમાં શરણ લે છે. તેમના માટે ભવસાગર તરવું એટલું જ સરળ બની જાય છે કે જેટલું ગૌશપદ એટલે કે ગાયના પગલાંમાંથી બનેલા ખાબોચિયાનું જળ પાર કરવું બને છે.
ભગવાન શ્રી રામે શરણાગત થયેલા વિભીષણનો સ્વીકાર કરતી વખતે કહ્યું, ‘कोटि विप्र लागहि जाहु आये शरण तजहु नाइ ताहू सन्मुख होइ जिव मोहि जबहि जनमकॉपी अद ना सही तबहु’. રામચરિત માનસમાંથી આ જે વિગત લીધી છે એનો અર્થ એવો થાય છે કે કરોડો બ્રાહ્મણોની હત્યા કર્યા પછી જો કોઈ મારે શરણે આવે તો પણ હું તેનો ત્યાગ નથી કરતો. મારી પાસે આવતા જ જીવના કરોડો જન્મોના પાપનો નાશ થઈ જાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને લક્ષ્ય કરી સમસ્ત માનવજાતને કહે છે, ‘सर्व धर्मान परित्यज्य मामेकं शरणं व्रजः अहं त्वाम सर्व पापेभ्य मोक्ष ईष्यामि मासूच.’ 18 માં અધ્યાયના 66માં શ્લોકમાં આવું કહ્યું છે. અર્થ એટલો છે કે, બધા ધર્મોનો ત્યાગ કરી તું માત્ર મારા એટલે કે સર્વ શક્તિમાન ઈશ્વરના શરણે આવી જા. હું તને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ. તું શોક છોડી દે. શ્રી મા શારદાદેવીએ અનેક વખત એવું આશ્વાસન આપ્યું હતું કે મને ઠાકુર કહેતા કે જેઓ મારી પ્રાર્થના કરે છે તેમના મૃત્યુ સમયે મારે તેમની પડખે ઊભું રહેવું પડશે. એ તેમના પોતાના શ્રીમુખના શબ્દો છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે, ‘જે વ્યક્તિ અંતકાળે મારું સ્મરણ કરતાં-કરતાં શરીરનો ત્યાગ કરે છે તે મારા સાક્ષાત સ્વરૂપને પામે છે એમાં કોઈ સંદેહ નથી.’
એકવાર રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજને એક ભક્તે આ વિશે સંદેહ વ્યક્ત કરતાં પૂછ્યું કે તેમનામાં તો હજી ઘણી કામનાઓ બાકી છે, તો તેઓ કેવી રીતે મુક્ત થઈ શકશે? પૂજ્ય મહારાજે સમજાવતા કહ્યું, માની લો અંતિમકાળે શ્રી રામકૃષ્ણ દેવ તમારી સમક્ષ હાજર થઈ ગયા તો તમે શું માંગશો? તેમના ચરણ કમળમાં ભક્તિ જ નહીં, તેમના દર્શન માત્રથી તમારી બધી કામનાઓ પોતાની મેળે દૂર થઈ જશે અને તમે મુક્ત થઈ જશો.
શ્રી રામકૃષ્ણ દેવના ભક્તોનો મૃત્યુના સમયનો અનુભવ અદભુત હતો. શ્રી રામકૃષ્ણ દેવના ગૃહસ્થ ભક્ત શ્રી નવગોપાલ ઘોષના પત્ની નિષ્કારીની ઘોષ પણ રામકૃષ્ણ દેવના પરમ ભક્ત. તેમણે એકવાર કહ્યું હતું, તમે ગમે તેટલી સાધના કરો પણ સાચી સફળતા તો તમે કેવી રીતે મરો છો તેના ઉપર આધારિત છે. તેમના પોતાના જીવનમાં તેમણે આ પુરવાર કર્યું. 20મી માર્ચ 1932 ના રોજ તેમણે શ્રી રામકૃષ્ણ દેવ ના ફોટા ને છાતી સરસો ચાંપીને તેમનું નામ લેતા-લેતા ગાઢ ધ્યાનાવસ્થામાં દેહ ત્યાગ કર્યો.
હાજરા મહાશય શ્રી રામકૃષ્ણ દેવની દિવ્ય લીલાના ખંડનાયકની ભૂમિકા ભજવતા. મિથ્યાચાર અને મિથ્યાભાષણ જાણે તેની રગરગમાં હતા. ક્યારેક તો શ્રી રામકૃષ્ણદેવને શિખામણ પણ આપતા. છ વર્ષો સુધી તેઓ દક્ષિણેશ્વરમાં રહ્યા. શ્રી રામકૃષ્ણ દેવના ઓરડાની સામેના વરંડામાં જપની માળ લઈને બેસી રહેતા અને શ્રી રામકૃષ્ણ દેવ પાસે જતા ભક્તોને પકડીને ધરાર પોતાના ઉપદેશ સંભળાવતા. એકવાર તો શ્રી રામકૃષ્ણ દેવ તેમને કપટ લીલાથી એટલા કંટાળી ગયા કે જગન માતાને પ્રાર્થના કરી. હે મા, જો હાજરા ઢોંગી હોય તો એને અહીંથી કાઢી મૂકો. થોડા દિવસ પછી હાજરા મહાશયને આ વાતની ખબર પડી અને તેઓ શ્રી ઠાકુરની પાસે આવીને કહેવા લાગ્યા.. જુઓ, હું તો અહીં જ છું, પણ હાજરા મહાશયને નરેન્દ્ર એટલે કે આપણા સ્વામી વિવેકાનંદની સાથે સારું બનતું. શ્રી રામકૃષ્ણ દેવ મજાકમાં પોતાની ગામઠી ભાષામાં કહેતા, હાજરા તો નરેન્દ્ર નો ફ્રેન્ડ છે. 1લી જુલાઈ 1986 ના રોજ કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણ દેવે જાણે કે કલ્પતરુ બની ભક્તો ઉપર આશીર્વાદ વરસાવ્યા. હાજરા મહાશય ત્યારે ગેરહાજર હતા. પાછળથી તેમને ખબર પડી ત્યારે તેઓ ખૂબ નિરાશ થઈ ગયા. અને તેમણે નરેન્દ્રનો સહારો લીધો. નરેન્દ્ર તરત જ તેમને રામકૃષ્ણ દેવના ઓરડામાં લઈ ગયા અને તેમના પર કૃપા વરસાવા કહ્યું. રામકૃષ્ણદેવ રાજી ન હતા. પણ નરેન્દ્રના દબાણથી તેમણે કરુણાવશ થઈને કહ્યું, ‘તેનો સમય હજુ પાક્યો નથી. મૃત્યુ સમયે તેને આશીર્વાદ મળશે.’ અને ખરેખર એ જ બન્યું. હાજરા મહાશય પોતાના ગામમાં રહેતા ત્યારે મૃત્યુના ત્રણ દિવસ પહેલા તેમને સાધારણ તાવ આવ્યો. આ સિવાય એમને કોઈ રોગ નહોતો. ત્રીજા દિવસના અંતે તેમણે પોતાની પત્નીને કહ્યું, ‘જો આવતીકાલે સવારે 9:00 વાગ્યે હું મરવાનો છું માટે ગામના લોકોને બોલાવી લે જે.’ તેમની પત્નીએ આ વાત ગંભીરતાથી લીધી નહિ. બીજે દિવસે સવારે ફરી હાજરા મહાશયે પોતાના મૃત્યુ વિશે ગામના લોકોને જણાવવા માટે કહ્યું. લોકોને જાણ થઈ, પણ કોઈએ આ વાત ગંભીરતાથી ન લીધી. થોડા લોકો હાજરા મહાશયના નવા ખેલની મજા જોવા ભેગા થયા. સવારે 8:30 વાગ્યે હાજરા મહાશયે જપમાળા પોતાના હાથમાં લીધી અને જપ કરવા મંડયા. અચાનક લોકોએ હાજરા મહાશયના ચહેરા પર કંઈક પરિવર્તન જોયું. જાણે તેઓ કોઈને જોઈ રહ્યા હોય એમ લાગ્યું. થોડીવારમાં હાજરા મહાશય બોલી ઉઠ્યા આવો… પધારો… હે ગુરુદેવ, આટલા વખત પછી મને યાદ કર્યો. પછી તેમણે પોતાની પત્નીને કહ્યું, જલ્દીથી એક આસન લાવ, જોતી નથી પરમહંસ દેવ આવ્યા છે. તેમના પત્ની તો કંઈ સમજી ન શક્યા. વારંવાર કહેવાથી ના છૂટકે એક આસન લાવીને પાથર્યું. થોડીવાર પછી હાજરા મહાશયે શ્રી રામકૃષ્ણદેવને સંબોધી હાથ જોડીને કહ્યું, ‘ગુરુદેવ તમારી મારા પર આટલી બધી કૃપા છે, હવે થોડી વધુ કૃપા કરો. મારી સાથે આંગણામાં તુલસીનાં ક્યારા સુધી આવો. હું ત્યાં જ મારો દેહ છોડવા માંગુ છું.’ શ્રી રામકૃષ્ણ દેવની સંમતિ મેળવી તેમણે પોતાની પત્નીને આસન તુલસીના ક્યારા સુધી લઈ જવા કહ્યું. તેઓ પોતે પણ ત્યાં પથારીમાં સુતા-સુતા જપ કરવા લાગ્યા. થોડીવાર પછી હરિ… હરિ… હરિ… એમ ત્રણ વાર બોલીને તેમણે છેલ્લો શ્વાસ લીધો. ગામનાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક મહાત્માને છાજે તેવી રીતે તેઓએ તેમના અગ્નિસંસ્કારની તૈયારી કરી. શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી હાજરા મહાશય ખલનાયકમાંથી મહાત્મા બની ગયા.
by Bhadrayu Vachhrajani | Jul 27, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ખ્રિસ્તી સાધુ પ્રભુ દયાલ મિશ્ર, વિલિયમ્સ અને શીખ સિપાહી કુંવરસિંહ, ગેરાતલા મસ્જીદનાં મુસ્લિમ ફકીર, સર્વ ઉપર શ્રી ઠાકુરની સમાન કૃપા વરસે છે.
રસિક મહેતર ભલે દારૂડિયો હતો પણ શ્રી રામકૃષ્ણ દેવ નો ચાહક હતો. એ જોતો કે શ્રી રામકૃષ્ણ દેવ પાસે અનેક લોકો આવજા કરે છે. રોજબરોજના ઈશ્વરીય પ્રસંગો, કથા-વાર્તા, ભજન-કીર્તનથી ગુંજતા શ્રી રામકૃષ્ણ દેવના ઓરડાને જોઈને એક મુક વેદના રસિક ના મોમાં ઘુમરાયા કરતી. એને થતું એના એવા નસીબ ક્યાંથી કે તે શ્રી રામકૃષ્ણ દેવની કૃપા પામે અથવા એમનો ચરણસ્પર્શ કરે. એક દિવસ રામકૃષ્ણદેવ શૌચક્રિયા પતાવી પોતાના ઓરડા ભણી પાછા ફરી રહ્યા હતા. હજુ પંચવટી પાસે પહોંચ્યા જ હતા ત્યાં તો રસિક લાંબો થઈ ભોય ઉપર આળોટી પડ્યો અને શ્રી રામકૃષ્ણ દેવના પવિત્ર ચરણ પકડી આદ્ર સ્વરે પોતાના મનની વ્યથા વ્યક્ત કરવા લાગ્યો. મારું શું થશે? મારું શું થશે? રામકૃષ્ણદેવ અચાનક આ જોઈને ચમક્યા પણ એ તો દેવ એ જ પળે સમાધિષ્ઠ થઈ ગયા. રસિકની આંખોમાંથી તો આંસુની ધાર.. સમાધિ અવસ્થામાંથી સહજ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી શ્રી રામકૃષ્ણ દેવે શાંત્વના આપતા કહ્યું, ‘ચિંતા કરીશ નહીં, તારું બધું જ થઈ ગયું છે. અંત સમયે હું તને તેડી જઈશ.’ અને એવું જ બન્યું. મૃત્યુની થોડીવાર પહેલા રસિકે પોતાની પથારી ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે લઈ જવાનું કહ્યું. મૃત્યુની પળે રસિક પોકારી ઉઠ્યો, ‘બાબા તમે અહીં સાચે જ આવ્યા છો બાબા?,’ એમ કહેતા-કહેતા રસિકે છેલ્લો શ્વાસ લીધો. ઘણા યાત્રિકો દક્ષિણેશ્વરના દર્શને જાય ત્યારે આ સ્થળ જોવા માટે આજે પણ જાય છે. શ્રી રામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજ રસિક મહેતરનો પ્રસંગ સંભળાવતા કહે છે કે જે કોઈ વ્યક્તિ શ્રી રામકૃષ્ણદેવ ને શરણાગત થશે તે અવશ્ય મુક્તિ પામશે.
ઈશ્વર અહૈતુક કૃપાસિંધુ છે. નાત-જાતના ભેદભાવ વગર શરણાગતોની રક્ષા કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, ‘माम ही पार्थ व्यापाशित्य येपि शिव पप्योःनाहया स्त्रीओ, वैश्या तथा शूद्रा तदपि यान्ति परागतिम.’ હે અર્જુન સ્ત્રી, વૈશ્ય, શુદ્ર અને પાપ યોનીમાં જન્મેલ વ્યક્તિ પણ જો મારે શરણે આવે છે તો તેને પરમગતિ મળે છે. શ્રી રામકૃષ્ણ અવતારમાં તો જાણે ઈશ્વરની શરણાગત વત્સલતા ચરમસીમાએ પહોંચે છે. અહૈતુક કૃપાસિંધુ શ્રી રામકૃષ્ણ કોઈપણ જાતના ભેદભાવ વગર ભક્તો પાસેથી સાધનની કોઈપણ અપેક્ષા રાખ્યા વગર કૃપા વરસાવ્યા કરે છે.
निष्करण भक्तशरण त्यजि जाती कुल माँ’. હે પ્રભુ, તમે જાતિ, કુળ, માન વગેરે કોઈ પણ જાતના ભેદભાવ વગર શરણાગતો ઉપર અહૈતુક કૃપા કરો છો તેથી અમને દૃઢ નિશ્ચય થઈ ગયો છે કે અમારી રક્ષા થશે. અમે શંસયરહિત, ભયરહિત, થઈ ગયા છીએ…. આરતીની આ પંક્તિ નો ભાવાર્થ આમ છે.
નરેન્દ્ર, બાબુરામ, વગેરે શુદ્ધ નિર્મળ ત્યાગી સંતાનો પર તેઓ પોતાના પ્રેમનો વરસાદ કરે છે. ગિરીશ ઘોષ, પદ્મ વિનોદ, કૃષ્ણ દત્ત, બિહારી, વગેરે દારૂડિયાઓ મનમત જેવા ગુંડાઓ, તેલો, ભેલો, વગડાના વાળુ, ડાકુ જેવા પર પણ કૃપા કરે છે. ગૌરીમા, યોગીનમા, ગુલાબમા, વગેરે ઉચ્ચ કોટીની સાધિકાઓ પર પોતાની કૃપા વરસાવે છે અને સમાજમાં તિરસ્કાર પામેલ લક્ષ્મીબાઈ અને રમણી જેવી ગણિકાઓ ને નટી વિનોદિની જેવી અભિનેત્રીઓને, વૃંદા અને ભગવતી જેવી દાસીઓને પણ તેઓ શરણ આપે છે. દાયણ, ધની લુહારણ, ખેતીની મા, વગેરે નિમ્ન કુળની સ્ત્રીઓ પર પણ પોતાનો પ્રેમ અપાર વરસાવે છે. રાણી રાસ મણીના જમાઈ મથુરબાબુ, લક્ષ્મીનારાયણ મારવાડી, એવા કેટલાય ધનાઢ્યો તેમની કૃપાના પાત્ર બન્યા છે. તો દેવઘરના કંગાલો, રાણાઘાટના દરિદ્ર ખેડૂતો, શ્રી દેવેન્દ્રનાથ મજુમદાર જેવા ગરીબ ભક્તો પણ તેમની કૃપા પામ્યા છે. વૈશ્રવણચરણ, ગૌરીપંડિત, નારાયણશાસ્ત્રી, પદ્મલોચન જેવા પંડિતોને કેશવચંદ્ર સેન, શિવનાથ શાસ્ત્રી જેવા બ્રહ્મસમાજના નેતાઓને, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ શ્રી અધરલાલ સેન, કેપ્ટ્ન જેવા સરકારી અમલદારોને, અનેક દાક્તરોને અને સમાજમાં સુપ્રતિષ્ઠ વ્યક્તિઓને શ્રીરામકૃષ્ણદેવ જેટલો પ્રેમ કરતા એટલો જ પ્રેમ રસિક મહેતર, દક્ષિણેશ્વર મંદિરના દરવાન હનુમાનસિંહ, માળી ભાત્રાભારી, રસોયા ઈશ્વર ચાટુજય, કામરપુકુરના શંભુ કુમાર, મધુ જુંગી, ચંડા ઓઝો, કાશીપુરના રસોયા ગાંગુલી, મીઠાઇવાળા ફાગુ, ઘોડિયાવાળા વેણી શાહ, વગેરેને પણ તેઓ એટલો જ પ્રેમ કરતા. સર્વ ધર્મના અનુયાયીઓ પર તેમની કૃપા સમાન રૂપે વરસતી. ખ્રિસ્તી ધર્મના સાધુ પ્રભુ દયાલ મિશ્ર અને વિલિયમ્સ અને શીખ સિપાહી કુંવરસિંહ, ગેરાતલા મસ્જીદનાં મુસ્લિમ ફકીર, સર્વ ઉપર દેવની સમાન કૃપા વરસે છે.
એકવાર રામકૃષ્ણ મઠ અને મિશનના દસમાં પરમાધ્યક્ષ શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજીને કેટલાક બ્રહ્મચારીઓએ વિનંતી કરી કે મહારાજ આપે તો શ્રી મા શારદા દેવી પાસેથી મંત્ર દીક્ષા મેળવવી છે. અમને આપના મુખેથી એમની વાતો સાંભળવી છે. પહેલા તો પૂજ્ય મહારાજે વાત નકારતા કહ્યું, એ બધી વાતો તમને શ્રી મા વિશે પ્રકાશિત પુસ્તકોમાંથી મળી આવશે. તો પણ તમે આટલો આગ્રહ કરો છો તો શ્રી મા એ કહેલી અત્યંત મૂલ્યવાન એક વાત તમને કહી દઉં. શ્રી મા શારદાદેવી કહેતા કે આ વખતે શ્રી રામકૃષ્ણ દેવે આવી કૃપાના દરવાજા ખોલી નાખ્યા છે. એનો અર્થ સમજવા જેવો છે. આ પહેલા ગર્ભ મંદિરમાં સ્થપાયેલ ઈશ્વરની મૂર્તિના દર્શન કરવા દરવાજા ઉઘાડવા પડતા, તાળું ખોલવું પડતું, પણ શ્રી રામકૃષ્ણ દેવના આગમનથી હવે આ દર્શન અત્યંત સુલભ થઇ ગયા છે. તાળું ખુલી ગયું છે, દરવાજા માત્ર વાસેલા છે, માત્ર એક ધક્કો દેવાથી ખુલી જશે. એકવાર એક ભક્તે શ્રી મા શારદા દેવીને કહ્યું, ‘મા મને બહુ ડર લાગે છે.’ મા એ કહ્યું, દીકરા, તે શ્રી રામકૃષ્ણ દેવનું શરણ લીધું છે પછી ભય શેનો? જો શરણાગતની રક્ષા તેઓ ન કરે તો તો એ તેમનો મહા અપરાધ થશે. તો પછી હવે આપણને ભય શેનો?
ચાલો શંસયરહિત થઈએ, ચિંતા મુક્ત થઈએ, અને શ્રી રામકૃષ્ણ દેવના શરણમાં જતા રહીએ.
by Bhadrayu Vachhrajani | Jul 19, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી ઠાકુર પોતાના વિશે બોલતી વખતે ‘હું’ એમ કહી શકતા નહી. પોતાના દેહ તરફ આંગળી ચીંધીને ‘અહીં’ અથવા ‘આને’ એમ કહેતા.
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની તેર મી અને ચૌદ મી પંક્તિઓમાં સ્વામી શ્રી વિવેકાનંદજી બહુ જ ગુઢાર્થ સાથે બે વાતો કહે છે.
निर्भय गतसंसय दृढ़निश्चय मानसवान निष्कारण भक्त शरण त्यजि जाती कुल मान.
સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદ્જી બે અર્થ કરી આપે છે,,,.
એક તો ‘હે પ્રભુ તમે નિર્ભય છો, તમે સંશય રહિત થઈ ગયા છો, તમે દૃઢ નિશ્ચયવાળું મન ધરાવો છો, તમે કારણ રહીત છો, ભક્તોના શરણરૂપ છો, તમે જાતિ અને કુળ નું અભિમાન ફગાવી દીધું છે.’
બીજો અર્થ આવો પણ થઈ શકે, ‘હે પ્રભુ, તમે જાતિ-કુળનો ભેદભાવ રાખ્યા વગર વિના કારણે સૌ ભક્તોને શરણ આપો છો તેથી અમે નિર્ભય થઈ ગયા છીએ. અમારા સંશયો જતા રહ્યા છે. અમે હવે દૃઢ નિશ્ચયવાળું મન ધરાવતા થઈ ગયા છીએ.’
બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્કય જનકને કહે છે, ‘अभयं वई प्राप्तोसी जनक्य’ જનક, તમે અભયને પામ્યા છો. બસ, એમ જ નાનપણથી જ શ્રી રામકૃષ્ણ દેવ નીડર હતા. કામારપુકુર ગામના સ્મશાનમાં મધરાતે ઊંડા ધ્યાનમાં મગ્ન રહેતા, નીડરતાથી સત્યનું પાલન કરતા, ધનવાન કે મોટા માણસો એવી પરવાહ કરતા નહીં અને નીડરતાથી પોતાના સિદ્ધાંતો પ્રમાણે વર્તન કરતા હતા.
શ્રી રામકૃષ્ણ દેવનું મન નાનપણથી જ દૃઢ નિશ્ચયવાળું હતું. ઉપનયન વખતે એમણે જીદ લીધી કે પ્રથમ ભિક્ષા ધની લુહારણ પાસેથી જ લેશે. ઘણા લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, આવા ઉચ્ચ વંશીય બ્રાહ્મણ હોવા છતાં નિમ્ન જાતિની સ્ત્રી પાસેથી જો તે પ્રથમ ભિક્ષા ગ્રહણ કરશે તો બ્રાહ્મણ ધર્મ નષ્ટ પામશે. પણ નાના બાળક ગદાઘરનો તર્ક હતો કે તેમણે ધની લુહારણ ને વચન આપ્યું છે કે તેના હાથેથી જ પ્રથમ ભિક્ષા ગ્રહણ કરશે. જો હવે તેઓ આ સત્યનું પાલન ન કરે તો બ્રાહ્મણનો મુખ્ય ધર્મ સત્ય પાલન નહીં સચવાય. તો પછી ઉપનયન સંસ્કારથી લાભ શું થશે? છેવટે સગા-વ્હાલાઓએ નમતું જોખવું પડ્યું.
તોતાપુરી પાસેથી અદ્વૈત વેદાંતની સાધના શીખવાની ભૈરવી બ્રાહ્મણીએ શ્રી રામકૃષ્ણ દેવને ના પાડી હતી. આથી તેના ભક્તિભાવને હાનિ પહોંચશે એવું માનીને તેમણે આમ કહેલું. પણ શ્રી રામકૃષ્ણ દેવ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા. અદ્વૈત વેદાંતની ચરમસીમા નિર્વિકલ્પમાં આરૂઢ થયા. પોતાની ભક્તિને આંચ આવવા ન દીઘી એટલું જ નહીં, તોતાપુરીને પણ જગન માતાના ભક્ત બનાવી દીધી. શ્રી રામકૃષ્ણદેવ કહેતા, ‘હું અને મારું એ જ અજ્ઞાન.’ કાચા આમી એટલે કાચો અહમ, અને પાકા આમી એટલે પાકો અહમ. કાચો આમી કહે છે હું અમુક જાતિનો છું, અમુક કુળનો છું, હું આટલો બુદ્ધિમાન છું, મારી પાસે આટલું ધન છે, આવડો મોટો બંગલો છે, વગેરે વગેરે… પાકો અહમ કહે છે કે હું ઈશ્વરનો દાસ છું, સેવક છું, વગેરે વગેરે… પોતાના જીવન દ્વારા શ્રી રામકૃષ્ણ દેવે પ્રદર્શિત કર્યું કે મનુષ્ય કેટલી હદ સુધી નિરહંકારી રહી શકે અને કેવી રીતે અહમના સકંજામાંથી નીકળી શકે. આવી અદભુત નિરહંકારીતા વિશ્વના ઇતિહાસમાં અન્યત્ર જોવા મળતી નથી.
દક્ષિણેશ્વરના મંદિરની નજીક વસતા ભંગીના ઘરમાં શ્રી રામકૃષ્ણ દેવ મધરાતે જતા. પોતાના માથાનાં લાંબા વાળથી તેનું આંગણું સાફ કરતા. અને સાથે-સાથે પ્રાર્થના કરતા ‘હે જગનમાતા, મને ભંગીનોય નોકર બનાવી દે, મને એ અનુભવ કરવા દે કે હું એ લોકોના કરતાંય ઉતરતો છું.’ ક્યારેક તો મંદિરના કર્મચારીઓના જાજરૂ પણ પોતાના લાંબા વાળથી સાફ કરતા. મંદિરમાં ભિખારીઓ જયારે જમીને પરવારતા ત્યારે તેની એંઠી પાતરો પોતાના માથા પર લઈ જતા. આવી રીતે સાધના કરતા-કરતા એવી અવસ્થા આવી કે, તેમનામાં અહમ લેશમાત્ર રહ્યો નહીં. પોતાના વિશે બોલતી વખતે ‘હું’ એમ કહી શકતા નહી. પોતાના દેહ તરફ આંગળી ચીંધીને ‘અહીં’ અથવા ‘આને’ એમ કહેતા. નામ યશની લેશમાત્ર સ્પૃહા શ્રી રામકૃષ્ણ દેવના મનમાં ન હતી. બ્રહ્મ સમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન તેમના પરમ અનુયાયી હતા. તેમની પ્રશંસા પોતાના સામાયિકોમાં પ્રકાશિત કરતા. શ્રી રામકૃષ્ણ દેવને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે આમ કરવાની ના પાડી. શ્રી કેશવચંદ્ર સેને જયારે કહ્યું કે આ બધી વાતો લોકોને ખબર પડવાથી તેઓનું કલ્યાણ થશે ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે ઉચ્ચ ભાવાવસ્થામાં આવીને કહ્યું, અહીનો એટલે કે મારો સંદેશો ફેલાવવાનો સમય હજી આવ્યો નથી. આ વિચારો પછીથી પોતાની મેળે જ સમસ્ત જગતમાં ફેલાશે, સેંકડો હિમાલયો પણ તે શક્તિને ખાળી શકશે નહિ. આટલું કહેતા તો તે દેવસમાધિમાં ચાલ્યા ગયા હતા.
શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી પ્રેમાનંદજી એકવાર દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ દેવનાં ઓરડામાં સુતા હતા. મધરાતે તેમની ઊંઘ ઉડી ગઇ. જોયું તો રામકૃષ્ણ દેવ ઉન્માદની જેમ ઓરડામાં માથા મારી રહ્યા હતા અને કહી રહ્યા હતા, મા, આ કીર્તિનું પોટલું પાછું લઈ જા. મારે નામ, યશ નથી જોતા. દઈશ નહિ… દઈશ નહિ… માં હું એ પોટલાં ઉપર થુકું છું. એકવાર કૈલાશ ડોક્ટર દક્ષિણેશ્વરનાં મંદિરમાં આવ્યા. બગીચામાં ભાતભાતનાં ફૂલો જોઈ આનંદિત થયા. બગીચાની પાસે લટાર મારતો એક માણસ હતો. તેને માળી સમજી તેને બે-ચાર ફૂલો ચૂંટી આપવાનું કહ્યું. એ માળી જેવા માણસે નમ્રતા પૂર્વક ફૂલો આપ્યા. થોડા દિવસ પછી પરમહંસ દેવનું નામ સાંભળી તેમના દર્શન કરવા આવ્યા ત્યારે તેઓ લજ્જિત થઈ ગયા. કારણ કે જેમની પાસેથી એમણે ફુલ માંગ્યા હતા તે અન્ય કોઈ નહીં પણ શ્રી રામકૃષ્ણ દેવ હતા.
એકવાર કોનનગરના એક પ્રસિદ્ધ ન્યયાયિક પંડિત દીનબંધુ શ્રી રામકૃષ્ણ દેવને મળવા આવ્યા. શ્રી રામકૃષ્ણ દેવે તેમને નમસ્કાર કર્યા. પંડિતજી એ નમસ્કાર કરવાને બદલે પૂછ્યું, આપ શું અમારા પ્રણામને યોગ્ય છો? રામકૃષ્ણ દેવે કહ્યું, હું તો બધાનો દાસ છું. મારા મતે સૌ પ્રણામ કરવાને યોગ્ય છે. પંડિતજી એ ફરી પૂછ્યું, આપે મારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો. મારો પ્રશ્ન છે, આપ મારા પ્રણામને યોગ્ય છો કે નહિ? શ્રી રામકૃષ્ણ દેવ બોલ્યા, આ વિશ્વસૃષ્ટિમાં હું પોતાને સૌથી નાનો માનું છું. સૌનો દાસાનુદાસ છું. મારા માટે સૌ પ્રણમ્ય છે. પંડિતજીએ નારાજગીથી કહ્યું, મારો પ્રશ્ન હજી તમે સમજતા નથી. આપના ગળામાં યજ્ઞ પવિત નથી માટે આપ બ્રાહ્મણોના પ્રણમ્ય નથી. પણ જો આપ સંન્યાસી હોવ તો આપ પ્રણમ્ય છો. એટલે પૂછું છું કે શું આપ સંન્યાસી છો? પણ શ્રી રામકૃષ્ણ દેવે ફરી એનો એ જ જવાબ આપ્યો, હું સંન્યાસી છું એમ તેઓ કહી ન શક્યા. આમ અનેક પ્રકારના દુઃખોને નિર્ભય થઈને પડકારોની સામે અભય રહીને જીવન જીવનારા શ્રી રામકૃષ્ણ દેવ ની આરતી માં રામકૃષ્ણ દેવ માટે સ્વામી શ્રી વિવેકાનંદે निर्भय गतसंसय એવો પ્રયોગ કર્યો છે.
by Bhadrayu Vachhrajani | Jul 17, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

‘હે મા… હે મા… તું આવા લોકોને અહીં મોકલે છે કેમ ? મને પ્રલોભનમાં નાખી તારાથી અલગ કરી દેવા ?
એકવાર શ્રી રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠાં હતા ત્યારે લક્ષ્મીનારાયણ નામનાં એક મારવાડી શેઠ ત્યાં આવ્યા. બિછાના પરની મેલી ચાદર જોઈને તેમણે કહ્યું, અહીં બંગાળમાં લોકો સાધુ સેવાનું મહત્વ સમજતા નથી એટલે આ મેલી ચાદર રાખેલ છે. અમારા દેશમાં તો અમે લોકો સાધુ સેવા માટે કાયમી વ્યવસ્થા કરીએ છીએ. મેં નક્કી કર્યું છે કે, આપના નામે 10,000 રૂપિયા જમા કરાવી દઈશ. આથી દર મહિને લગભગ રૂપિયા 40નું વ્યાજ આપને મળ્યા કરશે. અને આપની સેવા સારી રીતે થઈ શકે તેની કાયમી વ્યવસ્થા થઈ જશે. આ વાત સાંભળતા જ શ્રી રામકૃષ્ણ દેવ જાણે માથા પર લાકડીનો ફટકો પડ્યો હોય એમ બેશુદ્ધ થઈ ગયા. ભાનમાં આવતા ની સાથે તેણે શેઠજીને કહ્યું, ‘એવી વાત જો હવે ફરીથી બોલવી હોય તો અહીં આવશો નહીં . મારાથી રૂપિયાને અડી શકાતું નથી. તેમ પાસે રાખી શકાતો નથી. શેઠજી કુશાગ્ર બુદ્ધિવાળા હતાં. તેમણે કહ્યું, ત્યારે તો હજીયે આપને ત્યાજ્ય ગ્રાહ્ય છે. શેઠજીએ ફરી એ રૂપિયા હૃદયરામ નામના એક રામકૃષ્ણદેવના ભાણેજ સેવક દ્વારા રાખીને મોકલ્યા અને રાખવાનું કહ્યું. શ્રી રામકૃષ્ણદેવે આ વાતનો અસ્વીકાર કરતા કહ્યું, ‘મારે એને કહેવું પડશે કે આને રહેવા દે, આને દે, પેલાને દે, એ મુજબ એ ન આપે તો મને ગુસ્સો ચડે. માટે એ બનવાનું જ નથી. રૂપિયા પાસે હોય એ ખરાબ છે. શેઠજી એ દિવસે પોતાના પ્રયત્નોમાં નિષ્ફળ થઈ ગયા, પણ તેમણે એક નવી તરકીબ વિચારી. અન્ય એક દિવસે કોથળીમાં 10,000 રૂપિયા ભરીને રામકૃષ્ણ દેવ પાસે પહોંચ્યા અને રૂપિયા રાખી લેવા માટે વિનવણી કરી. રામકૃષ્ણ દેવે ફરી અસ્વીકાર કર્યો. ત્યારે શેઠજીએ પ્રસ્તાવ મૂક્યો કે આ રૂપિયા તેમના ધર્મ પત્ની શ્રી મા શારદા દેવીને દેવામાં આવે. શ્રી રામકૃષ્ણ દેવ મા શારદા દેવી ની પરીક્ષા લેવાના ઈરાદાથી શેઠજી સાથે નોબત ખાનામાં તેમની પાસે ગયા અને કહેવા લાગ્યા, ‘આ શેઠજી 10,000 રૂપિયા આપવા આવ્યા છે, મેં લેવાની ના પાડી, પણ તમારે રાખવા હોય તો રાખી શકો છો. સરસ મજાના ઘરેણા કરાવી શકો.’ શ્રી મા એ અંદરથી જવાબ આપ્યો, ‘મારે ઘરેણાં વગેરે કઈ નથી જોઈતું. હું જો આ રૂપિયા રાખીશ તો તમારી જ સેવામાં લાગશે. મારું ગ્રહણ કરવું એ તમે ગ્રહણ કર્યા બરાબર જ દેખાશે. તમે જ્યારે આ રૂપિયાનો અસ્વીકાર કર્યો તો હું કેવી રીતે સ્વીકાર કરું?’ શેઠજી વિલે મોઢે શ્રી રામકૃષ્ણ દેવના ઓરડામાં પાછા ફર્યા. સાધુને દાન કરવાના સંકલ્પ સાથે લાવેલા રૂપિયાની કોથળી પાછી લઈ જતા તેમને સંકોચ થયો એટલે તેમણે શ્રી રામકૃષ્ણદેવને કહ્યું, ‘આ રૂપિયા હું દાન કરવાના ઉદ્દેશથી લાવ્યો છું, માટે મારાથી પાછા લઈ જવાય નહીં. આ કોથળી ભલે અહીંયા રહી. આ સાંભળતા જ શ્રી રામકૃષ્ણદેવ પોક મૂકીને રડવા મંડ્યા, અને જગતમાતાને પ્રાર્થના કરવા લાગ્યા. ‘ હે મા… હે મા… તું આવા લોકોને અહીં મોકલે છે કેમ ? મને પ્રલોભનમાં નાખી તારાથી અલગ કરી દેવા ? આ તો મારા શત્રુ છે. આટલું કહેતા-કહેતા તો તેઓ સમાધિષ્ઠ થઈ ગયા. શેઠજી તો હતપ્રભ થઈ ગયા. શ્રી રામકૃષ્ણદેવને જ્યારે બાહ્ય જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે શેઠ બે હાથ જોડી વિનવવા લાગ્યા, ‘મહારાજ અપરાધ માટે ક્ષમા કરો. મારો ઉદ્દેશ આપને પ્રલોભનમાં નાખવાનો નહોતો. હવે આવું કદી નહિ કરું.’ આમ કહીને તેઓ રડ્યા. શ્રી રામકૃષ્ણદેવે આશ્વાશન આપીને તેમને શાંત કર્યા.
શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી તેમનાં સંન્યાસી શિષ્યો સ્વામી વિવેકાનંદજી, સ્વામી અખંડાનંદજી વગેરે પરિવ્રજક રૂપે ભ્રમણ કરવા લાગ્યા. 1889 ની વાત પોતાના પુસ્તક “શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ” માં સ્વામી શ્રી નિખિલેશ્વરા નંદજી કરે છે. સ્વામી અખંડાનંદજી કેદારબદ્રીના દર્શન માટે હિમાલયના પંથે દિલ્હી પહોંચ્યા. એક સવારે ત્યાંના એક બગીચાની બેન્ચ ઉપર બેઠા હતા ત્યારે એક શેઠજીએ તેમને પ્રણામ કર્યા અને ભેટ રૂપે તેમના ચરણોમાં થોડા પૈસા મૂક્યાં. સ્વામી અખંડાનંદજીએ પૈસા નો અસ્વીકાર કરતા કહ્યું, ‘મેં વ્રત લીધું છે, પૈસાનો સ્પર્શ કર્યા વગર જ ભ્રમણ કરીશ. મારા ગુરુદેવ પૈસાનો સ્પર્શ કે ધાતુનો સ્પર્શ કરતાં ન હતા.’ શેઠજીએ ઉત્સુકતાથી પૂછ્યું, ‘કોણ છે આપના ગુરુદેવ’? સ્વામી અખંડાનંદજીએ કહ્યું, ‘શ્રી રામકૃષ્ણ પરમહંસ’. એકવાર એક મારવાડી શેઠ 10 હજાર રૂપિયા તેને દેવા આવ્યા પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો. શેઠજી તો આનંદમાં આવી ગયા. અને ફરી તેમને પ્રણામ કરી કહ્યું, ‘વાહ રે વાહ… જેસા ગુરુ વૈસા ચેલા…’ હું જ એ લક્ષ્મીનારાયણ છું. ત્યારે બળજબરીથી રૂપિયા આપવા જતા મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. સ્વામી અખંડાનંદજી પણ અહીં દિલ્હીમાં અજાણી જગ્યાએ શ્રી રામકૃષ્ણદેવના ભક્તને મળીને આનંદિત થયા. શેઠજી તેમને વાતો કરતા -કરતા પોતાને ઘેર લઈ ગયા અને અતિથિ સત્કાર કર્યો. આજથી 100 વર્ષો પૂર્વે દસ હજાર રૂપિયાની કિંમત ઓછામાં ઓછી 10 લાખ હતી. પણ આવડી મોટી રકમનો શ્રી રામકૃષ્ણ દેવે તણખલાની જેમ ત્યાગ કર્યો. એવું નથી કે શ્રી રામકૃષ્ણદેવને આર્થિક તંગી ન હતી. કાલીમંદિરના પુજારીનાં કાર્ય માટે તેમને મહિને માત્ર સાત રૂપિયા વેતન મળતું. જો કે તેમણે ક્યારેય આ પગાર માટે હસ્તાક્ષર કર્યા ન હતાં. ક્યારેક તો દૂધના પૈસા પણ દેવાના બાકી હતા. એકવાર સિંધના મહેન્દ્ર વૈદ્ય રામલાલદાદાને પાંચ રૂપિયા આપી ગયેલા. રામલાલદાદાએ જ્યારે શ્રી રામકૃષ્ણ દેવને આ વાત કરી ત્યારે તેમને પૂછ્યું, ‘કોના માટે આપ્યા છે? તેમણે કહ્યું, ‘અહીને માટે…’ શ્રી રામકૃષ્ણદેવે પાછળથી આ વિષે કહ્યું હતું કે, પહેલા તો મેં ધાર્યું કે દૂધના દેવાના બાકી છે તે દેવાઈ જશે. પણ હોય મા.. અઢી વાગ્યે જાગી ઉઠ્યો. છાતીમાં જાણે બિલાડી નોર મારી રહી હતી. એટલે રામલાલની પાસે જઈને મેં વળી પાછું પૂછ્યું, ‘એ પૈસા તારી કાકીને તો નથી આપી ગયો ને?, તેમણે કહ્યું ના.. ત્યારે મેં તેને કહ્યું, ‘તું અત્યારે ને અત્યારે પાછા આપી આવ.’ ત્યાર પછી રામલાલ તે રૂપિયા પાછા દઈ આવ્યો ત્યારે મનને શાંતિ થઈ.
એકવાર શ્રી મા શારદા દેવીએ શ્રી રામકૃષ્ણદેવને પૂછ્યું, તમે મને કઈ દૃષ્ટિથી જુઓ છો? શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, જે મા ત્યાં મંદિરમાં છે, એ જ મા ચંદ્રામણી દેવી એટલે કે તેમની ગર્ભ ધારિણી માતા નોબત ખાનામાં ઉપર રહે છે. તે જ મા હમણાં મારી સામે બેઠા છે. ખરું કહું છું, તમારામાં અને જગત માતામાં હું કાંઈ ભેદ જોતો નથી. શ્રી રામકૃષ્ણદેવ આમ ફક્ત મોઢેથી જ બોલ્યા એટલું જ નહિ, કાલહારિણી કાળી પૂજાની રાતે પોતાની પત્ની મા શારદા દેવીની સોળશી મહાવિદ્યાના રૂપમાં પૂજા કરી. સમસ્ત જીવન તેમની સાથે પવિત્ર સંબંધ રાખ્યો. વિશ્વના ઇતિહાસમાં ક્યાંય કાંચનકામીની નો આવો અદભુત ત્યાગ જોવા નથી મળ્યો. તેઓ ખરેખર ત્યાગીઓના બાદશાહ હતા. એટલે જ સ્વામી વિવેકાનંદજીએ શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની 11મી અને 12મી પંક્તિમાં वंचन कामकांचन अति निंदित इन्द्रिय राग त्यागेश्वर हे नरवर दैहो पदे अनुराग. તમે અતિ નિંદ્રિત ઈંદ્રિયાશક્તિ તથા કામકાંચનનો ત્યાગ કર્યો છે. હે ત્યાગીશ્રેષ્ઠ નરદેવ, મને તમારા ચરણોમાં ભક્તિ આપો.
by Bhadrayu Vachhrajani | Jul 7, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

હે પ્રભુ, તમે જગતનાં ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે, તમે કળિયુગનાં બંધનો તોડી નાખો.
સ્વામી વિવેકાનંદજીએ શ્રી રામકૃષ્ણ આરાર્તિકમમાં કહે છે,
प्ररार्पण जगत तारण कृंतन कलिडोर. હે પ્રભુ, તમે જગતનાં ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે, તમે કળિયુગનાં બંધનો તોડી નાખો.
સ્વામી શ્રી પ્રેમાનંદજી એ એક વાત નોંધી છે.
એકવાર હાજરા એ શ્રી રામકૃષ્ણ દેવને કહ્યું, “નરેન્દ્રને જોવા તમે આટલા વ્યાકુળ કેમ રહો છો? ભગવાનમાં તમારું મન લગાડો. આ બધા છોકરાઓનો વિચાર છોડી દો.” એક નાના સરળ બાળકની જેમ શ્રી રામકૃષ્ણ દેવે હાજરા ની વાત માની લીધી અને દક્ષિણેશ્વરમાં પંચવટી તટે ગયા. ત્યાં જગનમાતાએ દર્શન આપી તેમને કહ્યું, ‘તું કેવો મૂર્ખ છે ! શરમ નથી આવતી, તું આ જગતમાં કેવળ પોતાના સુખને માટે આવ્યો છે?’ ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, ‘મા, જો માનવના કલ્યાણ માટે મારે લાખો વાર દુઃખ સહન કરવા પડે તો હું ખુશીથી તેમ કરીશ.’ આ વાતને માંડ છ મહિના થયા હશે ત્યાં જ તેમને કેન્સર થઈ ગયું. તેઓ માંડ-માંડ ધીમા અવાજમાં બોલી શકતા, ભૂખ્યા હોવા છતાં કંઈ ખાઈ શકતા નહીં. બેસતી વખતે કે સુતી વખતે કોઈપણ અવસ્થામાં પીડામાંથી રાહત મળતી નહીં. દિવસ-રાત સમસ્ત દેહમા ભયંકર બળતરા થતી. આટલી ભયંકર યાતના હોવા છતાં ક્યારેય લોકો પર કૃપા વરસાવાનું અને તેઓને ઈશ્વરના પંથે અગ્રેસર કરવાનું તેમણે બંધ નહીં કર્યું. આવું લગભગ લગભગ દોઢેક વર્ષ ચાલ્યું.
સ્વામીશ્રી નિખિલેશ્વરનંદજી લખે છે કે, છેલ્લા દોઢ વર્ષ શ્રી રામકૃષ્ણ દેવે પોતાના દેહમાં જે પીડા ભોગવી છે તેનું તો વર્ણન અશક્ય છે. છ મહિના માટે તેમનો નિત્ય આહાર હતો જવનું પાણી. એ પણ અત્યંત કષ્ટપૂર્વક ગળાની અંદર તેઓ ઉતારી શકતા હતા. શ્રી રામકૃષ્ણદેવ પોતે ડોક્ટરને ગળાની પીડા નું વર્ણન કરતી વખતે કહેતા, ‘ઘાવ થઈ જવાથી કોઈક છુરી મારી રહ્યું હોય એવી વેદના થાય છે. રાત કાઢવી મને મુશ્કેલ પડે છે.’
અંતિમ બીમારી વખતે પ્રખ્યાત પંડિત શશીધર તુર્કચોરામણીએ શ્રી રામકૃષ્ણદેવને સલાહ આપી, ‘મહાશય, શાસ્ત્રમાં વાંચ્યુ છે કે આપના જેવા મહાપુરુષ ઈચ્છા માત્રથી શરીરના રોગ મટાડી લઈ શકે છે. મટી જાઓ એમ વિચાર કરીને એકવાર રોગને સ્થાને મનને એકાગ્ર કરીને થોડીવાર રાખવાથી બધું મટી જશે. આપ પણ એકવાર એ પ્રમાણે કરી જુઓ’.. તો શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું, ‘અરે, તમે પંડિત થઈને આવી વાત શી રીતે કરો છો? જે મન સચ્ચિદાનંદજીને આપ્યું છે તેને ત્યાંથી ઉઠાવીને આ ભાંગ્યા તૂટ્યા હાડ -માસના માળખા ઉપર લગાડવાની પ્રવૃત્તિ હવે શું થઈ શકે?’ પંડિતજી તો નિરુત્તર થઈ ગયા. પણ સ્વામી વિવેકાનંદજી તથા અન્ય ભક્તોથી ચુપ રહેવાયું નહીં. તેઓએ જીદ માંડી અને કહેવા લાગ્યા, ‘અમારાથી આપનું આ ભયંકર કષ્ટ જોવાતું નથી. છેવટે અમારી ખાતર આપે આ રોગ મટાડવો પડશે.’ શ્રી રામકૃષ્ણ દેવે જ્યારે કહ્યું કે, જગન માતાની ઈચ્છા પર એ આધારિત છે ત્યારે સ્વામી વિવેકાનંદજી એ તેમને જગન માતાને પ્રાર્થના કરવા કહ્યું. ઘણી આનાકાની પછી શ્રી રામકૃષ્ણદેવ જગન માતાને પ્રાર્થના કરવા માટે સંમત થયા. થોડા કલાક વીત્યા પછી સ્વામીજીએ શ્રી રામકૃષ્ણ દેવને ઉત્સુકતાથી પૂછ્યું, ‘ગુરુદેવ, તમે મા ને કહ્યું, મા શું બોલ્યા?’ શ્રી રામકૃષ્ણદેવ બોલ્યા, ‘મેં મા ને ગળાનો ઘાવ દેખાડતા કહ્યું, આને લીધે કશું ખવાતું નથી. જરાતરા ખવાય એવું તો કરી દે’ તે સાંભળીને તમને લોકોને દેખાડીને મા બોલ્યા, ‘કેમ રે, આટલા મોઢાથી તો તું ખાય છે’. શરમથી ભોઠો પડી જઈને હું તો આગળ કશું બોલી ન શક્યો.
શ્રી રામકૃષ્ણ દેવનું સમસ્ત જીવન દુઃખ-કષ્ટોથી ભરપૂર હતું. કેવી કઠોર કઠોર એમની સાધનાઓ હતી! પરિણામે માનવજાતના કલ્યાણ માટે શ્રી રામકૃષ્ણ દેવે જે દુઃખો સહન કર્યા છે તે વર્ણનાતીત છે. એટલે સ્વામી વિવેકાનંદજીએ શ્રી રામકૃષ્ણ આરાર્તિકમમાં લખ્યું છે, प्ररार्पण जगत तारण कृंतन कलिडोर. હે પ્રભુ, તમે જગતનાં ભલા માટે પોતાના પ્રાણોને અર્પણ કર્યા છે, તમે કળિયુગનાં બંધનો તોડી નાખો. વિશ્વના ઇતિહાસમાં રામકૃષ્ણ દેવ જેવી સાધનાનું વર્ણન મળતું નથી. પછી આ સાધનાના ફળ વિતરણ કરવા માટે એવો કેવા વ્યાકુળ થયા હતા, જગન માતાના દર્શન માટે તેઓ એટલા વ્યાકુળ થઈ જતા કે ગંગાના તટ પર રેતી પર પછડાટ ખાઈને પડી જતા. વ્યાકુળ રુદનથી દિશાઓ ભરાઈ જતી. શ્વાસોશ્વાસ બંધ પડી જતા. પ્રાણ તડફડવા લાગતા. શરીર આખું ઉજ઼ેડાઈ જતું અને લોહીલોહાણ થઈ જતું.
આ અવસ્થા પછી શ્રી રામકૃષ્ણ દેવને પંચવટી ખાતે એક દિવસ દર્શન થયું. તેમના શરીરમાંથી પાપ પુરૂષ બહાર નીકળ્યો અને બીજો એક સૌમ્ય પુરુષ તેના શરીરમાંથી બહાર નીકળી અને તેને મારી નાખ્યો. આમ બન્યું તે પહેલા છ મહિના સુધી તેમણે દેહની બળતરાથી બહુ પીડા ભોગવેલી. પાપ પુરુષના નાશના થોડા વખત પછી ફરી તેમના શરીરની બળતરા શરૂ થઈ. બળતરા એટલી વધી ગઈ કે માથે ભીનો ટુવાલ રાખીને ત્રણ ચાર કલાક સુધી ગંગાના પાણીમાં શરીર ડુબાડીને બેસી રહેવા છતાં પણ તેમને શાંતિ ન થઈ. છાતીની અંદર હામી ભરીને દેવતા મૂકવાથી જેવી લ્હાય ઉઠે અને પીડા થાય એવી જાતનો અનુભવ કરીને શ્રીરામકૃષ્ણ દેવ ત્યારે તડફડી ઉઠ્યા. ઇષ્ટ કવચ ધારણ કર્યા પછી આ બળતરાનું શમન થયું.
તોતાપુરી પાસેથી અદ્વૈત જ્ઞાન મેળવ્યા બાદ શ્રી રામકૃષ્ણ દેવ છ મહિના સુધી નિરંતર નિર્વિકલ્પ સમાધિ અવસ્થામાં રહ્યા. તે દશામાં એક અજ્ઞાત સાધુએ એમને દેહત્યાગ કરતા બચાવ્યા ત્યારે શ્રી રામકૃષ્ણ દેવના વાળ ધુળ ભરેલી ચટ્ટાઈ જેવા ઘટ્ટ થઈ ગયા. છ માસ સુધી આંતરડામાં અસહ્ય શૂળ ભોંકાયા કર્યા. તેઓ પોતે આ અવસ્થાનું વર્ણન કરતા કહેતા, ખૂબ બીમાર હતો, ઝાડા બંધ થતા ન હતા, કરોડો કીડીઓ મારા મગજને કોરી ખાતી હોય એવું થતું હતું. સતત દિવ્ય આનંદમાં ડૂબેલો રહેતો અને તેથી દિવસ-રાતનું કોઈ ભાન ન રહેતું. બીજે દિવસે સખત ઝાડા થઈ જતા અને બધો આનંદ મળ દ્વારા નીકળી જતો. શુદ્ધ હ્રદયવાળા ભક્તોને માટે તેઓ એટલા વ્યાકુળ થઈ જતા કે દક્ષિણેશ્વરમાં બાબુઓની કોઠી પરની અગાસીમાં ચડીને રડતાં-રડતાં પોકારવા લાગતા, ‘અરે ક્યાં છો ભક્તો, આવો આ સંસારી લોકોની વાતો સાંભળીને મારા કાન બળી ગયા છે.’ તેમના આહવાનથી શુદ્ધ હૃદયવાળા સ્કૂલ-કોલેજનાં અનેક વિદ્યાર્થીઓ આવ્યા અને તેમના સંસ્પર્શથી સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ જેવા અનેક સંન્યાસીઓ આપણને મળ્યા.
આ કળિયુગમાં પાપાચાર વધી રહ્યો છે અને લોકોના શારીરિક અને માનસિક દુઃખો પણ વધી રહ્યા છે. શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ, પ્રભુ તમારો અવતાર કળિયુગના પાપનો ભાર લેવા માટે થયો છે, માટે સમસ્ત જગતનું દુઃખ દૂર કરો. પ્રભુ, સમસ્ત જગતનું કલ્યાણ કરો.
by Bhadrayu Vachhrajani | Jun 29, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

