જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે”  ત્યારે ભારતના એકોએક નાગરિકની છાતી ગર્વથી ફુલતી હતી

ભદ્રાયુ વછરાજાની                               bhadrayu2@gmail.com

કભી કભી લડને કા કોઈ વિકલ્પ હી નહીં હોતા , આ સૂત્ર છે એક ફિલ્મના અંતમાં સ્ક્રીન ઉપર હિન્દી અને ઇંગ્લીશમાં લખાયેલા એક વાક્યનું. એ ફિલ્મ છે ‘Pippa‘. 

આજની પેઢીએ 1971ની સાલ જોઈ નથી. કારણ કે, મેં પણ જ્યારે 1971ની સાલ જોઈ ત્યારે હું માત્ર ૧૬ વર્ષનો હતો. અને મારા સ્મરણમાં પાકે પાકું છે કે ત્યારે પાકિસ્તાનના બે ટુકડાઓ, વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન ભારત દેશની બે બાજુએ બરાબર નાકા દબાવીને બેઠા હતા. ત્યારે  જેને સૌ ‘ઈસ્ટ પાકિસ્તાન’ કહેતા હતા ત્યાંનું  પાકિસ્તાનનું  આખું લશ્કર ભારત દેશના  લશ્કરને શરણે આવ્યું હતું !! આ વિરલ ઘટના બહુ જ શાંતિથી નિર્માણ પામી હતી.  એ સમયની ઘટનાઓને બહુ ઊંડાણથી વાગોળીએ તો  અત્યારનો માહોલ ખિન્ન થઈ જાય એવું પણ બને અને કદાચ એના અર્થઘટનો પણ બદલાઈ જાય.!! કલ્પના તો કરો કે, એક દેશનું આખું ને આખું લશ્કર વિધિવત તમારા દેશના  સૈન્યને શરણે થતું હોય તે ઘટના  કેટલી રોમાંચક હશે, એ પળ રાષ્ટ્ર માટે કેટલી એક્સાઈટેડ હશે !!  

પણ જેણે 1971ની પળોને શ્વસી જ નથી તેને તો ઘરમાં ઘૂસીને મારવાના હાકલા પડકારા જ અભિભૂત કરે તેમાં ખાસ નવું નથી. 1971માં એ સમયના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને એ સમયનાં સૈન્યનાં વડાઓએ જે રીતે સ્ટ્રેટેજીક પ્લાનિંગ કરીને ઇસ્ટ પાકિસ્તાનમાં પાકિસ્તાનનાં લશ્કરને શરણે આવવા માટે મજબૂર કર્યું હતું એ અદ્વિતીય ક્ષણો હતી. ઓછું બોલીને, નક્કર કામ કરીને, પાકિસ્તાની લશ્કરનો ખાત્મો કરવાનું કામ એ સમયનાં ભારતીય લશ્કરે કર્યું હતું. 

બહુ જ આદર સાથે કહેવું પડે કે જેને અટલ બિહારી વાજપાઈએ ‘મા દુર્ગા’નું સ્વરૂપ કહ્યા હતા એ ઇન્દિરા ગાંધી એ વખતે ખરેખર રણચંડી બનીને સૈન્યનાં સૌ વડાઓને અને પોતાના સુરક્ષા સલાહકારોને કહી રહ્યા હતા કે, હવે લડાઈ કરવી આપણા માટેનો કોઈ વિકલ્પ નથી. જ્યારે રેડિયો ઉપરથી ઘોષણા કરવામાં આવી કે, “ભારતે પાકિસ્તાન સામે  યુદ્ધ જાહેર કરી દીધું છે” ત્યારે ભારતના એકો-એક નાગરિકની છાતી ગર્વથી ફુલાતી હતી. યાદ એ રાખવા જેવું છે કે, આજે જે બાંગ્લાદેશના શરણાર્થીઓનો પ્રશ્ન આપણે ઢોલ વગાડીને કહી રહ્યા છીએ તે જેમાંથી ઉભો થયો એ ક્ષણના સાક્ષી બનવાની જરૂર છે. કેવી હાલત ઢાકા યુનિવર્સીટીના યુવા વિદ્યાર્થીઓની  કરવામાં આવી અને  કત્લેઆમ પાકિસ્તાનના યાહ્યાખાને કરાવી, તે દર્શાવતી ફિલ્મ ‘Pippa’ આપણા રુંવાડા ખડા કરી શકે એમ છે.

