"કસુંબો" નિર્વિવાદપણે ઉત્તમ ફિલ્મ છે.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની

આપના મિત્રો સાથે આ લેખ શેર કરો

કસુંબો ફિલ્મ જોવાનું મુહૂર્ત આવ્યું ખરું…જોવાનું નક્કી હતું, પણ ડર હતો કે ફિલ્મ ઉતરી જશે તો ?!?

કસુંબો ફિલ્મ એક ખૂણામાં એકલા બેસીને નિરાંત જીવે જોઈ. અમે પચ્ચીસેક હોઈશું !! બાકી, ખાલી ખાલી ખુર્શિયા એટલે શાંતિ જ શાંતિ અને હતા તેને ફિલ્મે જકડી રાખ્યા તેથી કોઈ disturbance ન થયું.

સામાન્ય રીતે હું ફિલ્મનું વિષે ટીકા ટિપ્પણ લખવાનું કે વિવેચન કરવાનું પસંદ કરતો નથી. ફિલ્મો પ્રમાણમાં ઓછી જોવાનું થઈ ગયું છે હવે. પણ જેના વિશે બહુ ચર્ચા ચાલે એ ફિલ્મ સમય કાઢીને પણ જોઈ લેવાનું પસંદ કરું છું.

હમણાં થોડા સમયથી ગુજરાતીમાં સરસ ફિલ્મો આવી રહી છે. અને ખૂબ સારી જહેમત ઉઠાવીને ગુજરાતી ફિલ્મો બની રહી છે, તેનો ખૂબ આનંદ છે. સરકાર પણ સારા પૈસા આપે છે એવું સાંભળ્યું છે. અલબત્ત, અગાઉ પણ મેં એક વખત લખ્યું હતું કે ફિલ્મને પૈસા આપીને છૂટી જાવ એટલું ન ચાલે પણ જે મલ્ટિપ્લેક્સ થિયેટર્સ છે એ બધાને ફરજિયાત રીતે એવું કહેવું જોઈએ કે તમારે ગુજરાતી ફિલ્મ માટે એક screen spare કરવો પડશે. કારણ સરસ ગુજરાતી ફિલ્મોમાં પહેલેથી mass આવીને બેસી જશે અને હાઉસફુલ થશે, એવું નહીં બને. આમ પણ ગુજરાતી લોકો કોઈ કહે, લખે, વખાણે, પછી પોતાનાં પૈસા ખર્ચનારા છે અને ગુજરાતી ફિલ્મો માટે તો એ સાવ સાચું છે.

આજે ગુજરાતી ફિલ્મ ”કસુંબો” જોઈ કે જેના વિશે ખૂબ ચર્ચા સામ-સામે ચાલી. અમારા એક પરમ મિત્રએ થોડુંક એના વિશે ક્રિટીકલ લખ્યું એમાં તો ઘણા મિત્રો એના પર તૂટી પડ્યા, જો કે એ તો સામે ઝાટકણી કાઢી નાખવામાં માહિર છે..

મારે તો કહેવું છે કે, ”કસુંબો” અદભુત ફિલ્મ બની છે. કોઈ ગુજરાતી ફિલ્મ તમને પડદા ઉપર છેલ્લા દ્રશ્યોમાં થ્રિલિંગ અનુભવ આપી જાય અને તમારી આંખ ચોંટી જાય એવું ભાગ્યે જ બનતું હોય છે. એ આ ફિલ્મમાં બન્યું છે. શૂરવીરતાનો ખરેખર કેસરિયો રંગ જેને આપણે કહીએ ‘કેસરિયા કર્યાં’, તો એ શું એનો અર્થ ખરેખર છેલ્લા દ્રશ્યમાં આપણને સમજાવ્યો.