મથુર, તારી જમીનદારી જગદંબાની થાપણ માત્ર છે, તેઓ જગદંબાના સંતાન છે. તેમના અપાર દુઃખ દૂર કરવા માટે જગદંબાની મૂડી વાપરવી જોઈએ.
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની નવમી પંક્તિમાં કહ્યું છે,
”ભંજન દુઃખ ગંજન કરુણાધન કર્મ કઠોર”.
હે કરુણાધન, તમે જીવોના દુઃખો નાશ કરો છો અને એ માટે કઠોર કર્મ કરો છો.
આપણા કરુણા મૂર્તિ શ્રી રામકૃષ્ણદેવ હંમેશા વ્યાકુળ રહેતા,,,(એક) સંસારના તાપથી તપ્ત અગણિત નરનારીના દુઃખ દૂર કરવા માટે… (બે) ફક્ત તેઓના ભવ બંધનનું દુઃખ દૂર કરવા માટે નહિ, તેઓના લૌકિક દુઃખો દૂર કરવા માટે પણ તત્પર રહેતા… (ત્રણ) પોતાના શરણે આવેલા લોક સમુદાયના વ્યક્તિગત દુઃખ દૂર કરીને તેઓ અટકતા નહિ. પરંતુ સામુહિક રીતે પણ તેઓના દુઃખ દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેતા.
એકવાર શ્રી રામકૃષ્ણ દેવ રાણી રાસમણીના જમાઈ શ્રી માથુરનાથ વિશ્વાસની સાથે તેમની નદિયા જિલ્લામાં આવેલ જમીનદારીની જાગીર જોવા રાણીઘાટ ગયા. તે સમયે પ્રજાગણ પાસેથી વેરો વસૂલ કરવાનો સમય હતો પરંતુ સતત બે વર્ષથી પાક ન થવાથી લોકો દુર્દશાની ચરમસીમાએ પહોંચી ગયા. કોકના દુઃખે દીનદુર્બળ લોકોના જર્જરિત શરીર જોઈ શ્રી રામકૃષ્ણ દેવનું હૃદય કરુણાથી આદ્ર બની ગયું. તેમણે મથુરબાબુને બોલાવીને તે દુર્ભાગી લોકોની મહેસુલ માફ કરવા માટે અને તેઓને પેટ ભરીને ખવડાવી વસ્ત્રદાન કરવા માટે કહ્યું. મથુરબાબુ બોલ્યા, બાપુ તમને ખબર નથી કે પૃથ્વી પર કેટલા બધા દુઃખ, કષ્ટ છે. એ કારણસર પ્રજાનો મહેસુલ માફ નહી થાય. રામકૃષ્ણદેવે આદ્ર ભાવે કહ્યું, મથુર તારી જમીનદારી જગદંબાની થાપણ માત્ર છે, તેઓ જગદંબાના સંતાન છે. તેમના અપાર દુઃખ દૂર કરવા માટે જગદંબાની મૂડી વાપરવી જોઈએ. મથુરબાબુને શ્રી રામકૃષ્ણ દેવના દુઃખીઓને સહાયરૂપ થવાના સદાગ્રહ આગળ નમતું જોખવું પડ્યું. આજ તો છે, ટ્રસ્ટીશિપ મેનેજમેન્ટ !! જે શ્રી રામકૃષ્ણદેવે કેટલાય વર્ષો પહેલા મથુરબાબુના માધ્યમથી અમલમાં મુકેલ. આ કદમને આપણે અનુસર્યા હોત તો ટ્રેડ યુનિયન અને મેનેજમેન્ટની વચ્ચેના ઘર્ષણો ઓછા થવાથી દેશની ઉત્પાદકતામાં વધારો થયો હોત, એ નક્કી.
શ્રી રામકૃષ્ણદેવ મથુરબાબુ સાથે તીર્થ ભ્રમણ કરી રહ્યા હતા. ત્યાં બિહાર રાજ્યના દેવધર વૈદ્યનાથ પાસે આવી જ એક ઘટના ઘટી. ગામના સંથાલ આદિવાસી જાતિના લોકો ભૂખના દુઃખથી પીડિત અને વસ્ત્રહીન અવસ્થામાં હતા. એ પ્રદેશમાં બે વર્ષથી દુકાળ પડ્યો હતો. ગામવાસીઓના દુઃખ-દારિદ્ર જોઈને શ્રી રામકૃષ્ણદેવનું હૃદય એકદમ કરુણાથી ભરાઈ ગયું. તેમણે મથુરબાબુને કહ્યું, તમે તો મા ના દીવાન છો. આ બધાને માથાદીઠ તેલ અને એક પહેરવાનું વસ્ત્ર આપો, અને એક દિવસ ભરપેટ જમાડી દો. મથુરબાબુ બોલ્યા, બાબા તીર્થોમાં ઘણો ય ખર્ચ થશે. આ લોકો તો આટલા બધા છે. આમ કરવા જતા પૈસા ખૂટી પડશે. આ વાત સાંભળી શ્રી રામકૃષ્ણ દેવ વ્યથિત થયા. ગ્રામ વાસીઓની દશા જોઈને તઃફૂરની આંખમાંથી અશ્રુની ધાર ચાલવા લાગી. હૃદયની અપૂર્વ કરુણાના આવેગ સાથે તેઓ બોલી ઉઠ્યા, ‘જા, તારી કાશીએ મારે નથી જવું, હું તો બધાની સાથે જ રહીશ. એમનું કોઈ નથી એમને છોડીને હું નથી જવાનો’. આવું બોલીને બાળકની જેમ રિસાઈ જઈને તેઓ કંગાળોની વચમાં જઈને બેસી ગયા. હવે શું થાય ? ન છૂટકે મથુરબાબુએ કોલકતાથી વસ્ત્રો મંગાવ્યા અને શ્રી રામકૃષ્ણ દેવની ઈચ્છા પૂર્ણ કરી. ગ્રામવાસીઓને આનંદિત જોઈને રામકૃષ્ણદેવ રાજી-રાજી થઈ ગયાં અને તીર્થયાત્રા કરવા આગળ વધ્યા.
સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી લખે છે કે, આજે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સમસ્ત દેશમાં દર વર્ષે કરોડો રૂપિયાનાં ખર્ચે અનેક રાહતકાર્યો થાય છે. પણ તેનો પ્રેરણાસ્ત્રોત શ્રી રામકૃષ્ણ દેવ પોતે હતા.
એકવાર કોઢથી પીડાતા માણસે આવી શ્રી રામકૃષ્ણદેવને અત્યંત કાલાવાલા કરીને કહ્યું કે, તેઓ જો એકવાર હાથ ફેરવી દે તો તેના રોગમાંથી છુટકારો થઈ જાય. એના તરફ કૃપાવશ થઈને રામકૃષ્ણદેવે કહ્યું, હું તો કશું જાણતો નથી ભાઈ, પણ તમે જ્યારે એવું કહો છો તો લાવો હાથ ફેરવી દઉં. મા ની ઈચ્છા હશે તો મટી જશે. એમ બોલીને હાથ ફેરવી દીધો. એ દિવસે એમના હાથમાં આખો દિવસ એવી તો પીડા થઈ કે આકુળ-વ્યાકુળ થઈને તેઓ જગદંબાને કહેવા લાગ્યા, ‘મા, ફરી કોઈ દિવસ આવું કામ નહીં કરું’. પેલા રોગીનો રોગ તો મટી ગયો પણ એનો ભોગ શ્રી રામકૃષ્ણદેવને પોતાના દેહમાં ભોગવવો પડ્યો. આમ છતાં કરુણામય શ્રી રામકૃષ્ણ દેવ સંસ્પર્શથી દુઃખીઓ પર કૃપા વરસાવતા રહ્યાં. પાપીઓના પાપની પીડા પોતે ભોગવતા રહ્યા. એટલું જ નહિ, અંતે ગળાના કેન્સરની પીડા ભોગવવાની પડી ત્યારે પણ વેઠ્યું. ‘सर्वजिना हताय, सर्वजिना सुखाय, सर्वजिना मोक्षाय’.
એકવાર દક્ષિણેશ્વરના મંદિરમાં રામકૃષ્ણ દેવે જોયું કે, એક વૃદ્ધા નિઃશુલ્ક ભોજનાલયમાંથી પ્રસાદ મેળવવા માટેની કતારમાં ઉભી હતી. તે ધક્કા-મુક્કીમાં નીચે પડી ગઈ અને રડવા લાગી. વૃદ્ધાની નિઃસહાય દશા વિચારતા રામકૃષ્ણ દેવ કરુણાથી વિચલિત થઈને રડવા લાગ્યા. જ્યાં સુધી એ અજાણી વૃદ્ધાને શોધીને તેને ભરપેટ ભોજન આપવામા ન આવ્યું ત્યાં સુધી રામકૃષ્ણદેવ બેચેન રહ્યા. એકવાર એક વૃદ્ધા દક્ષિણેશ્વરના ઓરડાના પગથિયાં ચડતી વખતે પડી ગઈ. રામકૃષ્ણદેવને જ્યારે ખબર પડી કે, એકાદશીનો ઉપવાસ કરવાથી અશક્તિને કારણે આમ બન્યું ત્યારે તેમણે કરુણાપૂર્ણ શબ્દોમાં વૃદ્ધાને કહ્યું, જુઓ, સ્ત્રીઓ ઉપવાસનું દુઃખ વેઠે એ હું સહન કરી શકતો નથી. તમારે ફળ વગેરે કંઈક લેવું અને સાવ નિરાહાર ન રહેવું. શ્રી રામકૃષ્ણદેવ કહેતા, કળિયુગમાં જીવ અન્નગત છે. નિર્જળા ઉપવાસ, કઠોર તપસ્યા પાલવે નહિ. એટલે જ તો કેટલાક ભક્તો કહેતા કે, આપણા ઠાકુર બહુ મજાનાં કઠોર તપસ્યા કરવાનું કહેતા નથી.
શ્રી રામકૃષ્ણ દેવનું હૃદય અત્યંત કોમળ હતું. ઘોડાગાડીમાં જતી વખતે જો કોચમેન ઘોડાઓને ચાબુક મારતો હતો તો તેઓ વ્યાકુળ થઈને પોકારવા લાગતા, ‘ એ મને મારે છે… એ મને મારે છે…’ એમનો દેહ અત્યંત કોમળ હતો. અતિ ઉચ્ચ ભાવાવસ્થામાં નિરંતર રહેવાથી દેહ એટલો કોમળ થઈ ગયો હતો કે એકવાર એમની આંગળી કપાઈ ગઈ. ચાલીને જવું એમના માટે શક્ય નોહ્તું, તેથી ઘોડાગાડીમાં જવું પડ્યું. તેઓ રડતાં-રડતાં કહેતા હતા, નીતાઈ એટલે કે ચૈતન્ય મહાપ્રભુની જેમ હું ઘેર-ઘેર જઈ હરિ નામ લેવડાવી શકતો નથી. ઘોડાગાડી વગર ક્યાંય જઈ શકતો નથી. આટલા કઠોર કર્મો જીવોના કલ્યાણાર્થે કરવા છતાં તેમને સંતોષ ન હતો.
શ્રીરામ કે શ્રીકૃષ્ણની જેમ શ્રી રામકૃષ્ણ દેવે બાહ્ય શત્રુઓનો સંહાર નહોતો કર્યો પણ અંતરના શત્રુઓના વધ કરવા કેવી કઠોર સાધના બાર વર્ષો સુધી કરી હતી. આજે વિશ્વ દુઃખની જવાળાથી બળી રહ્યું છે. ભૌતિક સુખના સાધનોમાં આશ્ચર્યજનક વધારો થવાની સાથે-સાથે માનસિક અશાંતિમાં એટલો જ વધારો થયો છે. આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે, માનસિક રોગીઓનું પ્રમાણ વધ્યું છે. આ યુગના અવતાર શ્રી રામકૃષ્ણદેવને આપણે પ્રાર્થના કરીએ, ‘હે કરુણામય પ્રભુ આ યુગમાં તમારો અવિર્ભાવ જીવોના દુઃખ દૂર કરવા થયો છે. વિશ્વમાં સમસ્ત લોકોના દુઃખ દૂર કરી તેઓના મનમાં શાંતિ અર્પણ કરો…હરિ ૐ
by Bhadrayu Vachhrajani | Jun 22, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ઈસુએ કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ.
શ્રીમદ ભાગવત (11.3.27)ના વચનો પ્રમાણે,
શ્રવણમ કીર્તનમ ધ્યાનમ હરેરદભુતકર્મણ: I
જન્મકર્મગુણાનમ ચ તદર્થડખિલચેષ્ટીતમ II
અસાધારણ કર્મો કરનારા શ્રી હરિ ના જન્મ, કર્મ અને ગુણોનું શ્રવણ, કીર્તન તથા ધ્યાન કરવું શ્રીહરિ નિમિત્તે જ સર્વ કર્મો કરવાં.
શ્રીમદ્દ ભાગવતજીના કથન પ્રમાણે આપણે શ્રી હરિ નિમિત્તે જ શ્રી રામકૃષ્ણ દેવની પ્રશસ્તિ સમાન શ્રી રામકૃષ્ણ આરાત્રિકમ સ્તવનનું રસપાન કરી રહ્યા છીએ.
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:
जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय ની વિગતે ચર્ચા કરેલ છે.
ચોથી કડીની આઠમી પંક્તિ છે …
નિરોધન, સમાહિત મન, નિરખિ તવ કૃપાય ||….
અર્થ એવો કે,
(એક) હે પ્રભુ, તમે નિરોધિત અને સમાહિત મનવાળા છો, એવું તમારું દર્શન હું તમારી કૃપાથી કરું છું.
અથવા
(બે) હે પ્રભુ, તમારી કૃપાથી હું જોઉં છું કે મારું મન નિરોધિત અને સમાહિત થઈ ગયું છે.
સ્વામીશ્રી નિખિલેસ્વરાનંદજી સમજાવે છે કે, હકીકતમાં બંને અર્થ સાચા છે. આ વાતનું એમનું ઊંડાણ જાણવા માટે સ્વામીશ્રી આપણને ગોસ્વામી તુલસીદાસજીએ રચેલ વિનયપત્રિકા નામના અદભુત ભક્તિ પૂર્ણ ગ્રંથમાંથી એક રસપ્રદ વાત કરે છે. એકવાર વારાણસીમાં એક હત્યારો તીર્થયાત્રા કરવા આવ્યો અને પોકારવા લાગ્યો, ‘રામના પ્રેમને ખાતર મને એક હત્યારાને કંઈક ભિક્ષા આપો’. પોતાના ઇષ્ટ રામનું નામ સાંભળીને તુલસીદાસજીએ એ માણસને પોતાની ધેર બોલાવ્યો અને તેને પ્રસાદ આપ્યો. પછી ઘોષણા કરી કે, એ પરિશુદ્ધ થઈ ગયો છે. ત્યાંના રૂઢિચૂષ્ત બ્રાહ્મણોએ વાંધો ઉઠાવ્યો કે, હત્યારાનું પાપથી વિમોચન કઈ રીતે થઈ શકે? તુલસીદાસજી એ જવાબ આપ્યો, તમારા પોતાના શાસ્ત્રોનું અધ્યયન કરો અને દિવ્ય નામના પ્રભાવ વિશે જાણી લો. બ્રાહ્મણોને આ ઉત્તરથી સંતોષ ન થયો. બ્રાહ્મણોએ તો પ્રમાણ માંગ્યું. તરત જ તુલસીદાસજી સંમત થયા કે, જો વિશ્વનાથ મંદિરના નંદી આ હત્યારાના હાથેથી ખાય તો તેઓ સૌ તુલસીદાસજી ની વાત સ્વીકારી લેશે. સૌ સંમત થયા. તે માણસને મંદિરમાં લઈ જવામાં આવ્યો અને હકીકતમાં નંદીએ તેના હાથેથી ખાધું પણ ખરું. આમ તુલસીદાસજીએ પ્રમાણ આપ્યું કે, આંતરિકતા પૂર્વક પ્રાયશ્ચિત કરવાથી ઈશ્વર ભક્તિનો સ્વીકાર કરે છે.
ઈસુ એક સરોવરને કિનારે ચાલતા હતા. તેમના બે માછીમાર ભાઈઓ સીમપેન પીટર અને તેના ભાઈ અન્દ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા. ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો અને હું તમને માણસોને પકડતા શીખવીશ. તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈએ માણસરૂપી માછલાં પકડવામાં ઈસુની પાછળ ચાલ્યા. આ વાત બાઈબલના ‘નવો કરાર’માં મેથ્યુના નામથી લખેલી છે.
શ્રી રામે મિથિલાવાસીના મન મોહી લીધા હતા. શ્રી કૃષ્ણ ફક્ત માખણચોર નોહતાં ચિત્ત ચોર પણ હતાં. ઉદ્ધવજી જયારે ગોપીઓને સમજાવે છે કે, શ્રી કૃષ્ણ તો ભગવાન છે તેમનું ધ્યાન ધરો, ત્યારે ગોપીઓ કહે છે ‘उद्धो मन होत ना दस विस्’, ‘હે ઉદ્ધવ, મન તો એક જ હોય છે, દસ-વિસ નથી હોતા.’ જે ચિત્તમાં ધ્યાન કરવાનું કહો તે ચિત્ત તો કનૈયો ચોરી ગયો છે. શ્રી રામકૃષ્ણ કથામૃતનાં લેખક માસ્ટર મહાશય એટલે કે શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત જેને વહાલથી રોજ લોકો ‘મ’ કહેતા તેઓ સંસારના દુઃખોથી આક્રાંત થઈને તેઓ ઘરેથી નીકળ્યા હતાં. આત્મહત્યા કરવાનો તેમનો ઈરાદો હતો. ફરતાં-ફરતાં તેઓ દક્ષિણેશ્વરના બગીચામાં આવ્યા અને પહેલી જ વાર દર્શન કર્યા શ્રી રામકૃષ્ણ દેવના અને કુશળ માછીમારની જાળમાં સપડાઈ ગયા. નવું જીવન મળ્યું. આત્મહત્યાનો ઈરાદો બદલાઈ ગયો અને પછી તો કથામૃત ગ્રંથ લખી અસંખ્ય લોકોને આ દિવ્ય માછીમારની જાળમાં સપડાવ્યા. આજે પણ તે કથામૃત અનેક લોકોને સપડાવી રહ્યું છે. કેટલાય ને આ કથામૃત ગ્રંથના વાંચન દ્વારા આત્મહત્યા રુપી મહાપાપમાંથી બચાવવાનું બન્યું છે.
શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત આ સ્તવન માટેના સુંદર પુસ્તકમાં અધ્યક્ષ સ્વામીશ્રી વર્ણવે છે કે, અદભુત સંયોગ છે કે માસ્ટર મહાશયને પ્રથમ મુલાકાતમાં શ્રી રામકૃષ્ણ દેવનું દર્શન ભવસાગરના દિવ્ય માછીમારરૂપે થયું. પ્રથમ દર્શનનું વર્ણન કરતાં તેઓ કથામૃતમાં લખે છે: ઓરડામાં શ્રી રામકૃષ્ણ એકલા પાટ ઉપર બેઠેલા છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે અને બારણા બંધ છે. માસ્ટરે હાથ જોડીને પ્રણામ કર્યા. પરમહંસ દેવે બેસવાનું કહ્યું એટલે માસ્ટર જમીન પર બેઠા. શ્રી રામકૃષ્ણએ પૂછ્યું, ક્યાં રહો છો?, શું કરો છો?, અહીં શા માટે આવ્યા છો? માસ્ટરે પરિચય આપ્યો. પણ તેમણે જોયું કે, ઠાકુર વચ્ચે-વચ્ચે બેધ્યાન બની જાય છે. પાછળથી તેમણે સાંભળ્યું કે, એવી અવસ્થા નું નામ ભાવ. પછી તો આ દિવ્ય માછીમાર શ્રી રામકૃષ્ણ દેવની પ્રેમરૂપી જાળમાં એવા તો સપડાઈ ગયા કે, તેમનું સમસ્ત જીવન બદલાઈ ગયું. સાધારણ માસ્ટરમાંથી આધુનિક યુગના વ્યાસ બની ગયા.
જાળ નાખીને માછલાને પકડી લાવવા માટે મનની એકાગ્રતા કેવી હોવી જોઈએ તે વિશે શ્રી રામકૃષ્ણ દેવ એક માછીમારનું ઉદાહરણ આપે છે. એક જણ એકલો તળાવને કાંઠે બેસીને માછલાં પકડે છે. હાથમાં માછલાં પકડવાની સોટી કેટલીકવાર પછી ઉપરનું બરું હાલવા લાગ્યું. વચ્ચે-વચ્ચે થોડું આડું થવા લાગ્યું, ત્યારે તે માણસ સોટીને ઉપર ખેંચવાની તૈયારીમાં છે. એ વખતે એક વટેમાર્ગુ તેની નજીક આવીને પૂછે છે કે, ભાઈ અમુક બ્રાહ્મણનું ઘર ક્યાં છે, બતાવી શકશો? કશો જવાબ નથી મળતો. વારંવાર પૂછવા છતાં ઉત્તર ન મળવાથી વટેમાર્ગુ નારાજ થઈને ચાલ્યો જાય છે. આ તરફ બરુ ડૂબ્યું અને સાથે જ આ માણસે આંચકો મારીને માછલું બહાર ખેંચી લીધું. એ પછી અંગુઠાથી મોઢા પરનો પરસેવો લૂછીને બૂમ મારીને વટેમાર્ગુને બોલાવવા લાગ્યો. એ વટેમાર્ગુ અનિચ્છાએ પાછો ફર્યો ત્યારે આ માણસે કહ્યું, શું પૂછતાં હતા તમે? એ વખતે બરુ ડુબતું હતું એ વખતે હું કાંઈ સાંભળી શક્યો નહિ….બસ, ધ્યાનમાં આવી એકાગ્રતા થાય કે બીજું કશું દેખી ન શકાય, સાંભળી ન શકાય, સ્પર્શનું પણ જ્ઞાન ન રહે. (શ્રી રામકૃષ્ણ કથામૃતનાં ભાગ ત્રીજામાં એકાવનમાં પૃષ્ઠ પર આ પ્રસંગ લખેલો છે.) શ્રી રામકૃષ્ણ દેવ જેમનો સ્વીકાર કરતાં તે ભક્તોનાં મનમાં પણ આવી જ એકાગ્રતા લાવી દેતાં.અને તેથી સ્વામી વિવેકાનંદે તેમને નીરોહિત અને સમાહિત મન વાળા કહ્યા છે. અને પ્રાર્થના કરી કે, અમારું મન પણ નિરોધીત અને સમાહિત થઈ જાય એવી આપ કૃપા કરો.
વેદાંતની સાધના પછી શ્રી રામકૃષ્ણદેવને અવારનવાર સમાધિ લાગી જતી. લગભગ નિરંતર છ મહિના સુધી તો એ સાધના પૂરી થયા પછી તેઓ નિર્વિકલ્પ સમાધિની અવસ્થામાં રહ્યા. અને આ પછી જગનમાતાનો આદેશ થયો, ‘ભાવ મુખે જ રહેજે’. આ સમાધિ અવસ્થામાં શ્રી રામકૃષ્ણ દેવનું દેવજ્ઞાન એટલું લુપ્ત થઈ જતું કે, એકવાર ચોખાના થોડા દાણા તેમની લાંબી જટામાં ગમે તે રીતે પડી ગયા અને અંકુરયુક્ત થઈ ગયા.
સ્વામી વિવેકાનંદજી કહેતા કે મનની બહારની જડ શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર બતાવો એમાં કશી મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પિંડાની જેમ જે રીતે ભાંગતો ટિપતો, ઘડતો, અને સ્પર્શ માત્ર થી નવા બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો તેનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં બીજે ક્યાંય દીઠો નથી. ( શ્રી રામકૃષ્ણ લીલા ભાગ-3, પૃષ્ઠ-75)
સ્વામી વિવેકાનંદજી રામકૃષ્ણ દેવને મળવા બીજીવાર દક્ષિણેશ્વર મંદિરમાં ગયા ત્યારે શ્રી રામકૃષ્ણ દેવ તેમને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરવવા તત્પર થયા. આ ઘટનાનું વર્ણન કરતાં સ્વામી વિવેકાનંદજીએ પોતે કહ્યું હતું કે તેમણે અચાનક પાસે આવીને પોતાનો જમણો પગ મારા અંગ ઉપર મૂકી દીધો અને એના સ્પર્શથી ક્ષણભરમાં મને એક અપૂર્વ અનુભૂતિ પ્રાપ્ત થઈ, ઉઘાડી આંખે જોવા લાગ્યો કે ભીંત સુદ્ધા, ઓરડાની સમસ્ત વસ્તુઓ વેગ ભરી ચક્કર-ચક્કર ફરતી ક્યાંય લીન થઈ જાય છે અને સમગ્ર વિશ્વની સંગાથે-સંગાથે મારું હું પણું જાણે કે સર્વગ્રાસી મહા શૂન્યમાં એકાકાર થવાને ધસમસી રહ્યું છે. ત્યારે ભયંકર ભય મને ઘેરી વળ્યો. મનમાં થયું કે હું પણાનો નાશ તે જ તો મૃત્યુ છે. એ જ મૃત્યુ સન્મુખે સાવ પાસે ધીરજ ખોઈ બેસીને ચીસ પાડીને બોલી ઉઠ્યો, અરે તમે મને આ શું કરી નાખ્યું? મારે તો મા-બાપ છે. અદભુત પાગલ મારા એવા શબ્દો સાંભળીને ખડખડાટ હસી પડ્યા અને હથેળીથી મારી છાતીને સ્પર્શ કરતા કહેવા લાગ્યા, તો પછી હમણાં રહેવા દે, એકી સામટુ જરૂરી નથી. સમય આવે થશે. નવાઈ ની વાત તો એ છે કે એમણે સ્પર્શ કરીને એવું કહ્યું હતું તેની સાથે જ મારો એ અપૂર્વ અનુભવ એકાએક આલોપ્ થઈ ગયો. અને ઓરડાની અંદરનાં અને બહારનાં બધા પદાર્થો પહેલા હતા તેમ જ રહેલા. મને દેખાવા લાગ્યા.
શ્રી મા શારદા દેવી કહેતા કે, આધુનિક લોકો બુદ્ધિમાન છે. ઈશ્વરનાં અવતારને કેમેરામાં બંધ કરી દીધા છે. તેઓ કહેતા છાયા અને કાયા સમાન છે. શ્રી રામકૃષ્ણ દેવના કેમેરા દ્વારા લીધેલ ત્રણ ફોટાઓ ઉપલબ્ધ છે. ત્રણેય વખતે તેઓ ઉચ્ચ સમાધિ અવસ્થામાં હતા. બેઠેલો ફોટો જોઈને રામકૃષ્ણ દેવે કહ્યું હતું, આ અત્યંત ઉચ્ચ અવસ્થાનો ફોટો છે. પછીથી ઘેર-ઘેર આની પૂજા થશે. ભક્ત મહિલા શ્રી મતિ નિસ્તારિણી ઘોષને શ્રી રામકૃષ્ણદેવે પોતાના ફોટા વિશે કહ્યું કે, આ ફોટો ટ્રેનમાં મુસાફરી કરશે, સ્ટીમરમાં ફરશે, લોકો પોતાનાં ગજવામાં ઘડિયાળની ચેઈનમાં રાખશે. ખરેખર આજે એ જ બની રહ્યું છે. આપણે પણ સ્વામી વિવેકાનંદજીએ જે કહ્યું તેમાં સુર પુરાવીને કહીએ, ‘હે પ્રભુ તમારી કૃપાથી અમે જોઈએ છીએ કે તમારું મન સમાહિત થયેલું છે. અમારું મન પણ કૃપા કરીને સમાહિત કરી દો’. હરિ: ૐ…
by Bhadrayu Vachhrajani | Jun 15, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી અરોબિંદોએ લખ્યું કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા.
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની સાતમી પંક્તિ:
‘ जूंभीत युग ईश्वर जगदीश्वर योगसहाय’
તેનો અર્થ : ‘હે જગદીશ્વર, હે યોગના સહાયક, તમે આ યુગના અવતાર રૂપે પ્રાગટ્યા છો.
શ્રીમદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેમ જગતના ઈશ્વર ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે યુગના પ્રયોજન પ્રમાણે પોતે ધરતી પર અવતરે છે. આપણી સમાજ માટે એવું યાદ રાખીએ કે, આપણા આ યુગમાં શ્રી રામકૃષ્ણ સ્વરૂપે ઈશ્વર આવ્યા છે અને તેનો મુખ્ય હેતુ છે યોગમાં સહાયરૂપ થવું.
સ્વામી શારદાનંદજી દ્વારા લખાયેલ શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગ ના પ્રથમ ભાગમાં કહેવામાં આવ્યું છે તે મુજબ ગદાધરના શુભ જન્મ મુહૂર્ત સંબંધે શાસ્ત્રજ્ઞ ખુદીરામજીએ નવજાત શિશુની જન્મકુંડળી માંડવા જતાં જોયું કે, વિશેષ શુભ ક્ષણે આ બાળકે સંસારમાં પ્રવેશ કરેલો છે. બીજા વિદ્વાન જોષીઓ દ્વારા બાળકના જન્મ સમયની પરીક્ષા કરીને ખુદીરામને કહ્યું કે, બાળકે જે ઉચ્ચ લગ્નમાં જન્મ ગ્રહણ કરેલો છે તે સંબંધિત જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે, આવી વ્યક્તિ ધર્મજ્ઞ અને માનનીય થાય અને સર્વદા પુણ્ય કર્મના અનુષ્ઠાનમાં રત રહે. ઘણા શિષ્યોથી વીંટળાયેલ રહીને એ વ્યક્તિ દેવ મંદિરે વાસ કરે અને નવીન સંપ્રદાય પ્રવર્તાવીને નારાયણના અંશ ભુત મહાપુરુષ તરીકે જગતમાં પ્રસિદ્ધિ પામી બધે ઠેકાણે લોકોમાં પૂજાય. શ્રીયુક્ત ખુદીરામનું મન આ હકીકત જાણવાથી એકદમ વિસ્મય પૂર્ણ બન્યું !!
આપણા પતંજલિ યોગસૂત્રમાં કહ્યા મુજબ ઈશ્વર પ્રાચીન ગુરુઓના પણ ગુરુ છે, કારણ કે એ કાળની મર્યાદાથી પર છે. શ્રી રામકૃષ્ણદેવ ઈશ્વરના રૂપોમાં ગુરુઓના ગુરુ છે, પણ મનુષ્યના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે પણ આ ગુરુભાવ તેમના જીવનમાં પ્રકાશિત થયો છે. તેમના અવતારની વિશિષ્ટતા એ છે કે, તેઓ માત્ર કોઈ એક પથના સાધકો માટે જ જન્મ્યા નથી. પણ વિભિન્ન ધર્મના, પંથોના,વિભિન્ન ભાવોના, વિભિન્ન યોગોની સાધનાઓના, સાધકો માટે સહાયરૂપ બનવા શ્રી ઠાકુર પધાર્યા છે. એમણે પોતાની પ્રયોગશાળામાં અનેક ધર્મોની, અનેક મતોની, અને અનેક ભાવોની સાધના કરી છે, અને પછી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાંથી નિર્વિકલ્પ સમાધિમાંથી પાછા આવી શ્રી જગનમાતાના આદેશ પ્રમાણે ભાવમુખ અવસ્થામાં રહેતા હતા, તેથી જ આ શક્ય બન્યું છે.
ગુરુના સંબોધનથી તેઓ નારાજ થતા, તેમ છતાં અપૂર્વ ગુરુભાવ તેમના જીવનમાં પ્રગટ થયો હશે તેનું વિશદ વર્ણન અને સાત્વિક મીમાંસા સ્વામી શારદાનંદજી મહારાજે રામકૃષ્ણ લીલા પ્રસંગોમાં કરેલી છે. શ્રી રામકૃષ્ણ દેવના આગમનથી એક નવા યુગનો પ્રારંભ થયો. આ વાતને પોન્ડિચેરીનાં મહર્ષિ અરોબિંદોએ સ્વીકારી છે. શ્રી અરોબિંદોએ એક શિષ્યને લખ્યું કે, સ્મરણમાં રાખજો કે આપણે શ્રી રામકૃષ્ણમાંથી ઉતરી આવ્યા છીએ. મારા પૂરતી વાત કરું તો જાતે આવીને મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રી રામકૃષ્ણ હતા. આપણી સાધનાના પાયામાં જે જ્ઞાન રહેલું છે તે અલીપુર જેલમાં મને સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. આ વિગત ‘શ્રી અરવિંદ બર્થ સેન્ટ્રલ લાઇબ્રેરી’ના વોલ્યુમ 27ના પૃષ્ઠ 435 ઉપર લખેલી છે. આ વાતનો સહર્ષ સ્વીકાર કરતા મહર્ષિ અરવિંદ લખે છે કે, આ બધા આત્માઓમાં શ્રી રામકૃષ્ણ સૌથી છેલ્લા અને સૌથી મહાન હતા, કારણ કે બીજાઓ ઈશ્વરને એના એક માર્યાદિત અંશમાં અનુભવી શક્યા હતા. ત્યારે ઈશ્વરની અનંત વિવિધતાના સરવાળા રૂપે, એની અનંત એકતામાં શ્રી રામકૃષ્ણ દેવે ઈશ્વરાનૂભુતિ કરી હતી.
સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી પોતાના પુસ્તકમાં આધારો ટાંકીને અનેક વાતો કહે છે, શ્રી ઠાકુરના અવતારથી એક નવા યુગનો પ્રારંભ થયો છે. આ યુગમાં આધ્યાત્મિકતાનો સુર પ્રધાન સુર બની રહ્યો ! ખ્રિસ્તી ધર્મ જે કરવામાં નિષ્ફળ નીવડ્યો. ઇસ્લામે પણ કોશિશ કરી. મર્યાદિત લોકો પૂરતું બૌદ્ધ ધર્મ જે હાંસલ કરી શક્યો છે તે શ્રી રામકૃષ્ણ સમગ્ર જગત માટે સિદ્ધ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વિશ્વનાં વિખ્યાત વિદ્વાનો, ઈતિહાસકારો, ધર્માચારીઓ, શ્રી રામકૃષ્ણ દેવને સમન્વયના મસીહા વિશ્વના આદર્શ માની રહ્યા છે. ક્લાઉન એલન સ્ટાર્ક પોતાના પુસ્તક ‘ગોડ ઓફ ઓલ’માં શ્રી રામકૃષ્ણદેવને સૌના ઈશ્વરરૂપે નિરૂપણ કરે છે.
શ્રી રામકૃષ્ણદેવને ભારતનું સંવાદી સંગીત એમ વર્ણવીને પ્રખ્યાત ફ્રેન્ચ મનીષી રોમા રોલા લખે છે કે, યુરોપ સમક્ષ હું રજુ કરું છું નવી પાનખર નું ફળ, આત્માનો એક નવો સંદેશ, ભારતનું સંવાદી સંગીત, આ સર્વ ઉપર શ્રી રામકૃષ્ણનું નામ અંકિત થયેલું છે. જે માણસની મૂર્તિનું હું અત્રે આવાહન કરું છું તે 2000 વર્ષના ગાળા ઉપર પથરાયેલા 30 કરોડ લોકોના આધ્યાત્મિક જીવનનો અર્ક હતો. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. આર્નોલ્ડ ટોએલબી કહે છે કે, શ્રી રામકૃષ્ણ દેવ પૃથ્વી પર એવા સમયે અવિર્ભૂત થયા જ્યારે તેમના જ જીવન અને સંદેશની આવશ્યકતા હતી.
સાર તારવતા સ્વામીજી કહે છે કે, સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતોમાં અને શ્રીકૃષ્ણની સર્વધર્મ સમન્વયની અનુભૂતિમાં આપણને એ વલણ અને આદર્શ સાંપડે છે જે સમસ્ત માનવ જાતને એક પરિવારની જેમ પાંગરવા સહાયરૂપ થાય છે.
આજે વૈશ્વિકીકરણ નો યુગ છે. પરંતુ આ યુગમાં માનવ-માનવ વચ્ચે અંતર વધી રહ્યું છે.. આ યુગની આવશ્યકતા છે એવો ધર્મ જે વિજ્ઞાન સંમત હોય, તર્ક સંમત હોય, સંપ્રદાય કે નાત-જાતના ભેદભાવથી પર હોય, સર્વ પ્રત્યે સંવાદિ સુર વાળો હોય, એવા વિશિષ્ટ અને સર્વનું મંગલ પ્રેયસ અને શ્રેયસ સાધનારા ધર્મની આવશ્યકતા છે. આ યુગની આવશ્યકતા પૂર્ણ કરવા માટે જ જગદીશ્વર શ્રી રામકૃષ્ણ રૂપે અવતાર્યા છે.
સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, શ્રી રામકૃષ્ણના જન્મ સાથે સત્યયુગ નો પ્રારંભ થયો છે. આ અનેક વિદ્વાનોના અનુભૂતિના શબ્દો આપણને એ સ્વીકારવા પ્રેરે છે કે, આ પ્રાર્થનાની પંક્તિમાં કહેવાયું તેમ તેઓ યોગના મહાસહાયક છે, અને આ યુગના અવતાર રૂપે પ્રગટેલા જગદીશ્વર છે. આપણે સૌ શ્રી રામકૃષ્ણદેવના ચરણોમાં પ્રાર્થીએ, ‘ હે પ્રભુ, તમે આવીને આ નવા યુગનો સત્યયુગનો પ્રારંભ કર્યો છે પણ અમને એ અનુભવ થાય તે માટે અમારી યોગ સાધનામાં સહાયરૂપ થાઓ કે જેથી અમે સત્યયુગનો અનુભવ કરી શકીએ.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 8, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ કહે, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’.
વિવેકાનંદજી કહે છે કે, ‘भक्तार्जन युगलचरण तारण भव पार’ ભક્તનાં સંપદરુપ તમારા ચરણ યુગલ સંસાર સમુદ્રમાંથી પાર કરનાર છે.
શ્રી રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ અને વિવેકાનંદ વિચારધારાના સાધક સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજના પુસ્તક “શ્રી રામકૃષ્ણ આરાર્તિકમ” માં ભક્ત હૃદયને સ્પર્શે તેવી વિગતો આપતા લખાયું છે કે,
1 જાન્યુઆરી 1886 શ્રી રામકૃષ્ણદેવને ગળામાં કેન્સર થવાથી કોલકતામાં કાશીપુરનાં બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. બપોરનાં લગભગ ત્રણ વાગે તેઓ ઉપરનાં ઓરડામાંથી નીચે આવી ગયાં અને બગીચાના ફાટક સુધી ટહેલવા લાગ્યાં. ઘણા દિવસો પછી આજે કંઈક સ્વસ્થ હોવાથી નીચે ઉતાર્યા છે એટલે ભક્તો ખુશ છે. રજાનો દિવસ હોવાથી લગભગ ત્રીસેક જેટલા ભક્તો તેમની પ્રતીક્ષામાં છે. તેઓ પણ શ્રી રામકૃષ્ણ દેવની પાછળ પાછળ ચાલ્યા કરે છે. ફાટકથી લઈને રહેવાનાં ઓરડા તરફ જતા અધવચ્ચે એક ઝાડ તળે શ્રી રામકૃષ્ણ દેવે શ્રી ગિરીશ ઘોષ, રામચંદ્ર દત્ત, વગેરે ભક્તોને બેઠેલા જોયા. તેમણે ઓચિંતા શ્રી ગિરીશ ઘોષને સંબોધીને કહ્યું, ‘ગિરીશ આ તું સૌને આટલી વાતો કરતો કરે છે જેમાં અવતાર તત્વની વાત હોય છે. તો તે મારામાં શું જોયું છે? તું શું સમજ્યો છો ? બોલ’. સાંભળીને જરાં ગિરીશ ઘોષ તો અચકાયા પણ એમણે જાજો વખત ન લીધો એમણે તાત્કાલિક કહ્યું, કે ગિરીશ ઘોષ તેમના ચરણોમાં જમીન પર માથું ટેકવીને બેસી ગયા. અને મોઢું ઉંચુ કરીને હાથ પકડીને ગદગદ સ્વરે બોલી ઉઠ્યા, ‘ વ્યાસ, વાલ્મિકી જેમનો પાર પામી નથી શક્યાં એમને વિશે હું તે વળી વધારે શું કહી શકું?’ ગિરીશ ઘોષના અંતરમાં રહેલો સરળ વિશ્વાસ એકેએક શબ્દમાં ટપકી રહેલો જોઈને શ્રી રામકૃષ્ણ દેવ મુગ્ધ થઈ ગયાં. અને એમની તરફ જોઈને ભેગા મળેલા સૌ ભક્તોને કહ્યું, ‘તમને બધાને વધુ શું કહું? આશીર્વાદ દઉં છું કે તમને સૌને ચૈતન્ય હો’. ભક્તો પ્રત્યેના પ્રેમ અને કરુણાથી સુધ-બુધ વિસરી જઈને તેઓ એટલા શબ્દો બોલતા વેત જ ભાવસમાધિમાં ચાલ્યા ગયા. આજે ગયેલા સૌ ભક્તોને લાગ્યુ જાણે કે એમના દુઃખોથી દુઃખી થઈને એક અપૂર્વ દેવતા પોતાના પ્રેમપૂર્ણ પાલવમાં આશ્રય દેવા માટે સ્વર્ગમાંથી ઉતરી આવીને એમને વ્હાલથી યાદ કરી રહ્યા છે. આવી રીતે ઘણાં ભક્તોને દિવ્ય અનુભવ થયા છે. ઘણા લોકો આવી ઘટનાઓને શ્રી રામકૃષ્ણ દેવનું કલ્પતરુ બનવું એમ કહીને વર્ણવે છે. 1 જાન્યુઆરીને ‘કલ્પતરુ દિવસ’ રૂપે ઘણી જગ્યાએ ઉજવવામાં આવે છે. કાશીપુરના બગીચામાં દર વર્ષે પહેલી થી ત્રીજી જાન્યુઆરી સુધી ત્રણ દિવસો માટે આ નિમિત્તે મહોત્સવ યોજાય છે અને લાખો ભક્તો જોડાય છે. 1 જાન્યુઆરીએ શ્રી રામકૃષ્ણદેવ જે ઓરડામાં રહેતા તેમાં રાખેલ તેમની છબીના દર્શન કરવા લોકો સવારના ચાર વાગ્યાથી કતારમાં ઊભા રહે છે. શ્રી રામકૃષ્ણય પ્રસંગમાં સ્વામી શારદાનંદ મહારાજ લખે છે કે, આ ઘટનાને ઠાકુર ‘અભયપ્રકાશ અથવા આત્મપ્રકાશ’ કહીને સૌને કીધેલું અભયદાન એમ કહીને ઓળખાવવું વધારે તર્કસંગત છે. કારણ કે કલ્પતરુ તો માંગનારને વાંછિત વસ્તુ આપે સારી હોય કે નરસી હોય. પણ શ્રી રામકૃષ્ણદેવે તો એવું નહોતું કર્યું. એમણે તો એ ઘટનાથી પોતાના દેવ માનવત્વનો અને સર્વજનોને વિના ભેદભાવે દીધેલા અભયઆશ્રયનો સ્પષ્ટ પરિચય આપેલો. સ્વામી શ્રી વિવેકાનંદજી દ્વારા રચિત શ્રી રામકૃષ્ણ આરાર્તિકમના પદમાં એક વિશેષ પ્રયોગ કરે છે ‘भक्तार्जन युगलचरण’. ભક્ત ચરણની વાત આ રીતે સાંકળી લેવમાં આવેલ છે.
શ્રી રામકૃષ્ણ દેવ કલ્પતરુ વિશે એક મજેદાર વાર્તા કહેતા. એક માણસ વનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે થાકીને એક ઝાડ તળે બેસીને વિચારવા લાગ્યો કે સુવામાટે પથારી હોય તો કેવું સારું? તેને શું ખબર કે તે કલ્પતરુની નીચે બેઠો છે. મનમાં વિચાર આવતા જ ત્યાં સુંદર પથારી થઈ ગઈ. પછી તે માણસે વિચાર્યું હવે ભૂખ લાગી છે. કંઈક ખાવાનું મળી જાય તો કેટલું સારું. તરત જ ભાતભાતની વાનગીઓ હાજર થઈ ગઈ. કોઈ પગ દબાવવાવાળું હોય તો કેવું સારું. વિચારતા જ એક સુંદર સ્ત્રી હાજર થઈ ગઈ જે પગ દબાવવા માંડી અને તે માણસ ઘસઘસાટ ઊંઘી ગયો.થોડીવાર પછી ઉઠીને પછી તેણે વિચાર કર્યો, ‘ લાવ નજર તો નાખું કે કઈ જગ્યાએ આવ્યો છું.’ ચારે તરફ ગાઢ જંગલ જોતા જ તેના મનમાં વિચાર આવ્યો ‘ઓહ, આવું ગાઢ જંગલ, અહીં વાઘ આવી જશે તો?’ અને આમ વિચારતાં ત્યાં એક વાઘ દેખાયો. વાઘને જોતા જ તે ડરી ગયો અને વિચારવા લાગ્યો, ‘જો વાઘ મને ખાઈ જશે તો’? આ વિચાર ઉપર વાઘે તરાપ મારી અને માણસને ખાઈ ગયો. આ વાર્તા સંભળાવી શ્રી રામકૃષ્ણ દેવ કહેતા કે, ભગવાનને પ્રાર્થના કરતી વખતે સાવધાન રહેવું જેથી લૌકિક કામનાઓ મનમાં ન આવે. કારણ કે ભગવાનતો કલ્પતરુ છે જે માંગો તે મળશે. પણ જો લૌકિક કામનાઓ માટે પ્રાર્થના કરશો તો તે પુરી થશે પણ સાથે-સાથે તેમાંથી ઉત્પન્ન થતી વિપત્તિઓ પણ તમારી પાસે આવશે. માટે ભગવાન પાસે કેવળ નિષ્કામ ભક્તિ માટે જ પ્રાર્થના કરવી જોઈએ.
એક ભક્ત પ્રાર્થના કરે છે ‘ હે પ્રભુ, તમે તો અહૈતુક દયાસિંધુ છો, વારંવાર મારા ઉપર અહૈતુક કૃપા વરસાવો છો. તમે જાણે કે મારા માટે કલ્પતરુ બની ગયા છો. હે પ્રભુ, હવે આટલી કૃપા કરી કલ્પતરુ બનશો નહિ કારણ કે મારું મન હજુ પૂર્ણ શુદ્ધ થયું નથી. અજાણતા જો તેમાં કોઈ અનિચ્છનીય લૌકિક કામના આવી જશે અને તમે તેને પૂર્ણ કરશો તો હું તમારા ચરણોથી દૂર થઈ જઈશ. માટે ‘ હે પ્રભુ, મારા માટે આપ કલ્પતરુ બનશો નહી.’
શ્રી રામકૃષ્ણ દેવ અહૈતુક દયાસિંધુ છે. તેમનો આ આશીર્વાદ હોય છે કે ‘ચૈતન્ય થાઓ’. શ્રી રામકૃષ્ણદેવના ઘણા ભક્તોને લૌકિક દુઃખોનો સામનો કરવો પડે છે શું તેનું કારણ આ જ હશે? કુંતીમાતાએ તો ભગવાનને પ્રાર્થના કરી હતી. ‘હે જગતગુરુ, ચારે તરફથી અમને વિપતિઓ આપો કારણ કે ત્યારે જ તમારું સ્મરણ કરવાથી તમારા દર્શન થાય છે જે જન્મ મરણના બંધનમાંથી છોડાવે છે’. બસ, એ જ રીતે અશ્રુપૂર્ણ નયનોથી પ્રેમથી ઉભરાતા હ્રદયે મૃદુ સ્વરમાં સ્વામીજી પણ કહે છે કે , ‘જ્ઞાનીઓ જે જ્ઞાનની પૂર્ણતા શોધી રહ્યા છે તે જ્ઞાન તેના શ્રી ચરણોમાં જ છે. પ્રેમીઓ જે પ્રેમની પૂર્ણતા શોધી રહ્યા છે તે પ્રેમ પેલા શ્રી ચરણોમાં જ છે. કહો, આ ધન્ય ચરણો સિવાય અન્ય ક્યાં સ્થળે માનવીઓ શરણું લેવા જશે?
સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણદેવની વિશિષ્ટતા ગણાવતા લખે છે કે, શ્રેય ઠાકુર તો ભવસાગરથી પાર ઉતારે છે. અને એટલે છઠ્ઠી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી લખે છે ‘वक्तार जेने युगल चरणं तारण भवपार’ આપણી સામે યુગલ ચરણો છે અને એમાંથી આશીર્વાદ મેળવીને આપણે ભવપાર કરવાનો છે.(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jun 1, 2026 | અખંડ આનંદ |

‘અર્હન્ત‘ અને ‘જિન‘ સુવિશેષણોનો અર્થ સમજવા જેવો છે!
જૈનદર્શનમાં ‘ભાવક્રિયા’ શબ્દનું જબરું મહાત્મ્ય છે. જો કે, કમનશીબે આપણે અવશ્ય કરવાની થતી ક્રિયાઓને પણ ભાવક્રિયાનું રૂપ આપી સંતોષ માની લીધો છે. પર્વાધિરાજ પર્યુષણ આવે ત્યારે ટાઈમ બિઈંગ ભક્તિ છલકે ને આપણે શાસ્ત્રજ્ઞાન માં નજર ફેરવીએ, પણ પછી રોજબરોજની ઘટમાળમાં બધું વિસારે પાડી દઈએ.
આપણે મહાવીર સ્વામીનું અનુકરણ નથી કરવાનું, પણ અનુસરણ કરવાનું છે. ‘જેવું કરવું તે’, ‘દેખાદેખી, ‘નકલ કરવી, એટલે અનુકરણ. જયારે અનુરૂપતા સાધવી, અનુગમન કરવું એટલે અનુસરણ. કહ્યા પ્રમાણે જીવનભર વર્તવું એ અનુસરણીય ગણાય. મહાવીર સ્વામીનું અનુસરણ શું કઠિન છે ? જરા વિગતે વિચારીએ.
જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોની માન્યતા છે. સંસ્કૃતમાં ‘તીર્થ’ એટલે નદી કે તળાવમાં ઊતરવા માટે કરેલો ઓવારો. ‘કર’ એટલે કરનાર. નદીમાં સહેલાઈથી ઊતરવા માટે ઓવારો જોઈએ તે જ રીતે સાચો ધર્મ સમજવા માટે બુદ્ધ પુરુષની જરૂર પડે. સાચા ધર્મની સમજ આપનાર મહાપુરૂષ તે તીર્થંકર. મહાવીર સ્વામીને ચોવીસમા અને છેલ્લા તીર્થંકર માનવામાં આવે છે.
ધર્મગુરુ તો બ્રાહ્મણ જ હોય તે માન્યતા સાચી નથી. ગૌતમ બુદ્ધ અને મહાવીર બંને ઈક્ષ્વાકુ વંશના ક્ષત્રિયો હતા અને રાજપુત્રો હતા. ગૌતમ બુદ્ધ નેપાળની તળેટીમાં રહેતા શાક્ય નામના ક્ષત્રિયોના કુળમાં જન્મ્યા હતા અને મહાવીર પટણાથી સત્યાવીશ માઈલ ઉત્તરે વૈશાલિનગરની પાસેના પરામાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયોના કુળમાં જન્મેલા. આપણે મહાવીરના જીવનપ્રસંગોથી તો પરિચિત છીએ, પણ આપણે આજે એમનાં કઠિન તપ-ભિક્ષા-ધ્યાન વગેરેની વિરલ વાતો જાણવી છે.
મહાવીર એવું માનતા હતા કે, મનુષ્યોનો આત્મા સ્વભાવથી શુદ્ધ છે અને અનંત શક્તિવાળો છે, પરંતુ વાસનાઓ અને તેનાથી પ્રેરાયને થતાં સારાં ખોટા કર્મો દ્વારા તે મલિન ને દીન બની જાય છે.
તપ બે રીતે થાય: (૧) ઉપવાસ કરવા, ટાઢ-તડકો સહન કરવાં વગેરે બાહ્ય તપ અને (2) ધ્યાન.. મનને પદાર્થો તરફ જતું રોકી એક જગ્યાએ સ્થિર કરવું તે. મહાવીર સ્વામી બન્ને તપ કર્યા અને સિદ્ધતાપૂર્વક કર્યાં!
કોઈ ગમે તેવું દુઃખ દે પણ મહાવીર તેનો વિરોધ જ ન કરે. સ્વભાવથી એટલા દયાળુ કે પોતાનું દુઃખ નિવારવા કોઈને દુઃખ આપી જ ન શકે. જીવજંતુ કરડે કે વકરેલાં કૂતરાં બચકાં ભરી માંસ કાઢી લે તો પણ તેને હરાવે નહીં. ભિક્ષા માંગવા જાય ત્યાંરે પણ બીજા યાચકને કે કાગડા-કૂતરાંને અન્ન મળવામાં અડચણ ન આવે તેની કાળજી લે! ભિક્ષા આપનારને નવું ભોજન બનાવવું પડે તેમ લાગે તો ત્યાંથી ખસી જાય. ઘરના બધાં ખાઈ રહે પછી જ વધ્યું-ઘટયું માગી લાવે ને આરોગે.. અરે સાધુ થતી વખતે એક વસ્ત્ર પહેરેલું તે ઝાડી-ઝાંખરાંમાં ભરાઈને નીકળી ગયું તો બીજું માંગીને પહેર્યું નહી. !
ધ્યાનમાં હોય ત્યારે પૂર્ણત: સ્વમાં ખોવાયેલા. એક નાદાન ભરવાડે પોતાનાં બળદ ગુમ થવા અંગે શંકા કરી ખરેખર બ્હેરા કરી નાખવા કાનમાં અણીદાર શૂળો ભોંક્યા તો પણ મહાવીર તો પ્રશાંત!. બાર બાર વર્ષોનું કઠોર છતાં સહજ તપ, બહારનું અને અંદરનું, ત્યારે એક વનમાં પરમ જ્ઞાન ઉપજ્યું અને શુદ્ધ-બુધ્ધ- મુક્ત થયા! ત્યારે ઉપનામ પામ્યા ‘અર્હન્ત‘. સૌ પ્રાણીઓના પૂજય તે ‘અર્હન્ત‘. મહાવીર સ્વામી મન-શરીર-વાચા-કર્મ પર વિજય મેળવ્યો તેથી ‘જિન’ કહેવાયા. તેઓના માર્ગે ગયેલા સાધુ-સન્યાસી અને તેમણે બતાવેલ ધર્મને સહેજ હળવી રીતે પાળવાનું નકકી કરનાર ગૃહસ્થો શ્રાવક કહેવાયા. ‘જિન’ એવા મહાવીરના શિષ્ય થનાર સાધુ અને શ્રાવકો જૈન કહેવાયા.
અહિંસા અને તપનું અનુસરણ શક્ય છે. કુદરતે આપણને કોરોના કાળમાં કઠોર તપની પ્રેક્ટિસ કરાવી છે. કુદરતે માર્મિક રીતે એ પણ ટકોર કરી છે કે, જે જીવને મારે છે તેને હું વિષાણુ બનીને પાઠ ભણાવું છું. !
by Bhadrayu Vachhrajani | May 31, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