આજના યુવાનો, આજના તરુણો, આજના વયસ્કોએ  પણ આ ફિલ્મ જોઈને રાષ્ટ્રને સલામ ઠોકવાનું મન થાય એમાં કોઈ બે મત નથી. અત્યારના આ વાત કરવી બહુ જ કસમયનું ગણાશે, પણ એટલું તો ચોક્કસ છે કે ભારતીય સૈન્ય અને એનું શાસન કરનાર રાજનેતાઓમાં કેટલી વિચક્ષણ બુદ્ધિ અને કેટલો શાર્પ ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ, તે જો જાણવું હોય તો 1971ના યુદ્ધમાં જવું જોઈએ. 

મને યાદ છે, કે ત્યારે હું એસ.એસ.સી.માં ભણતો હતો  ત્યારે અગિયારમું ધોરણ એટલે SSC ગણાતું હતું. પણ દસમાં-અગિયારમાંનાં વર્ષોમાં અમે લડાઈ થતી જોઈ છે. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ જે રાજકોટના કાશીવિશ્વનાથ પ્લોટના એક ખૂણામાં આવેલી હતી, ત્યાં અંદર બૉમ્બ પડે તો કેવી રીતે ખાઈમાં ઊંડા ઉતરી જવું એની ખાઈઓ અમે ખોદી હતી અને એની અંદર ઉતરી જવાની કવાયત  પણ અમે કરી હતી. બરાબર યાદ છે કે ત્યારે જામનગર ઉપર અને આપણી હવાઈ પટ્ટીઓ ઉપર પાકિસ્તાનના વિમાનોનો બોમ્બમારો થતો હોય એટલે રાતનું અંધારું થાય ત્યારથી ઘરમાંથી કોઈ પણ પ્રકાશનો લીસોટો પણ બહાર ન પડે એની વ્યવસ્થા માટે નાગરિકો ચોકી-પહેરામાં લાગ્યા હતા. સ્વંભૂ જુવાળ હતો. એ પણ યાદ છે કે એ વખતે જાન્યુઆરી,1971માં, તાસ્કંદ ખાતે આપણા વામન છતાં વિરાટ વડાપ્રધાન ‘શ્રી લાલબહાદુર શાસ્ત્રી’એ જ્યારે પ્રાણ  આપી દીધા તે  લાલબહાદુર શાસ્ત્રીએ ‘જય જવાન અને જય કિસાન’નું સૂત્ર આપ્યું. એ વખતે નાનકડો એક રેડિયો જ પ્રચાર પ્રસારનું માધ્યમ હતો, જે ઘર-ઘર સુધી પહોંચતો હતો. શાસ્ત્રીજીએ એલાન કર્યું કે, “ભારતને, ભારતના સૈન્યને, અત્યારના ખૂબ મદદની જરૂર છે.  હું અઠવાડિયામાં એકવાર સોમવારે  ભાત ન ખાવાની  પ્રતિજ્ઞા લઉં છું.” મને યાદ છે ત્યારે ઘર-ઘરની અંદર સોમવારે ભાત રંધાતા ન હતા. અમે સૌ શાળાના વિદ્યાર્થીઓ જ્યારે ટ્રકમાં ઊભા રહીને બધા પાસે ફાળો માંગવા જતાં ત્યારે કેટલાક ઘરમાંથી ગૃહિણીઓ આવે અને પોતાના હાથમાંની સોનાની વીંટી, પોતાના ગળામાંથી સોનાની ચેઈન કે બુટ્ટી કાઢીને એ ફાળામાં આપી દે એવું પણ બનતું હતું. આ બધાનું  આજે ‘Pippa’ નામની ફિલ્મ એમેઝોન પ્રાઈમ ઉપર જોઈને મને યાદ આવ્યું એટલે મને ઈચ્છા થઈ કે આપ સૌની સાથે વહેંચુ. રોની સક્ર્યુવાલા અને સિદ્ધાર્થ બાસુ દ્વારા નિર્માણ પામેલ આ ફિલ્મ 1971 પછી જન્મેલ પ્રત્યેક ભારતવાસીએ જોવી જ રહી.