બધા જ પાત્રોએ ખુબ સુંદર રીતે કામ કર્યું.. સંવાદોની વચ્ચે-વચ્ચે ટેગ લાઈન આવ્યા કરતી હતી તે રામ મોરીની કલમની હાજરી પૂરતી હતી. અમારા રાજકોટના મોહનલાલ ચુનીલાલ ધામીના દીકરા વિમલ ધામીની મૂળ સ્ટોરી છે અને વિજયગીરી બાવા જે બહુ સિદ્ધહસ્ત ફિલ્મ મેકર છે, એમણે વિમલ ધામીને યથાર્થ ક્રેડિટ આપી છે. વિજયગીરી દ્વારા આ ગુજરાતી ફિલ્મ એક milestone મૂવી બની છે, એ તો નક્કી.

પાત્રો એક એક અદ્ભૂત હતા. કોઈ પાત્ર કાચું નોહ્તું. પણ બહુ જ યાદ કરવાની મજા આવે એવાં જો પાત્ર હોય તો એ ‘દાદુ બારોટ’નું પાત્ર, ચેતન ધનાણી કરે છે તે ‘અર્જુન’નું પાત્ર અને શ્રદ્ધા ડાંગર જેમણે ‘સુજલ’ નું જે પાત્ર ભજવ્યું એ બહુ જ હ્રુદયસ્પર્શી રહ્યાં. એશ્વર્યા મજમુદાર, અરવિંદ બારોટ, અને નિશા એ ગાયેલાં ગીતો ટચી હતાં. મેહુલ સુરતીનું ‘પહોંચેલું સંગીત’ માણ્યું.

આપણે સૌએ ”કસુંબો” ફિલ્મ સત્વરે જોવી રહે. હવે તો થિયેટરોમાં એકાદ શો ચાલે છે, તેથી સત્વરે કહ્યું.

ગુજરાત સરકારે આવી જે ફિલ્મ્સ હોય એના માટે ખાસ પરિપત્રો કરીને તેને તરુણો ને યુવાનો સુધી પહોંચાડવી જોઈએ. આપણે પક્ષીય પ્રચાર માટે બહુ બેફામ પૈસા ખર્ચીએ છીએ, પણ જે આપણી સંસ્કૃતિ છે, આદિનાથ ભગવાન કે મા ખોડલ ની આટલી બધી શ્રદ્ધાભરી વાત જ્યાં થતી હોય કે જેના મોન્યુમેન્ટસ આજે પણ આપણા માટે ગૌરવપ્રદ બનતા હોય એની વાતને આપણે કેમ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચાડતા એ પ્રશ્ન થાય છે. ભારતીય સંસ્કૃતિ જળવાવી જોઈએ ને પાઠ્યપુસ્તકમાં આમ ઉમેરવું ને તેમ ઉમેરવું એવી દલીલો કરવા નીકળી પડેલા કેટલાક ‘ રાષ્ટ્રવાદ’ વાળા માણસોને પણ કહેવાનું કે, આ ફિલ્મ તમે ના જોયેલ હોય તો જોજો, આમાં આપણી ભારતીય સંસ્કૃતિનો સીધો પડઘો પડે છે. અને એક મુસ્લિમ શહેનશાહમાં પણ કરુણા કેવી રીતે પ્રગટાવી શકાય તેનો તાદૃશ્ય અનુભવ આપણને આ ફિલ્મમાં થાય છે.

મને ફિલ્મ ગમી એટલે મેં આટલું લખ્યું છે. આ એનું વિવેચન નથી, આ ગમ્યાનો રાજીપો છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને રામ અને વિજય ની જોડી ફરી કોઈ સુંદર ફિલ્મ લઈને આવે તેવી શુભેચ્છાઓ ભરી પ્રતિક્ષા.

લેખક: ડૉ. ભદ્રાયુ વછરાજાની
પ્રથમ કુલપતિ, લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇન્નોવેશન, સણોસરા, જિલ્લો: ભાવનગર.
મોબાઈલ: 9898920333
ઇ-મેઇલ: bhadrayu2@gmail.com

Share your feedback