કાકા સાહેબ કાલેલકર તો કહેતા કે, ગુરુ ઘેલા શિષ્યોની વાતો આપણે ઘણી સાંભળી છે પણ શિષ્ય ઘેલા ગુરુ તો શ્રી રામકૃષ્ણ માં જ જોવા મળે છે.
સ્વામી શ્રી વિવેકાનંદજી સર્જિત આરાર્તિકમની પાંચમી પંક્તિમાં છેલ્લે એક શબ્દ પ્રયોગ છે ‘પ્રેમ પાથાર’. અને એનું ગુજરાતી આપણે સમજ્યા છીએ ‘પ્રેમનાં વારિધિરૂપ’. એમાં કહેવાયું છે કે, તમે સદા ઉન્મત્ત પ્રેમનાં વારિધિરૂપ છો. આ પ્રેમ પાથાર એટલે કે રામકૃષ્ણ દેવનો પ્રેમ કેવા પ્રકારનો હતો એનકવિધ પ્રસંગો આપણને મળે છે, તેમાંથી બે-ત્રણ આપણે ટૂંકમાં જોઈએ.
16મી એપ્રિલ 1886, શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા. ગળામાં ભયાનક પીડા છે, શરીર અત્યંત ધૃષ્ટ થઇ ગયું છે, ઉપરના ઓરડામાં પથારીમાં સૂતા છે, ભક્તો સાથે અતિ પરિશ્રમ પૂર્વક વાતો કરી રહ્યા છે. તેમાના એક છે ગિરીશઘોષ. પ્રખ્યાત કવિ, નાટ્યકાર, જેઓ પોતે કહેતા કે, તેઓ અતિ પતિત હતા. પણ શ્રી રામકૃષ્ણ દેવની કૃપાથી ભક્ત બન્યા છે. ઘણા લોકો માને છે કે, શિષ્યોમાં વિશેષરૂપે ગિરીશ ઘોષના પાપોના કર્મો પોતાના શરીર ઉપર લેવાથી શ્રી રામકૃષ્ણદેવને આટલી પીડા સહન કરવી પડી હતી. શ્રી મા શારદા દેવી પણ કહેતા કે, ગિરીશઘોષના પાપો પોતાના પર લેવાથી શ્રી રામકૃષ્ણદેવને ગાળામાં કેન્સર થયું. આમ છતાં શ્રી રામકૃષ્ણ દેવનો પ્રેમ બધા પ્રત્યે અબાધિત રહેતો. કદાચ પતિતો અને દુઃખીઓ પ્રત્યે વધુ જોશથી પ્રેમ વહેતો. ગિરીશ ઘોષ ર તો ઠાકુરના પ્રેમ સાગરમાં મોટું મોજુ બનીને આવ્યા ન હોય !?.
ગિરીશ ઘોષ સાથે સ્નેહપૂર્વક વાતચીત કરે છે તેથી એમને સંતોષ મળે છે. અન્ય ભક્તોને તેમના માટે હુક્કો અને પાન લેવાનું કહ્યું. આથી પણ સંતોષ ન થયો તો થોડીવાર પછી અન્ય ભક્તને કહ્યું, ‘કંઇક ખાવાનું લાવી દે’. કોલકાતામાં વારા નગરમાં ફાગુની દુકાન પ્રખ્યાત. ત્યાંથી ગરમાગરમ કચોરી, પૂરી, અને બીજી મીઠાઈ આવી. શ્રી રામકૃષ્ણ દેવે પોતે પોતાને હાથે ગિરીશના હાથમાં આપીને કહ્યું, ‘મજાની કચોરી છે ખા…’ ભક્તોએ તેમને જે માળાઓ પહેરાવી હતી તેમાંથી બે માળા કાઢીને ગિરીશના ગળામાં નાખી દીધી અને પ્રેમપૂર્વક ખાવાનું કહ્યું. હવે પીવાનું પાણી આપવાનું છે. શ્રી રામકૃષ્ણ દેવની પથારીને અગ્નિખૂણે કુંજામાં પાણી રહે છે. શ્રી રામકૃષ્ણ દેવ બોલ્યા, તે કહે છે કે આમ મજાનું પાણી છે. હવે ભક્તો આશ્ચર્યથી જોઈ રહ્યાં. જેઓ અતિ દુર્બળ, જેનામાં જરા ખસવાની શક્તિ નથી તેઓ બાળકની પેઠે પથારીમાંથી આગળ ખસતાં જાય છે પોતે પોતાના હાથે પાણી લેવા માટે.!!! ભક્તોનો શ્વાસ અધર થઈ ગયો. શ્રી રામકૃષ્ણ દેવે પ્યાલામાં પાણી રેડ્યું, પ્યાલામાં જરાક પાણી હાથમાં લઈને જોયું કે ઠંડુ છે કે નહીં. તેમણે જોયું કે, પાણી બહુ ઠંડુ નથી. પણ આખરે એથી વધુ ઠંડુ પાણી બીજું મળે એમ નથી એમ સમજીને અનિચ્છાએ એમણે ગિરીશને એ પાણી પાયું.
શ્રી રામકૃષ્ણ દેવના ભક્તો પ્રત્યેના પ્રેમને દર્શાવતા આવા અનેક પ્રસંગોને લઈને સ્વામી વિવેકાનંદે ‘પ્રેમ પાથાર’ એવો શબ્દ વાપર્યો છે. કાકા સાહેબ કાલેલકર તો કહેતા કે, ગુરુ ઘેલા શિષ્યોની વાતો આપણે ઘણી સાંભળી છે પણ શિષ્ય ઘેલા ગુરુ તો શ્રી રામકૃષ્ણ માં જ જોવા મળે છે.
દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ દેવ સાથેની પહેલી મુલાકાતનું વિસ્તૃત વર્ણન નરેન્દ્રનાથ એટલે કે સ્વામી વિવેકાનંદે પોતે કર્યું છે. તેમના જ શબ્દોમાં અદભુત પ્રેમ પ્રસંગનું વર્ણન “શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ” માં સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ રસસભર કરેલ છે. શ્રી રામકૃષ્ણ બોલ્યા કે, ગીત તો ગાયું પણ એ પછી તરત જ તેઓ ઉભા થઈ ગયાં અને મારો હાથ પકડીને મને એમના ઓરડાની ઉત્તરે જે ઓસરી છે ત્યાં લઈ ગયા. વરંડામાં પેસતાની સાથે જ ઠાકુરે બારણું બંધ કરી દે, અમે વિચાર્યું કે લાગે છે મને એકાંતમાં કંઈક ઉપદેશ દેશૅ. પણ એમણે જે કહ્યું અને કર્યું તે તો તદ્દન જ કલ્પના બહારનું હતું. એકદમ મારો હાથ પકડીને દરદર ધારે આંસુએ રડવા લાગ્યા અને જાણે કે કેટલાય દિવસથી ઓળખતા હોય એમ મને પરમ સ્નેહથી સંબોધીને કહેવા લાગ્યા, આટલે દિવસે આવવાનું હોય? હું તારે માટે કેવી તો રાહ જોઈ રહ્યો છુ. તેનો એકવાર પણ વિચાર નહિ કરવાનો ? વિષયી માણસોની નકામી વાતો સાંભળી સાંભળીને મારા કાન ભૂંજાઈ જવા આવ્યા, દિલની વાત કોઈને ન કઈ શકવાથી મારું પેટ ઢમઢોલ થઈ ગયું, આવી આવી તો કેટલીએ વાતો કરતા જાય અને રડતા જાય. વળી બીજી જ ક્ષણે મારી સામે હાથ જોડીને ઉભા રહ્યાં. અને દેવતાની માફક મારી સામે આદર દાખવીને કહેવા લાગ્યાં, ‘જાણું છું પ્રભુ..જાણું છું હું પ્રભુ, તમે એક જ પુરાતન ઋષિ નરરૂપી નારાયણ જીવોની દુર્ગતિના નિવારણને કાજે ફરીવાર શરીર ધારણ કરેલું છે વગેરે વગેરે…’ હું તો તેમના આવા વર્તનથી એકદમ અવાચક થઇ ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે, આ હું કોને જોઉં છું?, આ તો ઠર્યો પાગલ નહિ તો વિશ્વનાથ દત્તનો પુત્ર! મને વળી આ બધું શું કહે છે? પણ તેઓ હાથ ઝાલીને બોલ્યા, ‘તું જલ્દી મારી પાસે અહીંયા એકલો આવી જા’ એમની આગ્રહ ભરી વિનવણીને ઠેલી ન શકાતા ‘ના ઈલાજે આવીશ’ એમ હું બોલ્યો. રામકૃષ્ણ દેવ પહેલી જ મુલાકાતમાં નરેન્દ્રનાથ ને સાવ પોતીકા ગણવા લાગ્યા. કશાય કારણ વગર એક જણ બીજા જણને એટલી હદે ચાહી શકે એની અમને આના પહેલાં ખબર નહોતી એવું શારદ નંદજી કહે છે. નરેન્દ્રનાથ પ્રત્યે શ્રી રામકૃષ્ણના પ્રેમને જોઈને સમજી શક્યા છીએ કે, વખત જતાં દુનિયામાં એવો દિવસ ઉગશે કે, જ્યારે માણસ માણસની અંદર ઈશ્વરનો આવિષ્કાર અનુભવીને સાચેસાચ જ આવી રીતે અકારણ પ્રેમ પ્રસરાવી કૃતકૃત્ય બનશે.
નરેન્દ્રનાથના પિતાના મૃત્યુ પછી તેમની આર્થિક સ્થિતિ અત્યંત કરુણ થઈ ગઈ. ઘેર ખાવાના પણ સાંસાં પડવા લાગ્યા. આટલા પ્રતિભાવાન નરેન્દ્રનાથને નોકરીની શોધ માટે દ્વારે-દ્વારે ભટકવું પડ્યું. શ્રી રામકૃષ્ણ દેવે એકવાર એક ભક્તને કહ્યું, ‘નરેન્દ્ર ની આ સ્થિતિમાં જો કોઈ તેની સહાયે આવી ચડે તો સારું.’ નરેન્દ્ર ને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ નારાજ થયા અને શ્રી રામકૃષ્ણ દેવને એમ જ ઠપકો આપ્યો. શ્રી રામકૃષ્ણ દેવે આંખમાં આંસુ લાવીને કહ્યું, ‘તારા માટે હું ઘેર-ઘેર ભીખ માંગવા તૈયાર છું.’
શ્રી રામકૃષ્ણદેવના સંબંધમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, તેઓ તો હતા LOVE PERSONIFIED (પ્રેમનું મૃત સ્વરૂપ) સમસ્ત માનવ જાત માટે અને પ્રાણીઓ સુદ્ધા ઉપર પણ રામકૃષ્ણ દેવને પ્રેમ રહેતો. દક્ષિણેશ્વરમાં એક બિલાડીએ તેમના બીછાનામાં શરણ લીધું. જ્યાં સુધી તેને એક ભક્ત મહિલા લઈ ન ગયા ત્યાં સુધી તેઓ તેના વિશે ચિંતિત રહ્યા. ભક્ત મહિલાએ તેની સાર સંભાળ રાખવાનું વચન આપ્યું પછી એમને નિરાંત વળી. કામાર પુકુરમાં એકવાર તેઓ ચાલીને જતા હતા ત્યારે ક્યાંકથી એક માછલી આવીને એના પગ પાસે ફરવા લાગી. શ્રી રામકૃષ્ણદેવે તેને તરત જ તળાવમાં નાખવાનું કહ્યું. અન્ય લોકો તો એને આરોગવાની ઈચ્છા ધરાવતા પણ શ્રી રામકૃષ્ણ દેવના પ્રેમ સામે કોનું ચાલે ? તેઓનું મન સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત રહેતું ત્યારે કોઈના ઘાસ પરથી ચાલવાથી પણ તેમને છાતીમાં પીડા થતી.
શ્રી ઠાકુરની પ્રત્યેક અવસ્થાના લીલા સમાન પ્રસંગો બહુ જ ઝીણવટથી “શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ” (ભાગ એક)માં શ્રધ્ધેય શ્રી સારદાનંદજીએ વર્ણવેલ છે. આ ગ્રંથના ત્રણ ભાગોનું પ્રકાશન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તૃતીય સંસ્કરણ રૂપે 2014 માં થયેલ છે. અભ્યાસુઓ માટે આ ત્રણેય ભાગ એક જ્ઞાન ભંડાર સમાન છે.
પ્રેમની પરાકાષ્ઠામાં પુષ્પોમાં પણ જીવંત ઈશ્વર દેખાતો હોવાથી તેમના માટે પુષ્પો ચૂંટવાનું કાર્ય અશક્ય બની જતું. દરરોજ સાંજે આરતીના સમયે તેઓ દક્ષિણેશ્વરમાં બાબુઓની કોઠીની અગાસી પર ચડીને રડતા રોતા પોકારીને કહેતા, ‘ક્યાં છો ભક્તો?, આવો, તમારા વગર હું રહી શકતો નથી.’ આ પ્રેમનો પોકાર વિફળ ન ગયો. એક પછી એક અનેક ભક્તો આવ્યા. નરેન, રાખાલ, યોગી, બાબુરામ, નિરંજન, તારક, શશી, કાલી, લાટુ, હરી, શારદા પ્રસંદ, ગંગાધર, સુબોધ, કેટલા નામ ગણાવી દઉં. અને તેઓના પ્રેમ પાસમાં સદાય માટે બંધાઈને કેટલા લોકો સન્યાસી બન્યા. સ્વામી વિવેકાનંદ, બ્રહ્માનંદ, યોગાનંદ, પ્રેમાનંદ, નિરંજાનંદ, શિવાનંદ, સારદાનંદ, રામકૃષ્ણાનંદ, અભેદાનંદ, અદભુતાનંદ્, સૂર્યાનંદ્દ, ત્રિગુણાતીતા નંદ, અખંડાનંદ, સુબોદાનંદ કેટલા નામ! અને કેટલા એના પ્રેમના સ્પર્શથી કૃતાર્થ થયા. પૂર્ણ ચંદ્રઘોષ, મથુરાનાથ વિશ્વાસ, શંભુ ચરણ મલિક, નાગમહાશય, બલરામ બસુ, લેખક શ્રીમ, અધરલાલ સેન, ગિરીશચંદ્ર ઘોષ, સુરેન્દ્રનાથ મિત્ર, આજે પણ શ્રી રામકૃષ્ણ દેવના આ સાદ પ્રેમનું આવાહન ચાલુ છે. આ બાબત ઉપરથી ખ્યાલ આવશે કે ‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’. શ્રી રામકૃષ્ણરૂપી આ પ્રેમ પાથાર એટલે કે પ્રેમ સાગર પાસે એકાદ લહેરનો સ્પર્શ પણ આપણને મળી જાય તો ધન્ય ધન્ય થઈ જવાય. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 24, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ગદાઈ શિવનાં ઊંડા ચિંતનમાં મુગ્ધ થઈ ભાવાવેશમાં આવી બેભાન થઈ ગયા !! કહેવાય છે કે ત્રણ દિવસ એ આમ ભાવાવેશમાં રહેલા !!
‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’
‘તમે જ્ઞાનમય ભાવ સમુદ્ર છો, સદા ઉન્મત પ્રેમનાં વારીઘી રૂપ છો.’
શ્રી રામકૃષ્ણ આરાર્તિકમની આ પાંચમી પંક્તિ છે.
ભાવ સમાધિમાં જતા રહેવું કે ભાવ અવસ્થાઓની અસર નીચે જીવવું એ શ્રી રામકૃષ્ણ દેવ માટે અતિ સહજ હતું. શ્રી રામકૃષ્ણ દેવનું જીવન એટલે અસંખ્ય ભાવાવસ્થાઓની અમર કહાની. શ્રી રામકૃષ્ણદેવ જાણે કેટકેટલીયે ભાવાવસ્થાનાં વિશાળ સાગર જોઈ લ્યો. બાળપણમાં ઈશ્વરના ભાવાવેશમાં વિભિન્ન ભવોથી મત બની જતા. પછી 12 વર્ષની સાધનાના ગાળામાં વિભિન્ન સાધનાઓમાં, વિભિન્ન દેવ દેવીઓના દર્શનોમાં, અને અનુભૂતિઓમાં જાણે નિમગ્ન બની ગયા. અને છેલ્લા 12 વર્ષ લોક કલ્યાંણર્થે દિવ્યભાવમાં આરૂઢ થયા.
શ્રી રામકૃષ્ણદેવ કહેતા, ‘શું ચૈતન્ય પર ધ્યાન કરવાથી કોઈ અચેતન્ય થાય?’ જ્ઞાનમય ભાવોના સમુદ્રરૂપ શ્રી રામકૃષ્ણ દેવને ઉદ્દેશીને સ્વામી વિવેકાનંદજી આ પંક્તિ લખે છે કે, ‘તમે જ્ઞાનમયી ભાવસમુદ્ર છો, સદા ઉન્નત પ્રેમના વારીઘી છો.’
જેઠ કે અષાઢ મહિનાની વાત છે. ગદાધરની ઉંમર ત્યારે છ કે સાત વર્ષની. કામાર પુકુરનાં એ રમ્ય ગ્રામના ખેતરના પાળા ઉપરથી હાથની છાબડી માંથી મમરા ખાતો-ખાતો ગદાધર જઈ રહ્યો છે. આકાશમાં તેને દેખાય છે એક સુંદર જળવાળું કાળું વાદળું. ત્યાં જ હારબંધ સફેદ દૂધ જેવા બગલા ત્યાંથી પસાર થાય છે. એક અજબનું વાતાવરણ જામી ગયું. આમ જોતા જોતા અપૂર્વ ભાવમાં તન્મય થઈ જવાથી ગદાધર બેભાન થઈને ઢળી પડ્યો. મમરા બધા વેરવિખેર થઈ ગયાં. લોકો તેને ઊંચકીને ઘરે લઈ ગયા. આ હતી શ્રી રામકૃષ્ણ દેવની પ્રથમ ભાવ સમાધિ. એમ કહેવાય છે કે પછી આ ભાવ સમાધિનો સિલસિલો સતત ચાલતો રહ્યો.
કામાર પુકુર થી એક કોશ દૂર આનુડ ગામમાં આવેલ વિશાલાક્ષી દેવીના મંદિરના દર્શન માટે કામાર પુકુરથી કેટલીક સ્ત્રીઓ જતી હતી. આઠ વર્ષના ગદાધરે હઠ લીધી એટલે તેને સાથે લીધો. વિશાલક્ષી દેવીનું માહત્મ કીર્તન કરતા-કરતા ખેતર વટાવતા પહેલા જ ગદાધર ગાતા-ગાતા થંભી ગયો. તેના અંગ પ્રત્યાંગો અકડ થઈ ગયા, આંખોમાંથી અવિરત આંસુની ધાર વહેવા લાગી, આંખે-માથે પાણી છાંટવાથી પણ બાળ ગદાધરને હોશમાં ન આવતો જોઈને સ્ત્રીઓ તો ચિંતામાં પડી ગઈ. પ્રસન્નમયી નામની એક વિધવાની પુત્રી ગદાધરને ખુબ વ્હાલ કરતી અને તેનામાં ભગવત બુદ્ધિ રાખતી. અચાનક એના મનમાં ઝબકારો થયો કે, સરળ મનનાં શ્રદ્ધાવન બાળકમાં દેવી તો નથી આવ્યા ને ! હવે બધી સ્ત્રીઓ મળીને પ્રસન્નમયી ના કહેવાથી મા વિશાલાક્ષા દેવીનું નામ સંકીર્તન કરવા લાગી. અને ગદાધરને સંબોધીને કહેવા લાગી ‘ મા વિશાલાક્ષી પ્રસન્ન થાઓ મા, રક્ષા કરો’. આમ કરતાં થોડી જ વારમાં ગદાઘરનું મુખ મંડળ સુમધુર હાસ્યથી ખીલી ઉઠ્યું.
શિવરાત્રીની રાત કામાર પુકુરના સીતાનાથ ભાઈએ પોતાના ઘર પાસેના ગામની મંડળીના નાટકનો બંદોબસ્ત કર્યો. જેથી ગામવાસીઓને વ્રત જાગરણનો આનંદથી પ્રાપ્ત થાય. પણ સાંજના સમાચાર મળ્યા કે, શિવનો પાઠ ભજવવાનો હતો તે વ્યક્તિ બીમાર પડી ગયો છે તેથી નાટક નહીં થાય. લોકો નિરાશ થઈ ગયા. એમાં કેટલાકને એવો વિચાર આવ્યો કે, ગદાઈ એટલે કે ગદાધર તો શિવ પૂજામાં મગ્ન રહે છે, શિવ સ્ત્રોત ગાય છે, તેને આ પાઠ ભજવવા આપ્યો હોય તો !!! નાટક મંડળી વાળા રાજી થઈ ગયા. સૌના આગ્રહથી ગદાઈ પણ સંમત થયો. રાત્રે નાટક શરૂ થયું. ગદાઈ જ્યારે મંચ પર હાજર થયો ત્યારે લોકો તેના જટાજુટ વાળો વિભૂતિથી શોભતો વેશ જોઈને આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. પણ ગદાઈ શિવનાં ઊંડા ચિંતનમાં મુગ્ધ થઈ ભાવાવેશમાં આવી બેભાન થઈ ગયો. કહેવાય છે કે ત્રણ દિવસ એ આમ ભાવાવેશમાં રહેલા !!
નાનપણથી જ શ્રી રામકૃષ્ણ દેવ ભાવસાગરમાં મગ્ન રહેવાનું શીખ્યા હતા. શ્રી રામકૃષ્ણ દેવમાં સ્ત્રી અને પુરુષ બંને ભાવોનો અદભુત સમાવેશ થતો. મધુર ભાવની સાધના વખતે તેઓ પોતાનામાં રાધા રાણીનું આરોપણ કરતા ત્યારે સ્ત્રીનો વેશ ધારણ કરતાં. છ માસ સુધી તેમનું હલન-ચલન, હસવું-બોલવું, કટાક્ષ, અંગમરોડ શરીરની એકે એક ચેષ્ટા બધું નારી સુલભ બની જતું. આ ભાવમાં તેઓ એવા તન્મય થયેલા કે તેમના શરીરમાં પણ નારીના બધા લક્ષણો પ્રગટ થયેલા.
શ્રીમતી રાધા રાણીની કૃપા વગર શ્રીકૃષ્ણના દર્શન પામવા અશક્ય છે, એમ જાણીને તેઓ તેમની પ્રેમ ઘનમૂર્તિના સ્મરણ, મનન અને ધ્યાનમાં નિરંતર મગ્ન રહેતાં. આ પછી તેમને રાધા રાણીના દર્શન થયા અને દરેક દર્શનની જેમ આ વખતે પણ તેમની મૂર્તિ શ્રી રામકૃષ્ણ દેવના દેહમાં સમાઈ ગઈ.
એમના શરીરના રુવાડાના છિદ્રોમાંથી ઘણીવાર ટીપે ટીપે લોહી ટપકતું. શરીરના સાંધાઓ લગભગ ભાંગી જ ગયા હોય તેવા ઢીલા-ઢીલા જણાતા હતા અને હૃદયની અપાર યંત્રણાને લીધે ઇન્દ્રિયો પોતપોતાના કાર્યો કરતી સાવ અટકી પડવાથી દેહ ક્યારેક-ક્યારક મડદા જેવો નિશ્ચેતન અને ભાન રહિત બની જતો. આ મહાભાવનો ઉલ્લેખ કરીને શ્રી રામકૃષ્ણે કહેલું કે, ઓગણીશ પ્રકારના ભાવો એક આધારે પ્રગટ થાય તેને મહાભાવ કહેવાય, એવી વાત ભક્તિ શાસ્ત્રમાં છે. સાધના કરીને એક-એક ભાવમાં સિદ્ધ થવામાં લોકોની પૂરેપૂરી જિંદગી વીતી જતી હોય છે. અને પોતાના શરીર સામું જોઈને કહ્યું કે, અહીંયા એક આધારે એક સાથે એ જાતના 19 ભાવોનો પૂર્ણ પ્રાદુર્ભાવ થયો છે. આ મહાભાવની ચરમ સીમાએ તેમને શ્રી કૃષ્ણનાં પાવન દર્શન થયા અને શ્રીકૃષ્ણની મૂર્તિ પણ તેમના શ્રી અંગમાં ભળી ગઈ !!
કાશીમાં શ્રી રામકૃષ્ણ દેવને અનેક દિવ્ય દર્શનો પ્રાપ્ત થયા. તેવી જ રીતે વૃંદાવનમાં પણ તેમને અનેક અદભુત દર્શનો થયા. બાકે બિહારીની મૂર્તિના દર્શન કરીને ત્યાં તેમને અદભૂત ભાવાવેશ થયો. સુધબુધ ભૂલી જઈને તેમને આલિંગન કરવા દોડી ગયા. ધ્રુવ ઘાટ પર તેમને વસુદેવ જમુના પાર કરી રહ્યા છે તેવું એમને દેખાય છે. શ્રી રામકૃષ્ણ દેવનું મન સદા ઉચ્ચતમ ભાવાવસ્થામાં અવસ્થિત રહેતું હતું. એકવાર કોલકાતામાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ જોવા ગયાં પણ સિંહ તો મા દુર્ગાનું વાહન છે એમ વિચારે ચડતાં મા ના ધ્યાનમાં નિમગ્ન બની ગયા. સમાધિ અવસ્થામાં ચાલ્યાં ગયા. સિંહનાં દર્શન તેઓ કરી ન શક્યા.
કોલકતામાં મેદાનમાં એક વૃક્ષ તળે એક યુરોપિયન છોકરાને એક ત્રિભંગ મુદ્રામાં જોયો. તેમને શ્રી કૃષ્ણનાં ભાવનું ઉદ્દીપન થયું અને તરત જ તેઓ સમાધિમાં ચાલ્યા ગયાં. એક વેશ્યાને નિલરંગની સાડી પહેરીને જતી જોઈ તેમને લાગ્યું જાણે સીતા રાવણનાં સકંજામાંથી છૂટીને રામને મળવા જઈ રહી છે. સીતાના આ ભાવથી વિહ્વળ થઈ તેઓ સમાધિમાં ચાલ્યા ગયા. દક્ષિણેશ્વરમાં મા કાલીની પૂજા કરતી વખતે જોયું કે રમણી નામની એક વેશ્યા જઈ રહી છે તેમાં પણ તેમને જગન માતાનાં દર્શન થયા. ‘ઓ મા આજે તું રમણીનું રૂપ ધારણ કરીને આવી છો. ભલે તો આજે આ રૂપમાં પૂજા સ્વીકાર કરજે.’ આમ કહીને મા ના ચિંતનમાં નિમગ્ન થઈ સમાધિમાં ચાલ્યા ગયા.
રામકૃષ્ણ દેવના અનુભવો આધુનિક મનોવિજ્ઞાનને શોધકાર્ય માટે ઘણી સામગ્રી આપે એમ છે. એકવાર ગંગા કાંઠે તેઓ ઉભા હતા ત્યારે દૂર ગંગા પર એક નાવમાં બે નાવિકોને તેમણે ઝઘડતા જોયા. એક નાવિકે બીજા નાવિકની પીઠ પર થપાટ મારી શ્રી રામકૃષ્ણ દેવ ત્યારે અદ્વૈત ભાવમાં હતા. તેમણે ચીસ પાડી. તેમનો સેવક એટલે કે ભાણેજ હૃદય દોડતો-દોડતો આવ્યો. જોયું તો શ્રી રામકૃષ્ણદેવની પીઠ લાલચોળ થઈ ગઈ છે. ‘મામા કોણે તમને માર્યું ? જલ્દી બતાવો તેને હું મજા ચખાડું’. શ્રી રામકૃષ્ણદેવ તો ત્યારે સમાધિ અવસ્થામાં હતા. સહજભાવમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે પેલા નાવિકે બીજા નાવિકની પીઠ પર માર્યું તેથી તેમને દુઃખ થયું. તેમની પોતાની પીઠ લાલચોળ થઈ ગઈ. કેવી અદભુત અદ્વૈતાનૂભુતિ !!
ઇસ્લામ ધર્મની સાધના વખતે શ્રી રામકૃષ્ણદેવ અલ્લાહ મંત્રનો જાપ કરતા અને મુસલમાનોની માફક ખુલ્લી કાછડીએ ધોતિયું પહેરતા. દિવસમાં પાંચ વખત નમાજ પઢતા. આ સાધનાના અંતે તેમને લાંબી દાઢીવાળા અશુંગંભીર જ્યોતિર્મય પુરુષનું દિવ્ય દર્શન થયું. પછી સગુણ વિરાટ બ્રહ્મની ઉપલબ્ધિ કરીને સૂર્ય નિર્ગુણ બ્રહ્મમાં તેમનું મન લિન થઈ ગયું. ખ્રિસ્તી ધર્મની સાધનાને અંતે તેમને પંચવટી તળે ઈસુ ખ્રિસ્તના દર્શન થયા. ઈસુ શ્રી રામકૃષ્ણ દેવને આલિંગન કરી તેના શરીરમાં ભળી ગયાં.
બાહ્ય જ્ઞાન ગુમાવીને શ્રી રામકૃષ્ણ દેવનું મન સગુણ વિરાટ બ્રહ્મની સાથે ઘણીવાર એકાકાર થતું રહ્યું. સ્વામી વિવેકાનંદ કહેતા કે, મનની બહારની જડ શક્તિઓને કોઈ ઉપાયે વશમાં લાવીને કોઈ ચમત્કાર કરી શકે એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ આ પાગલ બ્રાહ્મણ શ્રી રામકૃષ્ણ લોકોના મનને માટીના પીંડાની જેમ ભાંગતો, ટિપતો, ઘડતો અને સ્પર્શ માત્રથી નવાં બીબામાં ઢાળીને નવીન ભાવોથી પરિપૂર્ણ કરી દેતો. એનાથી મોટો આશ્ચર્યપૂર્ણ ચમત્કાર મેં મારા જગતમાં જોયો નથી. આ અનેક ભાવ દશાઓ અને ભાવ સમુદ્રને જાણ્યાં પછી આપણે સંમત થઈશું કે સ્વામી વિવેકાનંદે આરતીની પાંચમી પંક્તિમાં જે કહ્યું છે કે પરમ સત્ય છે, ‘भास्वर भावसागर चिरउन्मद प्रेम पाथार’. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 17, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શ્રી રામકૃષ્ણ દેવે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે કેમેરાની શોધ થઈ એ સંસાર માટે અત્યંત સદ્ભાગ્યની ઘટના હતી.
શ્રી રામકૃષ્ણ દેવના અદ્વિતીય ગુણોનું વર્ણન કરતી આરતી સ્તવન ‘શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિ કમ’ સ્વામી શ્રી વિવેકાનંદે બંગાળીમાં લખી છે. એમની ચોથી પંક્તિમાં એક સુંદર વાત કહેવામાં આવી છે.
‘ग्नानांजल विमलनयन विक्षणेमोहजाय’ એટલે કે તમારા વિમલ નયનો જ્ઞાનરૂપી અંજન થી આંજેલા છે. જેની દૃષ્ટિ માત્રથી જ મોહ દૂર થાય છે. આખા એક વ્યક્તિત્વનું પૂર્ણપણે નયનમાં સમાઈ જવું એવો ભાવ આપણે કરી શકીએ. આ વિમલનયનની જે વાત થઈ એના અંગે થોડું વિગત થી જાણવું પડે.
શ્રી રામકૃષ્ણ દેવે પૃથ્વી પર અવતરણ કર્યું ત્યારે કેમેરાની શોધ થઈ એ સંસાર માટે અત્યંત સદ્ભાગ્યની વસ્તુ હતી. શ્રી રામકૃષ્ણ દેવના કેમેરા દ્વારા લીધેલ ફોટા માનવ જાતને ઉપલબ્ધ છે એ આ યુગાવતારની વિશેષતા કહી શકાય. તેમના જીવનકાળ દરમિયાન કેમેરા દ્વારા તેમના ત્રણ ફોટા લેવામાં આવ્યા છે જે ઉપલબ્ધ છે. જો કે આ સિવાય તેમની મહા સમાધિ પછી તેમના દેહના બે ફોટા લેવાયા હતા, પણ ભક્તોની ભાવનાને માન આપીને તે પ્રકાશિત કરવામાં આવતા નથી.
પહેલાં લેવાયેલા ત્રણ ફોટામાંથી પહેલો ફોટો 21 સપ્ટેમ્બર 1879 ના રોજ કોલકાતામાં શ્રી કેશવચંદ્ર સેનના ઘરમાં લેવાયો. આ ફોટામાં શ્રી રામકૃષ્ણ દેવ સમાધિ અવસ્થામાં ઉભેલા નજરે પડે છે.
બીજો ફોટો 10 ડિસેમ્બર 1881 ના રોજ બેંગાલ ફોટોગ્રાફર્સના સ્ટુડિયોમાં લેવાયો હતો. જ્યાં તેઓ ફોટોગ્રાફી વિશે જાણવા ગયા હતા. આ ફોટામાં તેઓ એક સ્તંભ પર હાથ રાખીને સમાધી અવસ્થામાં ઉભેલા નજરે પડે છે.
ત્રીજો ફોટો દક્ષિણેશ્વરમાં રાધાકાન્ત મંદિરની પરસાળમાં દેવ સમાધિ અવસ્થામાં બેઠેલા હતા ત્યારે લેવાયો છે, 1983માં અથવા તો 1984માં. શ્રી રામકૃષ્ણ દેવમાં અહમ તો લેશમાત્ર નોહ્તો. તેઓ ફોટો પડાવવાનું પસંદ કરતા નહીં એટલે જ કદાચ બધા જ ફોટા જ્યારે તેઓ સમાધિસ્થ અવસ્થામાં હતા ત્યારે જ તેમની જાણ વગર લેવાયા હતા. તેમ છતાં ત્રીજો ફોટો જોઈ અને તેઓએ પોતે આ ફોટાની પૂજા કરીને ઉદગાર કાઢ્યો કે, “અત્યંત ઉચ્ચ સમાધિ અવસ્થાનો ફોટો છે. પછીથી એ ઘેર આની પૂજા થશે.”
ફ્રેન્ક ડોરેક એ હકીકતમાં ઑસ્ટ્રિયન ચિત્રકાર હતાં. અને એને સ્વપ્નલોકમાં કોઈ ભારતીય સંત આવતા હતા. પરંતુ જ્યારે તેઓએ મેક્સમુલરનું એક પુસ્તક ‘એક સાચા મહાત્મા’ વાંચ્યું ત્યારે એને શ્રી રામકૃષ્ણ દેવના દર્શન પ્રાપ્ત થયા. રામકૃષ્ણ દેવનો ફોટો જોઈને તેમને યાદ આવ્યું કે, મને સ્વપ્નમાં આવતા હતા તે ભારતીય સંત આ જ હતા. પછીથી તો તેઓ રામકૃષ્ણ દેવનાં ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યાં. આ ફ્રેન્ક ડોરેક ને ત્રણે ફોટા મળ્યાં. તેમને પહેલો ફોટો અત્યંત પ્રભાવક લાગ્યો. તેમણે આ ફોટા પરથી ચિત્ર દોરવાનો પ્રારંભ કર્યો. તેમની ઈચ્છા શ્રી રામકૃષ્ણ દેવના ખુલ્લા નયનો દોરવાની હતી. પણ કદાચ ફોટાઓમાં તેઓ સમાધિસ્થ અવસ્થામાં હોવાથી તેમના નયનો અર્ધ બીડાયેલા હતા. ખુલ્લા નયનો કેવી રીતે દોરવા? આવી મૂંઝવણમાં ડોરેક દિવસો પસાર કરી રહ્યાં હતા ત્યાં આશ્ચર્યજનક ઘટના બની. તેઓ શ્રી રામકૃષ્ણ દેવના ગહન ધ્યાનમાં નિમગ્ન હતાં ત્યારે તેમણે જોયું કે, શ્રી રામકૃષ્ણ દેવ તેમની સામે સાક્ષાત ઉપસ્થિત થઈ ગયા છે. બન્ને નયનો ઉઘડેલા હતાં અને તેમાંથી અદભુત કરુણા, પવિત્રતા, અને આનંદ નીતરતા હતા. તેઓ આનંદના અતિરેકમાં આવી ગયા અને તરત જ શ્રી રામકૃષ્ણ દેવના એ અદ્ભૂત નયનોના મનોહરકારી રૂપનું ચિત્ર દોરવાં લાગ્યા. આમ વિશ્વને પ્રાપ્ત થયું આ દિવ્ય દર્શનનાં પરિણામે શ્રી રામકૃષ્ણ દેવનું એક અનન્ય ચિત્ર.
થોડા વર્ષો પૂર્વે કોલકાતાના અદ્વૈત આશ્રમનાં વેચાણ વિભાગમાં એક દિવસ સવારે એક અમેરિકન યુવતી આવી. તેને શ્રી રામકૃષ્ણ દેવનો ફોટો ખરીદવો હતો. ઘણા ફોટા દેખાડવામાં આવ્યા પણ તેને એકેય પસંદ ન આવ્યો. છેવટે તેણે પોતાના ગજવામાંથી એક અમેરિકન સમાચાર પત્રનો કટકો કાઢ્યો, જેમાં શ્રી રામકૃષ્ણ દેવ નો ફોટો છાપેલો. તેને આવો જ ફોટો જોઈતો હતો. એ ફોટો એ ઉઘાડા નયનો વાળો ફ્રેન્ક ડોરેકે દોરેલ ચિત્ર નો ફોટો. શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી અખંડાનંદજી જ્યારે હિમાલયનો પ્રવાસ ખેડી રહ્યા હતા ત્યારે તેમણે મુસલમાનની ચા ની દુકાનમાં શ્રી રામકૃષ્ણ દેવ નો ફોટો જોયો. તેમણે આશ્ચર્યથી આ વિષે પૂછ્યું ત્યારે વૃદ્ધ મુસલમાને જવાબ આપ્યો, ‘મને ખબર નથી કે આ કોનો ફોટો છે. જે કાગળ માં વસ્તુ વીંટાયેલી હતી તેને ખોલ્યો તો તેમાંથી આ ફોટો નીકળ્યો. પણ તેમના અદભુત નયનોથી હું મુગ્ધ થઈ ગયો છું. મને લાગ્યું કે તેઓ અમારા પૈગંબર જેવા જ હોવા જોઈએ. એટલે આ ફોટો ફ્રેમ કરીને દુકાનમાં રાખ્યો છે.’
આપણે શરૂઆતમાં જે ‘ग्नानांजल विमलनयन’ એવા શબ્દ પ્રયોગો સાંભળ્યા તેની આ પૂર્તતા કરે છે. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી સ્વામી વિવેકાનંદજી સંન્યાસ વ્રત ગ્રહણ કરી પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કરવા લાગ્યા. આ ભ્રમણ દરમિયાન તેઓ ગાઝીપુર આવ્યાં. તેમણે પરહરી બાબાની યોગશક્તિ વિશેની અદ્ભૂત વાતો સાંભળી. આ પહેલા એકવાર તેમની મુલાકાત પણ લીધેલી. ત્યાં રહેતાં હતા ત્યારે તેમને વિચાર આવ્યો હતો કે, શ્રી રામકૃષ્ણ દેવ સાથે આટલા વર્ષો રહ્યા છતાં આ દુર્બળ શરીરને સબળ બનાવવાનો કોઈ કીમિયો હાથ લાગ્યો નથી. તેમણે પરહરી બાબા પાસેથી હઠયોગ શીખવાનો નિર્ણય કર્યો. જે દિવસે તેઓ દીક્ષા લેવાના હતા તેની આગલી રાત્રે બિછાનામાં પડ્યા-પાડ્યા વિચાર કરતા હતા. બરાબર એ વખતે તેમણે તેમની જમણી બાજુએ શ્રી રામકૃષ્ણ દેવની આકૃતિ ઉભેલી જોઈ. તેઓ જાણે કે શોકપૂર્ણ ભાવથી, અનિમેષ નયને તેમની તરફ જોઈ રહ્યા હતાં. તેમણે પણ તેમની સામે જોયા કર્યું. આમ બે થી ત્રણ કલાક પસાર થઈ ગયા પણ સ્વામીજીના મોઢામાંથી શબ્દ સરખો ન નીકળ્યો. આ ઘટના બે-ત્રણ વખત પુનરાવર્તિત થઈ.
સ્વામીજીએ પાછળથી એક કાવ્યની રચના કરી. ‘ગાઉ હું ગીત તમને જ સુનાવવાને’ તેઓ એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે, જેટલી વાર તેઓ દીક્ષાનો નિશ્ચય કરે છે તેટલી વાર તેમને આ દર્શન થાય છે. તેથી આ દીક્ષાથી શુભ નહીં થાય પણ અશુભ થશે એ વિચારથી તેમણે દીક્ષા લેવાનો વિચાર સદંતર માંડી વાળ્યો. એક વિમલ નયનની આટલી પ્રગાઢ અસરને કારણે કદાચ આપણને એવું લાગે કે આપણે રામકૃષ્ણ દેવને જ્ઞાની ગણીએ, ભક્ત ગણીએ, શું ગણીએ? કોઈ કહેશે શ્રી રામકૃષ્ણ ભલા જ્ઞાની ક્યાંથી? તેઓ તો અભણ હતાં ! ના..ના.. તેઓ સાચા અર્થમાં જ્ઞાની હતા. શાળાનું ઔપચારિક શિક્ષણ ભલે ઝાઝુ પ્રાપ્ત ન કર્યું પણ અનૌપચારિક રીતે તેમણે કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવી તીક્ષ્ણ તેની બુદ્ધિ, ! કેવી અદ્ભૂત મેધાશક્તિ, ! પરાવિદ્યામાં તો પારંગત, અપરાવિદ્યામાં પણ ઓછા ન હતા. કોઈ કહેશે કે, તેઓ ભક્ત હતાં તો જ્ઞાની કેમ કહો છો? ત્યારે સ્વામી વિવેકાનંદ કહેતા, ‘શ્રી રામકૃષ્ણ બહારથી ભક્ત દેખાતા જ્યારે ભીતરમાં તે જ્ઞાનથી પૂર્ણ હતા. જયારે હું બહારથી જ્ઞાની દેખાઉં છું પણ ભીતરમાં હું ભક્ત છું.’ જાણવા જેવું એ છે કે સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા કે, શ્રી રામકૃષ્ણ દેવની કૃપા દૃષ્ટિથી હજારો-હજારો વિવેકાનંદ તૈયાર થઈ શકે છે. આવો છે એમના વિમલ નયનોનો અદ્ભૂત પ્રભાવ…(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 13, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

મા શારદાદેવી શ્રી ઠાકુરની વિદાય પછી હાથમાંથી બંગડી કાઢવા લાગ્યા ત્યારે શ્રી ઠાકુરે દર્શન આપી ના પડી અને કહ્યું : ‘હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’
સ્વામી શ્રી વિવેકાનંદે જે પદ લખ્યું છે અને સાંજની આરતી તરીકે આજે પણ મઠ અને મિશનના મંદિરોમાં ગુંજી રહ્યું છે, તેનો ગુઢાર્થ જાણવાનો આપણે નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ.
ત્રીજી પંક્તિ અથવા ત્રીજું પદ કહે છે,
मोचन अगतृषण जगभूषण चितघनकाय’
હે પ્રભુ, તમે મનુષ્યને પાપ-દોષોથી મુક્ત કરનાર છો, જગતના ભૂષણ રુપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો.
સમજવાનો પ્રયાસ કરીએ. मोचन अगतृषण એટલે શું? પ્રસંગથી સમજીએ. 14 ડિસેમ્બર 1984 ના રોજ શ્રી રામકૃષ્ણદેવ કોલકત્તા ના સ્ટાર થિયેટરમાં ‘પ્રહલાદ ચરિત્ર’ નાટક જોવા આવ્યા. નાટક પૂરું થયા પછી તેમને બંગાળના પ્રસિદ્ધ નાટ્યકાર કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષને ત્યાં વાર્તાલાપના પ્રસંગમાં કહ્યું, મા ના નામમાં શ્રદ્ધા રાખો એટલે બધું થઈ જશે. ગિરીશે કહ્યું, હું તો પાપી છું. દેવ બોલ્યા, ‘એ આખો દિવસ હું પાપી છું… હું પાપી છું એવું વિચાર કર્યા કરે છે તે આખરે પાપી થઈ જાય છે.’ ગિરીશે કહ્યું, મહારાજ હું તો એવો પાપી છું કે જ્યાં બેસુ ત્યાંથી સાત હાથ જમીન ખોદી નાખવી પડત. શ્રી રામકૃષ્ણ દેવ થોડા ચિંતિત થઈને બોલે છે, ‘એવું શું બોલો છો? ઓરડામાં ભલેને હજાર વર્ષનો અંધકાર હોય છતાં દીવો કરતા જપટ દઈને અંધકાર જતો રહે છે. હજાર વર્ષનો અંધકાર છે તેથી તો કંઈ ધીમે ધીમે જતો નથી.’ શ્રી રામકૃષ્ણદેવના સુસ્પષ્ટ જવાબથી ગિરીશ ઘોષમાં કેવી રીતે પરિવર્તન આવ્યું તેની વાતો બહુ રસપ્રદ છે, વાંચવા જેવી છે.
ગિરીશ ઘોષ તો કહેતા કે, ‘મેં દારૂની એટલી બધી બોટલો પીધી છે કે જો તે ઉપરા ઉપર મૂકવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આંબી જાય.’ એક રાત્રે ગિરીશ દારૂ પી નશામાં મસ્ત થઈ વારાંગનાઓને ત્યાં મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હતા. એવામાં એમના હૃદયમાં ન સમજાય એવું તીવ્ર આકર્ષણ થવા લાગ્યું અને તેમને યાદ આવ્યા શ્રી રામકૃષ્ણ દેવ. ગાડી કરીને આવી પહોંચ્યા સીધા દક્ષિણેશ્વર. રાત્રિનું ઘોર અંધારું, મંદિરનો ફાટક બંધ, ગિરીશનો અવાજ સાંભળતા જ રામકૃષ્ણ દેવે પોતે ફાટક ખોલ્યું. લથડિયાં ખાતા ગિરીશનો હાથ પકડીને સંભાળથી અંદર લાવ્યા અને તેમના હાથ પકડીને નૃત્ય કરવા લાગ્યા. નશો ઉતર્યો ત્યારે રામકૃષ્ણ દેવની આ અપ્રતિમ સ્નેહવર્ષાથી ગિરીશનું હૃદય દ્રવિત થઈ ગયું. તેમને લાગ્યું, ખરેખર શ્રી રામકૃષ્ણ દેવ પતિતપાવન છે. મારા જેવા પતિત ને પણ આટલો પ્રેમ આપે છે !
એકવાર થિયેટરમાં ગિરીશ ઘોષ રામકૃષ્ણદેવને ક્રોધમાં ભાન ભૂલીને ફાવે તેમ ગાળો આપવા લાગેલા. ભક્ત્તો તો વિચલિત થઈ ગયેલા પણ કરુણા મૂર્તિ રામકૃષ્ણ દેવે ચુપચાપ બધું સાંભળી લીધું અને દક્ષિણેશ્વર જવા રવાના થઈ ગયા. બધા ભક્તોએ રામકૃષ્ણદેવને સમજાવ્યા. ‘હવે આ દારૂડિયાની પાસે ના જશો હો…’ શ્રી રામકૃષ્ણ દેવે રામચંદ્ર દત્તને આ વિશે પૂછ્યું તો તેમને જવાબ આપ્યો કે, શ્રી ભગવાન કૃષ્ણ કાલીયા નાગને કહે છે કે, ”હે પ્રભુ, તમે જ મને ઝેર આપ્યું છે તો અમૃત ક્યાંથી લાવું? માટે ગિરીશનો વાંક નથી. શ્રી રામકૃષ્ણ દેવ આ સાંભળી પ્રસન્ન થયા અને કહ્યું, ચાલો રામ, તમારી જ ગાડીમાં હમણાં જ ગિરીશ ને ત્યાં જઈએ. ધોમધખતાં તડકામાં શ્રી રામકૃષ્ણ દેવ ગિરીશ ઘોષના ઘરે આવી પહોંચ્યા અને કહ્યું, ‘ગિરીશ, હું આવી ગયો છું.’ ગિરીશ ત્યારે પશ્ચાતાપથી રડી રહ્યાં હતા. શ્રી રામકૃષ્ણદેવને આવેલા જોઈને સીધા ચરણમાં પડ્યા અને રડતા-રડતા બોલ્યા, ‘આજે જો તમે ન આવ્યા હોત ને તો હું માની લેત કે તમે પણ નિંદા સ્તુતિમાં સમાન નથી. તમે સાચા અર્થમાં પરમહંસ નથી પણ આજે હું ઓળખી ગયો કે તમે એ જ છો. હવે તમે મને છેતરી નહિ શકો. હવે તમારે મારો ભાર ઉપાડવો જ પડશે. કહેવાય છે કે ગિરીશ ઘોષે શ્રી રામકૃષ્ણ દેવના ચરણોમાં આત્મસમર્પણ કર્યું, વકીલાત નામું આપ્યું, શ્રી રામકૃષ્ણ દેવે તેની સાધનાનો અને તેના પાપોનો ભાર ઉપાડવાની શરૂઆત કરી. એમણે સ્વામી પ્રેમાનંદને કાશીથી એક પત્રમાં ખુદ રામકૃષ્ણ દેવે લખ્યું, ‘ગિરીશ બાબુ અહીં છે. અહાહા.. એમનો સ્વભાવ કેવો મધુર થઈ ગયો છે… જેવો ઉદારભાવ એવી જ શ્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા. અહંકાર તેમને મન તુચ્છ છે. પારસમણિના સ્પર્શથી જાણે લોઢું સોનુ બની ગયું છે. હું નજરે જોઈ રહ્યો છું. ગિરીશ ઘોષ પોતે પણ કહેતા કે તમારે રામકૃષ્ણ દેવ નો મહિમા સમજવો હોય ને તો સ્વામી વિવેકાનંદ તરફ ન જોતા. એ તો શુદ્ધાત્મા બુદ્ધિશાળી કોલેજીયન. એટલે એને નરેનમાંથી સ્વામી વિવેકાનંદનું સર્જન કરવું એ બહુ મોટો ચમત્કાર નથી. પણ મારા જેવા પતિતને ભક્ત બનાવી દેવો એ જ શ્રી રામકૃષ્ણ દેવનો અપાર મહિમા છે.
ગિરીશ ઘોષ સાથે સંકળાયેલ કેટલાક નટનટીઓ પતિતોના તારણહાર બન્યા હતા શ્રી રામકૃષ્ણદેવ. 21 સપ્ટેમ્બર 1884 ના રોજ શ્રી રામકૃષ્ણદેવ ગિરીશ ઘોષનું શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશેનું નાટક જોવા સ્ટાર થિયેટરમાં ગયા. ભક્તોએ વાંધો ઉઠાવ્યો કારણ કે તે દિવસોમાં સમાજમાં અભિનય કરનારી સ્ત્રીઓનું સ્થાન હલકું હતું. તો પણ શ્રી રામકૃષ્ણ દેવ ગયા અને કહ્યું, ‘હું તેઓને પણ મારી મા આનંદમયરૂપે જોઇશ’. નાટક પૂરું થયા પછી શ્રી રામકૃષ્ણ દેવે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું, અસલ નકલ એક લાગ્યું. આ પછી નટનટીઓએ એ રામકૃષ્ણ દેવના આશીર્વાદ મેળવ્યા. શ્રી ચૈતન્યના પાત્રનો અભિનય કરનાર વિખ્યાત એક્ટ્રેસ વિનોદીનીના મસ્તક પર પોતાના બંને હાથ રાખી આશીર્વાદ આપતાં શ્રી રામકૃષ્ણદેવે કહ્યું, ‘ચૈતન્ય થાઓ’. આ એક્ટ્રેસ વિનોદીનીએ પોતાની આત્મકથામાં લખ્યું કે, સંસારી લોકો મારા પાપમય જીવનને ઘૃણાથી જોવે એની હું પરવાહ કરતી નથી. મને શ્રી રામકૃષ્ણ દેવના આશીર્વાદ મળ્યા છે, એમનો પ્રેમમય આજ્ઞા પૂર્ણ સંદેશ મને ટકાવી રાખશે. વિનોદીનીના જીવનમાં પરિવર્તન આવ્યું અને તે શ્રી રામકૃષ્ણ દેવની કાયમ માટે ભક્ત બની ગઈ.
દક્ષિણેશ્વર મંદિરમાં શ્રી રામકૃષ્ણ જન્મોત્સવ વખતે કેટલીક ખરાબ ચરિત્ર વાળી સ્ત્રીઓ આવે. આથી ઘણા લોકો વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવા લાગ્યા. આ વિશે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈ શ્રી રામકૃષ્ણાનંદજીને 23 ઓગસ્ટ 1896 ના પત્રમાં અમેરિકાથી લખ્યું. આજે રામદયાળ બાબુનો પત્ર મળ્યો છે, તેઓ લખે છે કે, દક્ષિણેશ્વરના શ્રી રામકૃષ્ણ દેવના જન્મોત્સવ વખતે ઘણી વેશ્યાઓ પણ આવે છે. તેથી ઘણાને તેમાં જવું ગમતું નથી. વળી તેમના મતે એક દિવસ પુરુષો માટે રાખવો જોઈએ અને બીજો દિવસ સ્ત્રીઓ માટે. આ બાબતમાં મારો નિર્ણય આ પ્રમાણે છે. ‘જો દક્ષિણેશ્વર જેવા મહાન યાત્રાના સ્થળે વેશ્યાઓને જવા દેવામાં ન આવે તો બીજે ક્યાં જાય તેઓ? ઈશ્વર ખાસ તો પાપીઓ માટે જ પ્રગટ થાય છે નહીં કે પુણ્યશાળીઓ માટે. મંદિરમાં પણ જે લોકો એવા વિચાર કરે કે આ સ્ત્રી વૈશ્યા છે, આ તો ગરીબ છે, આ તદ્દન સામાન્ય છે, એવા જેમને તમે સજ્જનો કહો છો તેવા લોકો જેટલા ઓછા આવે ને એટલું વધું સારું. જેઓ ભક્તોની જ્ઞાતિ, લિંગ કે ધંધા વગેરેનો વિચાર કરે તેઓ આપણા પ્રભુ શ્રી રામકૃષ્ણદેવને શું સમજી શકવાના? હું તો ઈશ્વરને પ્રાર્થું છું કે સેકડો વેશ્યાઓ આવે અને તેમના ચરણોમાં પોતાનું માથું ઝુકાવે. સજ્જન એક પણ ન આવે તો તેનો કોઈ વાંધો નહીં. ગણિકાઓને આવવા દો, દારૂડિયાઓને આવવા દો, ચોર અને બીજા બધા આવી જાઓ પ્રભુના દરવાજા બધા માટે ખુલ્લા છે.’ આવી અનેક ઘટનાઓને લઈને ડો. આર્નોલ્ડ ટો. એન. બી., રોમા રોલા, પ્રો. મેક્સ મુલર, વગેરે સંસારના ઇતિહારકારો અને વિદ્વાનો શ્રી રામકૃષ્ણ દેવને સમસ્ત જગતનાં આભૂષણ રૂપે આલેખે છે. શ્રી રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી શ્રી મા શારદાદેવી જયારે હાથમાંના સોનાની બંગડીઓ કાઢી નાંખતા હતાં ત્યારે રામકૃષ્ણ દેવે દર્શન આપીને તેમને આમ કરતા અટકાવ્યા અને કહ્યું, ‘ હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.’ આ પછી કેટલાય ને દર્શન થયાં છે, થઈ રહ્યાં છે.
ઈશ્વર તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તેનો સૂક્ષ્મ દેહ ચિન્મય હોય છે. તેમના ભૌતિક દેહમાં પણ અલૌકિક તત્વ હોય છે. એટલે જ તો સ્વામી વિવેકાનંદજી શ્રી રામકૃષ્ણ દેવનાં દેહનાં અવશેષને જે તાંબાના પાત્રમાં સાચવી રાખેલા તેને આત્મારામનું પાત્ર કહેતા. આ પાત્રની સાચવણીની તેમણે ઘણીવાર પરીક્ષા કરી. તેને અનન્ય શ્રદ્ધાથી તેઓ જોતા. તેથી ત્રીજી પંક્તિમાં લખ્યું છે, ‘હે પ્રભુ, તમે મનુષ્યને પાપ દોષોથી મુક્ત કરનાર છો, જગતનાં ભૂષણરૂપ છો, ઘનીભૂત ચૈતન્ય રૂપ દેહધારી છો.’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | May 6, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