હકીકતમાં ન લડવું એ જ્યારે વિકલ્પ ન રહ્યો હોય ત્યારે લડવું હોય તો કેવી ખુલ્લી છાતીએ લડવું જોઈએ, ઓછું બોલીને જાજુ કરવું જોઈએ, તે ફિલ્મમાં તાદૃશ્ય કરવામાં આવેલ છે.  ભારત દેશ જેના ઉપર વર્ષો સુધી ગૌરવ કરશે કે, એક એક સૈનિક કરીને એક  સૈન્ય આખેઆખું  ભારતના સૈન્યની સામે શરણાગતિ સ્વીકારી હતી અને લશ્કરી વડાએ સરેન્ડરના ડ્રાફ્ટ ઉપર સહી કરી હતી.   આપણી બે બાજુએ આપણું બરાબર નાક દબાવીને બે પાકિસ્તાન બેઠા હતા, એમાંથી પશ્ચિમ બંગાળની ઉપરના પાકિસ્તાનને એક જુદો દેશ બનાવીને આપણી સાથે દોસ્તી કરવાનું કામ આ લડાઈથી થઈ શક્યું હતું, એ સંતોષપ્રદ પળોને આજે સ્મરણ કરતા મને ખૂબ ગૌરવ થાય છે.

પાકિસ્તાનથી અલગ થઈને બાંગલાદેશ બનાવવા માટે લડી રહેલા બંગલાભાષીઓને ભારતે તન, મન , ધનથી ટેકો આપ્યો અને પાકિસ્તાનને તેર દિવસમાં ઢીલુઢફ કરી નાખ્યું.  ભારતીય લશ્કરે 16, ડિસેમ્બર, 1971ના રોજ ઢાકા પર કબજો કરીને પાકિસ્તાની લશ્કરને માથે કદી ના ભુંસાયેલ એવી હારની કાળી ટીલી લગાવી દીધી. પાકિસ્તાની લશ્કરના કમાન્ડર જનરલ નિયાઝીએ ભારતના જનરલ જગજીતસિંગ અરોરા સામે 93 હઝાર સૈનિકો સાથે નાકલીટી તાણીને શરણાગતિ સ્વીકારી હતી.

પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ યાહ્યાખાનની ધીરજ ખૂંટતા તેમને 1971ના ડિસેમ્બરમાં ભારત પર હુમલો કરવાની મોટી ભૂલ કરી પછી ભારતીય લશકરે પાકિસ્તાનના ભુક્કા બોલાવી દીધા. ભારતે જડબેસલાક જવાબ આપીને પાકિસ્તાનના આક્રમણને છિન્નભિન્ન કરી નાખ્યું પછી પાકિસ્તાન પાસે શરણાગતિ સિવાય કોઈ વિકલ્પ ન હતો. 93 હઝાર સૈનિકોને ભારતે બંદી બનાવ્યા. Pippa ફિલ્મ આપણી બહાદુરીનો દસ્તાવેજ છે. જેમના પરથી બનેલી ફિલ્મ સેમ બહાદુર બની છે એ સેમ માણેકશા 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધના હીરો હતા. ભારતના ઇતિહાસમાં કેવળ બે જ લશ્કરી વડાને ફિલ્ડ  માર્શલ રેન્ક મળેલ છે. ભારતના પહેલા લશ્કરી વડા  જનરલ કરીઅપ્પા અને જનરલ માણેકશા.