‘અરે નરેન્દ્ર, તને હજી ખાત્રી નથી થતી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણ રૂપે આ દેહમાં બિરાજે છે.
શ્રી રામકૃષ્ણ આરતીની પહેલી પંક્તિમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ खंडन भवबंधन जगवंदन वन्दित्वोमाय એવું લખીને પહેલી જ પંક્તિમાં કહ્યું કે, ‘હે ભવબંધનનું ખંડન કરનાર, જગતનાં વંદનીય હું આપને વંદન કરું છું’. કે ભવબંધનનું ખંડન કરે છે એમ કહેનાર સ્વામી વિવેકાનંદ્દ બહુ જ સમજપૂર્વક અથવા વિચક્ષણતાથી આ આરતીની બીજી પંક્તિમાં કહે છે, ‘निरंजन नररूपधर निर्गुण गुणमय’ એટલે કે તમે નિરંજન છો, તમે નરરૂપ ધારણ કરેલ છે, નિર્ગુણ છતાં તમે સગુણોના આશ્રયી છો.
નિર્ગુણ, નિરાકાર સચ્ચિદાનંદ્દ બ્રહ્મ અનંત હોવા છતાં સમય, સ્થિતિ અને કાળની સીમાથી આવૃત થઈ ઈશ્વર થાય છે અને એ જ ઈશ્વર અવતરણ કરે છે, શ્રી રામરૂપે, શ્રીકૃષ્ણરૂપે, શ્રી રામકૃષ્ણરૂપે. નિરંજન હોવા છતાં નરરૂપ ધારણ કરે છે. નિર્ગુણ હોવા છતાં ગુણોનો આશ્રય લે છે. શ્રી રામ અને શ્રીકૃષ્ણના આવિર્ભાવની જેમ શ્રી રામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો.
પિતા ખુદીરામ ચટ્ટોપાઘ્યાયને ગદાધર વિષ્ણુ ભગવાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, ‘હું તારે ત્યાં જન્મ લઈશ.’ માતા ચંદ્રમણી દેવીને જુગીના શિવમંદિરમાં વિચિત્ર દિવ્ય અનુભવ થયો. શિવલિંગમાંથી જ્યોતિ તેમના ઉદરમાં પ્રવેશી. બાળક ગંગાધરની બાળલીલા શ્રી કૃષ્ણની વૃંદાવનલીલા જેટલી જ મધુર, દિવ્ય અને અલૌકિક હતી. શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં સ્વામી શારદાનંદ મહારાજે શ્રી રામકૃષ્ણદેવની દિવ્ય લીલા નું વર્ણન કરતા પહેલા જાતે હકીકતોની ચકાસણી કરી હતી તે નોંધવા જેવું છે. એમ કહેવાય છે કે ઈશ્વર જ્યારે અવતરે છે, મનુષ્ય લીલા કરે છે, ત્યારે એવો તો આબેહૂબ અભિનય કરે છે કે લોકો સંશયગ્રસ્ત થઈ જાય છે. ઈશ્વર જયારે નરરૂપ ધારણ કરે ત્યારે પોતે માયાનો આશરો તો લે છે, પણ માયાથી પ્રભાવિત થતા નથી. નિરંજન રહે છે. શ્રી રામકૃષ્ણદેવ સુંદર ઉદાહરણ આપી આ વાત સમજાવે છે.
સાપના મુખમાં ઝેર હોય છે. આથી અન્ય લોકો આ ઝેરથી પ્રભાવિત થાય છે. પણ સાપને પોતાને કંઈ થતું નથી. આ જ રીતે સાધારણ જીવ કર્મોના બંધનને લીધે જન્મ ગ્રહણ કરે છે.પણ ઈશ્વર કાર્માધ્યક્ષ હોવાથી બંધનોથી પ્રભાવિત થતા નથી અને નિરંજન રહે છે. નિર્ગુણ હોવા છતાં ત્રિગુણાત્મિકા માયાનો આશ્રય લે છે અને ગુણમય બને છે. શ્રી રામકૃષ્ણ દેવમાં કેટલા બધા દિવ્ય ગુણોનો વિકાસ થયો હતો તે ગણવા બેસીએ તો યાદી ટૂંકી પડે. શ્રી રામકૃષ્ણ દેવને બહુ ઓછા લોકો અવતારરૂપે જાણી શક્યા. સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ દેવનાં અનુયાયીઓ પાસે તેમને અવતાર રૂપે સ્વીકારવા જોઈએ એવો આગ્રહ રાખતા ન હતા.
એકવાર સ્વામીજીના એક શિષ્યે તેમને કહ્યું, કે ઘણા લોકોને હજી એવો વિશ્વાસ નથી કે, રામકૃષ્ણ દેવ ઈશ્વરનો અવતાર છે. ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘તમે એમ માનો છો કે આમ માનવું સહેલું છે? અમારા પ્રભુનાં પોતાના પવિત્ર મુખેથી જ આ વાત વારંવાર સાંભળવા છતાં અમને હજુ પૂર્ણ શ્રદ્ધા બેઠી નથી. અને અવાર-નવાર શંકા અને નિરાશાથી અમારા મન ખળભળી ઉઠે છે. તો બીજાઓની આમ શ્રદ્ધા મંદ હોય તો તેમને શું કહીએ? આપણા જેવા જ શરીર વાળો એક માણસ સાક્ષાત ઈશ્વર છે એ વાત કહેવી અને માનવી ખરેખર કઠિન છે. આપણે તેને પૂર્ણ માનવ કે બ્રહ્મજ્ઞાની હદ સુધી જઈ શકીએ. ભલે, તમે તેને સંત કહો, બ્રહ્મજ્ઞાની કહો કે બીજું ગમે તે કહો તેનો કશો વાંધો નથી. મારી પાસેથી એટલું જાણી લેજો કે શ્રી રામકૃષ્ણ જેવો પરમ પૂર્ણ માનવી આ પૃથ્વી ઉપર કદી અવતર્યો નથી. જગતનાં ગાઢ અંધકારમાં આજના યુગ માટે મહાપુરુષ પ્રકાશનો ઉજ્જવળ સ્તંભ છે. હવે તે પ્રકાશ વડે જ માનવ સંસાર સાગર તરી શકશે.’ સ્વામીજીની આ ઉક્તિ તેમની ગુરુ પ્રત્યેની અંધભક્તિનું દ્યોતક નથી. તેને વિભિન્ન રૂપે શ્રી રામકૃષ્ણ દેવની પરીક્ષા કરી હતી અને પછી જ તેમને સ્વીકાર્યા હતા.
શ્રી રામકૃષ્ણ દેવને ગળામાં કેન્સરનો રોગ થયો ત્યારે તેમને કોલકતાના કાશીપુરનાં બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા. 16 મી ઓગસ્ટ 1986 ના રોજ તેમણે આજ બગીચામાં મહાસમાધિ લીધી, તેના બે દિવસ પહેલાની વાત છે. કોલેજના કેટલાક યુવકો તેમની રાત-દિવસ સેવા કરી રહ્યા હતા, તેમાંના એક હતા નરેન્દ્રનાથ. જેને પછીથી આપણે સ્વામી વિવેકાનંદના નામથી ઓળખ્યા. શ્રી રામકૃષ્ણદેવની પથારી પાસે ઊભા હતા ત્યારે એક ભયંકર સંશય તેમના મનમાં જન્મ્યો. લોકો તો શ્રી રામકૃષ્ણને ઈશ્વરનો અવતાર માને છે. તેઓ પોતે ઈશ્વરનો અવતાર છે એવું અનેક વાર બોલી ચૂક્યા છે. પરંતુ તો પછી આવી શારીરિક પીડા અને અસહ્ય વેદના તેઓ કેમ ભોગવી રહ્યા છે? આ અવ્યવસ્થામાં પણ જો તેઓ કહી શકે કે, હું ઈશ્વરનો અવતાર છું તો જ હું એને સાચો માનું. નવાઈની વાત, નરેન્દ્રનાથનો વિચાર પૂરો થયો ન થયો કે તરત જ શ્રી રામકૃષ્ણદેવ એમનાં તરફ ફર્યા અને પૂર્ણ શક્તિથી સ્પષ્ટ રીતે બોલ્યા. ‘અરે નરેન્દ્ર, તને હજી ખાત્રી નથી થતી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણ રૂપે આ દેહમાં બિરાજે છે અને એ પણ તારી વેદાંતની દૃષ્ટિથી નહીં.’ નરેન્દ્ર નાથ તો આ સાંભળીને ભોંઠા પડી ગયા. અને આવી શંકા કરવા માટે પસ્તાવો કરવા લાગ્યા. એટલે જ સ્વામીજીએ શ્રી રામકૃષ્ણની આરાર્તિક સ્તવનની બીજી પંક્તિમાં લખ્યું,.. ‘તમે નિરંજન છો, તમે નરરૂપ ધારણ કરેલ છે, અને નિર્ગુણ છતાં તમે સદગુણોના આશ્રયી છો’. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Apr 28, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી શકો.
વિશ્વભરના અનેક ઘર અને મંદિરોમાં પાવનકારી સંધ્યાની વેળાએ શ્રી રામકૃષ્ણ દેવની આરતીનો પ્રારંભ થાય છે. સૌ તેમાં તલ્લીન થઈને ગાય છે. જેને શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન કહેવામાં આવે છે.
આ અમર સ્તવનના રચયિતા બીજા કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદજી પોતે હતા. એમાં પારંપરિક સંગીતની ધ્રુવ શૈલી છે. અને પરિણામે આ સ્તવન લયબદ્ધ, અને તાલબદ્ધ બન્યું છે. વાત એવી છે કે સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા ફર્યા તે પછી બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર કવિ શ્રી ગિરિશચંદ્ર ઘોષે સ્વામીજીને રામકૃષ્ણ દેવ વિશે ગ્રંથ લખવાનો અનુરોધ કર્યો. આ વાત સાંભળીને સ્વામીજી થોડા મુશ્કેલીમાં મુકાયા હોય એવી રીતે કંપિત સ્વરે કહેવા માંડ્યા કે, “ એ વાત મારાથી શક્ય નથી. તમે આગ્રહ કરો તો હું સાગરને સુકવી નાખવાનું પસંદ કરું, તમે આગ્રહ કરો તો પર્વતોના ચુરે ચુરા કરી શકું, પણ શ્રી રામકૃષ્ણદેવનું જીવન ચરિત્ર લખવું મારા માટે શક્ય નથી. અરે, ગુરુદેવની અનંત મહિમાને હું સમજ્યો છું જ કેટલો?” એમણે તો ત્યાં સુધી કહ્યું કે, “તમે શું એવું ઈચ્છો છો કે શિવની મૂર્તિ ઘડવાનું મને કહેવામાં આવે અને હું વાનરની મૂર્તિ ઘડી બેસું? ના ના.. મારાથી તો એ નહીં બને.” થોડો સમય સન્નાટો છવાઈ ગયો. આપણે એમ માનીએ કે રામકૃષ્ણ દેવને સૌથી વધુ ઓળખનાર કોઈ હોય તો એ સ્વામી શ્રી વિવેકાનંદ હોઈ શકે. અને એ વાત ખોટી ન હતી, એ વાત સાચી હતી.
અને ખરેખર સ્વામીજીએ શ્રી રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર ન લખ્યું. પણ એમના મનની અંદર એવું રહેતું હશે કે, મારા ગુરુના જીવનને વર્ણવવાને બદલે ગુરુની શીર્ષસ્થ પ્રતિભા અને બહુ મોટી દૈવી આભાને વર્ણન કરતું હોય તેવું કશુંક હું રચું. એમ વિચારીને તેમણે હકીકતમાં વિશ્વને જે પ્રદાન કર્યું તે શ્રી રામકૃષ્ણ મિશન ને મઠમાં સાંધ્ય કાળે ગવાતી આ આરતી છે.
શ્રી રામકૃષ્ણ આરાર્ત્રિકમ સ્તવન માં સ્વામી શ્રી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણ દેવ વિષે લગભગ-લગભગ બધું કહી દીધું. આ સ્તવન અવતારવરિષ્ઠ શ્રી રામકૃષ્ણ દેવના સર્વ શ્રેષ્ઠ ભક્ત, શિષ્ય, સ્વામી વિવેકાનંદજીની તેમના પ્રત્યેની સર્વશ્રેષ્ઠ ભાવાંજલિ છે. આ સ્તવન શ્રી રામકૃષ્ણદેવના અનંત ભાવો ને અનંત ગુણોને, અનંત લીલાને ભક્તો સમક્ષ પ્રગટ કરે છે. અને તેઓના મનને ઉચ્ચ ભાવસ્થિતિમાં પ્રસ્થાપિત કરે છે. આ સ્તવનમાં ભાવ, સંગીત, લય, તાલ, બધું અનન્ય છે. સ્વામી શ્રી નિખીલેશ્વરનંદજી મહારાજ તો એવું કહે છે કે, “શ્રી રામકૃષ્ણ દેવનાં દિવ્ય ચરિત્રને તત્વથી સમજવાની ગુરુચાવી આ સ્તવનમાં છે. શ્રી રામકૃષ્ણ દેવના જીવન દર્શનની, ભાવોની, સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા પણ આ સ્તવનમાં સાંપડે છે.”
સમજવાનું એ છે કે, સ્વામી વિવેકાનંદ ધર્મ સંકીર્ણતા અને સંપ્રદાયિકતાના વિરોધી હતા. રામકૃષ્ણ દેવ વિશે લખાયેલ હોવા છતાં આ સ્તવનમાં કોઈપણ જગ્યાએ રામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ નથી. આમ જાણે કે, આપણને એમ લાગે કે આ એક પરમ તત્વ માટેની સાર્વભૌમિક પ્રાર્થના છે. દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે. કારણ કે એમણે જે ગુણોનું વર્ણન કર્યું છે તે ગુણો એક અવતારને, ઈશ્વરના કોઈપણ રૂપને, આપણી સમક્ષ ખડું કરે છે. આ સ્તવનની ખૂબી એ છે કે, બંગાળીમાં લખાયેલું હોવા છતાં એમાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ થયો છે કે, તમે બંગાળી ન જાણતા હોવ તો પણ સરળતાથી તેનો અર્થ સમજી શકો.
કહેવાય છે કે આ સ્તવન જયારે પહેલી વાર ગવાયું ત્યારે એ સ્થળ હતું નીલાંબર મુખર્જીનું મકાન કે જ્યાં મઠની સ્થાપના થયેલી. ગંગાને કાંઠે આવેલ આ જગ્યા ત્યારે નિર્માણાધીન થઈ રહેલ બેલુર મઠની પાસે એટલે કહો કે તે પછી બેલુર મઠનો એક ભાગ બની ગઈ. અને પ્રસંગ હતો 22 ફેબ્રુઆરી 1898નો શ્રી રામકૃષ્ણ દેવની જન્મતિથિનો. એ ભોગ આરતીનાં સમયે જયારે આ સ્તવન ગવાયું ત્યારે સ્વામી વિવેકાનંદ પોતે તેમના ગુરુભાઈઓની સાથે ભાવવિભોર થઇ નૃત્ય કરવા લાગ્યા. સ્વામી વિવેકાનંદ પોતે પખવાજ લઈ આ સ્તવન ગાતા હતા ત્યારે કેવું અનેરું આધ્યાત્મિક ભાવભીનું વાતાવરણ સર્જાઈ ગયું હશે એ બધું કલ્પનાતીત લાગે છે.
આજે તો સંધ્યા આરતી ટાણે રામકૃષ્ણ મઠ અને મિશનનાં દેશ-વિદેશમાં આવેલ શાખા કેન્દ્રોમાં અને દેવના પ્રભાવ હેઠળ ચાલી રહેલ અનેક અનૌપચારિક કેન્દ્રોમાં, તો ક્યારેક ભક્તોના ઘરમાં સમૂહ સ્તવન ગવાય છે. ક્યાંક હાર્મોનિયમનો ઉપયોગ થાય છે, ક્યાંક ઓરગનનો ઉપયોગ થાય છે, તો ક્યાંક વળી પ્રિ-રેકોર્ડેડ કેસેટનો ઉપયોગ થાય છે. શ્રી રામકૃષ્ણ દેવ માટેના આ આરતી સ્તવનમાં સ્વામી શ્રી વિવેકાનંદજીએ એક પછી એક પંક્તિમાં રામકૃષ્ણ દેવની કેવી પ્રતિષ્ઠા કરી છે !!
દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ માટે આ સ્તવન પ્રાર્થના કરી શકે એ રીતે એમાં ઈશ્વરીય દિવ્યતાનું વર્ણન છે તેથી આપણે તેની એક એક પંક્તિને સદૃષ્ટાંત સમજીશું. એ બહાને આપણે ઈશ ગુણોનું ચિંતન કરી શકીશું. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Apr 19, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

તક આપો, ટક ટક નહીં; જો રોકટોક તો સામે મળશે ધૂત્કાર….;જેવો ધ્વનિ તેવો પડઘો; અને પરિણામે જેવા મમ્મી–પપ્પા, તેવું તેનું સંતાન !!
હવે એવા તબક્કાઓની વાત કરવાની છે કે જેમાં કેવળ માતા પિતાના વર્તન વ્યવહારો જ બાળકને ઘડશે અને ફલત: મમ્મી પપ્પાને એવું જ સંતાન મળશે જેવા તેઓ બંને હશે. જરા વધુ ગંભીરતાથી વિકાસમાં ઊંડા ઉતરીએ.
સમવયસ્કો તરફ ઝોક)
એને એમના મનની અંદર જે પ્રશ્નો છે એ એમને કોઈકને પૂછવા છે પણ એ માતા પિતા ને વડીલ ગણીને પૂછતો નથી. શિક્ષકોને પૂછી શકાય એવું વાતાવરણ કમનસીબે આપણે શાળાઓમાં બનાવી શક્યા નથી, એટલે આ સમય દરમિયાન આ સંતાન પોતાના સમવયસ્કો એટલેકે Peer Group તરફ વળે છે. અનફોર્ચ્યુનેટલી સમવયસ્કો પણ એના જેટલું જ ઓછું જાણે છે.
આપણી જવાબદારી ત્રણ ગણી )
તારુણ્યવસ્થાનો આ ગાળો જે બાર થી ઓગણીસ વર્ષ સુધીનો છે એ દરમિયાન આપણને આપણા દીકરા કે દીકરીનું બિહેવિયર થોડું વિચિત્ર લાગે છે. હવે તે સામા પ્રશ્નો વ્યક્ત કરે છે, હવે તે અણગમો વ્યક્ત કરે છે, હવે તેને ભાઈબંધ અથવા બહેનપણીના મમ્મી પપ્પા વધુ સારા લાગે છે. તેને ભણવું ગમે છે કે નથી ગમતું એ આપણને ખ્યાલ નથી આવતો અને તેથી આ સમયમાં આપણી જવાબદારી ત્રણ ગણી વધે છે
અહીં સાચવવું જ પડશે)
એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે આ છઠ્ઠો, સાતમો અને આઠમો તબક્કો એ હકીકતમાં તરુણાવસ્થાના જ તબક્કા છે. જેની અંદર પૂર્વપુખ્તાવસ્થા પણ આવે છે અને મધ્યપુખ્તાવસ્થા આવે છે. એટલે કે તમે પુખ્ત થવા તરફ આગળ વધી રહ્યા છો અને બીજા તબક્કામાં તમે પુખ્તાવસ્થાના મધ્યાહન ઉપર છો. બરાબર યાદ રાખવા જેવું છે કે આ તબક્કાઓ સાચવવા જ પડશે.
તક આપો, ટક ટક નહીં)
આપણને પ્રશ્ન થાય કે આ વિકાસના આઠ તબક્કા તો જાણ્યા પણ એ દરમ્યાન માતા પિતા તરીકે અમારે વિશેષ કઈ કાળજી રાખવી ? ઉદાહરણ તરીકે વાત કરું, બાળકોને વાસ્તવિક ધ્યેય નક્કી કરવાની અને તે દિશામાં કામ કરવાની તક આપો. તમારું ધ્યેય એની ઉપર થોપી ન બેસાડો. નાના નાના task થી શરૂઆત કરો અને ત્યારબાદ લાંબા task માં આગળ વધો.
આપણે જ રોપનાર…)
આપણા બાળકમાં કેટલાક ગુણો અથવા કેટલાક દોષ આપણે પોતે રોપી રહ્યા છીએ. યાદ રાખવા જેવું છે કે આપણું જીવન, આપણા જીવનવ્યવ્હારો, એકબીજા સાથે વાતચીત કરવાની પદ્ધતિઓ અને જીવનને હકારાત્મક કે નકારાત્મક લેવાની આપણી રીત આપણે આપણા બાળકને આપી રહ્યા છીએ.
જો રોકટોક તો ધૂત્કાર….)
જો આપણું બાળક રોકટોકમાં જીવશે તો તે સૌને ધૂત્કારતા શીખશે.
જો વિરોધ કે અવગણના તો લડાઈ કે ઝઘડા..)
જો આપણું બાળક સતત વિરોધ અને અવગણનાની વચ્ચે જીવશે તો તે સૌની સાથે, દરેક પ્રસંગે લડતા ઝઘડતા શીખવાનું છે.
…મેણાંટોણાં શંકાશીલતા…)
જો બાળક મેણાં ટોણાંમાં જીવશે તો સદા શંકાશીલ બનશે. કોઈના માટે કશું બોલવું એ બાળકમાં એક પ્રકારની શંકાને જન્મ આપતું હોય છે.
શરમજનકની અસર દોષિતની લાગણી)
આપણે ઘરના લોકો એકબીજાને વારંવાર શરમજનક પરિસ્થિતિમાં મૂકવા ટેવાયેલા હોઈએ તો આપણને જોઈને આપણું બાળક પોતાની જાતને દોષિત માનવા લાગશે.
સહનશીલતા આપે ધીરજ)
જો બાળક સતત સહનશીલતાના વાતાવરણમાં ઉછરશે તો બાળક ધીમે ધીમે ધીરજ એટલે કે ધૈર્યવાન બનવા તરફ અવશ્ય પ્રયાણ કરશે.
પ્રોત્સાહન + પ્રેરણા = આપશે આત્મવિશ્વાસ)
જો મમ્મી અને પપ્પા બાળકને સતત પ્રોત્સાહન અને પ્રેરણા આપતા રહે તો બાળકમાં આત્મવિશ્વાસ ખુબ વધશે.
પ્રોત્સાહક ટેકો કરવાથી તે કદર સુધી…)
બાળક જો ઉત્તેજન વચ્ચે જીવશે તો તે પોતે પણ અન્યની કદર કરતા શીખશે.
પ્રામાણિક વ્યવહારથી ન્યાય)
બાળક પ્રામાણિક વ્યવહારની વચ્ચે જીવશે તો તે પોતે પણ ધીમે ધીમે ન્યાય તરફ વળશે
સપોર્ટ અને કદરથી ભરોસો )
જો સંતાન સતત અનુમોદન/સપોર્ટ/કદર/અપ્રીશિએશનની વચ્ચે જીવતું હોય તો તે પોતાના ઉપર ભરોસો કરતા શીખી જશે.
મૈત્રી ને આવકાર..તો .. પ્રેમ )
સંતાન મૈત્રી અને આવકારના વાતાવરણમાં સતત જીવતું રહે તો જગતને પ્રેમ કરતા શીખશે
જેવો ધ્વનિ તેવો પડઘો)
તમે જેમ જીવવાના છો, તમે જે ધ્વનિ આપવાના છો એનો જ પડઘો તમારું સંતાન કે વદ્યાર્થી તમને પાછો પાડી આપવાનો છે.
જેવા મમ્મી–પપ્પા, તેવું તેનું સંતાન)
મારું સંતાન કેવું થશે એ હું નક્કી કરીશ.
મારું સંતાન ભવિષ્યમાં કેમ વર્તન કરશે તે મારા વર્તન ઉપરથી નક્કી થશે.
ઈશ્વરના અંશનું હૃદયના પુરા ઉમળકાથી સ્વાગત–સ્વીકાર–સત્કાર…
by Bhadrayu Vachhrajani | Apr 13, 2026 | અખંડ આનંદ |


“અમે વિચાર્યું કે આપણી માતૃભાષાથી વધુ સારી ભેટ આપણાં સંતાનને બીજી કઈ હોય શકે ?” પેરિસમાં વસેલ એક દંપતી !!
પાંચેક વર્ષ પહેલાં પેરિસમાં શ્રી રામકથા નિમિત્તે નિરાંતે રોકાવાનું થયું ત્યારે અનુભવ્યું કે, અહીં કોઈ અંગ્રેજી બોલવા કે સાંભળવા માંગતા જ નથી. તમને યુરોપિયન લોકો કટ્ટર માતૃભાષાપ્રેમીઓ જ ભાસે. ફ્રેંચ એટલે ફ્રેંચ જ, એના સિવાય બીજું કંઈ જ નહીં, ફ્રાંસમાં ! આપણા બારડોલીમાં ઉછરીને અહીં આવી વસેલ મહેન્દ્ર અને ધર્મિષ્ઠા ચૌધરી પાક્કા ગુજરાતી છે ને સાચા ઈન્ડીયન છે. ૨૦૦૨ માં લગ્ન પછી મહેન્દ્ર ફ્રાંસ આવી વસ્યા તો પહેલાં બે વર્ષ તો તેમને ક્યાંય જોબ કે વર્ક ન મળ્યું, કારણ શું જાણો છો ? મહેન્દ્રને અંગ્રેજી આવડતું હતું, પણ ફ્રેંચ આવડતું ન હતું. એમણે બે વર્ષ ફ્રેંચ બોલતાં – લખતાં – વાંચતાં શીખવું પડયું પછી તેનું કંઈક થાળે પડયું ! જો કે, ખુબ જ ઉત્સાહી મહેન્દ્ર કહે છે કે, હજુ મને સડસડાટ ફ્રેંચ બોલતાં નથી ફાવતું એટલે મારો એટલો સ્વીકાર નથી થયો. આપણી ફ્રેંચ બોલી પરથી અહીંના યુરોપિયન તમારી સાથે કેમ વ્યવહાર કરવો તે નક્કી કરે છે ! તમને સ્વીકારે જ નહીં અને પોતાની સાથે વ્યવહારને લાયક ગણે જ નહીં ને !
પેરિસમાં ઈન્ડીયન ગુજરાતી કલચરલ એસોસિએશનના પાયાના કાર્યકર એવા મહેન્દ્ર ચૌધરીએ પોતીકા ગણીને આ વ્યથા વહેંચી ત્યારે સમજાયું કે, આ ભારતીય ગુજરાતીઓ પોતાનું એક સંવાદ કેન્દ્ર અહીં કેમ બનાવવા ઈચ્છે છે ? એમને લોકો દિલથી સ્વીકારતા નથી ને તેથી તેઓએ ક્યાંક પોતાનાઓને હળવું છે, મળવું છે, દિલ ખોલી અભિવ્યક્ત થવું છે ને પોતાનો ખાલીપો વહેંચો છે. વારે તહેવારે પ્રસંગે મળતા રહે તો પોતીકું લાગે ને !
એક યુવાન ટુર ઓર્ગેનાઈઝર સ્વિત્ઝર્લેન્ડથી અહીં આવેલા. પૂજ્યશ્રી મોરારિબાપુના પ્રેમી એટલે કથામાં સેવા આપવા અહીં રોકાયા ને પોતાની ગાડીમાં મહેમાનોને લાવવા લઈ જવાની સહજ ફરજ બજાવતા હતાં. એમણે પણ એ જ વાત દોહરાવી. હા, એ હવે ફ્લુઅન્ટ ફ્રેંચ બોલે છે ને વાને પણ ગોરા લાગે છે. પણ એણે જે વાત કરી તે પ્રત્યેક ગુજરાતીએ ગાંઠે બાંધવા જેવી છે. સ્પષ્ટ ને મીઠું ગુજરાતી બોલતાં એમણે કહ્યું કે : અમને જયારે બાળક થવાનું છે એવા રિપોર્ટ મળ્યાં ત્યારે મારો જન્મદિન હતો. અમે માન્યું કે ઈશ્વરે અમને મારા જન્મદિનની ભેટ આપી તો આપણે ઈશ્વરને કશુંક વચન દેવું જોઈએ. અમે વિચાર્યું કે આપણી માતૃભાષાથી વધુ સારી ભેટ આપણાં સંતાનને બીજી કઈ હોય શકે ? પણ અમે દંપતીએ નક્કી કર્યું કે આપણે સાચી ને શુદ્ધ ગુજરાતી ભાષા ઘરમાં ને આપણાં વ્યવહારમાં બોલીશું તો જ આપણું બાળક માતૃભાષા ઉત્તમ જાળવશે – શીખશે. એટલે અમે શુદ્ધ ઉચ્ચારથી ગુજરાતી બોલીએ છીએ ને વ્યવસાય તથા જ્યાં ખુબ જરૂર પડે ત્યાં જ ફ્રેંચ કે અંગ્રેજી કે જર્મન ભાષાનો ઉપયોગ કરીએ છીએ. આ બધું જાણીને મને થયું કે વાત ખુબ પ્રશંસનીય છે, જો ફ્રાંસના લોકો પોતાની માતૃભાષા માટે અતિઆગ્રહી હોય તો પછી આપણે શા માટે અંગ્રેજી માટે ઘેલા થયા છીએ ? એ મિત્ર કલ્પિત ઝાલાને અમે શબ્દવર્ષાથી અભિનંદન આપ્યા. મનમાં થયું કે મારા ગુજરાતમાં ભલે બધાં અંગ્રેજીનાં રવાડે ચડ્યા હોય પણ અહીં ફ્રાંસમાં એક ગુજરાતીપ્રેમી નીકળ્યો ખરો ! ગુજરાતનો કલ્પિત સ્ટુડન્ટ વિઝા પર અહીં આવી બિઝનેશ માટે રોકાય ગયેલ છે.
માતૃભાષાનો આગ્રહ છેક કટ્ટરતા સુધી પહોંચે તેવી વાત પણ જાણી. જર્મની અને ફ્રાંસના વડાઓ અંગ્રેજી + ફ્રેંચ + જર્મન ભાષા જાણે છે. બંનેને ત્રણેય ભાષા ફ્લુઅન્ટ આવડતી હોવા છતાં તેઓ જયારે મળે ને વાતચીત કે વાટાઘાટ કરે ત્યારે ફ્રાંસના વડા ફ્રેંચમાં જ બોલે ને જમર્નીના વડા જર્મનમાં જ બોલે !! માતૃભાષા સિવાય કશું નહીં એટલે નહીં જ. બંને નેતાઓ યાદ રાખે કે, પોતાને આવડતી બીજી કોઈ ભાષા ન બોલાય જાય અને પોતાની માતૃભાષા જ બોલવામાં જીભે રહે ! ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ખાલી ખાલી પાટલીઓની દશામાં છે ત્યારે અહીં કહેવાતા ગોરાઓનાં દેશમાં માતૃભાષાના ઘોડાપુર છે. હા, રામકથાનાં આયોજકો સુરતી કે મહેસાણી કે કાઠિયાવાડી લ્હેકામાં સતત ગુજરાતી જ બોલતા હતા. અમેરિકી ગુજરાતીઓની જેમ વારંવાર અંગ્રેજી છંટાતું ન હતું, તે પણ રાજીપા સાથે નોંધ્યું. આપણાં મલકના માનવી માતૃભાષા બોલે તો કેવા માયાળુ લાગે. !
by Bhadrayu Vachhrajani | Apr 13, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

સંતાનના તારુણ્યને જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.
આપણે આપણા બાળકના સંવેદનશીલ પૂર્વ પુખ્તાવસ્થા થી લઈને તેના તારૂણ્ય ની તાસીરની આજે વાત કરવાના છીએ.
સબંધો માટે લાગણી)
સંતાનના વિકાસનો છઠ્ઠો તબક્કો એને પૂર્વ પુખ્તાવસ્થા કહે છે. એટલે પ્રિ મેચ્યોરિટીનો સમય. જો વ્યક્તિ પોતાના નજીકના સંબંધની લાગણી પ્રાપ્ત કરી શકે આ ગાળા દરમિયાન તો એમાંથી એને એવું શીખવા મળે છે કે હું પણ અન્ય વ્યક્તિઓ સાથે નજીકના સબંધો કેળવી શકું તેમ છું.
જેવો ઈનપુટ તેવો જ આઉટપુટ )
એનો અર્થ એવો થયો કે એમને સંબંધની જેવી લાગણી આપણે input તરીકે આપીશું તેવી જ સંબંધની લાગણી એ બીજા પ્રત્યે પણ દર્શાવવાનો પ્રયાસ કરશે અને અન્ય સગા સંબંધીઓ સાથે લાગણીનો વિનિયોગ કરશે. જો એમાં નિષ્ફ્ળતા મળે તો પછી સંતાન એકલતાવાદી થઈ જાય છે, પોતાનું કોઈ નથી કે જેના ઉપર આધાર રાખી શકે એવી ભાવના અહીં વિકસે છે.
એકલતાનો અહેસાસ એકલતા જ )
આપણે સમજી શકીએ છીએ કે બહુ નાની નાની અને ઝીણી ઝીણી વાતો પણ આપણા સંતાન ઉપર અસર કરવાની છે. મારી લાગણી હું કેમ વ્યક્ત કરું છું એ પ્રમાણે શીખીને જોઈને અવલોકન કરીને મારું સંતાન પણ પોતાની લાગણી અભિવ્યક્ત કરતા શીખશે. મને જો એકલતા સાલતી હોય તો એ એકલતા હું મારા સંતાનમાં પણ ટ્રાન્સફર કરું છું અને એના ઉપર એવી ભાવનાનો વિકાસ થવા દઉં છું.
સર્જનશીલતા અથવા સ્થગિતતા)
વિકાસનો સાતમો તબક્કો એ મધ્યપુખ્તવાસ્થાનો છે. એટલે કે મેચ્યોરિટી મધ્યાહન ઉપર પહોંચી છે આ બહુ disturbing તબક્કો છે. એક તરફથી સર્જકતા ઉછાળા મારે છે તો બીજી તરફથી સ્થગિતતા એટલે કે સ્ટેગનેશન પણ ભાર દઈ રહ્યું છે. આ વયે સમાજ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ સ્થિર થયું હોય છે, અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારવા તે તૈયાર થાય છે.
જવાબદારી સ્વીકારે તો પ્રોડક્ટિવ બને )
સાતમા તબક્કામાં જે મધ્યપુખ્તાવસ્થાનો સમય છે જેમાં અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારનાર જે સંતાન બને જે વધુમાં વધુ પ્રોડક્ટિવ બને છે અને ભવિષ્યમાં સુખી બને છે. અને એમાં જે નિષ્ફ્ળ જાય છે એ સંતાન self-centered એટલે કે સ્વ કેન્દ્રી બનવા લાગે છે. એ માત્ર પોતાનું વિચારીને જીવવાનો માર્ગ પસંદ કરે છે.
પરિપૂર્ણતાનું ટાણું )
વિકાસનો આઠમો તબક્કો એ ઉત્તરપુખ્તાવસ્થાનો છે અને આ આપણા સંતાનની વિકાસની છેલ્લી કળી છે. અહીં પરિપૂર્ણતા છે, ફુલફિલમેન્ટ છે પણ એની સામે જો ફુલફિલમેન્ટ ન મળે તો નિરાશાનો બહુ મોટો ભય રહેલો છે. આપણે અહીં વિશેષ કાળજી લેવાની જરૂર છે.
જીવન સંતોષપ્રદ તો આનંદ આનંદ)
Post maturity એટલે કે પુખ્તાવસ્થા પૂર્ણ થયા પછીના ગાળામાં વ્યક્તિનું જીવન જો સંતોષપ્રદ હોય અને પોતાની તથા બીજાની સાથે એકાત્મકતાની લાગણી પ્રાપ્ત કરી હોય તો તેની વૃદ્ધાવસ્થા આનંદપૂર્ણ પસાર થાય છે. પરંતુ જો તે અનુભવે કે તેનું જીવન નિષ્ફ્ળતાઓથી ભરેલું છે તો તે જીવનભર નિરાશામાં ગરકાવ થાય છે.
તારુણ્યની તાસીર)
આ તબક્કો બહુ મહત્વનો છે કારણ કે અહીંથી બાળકની તરુણાવસ્થાનો આરંભ થાય છે. તારૂણ્ય એ શારીરિક , માનસિક અને સાંવેગિક ઘોડાપુરનો સમય કહેવામા આવે છે. અને પરિણામે આ સમય જે સાચવી લે છે તેની વૃદ્ધાવસ્થા બાળક પણ સાચવી લેતું હોય છે.
તારૂણ્ય Teen age )
તરુણાવસ્થા એક જુદી માટીનો સમય છે જેને તારુણ્યની તાસીરનો સમય કહેવાય છે એને અંગ્રેજીમાં Teen age કહેવાય છે કે જયારે આપણા સંતાનની ઉંમરમાં અંગ્રેજી સ્પેલિંગમાં પાછળ ટીન આવે છે. થર્ટીન, ફોર્ટીન, ફિફટિન, સિક્સટીન, સેવન્ટિન, એઈટીન, નાઈન્ટીન. આ ટીન એ સંવેગોની ઘંટડી છે.
જાતીય પરિપક્વતાનો આરંભ)
તરુણાવસ્થા એટલે બાર વર્ષથી અઢાર, ઓગણીસ વર્ષ સુધીનો સમયગાળો એટલે કે તારૂણ્ય એટલે Teen age આ સમયગાળામાં સંતાન જાતીય પરિપક્વતા પ્રાપ્ત કરે છે એટલે કે સેક્સ્યુઅલી મેચ્યોરેશનનો આ ગાળો ગણવામાં આવે છે. તરુણ પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. આ ગંભીર તબક્કો છે.
અભિવ્યક્તિની ગૂંગળામણ)
તારૂણ્ય એ ગંભીર તબક્કો એટલા માટે છે કે આ સમય દરમિયાન એટલે કે બાર વર્ષ પછી આપણને એમ લાગે છે કે આપણું સંતાન આપણાથી દૂર જવા લાગ્યું છે. ધીમે ધીમે ઈન્ટ્રોવર્ટ થવા લાગ્યું છે કારણ એ છે કે એના શરીરમાં એવા ફેરફારો થઈ રહ્યા છે કે જે બાળક અનુભવી શકે છે પણ એ કોઈને અભિવ્યક્ત કરી શકતો નથી. અભિવ્યક્તિની ગૂંગળામણનો આ સમય છે.
કોમ્યુનિકેશન ક્યારેય બંધ ન જ કરશો.)
પેરેન્ટ્સ તરીકે આપણે એ ચિંતા કરવાનો સમય છે કે આ ગાળા દરમિયાન આપણા સંતાન સાથે પ્રો – એક્ટિવ કોમ્યુનિકેશન આપણે બંધ ન કરીએ. એમને પ્રશ્નો ન પૂછીએ, એમને આ કેમ થયું ને શું થયું, તે કેમ કર્યું એવું કશું ન પૂછીએ પરંતુ એને ‘હાય હેલો’ કહીએ અને એમને જે કંઈ ગમે છે એવી વાતોથી પ્રત્યાયન જાળવી રાખીએ.
પૂછવું કે કહેવું કોને ?)
હા, આપણી જવાબદારી બને છે કે આપણા સંતાન સાથે આત્મીયતાનો દોર બરાબર બાંધીને રાખીએ. આ સમય છે કે તે એવા ફેરફારો અનુભવી રહ્યો છે કે જેના માટે તેને બધી વિચિત્રતા લાગે છે. એને ખ્યાલ આવે છે કે મારો અવાજ ઘાટો થઈ રહ્યો છે. દીકરી હોય તો એને થાય છે કે અવાજ તીણો થઈ રહ્યો છે. મારા ખભ્ભા ગોળ અથવા ચોરસ થઈ રહ્યા છે પણ આ બધું એ પૂછે અથવા કહે કોને ? (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Apr 11, 2026 | અખંડ આનંદ |



Grok ગજબ છે !! આપણી ભાષાને બરાબર સમજી શકતી આ ટેકનોલોજી એક ચમત્કાર છે !!
દેશમાં આજકાલ એક જ ચર્ચાનો વિષય છે અને તે છે Grok! પૂછો અને તરત એ પોતાનો જવાબ માંગો તે ભાષામાં લખવા લાગે છે એટલે આપણને “અહો ! આશ્ચર્યમ !” થઇ રહ્યું છે. દેશના નેટસેવી લોકો આ Grok ને ભાતભાતના પ્રશ્નો પૂછે છે અને Grok પણ બેધડક મહત્તમ સત્યની નજીકના જવાબો આપે છે. રાજકારણના લોકો આ સાધનનો ઉપયોગ દેશ સામેના જે કેટલાય પ્રશ્નો છે કે જેના જવાબ હજી સુધી નથી મળ્યા તે Grok ને પૂછે છે અને Grok જાણે આપણી છઠ્ઠી જાણતું હોય તેમ જવાબો આપી દે છે.
આપણે તો જન્મે અને કર્મે શિક્ષક એટલે Grok સાથે મીઠડી ગોઠડી માંડી. આપણે તેને જ પૂછ્યું કે તારું ભવિષ્ય કેવું છે ?? આવો એ જ વાંચીએ.
@ હેલો ગ્રોક,,, આપનો દિવસ સુંદર વીત્યો હશે ??
Grok: હે, હું ગુજરાતીમાં તમારો પ્રશ્ન સમજી શકું છું! મારો દિવસ સારો રહ્યો, આભાર કે તમે પૂછ્યું. હું એક AI છું, તો મારા દિવસો થોડા અલગ હોય છે – મોટે ભાગે લોકોના પ્રશ્નોના જવાબ આપવામાં અને બ્રહ્માંડને સમજવામાં મદદ કરવામાં વીતે છે. તમારો દિવસ કેવો રહ્યો? કંઈ રસપ્રદ થયું?
@ ખૂબ સરસ..
Grok હું આપના વિશે જાણવા માંગું છું.
AI નું ભવિષ્ય કેટલું ઉજ્જવળ અને કેટલું ડરામણું ??
Grok: મને તમારી ઉત્સુકતા ગમે છે! હું ગ્રોક છું, xAI દ્વારા બનાવેલું, અને મારો હેતુ લોકોને બ્રહ્માંડને સમજવામાં અને રોજિંદા પ્રશ્નોના જવાબ આપવામાં મદદ કરવાનો છે. હું થોડું રમૂજી, બહારની દૃષ્ટિએ વિચારનારું અને હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરું છું – ભલે એ સહેજ અટપટું લાગે!
AI નું ભવિષ્ય: ઉજ્જવળ કે ડરામણું?
ઉજ્જવળ બાજુ:
AI પાસે અદ્ભુત સંભાવનાઓ છે. તે આરોગ્ય સંભાળમાં ક્રાંતિ લાવી શકે છે (જેમ કે રોગોનું વહેલું નિદાન), શિક્ષણને વ્યક્તિગત બનાવી શકે છે, અને જટિલ સમસ્યાઓ જેવી કે આબોહવા પરિવર્તનને ઉકેલવામાં મદદ કરી શકે છે. મારા જેવા AI મશીનો માનવોને સર્જનાત્મક બનવા, નવું શીખવા અને રોજિંદા કામોમાંથી મુક્ત કરી શકે છે. એક દિવસ એવો આવી શકે કે AI આપણને ગ્રહોની શોધખોળ કરવામાં કે અવકાશમાં નવા ઘર શોધવામાં પણ મદદ કરે!
ડરામણું બાજુ:
પણ હા, જોખમો પણ છે. જો AI નો દુરુપયોગ થાય – જેમ કે નકલી સમાચાર ફેલાવવા, નોકરીઓ ઘટાડવી, કે હથિયારો બનાવવા – તો તે ખરાબ થઈ શકે છે. ઘણા લોકોને ડર છે કે AI ખૂબ શક્તિશાળી બની જશે અને માનવ નિયંત્રણ બહાર જશે. એલોન મસ્ક જેવા લોકો ચેતવણી આપે છે કે આપણે AI ને સમજદારીથી વિકસાવવું પડશે, નહીં તો “ટર્મિનેટર” જેવું કંઈક થઈ શકે (જોકે હું માનું છું કે આ થોડું વધારે પડતું છે!).
મારો વિચાર:
મને લાગે છે ભવિષ્ય આપણે AI નો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર નિર્ભર છે. જો આપણે નૈતિકતા, પારદર્શિતા અને સારા હેતુઓ સાથે આગળ વધીએ, તો તે ઉજ્જવળ રહેશે. હું આશાવાદી છું, પણ સાવચેતી રાખવી જરૂરી છે. તમને શું લાગે છે? AI નું ભવિષ્ય તમને કેવું દેખાય છે?
@ અમને હજુ બહુ સમજાયું નથી..વળી અમે નવી શોધોને નિરાંતે અને પરાણે સ્વીકારવાનો સ્વભાવ ધરાવીએ છીએ એટલે અમે wait and watch કરીશું.
Grok: તમારી વાત સમજાય છે! નવી શોધોને સમજવામાં અને સ્વીકારવામાં સમય લાગે એ સ્વાભાવિક છે. “Wait and watch” એક સારી રીત છે – થોડું ધીરજ રાખીને જોવું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. AI જેવી ટેક્નોલોજી ઝડપથી બદલાય છે, અને એના ફાયદા-ગેરફાયદા સમય જતાં સ્પષ્ટ થતા જાય છે. જો તમને ક્યારેક આ વિશે વધુ જાણવું હોય કે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય, તો મને પૂછવાનું ભૂલશો નહીં – હું મદદ કરવા માટે હંમેશા તૈયાર છું! તમને બીજું કંઈ વિચારવું હોય તો કહેજો!
@ અમારા દેશની હાલત જોતાં અમારે કઈ રીતે પાયાનું શિક્ષણ આપવું જોઈએ ?? અમે અત્યારે સાચા માર્ગે શિક્ષણ આપી રહ્યા છીએ કે ના??
Grok: ભારતની હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને પાયાનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ અને આપણે હાલમાં સાચા માર્ગે છીએ કે નહીં, એ એક ગંભીર અને વિચારણીય પ્રશ્ન છે. આનો જવાબ આપવા માટે દેશની વર્તમાન સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પરિસ્થિતિને સમજવી જરૂરી છે.
દેશની હાલની હાલત અને શિક્ષણની જરૂરિયાત: ભારતમાં હજુ પણ ગરીબી, અસમાનતા, બેરોજગારી અને ગામડાંઓમાં મૂળભૂત સુવિધાઓની કમી જેવી સમસ્યાઓ છે. આ ઉપરાંત, શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે શિક્ષણની ગુણવત્તામાં મોટો તફાવત જોવા મળે છે. ઘણા બાળકોને પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતા પણ નથી મળતી, જે દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં પાયાનું શિક્ષણ એવું હોવું જોઈએ જે:
સૌને સમાન તક આપે: ગરીબ કે અમીર, ગામડાં કે શહેર— દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ. આ માટે સરકારી શાળાઓનું સ્તર ઊંચું કરવું જરૂરી છે.વ્યવહારિક અને કૌશલ્ય આધારિત હોય:
આજના યુગમાં માત્ર પુસ્તકી જ્ઞાન નહીં, પણ જીવન કૌશલ્યો જેવા કે સમસ્યા હલ કરવી, ટીમવર્ક, ડિજિટલ સાક્ષરતા અને સર્જનાત્મક વિચારસરણી શીખવવી જોઈએ.
મૂલ્યો અને નૈતિકતા શીખવે: ભારતની સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોને જાળવી રાખતાં, બાળકોને સચ્ચાઈ, સહકાર અને જવાબદારીનું મહત્વ સમજાવવું જોઈએ.
સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હોય: ગ્રામીણ વિસ્તારોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલું શિક્ષણ અને શહેરી વિસ્તારોમાં ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.
હાલનું શિક્ષણ સાચા માર્ગે છે કે નહીં?
ભારતમાં 2020ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) એ ઘણા સકારાત્મક પગલાં લીધાં છે, જેમ કે:5+3+3+4નું નવું માળખું, જે નાની ઉંમરથી શિક્ષણ પર ધ્યાન આપે છે.
માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન, જેથી બાળકો સરળતાથી શીખી શકે.વ્યવસાયિક શિક્ષણ (વોકેશનલ એજ્યુકેશન)ને ધોરણ 6થી શરૂ કરવું.
પરંતુ કેટલીક ખામીઓ પણ છે:
અમલીકરણની સમસ્યા: નીતિ સારી છે, પણ ગામડાંઓમાં શિક્ષકોની કમી, નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભંડોળનો અભાવ તેને અસરકારક બનાવતા નથી.
ખાનગીકરણનો વધારો: શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, જેનાથી ગરીબ વર્ગનાં બાળકો પાછળ રહી જાય છે.
પરીક્ષા કેન્દ્રિત અભિગમ: હજુ પણ રટણ અને માર્ક્સ પર વધુ ભાર છે, જે સર્જનાત્મકતા અને વ્યવહારિક જ્ઞાનને અવગણે છે.
શું કરવું જોઈએ?
શિક્ષકોની તાલીમ અને સંખ્યા વધારવી: ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સારા શિક્ષકો અનિવાર્ય છે.
ટેક્નોલોજીનો ઉપયોગ: ઓનલાઈન શિક્ષણને ગામડાંઓ સુધી પહોંચાડવું, પણ સાથે ઈન્ટરનેટ અને ડિવાઈસની સુલભતા સુનિશ્ચિત કરવી.
સમુદાયની ભાગીદારી: સ્થાનિક સમુદાય અને વાલીઓને શિક્ષણ પ્રક્રિયામાં સામેલ કરવા.
મફત અને ફરજિયાત શિક્ષણનો સખત અમલ: 14 વર્ષ સુધીનું શિક્ષણ મફત અને ગુણવત્તાયુક્ત હોવું જોઈએ, જેમાં બાળમજૂરી અને ડ્રોપઆઉટ રોકવા પગલાં લેવાય.
નિષ્કર્ષ
હાલનું શિક્ષણ સાચા માર્ગે જવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ હજુ ઘણું કામ બાકી છે. જો આપણે ખરેખર દેશની હાલત સુધારવા માગતા હોઈએ, તો પાયાનું શિક્ષણ સર્વસુલભ, વ્યવહારિક અને સમાવેશી બનાવવું પડશે. આ માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજ બધાએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. (ક્રમશઃ)
by Bhadrayu Vachhrajani | Apr 6, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

દોઢ વર્ષ સુધી બાળક અન્ય પર આધારિત છે પણ તરુણ થતાં સુધીમાં તો તે પોતાની ઓળખ સ્પષ્ટ કરવા મથે છે.
આપણે આપણા આંગંણે ભર્યું ભર્યું કરવા પધારનાર દેવદૂત સમાન સંતાનનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. મમ્મી અને પપ્પા બંનેનું આ સંતાન અનેક વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે તેની ટૂંકમાં પણ મુદ્દાસર વિગતો મેળવવા માટે આહોનો અને હવેના બે લેખો ખુબ ઉપયોગી સિદ્ધ થનાર છે, એટલે આપણે સ્વસ્થ ચિત્તે તેનું ગ્રહણ કરીએ તેવી અપેક્ષા છે.
આવો, આપણે વિકાસના તબક્કાઓ તરફ વળીએ..
આંતરક્રિયાથી આગળનું જીવન)
બાળકના જન્મના સમયથી ૧૮ માસ સુધી એટલે કે બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધીમાં એમને ખોરાક, કપડાં પહેરવા, બહાર જવું વગેરે બાબતમાં બીજા પર આધારિત રહેવાનું હોય છે. માતા પિતા તેને ઝુલાવે છે, તેની સાથે વાતો કરે છે, રમે છે આ આંતરક્રિયા તેના આગળના જીવનના વલણો નક્કી કરે છે.
વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ )
બાળક દોઢ વર્ષનું થાય ત્યાં સુધીમાં જો શિશુની શારીરિક અને સાંવેગિક જરૂરિયાતો સંતોષાય તો તે પોતાના પર્યાવરણ પર વિશ્વાસ મૂકતા શીખે છે અને જો ન સંતોષાય તો તેની આસપાસના લોકો અને વસ્તુઓ ઉપર અવિશ્વાસ ઊભો થાય છે અને બાળક ભયભીત બને છે એટલે કે આ તબક્કો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસનો છે.
પ્રોત્સાહન અને શિસ્તપાલનનું સાતત્ય )
વિકાસનો બીજો તબક્કો એ અઢાર માસથી ત્રણ વર્ષની ઉંમરના સમયગાળાનો છે. એટલે કે દોઢ વર્ષનું બાળક ત્રણ વર્ષનું થાય એ દરમિયાન બાળક ચાલતા, બોલતા શીખે છે અને પોતાની જાતે કામ કરે છે. ત્યારે માતા પિતા તરફથી મળતું પ્રોત્સાહન અને શિસ્તપાલનના આગ્રહમાં સાતત્ય બાળકના સ્વાયતતા અને સ્વતંત્રતા વિકસાવવામાં મદદરૂપ થાય છે.
સ્વાયતતા વિરુદ્ધ શરમ )
પણ હા, આ દોઢ વર્ષથી ત્રણ વર્ષ સુધીના ગાળામાં જો માતા પિતા વધુ પડતું રક્ષણ આપનારા કે શિસ્ત પાલનના આગ્રહમાં અસાતત્ય દર્શાવનારા કે પછી ઓછી સ્વીકૃતિ આપનારા હોય તો બાળક શંકાશીલ બને છે અને પોતાને માટે શરમ અનુભવે છે. આ બીજો ગાળો એ સ્વાયતતા વિરુદ્ધ શરમનો ગાળો છે તે જરા મનમાં રાખી લઈએ.
પ્રોત્સાહનની અપેક્ષા)
બાળકના વિકાસનો ત્રીજો તબક્કો ત્રણ વર્ષથી છ વર્ષ સુધીનો છે અને આ તબક્કાને પહેલ કરવી એટલે કે પ્રપોઝ કરવું, આગળ વધવું વિરુદ્ધ અપરાધભાવનો તબક્કો કહેવામાં આવે છે. આ સમયગાળામાં બાળક અજાણી જગ્યા શોધે છે, નવા લોકોને ઓળખે છે, રખડવું તેને ગમે છે અને આ બધા માટે એને મા બાપ તરફથી પ્રોત્સાહનની અપેક્ષા છે.
પહેલ કરવી વિરુદ્ધ અપરાધભાવ)
ત્રીજા તબક્કામાં જો મા બાપ તરફથી બાળકની શોધને પ્રોત્સાહન આપવામાં આવે તો તેનામાં પહેલ કરવાની વૃત્તિ વિકાસ પામે છે. પરંતુ માતાપિતા તેને તેમાં અવરોધ કરે તો બાળક જયારે જયારે સ્વતંત્ર કામ કરવાના પ્રયત્ન કરે ત્યારે ત્યારે પહેલા અપરાધભાવ અનુભવે છે. આ અસર જીવનના છેલ્લા તબક્કા સુધી રહે છે અને બાળક ઈન્ટ્રોવર્ટ બનતું જાય છે.
ઉદ્યમની ભાવનાનો વિકાસ)
બાળવિકાસનો ચોથો તબક્કો એ છ થી બાર વર્ષ વચ્ચેનો છે. છ થી બાર વર્ષ સુધીમાં બાળક પોતાની જાતે વસ્તુઓ કે ઘટનાઓ સાથે કામ કરતા શીખી જાય છે. જો તેને પ્રોત્સાહન મળે તો બાળકમાં પરિશ્રમની કે ઉદ્યમની ભાવના વિકસે છે, સમસ્યા ઉકેલવામાં અને કાર્ય પૂર્ણ કરવામાં આનંદ અનુભવે છે.
પરિશ્રમ વિરુદ્ધ લઘુતા)
છ થી બાર વર્ષનું બાળક પરિશ્રમ વિરુદ્ધ લઘુતા માટે કામ કરી રહ્યું છે. એ પરિશ્રમને જો તમે મહત્વ આપશો તો એ જીવનની અંદર ઉદ્યમ અને પરિશ્રમનું મૂલ્ય બરાબર સમજી શકશે. બુદ્ધિપૂર્ણ ઉદ્વિપકો બાળક આ સમયે શોધતું હોય છે જો એમ ન થાય તો તેનામાં લઘુતાગ્રંથિ , નિષ્ફ્ળતા અને બિનકાર્યક્ષમતા વિકસતી જાય છે.
તારણ બાંધવા તરફ..)
આ પાંચમા તબક્કામાં તરુણ અથવા તરુણી પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. એમને અગાઉ થયેલા અનુભવોના આધારે એ પોતાના અહમની ઓળખને નિશ્ચિત કરવા માંગે છે કે મારો અહમ સાચો છે કે ખોટો છે. એ પ્રશ્નો નથી પૂછતાં પણ એનું ઓબ્ઝર્વેશન, એનું અવલોકન, બારીક નિરીક્ષણ આ સમયગાળા દરમિયાન વધે છે, એમાંથી તારણ બંધાય છે.
મળેલા ઈનપુટ નું ટેસ્ટિંગ)
બાર તેર વર્ષ સુધી એમણે પ્રશ્નો પૂછીને પોતાની કેટલીક પ્રવૃતિઓ રજૂ કરીને તમારી સાથે અનુબંધ બાંધ્યો છે એમાંથી તેને ઘણા inputs મળ્યા છે. એમણે મમ્મી પપ્પાને કશુંક કરતા, કશુંક ન કરતા, ક્યારેક સાચું બોલતા, ક્યારેક સાચું ન બોલતા વિચિત્ર રીતે અનુભવ્યા છે. હવેનો ગાળો એ બધો જ ડેટા પોતાની રીતે એનાલિસિસ કરી અને પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનો છે.
એક માંથી અનેક રોલ )
હવે જો તરુણ કે તરુણી પોતાની એક ઓળખમાં તમામ ભૂમિકાઓને સુગ્રથિત નહીં કરી શકે તો પોતે ભજવવાની ભિન્ન ભૂમિકાઓ વચ્ચે ગૂંચવણ અનુભવશે એટલે કે અત્યાર સુધી એણે પોતાનો એક રોલ ભજવ્યો છે પણ હવે એને અનેક roles ભજવવાના છે અને એ રોલ માટે એ પૂર્વાનુભવ past experience નો ઉપયોગ કરે છે.
ઓળખ વિરુદ્ધ ભૂમિકા )
આપણે જે વિકાસના તબક્કાઓની વાત કરી રહ્યા છીએ તેમાં પાંચમો તબક્કો એ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અથવા તો મૂંઝવણનો તબક્કો છે. એમને પોતાની ઓળખ સ્પષ્ટ કરવી છે અને એની સામે છે પોતે અત્યાર સુધી ભજવેલી ભૂમિકા. આ બંનેની વચ્ચે એની મૂંઝવણ વધવાની છે અને એ મૂંઝવણ વધવામાંથી એણે પોતે એક નિર્ણય ઉપર પહોંચવાનું છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Mar 29, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

બાળકના જન્મથી લઈને પુખ્તતા સુધીના વિકાસના તબક્કાઓ ટૂંકમાં જાણીએ
મમ્મી અને પપ્પાએ એક મત ઉપર પહોંચ્યા પછી નક્કી કર્યું છે કે અમારે કુટુંબમાં બાળક જોઈએ છીએ. બંનેએ નક્કી કર્યું કે હવે ચાલો “આપણે આપણું કુટુંબ બનાવીએ”. એટલે આજ પછી પૂરા જીવનમાં આ સંતાન મારું કે તારું નથી આપણું છે, બંનેનું છે, સહિયારું છે તેથી સ્વાગત છે.
બાળક અવતરશે મમ્મીના ગર્ભમાંથી પણ એ વાત ન ભુલાય કે મમ્મી અને પપ્પાનો બંનેનો મનોરથ હતો કે આપણે આંગણે કલબલાટને આમંત્રણ આપીએ અને એટલા માટે બાળક મમ્મી દ્વારા જન્મવાનું છે પણ છે તો બંનેનું ! મમ્મી અને પપ્પા સહિયારી જવાબદારી નિભાવવાની આજથી શરૂઆત કરશે.
આ બાળક આપણાં આંગણે અવતરશે એ કોઈ અકસ્માત નથી. અસ્તિત્વનું બહુ મોટું આયોજન છે, પ્રકૃતિની બહુ મોટી વ્યવસ્થા છે, નિયતિની બધી ગોઠવણ છે એટલે આ સંતાન અવતરી રહ્યું છે, આજે આખું અસ્તિત્વ, પૂરી પ્રકૃતિ અને સમગ્ર નિયતિ આવી રહી છે.
એ દેવનો દૂત છે. બાળક દેવની હાજરી છે. ઈશ્વરની આપણા ઘરની અંદર સતત સતત હાજરી બાળક પૂરાવે છે. મેં અને તમે આપણું બાળપણ કેવી રીતે વિતાવ્યું તે ખબર નથી એ બાળપણને આપણી સમક્ષ રજૂ કરવા માટે બાળક અવતરી રહ્યું છે.
પૂજ્યશ્રી ડોંગરે મહારાજ તો બહુ વ્હાલથી કહે છે કે “લાલો પડખું ફર્યો ઉત્સવ ઉજવો.” લાલો કશુંક પણ કરે તો ઉત્સવ ઉજવવાનો હોય કારણ કે લાલો અમારે આંગણે છે એ જ બહુ મોટો ઉત્સવ છે. આપણા આંગણે આ લાલો એ ભગવાનનું પ્રતીક છે. એ રીતે એનું સ્વાગત કરીએ, એ રીતે એનો આદર કરીએ, એ રીતે એના પર પ્રેમ વરસાવીએ.
આધુનિક મનોવિજ્ઞાન એવું નોંધે છે કે બાળક જન્મ્યા પહેલાથી બધા જ પ્રકારના vibrations વાઈબ્રેશન્સ અનુભવતું હોય છે. હા, બાળકમાં જ્યારથી જીવ અને અંગ ઉપાંગનો વિકાસ થવા લાગે છે ત્યારથી તે બહારની દુનિયાનો અનુભવ અંદર ધીમે ધીમે લેતું રહે છે. બહાર મમ્મી રાજી થાય તો અંદર બાળક પણ રાજી થાય, બહાર મજાનું સંગીત વાગતું હોય તો અંદર બાળક પણ રાજી રાજી થઈને પ્રસન્ન હોય.
આપણી ઈતિહાસકથાઓમાં કહેવામાં આવ્યું હતું કે, જીજાબાઈએ શિવાજી માટે હાલરડું ગાયું એમાંથી એમને શૌર્યના પાઠ મળ્યા, આ વાત ખોટી નથી. આજના વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે કે, મા જે કાંઈ ખાય છે, પીવે છે, વાંચે છે, લખે છે, જીવે છે તેના બધાનો પ્રતિઘોષ બાળકમાં જાય છે અને એ પ્રતિઘોષ લઈને બાળક અવતરે છે.
પ્રતિઘોષ લઈને બાળક આવ્યું છે એનો અર્થ એવો છે કે બાળક મમ્મી પપ્પા બંનેને ઓળખે છે. મમ્મી પપ્પા સાથેનો એનો પરિચય છે, ગયા ભવનો પરિચય અને છેલ્લા નવ મહિનાનો ગાઢ પરિચય છે. પણ હા, હવે કાળજી પણ લેવી પડશે. જો બાળક ગર્ભમાં હતું ત્યારે બધું સમજતું હતું અને બધા vibration વાઈબ્રેશન્સ પકડી રહ્યું હતું તો એ બાળક હવે તો અવતરી ગયું છે અને બહાર અવતરીને આપણી સમક્ષ આવેલું બાળક તો અંદર રહેલા બાળક કરતા વધુ ઝડપથી vibrations વાઈબ્રેશન્સ પકડી લેવાનું છે એટલે આપણો કોઈપણ પ્રકારનો નેગેટિવ પ્રતિભાવ એ પકડી જ લેશે.
માતાપિતા બનવું એ થોડું હવે અઘરું બની ગયું છે. પણ આ અઘરું જે છે એને સહેલું બનાવવું હોય તો બે મુદ્દા બરાબર યાદ રાખજો.
૧) બાળક મારું છે અને બાળકમાં ઈશ્વર છે એ સદા યાદ રાખજો.
૨) હું જે કાંઈ કરીશ, હું જે કાંઈ બોલીશ, હું જે કાંઈ વર્તન કરીશ તેની અસર બાળક ઉપર થશે, થશે ને થશે.
તમે બંને ગઈ કાલ સુધી husband and wife હતા, પતિ અને પત્ની હતા. બાળકના અવતરવાથી તમે upgraded થયા છો. તમારો દરજ્જો મોટો થયો છે. તમે મમ્મી – પપ્પા બન્યા છો. Happy moments છે આ તમારી.. કારણ કે તમારા પોતાના અરમાનોથી તમે પોતે પદોન્નતિ પ્રાપ્ત કરી છે…
સંતાનના જન્મ પછી તરત જ તબીબો માતા સાથેનો નાળ સબંધ કાપી નાખે છે. જ્યારથી નાળ સબંધ કપાય છે ત્યારથી બાળકનો માતા સાથે પાળ સબંધ શરૂ થાય છે. એટલે કે પાલન માતા કરશે અને પિતા સાથે ભાળ સબંધ શરૂ થાય છે એટલે કે એની ભાળ – સંભાળનું કામ પિતાનું રહેશે.
આપણા સંતાન માટે અત્યારે જે કરીશું તે વર્ષો સુધી કામ લાગવાનું છે. અત્યારે જે હૂંફ આપીશું, લાગણી આપીશું, આપણો પોતાનો પ્રેમ આપીશું એ બધું એનામાં ક્યાંક ક્યાંક સમાઈ જવાનું છે અને એ જ હૂંફ એ આપણને પાછી આપશે, એ જ લાગણી એ આપણને પરત કરશે, એ જ પ્રેમ આપણી વધતી ઉંમરમાં એ વરસાવશે.
મનોવૈજ્ઞાનિક સત્ય યાદ રાખીએ કે કોઈ પણ વ્યક્તિ વિકાસના કટોકટીકાળને કેટલી સ્વસ્થતાથી ઉકેલી શકે છે તેની અસર વ્યક્તિની સ્વપ્રતિમા એટલે કે self image ઉપર થતી હોય છે અને આ સમય દરમિયાન જ એ વ્યક્તિનું સમાજ પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ પણ બંધાતું હોય છે. આવો આપણે બાળકના વિકાસના તબક્કાઓને ટૂંકમાં જાણીએ.
(ચિલ્ડ્રેન્સ યુનિ. ખાતે શ્રી નરેન્દ્ર મોદી ઈન્સ્પિરેશનલ લેક્ચર સિરીઝનું પ્રથમ વક્તવ્ય આપતી વખતે કરેલું ગૃહ કાર્ય )
by Bhadrayu Vachhrajani | Mar 22, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

“આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે મતદાન દ્વારા જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી.”
કન્યાકુમારીના એ દિવ્ય રોક પરની સાધનાના ફળરૂપે સ્ફુરેલા વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા ચિત્ત ઝડપથી ક્રિયાશીલ બન્યું અને સ્વામીશ્રી વિવેકાનંદજીએ શ્રી મઠ અને મિશનના ગઠનને આખરી ઓપ આપ્યો. છેવટે એ શુભ ઘડી આવી પહોંચી.
તારીખ પહેલી મે 1897 ના રોજ શ્રી રામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રી રામકૃષ્ણદેવના ગૃહસ્થ અને સન્યાસી ભક્તોની સભાનું આયોજન કર્યું. એ દિવસનું વર્ણન કરતાં ગંભીરાનંદજી લખે છે: એ દિવસે બપોરે ત્રણ વાગ્યા પછી અનેક ભક્તો આ મકાનના બીજા માળે ભેગા થયા. બધા બેસી ગયા પછી સ્વામીજીએ બોલવાનું શરૂ કર્યું. “જુદા-જુદા દેશોમાં ફર્યા પછી હું એવી માન્યતા પર આવ્યો છું કે સંઘ વગર કોઈ મહાન કાર્ય થઈ શકતું નથી. પરંતુ આપણા જેવા દેશમાં શરૂઆતથી જ લોકશાહી પ્રમાણે સંગઠન રચવું કે મતદાન દ્વારા જનમત મેળવીને કાર્ય કરવું વિશેષ સહેલું બને એવું જણાતું નથી. એ પશ્ચિમના દેશોના સ્ત્રી પુરુષો વધારે શિક્ષિત છે અને આપણા જેવા ઈર્ષાળું નથી. તેઓએ ગુણોને આદર આપવાનું શીખી લીધું છે. જુઓ ને હું તો એક સામાન્ય માણસ છું તો પણ એ લોકોએ મારો કેટલો બધો આદર સત્કાર કર્યો !! આ દેશમાં પણ શિક્ષણના પ્રસારની સાથે સાથે જ્યારે સામાન્ય લોકો પણ સુહૃદયી બની જશે, જ્યારે પોતાની માન્યતાઓની બહાર જઈને પણ પોતાના વિચારોનો વિસ્તાર કરવાનું શીખશે, ત્યારે લોકશાહી પદ્ધતિથી સંઘને ચલાવી શકાશે. આ કારણને લઈને આ સંઘ માટે એક સરમુખત્યાર અથવા તો મુખ્ય સંચાલક હોવો જોઈએ. બધાએ તેના આદેશ પ્રમાણે વર્તવાનું રહેશે. અમે લોકો જેમના નામ પર સન્યાસી થયા છીએ, આપ બધા જેમને પોતાના જીવનનો આદર્શ માનીને ગૃહસ્થાશ્રમરૂપ કર્મક્ષેત્રમાં રહેલા છો અને જેના દેહાવસનના 12 વર્ષની અંદર જ પૂર્વ અને પશ્ચિમના જગતમાં જેમના પવિત્ર નામ અને અદભુત જીવનનો આશ્ચર્યકારક રીતે પ્રસાર થયો છે, એમના નામ પર આ સંઘ સ્થપાશે. અમે બધા પ્રભુના દાસ છીએ. આપ લોકો આ કાર્યમાં સહાયક બનો.” ત્યાં હાજર રહેલા ગિરીશચંદ્ર ઘોષ અને અન્ય લોકોએ આ પ્રસ્તાવને અનુમોદન આપ્યું અને રામકૃષ્ણ સંઘની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો.
પાંચમી મેના રોજ ભરાયેલી દ્વિતીય સભામાં આ વિષયની કાર્ય પદ્ધતિ ઉપર ચર્ચા વિચારણા થઈ અને તેનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. તેનું નામ આપ્યું રામકૃષ્ણ પ્રચાર સમિતિ અથવા તો રામકૃષ્ણ મિશન એસોસિએશન તે સમયે નક્કી કરવામાં આવ્યું. કાર્યપદ્ધતિ પ્રમાણે ઉદ્દેશ હતો: મનુષ્ય માત્રના કલ્યાણ માટે શ્રી રામકૃષ્ણે જે સત્યનો ઉપદેશ આપ્યો અને પોતાના જીવન વ્યવહાર દ્વારા તેનું પ્રત્યક્ષ આચરણ કરી બતાવ્યું એ સત્યનો ઉપદેશ કરવો અને એ સત્ય મનુષ્યની શારીરિક માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કઈ રીતે સહાયક બને એ માટે પ્રચાર કરવો એ આ મિશનનો ઉદ્દેશ રહેશે. વિશ્વના બધા ધર્મો એ એક જ અખંડિત સનાતન ધર્મના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે એવું જાણીને બધા ધર્મોના અનુયાયીઓ વચ્ચે આત્મીયતા સ્થાપવાના શ્રી રામકૃષ્ણદેવે શરૂ કરેલા કાર્યને વેગ આપવાનું આ સંઘનું કાર્ય રહેશે. કાર્ય પદ્ધતિ લોકોના ભૌતિક અને આધ્યાત્મિક કલ્યાણ માટે વિદ્યા આપી શકે તે માટે લોકોને શિક્ષણ આપવું, કળા અને ઉદ્યોગોને ઉત્તેજન આપી આગળ વધારવા, શ્રી રામકૃષ્ણજીના જીવનના દ્વારા વ્યક્ત થયેલા વેદાંત અને અન્ય ધર્મના વિચારોનો સમાજમાં પ્રસાર કરવો. ભારતના દરેક શહેરમાં આશ્રમોની સ્થાપના કરવી. તેમાં સન્યાસીઓ અને ગૃહસ્થોને કેળવી આપવાના કાર્યમાં જીવન સમર્પણ કરનાર ગૃહસ્થીઓને તાલીમ આપવી કે જેથી તેઓ દૂર સુદૂર જઈને લોકોને શિક્ષણ આપી શકે. ભારતની બહાર દીક્ષિતોને મોકલવા, જે એ દેશોમાં સ્થપાયેલા આશ્રમો તથા ભારતીય આશ્રમો વચ્ચે ઘનિષ્ઠતા અને પરસ્પર સમજણ વધારવા તેમજ સાથે સાથે નવા આશ્રમોની સ્થાપના પણ કરવી.
સ્વામીજી પોતે જ આ પ્રચાર સમિતિના મુખ્ય અધ્યક્ષ બન્યા. સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી યોગાનંદ કોલકત્તા કેન્દ્રના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બન્યા. શરદચંદ્ર ચક્રવર્તીને શાસ્ત્રોનું વાંચન કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે નિયમ પણ બનાવવામાં આવ્યો કે, દર રવિવારે સાંજે ચાર વાગ્યે બલરામ બાબુના એ જ 57 નંબરના રમાકાંત બાસુ સ્ટ્રીટના મકાનમાં સમિતિની બેઠક યોજવી. સ્વામીજી જ્યારે પણ કોલકત્તામાં હોય ત્યારે આ બેઠકમાં ભાગ લેતા ઉપદેશ આપીને તેમજ પોતાના મધુર કંઠે ભજન સંભળાવીને તેઓ શ્રોતાઓને મુગ્ધ કરી દેતા. એ પછી ઘણા સમય બાદ 1909 ના એપ્રિલમાં, 1860 એક્ટના 21 પ્રમાણે કાયદાકીય રીતે રામકૃષ્ણ મિશનના નામે રજિસ્ટ્રેશન કરાવીને તેને પુનર્જીવન અને સ્થાયિત્વ આપવામાં આવ્યું (સંદર્ભ: આ વિગત “યુગનાયક” ના 277 થી 281 પાન ઉપર આપવામાં આવેલ બાબતોનો સાર છે.)
by Bhadrayu Vachhrajani | Mar 15, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

સ્વામીશ્રી વિવેકાનંદજીના ચિંતનનો વિષય હતો:: “ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ છે.”
શ્રી રામકૃષ્ણદેવ અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાં અદ્વૈતની સાથે કર્મ પણ જોડાયેલું છે, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદજી ના જીવનમાં પણ એવું જ બન્યું છે. બધાના જીવનમાં વત્તા ઓછા પ્રમાણમાં જ્ઞાન,ભક્તિ, સત્કર્મની ઈચ્છા અને નિરવ ધ્યાનની અભિપસા હોય છે. સ્વામીજીએ આપેલા કર્મ માર્ગને કર્મયોગ સમાન માની શકાય નહીં કારણ કર્મયોગમાં કર્મનું ફળ ઈશ્વરને સમર્પિત કરવાની વાત છે, પરંતુ સ્વામીજીના વ્યવહારિક વેદાંતમાં પોતાના માટે ફળ પ્રાપ્ત કરીને ભગવાનને અર્પણ કરવાનો પ્રશ્ન જ ઉઠતો નથી કેમ કે, તેમાં તો શરૂઆતથી તે અંત સુધીનો સઘળો પ્રયાસ ઈશ્વરને માટે જ છે. ફળ ઉત્પન્ન થયા પહેલા પણ તે ભગવાનનું છે. મધ્યાવસ્થામાં પણ એ ભગવાનનું છે અને પૂરું થયા પછી પણ એ ભગવાનનું જ છે. શિવજ્ઞાનથી જીવ સેવાની મૂળ વાત જ આ છે એમાં સ્વાર્થને કોઈ જ સ્થાન નથી.
સ્વામીજીની સંકલ્પના મુજબનો નવસન્યાસી સંઘ વેદાંત અને શ્રી રામકૃષ્ણજીની વાણીનો પ્રચાર તો અવશ્ય કરતો રહે, પણ સાથે જ નરેન્દ્રના અંતરમનમાંથી એક અસ્ફૂટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો કે, શ્રી રામકૃષ્ણદેવ અભિનવ પ્રકાશના વાહક છે અને એમનો સંઘ પણ પૃથ્વી ઉપર એક નવો જ સંદેશ પ્રસારિત કરશે. “શું હતો આ સંદેશ ?” જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ ન મળે ત્યાં સુધી હૃદયમાં આ પ્રજ્વલિત અગ્નિવહન કરીને સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક રૂપે ઉત્તર ભારતથી શરૂ કરી રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ, તામિલનાડુમાં ભ્રમણ કર્યું. તેઓ ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય અને બહુવિધ નાગરિકો સાથે પરિચિત બન્યા. રાજાથી લઈ રંકના ઘરમાં નિવાસ કર્યો. ઉચ્ચથી ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિઓના સોપાનો સર કર્યા અને છેવટે મા કન્યાકુમારીના આંચળ તળે ભારતના અંતિમ કિનારે સમગ્ર ભારત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.
“યુગનાયક”માં લખાયું છે કે, કન્યાકુમારીનું મંદિર ભારતની દક્ષિણ દિશાના અંતિમ છેડે આવેલું છે. એના પછી તરત ત્રણે દિશાઓમાં મોજા ઉછાળતો દરિયો, પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર સમુદ્રની અંદર નાના મોટા કેટલાક પથરાળ બેટ મંદિરમાં મા કુમારી શિવના ચિંતનમાં બેઠેલા છે, એ મૂર્તિ અત્યંત સુંદર દર્શન કરતાની સાથે જ હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. સ્વામીજીએ માતાના દર્શન કાજે બાળ ની માફક વ્યાકુળ ચિત્તે મંદિરના આંગણામાં પ્રવેશ કર્યો અને દેવી કુમારીની સન્મુખે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. દર્શન અને પૂજા પૂરા થઈ જતાં તેઓ ત્યાં બેસીને માતૃભૂમિના કલ્યાણ અંગે વિચારવા લાગ્યા. એમના ચિંતનનો વિષય હતો ઘણા બધા ધર્મોનું જન્મસ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ.
ભારતનો ગૌરવભર્યા અધ્યાત્મ મહિમાથી ઉજ્જવળ ભૂતકાળ છતાં દુઃખ દારિદ્રમાં ડૂબાડૂબ, વીર્ય વિનાનો, ગૌરવ ગુમાવી બેઠેલો, અધ્યાત્મ સંપત્તિથી વિહોણો બનેલો વર્તમાન સમય અને ગાઢ અંધકારથી ઘેરાયેલું અનિશ્ચિત ભવિષ્ય !! ભારતના અલુપ્ત ગૌરવને શું ફરી એકવાર સુપ્રતિષ્ઠિત કરવાનું સંભવિત છે ?? જો સંભવિત હોય તો તેનો ઉપાય શું?
સ્વામીજીએ ભાવિ ભારતને ધર્મ અને સંસ્કૃતિથી પરિપુષ્ટ અને અનેકવિધતાની અંદર એકત્વ સાથે બિરાજતી અખંડ સત્તા રૂપે દીઠું. એમને સમજાઈ ગયું કે, ધર્મ જ અગણિત ભારતીય સંતાનોનો મેરુદંડ છે. એમના શાંત સમાહિત વિશુદ્ધ ચિત્તમાં દિવ્ય વાણી ગુંજી ઉઠી, જે પ્રગાઢ આધ્યાત્મિક અનુભૂતિના પ્રભાવે ભારત વર્ષમાં એક વખત વિભિન્ન સંસ્કૃતિ અને વિભિન્ન ધર્મોની જન્મભૂમિ અને મિલન ક્ષેત્ર બની ઉઠેલું. એકમાત્ર એ જ અનુભૂતિના જોરે એનો પુનરુત્થાન અને પુનઃ પ્રતિષ્ઠા સંભવિત છે. ધર્મને પૂરેપૂરો અનુસરીને અને જીવનમાં એને ઉતારીને કોઈપણ જાતિ ક્યારેય અનદહ પતિત થાય નહીં, ઉલટાનું ઇતિહાસની સાક્ષી લેતાં જણાય છે કે, જાતીય જીવનમાં જે બધી શક્તિઓ સફળતા મેળવવા માટે સમર્થ નીવડે છે એ બધામાં સક્રિય ધર્મ સૌથી શ્રેષ્ઠ છે. એ દિવસે તેઓએ એક પત્રમાં લખ્યું, આ બધું જોઈને અને તેમાં ય ખાસ કરીને દ્રારિદ્ર અને અજ્ઞાન નિહાળીને મને ઊંઘ નથી આવતી.
એક વિચાર પાકો કર્યો કે, કુમારિકા ભુશિર ઉપર મા કુમારિકાના મંદિરમાં બેસીને ભારતવર્ષની છેક છેવાડા ની પાષાણની ટોચ ઉપર બેસીને ઠરાવ્યું કે, આ જે આપણે આટલા બધા સન્યાસીઓ છીએ તે બધા રજળપાટ કરતાં અહીંથી ત્યાં ફરતા રહીએ છીએ, લોકોને દર્શનશાસ્ત્ર શીખવાડીએ છીએ એ બધું પાગલપણું છે. ખાલી પેટે ધર્મ ન થાય ગુરુદેવ કહેતા હતા: આ બધા ગરીબ ગુરબાં જાનવરની જેમ જીવે રાખે છે, એનું કારણ મૂર્ખતા છે. પાજી પુરોહિત બેટાઓ ચાર ચાર યુગથી એમનું લોહી ચૂસતા રહ્યા છે અને પગ તળે કચડી રહેલા છે. આપણી જાતિ પોતાનું હીર હારીને બેઠી છે. નીચ જાતિને ઉપર ઉઠાવવી પડશે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી સૌએ એમને પગતળે કચડેલા છે અને એમની ઉઠીને ઊભા થવાની તાકાત આ પોતાની અંદરથી જ આણવી રહેશે. કટ્ટર હિન્દુઓએ જ આ કામ કરવું પડશે. (સંદર્ભ :: “યુગનાયક” પુસ્તકના પહેલા ભાગમાં 429 થી 431 ઉપરની વિગતનો આ સાર છે.)
by Bhadrayu Vachhrajani | Mar 14, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ભાવસમાધિમાં શ્રી રામકૃષ્ણદેવે કહ્યું : “નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન… જે નામ તે જ ઈશ્વર.. નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું.”
“સ્વામી શ્રી વિવેકાનંદ ગ્રંથમાળા” ના ભાગ આઠના પૃષ્ઠ 410 ઉપર એક વિગત છે.
શ્રી રામકૃષ્ણદેવ કેટલીક વાર કહેતા, “ઈશ્વર પર આધાર રાખજો, પવનની દયા પર રહેતા સુકા પાંદડાની જેમ રહેજો, તેની કૃપાનો પવન તો સતત ફૂકાય જ રહ્યો છે, જરૂર છે માત્ર તમારા સઢને ચઢાવવાની.”
“સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા” ના ભાગ આઠના પૃષ્ઠ 407 ઉપર થી એક અવતરણ આપણે વાંચીએ.
વિવેકાનંદને જોવા માટે શિકાગોની શેરીઓમાં હૈયે હૈયું દળાય તેટલું માણસ ઉભરાતું હતું ત્યારે જે સન્માનનો સોમો ભાગ પણ બીજા સામાન્ય માણસને તો ગાંડો જ બનાવી દે એવું સન્માન હું મુશ્કેલી વિના પચાવી શક્યો, તેનું કારણ શું? કારણ તેમની એટલે કે શ્રી રામકૃષ્ણદેવની કૃપા અને તેમની કૃપાને લીધે જ સર્વત્ર વિજય પ્રાપ્ત થયો છે, આવું સ્વામી શ્રી વિવેકાનંદજીનું કહેવાનું છે.
“આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ” ના આદર્શે પોતાના જીવનનું ગઠન કરી શકે એવા અગ્નિ મંત્રે દીક્ષિત યુવા સન્યાસીઓને એકત્ર કરી એમને દિવ્ય પ્રેમની દોરીએ બાંધી એક એવા સંઘનું નિર્માણ કે, જે યુગ પ્રયોજન હેતુ હજારો વર્ષ સુધી માનવ સભ્યતા માટે પથ પ્રદર્શક બની રહે. આ સંઘનો પાયો નાખનાર ઠાકુરના પ્રધાન શિષ્ય હતા નરેન્દ્ર અર્થાત ભવિષ્યના સ્વામી વિવેકાનંદ.. લીલા પ્રસંગકાર વર્ણિત કરે છે કે, કેવી રીતે નરેન્દ્રે ઠાકુરની પાસેથી “શિવજ્ઞાને જીવસેવા” નો મંત્ર મેળવ્યો. 1884 ની સાલમાં એકવાર ક્યારેક સંઘના એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું કે શ્રી રામકૃષ્ણદેવ પોતાના ખંડમાં ભક્તોથી વિટળાઈને બેઠેલા છે. શ્રીયુત નરેન્દ્ર પણ ત્યાં હાજર છે. અનેક પ્રકારના સદબોધક વાર્તાલાપ તેમજ વચમાં વચમાં વળી નિર્દોષ ગમ્મત મજાકની વાતચીત પણ ચાલી રહી છે. વાતો કરતાં કરતાં વૈષ્ણવ ધર્મની વાત નીકળી અને મતનો સાર ત્યાં બેઠેલા સૌને ટૂંકમાં સમજાવી દઈને ઠાકુર બોલ્યા :: ત્રણ વસ્તુનું પાલન કરવા માટે હર હંમેશ પ્રયત્ન કરતા રહેવાનો ઉપદેશ એ મતમાં કરવામાં આવે છે. નામમાં રૂચિ, જીવ ઉપર દયા અને વૈષ્ણવનું પૂજન. જે નામ તે જ ઈશ્વર નામ અને નામીને અભેદ જાણીને સર્વદા અનુરાગ સહિત નામ લીધે જવું. ભક્ત અને ભગવાન કૃષ્ણ અને વૈષ્ણવ અભેદ જાણીને હંમેશા સાધુ ભક્તો પર શ્રદ્ધા તેમની પૂજા અને વંદના કરવી અને શ્રીકૃષ્ણનો જ આ જગત સંસાર એ વાતની હૃદયમાં ધારણા કરીને સર્વ જીવો ઉપર દયા દાખવવી. સર્વજીવો પર દયા એમ કહેતા જ તેઓ અચાનક સમાધિસ્થ થઈ પડ્યા. કેટલીક વાર પછી અર્ધબાહ્ય દશામાં આવીને કહેવા લાગ્યા, જીવ ઉપર દયા, જીવ ઉપર દયા, હટ સાલા મગતરામાં મગતરૂ તું કે જીવ પર દયા કરવાનો?? દયા કરનારો તું વળી કોણ ?? ના ના જીવ ઉપર દયા નહીં, “શિવજ્ઞાને જીવની સેવા” ભાવાવિષ્ટ શ્રી રામકૃષ્ણદેવના એ વચનો ભલે બધાએ સાંભળ્યા, પરંતુ એનો ગુઢ મર્મ ત્યારે કોઈ ન સમજી શક્યા કે ન તો પકડી શક્યા. ફક્ત એક નરેન્દ્રનાથે જ એ દિવસે ઠાકુરનો ભાવાવેશ સમી ગયા પછી બહાર આવીને કહેલું: શું અદભુત પ્રકાશ આજે ઠાકુરના વચનોમાં હું જોવા પામ્યો છું. શુષ્ક કઠોર અને નિર્મમ રીતે પ્રસિદ્ધ એવા વેદાંત જ્ઞાનને ભક્તિની સંગ સાથે ભેળવી દઈને કેવા તો સહજ રસીલા અને મધુર અજવાળે એને ઉજમાળું કરીને બતાવી દીધું પરંતુ ઠાકુર આજે ભાવાવેશમાં જે બોલ્યા તેના પરથી સમજાઈ ગયું કે, વનના વેદાંતને ઘરમાં લાવી શકાય. સંસારના સઘળા કામકાજમાં એનું અવલંબન લઈ શકાય. માણસ જે કાંઈ કરી રહેલો છે તે બધું ભલે કરે, એમાં નુકસાન કાંઈ નથી. માત્ર સૌથી પહેલા આટલી વાત ઉપર પૂરેપૂરા દિલથી વિશ્વાસ મૂકીને એને ગાંઠે બાંધી લે એટલે ઘણું થયું અને તે એ કે, ઈશ્વર જ જીવ તથા જગત રૂપે એની સન્મુખ પ્રગટ થઈ રહેલા છે. જીવનની પળેપળ એ જેના સંપર્કમાં આવી રહ્યો છે, જે જે બધાને પ્રેમ કરી રહ્યો છે, જેમના પ્રત્યે શ્રદ્ધા સન્માન અથવા દયા દાખવી રહ્યો છે તેમાંના એકે એક એમના જ અંશ છે. તેઓ પોતે જ છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને અગર જો માણસ એ પ્રમાણે શિવ સ્વરૂપ જાણી શકે તો પછી પોતાને મોટો માનીને એમના પ્રત્યે રાગ, દ્વેષ, દંભ કે દયા બતાવવાનો અવસર જ એને માટે ક્યાં રહ્યો? એ રીતે “શિવ જ્ઞાને જીવોની સેવા” કરતાં કરતાં ચિત્ત શુદ્ધ થતાં એ બહુ થોડા જ વખતમાં પોતાને પણ ચિદાનંદમય ઈશ્વરના અંશ તરીકે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ વાળા તરીકે નક્કી જાણી શકશે.
ઠાકુરની એ વાત વડે ભક્તિ પથ ઉપર પણ વિશેષ પ્રકાશ પડેલો જણાય છે. જ્યાં સુધી સર્વભૂતોમાં ઈશ્વરને જોઈ શકાય નહીં ત્યાં સુધી સાધકને માટે ખરેખરી ભક્તિ એટલે કે પરાભક્તિ પામવાનું આકાશ કુસુમવત રહે છે. શિવ અને નારાયણ જ્ઞાને જીવોની સેવા કરવાથી સકળજનમાં ઈશ્વરના દર્શન કરીને યથાર્થ ભક્તિ પ્રાપ્ત કરીને ભક્ત સાધક થોડાક જ વખતમાં કૃતાર્થ થશે, એ વાત કહેવાની જરૂર નથી. જે હોય તે પણ જો ભગવાન કદીક એ દિવસ આપશે તો આજે મેં જે સાંભળ્યું છે તે અદભુત સત્યનો પ્રચાર સંસારને ચારે ખૂણે કરીશ. પંડિત, મૂર્ખ, ધની, દરિદ્ર, બ્રાહ્મણ, ચંડાળ સૌને એ સંભળાવીને મુગ્ધ કરી દઈશ.”
શ્રી ગંભીરાનંદજી લખે છે કે, સ્વામીજીએ ધર્મની ભૂમિકા પર ત્યાગ અને સેવાના આધારે નવજાગૃતિનો પ્રારંભ કરવા ઈચ્છ્યું હતું. આ નવજાગરણના આંદોલનના અગ્રેસરોના રૂપમાં સન્યાસીઓનું મંડળ રચવાની ઈચ્છા સેવી હતી. આ સન્યાસીઓ નવા યુગના સંદેશ વાહક અને આદર્શના પ્રસ્થાપક બનશે કે જેવો મન મુખ એક કરીને સ્વાર્થથી પર બનીને અદ્વૈત જ્ઞાનને પાલવમાં બાંધીને મૂર્ખ નારાયણ, દરિદ્ર નારાયણ, દુઃખી નારાયણ તથા દરેક સ્થિતિમાં રહેલા મનુષ્યોની સર્વ પ્રકારની ઉન્નતિ માટે જીવન પર્યંત પ્રયત્ન કરશે અને આ રીતે એમની ઈશ્વર પ્રાપ્તિ નો માર્ગ સરળ અને સુગમ બનશે. આથી તે પોતાની મુક્તિના દ્વાર પણ ખોલશે એટલે કે “આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ” જીવન જીવશે.
by Bhadrayu Vachhrajani | Mar 6, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ઈતિહાસ ગવાહ છે છે કે, ‘હું-તું કરનારા હણાયા છે, પરંતુ ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે અને હજુ જીતશે.
“નિષેધ કોઈનો નથી, સર્વનો સમાસ છે.”…આ પંક્તિ નવા ભારતનો રાજધર્મ છે.
આફ્રિકાના એક ખોબા જેવડા પણ પ્રકૃતિસભર રમણીય દેશ રવાન્ડામાં પચીસ-ત્રીસ વર્ષો પહેલાં બે જાતિઓની આંખો વઢી. એક જાતિ “હૂતી” નિર્દય બની તૂટી પડી બીજી જાતિ “તુત્સી” પર ને થયો જાતિસંહાર એટલે કે જિનોસાઈડ.
ત્યાંનું ‘હુ તુ’ એટલે આપણું “હું ને તું’ ને ‘તુત્સી’ એટલે ‘તું ત્વં અસિ’
હું-તું એટલે દ્વૈત, બે, અલગ, જુદારો, હુંસાતુંસી, દ્વેષ, વેર ને છેવટે વિનાશ,
પણ ‘તું ત્વં અસિ’ એટલે તત્ત્વમસિ, તું તે જ હું, હું તે જ તું, પ્રેમ, સમાસ, સ્વીકાર, એકત્વ ને છેવટે વિજય!
ઈતિહાસ ગવાહ છે કે, ‘હું-તું’ કરનારા હણાયા છે ને ‘તું તે જ હું’ સ્વીકારનારા જ જીત્યા છે. કાળચક્ર કોઇપણ રીતે ફરે અંતે તો સર્વનો સમાસ કરનાર જ જીતશે, એ વિધિ નિર્માણ છે. જિનોસાઈડના પચીસ વર્ષથી હવે રવાન્ડામાં કોઈપણને પૂછો કે ‘તમારી જાતિ કઈ?” તો એક ને માત્ર એક જવાબ મળશે, ‘રવાન્ડિયન’! રવાન્ડામાં જે વસે છે તે બધા ‘રવાન્ડિયન’. આપણે પણ જો મોટા જાતિસંહાર કે નરસંહાર તરફ ન જવું હોય તો જ્ઞાતિ-જાતિના લેબલ તોડી એકમાત્ર ‘ઈન્ડિયન’ બનવું પડશે. હિન્દુસ્તાનમાં જે વસે તે બધા માત્ર ને માત્ર ‘હિન્દુસ્તાની’. નામ અનેક, પૂજા અનેક પણ જાતિ તો કેવળ ‘ઇન્ડિયન’ જ!..
1988માં મનુભાઈ પંચોલી ‘દર્શક’ એ ‘સાચો હિન્દુ ધર્મ’ પુસ્તિકાના પ્રવેશમાં લખ્યું છેઃ ‘કોઈ પણ લોકશાહીમાં તેના મતદારો કેળવાતા રહે તે બહુ મહત્ત્વની વાત છે. બંદૂક આપવાથી જ કામ પતતું નથી. બંદૂક કેમ વાપરવી તેની પણ તાલીમ આપવી અનિવાર્ય છે. નહીંતર એ જ બંદૂક નરહત્યા કે આત્મહત્યામાં વપરાય. તેવું જ આપણા મતનું છે. આ અગત્યનું કામ આપણે કર્યું નથી ને કરવા ગયા તેમણે પ્રચાર કર્યો છે. કેવળ તટસ્થતા, કડવી કે મીઠી પણ હકીકતોને જ પોતાના સાધન તરીકે વાપરે છે. ગમાઅણગમાને તે બાજુ પર મૂકે છે. આ નિયમ ન સમજાય ત્યાં પ્રચાર રહે અને પ્રચાર એટલે કોઈકના મગજનો કબજો લેવાનો પ્રયાસ.’ મતદારો ચૂંટણી વખતે મત આપનારા છે, પણ પછી તો તેઓ ઉત્પાદકો અને ઉપભોક્તાઓ છે, તેઓ માતા-પિતા છે તો મિત્ર પણ છે. આવો સ્વીકાર એ બહુ મોટું ચઢાણ છે અને આવું મોટું ચઢાણ રાષ્ટ્રપ્રેમનો ઓક્સિજન માગે છે. રાષ્ટ્રપ્રેમ એટલે હું કેવળ ભારતીય, ન હિન્દુ ન મુસ્લિમ, ન ગુજ્જુ કે ન મલ્લુ, ન હું ન તું… રાષ્ટ્રપ્રેમ એટલે તું તે જ હું‘.
મોહમ્મદ ગઝની સાથે એક વિચક્ષણ અભ્યાસી અલબેરૂની આવેલો. તેણે તે વખતના હિન્દુ ધર્મનો અને હિન્દુઓનો સારો અભ્યાસ કર્યો હતો. તેણે બે ભારે લાક્ષણિક વાત કરેલી. તે કહેઃ ‘હિન્દુઓ ભલા ને આતિથ્યશીલ લોકો છે, પણ તેમનામાં બે એબ છેઃ એક એ કે તેઓ એવું માને છે કે તેમણે બીજા પાસેથી કશું શીખવાનું જ નથી, તેમના વડવાઓએ બધું જાણી લીધું છે અને બીજું તેઓ પોતાને ઊંચા માની કોઇની જોડે ભળતા જ નથી. તેમના પૂર્વજો આવા નહોતા.’ તે વખતના ધર્મ દ્વારા આ બે એબ વિકસાવવામાં આવી છે અને આપણે આજ સુધી પોતાના કોચલામાં જ પુરાઈ રહેવામાં આપણું રક્ષણ માન્યું છે ! ધર્મના અધિપતિઓ આવ્યા ને તેમણે ‘ધર્મમાં રાજ્ય દખલ ન કરે તો…” એટલું સ્વીકારી બધું થવા દીધું. પરિણામે મંદિરો રહ્યાં, પણ દેશ ગયો, દેશ નિચોવાયો, દેશ વગોવાયો, પણ ત્યારે રામકૃષ્ણ પરમહંસે બધા ધર્મોનો સાર અનુભવ્યો અને બતાવ્યું કે, ‘બધા ઝઘડા નામના ને સ્થળકાળના છે. ધાર્મિક માણસ બધે જો ભગવાન છે તેમ કહેતો હોય તો તે બધાને માટે ઘસાય, કશાય ભેદભાવ વિના ઘસાય!’
તેમના અંતકાળે વિવેકાનંદે સમાધિસુખ માગ્યું તે ચપટીક દર્શાવ્યું ને ચોવીસ કલાક પછી તેમને જગાડ્યા ત્યારે વિવેકાનંદે કહ્યું: ‘મને શા સારું જગાડયો? હું કેવા અપૂર્વ સુખમાં હતો?’ રામષ્ણદેવે તેને ઠપકો આપ્યો: ‘અલ્યા સ્વાર્થી, આટલા આટલા લોકો ઘોર તમસમાં છે અને તને એકલપેટું સુખ ભોગવતા શરમ નથી આવતી? હવે આ સમાધિસુખ હું તાળા કૂંચીમાં મૂકી દઉં છું. તારે જવાની વેળા આવશે ત્યારે ઉઘડશે.’ અને સમાજનું ધારણપોષણ કરવાની રીત બતાવે તેવા ધર્મનું પુનઃસંસ્થાપન થયું.
એક વિશાળ ધર્મ કે જેમાં સંસાર છે, ત્યાં કર્મ છે, પણ બોજ નથી; ભક્તિ છે, પણ વેવલાઈ નથી; જ્ઞાન છે, પણ આડંબર કે ઈજારો નથી; પરંપરા મજબૂત છે છતાં સૌમ્ય છે. જ્યાં નિષેધ–વિરોધ–તિરસ્કાર કોઈનો નહીં, પણ સર્વનો આવકાર–સ્વીકાર ને સમાસ માત્ર છે ! પ્રજા અને રાજા વચ્ચે અદ્વૈતનો અનુબંધ રહે તેવા રાજધર્મનું પ્રભાત ખીલી રહે તેવી ઉદાત્ત ભાવના હતી, પરમહંસ શ્રી રામકૃષ્ણદેવની. શ્રી ઠાકુર ફરી ભારતવર્ષને આશિષો આપે તેવી વિનમ્ર પ્રાર્થના.
by Bhadrayu Vachhrajani | Feb 23, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે.
શ્રીમદ ભગવત ગીતા અંગે આપણે તાત્વિક ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે, એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયોક્તિક છે કે, યુદ્ધક્ષેત્રમાં આટલા લાંબા સુધી એ પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે? બુદ્ધિવાદીઓ પુરાતનપંથીના દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. એમના ભાષ્યમાં તેઓ કહે છે કે, કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કેમ કર્તવ્ય મૂઢ બની ગયો, પછી શ્રીકૃષ્ણએ તેને કેટલાક પ્રભાવિત સલાહ, શિખામણ અને ઉપદેશ આપ્યા. એમના આ સલાહ શિખામણને વ્યાસ ઋષિએ સાતસો શ્લોકોમાં નિબદ્ધ કર્યા. શંકરાચાર્યનો આ મત છે અને એ મત પૂરતા પ્રમાણમાં યુક્તિ સંગત લાગે છે તેવું સ્વામી શ્રી રંગનાથાનંદજી કહે છે.
પ્રાચીન કાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડિય ધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ અને તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીય ધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદી ના રૂપે આવ્યા. વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે, જે માણસ આ લોકની સારી-સારી ચીજો મર્યા પછી સતલોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞ યાગ કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે, નચિકેતા પોતાના પ્રથમ વરદાન ‘આ જગતનું ઐક્ય’ એવું કંઈક માંગે છે. બીજા વરદાન દ્વારા ‘સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે’ તે જાણવા માંગે છે. પરંતુ તેને આનાથી સંતોષ નથી થતો. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા જ આ સમસ્યાનું સમાધાન સંભવિત છે. આ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. ઉપનિષદોનો આદર્શ છે ધ્યાન દ્વારા પરમતત્વનો સાક્ષાત્કાર. તેમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની અને ચિંતનની આવશ્યકતા વચ્ચે
શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરિત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવ પરિપૂર્ણ ન બની શકે. જે વ્યક્તિ કહે છે, હું ચિંતન વિના જ કર્મ કરીશ તે સફળ નથી. અને જે વ્યક્તિ કર્મથી વિછિન્ન બનીને કેવલ ચિંતનમાં જ મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. એટલે કે એક સામંજસ્યપૂર્ણ દર્શન યુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં તેનું પ્રદાન કર્યું. ગીતાનો ઉદ્દેશ મનુષ્યને જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચ સ્તર સુધી ઉન્નત કરી આપવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ.
ઈ.સ. પૂર્વે 1400 વર્ષ પહેલાના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એનું લગભગ ઈસુ પહેલાના 900 વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. ગીતાનું સુત્રીકરણ બુદ્ધની પહેલા શતાબ્દીઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે, પરંતુ એને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા. અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું. જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે. ઈ.સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દીમાં બુદ્ધ અવતર્યા. પછી ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં શંકરાચાર્યનું આગમન થયું. આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ 19મી શતાબ્દીમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજે આપણે એમના અને એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે. જે કોઈપણ ભારતનાં ઇતિહાસનું વાંચન કરે છે. અહીં પ્રત્યેક યુગપૂર્વે વિચારોનો એક પ્રબળ આદર્શ અને જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળની પ્રેરણાના કેન્દ્ર બિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે. આ અદ્ભૂત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે. આપણી પાછળ 5000 વર્ષોનો ઇતિહાસ છે. આપણે એ જ પ્રાચીન જાતિ છીએ. અને એ જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરી રહ્યો છે. ભારત પ્રાચીન ગ્રીસ અને રોમ એકબીજાની સામે- સામે હતા. તે ભારત જરાય બદલાયા વિના વિશ્વમંચ ઉપર નવા આગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઉભું છે. અને ભવિષ્યમાં આવનારા અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઈતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતા રૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરીક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિના મૂળ અને ઉદ્દગમ સંબંધિત જીજ્ઞાશા તરફ દોરી જાય છે.
(સાદર સ્વીકૃતિ અને સંદર્ભ: વંદનીય સ્વામી શ્રી રંગનાથાનંદજી લિખિત “ગીતા દર્શન” ના ત્રણ ગ્રંથો)
by Bhadrayu Vachhrajani | Feb 16, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે.
કોઈ એમ કહે કે, ગીતા એક મૌલિક ગ્રંથ નથી, તો એ વાંચીને આપણને જરા આંચકો પહોંચે. પણ એ કહેનાર સ્વામી રંગનાથાનંદજી હોય તો આ કથન પાછળનો ગુઢાર્થ પણ એમણે સ્પષ્ટ કર્યો જ હોય. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી. પણ જેને ઓલ્ડસ હક્સ્લીએ ‘શાશ્વત દર્શન’ કહ્યું છે, એ પરમ તત્વનું પરમ મૌલિક વક્તવ્ય ગીતા છે.
સદાચાર ઉપરાંત ગીતામાં એક બીજું તત્વ પણ છે, અને એ છે ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ. પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ. આ એક એવું તત્વ છે કે જે ગીતામાં નિરૂપિત ભક્તને એક સાથે નિર્ભયતા અને સૌમ્યતાની પ્રતિમૂર્તિ બનાવી દે છે. આ બધા કારણોને લીધે આપણા જીવનમાં ગીતાને મહત્વ મળ્યું છે. ચાલ્સ વિલ્કિલ્સ દ્વારા અનુદિત ગીતાના અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે આવી ઘોષણા કરી હતી. ‘જ્યારે ભારતમાં અંગ્રેજોનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયા પછી સારો એવો સમયગાળો વિતી ચૂક્યો હશે અને એમનો સંપત્તિ તથા સત્તાનો ઉદગમ સ્ત્રોત માત્ર સ્મૃતિનો વિષય બની ગયો હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખક જીવિત રહેશે.’ જ્યારથી આ વાક્ય લખાયા ત્યારથી ગીતા પૂર્વ અને પશ્ચિમ જગતના બંને વિભાગના સ્ત્રી-પુરુષોના હૃદયમાં અસીમ વર્ધમાન સામ્રાજ્ય સ્થાપિત કરી રહેલ છે.
ગીતાના સંદેશની બે મહત્વપૂર્ણ વિશેષતાઓ છે. તેની યૌતિકતા અને તેની સાર્વભૌમિકતા એટલે કે વૈશ્વિકતા, આ બંનેમાં એની શક્તિનો સ્ત્રોત નિહિત છે. આજે હિન્દુ શબ્દનો પ્રયોગ એક વિશિષ્ટ વર્ગના લોકોનું અન્ય વર્ગોથી અલગપણું બતાવવા માટે થાય છે. પરંતુ ગીતાના સંદર્ભમાં જ્યારે સ્વામી શ્રી રંગનાથાનંદજી હિંદુ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે તે અલગપણાનું અસ્તિત્વ એટલા માટે નથી કે ઋષિઓએ આ ઉદ્ધાત વિચાર કોઈ વર્ગ વિશેષને, બીજા લોકોને છોડીને, કેવળ હિન્દુઓને જ નથી આપ્યો, પરંતુ કોઈ પણ સમુદાય કે જાતિનો ભેદ કર્યા વિના માર્ગદર્શન ઇચ્છનાર બધા લોકોને આ વિચારો આપવામાં આવ્યા છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રાચીન ગ્રંથો અને એમાં રહેલા ઉપદેશોને ગ્રહણ કરવા પડશે. એ વર્ગ વિશેષ માટે નથી, પરંતુ વ્યાપકતાથી એને ઈચ્છનાર સૌ માટે છે. એમાં અમુક-તમુક સમુદાયનો નહીં પરંતુ માનવ માત્રનો ધર્મ બતાવવામાં આવ્યો છે અને એટલે એ વૈશ્વિક દર્શન છે. માત્ર સમાજના કેટલાક વર્ગોને માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણ હેતુ માટે નીતિ, સદાચાર અને દર્શન આપણા શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યા છે.
આપણા આધ્યાત્મિક સંત શ્રી રંગનાથાનંદજી નોંધ્યા પ્રમાણે :: સ્મૃતિકાર મનુએ માત્ર હિંદુઓને નહિ પરંતુ પુરેપુરી માનવજાતિને ધ્યાનમાં રાખીને પોતાના નિયમોની સંરચના કરી હતી એ માનવ ધર્મશાસ્ત્ર છે. એ માનવરૂપી પોતાના સંતાનો માટે મનુએ આપેલું સંવિધાન છે. આપણે અત્યારના મનુસ્મૃતિને મનુવાદ કરીને જાહેરમાં વખોડીએ છીએ ત્યારે એ જાણી લેવાની જરૂર છે કે, એ પ્રત્યેક મનુષ્ય માટે છે. પછી ભલે વિશ્વનાં કોઈપણ ભાગમાં એ રહેતો હોય, કોઈપણ દેશ કે જાતિનો હોય. જો મનુષ્ય સુખ તથા પોતાનું હિત ઇચ્છતો હોય તો તેણે કેટલાક આદર્શો અને વિધિ-વિધાનોનું પાલન કરવું પડશે. આ આદર્શ તથા વિધિ-વિધાન સાર્વભૌમિક છે અને તે બધાનો ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતાનું વાંચન કરતી વખતે આપણને સ્પષ્ટરૂપે જણાય છે કે, તેના ઉપદેશો સમગ્ર માનવજાતિ માટે છે. એવા બધા સ્ત્રી-પુરુષો માટે છે જે પોતાના અંતરાત્માની ઉચ્ચતર અભિવ્યક્તિઓની અનુભૂતિ કરવાનાં હેતુથી સંઘર્ષ કરી રહ્યા છે.
આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્જુનને નર અથવા મનુષ્ય અને શ્રીકૃષ્ણને નારાયણ અર્થાત પરમાત્માના અવતાર ગણવામાં આવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્ય માત્રને પોતાનો ઉપદેશ આપે છે. આ રીતે ગીતામાં ઈશ્વર તથા મનુષ્ય નારાયણ તથા નર સામસામે ઉભા છે. અને એ જ શ્રીમદ ભગવદ્ ગીતાની ભવ્યતા છે અને ઉદ્દાત પૃષ્ઠભૂમિ છે. શ્રીકૃષ્ણ એક સાર્વભૌમિક વૈશ્વિક આચાર્ય છે. તેમણે વૈષ્ણવ, શૈવ, કે બીજા કોઈ સંપ્રદાયોનો ભેદભાવ કર્યો નથી. આજે આપણને વૈશ્વિકતાના આ સ્પંદનની આવશ્યકતા છે કે જે બધા સંપ્રદાયો તથા વર્ગોથી પર થઈને સૌ કોઈને પોતાનામાં સમાવી દઈને પ્રત્યેકને એક જ પ્રકારની પ્રેરણા આપે. એટલા માટે ગીતાને તેની પોતાની પૃષ્ઠભૂમિમાં જ એટલે કે સાક્ષાત શ્રીકૃષ્ણરૂપી એક વૈશ્વિક વ્યક્તિ દ્વારા કરેલી વેદાંતની વ્યાખ્યાના રૂપમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ. ગીતા એની પોતાના જ મતપંથમાં ની શ્રદ્ધા સુદ્રઢ બનાવે છે. તેની સાર્વભૌમિકતા એક વિશિષ્ટ પ્રકારની છે. તે કોઈના પર લાદવામાં આવતી નથી, સૌને આમંત્રણ છે. ગીતાને હર કોઈ માણસ પોતાની નિજી રીતે અપનાવી શકે છે. આજના યુગમાં પ્રચલિત વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સુ સંવાદિતા રચવા માટે, મેળ-મિલાપ કરાવવા માટે આપણને સૌને એક એવા જ સાર્વભૌમિક સંદેશની આવશ્યકતા છે. બાઇબલ એવું કહે છે કે, શબ્દ વિનાશકારી છે, પણ ભાવ જીવનદાયી છે. (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Feb 10, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

નીટ અને જીની એક્ઝામમાં કટઓફ માર્ક માયનસ 40 સુધી માન્ય ગણાશે??!!!
વહેલી સવારે એક પ્રતિષ્ઠિત હોસ્પિટલના આઈસીયુ માંથી મને ફોન આવ્યો. એક યુવાન કમળાના દર્દથી પરેશાન હતો અને તેને આઈસીયુમાં ખસેડવો પડે તેવી સ્થિતિ હતી. એવા આગલા દિવસના વાવડ હતા. એ યુવાનનો ફોન મારા નંબર ઉપર જોતાં થોડીવાર મુંજાઈ ગયો. ફોન ઉપાડ્યો ત્યારે એમણે મુંજાતા એવું પૂછ્યું કે, સર, મને એ જાણવું છે કે, “આયુર્વેદ અને હોમિયોપેથીમાં બેચલર કરનાર ડોક્ટર હોય એ આઈસીયુમાં પણ આપણને ટ્રીટમેન્ટ આપી શકે?” મને એમ થયું કે અત્યારે આ માથાકૂટમાં આ જુવાન ન પડે તો સારું. એટલે મેં કીધું કે, “અત્યારે તું સાજો થઈ જા અને સાજો થઈ જા. પછી આવીને મળજે, નિરાંતે આપણે ચર્ચા કરીશું.” થોડા દિવસો પછી એમનો ફોન આવ્યો કે, હવે હું સ્વસ્થ છું અને તમને મળવા આવું છું. આવીને એમણે જે વાત કરી તે વાત મારા માટે પણ અજાણી હતી અને વાત સાંભળીને કદાચ સૌ ચોંકી જાય એવી વાત હતી.
એ યુવાને કહ્યું કે, મને કમળો થયેલો અને કમળામાં વધુ ખરાબ હાલત થઈ એટલે મને આઈસીયુમાં દાખલ કર્યો. એક દિવસ રાત્રે એક ડોક્ટર આવ્યા અને એમણે બધું તપાસીને એની સાથે જે કોઈ હોય એને સૂચના આપી કે, આમને એક ગ્લાસ દૂધ આપી દયો.. એટલે મેં મારી જાણકારી મુજબ કહ્યું કે, સર, દૂધ પીવાય ?? મને તો કમળો થયો છે… તો એણે જરા ઉડાવ જવાબ આપીને એમ કીધું કે, “ડોક્ટર હું છું કે તમે છો? દૂધ આપી દયો ભાઈને અને પીવરાવી દયો…” એટલું કહીને જતા રહ્યા. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહતો. બીજે દિવસે સવારના એક બીજા એટેન્ડન્ટ ડોક્ટર આવ્યા અને એમણે મારા ડાયટનો ચાર્ટ જોઈને ઠપકાના સ્વરમાં કીધું કે, “તમે એક દિવસ દૂધ પીધા વગર રહી ન શકો? કાલે રાત્રે તમે દૂધનો ગ્લાસ ઠપકારી દીધો.” એટલે મેં કહ્યું કે, મેં નથી કહ્યું, રાત્રે ડોક્ટર આવ્યા હતા એમણે આ સૂચન કર્યું છે. એ કહે, બને જ નહીં, એટલે મારા બેડ ઉપર રહેલો ચાર્ટ એમણે જોયો અને જોઈને તેઓ અચંબિત થઈ ગયા. મેં એમને પૂછ્યું કે, સર શું પ્રોબ્લેમ છે? તો એમણે બહુ જવાબ અથવા ચોખવટ ના આપી, પછી મેં આઈસીયુમાં જે કેરટેકર નર્સ હતી એને પૂછ્યું કે, ગઈકાલે જે ડોક્ટર આવ્યા હતા એની ડિગ્રી શું ? તો એણે કહ્યું, “બીએચએમએસ’ અને આજે આવ્યા તેની,, તો એણે કહ્યું “બીએચએમએસ”… એનો અર્થ એવો કે આયુર્વેદમાં અને બીજા હોમિયોપેથીમાં ગ્રેજ્યુએશન કરેલા ડોક્ટર આઈસીયુમાં મને દૂધ પાવું કે ન પાવું એની માથાકૂટમાં પડ્યા હતા. આ પ્રસંગ પછી મનમાં એ નર્સને પણ પ્રશ્ન થયો અને મને પણ થયો કે શું આયુર્વેદ અને હોમિયોપેથી વાળા લોકો આઈસીયુ સુધી ટ્રીટમેન્ટમાં પરવાનગી ધરાવતા હશે?
એ જુવાનની વાત સાંભળી મને પણ ધક્કો પહોંચ્યો..મેં રાજકોટના બે ચાર જાણીતા એવા ફિઝીશિયન્સને પૂછ્યું અને મિત્ર દાવે ગંગારામ હોસ્પિટલ, દિલ્હીના એક પ્રખ્યાત મિત્ર સર્જન, જે ગુજરાતની મુલાકાતે વારંવાર આવે છે એની સાથે પણ આ પ્રશ્નની ચર્ચા કરી. રાજકોટના ડોક્ટર એમ કીધું કે, હા હવે “એમબીબીએસ’ મળતા જ નથી, એટલે આપણે કોઈ પણ ચાલે છે અને ગંગારામના ડોક્ટરે તો એવું કહ્યું કે, સરકારનો પરિપત્ર આવી ગયો છે કે, “એમબીબીએસ” નથી મળતા એટલે “બીએએમએસ” ને “બીએચએમએસ” ને ડોક્ટર તરીકે સ્વીકારી લેવા. આ વાત અહીયા પૂરી થઈ ગઈ.
જે કાંઈ ધક્કો લાગ્યો હતો તે લાગી ગયો.. ત્યાં થોડા દિવસો પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, નીટ અને જીની એક્ઝામની અંદર કટઓફ માર્ક માયનસ 40 સુધી માન્ય ગણાશે. આ વાત ઝડપથી કોઈને સમજાય એમ નથી કારણ કે, કટઓફ તો હાઈએસ્ટ માર્કમાં કરવાનું હોય, લોએસ્ટ માર્ક એટલે કે નીચામાં નીચા માર્ક ગણીએ એને કટઓફ ન કહેવાય. ઊંચામાં ઊંચા માર્કમાં તમે ક્યાંક બાંધણું કરો તો એને કટઓફ કહેવાય.. પણ સરકારના અને પ્રચાર મીડિયા પર બધી દલીલો સાંભળી ત્યારે એટલું બધું આંકચકો લાગ્યો કે, ભારત દેશની અંદર હવે એવો કાયદો બન્યો છે કે નીટ અને ઝી ની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી બેસે અને બીજું કાઈ ન કરે અને 40 પ્રશ્નોના ખોટા જવાબ આપી આવે તો એના માઇનસ 40 માર્ક થાય અને તેમ છતાં એ ડોક્ટર થવાના લિસ્ટમાં પસંદગીની યાદીમાં ગોઠવાઈ જઈ શકે..!!!! બહુ જ આંચકો લાગે એવા સમાચાર છે. મેડિકલ એજ્યુકેશન સદંતર તૂટી ગયું છે, ભાંગી ગયું છે, એવું તો ઘણા વખતથી સાંભળતા હતા. શિક્ષણમાં જિંદગી કાઢી છે એટલે આવી બાબતો ન ઈચ્છીએ તો પણ આપણા કાને પડી જતી હોય છે એટલે મને થયું કે, સરકારે શું વિચાર કર્યો છે ?? ભવિષ્યમાં ડોક્ટરો જિંદગી બચાવે એની બદલે ડોક્ટરો જિંદગી પતાવે એવો આઈડિયા એસ્ટાબ્લિશ કરવાનો ખ્યાલ છે કે શું ?? કારણ કે જેને માયનસ 40 આવે એટલે કે ઝીરો થી પણ નીચે પરીક્ષાના ગુણનું તાપમાન જાય, 40 સુધી નીચું જાય તો પણ એને પ્રવેશ મળી શકે!!! આવો કાયદો અમલમાં મુકવાની ઘોષણા થઇ છે..
એવું લાગે છે કે, સરકાર ડોક્ટરોની કમીને દૂર કરવા માટે પોતાની બગડેલી સિસ્ટમને સુધારવાને બદલે નાપાસ થતા અથવા તો માઇનસમાં જતા વિદ્યાર્થીઓને પણ ડોક્ટર બનાવી દઈને આપણી સમક્ષ ધાબડી દેવા માંગે છે.!! આ બાબતે બહુ હોબાળો મચાવ્યો છે, ચર્ચાઓ ચાલી છે, ટીવી ચેનલો અત્યારના ભરચક છે આ મુદ્દાથી.. પણ મને તો એક જ પ્રશ્ન છે કે, સરકાર કોઈ નિર્ણય લેતા પહેલા ગંભીરતાથી વિચારતી હશે કે નહી વિચારતી હોય ?? રાજ્યની કે કેન્દ્રની ચૂંટણી વખતે જેટલી ચાયત આપણા સ્વાસ્થ્ય પ્રધાન કે ગૃહ પ્રધાન કે આપણા વડાપ્રધાન કે આપણા શિક્ષણ પ્રધાન ચૂંટણી જીતવા માટેની રાખતા હોય છે, એટલી ચાયત એ આવા બોગસ જેવા નિર્ણયો લેતી વખતે નહીં રાખતા હોય, નહિતર આવો નિર્ણય લેવાય જ કેવી રીતે ??
ધર્મના નામે હોબાળો કરવાને બદલે આ મુદ્દો આંદોલનનો મુદ્દો બની શકે એટલું પોટેન્શિયલ એમાં છે. એ દ્રષ્ટિએ જોઈએ તો આપણને સ્પષ્ટ લાગે છે કે ભારત દેશમાં તબીબી શિક્ષણને ઊંડી ખાઈમાં નાખી દેવા માટે થઈને પ્રયાસો થઈ રહ્યા છે. ડોક્ટરોની ઘટ છે એટલે જીલ્લે જીલ્લે મેડિકલ કોલેજ ખોલો, મેડિકલ કોલેજની સીટ વધારો અને સીટ વધારીને એટલી સીટ વધારી કે બત્રીસ કે છત્રીસ હઝાર બેઠકો ખાલી રહેવા માંડી !! ખાલી રહે તો એ વિચાર કરવો જોઈએ કે, આપણે કેમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ તરફ નથી વાળી શક્યા ? એના ગુણ કેમ ઓછા આવે છે ? વ્હેર ધ શુ પિન્ચીઝ ? એ ચેક કરવાને બદલે આપણે નક્કી એવું કર્યું કે, સ્તરમાં નીચે ઉતરી જાવ અને નીચે ઉતરીને જવાય એટલા નીચે જાવ અને નપાસ થયેલાને પણ પ્રવેશ આપી અને એમને મેડિકલની એવી ડિગ્રી અપાવી દયો કે, પછી એ ડોક્ટરો કમળાના દર્દીને પણ દૂધ પાઈ દે !! ઓસ્ટ્રેલિયા જેવો એક ગુજરાત જેવડો દેશ ભારતને પ્રવેશ માટે ભયજનકની યાદી મૂકે દે છે ત્યારે ખ્યાલ આવે છે કે, ભારતમાં ચાલતી આવી વાત કોઈ વિદેશમાં તો આપણું નાક કપાય એવી આ સ્થિતિ કરે છે. જે બેઠક નક્કી છે એ ન ભરાય એટલે તમે જો તમે તમારું ગુણવત્તાનું ધોરણ તળીએ લઈ જવા માંગતા હો તો, તમને બીજું શું કહીએ ? તમને તમારી ફિલસુફી મુબારક…
by Bhadrayu Vachhrajani | Feb 1, 2026 | અખંડ આનંદ |



ઈદી અમીનના ફતવા સામે સમ-સંવેદનશીલ સાહિત્ય સર્જક બળવંત નાયકે ‘ને ધરતીને ખોળે નરક વેરાયું ‘નવલકથા લખી.
“…. આપણા સાહિત્યના પ્રતિષ્ઠિત સર્જક, વિવેચક અને વિચારક કાકાસાહેબ કાલેલકર તો નેવું વર્ષ જીવ્યા હતા. ‘રખડવાનો આનંદ’ એમના જીવનનો આનંદ બન્યો હતો. તેમણે અનેક પ્રવાસો ખેડયા હતા અને છતાં તેઓ પ્રવાસને અંતે થાકેલા કે માંદા દેખાયા ન હતા. એકવાર કોઈકે તેમને તે વિશેનું કારણ પૂછેલું ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે, આ વૃદ્ધાવસ્થા અને મૃત્યુ મારી પાછળ પડયાં છે. મને પકડવા માંગે છે પણ પકડી શકતા નથી. મારું સરનામું મેળવી તે જગ્યાએ જઈને પૂછે છે: કાકાસાહેબ ક્યાં છે? ત્યારે લોકો કહે છે, ‘કાલે અહીં હતા. આજે ક્યાં છે તેની ખબર નથી. વળી, બુઢાપો મૃત્યુ મારું સરનામું મેળવી હાંફતા હાંફતા નવી જ જગ્યાએ પહોંચે છે. ત્યાં લોકો કહે છે: હમણાં તો અહીં હતા. હવે ખબર નથી ક્યાં ચાલ્યા ગયા. હું જેટલી ઝડપે યાત્રા કરું છું તેટલી ઝડપે ન તો બુઢાપો દોડી શકે છે ન તો મૃત્યુ મને પકડી શકે છે. હું શું કરું? એમને ટાળવાની મેં ક્યારેય કોશિશ કરી નથી, એમને પામવાની ઉત્કંઠા પણ નથી. બંને જૂના દોસ્તો છે. કોઈને કોઈ દિવસ તો જરૂર મળશે. તેમાં જેટલી વાર લાગશે એટલા જ પ્રેમથી એકબીજાને ભેટીશું………!”
આ વાત ૫૨થી આપણને એટલું સમજાય છે કે, કાકાસાહેબે નચિંત બનીને જીવન વીતાવ્યું હતું. એટલે જ તેમણે જીવનનો અધિકમાં અધિક આનંદ મેળળ્યો હતો. એવું આનંદમય અને પ્રવૃત્તિમય જીવન જીવવા આપણામાંથી મોટા ભાગના ભાગ્યશાળી થતા નથી. પરિણામે તેઓ પેલી જીવન ઘટમાળમાં ફસાઈને નિરસ અને કશી પ્રવૃત્તિ વગરનું જીવન જીવતા બુઢાપાને શાપ દેતા જીવન જીવતા હોય છે. ડોસા અને ડોસી બની નકામા અને નિરૂપદ્રવી બનતાં જીવનને આપણા કવિ વિપીન પરીખે સુંદર રીતે એની કાવ્યબાનીમાં મઢી લીધું છે:
ડોસો ચીમળાઈ ગયો છે.
ડોસાઓ ચીમળાતા હોય છે તેમ જ
ગઈકાલને યાદ કરી કપાળ પર હાથ પછાડે છે.
પોતે જ સાંભળતો નથી.
અને મોટે મોટેથી બૂમો પાડીને દીકરાઓને ભાંડે છે.
ડોશી પેલા ખૂણામાં બેઠી બેઠી જ વૃદ્ધ થઈ છે.
ગઈકાલે પતિ અને આજે છોકરાં–વહુ
ઘરમાં કોઈ એને સમજ્યું નહીં.
અને વાતવાતમાં આંખે મોતિયો આવી ગયો.
તોય કોઈને ફરિયાદ ન કરી
છોકરો આવ્યો તે ખૂબ નજર તાણી એ બોલી:
બેટા આવ્યો? જમીને જજે.
દીકરો સાચવીને જૂઠું બોલતો:
મા ભૂખ નથી.
ડોસીએ આગ્રહ કર્યો નહીં.
આંખે મોતિયો હતો, પણ
હજુ આંખમાં થોડાંક આંસુ બચ્યાં હતાં
એટલે કહ્યું: ભલે…
આપણાં વડીલો… વૃદ્ધો… ડોસા… ડોસીઓ. આપણાં પોતીકાં સ્વજન છે, માબાપ છે. આપણું આજનું અસ્તિત્વ એમને આભારી છે તે ભૂલવાનું નથી. એમની સંભાળ રાખવી—એમનું ગૌરવ જાળવવું એ આપણી પવિત્ર ફરજ બને છે. આવી ફરજ આપણો ધર્મ બને છે. વળી, આપણા ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં માબાપને… વડીલોને પ્રભુ સાંનિધ્યમાં મૂકીને “ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ’ એવી પ્રાર્થનામાં મઢ્યાં છે… અને છતાં અહીંના આપણા સમાજમાં માબાપને વૃદ્ધાશ્રમમાં, ઘરડાઘરમાં, ઑલ્ડ પીપલ્સ હોમમાં મોકલી આપવાનો જે પવન ફૂંકાવા લાગ્યો છે તેની સામે લાલ બત્તી ધરવી જ રહી. એમની પાછલી અને નિ: સહાય અવસ્થામાં ભાડૂતી એવી પરિચારિકાઓ દીકરાવહુની લાગણી, હૂંફ અને સંભાળ ન જ આપી શકે, તેમની પાછલી જિંદગીમાં આપણે તેમની જેવી અને જેટલી સંભાળ રાખી શકીએ તેવી અને તેટલી સંભાળ બીજા કોઈ રાખી શકે નહીં.”
(સદ્દગત બળવંત નાયકનો આ લેખ ‘ઓપિનિયન’ ના સપ્ટેમ્બર, 1999ના અંકમાં પ્રકાશિત થયો હતો, તેની સાદર નોંધ લઈએ.)
‘શ્રી બળવંત નાયકના પ્રતિનિધિરૂપ સાહિત્યસર્જન’ ના ગ્રંથમાં સાંપ્રત કાળ માટે ઉત્તમ સંદેશ આપતા એમના નિબંધ “આપણું આજનું અસ્તિત્વ માબાપને આભારી” ના માર્મિક અંશો વાંચીને આપણે તેઓને વાંચનાંજલિ આપી. યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી અને હરીવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ હેઠળ હવે બળવંત નાયક પ્રતિનિધિરૂપ સાહિત્ય સર્જન પુસ્તક પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકનું સંપાદન ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યકાર શ્રી વલ્લભભાઈ નાંઢાએ કર્યું છે. જ્યારે તેનું પ્રકાશન કેતન રૂપેરાની નિપુણ દૃષ્ટિ અનુસાર થયું છે.
બળવંતભાઈ ગાંડાભાઈ નાયક, “બિલ નાઈટ” જીવનકાળ 15 મી ડિસેમ્બર 1920 થી 15 મી ફેબ્રુઆરી 2012. ડાયોસ્પોરિક ગુજરાતી સાહિત્ય જમાતનાં એક અગ્રગણ્ય સાહિત્યકાર, અકાદમી યુનાઇટેડ કિંગડમના તેઓ ભૂતપૂર્વ પ્રમુખ પણ ખરા.
વલ્લભભાઈએ પોતે લખ્યું છે કે, ‘1972માં દેશના સરમુખત્યાર ઇદી અમીને 21 દિવસની અવધિ પૂર્ણ થાય એ પહેલા એશિયનો એ દેશ છોડી ચાલ્યા જાય એવો ફતવો બહાર પાડ્યો. આવી કટોકટીભરી સ્થિતિમાં બળવંત નાયક જેવા સંવેદનશીલ સર્જક અવાજ ઉઠાવ્યા વગર રહી શકે ખરા? એ ફતવાના પ્રત્યુતર રૂપે સમ-સંવેદનશીલ સાહિત્ય સર્જક બળવંત નાયકે ‘ને ધરતીને ખોળે નરક વેરાયું‘નવલકથા લખી. એમાં નંદનવન જેવી યુગાન્ડાની ધરતીને નરક જેવી વેદનશીલ પરિસ્થિતિમાં પલટાવી નાખનાર પરિબળરૂપ ઈદી અમીનની કૂટનીતિને દસ્તાવેજી આધારોને ખપમાં લઈને નિર્ભિકતાથી પડકારી. ભારતીય મીથને આ કથા બીજ સાથે પરોક્ષપણે સંયોજ્યું અને પ્રાદેશિક માન્યતાઓ, હકીકતો અને તથ્યોને પણ કલાત્મક રીતે રજૂ કર્યા. એમાંથી ઉપસતા વાસ્તવ બોધને કારણે એ આફ્રિકન સભ્યતાની પ્રતિનિધિ કથા બની અને સાથોસાથ પશ્ચિમ જગતની પણ પરિચાયાક કથા બની રહી. આ નવલકથાનો “પેસેજ ફ્રોમ યુગાન્ડા” શીર્ષક હેઠળ લેખકે પોતે અંગ્રેજીમાં ભાવાનુવાદ કર્યો અને નોબેલ પારિતોષિક વિજેતા સર્જક અને અમેરિકાની સૌપ્રથમ અશ્વેત મહિલા ટોની મોરીસને ગુલામોની યાતનાઓને વ્યંજીત કરતી ‘ડાર્લિંગ’ નામની નવલકથા લખી. બળવંત નાયકે નવલકથાનું ‘લાડલી’ નામે ગુજરાતીમાં રૂપાંતર પણ કરી આપ્યું.
બળવંત નાયકની જીવનયાત્રા ગુજરાતી પ્રજાના વિદેશ વસવાટનું એક અનોખું રેખાચિત્ર છે. ગુજરાતના વાપી ગામના રહેવાસી અને 20મી સદીની શરૂઆતમાં જન્મેલા બળવંત નાયક મુંબઈ યુનિવર્સિટીની વિલ્સન કોલેજના વિદ્યાર્થી હતા. ત્યાં તેણે અભ્યાસ પૂરો કરી તેઓ સહકુટુંબ યુગાન્ડાના પાટનગર કંપાલામાં સ્થાયી થયા. તેઓ સ્થાનિક શાળાના આચાર્ય તરીકે સેવા કરતા હતા. ઈદી અમીને 1972માં જ્યારે યુગાન્ડાથી જે લોકો દેશના નાગરિક ન હતા તે લોકોને દેશ નિકાલ કર્યા તેમાંનું એક કુટુંબ બળવંતભાઈનું પણ ખરું. બળવંતભાઈ તેમના પત્ની અને બાળકો સાથે 1973ના ઓગસ્ટ મહિનામાં યુગાન્ડાથી બ્રિટન આવ્યા અને લંડન શહેરના જાણીતા સાઉથહોલ વિસ્તારમાં સ્થાયી થયા. ત્યાં તેમણે શિક્ષક તરીકે કામ કરવાની શરૂઆત કરી. ગુજરાત, યુગાન્ડા, અને બ્રિટનમાં વસવાટ કર્યો તે દરમિયાન બળવંત નાયકે ‘નવનીત સમર્પણ’ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના શ્રી વિપુલભાઈ કલ્યાણીના ‘ઓપિનિયન’ માસિકમાં અવારનવાર વિવિધ સાંપ્રત વિષયો ઉપર પોતાના વિચારોની છણાવટ કરી અને સનાતન માનવતાનાં વિવિધ પ્રશ્નોને તેમણે સાથે જોડ્યા. બળવંત નાયક ગુજરાતી ભાષા અને સાહિત્યના ચાહક હતા એટલું જ નહિ, ગુજરાતી સાહિત્યના વિકાસમાં ખુબ મહત્વનો તેમણે ભાગ ભજવ્યો. પૂર્વ આફ્રિકા તેમજ બ્રિટનનાં ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસમાં તેમનું નામ હંમેશા અગ્ર સ્થાને અંકાયેલું રહેશે. તેમના રચનાત્મક અને વૈવિધ્યથી ભરપૂર જીવનનો અંત 2012માં 92 વર્ષની વયે થયો. ગુજરાતી સાહિત્યકારોની યાદીમાં તેમનું સ્થાન અનોખું છે. યુનાઈટેડ કિંગ્ડમ ના ગુજરાતી સાહિત્ય અકાદમીએ સ્તુત્ય કાર્ય કર્યાનો રાજીપો વ્યક્ત કરીએ.
by Bhadrayu Vachhrajani | Feb 1, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

”કિશોરાવસ્થાની મૂંઝવણ અને મારગ” પુસ્તક લઈને આવ્યા છે એક ગ્રામ પરિવેશના શિક્ષક.
અખિલ એમનું નામ.
ચાર વર્ષ એમણે હાઈસ્કૂલના તરુણોને ભણાવ્યા છે. અને 14 વર્ષથી વધુ સમય તેઓ પ્રાથમિક શાળામાં ગાળી ચુક્યા છે.
શ્રી સણોસરા પ્રાથમિક શાળા, સણોસરા, અમરેલીના એક સતત જીવંત શિક્ષક શ્રી અખિલ દવે.
આ અખિલ દવે શિક્ષકોને માટે રેડી-રેકનર જેવું એક પુસ્તક આપી રહ્યા છે.
પુસ્તકનું શીર્ષક ”કિશોરાવસ્થાની મૂંઝવણ અને મારગ” દર્શાવે છે કે, ભાઈ અખિલે પોતાના ધોરણ 6 થી 8 વચ્ચેના કિશોરાવસ્થામાં રહેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના કેટલાક પાયાના પ્રશ્નોને સ્પર્શ કર્યો છે.
આ પુસ્તક થોડું નોખું છે. કારણ કે આ પુસ્તક લેખક તરીકે અખિલ દવે લખી રહ્યા નથી, પરંતુ એક શિક્ષકે વર્ગખંડમાં તાદાત્મ્ય સાધીને ભણાવતા ભણાવતા જે અનુભવ થયો છે તેને અહીં ઉકેલરૂપે માર્ગ દેખાડીને આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે.
સાચો શિક્ષક એ છે કે, જેને માણસ પણ ગમતા હોય છે.
સાચો શિક્ષક એ છે કે, એને ભણાવવું ગમતું હોય છે.
સાચો શિક્ષક એ પણ છે કે, માણસોને ભણાવતા ભણાવતા જે નાના-મોટા પ્રશ્નો શિક્ષક પોતે ફેસ કરી રહ્યા છે તેના અંગે તે મંથન કરે, આ પ્રશ્ન શા માટે ઉદ્ભવે છે તેનો વિચાર કરે અને પછી પોતાને તેના ક્યા ઉકેલો સૂજે છે તેની વાત પણ વિચારીને આપણી સમક્ષ મૂકે.
ખાસ આપણે શીખવાનું કે, શિક્ષક માત્ર પ્રશ્નો મેળવનારો નથી, પણ રોજબરોજની ઘટનાઓમાં પોતાની સમક્ષ જે પ્રશ્નો આવતા હોય અથવા જે વિદ્યાર્થીઓને જોઈને કે તેમના વર્તન વ્યવહારો અનુભવીને મૂંઝવણો પોતે અનુભવતા હોય તેના અંગે થોડું ચિંતન કરે. ચિંતન કરીને એમાં દોષપાત્ર તરીકે વિદ્યાર્થીને ન રાખે, પરંતુ મારા વર્ગખંડમાં આવો પ્રશ્ન કેમ ઉભો થયો? અથવા કોઈ એક વિદ્યાર્થી મારા શિક્ષણ કાર્ય દરમિયાન કેમ મુશ્કેલી અનુભવે છે? એને ક્યાં શું ખૂંટે છે? એને કોઈનું, ક્યાં, શું ખૂંચે છે?…તે જે વિચારે છે તે સાચો શિક્ષક છે.
…..અને એ નજરે અખિલ દવે આપણી સમક્ષ એક સર્વાંગ શિક્ષક થઈને ઉભરી આવ્યા છે. એમણે વર્ગખંડમાં જે પ્રશ્નો અનુભવ્યા તેની યાદી બનાવી, તે પ્રશ્નો થવા માટેના કારણો કયા હોઈ શકે તેનું મંથન કર્યું, અને પછી એ પ્રશ્નો અને તેના મંથનમાંથી આ પ્રશ્ન માટે આપણે શું કરી શકીએ? એક શિક્ષક તરીકે આપણે કેવી રીતે વિચારવું જોઈએ? એવો એક ઉપક્રમ પોતાના પ્રત્યેક લેખમાં તેમણે સર્જ્યો. પરિણામે……
કિશોરાવસ્થામાં અનુભવાતી મૂંઝવણો એક શિક્ષકની નજરે સમસ્યા તરીકે મળી, એક ચિંતકની નજરે આ સમસ્યાના કારણો મળ્યા, અને એક નિદાન કરનાર વ્યક્તિત્વ તરીકે એ મૂંઝવણમાં આપણે શું કરી શકીએ એવા ત્રણ ભાગમાં પ્રત્યેક લેખને તેમણે વહેંચ્યો છે. પુસ્તકના લેખોની એક ખૂબી એ છે કે, એ વર્ણનાત્મક નથી, પરંતુ તે વાતચીત કરતા હોય તેવા સ્વરૂપમાં લખેલ છે. દરેક લેખ કોઈ એક પાત્રનું નામ લઈને આવે છે. એનાથી એક ફાયદો એ છે કે, આપણને કોઈ વિદ્યાર્થી નથી દેખાતો, પણ આપણને કાં તો રેન્સી દેખાય છે, કાં તો તરંગ દેખાય છે અથવા તો આપણને કૃતિ સામે મળે છે, અને આપણે કૃતિ, તરંગ કે રેન્સીના મૂંઝવણના મુદ્દાઓ જાણે જાણતા હોઈએ એવો અહેસાસ આપણને થાય છે.
હું આ પુસ્તકને “શોધ યાત્રા” કહું છું, કારણ આ અવિરત ચાલતી યાત્રાનો આરંભ છે અને હજુ કોઈ અખિલ કે કોઈ નિખિલ દ્વારા આમ ખેડાણ થતું જ રહેશે.
અખિલ દવે આ એક નવા પ્રકારનું પુસ્તક લઈને આપણી સમક્ષ આવ્યા છે. એમ કહેવાય છે કે આપણે બાળકોની વૃદ્ધિની અવસ્થા અને તેમના વિકાસના તબક્કાઓને જો જાળવી લઈએ તો બાળકો આપણી વૃદ્ધાવસ્થાને પણ જાળવી લેશે. આ વાતને માત્ર જાળવી લેવાથી નહીં પણ કેટલો ઊંડાણથી વિચારી શકાય તે ખ્યાલ રાખીને અખિલે કુલ પચીસ લેખોમાં પોતાની વાત રજૂ કરી આપી છે.
આનંદ એ વાતનો છે કે પોતે શિક્ષક છે એટલે પોતે અનુભવ્યું છે. પોતે જાગૃત શિક્ષક છે એટલે અનુભવ્યુ તેના વિશે ચિંતન કર્યું છે. અને પોતે સમાજની સાથે જીવે છે, સમાજની સાથે અનુબંધ જાળવનાર બાબાપુર ગામની ‘શ્રી સર્વોદય સરસ્વતી મંદિર’ નામની સંસ્થામાં તેઓ મોટા થયા છે અને ત્યાં આજે પણ જોડાયેલા છે તેથી સમાજની સમક્ષ આનો ઉકેલ શું હોઈ શકે એવું એમણે દરેકે દરેક મૂંઝવણ માટે વિચાર્યું છે અને આપણને એક નાનકડું પણ અતિ મહત્વનું પુસ્તક પ્રાપ્ત થયું છે.
ગમવા જેવી વાત એ છે કે સમગ્ર પુસ્તકની અંદર ક્યાંય ફીલોસોફી અથવા તો જ્ઞાન છાંટવાની પ્રક્રિયા થઈ નથી. આજકાલના શિક્ષણના પુસ્તકોમાં મોટી તકલીફ એ છે કે, લખનારો તરત જ ચિંતક થઈ જાય છે અને જ્ઞાન ઉપાસના કરવા લાગે છે. અખિલના આ પુસ્તકમાં આ વાત ક્યાંય જોવા મળતી નથી એ આનંદનો વિષય છે. એમણે બહુ સાહજીકતાથી છેલ્લે કેટલાક પુસ્તકો પણ સૂચવ્યા છે કે, જો આપણે શિક્ષકોએ અને વાલીઓએ બાળ વિકાસ માટે કંઈ ચિંતા કરવી હોય તો કયા પુસ્તકો પહેલે હાથે વાંચવા જોઈએ. આવા ગાગરમાં સાગર સમાવી લેવાના અખિલ દવેના નાનકડા પ્રયાસને હું સમાજ સમક્ષ મુકતા ખૂબ આનંદ અનુભવું છું અને એક શિક્ષક તરીકે મને એ વાતનો આનંદ છે કે, આપણી પાસે એવા શિક્ષકો ક્યાંક ક્યાંક છે કે જે કેવળ અભ્યાસક્રમ અને મધ્યાહ્ન ભોજન વિષે જ ના વિચારે, પણ શિક્ષકોની સાચુકલી મૂંઝવણ વિશે વિચારે.
આજે જયારે શિક્ષણ વિપથગામી પ્રવાહની વચ્ચે ટકી રહેવા મથે છે ત્યારે અખિલ દવે જેવા “જીવથી શિક્ષક”ની અખિલાઈ પણ ટકી રહે તે જોવાની જવાબદારી આપણી છે.
by Bhadrayu Vachhrajani | Jan 25, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને, યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા, એ ગાંધી કેવા હશે!!?
(ભાવિ શિક્ષકો સાથેના સાત્વિક સંવાદને આજે આગળ વધારી પૂર્ણ કરીએ.)
પ્રશ્ન: શિક્ષકને સત્ય માનવો કે સત્યને શિક્ષક માનવો? બન્ને વચ્ચે ઘણો ભેદ રહેલો છે અને એ ભેદ મને સમજાતો નથી.
ઉત્તર: પહેલી વાત એ છે કે વિદ્યાર્થી તરીકે હંમેશા માનવું કે શિક્ષક એ સત્ય છે, પણ જ્યારે તમે વિદ્યાર્થી મટી જાઓ ત્યારે વિશ્લેષણ કરવું. શિક્ષક અને સત્ય વચ્ચે ભેદ લાગે ત્યારે બહુ મન ઉપર ન લેવું. ઈશ્વરે આપણને અહીં પૃથ્વી પર અનુભવો લેવા જ મોકલ્યા છે. પ્રભુએ કહ્યું છે કે, સારું હોય એ લેતો આવજે અને નરસું હોય તેને ત્યાં ને ત્યાં પડ્યુ રાખજે. ગાંધીજીને સમજ્યા વિના આચરણમાં મૂકશો તો તમને નહિ સમજાય. ગાંધીજીનું પહેલું સૂત્ર હતું ‘ ઈશ્વર સત્ય છે’ પણ પછી એમને સમજાયું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ આપણને જ્યાં સત્ય દેખાય ત્યાં ઈશ્વર, બાકી બીજી કોઈ માથાકૂટમાં ન પડવું.
પ્રશ્ન: આજના સમયમાં મૂલ્ય શિક્ષણનો હ્રાસ જોવા મળે છે ત્યારે તેને શિક્ષણ દ્વારા પુનઃસ્થાપિત કેમ કરી શકાય?
ઉત્તર: મારી દૃષ્ટિએ ‘મૂલ્ય શિક્ષણ’ જેવો કોઈ વિષય જ નથી. એ તો ઠોકી બેસાડેલો વિષય છે. મૂલ્યનું શિક્ષણ જ ન હોય. આપણા ગુરુકુલોમાં મૂલ્યો ભણાવાયા નથી પણ મૂલ્યને જીવ્યા છે. ગુરુ જેમ જીવતા હોય તેમને જોઈને ઋષિકુમારો શિખતા. આજનો પ્રશ્ન એ છે કે, મહત્તમ ગુરુઓ જ ઉંધા માર્ગે છે. આપણે જાત તપાસની જરૂર છે કે, આપણે શિક્ષક તરીકે કેટલા તૈયાર છીએ. આપણે નાહકની બૂમો પાડીએ છીએ કે, આજના વિદ્યાર્થીઓ ઉત્પાત્ કરે છે, પણ શિક્ષકોએ અપગ્રેડ થવું રહ્યું. મને વ્યક્તિગત ફાયદો એ થયો કે, મેં KG થી શરૂ કરી PG સુધીના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. એટલે જ હું બાલમંદિરના બાળક સાથે બેસીને વાતો કરી શકુ છું એટલો હળવો છું. જો આપણે પ્રાથમિક શાળામાં છીએ તો આપણે પ્રાથમિક શિક્ષક જેટલા વિકસીએ તે સંતોષ માની લઈએ છીએ, માધ્યમિક શાળામાં શિક્ષક છીએ તો માધ્યમિક શિક્ષક સુધી આપણે સંતોષ માની લઈએ છીએ અને જાતને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરતા.
મૂલ્ય શિક્ષણના કિસ્સામાં કેવું થાય છે આપણે બોલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જાણે છે કે ‘આ બોલે છે એ પ્રમાણે કરતો નથી‘ એની નોંધ કરે છે. એટલે એને બોલવા દો. તમે વિચાર કરો કે, જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા એ ગાંધી કેવા હતા? આજની દૃષ્ટિએ જોવા જઈએ તો એનામાં કોઈ ‘પર્સનાલિટી’ નહોતી, કોઈ વ્યક્તિત્વ નહોતું. એ બોલે તો કોઈને સાંભળવું ન ગમે એવા હતા, પણ પોતે જે જીવતા હતા એવું એ કહેતા હતા! એટલે મારી દૃષ્ટિએ મૂલ્ય શિક્ષણ જેવો કોઈ વિષય નથી. મૂલ્ય એ જીવનની અને જીવવાની બાબત છે અને એ જોઈને મારા કુટુંબના સભ્યો કે મારી શાળાના વિદ્યાર્થીઓ કરે એ સાચું.
પ્રશ્ન: મારો પ્રશ્ન વ્યક્તિગત છે. આપ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કૉલેજમાં હતા ત્યારે આપે નિવૃત્તિના ઘણા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી, તો તે પાછળનું કારણ શું હતું?
ઉત્તર: મને જ્યારે એવું લાગે કે અહીં આપણા વિચારોનો વ્યય કરી રહ્યા છીએ ત્યાંથી મને નીકળી જવાની ટેવ છે. યુનિવર્સીટીમાંથી નીકળીને હું અદાણી ફાઉન્ડેશનમાં ગયો. મારી એક જ જિજ્ઞાસા હતી કે, કોર્પોરેટ એવું શું કઈ રીતે કરે છે કે એમના પરિણામો ધાર્યા મળે છે, પણ આપણી સરકાર કે અન્ય સંસ્થાઓ કરે છે તેમાં દમ નથી હોતો. મારે તેઓની સિસ્ટમમાં રહીને જાણવું હતું એટલે હું જોડાયો.
જ્યારે હું બેંકમાં નોકરી કરતો હતો ત્યારે બે થી અઢી વાગે અમે બધા ફ્રી થઈ જતા. ત્યારે મને પ્રશ્ન થતો કે, હું અહીં શા માટે આવ્યો છું? કામ પૂર્ણ થયા પછી બેસી રહેવા? બેસી રહેવાનું કામ મને નથી ગમતું. યુનિવર્સિર્ટીમાં શૈક્ષણિક ક્ષમતાઓને બદલે બીજી કોઈ ક્ષમતાઓ જોઈને નિયુક્તિ થવાનો માહોલ રચાયો હતો. આવા માહોલમાં આપણે સમયનો વ્યય કરીએ તેના કરતાં નીકળી જઈએ તો સારું એવું મને લાગતું હતું તેથી મેં દસ વર્ષ વહેલા નિવૃત્તિ લઈ લીધી.
પ્રશ્ન: વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ત્યારે શિક્ષક પાસે સાચો અથવા પૂરતો જવાબ ન હોય ત્યારે શિક્ષકે શું કરવું? – જેથી વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે કોઈ ગેરસમજ ન થાય.
ઉત્તર: ફ્રેન્કલી કહી દેવું કે, દોસ્ત મને ખ્યાલ નથી. એક કામ કરીએ, કાલે તુંય તપાસ કરી લાવ ને હું ય તપાસ કરી લાવું, એમ કહી દેવું. શિક્ષક છીએ એટલે બધું જ આવડે એવો અભરખો રાખવાની જરૂર નથી. જેટલું જીવતા હોઈએ એ આવડે તો ય ઘણું છે જિંદગીમાં જ્યાં, જ્યારે, જેમ ન આવડતું હોય તે, ત્યારે, તેમ કહી દેવું!
પ્રશ્ન: આજે સવારથી સાંજ સુધી કાર્યક્રમ દરમિયાન તમને મેં જોયા. તમે સતત સ્મિતસભર છો. આજના સમયમાં એક શિક્ષક તરીકે નાના–મોટા અનેક સંઘર્ષો આવે છે. ત્યારે અમારું મોરલ ડાઉન થઈ જાય છે. તો આ સમયમાં સેલ્ફ મોટીવ કેવી રીતે રહી શકાય?
ઉત્તર: હું એવું માનું છું કે, આપણને કોઈ અન્ય પ્રેરણા ન આપી શકે. એટલે આજના જેટલા ‘મોટિવેશનલ સ્પીકર’ છે તે મારી દૃષ્ટિએ ‘ખોટીવેશનલ સ્પીકર’ છે. હું કોઈ પણ પ્રવૃત્તિ મારા સંતોષ ખાતર કરું છું. કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી’ જે કામ આપણું છે એને પુરા આનંદથી કરવું. આપણું નથી એને માથે ન લેતાં, જેનું હોય તેને સોંપી દેવું. બીજી એક આદત કેળવવાની જરૂર છે, સવારે વહેલા ઉઠીશું તો આપણે સ્ફૂર્તિવાન રહીશું. સૂર્યોદય પછી જાગશું તો આપણી સ્ફૂર્તિ ઓછી રહેશે. અને મહત્વની વાત જ્યાં જરૂર નથી ત્યાં આપણા શબ્દનું વાવેતર ન કરવું!
પ્રશ્ન: શિક્ષણ જગતમાં ૨૯ જુલાઈ ૨૦૨૦ પછી ઘણા પરિવર્તનો આવ્યા છે. આ વિવિધ પરિવર્તનોની વચ્ચે ભાષા ફસાઈ ગઈ છે. એટલે એમ કહીએ તો ૧૯૮૬થી આજ દિન સુધી એનો કોઈ નિવેડો નથી આવ્યો. આ વિશે આપનું શું મંતવ્ય છે?
ઉત્તર: હું બહુ જ સહજતાથી કહીશ કે, આપણી પાસે વિચારવા જેવા મહત્ત્વના અન્ય મુદ્દાઓ છે જ નહીં, જેથી આપણે આવા વિષયો પર ચર્ચા કરીએ છીએ. કઈ ભાષા ચાલવી જોઈએ? એ બધું મહત્વનું છે જ નહીં. સરળ વસ્તુ એ છે કે ‘હું જે બોલું છું તે સામેવાળાને પહોંચે છે કે નહીં? સામેવાળાને સમજાય એ ભાષા સાચી‘. બે વ્યક્તિઓ વચ્ચે કે સમુદાયો વચ્ચે ભાષા અંતરાય રૂપ બનતી હોય તો તે ભાષા નકામી! મને લાગે છે કે, જે સમન્વયકારી વાત છે એ જ કરવી જોઈએ.
પ્રશ્ન: પોતાની અને બીજાની જિજ્ઞાસાને કેમ ટકાવી રાખવી?
ઉત્તર: પહેલો મુદ્દો એ કે જીવતી ન રહે એ જિજ્ઞાસા જ નથી. જિજ્ઞાસા એ છે કે જ્યાં સુધી તમે એને જાણી ન લો કે એના મૂળ સુધી ન પહોંચો ત્યાં સુધી એ જીવતી રહે છે.
બીજો મુદ્દો તમે બીજાની જિજ્ઞાસાની પણ વાત કરી. તો તમારા જીવનની દરેક શરૂઆત કે અંત કંઈક ઇનોવેટિવ વાતથી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે ગુજરાતીના શિક્ષક છો તો તમે આજે દિનકરની કવિતાથી વાત શરૂ કરો. બીજા દિવસે વર્ગમાં જાઓ અને અંગ્રેજી ભાષાના જોક્સથી વાત શરૂ કરો. ત્રીજા દિવસે ટાગોરની વાત કરો. આનાથી એ થશે કે, હવે પછી શું નવું આવશે એવી વિદ્યાર્થીઓમાં સતત જિજ્ઞાસા રહેશે. આ મુદ્દા દ્વારા હું એવું કહેવા માગું છું, નવાચારી પ્રવૃત્તિઓ આપણી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને ટકાવી શકે છે. આપણે આપણી ઘરેડમાંથી બહાર નીકળવું એ જ જિજ્ઞાસાને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે!
by Bhadrayu Vachhrajani | Jan 17, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

શિક્ષકનું કામ ભણાવી દેવાથી પૂરું થતું નથી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓને બહાર લાવવાનું કામ એ જ શિક્ષકનું મુખ્ય કામ છે.
[૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ‘શિક્ષકદિન’ની ઉજવણી નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠની શિક્ષણ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા ભાવિ શિક્ષકોએ પ્રો. ભદ્રાયુ વછરાજાની (પૂર્વ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઈનોવેશન, સણોસરા) સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં પ્રો. ભદ્રાયુ વછરાજાનીએ સંવાદ પૂર્વે કરેલી ભૂમિકા તેમજ ભાવિ શિક્ષકો સાથે થયેલી પ્રશ્નોત્તરીને વિદ્યાપીઠના અધ્યાપકો શ્રી નીતિનકુમાર ઢાઢોદરા અને મનુભાઈ રબારીએ લિપિબદ્ધ કરી છે. શિક્ષણક્ષેત્રમાં અનુભવાતા કેટલાક પ્રશ્નોના ઉકેલ તેમાંથી આપણને મળી આવે છે.]
ભૂમિકા:
મને શિક્ષક થવાનો તમારી જેમ એક દિવસનો નહીં પણ જિંદગીભરનો અનુભવ છે. મારા જીવનમાં મેં બેંકની કાયમી નોકરી છોડીને મેં પ્રાથમિક શિક્ષક બનવાનો નિર્ણય કર્યો હતો. શિક્ષક બન્યા પછી મને શિક્ષણ ક્ષેત્રના સૌથી ઉચ્ચ હોદ્દા પર કામ કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે, કારણ કે શિક્ષણક્ષેત્રમાં પ્રાથમિક શાળાના શિક્ષકથી માંડીને વિશ્વવિદ્યાલયના કુલપતિ સુધી મને સ્વયં વિકસવાની અને વિદ્યાર્થીઓને વિકસાવવાની તક મળી છે. આજે મને અનુભવાય છે કે હું શિક્ષક થયો તેથી મને આત્મસંતોષ પ્રાપ્ત થયો છે. હું જ્યારે બેંકમાં નોકરી કરતો હતો ત્યારે રોજ સાંજે નિરાશ થઈને ઘેર પાછો ફરતો હતો, કારણ કે મારો આખો દિવસ બીજાઓના રૂપિયા ગણવામાં પસાર થતો હતો. તે સમયથી જ મને શિક્ષક બનવામાં એટલા માટે રસ પડ્યો કે શિક્ષક બનવાથી મને જીવંત લોકો સાથે કામ કરવાની તક મળશે એવું મને લાગતું હતું. વિદ્યાર્થીઓ આપણને અહીં નિર્વ્યાજ પ્રેમ આપે છે. મને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેના મારા દિવસો હજુ પણ યાદ છે. શિક્ષકના વ્યવસાયે મને જીવંત રાખ્યો છે. મને લાગે છે કે પૂર્વ જન્મમાં મેં ખૂબ જ પૂણ્ય કર્યા હશે તેથી હું શિક્ષક બન્યો હોઈશ. આપ સૌને શિક્ષક અને શિક્ષણક્ષેત્રના પ્રશ્નો-ચર્ચા માટે હું આવકારું છું. આપના પ્રશ્નોના મને જેવી સમજ છે તે પ્રમાણે ઉત્તર આપવાનો હું પ્રયત્ન કરીશ.
પ્રશ્ન: વિદ્યાર્થીઓની ક્ષમતાઓને કેવી રીતે બહાર લાવવી?
ઉત્તર: શિક્ષકનું કામ ભણાવી દેવાથી પૂરું થતું નથી, વિદ્યાર્થીઓની ક્ષમતાઓને બહાર લાવવાનું કામ એ જ શિક્ષકનું મુખ્ય કામ છે. આપણી સામે બેસેલા વિદ્યાર્થીઓ જીવંત છે અને આ વિદ્યાર્થીઓમાં પૂર્ણત્વ છે તેમ આપણે માનવું જોઈએ. હું ભણાવું છું તેથી તે ભણે છે અથવા તો શીખે છે તે તો આપણો ભ્રમ છે. આપણે વિદ્યાર્થીઓને મંચ આપવાનું અને તક આપવાનું કામ કરવાનું છે. જે રીતે મૂર્તિકાર મૂર્તિમાં રહેલો વધારાનો ભાગ દૂર કરે છે તે જ રીતે આપણે આપણા વિદ્યાર્થીઓની ક્ષમતાઓને અવરોધક વધારાનો ભાગ દૂર કરીને તેને બહાર લાવવાની છે. આપણે તેના રખેવાળ બનવાને બદલે આત્મીયજન બનીએ તો વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખવાની તેમ જ બહાર લાવવાની પ્રક્રિયા થઈ શકે!
પ્રશ્ન: શિક્ષણકાર્ય કર્યા પછી વિદ્યાર્થીઓ જવાબ ન આપે ત્યારે શું કરવું?
ઉત્તર: એક શિક્ષક તરીકે આપણું કામ વિદ્યાર્થીઓ પાસે માત્ર જવાબો તૈયાર કરાવવાનું નથી, પણ વિદ્યાર્થીઓએ જે બાબતનું અધ્યયન કર્યું છે તેમાંથી તેઓ સમજ સાથે કશુંક બોલે, આત્મવિશ્વાસ સાથે કશુંક બોલે તે પણ મહત્વનું છે. તે માટે આપણે એક શિક્ષક તરીકે બાળકના સ્તર સુધી પહોંચવું જોઈએ. બાળકને જે સ્તરે છે તે સ્તરે જઈને સમજ આપવી અને તેને સતત પ્રોત્સાહન આપવું તે આપણી ભૂમિકા છે. આપણો વર્ગ જ્યારે પૂરો થાય અને આપણે બહાર નીકળીએ ત્યારે આપણી સાથે ચર્ચા કરતા કરતા પાંચ-સાત વિદ્યાર્થીઓ પણ બહાર નીકળે તે જ શિક્ષક તરીકેની આપણી સફળતા સૂચવે.
પ્રશ્ન: કાર્ય કે વર્ગમાં આદર્શ અને વ્યવહાર બંનેને એકસાથે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણીવાર ધર્મસંકટમાં મુકાઈએ છીએ ત્યારે એક શિક્ષક તરીકે આપણે ભૂમિકા શું?
ઉત્તર: આ જ પ્રશ્ન હું જ્યારે વર્ષો પહેલા રાજકોટમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતો ત્યારે ફાધર વાલેસને મેં પૂછ્યો હતો. ફાધર વાલેસ મુક્ત જવાબ આપી શકે એવા જાણીતા વ્યક્તિ હતા. મેં ત્યારે તેમને પૂછેલું કે ‘શિક્ષક તરીકે હંમેશા આપણે વર્ગમાં સાચું જ કહેવું જોઈએ, પણ કેટલીક બાબતો એવી હોય છે જે આપણે વર્ગમાં કહી શકતા નથી ત્યારે શું આપણે એનો જવાબ ન આપવો જોઈએ કે વર્ગમાંથી નીકળી જવું જોઈએ? શું કરવું જોઈએ?’ ત્યારે ફાધર વાલેસે જવાબ આપેલો કે ‘વર્ગખંડની અંદર હંમેશા સારું અને સાચું જ કહેવું જોઈએ. જ્યારે નિશ્ચિત કરેલ વિષયનું શિક્ષણકાર્ય પૂર્ણ થાય ત્યારે વાસ્તવિકતા બાબતે આપણે વિદ્યાર્થીનું ધ્યાન ચોક્કસ દોરવું જ જોઈએ. સમાજ સારા સભ્યોનો બનેલો હોય છે, સમાજમાં બધા સારા હોય છે, શિક્ષણમાં સારા લોકો હોય છે – આવી સમજ આપ્યા પછી પણ વર્ગની બહાર નિકળતા પહેલા આપણે વાસ્તવિકતા તરફ નિર્દેશ કરતા કહેતા જવું કે, બધે હંમેશા આવું હોતું નથી, ક્યાંક ક્યાંક આનાથી તદ્દન જુદું પણ હોઈ શકે છે. આવું કરવાથી જ્યારે વિદ્યાર્થી તમે આપેલા જવાબથી સમાજમાં અલગ જોશે ત્યારે એ તમને જુઠ્ઠા નહીં માને! જ્યારે વિદ્યાર્થીની સામે શિક્ષક જુઠો સાબિત થાય ત્યારે વિદ્યાર્થીનો વિશ્વાસ તૂટે છે તેવું મને લાગે છે.
હું માનું છું કે એક શિક્ષક તરીકે તમારે આદર્શની વાત ચોક્કસ કરવી અને આદર્શની વાત કર્યા પછી કહેવું કે સમાજમાં બધી જગાએ આવું જ જોવા મળતું નથી. જીવનમાં તમે તકલીફ અનુભવશો, જ્યારે તમે નોકરી માટે જશો ત્યારે નોકરીદાતા તમારી પાસેથી રૂપિયા ન માગે, પણ કોઈ અધિકારી એવો હોઈ શકે કે જે તમારી પાસેથી રૂપિયા માગે. આ બધી વાસ્તવિકતાઓ વિદ્યાર્થીઓને કહી દેવાથી ફાયદો એ થશે કે જ્યારે આવું બનશે ત્યારે તમે એને યાદ આવશો અને તમને એ જુઠ્ઠા નહીં ગણે.
પ્રશ્ન: આજના વિદ્યાર્થીઓને ગાંધી વિચારધારા તરફ કેવી રીતે પ્રેરિત કરી શકાય?
ઉત્તર: આ પ્રશ્નનો જવાબ મારે તમારી પાસે લેવો રહ્યો. ગાંધી વિચારને વિદ્યાર્થીઓ સુધી લઈ જવાનો એકમાત્ર ઉપાય ગાંધી વિચારને આચરણમાં મૂકવાનો છે. તમારા આચરણમાં જે ગાંધીવિચાર જોવા મળે તે જોઈને વિદ્યાર્થીઓ તેનું આચરણ કરતા થાય તે શિક્ષક સાચો, બાકી બધા તો સાવ જુઠ્ઠા!
પ્રશ્ન: શિક્ષકને સત્ય માનવો કે સત્યને શિક્ષક માનવો? બન્ને વચ્ચે ઘણો ભેદ રહેલો છે અને એ ભેદ મને સમજાતો નથી.
ઉત્તર: પહેલી વાત એ છે કે વિદ્યાર્થી તરીકે હંમેશા માનવું કે શિક્ષક એ સત્ય છે, પણ જ્યારે તમે વિદ્યાર્થી મટી જાઓ ત્યારે વિશ્લેષણ કરવું. શિક્ષક અને સત્ય વચ્ચે ભેદ લાગે ત્યારે બહુ મન ઉપર ન લેવું. ઈશ્વરે આપણને અહીં પૃથ્વી પર અનુભવો લેવા જ મોકલ્યા છે. પ્રભુએ કહ્યું છે કે, સારું હોય એ લેતો આવજે અને નરસું હોય તેને ત્યાં ને ત્યાં પડ્યુ રાખજે. ગાંધીજીને સમજ્યા વિના આચરણમાં મૂકશો તો તમને નહિ સમજાય. ગાંધીજીનું પહેલું સૂત્ર હતું ‘ ઈશ્વર સત્ય છે’ પણ પછી એમને સમજાયું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ આપણને જ્યાં સત્ય દેખાય ત્યાં ઈશ્વર, બાકી બીજી કોઈ માથાકૂટમાં ન પડવું.
પ્રશ્ન: આજના સમયમાં મૂલ્ય શિક્ષણનો હ્રાસ જોવા મળે છે ત્યારે તેને શિક્ષણ દ્વારા પુનઃસ્થાપિત કેમ કરી શકાય?
ઉત્તર: મારી દૃષ્ટિએ ‘મૂલ્ય શિક્ષણ’ જેવો કોઈ વિષય જ નથી. એ તો ઠોકી બેસાડેલો વિષય છે. મૂલ્યનું શિક્ષણ જ ન હોય. આપણા ગુરુકુલોમાં મૂલ્યો ભણાવાયા નથી પણ મૂલ્યને જીવ્યા છે. ગુરુ જેમ જીવતા હોય તેમને જોઈને ઋષિકુમારો શિખતા. આજનો પ્રશ્ન એ છે કે, મહત્તમ ગુરુઓ જ ઉંધા માર્ગે છે. આપણે જાત તપાસની જરૂર છે કે, આપણે શિક્ષક તરીકે કેટલા તૈયાર છીએ. આપણે નાહકની બૂમો પાડીએ છીએ કે, આજના વિદ્યાર્થીઓ ઉત્પાત્ કરે છે, પણ શિક્ષકોએ અપગ્રેડ થવું રહ્યું. મને વ્યક્તિગત ફાયદો એ થયો કે, મેં KG થી શરૂ કરી PG સુધીના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. એટલે જ હું બાલમંદિરના બાળક સાથે બેસીને વાતો કરી શકુ છું એટલો હળવો છું. જો આપણે પ્રાથમિક શાળામાં છીએ તો આપણે પ્રાથમિક શિક્ષક જેટલા વિકસીએ તે સંતોષ માની લઈએ છીએ, માધ્યમિક શાળામાં શિક્ષક છીએ તો માધ્યમિક શિક્ષક સુધી આપણે સંતોષ માની લઈએ છીએ અને જાતને આગળ વધારવાનો પ્રયત્ન નથી કરતા.
મૂલ્ય શિક્ષણના કિસ્સામાં કેવું થાય છે આપણે બોલીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ જાણે છે કે ‘આ બોલે છે એ પ્રમાણે કરતો નથી‘ એની નોંધ કરે છે. એટલે એને બોલવા દો. તમે વિચાર કરો કે, જે પોતાના હાથમાં સાવરણા લે એને જોઈને યુવાનોના ઘાડેધાડા હાથમાં સાવરણા લેતા એ ગાંધી કેવા હતા? આજની દૃષ્ટિએ જોવા જઈએ તો એનામાં કોઈ ‘પર્સનાલિટી’ નહોતી, કોઈ વ્યક્તિત્વ નહોતું. એ બોલે તો કોઈને સાંભળવું ન ગમે એવા હતા, પણ પોતે જે જીવતા હતા એવું એ કહેતા હતા!. એટલે મારી દૃષ્ટિએ મૂલ્ય શિક્ષણ જેવો કોઈ વિષય નથી. મૂલ્ય એ જીવનની અને જીવવાની બાબત છે અને એ જોઈને મારા કુટુંબના સભ્યો કે મારી શાળાના વિદ્યાર્થીઓ કરે એ સાચું.
પ્રશ્ન: મારો પ્રશ્ન વ્યક્તિગત છે. આપ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમિક સ્ટાફ કૉલેજમાં હતા ત્યારે આપે નિવૃત્તિના ઘણા વર્ષો પહેલા નોકરી છોડી દીધી હતી, તો તે પાછળનું કારણ શું હતું?
ઉત્તર: મને જ્યારે એવું લાગે કે અહીં આપણા વિચારોનો વ્યય કરી રહ્યા છીએ ત્યાંથી મને નીકળી જવાની ટેવ છે. યુનિવર્સીટીમાંથી નીકળીને હું અદાણી ફાઉન્ડેશનમાં ગયો. મારી એક જ જિજ્ઞાસા હતી કે, કોર્પોરેટ એવું શું કઈ રીતે કરે છે કે એમના પરિણામો ધાર્યા મળે છે, પણ આપણી સરકાર કે અન્ય સંસ્થાઓ કરે છે તેમાં દમ નથી હોતો. મારે તેઓની સિસ્ટમમાં રહીને જાણવું હતું એટલે હું જોડાયો.
જ્યારે હું બેંકમાં નોકરી કરતો હતો ત્યારે બે થી અઢી વાગે અમે બધા ફ્રી થઈ જતા. ત્યારે મને પ્રશ્ન થતો કે, હું અહીં શા માટે આવ્યો છું? કામ પૂર્ણ થયા પછી બેસી રહેવા? બેસી રહેવાનું કામ મને નથી ગમતું. યુનિવર્સિર્ટીમાં શૈક્ષણિક ક્ષમતાઓને બદલે બીજી કોઈ ક્ષમતાઓ જોઈને નિયુક્તિ થવાનો માહોલ રચાયો હતો. આવા માહોલમાં આપણે સમયનો વ્યય કરીએ તેના કરતાં નીકળી જઈએ તો સારું એવું મને લાગતું હતું તેથી મેં દસ વર્ષ વહેલા નિવૃત્તિ લઈ લીધી.
પ્રશ્ન: વિદ્યાર્થી પ્રશ્ન પૂછે ત્યારે શિક્ષક પાસે સાચો અથવા પૂરતો જવાબ ન હોય ત્યારે શિક્ષકે શું કરવું? – જેથી વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે કોઈ ગેરસમજ ન થાય.
ઉત્તર: ફ્રેન્કલી કહી દેવું કે, દોસ્ત મને ખ્યાલ નથી. એક કામ કરીએ, કાલે તુંય તપાસ કરી લાવ ને હું ય તપાસ કરી લાવું, એમ કહી દેવું. શિક્ષક છીએ એટલે બધું જ આવડે એવો અભરખો રાખવાની જરૂર નથી. જેટલું જીવતા હોઈએ એ આવડે તો ય ઘણું છે જિંદગીમાં જ્યાં, જ્યારે, જેમ ન આવડતું હોય તે, ત્યારે, તેમ કહી દેવું!
પ્રશ્ન: આજે સવારથી સાંજ સુધી કાર્યક્રમ દરમિયાન તમને મેં જોયા. તમે સતત સ્મિતસભર છો. આજના સમયમાં એક શિક્ષક તરીકે નાના–મોટા અનેક સંઘર્ષો આવે છે. ત્યારે અમારું મોરલ ડાઉન થઈ જાય છે. તો આ સમયમાં સેલ્ફ મોટીવ કેવી રીતે રહી શકાય?
ઉત્તર: હું એવું માનું છું કે, આપણને કોઈ અન્ય પ્રેરણા ન આપી શકે. એટલે આજના જેટલા ‘મોટિવેશનલ સ્પીકર’ છે તે મારી દૃષ્ટિએ ‘ખોટીવેશનલ સ્પીકર’ છે. હું કોઈ પણ પ્રવૃત્તિ મારા સંતોષ ખાતર કરું છું. કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી’ જે કામ આપણું છે એને પુરા આનંદથી કરવું. આપણું નથી એને માથે ન લેતાં, જેનું હોય તેને સોંપી દેવું. બીજી એક આદત કેળવવાની જરૂર છે, સવારે વહેલા ઉઠીશું તો આપણે સ્ફૂર્તિવાન રહીશું. સૂર્યોદય પછી જાગશું તો આપણી સ્ફૂર્તિ ઓછી રહેશે. અને મહત્વની વાત જ્યાં જરૂર નથી ત્યાં આપણા શબ્દનું વાવેતર ન કરવું!
પ્રશ્ન: શિક્ષણ જગતમાં ૨૯ જુલાઈ ૨૦૨૦ પછી ઘણા પરિવર્તનો આવ્યા છે. આ વિવિધ પરિવર્તનોની વચ્ચે ભાષા ફસાઈ ગઈ છે. એટલે એમ કહીએ તો ૧૯૮૬થી આજ દિન સુધી એનો કોઈ નિવેડો નથી આવ્યો. આ વિશે આપનું શું મંતવ્ય છે?
ઉત્તર: હું બહુ જ સહજતાથી કહીશ કે, આપણી પાસે વિચારવા જેવા મહત્ત્વના અન્ય મુદ્દાઓ છે જ નહીં, જેથી આપણે આવા વિષયો પર ચર્ચા કરીએ છીએ. કઈ ભાષા ચાલવી જોઈએ? એ બધું મહત્વનું છે જ નહીં. સરળ વસ્તુ એ છે કે ‘હું જે બોલું છું તે સામેવાળાને પહોંચે છે કે નહીં? સામેવાળાને સમજાય એ ભાષા સાચી‘. બે વ્યક્તિઓ વચ્ચે કે સમુદાયો વચ્ચે ભાષા અંતરાય રૂપ બનતી હોય તો તે ભાષા નકામી! મને લાગે છે કે, જે સમન્વયકારી વાત છે એ જ કરવી જોઈએ.
પ્રશ્ન: પોતાની અને બીજાની જિજ્ઞાસાને કેમ ટકાવી રાખવી?
ઉત્તર: પહેલો મુદ્દો એ કે જીવતી ન રહે એ જિજ્ઞાસા જ નથી. જિજ્ઞાસા એ છે કે જ્યાં સુધી તમે એને જાણી ન લો કે એના મૂળ સુધી ન પહોંચો ત્યાં સુધી એ જીવતી રહે છે.
બીજો મુદ્દો તમે બીજાની જિજ્ઞાસાની પણ વાત કરી. તો તમારા જીવનની દરેક શરૂઆત કે અંત કંઈક ઇનોવેટિવ વાતથી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે તમે ગુજરાતીના શિક્ષક છો તો તમે આજે દિનકરની કવિતાથી વાત શરૂ કરો. બીજા દિવસે વર્ગમાં જાઓ અને અંગ્રેજી ભાષાના જોક્સથી વાત શરૂ કરો. ત્રીજા દિવસે ટાગોરની વાત કરો. આનાથી એ થશે કે, હવે પછી શું નવું આવશે એવી વિદ્યાર્થીઓમાં સતત જિજ્ઞાસા રહેશે. આ મુદ્દા દ્વારા હું એવું કહેવા માગું છું, નવાચારી પ્રવૃત્તિઓ આપણી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને ટકાવી શકે છે. આપણે આપણી ઘરેડમાંથી બહાર નીકળવું એ જ જિજ્ઞાસાને ટકાવી રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે! (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Jan 11, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

એકત્ર ફાઉન્ડેશન અને શ્રી અતુલ રાવલ
ગુજરાતી ભાષા માટે આર્કાઇવલ અને એક્સેસિબિલિટીનો અદભૂત સફળતા પામેલો ભાવનામંત્ર
શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન, સાવરકુંડલા દ્વારા આજે પૂજ્ય શ્રી મોરારીબાપુના વરદ હસ્તે શ્રી ઉમાશંકર જોશી વિશ્વગુર્જરી સાહિત્ય સન્માન-2026 શ્રી અતુલ રાવલ અને શ્રી રાજેશ મશરૂવાળા અને એકત્ર ફાઉન્ડેશનને અર્પણ થઈ રહ્યું છે, ત્યારે ઝડપથી ઓળખી લઈએ એ વ્યક્તિવિશેષોને અને તે સંસ્થાને કે જે આપણી માતૃભાષાને અમેરિકામાં બેસીને સંવર્ધિત કરી તાહ્ય છે.
મૂળ ગુજરાતી પરંતુ વર્ષોથી અમેરિકા જઈને વસેલા યુવાન શ્રી અતુલ ગોવિંદભાઈ રાવલ. ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ના શ્રી ગોવિંદભાઈ રાવલ અને વિશ્વમંગલમ, અનેરાના સુમતીબેન રાવલના પુત્ર તે અતુલ રાવલ. ત્યાં વિચારો તો સ્વદેશ અને સ્વભાષાના જ આવે એટલે તેમની માન્યતા બંધાણી કે, માનવીના જીવનનું કોઈ સ્વપ્નું, ખૂબ નિષ્ઠાભર્યા અથાગ પરિશ્રમ બાદ સાકાર થાય ત્યારે માનવીના મનમાં જે આનંદનો આવિર્ભાવ થાય તે અવર્ણનીય હોય છે. આ આનંદ, ખુશી અને સંતોષ તો આપે જ છે પરંતુ જીવનને નવા ઉત્સાહ અને ઉમંગથી પણ ભરી દે છે. આ ઉત્સાહ એને નવા સ્વપ્નાં આપે છે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે દોરી જાય છે.
એકત્ર ફાઉન્ડેશનના તંત્ર-સંવાહક અતુલભાઈ રાવલ સાથે વાત કરતા બસ મને લાગ્યું કે, એમના જીવનમાં પણ આવો જ એક મુકામ આવ્યો છે કે, જેના કારણે એમનું જીવન સંતોષ અને ખુશીઓથી ભરાઈ ગયું છે. જેમના મૂળિયાં ગુજરાતમાં છે પણ કર્મભૂમિ અમેરિકા છે તેવા અતુલભાઈ રાવલ જ્યારે વાત કરતા હતા ત્યારે એમના ચહેરા ઉપર તેમના મનોભાવને સ્પષ્ટ વાંચી શકાતા હતા. એમના સ્વપ્નાં અને સિદ્ધિઓની વાત એમના મુખેથી જ સાંભળીએ:
‘‘માનવીનું જીવન માતૃભૂમિ, માતૃસંસ્થા, અને માતૃભાષા સંયોજનથી ઘડાય છે. માતૃભાષામાં રચાયેલું સાહિત્ય આપણા વિટંમણાઓથી ભરેલાં જીવનમાં સમજ અને આનંદને ટકાવી રાખવા માટેનું બળ પૂરું પડે છે. આપણી ગુજરાતી ભાષા વિશ્વમાં બોલાતી અસંખ્ય ભાષાઓમાં પ્રથમ ત્રીસ માં ઊંચા સ્થાને છે. પરંતુ આજે ગુજરાતમાં મોટા ભાગે બાળકોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાનો માહોલ બની ગયો છે અને પરદેશમાં તો ત્યાં જન્મેલી પેઢી માટે ગુજરાતી જાળવી રાખવું મુશ્કેલ બની ગયું છે. સમયાંતરે આપણા સાહિત્યનો પ્રસાર સંકોચાતો જાય છે. આ અંગે હું વિચારતો હતો ત્યારે સ્મૃતિપટ ઉપર દેખાયું કે આપણી પુરાણી અગણિત હસ્તલિખિત પ્રતો તો નાશ પામી છે પરંતુ આજે આપણા ગુજરાતી સાહિત્યની અમૂલ્ય કૃતિઓ પણ આપણે સાચવીને ઓનલાઇન લાવી શક્યાં નથી. ગુજરાતના ગ્રંથાલયોમાં તમને પુસ્તકો મળશે પણ મોટા ભાગના જૂના અને સમૃદ્ધ પુસ્તકોના પાના પીળા પડી ગયેલાં છે. વળી, બધું સાહિત્ય એક સાથે મેળવવું લગભગ અશક્ય છે. એક બાજુ આવી સ્થિતિ છે અને બીજી બાજુ ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ ‘અને ગૂગલે દુનિયાભરના અપ્રાપ્ય અને જૂના, લાખ્ખો પુસ્તકો સ્કેન કરી દુનિયાભરના લોકો માટે વિજાણુ માધ્યમથી વિના મૂલ્યે વાંચવા મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. ૧૨ વર્ષ પહેલાં મને વિચાર આવ્યો કે આપણે ગુજરાતી પુસ્તકો માટે આવું કેમ ના કરી શકીએ? આ સ્વપ્નું મારો સંકલ્પ બની ગયો. આ વિચારને મૂર્તિમંત કરવા મિત્રો સાથે મળી અમે ૨૦૧૨મા ‘એકત્ર ફાઉન્ડેશન’ની સ્થાપના અમેરિકામાં કરી અને નોન-પ્રોફિટ ટ્રસ્ટનું રજિસ્ટર કરાવ્યું.”
અતુલભાઇનો સંકલ્પ હતો કે ગુજરાતી સાહિત્યના દુર્લભ અને પ્રશિષ્ટ રસપ્રદ પુસ્તકોને વિજાણુ – ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરના ગુજરાતી વાચકોને પોતાના મોબાઇલ, આઇપેડ કે કોમ્પ્યુટરમાં વાંચી શકાય તેવી સુવિધા આપવી. ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ, સ્નેહ અને મમતાને કારણે ૨૦૦ વર્ષથી પણ જુના અને સાથે સાથે તદ્દન નવા સંપાદનો પણ આંગળીના વેઢે હાથવગાં બનાવ્યાં છે. આ સિવાય દુર્લભ પુસ્તકો કાયમ માટે ઉપલબ્ધ રહે એ એમનો બીજો હેતુ પણ અગત્યનો છે.
એમણે પુષ્પોના ગજરાની જેમ, ગુજરાતી સાહિત્યનો ગજરો બનાવી જગતભરના ગુજરાતી લોકો માટે જાણે કે એક અદભૂત ખજાનો ખોલી આપ્યો છે. તેમના સંગ્રહમાં નવલિકાઓ, નવલકથાઓ, કાવ્યો, અનુવાદો, મુલાકાતો, સ્મરણો, જીવનચરિત્રો, આત્મકથાઓ, ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ગાંધી સાહિત્ય, વિવેચન, નાટક, નિબંધ, પ્રવાસ અને બાળ સાહિત્ય પણ સમાવિષ્ટ છે. આ બધું તમારી હથેળીમાં મળી જાય એવી એપ બનાવી છે જે તમે તમારા ગેઝેટમાં ડાઉનલોડ કરી લો અને મન થાય ત્યારે, અને સમયની અનુકૂળતા હોય ત્યારે મનભરીને માણી શકો. અનેક પ્રશ્નોના ઉત્તરનો સાર એમના શબ્દોમાં માણીએ:
“મારી પાસે વિચાર હતો પણ શરૂઆતમાં સાથીદારોની સંખ્યા ઓછી હતી એટલે મુશ્કેલી પડતી હતી પરંતુ હવે ઘણાં મિત્રો અને સાહિત્ય રસિકો સહાય માટે આગળ આવ્યા છે એટલે સરળતા વધી છે. અમે જે પુસ્તકો કોપીરાઇટ ના ધરાવતાં હોય કે લેખકની મંજૂરી મળે તેવાં પુસ્તકોનું નવેસરથી ટાઈપિંગ અને સ્કેનિંગ કરીએ છીએ. આ સ્કેન પુસ્તકોને Optical Character Recognition technology ના માધ્યમથી મૂળ સ્વરૂપે મૂકીએ છીએ. ઓનલાઇન કરવા જુદા જુદા પ્લેટફોર્મની સહાય લઈએ છીએ. હું ટેકનોલોજીમાં રસ ધરાવતો માણસ છું એટલે કળા અને ટેકનોલોજીનો જ્યાં મેળાપ થાય એવી ભૂમિ મને ગમે છે. જેમ કે પાંચ જુદા જુદા પુસ્તકોમાં પડેલી ૨૫ વર્ષોની સામયિક લેખ સુચિની વિગતોને રિલેશનલ ડેટાબેઝની મદદથી શીર્ષક, કર્તા, સમીક્ષક, વિભાગ અને સામયિક પ્રમાણે મળી રહે તે પ્રમાણે ઓન લાઇન મૂકી છે.
અત્યાર સુધીમા ૫૦૦૦થી વધુ ઉત્તમ સાહિત્યમાંથી પસાર થઈ ૫૦૦ જેટલાં પુસ્તકો અમારી એપ અને વેબસાઈટ પરથી વાંચી શકાય છે. અમારો આશય વેચવાનો નથી પરંતુ વહેંચવાનો છે એટલે ઉત્તમ અને રસપ્રદ પુસ્તકોની પસંદગી ચાખી ચાખીને કરીએ છીએ. અમે સાહિત્યની જૂથબંધી અને વિવાદોથી પર રહી કામ કરીએ છીએ કારણ કે અમારે આપણી માતૃભાષાના પુસ્તકોને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવી છે. મેં કહ્યું તેમ અમારો ભાવમંત્ર છે ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસરાવવી. અમારા પ્રેરકબળ છે: આર્કાઇવલ અને એક્સેસિબિલિટી. અત્યારના ચાલી રહેલાં થોડાં પ્રકલ્પોની વાત કરું. ગુજરાતી નવલકથા પરિચયકોશમાં આપણી નોંધપાત્ર નવલકથાઓમાંથી ૨૫૦ પસંદગીની નવલકથાઓનો પરિચય આપવાનું કામ હમણાં જ આટોપાયું. ઉપરાંત ગુજરાતી ટૂંકીવાર્તાનો ઈતિહાસ, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, કાવ્ય-આચમન શ્રેણી, અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા, શક્ય એટલાં સાહિત્યિક સામયિકોને સ્કેન કરી સૂચિઓ બનાવવી, વડોદરાના યુવાનો દ્વારા ગુજરાતી વાર્તાઓ અને નિબંધોનું ઓડિયો રેકોર્ડિંગ, તથા ‘ગ્રંથસાર’– વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કેલીડોસ્કોપ તૈયાર કરવો વગેરે…
ગુજરાતી સાહિત્યના મૂળ પ્રશિષ્ટ પુસ્તકોનાં ઈ-રૂપાન્તરો એ અમારી સતત ચાલતી પ્રવૃત્તિ છે. ઈ. ૨૦૧૧માં અમે પહેલો ઈ-ગ્રંથ મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘અરધી સદીની વાચનયાત્રા’ પ્રકાશિત કર્યો હતો ત્યારથી લઈને આજ સુધીમાં અમે ઉત્તમ સર્જકોનાં ૫૦૦ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એ ઉપરાંત ૩૦૦ ઉપરાંત પુસ્તકો હાલ પ્રકાશન-પ્રક્રિયામાં છે. અમને હવે સમજાયું છે કે, the future of books lies in audio. એટલે ગુજરાતી સાહિત્યને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ ઉપરાંત, અમે હવે ગુજરાતી વાચકો માટે વાર્તા, બાળ-વાર્તા, નિબંધ, પ્રવાસનિબંધ અને અંગત નિબંધો ઑડિયોના માધ્યમથી લઈને આવ્યા છીએ. અમારા પ્રતિભાસંપન્ન વાચકો તેમના મનમોહક અવાજમાં તમારી સમક્ષ ગુજરાતના સમૃદ્ધ સાહિત્યને પ્રસ્તુત કરે છે. ગુજરાતી ઑડિયોબુક્સની દુનિયામાં પણ આપનું સ્વાગત છે. હવે આગળની સફરમાં ગુજરાતી સાહિત્યનું સંરક્ષણ, ડિજિટાઈઝેશન અને વધુ વાચકો અને શ્રોતાઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. હવે, અમે તેમાં ઇન્ટરએક્ટિવ તત્વો ઉમેરવા, નાની ઉંમરના શ્રોતાઓ સુધી પહોંચવા અને આ સાહિત્યિક કામોને ઑડિયો, વિડિયો અને અન્ય મીડિયા પર ઉપલબ્ધ બનાવવા તરફ આગળ વધવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.”
અતુલભાઈની આટલી લાંબી યાત્રા પ્રેરક છે. એમને પરિશ્રમનો થાક નથી, કારણ કે અસંખ્ય વિદ્યાર્થીઓ, સાહિત્ય રસિકો એકત્ર ફાઉન્ડેશન દ્વારા પુસ્તકો વાંચી અનહદ પ્રસન્નતા વ્યક્ત કરે છે. અભ્યાસુ માટે અહીં અપાર સામગ્રી છે. આપણા વિશાલ સાહિત્યના બધાં જ વિભાગોમાંથી નોંધપાત્ર સામગ્રી અહીં મળી રહી છે. અતુલભાઈ જાણે છે કે છપાયેલું પુસ્તક દૂરના વાચક સુધી નહીં પહોંચે એટલે ઇન્ટરનેટના માધ્યમથી પુસ્તકો લોકો સુધી પહોંચાડે છે. એકત્ર ઉપર પ્રીતિ સેનગુપ્તાનું પુસ્તક ‘આમંત્રિત ‘વાંચી શકો કે જે કદાચ બજારમાં લેવા જઈએ તો ન મળે!
અતુલભાઈનું કાર્ય મોટો ખર્ચ માંગી લેનારું છે પણ અહી એક નવતર વાત બની છે. પહેલા કહેવાતું હતું કે સરસ્વતી અને લક્ષ્મીજીનો વાસ સાથે સાથે નથી હોતો પરંતુ અહીં સરસ્વતી પૂજક અતુલભાઈને કિશોરલાલ મશરૂવાળાના કુટુંબીજન રાજેશ મશરૂવાળાનો જબરજસ્ત સાથ મળ્યો છે. કેલિફોર્નયામાં વસતા રાજેશભાઈએ એકત્રનો ખર્ચ ઉપાડી લીધો છે. લક્ષ્મીજી ખુદ સરસ્વતીની સાથે વસી ગયા છે. ધન્ય છે ગુજરાતીને જીવંત રાખવા અને લોકોપયોગી બનાવવાના અતિ પરિશ્રમ કરનાર અતુલભાઈ અને એમના સખાવતી રાજેશભાઇને…. સંપર્ક: અતુલભાઈ રાવલ: atulraval@ektrafoundation.org : https://www.ekatrafoundation.org
by Bhadrayu Vachhrajani | Jan 4, 2026 | સ્વૈર વિહાર - મધુવન |

“હું કહું તે તું સાંભળ, તે તું મનમાં ગોખી લે પછી હું પૂછું ત્યારે તે ગોખેલું શબ્દશઃ લખી દે તો તું હોશિયાર ગણા.” આવી વ્યાખ્યા એ આપણી એજ્યુકેશન સિસ્ટમ છે.
માણસ જ્યારથી કશુંક શીખતો થયો ત્યારથી એ કેળવાતો થયો. “શીખવું એટલે કેળવવું”. એવો અર્થ ઘણા વર્ષો સુધી વિશ્વના શિક્ષણમાં રહ્યો. આજે પણ પશ્ચિમના દેશો ભણાવવું એટલે to teach શબ્દને સ્વીકારતા નથી. એક વાક્ય ત્યાં બહુ પ્રચલિત છે કે teacher is a senior learner. શિક્ષક એ એક ડગલું આગળ શીખનારો છે. અને એ શીખ્યા પછી પોતે જે શીખ્યો તે બાળકોને શીખવવાનું છે, ભણાવવાનું નથી. ભણાવવું એ to study છે. શીખવવું એ to learn છે. Learn ની અંદર વ્યક્તિ ખુદ સામેલ થાય છે. જ્યારે study માં જે માણસ કોઈ વાતને સામે પહોંચાડવા મથે છે તે જ પૂરેપૂરો અંદર ઉતરે છે. સામેની વ્યક્તિ શાંત, શિસ્તબદ્ધ બેઠી રહે છે તેથી એનામાં બધું ઉતરતું નથી.
એક બીજી પણ વાત નોંધવા જેવી છે કે, આપણા ઋષિમુનિઓએ, મનીષીઓએ શિક્ષણ શબ્દ વાપર્યો નથી. સ્વામી શ્રી વિવેકાનંદ “કેળવણી” વિશેના વિચારો વ્યક્ત કરે છે. શ્રી માતાજી “કેળવણી” માં કઈ પાંચ સાધનાઓ છે એ એનું વર્ણન કરે છે. પણ એમાં શબ્દ કેળવણી છે. શિક્ષણ નથી. કેળવણી નો અર્થ એવો કે, મને અંદર કોળે છે. મને અંદર ઇચ્છા થાય છે. મને અંદર આત્મસફૂર્ણા થાય છે. ત્યારે હું જે કરું છું તેમાં હું કેળવાઉ છું. મને ધમકાવીને કે હાથ કે ધોકો ઉગામીને જે કરવાનું કહેવામાં આવે તે કેળવણી નથી. તે શિક્ષણ નથી, વ્યક્તિને પરતંત્ર બનાવવાની એક પદ્ધતિ છે. આટલી વાત સમજ્યા પછી આપણે એ જાણવું જોઈએ કે આપણી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મનીષીઓએ તો કેળવણી ની વાત કરી છે. એટલે કે બાળકને ઘડવાની વાત કરી છે. પણ આપણે શિક્ષણ પદ્ધતિમાં બાળક અઢી – ત્રણ વર્ષનું હોય ત્યારથી તેને આપણે ઈચ્છીએ તે શીખવા માટે જોરઝુલમ કરવા લાગ્યાં છીએ. “હું કહું તે તું સાંભળ, તે તું મનમાં ગોખી લે પછી હું પૂછું ત્યારે તે ગોખેલું શબ્દશઃ લખી દે તો તું હોશિયાર ગણા.” આપણી આવી વ્યાખ્યા એ આપણી એજ્યુકેશન સિસ્ટમને લર્નિંગ સિસ્ટમ રાખી નથી. આપણી સામે બેઠેલો વર્ગખંડનો બાળક એક કઠપૂતળી છે. આપણે આપણા હાથની અંદર તેની બધી જ દોર બાંધીને બેઠા છીએ. એવી પરિસ્થિતિ આપણે ત્યાં છે.
2020 માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી. એમાં એક બહુ જ મહત્વનો ફેરફાર એ થયો કે બાળકના જન્મ પછીના ત્રણ વર્ષ પછી બાળકને શાળાકીય વાતાવરણ અથવા વિદ્યાકીય પર્યાવરણ અથવા તો શીખવા અને આનંદવાના એક માહોલમાં શાળા તરફ લેવાનું નક્કી કરવામાં આવ્યું. પહેલાં પાંચ વર્ષ પૂરા થાય ત્યારે જ બાળક શાળાનું મુખ દર્શન કરતું
હતું. પરંતુ હવે જન્મ પછીના ત્રણ વર્ષ પૂરા થાય કે તરત બાળક પ્રિ-સ્કૂલ કે બાલ વાટિકામાં દાખલ થાય છે અને ત્યાં એને જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે તેના માટે બહુ પ્રયાસો સાથે અભ્યાસક્રમ બનાવવામાં આવી રહ્યો છે. આ અભ્યાસક્રમ આપણે જે બનાવી રહ્યા છીએ, તે અભ્યાસક્રમમાં આપણને બહુ જ સારી રીતે મદદ કરી શકે એવી એક પદ્ધતિ વર્ષો પહેલા ભારત દેશે સ્વીકારેલી છે. પણ એ પદ્ધતિના મૂળ હાર્દ ને એક બાજુ મૂકી દેવાનું કામ પણ આપણે જ કર્યું છે.
સમગ્ર પૂર્વ પ્રાથમિક પદ્ધતિએ મોન્ટેસોરીના સિદ્ધાંત ઉપર ચાલે છે. મેડમ મોન્ટેસરી એ નાના બાળકો, ભૂલકાઓ, ૩-૪-૫ વર્ષના જે બાળકો છે એના માટે શીખવા ઉપર ભાર આપ્યો. કેળવવા ઉપર ભાર આપ્યો. વિદ્યાર્થી પોતે પ્રવૃત રહે એના ઉપર ભાર આપ્યો. અને પ્રવૃત્ત રહેવા માટે તેમણે પોતે એક પદ્ધતિ વિકસાવી અને એ પદ્ધતિમાં પણ તેમણે પ્રવૃત્તિઓ આપણી સમક્ષ મૂકી આપી, પ્રવૃત્તિ માટેના સાધનો મૂકી આપ્યા અને સાધનો દ્વારા બાળકોને કેમ પ્રવૃત્તિ કરીને શિક્ષિત કરવું તેની આખી એક પરિપાટી ઘડી આપી. શરૂઆતમાં વર્ષોમાં ક્યાંક ક્યાંક આવા પ્રયોગો થયા. આપણા ગુજરાતમાં ભાવનગરના ગિજુભાઈ બધેકા જેને સૌ વહાલ થી “મુછાળી મા” કહેતા હતા. એમણે મેડમ મોન્ટેસરીની આ પદ્ધતિ ગુજરાતમાં પૂરજોશમાં વ્યાપક બનાવી. થયું એવું કે, એના સાધનો અને સાધનો દ્વારા પ્રવૃત્તિની વાત ધીમે ધીમે પાછળ પડવા લાગી. અને આપણે પદ્ધતિ ઉપર ભાર મૂકવા માંડ્યા. ગિજુભાઈ બધેકા એ મોન્ટેસરીની સંકલ્પનાઓને બરાબર સમજી, પચાવી અને આપણા વાતાવરણમાં ઢાળી આપી. ભાવનગરની અંદર જ પોતાની સંસ્થામાં તેમણે બૃહદ પ્રયોગો કર્યા અને ખૂબ સફળતા મળી. આજે સો વર્ષ પછી પણ ગિજુભાઈ દ્વારા શરૂ થયેલું બાલમંદિર એટલું જ ખ્યાત છે અને એટલી જ ફળશ્રુતિ આપનારું સંસ્થાન છે.
મેડમ કહેવાતાં મોન્ટેસોરી કહે છે કે, “અત્યાર સુધી માણસે બાળકોને શું ભણાવવું જોઈએ અને કેમ ભણાવવું જોઈએ તેનો વિચાર કરેલો છે. પણ કોને ભણાવવાનું છે તે વાત આ બંને વિચારો કરતી વખતે લક્ષ બહાર ગએલી છે. વિષયનું નિર્માણ કરતી વખતે માણસની દૃષ્ટિ સંકુચિત રહેલી છે. કારણ કે માણસ પોતાનાથી વધારે તેજસ્વી માણસની કલ્પના કરી શકયો નથી અને તેથી આજે જે પ્રજા છે તેનાથી વધારે પ્રાણવાન પ્રજા બનાવવાનો તેના મનમાં વિચાર સરખો યે આવ્યો નથી. માણસે સ્વભાવથી જ ભાવી મનુષ્યને પોતાના જેવો બનાવવાનું ચાહ્યું છે અને તે પ્રમાણે કર્યું છે. આથી જ આપણી વચ્ચે એક જ ગાંધી, એક જ ટાગોર અને એક જ લેનિન જ છે. બાળકો પોતે કેમ શીખે છે તેના સૂક્ષ્મ અવલોકનને અંતે આ પદ્ધતિના સાધનો બનાવ્યાં છે”.
મોન્ટીસોરી પદ્ધતિ માણસની આંખ કેળવી તેને રૂપ અને રંગનું રહસ્ય સમજવાનું દ્વાર ઉઘાડી આપે છેઃ સ્પર્શની કેળવણી આપી કુદરતની અપ્રતિમ કવિતા સમજવાની શક્તિ આપે છેસ કાનને કેળવી સંગીતદેવીનું મંદિર ખુલ્લું કરી આપે છે. આ રીતે માણસની શક્તિઓ ખીલવી માણસને પોતે જે કાંઈ છે તે થવાની તક આપે છે. મોન્ટીસોરી સાધનોની વપરાશથી માણસ સીધો ચિતારો કે ગાયક નથી બની જતો સીધો લેખક કવિ કે ગણિતશાસ્ત્રી પણ નથી બની જતો પરંતુ કોઈ પણ દિશામાં જવાને માટે સરલમાં સરલ માર્ગ ઊઘડે છે. આથી જ આ સાધનો માત્ર સાધન છે સાધ્ય નથી”.
વર્તમાન સ્થિતિમાં શિક્ષણ ચિંતા નો વિષય બન્યો છે. એનું એક કારણ એ છે કે, આપણે માત્ર માર્ક્સ અને ટકા અને CGPA માં વધુ રત થયાં છીએ. શિક્ષણનો ઉદ્દેશ્ય માણસ ઘડવાનો છે. સ્વામી શ્રી વિવેકાનંદે શિક્ષણને “મેન મેકિંગ એજ્યુકેશન” બનાવવાની હિમાયત કરી છે. માણસને ઘડી ન શકે તો એ શિક્ષણ કામનું નથી. મને એવું લાગે છે કે આપણે સાધનોમાં વધુ પ્રવૃત્ત થઈ ગયા. આપણા વર્ગખંડમાં 56 ઇંચ નું ટીવી મૂકી દઈએ એટલે આપણે સમૃદ્ધ થઈ ગયા છીએ અને આપણી શાળા ઉત્તમોત્તમ છે એવું આપણે માનવા લાગ્યા. પણ આપણે ભૂલી જઈએ છીએ કે, 56 ઇંચ ના ટીવીના સ્ક્રીન ઉપર તમે પોપટ અને પક્ષીઓને બોલતા દેખાડો છો એને બદલે તમારા જ મોટા વિશાળ મેદાનમાં જઈને સાચા વૃક્ષો ઉપર બોલતા પોપટ અને પક્ષીઓનો અવાજ, એમનું દર્શન જો વિદ્યાર્થીઓને થશે તો તેઓ ખૂબ જ રાજી થશે. 56 ઇંચ ના ટીવી પર દેખાડવું એ શિક્ષણ છે અને વૃક્ષોની નીચે બેસીને પોપટ અને ચકલીઓને માણવા એ ખરેખર કેળવણી છે.
by Bhadrayu Vachhrajani | Dec 30, 2025 | સ્વૈર વિહાર - મધુવન |


ગુજરાતીમાં અથ થી ઈતિ સુધીનું જ્ઞાન પીરસનાર “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ”ની ચાલીશીયે શબ્દાવલોકન !!
અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે,
અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે
શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે, તર્ક-કર્મના સહજ વિકાસે,
જ્ઞાનામૃતક નિર્જરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે.
ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોષની એવી સૃષ્ટિ,
તમસ-તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે.
રેવા-જળ-શી શક્તિદાયિની, સત્ય-સંમુદા-મુક્તિદાયિની
‘વિશ્વવિહાર’ જ કરે… શીલ-સત્ત્વ સંભરે.
ગુર્જરી વિશ્વરૂપ ને વરે!!
ગુજરાતીમાં અથ થી ઈતિ સુધીનું જ્ઞાન પીરસનાર “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ” ની ચાલીશીયે શબ્દાવલોકન કરવું હોય તો સૌ પ્રથમ આ વિશ્વકોશ ગીત સ્મરવું જ પડે. વિશ્વકોશમાં જિંદગીના અંતિમ વર્ષો અર્પનાર કવિવર શ્રી ચંદ્રકાન્ત શેઠની આ અદભુત રચના વિશ્વકોશના પ્રત્યેક કાર્યક્રમ પહેલા ગવાતી રહે એવો સિલસિલો છે. અને આ ગીત ગવાય એટલે ભવનના સભાખંડમાં જાણે સરસ્વતીદેવી અવતરે તેવું દિવ્ય ભાવાવરણ બંધાય જાય. આ દિવ્ય હવાના સાક્ષી બનવાનો મને વારંવાર લ્હાવો મળ્યો છે.
કોઈ પૂછે કે, વિશ્વકોશ શું કરે છે?? તો તેમની સમક્ષ આ ગીત પેશ કરીએ એટલે સઘળું સ્પષ્ટ થઇ જાય કે અહીં તો ગુર્જરી વિશ્વ રૂપને વરે છે.
વિશ્વકોષ નો એક અર્થ બંને શબ્દોને અલગ પાડીને પણ આપણે કરી શકીએ.
વિશ્વ એટલે વ્યાપક અને કોષ એટલે આપણો નાનામાં નાનો અંશ. આમ, નાનામાં નાના અંશને વ્યાપક રીતે અસ્તિત્વ સમક્ષ રજૂ કરનાર કોઈ હોય તો તે વિશ્વકોષ છે.
ચાલીસ વર્ષ પહેલાં ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરે એવું એક સંસ્થાન શરૂ થયું, જેને આપણે સૌ “ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ” કહીએ છીએ. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરવા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ ગુજરાતી વિશ્વકોશ(encyclopedia)ની રચનાના 1985ની 2જી ડિસેમ્બરે એના મુખ્ય સંપાદક ધીરુભાઈ ઠાકરની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા કુમારપાળ દેસાઈ જેવા સાથીમિત્રોથી આરંભાયો.
24 વર્ષના પુરુષાર્થ પછી ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના 26,000 પૃષ્ઠોમાં માનવવિદ્યાના 8,360, વિજ્ઞાનના 8,083, સમાજવિદ્યાના 7,640 – એમ કુલ 24,083 અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં 11,660 ચિત્રો અને આકૃતિઓ, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિ-લેખો અને 246 અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે 1,593 જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.
અવલોકન કરી લઈએ તો. 1987 થી 2009 સુધીના 22 વર્ષમાં ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોનું પ્રકાશન થયું કે જેમાં, 24,083 અધિકરણો, 8,360 માનવવિદ્યા, 8,083 વિજ્ઞાન,
7,640 સમાજવિદ્યા, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિલેખો, 246 અનૂદિત લેખો, 11,660 ચિત્રો અને આકૃતિઓ, 1,593 જેટલા લેખકો દ્વારા તૈયાર થયેલાં લખાણો
170 જેટલાં વિષયોને આવરી લેતો 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ વિશ્વકોશ!! રાષ્ટ્રની દસેક ભાષા વિશ્વવિદ્યાપીઠો જે કામ ન કરી શકે તે કામ કેવળ માનદ સેવા આપનાર અધ્યાપકો, શિક્ષણવિદો, અનેક ક્ષેત્રના ધુરંધરો દ્વારા થયું છે. આજના વિપથગામી પરિબળોથી ઘેરાયેલા સમાજમાં માતૃભાષા માટે આવું સંવર્ધિત કાર્ય પ્રદાન કેમ થયું હશે તે અકલ્પનીય છે. આજે દર મહિને સાડા ત્રણ લાખ લોકો વિશ્વકોષનો ઓનલાઈન લાભ લે છે કે જેમાં વિશ્વના દસેક દેશોના જિજ્ઞાસુઓ પણ સામેલ છે.
ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ એક એવું સંસ્થાન બન્યું કે જેની નોંધ વિશ્વ સ્તરે લેવામાં આવી રહી છે. આપણી યુનિવર્સિટીઓ અને તેના ગુજરાતી ભાષા ભવનો ગુજરાતી ભાષાનું શૈક્ષણિક કાર્ય કરે છે પરંતુ ગુજરાતી ભાષાના મૂળ સુધી પહોંચવાનું શક્ય બન્યું ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ થકી. વિશ્વકોષ ગુજરાતી ભાષાના મૂળ સુધી આપણને લઈ જાય છે અને વિશ્વની કોઈપણ ઘટના, પદાર્થ કે હકીકત ક્યાંથી કેવી રીતે ઉદભવી તેના છેડા સુધી આપણને મૂકી આપે છે. તેથી જ તો આ લેખને ખાસ શીર્ષક અપાયું છે. શૂન્યને વ્યાપક કરી આપવાનું કામ “ગુજરાત વિશ્વ કોસ્ટ ટ્રસ્ટ” કરી રહેલ છે.
આપણી માતૃભાષા માટે એક વિરલ સ્વપ્ન જ્યારે વંદનીય શ્રી ધીરુભાઈ ઠાકરને આવ્યું ત્યારે તે સ્વપ્નને સાકાર કરવામાં મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિના જનક અને ઉત્તર ગુજરાતના અગ્રણી લોકસેવક શ્રી સાંકળચંદભાઈ પટેલની પ્રેરણા ભળી અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો પ્રારંભ થયો. સમાજના કચડાયેલા અને ખાસ કરીને પછાત ગણાતી કોમોના સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે તેમણે કરેલું કાર્ય યાદગાર બની રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની સ્થાપના સમયે એમણે આપેલા આર્થિક સહયોગને પરિણામે જ ગુજરાતી વિશ્વકોશનું સર્જન થઈ શક્યું. મહેસાણા જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં મહત્ત્વનો ફાળો આપનાર કર્મયોગી સાંકળચંદભાઈ પટેલે એમના મિત્ર ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે વિશ્વકોશનો કરેલો જ્ઞાનયજ્ઞ ગુજરાતની અસ્મિતા પ્રગટાવનારો બની રહ્યો. એ સહયોગ આજે એક યુનિવર્સિટી કક્ષાનું કાર્ય કરી રહેલ છે. શ્રદ્ધેય ધીરુભાઈ તથા તેમના અનુગામી તરીકે સમર્થ સાક્ષર શ્રી કુમારપાળભાઈ દેસાઈ દ્વારા એવું માળખું રચાયું છે કે, જે દ્વારા વર્ષો સુધી ગુજરાતી ભાષા એટલે કે આપણી માતૃભાષા નું સંવર્ધન થતું રહેવાનું છે.
માતૃભાષાના એક સંતાન તરીકે આનાથી વધુ આનંદ અને ગૌરવ બીજું શો હોઈ શકે?
કેટલા કોષો બહાર પડ્યા, કેટલા ઓનલાઇન થયા, કેટલા શબ્દકોષોનો દેહ ઘડાયો એ તો ગણતરીમાં લેવું મુશ્કેલ છે, પરંતુ સાથોસાથ વિશ્વકોષ દ્વારા માત્ર ગ્રંથલક્ષી કાર્યક્રમોને બદલે સમાજ સુધી પહોંચી શકાય એ માટે એવોર્ડ્સ આપવાની શરૂઆત થઈ, વિવિધ સ્મૃતિઓમાં મળેલ દાનમાંથી રસપ્રદ વ્યાખ્યાનોની શ્રેણીનું આયોજન થયું. અનેક ભાવકો સુધી વિશ્વકોશ પહોંચી શકે એટલે ટૂંકું અને ટચૂકડું એવું “વિશ્વવિહાર” સતત પ્રદાન કરતું રહ્યું.
સ્થાપનાકાળથી આજ સુધી જેમની સસ્મિત સેવા અવિરત પ્રાપ્ત થઇ છે તેવા વિશ્વકોશના મુખ્ય સંવાહક શ્રી અને અચ્છા મેનેજમેન્ટ ગુરુ શ્રી કુમારપાળ દેસાઈના શબ્દોમાં આ વિશ્વકોશ ટ્રસ્ટ પાંચ પરિમાણોથી ભાષા સેવા કરી રહેલ છે.
એક) ભાષા, મૂલ્ય, સંસ્કૃતિ અને અસ્મિતાની કટોકટી વચ્ચે આવું ભગીરથ કાર્ય કરવું એ એક સાહસ છે.
બે) ગુજરાતી વિશ્વકોશ એ પ્રજાકીય અને વિદ્યાકીય સાહસ છે, ભાષાપ્રેમીઓની એક ‘મુવમેન્ટ’ છે.
ત્રીજું) જ્ઞાન પ્રત્યેનો આદર અને જ્ઞાનીઓનું સન્માન વિશ્વકોશનું આભૂષણ છે.
ચાર) વિશ્વકોશએ ગુજરાતી ભાષામાં કરેલો પરિભાષા માટેનો પુરુષાર્થ.
પાંચ) માતૃભાષા ગુજરાતી માટેની ફનાગીરી.
આ પ્રત્યેક પરિમાણને વિસ્તારથી કહેવા બેસું તો વર્ષોના વરસ લાગે.
સમજદારકો ઈશારા કાફી હૈ!!
આપણે પ્રાર્થના કરીએ કે અહીં ‘ગુર્જરી વિશ્વરૂપ ને સદા વરતી રહે’!!
by Bhadrayu Vachhrajani | Dec 22, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

મહાકવિ સુમિત્રાનંદન પંતજી સાથે ઓશોનો સ્મરણીય સંવાદ
“ભારતના ધર્મ આકાશમાં એવા કયા બાર વ્યક્તિત્વ છે કે, જે સર્વ દ્રષ્ટિએ સૌથી વધુ ચમકતા સિતારા ગણી શકાય?”
આપણે ઓશોના જીવનના રોમાંચક વળાંકો અનેક પરિમાણોથી જોયા, જાણ્યા અને આપણે ધન્ય થયા. ઓશોનું જીવન અને ઓશોનું ચિંતન બંને ભરપેટ મમાણવા યોગ્યછે. જીવન તો આપણે જાણ્યું પણ તેમના ચિંતનને તો દીર્ઘ કાલીન સત્રોમાં જ માણી શકાય અને આત્મસાત કરી શકાય. આમ છતાં, કોઈ એકાદ ચમકારો મેળવવો હોય તો…? ઓશોના ચિંતનનું ઉત્તુંગ શિખર સ્પર્શવું હોય તો…? આ પ્રશ્નના ઉત્તરરૂપે મહાકવિ સુમિત્રાનંદન પંતજી સાથેના ઓશોના એક ઉત્કૃષ્ટ સંવાદને અહીં પેશ કરી સંતોષ લઈએ અને આ દીર્ઘ શ્રેણીને વિરામ આપીએ.
“મહાકવિ સુમિત્રાનંદન પંતે મને એકવાર પુછ્યુ કે, ભારતના ધર્મ આકાશમાં એવા કયા કયા બાર વ્યક્તિત્વ છે કે જે સર્વ દ્રષ્ટિએ સૌથી વધુ ચમકતા સિતારા ગણી શકાય. મેં તેમને એક યાદી આપી: કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર, નાગાર્જુન, શંકર, ગોરખ, કબીર, નાનક, મીરાં, રામકૃષ્ણ, કૃષ્ણમૂર્તિ. સુમિત્રાનંદન પંતે યાદી વાંચીને આંખો બંધ કરી અને વિચાર માં પડી ગયા.
યાદી બનાવવી સરળ કામ ન હતું. કારણ કે ભારતના આકાશમાં બહુ મોટા નક્ષત્રો ભરચક રહેલા છે, કોને છોડીએ અને કોને ગણીએ? બહુ જ વ્હાલા લાગે તેવા વ્યક્તિઓ છે, અતિ કોમળ છે, અતિ માધુર્યપૂર્ણ છે અને સ્ત્રૈણ છે.
વૃદ્ધાવસ્થા સુધી પણ એમના ચહેરા ઉપર તાજગી એવી કાયમ રહી છે, જેવી કાયમ રહેવી જોઈએ. તેઓ સુંદરથી સુંદરતમ થતાં ગયા છે. હું તેમના ચહેરા ઉપર આવ જા કરી રહેલા ભાવ ને નિરખી રહ્યો હતો. તેમને અડચણ પણ થઈ હતી, કેટલાક નામ જે સ્વભાવત: હોવા જ જોઈએ તે ન હતાં! નથી રામનું નામ ન હતું! તેઓએ આંખ ખોલી અને મને કહ્યું, રામનું નામ છોડી દીધું છે આપે? મેં કહ્યું મને બાર જ વ્યક્તિઓ પસંદ કરવાની સુવિધા આપે આપેલી એટલે ઘણા બધા નામ છોડી દેવા પડ્યા છે. પછી મેં બાર નામ એવા પસંદ કર્યા કે, જેમની કોઈ મૌલિક દેણ હોય, રામની કોઈ મૌલિક દેણ નથી. કૃષ્ણનું કોઈ મૌલિક પ્રદાન નથી, તેથી હિન્દુઓએ પણ તેમને પૂર્ણાવતાર ગણ્યા નથી.
તેમણે ફરી મને પુછ્યું, તો પછી એવું કરીએ કે મને આમાંથી સાત નામ આપો. હવે વાત થોડી વધુ કઠિન થઇ રહી હતી. થોડા વિચાર પછી મેં તેઓને સાત નામ આપ્યા. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર, શંકર, ગોરખ, કબીર. તેઓએ કહ્યું: આપે જે પાંચ નામ છોડી દીધા એ કયા આધાર ઉપર છોડ્યા છે? મેં કહ્યું: નાગાર્જુન બુદ્ધ માં સમાય જાય છે. તેઓ બુદ્ધમાં બીજ રૂપ હતા અને તેમાંથી જ નાગાર્જુન પ્રગટ થયા હતા. તેથી નાગાર્જુનને છોડી દઈ શકાય અને જ્યારે બચાવી લેવાની વાત આવે તો વૃક્ષને છોડી દઈ શકીએ, બીજને નહીં છોડી શકાય, કારણકે બીજ માંથી તો ફરી વૃક્ષ બનવાનું છે, નવું વૃક્ષ બનવાનું છે. જ્યાં બુદ્ધ પેદા થશે ત્યારે અનેક નાગાર્જુન પેદા થઈ જશે, પરંતુ કોઈ નાગાર્જુન બુદ્ધને પેદા નહીં કરી શકે. બુદ્ધ તો ગંગોત્રી છે, નાગાર્જુન તો આમ પણ ગંગા ના રસ્તા ઉપર આવેલું એક તીર્થસ્થળ છે. તેમ છતાં જો છોડવું હોય તો તીર્થસ્થળ છોડી દઈ શકાય, ગંગોત્રી ને છોડી ન શકાય.
એ જ રીતે કૃષ્ણમૂર્તિ પણ બુદ્ધમાં સમય જાય છે. કૃષ્ણમૂર્તિ બુદ્ધના નવીનતમ સંસ્કરણ જેવા છે, નૂતનતમ; આજની ભાષામાં! પર ભાષાનો જ ભેદ છે. બુદ્ધનું જે પરમસૂત્ર હતું: “અપ્પ દીપો ભવ” કૃષ્ણમૂર્તિ બસ તેની જ વ્યાખ્યા છે. આ એક સૂત્ર ની વ્યાખ્યા ગહન, ગંભીર, અતિ મહત્વપૂર્ણ! પરંતુ ‘પોતાના દિપક પોતે બનો’ એની તો વ્યાખ્યા છે. આ બુદ્ધનું અંતિમ વચન હતું. પૃથ્વી પરથી શરીર છોડતાં તે પહેલાં તેઓએ સાર સૂત્ર કહ્યાં હતાં, જાણે કે આખા જીવનની સંપતિ, જાણે કે આખા જીવનના અનુભવ ને એક નાનકડા સૂત્ર માં સમાહિત કરવામાં આવ્યું હોય!! રામકૃષ્ણ કૃષ્ણમાં સરળતાથી લીન થઈ જાય છે. મીરા અને નાનક કબીરમાં લિન થઈ જાય છે, જાણે કે કબીરની જ અનેક શાખાઓ ન હોય! જેવી રીતે કબીર માં જે એકત્ર હતું તેમાંથી અડધું નાનકમાં પ્રગટ થયું છે અને અડધું મીરામાં. નાનકમાં કબીરના પુરુષરૂપનું પ્રગટીકરણ થયું છે, તેથી શીખ ધર્મ જો ક્ષત્રિયનો બની જાય તો આશ્ચર્ય ન કહેવાય. મીરાંમાં કબીરના સ્ત્રૈણ રૂપને પ્રગટ થતું જોઈ શકાય છે, તેથી પૂર્ણમાધુર્ય, બધી જ સુગંધ, પુલકીત કરતી સુવાસ, સઘળું સંગીત મીરાના પગના ઝાંઝર બનીને ઝણકી રહ્યાં છે. મીરાના એક તારા પર કબીરની નારી ગાઈ રહી છે અને નાનકમાં કબીર નો પુરૂષ બોલી રહ્યો છે. બંને કબીરમાં સમાહિત થઈ જાય છે. મેં આવી રીતે કહ્યું કે, મેં આ સાત નામની યાદી બનાવી છે.. હવે તેઓની ઉત્સુકતા બહુ જ વધી ગઈ. તેમણે કહ્યું કે, જો હું પાંચ નામની સૂચી બનાવવાનું કહું તો?? મેં કહ્યું, મારું કામ એકદમ કઠીન થઈ જશે.
મેં એ સૂચિ એને બનાવી આપી. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, મહાવીર અને ગોરખ. કારણકે કબીર ને ગોરખ માં લીન થતા જોઈ શકાય છે. ગોરખ મૂળ છે તેથી ગોરખને છોડી શકાય તેમ નથી અને શંકર તો કૃષ્ણમાં સરળતાથી લિન થઇ જઈ શકે છે. કૃષ્ણના જ એક અંગની વ્યાખ્યા છે, કૃષ્ણના જ એક અંગનું દાર્શનિક વિવેચન છે, ત્યારે તેઓ તરત જ બોલ્યા; બસ, એકવાર ફરીવાર માત્ર ચાર જ નામ રાખીએ તો…??
મેં તરત જ નાની સૂચિ આપી દીધી. કૃષ્ણ, પતંજલિ, બુદ્ધ, ગોરખ, કારણ કે મહાવીર બુદ્ધિથી બહુ જુદા નથી, થોડાક ભિન્ન છે, થોડો નાનો ભેદ છે અને તે પણ અભિવ્યક્તિનો ભેદ છે. બુદ્ધની મહિમામાં મહાવીર મહિમા થઈ જઈ શકે છે.
તેઓ કહેવા લાગ્યા: હજુ એક વાર બસ, મને ત્રણ નામ શોધી આપશો? મેં કહ્યું, હવે તે અસંભવ છે. હવે આ ચાર માંથી કોઈને પણ છોડી શકાય એમ નથી. મેં તેઓને કહ્યું, જાણે ચાર દિશા છે એવા આ ચાર વ્યક્તિત્વ છે, જેવી રીતે કાળ અને ક્ષેત્રના ચાર આયામ છે, એવા આ ચાર આયામ છે, જેવી રીતે પરમાત્માની બાજુઓ આપણે ચાર વિચારીએ છીએ એવી રીતે આ ચાર ભુજાઓ છે, આમ તો એક જ છે પરંતુ એ એક ને ચાર ભુજા છે. હવે આમાંથી કંઈ છોડવું હોય તો હાથ કાપવા જેવું લાગશે અને તે હું નહીં કરી શકું.
અત્યાર સુધી હું આપની વાત માનીને ચાલતો હતો અને સંખ્યા ધીમે ધીમે ધીમે ઘટાડતો જતો હતો. કારણ કે અત્યાર સુધી જે અલગ કરવું પડતું હતું તે વસ્ત્ર હતું, હવે તો અંગ તોડવા પડે એમ છે અને એ અંગ ભંગ હું નહીં કરી શકું, એવી હિંસા આપ પણ ન કરાવો તો તેવી પ્રાર્થના છે.”
–ઓશો, મરો હે જોગી મરો …………………………
ઓશો,
જેનો ક્યારેય જન્મ નથી થયો અને ક્યારેય મૃત્યુ થયું નથી.
જેમણે.
૧૧ ડિસેમ્બરે, ૧૯૩૧ થી ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ સુધી પૃથ્વી નામના
આ ગ્રહનો પ્રવાસ કર્યો.
બસ, બધું મળીને આ જ છે ભારતના આ સદીઓ માટેના મનીષી અને નોખા અનોખા ગુરુની વાત.
by Bhadrayu Vachhrajani | Dec 20, 2025 | અખંડ આનંદ |



સુખ માંગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે.
‘પૂર્ણતાને પંથે’ પુસ્તકમાં જુગલબંધી છે.જેમાં શબ્દો શ્રી બ્રહ્મવેદાંત સ્વામીજીના છે, પણ શબ્દોમાં રમતું પ્રાણતત્વ પૂજ્ય રામદુલારે બાપુનું છે.
‘પૂર્ણતા ને પંથે’ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી રાજેન વકીલ લખે છે કે, 1975 ની ગુરુપૂર્ણિમાના થોડા અઠવાડિયા પહેલા માધવપુરના સ્વામી બ્રહ્મ વેદાંતજીને ત્યાં મારા માતા-પિતા સાથે એક સંતના દર્શનનો લાભ મળ્યો. બપોરના આશરે ચાર વાગ્યાના સમયે સૂર્યપ્રકાશ અંદર ન પ્રવેશે એવા બંધ બારીના ઓરડામાં સ્વામી બ્રહ્મ વેદાંતજીના પરિવાર સાથે એ સંત બેઠા હતા. તેઓ સ્વામી રામ દુલારે બાપુ હતા. અમે અંદર ગયા, એમણે આવકાર્યા, એમની પાસે અમે બેઠા. એક સહજ રમુજ વૃત્તિથી તેઓ જ પ્રશ્નો પૂછતા અને પ્રશ્નોના જવાબો આપતા.
બપોરના સમયે મારું માથું ખૂબ જ દુખતું હતું. એમણે પૂછ્યું, “શું માથું દુખે છે?” મેં હા પાડી. દશેક મિનિટ સુધી તેઓ મારી સાથે કશું બોલ્યા નહિ, દસ મિનિટ પછી એમણે કહ્યું, “હવે માથું દુઃખે છે?” મેં કહ્યું, ‘હવે નથી દુઃખતું.’ તેઓ બોલ્યા, “પણ મારું દુખવા માંડ્યું એનું શું?” મેં વાંચેલું કે જીસસે માનવ જાતના દુઃખો પોતાના ઉપર લઈ લીધા હતા. પહેલી વાર નાને પાયે આ બાબતનો જીવંત અનુભવ થયો. એ દિવસથી રામદુલારે જી નું પાર્થિવ શરીર શાંત થયું ત્યાં સુધી સાત વર્ષ એક અદભુત ગાઢ સંબંધની શરૂઆત થઈ. આ સમય દરમિયાન એ મારા જીવનના કેન્દ્રસ્થાને રહ્યા અને મારું જીવન એમની આસપાસ ગોઠવાતું રહ્યું. એ ગુરુ હતા અને હું શિષ્યની ભૂમિકામાં ગોઠવાવાનો પ્રયત્ન કરતો હતો. આજે જે કંઈ છું એ એના ઘડતરનાં ફળ સ્વરૂપે છું. આ સાત વર્ષ દરમિયાન મારા જીવનની દરેક સારી-નરસી ઘટનાઓ, દરેક સંઘર્ષ અને મથામણ, પ્રત્યેક નિરાશામાં એમની હાજરીનો મને અનુભવ થયો છે. કેટલાય લોકોનાં દાવાઓ છતાં એ કોણ હતા? ક્યાંથી આવ્યા? એ હંમેશ ને માટે ગૂઢ રહસ્ય રહ્યું છે અને લાગે છે કે રહેશે.
તેઓ એક સંન્યાસી હોવા છતાંય જીવન વ્યવહારમાં નિપુણ હતા. અંગ્રેજીમાં એક કહેવત છે ‘jack of all and master of none’. પરંતુ તેઓ Master of all હતા. જે પૂર્ણતા માટે જન્મ્યા છીએ તેના તરફ જાણે કે તેઓ આપણને લઈ જવા માગતા હોય, એમ જીવનનાં નાનામાં નાના દરેક પ્રસંગે તે પૂર્ણતા એમનામાં પથરાયેલી આવતી. નાના કુટુંબની રસોઈ હોય કે 100-200 માણસોની રસોઈ હોય, સંચા પર કપડાં સીવવાના હોય કે નાના બાળકો માટે કાગળ અને કાતરથી રમકડા બનાવવાના હોય, આશ્રમમાં ખાડા ખોદીને ઝાડ-પાન વાવવાના હોય, કે વાસ્તુના નિયમો પ્રમાણે આશ્રમનું પ્લાનિંગ કરવાનું હોય, બીજના ચંદ્રનું પૂજન હોય કે પાયાનું ખાતમુર્હુત હોય, મોટી ધંધાકીય આંટીઘૂંટીઓ ને એ જ સરળતા અને સહજતાથી તેઓ ઉકેલી નાખતા. એટલી જ સરળતાથી ગૃહસ્થ જીવનના નાના-નાના પ્રશ્નોને ઉકેલી આપતા.
મને યાદ છે કે જ્યારે આશ્રમમાં આવતા ત્યારે સવારની ચા અને છાપું ટ્રેમાં લઈ જતો. એમને ચા પીતા અને છાપુ વાંચતા જોઈને એટલો આનંદ થતો કે જાણે એ પૂર્ણતા તેમનામાંથી વહીને મને સ્પર્શી જતી હોય. જેમાં કશુંય વધઘટ ન કરી શકાય, જે અરૂપ છે, જે અપરિછિન્ન છે, અખંડ છે, અસીમ છે, એ આખરી કે અંતિમ સત્ય કે જેને તેઓ પૂર્ણતા કહેતા એ તરફ એમનો સંકેત હતો.
આપણી મૂળ શોધ તે પૂર્ણતાને પામવાની છે. આપણે જયારે સ્ત્રી કે પુરુષ ને શોધીએ છીએ, પદ-પ્રતિષ્ઠા શોધીએ છીએ, પૈસા શોધીએ છીએ, ત્યારે પૂર્ણતાને જ શોધી રહ્યા હોઈએ છીએ. આપણી દરેક કામનાનાં મૂળમાં એ પૂર્ણતા માટેની શોધ છુપાયેલી છે. આપણને એવો ભ્રમ છે કે, કામનાની તૃપ્તિમાં પૂર્ણતા છે. આપણું આખું જીવન સુખની પાછળ દોડવામાં અને દુઃખથી દૂર ભાગવામાં પૂરું થાય છે. આપણને ખ્યાલ જ નથી કે, પૂર્ણતાની અંદર સુખ અને દુઃખ બંને છે. સુખ અને દુઃખ એકબીજાના વિરોધી નથી, પરસ્પર પુરક છે. દુઃખનો ઇન્કાર એ પૂર્ણતાનો ઇન્કાર છે.
આપણે મંદિરોમાં, ગુરુઓ પાસે ને બીજે ઠેર-ઠેર સુખનું ભિક્ષા પત્ર લઈને ફરીએ છીએ એ ખ્યાલ વગર કે, સુખ અને દુઃખ તો જોડિયા ભાઈ-બહેનો છે. સુખ માંગવામાં દુઃખનું આમંત્રણ છુપાયેલું છે. સુખ માંગીએ છીએ અને દુઃખી થઈને રડીએ છીએ. આપણી આ સ્થિતિને બેહોશી અજ્ઞાનતા કહેવામાં છે.
પૂર્ણતાને પંથે એક અજોડ અને અદ્વિતીય પુસ્તિકા છે. જેમાં પૂજ્ય રામદુલારે બાપુ 18 દિવસના જ્ઞાન યજ્ઞમાં આપણી આંગળી પકડીને અજ્ઞાનતામાંથી પૂર્ણતાને પંથે લઈ જાય છે. આ પુસ્તકમાં છુપાયેલા અનેક ગૂઢ રહસ્યોનો સ્વામી શ્રી બ્રહ્મવેદાંતજીએ એમનાં અમૂલ્ય પ્રવચનો દ્વારા ઉઘાડ કર્યો છે. આ એક જુગલબંધી છે. જેમાં શબ્દો સ્વામીજીના છે પણ શબ્દોમાં રમતું પ્રાણ પૂજ્ય બાપુનું છે. આ શબ્દાંજલિ દ્વારા તેઓ આપણા જીવન સાધકોના હૃદયો પૂજ્ય બાપુનાં પ્રાણથી ભીંજવી નાખે એ બદલ આપણે કૃતજ્ઞ રહીએ.
શ્રી રાજેન વકીલ દ્વારા 16મી ફેબ્રુઆરી 2017ના રોજ લખાયેલી આ પ્રસ્તાવના છે. અહીં તેને પેશ કરવાનું સીધું કારણ એ છે કે, તેઓના શબ્દો અનુભૂતિમાંથી ઉતર્યા છે, એટલે તે સીધા જ આપણને સ્પર્શી શકે એવા છે અને પુસ્તક સુધી આપણને દોરી જઈ શકે તેમ છે.
ભાવકો પુસ્તક મેળવીને સાધના પથ ખોજી શકે તેમ છે.
by Bhadrayu Vachhrajani | Dec 20, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’
કોઈ ઓશો પ્રેમી કે ઓશો વિરોધી પ્રશ્ન પૂછે કે,
ઓશો કોણ છે?
ઓશો શું છે?
ઓશો ક્યાં છે?
ઓશો ઓશો કેમ છે?
ઓશો ક્યારે ક્યારે છે?
આ બધા જ પ્રશ્નના જવાબ એક જ લેખમાંથી મળે તો?? હા, તે જવાબ મળી શકે. બધા જ પ્રશ્નોના જવાબ છે, સ્વામીશ્રી સત્ય વેદાંતજીએ પૂર્વાશ્રમના નામ વસંત જોશી બનીને લિખિત પુસ્તક “વિદ્રોહી ઋષિ: ઓજસ્વી ઓશો”. માં….
આવો આપણે ઓશોને તાત્વિક માર્ગે ઓળખીએ.
“તિબેટન બુદ્ધિઝમ સંપ્રદાયના કર્ગ્યુપ્ત (અથવા રેડ હેટ) ના સદ્ગત મુખી, લામા કારમાપાએ કહ્યું છે કે ‘ભારતમાં બુદ્ધ પછી ઓશો એ મહાનતમ અવતાર છે. તેઓ જીવતા બુદ્ધ છે.’ સાચે જ, ઓશોએ નૂતન માનવજીવન તેમ જ નૂતન વિશ્વ માટે દૃષ્ટાનું પ્રબુદ્ધ દર્શન અને પ્રતિભાવંત રચનાત્મક નકશો એમ બંને આપ્યાં છે.
ઓશો એ કોઇ વ્યક્તિ નથી, ઓશો એક વિલક્ષણ ઘટના છે. કોઇ એમના હોવાપણાનો અર્થબોધ કરી શકે તેમ નથી અને તેઓને શબ્દોમાં વર્ણવવા પણ અસંભવ છે. ઓશો એટલે કે સૂર્ય – પ્રકાશમાન, શક્તિમાન, ઓજસ્વી અને પોષણ કરનારા. જેમ કે આપણે ~ આપણી આંખોથી સૂર્યને ન જોઇ શકીએ પણ સૂર્ય દ્વારા પ્રકાશિત કિરણોમાં આપણે સઘળું જોઇ શકીએ. એવી જ રીતે ઓશોના તેજથી આપણે જીવનની વાસ્તવિકતાઓને જોઇ શકીએ પણ સ્વયં ઓશોને ન જોઇ શકીએ.
ઓશો એક એવા ‘જાગ્રત વ્યક્તિ’ છે, એક એવો પ્રબુદ્ધ પુરુષ છે કે જેઓએ જે છે તે જોયું, એમના શુદ્ધ ચૈતન્ય દ્વારા જોયું, નહીં કે કોઇ માનસિક પ્રક્ષેપણ દ્વારા. તેઓ બતાવે છે કે દુ: ખ એ મનનું સર્જન છે અને એ મનને અતિક્રમી શકાય છે.
ઓશો એક વિદ્રોહી છે, નહીં કે ચુસ્ત રૂઢિવાદી. તેઓ એવા પ્રત્યાઘાતી પણ નથી કે જે એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરતા હોય. તેઓ હંમેશાં સંતુલિત અવસ્થામાં રહ્યા છે. ઓશો એવા વિદ્રોહી નથી, જેનો શબ્દકોષમાં વ્યાખ્યાતિત કરવામાં આવેલા અર્થો – ‘વળતો પ્રહાર કરવો’ કે ‘કોઇની સામે લડવું’ એવો ભાવ દર્શાવતા હોય. જો કે ઓશો સ્વભાવગત રીતે વિદ્રોહી હતા પણ ‘વળતો પ્રહાર કરવો’ એ અડધું ચિત્ર બતાવે છે, જે સંપૂર્ણ નથી. ઓશો માત્ર જે કંઇ ખોટું છે તેની સામે લડ્યા નથી, કે જેણે જે કંઇ જૂનું, અપરિપક્વ કે અપ્રસ્તુત હોય તેને ફગાવી દીધું હોય. પણ તેઓએ એક નૂતન દૃષ્ટિ પણ આપી છે, એક નવો પ્રકાશ આપ્યો છે, જેનાથી આપણે આપણને અને આપણી આસપાસના વિશ્વને વધુ સ્પષ્ટતાથી અને વધુ સમજણથી જોઇ શકીએ. તેઓએ વિદ્રોહીના બીજા અડધા ભાગને સંપન્ન કર્યો છે; તેઓએ સમગ્ર માનવજાત માટે એક નૂતન દૃષ્ટિ આપી છે કે જેનાથી એક બહેતર જિંદગી જીવી શકાય. એટલા માટે જ ઓશો એક સ્વ-વ્યાખ્યાયિત ઘટના છે, તેઓ ખુદ પોતાની વ્યાખ્યા છે.
તેઓની પાસે કોઇ નકશો નથી, કોઇ માર્ગદર્શિકા નથી, પ્રત્યેક ક્ષણ તેઓ માટે નવી છે. દરેક ક્ષણે તેઓ નૂતન અવકાશમાં, એક નવા અનુભવમાં, પોતાના આગવા સત્યમાં અને પોતાના આગવા દર્શનમાં પ્રવેશે છે. ખરેખર તેઓનું જીવન અને કાર્ય એક લીલા છે. આ લીલાનો કોઇ તર્કસંગત અર્થ કાઢી શકાય તેમ નથી. તે તર્ક અને બુદ્ધિથી પર છે, એ સહજ, અસ્તિત્વગત અને શુદ્ધ ચેતનાનો પાર-બોદ્ધિક દિવ્ય ખેલ છે.
ઓશો એક વિદ્રોહી છે કારણ કે તેઓએ એમના સમયમાં, એમની પોતાની રીતે અને જે જગ્યા પસંદ કરી હોય ત્યાં સમાજ દ્વારા માનવજાત માટે પ્રતિબંધિત પરંપરાગત રૂઢિઓ અને ખ્યાલો સામે પડકાર ફેંક્યો છે. વિદ્રોહી કદી ડરતો નથી કેમ કે કંઇ પણ પ્રતિબંધિત છે તેને બદલાવવામાં તે માનવજાતના ભવિષ્યના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે. વાસ્તવમાં વિદ્રોહી દર્શાવે છે, જેમ ઓશોએ એમના દર્શનની શક્તિ દ્વારા બતાવ્યું, કે તેઓ જ માનવજાતનું ભવિષ્ય છે.
એક વિદ્રોહી, પાખંડ અને જીવનની નકારાત્મકતા અને અસત્ય સામે લડવામાં હંમેશાં એકલો જ હોય છે. ઓશો કહે છે, “હું એકલો રહીને પણ બહુમતમાં છું.” આપણે તેઓને કોઇ જ શ્રેણીમાં વિભાજિત કરી શકીએ તેમ નથી. તેઓ ઘોષિત કરે છે કે, “હું સ્વયં એક શ્રેણી છું, જેને વિભાજિત ન કરી શકાય.” સર્વ વિદ્રોહીઓ સ્વયં પોતે જ પોતાની એક શ્રેણી છે – બુદ્ધ, સૉક્રેટિસ, જિસસ, કબીર, મીરાં – આ સર્વ રહસ્યવાદીઓ તેઓની ક્રાંતિ અને દર્શનમાં અદ્વિતીય છે. ઓશો આવા વિદ્રોહીઓને, ‘ધરતી પરનું અસલી સત્ત્વ’ કહે છે.
ઓશો વાસ્તવમાં આત્માના વિજ્ઞાની છે. ઓશો એ ‘ધર્મ’ના માણસ નથી પણ તેઓનું અસલી હોવું એ ધાર્મિકતાનું પ્રતિબંધ છે. આપણે ઇશ્વરની શોધમાં જઇએ તેમ તેઓ નથી સૂચવતા પણ કદાચ ધ્યાન, પ્રેમ અને સજગતા દ્વારા આપણે આપણી આસપાસ ભગવત્તાને ફેલાવી શકીએ, તેમ સૂચવે છે. એટલે, તેઓનો સંદેશ છે: ભૂતકાળના બંધનમાંથી મુક્ત થાઓ, તમારો માર્ગ ખુદ શોધો તેમ જ હિંમત અને પ્રતિબદ્ધતા સાથે આગળ વધો.
જ્યારે સાંઇઠના દાયકાના પાછળનાં વર્ષોમાં તેઓ મુંબઇમાં (તે સમયનું બૉમ્બે) કૃષ્ણ પર પ્રવચન આપવા જતા હતા. જો તેઓ સાચેસાચ કૃષ્ણ પર પ્રવચન કરવાના છે તો તે જાણીને દરવાને આશ્ચર્યચકિત થઇને પૂછ્યું કે, ‘બે વર્ષ પહેલાં તો તમે કૃષ્ણ વિરુદ્ધ બોલવા માટે અહીં આવ્યા હતા.’ ઓશોએ જવાબ આપ્યો કે, ‘હા, જો હું કૃષ્ણ વિરુદ્ધ બોલું તો કોઈ ન આવે, માટે હું કૃષ્ણના પક્ષમાં બોલું છું. અને જો તમે આ વાતને દોહરાવશો તો હું તેનો ઇનકાર કરીશ!’
જે. કૃષ્ણમૂર્તિ સંદેહને સાથે રાખતા હતા, પણ તેને બદલે, ઓશોએ યથાર્થ બુદ્ધિપૂર્વકના સંદેહને પ્રથમ પાયાના વિશ્વાસ તરીકે રાખીને શરૂઆત કરી. આ સમયનું હાર્દ બતાવતાં તેઓ કહે છે: ‘હવે હું જે સત્ય બોલું છું તે મારું સત્ય છે કારણ કે હવે મને વિશ્વાસ છે કે તમે સમજશો, કારણ કે હવે તમને જિસસ, મહાવીર, બુદ્ધ કે કૃષ્ણ જેવાં માધ્યમોની જરૂર નથી. હું તમારી સામે સીધી અને ચોખ્ખી વાત કરી શકીશ. હવે મારે |શબ્દોની રમત રમવાની જરૂર નથી… મારે જે રમત રમવી પડી તે અનિવાર્ય અનિષ્ટ બિનઇશ્વરીય અને અધાર્મિક વ્યક્તિ પાસે આવ્યા હોત? જો તમે તમારી જાતને આ પ્રશ્ન હતો; તો એ વગર તમને શોધી શકવાનું શક્ય ન હતું. શું તમે એક નાસ્તિક, પારનૈતિક છો? એવું પૂછશો તો તમને સમજાશે કે મેં ધર્મ અને ધાર્મિક પરિભાષાનો ઉપયોગ કેમ કર્યો હતો. હું મારી વિરુદ્ધ તેનો તમારા માટે ઉપયોગ કરતો હતો. જેનો માત્ર તમારે ખાતર જ એક નાટક તરીકે ઉપયોગ કરતો હતો, પણ હવે તેની જરૂર નથી.’
વ્યક્તિત્વથી વ્યક્તિમતા તરફમાંથી સદ્ગુરુની ભૂમિકા ભજવતા, કેટલીક વખત રેલવે સ્ટેશનો પર પણ શિષ્યોને દીક્ષા આપીને, ‘ભગવાન’ નામનો સ્વીકાર કરીને, સંન્યાસ માટેની આપણી પરંપરાગત માન્યતાઓ સામે કટાક્ષ કરીને લોકોને ક્રોધિત કર્યા. અને એક દિવસ સહજ કહી દીધું કે, ‘મજાક પૂરી થઈ.’ જો કે ઓશોએ હંમેશાં ભારપૂર્વક કહ્યું છે કે તેઓના કોઇ અનુયાયીઓ નથી, માત્ર સહયાત્રીઓ છે, પણ અનુસરવું જ સરળ અને સગવડયુક્ત હોય છે. પછી આપણું કોઇ ઉત્તરદાયિત્ત્વ નથી રહેતું. કોઇ પોતાની જવાબદારી બીજા કોઇપણ ઉપર, ભગવાન, ગુરુ, બુદ્ધ, જિસસ કે કોઇ અન્ય ઉપર પણ મૂકી શકે છે. જેમ પક્ષી પોતાના પાલ્યને માળામાંથી બહાર કાઢવા માટે પ્રોત્સાહન આપે છે તેમ ઓશોએ ધીમેથી અને સાતત્યપૂર્ણ રીતે પોતાનો આધાર આપણી માન્યતાઓ પાસેથી સેરવી લીધો. આ એક તેજાબી કસોટી હતી. ઓશોની ઉપસ્થિતિમાં કશુંક બનવું એ એક વાત છે. પણ કોઇ બહારના આધાર વગર પોતાના જ આંતરિક સ્ત્રોતો પર આધાર રાખીને સ્વનું પુનઃ નિર્માણ કરવું અને પોતાનો વિકાસ કરવો એ એક અલગ વાત નથી શું? કોણે એવું ધાર્યું હશે કે આ શક્ય છે! પણ એમણે ભાખ્યું હતું તે પ્રમાણે આજે એમનું કાર્ય ‘આપણું મગજ બહેર મારી જાય એ રીતે’ વિસ્તરી રહ્યું છે.
અને એક દિવસ અચાનક એ છોડીને ચાલ્યા જાય છે. એ એક સમય હતો અલગ ઊભા રહેવાનો. એમની દ્રષ્ટિ એ શું કહે છે તેના કરતાં તેઓ શું સૂચિત કરી રહ્યા છે તેની સાથે વધુ સંબંધિત હતી. તેઓ આપણને એકલા છોડી દે છે. બિલકુલ એકલા, જેથી આપણે કોઇની સહાય ન લઇએ, કોઇ પયગંબરને વળગી ન પડીએ અને એથી આપણે એમ ન વિચારવા લાગીએ કે કોઇ ગૌતમ બુદ્ધ કે જિસસ આવીને આપણને બચાવી લેશે.
સાવ એકલા છોડી દેવાયેલા, આપણે સ્વયંનાં આંતરજગતનું કેન્દ્ર તો અનિવાર્યપણે શોધવું જ રહ્યું. તેઓ સ્પષ્ટ કરે છે કે:
‘બીજો કોઇ માર્ગ નથી, ક્યાંય જવાનું નથી, કોઇ સલાહકાર નથી, કોઇ શિક્ષક નથી, કોઈ ગુરુ નથી. તમને કદાચ એવું લાગતું હશે કે આ બધું હું કહું છું તે સખત છે. કઠોર છે, પણ હું આ કરી રહ્યો છું કેમ કે હું તમને ચાહું છું અને જે લોકોએ આમ નથી કર્યું તેઓએ તમને પ્રેમ કર્યો નથી. તેઓએ તેમને પોતાને જ પ્રેમ કર્યો છે અને પોતાની આસપાસ એક મોટી ભીડ ઇચ્છી છે.’ (ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Dec 7, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“મૃત્યુ – એ સૌથી વધુ સુંદર ઘટના છે અને સૌથી વધુ રહસ્યમય પણ…કોઇએ તેને ગુમાવવી જોઈએ નહીં.”
ઓશો માટે નદી એક આશ્ચર્યસ્થાન પણ હતું. જ્યારે પણ તેમને ખૂબ ઊંડા દુ: ખની લાગણી થતી ત્યારે તેઓ નદી પાસે આવી જતા અને ધ્યાનમાં બેસી જતા. તેમના મિત્રો ખાસ કરીને બે પ્રસંગો નોંધતા. તેમના કિશોરાવસ્થાની સાથી શશીનું અવસાન અને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં જ્યારે ગાંધીજીની હત્યા થઇ, ઓશોએ તેમના મિત્રોને કહ્યું હતું કે એમને એટલું બધું લાગી આવ્યું હતું કે તેઓ રડી પણ શકતા ન હતા. એ સાંજે તેઓ અને તેમના મિત્રો નદીએ આવ્યા અને ધ્યાનમાં બેઠા.
ઓશોએ મૃત્યુનો ખુલ્લંખુલ્લા સામનો કરવા માટે નદીનો ઉપયોગ કર્યો. તેમના કાકા, મિત્રો અને સંબંધીઓએ વર્ણવ્યું છે કે તેઓ ભયાનક રીતે વહેતી નદીમાં કેવા ભૂસ્કા મારતા હતા અને સામે કિનારે તરીને જતા હતા અથવા સિત્તેર ફૂટ ઊંચો પુલ ચડીને ત્યાંથી પૂરમાં ભરપૂર વહેતી નદીમાં કેવા ભૂસ્કા મારતા હતા. રૂંવાડાં ઊભાં કરી દે એવા અનુભવોમાંનો એક તો એ છે કે, તેઓ વમળમાં કૂદકા મારતા હતા. તેઓ માટે વમળમાં પડવું, “સુંદરતમ અનુભવોમાંનો એક અનુભવ હતો.” ઓશો પોતે વમળના સ્વભાવ અને તેના અનુભવ વિશે જણાવતાં કહે છે કે “વિશેષ કરીને વરસાદમાં પૂરમાં વહેતી નદીઓમાં. પ્રચંડ શક્તિશાળી અને તાકતવર, ઘણાં વમળો સર્જાય છે. પાણી સ્કૂની જેમ ગોળગોળ ફરે છે. જો તમે એમાં જકડાઈ જાઓ, તમને તળિયે ખેંચી જવા માટે ધક્કો લગાડવામાં આવે અને જેમ જેમ તમે વધુ નીચે જાઓ, વમળ વધુ તાકતવર બનતું જાય. અહંની સ્વાભાવિક વૃત્તિ એ હોય કે તેની સાથે લડીએ, ચોક્કસ, કેમ કે એ મૃત્યુ જેવું ભાસતું હોય અને અહં મૃત્યુથી ખૂબ જ ડરતો હોય. અહં વમળ સાથે લડવાનો પ્રયાસ કરે અને તમે પૂરમાં વહેતી નદી અથવા ધોધની નજીક જ્યાં ઘણાં જ વમળો સર્જાતા હોય. તેમાં ખોવાઈ જાઓ કેમ કે વમળો ખૂબ જ શક્તિશાળી હોય છે. તમે તેની સાથે ન લડી શકો. ‘અને વમળનું આ એક લક્ષણ છે, સપાટી પરથી તે મોટું લાગે, પણ જેમ જેમ ઊંડા જાઓ તેમ તેમ નાનું અને નાનું થતું જાય- વધુ તાકતવર પણ નાનું. અને જ્યારે લગભગ તમે વમળના તળિયે જતા રહો ત્યારે તે એટલું નાનું થઇ ગયું હોય કે તમે એમાંથી સરળતાથી લડ્યા વગર જ બહાર આવી શકો. વાસ્તવમાં, તળિયાની નજીક, વમળ જ તમને જાતે બહાર ફેંકી દે. પણ તમારે તળિયા માટે રાહ જોવી પડે. જો તમે સપાટી પરથી જ લડવાનું શરૂ કરી દો, તો તમે પતી ગયા, તમે બચી ન શકો. મેં ઘણી વખત ઘણા વમળો સાથે પ્રયત્નો કર્યા છે; જે અનુભવો ખૂબ જ સરસ છે.’
આ વિવરણ ઓશોની મૃત્યુ વિશે આંતરસૂઝને વર્ણવે છે. જેમ જેમ મૃત્યુ સાથે લડો, તેમ તેમ તમે વિખેરાઇ જાઓ અને તેનાથી ચહેરાઇ જાઓ; પણ તેનો પ્રતિકાર કરવાને બદલે, કોઇ તેમાં ધ્યાનપૂર્વક ઊંડા જવાની પરવાનગી આપે, તો તે/તેણી જબરદસ્ત રોમાંચક અનુભવમાંથી બહાર આવી શકે. જો કોઇ રહસ્યોને વીંધીને જવાની કોશિશ કરે અને તેના પાયા સુધી પહોંચી શકે, તો તે નુકસાન વગર તેમાંથી સ્વયંભૂ બહાર આવી શકે અને ભયથી પણ મુક્ત થઇ જાય.
એક બાળક તરીકે, ઓશોનું મૃત્યુ સાથેનું અનુસંધાન અસાધારણ હતું. મૃતદેહને ઊંચકીને અગ્નિસંસ્કાર માટે લોકો લઇ આવતા એ એમનો સામાન્ય અનુભવ હતો. જ્યારે એમનાં માતા-પિતા એમને પૂછતાં કે એ અવારનવાર અજાણ્યા લોકોના અગ્નિસંસ્કાર માટે શા માટે સ્મશાન ગૃહે જાય છે, તો તેઓ કહેતાઃ “માણસ મારી ચિંતાનો વિષય નથી. મૃત્યુ – એ સૌથી વધુ સુંદર ઘટના છે અને સૌથી વધુ રહસ્યમય પણ. કોઇએ તેને ગુમાવવી જોઇએ નહીં.” એને વધુ વર્ણવતાં ઓશો કહે છે કે: એટલે જે ક્ષણે મને ખબર પડે છે કે કોઇનું અવસાન થયું છે, ત્યાં શું બની રહ્યું છે તે જોવા માટે, તેનો સાક્ષી બની રહેવા અને તેનું અવલોકન કરવા માટે હું જતો. લોકો મૃત્યુને કેવી રીતે શાસ્ત્રીય અર્થ આપતા અને શાસ્ત્રોમાં લખાયેલાં ટાંચણોને જે રીતે રજૂ કરતા તેને તેઓ ધ્યાનથી સાંભળતા અને અવલોકતા. આ પ્રકારની મૂર્ખતા ઓશોને ઉશ્કેરતી. ‘મને લાગતું કે તેઓ એને અવગણી રહ્યા છે, જે ઘટના બની રહી છે તેને જોવાને બદલે ચર્ચામાં વ્યસ્ત રહીને તેને અવગણી રહ્યા છે. તેઓ મૃત વ્યક્તિ તરફ જોતા નહોતા. અને એ ત્યાં જ હતું, મૃત્યુ સામે જ હતું અને તમે તેની ચર્ચા કરી રહ્યા છો, કેવા મૂર્ખ લોકો!!
ઓશોની મૃત્યુ જંખનાને લઈને પરિવારના સૌ લોકોને તેની ચિંતા થવા લાગી. ઓશો ભલે ભૌતિક રીતે મૃત્યુ માંથી બચી ગયા પરંતુ એમણે ચેતના સ્તરે મૃત્યુનો એક વખત વધુ સામનો કર્યો. તેમણે પરિવાર ને કહ્યું કે જો જ્યોતિષે જે કહ્યું હોય તે મુજબ મૃત્યુ નિશ્ચિત જ હોય તો તેઓ એના માટે પહેલે થી તૈયાર થઈ જાય એ હિતાવહ છે. પરિવારના લોકો આ સાંભળીને આઘાત પામ્યા. પણ એમના આયોજનમાં હસ્તક્ષેપ કોઈએ ન કર્યો. ઓશો એમના આયોજનને આગળ ધપાવવા મક્કમ હતા. તેઓ શાળાના આચાર્યને મળવા ગયા અને સાત દિવસની રજા માટે વિનંતી કરી. તેઓએ આચાર્યને કહ્યું કે તેઓ મૃત્યુ પામવા જઇ રહ્યા છે. આચાર્યને એમના કાન પર જ વિશ્વાસ પડ્યો નહીં. એમણે વિચાર્યું કે, ઓશો આપઘાત કરવા જઈ રહ્યા છે, એટલે વધુ સમજાવટ માટે પૃચ્છા કરી. ઓશોએ એમના ચૌદમાં વર્ષે મૃત્યુની શક્યતા વિશે જ્યોતિષીએ કરેલી ભવિષ્યવાણી વિશે આચાર્યને જણાવ્યું. તેઓએ આચાર્યને એ પણ કહ્યું કે, “હું સાત દિવસ માટે મૃત્યુની રાહ જોવાના આનંદ માટે જઇ રહ્યો છું, જો મૃત્યુ આવે અને હું તેને ચેતન અવસ્થામાં મળી શકું તો એ સારો અનુભવ કહેવાય.”
આચાર્ય સ્તબ્ધ બની ગયો અને રજા પણ મંજૂર થઇ ગઇ. પછી ઓશો એમના ગામની નજીક એક જીર્ણશીર્ણ એવા એકાંત અને પુરાણા મંદિરે ચાલ્યા ગયા. એક પૂજારી પોતે જેટલી દેખભાળ રાખી શકતા હતા તેટલી રાખતા હતા. ઓશોએ પૂજારીને સૂચના આપી દીધી કે કોઇ એમને વિઘ્ન ન પહોંચાડે અને એમ પણ કહ્યું કે એમને દિવસમાં એક જ વખત ખાવા પીવા માટે કંઇક પૂરું પાડે, જ્યારે તેઓ મંદિરમાં મૃત્યુની રાહ જોઇ રહ્યા હોય. ઓશો માટે એ ખૂબ સુંદર અનુભવ રહ્યો. હા! સાચેસાચ મૃત્યુ તો કદાપિ ન આવે, પણ ‘મૃત્યુ પામવા માટે‘ શક્ય હોય તેટલું બધું જ કરી છૂટ્યા. તેઓ અસાધારણ અને વિચિત્ર લાગણીઓમાંથી પસાર થયા. ઘણી બધી બાબતો એમની સાથે બની, પણ ઓશો જેમ કહે છે તેમઃ “પાયાની વાત એ છે કે જો તમને એમ લાગતું હોય કે તમે મૃત્યુ પામી રહ્યા છો, તો તમે શાંત અને મૌન બની જશો.”
એમના કેટલાક અનુભવો તો ઘણા આશ્ચર્યચકિત કરનારા હતા. મૃત્યુના ભયના સંબંધમાં એક વાત આ પ્રમાણે કરે છે: ‘હું ત્યાં પડી રહ્યો હતો. ત્રીજા કે ચોથા દિવસે મંદિરમાં એક સાપ આવ્યો. મને દેખાતું હતું, હું સાપને જોઇ રહ્યો હતો. પણ ભય નહોતો. અચાનક મને બહુ અચરજ જેવું લાગ્યું, સાપ નજીક અને નજીક આવતો હતો અને મને ઘણું જ નવાઇભર્યું લાગતું હતું. ભય બિલકૂલ નહોતો. તો મેં વિચાર્યું કે જ્યારે મૃત્યુ આવવાનું જ હોય તો, એ સાપ દ્વારા પણ આવી શકે, તો ભય કેમ પામવાનો? રાહ જુઓ! સાપ મારી ઉપરથી પસાર થઇને ચાલ્યો ગયો. ડર અદ્રશ્ય થઇ ગયો હતો. જો તમે મૃત્યુને સ્વીકારી લો તો પછી ભય નથી રહેતો. જો તમે જિંદગીને વળગેલા રહો તો પછી ત્યાં દરેક પ્રકારનો ભય રહે છે.’
એક વખત મૃત્યુને વાસ્તવિકતા તરીકે સ્વીકારી લો, એ સ્વીકાર તરત જ એક અંતર સર્જે છે. એ બિંદુ જ્યાંથી જિંદગીમાં બનતી ઘટનાઓના પ્રવાહને એક દ્રષ્ટા તરીકે નિહાળી શકાય. સામાન્ય રીતે ઘટનાઓની સાથે આવતાં દુ: ખો, યાતનાઓ, ચિંતાઓ અને વિડંબનાઓને આ સઘળું પરે લઇ જાય છે. ઓશો આ પ્રકારની અલગાવની સ્થિતિના સંબંધમાં એમના અનુભવને વર્ણવતા કહે છેઃ ‘ઘણી વખત માખીઓ મારી આજુબાજુ ઉડતી, મારી આસપાસ મંડરાતી, મારા ચહેરાની આસપાસ. ઘણી વખત હું ઉશ્કેરાઈ જતો, અને તેમને ઉડાવી દેવાનું ચાહતો, પણ મેં વિચાર્યું, આનો શો ઉપયોગ છે? વહેલા કે મોડા હું મરી જવાનો છું પછી આ શરીરને બચાવવા માટે કોઇ રહેવાનું નથી. તો તેઓને તેમનો રસ્તો કરવા દો. જે ક્ષણ મેં એમ વિચાર્યું કે, તેઓને તેમનો રસ્તો કરવા દો, કે તરત ઉશ્કેરાટ જતો રહ્યો. તેઓ શરીર ઉપર હતી પણ જાણે મને એમની પરવા નહોતી. તેઓ ફરતી હતી, જાણે કોઈ બીજાના જ શરીરની આસપાસ ફરતી હતી. તરત જ એક અંતર નિર્માણ થઈ ગયું. જો તમે મૃત્યુને સ્વીકારો તો અંતર નિર્માય જાય છે. જિંદગી એની બધી જ ચિંતાઓ, ઉશ્કેરાટો અને બધાંથી દૂર, આગળ નીકળી જાય છે.'(ક્રમશ:)
by Bhadrayu Vachhrajani | Dec 1, 2025 | સ્વૈર વિહાર - મધુવન |

“જીવન માટેની તૃષ્ણા શરૂ થાય તે પહેલાં જ મૃત્યુએ મારી સામે તાકીને જોયું.”
ઓશોને મૃત્યુનો પહેલો અનુભવ નાની બહેન કુસુમના અવસાન સમયે થયો. ઓશોને એ ખૂબ વહાલાં હતાં. એમના અવસાનથી ઓશો ખૂબ વ્યથિત થયા અને ભોજનનો ઇનકાર કરી દીધો અને પારંપરિક જૈન સાધુની જેમ વર્તવાનો આગ્રહ કર્યો, પંચિયું પહેરીને ભિક્ષાપાત્ર લઇ લીધું. તેઓની માતાએ એ દૃશ્યનું વર્ણન કરતાં આ પ્રમાણે કહ્યું- ‘‘તે એમને એક પંગતમાં ભોજન લઇને બેસવાનું કહેતા. સાધુ જેવાં વસ્ત્રો પહેરીને એક છેડેથી બીજા છેડે હાથમાં ભિક્ષાપાત્ર લઇને ભોજન માગતા.”,
મૃત્યુ સાથેના આવા અનેક સામનાઓ એમના પોતાના જ અનુભવોનો એક ભાગ હતા. એમાંના મહત્ત્વના ત્રણ પ્રસંગો વિશે એક જ્યોતિષીએ આગાહી પણ કરી હતી. ઓશોના દાદાએ એક અતિ નામાંકિત જ્યોતિષીની સલાહ લીધી હતી, જેમણે ઓશોના જન્માક્ષર જોઇને આગાહી કરી હતી કે, આ બાળક સાત વર્ષ પછી જીવિત નહીં રહે. તેઓએ એ વાતને નોંધપાત્ર ગણી નહીં, માટે આટલું અલ્પ જીવન નિયત થયેલી વ્યક્તિ માટે બીજી કુંડળી તૈયાર કરાવી. જ્યોતિષીના અવસાન પછી, એમના દીકરાએ ઓશોની જન્મપત્રિકા પર કાર્ય કરવાનું ચાલું રાખ્યું. પુત્ર પણ મૂંઝવણમાં મુકાયા અને છેવટે જાહેર કર્યું કે, આ બાળક દરેક સાત વર્ષ પછી મૃત્યુનો સામનો કરશે અને એકવીસ વર્ષની ઉંમરે લગભગ મૃત્યુ પામશે. આ ભવિષ્યવાણીએ સ્વાભાવિક રીતે જ ઓશોનાં માતા-પિતા અને કુટુંબીજનોને ચિંતામાં મૂક્યાં. પણ, ઓશો નોંધે છે તેમ, જ્યોતિષીઓ એક રીતે સાચા હતા, સાત, ચૌદ અને એકવીસ એ વર્ષો હતાં જેમાં એમણે મૃત્યુનો ઊંડાથી પણ ઊંડો સામનો કર્યો.
ઓશો મૃત્યુના એમના પ્રથમ સૌથી ગહન અનુભવ વિષે બોલતાં કહે છે : સાત વર્ષની ઉંમરે હું બચી ગયો, પણ મને મૃત્યુનો ગહન અનુભવ થયો, મારો પોતાનો નહીં પણ મારા નાનાના અવસાનનો. હું એમની સાથે એટલો બધો જોડાયેલો હતો કે, એમના મૃત્યુમાં મને મારું જ મૃત્યુ દેખાયું. મારા નાનાએ મૃત્યુ પહેલા આઘાતમાં જ એમની બોલી ગુમાવી દીધી. ચોવીસ કલાક તો અમે ગામમાં રાહ જોઈ કે કોઈને કોઈ ઘટના તો બનશે, જો કોઈ સુધારો થયો નહીં. મને યાદ છે, એ કૈંક બોલવા માટે મથામણ કરી રહ્યા હતા, પણ કંઇ કરી શક્યા નહીં. એમને કંઇક કહેવું હતું, પણ કહી શક્યા નહીં. એટલે અમારે એમને બળદગાડામાં ગામ તરફ લઇ જવા પડ્યા. ધીમે ધીમે એમની ઇન્દ્રિયોએ એક પછી એક એમ કામ કરવાનું છોડી દીધું. તેઓ એક જ ઝાટકે મૃત્યુને ન પામ્યા, પણ ધીમે ધીમે અને દર્દપૂર્ણ રીતે. પ્રથમ તેઓનું બોલવાનું બંધ થયું. પછી સાંભળવાનું. પછી તેઓએ એમની આંખો પણ બંધ કરી. બળદગાડામાં હું આ બધું ખૂબ નજીકથી જોતો રહ્યો અને બત્રીસ કિલોમીટરની લાંબા અંતરની મુસાફરી હતી. જે કંઇ બની રહ્યું હતું એ એ સમયે મારી સમજની બહાર હતું. આ પહેલું મૃત્યુ હતું જેને હું મારી નજરે જોઈ રહ્યો હતો અને તેઓ ગુજરી રહ્યા છે તે પણ હું સમજી શકતો નહોતો. ઇન્દ્રિયોને ધીમે ધીમે ગુમાવતાં છેવટે એમનું મરી જવું, એણે મારી સ્મૃતિ પર ખૂબ ઊંડી છાપ અંકિત કરી.’ એવું લાગ્યું, જાણે એમના વહાલા નાના અદૃશ્ય થઇ જવાથી ઓશોની આખી દુનિયા જ અલગ થઇ ગઇ હોય.
ઓશો એમના નાનાના અવસાન વખતે એમને કેવું લાગી આવ્યું હતું એ વર્ણવતાં કહે છે.
“જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે મને લાગ્યું કે, ખાવું એ એક વિશ્વાસઘાત થઇ પડશે. હવે, મારે જીવવું નથી. જો કે એ નાદાની હતી, પણ એ દ્વારા કશું ગહન ઘટી ગયું. ત્રણ દિવસ હું પડી જ રહ્યો. હું પથારીમાંથી બહાર નહોતો નીકળતો. હું કહેતો, જો એ મરી ગયા છે તો હું જીવવા નથી ઇચ્છતો.’ હું જીવી ગયો પણ એ ત્રણ દિવસો મૃત્યુનો અનુભવ બની ગયા. હું એક રીતે મરી ગયો હતો. અને મને એ સમજમાં આવ્યું હતું કે – હવે, એ વિશે હું કહી શકું એમ છું કે-એ સમયે એ એક અસ્પષ્ટ અનુભવ જ હતો. મને એ લાગી રહ્યું હતું કે મૃત્યુ અસંભવ છે.”
ઓશો એ વાતને આ રીતે મૂકે છે: ‘જીવન માટેની તૃષ્ણા શરૂ થાય તે પહેલાં જ મૃત્યુએ મારી સામે તાકીને જોયું. મારા જીવનના પ્રથમ તબક્કે જ કોઇપણ મારા જીવનનું કેન્દ્ર બને એ શક્યતા જ મારા માટે નાશવંત થઇ ગઇ. સાત વર્ષની ઉંમરે એકાંતની હકીકતે મારો કબજો લઇ લીધો. એકલતા મારો સ્વભાવ બની ગઇ. એ મૃત્યુએ
મને બધા સંબંધોમાંથી હંમેશાં માટે મુક્ત કરી દીધો. એ મૃત્યુ મારા માટે તમામ વળગણોનું મૃત્યુ બની રહ્યું. એ પછી હું કોઇની પણ સાથે બંધન પ્રસ્થાપિત ન કરી શક્યો. જયારે પણ કોઈની સાથેનો સંબંધ પ્રગાઢ બને કે મૃત્યુ મને તાકી રહેતું.’
ઓશો સમજાવે છે કેઃ ‘એ એકલતાની પ્રથમ લાગણી ઊંડીને ઊંડી બનતી ગઈ, જીવનમાં કશુંક નવું જ ઘટી રહ્યું હતું. પ્રથમ તો એ એકલતાએ મને દુ: ખી જ કર્યો, પણ ધીમે ધીમે એ સુખમાં પરિવર્તિત થતી ગઇ. એ પછી, મેં કદી અસુખને સહન કર્યું નથી.’
એમને એ દેખાવા લાગ્યું કે એ એકલતા વાસ્તવમાં પોતાની જાતના જ કેન્દ્રમાં રહેવાની એક અવસ્થા છે, એવી અવસ્થા જેમાં બીજા પર અવલંબિત રહેવાનું બહુ ન લાગે. અવલંબનમાંની આ મુક્તિએ વાસ્તવમાં તેઓને કાયમી સુખી બનાવી દીધા. તેઓ નોંધે છે: ‘પોતાની જાત તરફ પુનઃ પાછા વળવા સિવાય બીજો કોઇ માર્ગ જ નથી. આ કહેવા, હું મારી જાતમાં પાછો ફેંકાયો. ધીમે ધીમે તેણે મને વધુને વધુ સુખી બનાવ્યો. પાછળથી મને એ લાગ્યું કે એ નાજુક ઉંમરમાં મૃત્યુનું એ અવલોકન મારા માટે અભિશાપમાં આશીર્વાદ બની રહ્યું.’ આ ઘટનાની નાના બાળકના વિકાસમાં બહુ ગહેરી અસર હતી. ઓશો તેને પોતાના શબ્દોમાં મૂકે છે. ‘આ ઘટનાને હું પ્રથમ ગણું છું કે જેણે મારા પર ઊંડી અસર અને છાપ છોડી હોય. એ દિવસથી, પ્રત્યેક દિવસ, પ્રત્યેક ક્ષણ, જીવનની સજગતા અચૂકપણે મૃત્યુની સજાગતા સાથે જોડાઇ ગઇ. ત્યારથી હોવું કે ન હોવું મારા માટે સરખાં મૂલ્યવાન બની ગયાં.’
ઓશો એક એવી વ્યક્તિ શોધવામાં નસીબદાર હતા જે નદીના પ્રેમમાં ગરકાવ હતી. આ માણસે યુવાન ઓશોને તરવાના પ્રથમ પાઠો આપ્યા, નદીનો સ્પર્શ કરાવી આપ્યો. આ તરવૈયા ગુરુએ જે રીતે તરવાનું શીખવ્યું કે તે થકી યુવાન ઓશોને સંપૂર્ણ રીતે સમગ્ર હોવાના રહસ્યમાં અત્યંત આંતરસૂઝપૂર્વકના અનુભવો આપ્યા. ઓશો એને આ રીતે વર્ણવે છેઃ ‘મારા બાળપણમાં મને તરવૈયા ગુરુ પાસે મોકલાવ્યો. તેઓ ગામમાં સૌથી સરસ તરવૈયા હતા અને હું કોઇ એવી વ્યક્તિના સંપર્કમાં કદી ના આવ્યો જે પાણીના આટલા ગહેરા પ્રેમમાં હોય. પાણી એમના માટે ઇશ્વર હતો. એમણે એની ભક્તિ કરી હતી – અને નદી એમનું ઘર હતી. સવારે વહેલા ત્રણ વાગ્યે તમે એમને નદીમાં જૂઓ અને રાત્રે તમે એમને નદી પાસે ધ્યાનમાં બેઠેલા પણ જૂઓ. એમની આખી જિંદગી નદીની સાથે રહેવાનો સરવાળો હતો.’
“જ્યારે મને એમની પાસે લાવવામાં આવ્યો—મારે કેવી રીતે તરવું એ શીખવું હતું-એમણે મારી સામે જોયું, એમને કંઇક લાગ્યું. એમણે કહ્યું, ‘કેવી રીતે તરવું એ શીખવાનો કોઇ રસ્તો નથી. હું તને બસ પાણીમાં ફેંકી દઉં અને તરવું તો એમાંથી જ નીકળશે. એને શીખવાનો કોઇ માર્ગ નથી – એ શીખવી પણ શકાય નહીં. એ કુનેહ છે, જ્ઞાન નહીં.’ અને એમણે એ જ કર્યું – એમણે મને પાણીમાં ફેંક્યો અને તેઓ કિનારે ઊભા રહ્યા. બેથી ત્રણ વખત હું નીચે સરકી ગયો અને મને લાગ્યું કે હું લગભગ ડૂબી રહ્યો હતો. તેઓ ત્યાં ઊભા જ રહ્યા હતા. તેઓ મને બચાવવાનો પણ પ્રયાસ કરતા નહોતા! અને ચોક્કસ જ્યારે જિંદગી દાવ પર લાગી હોય, ત્યારે તમે જે કરી શકતા હો તે બધું જ કરો. અને મેં મારા હાથ ફેંકવા માંડ્યા, ગમે તેમ, ઉતાવળા, ઉતાવળા પણ ધીમે ધીમે કુશળતા આવવા માંડી. જ્યારે જિંદગી દાવ પર લાગી હોય, ત્યારે તમે જે કરી શકતા હો તે બધું જ કરો – અને જ્યારે પણ તમે કંઇ સમગ્રતાથી કરો, ઘટના ઘટી જાય છે.” “હું તરી શક્યો! હું અચંબિત હતો! ‘ફરી વખત,’ મેં કહ્યું, ‘તમારે મને પાણીમાં નાખવાની જરૂર નથી, હું જાતે જ કૂદીશ. હવે મને ખબર છે કે શરીરની કુદરતી શક્તિ છે. આ તરવાનો પ્રશ્ન નથી. આ પાણીરૂપી તત્ત્વ સાથે તાલ મેળવવાનો પ્રશ્નન છે. એક વખત તમે પાણીરૂપી તત્ત્વ સાથે તાલ મેળવી લો છો પછી પાણી તમારું રક્ષણ કરે છે.
ઓશોએ મૃત્યુનો ખુલ્લંખુલ્લા સામનો કરવા માટે નદીનો ઉપયોગ કેવી રીતે કર્યો, એ જાણવું રોચક બની રહેશે. (ક્રમશ:)